બીડેલાં દ્વાર/11. મીનાક્ષી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading |11. મીનાક્ષી}} '''થોડી''' ઘડીની ચૂપકીદી પછી ઇંદ્રમણિ દુભાયેલા...")
 
No edit summary
 
Line 54: Line 54:
પોતાના સંગ્રામોનાં પૂર-ઘમસાણો વચ્ચે, નિષ્ફળતાના ઉપરાછાપરી હુમલા આવતા હોય તે વેળા, સર્વ કોઈ પુરુષને માટે, પોતાનું પડખું નબળું હોવાની, પોતાની પત્નીમાં પૂરી બોણી ન હોવાની જે માન્યતાનું નરક ખડું થઈ જવું સહજ છે તે નરકને છેક દ્વારે પહોંચીને અજિત પાછો વળ્યો. એણે પોતાના મનને નિર્મળ બનાવવાનો પહેલો જ ઇલાજ એક બાળકને છાજે તેવો લીધો. ઇંદ્રમણિની જે જે ચોપડીઓ પોતાના ઘરમાં હતી તે ભેગી કરીને તેની તેણે હોળી કરી નાખી, તથા પ્રભાએ ઇંદ્રમણિનાં ક્વયિત્રી પત્નીને એક રોષભર્યો લાંબો કાગળ લખી કાઢ્યો, ને પછી તે સગડીમાં હોમી દીધો! બસ, એ દુઃખદ પ્રસંગની પૂરેપૂરી ભસ્મ થઈ ચૂકી. એની સ્મૃતિનો એક પણ અવશેષ એ નાનકડા ઘરનાં નાનકડાં બે માણસોનાં બાલિશ અંતઃકરણમાં રહ્યો નહિ.
પોતાના સંગ્રામોનાં પૂર-ઘમસાણો વચ્ચે, નિષ્ફળતાના ઉપરાછાપરી હુમલા આવતા હોય તે વેળા, સર્વ કોઈ પુરુષને માટે, પોતાનું પડખું નબળું હોવાની, પોતાની પત્નીમાં પૂરી બોણી ન હોવાની જે માન્યતાનું નરક ખડું થઈ જવું સહજ છે તે નરકને છેક દ્વારે પહોંચીને અજિત પાછો વળ્યો. એણે પોતાના મનને નિર્મળ બનાવવાનો પહેલો જ ઇલાજ એક બાળકને છાજે તેવો લીધો. ઇંદ્રમણિની જે જે ચોપડીઓ પોતાના ઘરમાં હતી તે ભેગી કરીને તેની તેણે હોળી કરી નાખી, તથા પ્રભાએ ઇંદ્રમણિનાં ક્વયિત્રી પત્નીને એક રોષભર્યો લાંબો કાગળ લખી કાઢ્યો, ને પછી તે સગડીમાં હોમી દીધો! બસ, એ દુઃખદ પ્રસંગની પૂરેપૂરી ભસ્મ થઈ ચૂકી. એની સ્મૃતિનો એક પણ અવશેષ એ નાનકડા ઘરનાં નાનકડાં બે માણસોનાં બાલિશ અંતઃકરણમાં રહ્યો નહિ.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 10.  બે પરોણા
|next = 12.  છબીલભાઈ
}}

Latest revision as of 12:47, 9 May 2022

11. મીનાક્ષી

થોડી ઘડીની ચૂપકીદી પછી ઇંદ્રમણિ દુભાયેલા સ્વરે બોલ્યા : “મારો સમજાવવાનો મુદ્દો જરા વિકટ ને કઠિન હતો. મારે તમારી પાસે નિખાલસ બની વાતો કરવી હતી. પણ દુનિયામાં કોઈને એના દોષો કહેવા જવું એ મોટામાં મોટા અપરાધ છે.”

“મારા દોષો સાંભળવા હું પૂરેપૂરો તૈયાર છું.” “પણ દેખીતી રીતે જ તમને એ ગમ્યું નથી.” અજિતે કહ્યું : “તમે કરેલી ટીકાના જવાબો હવે હું આપું તો તે તો તમે સાંભળશો ને? તમારા દોષો — તમારા વિવેચક તરીકેનો દોષો — હવે હું બતાવી આપું?” “મને કશો વાંધો નથી.” “હવે જુઓ સાહેબ!” અજિતે કહ્યું : “મારે આપને નાનકડી જ વાત કહેવાની છે, કે આપ મારી મુશ્કેલીનો મુદ્દો જ ચૂકી ગયા છો. મારા વિકાસને રૂંધનાર કારણ મારી ગરીબી અને તક મળવાના અભાવ સિવાય બીજું કશું જ નથી. સંસ્કારવતી સ્ત્રીઓના સહચારને અભાવે હું અક્કડ ને એકલતાપ્રેમી બન્યો છું એ ગલત વાત છે. મારી પત્નીમાં પણ મને કશી વાતની ન્યૂનતા નથી. અમે બેઉ એકબીજાને માટે બનતું બધું જ કરી છૂટીએ છીએ, ને અમે બેઉએ અમને મળનાર કોઈ પણ માણસો કરતાં વિશેષ સહ્યું છે. આથી વિશેષ મારે કશું કહેવાનું નથી. સાંભળવાનું પણ નથી.” આવા જવાબે યુનિવર્સિટીના માંધાતા શ્રીમાન ઇંદ્રમણિનું હૃદય દુભવ્યું હતું એ સ્પષ્ટ દેખાઈ આવ્યું. બેઉ મૌન પાળતા જ પાછા વળ્યા. ચાલી આવી ત્યારે ઇંદ્રમણિ પોતાની મોટરના શોફર પાસે ગયા અને અજિત આ પ્રસંગ પર વિચાર કરતો ઊભો રહ્યો. બસ, આ જ વાત હું શહેરમાં રહેતો ત્યારેય મારે સાંભળવી પડી હતી. આની આ જ વાત હું જ્યાં જ્યાં જઈશ ત્યાં ત્યાં મારે સાંભળવી પડશે! પ્રભાની સાથેનું મારું જીવન ચાહે તેવું કઠિન ને કંગાલ હો, મારે તો એનો પક્ષ લઈને જ આખી દુનિયા સામે ઊભા રહેવાનું છે. પ્રભાના દોષ છો ને હજાર રહ્યા, જગતને એ દોષો પર ઇન્સાફ તોળવા બેસવાનો અધિકાર નથી. એથી ઊલટું, આ ચાવળાઓ જેને ‘સંસ્કારવંતાપણું’ કહે છે તે ઉપરછલો ઢોંગ, તે ચકચકાટ — દુનિયાના કોઈ પણ વિષય પર ભડ ભડ અભિપ્રાયો ફેંકવાની શક્તિ — એ પ્રભામાં ન હોય તોપણ તેના જીવનમાં રહેલી સાદી મહત્તાને લોકોએ ઓળખવી-મૂલવવી જ પડે, એવી માનવૃત્તિ હું પ્રભા પ્રત્યે ધારણ કરી રાખીશ. પ્રભા પ્રત્યેની મારી એકનિષ્ઠાથી હું મારી જાતને જકડી રાખીશ. એની પ્રકૃતિને જ હું મારા જીવનનો નિયમ બનાવીશ, એની જરૂરિયાતોને હું મારા જીવનનાં ધોરણો બનાવીશ, દિનપ્રતિદિન હું મારું નિજત્વ ઘટાડતો જઈશ, ને વધુ ને વધુ એના જેવો બનતો જઈશ. પોતે ઓરડી પર ગયો, ત્યારે ચાલીમાંથી એણે અંદર બેઉને વાતો કરતાં સાંભળ્યાં. પ્રભાના બોલ પર અજિત બહાર જ થંભી રહ્યો. પ્રભા મીનાક્ષીદેવીને કહી રહી હતી : “મારી મુશ્કેલી એ છે કે મને આત્મશ્રદ્ધા નથી. બીજી સ્ત્રીઓ પોતાના વિષે ચોક્કસ હોય છે, આત્મપૂર્ણ અને સંતુષ્ટ હોય છે.” “પણ તમે શા માટે એવાં ન થઈ શકો વારુ?” મીનાક્ષી પૂછતી હતી. “નથી થઈ શકાતું. આટલાં વર્ષો સુધી પરાજય, પરાજય ને પરાજય જ મળેલ છે. હું દબાઈ ગઈ છું. બીજો કોઈ બહારનો આધાર હું લઈ શકતી નથી, એટલે પછી મારામાં ને મારામાં સમાઈ જાઉં છું.” “નહિ, પણ તમારે તમારામાંથી બહાર નીકળી દુનિયામાં ભળવું હળવું જોઈએ. તમારે પ્રયત્ન કરવો જોઈએ, તમારે માનસિક ગૂંચવાડાને દૂર હટાવવા જોઈએ. આવડી જુવાન સ્ત્રી માનસિક ગૂંચળાંમાં ને ગૂંચળાંમાં અટવાઈ રહે તે કાંઈ સારું કહેવાય?” “પણ ત્યારે હું શું કરું?” પ્રભા એ બોલતી બોલતી વિચારતી હતી કે આ શિખામણ દેતી સ્ત્રી મુદ્દાની વાતને જ પકડતી નહોતી. “બસ.” મીનાક્ષીએ કહ્યું : “તમારે તમારી જાતને વિશે વિચારો કર્યા કરવાનું જ બંધ રાખવું. તમારે અન્ય વિષયોમાં ઊતરી જવું. તમને તો કવિતા પણ આવડે છે — બસ, તમારા પોતાના વિશેના વિચાર-કોચલામાંથી તમે બહાર નીકળો એટલી જ વાર છે.” બહાર ઊભો ઊભો આવી ડાહીડમરી શિખામણ સાંભળતો અજિત ઊકળી ઊઠ્યો. આ બહારથી ચાલી આવતી, પરીક્ષકની ને પેન્શનરની લક્ષ્મીમાં આળોટતી સ્ત્રી, આ એરીંગોના હીરા ઝુલાવતી ને માથાના વાળની પાટલીઓને બેસાર બેસાર કરતી સ્ત્રી, આ મોટર-મ્હાલતી છબીલી, આ નવરી કવયિત્રી, આ ઘેર જઈ તૈયાર રસોઈ પર બેસનારી શેઠાણી — ગજબ છે આ બાઈની ધૃષ્ટતા! કશું જ જાણે જાણી શકતી ન હોય તેમ એ પ્રભાને શિખામણ આપે છે કે — ‘તમારા વિચારો કરવા છોડી દ્યો!’ અંધી છે? દેખતી નથી? એની બરદાસ્તમાં બેઠેલી પ્રભાની સગડી પણ હજુ ઠંડીગાર છે એટલુંય એને ભાન નથી? ઢગલો એક કપડાં ધોવા માટે પડ્યાં છે નળ નીચે, એ શું એ નથી દેખતી? પત્નીને હાક મારી કહી દેવા મન થયું કે આ વાતો બંધ કરો. ત્યાં તો મીનાક્ષીદેવી બોલી ઊઠ્યાં : “તમારાં આ બધાં દુઃખનું મૂળ તમારું એકલપણું ને પોતાનામાં જ ગૂંચવાઈ રહેવાની તમારી આદત છે. કાંઈક પણ રચનાત્મક તમારે કાર્ય કરવું જ જોઈએ. છેવટે કાંઈ નહિ તો તમારા બાળકને જ તમારે પદ્ધતિસર ઉછેરવું જોઈએ. એમાં મન રોકી દેવું જોઈએ. ને તમારે એટલું તો જાણવું જોઈએ ને, કે દુનિયામાં તમારે એકલાંને જ થોડી મુશ્કેલીઓ છે? અરે મારી ધોબણ છે ને, તે બાપડી રાંડીરાંડ છે, ને પાછી ચાર છોકરાંની મા છે, તોપણ બસ, એ…” બહાર ઊભેલા અજિતને હાડેહાડ વ્યાપી ગઈ. એ ધસી જવાની અણી પર હતો, ત્યાં તો પ્રભાએ જ મીનાક્ષીને સંભળાવ્યું : “ભલાં થઈને એ વાત ન કરો. મારે એ નથી સાંભળવી તમારી ધોબણની વાત.” “પણ શું થયું?” “તમે, બાપુ, મારી વાત સમજતાં નથી. તમે પોતે શું કરી રહ્યાં છો તેની પણ તમને કંઈ સાન નથી.” “કેમ તમને એમ લાગ્યું?” “કાંઈ નહિ. માફ કરો. મારી વાત મેં તમારી પાસે ઉચ્ચારવામાં ભૂલ કરી છે. કોઈથી એ સમજાય તેવી નથી. મારે એકલીએ જ લડવાનું છે.” “પ્રભા, અહીં જરી આવીશ કે?” અજિતે અવાજ દીધો. પ્રભા બહાર આવી, અજિતે એને નળની ઓરડીમાં મોકલી દીધી. પોતે અતિથિ કવયિત્રી સાથે વાતો છોલતો બેઠો. થોડી વારે બેઉ જણાં વિદાય થયાં. પ્રભા ઘરમાં આવી. એણે પૂછ્યું : “એ બાઈ ગઈ કે?” પૂછતાં પૂછતાં પ્રભા હાંફતી હતી. “ઓહ!” પ્રભા તપી ઊઠી : “એને કાંઈ શરમ ન આવી! એની ધૃષ્ટતાને કાંઈ હદ ન આવી! એ મોટરમાં ચડીને ચાલી ગઈ. દરિયે બંગલામાં પોતાને રાત રહેવા મળી છે ખરી ને, એટલે એણે મને એની ધોબણનો દાખલો દીધો! પોતે અત્યારે પોતાના નોકરોચાકરો, પોતાનાં પુસ્તકોનાં કબાટો, ને પોતાને જોઈએ તે તમામ સગવડોથી ભરેલા બંગલામાં પહોંચી હશે! ને મને એ કાંઈક કામમાં મન રોકવાનું કહી ગઈ! આવી રીતે અહીં આવીને મારાં લમણાં ઉપર શિખામણના ચાબુક ચોડવાનો શો અધિકાર હતો એને!” “પણ ગંડુ, તેં જ એને કેમ આવી છૂટ લેવા દીધી?” “મને શી ખબર?” “પણ આ શરૂ શી રીતે થયું?” “મારે કોઈ દિલ ખોલીને વાત કહેવા ઠેકાણું નહિ. ને એણે મારા વિશે જાણવા ઉત્સુકતા બતાવી. મારી પાસેથી એણે વાતો કઢાવી. મને લાગ્યું કે મારા પ્રત્યે દિલસોજી બતાવતી હશે — એ મારાં દુઃખની વાત સમજતી હશે.” “પ્રભા, એ તો દુનિયાની નારી છે. એ તો જમાનાની ખાધેલ બૈરી કહેવાય.” “એણે મને વિચારવાયુવાળી કહી! એણે મને કશીક પ્રવૃત્તિમાં પડી જવાનો બોધ દીધો. હું છોકરાની પળોજણ કરું છું, છ વાર એને છાતી ચુસાવું છું, બે વાર આપણા પેટનું પકાવું છું, ધોઉં છું, ઝાડુ કાઢું છું, બાકીનો વખત લોથપોથ પડી રહું છું; ને પછી જો હું મારી મૂંઝવણોના વિચારો કરું તો તે એટલા માટે કે મારે કાંઈ કામધંધો નથી!” “પ્રભા, એવી સ્ત્રીની દયાના પાત્ર તારે નહોતું બનવું જો’તું.” “એની દયા માનવાને બદલે એને તો હું ધિક્કારું છું.” “આવા લોકોથી તારું રક્ષણ કરી લેતાં શીખવું જોઈએ.” “હું એવાને મળીશ જ નહિ ને! એવાંના માથાની બનવાની મારામાં શક્તિ નથી. એમની પાસે જે હથિયાર છે તે મારી પાસે નથી. એમના જેવું મને ભણતર નથી. એવાની જિંદગી વિશે મારે કશું જાણવું જ નથી ને! એનામાં આત્મા જ નથી હોતો.” “એમ નહિ, પ્રભા, આપણી વાતો સમજવાનું એમને માટે સહેલ નથી. એમણે કદી ગરીબી દીઠી નથી.” “સંસ્કૃત યુગનાં પ્રેમ અને સૌંદર્યની એ ડંફાસો મારતી હતી! પ્રેમ અને સૌંદર્યને માટે એણે કયો એકેય ભોગ આપેલ છે! કઈ વેદના સહન કરેલ છે! ફક્ત જીભે જ બકવાદ કરતી હતી. ફક્ત વાક્યોનાં જ ગૂંચળાં એના મોંમાંથી નીકળ્યે જતાં હતાં. પોતે ભણેલીગણેલી છે, બનીઠનીને તૈયાર થયેલી છે. ઉપરથી ઊજળી ઊજળી બનીને બહાર નીકળી છે. બસ, ફક્ત કેમ બોલવું તે એક જ વાત એને શીખવવામાં આવેલ છે. મને કોઈએ તે ભણાવ્યું નથી, એટલા માટે એ મને ધિક્કારવાનો હક્ક સમજે છે.” “એટલું જ નથી, પ્રભા! એથી ઊંડું રહસ્ય છે. તારામાં જ કંઈક એવું છે કે જેને એ સ્વાભાવિકપણે જ તુચ્છકારે, તારો એને તેજોદ્વેષ થાય.” “એટલે તમે શું…” પ્રભા સમજી ન શકી. “મેં તને કહ્યું છે, વહાલી! તારામાં જે ઊંડી પ્રતિભા પડેલ છે તેનો એ સૌને દ્વેષ થાય છે.” “પ્રતિભા! પ્રતિભા! મારે એ પ્રતિભાને શું ધોઈ પીવી છે? એ પ્રતિભા જ મને જીવન જીવવા માટે નાલાયક બનાવે છે. એ પ્રતિભા જ મને અંદરથી કોરી કોરી ખાઈ જાય છે.” “નહિ, નહિ. એક દિવસ તું તારી એ પ્રતિભાને પ્રકટ કરી શકશે, એવો દિવસ ચોક્કસ આવશે. પણ અત્યારે તો, વહાલી, તું ડાહી થા. તું એ લાદી પરથી ઊઠ. લાદીમાં ભેજ છે, તને સંધિવા કરશે.” એમ કરીને અજિતે પ્રભાને ઓરડીની ભેજવાળી લાદી પરથી ઊંચકીને ઊભી કરી, પણ પ્રભાનું હૃદય રાહત ન પામ્યું. એણે એકદમ અજિત સામે ફરીને એને પોતાના હાથમાં ઝાલ્યો ને એણે પૂછ્યું : “અજિત! વહાલા! મને કહો તો! એ બાયડીની પેઠે તમે પણ શું મને દોષ દો છો? તમે પણ શું મને કમજોર અને અણઘડ સમજો છો?” અજિતે પોતે બીજો ગમે તે જવાબ આપવા ઇચ્છે પણ પ્રભાની આંખોમાં એણે જોઈ લીધું કે પ્રભા એક જ જવાબ સાંભળવા તત્પર હતી. એણે તાબડતોબ કહ્યું : “નહિ, કદી જ નહિ, પ્રભા, આવો પ્રશ્ન તું મને કેમ જ પૂછી શકે ભલા?” “ના, પણ મને કહો, મને એક વાર કહો તો ખરા! હું કેવી છું? મારામાં શું કંઈ બોંણી નથી! હું શું કશી ત્રેવડ વગરની છું, હેં?” જવાબમાં પ્રભાના કાનમાં એનાં ગુણગાનનાં સંગીત રેડવા સિવાય અને પ્રેમની ગઝલો ઠાલવવા સિવાય છૂટકો ન થયો. પ્રભાને મોઢામોઢ રૂડું મનવતો અજિત એકલો પડતો, ત્યારે એને આ પ્રશ્ન એટલો સરલ નહોતો લાગતો. શંકા અને અશ્રદ્ધાના નાનકડા નાનકડા અસુરો એને સતાવી રહેતા. ઇંદ્રમણિના દૃષ્ટિબિન્દુમાં શું થોડુંઘણું તથ્ય નહોતું ભલા! પ્રભાનું જે મૂલ્યાંકન એકલી એની ઊર્મિઓ પરથી જ પોતે કરી રહ્યો હતો એ સાચું હતું શું? પોતે પોતાના મોહાવેશનો દોરાવ્યો વિભ્રમમાં તો નહોતો પડી ગયો? પ્રભામાં સાચે જ કશી પ્રતિભા હતી ખરી? પોતાને કોઈ ખરેખરી પ્રતિભાવંત સ્ત્રીઓના સાથમાં વધુ ખીલવાનો અવસર મળી શકે તે ઇંદ્રમણિની વાત સાવ નાખી દેવા જેવી હતી શું? પોતાના અંતરની પાસે આનો પ્રામાણિક જવાબ કઢાવવા પોતે તત્પર થતો, પોતે પોતાની જ સાથે છલની રમત રમતો હતો કે નહિ તેનો સ્પષ્ટ એકરાર માગતો. પ્રભાને ચોખ્ખું ને ચટ સત્ય કહેવાનું હોત તો પોતે શું કહેત? પણ આ સંશયો એનાથી ઝાઝી વાર ન સહેવાયા. એ સંશયોએ એને શરમિંદો બનાવ્યો. પોતે જાણે કે સપાટ ને સુવિશાળ ભૂમિપ્રદેશોનો પ્રવાસી હતો. માર્ગે પોતાની પ્રિય સહચરીને કોઈ લૂંટારાઓ પીડી રહ્યા હતા. અને પોતાને એ ડાકુઓએ આ પીડન-દૃશ્ય જોનારો મુશ્કેટાટ બંદીવાન બનાવ્યો હતો. આવી અવસ્થામાં ઊભેલ પુરુષ શું એવા પ્રશ્ન પૂછતો ને સંશયો સેવતો રહી શકે, કે મારી સ્ત્રી દુર્બળ, ત્રેવડ વગરની ને બોણી વિનાની છે! નહિ, નહિ, એ ક્ષણે તો સ્વધર્મ એક જ હોઈ શકે — બંધનોમાંથી છટકીને પોતાનાં હથિયારપડિયાર, પોતાની બંદૂક સમાલવાનો : પહેલી જ તકે એણે પ્રભાને મુક્ત કરાવવી ઘટે ને એને તક આપવી ઘટે. એની શક્તિઓ, પ્રતિભાઓ, અને ત્રેવડ કે બોણી. એ બધાનો ક્યાસ કાઢવાને માટે તો તે પછી પૂરતો સમય મળી રહેશે. પોતાના સંગ્રામોનાં પૂર-ઘમસાણો વચ્ચે, નિષ્ફળતાના ઉપરાછાપરી હુમલા આવતા હોય તે વેળા, સર્વ કોઈ પુરુષને માટે, પોતાનું પડખું નબળું હોવાની, પોતાની પત્નીમાં પૂરી બોણી ન હોવાની જે માન્યતાનું નરક ખડું થઈ જવું સહજ છે તે નરકને છેક દ્વારે પહોંચીને અજિત પાછો વળ્યો. એણે પોતાના મનને નિર્મળ બનાવવાનો પહેલો જ ઇલાજ એક બાળકને છાજે તેવો લીધો. ઇંદ્રમણિની જે જે ચોપડીઓ પોતાના ઘરમાં હતી તે ભેગી કરીને તેની તેણે હોળી કરી નાખી, તથા પ્રભાએ ઇંદ્રમણિનાં ક્વયિત્રી પત્નીને એક રોષભર્યો લાંબો કાગળ લખી કાઢ્યો, ને પછી તે સગડીમાં હોમી દીધો! બસ, એ દુઃખદ પ્રસંગની પૂરેપૂરી ભસ્મ થઈ ચૂકી. એની સ્મૃતિનો એક પણ અવશેષ એ નાનકડા ઘરનાં નાનકડાં બે માણસોનાં બાલિશ અંતઃકરણમાં રહ્યો નહિ.