બાળનાટકો/મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી

Revision as of 09:20, 14 August 2021 by KhyatiJoshi (talk | contribs)

2. પીળાં પલાશ

મામાને ઘરેથી —કૃષ્ણલાલ શ્રીધરાણી

બે દિવસથી ઉમરાળા આવ્યો છું. મનમાં એમ કે ગામડામાં તો એકાંત મળશે. પણ એકાંતનું તો હવે સ્વપ્નું જ સેવવાનું. મિત્રોને સમજાવી-પટાવી કાળુભારના વિશાળ પટમાં સરી જાઉં છું. રાતા ઉનાળાએ પાણી તો સૂકવી નાખ્યાં છે. પણ વાળુને વધુ રમ્ય બનાવી મૂકી છે. આકાશની અટારીએ તરાઓનાં ઝુમ્મર ઝગે ત્યાં સુધી નદીની રેતમાં પડ્યો રહું છું, અને બાળપણ યાદ કરું છું. આ એક બાજુ ધોળનાથ મહાદેવનું મંદિર! સવારના પો’માં અહીં નહાવા આવતા. કિચુડકિચુડ કોસ ચાલતા અને ઢેલરાણી સાથે મોરલા વિહાર કરતા. પાળિયા ઉપર ફાળિયાં સૂકવી અમે મહાદેવને મંદિરે સુખડ ચોપડવા જતા. અને આ માતાજીના મંદિરની નોબત વાગે! રોજરોજ જુદાં જુદા કટુંબનો પ્રસાદ વહેંચવાનો વારો આવતો. મામાનો વારો આવતાં હું ટોપરું ને સાકર લઈ જતો. સામે આ ગઢની રાંગ કાળુભારને કાંઠેકાઠે દોડતી જાય! અમે એની ઉપર દોડતા જતા અને સાત ટાપલિયો દા’ રમતા. ભાવનગર રાજ્યની આ તો જૂની રાજધાની. અને આ ધોબીકાકા પોતાની ઘોડીને લઈને હવાડે પાણી પાવા આવ્યા! આવતાં અને જતાં અમે એની ઘુઘરિયાળી ઘોડીવાળી ગાડી વાપરતા. અને ‘બાળકોની રંગભૂમિ ખાલી છે!’ એવો ગિજુભાઈનો અવાજ આવે છે. આનાથી રૂડું બીજું કયું સ્થળ એ કામ માટે? ચાલ, આજ તો ચોપાટ રમવા નથી જવું મિત્રોને ત્યાં! વાળુ કરીને દીવી પેટની બેસી જઈશ અગાશીમાં! પણ એક નિશ્ચય પહેલેથી : ‘‘છોકરાઓ માટે લખવું છે. છોકરાં સમજાય સમજાવવા નથી લખવું.’’ બાલસાહિત્યનો મારો આદર્શ Wordsworthની Lucy Grayનો છે. વિષય બાળકો સમજી શકે તેવો સાદો અને સહેલો છતાં સ્નાતકો પણ એમાં રસ લઈ શકે તેવા કાવ્યત્વવાળો હોવો જોઈએ.

પણ એ આદર્શને કેટલે સુધી પહોંચી શક્યો છું તે તો ગિજુભાઈ જાણે!

ઉમરાળા કૃષ્ણલાલ શ્રીધરાણી

24-5-33