બિપિન પટેલની વાર્તાઓ/૧૨. પંચદ્રવ્ય

૧૨. પંચદ્રવ્ય

સર્ક્યુલર સૌરભ સોસાયટી તા. ૧૫-૬-૨૦૧૮

આથી સોસાયટીના સહુ સભ્યોને આનંદપૂર્વક જણાવવાનું કે આગામી માસ એટલે કે એક જુલાઈ, ૨૦૧૮, વિક્રમ સંવત, ૨૦૭૪, શ્રાવણ સુદ એકમથી સોસાયટીની ટાંકીમાંથી દરેક સભ્યને ઘેર ઘેર જે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, તેમાં આંશિક ફેરફાર જણાશે. જોકે પાણીના ચોવીસ કલાક સપ્લાયમાં કોઈ ફરક પડશે નહીં. આપણી કાર્યક્ષમ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારની પસંદગીની સોસાયટીઓમાં ખાસ પ્રકારનું આરોગ્યવર્ધક ‘પંચદ્રવ્ય’ નિયમિત ધોરણે પૂરું પાડવામાં આવનાર છે. આ પીણું આપણી પાણીની ટાંકીમાં પાલિકાએ ઠરાવેલી નિશ્ચિત માત્રામાં નાંખવામાં આવશે. આ કારણે નીચે મુજબના ફેરફાર જણાશે. ૧. પાણીનો સ્વાદ આરંભમાં તૂરો લાગશે. પણ, ક્રમશઃ નાળિયેરના પાણી જેવી મીઠો લાગશે. ૨. આ પીણું પીવાનું શરૂ કર્યા બાદ સાત દિવસમાં જ એનાં ફળ મળશે, એટલે કે શરીરમાં શક્તિસંચાર અનુભવાશે. આ સંચાર લેબોરેટરીના પાણીમાં નાખેલો દેડકાંને કરંટ આપતાં થાય તેવો નહીં હોય તેની મેનેજમેન્ટ ખાતરી આપે છે. જો કે આ અનુભવ નિયમિત અને નિરંતર થશે. તેનો આનુષંગિક ફાયદો એ થશે કે સોસાયટીની પ્રત્યેક વ્યક્તિની ઝડપ ઘણી વધશે. આ ઝડપ ઘર અને કાર્યસ્થળ, એમ બંને જગ્યાએ ઉપયોગી થશે. ૩. આ પંચદ્રવ્ય મેળવવા સોસાયટીના ફંડમાંથી કે સભ્યશ્રીએ અંગત રીતે કોઈ ફાળો આપવાનો રહેશે નહીં. ટૂંકમાં આ યોજનામાં કોઈ છૂપો ખર્ચ નથી. સર્વ ખર્ચ સૂર્ય-ચંદ્ર રહેશે ત્યાં સુધી પાલિકા ભોગવશે. ૪. જો કે, એક બાંહેધરીપત્ર, જે આ સર્ક્યુલર સાથે જોડ્યો છે. તેમાં દરેક સભ્યશ્રીએ હસ્તાક્ષર કરવા ફરજિયાત છે. આ બાંહેધરીમાં કંઈ વિશેષ ચિંતાજનક નથી. આ પંચદ્રવ્યનું સેવન પેઢી દર પેઢી કરવાનું રહેશે. ૫. પાલિકાએ ઉદારતાથી વિનામૂલ્યે પંચદ્રવ્ય પૂરું પાડવા બાબતે પસંદગીની સોસાયટીમાં આપણી સોસાયટીને પસંદ કરી જે વિધાયક અભિગમ દાખવ્યો છે તેને સોસાયટી મેનેજમેન્ટે વધાવી લીધો છે. આપ પણ આપની સહમતી દિન ત્રણમાં મેનેજમેન્ટને મોકલી આપશો. આપના સાથ સહકારની અપેક્ષાસહ. ચેરમેન સેક્રેટરી કમિટી સભ્યો

સાંજે આખી સોસાયટી કોમન ગાર્ડનમાં ઠલવાઈ. સોસાયટીના બધા સભ્યો નાનાં નાનાં ગ્રુપમાં ચર્ચા કરતાં હતાં. ચર્ચા હતી નવા સર્ક્યુલરની. એમની ચર્ચામાં આશ્ચર્ય, ભય અને આશંકા પ્રગટ થતાં હતાં. અમુક સભ્યો સેક્રેટરી, ચેરમેનને ઘેર જઈને મળી આવ્યા. સર્ક્યુલરને સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની ઑફિસમાં કાયદેસર પડકારવાની વાત કરી. એમને સમજાવતાં ચેરમેને કહ્યું કે, ‘એમના હાથની વાત નથી તે રોકે. વળી, પાલિકાને સહકાર આપવાની પ્રત્યેક નાગરિકની બંધારણીય ફરજ છે. અને અઢારસો ટી.ડી.એસ. વાળા ખારા ઉસ પાણીને બદલે મા નર્મદાનું પવિત્ર જળ મળશે. તેની સાથે પંચામૃત ભળે તે સોનામાં સુગંધ, સોદો ફાયદાનો છે. બાકી સહુ સભ્યોની ના હોય તો, હું તો પાલિકાને લખી દઉં. પછી કહેતા નહીં! સાંભળીને અર્ધા તો ત્યાં જ બદલાયા. તો વળી, કેટલાક સભ્યો ‘પડશે તેવા દેવાશે’ એમ માની પહેલી તારીખની રાહ જોતા રહ્યા. સર્વાનુમતે લેવાયેલા નિર્ણય અને તંત્રની અવમાનના કરવાની હિંમત કોનામાં હોય? છેવટે બધા સભ્યોએ ‘હા’ લખી. (૨) વીસમી જૂને રવિવાર હતો. ચાના ત્રણ કપનો નિયમિત ડોઝ લગાવી હું નિરાંતે છાપું વાંચતો હતો. હજુ માંડ નવ વાગ્યા હતા ને ચોકીદાર આવ્યો. એ બોલ્યો, ‘ચેરમેનસાહબ બુલા રહે હૈ.’ મને થયું, ફોર્મ તો સમયસર પહોંચાડ્યું છે. બીજું તો શું હોય? ભૂલ હશે? ગયો ત્યારે ક્લબહાઉસમાં બધા મેનેજમેન્ટવાળા ઉત્સાહમાં હતા, મને પ્રવેશતો જોઈને ચેરમન, પ્રેમ ઉભરાઈ જતો હોય એમ, ‘આવો જયંતભાઈ’ કહી આવકાર્યો. હું બેઠો. એમણે વાત શરૂ કરી : જુઓ જયંતભાઈ, આપનું ખાસ કામ પડ્યું છે. પાલિકાની ‘પંચદ્રવ્ય’ યોજના સંદર્ભે તમને એક નાનકડું કામ સોંપવાનું મેનેજમેન્ટે સર્વાનુમતે ઠરાવ્યું છે. મેનેજમેન્ટના રેકોર્ડ મુજબ તમે માનસશાસ્ત્ર સાથે બી. એ. કર્યું છે, બરાબરને? – હા, સાંભળી એમણે તરત સેક્રેટરીને આંખ મારી. – ‘પંચદ્રવ્ય’નું સેવન કર્યા પછી સાત દિવસમાં સહુની ગતિવિધિમાં ફેરફાર જણાશે એ તમને ખબર છે. આ સિવાય પણ બીજા ફેરફાર થવાની શક્યતા નકારી ન શકાય. – તમારું એમ કહેવું છે કે મારે એમનું નિરીક્ષણ કરવું? – માત્ર નિરીક્ષણ નહીં. સોસાયટીનાં સહુનાં વાણી-વર્તનમાં થતા ફેરફારનો ઝીણવટથી અભ્યાસ કરી અહેવાલ રજૂ કરવાનો રહેશે. તારણો નથી કાઢવાનાં. એ કામ ઉચ્ચ કક્ષાએ હાથ ધરવામાં આવશે. – ઘેર ઘેર ફરવું ઉચિત ન કહેવાય, અને શક્ય પણ નથી. – કમિટી મેમ્બર શર્માજીનો અવાજ ઊંચો થયો, ‘કેમ ઉચિત નથી?’ ચેરમેને એમનો હાથ દબાવ્યો અને દોર હાથમાં લીધો. કહ્યું, ‘એવું હોતું હશે, મારા દોસ્ત જયંત? આને આદેશ ન ગણશો. હરતાં ફરતાં જ્યારે પણ તમને વખત મળે, ધ્યાન જાય ત્યારે મનમાં નોંધ લેવી. – પણ, હું શા માટે નોંધ લઉં? – તમે મેનેજમેન્ટના પસંદગીના માણસ છો. અને પાલિકાને જાણવું છે કે તેમના આ પાયલોટ પ્રોજેક્ટથી સમાજને શો ફાયદો થયો. કલ્યાણરાજ્ય આવા પ્રોજેક્ટ થકી જ રચાય, એ કંઈ તમને ન સમજાવવાનું હોય. લાંબે ગાળે દેશની તમામ નગરપાલિકાઓ પણ આ યોજનામાં જોડાય એવું આયોજન છે. એમાં શું છે કે, દેશની ઉર્જા આકાશને આંબે. ઉત્પાદનમાં અકલ્પ્ય વધારો થાય. જી. ડી. પી. પણ કૂદકે ને ભૂસકે વધે. અવ્વલ નંબરે પહોંચે આપણો દેશ. બોલો, હવે તમારી હા ગણુંને? મેં નામરજીથી ‘હા’ કહી ડોકું હલાવ્યું. (૩) બી. એ. પાસ થયા પછી એક્સપોર્ટ-ઇમ્પોર્ટની ઑફિસમાં નોકરી મળી તે હોંશથી સ્વીકારી લીધી હતી. કુટુંબને આર્થિક ટેકાની જરૂર પણ ખરી. વીસ વર્ષ પછી માનસશાસ્ત્રનું જ્ઞાન ઢંઢોળવું અઘરું તો ખરું. પણ કોઈ પણ કામ નિષ્ઠાથી કરવાની ટેવ તેથી ચાલવાનું ત્રણ ટંક, સવાર સાંજેે અને રાત્રે શરૂ કરી દીધું. ‘પંચદ્રવ્ય’નો પૂરવઠો અપાવો શરૂ થયાના દસમા દિવસે જ જોસેફ અને પનીકર સામા મળ્યા. પહેલા આંટામાં એ બંને સુપરફાસ્ટ ટ્રેનની જેમ પસાર થઈ ગયા. પરસ્પર ‘હેલો’ ન થયું. બીજા આંટે મેં સ્માઇલ આપ્યું તેનો પ્રતિભાવ વીસમા ડગલે પનીકરે આપ્યો, એ મેં જોયું. ત્રીજા આંટે તો બે હાથ ઊંચેથી નીચે લઈ જઈ ઊભા રહેવા નિર્દેશ કર્યો. ચેઈન ખેંચાતાં આંચકા મારીને ઊભી રહેતી ટ્રેનની જેમ બંને થોડા આગળ ઊભા રહ્યા. હું દોડીને ત્યાં પહોંચ્યો. પૂછું તે પહેલાં જોસેફે મને જણાવ્યું, ‘જયંતભાઈ ફિટનેસ ડૉક્ટર્સ કહે છે, મિનિટમાં સો સ્ટેપ્સ ચાલવું તે આઇડીયલ ગણાય. પણ અમે બંને સવાસો સ્ટેપ્સ સુધી પહોંચી ગયા. ડોન્ટ નો મે રિચ હન્ડ્રેડ ફિફ્ટી વિધિન એ વિક, ‘ઘણો ફાયદો થશે, એટલિસ્ટ હાર્ટએટેકનું જોખમ ઓછું થશે.’ પનીકરે પૂરું કર્યું. જોસેફે પ્રશ્નસૂચક નજરે મારી સામે જોયું. કદાચ એમને પ્રશ્ન થયો હોય કે મારી ચાલ કેમ નહીં બદલાઈ હોય? વળી એક બે દિવસ પછી સાંજે ચાલતો ચાલતો સોસાયટીના ખાંચામાં પહોંચ્યો. સોસાયટીમાં સાત લાઈનો હતી. લાંબી પણ ખરી, મારો ચાલવાનો કોટા સોસાયટીમાં જ પૂરો થઈ જતો. બહાર જવાનો હમણાં અવકાશ પણ ન હતો. ફોક્સ્ડ રહેવાનું હતું. ત્યાં જ મેં વ્હીલચેરમાં બઠેલા મહેતાસાહેબને જોયા. વ્હીલચેર કેરટેકર ચલાવતો હતો. મહેતાસાહેબે ચેર રોકાવી. અંગ્રેજીના અધ્યાપક મહેતાસાહેબને નિવૃત્તિ પછી તરત જ પેરાલિસિસનો હુમલો આવ્યો ને પછી રિકવરી ન આવી. ઉંમરને કારણે નબળાઈ પણ ખરી. એમણે મને ટાઇમ પૂછ્યો. મેં કહ્યો તે પ્રમાણે કેરટેકરે મહેતાસાહેબની ઘડિયાળમાં ટાઇમ સેટ કર્યો, આગળ નાકે પાછાં સુનંદાબહેનને પકડ્યાં. ફરી ટાઇમ સેટ કરાવ્યો. પછી તો હું અઠવાડિયું વ્યસ્ત રહ્યો. પણ, જોયું તો મહેતાસાહેબની સમયપાલનની ટેવની ઝડપ વધતી ગઈ. પેલો કેરટેકર કંટાળીને એકવાર ગુપચાવવા ગયો તો તરત એને પકડ્યો અને ટાઇમ સેટ કરાવ્યો. એકવાર મહેતાસાહેબની ખબર પૂછવા વ્હીલચેર ઊભી રખાવીને એમના ઘડિયાળમાં જોયું તો આઈ. એસ. ટી. ટાઇમને બદલે કોઈક જુદા જ ખંડનો ટાઇમ સેટ થયેલો દેખાયો. કેરટેકર મહેતાસાહેબની ગતિને ક્યાંથી પહોંચી વળે? એ થોડો પંચદ્રવ્યનું નિયમિત સેવન કરે છે? સાંજે તો એના ઘેર જાય છે. કંટાળાથી શરૂ કરેલી પ્રવૃત્તિમાં હવે રસ પડવા લાગ્યો. આનંદ આવતો હતો. આથી ગમે તે સમયે બંગલાના વરંડામાં ઊભા રહીને આસપાસમાં અને ક્લબહાઉસ સુધી નજર દોડાવતો. આમ એક દિવસ રાતના નવ વાગે ઊભો હતો ને ધીમો, મધુર અવાજ સંભળાયો. પડોશી હર્ષાબહેનને ઝાંપો ખોલીને ક્લબહાઉસ તરફ જતાં જોયાં. ત્યાં જ ચેતનાબહેન પણ એમની પાછળ પાછળ ગયાં. મને થયું ‘કાયર થઈ આળસ કરે તે નર ખરને તોલ.’ બૂટ પહેરવાની ઝંઝટ કરવાને બદલે નાઇટડ્રેસમાં જ ચંપલ પહેરીને અવાજની દિશામાં ગયો. ગાર્ડનની વચ્ચે એક ખુરશીમાં માતાજીનો ફોટો હતો. સ્ટૂલ પર ટેપરેકોર્ડર હતું, હર્ષિદા રાવલના મંજુલ અવાજમાં ‘એક લાલ દરવાજે તંબુ તોણીયા રે લોલ’ સંભળાયું. છેક પહોંચ્યો ત્યારે સોસાયટીની પંદરેક બહેનો ગરબે રમતી હતી, જયા પણ હતી. એ ક્યારે ત્યાં પહોંચી ગઈ, મને ખબર ન પડી. હર્ષાબહેન અને નીતાબહેન દોઢિયું લેતાં ‘બાદશો બડો મિજાજી’ કહી ઠેકડો મારતાં હતાં તો, વર્ષાબહેન અને રીનાબહેન દાંડિયાના વિકલ્પે તાલીઓના તાલે નાચતાં હતાં. નવરાત્રીમાં નિયમિત જતો પણ આવી થિરકતી ચાલમાં બહેનોને ગાતાં જોવાની મજા પડી. મેં પણ તાલીઓ પાડીને પોરસ ચડાવ્યો. એક સમયે તો રર્કોડરના ગરબાના તાલને બહેનોએ ક્યાંય પાછળ મૂકી દીધો. મને જોઈને પિન્કી ઉત્સાહમાં આવીને ગરબાના બોલ પડતા મુકીને, ‘જોઈ શું રહ્યા છો જોડાઈ જાઓ’ ગાતાં ઘૂમવા લાગી, બીજે દિવસે મેં જયાને પૂછ્યું, ‘નવરાત્રીને તો ઘણી વાર છે, કેમ અત્યારથી પ્રેક્ટીસ?’ ‘દર મહિને એકમ અને પૂનમે ગરબા લઈશું. યુ હેવ એની પ્રોબ્લેમ?’ બોલતાં એના પગ નર્તન કરવા લાગ્યા. (૪) વીસ દિવસ પછી આરંભનો આનંદ નહોતો રહ્યો. કંટાળો પણ આવતો હતો. વેઠ કરતો હોઉં એમ લાગતું હતું. પ્રોજેક્ટ પડતો મૂકવાનું મન થયું. હું ક્યાં બંધાયો છું? આમ પણ ઘણો ડેટા ભેગો થયો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી નિરીક્ષણોની નોંધ લંબાણથી કરવાનું બંધ કર્યું હતું. સમય મળે ત્યારે ટૂંકમાં મુદ્દા ટપકાવતો, જેમ કે, ચંચળમા જબરદસ્ત સ્પિડમાં માળા ફેરવે છે. દર ત્રણ દિવસે માળાનો દોરો તૂટી જાય છે. કદાચ ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવવું પડશે. કમિટી મેમ્બર મહેશભાઈના વોકરનો અવાજ છેક બીજા છેડે સંભળાય છે. યંત્રવત્‌ કપડાં ધોકાવતાં વસંતીબા ચાર્લી ચેપ્લિનની ફિલ્મ ‘મોર્ડન ટાઇમ્સ’ના હીરો જેવાં લાગે છે. હેટ સ્પીચ આપનારા વધતા જાય છે. એમનો કસમયે આવતો અવાજ સહુને પજવે છે. એમના વાસમાંથી બધાને છોડાવવા મેનેજમેન્ટે ગઈકાલે ચોથી સાઉન્ડપ્રૂફ કેબિન ક્લબહાઉસ પાસે મૂકી. ગેલેરીની રેલિંગ પર કાયમ પગ લબડાવીને હલાવતા જોવા મળતા ચીમનભાઈએ જમણો પગ કચ્ચીને પકડી રાખ્યો છે. હવે આવા કોઈ પણ દૃશ્ય પર નજર નથી નોંધતો. રસ્તાને બદલે કોમન ગાર્ડનમાં ચાલું છે. મન સાફ થઈ ગયું છે. સવારની ઠંડકમાં પ્રકૃતિનો વૈભવ આંખે અડાડું છું, પક્ષીઓના ચહચહાટથી કાન ભરાઈ જાય છે. તેથી મન પ્રસન્ન રહે છે. અત્યારસુધી અમથો કૂટ્યા કરતો હતો. (૫) પહેલી ઓગસ્ટ નજીક આવતી જતી હતી. અહેવાલ સમયસર અપાય તે માટે બે દિવસની રજા લીધી છે. સારી એવી માહિતી ભેગી થઈ હતી. મેનેજમેન્ટ ખુશ થઈ જશે, એમણે કહ્યું નહોતું તો પણ વિશ્લેષણ કર્યું છે, દ્રવ્યના સેવન પછી લોકો બદલાયા એના ત્રણ વર્ગ દર્શાવ્યા છે. અ. ઘણી ઓછી અસર. કદાચ ચાલાકીથી ઓછું પાણી પીતા હશે. બ. બરાબર અસર, રોજિંદાં કામ કરે પણ એકાદ એક્ટિવિટીનાં તીવ્ર ઝડપ જોવા મળે. ક. ભારે અસર, કેમિકલ લોચાનાં લક્ષણો ચોખ્ખાં દેખાય. મલકતો મલકતો ક્લબહાઉસમાં સોસાયટીની ઑફિસ પાસે પહોંચી ગયો. આસપાસ બધું કાળુંધબ્બ ગાર્ડનની બધી લાઈટો બંધ હતી. રોડ પણ સૂમસામ હતો. ઑફિસની અંદર પણ આછું પીળું અજવાળું હતું. ડાર્ક ગ્લાસમાં આથી વધારે દેખાયું નહીં. બારણું બંધ હતું. ઉત્સાહમાં ધક્કો લગાવી જોયો, ન ખૂલ્યો. દરવાજો થપથપાવવાનો વિચાર કરતો હતો ને ધીમો ગણગણાટ સંભળાયો. ચોરપગલે તૂટેલા કાચવાળી બારી પાસે પહોંચી ઊભો રહી ગયો. હવે ચેરમેનનો અવાજ સંભળાતો હતો. ‘શું વાત કરો છો ગોહિલ?’ જયંતનું ખસી ગયું છે? ‘પંચદ્રવ્ય’ના સેવનથી એમ થવું શક્ય જ નથી. ‘હવે મનસુખનો મોટો અવાજ સંભળાયો, ‘સાહેબ નિરાંતે અમારો રિપોર્ટ વાંચી લેજો. અમે અન્ય સોર્સથી પણ ચકાસી જોયું છે. હમણાંથી જયંત રાતે વરંડામાં ઊભેલો જોવા મળે છે. એના ઘરની સામેનાં મકાનો તરફ એકધારું જોયા કરે છે. બારણું ખૂલે ને સભ્યશ્રીનાં બહેન દીકરી નીકળે તો એમને પણ તાકી રહે છે. સભ્યોની ફરિયાદની વિગતો પણ રિપોર્ટમાં છે. ગમે તે સમયે ગાંડાની જેમ સોસાયટીમાં ચાલ્યા કરે છે, એક બે વાર તો રાતે બાર વાગે ગાર્ડનમાં ફરતો જોવા મળ્યો હતો. સાહેબ સાવ ગયેલો કેસ છે. મારા પગ ધ્રુજવા લાગ્યો. વાતાવરણ ઠંડું હતું તો પણ પરસેવાના રેલા ઉતરવા લાગ્યા બીજા કોઈએ અહેવાલ આપવાની વાત જ ક્યાં હતી? મને ખાસ માણસ ગણીને તો કામ સોંપ્યું હતું. ક્વોલિફાઈડ પણ હું જ હતો ને? ક્રોસ-વેરિફિકેશન કરવું હશે, મેનેજમેન્ટે? બીજા કેટલાને સોંપ્યું હશે? ખિસ્સામાં હાથ નાંખી રિપોર્ટનું બંડલ કચ્ચીને દબાવ્યું. અલ્યા તમને બંનેને તો મેં ‘ક’ વર્ગમાં ખતવ્યા છે. ગોહિલીઓ જ્યારે નવરો પડે ત્યારે ઘરમાં કસરતના હેતુની સીડી ચડે ખરો પણ ડૉક્ટરની સલાહ અનુસાર ઢીંચણ સાચવવા ઉતરતાં લપસણી ખાતો હોય એમ બેઠો બેઠો ઊતરે છે. અને મનસુખ તું રહેવા દે. આખી દુનિયાના સિક્કા ભેગા કરી બેઠો બેઠો ઉલાળ્યા કરે છે. તારી વહુ રતિ કહેતી’તી કે સીલિંગ પર ટીચા પડી ગયા છે. પાછો બારણે આવ્યો. રિપોર્ટ હાથમાં લીધો, બારણું ખખડાવવા જતો હતો ને થયું, રિપોર્ટ આપું કે ન આપું, હવે શો ફેર પડશે? અંધારી મેઘલી રાત હતી. ક્લબહાઉસથી ઘર સુધી ક્યાંય અજવાળાનું નામ ન હતું. અંધારાનું ઘેન ચડ્યું હોય તેમ ખુરશીમાં ઘોરતા ચોકીદારનાં નસકોરાં સંભળાતાં હતા. અડબડિયું આવ્યું પણ છેવટે ઘેર પહોંચ્યો. ખિસ્સું ફંફોસી ચાવી કાઢી. બે ત્રણ પ્રયત્ને કિ-હોલમાં ચાવી બેઠી. દરવાજો બંધ કરી, પાણી પણ પીધા વગર પથારી ભેગો.