બુંદબુંદની સૂરત નિરાલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1,317: Line 1,317:

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૨.
તંત્રીની ઉઘરાણી!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૨.
તંત્રીની ઉઘરાણી!
વસ્તુસ્થિતિ વિકરાળ બની. મોંઘવારી બધે વધી પણ આર્ટપેપર અને બ્લોક્સ માટેનાં ઝિંક અને કેમિકલ્સ તો દશ દશ ગણા ઉછાળા ખાધા. નાણાંભીડ વધી અને છેવટે કોકડું એવું તો ગૂંચવાયું કે તેમાંથી ઉકેલ-માર્ગ અસંભવિત બન્યો. નાણાંની ભીડને લીધે ઘણીવાર કંપોઝ કરેલા મેટરની ગેલીઓ પ્રેસ પર ચ્હડાવવાની છાપખાનાઓવાળા ના પાડી ઉઠતા! ચિત્રો છાપવામાં પણ ઘણીવાર એમ થતું. પહેલા અંકનું કવર ડીઝાઈન વિલાયતમાં છપાયું હતું. છેલ્લાનું કલકત્તામાં છપાયું હતું. જ્યારે કોઈવાર ‘હિન્દુસ્તાન’માં, ‘લક્ષ્મી આર્ટ’માં કે કોઈ બીજે ઠેકાણે છપાતું. લેખકો ઘણીવાર ધાર્યા કરતાં મોડા થતા. તેમની પૂંઠે પડવામાં હાજી બહુ ચીવટ રાખતા. એકવાર મ્હારાથી સમયસર લખાણ પ્હોંચાડાયું નહિ. એટલામાં વળી અઠવાડિયું રજા હોવાથી હું ખંડાલે ગયો. એને બીજે કે ત્રીજે દહાડે મુંબઈથી  હાજી તાર પર તાર છોડવા લાગ્યા. જે વાત પત્રથી એટલા જ વખતમાં અને ૧/૪૮ જેટલા ખરચે થઈ શકે તેને માટે આ ચીવટ જોઈ અલબત્ત મ્હારે મુંબઈ આવી પહોંચ્યા સિવાય છુટકો જ નહોતો.
વસ્તુસ્થિતિ વિકરાળ બની. મોંઘવારી બધે વધી પણ આર્ટપેપર અને બ્લોક્સ માટેનાં ઝિંક અને કેમિકલ્સ તો દશ દશ ગણા ઉછાળા ખાધા. નાણાંભીડ વધી અને છેવટે કોકડું એવું તો ગૂંચવાયું કે તેમાંથી ઉકેલ-માર્ગ અસંભવિત બન્યો. નાણાંની ભીડને લીધે ઘણીવાર કંપોઝ કરેલા મેટરની ગેલીઓ પ્રેસ પર ચ્હડાવવાની છાપખાનાઓવાળા ના પાડી ઉઠતા! ચિત્રો છાપવામાં પણ ઘણીવાર એમ થતું. પહેલા અંકનું કવર ડીઝાઈન વિલાયતમાં છપાયું હતું. છેલ્લાનું કલકત્તામાં છપાયું હતું. જ્યારે કોઈવાર ‘હિન્દુસ્તાન’માં, ‘લક્ષ્મી આર્ટ’માં કે કોઈ બીજે ઠેકાણે છપાતું. લેખકો ઘણીવાર ધાર્યા કરતાં મોડા થતા. તેમની પૂંઠે પડવામાં હાજી બહુ ચીવટ રાખતા. એકવાર મ્હારાથી સમયસર લખાણ પ્હોંચાડાયું નહિ. એટલામાં વળી અઠવાડિયું રજા હોવાથી હું ખંડાલે ગયો. એને બીજે કે ત્રીજે દહાડે મુંબઈથી  હાજી તાર પર તાર છોડવા લાગ્યા. જે વાત પત્રથી એટલા જ વખતમાં અને ૧/૪૮ જેટલા ખરચે થઈ શકે તેને માટે આ ચીવટ જોઈ અલબત્ત મ્હારે મુંબઈ આવી પહોંચ્યા સિવાય છુટકો જ નહોતો.
[‘હાજી સ્મારક ગ્રંથ’ પૃ. ૨૯-૩૦] મસ્તફકીર
{{સ-મ|[‘હાજી સ્મારક ગ્રંથ’ પૃ. ૨૯-૩૦]||'''મસ્તફકીર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૩.
તંત્રીએ કરાવ્યો કડવો અનુભવ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૩.
તંત્રીએ કરાવ્યો કડવો અનુભવ
ત્રિભુવન હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલે મળીને કરેલો લેખ ‘લેખક–પ્રકાશક વચ્ચે કરારનામું’–પ્રસ્થાનના ચૈત્ર, ૧૯૩૯માં પૃ. ૨૨૫ પર છપાયો છે તેમાં લખે છે કે : ‘લેખક પોતાનું લખાણ પ્રકાશકને વાપરવા આપે અને પ્રકાશક તેને તેના બદલ તરીકે અમુક રકમ પુરસ્કારરૂપે આપે એવું ધોરણ બુદ્ધિપ્રકાશ અને માનસી વગેરેના તંત્રીઓએ સ્વીકારેલું છે એથી ઉલટું ક્યારેક ક્યારેક પ્રકાશક તરફથી લેકનપુરસ્કાર તો બાજુએ રહ્યો પણ જે સામયિકના અમુક અંકમાં લેખકનું લખાણ પ્રકટ થવા પામ્યું હોય તે અંકને પન રીતસરની કિંમત આપીને ખરીદવાની તુંડમિજાજીનો અનુભવ કોઈકોઈ લેખકને તયો હોય એવાં દૃષ્ટાંત પણ મળી રહે છે ખરાં.
ત્રિભુવન હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલે મળીને કરેલો લેખ ‘લેખક–પ્રકાશક વચ્ચે કરારનામું’–પ્રસ્થાનના ચૈત્ર, ૧૯૩૯માં પૃ. ૨૨૫ પર છપાયો છે તેમાં લખે છે કે : ‘લેખક પોતાનું લખાણ પ્રકાશકને વાપરવા આપે અને પ્રકાશક તેને તેના બદલ તરીકે અમુક રકમ પુરસ્કારરૂપે આપે એવું ધોરણ બુદ્ધિપ્રકાશ અને માનસી વગેરેના તંત્રીઓએ સ્વીકારેલું છે એથી ઉલટું ક્યારેક ક્યારેક પ્રકાશક તરફથી લેકનપુરસ્કાર તો બાજુએ રહ્યો પણ જે સામયિકના અમુક અંકમાં લેખકનું લખાણ પ્રકટ થવા પામ્યું હોય તે અંકને પન રીતસરની કિંમત આપીને ખરીદવાની તુંડમિજાજીનો અનુભવ કોઈકોઈ લેખકને તયો હોય એવાં દૃષ્ટાંત પણ મળી રહે છે ખરાં.
પણ  મને તો એથીયે વધારે કડવો અનુભવ થયો છે. માનસીના તંત્રી જ્યારે કૌમુદીના એક અંકમાં પ્રગટ થયેલી. એ ચર્ચાનો ખુલાસો લખી એ પત્રના તંત્રી વિજયરામ ઉપર તે પછીના અંકમાં પ્રકટ થવા મોકલેલો, પણ ‘અંકમાં સ્થાન નથી’ એવી દલીલ કરીને તે ખુલાસો તંત્રીશ્રીએ પાછો મોકલ્યો ‘જે પત્રમાં ચર્ચા થઈ હોય તે પત્રમાં તેનો ખુલાસો પ્રગટ કરવો જોઈએ એમાં જ તંત્રીની ન્યાયબુદ્ધિ છે, ’ વગેરે મારી અનેક દલીલો નિષ્ફળ ગઈ. છેવટે તે ખુલાસો પ્રકટ કરી શકાય–એવું તંત્રીશ્રીએ મને જણાવ્યું! મારાં તાજાં પુસ્તકની જાહેરમાં અવગણના ન થાય એ હેતુથી મેં તંત્રીશ્રીની શરત કબૂલ રાખી. અને પછી મેં શું જોયું?
પણ  મને તો એથીયે વધારે કડવો અનુભવ થયો છે. માનસીના તંત્રી જ્યારે કૌમુદીના એક અંકમાં પ્રગટ થયેલી. એ ચર્ચાનો ખુલાસો લખી એ પત્રના તંત્રી વિજયરામ ઉપર તે પછીના અંકમાં પ્રકટ થવા મોકલેલો, પણ ‘અંકમાં સ્થાન નથી’ એવી દલીલ કરીને તે ખુલાસો તંત્રીશ્રીએ પાછો મોકલ્યો ‘જે પત્રમાં ચર્ચા થઈ હોય તે પત્રમાં તેનો ખુલાસો પ્રગટ કરવો જોઈએ એમાં જ તંત્રીની ન્યાયબુદ્ધિ છે, ’ વગેરે મારી અનેક દલીલો નિષ્ફળ ગઈ. છેવટે તે ખુલાસો પ્રકટ કરી શકાય–એવું તંત્રીશ્રીએ મને જણાવ્યું! મારાં તાજાં પુસ્તકની જાહેરમાં અવગણના ન થાય એ હેતુથી મેં તંત્રીશ્રીની શરત કબૂલ રાખી. અને પછી મેં શું જોયું?
મારો ખુલાસો કૌમુદીના જે અંકમાં છપાયો તે અંક તંત્રીશ્રીએ મારા ઉપર રૂ. ૫નો વી. પી. કરીને મોકલ્યો. તે ઉપર વી. પી. ચાર્જના અને M.O. ચાર્જના પૈસાનો દંડ ભરીને પણ મારે મારી શરત પાળવા માટે તે અંક મારે સ્વીકારવો પડ્યો.
મારો ખુલાસો કૌમુદીના જે અંકમાં છપાયો તે અંક તંત્રીશ્રીએ મારા ઉપર રૂ. ૫નો વી. પી. કરીને મોકલ્યો. તે ઉપર વી. પી. ચાર્જના અને M.O. ચાર્જના પૈસાનો દંડ ભરીને પણ મારે મારી શરત પાળવા માટે તે અંક મારે સ્વીકારવો પડ્યો.
આવો કડવો અનુભવ મને લાગે છે કે બીજા કોઈ લેખકને થયો નહિ હોય. વિજયરાયની તુંડમિજાજીએ મારા લેખ અને ખુલાસા માટે જે દંડ કર્યો તે મારે ગરજનો માર્યો ભરવો પડ્યો.
આવો કડવો અનુભવ મને લાગે છે કે બીજા કોઈ લેખકને થયો નહિ હોય. વિજયરાયની તુંડમિજાજીએ મારા લેખ અને ખુલાસા માટે જે દંડ કર્યો તે મારે ગરજનો માર્યો ભરવો પડ્યો.
[પ્રસ્થાન, અંક : ૪, ૧૯૩૯] નરસિંહભાઈ પટેલ
{{સ-મ|[પ્રસ્થાન, અંક : ૪, ૧૯૩૯]||'''નરસિંહભાઈ પટેલ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૪.
રોમાન્ટિક સ્કૂલનો આરંભ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૪.
રોમાન્ટિક સ્કૂલનો આરંભ
ગુજરાતનો લેખકવૃંદ રંગબેરંગી હતો. વિજયરાય, બટુભાઈ ને શંકરપ્રસાદ હંમેશા કાંઈ ને કાંઈ લખતા. મસ્ત ફકીર ને રંજીતલાલ પંડ્યા પણ અવારનવાર લખતા. દુ. કે. શાસ્ત્રી ઐતિહાસિક લેખોથી પુરાતન ગૌરવનાં દર્શન કરાવતા. ચન્દ્રવદન મહેતાએ પણ એમનાં પહેલાં કાવ્યો ગુજરાતમાં જ પ્રકટ કર્યા. ‘કાન્ત’ પણ લખતા. પાછળથી એમનું ‘રોમન સ્વરાજ’ નાટક ‘ગુજરાત’માં જ પ્રકટ થયું હતું. અમે નવા વિષયો, નવી શૈલી, નવી દૃષ્ટિઓ મહિને મહિને રજૂ કરી ગુજરાતી સાહિત્યની ડાહી રીતિ વિચ્છેદવા લાગ્યા. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામની મારી નવલિકા  પ્રકટ કરી ત્યારે રવિશંકર રાવળે તેનાં પોતે ચિતરેલાં ચિત્રો પર પોતાનું નામ લખવા દેવાની મને મનાઈ કરી. આમ, ગુજરાતમાં Romantic School–વિવિધરંગપ્રધાન સાહિત્ય સંપ્રદાયનો પ્રારંભ થયો.
ગુજરાતનો લેખકવૃંદ રંગબેરંગી હતો. વિજયરાય, બટુભાઈ ને શંકરપ્રસાદ હંમેશા કાંઈ ને કાંઈ લખતા. મસ્ત ફકીર ને રંજીતલાલ પંડ્યા પણ અવારનવાર લખતા. દુ. કે. શાસ્ત્રી ઐતિહાસિક લેખોથી પુરાતન ગૌરવનાં દર્શન કરાવતા. ચન્દ્રવદન મહેતાએ પણ એમનાં પહેલાં કાવ્યો ગુજરાતમાં જ પ્રકટ કર્યા. ‘કાન્ત’ પણ લખતા. પાછળથી એમનું ‘રોમન સ્વરાજ’ નાટક ‘ગુજરાત’માં જ પ્રકટ થયું હતું. અમે નવા વિષયો, નવી શૈલી, નવી દૃષ્ટિઓ મહિને મહિને રજૂ કરી ગુજરાતી સાહિત્યની ડાહી રીતિ વિચ્છેદવા લાગ્યા. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામની મારી નવલિકા  પ્રકટ કરી ત્યારે રવિશંકર રાવળે તેનાં પોતે ચિતરેલાં ચિત્રો પર પોતાનું નામ લખવા દેવાની મને મનાઈ કરી. આમ, ગુજરાતમાં Romantic School–વિવિધરંગપ્રધાન સાહિત્ય સંપ્રદાયનો પ્રારંભ થયો.
[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, પૃ. ૧૭૩] ક. મા. મુનશી
{{સ-મ|[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, પૃ. ૧૭૩]||'''ક. મા. મુનશી'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૫.
સામયિક ઉપયોગી રહ્યું છે શું?'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૫.
સામયિક ઉપયોગી રહ્યું છે શું?
કુમારનું વર્ષ પૂરું થાય છે ત્યારે દરેક વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે હજૂ કુમાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગનું રહ્યું છે કે નહિ? એનો જવાબ શોધવાને હું બીજાં ગુજરાતી સામયિકપત્રો તરફ નજર નાખું છું ત્યારે એક જ જવાબ નીકળે છે કે એ બધા પોતપોતાની દિશામાં ઠીક સેવા કરવા છતાં કુમારની દૃષ્ટિ અને સૃષ્ટિ અનોખી જ રહી છે અને રહે છે. આથી જ કુમારનું કાર્ય ઉપાડી લેનાર બીજી કોઈ વ્યક્તિ કે માસિક ન જણાય ત્યાં સુધી તેની પાછળ થતો ખર્ચ અને લેવાતો શ્રમ મને કંઈક આશ્વાસન રૂપ લાગે છે પરંતુ વાંચનારાઓ તો આજે જીવનના ભાથારૂપ સાહિત્યને બદલે ક્ષણજીવી અને તત્કાળ પૂરતો નશો આપે એવો લેખો ખેચાઈ રહ્યા છે. તમે થોક-બંધ દીવાળીના અને ખાસ અંકો પાછળ ખર્ચાતી રકમો તથા મહેનતનો ખ્યાલ કરી જોશો તો જણાશે કે તેના બદલારૂપે આજે સમાજના માનસમાં કશું સંચલન કે ચેતન આવ્યાં નથી. વર્ષોવર્ષ ચમકારા કરતી જાહેરખબરો સાથે જે મોટા અંકો ને ચિત્રમાળાઓના હારડા આપણે સંઘર્યા કર્યા છે તેમાંથી કેટલા નંગ આજે આપણે ફરી શોભા કરવા લઈ શકીશું?
કુમારનું વર્ષ પૂરું થાય છે ત્યારે દરેક વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે હજૂ કુમાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગનું રહ્યું છે કે નહિ? એનો જવાબ શોધવાને હું બીજાં ગુજરાતી સામયિકપત્રો તરફ નજર નાખું છું ત્યારે એક જ જવાબ નીકળે છે કે એ બધા પોતપોતાની દિશામાં ઠીક સેવા કરવા છતાં કુમારની દૃષ્ટિ અને સૃષ્ટિ અનોખી જ રહી છે અને રહે છે. આથી જ કુમારનું કાર્ય ઉપાડી લેનાર બીજી કોઈ વ્યક્તિ કે માસિક ન જણાય ત્યાં સુધી તેની પાછળ થતો ખર્ચ અને લેવાતો શ્રમ મને કંઈક આશ્વાસન રૂપ લાગે છે પરંતુ વાંચનારાઓ તો આજે જીવનના ભાથારૂપ સાહિત્યને બદલે ક્ષણજીવી અને તત્કાળ પૂરતો નશો આપે એવો લેખો ખેચાઈ રહ્યા છે. તમે થોક-બંધ દીવાળીના અને ખાસ અંકો પાછળ ખર્ચાતી રકમો તથા મહેનતનો ખ્યાલ કરી જોશો તો જણાશે કે તેના બદલારૂપે આજે સમાજના માનસમાં કશું સંચલન કે ચેતન આવ્યાં નથી. વર્ષોવર્ષ ચમકારા કરતી જાહેરખબરો સાથે જે મોટા અંકો ને ચિત્રમાળાઓના હારડા આપણે સંઘર્યા કર્યા છે તેમાંથી કેટલા નંગ આજે આપણે ફરી શોભા કરવા લઈ શકીશું?
[કુમાર, માગશર, ઈ. ૧૯૩૫ ‘મારી નજરે’]       રવિશંકર રાવળ
{{સ-મ|[કુમાર, માગશર, ઈ. ૧૯૩૫ ‘મારી નજરે]||'''રવિશંકર રાવળ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૬.
આવું કામ આપણે ત્યાં તો થાય ત્યારે ખરું'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૬.
આવું કામ આપણે ત્યાં તો થાય ત્યારે ખરું
અમેરિકાના Tri-Quarterly એ કેટલાંક વર્ષ પહેલાં એક ઘણા મોટા ગજાનું કામ કરેલું. ‘The Little Magazine in America’ વિષય પર એણે એક વિશેષાંક (Fall ૧૯૭૮) આપેલો છે -- ડેમી કદનાં ૭૫૦ જેટલાં પાનાંમાં દસ્તાવેજી અને મૂલ્યાંકનલક્ષી સામગ્રી દ્વારા, એ સમયની વચ્ચે ઊપસેલી સાહિત્ય-સામયિકની સમૃદ્ધ ને લાક્ષણિક મુદ્રા એણે આલેખી આપી છે. સામયિકના સ્વરૂપનું અને એની ભૂમિકાનું વર્ણન-વિશ્લેષણ  કરતા અભ્યાસલેખો; અગ્રણી સામયિકોનો ઐતિહાસિક વિકાસ અને એમનાં યોગદાન આલેખતા તેમજ તંત્રી-સંપાદકોની કેફિયત આપતા લેખો; યશસ્વી કારકિર્દી ધરાવતા સંપાદકો સાથેની જીવંત અને વિચારણીય મુલાકાતો તથા એ આખી પચીસી (૧૯૫૦–૧૯૭૮) દરમ્યાન પ્રકાશિત મહત્ત્વનાં સામયિકોની (પ્રત્યેકની તંત્ર-સંપાદન-વિષયપ્રદેશ-કાર્યપદ્ધતિ આદિની) ઐતિહાસિક ક્રમે સંક્ષિપ્ત વર્ણન-વિગતો આપતી ને એ સામયિકોનાં પૃષ્ઠસંખ્યા-ગ્રાહકસંખ્યાની તેમજ બાંધણીના પ્રકાર સુદ્ધાંની માહિતી આપતી અત્યંત સુયોજિત વિગતવાર સૂચિ – આ વિશેષાંકને સમૃદ્ધ બનાવે છે.
અમેરિકાના Tri-Quarterly એ કેટલાંક વર્ષ પહેલાં એક ઘણા મોટા ગજાનું કામ કરેલું. ‘The Little Magazine in America’ વિષય પર એણે એક વિશેષાંક (Fall ૧૯૭૮) આપેલો છે -- ડેમી કદનાં ૭૫૦ જેટલાં પાનાંમાં દસ્તાવેજી અને મૂલ્યાંકનલક્ષી સામગ્રી દ્વારા, એ સમયની વચ્ચે ઊપસેલી સાહિત્ય-સામયિકની સમૃદ્ધ ને લાક્ષણિક મુદ્રા એણે આલેખી આપી છે. સામયિકના સ્વરૂપનું અને એની ભૂમિકાનું વર્ણન-વિશ્લેષણ  કરતા અભ્યાસલેખો; અગ્રણી સામયિકોનો ઐતિહાસિક વિકાસ અને એમનાં યોગદાન આલેખતા તેમજ તંત્રી-સંપાદકોની કેફિયત આપતા લેખો; યશસ્વી કારકિર્દી ધરાવતા સંપાદકો સાથેની જીવંત અને વિચારણીય મુલાકાતો તથા એ આખી પચીસી (૧૯૫૦–૧૯૭૮) દરમ્યાન પ્રકાશિત મહત્ત્વનાં સામયિકોની (પ્રત્યેકની તંત્ર-સંપાદન-વિષયપ્રદેશ-કાર્યપદ્ધતિ આદિની) ઐતિહાસિક ક્રમે સંક્ષિપ્ત વર્ણન-વિગતો આપતી ને એ સામયિકોનાં પૃષ્ઠસંખ્યા-ગ્રાહકસંખ્યાની તેમજ બાંધણીના પ્રકાર સુદ્ધાંની માહિતી આપતી અત્યંત સુયોજિત વિગતવાર સૂચિ – આ વિશેષાંકને સમૃદ્ધ બનાવે છે.
આટલું ઉત્તમ ને વ્યાપવાળું કામ આપણે ત્યાં તો થાય ત્યારે. કેમકે આપણે ત્યાં નથી હોતી આગળનાં ઐતિહાસિક ને સંશોધનાત્મક કામોની કોઈ ઉપયોગી સ્રોતસામગ્રી, નથી હોતી આ પ્રકારનું સૂઝ-શ્રમભર્યું કામ કરવાની તૈયારી કે નથી હોતું આવું સુવ્યવસ્થિત યોજકત્વ.
આટલું ઉત્તમ ને વ્યાપવાળું કામ આપણે ત્યાં તો થાય ત્યારે. કેમકે આપણે ત્યાં નથી હોતી આગળનાં ઐતિહાસિક ને સંશોધનાત્મક કામોની કોઈ ઉપયોગી સ્રોતસામગ્રી, નથી હોતી આ પ્રકારનું સૂઝ-શ્રમભર્યું કામ કરવાની તૈયારી કે નથી હોતું આવું સુવ્યવસ્થિત યોજકત્વ.
[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]   રમણ સોની
{{સ-મ|[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૭.
વાચક પણ કડક આલોચક'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૭.
વાચક પણ કડક આલોચક
મટુભાઈના સહિત્યને આમ વર્ગનું માસિક કહેવું કે સાહિત્યરસિક વર્ગનું માસિક કહેવું કે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીનું માસિક કહેવું એનો મને વિચાર આવે છે. સાહિત્યનો મોટો પ્રચાર વડોદરાની લાયબ્રેરીઓમાં જ છે. વડોદરાની લાયબ્રેરીઓ એટલે આખા સ્ટેટની લાયબ્રેરીઓ. એવી અક્કેક લાયબ્રેરી દીઠ સાહિત્યની એક-એક નકલ જાય તોય નકલનો સારો ઉઠાવ થાય. એ ઉપરાંત કોઈ વિશાળ લાયબ્રેરીમાં એક ઉપરાંત નકલ જોઈએ એટલે એ પણ ફાયદો.
મટુભાઈના સહિત્યને આમ વર્ગનું માસિક કહેવું કે સાહિત્યરસિક વર્ગનું માસિક કહેવું કે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીનું માસિક કહેવું એનો મને વિચાર આવે છે. સાહિત્યનો મોટો પ્રચાર વડોદરાની લાયબ્રેરીઓમાં જ છે. વડોદરાની લાયબ્રેરીઓ એટલે આખા સ્ટેટની લાયબ્રેરીઓ. એવી અક્કેક લાયબ્રેરી દીઠ સાહિત્યની એક-એક નકલ જાય તોય નકલનો સારો ઉઠાવ થાય. એ ઉપરાંત કોઈ વિશાળ લાયબ્રેરીમાં એક ઉપરાંત નકલ જોઈએ એટલે એ પણ ફાયદો.
સાહિત્યના કેટલાક અંકોમાં તો એટલું નિરસ લખાણ આવે છે કે લખાણોે એની કિંમત રેલવેનાં મુસાફરી માટેનાં સામયિકો જેટલી કરી નાખે છે. ક્યારેક ક્યારેક ‘ઉગતા તારા’ જેવી બેહદ ચર્ચા ઊભી કરનારા લેખો જગજીવન શી. પાઠક (યશવંત સં. પંડ્યા?) લખે. ધૂમકેતુ પણ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’માં વધુ પડતું ગંભીર લખી નાખે તો કોઈવાર ઝમકભર્યાં ચર્ચાપત્રોને લઈને મારા જેવાને સાહિત્યનો અંક ખરીદવાનું મન થઈ જાય. બાકી તો સાહિત્યનાં આગલાં વર્ષો યાદ કરું તો ‘મારી વહુ’, ‘કોની વહુ’, ‘મારો વર’, ‘કોનો વર’, જેવી જે વાર્તાઓ વાંચેલી; એવી વાર્તાઓ તો મારો અજીત પણ ધારે તો Tit Bit કે  Answers કે એવાં કોઈ બીજાં અઠવાડિકોમાંથી દર અઠવાડિયે અનુમાન કરી શકે તેમ છે અને ઉસ્માનનું પ્રિય અઠવાડિક ‘બે ઘડી મોજ’ એવી વાર્તાઓને સ્થાન આપવા પણ તૈયાર છે.
સાહિત્યના કેટલાક અંકોમાં તો એટલું નિરસ લખાણ આવે છે કે લખાણોે એની કિંમત રેલવેનાં મુસાફરી માટેનાં સામયિકો જેટલી કરી નાખે છે. ક્યારેક ક્યારેક ‘ઉગતા તારા’ જેવી બેહદ ચર્ચા ઊભી કરનારા લેખો જગજીવન શી. પાઠક (યશવંત સં. પંડ્યા?) લખે. ધૂમકેતુ પણ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’માં વધુ પડતું ગંભીર લખી નાખે તો કોઈવાર ઝમકભર્યાં ચર્ચાપત્રોને લઈને મારા જેવાને સાહિત્યનો અંક ખરીદવાનું મન થઈ જાય. બાકી તો સાહિત્યનાં આગલાં વર્ષો યાદ કરું તો ‘મારી વહુ’, ‘કોની વહુ’, ‘મારો વર’, ‘કોનો વર’, જેવી જે વાર્તાઓ વાંચેલી; એવી વાર્તાઓ તો મારો અજીત પણ ધારે તો Tit Bit કે  Answers કે એવાં કોઈ બીજાં અઠવાડિકોમાંથી દર અઠવાડિયે અનુમાન કરી શકે તેમ છે અને ઉસ્માનનું પ્રિય અઠવાડિક ‘બે ઘડી મોજ’ એવી વાર્તાઓને સ્થાન આપવા પણ તૈયાર છે.
સાહિત્યના તંત્રી વિલાયતના એક Edward the Confessor જેવા છે. ‘અમે સર્વ કંઈ જાણી ન શકીએ.’ ‘તંત્રી બધું ધ્યાન ન રાખી શકે’ વગેરે વાતો લગભગ દરેક અંકમાં રજૂ થાય છે.
સાહિત્યના તંત્રી વિલાયતના એક Edward the Confessor જેવા છે. ‘અમે સર્વ કંઈ જાણી ન શકીએ.’ ‘તંત્રી બધું ધ્યાન ન રાખી શકે’ વગેરે વાતો લગભગ દરેક અંકમાં રજૂ થાય છે.
[સાહિત્ય, નવેમ્બર-૧૯૨૬] હરિપ્રસાદ ભટ્ટ
{{સ-મ|[સાહિત્ય, નવેમ્બર-૧૯૨૬]||'''હરિપ્રસાદ ભટ્ટ'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૮.
ભાઈ, કાંક નવીન આપીએ'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૮.
ભાઈ, કાંક નવીન આપીએ
મેઘાણીભાઈના પત્રકારત્વનો બીજો પાયો હતો નવીનતા. દર અઠવાડિયે ‘ફૂલછાબ’માં કાંઈક નવીન મૂકવું જ જોઈએ. વિષય નવીન હોવો જોઈએ. એનું લેખન નવીન હોવું જોઈએ. એની ગોઠવણી નવીન હોવી જોઈએ. એકધારિતા તો એમને ગમતી જ નહિ. જો કોઈ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો તે તરત કહેતા : ‘આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ.’ અમારા તંત્રીમંડળના ટાઢા કોઠાના એક ભાઈ થાકીને એક વખત હળવેથી બોલી ઊઠેલા : ‘હે ભાઈ! આ વખતે તો આપણા અંક ઉપર જ લખી નાખીએ કે : ‘આ અંક નવીન છે! તો?–આ સાંભળીને મેઘાણીભાઈ ખડખડાટ હસી પડેલા.
મેઘાણીભાઈના પત્રકારત્વનો બીજો પાયો હતો નવીનતા. દર અઠવાડિયે ‘ફૂલછાબ’માં કાંઈક નવીન મૂકવું જ જોઈએ. વિષય નવીન હોવો જોઈએ. એનું લેખન નવીન હોવું જોઈએ. એની ગોઠવણી નવીન હોવી જોઈએ. એકધારિતા તો એમને ગમતી જ નહિ. જો કોઈ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો તે તરત કહેતા : ‘આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ.’ અમારા તંત્રીમંડળના ટાઢા કોઠાના એક ભાઈ થાકીને એક વખત હળવેથી બોલી ઊઠેલા : ‘હે ભાઈ! આ વખતે તો આપણા અંક ઉપર જ લખી નાખીએ કે : ‘આ અંક નવીન છે! તો?–આ સાંભળીને મેઘાણીભાઈ ખડખડાટ હસી પડેલા.
[‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ (૧૯૮૭) પૃ. ૨૧૯]   નિરંજન વર્મા, જયમલ્લ પરમાર
{{સ-મ|[‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ (૧૯૮૭) પૃ. ૨૧૯]||'''નિરંજન વર્મા, જયમલ્લ પરમાર'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૨૯.
દર વર્ષે અનેક સામયિકો જન્મે છે, ને અનેક મરે છે'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૨૯.
દર વર્ષે અનેક સામયિકો જન્મે છે, ને અનેક મરે છે
છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્‌ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય!
છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્‌ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય!
એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે.
એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે.
[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮] રમણ સોની
{{સ-મ|[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]||'''રમણ સોની'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''X.
Y'''|
{{Center block|width=23em|title='''૧૩૦.
પોતાનું સામયિક એટલે પોતાનું!'''|
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૩૦.
પોતાનું સામયિક એટલે પોતાનું!
મુનશીને કૌમુદીનો પ્રથમાંક મોકલ્યા પછી તુરત મળવા ગયો હતો. (છ માસ પહેલાં અમારાં મન બહુ ઊંચાં થયેલાં, પણ મનમેળ દરમ્યાનમાં થયેલો) તેમણે ત્રિમાસિકની મહત્ત્વાકાંક્ષી યોજના જાણ્યા-જોયા પછી (તેથી જ નવલરામ પંડ્યાની શૈલી વિશેનો તેમનો લેખ મળ્યો હતો.) વઝીર મેન્શનના બીજે માળે. મનન-નોંધમાંના શબ્દો મૂકી પૂછ્યું : ‘આમ ખોટનો ધંધો ક્યાં લગી કરશો? કે પછી હંમેશની જેમ, (મોં મલકાવી) ‘અલ્લાને આશરે? મેં કહ્યું : ‘એમ જ. એમણે તુરત જ ખીસામાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી.’
મુનશીને કૌમુદીનો પ્રથમાંક મોકલ્યા પછી તુરત મળવા ગયો હતો. (છ માસ પહેલાં અમારાં મન બહુ ઊંચાં થયેલાં, પણ મનમેળ દરમ્યાનમાં થયેલો) તેમણે ત્રિમાસિકની મહત્ત્વાકાંક્ષી યોજના જાણ્યા-જોયા પછી (તેથી જ નવલરામ પંડ્યાની શૈલી વિશેનો તેમનો લેખ મળ્યો હતો.) વઝીર મેન્શનના બીજે માળે. મનન-નોંધમાંના શબ્દો મૂકી પૂછ્યું : ‘આમ ખોટનો ધંધો ક્યાં લગી કરશો? કે પછી હંમેશની જેમ, (મોં મલકાવી) ‘અલ્લાને આશરે? મેં કહ્યું : ‘એમ જ. એમણે તુરત જ ખીસામાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી.’
પછી તે નીચે તળમજલે લીલાબહેન પાસે જતા હતા ત્યાં મને પણ સાથે લીધો. તે મને જોઈને તુરત બોલ્યાં : ‘અરે, વિજયરાય, તમે આટલી મહેનત ‘ગુજરાત’ પાછળ લીધી હોત તો આપણે સાથે રહીને કેટલું હજુ વધુ સારું કામ કર્યું હોત?’ તે બોલી રહ્યાં કે તુરત...
પછી તે નીચે તળમજલે લીલાબહેન પાસે જતા હતા ત્યાં મને પણ સાથે લીધો. તે મને જોઈને તુરત બોલ્યાં : ‘અરે, વિજયરાય, તમે આટલી મહેનત ‘ગુજરાત’ પાછળ લીધી હોત તો આપણે સાથે રહીને કેટલું હજુ વધુ સારું કામ કર્યું હોત?’ તે બોલી રહ્યાં કે તુરત...
મુનશી : ‘એ તો સાસુનું ઘર સાસરામાં રહીને વહુ ચલાવે એ જુદું ને પોતાનું ઘર માંડે ત્યારે એથી જુદું. એમજ હોય.’
મુનશી : ‘એ તો સાસુનું ઘર સાસરામાં રહીને વહુ ચલાવે એ જુદું ને પોતાનું ઘર માંડે ત્યારે એથી જુદું. એમજ હોય.’
[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૨૧] વિજયરાય વૈદ્ય
{{સ-મ|[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૨૧]||'''વિજયરાય વૈદ્ય'''}}
{{સ-મ|A||'''B'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Revision as of 16:11, 30 June 2022

COVER BundBund.jpg

બુંદબુંદની સૂરત નિરાલી

સંપાદક: રમણ સોની
કિશોર વ્યાસ

‘‘બુંદબુંદની સૂરત નિરાલી’’
દોઢ સદીથી ગૂંજતા રહેલા ભાતીગળ ઉદ્‌ઘોષો....

છેલ્લાં ૧૫૦ વર્ષોથી ચાલતાં રહેલાં ને પોતાનો આગવો ચહેરો ઉપસાવતાં રહેલાં ગુજરાતી સામયિકોનાં પાનાંમાંથી ઊંચકેલા ઉદ્‌ગારોના આ મેળામાં સાંભળો કે–

કોઈ વિચક્ષણ સંપાદક પોતાનો આગવો અનુભવ કંઈક હળવાશથી કહી રહ્યો છે, કોઈ વળી પોતાના ગંભીર સંકલ્પને રજૂ કરી રહ્યો છે, ક્યાંક વેદનાની રેખાવાળાં પણ દૃઢતાથી ઉચ્ચારેલાં વિદાયવચનો છે; કોઈ વાચક પોતાનો આનંદ કે કોઈ પોતાના અસંતોષનો આક્રોશ વ્યક્ત કરી રહ્યો છે, કોઈ વિચારક કોઈ સામયિકની બેકાળજી વિશે ટકોર કરે છે તો કોઈની સૂઝભરી સંપાદક-કુનેહને સલામ કરે છે; ક્યાંક કોઈ લેખક સંપાદકનાં સમજ અને શ્રમની સરાહના કરે છે તો ક્યારેક કોઈ સામયિકની અનિયમિતતા વિશે ફરિયાદ કરે છે; તો કોઈ નિશ્ચયી સંપાદક વળી લેખકના પ્રમાદથી થતી મુશ્કેલીઓની આપવીતી સંભળાવે છે. કેટકેટલી જગાએ ઉત્તમ સામયિકના કાર્યની ઉચિત પ્રશંસા છે, મૂલ્ય-અંકન પણ છે! તો કોઈ ઊંચે અવાજે કોઈ સામયિકની ઢીલાશને વખોડી કાઢે છે..... અહીં ઠાવકીઠાવકી વાતો કરતાં તો સ્પષ્ટ તીવ્ર અવાજો જ વધારે છે. લેખકવાચકવિવેચકસંપાદકના જાતજાતના મિજાજો ને લાક્ષણિક છટાઓ અહીં વાંચી શકાય છે એટલું જ નહીં, એમને બોલતા સાંભળી શકાય છે ને એમના હાથની, ચહેરાની અનેક મુદ્રાઓ જાણે જોઈ શકાય છે! તો, દિવસો સુધી અભ્યાસ-પરિશ્રમવાળી રઝળપાટ કરીને સંચિત કરેલા આ રસભર્યા તેમજ દ્યુતિભર્યા ૨૦૦ ઉપરાંત વિચારશીલ ભાતીગળ ઉદ્‌ઘોષોના આ વિશ્વમાં પ્રવેશવા સૌને નિમંત્રણ છે. કવિ બાલમુકુંદ દવેએ ગાયેલું એમ –

સમદર સભર સભર લહેરાય;
બુંદબુંદની સૂરત નિરાલી...

બુંદબુંદની સૂરત નિરાલી
દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાનાં
વિચારસંચલનો

સંપાદકો
રમણ સોની
કિશોર વ્યાસ

પાર્શ્વ પબ્લિકેશન : અમદાવાદ

BUND BUND-ni SURAT NIRALI
Noteworthy passages from Gujarati Liteary
periodicals of about 150 years

Edited by
RAMAN SONI, KISHOR VYAS
કૉપીરાઈટ : રમણ સોની, કિશોર વ્યાસ

પ્રથમ આવૃત્તિ : ૨૦૦૯
પૃષ્ઠ : ૨૦૦
મૂલ્ય : ૧૨૫-૦૦

પ્રકાશક :
બાબુભાઈ એચ. શાહ
પાર્શ્વ પબ્લિકેશન
નિશા પોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ - ૩૮૦૦૦૧.

ટાઈપસેટિંગ :
વંદના પ્રિન્ટર્સ
૨૫૯, સુથારવાસ, સિવિલ હોસ્પિટલ, અસારવા,
અમદાવાદ-૩૯૦૦૧૬

મુદ્રક :
ધર્મેશ પ્રિન્ટરી
નવી પોળ, શાહપુર
અમદાવાદ-૩૮૦ ૦૦૧.

અર્પણ

જેમણે ખંતથી ને પ્રેમથી
નાનુંસરખું પણ કોઈ સંપાદનકાર્ય કર્યું હોય તે સર્વ સંપાદકોને

સંપાદકોનો પરિચય
રમણ સોની

ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરીને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયેલા, અને ૧૯૮૦-૮૫ દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદનિર્મિત ‘ગુજરાતી સાહિત્ય કોશ’ના એક સંપાદક રહેલા પ્રો. રમણ સોની (જ. ૧૯૪૬) ગુજરાતીના વિવેચક, નિબંધકાર, અનુવાદક, સંશોધક અને સંપાદક છે. ગુજરાતી વિવેચનના વિશેષો અને વિલક્ષણતાઓ પર એ સતત નજર રાખતા રહ્યા છે. કવિ-વિવેચક ઉશનસ્ એ શોધનિબંધ પછી એમના ‘વિવેચનસંદર્ભ’, ‘સાભિપ્રાય’, ‘સમક્ષ’, ‘મથવું ન મિથ્યા’ તથા ‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’ – એવા વિવેચન-ગ્રંથોમાં વસ્તુના નક્કર સ્પર્શવાળાં વિવેચન-લખાણો એમની પાસેથી પ્રાપ્ત થયાં છે. મરમાળી અભિવ્યક્તિથી નિઃસંકોચપણે નિર્ભીક વિવેચન કરવા છતાં વિવેચનમાં એમનો મૂળ અભિગમ તટસ્થ, વિધાયક અને ઇતિહાસલક્ષી રહ્યો છે. ડૉ. સોનીએ મધ્યકાલીન અને અર્વાચીન કૃતિઓનાં નમૂનેદાર શાસ્ત્રીય સંપાદનો આપ્યાં છે એમાં ૧૬મી સદીના કવિ વિષ્ણુદાસકૃત ‘ચંદ્રહાસઆખ્યાન’નું સમીક્ષિત સંપાદન ઉત્તમ છે. ‘સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ’ના ૪ ગ્રંથો એમનું યશસ્વી કોશકાર્ય છે.

જેની હવે ૨૦ આવૃત્તિઓ થઈ છે એ ‘તોત્તોચાન’, ઉપરાંત ‘અમેરિકા છે ને, છે જ નહીં’ જેવા સુબોધ અનુવાદગ્રંથો; ‘વલ્તાવાને કિનારે’ જેવું લાક્ષણિક પ્રવાસ-પુસ્તક; ‘સાત અંગ, આઠ અંગ અને-’ જેવો હાસ્યનિબંધ સંગ્રહ સર્જકતાનો સ્પર્શ આપનારાં છે. એમણે કરેલાં અનેકવિધ અભ્યાસશીલ સંપાદનોમાં શાસ્ત્રીયતા અને વિવેચકની સજ્જતાનો સુમેળ છે. ‘પ્રત્યક્ષ’ જેવા પુસ્તક-સમીક્ષાના સામયિકને અઢી દાયકા સુધી સંપાદિત કરીને સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે સંપાદક તરીકે એમણે અમીટ છાપ પાડી છે. ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળમાં’ તેમ જ ‘અવલોકન-વિશ્વ’ જેવા ગ્રંથો પ્રત્યક્ષના ઉપક્રમે પ્રકાશિત કરીને એમણે વિવેચન-સંશોધન ક્ષેત્રે ગુજરાતી વિવેચનની આબોહવાને સતત સંચારિત કરી છે. વિવેચનમાં હોય કે સર્જનાત્મક પુસ્તકોમાં હોય, રમણ સોનીનું સઘન છતાં મરમાળું ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ એમની વિશેષ ઓળખ છે.

— કિશોર વ્યાસ

૦૦૦૦
કિશોર વ્યાસ

કિશોર વ્યાસ (ઈ.૧૯૬૬) ગુજરાતી સાહિત્યજગતમાં વિવેચક અને સૂચિકાર તરીકે જાણીતા છે. છેલ્લા અઢી દાયકાથી આ બંને વિદ્યામાં તેઓ અતંદ્રપણે કાર્યરત છે. વસ્તુલક્ષી પરીક્ષણ અને સ્પષ્ટ નિરીક્ષણ તેમના વિવેચન-અભ્યાસનો વિશેષ છે. કિશોર વ્યાસના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર છે : સાહિત્યિક પત્રકારત્વ. વિશિષ્ટ પરિચય, વિશાળ સ્વાધ્યાય અને વિરલ સૂચિકરણ એનાં ત્રણ પરિમાણ છે. ‘ગુજરાતી સાહિત્યિક સામયિકો’, ‘હાજી મહંમદ અલારખિયા શિવજી’ અને ‘મૈત્રીભાવ’ એ ત્રણ પરિચયપુસ્તિકા તેનું પહેલું પરિમાણ, ‘સંવિવાદનાં તેજવલયો’ (હવે સાહિત્યિક પત્રકારત્વ), ‘પુનર્લબ્ધિ’ અને ‘નિર્દેશ’ એ ત્રણ અભ્યાસગ્રંથ તે બીજું પરિમાણ અને સામયિક લેખ સૂચિ ૨૦૦૧-૨૦૦૫, ૨૦૦૬-૨૦૧૦, ૨૦૧૧-૨૦૧૫ એ તેનું ત્રીજું પરિમાણ. એમાં ‘મનીષા-ખેવના-ગદ્યપર્વ’ જેવાં સામયિકોની સમગ્ર સૂચિ તથા ‘બુંદ બુદની સૂરત નિરાલી’ (રમણ સોની સાથે સહ સંપાદન) પણ ઉમેરી શકાય. તેઓ સૂરતના ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં અક્ષરની આરાધના રૂપે કટારલેખન પણ કરતા હતા. વળી ગુજરાતી સામયિકોનું કોશ કાર્ય પણ એકલે હાથે કરી રહ્યા છે. એમનો આ સર્વાંગી સામયિક સ્વાધ્યાય ‘સામયિક કોશ’ (૨૦૨૨) નામે પ્રગટ થયો છે જે ભવિષ્યમાં ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ લખનાર માટે અત્યંત ઉપયોગી પુરવાર થશે. આવા કઠોર પરિશ્રમમાંથી મુક્તિનો આનંદ મેળવવા કિશોર વ્યાસ સર્જનાત્મક ગદ્યલેખન પણ કરે છે. ગદ્યલેખન પણ ત્રિમાર્ગી છે. ‘લપસણીની મજા’ અને ‘સિંહનો મોબાઈલ’ (બાળવાર્તાઓ), ‘દે દામોદર દાળમાં..?’ (હાસ્યનિબંધ), ‘દેવળાને ઝાંપે’ (સંસ્મરણો)માં તેનો આસ્વાદ લઈ શકાય છે. કિશોર વ્યાસ છેલ્લા ત્રણ દાયકાથી શ્રી એમ. એમ. ગાંધી આર્ટ્સ અને કોમર્સ કોલેજ, કાલોલ (જિ.પંચમહાલ)માં ગુજરાતી ભાષા-સાહિત્યનું અધ્યાપન કરે છે. દોઢ દાયકાથી તેઓ આ કોલેજના આચાર્ય પણ છે. એમના સંચાલન અને માર્ગદર્શનમાં આ વિદ્યાસંસ્થાએ આગવી મુદ્રા ઊભી કરી છે. વિદ્યાલયનું હરિયાળું પરિસર, સમૃદ્ધ ગ્રંથાલય અને ‘ટ્રેનમાં ગાંધીજી’ પુસ્તક પ્રકાશન એ ત્રિવિધ સ્વરૂપે તેની અનોખી ઓળખ થશે. કિશોર વ્યાસને પ્રમોદકુમાર પટેલ વિવેચન સન્માન, કુમારચંદ્રક, રા.વિ.પાઠક ‘પરબ' પારિતોષિક, વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો દર્શક એવોર્ડ આદિ પુરસ્કારો પણ પ્રાપ્ત થયા છે.

— રાજેશ પંડ્યા

આ સંપાદન વિશે...

‘પ્રત્યક્ષ’નો ‘સામયિક સંપાદન વિશેષાંક’ (૧૯૯૫) કરેલો ત્યારે દરેક લેખ નવે પાને શરૂ કરવો એવી મુદ્રણસજ્જા વિચારેલી. પરિણામે મોટાભાગના લેખોના છેલ્લે પાને ઓછી-વત્તી જગા બચતી હતી. પાનાં આમ કોરાં પણ નહોતાં છોડવાં. એમાંથી અવકાશપૂરકો (ફીલર્સ)નો વિચાર જાગેલો. પરંતુ, આટલાં બધાં ફીલર્સ ક્યાંથી, અને ક્યા વિષયોનાં મૂકવાં? તરત વિચાર થયો કે જૂનાં સામયિકોમાં એવી ઘણી સામગ્રી પડી છે – નર્મદથી લઈને કેટલા બધા સંપાદકોના કેફિયત-અંશો અને લેખકો-વાચકોના પ્રતિભાવો એમાંથી તારવી શકાય! ડૉ. કિશોર વ્યાસની મદદ પણ લીધેલી – શોધનિબંધ નિમિત્તે એ જૂનાં સામયિકોમાંથી બરાબર પસાર થયા હતા. પરિણામ તો ધાર્યું હતું એથી પણ વધુ, સુખદ આશ્ચર્યવાળું આવ્યું. બધાંને ફીલર્સ ગમ્યાં. (–કેટલાંકને તો ફીલર્સ જ વધુ ગમ્યાં!) આપણા સંમાન્ય વિદ્વાનોને એમાં જીવંત ઉદ્‌ગારોના આનંદ ઉપરાંત ગુજરાતી સાહિત્ય-સામયિકોના ઇતિહાસની પ્રવહમાન રેખાઓ પણ દેખાઈ. વળી, એની બીજી આવૃત્તિ થઈ ત્યારે સાઈઝ બદલાતાં (ડબલ ક્રાઉનમાંથી ડેમી કદ થતાં) એમાંનાં ઘણાં ફીલર્સ બચ્યાં. એનું શું કરવું? એ ફીલર્સ, એકસાથે પરિશિષ્ટ રૂપે મૂક્યાં. ‘નેપથ્યેથી પ્રકાશવર્તુળ’ની એ બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ ત્યારે કોઈને નહીં ને અમારા પ્રકાશક બાબુભાઈને સરસ વિચાર આવ્યો. કહે : ‘આ બધાં અવતરણોની જ એક નાનકડી ચોપડી કરીએ તો?’ વાહ! તો પછી ‘નાનકડી’ ચોપડી શા માટે? ફરી શોધ ચાલી. ફરી ડૉ. કિશોરે જૂની નોંધપોથીઓ ઉથલાવી ને ફરી અમે થોડાંક સામયિકોમાં ખાંખાખોળા કર્યા. વિશેષાંકમાં જેમને ફીલર્સ વધુ ગમેલાં એ મિત્રને મેં એ વખતે કહેલું કે, ‘એનું એક કારણ તો એ છે કે કોઈપણ લખાણમાંથી કશુંક તારવીને મુકાય ત્યારે એ વધુ અસરકારક લાગવાનું જ, દાખલા તરીકે, આ વિશેષાંકમાંના જ સંપાદકોના લેખોમાંથી જો કેટલાક અંશો તારવીએ તો એક પણ વધુ ગમવાના.’ આ વિચાર પણ કામ આવ્યો. નેપથ્યે-ના લેખોમાંથી પણ અંશો તારવ્યા. આમ, નાના-મોટા ૨૦૦ ઉપરાંત ઘટકખંડો થયા! પણ હવે આ સામગ્રીનું આયોજન શી રીતે કરવું? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, કે સામયિક અનુસાર ગોઠવણી કરવી? સમય પ્રમાણે, લેખક પ્રમાણે, સામયિક અનુસાર ગોઠવણી કરવી? વિષય-તારવણી કરવી? (એ મુશ્કેલ હતું કેમકે એક જ ખંડમાં એકથી વધુ વિષય/મુદ્દા પણ જડવાના.) છેવટે વિચાર્યું કે આખરે તો દરેક અંશ સ્વતંત્ર છે, આગવો છે, અલગ વાંચી શકાય એમ છે; તો પછી એને ૧, ૨, ૩... ક્રમ આપીને એમ જ મૂકવા. દરેક ખંડને ક્રમ ઉપરાંત શીર્ષક પણ આપેલાં જ હતાં. કેટલાંક શીર્ષકો ધ્યાનપાત્ર બને એ રીતે નવેસર કર્યાં. ઉદ્ધરણો/વિચાર-પ્રતિભાવ-ખંડોના આ આખા સંચયનું પહેલું પ્રયોજન તો, વાચકને યથેચ્છ વાચનનો મળનારો આનંદ, એ જ રહ્યું. ઠીક લાગે તે પાનું ખોલો, સામે આવે તે વાંચો. એક સાથે સળંગ વાંચવાનું આ પુસ્તક નથી. જ્યારે, જેટલો સમય મળે એ મુજબ નિજાનંદે, મળી ફુરસદે વાંચી લો. કોઈવાર થોડાંક પાનાં સુધી સળંગ વાંચ્યાનો આનંદ પણ લઈ શકાય... પણ, અલબત્ત, આ સંચય કેવળ છૂટક, ભાગીતળ બિંદુઓના સંગ્રહરૂપ નથી જ. એ બિંદુઓથી બનતી રેખાઓ દ્વારા એક સાવયવ ચિત્ર અહીં ઊભું થઈ શકે એમ છે – દોઢસો વર્ષની ગુજરાતી સાહિત્યસામયિક-પરંપરાને, આ વિચારસંચલન-બિંદુઓમાંથી સંકલિત કરી શકાય એમ છે. અમે એ માટે સહાયક સુવિધાઓ અહીં પૂરી પાડી છેઃ એ રીતેે, એ પ્રયોજનથી, એનું આયોજન કર્યું છે. આ બસો ઉપરાંત ઘટકોની શીર્ષક-પૃષ્ઠક્રમ અનુસાર અનુક્રમણિકા આપી શકાઈ હોત – એ જરાક દબદબાવાળું ને ભર્યુંભર્યું પણ લાગ્યું હોત. પણ એથી કશો જ વિશેષ અર્થ સરવાનો ન હતો. એક પ્રકારનું પુનરાવર્તન હોત એ. એટલે અમે અનુક્રમ વિષયસંદર્ભનો આપ્યો છે. જરાક સ્પષ્ટ કરી લઈએ કે આ વિષયસૂચિ નથી. કેમકે લખાણોમાં એના વિષયો પ્રગટ નથી, પ્રચ્છન્ન છે. એટલે વિષયનો તો સંદર્ભ જ આપી શકાય. વિષયો, સામયિક-વિશ્વના મુખ્ય પ્રદેશોને નિર્દેશતા અમે આપ્યા છે. જેમકે સંપાદક, સંપાદક અને લેખક, સામયિક વગેરે. એની અંતર્ગત પેટા-વિષય-નિર્દેશો આપ્યા છે ને દરેકની સામે ઘટકક્રમાંક મૂક્યા છે. લેખકો/સંપાદકોના વિચાર-ઉદ્‌ગાર-મિજાજ વ્યક્ત કરતા ખંડકો અને એને (અમે) આપેલાં શીર્ષકો સ્વાભાવિક રીતે જ પ્રભાવલક્ષી હોય, એમાંથી અમે વિષયલક્ષી મુખ્ય અને પેટા પ્રદેશો તારવ્યા છે. એક જ ખંડમાં એકથી વધુ વિષય-પ્રદેશોનો સંકેત હોય તો એવા શીર્ષકનો ઘટકક્રમ અમે એકાધિક વિષયપ્રદેશોમાં મૂક્યો છે. જેમકે એક જ ઘટકક્રમ ‘સંપાદકની સક્રિયતા’ વિષયમાં પણ મળશે અને એ ‘સંપાદક લેખક’ વિષયમાં પણ મળશે. કોઈને વિશેષ જિજ્ઞાસા થાય કે વિશેષ અભ્યાસનું કોઈ નિમિત્ત ઊભું થાય ત્યારે આ વિષયસંદર્ભ ઉપયોગ થશે એવી આશા છે. એવો વિશેષ આશય ન હોય ત્યારે તો, આ અનુક્રમને ઠેકીને સીધા ઘટકવિશ્વમાં પ્રવેશી જવું જ સુખદ બનશે. આવી બીજી સુવિધા, પુસ્તકને અંતે મૂકેલી સામયિકસૂચિ, ગ્રંથસૂચિ અને લેખક(/વ્યક્તિ) સૂચિની છે. વિગતસંદર્ભ મેળવવા ઉપરાંત, જેને કોઈ વિશેષ અભ્યાસ કરવાનો હોય એને સામગ્રીસંકલન માટે પણ એ ઉપયોગી થશે. દરેક ઘટકખંડને અંતે સામયિકનું નામ અને એના પ્રકાશનવર્ષનો નિર્દેશ કરેલો છે અને જ્યાં સામગ્રી પુસ્તકમાંથી લીધેલી હોય ત્યાં પુસ્તકનામ અને એનો પ્રકાશનવર્ષ-નિર્દેશ કરેલો છે. મૂળ સ્રોત સુધી જવામાં તેમ જ, જરૂર પડ્યે, સમયક્રમ (ક્રૉનોલૉજી) તારવવામાં પણ એ ઉપયોગી થઈ શકશે. પરિશિષ્ટ રૂપે ગુજરાતી સાહિત્ય સામયિકોની ઇતિહાસરેખા આપતો લેખ મૂક્યો છે એ આ વિવિધરંગી ખંડોના સંચયને એક આવશ્યક આધાર આપવા માટે છે.
* આ પુસ્તકનું નામ વિચારવાનું આવ્યું ત્યારે આ વિવિધ લાક્ષણિક છટાઓરૂપ ખંડકો અને એનું એક જ બૃહત્‌ મૂળ – એને સાંકળી શકે એવાં નામ મનમાં સરકતાં હતાં ને એકદમ જ કવિ બાલમુકુન્દ દવેની આ પંક્તિ મનમાં ઝબકી : સમદર સભર સભર લહેરાય બુંદ બુંદની સૂરત નિરાલી... બસ. કશા વિકલ્પ સુધી જવાને બદલે આ પંક્તિઅંશ ‘બુંદબુંદની સૂરત નિરાલી’ ઝડપી લીધો. કવિશ્રી તરફ આભારવશ છીએ. પૂર્વે જે જે મિત્રોને આ ઘટકખંડો અવકાશપૂરકો તરીકે ગમેલા તે સૌ મિત્રોનો આભાર તથા પોતાના વિચારને આમ પુસ્તકનિર્માણ રૂપે મૂકવા માટે શ્રી બાબુભાઈ શાહ (પાર્શ્વ પબ્લિકેશન)ને અભિનંદન.

વડોદરા; ગુરુ પૂર્ણિમા, ૨૦૬૫

(૭ જુલાઈ ૨૦૦૯)
– રમણ સોની

આ વિચારસંચલનોમાંથી કેટલાંક જ્યારે પહેલીવાર ફીલર્સ
(અવકાશપૂરકો) તરીકે પ્રગટ થયેલાં ત્યારે મળેલા
કેટલાક પ્રતિભાવો

ફીલર્સમાં તમે ભૂતકાલીન ગુજરાતી સાહિત્ય-સંપાદનની નીતિરીતિ, ગતિવિધિ અને મથામણોની ઝાંખી કરાવી એક મૂલ્યવંતું ઉમેરણ કર્યું છે. એની પસંદગી ખરે જ માર્મિક અને સૂર્ઝભરી છે.

– જયંત કોઠારી

ફીલર્સ સમુચિત છે, અતીતમાં ને વર્તમાનમાં અવગાહન કરાવે છે, ધારદાર છે, સચોટ છે, તલસ્પર્શી છે.

– વી.બી. ગણાત્રા

Fillers ખરેખરૂ Feelers પણ છે...

– મહેન્દ્ર મેઘાણી

હું તો સૌથી પહેલાં બધાં ફીલર્સ જ એકસામટાં રસપૂર્વક વાંચી ગઈ...

– ઊર્મિ ઘનશ્યામ દેસાઈ

અ નુ ક્ર મ
વિષય-સંદર્ભ

[ ‘સંપાદક એટલે આ-’, ‘આ વાત્યું નોખિયું’, ‘પ્રથમ અંકનો ઉત્સવ’, ‘અવલોકનનું આયોજન’, વગેરે ઘટકશીર્ષકો તો પુસ્તકમાં સળંગ ૧,૨,૩,૪ એવા ક્રમે મૂકેલા છે. આ શીર્ષકો વિલક્ષણતા, સૂચકતા, મિજાજ આદિ દર્શાવે છે, ને એ રીતે પ્રભાવલક્ષી છે. એટલે અહીં અનુક્રમ વિષયલક્ષી કર્યો છે. જેમ કે – ૨. ‘એ વાત્યું નોખિયું ’ એે ઘટકખંડનો વિષયસંદર્ભ છે ‘સંપાદક’. વિષય-શીર્ષકો અને ઉપશીર્ષકો નીચેના આંકડા પૃષ્ઠક્રમ નહીં પણ ઘટકક્રમ દર્શાવે છે.]

૧. સંપાદક
૨, ૮, ૧૩, ૧૭, ૪૦, ૫૦, ૯૩, ૧૨૬;

– સંપાદકની ઉપલબ્ધિ
૩૬,૮૨, ૯૫, ૧૧૬;

– સંપાદકની જવાબદારી (-નો ધર્મ)
૧૭, ૩૬, ૪૬, ૪૯, ૫૭, ૬૨, ૭૬, ૯૧, ૯૫, ૧૫૧, ૨૧૫;

– સંપાદકની નિસબત
૧, ૨૫, ૫૮, ૮૧, ૧૧૧, ૧૩૦, ૧૪૩, ૧૪૬, ૧૫૫, ૧૬૦, ૧૮૧, ૧૮૭, ૧૯૩, ૧૯૪, ૨૧૨;

– સંપાદકની પ્રતિભા (-ની મુદ્રા)
૫૦, ૮૧, ૯૨, ૧૪૧, ૧૭૧, ૧૭૩, ૨૦૮;

– સંપાદકની મુશ્કેલીઓ
૪૦, ૧૦૦, ૧૧૭, ૧૨૯, ૨૦૫, ૨૧૨;

– સંપાદકનું પ્રદાન (-સંપાદકની સક્રિયતા)
૭૯, ૮૫, ૮૮, ૮૯, ૯૩, ૯૯, ૧૦૪, ૧૨૨, ૧૨૪, ૧૩૮, ૧૫૦, ૧૫૨, ૧૫૮, ૧૬૨, ૧૬૬, ૧૮૦, ૧૮૨, ૧૯૦, ૧૯૫, ૨૧૭;

– સંપાદકનું વલણ (-સંપાદકની ખબરદારી)
૧૩, ૪૯, ૭૩, ૯૮, ૧૦૨, ૧૨૨, ૧૩૦, ૧૪૦, ૧૭૨, ૧૭૬, ૧૮૫, ૨૧૭;

૨. સંપાદક અને લેખક
૬, ૧૧, ૨૨, ૫૧, ૬૧, ૬૬, ૬૭, ૯૦, ૯૨, ૯૭, ૧૦૬, ૧૦૯, ૧૧૬, ૧૧૮, ૧૨૧, ૧૨૨, ૧૨૩, ૧૩૩, ૧૩૭, ૧૪૦, ૧૪૪, ૧૪૯, ૧૫૩, ૧૫૪, ૧૫૭, ૧૬૧, ૧૬૮, ૧૭૨, ૧૭૭, ૧૭૮, ૧૮૩, ૧૮૪, ૧૮૬, ૧૮૮, ૧૯૬, ૧૯૭, ૯૮, ૧૯૯, ૨૦૦, ૨૦૩, ૨૦૪, ૨૧૪;

૩. સંપાદક અને વાચક
૨, ૭, ૩૪, ૭૫, ૭૯, ૧૨૦, ૧૨૭, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૪૪, ૧૯૨, ૨૦૬, ૨૦૯, ૨૧૩;

૪. સામયિક
૩, ૧૦, ૧૨, ૩૧, ૩૨, ૭૭;

– સામયિક અને ગ્રાહક
૨૩, ૫૯, ૬૦, ૬૧, ૭૦, ૧૦૬, ૧૭૪;

– સામયિક : એક સાહસ, એક પડકાર
૧૯, ૨૦, ૪૫, ૬૩, ૧૭૦, ૧૭૫;

– સામયિકની આવશ્યકતા અને એનો ઉદ્દેશ
૧૪, ૧૫, ૪૩, ૧૨૫, ૧૨૯, ૨૦૬;

– સામયિક અને પ્રયોગશીલતા
૨૬, ૨૭, ૨૮, ૩૩, ૫૨, ૫૫, ૬૫, ૬૬, ૬૯, ૧૩૯, ૧૬૪,૨૦૨;

– સામયિકની ભૂમિકા
૫૭, ૬૪, ૮૦, ૮૬, ૧૦૮, ૧૨૫, ૧૫૧, ૧૫૮, ૧૫૯, ૧૭૯, ૨૦૧;

– સામયિકની મર્યાદા
૩૪, ૯૪, ૯૫, ૧૦૫, ૧૩૨, ૧૩૫, ૧૩૬, ૧૪૨, ૧૪૮, ૧૫૬, ૧૬૯, ૧૭૨, ૯૧, ૨૦૭, ૨૦૮, ૨૧૫;

– સામયિકની લાક્ષણિકતા
૧૨, ૧૩, ૪૨, ૪૪, ૭૧, ૭૪, ૧૦૭, ૧૧૨, ૧૧૪, ૧૧૫, ૧૧૯, ૧૩૪, ૧૩૮, ૧૬૭, ૧૬૯;

– સામયિકની વિદાય
૨, ૩, ૧૬, ૩૦, ૩૯, ૪૮, ૫૪;

– સામયિકનો પ્રથમ અંક
૮, ૧૯, ૨૭, ૩૮, ૬૭, ૯૬, ૧૯૪;

– સામયિકનો વિશેષ
૮, ૩૭, ૩૮, ૪૧, ૬૭, ૬૮, ૭૧, ૭૮, ૮૯, ૭૨૬, ૧૪૭, ૧૬૨, ૧૬૫;

– સામયિકમાં અવલોકન, સમીક્ષા, વિવેચન
૪, ૯, ૧૮, ૨૯, ૫૬, ૬૨, ૬૬, ૮૩, ૮૪, ૧૪૯, ૧૬૩, ૧૮૧, ૧૮૫, ૧૯૦, ૧૯૧, ૨૧૬;

૫. સામયિક અને લેખક
– લેખકની જવાબદારી
૧૭, ૪૭, ૬૦

– લેખકની નિર્ભિકતા
૨૪

– લેખકની સીમાઓ
૫૩, ૪૭, ૬૦, ૨૧૬

– લેખક અને પુરસ્કાર
૨૧, ૧૬૧, ૧૯૮, ૨૧૧

૦૦૦

બું

બું

ની

સૂ

નિ

રા

લી

બું દ બું દ ની સૂ ર ત નિ રા લી...
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦

૧.
સંપાદક એટલે આ–

બચુભાઈ એટલે માત્ર તંત્રી જ શું? તંત્રીઓ તો ક્યાં ઓછા છે? એક હાથે લખાણ લે, આંખ તળે કાઢે -ન કાઢે, ને પસંદગીનું મુદ્રણે પસાર કરાવી, બીજે હાથે સમાજને પકડાવી દ્યે. આ તંત્રીઓ! આજે તંત્રીઓને હાથે-આંખે ‘કૃતિઓ’ પકડાવનારાનીયે પડાપડી છે ત્યાં તંત્રીઓને ક્યાં ઝાઝું કરવાનું રહે? બચુભાઈ તો લેખકને બરાબર ચકાસે-તપાસે; ના પાડતાંય એમનામાં રહેલા ગુણતત્ત્વને નુકસાન ન થાય એની કાળજી લે. સ્વીકાર્યા પછી માત્ર નિયત સ્થાને ગોઠવણીનું કામ જ તંત્રીને ઘણુંખરું રહે – એમ નહિ; અહીં તો એ કૃતિના વાચને જે પ્રસ્નો જાગે એનો અભ્યાસ તંત્રી પોતે કરવા લાગે. ચર્ચા કરે. પત્રો લખે. વાંચે, લેખકનું ધ્યાન દોરે. તારવે. ચિત્રો-મથાળાં વગેરે વિચારે. તૈયાર કરવા જેવી જરૂરી નોંધો કરે. અને એમ કૃતિ છેલ્લો આકાર પામે. નવા કવિનું તો ઝીણવટથી વાંચે, ને જવાબે. કોઈ પણ કૃતિ બે-વાર વાચન વિનાની પાછી કરાઈ નથી કે લેવાઈ નથી. બચુભાઈ જાણે કવિતાને રીતસર સેવે! (કૃતિ સ્વીકારાયા પછી પ્રગટતાં પણ, એટલે જ વાર લાગે.) એમણે સ્વીકારેલી કરતાં વણસ્વીકારેલી કવિતાનું પ્રમાણ સેંકડોગણું હશે! કોઈ કાવ્યપ્રેમીએ સર્જાતી કવિતાને આટલી ધીરજથી, આટલો સમય ફાળવીને, આટલી ચાહીચાહીને આટલા શ્રમપૂર્વક નહિ જ વાંચી હોય! અજોડ એમનો કાવ્યાનુરાગ. એક વાર હસતાં હસતાં કહે. ‘આ મારા વાળ ધોળા થઈ ગયા હોય તો તે ‘કુમાર’થી નહિ, કવિતાથી.’ બચુભાઈ ‘સાહિત્યકાર’ નહોતા, પણ એમના વિનાનું સાહિત્યક્ષેત્ર કલ્પવું મુશ્કેલ છે! સાત્યિકાર ન હોવા છતાં સાહિત્યનો ઈતિહાસ રચવામાં-કવિઓ, ચિત્રકારો, લલિત નિબંધકારો આપીને, સાહિત્યની સૃષ્ટિ સમગ્ર પર આંખ રાખતા રહીને, કલમથી નહિ, આંખથી વ્યાપનાર આવા કેટલા? રણજિતરામ... હાજીમહમ્મદ...પછી? આ. સાહિત્યકાર નહિ છતાં સવાઈ સાહિત્યકાર!

[કુમાર, ઑક્ટો.-નવે. ૧૯૮૧]
કનુભાઈ જાની

૨.
આ વાતું નોખિયું

એ જ વરસે પ્રો. ઉમેદભાઈના પોસ્ટકાર્ડ આવે, નવા નવા ગ્રાહકોનાં નામ સાથે. પચાસે પહોંચ્યા. હું કહું ‘ભાઈ, આ ‘આ જા ફસા જા’ શા માટે ચલાવો છો? બીજે વરસે એમણે પૂછ્યું, ‘કેટલા ચાલુ રહ્યા? ‘કોઈક રડ્યા ખડ્યા!’ આપણાં લક્ષણ એવાં, ગ્રાહકોનો શો દોષ? સદ્‌ગત રમણલાલ શેઠ (પછીથી ‘જનસત્તા’ના તંત્રી)ને સૂઝ્‌યું, ‘દૈનિકમાં જાહેરાત કરીએ.’ ‘કરો, ભાઈ.’ એક દૈનિકમાં તંત્રીલેખ સામેના પાને અવારનવાર જાહેરખબર છપાવી. ‘કેટલા ગ્રાહકો વધ્યા?’ ‘એકે નહીં.’ આ કયો એવો માલ હતો કે છાપામાં નજર ફેરવનારા નાગરિકની આંખને પકડે અને એ મળે નહીં ત્યાં સુધી એને અન્નપાણી તજવા મજબૂર બનાવે! આ વાતું નોખિયું. એમ વગર સમજે કાંઈ હૃદયભંગ થવાતું હશે. મગજમાં તેમ છતાં રાઈ રાખીને ચાલવું જોઈએ કે જેને આ પદાર્થનો ચસકો છે તે ભર્યે ભાણે બેઠો હશે ને ટપાલમાં આ ટપકી પડ્યું તો આખા પર નજર નાખ્યા વગર આગળ કોળિયો ભરી શકશે નહીં...

[સંસ્કૃતિ, ઑક્ટો.-ડિસે.-૧૯૮૪]
ઉમાશંકર જોશી

૩.
પ્રથમ અંકનો ઉત્સવ

પહેલો અંક ૨૬મી જાન્યુઆરી ૧૯૪૭ના સ્વાતંત્ર્યદિને પ્રગટ કરવાનું ઠરાવ્યું. દરમ્યાન એક આશ્ચર્યકારક ઘટના બની. સરકારે કાગળ આપવાની હા પાડી. બે મહિના પહેલાં સરકારી જાહેરાત આવેલી કે અત્યાર સુધી કાગળની માગણી કરતી જે અરજીઓ આવી છે તે રદ છે. અને હવેથી કોઈ અરજી આવશે તો તેની તરફ લક્ષ આપવામાં આવશે નહીં. મેં આ વાંચીને એક જ વાક્યનો કાગળ લખ્યો કે, આવતીસાલ સ્થપાનારા કોઈ મોટા ઉદ્યોગ અંગેની આખું પાનું ભરેલી જાહેરખબરના કોઈ મોટા ઉદ્યોગ અંગેની આખું પાનું ભરેલી જાહેરખબરના કોઈ એક જ અંગ્રેજી દૈનિકમાં માત્ર એક જ વાર થતા પ્રકાશનમાં જેટલો કાગળ વપરાય તેથી ઓછો કાગળ એક વિદ્યાકીય સામયિકને આખા વરસ માટે જોઈએ છે, જે તમે મંજૂર કરો એ જ બરોબર થશે. પોતાનો મનાઈહુકમ નેવે મૂકી સરકારે કાગળ આપ્યો! પણ હવે પાછો અમદાવાદમાં ક્યાં પ્રેસ શોધું? કાગળ પણ કેવા બરનો મળે? વડોદરા તૈયારીઓ થઈ ગઈ હતી. અત્યંત ઊંચા પ્રકારના સ્વીડનના કાગળ ઉપર પહેલો અંક બહાર પડ્યો. (મારી કોઈ ચોપડી એટલા સારા કાગળ ઉપર છપાઈ નથી.)

[સંસ્કૃતિ, ઑક્ટો.-ડિસે.-૧૯૮૪]
ઉમાશંકર જોશી

૪.
અવલોકનોનું આયોજન

પુસ્તક મળવાની સાથે દીવો લઈને વિવેચકની શોધ કરવા અધિપતિ નીકળી પડે. અને તે શોધ વખતે કશાં સામાન્ય ધોરણ ન જળવાય. અમુકને નવલકથા કે અમુકને નાટક એવો નિર્ણય થઈ શકે નહિ, કેમ કે અવલોકનકારની ઇચ્છા પ્રમાણે કામ લેવું પડે. આજે જેને નવલકથા આપી હોય તેને કાલે નિબંધ આપવો પડે. અરે, આજે જે વિવેચક હોય તે કાલે બીજાને, પરમ દિવસે ત્રીજાને, એમ મળ્યું તેને ગમે તે પુસ્તક સોંપી દેવું એ સારું નથી. ગ્રંથકાર, વખાણનારા વિવેચકમિત્ર પાસે જ પોતાનાં અવલોકન લખાવે-છપાવે-ગુજરાતી પત્રકારત્વે આવાં વગિયાં વિવેચનને છાપવાં ન જોઈએ અને છાપ્યાં હોય તો તેને ઉઘાડાં પાડવાં જોઈએ. આ નવી કળાથી કોઈએ અંજાઈ જવું નહીં. એથી સાહિત્યની સેવા થતી નથી પણ એવું સ્વાર્થી ગ્રંથવલોકન વિવેચનકળાને અધોગતિએ પહોંચાડે છે.

[સાહિત્ય, અંક-૬, જૂન ૧૯૩૨]
મટુભાઈ કાંટાવાળા (તંત્રી)

૫.
પ્રસિદ્ધિનો મોહ – મોટું ભયસ્થાન!

છેલ્લાં દશકે વર્ષથી હું અનુભવી રહ્યો છું કે ઊગતા લેખકને ઉત્તેજન મળતાં તે અર્ધઅભ્યાસી લેખક પોતાને વિશે કંઈ ને કંઈ ધારી લઈને અભ્યાસ અને વાચનને વિસારે પાડી દેતાં આગળ વધવાને બદલે પાછળ હઠે છે. પ્રસિદ્ધિ એને બગાડી મૂકે છે. ‘પ્રસિદ્ધિનો મોહ’ એ ઊગતા લેખકનું મોટામાં મોટું ભયસ્થાન છે. આજના લેખકોમાં પંદર-વીસ વર્ષ પહેલાંના લેખકો જેટલો અભ્યાસ કે એટલું ઊંડાણ અને એટલું વાચન રહ્યાં નથી. આજ તો ‘સૂંઠને ગાંગડે ગાંધી’ થવાની વૃત્તિ જ ઊગતા લેખકોના મોટા ભાગને આવરી રહી છે. લેખન અને વાચન ઉભયનું ધોરણ છેલ્લા એક દાયકાથી ઉત્તરોત્તર નીચું જ જતું હોય છે એમ તંત્રી તરીકેનો મારો અનુભવ સ્પષ્ટ કહી રહ્યો છે. આનાં અનેક કારણો છે, પણ એ કારણોની તપાસ કરવાનું આપણા વિવેચકોને, આપણી પ્રજાને કે આપણી સરકારને સૂઝતું નથી એ સાચે જ દુઃખદ છે. આ ધોરણપતનમાં તંત્રીઓએ પણ જેવોતેવો ભાગ ભજવ્યો નથી. તંત્રી હવે ‘જવાબદાર પ્રજાશિક્ષક’ને બદલે ‘ધંધાદારી માનવી’ બની ગયો છે એ પણ જમાનાની બલિહારી જ છે!

[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪, પૃ. ૧૬૬]
ચાંપશી ઉદેશી

૬.
તંત્રીની ભૂમિકામાં લેખકનો લોપ!

નવચેતન ના તંત્રી તરીકેની ફરજો તેમજ નવચેતનની બધી વ્યવસ્થા અને બધી આર્થિક જવાબદારી છેલ્લા ત્રણ દાયકાથી મારે શિરે હોવાથી લખવા માટે હું જોઈએ એટલો સમય કાઢી શકતો નથી. ઉપરાંત લખવા માટે ઘણુંઘણું વાંચવું જોઈએ એ પણ સમયના અભાવે મારાથી થઈ શકતું નથી. ગુજરાત મને તંત્રીની ભૂમિકામાં જોવાને એટલું બધું ટેવાઈ ગયું છે કે તંત્રી સિવાયની મારી કોઈપણ ભૂમિકા તરત તેના ધ્યાનમાં આવતી નથી. એટલે લેખક તરીકેની મારી ભૂમિકા ગુજરાત અને ગુજરાતના વિવેચકોના ધ્યાનમાં આવી નહિ.

[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪, પૃ.૧૬૮]
ચાંપશી ઉદેશી

૭.
‘રસિક’(!) લખાણો અમારા પ્રદેશની બહાર...

કેટલાકને આ પત્ર કાંઈક ‘નીરસ’ લાગતું હશે. ઉત્તમ રસની જરા પણ અવગણના કર્યા વિના અમે એટલું આગ્રહપૂર્વક કહીએ છીએ કે - આપણા દેશની વર્તમાન સ્થિતિમાં લોક જેને ‘રસિક’ લખાણ કહે છે એવાં લખાણોમાં મગજ અને હૃદયનું તેજ ક્ષીણ કરવું એ અમને દેશદ્રોહ સમાન લાગે છે. આ કારણથી, અમે પ્લેટોનો ઉપદેશ સ્વીકારી ‘કવિઓ’ને ઘણુંખરું અમારા પ્રદેશની બહાર રાખ્યા છે. અમે ખરા કાવ્યરસની સ્હામે નથી. અમે સારી રીતે જાણીએ છીએ કે કવિતા - ખરી કવિતા - એ પરમાત્માની વાણી છે, અને એ અમૃતના પાન ઉપર મનુષ્યહૃદય અનાદિકાળથી જીવતું આવે છે. પણ જેટલો ખરી કવિતા માટે અમને આદર છે તેટલો જ - તેટલા જ પ્રમાણમાં - એમના ખોટા અનુકરણ માટે અનાદર છે અને અમે માનીએ છીએ કે એવાં ‘રસિક’ કહેવાતાં સો લખાણો કરતાં એક શુષ્ક આંકડાઓથી ભરેલું કોષ્ટક અનેકગણું વધારે કિમતી છે. અમે સારી રીતે સમજીએ છીએ કે આ પત્રને લોકપ્રિય કરવાનો અને વધારે ગ્રાહક આકર્ષવાનો એ માર્ગ નથી. પણ જ્યાં એ ઉદ્દેશ નથી ત્યાં એ માર્ગ લેવાની જરૂર પણ નથી.

[વસન્ત વર્ષ-૨, અંક ૧૨, પૌષ સં. ૧૯૬૦]
આનંદશંકર ધ્રુવ

૮.
હાજીમહમ્મદ – એ રસભીનો મજૂર...

એક સારું માસિક ફતેહમંદીથી ચલાવવામાં આ રસ-સૂના પ્રાંતમાં કેટલી જહેમત ઉઠાવવી પડે છે તેનો ખરો ખ્યાલ હાજીમહમ્મદનું જીવન જાણ્યા વિના કદી આવવાનો નથી. એ રસભીનો મજૂર વીસમી સદી પાછળ કેટલી તનતોડ મહેનત કરી રહ્યો હતો તે તેના નિકટના સ્નેહીઓ જ જાણે છે. યૂરોપ–અમેરિકાનાં સારામાં સારાં ચિત્ર-માસિકોની બરોબરીમાં મૂકી શકાય એવું વીસમી સદીને બનાવવાનું તેનું વ્રત અજબ હતું. ગુજરાતના સારામાં સારા લેખકો પાસેથી લેખો મેળવવામાં તેની હૃદયકારક મીઠાશ અને સમજાવટ ઑર હતાં. એક વાર તમારા ઉપર હાજીએ નિશાન તાક્યું, પછી તમારી મગદૂર નહિ કે તમે છટકી જઈ શકો. તમારે ત્યાં હંમેશના બે ધક્કા ખાઈને પણ તમારી પાસે લખાવશે. તમે માથેરાન જશો તો તારથી તમને યાદ આપશે; વિષય માટે વસ્તુ મેળવવાનું બહાનું કહાડશો, તો એ વિષય ઉપર ઢગલાબંધ સાહિત્ય તમારા હાથમાં આવીને પડે એવી એ તજવીજ કરશે.

[‘હાજીમહમ્મદ સ્મારક ગ્રંથ’ : ૧૯૨૨]
નૃસિંહ વિભાકર

૯.
ગ્રંથસ્થ વાઙ્‌મયની વાર્ષિક સમાલોચના

આધુનિક સમયની પરિસ્થિતિ જુદી છે. પ્રસિદ્ધ થતાં પુસ્તકોની સંખ્યા વધી ગઈ છે અને વિષયોના પ્રકારમાંયે વૃદ્ધિ થઈ છે. આ વસ્તુસ્થિતિમાં અમુક વ્યક્તિ ગમે તેવી પ્રભાવશાળી હોય છતાં પણ જુદાજુદા લેખકોનાં અનેક પુસ્તકોને એ ન્યાય આપી શકે તેમ ધારવું હાસ્યજનક છે. નવલકથા, નવલિકા, સાહિત્યસંબંધી નિબંધો, કાવ્યો, વિવેચન, મુસાફરી, ધર્મ, સમાજ, રાજકારણ, જીન્સી, રાસાયણિક વિજ્ઞાન આદિ શાસ્રો પરત્વે લખાયેલ પુસ્તકોનું એક વ્યક્તિ વિવેચન કરી શકે એવી સમર્થ વ્યક્તિ જવલ્લે જ જોવામાં આવે છે. તે ઉપરાંત આ જમાનો સ્પેશ્યાલીઝમનો છે અને પ્રજાજીવનના વિકાસાર્થે એ જ ઉત્તમ છે. આ બધું ધ્યાનમાં લેતાં પુસ્તકોને મોટામોટા ત્રણ કે ચાર વિભાગમાં વહેંચી નાખી તે તે વિભાગના નિષ્ણાત વિવેચકને આ કાર્ય પ્રત્યેક વર્ષે સોંપવામાં આવે તો આવી સમાલોચન કરાવવા પાછળ રહેલ ઉચ્ચ ફળીભૂત થવાના સંભવ વધારે છે એમ ખાતરીપૂર્વક કહી શકાય.

[ગુજરાત : સપ્ટેમ્બર, ૧૯૩૫]
તંત્રી

૧૦.
વિવેચનના માસિકની અનિવાર્યતા

હાલ પુસ્તકોની વૃદ્ધિ એટલે દરજ્જે આવી પહોંચી છે કે હવે કોઈ મોટા ત્રૈમાસિક ‘વિવેચક’ની ખાસ જરૂર છે, અને એ તરફ અમે ગુજરાતી પંડિતોનું ખાસ ધ્યાન ખેંચીએ છીએ. હવે ગુજરાતી પ્રજાએ આશા રાખવી કે એ કામ ચાલુ માસિકોથી થઈ શકશે એ કેવળ મિથ્યા છે. ગ્રંથકારો ગમે એટલા ચીડવાય, પણ વર્તમાનપત્રોએ તો એ કામ ક્યારનું છોડી દીધું છે. અને તે એ કામને યોગ્ય પણ નથી. માસિકો હજી ઉપરઉપરથી ગ્રંથાવલોકન કરે છે. પણ અમે તો કબૂલ કરીએ છીએ કે તે મનમાનતું થતું નથી જ. વળી હાલ કેટલાંક પુસ્તકો તો એવાં પ્રગટ થાય છે કે તે ખાસ વિસ્તીર્ણ વિવેચનને જ યોગ્ય છે, જેમકે ‘સરસ્વતીચંદ્ર’ માટે જ અમે કહીએ છીએ કે આવાં પુસ્તકને ઘટતો ન્યાય મોટા ત્રૈમાસિક વિના કદીપણ આપી શકાય નહીં.

[‘નવલગ્રંથાવલિ’, પૃ.૨૩]
નવલરામ

૧૧.
લેખકને પસંદગીનો અવકાશ મળવો જોઈએ ને?

આ પ્રમાણે તમે દર વખતે એકાદ પુસ્તક મોકલો અને મ્હને પત્ર લખવાની ફરજ પાડો, એ મારી પ્રકૃતિને એટલું પ્રતિકૂળ છે ને ત્હમારી એ રીત સામે હું મારો વિરોધ જાહેર કરું છું. અમુક પુસ્તક વાંચ્યા પછી એ વિષે ત્હમે મારો અભિપ્રાય પુછાવો તો એ લખવામાં મ્હારે વાંધો નથી. ત્હમને રુચે તે સ્વરૂપમાં પણ હું અભિપ્રાય લખી મોકલું પણ ત્હમે એક જ પુસ્તક મોકલો અને તે જ મારે વાંચવું અને તે વિશે જ લખી મોકલવું કેવો જૂલમ! માટે હવેથી બેપાંચ પુસ્તકો સાથે મોકલજો અને તેમાંથી મારી મરજી પ્રમાણે મારે એક વાંચવું (બે પણ વાંચું) એટલું સ્વાતંત્ર્ય લેવાનો તે નોંધી રાખજો.

[ગુજરાત : ડિસેમ્બર, ૧૯૩૫ : તંત્રીને પત્ર]
ભાનુશંકર વ્યાસ

૧૨.
કવિતા : ઉદારતા અને ગુણવત્તા – અને પ્રશ્નો...

જ્યાં સુધી કવિતા દ્વૈમાસિકની વાત છે, એ દિનપ્રતિદિન બહોળો ફેલાવો પામતું ગયું છે. તેની, મને ખ્યાલ છે ત્યાં સુધી, ત્રણેક હજાર નકલ છપાય છે. કવિતાના સામયિક માટે આ સંખ્યા ઓછી તો ન જ કહેવાય અને ભારતની એક પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં તો નહિ જ. વળી આ દ્વૈમાસિક કોઈ પણ પ્રકારની જાહેરખબર પણ લેતું નથી. એ બાબતમાં કદાચ એ અનન્ય છે. એટલે કવિતા વાચકોમાં પ્રિય તો છે, એમ કહી શકાય. આધુનિક કવિતા વિષે એક વિવેચકનું નિરીક્ષણ છે કે મોટાભાગના લોકો મોટાભાગની કવિતાથી દૂર રહે છે કેમકે મોટાભાગની કવિતા મોટાભાગના લોકોથી દૂર રહે છે. એ ખરી વાત લાગે. પરંતુ કવિતાના સંપાદક ગુજરાતી કવિતાને ‘લોકપ્રિય’ બનાવવા પ્રયત્નશીલ રહ્યા છે. આંશિક રીતે સફળ પણ રહ્યા છે. અહીં જોખમ પણ છે. બચુભાઈએ ૧૬ પાનાંની કવિતા પત્રિકા શરૂ કરી ત્યારે શિકાયત કરેલી કે સોળ પાનાં ભરાય એટલીય સારી કવિતાઓ મળતી નથી. આજે કોઈ પણ કવિતા-સામયિકના, અથવા કવિતા-પણ છાપતા સામયિકના તંત્રીની આ શિકાયત હોવાની. આવી સ્થિતિમાં વર્ષે એકબે વિશેષાંકો સાથે દર બે માસે કવિતાનો અંક પ્રકટ કરનારની કપરી કામગીરીનો અંદાજ આવી શકે છે. સુરેશ દલાલે આરંભથી દેશવિદેશની ભાષાઓની કવિતાઓના અનુવાદ અપવાનું ઉદાર વલણ રાખ્યું છે. માત્ર આનૂદિત રચનાઓની ગુણવત્તા ચકાસવાનું કોઈ ધોરણ ઊભું કરવાનું અવશ્ય મુશ્કેલ છે. ‘કવિતા’માં સારા અનુવાદોની સાથે અધકચરા અનુવાદો પણ પ્રોત્સાહિત થતા રહ્યા છે. સંપાદકને મૌલિક રચનાઓ પરત્વે પણ આ વલણ અખત્યાર કરવું પડ્યું છે. કવિતાની શરૂઆત થઈ ત્યારે અછાંદસ રચનાઓનો જુવાળ હતો. કવિતા રચવાનું સહેલું થઈ ગયું હતું. પછી ગીત ગઝલ મદદે આવ્યાં. પરિણામે કવિતાના સંપાદકને પ્રમાણમાં ઓછી મુશ્કેલી પડતી રહી છે. એને લીધે કવિતાના ચાહકો પણ કવિતાના ટીકાકાર રહ્યા છે. કવિતામાં જે ઉપેક્ષિત અંગ છે, તે કાવ્યવિવેચનનું. કોઈ પણ કવિતા-સામયિકનું એ મહત્ત્વનું અંગ ગણાય. કવિતાના સંપાદકે એના માટે પ્રયત્નો કર્યા છે, પણ કવિતાનાં પુસ્તકોના નિયમિત રિવ્યૂ કવિતામાં આવતા નથી. સુરેશ દલાલ જ્યારે મુંબઈથી પ્રકટતા કવિલોકના તંત્રીમંડળમાં હતા ત્યારે એ પોતે તેમાં નિયમિત રિવ્યૂ લખતા, પણ કવિતામાં એની ખોટ સાલે છે. આપણને પોએટ્રી કે પોએટ્રી રિવ્યૂ કે બુદ્ધદેવનું કવિતા યાદ આવે. આ સામયિકોમાં ઘણી વાર તો ચોથા ભાગ કરતાંય વધારે પાનાં કાવ્યવિવેચનને મળતાં રહ્યાં છે. કાવ્યરુચિ ઘડવામાં કાવ્યવિષયક વિવેચનો ઘણો ફાળો આપી શકે.

[પરબ : મે, ૧૯૮૪]
ભોળાભાઈ પટેલ

૧૩.
મર્યાદા અને સફળતા

પહેલી જરૂરિયાત ધોરણ જાળવવાની છે, પણ એ ધોરણ જાળવવું હંમેશાં શક્ય નથી હોતું. જગતનો કોઈપણ તંત્રી દરેક પાના પર પોતે આ શું કામ છાપ્યું છે એનું જસ્ટિફિકેશન નહીં આપી શકે. હું ગુજરાતી કવિતા છાપું છું, તો અલ્ટીમેટલી ગુજરાતમાં જે ઉત્તમોત્તમ કવિતા લખાતી હોય અને મને પ્રાપ્ત થતી હોય એમાંથી જ મારે છાપવાનું છે. [...] કવિતાનું અત્યારનું કે આવતીકાલનું સ્વરૂપ એ અંતે તો તમારી ભાષાના કવિઓ શું લખે છે એના પર આધારિત છે. હું એમ નહીં કહું કે મને એનાથી પૂર્ણ સંતોષ છે, કારણ કે મારી એક ફરિયાદ એ છે કે મોટાભાગના કવિઓ અનુકરણથી લખતા હોય છે. મેં તો એકવાર ટકોર પણ કરી હતી કે એવું કેમ લાગે છે કે બધી જ કલમો એક જ ખડિયામાં બોળીને લખતી હોય. બીજી વાત એ છે કે ગઝલમાં પણ નવીનતા સિદ્ધ થઈ, પણ એ નવીનતા વિશે જેટલું ઓછું કહીએ એટલું વધારે સારું. ગીતો છે તો એ ગીત પણ અમુક હદથી વધારે આગળ વધતાં નથી. અછાંદસ કવિતાની પણ એક મોટી મર્યાદા છે અને મોટાભાગના કવિઓ છંદને જાણ્યા વગર અછંદસ લખે છે ત્યારે તો બહુ મુશ્કેલી થાય છે. વ્યક્તિગત રીતે હું રાહ જોઉ છું કે કશુંક મૌલિક, કંઈક નવું પ્રગટ થાય. [...] હું દૃઢતાપૂર્વક માનું છું કે કવિતા સામયિક તરીકે ઘણું સફળ થયું છે. ગુજરાત કે ગુજરાત બહાર એકપણ સામયિક એવું નથી કે જે કવિતા તરીકે આટલું સફળ થયું હોય.

[‘સંપર્ક’ : સુરેશ દલાલ મૂલ્યાંકન ગ્રંથ, ૧૯૮૨]
સુરેશ દલાલ

૧૪.
અમારા સામયિકનો ઉદ્દેશ

‘અમને’ ગીતાંજલિ બહુ રુચી નથી તેથી ચેતનના ઑગસ્ટ (૧૯૨૦)ના અંકમાં અમારી વિદ્વત્તા વિશે શંકા ઉઠાવી છે તે વાજબી છે એમ કહેવાની અમને લાલચ થાય છે. એ માટે શંકાનું સ્થાન નથી. વિદ્વાન હોવાનો અમે કદી દાવો કર્યો નથી. સાહિત્યનો ઉદ્દેશ જ વિદ્વત્તાનો દંભ દૂર કરવાનો અને સાહિત્યને સામાન્ય પ્રજાને રુચતું કરવાનો છે. અમે ફરીથી કહીએ છીએ કે દરેક સામાન્ય માણસને કોઈપણ ગ્રંથ માટે વિરુદ્ધ અભિપ્રાય આપવાનો હક્ક છે. અભિપ્રાય અનુકૂળ હોય તો જ તેવો હક્ક સ્વીકારવો, નહીં તો નહીં – એવું ધોરણ કેટલાકનું ભલે હોય.

[સાહિત્ય : સપ્ટેમ્બર, ૧૯૨૦]
મટુભાઈ કાંટાવાળા (તંત્રી)

૧૫.
વળી ફરી નવું સામયિક

છઠ્ઠી વાર આ ગુજરાતમાં શુદ્ધ સાહિત્યિક સામયિક શરૂ કરવાનો કશો અર્થ ખરો? પાંચ પાંચ વાર સામયિક બંધ કરવું પડ્યું એ આપણા સંસ્કારી સમાજની અને વિદ્યાજગતની પરિસ્થિતિનું દ્યોતક નથી બની રહેતું? સાહિત્ય, લલિતકલા, સમાજવિદ્યા તથા તત્ત્વચિંતન — આ ક્ષેત્રો વિશેનો સહવિચાર શક્ય બનાવી શકે એવા ગજાવાળું એકાદ તો સામયિક ગુજરાતે નભાવવું જ જોઈએ. સર્જન શૂન્યાવકાશમાં થતું નથી. એને પરિપોષક ઊહોપોહ સાહિત્યજગતમાં થતો રહેવો જોઈએ. આ પ્રકારનો વિનિમય સતત ચાલ્યા નથી કરતો હોતો ત્યારે અનિષ્ટ પ્રકારની અરાજકતા પ્રવર્તતી દેખાય છે. આજના સંજોગોમાં સામયિકનું પ્રકાશન એકલદોકલ વ્યક્તિ માટે તો એક દુસ્સાહસ જ ગણાય, છતાં એ દુસ્સાહસ કરવું જ રહ્યું. કોઈ સંસ્થા કે પ્રતિષ્ઠાન સાથે સંકળાવાથી વૈચારિક આબોહવાના પર એક પ્રકારનું સૂક્ષ્મ દબાણ આવવાનો ભય રહે છે. વળી અમારી ઇચ્છા એવી પણ ખરી કે વધુ ને વધુ વાચકો આ સામયિક વાંચે. સંસ્થાઓનાં પુસ્તકાલયોમાં તો એ જશે, પણ અમને કેવળ દાતાઓની જરૂર નથી, સમજુ વાચકોની પણ જરૂર છે. ગુજરાત આ પ્રયત્નને નિષ્ફળ નહીં જવા દે એવું ઈચ્છીએ છીએ.

[એતદ્‌ : ૧, નવે. ૧૯૭૭]
સુરેશ જોશી

૧૬.
નાનીશી મિલનબારી મિલાપ હવે બંધ

કોઈ સામયિક શરૂ થાય અને બંધ થાય તે જગતના ઘટનાક્રમમાં સ્વાભાવિક છે, પણ જે રીતે મિલાપ બંધ થાય છે, તે એક ચિંતા ઉપજાવનારી વાત છે. મિલાપ બંધ કરવાના નિર્ણય પાછળ હું જે બે કારણો મુખ્ય કલ્પું છું, તેમાં એક છે ગ્રાહક–સંખ્યા, અને બીજું છે મુદ્રણવ્યવસ્થા. એક પ્રજા તરીકે ગુજરાત સામયિકોની બાબતમાં બહુ ઉદાસીન છે. એ તો આપણે સમજી શકીએ કે સાહિત્યિક સામયિકોના ગ્રાહકો ઓછા હોવાના, પણ કેટલા ઓછા? જેના વિષે આપણે ગર્વ લઈ શકીએ એ સંસ્કૃતિ માસિકે ગયા વરસે મોટી ખોટ ખમેલી. કદાચ આ વર્ષે તેથી પણ વધારે ખોટ આવે તો નવાઈ નહિ. સંસ્કૃતિનું લવાજમ ભરનાર ગ્રાહકો કેટલા? માંડ ચારસો. તેમાંય મોટા ભાગની જાહેર સંસ્થાઓ. વ્યક્તિગત ગ્રાહકો ઘણા ઓછા. જાહેર સંસ્થાઓમાં પણ એવી ઘણી કૉલેજો છે, જ્યાં સંસ્કૃતિ ન જતું હોય. સંસ્કૃતિ તો એક પ્રતીક છે, પણ બધાં જ સાહિત્યિક, સાંસ્કૃતિક સામયિકોની આ સ્થિતિ છે જે આપણા શિક્ષિત-પ્રશિક્ષિત વર્ગની આવાં સામયિકો પ્રત્યેની ઉદાસિનતા સૂચવે છે, અર્થાત્‌ સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યેની ઉપેક્ષા સૂચવે છે. સાહિત્યના આપણા અધ્યાપકો અને કૉલેજ-યુનિવર્સિટીઓના ગ્રંથપાલોનો પણ લગભગ એવો પ્રમાદ જોવા મળે. સાહિત્ય ત્રૈમાસિક, કવિતા દ્વૈમાસિક કે પરબ ગુજરાત યુનિવર્સિટીની લાયબ્રેરીમાં જોવા નહિ મળે. કોનો વાંક કાઢવો? તામિલનાડુમાં તમિળ ભાષામાં કે કેરળમાં મલયાલમ ભાષામાં જે સાપ્તાહિકો નીકળે છે તેની નકલ લાખમાં નીકળતી હોય છે, માસિકોની હજારોમાં. પ્રજા તરીકેની એક જાગૃતિ ત્યાં જોવા મળે. મહેન્દ્રભાઈએ પણ એ વાતનો બળાપો કર્યો છે કે ‘શુદ્ધ અને સમયસરનું કામ આપતાં છાપખાનાં વિરલ બન્યાં છે.’ સંપાદક- તંત્રીની ઘણી શક્તિનો, આ પ્રેસો સાથે કામ પાર પાડવામાં, વ્યય થઈ જતો હોય છે. કુમાર, અખંડાનંદની જેમ બહુ જ ઓછાં સામયિકોને પોતાની મુદ્રણ-વ્યવસ્થા હોય છે. આ સ્થિતિમાં સાહિત્યિક-સાંસ્કૃતિક સામયિકો ચલાવવાનું દુષ્કર બનતું જાય છે.

[પરબ : ફેબ્રુઆરી, ૧૯૭૯]
ભોળાભાઈ પટેલ

૧૭.
નિર્માલ્ય સાહિત્ય અટકાવવું જોઈએ

હાલમાં માસિકોની સંખ્યામાં ગભરાટ ફેલાય તેટલો બધો વધારો થતો જાય છે. કોઈને એક ક્ષણ એમ લાગે કે મારે તંત્રી થવું – અગર કોઈનો લેખ એકાદ વર્તમાન માસિકે લેવાની ના પાડી એટલે થઈ ચૂક્યો નવા માસિકનો જન્મ. આવાં માસિકોમાં નથી હોતું પૂંઠાનું કે કાગળનું એક ધોરણ, નથી હોતું ભાષાનું કે શૈલીનું ઠેકાણું, નથી હોતું જોડણીનું સામ્ય. માત્ર આઠ કે સોળ પાનાં ગમે તેમ ચીતરી કાઢ્યાં અને કહેવાતા, માની લીધેલા ‘સુધારા’ને વગોવી કાઢવા માટે ઝેરીલા, ગંધાતા વિચારો દર્શાવ્યા તથા તેવા મતને પુષ્ટિ આપનાર એકાદ વાત જોડી કાઢી એટલે બસ. તંત્રી, પ્રકાશક, વ્યવસ્થાપક, પ્રૂફરીડર, જાહેરખબરના મેનેજર, કારકુન બધું શ્રીયુક્ત પોતે, એટલે કામ કેવું થાય એ વિચારી જોવું મુશ્કેલ નથી. વળી, દરેક સંસ્થાને પોતાની પ્રવૃત્તિઓ નોંધવા માટે એકાદ વાજિંત્ર જોઈએ. તે એટલે સુધી કે હવે એકએક નાતને માટે એકેક નહીં પણ બબ્બે કે ત્રણત્રણ ચોપાનીઆં કાઢવામાં આવે છે. આવાં માસિકોની પ્રવૃત્તિ એકદેશી હોવાથી પ્રજાનાં મન સાંકડાં રહે છે ને નવું ચેતન ખીલી શકતું નથી. જેમ માસિકોનો વાંક છે તેમ કેટલાક લેખકોનો પણ એટલો જ વાંક છે. હમણાંહમણાં દરેક જણને કવિ થવાનું મન થાય છે. પરિણામમાં કુંવાડીઆના જેટલો કવિતાનો કચરો ફૂટી નીકળે છે. એ ઉપરાંત તરજુમાનો વા વાય છે અને હિંદી, બંગાળી, મરાઠી, અંગ્રેજીમાંથી સીધાં કે આડકતરાં ભાષાંતરોના ઢગલા માસિકોના અધિપતિઓ ઉપર જઈ પડે છે. એકનો એક લેખ સાથેલાગો પાંચ-દસ માસિકોને મોકલવામાં આવે છે – જ્યાં પ્રકટ થાય ત્યાં ખરો. વળી, કોઈ એક લેખ એક માસિકમાં બે વરસ ઉપર કોઈએ પ્રસિદ્ધ કરાવ્યો હોય તે લેખમાં સહેજ ફેરફાર કરીને બીજા ગૃહસ્થ તે બીજા માસિક ઉપર મોકલે છે ને અધિપતિ બિચારો છેતરાઈ જાય છે. થોડો દોષ ગુજરાતી પ્રજાનો પણ છે. વાચનનો શોખ ગુજરાતમાં ઘણો ઓછો હોવાથી જોઈએ એટલું ઉત્તેજન સારા લેખકોને માસિકોને મળતું નથી. તેથી સામયિક-સાહિત્યમાં જલદીથી સુધારો થઈ શકતો નથી. ઉપર ગુજરાતી માસિકો વિશે જે કાંઈ લખવામાં આવ્યું છે તે સદ્‌ભાવથી પ્રેરાઈને લખ્યું છે. નિર્માલ્ય સાહિત્ય અટકાવવું જોઈએ. દરેક મહિને બે-ચાર માસિકો નવાં નીકળે છે તે સારી વાત છે પણ માસિકો સત્ત્વવાળાં ન હોય તો કોઈપણ જાહેર ટીકાકારની ફરજ છે કે તે ઉપર પ્રજાનું લક્ષ દોરવું.

[‘સાહિત્ય’ : ડિસેમ્બર : ૧૯૧૬]
મટુભાઈ કાંટાવાળા (તંત્રી)

૧૮.
સાહિત્યવિવેચન : વર્તમાનપત્રમાં અને સામયિકમાં

વર્તમાનપત્રમાં સૌથી મૂલ્યવાન વિભાગ સાહિત્યવિવેચનનો મને લાગે છે. માસિકોમાં વિવેચનની ગતિ ધીમી પડી છે, ને તેમાં શાસ્રીય કે પંડિતભોગ્ય વિવેચનને વધુ અવકાશ છે. વર્તમાનપત્રોમાં પુસ્તકોનું તેમ જ સાહિત્યપ્રવાહનું અવલોકન નિયમસર થઈ શકે છે. ગુજરાતનાં લગભગ બધાં જ વર્તમાનપત્રોમાં પુસ્તકોનું તેમ જ સાહિત્યપ્રવાહનું અવલોકન નિયમસર થઈ શકે છે. ગુજરાતનાં લગભગ બધાં જ વર્તમાનપત્રો સાહિત્યવિભાગ રાખે છે. નવાં નવાં પુસ્તકોની નોંધ એમાં તત્કાળ આવી જાય છે. અને સામાન્ય વાચકને પુસ્તક-વાચનનું માર્ગદર્શન મળે છે. બધી નવલકથાઓ અને વાર્તાનું અવલોકન માસિકોમાં શક્ય નથી, વર્તમાનપત્રોમાં એ એકંદર શક્ય છે, એટલે આ ક્ષેત્રમાં એનું માર્ગદર્શન અત્યંત ઉપયોગી નીવડે છે. સાંસ્કારિક પ્રવૃત્તિઓ, સંવિવાદો, વ્યાખ્યાનો આદિની પણ એ વિવેચનાત્મક નોંધો આપે છે. આ અવલોકનકારોની પ્રશંસા કરવી જોઈએ. માત્ર એક સૂચના કરવી ઘટે છે. વર્તમાનપત્રમાં જેમ બીજા સમાચારોને ‘ચમકાવવાની’ જરૂર પડે છે તેમ સાહિત્યવિવેચનને ચમકાવવાની જરૂર નથી. લેખકના કે કૃતિના દોષને છાવરવાની જરૂર નથી, તો તેની ધજા ઉડાડવાની પણ જરૂર નથી. અતિ પંડિતાઈનો ડૉળ એ ટાળે; સામાન્ય વાચકનું દૃષ્ટિબિંદુ સામે રાખે, એ જરૂરી છે; પણ અધ્યાપકી વિવેચનનો તે અણગમો ન કેળવે. તેજીને ટકોરો બસ છે; તીખાશ, કટુતા, ચચરાટથી વક્રતાની હવા પેદા થાય એ ઈષ્ટ નથી. બીજા વ્યવહારમાં તેમ અહીં પણ સમતા ને દક્ષિણદૃષ્ટિ જ છેવટે તો હિતાવહ છે.

[સાહિત્ય-પરિષદ અધિવેશનનું પ્રમુખીય વક્તવ્ય, ૧૯૬૧]
વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

૧૯.
ગઝલની ખેતી એટલી બધી થવા માંડી છે, કે...

ગઝલને જ વરેલું દ્વિમાસિક શરૂ કરવું આમ તો સહેલું છે, અને છતાં એટલું જ દુષ્કર સાહસ છે. ગઝલની ખેતી આપણે ત્યાં એટલી થવા માંડી છેકે એક દ્વિમાસિકનો કોઠાર ભરાતાં વાર ન લાગે. પણ જેને સંઘરી રાખવાનું મન થાય એવી ગુણવત્તા ધરાવતી ગઝલ જૂજ જોવા મળે છે. ઢગલોએક ગઝલ લઈ ચાળવા બેસીએ ત્યારે મનમાં વસી જાય એવી માંડ ખોબોએક ગઝલ મળે તો મળે. અને તેમાંથી પણ થોડા શે’ર તો ચાળી નાખવા પડે. ગઝલના સ્વરૂપમાં એક જાતની છેતરામણી સરળતા રહી છે, તેથી ઘણાને ગઝલ પર હાથ અજમાવવાનું મન થાય છે! પણ ગઝલ એમ હાથમાં નથી આવતી. તેની ‘ગલત-અંદાઝ-નઝર’ને જે ઝીલી શકે છે તેના પર એની અમીદૃષ્ટિ ઠરે છે.

[ગઝલ, વર્ષ ૧ અંક ૧ : જાન્યુ. ૧૯૭૬]
મકરંદ દવે (સંપાદક)

૨૦.
સર્જન સાહસ છે તો સંપાદન પણ સાહસ છે

પ્રયોગખોરીને અવકાશ આપનારાં dynamic સામયિકો આપણી પાસે ઝાઝાં નથી. પરંપરાએ પોષેલી લોકરુચિથી તદ્દન સામે છેડે જવાનું વલણ બહુ ઓછાં સામયિકો બતાવી શક્યાં છે. Little Reviewનો મુદ્રાલેખ જોવા જેવો હતો : ‘A magazine of the arts making no compromise with the public taste.’ આવી ઉદ્દંડતા સૌથી વધુ અંશે ક્ષિતિજે બતાવી. અને ‘રે’નો ઉલ્લેખ કર્યા વિના પણ ન ચાલે. કૃતિના નવા રૂપની રાહ જોઉં છું. ખરું dynamic સમાયિક તો ભૂતકાળ તરફ પીઠ ફેરવીને જ ચાલે. એના લેખકોમાં મારકણાપણું ન હોય એવું ન બને, અને તેનો તંત્રી મારકણા લેખકોની સરદારી કરે એવો જોઈએ. તંત્રી કરતાં સામયિક વધારે ડાહ્યું કે વધારે બુદ્ધિશાળી કે વધારે મારકણું હું કલ્પી શકતો નથી. આવાં સામયિકોને હું છાવણી–સામયિકો કહેવાનું પસંદ કરું. એમાં જાતરખુ વાડાબંધી નથી હોતી પણ આગેકૂચ કરવાના, લશ્કરી ટુકડીને હોય એવા, અજંપા હોય છે. બંધિયાર હવાને એ ધક્કો આપે છે. એનો પ્રત્યેક અંક એક સાહસ હોય છે. સર્જન જો સાહસ છે તો સંપાદન પણ સાહસ છે. બધાં સામયિકો છાપે એવું છાપવામાં તો કશી ધાડ મારવાની નથી હોતી. જે છાપતાં બીજાં સામયિકો આંચકો ખાય એવું અપરિચિત અને તેથી ‘ડેન્જરસ’ લખાણ છાપવાની નફ્‌ફટાઈ ન હોય તો dynamic સામયિકનો અર્થ નથી. પૈસા ગુમાવવાનો સારો રસ્તો શોધનારા dynamic મૅગેઝીન શરૂ કરે. ખ્યાતનામ લેખકોને આમંત્રીને ફેલાવો વધારવાનું તો એને સ્વપ્ન પણ ન આવવું જોઈએ. એનું કામ નવા લેખકો શોધી આપવાનું હોય છે. અને એ લેખકો જ્યારે ‘નવા’ મટી જાય, પ્રવાહ પાછો પલટો ખાવા લાયક બને, ત્યારે એમની કૃતિઓનો વિશેષાંક પ્રગટ કરીને એ જ મૅગેઝીન એમનું તર્પણ પણ કરી નાખતું હોય છે! શી એની નફ્‌ફટાઈ!

[સંજ્ઞા, જુલાઈ-સપ્ટે. ૬૭; ‘પૂર્વાપર’ પૃ. ૧૪૫]
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

૨૧.
પુરસ્કારનો અધિકાર છે લેખકને

"વિના પુરસ્કાર લેખ ન આપું કો’ને હવે" - શ્રી બ.ક.ઠાકોરની આ ભીષ્મ-પ્રતિજ્ઞા આપણા લેખકો લે – આચારમાં મૂકે એ બહુ જ ઇચ્છવા જેવું નથી? બીબાં ગોઠવનાર, પ્રેસ, સંપાદક, તંત્રી-મંત્રી, માલિક, વ્યવસ્થાપક, મુરબ્બી અને ખુદાબક્ષ વાચક બધા જ વેતન ઓછું-વત્તું મેળવે તો લેખકને કહેવાનો અધિકાર છે કે : મને કાં નહીં? પણ ઠાકોરના આ સંન્યાસાવસ્થાના ઉગ્ર સંન્યાસને અને પ્રતિજ્ઞા લે તેવા લેખકોની પ્રતિજ્ઞાને વેપારી ગુજરાત કુશળતાથી ચાલવા દે એટલે અંશે સાહિત્યક્ષેત્રમાં પેઠેલો આ શોષણવાદ નિર્મૂળ કરવા સ્થળેસ્થળેથી વ્યવસ્થિત કાર્ય થવું જોઈએ.

[ગુજરાત : નવેમ્બર, ૧૯૩૬]
શંકરપ્રસાદ રાવળ

૨૨..
ઊગતા લેખકોની ધર્મશાળા નથી સામયિક

સાહિત્યજગત કે સામયિકોનાં પૃષ્ઠો એ કંઈ ઊગતા લેખકો માટે આળોટવાની ધર્મશાળા નથી. એ તો છે જ્યાંથી પ્રજાને કંઈક અનુભવ-નવનીત લાધે એવાં પવિત્ર યાત્રાધામો. એ તો છે પ્રજાને દોરવણી આપવા માટેનાં અમૂલ્ય સાધનો. એ સાધનોને અધકચરી દશામાં કે પ્રયોગદશામાં સર્જાયેલા સર્જનોથી નિર્બળ અને નિર્માલ્ય બનાવી, એ રીતે સાહિત્યનું અને પરિણામે પ્રજાનું ધોરણ નીચે લઈ જવું એ એક પ્રકારનું અતિ સૂક્ષ્મ અને નૈતિક પાપ જ છે એવી મારી માન્યતા છે. એવું સૂક્ષ્મ પાપ જાણ્યે-અજાણ્યે દુનિયાનો લગભગ દરેક લેખક વત્તેઓછે અંશે કરે જ છે અને હું પણ તેમાંથી બાકાત રહ્યો નથી.[...] ‘નવચેતન’માં આવેલા લગભગ સાઠ ટકા જેટલા લેખો મારે ફરી વાર લખવા પડે છે! હવે તો સામયિકોના લેખકો દિવસે દિવસે વધુ બેદરકાર થતા જાય છે એવો મારો અનુભવ છે. સામયિકોની વિપુલતા સાથે આ બેદરકારી હવે તો વધતી જ ચાલી છે. ચીવટપૂર્વક પોતાના લખાણને બે-ત્રણ વાર વાંચી જઈને પછી મઠારીને અને સંસ્કારીને એ લખાણને સુવાચ્ય અક્ષરે ઉતારીને મોકલવાની દરકાર અત્યારે તો બહુ જ ઓછા રાખે છે! તંત્રી અને પ્રૂફરીડરો એ બધું ફોડી લેશે એમ તેઓ માને છે. પરિણામે ‘સાચા તંત્રી’નું કામ દિવસોદિવસ કઠિન બનતું જાય છે.

[‘સ્મૃતિસંવેદન’-૧૯૫૪ પૃ. ૧૭૬, પૃ. ૩૦૪]
ચાંપશી ઉદેશી

૨૩.
એકએક મિત્ર લવાજમ મોકલે

મેં મારું લવાજમ મને જ આજરોજ ભરી દીધું છે જેનો અર્થ એ કે મારા એકએક મિત્રે, હિતેચ્છુએ અને મુરબ્બીએ પોતપોતાના પાંચ રૂપિયા મારા તર્ફની પ્રત્યક્ષ અંગત વિનંતીની રાહ જોયા વિના સત્વરે મોકલવા કૃપા કરવી. માનસીની ભેટનકલ મને પણ મળવાની નથી.

[માનસી, અંક ૩, સપ્ટે. ૧૯૩૮]
વિજયરાય વૈદ્ય

૨૪.
લેખકની નિર્ભિકતા ક્યારે?

મારી કલમ આગના અક્ષરે લખતી ૧૯૨૪-૧૯૩૫ના અગિયારકામાં, હવે તો એવો પ્રસંગ હોય ત્યારે પણ કલમ પહેલી જાણે બરફના પાણીમાં બોળાય છે ને પછી આગળ ચાલે છે. શા માટે? આટલા માટે : ‘તમારી રીતે લખવું તો ક્યારે પોસાય કે તમારી પાસે બે લાખનું ફંડ હોય ને તમે તમારા સ્વતંત્ર મત પ્રામાણિકપણે દર્શાવો તેથી તમને કોઈ જાતનો વાંધો ન આવે’ - એક સાચા શુભેચ્છકની આ સલાહને મેં અમલમાં મૂકવા માંડી છે ત્રણેક વરસથી; પરિણામે તમારા ગુજરાતી સાહિત્યને આવશ્યક એવી એટલા ભાગની સ્વતંત્રતા દુનિયામાંથી ઘટી હશે પણ મારા તો હૈયામાં ને ઘરમાં શાંતિ પહેલાંના પ્રમાણમાં ઘણી ફેલાઈ છે. કબૂલ છે કે એ કબરની શાંતિ હશે અને કબૂલ છે કે મને એ ગમતી નથી પણ બે લાખનું પેલું ફંડ મળે તેની જ વાટ જોઈ રહ્યો છું.

[‘માનસી’, અંક ૩, સપ્ટે. ૧૯૩૮]
વિજયરાય વૈદ્ય

૨૫.
તંત્રીની નિસબત અને તંત્રી નિઃસ્પૃહા

વસન્તના તન્ત્રી તરીકે યથાશક્તિ-યથામતિ ૧૦-૧૧ વર્ષ સેવા બજાવી. એ પત્ર હું રા. બ. રમણભાઈ મહીપતરામ નીલકંઠ – એમને અધીન કરું છું. મ્હારો સમ્બન્ધ છોડતાં મને બિલકુલ શોક થયો નથી એમ કહેવાનો હું ઢોંગ નહિ કરું. પણ એ પત્ર જો મ્હેં ખરેખર ગુજરાતની સેવા બજાવવા ખાતર જ ઊભું કર્યું છે, તો મ્હારા કરતાં વધારે યોગ્ય અને સબળ હાથમાં એને સમર્પતાં મને શા માટે ખેદ થવો જોઈએ? - આ વિચાર મ્હારા શોકને છેવટે ભેદવા સમર્થ થયો છે, અને વસન્તના વાચકોને પણ મ્હારી એટલી જ વિનંતી છે કે તેઓએ પણ કૃપા કરી આ દૃષ્ટિબિંદુથી જ જોવું, અને તેમ કરશે તો મને પત્રનું તન્ત્રીપણું છોડવા માટે ઠપકો દેવાનું એમને કારણ નહિ રહે.

[વસંત : શ્રાવણ સં. ૧૯૬૮ ઈ. ૧૯૦૨]
આનંદશંકર ધ્રુવ

૨૬.
અનિયતકાલિકક્ષણિક? હા, ‘ક્ષણિક’...

ઓછાં પાનાંનાં અનિયતકાલિકોમાં બહુધા ગુજરાતી કવિતા છેલ્લા બે દશકથી આગળ વધી રહી છે. ગુજરાતનો કવિ, ઓગણીસમી સદીની અધવચથી, ડાંડિયો બની લોકોને જગાડતો ફરતો હતો લોકોની વચ્ચે. છેલ્લા બે દશકથી તે અગ્રગામી (આવાં ગાર્દ) બનીને એકલો, અજાણી ભૂમિ પર, ક્ષિતિજને ઓળંગતો સફર કરવા લાગ્યો છે, લોકોની દૂર. એના વાવડ અનિયતકાલિક જ આવવાના. એનાં સાહસનાં બયાનોમાં વેપારી પેઢીઓને રસ નહીં પડવાનો. ઠરીઠામ લોકો, સ્વસ્થ લોકો, આ નવા કવિના અસ્વસ્થ રઝળપાટનાં બયાનોથી ગૂંચવાઈને પોતાના હીંચકાને એક વધારે ઠેસ મારી, પગ ઊંચા લઈ, પલાંઠી વાળી બેસી જાય છે. એમનો પૉલિશ કરેલો હીંચકો ચાલ્યા જ કરે છે – ત્યાં ને ત્યાં. અનિયતકાલિકો, આ બધા વચ્ચે, શરૂ થાય છે અને થોડાક અંકો પછી બંધ પડી જાય છે. સ્વસ્થ લોકો ગૅલમાં આવી જાય છે – જોયું ને, ન ચાલ્યું. પણ સ્વસ્થ લોકોના સદાગ્રહને કારણે સર્વજ્ઞ સરકારે જેની છાતી પર સલામતી ખાતર ઢીમચું મૂકીને ચિતા સળગાવેલી તે ‘રે’, ત્રણ કલાક પછી, કપડાં પરથી રાખ ખંખેરીને, સાબરમતીના પાણીમાં મસ્તકાદિના વાળ ધોઈ આવી, પાછું એ જ મોજથી ચાલવા લાગ્યું - નવું નામ હતું, ‘કૃતિ’. બીજાં પણ નામો આ ભેદી, શંકાસ્પદ, અસ્વસ્થ મનોવૃત્તિવાળો રઝળુ ધરાવે છે : ડ્રાંઉડ્રાંઉ અને ઊહાપોહ, ક્યારેક અને પગલું, યા હોમ અને સંજ્ઞા, અને સંબંધ અને - ક્ષણિક. ક્ષણિક? - હા, તમે કહો છો વળી તેવા : ક્ષણિક.

[‘ક્ષણિક’ : સંભવતઃ ૧૯૭૨]
સિતાંશુ યશશ્ચંદ્ર

૨૭.
સ્વાગત, ‘સાયુજ્ય’

લોકપ્રિય વાચન પીરસતાં, જાહેરાતનાં પૃષ્ઠોની મેદસ્વી લાગતાં કોઈ સાપ્તાહિક કે દૈનિકનાં વાર્ષિકો, વિશેષ તો દીપોત્સવી અંકો, બાદ કરતાં આપણે ત્યાં સ્વતંત્ર સાહિત્યિક વાર્ષિકો લગભગ છે જ નહીં એમ કહીએ તો ચાલે. દશકાઓ પહેલાં પ્રકટ થયેલા શ્રીરંગ કે પછી કલકત્તાથી પ્રકટ થતા કેસૂડાંના કેટલાક અંકો અવશ્ય સ્મરણમાં આવશે. મુંબઈથી પ્રકટ થયેલા ઉત્તરાનું પણ વિસ્મરણ ન થાય. એટલે સાયુજ્ય વાર્ષિક પ્રકાશન સ્વાગતાર્હ છે. સાયુજ્ય વાર્ષિક છે અને કંઈ નહિ તોય થોડાં વર્ષો સુધી પણ વર્ષોવર્ષ પ્રકટતું રહેશે એવી આશા રાખીએ. એની સાથે એવી પણ આશા રાખીએ કે એના સંપાદક પાસેથી માત્ર થોડીક પંક્તિઓની નહિ પણ થોડાંક પાનાંની પ્રસ્તાવના મળતી રહે.

[પરબ : જૂન, ૧૯૮૩]
ભોળાભાઈ પટેલ

૨૮.
અવળી પ્રગતિ!

માસિક પરથી ત્રિમાસિક થવું એ આજના જમાનામાં ઊંઘી જવા બરાબર છે. ઝડપ અને વેગના યુગમાં ત્રણ મહિના સુધી લોકો રાહ જોઈ શકતા નથી. એથી ઊલટું ગુજરાતી સાહિત્યની હાલની પ્રવૃત્તિ એટલી બધી ઝડપવાળી, વેગવાળી છે કે હવે એકાદ અઠવાડિકની જરૂર ઊભી થઈ છે. સાહિત્ય પાસે અવલોકન માટે આવતાં પુસ્તકોની સંખ્યા અને પ્રકાર, ગુણ જોતાં માસિકો હવે એવા કામ માટે બસ નથી. બહુ ઝડપથી અને છતાં ખરી વાસ્તવિકતાથી ગુજરાતી સાહિત્યની તપાસ કરવાનો સમય આવી લાગ્યો છે. સમય અઠવાડિકને માગી રહેલો હોય ત્યારે તેને ત્રિમાસિક અર્પવું એ અવળી પ્રગતિ છે.

[સાહિત્ય : જૂન ૧૯૩૨]
તંત્રી

૨૯.
પ્રકાશકના વલણ સામે સમીક્ષક...

વર્તમાનપત્રોમાં ઉપાડેલી ચર્ચામાં તેમણે (જીવનલાલે) કહ્યું કે, સમીક્ષક પ્રકાશનો ‘મફત’ લઈ જાય એ તેમને ગમતું નથી અને સંપૂર્ણ સમીક્ષા ન થાય એ પણ ગમતું નથી. એમની પાસેથી અમે જાણવા માગીએ છીએ કે બે દસકાથી યે વધુ વખતથી આપ સામયિકોને પ્રત મોકલો છો તેની કિંમત માંગો છો? એ મળે છે? કોઈપણ ગ્રંથનું અવલોકન સામયિક લે કે ન લે, આપને અપૂર્ણ લાગે તેવું લે કે પરિપૂર્ણ લાગે તેવું લે એ આપનું અમુક પ્રકાશન વાર્ષિકાવલોકનમાં કેટલી લંબાઈ–ચોડાઈનું સ્થાન આપની દૃષ્ટિએ ‘સંપૂર્ણ’ જ દેખાય તેવું પામે એ સંબંધી સમીક્ષકને માથે કયે ન્યાયે સત્તાધારી થવા નીકળો છો? અમે સમીક્ષકો અગ્રણી પ્રકાશનો અમને જો ન મોકલાય તો પણ હર પ્રયાસે તેને મેળવીને બનતો ન્યાય આપીએ છીએ તે સાવ સાચું છે પણ એમાં પ્રકાશકોનાં પેટમાં શીદ દુખવા આવે છે? કૃપા કરી યાદ રાખશો કે અમે સમીક્ષા કરતા હોઈએ છીએ તે વાઙ્‌મયના સર્જકો-ચિંતકોના કાર્યની નહિ કે પ્રકાશકોનાં બહુવિધ અને બહુરંગી પરાક્રમોની. જો અમારું મુખ્ય કાર્ય એ હોય કે વર્ષના સક્રિય પ્રકાશનની પ્રવૃત્તિના ગુણ ગાવા કે દોષ દેખાડવા તો તો બેશક પોતાનાં પ્રકાશનો અથવા પ્રકાશનપ્રવૃત્તિનો વૃત્તાંત અમને નહિ મોકલનારનો સમાવેશ પણ અમે અમારી મેળે બને તેટલો સ્વતંત્રપણે કરેલા પ્રયાસથી અમારી સમીક્ષામાં કરત જ. અને સૌથી અજબ જેવું તો એ છે કે આ બાબતની ફરિયાદ આટઆટલા બધામાંથી એક જ પ્રકાશકે કરી છે. અને તે પણ ઈશ્વર, લેખકવર્ગ અને વાચકોની લાંબા સમયની કૃપાએ કરીને સાચી રીતે ધનવાન બનેલા પ્રકાશકે... પ્રજાબંધુ કહે છે કે પુસ્તકો વાપરીને પરત કરો. એ નહિ બને. પુસ્તકમાં કાર્યને અંગે અનેક તરેહનાં ચિતરામણ કરવાં પડ્યાં હોય તેવાં એ જીવનલાલને પાછાં ખપશે કે? પ્રકાશકે ‘કમમાં કમ’ પોતાની યાદી મોકલવી એમ વળી જન્મભૂમિ કહે છે અદ્‌ભુત! માત્ર યાદી પરથી પુસ્તકની બધી જાતની લાયકાત મૂલવવાની દિવ્યદૃષ્ટિ આપણા એ મશહૂર દૈનિકને લાધી હોય તો એ મોટા આનંદની વાત છે. પણ એ અમને નથી લાધી. જેમ, બીજી ઘણી શક્તિઓથી સંપન્ન એવા ભાઈ ડોલરરાયને પણ નથી લાધી. માટે અમે તો જીવનલાલને કશીયે ખોટી શરમ રાખ્યા વિના, કહી દઈએ કે વચ્ચે થોડાં વર્ષ આપે અમુક સમીક્ષકોનો બહિષ્કાર કર્યો તે કર્યો પણ આ અને હવેનાં વર્ષોમાં સમીક્ષકો પ્રત્યે જો એવું વર્તન ચાલુ રાખ્યુ છે તો ગુર્જર વાઙ્‌મયના ઉદ્ધાર માટેના આપના સુદીર્ઘકાલીન પ્રરમપ્રશંસાપાત્ર પ્રયાસો છતાં દેવી માનસી આપને માફ નથી કરવાની. (તેઓ કદાચ જવાબ દેશેઃ અમે તો છીએ પહેલા દેવી લક્ષ્મીના ઉપાસક!)

[માનસી : એપ્રિલ-જૂન, ૧૯૩૬]
વિજયરાય વૈદ્ય

૩૦.
ગ્રંથ બંધ થવામાં કોનું ઉત્તરદાયિત્વ?

ગ્રંથની જ્યારે સૌથી વધારે જરૂર છે, ત્યારે ગ્રંથ હવે બંધ થાય છે. ગુજરાતી ભાષામાં પ્રકટ થતાં પુસ્તકોનાં અવલોકનો આપનાર સામયિકો હવે કેટલાં? તેમાંય અવલોકનને કેટલી જગ્યા મળે છે? જનસત્તાને બાદ કરતાં અમદાવાદનાં પ્રસિદ્ધ અખબારોએ તો સાહિત્યનું પાનું જ કાઢી નાખ્યું છે! એની સરખામણીમાં સુરત અને મુંબઈનાં વર્તમાનપત્રોને અભિનંદન આપવાનું મન થાય. જન્મભૂમિ, પ્રવાસી, જૂનું મુંબઈ સમાચાર કે નવું સમકાલીન સાહિત્યના સાપ્તાહિક સ્તંભો આપે છે. સુરતનાં પ્રતાપ અને ગુજરાતમિત્ર પણ. ગ્રંથ તો બંધ થાય છે, ગુજરાતીના સારસ્વત સમાજની ઉદાસીનતાભરી વૃત્તિથી. ગુજરાતમાં કેટલી કૉલેજો છે, કેટલી શાળાઓ - ઉચ્ચ-માધ્યમિક શાળાઓ છે, કેટલાં જાહેર ગ્રંથાલયો છે! તેમાં ગુજરાતી મુખ્ય વિષય શીખવતી પણ કેટલી બધી કૉલેજો છે. ગુજરાતી શીખવતા અધ્યાપકોની સંખ્યા પણ હજારે પહોંચવા થાય. આ સૌ પણ ઉત્તરદાયી છે, ગ્રંથ બંધ થાય છે તેમાં.

[પરબ : નવેમ્બર ૧૯૮૬]
ભોળાભાઈ પટેલ

૩૧.
‘ખાસ અંક’ એટલે?

‘દીપોત્સવી અંક’ કે ‘ખાસ અંક’ એટલે શું? ચાલુ અંકમાં થોડાંક વધુ પાનાં અપાય કે આગલા-પાછલા અંકો બંધ કરીને તે તે અંક પ્રગટ કરાય એનું નામ દીપોત્સવી અંક, ખાસ અંક! તંત્રીઓ એવું જ કાંઈક માનતા જણાય છે. માત્ર ૧૦ કે ૧૫ પાનાં વધુ અપાય એ દીપોત્સવી અંક ન કહેવાય. તેને એવું નામ આપવું એ ધૃષ્ટતા છે. ચાલુ અંકમાં જેટલાં પાનાં આવતાં હોય તેટલાંથી બમણાં પાનાં અપાય તેને એવું નામ શોભે.

[સાહિત્ય : ડિસેમ્બર, ૧૯૨૭]
નરીમાન સોરાબજી ગોળવાળા

૩૨.
બારે અંક કંઈ ઉત્તમ નીકળે નહીં...

‘ચોપાનિયાં શું કહે છે?’ એ મથાળા નીચે આવતા લખાણનો હેતુ જણાવવો જોઈએ. મુખ્યમુખ્ય ચોપાનિયાંમાં જે ઉત્તમ અને વાંચવા જેવા લેખ આવે તેનો ગોળગોળ મોઘમ ઉલ્લેખ એવી રીતે કરવાનો અમારો ઈરાદો છે કે ગુજરાતી વાંચનારી આલમની જિજ્ઞાસા ઉશ્કેરાય, લોકો તે અસલ લેખો વાંચે અને ચોપાનિયાના ફેલાવામાં કાંઈક વધારો થાય. આવી સેવા બજાવતાં કોઈક અંક માટે એમ લખવું પડે કે : ‘આ અંકમાં વિશેષ વાંચવા જેવું નથી’ તેથી છેડાઈ જવું જોઈએ નહીં. એક માસિકના બારે અંક એકસરખી રીતે ઉત્તમ નીકળે નહીં. જો અમે બધા લેખોનો સાર આપીએ તો વાચકો સારમાત્રથી સંતોષ માની મૂળ લેખ જોવાની દરકાર નહીં કરે. નવુંનવું વાંચવાની વૃત્તિ ઉશ્કેરવી એ જ અમારો હેતુ છે. સંપૂર્ણ અવલોકન કરવાનો અમારો ઈરાદો નથી. આ હેતુ જણાવ્યાથી, આશા છે કે ઘણી ગેરસમજૂતી દૂર થશે. ટૂંકાણને લીધે જોઈએ તેટલી સ્પષ્ટતા થઈ શકે નહીં તે વાત લક્ષમાં રાખી અમારા મિત્રો ભૂલચૂક દરગુજર કરતા રહેશે નહીં; તો નાઈલાજે નાજુક લાગણીવાળા મિત્રોની સમાલોચના અમારે છોડી દેવી પડશે. પણ અમને ખાતરી છે કે તેવો પ્રસંગ આવશે નહીં.

[સાહિત્ય : એપ્રિલ, ૧૯૧૩]
મટુભાઈ કાંટાવાળા (તંત્રી)

૩૩.
નવી હવા પ્રવેશાવનારાં...

નાનકડાં સામયિક પતંગિયાની જેમ પુંકેસરનાં વાહકો છે. સાહિત્યમાં અવનવી હલચલો અને પ્રયોગલક્ષી કૃતિઓના અવતારો આવાં સામયિકોને કેવાં આભારી છે તે સાહિત્યના અભ્યાસીઓથી અજાણ્યું ન હોય. Egoist ન હોત તો ઈમેજિસ્ટ કવિતાની હલચલ કેટલી સફળ થઈ હોત તે પ્રશ્ન છે. એલિયટ, ઑડેન, ફિલિપ લારકીન કે ટેડ હ્યુજ જેવા કવિઓની કવિતા અને જેમ્સ જોય્સ જેવા નવલકથાકારોની કૃતિઓ પણ સાહિત્યિક સામયિકોને જ આભારી છે. ઈતિહાસ કહે છે કે જે સામયિકે નવી હવા પ્રવેશાવીને જૂનાં જાળાં ઉડાડી દેવાં હોય તેને ‘ધર્મશાળા’ બની રહેવાનું ન પાલવે. આવાં સામયિકો જે સામગ્રી પ્રગટ કરે તેને આધારે નભતાં હોય છે એ જેટલું સાચું છે તેટલું એ પણ સાચું છે કે અમુક સામગ્રી પ્રગટ નહિ કરીને પણ તે નભતાં હોય છે.

[ભૂમિકા વર્ષ-૧, અંક-૧ : જાન્યુ.–ફેબ્રુ ૧૯૭૬]
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

૩૪.
સામયિક વાચકો માટે ચલાવું છું

હું ‘સંસાર’નો તંત્રી થયો ત્યારે કેટલાક લેખકો મને લખતા કે અમારું લખાણ તમે છાપો નહીં એટલે અમને પ્રોત્સાહન શી રીતે મળે? હું એમને લખતો કે તમને પ્રોત્સાહન મળે એ માટે આ માસિક હું ચલાવતો નથી. હું વાચકો માટે માસિક ચલાવું છું. વાચકોને અનુકૂળ આવે એવું તમે લખતા હો તો તમારા કરતાં ગરજ મને વધારે છે.

[‘સમાજધર્મ’ પૃ.૧૯]
ઈશ્વર પેટલીકર

૩૫.
મોટાભાગનાં સામયિકોનો આદર્શ ‘અનિયમિતતા’!

ગુજરાતી સામયિકો નવાં જન્મે છે અને અલ્પ સમયમાં જ તે સદાની નિદ્રામાં સૂઈ જાય છે. એવાં માસિકોની મોટી મોટી અને અતિશયોક્તિભરી જા.ખ.થી લલચાઈને લોકો ગ્રાહક બને છે અને થોડા સમયમાં તે રામશરણ થઈ જવાથી ગ્રાહકના પૈસા ઊંટનાં શીંગડાં ગયાં તેમ જતા રહે છે. આથી જનસમાજનો માસિકો ઉપરથી વિશ્વાસ ઉઠી જાય છે અને એ યોગે કેટલીક વખત તો કેટલાંક પ્રતિષ્ઠિત અને નવાં નીકળનારાં ઉત્સાહપૂર્ણ માસિકોને ઘણું ખમવું પડે છે. મોટા ભાગનાં સામયિકોનો આદર્શ ‘અનિયમિતતા’ છે. ઘણાં સામયિકો રિપ્લાયકાર્ડ અને જવાબી ટિકિટ ઓહિયાં કરી જાય છે. લેખોનો જવાબ ત્રણ-ચાર પત્રો લખ્યા સિવાય આપતા નથી. લેખકના પ્રકટ થયેલા લેખની નકલ મેળવવા ચાર-પાંચ પત્રો લખવા પડે છે અને જાન્યુઆરી માસનો અંક ત્યારે જુલાઈમાં મળે છે. લેખોનો હક્ક સંપાદકનો રહે છે. આ સ્વાર્થવૃત્તિ છે.

[‘સાહિત્ય’ : સપ્ટેમ્બર, ૧૯૧૯]
અંબાલાલ દેસાઈના લેખમાંથી

૩૬.
સંપાદકની જવાબદારી, સંપાદકની ઉપલબ્ધિ

દાક્તરી વ્યવસાયમાં એક શિરસ્તો હોય છે : જ્યારે કોઈ ડૉક્ટર માંદો પડે છે ત્યારે જાત-સારવાર પર નિર્ભર ન રહેતાં બીજા ડૉક્ટરને બોલાવે છે. જ્યારે આપણે આપણા પોતાના જ લખાણની ટાઈપ કરાવેલી નકલ કે પ્રૂફ જોતા હોઈએ છીએ ત્યારે એમાંના વિચાર-પ્રવાહમાં જ ખેંચાઈએ છીએ, આપણી લેખન-શક્તિમાં આત્મરત થઈ જઈએ છીએ. પરિણામે, એમાંની નાનીનાની છાપ-ભૂલો પર પણ આપણું ધ્યાન રહેતું નથી. છાપાના અમારા એક વરિષ્ઠ સંપાદક કહેતા : તમે જ્યારે હેડલાઈન્સ લખો ત્યારે ફરી એક વાર એને, તમારા કટ્ટર દુશ્મનની નજરથી જોઈ જાઓ! મારે શ્રી નહેરુનાં ભાષણોના એક સંચય માટેની હસ્તપ્રત જોવાની, સંપાદિત કરી આપવાની હતી. એમણે કહેવડાવેલું કે આ ભાષણો અગાઉથી તૈયાર કરેલાં નહીં પણ તે તે સમયે સૂઝેલાં, લગભગ શીઘ્રવક્તવ્યો હતાં એને લીધે ઘણી જગાએ ઠીકઠીક પુનરાવર્તનો થયેલાં હશે. એટલે જો જો કે આવાં પુનરાવર્તનો નીકળી જાય. થોડાક વખત પછી એમણે જોવા માગ્યું કે એડિટિંગ કેવું ચાલે છે. મેં, તપાસેલાં સોએક પાનાં મોકલ્યાં. મેં તો ફકરાના ફકરા ને પાનાં સુધ્ધાં ઉડાડી દેતી મોકળી પેન્સિલ ચલાવી હતી! બેત્રણ દિવસ પછી જ્યારે મૅટર પાછું આવ્યું અને નહેરુએ લખ્યું કે એડિટિંગ બરાબર થઈ રહ્યું છે, આગળ ચાલો – ત્યારે મેં રાહતનો શ્વાસ લીધો. આ વાત હું, જાણે સંપાદનનો (copy editingનો) ચંદ્રક મળી ગયો હોય એવી શેખીથી કહેતો નથી પણ એ બતાવવા કહું છું કે એક સાચો સમજદાર લેખક સંપાદકની મહેનતને કેવી તો સમજે છે. કેટલાક સંપાદકો ભારે હઠાગ્રહી હોય છે. એ લોકો લેખકના લખાણમાં એટલી હદે કાપકૂપ ને ફેરફાર કરે છે કે એ એમનું પોતાનું લખાણ બની જાય (લેખકનું ન રહે!). આમ કરે ત્યારે જ એમને સંતોષ થાય છે... આવા સંપાદકોને કહેવું જોઈએ કે, તમે લેખકની શૈલી સાથે ચેડાં ન કરો – જો એ ‘લેખક’ હોય ને એને કોઈ ‘શૈલી’ હોય. ૦ થોડોક સમય વળી હું સરકારી સામયિક અને પુસ્તક-પ્રકાશનનો સંપાદક હતો. ‘સરકારી સંપાદકો’ની આબરુ ‘સરકારી સાધુઓ’ કરતાં વધારે નથી હોતી! પરંતુ મને એકબે સ્મરણીય અનુભવો થયેલા. મારા નિમંત્રણથી ચક્રવર્તી રાજગોપાલાચારીએ ઉદારતાપૂર્વક એક લેખ મોકલી આપેલો. સંપાદક તરીકે મને લાગ્યું કે એમાં બે’ક શબ્દો બદલવા જરૂરી છે. એટલે, એ માટેનાં કારણો સાથે મેં એમને વિનંતીપત્ર લખેલો. ને ફેરફાર કરવા દેવા એમણે તરત સંમતિ આપેલી. બીજા જે લેખકને મેં લેખ માટે નિમંત્રણ આપેલું – એ હતા સંસ્કૃતના મહાન વિદ્વાન ડૉ. પી. વી. કાણે. વળતી જ ટપાલે પોસ્ટકાર્ડ મળ્યું : ‘દિલગીર છું’. પણ જે કારણોસર એમણે ના પાડેલી એણે, એમના એ શબ્દોએ મને ખૂબ પ્રભાવિત કરેલો. એમણે લખેલું કે, ‘હું હમણાં ધર્મશાસ્ર વિશેના મારા પુસ્તકના છેલ્લા ખંડનાં પ્રૂફ જોઉં છું. આ ગ્રંથ પર હું છેલ્લાં પચાસ વરસથી કામ કરું છું. અત્યારે હું ૯૪નો છું ને મારે હવે કાળજી રાખવી જોઈએ કે આ પુસ્તકમાં, બને ત્યાં સુધી, કોઈ મુદ્રણદોષ રહી ન જાય. એટલે હું અત્યારે તો બીજું કશું કામ સ્વીકારી ન શકું. આશા છે કે મારી વાતને તમે સમજશો.’

[‘એડિટર્સ ઑન એડિટિંગ’, નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા, ૧૯૯૩]
એચ. વાય. શારદાપ્રસાદ (અનુ. રમણ સોની)

૩૭.
છે ક્યાંય કુમારનો ઘોડો?

શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ફોટોગ્રાફીની વાત ગુજરાતમાં તો શું, મારી જાણ મુજબ હિન્દી-મરાઠીમાં પણ કોઈ સાહિત્યિક સામયિકે આટલી ભરપૂર રીતે નહિ કરી હોય. કેવાકેવા કલાકારોની કલાસૃષ્ટિની વાત – ત્રિરંગી ચિત્રો છાપીને, એની નીચે કલાકૃતિને આસ્વાદની નોંધ લખીને કરી હોય! ફોટોગ્રાફીની હરીફાઈઓ કુમાર યોજે, એનાં પરિણામોમાં વિજયી ફોટોગ્રાફ છાપી, એની ખૂબીઓ-ખામીઓ દર્શાવવામાં આવે. ‘નિહારિકા’ ફોટોક્લબ કુમાર સાથે જ સંકળાયેલી ને! અજંતાના કલામંડપો હોય, દૂરસુદૂરનાં બોરોબુદુરનાં મંદિરો હોય – કુમારમાં જાણે એક નવો લોક ઊઘડતો અનુભવાય. સંભવ છે કે ચિત્ર જોવાની બચુભાઈની રુચિને ‘મૉડર્નિસ્ટ’ દૃષ્ટિ માન્ય ન પણ કરતી હોય. પણ ચિત્રો, દેશપરદેશની ઉત્કૃષ્ટ કલાકૃતિઓ કુમારનાં હજારો હજારો પાનાં વચ્ચે પડેલી છે. આપણે જાણીએ છીએ કે કુમાર જેવું સામયિક બચુભાઈ જેવા તંત્રીની શક્તિ માગી લે છે. તેમ છતાં કુમારની એક દીર્ઘ પરંપરા બની છે. એ પરંપરા એના વિવિધ સ્તંભો સાથે અવશ્ય જાળવી રાખી શકાય. કુમારો માટે આજે આવું સામયિક છે ક્યાંય? છે ક્યાંય કુમારનો એ ઘોડો? મારી પાસે પુષ્કળ પૈસા હોય તો હું ‘કુમાર’ની તેસઠ વરસની આખી ને આખી ફાઈલો ફરી છાપી ગુજરાતના કુમારોના હાથમાં મૂકું. ‘કુમાર’ના સાડીસાતસો જેટલા સમૃદ્ધિ-ભરપૂર અંકો જોતાં કોઈ પણ ભાવુકને એવાં દીવાસ્વપ્ન જરૂર આવે.

[પરબ : જાન્યુ. ૧૯૯૦]
ભોળાભાઈ પટેલ

૩૮.
મનીષાનું કાર્યક્ષેત્ર

મનીષાના પ્રકાશનને સાહસ નહીં, દુસ્સાહસ પણ કહી શકાય. અર્થશાસ્રની પરિભાષામાં કહીએ તો એ માગ વગરનું ઉત્પાદન છે. મનીષાના સંચાલનમાં અમે અમને નિમિત્તરૂપ લેખીએ છીએ. કોઈકને શરૂઆત કરવી પડે છે ને તન્ત્ર સંભાળવું પડે છે. પણ મનીષા અમુક વ્યક્તિઓનું કે અમુક જૂથનું દૃષ્ટિબિન્દુ વ્યક્ત કરવાનું માધ્યમ બની રહે એ પરિસ્થિતિને અમે ઈષ્ટ લેખતા નથી. બધા જ સન્નિષ્ઠ અભ્યાસીઓ મનીષાને પોતાનું ગણીને પોતાના સ્વાધ્યાયનો એને લાભ આપે એવો અમારો આગ્રહ છે. અમારો પ્રથમ અંક થોડેઘણે અંશે અમારા દૃષ્ટિબિન્દુને પ્રકટ કરશે એવી અમને આશા છે. સર્જાતા જતા સાહિત્યનાં વલણોથી પરિચિત રહેવાય એ હેતુથી કાવ્ય, એકાંકી, નવલિકા જેવાં લઘુ સ્વરૂપોને અમે મનીષામાં પ્રકટ કરીશું. તુલનાત્મક અભ્યાસની અનુકૂળતા કરી આપવા માટે દર અંકે પ્રરપ્રાન્તના કે પશ્ચિમના સાહિત્યમાંથી આયોજન, અભિવ્યક્તિ કે કથયિતવ્યની વિશિષ્ટતા ધરાવનારી કૃતિઓ પણ અમે આપવા ધારીએ છીએ. આ ઉપરાંત, કોઈ ખાસ નોંધપાત્ર એવી કૃતિનો , એના વૈશિષ્ટયનો ખ્યાલ આપે એવો, મિતાક્ષરી પરિચય કરાવવાની પણ અમારી ધારણા છે. આપણાં સામયિકોમાં ઘણીવાર પ્રકટ થઈને દટાઈ રહેતાં વિચારપ્રેરક ને ચિન્ત્ય લખાણોનો ઉલ્લેખ કરીને એની મીમાંસા પણ મનીષામાં થતી રહેશે. પુસ્તકવિવેચનમાં શક્ય હશે ત્યારે એકસાથે એક પુસ્તકનાં બે વિવેચનો પ્રકટ થશે. આથી બે જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓનો પરિચય થશે ને વિવેચનવ્યાપારની પ્રક્રિયા સમજવાને માટે અગત્યની સામગ્રી પણ સુલભ થશે. વિવેચનમાં વૅલ્યૂ જજમૅન્ટનું સ્વરૂપ કેવું હોય છે, એમાં સર્વમાન્યતાના અંશો કેટલા રહ્યા હોય છે, એમાં ખપમાં આવતા તર્કનું સ્વરૂપ કેવું હોય છે – આ બધું પણ અભ્યાસનો વિષય છે. ગ્રન્થનું વિવેચન પ્રકટ થયા પછી એના સર્જકને પણ એ સમ્બન્ધમાં પોતાને જે કહેવું હોય તે કહેવા અમે નિમન્ત્રીએ છીએ. નવલકથા, નવલિકા, નાટક, કાવ્ય વગેરે સાહિત્યસ્વરૂપોના હ્રાસવિકાસની સમીક્ષા પણ અમે આપવા ધારીએ છીએ. આપણા સાહિત્યના વિકાસમાં સીમાચિહ્ન બનેલા સર્જકોની કૃતિઓનું પુનઃપરીક્ષણ પણ સાહિત્યના અભ્યાસીઓના સહકારથી કરવાની અમારી ઇચ્છા છે. આ ઉપરાંત, ઈતર પ્રાન્તના અને ઈતર દેશના સાહિત્યનાં સમકાલીન વલણોથી પરિચિત રહેવાય એ માટે એને અંગેની પ્રમાણભૂત માહિતી આપતી લેખમાળા યોજવાની પણ અમારી ધારણા છે. પરંતુ મનીષાનું કાર્યક્ષેત્ર સાહિત્ય, કલા અને વિવેચનપૂરતું મર્યાદિત નથી. સાહિત્ય વગેરે કલાનું સર્જન માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. પરંતુ સાંસ્કૃતિક સર્જનપ્રવૃત્તિ ગમે તેટલી સમૃદ્ધ હોય તો પણ એમાં બુદ્ધિનું તત્ત્વ ગૌણ સ્થાને હોય છે. માનવીનો સર્વદેશીય બૌદ્ધિક વિકાસ વધારે પ્રમાણમાં વૈજ્ઞાનિક પ્રવૃત્તિમાં પ્રગટ થાય છે. મૂલ્યો વિશેની સમજ પણ સામાન્યતઃ વૈજ્ઞાનિક પ્રવૃત્તિના પાયામાં રહેલી જ હોય છે. આમ સાહિત્ય, કલા, વિવેચન અને વિજ્ઞાનમાં માનવીનું સર્જન અને ચિંતનક્ષેત્ર સમાઈ જાય છે. અન્યોન્યપૂરક એવી આ પ્રવૃત્તિઓમાંની વૈજ્ઞાનિક પ્રવૃત્તિનાં મૂળભૂત તત્ત્વોની ચર્ચા કરીને એનું મૂલ્યાંકન કરવાની ઇચ્છા મનીષા ધરાવે છે. સમાજશાસ્ર અને મનોવિજ્ઞાન જેવાં માનવસંબંધલક્ષી સામાજિક શાસ્ત્રો વિજ્ઞાન અને સંસ્કૃતિના ઉંબર પર ઊભાં રહેલાં શાસ્ત્રો છે. વિકાસની કોઈ પણ કક્ષાએ હ્યુમૅનિટિઝની સામાજિક બાજુને અવગણી શકાય નહીં. માનવસંબંધો વિશેની સમજણ આ શાસ્ત્રોની પ્રેરણાનો પાયો છે. ‘મનીષા’માં આ શાસ્ત્રોનાં મૂળભૂત તત્ત્વોને સમજવાનો અને આજ સુધીના વિકાસને રજૂ કરવાનો પ્રયત્ન પણ થશે. આ જ્ઞાનસત્રમાં સર્વ સન્નિષ્ઠ ને સજાગ અભ્યાસીઓનો હાર્દિક અને સક્રિય સહકાર અમને પ્રાપ્ત થશે એવી આશા સેવીએ છીએ. અમારી વ્યક્તિગત મર્યાદાને કારણે અમારા કાર્યમાં જે ક્ષતિ રહી જાય તે તરફ અમારું ધ્યાન ખેંચવાની અમે સૌને વિનંતી કરીએ છીએ. સ્પષ્ટ અને નિખાલસ અભિપ્રાય આપીને તેમ જ ઘટતું માર્ગદર્શન કરાવીને સૌ અમારા કાર્યને આગળ ધપાવે એવું ઇચ્છીએ છીએ.

[મનીષા અંક : ૧, જૂન ૧૯૫૪ : તંત્રીલેખ]
સુરેશ જોષી, રસિક શાહ

૩૯.
‘સંસ્કૃતિ’ વિદાય માગે છે

આડત્રીસ વરસ પૂરાં કરી ૧૯૮૪ના આ છેલ્લા (ઑક્ટો. –ડિસેમ્બર) અંક સાથે ‘સંસ્કૃતિ’ વિદાય માગે છે, સૌના આભાર સાથે, કોઈપણ પ્રકારની ફરિયાદ વગર. બંધ કરવાનો નિર્ણય હળવા હૈયે તો લીધો ન જ હોય, છતાં આ નિર્ણયથી હું હળવાશ અનુભવું છું એ મારે કબૂલ કરવું જોઈએ. દરેક વયજૂથના મિત્રોએ સંપાદનકાર્યના બોજમાં ભાગીદારી ઉઠાવવા પ્રેમપૂર્વક સૂચવ્યું એ પ્રેમોપચાર માટે ઋણી છું, પણ જો સંપાદનમાં હું પણ જોડાયેલો હોઉં તો મારી કાર્યરીતિ પ્રમાણે એમાં હું જે સંડોવાયેલો રહું તે મને સમય અને શક્તિ – ખાસ તો સમયની દૃષ્ટિએ ન પોસાય. હું અલગ થાઉં અને તે ચાલે, વધારે સારું પણ ચાલે, પણ તે અત્યાર સુધીના કરતાં જુદું જ હોય. ૧૯૪૬ની આખરમાં સ્વેચ્છાએ ગુજરાત વિદ્યાસભામાંથી હું મુક્ત થયો ત્યારે જે કેટલાક વિચારો સૂઝયા તેમાં સામયિક કાઢવાનો વિચાર પણ મનમાં સ્થિર થતો ગયો. જાતે વહોરેલી નવરાશથી કટાઈ ન જાઉં એ એક કારણ, પણ સમયની સાથે ગાઢ અનુસંધાનપૂર્વક જીવવાની તક મળે એ મુખ્ય પ્રેરણા. નામનો વિચાર કરવા બેસવાપણું રહ્યું નહીં. ચાલો, સંસ્કૃતિ કાઢીએ, – એમ જ સૂઝયું. મારા પોતાના વલણને અનુસર્યો હોત તો ધર્મ કહેવાનું પસંદ કરત, પણ સંસ્કૃતિ કહેવાથી ધર્મ ઉપરાંત સમયના તકાજા પ્રમાણે રાજકારણ, અર્થશાસ્ર, વિજ્ઞાન આદિ વિષયો અને મુખ્ય રસનો વિષય સાહિત્ય, તે સૌને આદર થઈ શકે એમ લાગ્યું. જીવવાની રીતિના એક ભાગરૂપે સંપાદનકાર્ય સાથે સંકળાવાનું બન્યું. એક વસ્તુ આવાં સામયિકોની આર્થિક–વ્યાવહારિક બાજુ વિશે નોંધવી જરૂરી છે. આ જાતનાં સામયિકો ચલાવનારાઓ પ્રત્યે દયા દાખવવાની – ખાસ કરીને સામયિક દુર્બળ થાય કે બંધ થાય ત્યારે – એક રસમ પડી ગઈ છે. ‘બેકદર ગુજરાતની સેવા કરી હાજી ગયો’ એ નારો વીસમી સદીના સંપાદક હાજીમહંમદ અલારખિયા અંગે ખબરદારે ગજવ્યો ત્યારથી સવિશેષ. ગુજરાતને બેકદર શી રીતે કહી શકીએ, ખાસ કરીને સંપાદકોમાંથી જે શિક્ષકો હોઈએ તે? આપણે ગુજરાતમાં ભણતર કેટલું વિસ્તાર્યું છે? અને આવા વિષયમાં રસ લેનારાઓ ઓછા જ હોય. રસ હોય છતાં ખરીદશક્તિ ન હોય એવું પણ બનવાનું. અંગ્રેજી જેવી, દુનિયામાં ફરી વળેલી ભાષાના આવા સામયિકની પણ મર્યાદિત નકલસંખ્યા જ હોય, તેમાંથી એકાદ આપણા સુધી પહોંચવા પામી હોય છતાં! આપણને ગુજરાત કહેવા આવ્યું નથી, સ્વેચ્છાએ આપણે આવી પ્રવૃત્તિ ઉપાડી. પછી પ્રજાને દોષ દેવાપણું ક્યાં રહ્યું? તંત્રીની ભૂલ થઈ હોય, કમીઓ રહી ગઈ હોય તો તેની દયા ખાઈએ. કામ કરી છૂટનારાઓ પ્રત્યે દયા બતાવવાનો શોખ જતો કરીએ તો ન ચાલે?

[સંસ્કૃતિ, પૂર્ણાહુતિ વિશેષાંક : ૧૯૮૪]
ઉમાશંકર જોશી

૪૦.
પત્રકારોએ આપવીતી વ્યવસ્થાપૂર્વક કહેવી

પત્ર અને રંગભૂમિ એ બે ધંધાનો મોહ વિલક્ષણ છે, એનું આકર્ષણ અજબ છે, તો પણ એટલું યાદ રાખવું કે અખૂટ કલ્પનાશક્તિ અને અખૂટ સાહસિકવૃત્તિ ધરાવનાર નિર્ભય છે. આજકાલ એકએક ધંધો ભરચક થઈ ગયો છે. કિંતુ સામયિક-પત્રના ધંધાના જેટલા ઉમેદવાર તો કોઈ ઠેકાણે પણ નથી. એમાંથી વિજયી થનાર ઘણા થોડા હોય છે. બાકી મોટી સંખ્યા તો હતાશ થયેલાઓની જ હોય છે. આ અભાગિયાઓની નિરાશાનું કારણ નાલાયકી નથી કિંતુ પત્રના ધંધાની નીતિરીતિ અને ટાકાટીકાનું અજ્ઞાન છે. એમનામાં ઉત્સાહ છે પણ એ ઉત્સાહને દોરી સીધે રસ્તે ચડાવી લક્ષ્યસ્થાન પર પહોંચાડે એવો કોઈ માર્ગદર્શક નથી. આ ધંધામાં શરૂઆત કેવી રીતે કરવી, એમાં ટીંબા-ટેકરા અને નદીનાળાં ક્યાંક્યાં આવે છે તથા એ શી રીતે સહીસલામતીથી વટાવાય તે સમજાવનાર કોઈ નથી. એમાં ઝંપલાવનારને મહેનતાણું શું મળે તથા આગળ વધવા કઈકઈ તકો છે એ બતાડવા અનુભવી અને વિશ્વાસુ તંત્રી, પત્રકાર કે લેખક હજુ સુધી કોઈ બહાર પડ્યો નથી. પંકાયેલા અને પ્રતિભાશાળી પત્રકારોને આપવીતી અને પરવીતી વાતો વ્યવસ્થાપૂર્વક બહાર મૂકવાની બહુ જ અગત્ય છે.

[સાહિત્ય : ઑક્ટોબર, ૧૯૨૦]
ચ્યવનરાય શુકલ

૪૧.
ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથો વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે...

હમે એકઠા મળી એવો વિચાર કર્યો કે, આપણે દર અઠવાડિયે મળવું ને વિષયો લખી લાવ્યા હોઈયે તે તપાસી નક્કી કરી પંદર દહાડે ચોપાનિયાના આકારમાં છાપી પ્રગટ કરવા. પખવાડિયે એટલા સારુ કે લખવું બની આવે ને ખરચ પણ થોડો થાય. લોકને ગદ્ય વાંચવાનો બિલકુલ શોખ નહિ તેથી તેઓ અગર વગર ખુશામતે પૈસા ખરચી આપણું છાપું લેવાના નહિ. ગાંઠથી ખરચ તો કરવો પડશે તો પણ સ્પૅક્ટેટરના જેવું લખાણ કહાડવું તો ખરું. પછી એમ અક્કેક જણે વારાફરતી, કહાડવાના છાપાનું નામ પાડવા માંડ્યું, તેમાં નગીનદાસ[મારફતિયા]એ કહ્યું કે ‘ડાંડિયો’ રાખીએ, મેં કહ્યું ઠીક છે. કેમકે મોટું કામ કરવું વધારે સારું અને ડાંડિયા શબ્દના બેત્રણ અર્થ થાય છે માટે મારી નજરમાં પણ એ નામ દુરસ્ત લાગે છે. સહુએ એ નામ કબૂલ રાખ્યું, ને પછી તા. ૧લી સપ્ટેમ્બર ૧૮૬૪થી ડાંડિયો કહાડવો શરુ કર્યો. પહેલા બે નંબર તો મફત લુંટાવી દીધા ને પછી વરસ દહાડાનો રૂપીયો એવું જૂજ નામનું લવાજમ રાખ્યું. ડાંડિયાથી લોકનું કલ્યાણ થતું હોય કે નહિ તેનો, લોકે વિચાર કરવો. ડાંડિયો પહેલેથી તે આજ સુધી વખણાતો આવ્યો છે, તેને સારુ હમે મગરુબ નથી પણ એક વાત જે હમણાં સપનામાં ન્હોતી, તેથી હમે ઘણા જ મગરુબ છૈયે. તે આ છે કે, ડાંડિયાથી લોકોમાં ગદ્યગ્રંથ વાંચવાનો શોખ ઉત્પન્ન થયો છે. ડાંડિયાની ભાષા ને ડાંડિયાના વિષયો બંનેની ઢબ જ એવી છે કે, જેથી તે, થોડી મુદતમાં આખી મુંબઈમાં, આખા ગુજરાતમાં, આખા કાઠીયાવાળમાં ને આખા કચ્છ–હાલારમાં અમર પ્રસિદ્ધિ પામી ચૂક્યો છે. જેમ મોર-બપૈયા મેઘને માટે આતુર હોય છે, તેમ ગરીબ-તવંગર, મૂરખ-ભણેલ, સ્ત્રી ને પુરુષ સહુ પહેલી પંદરમીના ડાંડિયાને માટે વાટ જોતા બેસી રહે છે. જોેકે ડાંડિયામાં ઘણાં જણનાં લખાણ છે, તોપણ તેની ઢબ ઘણું કરીને એકસરખી જ છે. મેં ૧૮૬૦થી ગદ્ય લખવું બંધ કર્યું હતું, તે પાછું તા. ૧લી સપ્ટેંબર ૧૮૬૪થી ડાંડિયાથી પાછું શરુ કર્યું છે. મેં તરેહતરેહવાર આદમીયો જોયા છે - પંડિત સાથે, મુરખ સાથે, નીતિમાન સાથે, અનીતિમાન સાથે, ભલા અને ડાંડ ડાંડગા - ડાંડિયા લોકો સાથે મારે ઝાઝો પ્રસંગ ચડેલો છે – પૈસાદાર અને ગરીબનાં ઘરોમાં ફરી વળ્યો છઉં, – ગાડી ઘોડે બેઠો છઉં ને જંગલોમાં ચાલ્યો છઉં – સાહેબી ને વેઠ કરી છે – મતલબ કે મેં દુનિયાંને સારી પેઠે ઓળખી છે . હું ડાંડિયાના ભેદ પ્રપંચો જાણું છઉં – (ડાંડિયાપણું કર્યું નથી) માટે ડાંડિયાઓની વાત હું બહાર કાહાડીશ અને તે ઉપરથી તેઓ મને ડાંડિયો કહેશે, માટે હું માહારી મેળે પહેલેથી જ ડાંડિયો છઉં એમ કહું છું – ખબરદાર. ૦ ઓ લોકો, દેશી નરસી ચાલચલણ, વેહેમ, અજ્ઞાન કાહાડવાને - તેઓને હસી નાખવાને, તેઓને મ્હેણાં મારવાને મારી પાસે મજબુત ડાંડિયો-સોટો છે, એટલે ડાંડિયા મારવાની મારામાં શક્તિ છે, એટલે કે જાણે હું જ ડાંડિયો છઉં એમ સમજ્જો. એ રીતે હું ત્રણ રીતે ડાંડિયો છઉં, તો પણ કોઈના ઉપર વગર કારણે હું હુમલો કરનાર નથી; કારણ કે હું ઊંચ કુળનો ભણેલો વિવેકી, નીતિમાન, દુનિયાદારી જાણનાર, સુખદુઃખનો અનુભવી, ટેકને સમજનાર અને જ્ઞાનથી ક્ષમાનો ગુણ ધારણ કરનારો છું. તોપણ, દેશના કલ્યાણને માટે મેહેનત કરવામાં ડાંડિયા-ડાંડગાના પેઠે ડાંડિયા-સાટો મારવામાં અને અજ્ઞાની લોકોની લુચ્ચાઈ-અનીતિ-વહેમ બાબતની ડાંડી પીટવામાં આળસ કરનાર નથી. તેમ ઘણો રસિક છઉં, એટલે વેળાએવેળાએ થોડાનું મન દુઃખવી ઘણાઓને ખડખડ હસાવ્યા વિના પણ રહેનાર નથી.

[‘નર્મગદ્ય’, ૧૯૩૬]
નર્મદ

૪૨.
સુઆયોજિત સામયિકો

અંગ્રેજીમાં જેને ‘પીરીઑડિકલ વિથ એ પર્પઝ’ અથવા ‘પ્લૅન્ડ પીરીઑડિકલ’ કહે છે એવાં હેતુલક્ષી અને ચોક્કસ આયોજનપૂર્વક ચાલનારાં સંગીન સામયિકો-માસિકો-ત્રિમાસિકો કેટલાં? અથવા બીજી બાજુએ, સાહિત્ય અને સંસ્કારના ક્ષેત્રમાં નવનિર્માણ કરનારાં, સમર્થ પણ પોતાની જાતને નમ્રતાપૂર્વક ‘લિટલ મૅગેઝિન્સ’ કહેવડાવનારાં સર્જન અને વિવેચનનાં, અભ્યાસ અને આલોચનનાં પત્રો કેટલાં? આચાર્ય આનંદશંકરના વસન્ત કે હાજીમહંમદના વીસમી સદી જેવું વ્યક્તિત્વ આજે જણાય છે? ગોવર્ધનરામના સમાલોચક, રમણભાઈના જ્ઞાનસુધા, કાંટાવાળાના સાહિત્ય, ઇન્દુલાલના યુગધર્મની સૌરભને તો માત્ર સંભારવાની જ રહી. વિજયરાયના ચેતન, – કૌમુદી – માનસીના ચોથા અવતાર રોહિણીને હજી પ્રતિષ્ઠાન પ્રાપ્ત થતું જણાતું નથી. રામનારાયણ પાઠકનું પ્રસ્થાન એની જૂની જાહોજલાલીની યાદ કરાવવા માટે જ જાણે જીવતું લાગે છે. પહેલી આંગળીના વેઢા પર સંસ્કૃતિને આંકતો અંગૂઠો એથી આગળ જઈ શકે છે ખરો? હા. એક વખતના સમૃદ્ધ અને સંગીન પુરાતત્ત્વની યાદ આપતું સ્વાધ્યાય પોતાના ક્ષેત્રના એ પીઢ પુરોગામી સમોવડું થવાનો સહૃદય પ્રયત્ન કરે છે ખરું, બુદ્ધિપ્રકાશે પણ સાપની માફક ફરી એક વાર જૂની કાંચળી ઉતારી છે અને અભ્યાસ, રુચિ તથા ગ્રંથ ઊજળા પ્રભાતની આગાહી આપે છે ખરાં; સાથે સમર્પણ પણ દેખાય છે અને યુવાસહજ ઉત્સાહપૂર્વક નવસર્જનની કેડીએ પશ્ચિમી સાહિત્યના અહોભાવમાં જરા વધુકું અટવાતું ક્ષિતિજ પણ પૂર્વાકાશમાં છે. મિલાપ અને વિશ્વમાનવ એ બે હેતુલક્ષી માસિકોને પણ ગણવાં જોઈએ. આશા રાખીએ કે એ સૌને મધ્યાહ્ન તપે.

[સાહિત્ય પરિષદ : ૧૯૫૪ : પત્રકારત્વવિભાગ અધ્યક્ષીય વક્તવ્ય-માંથી]
બચુભાઈ રાવત

૪૩.
સાહિત્યચર્ચાનું માસિક કેવું હોઈ શકે!

ગુજરાતમાં અત્યારે જે સમાલોચનશક્તિ છૂટીછવાઈ વેરાએલી પડી છે તેને કેન્દ્રીભૂત કરવાનો સારામાં સારો રસ્તો તો કેવળ સાહિત્યચર્ચાને જ પોતાનો વિષય બનાવે એવા એક નિયમિત સ્વતંત્ર માસિકની પ્રસિદ્ધિનો છે. એવા માસિક પત્રનું અહીં આછું રેખાચિત્ર આપવામાં આવે તો તે અસ્થાને નહીં ગણાય. પ્રથમ તો આ માસિકે ગુજરાતી ભાષામાં જે જે નાનાંમોટાં પુસ્તકો નવાં પ્રસિદ્ધ થયાં તે સઘળાંની નિર્ભય, નિષ્પક્ષપાત રીતે, અને નિયમસર, પ્રસિદ્ધ થયા પછી જેમ બને તેમ સત્વર, સૂક્ષ્મ પરીક્ષા કરવાની છે અને તેની મૂલવણી – ‘ઍસ્ટિમેટ’ કરી વાચકઆલમને તેના ગુણદોષથી પરિચિત કરવાની છે. એમાં આ માસિકનાં અવલોકનો અત્યારનાં અન્ય પત્રોનાં જેવાં ઉપલકિયાં અથવા પ્રકાશકો તરફથી જેટલાં મોકલવામાં આવે તેટલાં જ પુસ્તકોનાં ન હોય. વાંચનારના ઉપર જે શુભ-અશુભ કોઈ પણ જાતની છાપ પાડી શકે એમ હોય એવું મહત્ત્વનું એક પણ પુસ્તક એ પત્રકારથી અજાણ્યું વાચકવર્ગના હાથમાં જાય એ એની કર્તવ્યચ્યુતિનું મોટામાં મોટું ચિહ્ન મનાવું જોઈએ. બહાર પડતા લેખકોમાંથી જે જે સુયોગ્ય હોય તેને આ માસિક પૂરતું ઉત્તેજન આપે, અને અયોગ્ય, નિર્માલ્ય કે હાનિકારક હોય તે સુધરી શકે એમ હોય તો તેને સુધારવા પ્રયત્ન કરે અને નહિ તો તેને સખત સપાટા લગાવી બીજી વાર કોઈ દિવસ ઊભો જ થવા ન પામે એવી રીતે બેસાડી દે. કોઈ પણ સુપાત્ર ગ્રન્થકાર ઉત્તેજન વિના રહી ન જાય અથવા કોઈ પણ કુપાત્ર સમાજમાં એનું સ્થાન પચાવી ન પાડે તેની આ પત્ર પૂરી સાવચેતી રાખે. ગ્રન્થાવલોકનની બાબતમાં આ પત્ર એક નવીન તત્ત્વ પણ ઉમેરે. એકલી ગુજરાતી ભાષાનાં જ પુસ્તકોનો પરિચય કરાવીને બેસી ન રહેતાં આ પત્ર ગુજરાતના જુદાજુદા વિષયના અભ્યાસક વર્ગને ઉપયોગી થઈ પડે અથવા ગુજરાતના સાહિત્યસેવક તેમ જ રસિક વર્ગને કોઈ નવી જ દિશાનું ભાન કરાવે, કોઈ નવા જ આદર્શ તેમના આગળ રજૂ કરે એવાં જે પુસ્તકો હિન્દની અન્ય પ્રાંતિક ભાષાઓમાં અગર અંગ્રેજીમાં લખાય તે તે સર્વનું ઓળખાણ કરાવી તેના મહત્ત્વનું અથવા વિશેષતાનું સવિસ્તર વિવેચન કરે. આ પત્ર સાહિત્યનાં કાવ્ય, નાટક, નવલકથા, ચરિત્ર, ઇતિહાસ આદિ વિવિધ અંગોની શાસ્ત્રીય ચર્ચા કરે, એનાં લક્ષણો બાંધે, એની તુલના કરે એવા વિસ્તૃત લેખો પ્રસિદ્ધ કરે, અને એ દ્વારા સાહિત્યનું યથાર્થ સ્વરૂપ એના વાચકોને હસ્તામલકવત્‌ સ્પષ્ટ કરી આપવા પ્રયત્ન કરે. વળી આપણા સાહિત્યની સમગ્ર રીતે તેમ જ વિભાગવાર ભાષાઓનાં સાહિત્યો સાથે સરખામણી કરવી, પરદેશી સાહિત્યોની પદ્ધતિઓ, પ્રકારો અને વિશિષ્ટતાઓનો પરિચય આપવો, ને એ દ્વારા ગુજરાતના સાહિત્યને શાની શાની જરૂર છે, અન્ય સાહિત્યો પાસેથી એ શું શું શીખી શકે એ બધાનું દિગ્દર્શન કરાવવું એને પણ આ માસિકપત્ર પોતાનો ધર્મ માને. આ સાથે અત્યાર સુધીમાં આપણા સાહિત્યમાં જે શિષ્ટ તરીકે સ્વીકારાઈ ચૂક્યા હોય તેવા સાક્ષરોની સમસ્ત સાહિત્યપ્રવૃત્તિઓ વિશે તથા તેમના છૂટાછૂટા મહત્ત્વના ગ્રન્થો વિશે પણ વિદ્વત્તાભર્યા લેખો તૈયાર કરાવી પ્રકટ કરે. તદુપરાંત સાહિત્યોન્નતિનાં મૂળ કેળવણીમાં રહેલાં હોવાથી દેશના કેળવણીક્ષેત્ર ઉપર પણ એ ધ્યાન આપે અને જુદીજુદી શિક્ષણસંસ્થાઓમાં જે-જે પાઠ્યપુસ્તકો ચલાવવામાં આવતાં હોય તેની સાહિત્યની દૃષ્ટિએ સમાલોચના કરી એમાં જે-જે દોષો, ખામીઓ, કે ન્યૂનતાઓ હોય તે તે પ્રત્યે અધિકારીઓનું લક્ષ ખેંચી તેને દૂર કરવા એ માગણી કરે.

[વસંત : ૧૯૨૨; ‘વિવેચનમુુકુર’ ૧૯૩૯ પૃ. ૩૮-૪૧]
વિશ્વનાથ ભટ્ટ

૪૪.
કિતાબ – છ માસ સુધી!

વિ. ક. ત્રિવેદીના પરશુરામ-પ્રહાર પછી મિત્રોને લાગ્યું કે આપણે કહેવામાં આવે છે, તેવા, માત્ર મુશાયરાના મંચના માણસ નથી, સાહિત્યના સર્વ પ્રકારોમાં રસ છે એ પ્રગટ થવું જોઈએ. આથી અમે કિતાબ નામનું ડેમી સાઈઝનું ૪૮ પાનાંનું શુદ્ધ સાહિત્ય-માસિક શરૂ કર્યું. સંપાદક બીજા, પણ પ્રેસમાં સામગ્રી આપી અંક તૈયાર કરવાનું કામ મારું. સાચે જ એ શુદ્ધ સાહિત્ય-માસિક હતું. ગઝલ તો એક-બે આવે, એ સિવાય વાર્તા, વિવેચન, નિબંધ અને પરિચયલેખ પણ. જયંતિ દલાલે વૈચારિક હૂંફ આપેલી. છ માસ કિતાબ ચાલ્યું. અમે બધા મહિને વીસ-પચીસ રૂપિયાની આવકવાળા. આમ મંચ પર લોકપ્રિય, પણ સાહિત્ય-માસિકનો ખર્ચ નીકળે એટલા ગ્રાહક ક્યાંથી મળે!

[પ્રત્યક્ષ, સામયિક સંપાદક વિશેષાંક ૧૯૯૫]
રતિલાલ અનિલ

૪૫.
સાહિત્ય સામયિક ડોશીની કોથળી નથી.

હું ગુજરાતી ભાષામાં એક ટોટલ સાહિત્યિક સામયિક જોવા માગું છું. દીવાદાંડી કંઈ પાંચ-પચીસ ન હોય. પણ એક તો હોવી જોઈએ ને! તે માટે સતત કામ કરતું એક કર્મઠ જૂથ હોવું જોઈએ, તો જ તેનું સ્વરૂપ પ્રભાવક બની રહે. એવું બન્યું છે ત્યારે સાહિત્ય પર અને વાચકો પર એનો પ્રભાવ બરાબર દેખાયો છે. આવ્યું, મળ્યું તે મૂકી દીધું એ સંપાદન નથી, કશા વાદમાં બંધાયા વિના સાહિત્યપદાર્થની ઓળખ અને પરિચય હોવો જોઈએ. પેલો વેપારી કહે છે : ‘બસ, દાળ-રોટલો નીકળ્યા કરે છે’ - એવું આશ્વાસન નહીં ચાલે, સાહિત્યમાં ન જ ચાલવું જોઈએ. સ્થૂળ થયેલાં અખબારો, ચેપની જેમ ફેલાયેલાં પ્રસાર-માધ્યમો છતાં અક્ષર હજીયે અનન્ય જ રહ્યો છે. એ વાચક માટે થોભે છે, ફરી હાજર થાય છે. એક વાર થયેલા એક બોધ પછી તે બીજો બોધ આપવા જેટલો સમર્થ છે. કલ્પવૃક્ષ અને કામધેનુ બંને શબ્દસ્વરૂપે હાજર છે. પણ શબ્દ સાક્ષાત્કારમાંથી આવવો જોઈએ અને આવી શકે છે. વિશ્વસાહિત્ય આપતું એક ટોટલ ડાયજેસ્ટ પણ ગુજરાતીમાં હોવું જોઈએ. કયો ગુજરાતી લેખક વિશ્વસાહિત્ય વાંચે છે? વાંચી શકે છે? વાર્તા, કવિતા, નિબંધ, વિવેચનનું સરખું પ્રમાણ હોય. પસંદ કરેલી કૃતિઓ ઉત્તમ જ હોય. તો ક્યાં શું સર્જાય છે, કયા સાહિત્ય પ્રવાહો ચાલે છે એની લેખકને જાણ થવી જોઈએ. સારા વાચક થયા વિના સારા લેખક થનારા વિરલ હશે - આજે તો શબ્દોની આયાત કરતાં નિકાસ કરનારા વધારે છે! એમાં એમનો જ દોષ ન કાઢીએ. સુરેશ જોશી હતા ત્યારે કોઈ અજાણ્યું નામ જ પ્રકાશમાં લાવતા. સમય જતાં તે નામને નૉબેલ પ્રાઈઝ મળ્યાનું જાણીને આનંદાશ્ચર્ય થતું. હવે તો નૉબેલ મળે તે સાહિત્યકારનો પ્રાસંગિક પરિચય પણ ગુજરાતીમાં નથી મળતો. સર્જક હોવા છતાં જ્યંતિ દલાલ ગતિ અને રેખા સાથે પુસ્તક-પ્રકાશન પણ કરે. સુંદરમ્‌-ઉમાશંકર જેવાની ઉત્તમ કૃતિઓ એમણે પ્રકાશિત કરી છે. સમર્થ સાહિત્યિક પત્રકાર આવું વિરલ પરિણામ પણ - બીજામાં રહેલી શક્યતાને બહાર આણનાર - નિપજાવી શકે છે. પણ કયા પરંપરિત વિવેચકનું એ તરફ ધ્યાન ગયું? સમર્થ લેખક, અભ્યાસી સંપાદક કેટલીયે ચીલાબહારની શક્યતાને બહાર આણી શકે છે. બીજું ઉદાહરણ છે સુરેશ જોશીનું અને વિજયરાય વૈદ્યનું. વિદ્વાન ખરા પણ આજન્મ પત્રકાર પણ ખરા. એવાઓએ જ સાહિત્ય પત્રકારત્વમાં ઘણુંબધું પ્રેર્યું અને નિપજાવ્યું છે. કેટલું બધું વિદેશી સાહિત્ય અનુવાદ કરીને આપ્યું! બંનેને પૂરા પત્રકાર થયા વિના ચાલ્યું નહીં. સાહિત્યકારોમાં એવી પ્રતિભા પણ હોવી જોઈએ. ઉત્તમ વાંચન મળે તો પોતે લખવાનું મોકૂફ રાખે એવા સાહિત્યકારની આજે ઊણપ વર્તાય છે. પોતે વિદ્વાન છે, અધ્યાપક છે, વ્યાખ્યાતા છે, પ્રવેશક-પ્રસ્તાવના લખે છે, પ્રાસંગિક બોલવું પડે છે - એ બધું મૂકવા માટે કોઈ પાત્ર જોઈએ એ તો વ્યવહાર થયો, સગવડ થઈ, એ અંગત જરૂરિયાત થઈ. એને વાચકની જરૂરિયાત બનાવી દેવાય નહીં. સામયિક માટે જ વિચારેલું, લખેલું, સંપાદિત કરેલું હોવું જોઈએ. પેલી ડોશી પૈસો આવે તે કોથળીમાં મૂકે ને નોટ આવે તે પણ કોથળીમાં મૂકે; સાહિત્યિક સામયિકને એવી, ડોશીની કોથળી બનાવી શકાય નહીં. આ તો ટાગોર કહે છે તેમ, સૂરજ નથી તો નમ્રતાથી કોડિયું પ્રગટાવવા જેવું કામ કરીએ છીએ.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
રતિલાલ ‘અનિલ’

૪૬.
મજૂરીની ત્રેવડ છે, સંપાદક?

એક પૈસોયે આવવાનો નથી, પૂરું બીલ સમયસર ચૂકવવાનું છે, મૅટર મળે જ એવી આશા ન રાખો, મળે જ તો તમે પસંદ કરો એવી જ મળે એવી આશા ન રાખો. જરૂર પડ્યે આખા અંકનું મૅટર જાતે તૈયાર કરવાની હિંમત અને મજૂરીની ત્રેવડ હોય, પ્રશંસાને બદલે એકાદ અક્ષર ટીકાનો આવશે તો આજન્મ તમને દાઢમાં રાખશે અને તમે કલ્પી ન શકો એ રીતે માર્ગમાં આડે આવશે – આટલી તૈયારી હોય તો અંગત હિસાબે-જોખમે સ્વતંત્રપણે સાહિત્યિક સામયિક ચલાવો. રાત્રે પ્રૂફ આવે ને સવારે ચા પીતા હશો ત્યારે લેવા આવશે, વાંચીને તૈયાર રાખી શકો તો અંક છેક છેલ્લી ઘડીએ તૈયાર થશે! એક જુદી જ નિષ્કામ વૃત્તિની અપેક્ષા આ કામ રાખે છે – શ્રીકૃષ્ણને પણ એની જાણ નહીં હોય!

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
રતિલાલ ‘અનિલ’

૪૭.
લેખકો સમયસર લેખ મોકલે વળી?

સંપાદનકાર્ય ઉત્તમ કરવું હોય તો લેખકોને નિમંત્રણ આપીને નિશ્ચિત વિષયો પરના જ લેખો મેળવવા જોઈએ. દરેક અંકનું આયોજન એ રીતે કરવું જોઈએ. પણ અમારો અનુભવ એવો છે કે મોટા ભાગના લેખકો તંત્રી-સંપાદકને એ રીતે લેખો મોકલતા નથી. અલબત્ત, ક્યારેક વિશેષાંક કરવાનો હોય ત્યારે ઉઘરાણી પછી થોડાક લેખો મળે છે ખરા. પણ એવો વિશેષાંક ન હોય ત્યારે લેખકો પોતાની પાસેના તૈયાર લેખો મોકલતા હોય છે. ક્યાંક વક્તવ્ય આપ્યું હોય, આકશવાણી પર વાર્તાલાપ આપ્યો હોય તો એ સંપાદકને મોકલવામાં આળસ કરતા નથી! લેખકો પાસેથી ધાર્યા લેખો મેળવવાનું મને હંમેશા મુશ્કેલ લાગ્યું છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
મધુસૂદન પારેખ

૪૮.
ખરી પડવામાં ય સાર્થકતાનો અનુભવ

મિલાપના પ્રથમ અંકને પહેલે પાને ‘નાની શી મિલન-બારી નામની તંત્રી-નોંધ મૂકેલી, તેમાં માસિક શરૂ કરવાનો ઉદ્દેશ કાંઈક આ રીતે રજૂ કરેલો : ‘ખેડૂત અને વણકર, કુંભાર અને સુથાર, સઈ અન મોચી, એ સહુ પોતપોતાની શક્તિઅનુસાર સમાજની અમુકઅમુક જરૂરિયાતો પૂરી પાડે છે. એમની માફક પ્રામાણિક પરિશ્રમ કરીને આપણી પ્રજાની આજની એક ચોક્કસ જરૂરિયાત પૂરી પાડવાનો આ નમ્ર પ્રયાસ છે. એ જરૂરિયાત છે, ચોપાસની દુનિયા વિશે જ્ઞાન વધારનારા, સાદા, સમજી શકાય તેવા વાચનની.’ મિલાપનો નવેમ્બર ૧૯૭૮નો અંક દોઢેક મહિનો મોડો પ્રગટ થયેલો. (ડિસેમ્બરનો પણ સાથે જ) તેમાં ડિસેમ્બર પછી માસિક બંધ કરવાની જાહેરાત હતી. ‘ચંદ રોજ’ મથાળા હેઠળ તે અંગે બે જ પાનાંનું તંત્રીનું નિવેદન મૂકેલું, તેટલું લખતાં તા. ૧૬ડિસેમ્બરની સવારે ૧-૦૦ થી ૪-૦૦ સુધીના ત્રણ કલાક મને લાગેલા. તેમાં જણાવેલું કે મિલાપનું પ્રકાશન સંકેલી લેવાનું કોઈ ખાસ કારણ નથી. ‘દરેક વસ્તુનો એક આરંભ હોય છે ને એક અંત હોય છે. એવો એક સહજ અંત મિલાપનો પણ આવે તે સ્વાભાવિક ગણાય. ગુજરાતી ફૂલવાડીમાં મિલાપ નાનકડું પુષ્પ બનીને ખીલ્યું, ને પુષ્પની જેમ જ સ્વાભાવિકપણે હવે એ ખરી પડે છે. આજે નહિ તો બે વરસે, પાંચ વરસે પણ એને ખરવાનું તો હતું જ. ખીલવામાં જેમ આનંદ હતો, તેમ યથાકાળે ખરી પડવમાં પણ એક જાતની સાર્થકતા અનુભવાય છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
મહેન્દ્ર મેઘાણી

૪૯.
સંપાદકની પ્રતિષ્ઠાનું શું?

આમાં એક ઘટના ઘટી તે સંપાદક તરીકેની જવાબદારીના મારા ખ્યાલને સંદર્ભે ખાસ નોંધવી જોઈએ. ૧૯૬૪ની ઉનાળાની રજાઓમાં હું રાજકોટ જતો હતો ત્યારે યશવંતભાઈએ પ્રસ્તાવ મૂક્યો કે રસિકલાલ પરીક ન્હાનાલાલ જયંતીનું વ્યાખ્યાન આપવાના છે તે આપણે પરબના અંક તરીકે મૂકીએ. લેખ તો એમના હાથમા નહોતો એટલે એમણે પૂછયું કે આવે એટલે તમને જોવા મોકલું? મેં કહ્યું હા, સમય હોય તો મોકલશો. પણ પછી તો એ અંક છપાયેલો જ છેક ઑક્ટોબર માસમાં બાલાસિનોરના જ્ઞાનસત્રમાં મારા હાથમાં આવ્યો. રઘુવીરે ટકોર કરી કે જયંતભાઈએ લેખ આ અંકમાં જ જોયો હશે અને હું પણ લેખ જોઈને ચોંક્યો. મારે યશવંતભાઈને કહેવાનું થયું કે આ ૯૪ પાનાંના લેખમાં ચાર પાનાં જ વિવેચનનાં છે, બાકી તો લાંબાલાંબા ઉતારા અને સામન્ય નિરીક્ષણ જ છે. લેખ મને જોવા મળ્યો હોત તો હું એ પરબમાં છાપવા કબૂલ ન થાત. યશવંતભાઈએ કહ્યું કે રસિકભાઈ પ્રતિષ્ઠિત છે અને હું માનું છું કે પ્રતિષ્ઠિતોએ પોતે પોતાની પ્રતિષ્ઠા સાચવવાની હોય છે. મેં યશવંતભાઈને સવાલ કર્યો કે સંપાદકની પ્રતિષ્ઠાનું શું? સંપાદક એ માત્ર ટપાલી હોય – આવેલા લેખોને પ્રેસમાં પહોંચાડનાર હોય એ હું કદી સ્વીકારી શક્યો નથી. એ જવાબદારીપૂર્વક પસંદગીઓ કરે, ઉત્તમ લેખો માટે પ્રયાસો કરે, અને આવેલા લેખોમાં જરૂર જણાય ત્યાં કાંટછાંટ કરે, એને રજૂઆત અને ભાષાની દૃષ્ટિએ મઠારે, એને વધારે અસરકારક બનાવીને મૂકે. પશ્ચિમના દેશોમાં તો સામયિકોના લેખો જ નહીં, પરંતુ ખાનગી પ્રકાશકો દ્વારા પ્રકાશિત ગ્રંથો પણ આવી પ્રક્રિયામાંથી પસાર થયેલા હોય છે - મોટા ગણાતા લેખકોના ગ્રંથો પણ. આપણે ત્યાં આ વાત ખાસ સ્વીકારાઈ નથી. લેખકો એમ માને છે કે પોતાના લખાણમાં કંઈ ફેરફાર ન થઈ શકે, એમ થાય તો પોતાને લખતાં ન આવડ્યું એમ ગણાય. ને સંપાદક પણ આવો શ્રમ શા માટે ઉઠાવે? એને એનું બીજું કોઈ વળતર તો હોતું નથી, કદાચ અળખામણા બનવાનું થાય. ‘પરબ’માં મેં આવું સંપાદનકર્મ કરવાનું રાખેલું. ભાષાભિવ્યક્તિના દોષો દૂર કરવાની જ નહીં, પરંતુ સંક્ષેપીકરણની અને મુદ્દાઓની હેરફેર કરી વિચારપ્રવાહને વધુ તાર્કિક બનાવવાની પણ પ્રક્રિયા કરેલી. અલબત્ત, લેખકો વિશ્વાસ મૂકે તો જ આ થઈ શકે અને એ બાબતમાં હું સદ્‌ભાગી હતો. લેખનું સંશોધન કરવા જતાં ક્યાંક સરતચૂક થઈ જવાનો પણ સંભવ ખરો. એક લેખમાં લેખકને થોડું અનભિપ્રેત એવું શીર્ષક મારાથી મુકાઈ ગયેલું - પણ લેખકે એ ઉદારતાથી નભાવી લીધું. એકંદરે એમના લેખને લાભ થતો હતો એ તે જોઈ શક્યા હોય જ.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
જયંત કોઠારી

૫૦.
સંપાદકનીય આગવી પ્રતિભા જોઈએ

હું જોઈ શક્યો કે સારું પત્ર ચલાવવા માટે પૂરો સમય આપવો જોઈએ. સામયિક સંચાલનનું કામ આપણે ત્યાં પાર્ટટાઈમની રીતે ચાલે છે તે મને ઠીક લાગતું નથી; વળી તંત્રીને ઘણી મોકળાશથી કામ કરવાની સગવડ-સુવિધા મળવાં જોઈએ. આ બધાંનો અભાવ કોઈક રીતે સામયિકના વિકાસને રૂંધે-અવરોધે છે એ મને ખૂબ વહેલું સમજાઈ ગયું અને તેથી જ હું જેમાં વધુ અસરકારક રીતે કામ ન કરી શકતો હોઉં તે મારે છોડવું જોઈએ એવી બુદ્ધિથી મેં પરબનું કામ છોડેલું. આ સામયિકો ચલાવવાનો અનુભવ ક્યારેક રોમાંચક લાગતો તો ક્યારેક મારામાં કંટાળોયે જન્માવતો. હું એટલું બરોબર સમજી શક્યો કે લેખક-સાહિત્યકાર થવું એક બાબત છે અને પત્રકાર થવું બીજી બાબત છે. સારા પત્રકારનીયે પોતાની એક આગવી પ્રતિભા હોય છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
ચંદ્રકાન્ત શેઠ

૫૧.
દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો

પરબનો અને સાહિત્યિક સામગ્રી છાપતાં અન્ય સામયિકોનો મુખ્ય પ્રશ્ન ગુણવત્તાવાળી રચનાઓની પ્રાપ્તિનો છે. ઘણી વાર એવું લાગ્યું છે કે આપણા ઘણા ‘સર્જકો’માં સાહિત્યિક ગુણવત્તા શી ચીજ છે તે પરખવાની વિવેકશક્તિ ઓછી હોય છે. તેમનાં લેખ-કવિતા-વાર્તા અસ્વીકૃત થાય કે તેઓ સંપાદક પર નારાજ થાય, પક્ષપાત કર્યાનો આરોપ મૂકે. અમદાવાદવાળાને જ વધારે સ્થાન મળે છે, એવું કહેનાર પણ ઘણા છે અને લેખ ન છપાતાં ગાળો આપનાર મિત્રો પણ મળી જાય. પરબની ટપાલમાં મુખ્ય રચનાઓ મળે તે કવિતા. તેમાંય સૌથી વધારે ગીતો અને ગઝલો. દૂરદૂરનાં ગામોમાંથી પણ ગીતોગઝલો તો છપાવવા માટે મળે, એમાં ઘણી વાર તો એક સંગ્રહ થાય એટલી રચનાઓ સાથે મળે - એમાંથી સંપાદકે પસંદ કરી લેવાની. ક્યારેક ઉદારતાપૂર્વક એમાં ફેરફારની છૂટ પણ એના કવિએ સંપાદકને આપી હોય. પણ સંપાદક તરીકે એમાંથી પસાર થતાં નિરાશા વધારે સાંપડે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
ભોળાભાઈ પટેલ

૫૨.
સફળતાનો અજંપો આકરો હોય છે

સંજ્ઞાના પહેલા અંકની તૈયારી છએક મહિના ચાલી ત્યારે ભૂખ-તરસ-ઘર-ચેન-વિસામો-શાંતિ બધું જ ગિરવે મુકાઈ ગયું. આપોઆપ. એક જ ધૂન, એક જ વાત, એક જ આલાપ – બસ, સંજ્ઞાનું પ્રકાશન. અને સંજ્ઞાના બે અંકો પ્રગટ થતાંમાં તો ઉઘાડી આંખોવાળા ચોંકી ઊઠ્યા અને બંધ આંખોવાળા છળી મર્યા. તંત્રી તરીકે અમે તૃપ્તિના ત્રણ ઘૂંટ પીધા - ઍટ લાસ્ટ, આઇ કૂડ અરાઈવ, સો સૂન ઍન્ડ સો સડન! સંજ્ઞાના એકએક પૃષ્ઠનો, એક એક કૉલમનો લેઆઉટ અમે હર્ષદ કાપડિયા, ઉષાકાન્ત મહેતા અને જયો. જા.) કરતા હતા. સંજ્ઞાના અંકો ટપાલમાં પહોંચતાંભેર મિત્રો એમના રોમાંચ અનેઝણઝણાટીની વાતો કાગળમાં લખતા. રાધેશ્યામને કેમ ભૂલું? સાચ્ચા કદરદાન સર્જક-વિવેચક મિત્ર. ચિ. મો. (ચિનુ મોદી) અંદરથી જલે, બહારથી હસતું મોઢું. રઘુવીર આંખ મીંચકારી અક્કડ ચાલે પણ સંજ્ઞાની ટહેલ પડતાં કાવ્યકૃતિ આવી પહોંચે. સુ.જો.નો સૂર્ય તપે એટલે સંજ્ઞાના ત્રીજા અંકમાં અમે - પ્રા. હર્ષદ દેસાઈ, દિગીશ મહેતા અને અમે - એમનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. અને ઇન્ટરવ્યૂ પ્રગટ થતાંવેંત સંજ્ઞા ચોમેર, સાહિત્યજગતમાં એક શુદ્ધ સાહિત્યિક ત્રૈમાસિકરૂપે પ્રસ્થાપિત થઈ ચૂક્યું! સફળતાનો અજંપો નિષ્ફળતાની સ્મશાનશાંતિ કરતાં અગ્નિપુંજ જેવો આકરો હોય છે - આગામી અંકોની તૈયારી સુખે જાગવા કે ઊંઘવાય ક્યાંથી દે?

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
જ્યોતિષ જાની

૫૩.
કોણ શું કયા આશયથી લખી મોકલે...

સાહિત્યપ્રવૃત્તિનો અર્થ ઘણો વ્યાપક છે. પણ સામયિક નિમિત્તે સાહિત્યનો વર્તમાન તમારી નજર સામે બરાબર રહે છે... કોણ કયા આશયથી શું ને કેવું લખી મોકલે છે એ સમજતાં વાર નથી લાગતી. કેટલાક તો અંગત હિસાબો પતાવવા માટે, વિવેચનલેખોમાં કોઈને વિશે કશી જરૂરિયાત, સંદર્ભ કે પ્રસ્તુતતા વિના જ છરકા કરવા માટે કે એવા કોઈ ખ્યાલથી કશાંક વિધાનો કરે ત્યારે સંપાદકે તાટસ્થપૂર્વકનો વિવેક કરવો પડે એ આ પ્રવૃત્તિની ઓળખ! શ્રી સિતાંશુ યશશ્ચંદ્રે ‘પત્નીને’ શીર્ષકથી કાવ્યો લખ્યાં તો એ જ ધાટીમાં માતા, પત્ની અને સાસુ વિશેનીય એક-બે રચનાઓ એક ભાઈ સંભળાવી ગયા. માય ડિયર જયુએ ‘ગદ્યલીલા’ કરી, અભિજિત વ્યાસે ફિલ્મો વિશે લેખો મોકલ્યા કે મેં પ્રસંગોપાત્ત બે-ચાર સાહિત્યકારો વિશે લખ્યું તો એવું બન્યું કે ચારેબાજુથી ‘ગદ્યલીલા’ઓ આવવા લાગી, ‘જી’ અને ‘ફિલ્મફેર’માં શોભી ઊઠે એવાં ફિલ્મવિષયક લખાણો આવવા લાગ્યાં, ઘણાંએ મને કહ્યું કે, તમે મારા વિશે કેમ નથી લખતા?

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
હર્ષદ ત્રિવેદી

૫૪.
રિટર્ન્ડ ટુ સૅન્ડર!

’૭૪ના મે મહિનામાં ગગનનો છેલ્લો અંક પ્રગટ થયો. જો કે એ પ્રગટ કર્યો ત્યારે મને પણ ખ્યાલ ન હતો કે એ અંક છેલ્લો અંક બની રહેવાનો છે. એ સમયે કારીગરોની કનડગતને કારણે પ્રેસ બરાબર ચાલતો નહીં એટલે છેલ્લો અંક પણ બહાર છપાવેલો. રાબેતા મુજબ મોડો પડેલો અને બીજી તારીખ પણ માંગેલી. એ તારીખ કોઈક જાહેર રજાની હતી. અંકો તો પોસ્ટ કરી દીધા પણ બીજે દિવસે પોસ્ટઑફિસે એને લેટ ગણીને ડ્યૂના સિક્કા મારી રવાના કર્યા. અને મારા આશ્ચર્ય વચ્ચે મોટા ભાગના લોકોએ પચાસ પૈસા દંડ ભરીને અંક લઈ લેવાને બદલે રિજેક્ટ કર્યા. ગ્રાહકો તો ઓછા હતા, એ સિવાયના મોટા ભાગના અંકો તો આપણા પ્રશસ્ત સર્જકો અને વિવેચકોને મફતમાં જ મોકલતો રહેલો. એ મહાનુભાવો પણ, (જેમાંથી કેટલાકે તો ગગનની ઘણી પ્રશંસા કરેલી) પચાસ પૈસા જતા કરવાને બદલે અંક રિજેક્ટ કર્યા. રોજ ટપાલમાં ડ્યૂના સિક્કાવાળા અંકોની થોકડી પરત આવતી – રિટર્ન્ડ ટુ સેન્ડર! અને હું દંડ ભરીભરીને એ અંકોને સ્વીકારતો રહેતો. વિચારતો રહેતો કે કેવી છે આ ગુર્જરી પ્રજા અને કેવા છે એના સાહિત્યસર્જકો...અને સાહિત્યરસિકો...! ઊંઘ અને આરામના ભોગે બારતેર મહિના મેં જે પરિશ્રમ કર્યો તે આ દિવસ જોવા માટે? બકુલા આશ્વાસન આપતી, હિંમત આપતી પણ આ ઘટનાથી વિક્ષુબ્ધ બની ગયેલું મન શાન્ત થતું જ ન હતું. એ દરમિયાન બાલાસિનોર કૉલેજમાં પૂરા સમયની નોકરી મળતાં નડિયાદ છોડવાનો પ્રસંગ ઊભો થયો. મનગમતું સ્વપ્નું વેચતો હોઉં એવા દુઃખ સાથે પ્રેસ વેચીને તુલસીદાસને પૈસા પરત કરી દીધા અને જૂનમાં બાલાસિનોર ચાલ્યો ગયો. એ પછી તો પ્રજાની ઉપેક્ષા સહીને જ્યારે જ્યારે કોઈ સારું સામયિક બંધ પડી ગયું છે ત્યારે ત્યારે ગગનના અકાલ અવસાનનો અવસાદ સાંભરી આવે છે. બંધ થતા સામયિકમાં તંત્રીને નિવેદન દ્વારા હૈયાવરાળ કાઢવાની તક મળતી હોય છે પણ મને તો એ તક પણ મળી નહીં...

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
પુરુરાજ જોશી

૫૫.
એવા મક્કમ હતા મઠિયા!

‘રે’ના ત્રીજા અંકમાં મુખપૃષ્ઠ પર એક વાક્ય છપાયું : ‘રે’માં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ જ છીએ એમ કોઈએ માની લેવું નહીં.’ હું તંત્રી અને મને મુખપૃષ્ઠ પરની આ પંક્તિની જાણ જ નહીં. હું કપડવણજ કૉલેજમાં ભણાવું ત્યારે આ અંક મને મળ્યો અને હું ઉશ્કેરાઈ ગયો. અધ્યાપક વળી વિવેચનનો અસ્વીકાર કરે જ કઈ રીતે? સાર્થ ન હોય તે સાહિત્ય ક્યાંથી? અને મેં ભાવુક થઈ મિત્રોને એક ‘નેસ્ટી’ કાગળ લખ્યો અને મારું નામ તંત્રી તરીકે રદ કરવાની જાણ કરી. મારું નામ રદ થયું, પણ આ વાક્ય રદ થયું નહીં – એવા મક્કમ હતા રે-મઠિયા. રેમાં તંત્રીનો મહિમા જ ક્યાં હતો? એમાં કોઈનું પણ નામ છાપી શકાય એવું હતું, કારણ કે સંપાદન તો સહિયારું જ થતું હતું. રેના અંકોનાં મુખપૃષ્ઠ એ આપણી આધુનિક ચિત્રકળાનો લેખ વગરનો ઇતિહાસ પણ છે. જેરામ પટેલ, ભૂપેન ખખ્ખર અને પીરાજી સાગરાનાં સ્ટ્રોંગ લાઈન્સવાળાં બોલ્ડ રેખાંકનોથી આ મૅગેઝીનનાં મુખપૃષ્ઠ આ જૂથના અન્ય કળાઓ સાથેના ગાઢ સંબંધને પણ પ્રગટ કરે છે. શેખ, સિતાંશુ, મણિલાલ, દિલીપ, પ્રબોધ, સુભાષ, ભરત (ઠક્કર) રેનાં પાનાં પર રચનાઓ દ્વારા ઉપસ્થિત છે અને એ એ જ બતાવે છે કે રે જૂથ એ કેવળ અમદાવાદ પૂરતું સીમિત નહોતું. રે ચલાવવા આ કવિઓએ અમદાવાદમાં બુટપૉલીશ પણ કરી છે અને ઍસ.ટી. તથા ‘નાનીબચત’ માટે રચનાઓ પણ લખી છે. દર મહિને દસ રૂપિયા એટલે બેઝીક ૨૦૦ના પગારદાર માટે માતબર રકમ પણ કવિઓએ આપી છે. મુનિશ્રી બામ ૧૦૧ને નામે મણિલાલ દેસાઈથી માંડીને મનુભાઈ ગૌદાની સુધી એકાધિક કવિઓએ કાવ્ય લખ્યાં છે. આવા એક કાવ્ય માટે અમારા પ્રિન્ટર (ઉત્તરાવસ્થાના પ્રિન્ટર) જયંતિ દલાલ, પ્રકાશક લાભશંકર અને તંત્રી તરીકે મારી ઊલટતપાસ ને જવાબો પણ પોલીસના માણસોએ લીધા છે. બેજવાબદારીનો દેખાવ કરી, દંભના પર્દાઓને ચીરનાર; નિયત થયેલા છંદાદિ ટુલ્સનો અસ્વીકાર કરનાર; અને માન્ય વિભાવનાઓને પડકારી શકનાર રે સામયિકના તંત્રી થવાનું ભલે આકસ્મિક હતું, પણ ખૂબ જ રોમાંચક હતું. આવો રોમાંચ કૃતિ અને ઉન્મૂલન તથા હૉટેેલ પોએટ્‌સ ગુ્રપના ઓમિસિયમમાં રીપીટ થયેલો એટલું જ. એથી, એ વિશે આ ક્ષણે વાત કરવાનું અટકાવું છું.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
ચિનુ મોદી

૫૬.
મારી કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને–

કલમ અને કિતાબ વિભાગમાં હું કેવળ ગ્રંથસમીક્ષા જ કરતો નહોતો, ગ્રંથસમીક્ષા ઉપરાંત, અવલોકનાર્થે આવતા ગ્રંથોનો ‘સાભાર-સ્વીકાર’ લખતો, બનતી રહેતી સાહિત્યિક ઘટનાઓની જાણ ‘સાહિત્ય સમાચાર’ રૂપે કરતો, કોઈ સાહિત્યકારને તેની વિશિષ્ટ સંસિદ્ધિ સંદર્ભે ગુજરાત સાહિત્યસભા તરફથી રણજિતરામ ચન્દ્રક અર્પણ કરવાનો નિર્ણય થાય, યા કોઈ સારસ્વતને ગુજરાતી સાહિત્ય પરિષદ, કે ગુજરાત સાહિત્ય અકાદેમી કે કેન્દ્રની સાહિત્ય અકાદેમી તરફથી પારિતોષિક અર્પણ થાય, ત્યારે તે ઘટનાને અનુલક્ષીને તે સારસ્વતના સાહિત્યિક પ્રદાનને આવરી લેતી તેની સિદ્ધિને બિરદાવી નોંધ પણ લખતો, તદુપરાંત, વિવિધ વિદ્યાસંસ્થાઓ તેમજ સાહિત્ય-સંસ્થાઓને ઉપક્રમે યોજાતાં વ્યાખ્યાનો, પરિસંવાદો, કવિસંમેલનો, સન્માનો, શ્રદ્ધાંજલિઓ આદિ જેવા તમામ પ્રસંગો કે ઘટનાઓનું વૃતાન્તનિવેદન ‘કલમ’ અને ‘કિતાબ’માં ઉચિત વિસ્તારથી વા સંક્ષેપમાં કરવાની પ્રણાલી પણ સંપાદકીય ધર્મ લેખે શરૂ કરેલી અને ‘કલમ અને કિતાબ’ના સંપાદકપદેથી નિવૃત્ત થયો ત્યાં સુધી તે એકધારી ચાલુ રાખેલી. સંપાદકીય કામગીરીનાં પ્રથમ ત્રણ વર્ષ દરમ્યાન, વક્તવ્યોનાં મેં તૈયાર કરેલાં વૃત્તાંત-નિવેદન (વક્તા મુંબઈના હોય ત્યારે) તેે-તે વિદ્વાનને ઘેર જઈને, તેની પાસે વાંચી, તે પરત્વે તેઓ સંતોષ વ્યક્ત કરે, તે પછી જ હું એ લખાણ કમ્પોઝમાં આપતો. તે વખતના સારસ્વતો શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી રામનારાયણ પાઠક, ડૉ. હરિવલ્લભ ભાયાણી આદિ અનેક મહાનુભાવોએ મારી આ કાર્યપદ્ધતિથી પ્રસન્ન થઈને ઉષ્માભર્યો સહકાર આપેલો.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
કૃષ્ણવીર દીક્ષિત

૫૭.
ભાઈ, ચર્ચાનો ચૉરો ઊંભો કરો...

સામયિકના સંપાદકનો પાયાનો ગુણ તેની વિવેકશક્તિ – શું લેવું શું ન લેવું, શું સ્વીકારવું શું ન સ્વીકારવું, સામયિક માટે શું પ્રગટ કરવા યોગ્ય ગણવું અને શું ત્યાજ્ય ગણવું એનો વિવેક એ સંપાદકનો સૌથી વધુ આવશ્યક, અનિવાર્ય ગુણ ગણાય. ગ્રંથાવલોકનના સામયિકના સંપાદકને વધુ તબક્કાઓએ વિવેક વાપરવાની જરૂર પડે છે. આવેલાં પુસ્તકોમાંથી કયાં લક્ષમાં લેવા જેવાં છે અને કયાં બાજુએ મૂકી દેવા જેવાં છે, કયાં પુસ્તકોનાં અવલોકન કોની પાસે લખાવવાં છે એ બધા વિવેકભરી નિર્ણયશક્તિ માગી લેતા પ્રશ્નો છે. અવલોકનો આવ્યા પછી તેમાંથી એમ ને એમ છાપવા જેવાં કયાં, કાપકૂપ કરીને છાપવા જેવાં કયાં અને તદ્દન અસ્વીકાર્ય કયાં તે પણ નક્કી કરવાનું ઊભું હોય છે. સંપાદકમાં વિવેકશક્તિ આવશ્યક છે એ પાયાની વાતમાં કોઈને વિરોધ હોવાનો સંભવ નથી. પણ સંપાદકમાં એક બીજો ગુણ મને આવશ્યક લાગે છે તે ઉદાર વલણ. અંગ્રેજી શબ્દ લિબરેલિઝમ માટે મેં આ પર્યાય વાપર્યો છે. કદાચ એનો સાચો પર્યાય થાય – ખુલ્લું મન. સંપાદક એમ કહી શકે કે સારું લેખન જે-કોઈની પાસેથી મળે તેની પાસેથી સ્વીકાર્ય છે. તેમાં જાણીતા-અજાણ્યા કે નાના-મોટા એવા ભેદ નથી, નવોદિત અને પીઢ વચ્ચે ફરક નથી, નવા વિચાર કે જૂના વિચારવાળાનાં ખાનાં પાડી નાખવામાં આવતાં નથી. ગ્રંથમાં જેમનાં પુસ્તકોની ટીકાત્મક સમીક્ષા થયેલી એવા એક-બે લેખકોએ ગ્રંથ સામે જૂથબંધીનો આક્ષેપ કરેલો. પણ અમારો તો સૌથી મોટો દાવો જ એ હતો કે ગ્રંથની કોઈ જૂથબંધી નથી. સંપાદકની કામગીરીનો એક અગત્યનો ભાગ તેની પાસે આવેલાં લખાણોમાં સુધારા અને કાપકૂપ કરવાનો છે. આ બન્ને ક્રિયાઓ અતિશય ચર્ચાસ્પદ બનેલી છે. એ વિશે બહુ લાંબી ચર્ચા થઈ શકે તેમ છે. પણ આવશ્યક જણાય તેવા ઓછામાં ઓછા સુધારા કરીને લખાણ છાપવું એવું વ્યવહારુ ધોરણ અમે અપનાવેલું. સુધારાવધારા કયાં અને કેવા થઈ શકે? ટૅકનિકલ દોષો તો નિવારવા જ પડે. ખોટી જોડણી, વ્યાકરણદોષ, અધૂરાં છોડેલાં વાક્યો સુધારી લેવાં પડે. આંકડા ખોટા હોય કે સાલ ખોટી હોય તો તે બરાબર ચકાસી સુધારી લેવાં જોઈએ. આ બધી બાબતમાં જે ભૂલો હોય તે લેખકની સરતચૂક, અણઆવડત, આળસ કે ઉપેક્ષાવૃત્તિનું પરિણામ હોય છે. તેવે વખતે સંપાદકે તેની મદદે આવવું જોઈએ. આ પ્રકારના દોષો લેખકે ઇરાદાપૂર્વક રાખ્યા નથી હોતા. એ એમના કથનનો કે એમની શૈલીનો અંશ નથી હોતો. એટલે એ સુધારાય નહિ એવો આગ્રહ લેખક સામાન્ય રીતે નથી રાખતો. ગુજરાતી સંપાદકને ભાગે સુધારાવધારા કરતાં કાપકૂપ કરવાનું કદાચ વધુ આવતું હશે. કાપકૂપ બે કારણે કરવી પડે છે. જેટલાં પાનાં ઉપલબ્ધ છે તેમાંથી કોને કેટલી જગ્યા ફાળવવી તેનો નિર્ણય કરવો એ સંપાદકની મોટી કસોટી છે. આ પ્રક્રિયામાં તેને માથે લાંબાં લખાણો ટૂંકાં કરવાની ફરજ આવી પડે છે. કાપકૂપની બીજી જરૂરિયાત લેખની અંદર રહેલી હોય છે. ગુજરાતી ગદ્યલેખકોનો એક મોટો દોષ નિરર્થક લંબાણનો છે. ટૂંકું સઘન લેખન કરવાનો જાણે કે આપણો સ્વભાવ જ નથી. બિનજરૂરી પ્રાસ્તાવિક વાક્યોથી કેટલાયે લેખો શરૂ થતા હોય છે. મુદ્દા પર આવતાં પહેલાં કેટલાયે શબ્દો વેડફી નાખ્યા હોય છે. નકામી નામાવલિઓ અને બિનજરૂરી અવતરણોથી પાનાંનાં પાનાં ભર્યાં હોય છે. આમ છતાં લેખમાં બે-ચાર સારા મુદ્દા હોય તો નકામો ભાગ કાપીને લખાણ છાપવાની મારી રીત હતી. ગ્રંથ ચલાવતાં મને ઘણી વાર એવો વિચાર પણ આવતો કે લોકો અવલોકનો શા માટે વાંચતાં હશે? એના ઘણા જવાબ હોઈ શકે. પણ હું આટઆટલાં વર્ષોથી અવલોકનો શા માટે વાંચતો હતો? મારા પૂરતું તો એમ કહી શકું કે જેમ કોઈ વાર્તા વાંચતાં આનંદ પ્રાપ્ત થાય છે તેમ અવલોકન વાંચતાં પણ મને આનંદ પ્રાપ્ત થાય છે. અવલોકન વાંચવા માટેનાં અનેક કારણો મેં પ્રસંગાનુસાર આગળ ધર્યાં હશે, પણ સાચું કારણ આનંદ છે. ગુજરાતી, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં જે જે સામયિકો વાંચું છું તેમાં પહેલી નજર પુસ્તકોનાં અવલોકનો ઉપર પડે છે. એવું નથી કે વાર્તા-નવલકથાનાં અવલોકનમાં જ રસ પડતો હોય. ખરી રીતે એમાં ઓછો રસ પડે છે. કવિતા, વિવેચન, ચરિત્ર અને અન્ય ગંભીર વિષયોનાં પુસ્તકોનાં અવલોકનોમાં વધુ રસ પડે છે. કેટલાંક અવલોકનો મારે માટે પુસ્તકની અવેજીની ગરજ સારે છે. એ પુસ્તકો સારાં છે કે ખરાબ તેનો સવાલ હોતો નથી. અવલોકનો જ એવાં હોય છે કે હું તેનાથી જ કામ ચલાવી લઉં છું. બીજાં કેટલાંક અવલોકનો પ્રસ્તુત પુસ્તકો વાંચવા પ્રેરે છે. કેટલાંક વાંચેલાં પુસ્તકોનાં અવલોકનો પણ વાંચું છું – કદાચ સમીક્ષકનાં મૂલ્યાંકનો સાથે મારાં મૂલ્યાંકનોને સરખાવી જોવા. પણ ખરી મજા જયંતિ દલાલ જેવાનાં અવલોકનોમાં આવતી. જયંતિભાઈ આખા પુસ્તકના નિરીક્ષણમાં પડવાને બદલે ઘણી વાર તેમાંના કોઈ મહત્ત્વના કે નિર્ણાયક મુદ્દા લઈ તેની ચર્ચા કરતા. મને સૌથી વધારે આનંદ આવી ચર્ચામાં મળે છે. આજે આ સાહિત્યપ્રવૃત્તિ વિષે મારી મોટામાં મોટી ફરિયાદ એ છે કે જાણે ચર્ચાનો જમાનો જ વીતી ગયો છે. કોઈ સંપાદક પૂછે છે તો એને એ જ ભલામણ કરું છું કે ભાઈ, ચર્ચાનો ચૉરો ઊભો કરો.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
યશવંત દોશી

૫૮.
સામયિકોના ભાવિની ચિંતા નથી

મારા સંપાદન-કાર્યથી મને સંપૂર્ણ સંતોષ છે એમ તો હું ન જ કહી શકું. હજુ ક્લિષ્ટ લેખો અને નિવાર્ય એવા લાંબા લેખો સંપૂર્ણ રીતે ન છાપવાનું મારાથી બની શક્યું નથી. કેટલાક લેખો લેવાની ભૂલો પણ નથી જ કરી એમ નથી. હજી મને અમુક અભિલાષાઓ છે; દેરિદા, ઝાક લકાં, ફુકો જેવા આજના ચિંતકો ઉપર ટૂંકા પણ અત્યંત વિશદ લેખો મળે એવી તીવ્ર ઇચ્છા છે. ફ્રૉઇડ કે માકર્‌સ જેવા મોટા ગજાના એ ચિંતકો છે કે નથી? નથી તો એમના ચિંતનને કયાં મૂકવાનું થાય? કોઈકને જો આ કામ માટે મેળવી શકું! બીજી પણ એક ઝંખના છે અને વારંવાર મેં સંસ્કૃતના કેટલાક અભ્યાસીઓને એ અંગે વાત કરી છેઃ ભલે, થોડું પણ સંસ્કૃત સાહિત્ય સર્જન લઈને, અરે, થોડીક કાવ્યપંક્તિઓ લઈ પણ રસકીય આસ્વાદ કરાવી શકાય તો એવો એક વિભાગ શરૂ કરવાની પણ મારી ઇચ્છા છે. સામૂહિક માધ્યમોના હુમલા ગમે એટલા હોય પણ જ્યાં સુધી દુનિયામાં એક નાનો પણ પ્રાણવાન રસિક વાચકવર્ગ રહેશે ત્યાં સુધી સાહિત્યનાં સામયિકોની પ્રસ્તુતતા છે. આવો વાચકવર્ગ ભલે ઘણો મોટો નહીં હોય પણ રહેશે હંમેશા. દૃશ્ય(વિઝયુઅલ)માં અને વાચનમાં ઘણો ફેર છે. મેં કેટલીક અંગ્રેજી નવલકથાઓ પરથી બનેલી સારી ગણાતી અંગ્રેજી ફિલ્મો જોઈ છે પણ હંમેશાં થોડીક નિરાશ થઈ છું. વાંચતાંવાંચતાં જે કલ્પનાચિત્ર તમારી સમક્ષ ઊભું થાય છે એને ફિલ્મ સીમિત કરી નાખે છે. એટલે એ રીતે જોતાં મને વાચનસામગ્રીના– સામયિકોના – ભાવિની ચિંતા નથી. પણ એક ચિંતા જરૂર છે : અંગ્રેજી માધ્યમને કારણે શિક્ષિતોમાંથી કેટલા ગુજરાતી વાંચતા હશે? ગુજરાતી ભાષાનું શું?

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
મંજુ ઝવેરી

૫૯.
મફત આપો, માનભેર આપો

પ્રકાશન અંગે, મારી સામેનાં સામયિકોમાં સામસામા છેડાના બે નમૂના હતા : એક કવિતા બીજું એતદ્‌. કવિતા વધુ પડતું ચળકાટવાળું, ચીકણું, ગળચટું, જાડું અને અંદરથી પોકળ. એતદ્‌ સાવ દૂબળું, લુખ્ખું, મરવા વાંકે જીવતું. ગદ્યપર્વના પ્રકાશનમાં આ બે વચ્ચેથી મારગ કાઢવો હતો. ‘હમકો તેરે જૈસા પાગલ હી ચાહીએ’, કહેનારા માલિક મારા વ્હાલાએ, સામેથી મારું લોહી પીધું– વિશ્વાસરાવે કૉમ્પ્યુટરથી માંડી બાઈન્ડીંગખાતા સુધી ધક્કે ચઢાવ્યો. મજૂરીમાં ધકેલાયો. કાગળ ખરીદવા, પંડિત પ્રોસેસમાં બ્લૉકમેકર્સ પાસે દોડવું, મરાઠીભાષી ઑપરેટર પાસે બેસી કૉમ્પ્યુટર પર ગુજરાતી હસ્તપ્રત લખાવવી, પ્રૂફ તપાસવાં, છપાયેલાં બંડલો ઉપાડી, ટેક્ષીમાં નાખી દાદરથી ઘાટકોપર અને ત્યાંથી ઘરના ચાર માળ કુદાવવા. ગીતા નાયક અને આકાશ, આલોક બંને દીકરા સરનામાં લખે, ટિકિટ લગાવે, બંડલ ઉપાડી ટપાલમાં હજારેકની આસપાસ ગદ્યપર્વ રવાના કરે. દર બે મહિને સમયસર અંક કાઢવા, લેખકો શોધવા, એમના પર કાગળના હુમલા કરવા : લખો, લખો – હૈસો, હૈસો. એમાં લેખક નારાજ થાય, મનાવો; રિસાય, સમજાવો; આડા થાય, ઠેકાણે લાવો. વળી વિવેચકો, વિદ્વાનો વદ્યા : આ તો તળપદ તળપદ, ભારે અતિરેક! બીજા વર્ષ સુધીમાં બે-બે, ચાર-ચાર ફાઈલો ઊભરાઈ ગઈ લેખકોની. ઢગબંધ ધનેડાં, ચાલુ ગાડીએ ચડી બેઠાં. લખે : ખાસ તમ હાટુ, ગદ્યપર્વ હાટુ, નાનું, ગરમાગરમ, તૈયાર, નકરું તળપદ. શ્રીમાન રઘુવીર ચૌધરીએ તો એવું તિલક કરેલું કે : બેચાર અંકો ચાલે તો ઘણું. સાહિત્યિક ભેખ ધરવાનું ખરું જોમ તો આપણા ગ્રાહકોએ પૂરું પાડ્યું – લવાજમ ધરાર ન ભરીને. સત્તર ખાંડી મિજાસવાળા ગુજરાતી વિદ્વાનોનું એક જ સૂત્ર : મફત આપો, માનભેર આપો. લે ને ભાઈ, તું રાજી. એમને ય આપ્યા, મફત.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
ભરત નાયક

૬૦.
સામયિકો બંધ કર્યાં એમણે અંગત કારણોસર કર્યાં

તાદર્થ્ય તો ચાલ્યું, પણ આપણે હતાશ. થોડાક મિત્રો ગ્રાહકો થયા ને ઝાઝા ન થયા. જે મિત્રો ગ્રાહકો ન થયા એ તાદર્થ્ય બંધ થાય એની રાહ જોતા હતા. એમના મનમાં ખરું કે એ બંધ થઈ જવાનું, અમારા મનમાં વળી એમ હતું કે સામયિકો બંધ થયાં છે તો એ બધા હવે તાદર્થ્યના ગ્રાહકો થશે. પણ એના પર ઠંડું પાણી રેડાયું. જેને સીધી નિસબત છે એવા ગુજરાતી અને અન્ય ભાષા-સાહિત્યના અધ્યાપકોના બે ટકાય એના ગ્રાહકો નથી. જે થોડાક મિત્રો છે તેમાંથી દસ ટકા મિત્રો તો, લવાજમ મોકલી આપવા કહે છે, છતાં આજ દિન સુધી એ મને મોકલી શક્યા નથી. સાહિત્યકાર મિત્રો તો શબ્દ પાડતા થયા પછી ઝાઝું વાચન/મનન કરવામાં માનતા નથી લાગતા. એથી તો એ સામયિક-પ્રવૃત્તિથી લગભગ પૂરેપૂરા વેગળા છે. હં...એ ગ્રાહકો નથી થતા તેથી કૃતિઓ નથી મોકલતા એવું નથી. મને કહેવા દો કે આપણા લેખકો કૃતિઓ મોકલવાની પદ્ધતિ જાણતા નથી કે પછી એ પ્રમાણે આચરતા નથી. પોસ્ટકાર્ડમાં કૃતિ મોકલે. ગમે તેવા અક્ષરોમાં, ન વાંચી શકાય એમ લખી મોકલે. જોડણી મનસ્વી. સંદર્ભ અને અન્ય સામગ્રી અધૂરી. આમ થવા પાછળનાં કારણોમાં મોજીલાપણું કે બેકાળજી હશે. પણ એથી તંત્રી/સંપાદકને કેવી મુશ્કેલીઓ પડે છે! જો કે કાનની બૂટ પકડવી પડે કે કેટલાક સભાન લેખકો-કવિઓ એટલી બધી ચીવટ રાખે છે લેખોમાં-કવિતામાં કે મનને પાંદડીઓ ફૂટે. અહીં મને કહેવા દો કે જેમણે સામયિકો બંધ કર્યાં એમણે એમનાં અંગત કારણોસર એ બંધ કર્યાં છે ને દોષનો ટોપલો ઢોળ્યો છે પ્રજા પર. અત્યારે જે સામયિકો ચાલે છે એમાં વ્યાવસાયિક લેખાંજોખાં છે, નહીં કે માતૃભાષા માટે લગન કે સાહિત્યપ્રીતિ. જ્યાં સુધી વ્યાપારવૃત્તિ સામયિકના વહનમાં ગંધાતી હશે ત્યાં સુધી એને બંધ થયે જ છૂટકો. આવો, આપણે સાહિત્યિક લગનીવાળા સંપાદક/તંત્રીને દીવો લઈ શોધીએ.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
મફત ઓઝા

૬૧.
ગ્રાહકો કેટલા? શ્રી સરસ્વત્યૈ નમઃ!

‘વાણી’ની ઈમેજ સારી ઊપસી આવી હતી. એમાં પ્રસિદ્ધ થયેલાં લખાણોને કાળનો લૂણો લાગ્યો નથી. એક સરસ ઘટના વાણીના સંપાદન વખતે બની હતી. કાન્તનાં કાવ્યોનો અમે સહિયારો અભ્યાસ કરતા હતા. અમને એમ લાગ્યું કે કાન્ત આવા પ્રશિષ્ટ કવિ અને આવડા વ્યાપક પ્રમાણમાં એમનાં કાવ્યોમાં રુરુદિષા? એના પર એક સારો વિવેચન-લેખ લખવો જોઈએ. એ લખવાની જવાબદારી મારે શિરે આવી. મેં એ લેખ લખ્યો, અમે ત્રણે સાથે વાંચ્યો-વિચાર્યો ને ‘પ્રિન્ટેબલ’ થયો છે એવું લાગ્યું. છાપ્યો. નવો અંક છપાઈ જાય એટલે પહેલી નકલ અમે ડોલરરાય માંકડને આપવા જતા, પછી બીજે મોકલતા. ‘(-જોકે ગ્રાહકો તો હતા જ ક્યાં? બે-પાંચ શુભેચ્છકો હતા. બાકી શ્રી સરસ્વત્યૈ નમઃ). ‘કાન્તમાં રુરુદિષા’ વાળો અંક અમે ડોલરરાયને આપવા ગયા. તરત એમણે પાનાં ફેરવ્યાં. વિચિત્ર વિષયવાળો લેખ એ તરત વાંચી ગયા. કહે, ‘તમને કાન્તમાં કશું સારું ન દેખાયું? કશું વિધેયાત્મક કહેવાનું તમને ન સૂઝ્યું? જે કંઈ થયું તે કાવ્યપ્રીત્યર્થે જ થયું છે? આ લેખનાં બધાં પાનાં ફાડી નાખો, પછી જ બીજે એ અંક આપશો તો વાણી સાથેનો મારો સંંબંધ યથાવત્‌ રહેશે.’ સારા નીવડેલા લેખકોના લેખો પાછા મોકલવાના પ્રસંગો પણ આવતા. કેટલીક વાર મારા વિશે ગેરસમજો પણ થતી. એવા લેખકો પણ મળતા કે, મારા લેખમાં એક પણ અક્ષરનો ફેરફાર ન કરવાના હો તો હું લેખ આપું. મેં કહ્યું, ન આપશો. આવી કોઈ પૂર્વશરત હું સંપાદક તરીકે સ્વીકારી શકું નહિ. ગુજરાત વિદ્યાપીઠ મંડળના સભ્ય હોય અને એમનો લેખ પણ નિયત અપેક્ષાથી ઊતરતો હોય તો ‘સાભાર પરત’...! એક વાર રવીન્દ્રનાથની જયંતી નિમિત્ત એવો એક લેખ આવેલો ને તે મેં સ્વીકારેલો નહિ. એક વાર કાંતણ વિશેનો એવો અધકચરો લેખ આવેલો અને આદર્શના ઘેરા રંગની અતિશયતા એમાં હતી એટલે એ મેં સ્વીકાર્યો નહોતો. અમારા કુલનાયક શ્રી રામલાલભાઈ તરફથી ‘આ લેખ લેજો’ એવી ભલામણ ક્યારેય આવતી નહિ. એટલે વિદ્યાપીઠ દ્વૈમાસિકનું કોઈ ધોરણ ઊભું થયું હોય કે ન થયું હોય, ધોરણ કથળ્યું હોય કે જળવાયું હોય એ બધાને માટે જવાબદાર હું એકલો જ ગણાઉ. વિદ્યાપીઠ દ્વૈમાસિકની સામગ્રી વિશે કશી ચિકિત્સા કોઈએ કરી નથી, પણ દોષ જણાય તો તે મારો જ ગણાય.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
મોહનભાઈ શં. પટેલ

૬૨.
પણ સંપાદકે વિવેચન તો કરાવવું પડે

સામયિકને જો સરખી રીતે ચલાવવું હોય તો જૂથબંધીઓમાંથી મુક્ત રહેવું જોઈએ. આમ તો વડોદરા સંપ્રદાય જેવું કશું છે જ નહીં. ‘સુંદરમ્‌ની કાવ્યભાવના’ લેખ વાંચીને પ્રમોદકુમાર પટેલે લખેલું કે તમે વડોદરા પરિવારથી વિરુદ્ધ જઈને આ લેખ લખ્યો છે. મારા કેટલાક લેખો વાંચીને હરિવલ્લભ ભાયાણીએ કહ્યું હતું કે તમે સુરેશ જોષીના શિષ્ય નથી લાગતા. આનો અર્થ એટલો તો થયો કે સુરેશ જોષીના શિષ્યોએ કોઈની કંઠી બાંધીને વિચાર પરમ્પરાઓ આગળ ચલાવી નથી. અહીં એવા ઘણાનાં સર્જન વિવેચન જોવા મળશે જેઓ ક્યારેય પણ સુરેશ જોષી સાથે સંકળાયેલા જ ન હતા. સર્જનની તો કોઈને ફરજ પાડી શકતી નથી પણ સંપાદકે વિવેચન તો કરાવવું પડે. ગુજરાતીમાં જેમની પાસે વિત્ત છે તેઓ બહુ ઓછું લખે છે. દા.ત. સિતાંશુ યશશ્ચન્દ્ર, રાજેન્દ્ર નાણાવટી, જયદેવ શુક્લ, સનત્‌ ભટ્ટ, રમણ સોની, પ્રબોધ પરીખ, ઘનશ્યામ દેસાઈ, હર્ષદ ત્રિવેદી (પ્રાસન્નેય) વગેરે વગેરે. ‘એતદ્‌’ના બીજા સંપાદકો જયંત પારેખ, રસિક શાહને પણ આ યાદીમાં ઉમેરી શકાય. આમની પાસે લખાવવું જોઈએ. દુર્ભાગ્યે, આમાંના માંડ અડધા પાસે જ લખાવી શક્યો છું. એતદ્‌માં સમીક્ષાવિભાગ પ્રમાણમાં નબળો રહ્યો છે ગુજરાતીમાં, કદાચ બીજે પણ, હમણાં હમણાં એક વલણ જોવા મળ્યું છે. કોઈની ટીકા ન કરવી; ન ગમે તો મૂંગા રહેવું. સમકાલીનો વિશે લખવામાં જોખમો તો છે જ, પરંતુ એવાં જોખમો ઉઠાવવાં જ રહ્યાં – હમણાં રમણ સોની સાથેની વાતચીતમાંથી પણ એવો સૂર નીકળ્યો કે બધાએ રાજસભાના ભીષ્મનો પાઠ ભજવવાની જરૂર નથી, હવે જો સ્પષ્ટવક્તા બનીને વાત કરવામાં નહીં આવે તો આપણો અંતરાત્મા જ આપણને માફ નહીં કરે. કેટલીય વ્યક્તિઓ પાસે સૂઝ છે પણ તેઓ મૂંગી રહે છે. પુરુરાજ જોશી જેવી અત્યન્ત વિનમ્ર વ્યક્તિ પાસેથી ‘પવનની વ્યાસપીઠ’ની સમીક્ષા મળી તેનું અચરજ જ થયું હતું; અજિત ઠાકોરે ‘લઘરો’ની આકરી ટીકા કરતી સમીક્ષા લખી. આવી સમીક્ષાઓને જો ઉદારતાથી લેવામાં ન આવે તો ભારે કલેશ થતો હોય છે. લાભશંકર ઠાકરને દાદ આપવી જોઈએ કે તેમણે આ વિશે ક્યારેય હરફ ઉચ્ચાર્યો નથી. શરીફા વીજળીવાળાએ ‘રિક્તરાગ’ વિશે લખ્યું અને એતદ્‌માં એ પ્રગટ થયું. એના અનુસંધાનમાં ખરેખર તો જરા જુદા પ્રકારની ચર્ચા થવી જોઈતી હતી. દુર્બોધતા જેવી રીતે આધુનિકતાનો કે સાહિત્યિકતાનો પર્યાય નથી તેવી જ રીતે જે કંઈ દુર્બોધ છે તે બધું અ-સાહિત્ય નથી. દરેક પ્રકારના સાહિત્યને માણવા-પ્રમાણવા માટે આપણી સજ્જતા હોવી જોઈએ. પણ કોઈ વ્યક્તિ લબ્ધપ્રતિષ્ઠ હોય એટલે એના વિશે કશું કડક લખાય જ નહીં એ માનસમાંથી મુક્તિ મેળવવી જોઈએ. વર્તમાન સમીક્ષાઓથી અસંતુષ્ટ હતો એટલે કરસનદાસ માણેકે ચુનીલાલ મડિયાના ‘રૂપઅરૂપ’ની કરેલી સમીક્ષા દાયકાઓ પછી ફરી પ્રગટ કરી; એક મિત્રને આમાં મારા પૂર્વગ્રહો દેખાયા!

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
શિરીષ પંચાલ

૬૩.
લઘુસામયિકો અલ્પજીવી હોય તે જ સારું

‘સેતુ’ને પુનઃજીવિત કરવા માટે ઘણા મિત્રો કહે છે. પણ હું માનું છું કે લઘુ સામયિકો (લિટલ મૅઝિન્સ) અલ્પજીવી હોય તે જ સારું. શરૂઆતનો ઉત્સાહ ઓછો થયા પછી સામયિકને થાક લાગે છે, અને આવાં થાકેલાં સામયિકો પાસેથી વાચકોને કશું નવું મળતું બંધ થાય છે. એથી ‘સેતુ’ બંધ થવાનો મને ખેદ નથી.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
ગણેશ દેવી

૬૪.
બહોળા સંદર્ભ સાથેનો સંવાદ

‘વૃશ્ચિક’ના સંપાદન પાછળના એક દૃષ્ટિકોણને કલાકાર-સાહિત્યકાર મિત્રો સાથેના પત્રવ્યવહાર જોડે સરખાવી શકાય : આવો સંપર્ક, લેખિત સંવાદ એ સમયની માગ હતી. એ ઉપરાંત કળાસાહિત્ય ઉપરાંતની સાંપ્રત ગતિવિધિઓ પર ટિપ્પણી કરવાનું પણ ધ્યેય હતું, અને બીજા અંકમાં જ સાંપ્રકદાયિકતાના જુવાળ પર લખવાનું આવ્યું. ત્યાર બાદ વિયેતનામમાં ‘જી–આઈ’ કહેવાતા અમેરિકી સૈનિકોના આત્મદર્શનના પત્રોના અનુવાદો પણ છપાયા, જેરામ પટેલે એ અંક માટે વિશેષ એવું રેખાંકન પણ કરી આપ્યું. ત્યારબાદ પ્રવર્તિત હિંસાખોરી વિરુદ્ધ કળાકારોએ કરેલા લીનોકટ છાપનો વિશેષાંક થયો. અકાદમીનું બંધારણ બદલવા અને લોકશાહી ઢબે કળાકારો ચૂંટાય એવી પદ્ધતિનો અભિગમ સંગઠન દ્વારા જે કેળવાય એ માટે સામયિક ખપ લાગ્યું. બહોળા સંદર્ભ સાથેના સંવાદનો અને એ દ્વારા સાંસ્કૃતિક ક્ષેત્રે હસ્તક્ષેપનો સંકલ્પ સંપાદનના મૂળ હોઈ શકે અથવા સંપાદન કરતા એ સંભવ્યો કે વિસ્તર્યો હશે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
ગુલામમોહંમદ શેખ

૬૫.
વાસ્તવનું શુદ્ધિકરણ ફેન્ટસી દ્વારા, ફૅન્ટેસ્ટિક્‌!

સંદર્ભ : ૩ ઉપર ભૂપેન ખખ્ખરનું ચિત્ર. અંદર લાભશંકરની ‘તડકો’ કવિતા, રાવજી પટેલની ‘ભીડ’ અને ‘આ લ્હાય’ એ બે કૃતિઓ પણ, છેલ્લે ભોળાભાઈ પટેલના બે લેખો. બીજો લેખ તે એ જ અંકમાં મુકાયેલી દરેક કવિતા વિષે આસ્વાદાત્મક વિવેચનનો લેખ. ત્યાં જ તો વાત હતી. કૃતિ અને વિવેચન, બંને? ‘રે મઠ’ના કવિઓને બિલકુલ પરવડે નહીં. કૃતિ, કૃતિ ને કૃતિ જ, એવો એમનો આગ્રહ. લાભશંકર, ચિનુ, આદિલ, અબ્દુલકરીમ શેખ, મનહર – બધા જ અમારા પ્રિય મિત્રો, એમાંના ઘણા પ્રિય કવિઓ. બધા જ, વિવેચનનો સમૂળો છેદ ઉરાડે. - ને અમે કૃતિઓ ભેગું વિવેચન છાપીએ. નામ જ રાખ્યું સંદર્ભ. નામ જ જોખમી હતું. એ આશયથી જ રાખ્યું હતું. તરત ચિનુ મોદીનો પત્ર આવ્યો. સંદર્ભનો પહેલો અંક (ઈશ્વર મૃતાત્માને શાંતિ આપે!) જોયો. ન ગમેલી રચનાનાં કારણ આપવા બંધાયેલો છું. એમણે કારણ આપ્યાં. સંદર્ભે છાપ્યાં. રેના ચિનુભાઈ સંદર્ભના ચિનુભાઈ બન્યા! ૧૯૬૮માં પહેલો અંક. ફેબ્રુઆરીમાં. બે તારીખો પ્રકાશનની તારીખ તરીકે આપેલી. કૅલેન્ડરની તારીખ ૨૮-૨-૬૮. ‘શુદ્ધિકૃત દિનાંક ૩૦-૨-૧૯૬૮.’ ફેન્ટસી. ૧૯૬૮ના ફેબ્રુઆરીની ૩૦મી તારીખ તવારીખ બહારનો દિવસ સૂચવતી હતી. વાસ્તવનું શુદ્ધિકરણ ફેન્ટસી દ્વારા, ફેન્ટેસ્ટિક્‌! યા હોમના આરંભ પછી મારે વિદેશ જવાનું થયું. એ સામયિક નીતિન, કાન્તિ, હરિપ્રસાદ, મંગળ, ભરત વગેરે સર્જકોનું સર્જન બન્યું. એની મૂળ પહેચાન પેલી ફેન્ટસીમાં. શરૂઆતમાં અમે બધાએ ‘મહાકવિ મગન જન્મશતાબ્દી મહોત્સવ’ પણ ઊજવ્યો - ફેન્ટસીનો જન્મોત્સવ. મુંબઈમાં તે સમયે ઘણી શતાબ્દીઓ ઊજવાતી. (આજે જેમની સવાશતાબ્દી ઊજવાય છે, લગભગ એ બધાની જ.) લોકેષણાના કેન્સરના છેલ્લા તબક્કામાં હોય, એવા મહાનુભાવો એ શતાબ્દી મહોત્સવના પ્રમુખ, ઉપપ્રમુખ, સ્વાગતપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંપાદક અને દોરીસંચાલક બનીને બે દહાડા મ્હાલતા. યા હોમ આ વૃત્તિ-પ્રવૃત્તિને પડકારતું. ચૂનીલાલ મડિયા અને ચં. ચી. મહેતા એ પડકારમાં, એ બ્લેકહ્યુમરભર્યા વિરોધમાં જોડાતા. વયભેદ ન રહેતો.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
સિતાંશુ યશશ્ચંદ્ર

૬૬.
ગાળ ખાવનું શ્રેય સંપાદકો માટે અનામત

આગળ જતાં ‘યા હોમ’નું સ્વરૂપ ગંભીરતા ધારણ કરવા લાગ્યું. ડર લાગવા માંડ્યો. હાસ્ય-ગંભીર મજાકો દૂર થતાં ગયાં. અમે બધા મિત્રો જીવનવ્યવસ્થાના સંકેતો ઉકેલવાના પ્રયત્નોમાં ગોઠવાયા. વળી, યા હોમની આર્થિક જવાબદારી મોટે ભાગે તો હરિપ્રસાદ સોમપુરા તથા કાન્તિ પટેલ વહન કરતા, એકાદ વાર બૂટપોલિશ કરી યા હોમ માટે પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરેલો. નિષ્ફળ નીવડ્યા. ક્યારેક અમારી કવિતાના પુરસ્કારના બે-પાંચ રૂપિયા મળે તો તે પણ અમે યા હોમના પ્રકાશનકાર્યમાં આપતા. પછી થયું કે હવે ઝાઝું ખેંચાશે નહીં. અને આમ પણ આંદોલનો અલ્પજીવી હોય છે, તે વળાંકો આપવા માટે હોય છે, સિતાંશુ કહે છે એમ, ‘વર્તુળ બનવા માટે નહીં’. તેથી એક સાંજે, સભાનતાથી, આનંદથી, જો કે થોડા ઉદાસ થઈને, નિરપેક્ષ ભાવે યા હોમનું લૌકિક કર્યું. કારણ કે કોઈ ને કોઈ એક જ ઢાંચામાં બંધાઈ જવાનું પાલવે એમ નહોતું. ૦ ‘પ્રત્યક્ષ’ સદ્‌ભાગી છે કે સામસામા વિચારો ધરાવતા, વિવેચન વિશે અલગ અલગ મંતવ્યો ધરાવતા, ભિન્ન રુચિવાળા અનેક વિવેચકમિત્રોનો એને સાથ-સહકાર મળ્યો છે. કોઈ વાડાબંધી અમે [‘પ્રત્યક્ષ’ના સંપાદકોએ] રાખી નથી. સમીક્ષકો એમની અભિપ્રાયસ્વતંત્રતા જાળવે એની પૂરેપૂરી છૂટ અમે આપી છે. કદાચ, ક્યારેક, ક્યાંક સુધારાવધારા કે સૂચનો હોય તો અમે તેમની પરવાનગી માગેલી. સમીક્ષામાંથી કોઈ ક્રિટીકલ મુદ્દો ઊભો થતો હોય તો તેની ચર્ચા આવકાર્ય છે, બાકી સાહિત્યના રાજકારણને કે ગોસિપને પ્રત્યક્ષમાં સ્થાન ન આપવું તે અમારો પાક્કો નિર્ણય. છતાં એકાદ-બે વાર ગેરસમજનો ભોગ બન્યા છીએ. મૂળ કૃતિસમીક્ષા કરતાં યે લાંબી એક પત્રચર્ચા એના વિશે આવેલી ત્યારે તેને ટૂંકમાં મુદ્દાસર રજૂ કરવાની વિનંતિ અમે પત્રસમીક્ષકને કરેલી પણ તે તેમનાથી માન્ય થઈ શકી નહીં. એટલે ન લેવાઈ. જેવી જેની મરજી. રૂબરૂમાં ને લેખોમાં ને પ્રવચનોમાં વસ્તુલક્ષિતાના આદર્શની જિકર કરનાર કેટલાક લેખકો પોતાના પુસ્તકની પ્રતિકૂળ સમીક્ષા આવતાં નારાજ પણ થયા છે. પોતાને જચે એવી અનુકૂળ સમીક્ષા ન આવતાં લેખક ક્યારેક માને છે કે આ તો મારી સામે સંપાદકોનું વ્યવસ્થિત કાવતરું છે, ષડયંત્ર છે. તો, એના એ વિચારને સુધારવાને કે અમારો કોઈ બચાવ કરવાનો ઉદ્યમ અમે કર્યો નથી. સંપાદકોએ સામસામા છેડાના વિચારો એકસાથે મૂકી આપવાના હોય છે. એક રીતે તો બહુલતાવાદનો પરિસંવાદ પુસ્તકસમીક્ષા દ્વારા રચાતો હોય છે. કેટલાક લોકપ્રિય, લબ્ધપ્રતિષ્ઠ લેખકોની નબળી કૃતિની સમીક્ષકે કડક આલોચના કરી હોય તેથી આ મોટા લેખક તો નારાજ થાય પણ સાથેસાથે એમના મિત્રો પણ પેલા નવા સમીક્ષકને ખખડાવે એવા રમૂજી કિસ્સાના સાક્ષી બનવાનું અમારે ભાગે આવ્યું છે. હશે. તો કેટલાક સમીક્ષકોએ અજાતશત્રુનો પાઠ પણ ભજવ્યો છે. માસ્તર મારેય નહીં ને ભણાવે ય નહીં! સમીક્ષકો જો કે અભિપ્રાય આપવા માટે સ્વતંત્ર હોય છે, પણ ગાળ ખાવાનું શ્રેય સંપાદકો માટે અનામત હોય છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
નીતિન મહેતા

૬૭.
સુષ્ઠુસુષ્ઠુ નહીં – વસ્તુલક્ષી છતાં ધારદાર

પહેલો અંક તો ઉત્સવ જ બની રહ્યો. આર્થિક બાબતે ભલે અંધારામાં ભૂસકો માર્યો હતો પણ કલ્પના મુજબનું સામયિક તૈયાર કરવાનું આયોજન બરાબર કસી-મથીને કર્યું હતું – એના સ્વરૂપની નાનીમોટી રેખાઓ સ્પષ્ટ આલેખી હતી : સમીક્ષાઓ ઉપરાંત પુનર્મૂૂલ્યાંકન, ચર્ચા-મુલાકાત (ઈન્ટરવ્યૂ), વાચનવિશેષ એવા વિભાગો ચલાવવા; દરેક અંકના સમીક્ષકનો સંપર્ક-પરિચય મૂકવો; મળેલાં પુસ્તકોની સ્વીકાર-મિતાક્ષરી નોંધ, જગા મળી તે પાના પર, વેરવિખેર ન આપતાં સળંગ એકસાથે મૂકવી ને એકાદ વાક્યમાં પણ પુસ્તકની ઓળખ આપવી; સમીક્ષા સાથે એ પુસ્તકની સર્વ સ્થૂળ વિગતો પણ આપવી - સમીક્ષા-મૂલ્યાંકનની સાથેસાથે આવી દસ્તાવેજી માહિતી પણ વ્યવસ્થાપૂર્વક મૂકવી. કરકસર કરીનેય સુંદર-સુઘડ મુદ્રણ ને નિર્માણનો આગ્રહ રાખ્યો. જયદેવે પ્રત્યક્ષ-નામનું અક્ષરાંકન કર્યું. (એણે ઉલ્લાસપૂર્વક, એટલા બધા દિવસો લઈને, એટલા મોટા વૈવિધ્યપૂર્વક અક્ષરાંકનો કર્યાં હતાં કે એમાંથી સૌથી સારું અક્ષરાંકન પસંદ કરતી વખતે, આખા ટેબલ પર, પ્રત્યક્ષની અનેક મરોડ-ભાતોનું એક નાનુંસરખું પ્રદર્શન રચાઈ ગયેલું!) પ્રેસ અમદાવાદમાં એટલે સાવલી-વડોદરા-અમદાવાદનાં ભ્રમણ. કલાકો પ્રેસમાં ગાળ્યા. કરેલા લે-આઉટ્‌સ ફેરવ્યા, નવા કર્યા. અમે તો, ઉત્સાહના માર્યા, કસરતો કરી; પણ પ્રેસવાળા પાસેય કરાવી! એમણે પ્રેમથી, સમજથી કરી. મિત્રો-મુરબ્બીઓ લેખકો-પ્રકાશકોનો સાથ પ્રોત્સાહક. દરેકે આર્થિક જોખમ બતાવ્યું પણ ઠંડું પાણી ભાગ્યે જ કોઈએ રેડ્યું – આ પ્રકારના સામયિકની આવશ્યકતા સૌએ પ્રમાણી. ગ્રાહકો પણ થવા માંડ્યા. પહેલા અંકમાં પાંચ જાહેરાતો મળી. એમાંથી ત્રણ પ્રકાશકોની. (પછી પ્રકાશકોએ સતત આટલો રસ લીધો નથી.) સુષ્ઠુસુષ્ઠુ સામયિક તો ચલાવવું જ નહોતું – આ બધી પળોજણ કંઈ એ માટે તો કરી ન હતી. વસ્તુલક્ષી છતાં ધારદાર, સ્પષ્ટ કથન કરનારી પણ સુચિંતિત સમીક્ષાઓ થાય એવો અમારો આગ્રહ હતો. સમીક્ષકમિત્રો આગળ એ અપેક્ષા અમે મૂકતા રહ્યા. એ પ્રકારની થોડીક સમીક્ષાઓ મળી પણ ખરી. પરન્તુ, સમીક્ષા-સામગ્રી મેળવવામાં અમને ઠીકઠીક તકલીફ પણ પડી છે. આપણા સમીક્ષકોય કેવાકેવા? પહેલી વાત તો એ કે સમીક્ષા કરવા તૈયાર થનારા જ કેટલા ઓછા? ને એ બધા જ કામનાં ભારણોવાળા. એટલે, એમાંના કેટલાંક, સ્વીકારીનેય ન આપે; કેટલાક, બહુ ઉઘરાણી પછી (ક્યારેક વરસ કાઢી નાખીને) લખી આપે; વિવેચનની ઉત્તમ સૂઝવાળા કેટલાક પ્રેમીજનો એવા લેખનપ્રમાદી કે, કહો તો જીવ આપી દે પણ સમીક્ષા ન આપી શકે. હા, કેટલાક ઝટ લખી આપનારા, – એમની પાસે તો બેચાર સમીક્ષાઓ હાજર સ્ટૉકમાં પણ હોય, જે/જ્યારે માગશો તે/ત્યારે મળશે-નું વચન આપનારા. પણ આ શીઘ્રપ્રાપ્ત સમીક્ષાઓ કેવી? કેવળ સારગ્રાહી, પ્રાણ વિનાની, ‘જે ચોપડીને લાગુ પાડવી હોય તેને પડે’-પ્રકારની, સર્વસમભાવી - તાળામાં ગોળગોળ ફરનારી પણ પુસ્તકને ખોલી ન આપનારી, નિતાન્ત નિરુપદ્રવી! એવી થોડીક પ્રત્યક્ષનાં પાનાં પર આવી પણ ગઈ છે. પણ પછી, સામગ્રીની ખેંચ છતાં, એવા મિત્રો પાસેથી સમીક્ષાઓ માગવામાં ભારે સંયમ-સંકોચ દાખવ્યાં છે. પછી તો, સૂઝ અને નિષ્ઠા દેખાયાં એવા નવા અભ્યાસીઓને પ્રેર્યા, એમના પ્રાથમિક સંકોચને દૂર કરનારા પ્રયત્નો-આગ્રહો કર્યા. પેલા કરતાં આ વધારે ઇષ્ટ લાગ્યું. અને એનું સારું પરિણામ મળ્યું. થોડીક પ્રારંભિક કચાશોવાળી પણ તાજગીભરી, નિસબતવાળી, ઇતર આશયો વિનાની સ્વચ્છ ને સ્પષ્ટ સમીક્ષાઓ મળી છે; એ ક્રમશઃ વધુ આત્મવિશ્વાસભરી ને નિર્ભીક ને પક્વ થતી ગઈ છે. જૂથ-કંઠી વિનાના નવ-સમીક્ષકોની હરોળ ઊભી થઈ છે. અલબત્ત, એનું શ્રેય એમનાં ખંત અને અભ્યાસને જ. નિમિત્ત બન્યાનો આનંદ સંપાદકનો. ઓછું લખનાર વિત્તશાળી અભ્યાસીઓ પાસે પણ આગ્રહો કરીકરીને લખાવ્યું છે – ખાસ કરીને, ગુજરાતીના અધ્યાપક ન હોય એવા કેટલાક મિત્રો લખવા વિશે નિઃસ્પૃહ ને ઉદાસીન રહેલા છે, એમને ‘પ્રત્યક્ષ’-સક્રિય થવા માટે થોડેઘણે અંશે સમજાવી શકાયા છે. સહ-યોગ ચોતરફથી મળ્યો છે, પ્રેમપૂર્વક. જયંત કોઠારી, ચંદ્રકાન્ત ટોપીવાળા, રાધેશ્યામ શર્મા જેવા ઉત્તમ વિવેચકોએ, ખૂબ રોકાયેલા રહેતા હોવા છતાં, પ્રત્યક્ષમાં લખવાનું કાયમી વચન આપ્યું છે. જશવંત શેખડીવાળાએ એકવાર, કુટુંબીજનોની માંદગી અને એમના પોતાના સ્વાસ્થ્યની તકલીફ વચ્ચેય, સમયસર સમીક્ષા કરી મોકલાવેલી. એકદમ શરૂઆતમાં પ્રત્યક્ષ પાસે મળેલાં પુસ્તકો ન હતાં ત્યારે, સતીશ વ્યાસ જેવા કેટલાક સમીક્ષકમિત્રોએ, બીજેથી સુલભ ન થયાં તો પુસ્તકો જાતે ખરીદી લઈનેય સમીક્ષા લખી આપી છે. આ વિશેષાંક માટે, પચાસ જેટલા સંપાદક-લેખકોનો – માગ્યો તે લગભગ સૌનેા – પ્રેમપૂર્ણ સહ-યોગ મેળવી શકાયો છે એ પણ કૃતકૃત્યતાનો અનુભવ કરાવનારી ઘટના છે.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
રમણ સોની

૬૮.
તીવ્ર આતુરતાથી પ્રતીક્ષા

સંપાદક તરીકે મારું નામ ‘ઊહાપોહ’થી મૂકવા માંડ્યા. પણ સંપાદક તરીકે નામ છે કે નહીં એની પરવા જ નહોતી. નર્યો કાર્ય કર્યાનો, પ્રિય કાર્ય ભેગા મળીને કર્યાનો આનંદ જ મહત્ત્વનો હતો. કૃતિઓ મેળવવી ને વાંચવી, ભાષાંતર કરવાં ને તપાસવાં, સુરેશભાઈ ને રસિકભાઈ સાથે સંપાદન વગેરેની ચર્ચા કરવી– રોજના વીસ કલાક પણ ઓછા પડતા. સુરેશભાઈની પ્રતિભાના તેજમાં મારી સંવેદના, મારી રુચિ વધુ ને વધુ કેળવાઈ, વધુ ને વધુ સૂક્ષ્મ ને ઉદાર બની. કલાનુભવની ભૂમિકાએથી માનવીને ઓળખવાની મૂલ્યબોધને અનુકૂળ ભૂમિકા રચવાની. પળેપળનો અપરોક્ષ સંવેદનાસભર અનુભવ કરવાની તૃપ્તિ કાંઈ ઑર જ હતી. પ્રયોગશીલતા ને આધુનિકતા, સાહિત્ય ને ભાષા પ્રત્યેની ઉત્કટ નિષ્ઠા, સમૃદ્ધ રેખાંકન ને આવરણચિત્ર - આ બધું ક્ષિતિજના અમોઘ આકર્ષણનાં તત્ત્વો હતાં. એથી જ એના એકેએક અંકની તીવ્ર આતુરતાથી પ્રતીક્ષા થતી.

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
જયંત પારેખ

૬૯.
ફકરે ફકરે અરાજકતાનો વાવટો

‘રે’ના પંદરમા અંકનું આયોજન-સંપાદન મુંબઈથી ૧૯૬૭માં મેં કર્યું. લંબચોરસ પાતળી પોથી જેવા એ અંકના કવર-પેજ પર હિટલરનો ૧૯૪૫માં લેવાયેલો ફોટો છાપ્યો. નાક જરા કપાયેલું. અને સાથે હિટલરનો જર્મનપ્રજા માટેનો છેલ્લો સંદેશ "if the war is lost, everything else Must perish too" એમાંથી ‘war’ પર ચેકો મારીને ત્યાં poetry એવું હાથેથી લખીણે મુખપૃષ્ઠ તૈયાર કર્યું. કવરના આગલા અને છેલ્લા પૂંઠા પર વીસપચીસ સહીઓ સાથે અંગ્રેજીમાં એક મૅનીફેસ્ટો બહાર પાડ્યો. દાદાઈઝમને લગતી અનેક પુસ્તકોમાંથી ઉઠાંતરી કરી, એ ફકરાઓનું ગુજરાતીકરણ કરી ગુ. સાહિત્યના મહાનુભાવો, સુરેશ જોષી સુધ્ધાંને હસી કાઢ્યાં. સાહિત્ય, કલા અને સાથે સાથે મંગળ જીવનની કલ્પનાને પણ. એક આત્યંતિક અદાકારી સાથે પરંપરા પર ચોકડી મારી અને ફકરાએ ફકરાએ અરાજકતાનો વાવટો ફરકાવ્યો, અને અમે કેવા તો ખુશ છીએ, આવા સ્વચ્છંદી હોવાને કારણે કેવા તો મસ્તીમાં ચકચૂર છીએ અને કેવો તે અમારો લહેરિયો મિજાજ છે તેના શંખનાદો કર્યાં. હિટલરની છબી પાછળ સંતાયેલા એ દોઢ પાનાના ચોરીચપાટીથી પોતાના કરી લીધેલા મેનિફેસ્ટોએ નાનોઅમથો હાહાકાર મચાવી દીધો. ચિત્રકાર પીરાજી સાગરાએ ‘હૅવ-મૉર’ની જાહેર સભામાં, મિત્ર-મંડળી વચ્ચે, શિયાળાની રમણીય રાત્રે મારો ઉધડો લીધો – મેં આ મૅનીફેસ્ટો નીચેની સહીઓ મિત્રોવતી, એમને પૂછયા વિના કરી હતી, તેથી સ્તો! મારા મુંબઈસ્થિત સજ્જન મિત્રશ્રી ભાલ મલજી અને એવા બીજા ગુજરાતી સંસ્કારિતાના હિતની ચિંતા ધરાવતા સદગૃહસ્થો રેનો આ હિટલરી અંક જોઈ વ્યગ્ર થઈ ગયા. ફાસીઝમ્‌નો ફિરસ્તો ગુજરાતી કવિતાના સામયિકના મુખપૃષ્ઠ પર! રેના આ અંક માટે એના સંપાદક-પ્રકાશકને કોર્ટના આંગણે લઈ જવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ. શ્રી ભોગીલાલ ગાંધીએ મને હિટલરનો માર્ગ છોડી દેવા સમજાવ્યું. રે મઠના મિત્રો સાથે ફરી પાછી માણેકચોકથી ‘મહેતા’ ની મિજબાનીઓ ગોઠવાઈ. આ અને રેના અનેક અંકોમાં પ્રગટ થતી આ અછાંદસ કવિતાઓમાં ગુજરાતી કવિતાએ હળવાશનાં નૂતન પરિણામોનું નિર્માણ કર્યું. સ્વવાચકની શોધ, કવિતાનાં સ્વ-તંત્ર અવકાશની શોધ સાથે એકરૂપ થઈ ગઈ. રે પછી કૃતિના સ્વરૂપે ઊઘડ્યું, મુક્તિનાં બારી-બારણાં ખોલી નાખતું!

[પ્રત્યક્ષ, વિશેષાંક ૧૯૯૫]
પ્રબોધ પરીખ

૭૦.
વાચક-ગાહકનો આવો પ્રમાદ?

ચાલતા વર્ષના છ માસ થયા છતાં કેટલાક ગ્રાહકોનું લવાજમ હજુ સુધી આવ્યું નથી. તેમને વિનયપૂર્વક જણાવવામાં આવે છે કે આ અંક પહોંચેથી તુરત તે મોકલી દેવા મહેરબાની કરશો. દોઢ-પોણા બે રૂપિયા માટે વારેવાર ઉઘરાણી કરવી એ સજ્જનોને ઘટારત નથી. અમે પ્રથમ ખબર આપેલી છે કે દરેક માસની તા. ૧૫મી સુધીમાં જેમને ચોપાનિયું ના મળે તેમણે અમને ખબર આપવી. તે છતાં કેટલાક પ્રમાદી માણસો ત્રણ-ચાર મહિના વીત્યા બાદ લખે છે કે અમને પાછલાં ચોપાનિયાં પહોંચ્યાં નથી. આવા લખવા ઉપર બિલકુલ લક્ષ આપવામાં આવશે નહીં.

[બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૮૮૬]
મેનેજર

* લેખકો માટેની સૂચના : વિષય મોકલનારે પોતાના વિષયમાં પૈસા લેવાની ખાયશ રાખી હોય તો એણે એ વિશે વિષયની સાથે જ લેખિત માગણી કરવી. માગણી પ્રમાણે પૈસા આપવા લાયક લખાણ જણાશે તો જ છાપવામાં આવશે.

[બુદ્ધિપ્રકાશ, જૂન, ૧૮૮૬]
મેનેજર

૭૧.
યુગપરિવર્તનનાં ચિહ્‌નો

ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’માં અને મણિલાલે ‘સિદ્ધાન્તસાર’, ‘પૂર્વ અને પશ્ચિમ’, ‘Monism અને Adwaitism’ આદિ ગ્રંથોમાં અને સુદર્શન અને પ્રિયંવદામાં કેટલાક તત્ત્વવિચારો પ્રકટ કર્યા. ગોવર્ધનરામના ગ્રંથમાં મુખ્યત્વે કરીને પ્રાચીન હિંદ, અર્વાચીન હિંદ અને અર્વાચીન યુરોપની ત્રિવેણી જે આપણા જીવનમાં વહેવા માંડી હતી તેનું સ્વરૂપ નિરૂપણ હતું. મણિલાલે આર્યસંસ્કૃતિના પાશ્ચાત્ય સંસ્કૃતિથી ભેદક ગુણો અને ઉપનિષદ તથા વેદાંત સૂત્રોમાંથી ‘અદ્વૈતવાદ’ તરફ પોતાનું વલણ પ્રતિપાદન કર્યું હતું. રમણભાઈએ પણ જ્ઞાનસુધામાં મણિલાલના વિચારોના અવલોકરૂપે અને સ્વતંત્રરૂપે આ દિશામાં પોતાનાં ધાર્મિક મંતવ્યો સ્પષ્ટ રીતે રજૂ કર્યાં હતાં. આ મનોમંથનકળામાં મણિલાલે એટલે સુધી કહ્યું કે : ‘વિચાર ઉત્તમ છે, આચાર ક્ષુલ્લક છે.’ આમ બીજે છેડે જઈને એમણે વિચારનો મહિમા ગાયો. આ પરિસ્થિતિમાં આનંદશંકરભાઈને લગભગ ૧૯મી સદીના સમાપ્તિ કાલે યુગપરિવર્તનનાં ચિહ્‌નો જણાયાં અને ‘વગર પ્રણાલી’ એ વસંત પત્ર દ્વારા આપણા ધર્મ અને તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ ગુજરાતને સમજાવવા માંડ્યું. એઓશ્રીને એક ગુરૂ કે એક પ્રાંતનું તો શું પણ એક દેશનું સાહિત્ય પણ ઉગતા જમાનાને સંતોષવા માટે પર્યાપ્ત જણાયું નહિ એટલે જગત-સાહિત્યમાં પરમાત્માની શોધ એમણે આરંભી.

[પ્રસ્થાન, અંક : ૧, ૧૯૪૨]
રતિલાલ મો. ત્રિવેદી

૭૨.
‘વસંત’-સંપ્રદાયના ધુરંધરો

‘વસંત’ દેશી મિલના માલ જેવી જરા ઝાંખી કુમાશ ને ઘટ્ટતા દાખવે છે. ‘વસંત’નો સાઠનો દસકો (લગભગ સં.૧૯૫૮ થી ૧૯૭૦-૭૨) એ વસંત-સંપ્રદાયના ધુરંધરોનો મધ્યાહ્‌નકાળ હતો. વિશાલતર સાહિત્યચર્ચામાં આપણે તેને ગોવર્ધનયુગનો ભાગ ગણીએ છીએ એ યુગની વિચારસરણી અને ભારેખમ લખાવટનાં કેટલાંક સૌથી ઉજ્જવળ પ્રતિબિંબતે સમયનાં ‘વસંત’ અને ‘સમાલોચક’માં પડેલાં આપણે જોઈએ છીએ. કેશવલાલ ધ્રુવ, આનંદશંકર, નરસિંહરાવ, રમણભાઈ, ઝવેરી, ઠાકોર, નાનાલાલ, લલિત ઇત્યાદિનાં મંતવ્યો ને મતબિંદુઓ તો એક જમાના પર ઘડાઈ ગયાં તે જ ઘણે ભાગે હોઈ શકે ને હોવાનાં. આજે તેઓ યુગભાવના સાથે વધુ ઓછે અંશે સમભાવી હશે–તેમની સિદ્ધિઓના પાયા પર જ આજનું નવું ચણતર ચણાઈ રહ્યું છે એ વીસરવું જ જોઈએ.

[કૌમુદીમનન, પોષ, ૧૯૮૧]
વિજયરાય વૈદ્ય

૭૩.
ભારદાર નહીં, ધારદાર

ટૂંકીવાર્તા સાથે પનારો પાડનારા બધા વાર્તાકારોની કેફીયત મેળવી અંકને દળદાર બનાવવાનો મારો કોઈ ઉપક્રમ નથી. એ શક્ય છે પણ તેથી વિશેષાંક ભારદાર બની શકે, ધારદાર નહીં. આ બોજને હળવો કરવા વાર્તાપ્રવાહમાં જ્યાંજ્યાં વલયો રચાયાં ત્યાંત્યાં જે-તે વલયમાંથી એક જ સર્જકને લઈ એમની કેફીયત અહીં મેળવી છે.

[તાદર્થ્ય, વાર્તા વિશેષાંક, ઑગસ્ટ-૧૯૯૭]
મફત ઓઝા

૭૪.
લેખકો સામે પડકાર ઊભો જ છે

બાળસાહિત્યના પુસ્તક-પુસ્તિકાની સંખ્યા જોવા જઈએ તો આજે કદાચ ગુજરાતી પ્રકાશનમાં બાળસાહિત્યની કૃતિઓ સૌથી વધુ પ્રકટ થતી હશે તેમ છતાં બાળસાહિત્યનું ગંભીર વિવેચન ઝાઝું થયું નથી. ‘ગ્રંથ’માં ત્રીજા વર્ષથી બાળસાહિત્યનાં અવલોકનો પ્રકટ થવા માંડ્યા હતાં. એ રસમ આજ સુધી ચાલુ રહી છે. પાંચમા વર્ષે ૧૯૬૮ના ઑગસ્ટમાં ‘ગ્રંથ’નો બાળસાહિત્ય વિશેનો વિશેષાંક પ્રકટ થયો તે પછી એની પણ એક પ્રણાલિકા થઈ ગઈ. આ અંકમાં આવેલા લેખોમાં પરીકથાનાં ઠીકઠીક પાસાંનો સ્પર્શ થયો છે. આવતીકાલની પરીકથા કેવી હોઈ શકે એના નમૂના એક બે જ મળ્યા છે પણ એની દિશા કેટલાંક લેખકોએ સૂચવી છે તે સાચી વાત છે. એ દિશામાં અને બીજી વિવિધ દિશાઓમાં પરીકથાઓને લઈ જવાનો પુરુષાર્થ ગુજરાતી લેખકો માટે ઊભો છે.

[ગ્રંથ, ‘આવતીકાલની પરીકથા’ વિશેષાંક, ઑક્ટો-નવે.-૧૯૮૩]
યશવંત દોશી

૭૫.
અરણ્યમાં રુદન કરવા જેવું

ગુજરાતી રંગભૂમિના જૂના જોગી બાપુલાલ નાયકને ‘રંગભૂમિ અંક’ માટે લખવા કહ્યું ત્યારે નિરાશા અને આંતર વ્યથાભરી નજરે અત્યારની સ્થિતિને નિહાળીને લખ્યું છે ; ‘એને માટે શું લખવું? કોના માટે લખવું? રંગભૂમિ માટે બહુ બોલાયું, બહુ લખાયું પણ પત્થર ઉપર પાણી! એને માટે કોઈને સાચી ધગશ નથી. કોઈને કાંઈ પડી નથી. પછી વૃથા સમય વીતાવવામાં ફળ શું? રંગભૂમિ માટે કંઈ લખવું એ તો મને અરણ્યમાં રુદન કરવા જેવું લાગે છે.

[નવચેતન, ‘રંગભૂમિ અંક’, સપ્ટે. ૧૯૪૨]
ચાંપશી ઉદેશી

૭૬.
અધિપતિનું કર્તવ્ય

વર્તમાનપત્ર, અઠવાડિક કે માસિક, દરેક પત્રના અધિપતિએ પોતાને સર્વશક્તિમાન માનવાની ભૂલ કદી કરવી નહીં. અલબત્ત શાનો સ્વીકાર કરવો ને શાનો નહીં, એ પ્રકારનો નિર્ણય કરવાની છેવટની સત્તા એના હાથમાં એ એણે બજાવવી જ જોઈએ પરંતુ એ બજાવવા જતાં કોઈની સ્વતંત્રતા પર એણે કાપ મૂકવો ન જોઈએ. અને નિદાન ચર્ચાને માટે સ્થાન કે સ્થિતિ ઉપસ્થિત કર્યા પછી ચર્ચાને દફનાવી દેવાનો એને અધિકાર નથી

[શારદા, ‘તંત્રી અંક’, જાન્યુ. ૧૯૨૭]
મટુભાઈ કાંટાવાળા

૭૭.
સામયિક-ચયન વિશેષ

થોડાં વર્ષ પહેલાં પ્રો. એફ. આર. લીવિસના તંત્રી પદે વર્ષો પૂર્વે પ્રકટ થતા સાહિત્યિક સામયિક scrutiny બધા જ વર્ષોના અંકોનું પુનર્મુદ્રણ થયું ત્યારે નવાઈ લાગેલી. જૂનાં સામયિકોનાં આવાં પુનર્મુદ્રણ ખરીદનારા નીકળે ખરા? એમાંના સારા લેખો તો તેના લેખકોએ પોતપોતાના સંગ્રહોમાં પ્રકટ કરી દીધા હોય. પછી આવાં સામયિકોના પુનર્મુદ્રણનું પ્રયોજન શું? પણ પછી જોયું કે પુનર્મુદ્રણનો તો પ્રવાહ ચાલ્યો. હમણાં The left review નામના નાનકડા ને થોડાંક જ વર્ષો ચાલેલા સામયિકનું પુનર્મુદ્રણ થયું તે પૂર્વે તો આવાં સંખ્યાબંધ સામયિકોનું પુનર્મુદ્રણો થયાં. સંશોધન અને ગ્રંથાલયોને એ અવશ્ય ઉપયોગમાં આવે. ખાસ કરીને જેને ‘લિટલ મેગેઝિન’ કહે છે તેવાં કળા ને સાહિત્યનાં નાનકડાં સામયિકો લાંબો સમય ચાલતાં હોતાં નથી. એવાં થોડા વખત ઝબકારો કરી ગયેલાં સામયિકોનો આવો પુનરુદ્ધાર સાહિત્યના ઈતિહાસની મૂલ્યવાન સામગ્રી પૂરી પાડે. ગુજરાતમાં અગાઉ પ્રકટ થઈ ગયેલાં નાનાં મોટાં સામયિકોનો પુનરુદ્ધાર કરવાની વાત તો બહુ મોટી ગણાય પણ એ સામયિકોની ફાઈલો આજે ક્યાં ક્યાં પડી છે, તેની સૂચિ કરવી. એ ફાઈલોમાં શી સામગ્રી પડી છે તેનો ખ્યાલ આપતા લેખો પ્રકટ કરવા. સામયિકોનાં પૂરાં પુનર્મુદ્રણો નહિ તોયે એમાંનાં ગ્રંથસ્થ નહિ થયેલાં લખાણોના ગ્રંથો પ્રકટ કરવા વગેરે કામ આપણે કરવાનું બાકી છે.

[ગ્રંથ, માર્ચ, ૧૯૬૯]
યશવંત દોશી

૭૮.
‘કુમાર’ની સાંસ્કૃતિક સેવા

બચુભાઈએ લગભગ છ દાયકા સુધી ‘કુમાર’ દ્વારા પ્રજાની જે સાંસ્કૃતિક સેવા કરી તેવો બીજો દાખલો ગુજરાતમાંથી મળવો મુશ્કેલ છે. લાંબા આયુષ્યનો આવો ભવ્ય ઉપયોગ એમણે કર્યો તેથી મને થયું કે બચુભાઈ રાવત ભાગ્યશાળી જીવ હતા. બચુભાઈએ ગુજરાતના કવિઓ, ચિત્રકારો અને તસવીરકારોનો આગવો ાવાજ ગુજરાતના ઘેરઘેર પહોંચાડ્યો. એ ખરું કે ગુજરાતી કવિતા ગાંધીની દુનિયામાં ઉછરી પણ એ કવિતાને ઘડી બચુભાઈએ. સુંદરમે ૧૯૩૯માં એમનો કાવ્યસંગ્રહ વસુધા બચુભાઈને અર્પણ કર્યો ત્યારે આમ લખેલું : ‘મારી કવિતાના અને મારા પ્રથમ તથા પરમ સુહૃદ્‌ને.’ બચુભાઈએ ‘બુધસભા’ સ્થાપી અને ગુજરાતના કવિઓને એક ચોરો મળી ગયો. કોઈ પા્રમાણિકપણે પોતાની કવિતા વિશે અભિપ્રાય આપે એના જેવું કવિ માટે કોઈ પારિતોષિક નથી. ‘બુધસભા’માં આવું થતું હતું. બચુભાઈએ બુધસભા ૫૦ વર્ષ સુધી ચલાવી. કવિતાની આવી અજોડ વર્કશોપ ગુજરાતમાં નહીં પણ ભારતમાં પણ આમ સતત ચાલી હોય એવું મારી જાણમાં નથી.

[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦]
વાડીલાલ ડગલી

૭૯.
કવિઓની ચારેક પેઢીઓના વાલી જેવા...

ગુજરાતી કવિઓની ચારેક પેઢીઓના બચુભાઈ વાલી જેવા હતા. નવા કવિને હંમેશા એમ થતું કે એની કવિતા કુમારમાં છપાય તો ગુજરાત એને કવિ તરીકે તરત સ્વીકારે. કુમારની ફાઈલોમાં શ્રીધરાણી, સુંદરમ્‌, ઉમાશંકર અને રાજેન્દ્રનાં કાવ્યો વાંચીને કેટકેટલા કવિઓ કાવ્યપુરુષાર્થ તરફ વળ્યા હશે! ઉમાશંકરને જ્યારે રણજિતરામ સુવર્ણચંદ્ર મળ્યો ત્યારે કુમારે જે રીતે એ બનાવને બિરદાવેલો તે જોઈ ઘણાના મનમાં થયું હશે કે કવિ થવું સારું. જુવાન ઉમાશંકરના હસ્તાક્ષરમાં લખાયેલી કવિતા સાથે એમના વિશેની વિધવિધ માહિતી કુમાર આપે. અત્યારે રાજકારણી માટે થાય છે તેવા દબદબાથી ઉમાશંકરનું સ્વાગત થયું. બચુભાઈએ યુવાન કવિઓની જે પ્રતિષ્ઠા કરી તેથી ગુજરાતમાં નવાં મૂલ્યો સ્થપાયાં. બચુભાઈને તો કવિતામાં જ રસ હતો. એક દિવસે મેં કુમાર ઉઘાડ્યું. અને તેમાં સારું સોનેટ ‘નેતિનેતિ’ છપાયેલું જોયું. આ વખતે મારી ઉંમર વીસેક વર્ષની હતી. બચુભાઈને હું ક્યારેય મળ્યો નહોતો. ટપાલમાં કવિતા મોકલેલી. થોડા મહિના પસાર થયા એટલે માન્યું કે કવિતા છાપવા જેવી નહીં હોય. પણ જ્યારે મેં કવિતા પ્રકટ થયેલી જોઈ ત્યારે મને આનંદ એ વાતનો થયો કે કુમારમાં મોટા કવિઓની જ કવિતા છપાતી નથી. મારા જેવો અનુભવ લગભગ બધા કવિઓને થયો હશે. કહેવાનો મુદ્દો એ છે કે બચુભાઈ હંમેશા નવા અવાજની શોધમાં રહેતા. બચુભાઈ પાસેથી ટેઈક ઑફ લઈ આપણા ઘણા કવિઓએ કવિતાના નવા સીમાડા સર કર્યા.

[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦]
વાડીલાલ ડગલી

૮૦.
સૂચિની ઉપકારકતા

વર્ષ પૂરું થાય એટલે સામયિક વાર્ષિક સૂચિ આપે. બંધ થાય અથવા રજત, સુવર્ણ આદિ પ્રસંગો આવે ત્યારે સળંગ સૂચિ આપે. આ એ શિષ્ટાચાર છે. ત્રણવર્ષ ચાલીને બંધ થતા ‘વિવેચન’ (સં. સુરેશ દલાલ) સામયિકે આ શિષ્ટાચાર દાખવ્યો તેની નોંધ લેવી પડશે. છેલ્લા અંકમાં આગળના બધા જ વર્ષોની સૂચિ ‘વિવેચન’ આપે છે. આ અગાઉ ર. છો. પરીખના પુરાતત્ત્વની સળંગ સૂચિ થયાનું સ્મરણ છે. પચીસ-પચાસ કે સો વર્ષ પૂરાં થતાં દાખવવાનો આ શિષ્ટાચાર આપણે ત્યાં ફાર્બસ ‘ત્રૈમાસિક’ દાખવ્યો છે. પોતાના પ્રકાશનનાં ૩૦ વર્ષ પૂરાં થયાં એટલે અગાઉનાં ત્રીસે વર્ષની સળંગ સૂચિ ડિસે. ૧૯૬૫ના અંકમાં ‘ત્રૈમાસિક’ આપી. ચાલુ વર્ષે (૧૯૮૫) એ ૫૦ વર્ષ પૂરાં કરશે અને પોતાની અર્ધશતાબ્દીની સૂચિ આપશે તેવી આશા છે. ‘સંસ્કૃતિ’ બંધ થયુું. ‘કંકાવટી’, ‘પરબે’ હમણાં જ પચીસ અને ‘બુદ્ધિપ્રકાશે’ સવાસો વર્ષ પૂરાં કર્યા એમણે આ શિષ્ટાચાર પાળવા જેવો હતો! ‘બુદ્ધિપ્રકાશ’ની સો વર્ષની સૂચિ દિગીશ મહેતા જેવા માણસે શ્રમ લઈને બનાવી છે છતાંયે તે હજુ અપ્રકાશિત છે.

[ગ્રંથ, જૂન, ૧૯૮૫]
નરોત્તમ પલાણ

૮૧.
બચુભાઈની જપાનીઝ વૃત્તિ

બચુભાઈ (રાવત) સ્વામી અખંડાનંદના સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયમાં ૧૯૧૯થી જોડાયા. અહીં તેમણે એટલું ખંતપૂર્વક કામ કર્યું કે ‘વીસમી સદી’ના તંત્રી હાજી મહંમદે તેમને પોતાની સાથે જોડાવા નિમંત્રણ આપ્યું. બચુભાઈ ‘વીસમી સદી’માં જોડાયા ન જોડાયા ત્યાં હાજી મહંમદનું અવસાન થયું અને બચુભાઈ ગાંધીજીના નવજીવન પ્રકાશન મંદિરમાં જોડાયા. દરમિયાન બચુભાઈ તેમના મિત્ર રવિશંકર રાવળ સાથે ‘કુમાર’ માસિક પ્રકટ કરવાની યોજના ઘડી રહ્યા હતા. ૧૯૨૪ના જાન્યુઆરીમાં ‘કુમાર’નો પહેલો અંક પ્રકટ થયો. આ વખતે બચુભાઈની ઉંમર ૨૬વર્ષની હતી. ૧૯૨૪ થી ૧૯૪૨ સુધી બચુભાઈએ રવિશંકર રાવળના તંત્રીપદ નીચે ‘કુમાર’ સંભાળ્યું પણ ૪૨થી તેમણે ‘કુમાર’ની બધી જ જવાબદારી સંભાળી લીધી. આમ ‘કુમાર’ ૨૬ વર્ષની ઉંમરથી તેમનું જીવનકાર્ય બની ગયું. ‘કુમારે’ ગુજરાતમાં નવોત્થાનનાં આંદોલનો વહેતાં કર્યાં. કોઈ ઉત્તમ કવિતા, કોઈ ઉત્તમ ચિત્ર કે કોઈ ઉત્તમ છબી ‘કુમાર’માં જ છપાય. રવિ વર્માનાં વિશ્વામિત્ર અને મેનકા જેવાં ચિત્રોને બદલે કનુ દેસાઈ અને સોમાલાલ શાહ જેવા ચિત્રકારોની કૃતિઓ ગુજરાતનાં ઘરોમાં દેખાવા લાગી એનું શ્રેય ‘કુમાર’ને છે. બચુભાઈએ કવિઓ અને કળાકરોની જેમ છબીકારોની પણ માવજત કરી. ‘કુમારે’ ગુજરાતી પ્રજાની કળારુચિ સંસ્કારી. જે કામ સંખ્યાબંધ વિદ્યાપીઠોએ કરવું જોઈએ એ કામ ‘કુમારે’ કળાનાં વિવિધ ક્ષેત્રોમાં કરી બતાવ્યું. બચુભાઈ પાસે મામૂલી સાધનો હતાં. આ ટાંચાં સાધનો પાસેથી એમણે એવું કામ લીધું કે જાણે એ એમની પાસે અદ્યતન યંત્રો હોય અને સમૃદ્ધ સાધનો હોય. ટાંચાં સાધનોનો આવો ઉપયોગ હું જોતો ત્યારે મને લાગતું કે ગયા ભવમાં બચુભાઈ જાપાનીઝ હશે. જપાન પાસે કોઈ કાચો માલ નહીં, પણ દુનિયાભરમાંથી ભાતભાતનો કાચો માલ આયાત કરી જાપાનનાં કારખાનાંઓ એવો માલ તૈયાર કરે કે જ્યાંથી કાચો માલ લાવ્યા હોય તે દેશમાં પણ જપાનીઝ માલ વેચાય. બચુભાઈમાં આવી જપાનીઝ વૃત્તિ હતી.

[ગ્રંથ, ઑગસ્ટ, ૧૯૮૦]
વાડીલાલ ડગલી

૮૨.
તન તોડીને કામ કરનારા મિત્રો

આ વર્ષના સંજોગો કોઈ અસાધારણ વિશેષાંક કાઢવાના નથી રહ્યા. ગત દિવાળીમાં ‘ખાંભી અને પાળિયા’નો (ઓક્ટો-નવે. ૧૯૭૫) સમૃદ્ધ અંક કાઢવા માટે છ-એક મહિનાનો કામ કરવાનો ગાળો મળેલો કારણ કે આખા ગુજરાતમાંથી નાની મોટી તસ્વીરો, શોધો અને લેખનસામગ્રી મેળવવાનાં હતાં. એ બધું નેવાનાં પાણી મોભે ચડ્યાં ત્યારે એકઠું કરી શકાયેલું. ધન્યવાદ ઘટે છે એ બધું પૂરું પાડનારાઓને. કોઈ કહેતું નથી કે એવા અસાધારણ અંક કાઢો ને કાઢો. કોઈ એમ પણ કહેતું નથી કે આટલાં સાધનશક્તિ વેંઢારીને શું કામ અંક કાઢ્યો? ઉલટા એના રસિકજનો, ચિત્રો, સ્વજનો, સ્નેહીઓ રાજી થયા છે. અમારો એ જ મોટો સંતોષ રહેતો આવ્યો છે. જે કોઈ વિષય નક્કી થાય છે એને માટે જે કોઈ મિત્રોને રસ હોય છે તે તન તોડીને કામ કરતા રહે છે.

[ઊર્મિ નવરચના, સપ્ટેમ્બર, ૧૯૭૬]
તંત્રી

૮૩.
વધારે અવલોકનો આપો!

વસંતને અનેક મિત્રો અને હિતેચ્છુઓએ અનેકવાર સૂચવેલું ‘વધારે અવલોકનો આપો’. માસિકના બરનાં અવલોકનો એ અવલોકનનો વિશિષ્ટ પ્રકાર છે એ વાત ‘વસંત’ તંત્રીના વિશાળ ફિલસૂફ મગજમાં સ્પષ્ટ આલેખાઈ નહિ કોણ જાણે શાં કારણથી?

[સાહિત્ય, અંક : ૩, ૧૯૩૨]
બળવંતરાય ઠાકોર

૮૪.
રસિક વિવેચનની ખોટ?

વીસમી સદીના પહેલા ચાર દાયકા સુધી ‘વસંતે’ ઉચ્ચ સાહિત્યની જ્યોત જાળવી રાખી હતી અને એના વિદ્વાન ને ઠરેલ તંત્રીના બહુવિધ જ્ઞાન અને અનુભવનો લાભ આપણને એ જ માસિક આપતું હતું શ્રી આનંદશંકર ધ્રુવ સાહેબની શારીરિક અશક્તિ અને કેટલાંક આર્થિક કારણોસર એ માસિક બંધ પડતાં ગુજરાતને ખરી ખોટ ગઈ છે. આજે સાહિત્યના વાડાઓમાં પક્ષાપક્ષીનું બળ જ્યારે વધી પડ્યું છે ત્યારે એવા ઠરેલ ને નિષ્પક્ષ તંત્રીના અમૂલ્ય અભિપ્રાય ને દોરવણીની ભારે અગત્ય છે. પણ હવે તો ‘નાથ બિન બિગડી કૌન સુધારે’ જેવી સ્થિતિ થઈ છે. શ્રી આનંદશંકરભાઈના મહામૂલા અગ્રલેખોની તેમજ એમનાં થોડાં પણ અપક્ષપાતી અને ઊંડી વિદ્વતાથી ને રસિકતાથી ભરેલાં વિવેચનોની તો જાણે હવે સદાની ખોટ ગઈ છે.

[૧૪મી ગુજરાતી સાહિત્ય પરિષદનો અહેવાલ, પરિષદ, પૃ. ૩૬-૩૭]
ખબરદાર

૮૫.
વિજયની શુભેચ્છાઓ સાથે ચોખવટ

ચેતન નામનું નવું માસિક જૂન મહિનાથી નીકળવા માંડ્યું છે. સાહિત્યના કદનાં ૪૦ પાનાં છે. પ્રકાશક બટુભાઈ ઉમરવાડિયા છે. ગોપીપુરા, સુરત, લવાજમ રૂ. ૪-૦૦ છે. તંત્રીઓમાં એ ઉપરાંત વિ. ક. વૈદ્ય છે. આ પહેલા અંકને ‘ટાગોર અંક’ કહ્યો છે. એટલે એમાં વિશેષ કરીને ટાગોરનો સત્કાર કરવાની સામગ્રી છે તથા તેમનું ઓળખાણ કરાવનાર લેખો છે અને તેમની કૃતિઓની વાનગી છે. આ બધાના પરિણામમાં આ અંક કાંઈક અંશે અમને નીરસ લાગ્યો છે. જો કે લખાણમાં વિદ્વતા અને વિચારસામર્થ્ય જોવામાં આવે છે. ચેતનની ભાવના અને કાર્યક્રમ સમજાવતા તંત્રીઓ કહે છે કેઃ ‘વિચારકોના જેટલા પક્ષ ગુજરાતમાં હોય તે સર્વને પોતાનું વક્તવ્ય નીડરપણે વદવાને ચેતન નોતરે છે. આ શુભ શરૂઆત છે. આ તટસ્થપણું ચાહવાલાયક છે. પરંતુ બીજી જ લીટીમાં તેઓ પક્ષો ગણાવવા મંડી પડે છે. તેમાં સાહિત્ય પત્રનો સરળતાપૂજક પક્ષ ગણાવવા મંડી પડે છે. તેમાં સાહિત્ય પત્રનો સરળતાપૂજક પક્ષ ગણાવે છે. અમે કાંઈ એવો પક્ષ સ્થાપ્યો નથી છતાં જો એવો પક્ષ ગુજરાતમાં હોય તો તે પક્ષરૂપે નથી પરંતુ ગુજરાતના ભણેલા ગણેલા એક હજાર માણસોમાંથી નવસો નવ્વાનું માણસો આ સરળતાપૂજક પક્ષમાં છે. સરળતા એ અજ્ઞાનનું પરિણામ નથી પરંતુ વિચાર કરવાની ચોખ્ખી નિખાલસ પદ્ધતિનું પરિણામ છે. આ નવા ભાઈબંધનો વિજય ઈચ્છીએ છીએ.

[સાહિત્ય, અંક : ૭, જુલાઈ, ૧૯૨૦]
મટુભાઈ કાંટાવાળા

૮૬.
સામયિકે પડકારરૂપ ભૂમિકા નિભાવવાની છે

અમેરિકન સર્જક-સંપાદક ફેલિક્સ પોલાક લખે છે કે, ‘હું તો છપાયેલા શબ્દોને જ વળગેલો છું ને લખવામાં વિશ્વાસ ધરાવું છું. મને ખાતરી છે કે માણસજાત જીવશે ત્યાં સુધી ભાષા કામ આપતી રહેવાની છે. ભલે ને રેડીઓ, ટેલિવિઝનનું આક્રમણ થયું દેખાતું હોય, આખરે તો તમે પુસ્તક તરફ જવાના. છપાયેલા શબ્દોનો મહિમા રહેવાનો જ.’ અલબત્ત, છપાયેલા શબ્દે પણ, વર્તમાનપત્રો દેખાડે છે એ દૂષિતતાથી, લપટાપણાથી સભાનપણે દૂર રહીને નરવું ને નક્કર, સઘન ને ટકોરાબંધ રૂપ પ્રગટાવવું પડે. એ રીતે, સામયિકો એક જીવંત, પ્રતિમાનરૂપ માધ્યમ તરીકે પડકારભરી ભૂમિકા નિભાવવાની થશે.

[એતદ્‌ ઑક્ટો. વર્ષ ૧૯૯૦, ‘સાભિપ્રાય’ ૧૯૯૮]
રમણ સોની

૮૭.
સાહસને નિભાવવાનું કર્તવ્ય

‘વીસમી સદી’ નામનું નવીન ગુજરાતી માસિક તેના નામ પ્રમાણે જમાનાને અનુસરતું, જનસમાજના અભિરુચિ અને રસવૃત્તિને સંતોષે અને પોષે એવું ઊંચા પ્રકારનું સાહિત્ય અને કળા રજૂ કરતું એપ્રિલ માસથી મુંબઈમાંથી પ્રસિદ્ધ થવા માંડ્યું છે. તે અંગ્રેજીમાં પ્રકટ થતાં સુપ્રસિદ્ધ માસિકો સ્ટ્રાન્ડ, નેશનલ, લંડન વગેરેની હરોળમાં ઊભું રહી શકે એવું, ઊંચી પ્રતિનું સુંદર અને આકર્ષક છે. ગુજરાતી સાહિત્યમાં આવા એક સારા ને સચિત્ર માસિકની મોટી ઉણપ હતી તે આ માસિકે પૂરી પાડી છે અને તે બદલ અમે સાહિત્યિક માસિક અને સાહિત્યકળાના રસિક તંત્રી મિ. હાજીને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. એ માસિકમાં જાણીતા અને સંસ્કારી લેખકોએ વિવિધ પ્રકારના લોકોપયોગી લેખો, વાર્તાઓ, નિબંધો વગેરે લખી મોકલવા કબૂલ્યું છે. વળી એમાં કેટલાક નવીન અંશો દાખલ કરવામાં આવ્યા છે. તે આપણું ખાસ ધ્યાન ખેંચે છે : ૧. સચિત્ર લેખો ૨. સ્ટેજ પર ભજવાતાં નાટકોની સમાલોચના ૩. સમર્થ કુશળ ચિત્રકારો અને એમનાં ચિત્રોનો પરિચય ૪. પ્રસિદ્ધ પુરૂષોનો એકરાર લડાઈ અને મોંઘવારીના સમયમાં આવું સુંદર અને સચિત્ર માસિક કાઢવું એ ખરેખર જબરું સાહસ છે. તેને નભાવવું. એ આપણું કર્તવ્ય છે. અમે ઈચ્છીએ છીએ કે ગુજરાતનો વાચકવર્ગ તેનો સારો સત્કાર કરશે, અને યથાશક્તિ બનતી મદદ આપવા ચૂકશે નહીં.

[બુદ્ધિપ્રકાશ, મે, ૧૯૧૬ની પુસ્તકસ્વીકાર નોંધ]
હીરાલાલ પારેખ

૮૮.
વસંતની એ અપૂર્વ સેવા

વસન્તના તંત્રી પ્રો. આણંદશંકરે મણિલાલ દ્વિવેદીના તેજસ્વી લેખિનીબળથી લખાતા સુદર્શનનો તન્ત્ર એ પંડિતના અવસાન પછી લીધો હતો. તે તન્ત્રનો સંબંધ છોડ્યા પછી આ વસન્ત માસિકની કલ્પના પ્રો. આણંદશંકરના મનમાં સ્ફુરી. મણિલાલની પૂર્વે અને પશ્ચિમની સંસ્કૃતિયો તરફની વૃત્તિના બે આશ્રમ થયા હતા. એમના સાહિત્યજીવનના પૂર્વાશ્રમમાં પાશ્ચાત્ય સંસ્કૃતિની અવગણના નહોતી અને અનેકવાર એ સંસ્કૃતિના ગુણપક્ષનું દર્શન કરાતું હતું. આ બે સંસ્કૃતિનો સમન્વય ઘડવાની યોજનાશક્તિ સુદર્શન માસિકના આદ્યતંત્રીમાં નહોતી એમ તો નહિ કહું પરંતુ એ શક્તિનો વ્યવહારમાં પ્રયોગ કરાયો નહોતો. આ સ્થિતિમાં વસ્નત માસિકના અધિષ્ઠાતા માસિક સાહિત્ય ક્ષેત્રમાં પ્રવિષ્ટ થયા તે આકસ્મિક યોગ નહોતો. પૂર્વ અને પશ્ચિમની સાંપ્રદાયિકતાનો વિવેકપૂર્ણ સમન્વય કરવાની દૈવી પ્રેરણાને અજ્ઞાત અથવા જ્ઞાત રીત્યે હૃદયમનમાં ઝીલીને તદનુકૂલ વાણી વ્યાપાર ‘વસંત’ના અંકોમાં પ્રકટ કરવાની યોગ્યતા આ નવીન આચાર્યમાં મનોહરરૂપે જણાતી હતી. ગદ્યસાહિત્યમાં વસંત શી સેવા કરી છે એ વિચારતાં વસંતની એ સેવા અપૂર્વ લાગે છે!

[વસંત, ‘રજતમહોત્સવ સ્મારક ગ્રંથ’, પૃ. ૧૨]
નરસિંહરાવ દીવેટીયા

૮૯.
સામયિક શું કરી શકે?

ગુજરાતના રત્નો તેમજ કોયલાઓને ઊંડા અંધકારમાંથી ખેંચીને પ્રકાશમાં મૂકવાનું અપૂર્વ માન વીસમી સદીના માલેકને જ છે. વીસમી સદી ન હોત તો ઘણાયે સાહિત્યસૂર્યો આથમી ગયા હોત અને ગુજરાતની ચિત્રકલાનું શું? સાહિત્ય પરિષદે જેટલાં વર્ષોમાં ચિત્રકલા માટે નથી કર્યું તેટલા મહિનાઓમાં ‘વીસમી સદી’ એ કરી બતાવ્યું.

[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ. ૧]
નૃસિંહ વિભાકર

૯૦.
લેખકના વિશેષોનો પારખુ સંપાદક

રવિશંકર રાવળ અને પુરૂષોત્તમને કલાની દુનિયામાંથી હાજીએ શોધી કાઢ્યા અને વીસમી સદીએ ચિરંજીવ બનાવ્યા. ક. મા. મુનશીને ગુજરાત સમક્ષ યથાવિધિ વ્યક્ત અને પ્રકટ કરનાર પણ હાજી મહંમદ જ. ચંદ્રશંકર પંડ્યાનાં સ્નેહગીતોને પાંખ આપનાર પણ વીસમી સદી, સમાલોચક નહિ. નરસિંહરાવને સજીવન કરનાર પણ એ જ. ‘ઉમર ખોયાં’નો રસકૂપ પ્રો. કાન્તિલાલને આગ્રાની પ્રયોગશાળામાં પણ સાહિત્યનું નિરંતર સ્મરણ આપનાર અને તેના વિજ્ઞાનને રસાત્મક બનાવનાર પણ આ જ રસાત્મા. કવિ નાનાલાલને ભૂત અને ભવિષ્યની ઊંડી બખોલોમાંથી સમજાવી પટાવીને બહાર બોલાવનાર અને વર્તમાન પ્રવાહમાં ધકેલનાર ‘કવિ’નો અંતરાત્મા છે ખરો જ પણ એ અંતરાત્માનો પ્રેરક ઘણે અંશે આ ચિત્ર જાદુગર, ગેઈટીની રંગભૂમિને મુંબઈ બહારની દુનિયા પાસે જાણીતી કરનાર અને મારી નમ્ર નાટ્યકૃતિઓને ફોટોગ્રાફમાં આબેહૂબ ઉતારી નાટ્યકલામાં નવીન રસ સીંચનાર પણ એ સાહસિક તંત્રી જ. તારાપોરને મુલ્ક મશહૂર કરનાર પણ એ ખોજા મહોલ્લાનો મહાનુભાવ.

[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૧]
નૃસિંહ વિભાકર

૯૧.
બિનજવાબદાર તંત્રીઓનો રાફડો

કોઈપણ પત્રના તંત્રીની નૈતિક જવાબદારી ઘણી મોટી છે. કેમકે તંત્રી એ એક રીતે તો પ્રજાનો શિક્ષક, પ્રજાનો નેતા, અને પ્રજાનો રાહબર છે. આ જમાનામાં એ સત્ય મોટેભાગે વિસરાઈ ગયું છે અને બિનજવાબદાર તંત્રીઓનો આપણાં દેશમાં અને વિશેષ કરીને આપણાં ગુજરાતી પત્રકારત્વમાં તો રાફડો ફાટ્યો છે. તંત્રી થવા માટે અમુક પ્રકારની વિશિષ્ટ નિસર્ગદત્ત પ્રતિભા, અનુભવ, નીડરતા, સત્ય માટેનો આગ્રહ અને સારાસાર પારખવાની, ક્ષીરનીર જુદાં તારવી કાઢવાની શક્તિ ઉપરાંત પરિશ્રમ અને વ્યવસ્થાશક્તિની પણ જરૂર હોય છે. તંત્રીની જવાબદારીઓ અનેકવિધ હોય છે. ગમે તે માણસ તંત્રી થઈ શકતો નથી. તંત્રી થવા માટે વિશાળ અનુભવ, સર્વાંગી જીવનદૃષ્ટિ અને જનતાને કાજે જ પત્ર અને તંત્રી છે એ સત્યનું ચિરસ્મરણ આવશ્યક છે.

[‘સ્મૃતિસંવેદન’, પૃ. ૧૫૭]
ચાંપશી ઉદેશી

૯૨.
તંત્રીની નજરમાંથી છટકવાનું મુશ્કેલ

યુરોપ-અમેરિકાનાં સારામાં સારા ચિત્ર-માસિકોની બરોબરીમાં મૂકી શકાય એવું વીસમી સદીને બનાવવાનું હાજીનું વ્રત અજબ હતું. સારામાં સારા ગુજરાતના લેખકો પાસેથી લેખો મેળવવામાં તેની હૃદયકારક મીઠાશ અને સમજાવટ ઓર હતાં. એકવાર તમારા પર હાજીએ નિશાન તાક્યું પછી તમારી મગદૂર નહીં કે તમે છટકી જઈ શકો. તમારે ત્યાં હંમેશના બે ધક્કા ખાઈને પણ તમારી પાસે લખાવશે. તમે માથેરાન જશો તો તારથી તમને યાદ આપશે. વિષય માટે વસ્તુ મેળવવાનું બહાનું કાઢશો તો એ વિષય ઉપર ઢગલાબંધ સાહિત્ય આવી પડે એવી તજવીજ કરશે. આ રીતે લોઈડ જ્યોર્જ સંબંધી થોકબંધ પુસ્તકો હાજીએ મોકલેલાં. એવી જ રીતે બીજીવાર બ્રાયંડ સ્કેચ લખવાની મને ફરજ પાડી! કોણ જાણે ક્યાંથી બ્રાયંડ સંબંધી વાંચી ન શકાય એટલું સાહિત્ય લેખકના ઘરે ફેંકી ગયેલા.

[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૨]
નૃસિંહ વિભાકર

૯૩.
સામયિકોને કારણે...

૧૮૫૦માં આરંભાયેલો સુધારાનો વેગ, અર્વાચીન વાતાવરણ (૧૮૮૮) સુધીમાં તો મંદ પડવા માંડ્યો હતો. આ વાતાવરણમાં થતું કાર્ય પ્રતિધ્વનિનું હોય એ સ્વાભાવિક છે. પ્રથમ કક્ષાના સર્જકો અને વિચારકોનાં મંતવ્યો, ભાવનાઓનો વિસ્તાર, પુનરાવર્તન લેખનમાં થવા માંડ્યાં. ઉચ્ચ સાહિત્યનું સંશોધન અને અનુકરણ થવા માંડ્યું. એ કારણે એનાં લક્ષણો સ્પષ્ટ થવા માંડ્યાં. આ સાહિત્યને ન્હાનાલાલ, કલાપી, બોટાદકર વ. પાસેથી ભાવનાઓ મળી. ગોવર્ધનરામ, નરસિંહરાવ ન્હનાલાલ વ. પાસેથી ભાષા લાલિત્ય, લઢણો અને પદાવલિઓ મળ્યાં તો વિચારનિરૂપણ કરતી શૈલી અને ગદ્ય મળ્યાં. ગોવર્ધનરામ, રમણભાઈ, આનંદશંકર ઘ્રુવ કે અમૃતલાલ પઢીયાર વ. તરફથી આ લેખનપ્રવૃત્તિને વેગ મળ્યો. ગુજરાત વર્ના. સોસાયટી (હવે ગુજરાત વિદ્યાસભા), ગુર્જર સભા, ફાર્બસ સભા, ભિક્ષુ અખંડાનંદની પ્રકાશન સંસ્થા, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓની પ્રવૃત્તિ, આંદોલન અને સંચાલન તરફથી આ લખાણો પ્રસિદ્ધ કરી તેને જનતા અને વિદ્વાનો સમક્ષ મૂકવાનું બની શક્યું. ગુજરાતી, સમાલોચક, સુન્દરીસુબોધ, વીસમી સદી, સાહિત્ય, બુદ્ધિપ્રકાશ, વસંત, સુદર્શન, સ્રીબોધ જેવાં અનેક સામયિકોને કારણે.

[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’, (ભાગ : ૩) પરિષદ પૃ. ૫૮૫]
ભૂપેન્દ્ર ઉપાધ્યાય

૯૪.
વીસમી સદીની બીજી બાજુ

જેમ વીસમી સદીનો ગુજરાત પર અથાગ ઉપકાર છે તેમ વીસમી સદી અજાણતા ગુજરાતનું ગુન્હેગાર પણ બન્યું છે. વીસમી સદીએ ગુર્જર સાહિત્યની સુંદર કૃતિઓને જેમ ચિત્રોથી ઓર સુંદર કરી બતાવી તેમ એ જ ચિત્રોના ઠઠીરાથી કેટલાક કચરાની પણ ખોટી કિંમત અંકાવી. ગુર્જર સાહિત્યના ખોટા આંક ઘણા સમય થયા અંકાય છે પણ એ ખોટી આંકણીમાં ‘વીસમી સદી’એ તો અવધિ કરી! નિર્માલ્ય જોડકણાંઓ મોહક ચિત્રોના ચોકઠામાં કાવ્યકુંજો તરીકે શોભવા માંડ્યાં! ટાહ્યલી વાર્તાઓ રંગની પીંછી વડે ચમત્કૃતિઓ તરીકે પૂજાવા લાગી! ધ્યાને પાત્ર એવાં સાદાં માનવીઓ દેવદેવીઓ જેવા ચિતરામણમાં પ્રકટી નીકળ્યાં! બાહ્ય ખોળિયાની ખૂબસુરતીમાં આંતર તેજ ભૂલાઈ ગયાં! ચિત્ર સાહિત્યના ડાકડિમાકમાં રસસાહિત્ય ચિત્રવત્‌ થઈ ગયું! લેખકોના ફોટોગ્રાફ જોવામાં વાચકો લેખને વિસરી ગયા!

[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૩]
નૃસિંહ વિભાકર

૯૫.
તંત્રીઓ! આ રહી આચારસંહિતા

સામયિકના તંત્રીએ ધ્યાનમાં રાખવા જેવી મુખ્ય બાબતો આટલી છે. ૧. પોતે જનતાના કયા વર્ગ માટે પોતાનું પત્ર પ્રકટ કરે છે તે ધ્યાનમાં રાખીને પત્રનું ધ્યેય અને પત્રની નીતિ નિશ્ચિત કરવી. ૨. પત્ર જમાના સાથે કદમ મેળવીને ચાલતું રહે અને જુનવાણી (out of date) ન થઈ જાય તેનું સતત ધ્યાન રાખવું. ૩. પત્રમાં પ્રજાને આડે માર્ગે દોરી પ્રજાનું પતન કરે તેવાં તત્ત્વો જાણ્યે-અજણ્યે દાખલ ન થઈ જાય તેની તકેદારી રાખવી. ૪. તંત્રીની પવિત્ર ફરજ અને ગંભીર જવાબદારી વિસારે પાડી દઈને પત્રમાં સસ્તાં પણ હાનિકારક તત્ત્વો દાખલ કરી ધંધાદારી રીતે પત્રને સફળ બનાવ્યાનો દુનિયાદારી સંતોષ મેળવવા કદી યત્ન ન કરવો. કેમ કે પત્રકાર માટે એ એક પ્રકારની આત્મહત્યા જ છે. ૫. ધ્યેય સાચવતાં જતાં આર્થિક રીતે પત્ર ચાલી શકે એમ ન હોય તો બહેતર છે કે પત્ર બંધ કરી દેવું પણ ધ્યેયને અભેરાઈ પર ચડાઈ દઈ પ્રજાને લપસણી ભૂમિ પર સરકાવતાં સરકાવતાં રસાતળે લઈ જવાનં પાપ કદી ન વહોરવું. ૬. હેતુ વિનાનું પત્ર એ છાપેલા નિર્જીવ કાગળોની એક થોડકી જ છે એ સત્ય કદી ન વીસરવું. બલ્કે હેતુ વિના કેવળ ધંધા માટે જ પત્ર શરૂ કરવું ને ચલાવવું એ પત્રકારત્વને અને તંત્રીત્વને લાંછનરૂપ છે. ૭. કોઈપણ પત્ર પ્રજાસુધારણા માટે જ છે. અને હોવું જોઈએ એ સત્ય વિસરી જનાર તંત્રી અને આંધળા માણસ વચ્ચે કશો જ ફેર નથી. ૮. પત્રના આત્માના ભોગે પત્રના દેહને કદીયે સમૃદ્ધ ન બનાવવો. ૯. તંત્રીમાં ‘સ્વ’ ભલે હોય પણ ‘અહં’ ન પ્રવેશવો જોઈએ. એ પહેલા પુરૂષ એકવચને ભલભલા તંત્રીઓને નીચે ગબડાવી પાડ્યાં છે. ૧૦. તાટસ્થ્ય એ તંત્રીનો મોટામાં મોટો ગુણ છે. તંત્રી ન્યાયાધીશ જેટલો જ ‘તટસ્થ’ હોવો જોઈએ. ૧૧. લાગવગનું જોર કે પૈસાની લાલચ તંત્રીને સ્પર્શવાં ન જોઈએ. જે ઘડીએ આ બેમાંથી એકપણ એને સ્પર્શે તે ઘડીથી એ તંત્રી તંત્રી મટીને ‘સામાન્ય માનવી’ બની જાય છે. ૧૨. પોતાના પત્રને પોતાનું સંતાન લેખી તેની પાછળ સતત ભોગ આપવાની વૃત્તિ વગરનો તંત્રી પોતાના પત્રને ભાગ્યે જ ઉચ્ચ કોટીનું કે આદર્શપત્ર બનાવી શકે છે. કારણકે તંત્રીત્વ એ કેવળ ધંધાદારી કાર્ય નથી પણ નૈતિક દૃષ્ટિએ ‘સેવાભાવી’ (Missonary) કાર્ય છે. મિશન વગરનો તંત્રી પ્રાણ વગરના માળખા જેવો છે.

[‘સ્મૃતિસંવેદન’ (૧૯૫૪) પૃ. ૧૬૩]
ચાંપશી ઉદેશી

૯૬.
શિશુના જન્મ સરખો નવા અંકનો ઉત્સવ

વીસમી સદી જે દિવસે બહાર પડી હોય યાને છાપખાનામાંથી છપાઈ પૂંઠા બંધાઈ કોટમાંથી ઘરે આવી હોય તે જ દિવસે અચાનક સવારના પહોરમાં તમે ત્યાં જઈ ચઢો તો જે દેખાવ તમારી નજરે ચઢે તે તમે કદી ભૂલી ન શકો. ‘સદી’ના ઢગ ને ઢગ ચારે બાજુ પડ્યા હોય. ઘરમાં ઉત્સાહ, આનંદ કોલાહલ, ધામધૂમ ચારે તરફ દેખાય. કેમ જાણે કુટુંબમાં નવીન બાળકનો જન્મ થયો હોય! ઘરના એક-એક માણસના હાથમાં ‘સદી’ માલુમ પડવાની. બબરચી યાહસીન – એક આંખે જરા ફાંગો, સહેજ લંગડો અને મગજનો જરા ચક્રમ – પોતાનું કામ બાજુએ રાખી, કોણી સુધી બે-ત્રણ વખત સાબુથી હાથ ધોઈ નવા માસિકનાં ચિત્રો નીરખવા બહાર આવવાનો જ. ભલે પછી શેઠને બાઈ બૂમ મારે; પણ ‘સદી’ જોયા વિના તે કેમ ચાલે?

[‘હાજી સ્મારક ગ્રંથ’, પૃ.૭]
નૃસિંહ વિભાકર

૯૭.
‘પડે-ઊપડે નાવ મારી’

વર્ડઝ્‌વર્થના કાવ્ય ‘We are seven’નો મારો અનુવાદ છંદો-ભંગથી ભરેલો હતો. તેની કાવ્યરચના પણ કચાશભરી હતી છતાં એ અનુવાદમાં નરસિંહરાવની કાવ્યશૈલીની આછી છાયા હતી અને મૂળ કાવ્યનો આત્મા એ અનુવાદમાં કંઈક અંશે છતો થતો હતો. ડરતાંડરતાં એ કાવ્ય પ્રકટ કરવા માટે એ વેળાના શ્રેષ્ઠ લેખાતા માસિક વસન્તને મોકલ્યું અને મારા હર્ષ અને આશ્ચર્ય વચ્ચે એ બીજે જ મહિને તેમાં પહેલે જ પાને છપાયું! પરંતુ આ પછી બે-એક વર્ષે મને પોતાને લાગેલું કે એ કાવ્યાનુવાદ વસન્તના વિદ્વાન તંત્રી આનંદશંકર ધ્રુવે છાપવો જોઈતો નહોતો. કેમકે એમાં ઘણી કચાશ હતી. આ કાવ્ય છપાયું તેથી ઉત્સાહિત બનીને મેં એક બીજું કાવ્ય લખીને એ વેળા અગ્રગણ્ય લેખાતા સાપ્તાહિક પત્ર ગુજરાતીને મોકલ્યું. એ વેળા બધા જ લેખકોને ગુજરાતીની કટારોમાં જ જાહેર જવાબો આપવાનો ગુજરાતીનો શિરસ્તો હતો. તેણે પોતાની કટારોમાં મને જાહેર જવાબ આપ્યો કે : ‘તમારું કાવ્ય કચરાની ટોપલીને લાયક હોવાથી તેમાં પધરાવ્યું છે.’ આ વાંચી હું રડવા જેવો થઈ ગયેલો. મારા કેટલાક મિત્રો મારી મશ્કરી કરવા લાગ્યા. ‘હવે કદી લખવું નહીં’ એવું ઘડીભર મને થઈ ગયું. પણ એ લેખનવૈરાગ્ય ઝાઝો સમય ટક્યો નહિ. ફરી હું ગમે તેવાં કાવ્યો લખવા લાગ્યો. એ કાવ્યો ‘જ્ઞાનસુધા’, ‘સુદર્શન’ અણે ‘સુંદરીસુબોધ’ એ ત્રણ માસિકોનો તો હું નિયમિત લેખક થઈ પડ્યો.

[‘સ્મૃતિ સંવેદન’ પૃ. ૧૭૧]
ચાંપશી ઉદેશી

૯૮.
સમયનું પ્રતિબિંબ ઝીલ્યું છે?

સ્વાભાવિક રીતે કોઈ જિજ્ઞાસુ પૂછે કે, ‘વસન્તે’ સમયનું પ્રતિબિંબ ઝીલ્યું છે? તો તેનો નિયમિત વાચક જરૂર કહેશે કે ખચિત્‌ તેનાં પૃષ્ઠોમાં સમયનું, દેશની સ્થિતિનું અને ચાલુ પ્રશ્નોનું વિવેચન, સંજોગોનુસાર આછુંપાતળું, ઘેરું, સ્પષ્ટ, ઝાંખું, અર્ધપ્રકાશિત, ભૂંસાતું, વખતે માત્ર તિરછી રેખાવાળું ચિત્ર જરૂર મળી આવશે. અને એમાંના એ ચિત્રો-નોંધ, અવલોકન, નિરૂપણ, ચર્ચા એટલાં કિંમતી, મૌલિક, સૂચક, માર્ગદર્શક અને વિચારપૂર્ણ જણાશે કે જુદીજુદી કક્ષાના મનુષ્યોને આ લખાણ વિચારની વિપુલતાથી, ભાષા લાલિત્યથી, રસિક વર્ણનશૈલીથી, વિધવિધ અને નવીન દૃષ્ટિકોણથી, સંસ્કૃત અને ઇંગ્રેજી સાહિત્યના સૂક્ષ્મ અંશોની ફોરમથી આહ્‌લાદક નિવડી અનેરું માધુર્ય અને રસઝરતું જણાય છે જ. તેના પ્રવાહમાં તે આપણને ખેંચે છે અને તન્મય કરે છે અને એ જ એની મહત્તા અને વિશિષ્ટતા છે. તેથી આ પચ્ચીસીમાં પ્રકટ થયેલાં માસિકમાં કોઈ માસિક અગ્રસ્થાન લે અને ચિરસ્થાયી ઉપયોગનું થઈ પેડ એવું હોય તો તે આ ‘વસન્ત’ જ છે એમ સૌ કોઈ એકમતે કહેશે.

[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’ ૧૯૨૭, પૃ.૫]
હીરાલાલ પારેખ

૯૯.
આકર્ષક રજૂઆતની અસર

આપણા ગુજરાતી સાહિત્યનો પ્રચાર બંગાળી સાહિત્ય કરતાં ઘણો ઓછો છે. એ વાત તો હવે સ્પષ્ટ છે જ પરંતુ હિંદી સાહિત્યની હરોળમાં પણ તે બેસી શકે તેવી સ્થિતિ હજુ સુધી પ્રાપ્ત થઈ નથી. આપણાં માસિકોમાં ભાગ્યે જ કોઈનો ફેલાવો ૩ થી ૪ હજારનો હશે. સાપ્તાહિકનું પણ તેમજ છે. આપણે અહીં આવી સ્થિતિ છે જ્યારે બંગાળ તો ચીલઝડપે આગળ વધતું જાય છે. એક જ પત્રની જુદી જુદી આવૃત્તિઓ નીકળે અને તે નભી શકે તે બંગાળી જનતાની લોકરુચિ સૂચવે છે. બંગાળમાં બસુમતી સાપ્તાહિક લગભગ ૩૨ વર્ષથી નીકળે છે તે પગભર થયું અને ફેલાવો વધી ગયો એટલે ‘બસુમતી’ દૈનિક પણ સાથેસાથે કાઢવા માંડ્યું. આ દૈનિક પણ ૧૪ વર્ષની નીકળે છે. ત્યારબાદ ‘બસુમતી’ માસિક પણ નીકળ્યું. આ ઉપરાંત કેટલાંક વર્ષથી ‘બસુમતી’ વાર્ષિક પણ નીકળે છે. તે તો ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું છે. કારણ કે ફક્ત બે રૂપિયામાં પોણો સો ફોર્મનો દળદાર અંક, ૮ થી ૧૦ ત્રિરંગી ચિત્રો, સંખ્યાબંધ સાદાં ચિત્રો તથા મનનીય કાવ્યો, લેખો વગેરે વિવિધ વાનીઓ પીરસે છે. ‘બસુમતી’ માસિકમાં પણ દરેક અંકમાં ત્રણ-ચાર ત્રિરંગી ચિત્રો તો ખરાં જ. સાદાં જુદા, ઉપરાંત બે વર્ષથી ‘બસુમતી’ અંગ્રેજી દૈનિક પણ નીકળે છે જે નોંધવા જેવી બાબત છે. મનનીય અને હૃદયસ્પર્શી લેખો આવતા હોય તો કોઈપણ પત્રનો ફેલાવો વધે તેમાં શંકા નથી. એવો પણ સમય હતો કે નવજીવનની (ગ્રાહક)સંખ્યા ૧૦,૦૦૦ સુધી પહોંચી ગઈ હતી અને ગુજરાતીએ પણ તેવી જ લોકપ્રિયતા સંપાદન કરી હતી. હાલમાં હળવું સાહિત્ય પીરસી અને પ્રત્યેક અંકમાં ખાસ ચિત્રો આપી બે ઘડી મોજ અને અઠવાડિક પ્રજામિત્રે પોતાનો નવો જ વાચક વર્ગ ઊભો કર્યો છે અને એમની ફેલાવવાની સંખ્યા સહેજે બે હજાર સુધી પહોંચી જાય છે. આ ઉપરથી એટલું તો ચોક્કસ થાય છે કે વિવિધ વિષયને આકર્ષક રીતે રજૂ કરી જુદી ઢબથી જનતા આગળ મૂકવામાં આવે તો કોઈપણ પત્ર ટૂંક સમયમાં ઘણું આગળ નીકળી જાય.

[સાહિત્ય, અંક : ૪, ૧૯૨૯ની ‘પત્રચર્ચા’ વિભાગમાંથી]
પ્રસાદ

૧૦૦.
સામયિકોનું ભવિષ્ય?

ઉપભોક્તાવાદના પ્રચંડ મોજાને કારણે આજે હિન્દી સામયિકો બંધ થઈ રહ્યાં છે. ‘કલ્પના’ અને ‘આલોચના’ જેવી સાહિત્યિક પત્રિકાઓ જ નથી. ‘દિનમાન’ અને ‘સાપ્તાહિક હિન્દુસ્તાન’ જેવી મોટી પત્રિકાઓ પણ બંધ થઈ ગઇ. એમનું બંધ પડવાનું કારણ શું છે? શું હિન્દી લેખકો કહે છે તેમ ટેલિવિઝનના પ્રચાર-પ્રસારમાં હિન્દીના વાચકો ઘટી ગયા છે? પણ, આંકડાઓ એ તો નથી બતાવતા કે સંખ્યા ઘટી ગઈ છે કે ઘટી રહી છે. ઉલટું અંગ્રેજીમાંથી અનૂદિત થતી હિન્દી સમાચાર પત્રિકા તો પોતાનું વેચાણ ત્રણથી ચાર લાખની વચ્ચે દર્શાવે છે. ઉપભોક્તાવાદને કારણે મોટી કંપનીઓનું જાહેરાતનું વલણ બદલાયું છે જેની અસર સામયિકો પર પડી છે.

[સમકાલીન ભારતીય સાહિત્ય, અંક : ૪, ૧૯૯૩ ‘ઉપભોક્તાવાદ ઔર ઇલેકટ્રોનિક માધ્યમો કે યુગમેં લેખન કર્મ’ નો મુક્ત અનુવાદ]
રવીન્દ્ર ત્રિપાઠી

૧૦૧.
સાહિત્યરંગી પત્રકારત્વ

સાહિત્યદૃષ્ટિ પત્રકારત્વની શત્રુ નથી. દરેક લખાણ છાપાનું કે ચોપડીનું સાહિત્યરંગી બનશે તેટલી એની ચોટ વધશે. એની માર્મિકતાને નવી ધાર ચઢશે. મારી ઈચ્છા તો રાણપુરામાં પત્રકારત્વની શાળા ખોલવાની છે પણ નાણાં નથી, સાધન નથી.

[ઊર્મિ નવરચના, એપ્રિલ, ૧૯૪૭]
ઝવેરચંદ મેઘાણી

૧૦૨.
કરકસરનો મહિમા

બ્રિટીશ સામયિકો શબ્દોની ભારે કરકસર કરતાં હોય છે. ભાષા અને શબ્દોનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા માટે ટી.એલ.એસ.(ટાઇમ્સ લિટરરી સપ્લીમેન્ટ) જાણીતું છે. પહેલાં ૭૦ વર્ષ સુધી તો ગ્રંથોના અવલોકનકારોની નામાવલિ છાપવામાં પણ તે સો ટકા કરકસર કરતું હતું. હેન્રી જેમ્સ અને વર્જિનિયા વુલ્ફ જેવી વ્યક્તિઓનાં અવલોકનો પણ તેમનાં નામ વગર છપાતાં. ટી.એલ.એસ.ના પહેલાં તંત્રી બ્રુસ રિચમંડે હેન્રી જેમ્સના લખાણમાંથી દોઢ વાક્ય પર કાતર ફેરવી તો લેખકે રિચમંડને ‘કસાઈ’ કહેલો. સ્ટેન્લી મોરીસન જેવો ટાઈપોગ્રાફર ટી.એલ.એસ. નો તંત્રી બન્યો અને સાપ્તાહિકની સિકલ બદલી નાખી.

[નવનીત-સમર્પણ, ઓગસ્ટ-૧૯૯૩ ‘યાત્રા-અંદરની અને બહારની’ લેખમાંથી]
જયેન્દ્ર ત્રિવેદી

૧૦૩.
પાયામાં સાહિત્ય

જ્યાં સુધી ગુજરાતના તરુણ ચિત્રકારો સાહિત્યનો અભ્યાસ નહીં વધારે ત્યાં સુધી તેમના હાથથી ઘડાતી મૂર્તિઓ સાંગોપાંગ શુદ્ધ છતાં નિર્જીવ રહેશે. ચિત્રકલા, શિલ્પકલા, અભિનયકલા કે સંગીતકલા એ સર્વનો પાયો સાહિત્ય છે. બંગાળના ચિત્રકારો જે અદ્‌ભુત દર્શન કરાવી રહ્યા છે તેનું એક કારણ તેમનો સાહિત્યસંગ છે. આપણે ત્યાં કોઈપણ ઊગતો ચિત્રકાર નવચેતન કે ગુજરાતના પાનાથી વધારે આગળ વધવાનો સંભવ નથી કારણ કે સાહિત્યના તદ્દન અભ્યાસ વિના તે શાસ્રીય ગૂંચો ઉકેલવામાં જ ચિત્રકળાની અવધિ સમજે છે. આવી ચિત્રકળા નિર્જીવ ફોટોગ્રાફી કરતાં વધારે માનને લાયક નથી.

[‘સાહિત્ય’, અંક : ૮, ૧૮૨૭ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’ નામના લેખમાંથી]
ધૂમકેતુ

૧૦૪.
વસંતની પ્રેરકતા

વસંત પ્રકટ થયું તે પૂર્વે અંગ્રેજીમાં કેળવાયેલો મોટો વર્ગ ગુજરાતી લેખન અને ગુજરાતી સાહિત્યના અભ્યાસ પ્રતિ બહુ બહુ બેદરકાર અને બેકદર રહેલો. સામાન્ય વાતચીત અને પત્રવ્યવહારમાં પણ રાજભાષાનો ઉપયોગ થતો. આ પરિસ્થિતિમાં વિપરિત અને અનિષ્ટ હતી. ઇંગ્રેજી કેળવણીની શરૂઆત કરી ત્યારે સર ચાર્લસ વુડે તેના ખાતરીમાં ચોખ્ખું માગી લીધેલું કે, આ નવીન કેળવયેલો વર્ગ પોતાને પ્રાપ્ત થયેલો પાશ્ચાત્ય જ્ઞાન અને વિદ્યાનો લાભ પોતાના અન્ય બંધુઓને માતૃભાષામાં ઉતારી આપશે. પણ એ આશા નિષ્ફળ નિવડેલી અને તેથી સર જેમ્સ પીલે તે વિશે ઉલ્લેખ કરતાં એ માતૃભાષાની અવગણનાને ‘સ્વદેશાભિમાનની ખામી’ છે એવું જણાવેલું. પ્રિ. ધ્રુવે એ ‘હૃદયવેધક’ શબ્દો ખરા છે એમ ‘વસન્ત’ ના પ્રથમ અંકમાં તેના ઉદ્દેશ, નામ તથા સૂત્રમાં લખતાં સ્વીકારેલું પણ તે પછી પરિસ્થિતિ સુધરી ગઈ છે અને અત્યારે સંખ્યાબંધ ગ્રેજ્યુએટો જુદીજુદી રીતે અને જુદાંજુદાં ક્ષેત્રોમાં પોતાના અભ્યાસ અને જ્ઞાનનો લાભ ગુજરાતી દ્વારા ગુજરાતી પ્રજાને આપી રહ્યાં છે અને એ રૂડું ચિહ્‌ન પણ તેને ઉત્તેજન આપી, બહાર આણી અન પોષવાનો યશ ખરું કહીએ તો વસ્નતના તંત્રીને ઘટે છે. વસન્તનાં બધાં પુસ્તકો જોઈ જાઓ. તેમાંથી અનેક પદવીદરોનાં નામો મળી આવશે તેમાંનાં કેટલાંક નામો તો એવાં મળી આવશે કે જેમની વિદ્વતાનો લાભ આપણને પ્રિ. ધ્રુવને લીધે જ મળી શક્યો છે કેટલાંક તો એવાં નામો મળી આવશે જેમણે કદી ગુજરાતીમાં પૂર્વે લખ્યું-વિચાર્યું નહીં હોય પણ તેઓએ ‘વસન્ત’ ખાતર વિજ્ઞાન અને અર્થશાસ્રના વિષય પર ગુજરાતીમાં લખવા પ્રયાસ કરેલો અને તેથી શરૂઆતમાં એવી એક સામાન્ય માન્યતા, ભ્રમ ફેલાયેલો કે એમાં તો માત્ર ગ્રેજ્યુએટોના જ લેખો લેવાય છે. એ ગ્રેજ્યુએટોનું માસિક છે. ખાસ કરીને સ્વ. ઉત્તમલાલ ત્રિવેદી અને નરસિંહરાવની કલમપ્રસાદી જે આટલા મોટા પ્રમાણમાં આપણને મળી તે પણ પ્રિ. ધ્રુવના અંગત સંબંધને આભારી છે. એટલે કે ગુર્જર યુવકોને ગુજરાતીમાં લખવા-દોરવાને અને તે પ્રતિ ખેંચવાને વસન્તની સેવા બેશક કિમતી કહી શકાય. અને ગુજરાતી સાહિત્યમાં અત્યારે જે ભરાવો થયો છે, જે વિવિધતા આવી છે, જે નવીનતા પ્રાપ્ત થઈ છે, જે સંગીનતા નજરે પડે છે એમાં ‘વસન્ત’નો ફાળો નાનોસૂનો નથી જ.

[વસન્ત ‘રજત મહોત્સવ સ્મારક ગ્રંથ’, ૧૯૨૭ પૃ. ૬]
હીરાલાલ પારેખ

૧૦૫.
અશુદ્ધ જોડણી, અશુદ્ધ મરોડ

આપણાં વર્તમાનપત્રોના સંચાલકોનો આપણી ભાષાના વિકાસમાં સહકાર મેળવવા પરિષદે બનતો પ્રયત્ન કરવો જોઈએ. પારસી વર્તમાનપત્રોની વાત બાજુએ રાખતાં હજુ આપણાં દૈનિકો શુદ્ધ ગુજરાતી ભાષા છાપી શકતાં નથી. આપણી વિદ્યાપીઠનો જોડણીકોશ યુનિવર્સિટીએ પણ માન્ય રાખ્યો છે છતાં જોડણીના વિષયમાં હજી ઘણી અરાજકતા ચાલે છે. આપણાં દૈનિકોના તંત્રીઓ મન પર લે તો આ કંઈ મુશ્કેલીની વાત નથી પણ હજીપણ અશુદ્ધ જોડણી ને અશુદ્ધ મરોડ સાથેની ગુજરાતી ભાષા વર્તમાનપત્રોના હજારો વાચકો રોજ ને રોજ વાંચ્યા કરે તો તેની ભાષા સુધારવાની આશા પડે નહીં. અંગ્રેજી પત્રોના મુકાબલે માણસોનો ને બીબાં ગોઠવનારાઓનો વાંક કાઢીને અશુદ્ધ જોડણી ને અશુદ્ધ ભાષા છાપ્યાં જ કરે છે. તે તેમને કોઈ રીતે શોભાસ્પદ નથી.

[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧૪ થી ૨૭, ૧૯૭૪ પૃ. ૬૩]
ખબરદાર

૧૦૬.
સારા લેખોની અછત, પૂરતા ગ્રાહકોની અછત

ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઈતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ એટલું ઉત્તેજન આપ્યું નથી. વસન્ત, સુંદરી સુબોધ સાહિત્ય, ગુજરાતી, માનસી જેવાં સામયિકો ગ્રાહકોની ન્યૂનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ એટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે. સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધરણ લેખો પણ પ્રકટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે.

[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’ ૧૯૭૪ પૃ. ૧૩૯]
હરસિદ્ધભાઈ દિવેટીઆ

૧૦૭.
બંકીમચંદ્રનું બંગદર્શન

સાહિત્યિક આંદોલન દ્વારા બંગાભાષી લોકોની વિચારશક્તિને પ્રોત્સાહિત કરવાનું અને એ રીતે એક સાંસ્કૃતિક પુનઃજાગૃતિનું નિર્માણ કરવાનું આ લક્ષ્યને નજરમાં રાખીને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે ‘બંગદર્શન’ નામના માસિકનો આરંભ કર્યો. તેમનાં મોટાભાગનાં લખાણો આ માસિકના પૃષ્ઠો પર પહેલવહેલાં પ્રકટ થયાં હતાં. આ લખાણોમાં નવલકથાઓ, નવલિકાઓ, હાસ્યપરક રેખાચિત્રો, ઐતિહાસિક અને વિવિધ નિબંધો, માહિતીપૂર્ણ લેખો, ધાર્મિક પ્રવચનો, સાહિત્યિક વિવેચનો અને પુસ્તકોનો અવલોકનનો સમાવેશ થાય છે. ‘વિષવૃક્ષ’(૧૮૭૩) ‘બંગદર્શન’માં હપ્તાવાર પ્રકટ થનારી એમની પહેલી નવલકથા હતી.

[‘બંગાળી સાહિત્યના ઈતિહાસની’ રૂપરેખા, પૃ.૨૪૪]
સુકુમાર સેન

૧૦૮.
માંહોમાંહ સ્પર્ધા ન કરો

માસિકોનું કાર્યક્ષેત્ર આપણા જીવનની પેઠે વ્યાપક અને સર્વદેશીય હોવું જોઈએ પણ આટલું જવાબદારીનું કાર્ય એક માસિકથી ન જ બની શકે. તેને યોગ્ય અને પૂરતો ન્યાય આપવાને સંખ્યાબંધ માસિકો જોઈએ, બની શકે તો વિષયવાર માસિકો નીકળવાં જોઈએ, નહિ તો જે માસિક પ્રસિદ્ધ થતાં હોય તેઓ માંહોમાંહ સ્પર્ધામાં નહિ ઊતરતાં જે-તે અમુક વિષયને પ્રાધાન્ય આપી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એ પણ હિતાવહ છે.

[બુદ્ધિપ્રકાશ, નવેમ્બર, ૧૯૨૪]
હીરાલાલ પારેખ

૧૦૯.
સાહિત્યમાં ઉઠાંતરી રોકવાના ઉપાયો

છેતરપિંડીનો એક પ્રકાર એ છે કે એક ને એક લેખ ત્રણ-ચાર માસિકોમાં સાથે જ ધકેલી દેવો. પરિણામમાં એક જ મહિનામાં બે-ત્રણ ઠેકાણે તમે એ ને એ લેખ વાંચી શકો. દા.ત., અમારા ગયા અંકમાંનો ગજાનન પાઠકનો ‘કળા’ ઉપરનો નિબંધ. અધિપતિને જરાકે વહેમ પડે કે વસ્તુ અવનવું છે, ગૂંથણી પરદેશી કે જૂની છે, અગર વસ્તુમાં એવી વિશેષતા પ્રતિભા ને સંસ્કાર છેકે એ સામાન્ય લેખકનું કામ ન હોય – તો એણે લેખકને સીધું જ પૂછવાનો આગ્રહ રાખવો. એક લખનારે એક વાતને ઐતિહાસિક કહી. અમને વહેમ પડતાં પુછાવ્યું તો કહે કે પાત્રો ઐતિહાસિક પણ વાત કપોળકલ્પિત! દરેક અધિપતિએ દરેક લેખકને પૂછવું જોઈએ કે એનો આ લેખ બીજે ક્યાંય પ્રસિદ્ધ થયો છે કે કેમ? છેલ્લો મત જાહેરમત કેળવવાનો અને સબળ બનાવવાનો છે. ચોરટિયાં લખાણોને જરાકે ઉત્તેજન વાંચનારી આલમે ન આપવું જોઈએ. સારા ને બહુશ્રુત વાચકોએ એમનું પોલ ઉઘાડું પાડવું જોઈએ.

[સાહિત્ય, અંક : ૮, ૬૩]
મટુભાઈ કાંટાવાળા

૧૧૦.
ઠાકોરની શિખામણ ઝાંપા લગી!

સાક્ષરે છાપામાં અખબારી ઢબની કતારો સાહિત્યના વિષયોની વારંવાર, નિયમબદ્ધ રીતે લખવી જોઈએ નહિ, કેમકે એથી શક્તિ વેડફાય છે ને શૈલી બગડે છે – આવો તેમનો (બ. ક. ઠાકોરનો) આધીન મત. તેથી હું ‘સંસ્કારમુકુર’ મથાળે મુંબઈના સાપ્તાહિક ગુજરાતીમાં સાહિત્ય તથા આનુષંગિક વિષયો પર દર અઠવાડિયે લખતો એ તેમને પસંદ નહોતું. એ કહેતા : ‘Why do yo waste your energy on that ephemeral thing? You are certainly capable of better things.’ એ જ પત્રના સહતંત્રી હતા એ સ્વ. અંબાલાલ જાની અસામાન્ય સંશોધક હતા તે પણ મારી જેમ ન કરવાનું કરે છે એમ બલુભાઈને લાગતું.

[‘હીરા અને પન્ના’, ૧૯૮૪, પૃ. ૨૩૪-૩૫]
વિજયરાય વૈદ્ય

૧૧૧.
કાંધ પડે તો પડવા દો

ગુજરાતમાં અનેક સામયિકો શરૂ થયાં છે પણ માંડ ભાંખોડિયાં ભરતાં થાય ન થાય ત્યાં તો કાળના પ્રવાહમાં વિલીન થઈ ગયાં છે. ગુજરાતમાં જ શા માટે? પરદેશમાં પણ સ્પષ્ટ ઉદ્દેશવાલાં ગંભીર વિવેચનાત્મક સામયિકો ઝાઝાં ચાલતાં નથી–એવી ફરિયાદ લીવીસે (એફ. આર. લીવિસ) Scrutiny ના પહેલા જ અંકમાં કરી છે. આ પરિસ્થિતિમાં સંસ્કૃતિ જેવું માસિક એક પચ્ચીસી ભાળે એને એક આશ્ચર્ય જ ગણવું જોઈએ. સંસ્કૃતિના બીજા જ અંકમાં શ્રી નાટ્યચરે સંસ્કૃતિના તંત્રીમહાશયને લખેલું : ‘આપે નવું માસિક કાઢ્યું : સારું કર્યું! ગુજરાતમાં પ્રતિષ્ઠિત એવા એક સાક્ષરે ગુજરાતમાં પ્રસિદ્ધ થયેલા એવા એક માસિકના હાલ નિવૃત્ત તંત્રીને માસિક કાઢતી વખતે કહેલું કે ‘કાંધ પડશે, કાંધ! પણ હવે કાઢ્યું છે તો કાંધ પડવા દો! હું યે કહું છું : ‘અસંજાત કિણસ્કન્ધ સુખં સ્વપિતિ ગૌર્ગલિઃ

૧૧૨.
સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ

ગુજરાતના દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રૈમાસિકનો ઇતિહાસ લખવા બેસીએ તો એક પુસ્તક રચાય એટલી વસ્તુ છે. બીજા યુગમાં ગુજરાતીના તંત્રી ઈચ્છારામ સૂર્યરામે, પ્રજાબંધુ’ એ અને ગુજરાતી પંચે ઐતિહાસિક અને સાંસારિક નવચેતનનું બહોળું સાહિત્ય ઉત્પન્ન કર્યું છે. માસિક, ત્રૈમાસિકોએ સાહિત્ય, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિશાખાઓમાં કરેલી સેવા જાણીતી છે. પ્રથમ યુગમાં બુદ્ધિપ્રકાશ, બુદ્ધિવર્ધક, વિજ્ઞાનવિલાસે બુદ્ધિનો પ્રકાશ કરવા માંડ્યો. આ સાંકડી કર્તવ્યભાવનાને બીજા યુગમાં પ્રિયંવદા, સુદર્શન અને જ્ઞાનસુધાએ વિસ્તારી. ત્રીજા યુગમાં સુદર્શન અને જ્ઞાનસુધાના વિવાદથી તટસ્થ એવો સાહિત્યસેવાનો માર્ગ સમાલોચકે લીધો. જતે દહાડે વીસમી સદીએ પશ્ચિમનાં લોકપ્રિય માસિકોની ઢબનો ગુજરાતને પરિચય કરાવ્યો, અને અત્યારે ગુજરાતી આશાનાં અસંખ્ય કિરણો ગુજરાત, શારદા, નવચેતન, સાહિત્ય, પ્રસ્થાન, કૌમુદી આદિ માસિકોમાંથી સમસ્ત ગુજરાતમાં પ્રસરી રહ્યાં છે. આ ત્રીજા યુગનું એક ખાસ લક્ષણ છે. સાઠીના ત્રણ યુગોનું લાક્ષણિક સ્વરૂપ તપાસીએ તો પ્રથમ યુગ અંગ્રેજી કેળવણીથી પ્રાપ્ત થયેલી સામન્ય વિદ્યા અને માહિતીનો, બીજો ધર્મ અને તત્ત્વજ્ઞાનનો અને ત્રીજો સાહિત્ય અને કાલનો વિશેષરૂપે માસિકોમાં જોવામાં આવશે.

[‘પરિષદ પ્રમુખનાં ભાષણો’, ૧ થી ૧૩ (૧૯૪૧) પૃ. ૩૯૩]
આનંદશંકર ધ્રુવ

૧૧૩.
ગ્રેજ્યુએટોની શક્તિને ઓળખો

આપણા પુસ્તકપ્રકાશકો અને છાપખાનાંના અધિપતિઓ સેંકડો પુસ્તકો માત્ર નફો કરવાના જ ઉદ્દેશથી અર્ધદગ્ધ લેખકોને હાથે રચાવી પ્રજા ઉપર ફેંકે છે અને એ જ રીતે આપણા નાટક કંપનીના માલિકો પણ સ્વાર્થ ખાતર લોકરુચિને ભ્રષ્ટ કરે છે. આ સ્થિતિનો પ્રતિકાર – ગ્રેડ્યુએટો સાક્ષરજીવનમાં વ્યવસ્થિત જીવન જૂવે અને સાહિત્ય પ્રકાશકો અને સંવર્ધક સંસ્થાઓ એમને સત્કાર આપે, તો જ થાય. ગ્રેજ્યુએટ નિર્માલ્ય છે અને આ કાર્યમાં દેશને ઉપયોગી થાય એવા નથી એમ હું માની શકતો નથી. આપણાં વર્તમાનપત્રોની ઓફિસમાં સાધારણ જ્ઞાનથી કામ કરતા ઘણા અંડર ગ્રેડ્યુએટ્‌સ છે. તેઓ કેમ કરતા કરતા પોતાની શક્તિ બહાર દાખવી શક્યા છે અને ગુજરાતી, પ્રજાબંધુ, ગુજરાતી પંચ વગેરે વર્તમાનપત્રોએ એ વર્ગ દ્વારા સાહિત્યની ઘણી સેવા કરી છે તો તે જ પ્રમાણે સર્વ વર્તમાનપત્રો અને માસિકો ગ્રેજ્યુએટોની શક્તિને બહાર લાવવામાં કાંઈક પગલાં ન ભરી શકે?

[‘કાવ્યતત્ત્વ વિચાર’, (૧૯૪૭) પૃ. ૯૨]
આનંદશંકર ધ્રુવ

૧૧૪.
સબ બંદરકે વેપારી!

વીસમી સદીની ઑફિસ ખોજાગલીમાં, છપાય કોટમાં ને પૂઠાં ભાયખલે તૈયાર થાય! આ બધા પર ધ્યાન રાખવા માટે મિયાંને ચારે તરફ દોડાદોડી કરવી પડતી. અધૂરામાં પૂરું એમની તબિયત અતિશય નાજૂક હતી. એવી તબિયતમાં પેદર રોડના આલીશાન બંગલાની મોજમાં ઊછરેલા એ ગર્ભશ્રીમંત યુવાનને મજૂરની પેઠે દોડધામ અને ધમાલ કરવી પડતી. નવા આવેલા લેખો તે ઘણે ભાગે ટ્રામમાં જ સુધારતા. વીસમી સદીના ટેબલ પર બેસી અધિપતિનું કામ એ જ કરે, અને ફોટોગ્રાફરને ત્યાં જઈ ઉઘરાણી પણ એ જ કરે. બ્લોક મેકરને ત્યાં પણ પોતે જ દોડે અને કાગળ કે શાહીની ખરીદી પણ જાતે જ કરી લાવે. કંપોઝિટરના ટેબલ પર બેસી પ્રૂફ પણ પોતે જ તપાસે અને પ્રેસમાં વખતે અધવચ મેટર ખૂટતું હોય અને કાગળ વધી પડતો હોય તો ત્યાં ઊભા ઊભા કે કંપોઝિટરના ઉંચા સ્ટૂલ ઉપર ચડી બેસી એકાદ નવા લેખનો તરજૂમો પણ એ જ કરી નાંખે.

[‘હાજી સ્મરાક ગ્રંથ’, પૃ. ૯]
મસ્તફકીર

૧૧૫.
સદ્ય અનુવાદની શક્તિ

‘વીસમી સદી’માંના લેખો અને વાર્તાઓ જે હિંદી કે મરાઠી પરથી અનુવાદ છે તેમાંના ઘણા ખરા કંઈ પુસ્તકોમાંથી અનુવાદ કરેલા નથી પણ મૂળ ઉત્પાદકને મોઢેથી સાંભળીને અનુવાદ કરેલા છે. વિશ્વંભરનાથ જજ્જા હાજીની મંડળીમાં હિંદી વાર્તા મોઢેથી ચટચટ બોલતા જાય અને મિયાં તેનો પરબારો અનુવાદ ગુજરાતીમાં ઝપાટાબંધ લખતા જાય. ‘ઘુંઘટવાલી’ વગેરે કથાઓ આમ લખાયેલી. હરિશ્ચંદ્ર તાલચેરકર અમેરિકા જઈ આવ્યા. ત્યાંની નવીન સંસ્થાઓ અને બાબતોનો અહેવાલ વીસમી સદીમાં કેવી રીતે આવ્યો તે જાણવું રસપ્રદ છે. મરાઠી માસિક માટે એક બાજુ તાલચેરકર સાહેબ મ્હોડેથી બોલી મરાઠીમાં લખાવતા જાય અને બીજી બાજુ હાજી સદી માટે તેનો ગુજરાતી અનુવાદ સાથોસાથ જ સાંભળીને કરતા જાય! મિયાંની વિનંતીથી સાક્ષરવર્ય નરસિંહરાવ હકાર વગરની અચ્છી વાર્તા લખી શકે.

[‘હાજી સ્મારક’, પૃ. ૧૩]
મસ્તફકીર

૧૧૬.
સામયિકનું પરમ સદ્‌ભાગ્ય કે...

સાહિત્ય જેવા માત્ર સર્જનાત્મક સાહિત્યના સામયિકના તંત્રીઓનાં અનેક સદ્‌ભાગ્યો હોય છે. સમકાલીન સાહિત્યનાં, સરજાતા સાહિત્યનાં કેટલાંક લખાણો અથવા પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય પણ પોતે એનો સ્વીકાર ન કર્યો હોય એવાં કેટલાંક લખાણો અન્યત્ર, અન્ય સામયિકોમાં પ્રગટ થાય ત્યારે એ લખાણોના દૂરથી સાક્ષી થવું, પોતાને પ્રસિદ્ધિ અર્થે પ્રાપ્ત થયાં હોય અને પોતે એનો સ્વીકાર કર્યો હોય એવાં લખાણો પોતાના સામયિકમાં પ્રસિદ્ધ થાય ત્યારે ભાવકોના તથા કેટલાંક અન્ય સામયિકોના તંત્રીઓના અનુકૂળ તેમજ પ્રતિકૂળ પ્રતિભાવોના તટસ્થતાથી સાક્ષી થવું. વળી જેની સહી પણ હજુ સુકાઈ ન હોય એવાં લખાણોના પ્રથમ વાચક થવું એ માત્ર સદ્‌ભાગ્ય નથી, એ તો એક વિશેષાધિકાર છે – બલકે અનન્યાધિકાર છે, એકવ્યક્તિ-અધિકાર છે. પણ આવા સામયિકના આયુષ્યના અંતે ભરતવાક્યમાં નોંધવું કે : ‘ આ મહાન સર્જક અથવા આ-આ મહાન સર્જકોનું પ્રથમ લખાણ આ સામયિકમાં પ્રગટ થયું હતું–એ આ સદ્‌ભાગ્યોનું સદ્‌ભાગ્ય છે, શ્રેષ્ઠ સદ્‌ભાગ્ય છે, પરમ સદ્‌ભાગ્ય છે.

[સાહિત્ય, ઑક્ટોબર-ડિસેમ્બર, ૧૯૭૯]
નિરંજન ભગત

૧૧૭.
આકરું બોલવાની સજા!

કૃષ્ણલાલ ઝવેરીના ‘માઈલસ્ટોન્સ ઈન ગુજરાતી લિટરેચર’ અંગ્રેજી પુસ્તક માટે માતૃભાષોદ્ધારના પવને ૧૯૨૫–૨૬ના કૌમુદી માં ચતુરભાઈ પટેલ જેવા નવોદિતે સવાલ ઉઠાવેલો કે ગુજરાતી કર્તા ઝવેરીએ ગુજરાતીમાં પુસ્તક કેમ ન લખ્યું? એટલાં સારું જ ને કે પેલી પારકી જણી અંગ્રેજી દ્વારા પોતે કીર્તિ કેરાં કોટડાં બાંધી શકે? એક જ પુસ્તકના નામ પર શ્લેષ કરીને ૧૯૩૨ કે ૩૩ ના કૌમુદીમાં ધૂમકેતુએ વળી એમાં (રસ નહીં પણ) પથરા (સ્ટોન્સ) ભર્યા છે એમ કહી નાંખ્યું હતું અને મારા તંત્રીપણા હેઠળ થયેલા આ બે (હવે લાગે છે એમ) અપરાધ ઓછા હોય એમ મેં પંડે એ વડીલ મુરબ્બીના ‘પ્રેઝંટ સ્ટે’વાળાં ઠક્કર વ્યાખ્યાનો વિશે ‘એમાં કંઈ નવું નથી. વ્યાખ્યાનકારની ઊંચી પ્રતિષ્ઠાને શોભે એવું નથી’ વગેરે કૌમુદીમાં જ ભરડી દીધું, એથી એમની સંસ્થા ફાર્બસ્‌ સભાના ઉપમંત્રી (અંબાલાલ બુ. જાની) થકી પ્રકાશનો અવલોકનો માટે એક બે વર્ષ મળ્યાં નહીં.

[‘નીલમ અને પોખરાજ’ (૧૯૬૨) પૃ. ૮૮]
વિજયરાય વૈદ્ય

૧૧૮.
હું હવે વિવેચક કહેવાયો

નિષ્ફળ સર્જક વિવેચન તરફ વળ્યો એમ પણ કહેવાય. પછી તો અધ્યાપક થયો એટલે વિવેચન કંઈક વ્યવસ્થિત બન્યું. નરસિંહરાવ અને આનંદશંકરે જે દિશા બતાવેલી તે દિશાએ જવાનું મન વર્ડઝ્‌વર્થ, કૉલરિજ, હેઝલીટ, થેકરે સેઈન્ટીબરી વગેરેથી વધુ ને વધુ થયું અને તેને વિજયરાયનું પ્રોત્સાહન અને કૌમુદી–માનસીનું ઘર મળી ગયું. હું હવે વિવેચક કહેવાયો.

[‘દ્રુમપર્ણ’ (૧૯૮૨) પૃ. ૪]
વિષ્ણુપ્રસાદ દ્વિવેદી

૧૧૯.
તીખા તમતમતા લેખો!

ગુજરાત નવા નવા લેખો ને ચિત્રોથી આકર્ષક બનતું હતું. આજે પણ એ અંકો રસથી વાંચી શકાય એમ છે. બટુભાઈ ઉમરવાડિયાએ ‘સુંદરરામ ત્રિપાઠી’ના ઉપનામથી ‘આપણા કેટલાક મહાજનો’ની તીખી તમતમતી લેખાવલી લખી. પહેલા લેખમાં પ્રચલિત ગાંધીભક્તિ ઘવાય એ રીતે ગાંધીજીના ચારિત્ર્યનું પૃથક્કરણ કર્યું. નાનાલાલ ને આનંદશંકર વિશે પણ સખ્ત લખ્યું. મારી પણ ઝાટકણી કાઢી. એ લેખાવલીને કારણે દુશ્મનો ઘણા થયા છતાં ગુજરાતી ગદ્યમાં એ લેખાવલી નિરીક્ષણશક્તિ અને સચોટ આક્ષેપાત્મક શૈલીનો સુંદર નમૂનો છે.

[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, (૧૯૫૩) પૃ. ૩૬૬]
ક. મા. મુનશી

૧૨૦.
વાચકનું ભાગ્ય

અત્યારે તો વાંચનારનો એક વર્ગ છાપાંઓ ઉપજાવી શકે તેવી રસિકતામાં, તો બીજો (ગુજરાત, નવચેતન જેવાં) વાર્તામાસિકોની મીઠી મોહિનીમાં, તો ત્રીજો (વસન્ત જેવા અચિત્ર લેખ–માસિકોની ભારેખમ શુષ્કતામાં તો ચોથો (નારાયણ ઠક્કુર તથા ‘નીલમ અને માણેક’વાળા દેલવાડાકરના જેવા) અશિષ્ટ ગ્રંથોના કામણગારા રંગરાગમાં તો પાંચમો (નરસિંહરાવ, આણંદશંકર આદિ) કાલાતીત શિષ્ટ લેખકોના અમર્યાદિત સેવનમાં કાલનિર્ગમન કરે છે ને પોતપોતાના સાહિત્ય અવતારની ધન્યતા તેમાં માને છે.

[કૌમુદી, અંક : ૧, ૧૯૨૪]
વિજયરાય વૈદ્ય

૧૨૧.
નવા લેખકને ઓળખો

છોટાલાલ જાગીરદારના ફૂલસ્કેપ કાગળોનો પેન્સિલથી લખેલો થોકડો હાજીએ મારા હાથમાં સોંપીને એનાં ચિત્રો કરવાનું કહ્યું ત્યારે આ લેખક બિલકુલ અજાણ્યા હતા. હાજીએ કહેલું : ‘લખનાર ગમે તે હોય, મારી ખાતરી થઈ છે કે એની કલમમાં આબાદ અસર કરવાની શક્તિ છે. કંઈક સંક્ષોભથી આ કામ મેં હાથમાં લીધું પરંતુ એ પછી તો ફઈબાનું પાત્ર મુંબઈમાં એવું લોકપ્રિય થઈ પડેલું કે લેખકને એ લેખ ધાર્યા કરતા ત્રણ ગણો લાંબો કરવો પડ્યો.

[કુમાર, શ્રાવણ ૧૯૩૪ ‘મારી નજરે’ લેખમાળા]
રવિશંકર રાવળ

૧૨૨.
તંત્રીની ઉઘરાણી!

વસ્તુસ્થિતિ વિકરાળ બની. મોંઘવારી બધે વધી પણ આર્ટપેપર અને બ્લોક્સ માટેનાં ઝિંક અને કેમિકલ્સ તો દશ દશ ગણા ઉછાળા ખાધા. નાણાંભીડ વધી અને છેવટે કોકડું એવું તો ગૂંચવાયું કે તેમાંથી ઉકેલ-માર્ગ અસંભવિત બન્યો. નાણાંની ભીડને લીધે ઘણીવાર કંપોઝ કરેલા મેટરની ગેલીઓ પ્રેસ પર ચ્હડાવવાની છાપખાનાઓવાળા ના પાડી ઉઠતા! ચિત્રો છાપવામાં પણ ઘણીવાર એમ થતું. પહેલા અંકનું કવર ડીઝાઈન વિલાયતમાં છપાયું હતું. છેલ્લાનું કલકત્તામાં છપાયું હતું. જ્યારે કોઈવાર ‘હિન્દુસ્તાન’માં, ‘લક્ષ્મી આર્ટ’માં કે કોઈ બીજે ઠેકાણે છપાતું. લેખકો ઘણીવાર ધાર્યા કરતાં મોડા થતા. તેમની પૂંઠે પડવામાં હાજી બહુ ચીવટ રાખતા. એકવાર મ્હારાથી સમયસર લખાણ પ્હોંચાડાયું નહિ. એટલામાં વળી અઠવાડિયું રજા હોવાથી હું ખંડાલે ગયો. એને બીજે કે ત્રીજે દહાડે મુંબઈથી હાજી તાર પર તાર છોડવા લાગ્યા. જે વાત પત્રથી એટલા જ વખતમાં અને ૧/૪૮ જેટલા ખરચે થઈ શકે તેને માટે આ ચીવટ જોઈ અલબત્ત મ્હારે મુંબઈ આવી પહોંચ્યા સિવાય છુટકો જ નહોતો.

[‘હાજી સ્મારક ગ્રંથ’ પૃ. ૨૯-૩૦]
મસ્તફકીર

૧૨૩.
તંત્રીએ કરાવ્યો કડવો અનુભવ

ત્રિભુવન હેમાણી અને રતિલાલ ઉકાભાઈ પટેલે મળીને કરેલો લેખ ‘લેખક–પ્રકાશક વચ્ચે કરારનામું’–પ્રસ્થાનના ચૈત્ર, ૧૯૩૯માં પૃ. ૨૨૫ પર છપાયો છે તેમાં લખે છે કે : ‘લેખક પોતાનું લખાણ પ્રકાશકને વાપરવા આપે અને પ્રકાશક તેને તેના બદલ તરીકે અમુક રકમ પુરસ્કારરૂપે આપે એવું ધોરણ બુદ્ધિપ્રકાશ અને માનસી વગેરેના તંત્રીઓએ સ્વીકારેલું છે એથી ઉલટું ક્યારેક ક્યારેક પ્રકાશક તરફથી લેકનપુરસ્કાર તો બાજુએ રહ્યો પણ જે સામયિકના અમુક અંકમાં લેખકનું લખાણ પ્રકટ થવા પામ્યું હોય તે અંકને પન રીતસરની કિંમત આપીને ખરીદવાની તુંડમિજાજીનો અનુભવ કોઈકોઈ લેખકને તયો હોય એવાં દૃષ્ટાંત પણ મળી રહે છે ખરાં. પણ મને તો એથીયે વધારે કડવો અનુભવ થયો છે. માનસીના તંત્રી જ્યારે કૌમુદીના એક અંકમાં પ્રગટ થયેલી. એ ચર્ચાનો ખુલાસો લખી એ પત્રના તંત્રી વિજયરામ ઉપર તે પછીના અંકમાં પ્રકટ થવા મોકલેલો, પણ ‘અંકમાં સ્થાન નથી’ એવી દલીલ કરીને તે ખુલાસો તંત્રીશ્રીએ પાછો મોકલ્યો ‘જે પત્રમાં ચર્ચા થઈ હોય તે પત્રમાં તેનો ખુલાસો પ્રગટ કરવો જોઈએ એમાં જ તંત્રીની ન્યાયબુદ્ધિ છે, ’ વગેરે મારી અનેક દલીલો નિષ્ફળ ગઈ. છેવટે તે ખુલાસો પ્રકટ કરી શકાય–એવું તંત્રીશ્રીએ મને જણાવ્યું! મારાં તાજાં પુસ્તકની જાહેરમાં અવગણના ન થાય એ હેતુથી મેં તંત્રીશ્રીની શરત કબૂલ રાખી. અને પછી મેં શું જોયું? મારો ખુલાસો કૌમુદીના જે અંકમાં છપાયો તે અંક તંત્રીશ્રીએ મારા ઉપર રૂ. ૫નો વી. પી. કરીને મોકલ્યો. તે ઉપર વી. પી. ચાર્જના અને M.O. ચાર્જના પૈસાનો દંડ ભરીને પણ મારે મારી શરત પાળવા માટે તે અંક મારે સ્વીકારવો પડ્યો. આવો કડવો અનુભવ મને લાગે છે કે બીજા કોઈ લેખકને થયો નહિ હોય. વિજયરાયની તુંડમિજાજીએ મારા લેખ અને ખુલાસા માટે જે દંડ કર્યો તે મારે ગરજનો માર્યો ભરવો પડ્યો.

[પ્રસ્થાન, અંક : ૪, ૧૯૩૯]
નરસિંહભાઈ પટેલ

૧૨૪.
રોમાન્ટિક સ્કૂલનો આરંભ

ગુજરાતનો લેખકવૃંદ રંગબેરંગી હતો. વિજયરાય, બટુભાઈ ને શંકરપ્રસાદ હંમેશા કાંઈ ને કાંઈ લખતા. મસ્ત ફકીર ને રંજીતલાલ પંડ્યા પણ અવારનવાર લખતા. દુ. કે. શાસ્ત્રી ઐતિહાસિક લેખોથી પુરાતન ગૌરવનાં દર્શન કરાવતા. ચન્દ્રવદન મહેતાએ પણ એમનાં પહેલાં કાવ્યો ગુજરાતમાં જ પ્રકટ કર્યા. ‘કાન્ત’ પણ લખતા. પાછળથી એમનું ‘રોમન સ્વરાજ’ નાટક ‘ગુજરાત’માં જ પ્રકટ થયું હતું. અમે નવા વિષયો, નવી શૈલી, નવી દૃષ્ટિઓ મહિને મહિને રજૂ કરી ગુજરાતી સાહિત્યની ડાહી રીતિ વિચ્છેદવા લાગ્યા. ‘મારી કામચલાઉ ધર્મપત્ની’ નામની મારી નવલિકા પ્રકટ કરી ત્યારે રવિશંકર રાવળે તેનાં પોતે ચિતરેલાં ચિત્રો પર પોતાનું નામ લખવા દેવાની મને મનાઈ કરી. આમ, ગુજરાતમાં Romantic School–વિવિધરંગપ્રધાન સાહિત્ય સંપ્રદાયનો પ્રારંભ થયો.

[‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’, પૃ. ૧૭૩]
ક. મા. મુનશી

૧૨૫.
સામયિક ઉપયોગી રહ્યું છે શું?

કુમારનું વર્ષ પૂરું થાય છે ત્યારે દરેક વખતે મારા મનમાં પહેલો વિચાર એ આવે છે કે હજૂ કુમાર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ઉપયોગનું રહ્યું છે કે નહિ? એનો જવાબ શોધવાને હું બીજાં ગુજરાતી સામયિકપત્રો તરફ નજર નાખું છું ત્યારે એક જ જવાબ નીકળે છે કે એ બધા પોતપોતાની દિશામાં ઠીક સેવા કરવા છતાં કુમારની દૃષ્ટિ અને સૃષ્ટિ અનોખી જ રહી છે અને રહે છે. આથી જ કુમારનું કાર્ય ઉપાડી લેનાર બીજી કોઈ વ્યક્તિ કે માસિક ન જણાય ત્યાં સુધી તેની પાછળ થતો ખર્ચ અને લેવાતો શ્રમ મને કંઈક આશ્વાસન રૂપ લાગે છે પરંતુ વાંચનારાઓ તો આજે જીવનના ભાથારૂપ સાહિત્યને બદલે ક્ષણજીવી અને તત્કાળ પૂરતો નશો આપે એવો લેખો ખેચાઈ રહ્યા છે. તમે થોક-બંધ દીવાળીના અને ખાસ અંકો પાછળ ખર્ચાતી રકમો તથા મહેનતનો ખ્યાલ કરી જોશો તો જણાશે કે તેના બદલારૂપે આજે સમાજના માનસમાં કશું સંચલન કે ચેતન આવ્યાં નથી. વર્ષોવર્ષ ચમકારા કરતી જાહેરખબરો સાથે જે મોટા અંકો ને ચિત્રમાળાઓના હારડા આપણે સંઘર્યા કર્યા છે તેમાંથી કેટલા નંગ આજે આપણે ફરી શોભા કરવા લઈ શકીશું?

[કુમાર, માગશર, ઈ. ૧૯૩૫ ‘મારી નજરે]
રવિશંકર રાવળ

૧૨૬.
આવું કામ આપણે ત્યાં તો થાય ત્યારે ખરું

અમેરિકાના Tri-Quarterly એ કેટલાંક વર્ષ પહેલાં એક ઘણા મોટા ગજાનું કામ કરેલું. ‘The Little Magazine in America’ વિષય પર એણે એક વિશેષાંક (Fall ૧૯૭૮) આપેલો છે -- ડેમી કદનાં ૭૫૦ જેટલાં પાનાંમાં દસ્તાવેજી અને મૂલ્યાંકનલક્ષી સામગ્રી દ્વારા, એ સમયની વચ્ચે ઊપસેલી સાહિત્ય-સામયિકની સમૃદ્ધ ને લાક્ષણિક મુદ્રા એણે આલેખી આપી છે. સામયિકના સ્વરૂપનું અને એની ભૂમિકાનું વર્ણન-વિશ્લેષણ કરતા અભ્યાસલેખો; અગ્રણી સામયિકોનો ઐતિહાસિક વિકાસ અને એમનાં યોગદાન આલેખતા તેમજ તંત્રી-સંપાદકોની કેફિયત આપતા લેખો; યશસ્વી કારકિર્દી ધરાવતા સંપાદકો સાથેની જીવંત અને વિચારણીય મુલાકાતો તથા એ આખી પચીસી (૧૯૫૦–૧૯૭૮) દરમ્યાન પ્રકાશિત મહત્ત્વનાં સામયિકોની (પ્રત્યેકની તંત્ર-સંપાદન-વિષયપ્રદેશ-કાર્યપદ્ધતિ આદિની) ઐતિહાસિક ક્રમે સંક્ષિપ્ત વર્ણન-વિગતો આપતી ને એ સામયિકોનાં પૃષ્ઠસંખ્યા-ગ્રાહકસંખ્યાની તેમજ બાંધણીના પ્રકાર સુદ્ધાંની માહિતી આપતી અત્યંત સુયોજિત વિગતવાર સૂચિ – આ વિશેષાંકને સમૃદ્ધ બનાવે છે. આટલું ઉત્તમ ને વ્યાપવાળું કામ આપણે ત્યાં તો થાય ત્યારે. કેમકે આપણે ત્યાં નથી હોતી આગળનાં ઐતિહાસિક ને સંશોધનાત્મક કામોની કોઈ ઉપયોગી સ્રોતસામગ્રી, નથી હોતી આ પ્રકારનું સૂઝ-શ્રમભર્યું કામ કરવાની તૈયારી કે નથી હોતું આવું સુવ્યવસ્થિત યોજકત્વ.

[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]
રમણ સોની

૧૨૭.
વાચક પણ કડક આલોચક

મટુભાઈના સહિત્યને આમ વર્ગનું માસિક કહેવું કે સાહિત્યરસિક વર્ગનું માસિક કહેવું કે વડોદરા સેન્ટ્રલ લાયબ્રેરીનું માસિક કહેવું એનો મને વિચાર આવે છે. સાહિત્યનો મોટો પ્રચાર વડોદરાની લાયબ્રેરીઓમાં જ છે. વડોદરાની લાયબ્રેરીઓ એટલે આખા સ્ટેટની લાયબ્રેરીઓ. એવી અક્કેક લાયબ્રેરી દીઠ સાહિત્યની એક-એક નકલ જાય તોય નકલનો સારો ઉઠાવ થાય. એ ઉપરાંત કોઈ વિશાળ લાયબ્રેરીમાં એક ઉપરાંત નકલ જોઈએ એટલે એ પણ ફાયદો. સાહિત્યના કેટલાક અંકોમાં તો એટલું નિરસ લખાણ આવે છે કે લખાણોે એની કિંમત રેલવેનાં મુસાફરી માટેનાં સામયિકો જેટલી કરી નાખે છે. ક્યારેક ક્યારેક ‘ઉગતા તારા’ જેવી બેહદ ચર્ચા ઊભી કરનારા લેખો જગજીવન શી. પાઠક (યશવંત સં. પંડ્યા?) લખે. ધૂમકેતુ પણ ‘વિચાર, વાતાવરણ અને મનોદશા’માં વધુ પડતું ગંભીર લખી નાખે તો કોઈવાર ઝમકભર્યાં ચર્ચાપત્રોને લઈને મારા જેવાને સાહિત્યનો અંક ખરીદવાનું મન થઈ જાય. બાકી તો સાહિત્યનાં આગલાં વર્ષો યાદ કરું તો ‘મારી વહુ’, ‘કોની વહુ’, ‘મારો વર’, ‘કોનો વર’, જેવી જે વાર્તાઓ વાંચેલી; એવી વાર્તાઓ તો મારો અજીત પણ ધારે તો Tit Bit કે Answers કે એવાં કોઈ બીજાં અઠવાડિકોમાંથી દર અઠવાડિયે અનુમાન કરી શકે તેમ છે અને ઉસ્માનનું પ્રિય અઠવાડિક ‘બે ઘડી મોજ’ એવી વાર્તાઓને સ્થાન આપવા પણ તૈયાર છે. સાહિત્યના તંત્રી વિલાયતના એક Edward the Confessor જેવા છે. ‘અમે સર્વ કંઈ જાણી ન શકીએ.’ ‘તંત્રી બધું ધ્યાન ન રાખી શકે’ વગેરે વાતો લગભગ દરેક અંકમાં રજૂ થાય છે.

[સાહિત્ય, નવેમ્બર-૧૯૨૬]
હરિપ્રસાદ ભટ્ટ

૧૨૮.
ભાઈ, કાંક નવીન આપીએ

મેઘાણીભાઈના પત્રકારત્વનો બીજો પાયો હતો નવીનતા. દર અઠવાડિયે ‘ફૂલછાબ’માં કાંઈક નવીન મૂકવું જ જોઈએ. વિષય નવીન હોવો જોઈએ. એનું લેખન નવીન હોવું જોઈએ. એની ગોઠવણી નવીન હોવી જોઈએ. એકધારિતા તો એમને ગમતી જ નહિ. જો કોઈ જાતની લેખસામગ્રી એકધારી બે-ત્રણ અઠવાડિયાં ચાલે તો તે તરત કહેતા : ‘આને બદલીએ તો, ભાઈ? કાંઈક નવીન આપીએ.’ અમારા તંત્રીમંડળના ટાઢા કોઠાના એક ભાઈ થાકીને એક વખત હળવેથી બોલી ઊઠેલા : ‘હે ભાઈ! આ વખતે તો આપણા અંક ઉપર જ લખી નાખીએ કે : ‘આ અંક નવીન છે! તો?–આ સાંભળીને મેઘાણીભાઈ ખડખડાટ હસી પડેલા.

[‘મેઘાણી : સ્મરણમૂર્તિ’ (૧૯૮૭) પૃ. ૨૧૯]
નિરંજન વર્મા, જયમલ્લ પરમાર

૧૨૯.
દર વર્ષે અનેક સામયિકો જન્મે છે, ને અનેક મરે છે

છઠ્ઠા-સાતમા દાયકાના અમેરિકન કવિ અને સંપાદક માઇકલ એનેનિયા ત્યાંના સાહિત્ય-સામયિકોને આર્થિક સહાય આપતી સંસ્થા ‘કો-ઓર્ડિનેટિંગ કાઉન્સીલ ઑફ લિટરરી મેગેઝિન્સ’ના પ્રમુખ પણ હતા. આ સંસ્થા સરકાર અને સખાવતી સંસ્થાઓ પાસેથી ફંડ લઈને સભ્ય-સામયિકોને સહાયક બનતું સંગઠન હતું. શરત એટલી જ કે જેના ઓછામાં ઓછા ૩ અંક પ્રકાશિત થયા હોય ને જે એક વરસ સુધી ચાલતું રહ્યું હોય એ સામયિક સભ્યપદ માટે અરજી કરી શકે. પણ, માઇકલ લખે છે કે, મોટાભાગનાં સામયિકો તો ત્રણ અંક સુધી પણ પહોંચી શકતાં ન હતાં! સંપાદકે જે કંઈ પૈસા એકઠા કર્યા હોય એ તો પહેલા અંકમાં જ ખરચાઈ જતા! પછી, સંપાદકના સદ્‌ભાગ્યે ઠીકઠીક મોટું મિત્રવર્તુળ હોય ને થોડાંક લવાજમ મળ્યાં હોય તો વળી માંડ બીજો અંક ખેંચાય!

એટલે જ દર વરસે અનેક સામયિકો જન્મે છે ને મરણ પામે છે. કેટલાંક તો એટલી ઝડપથી મરે છે કે એના અસ્તિત્વની નોંધ સુધ્ધાં, અમેરિકામાં પ્રગટ થતી સામયિક યાદીઓમાં લેવાતી નથી. સી.સી.એલ.એમ. નાં સભ્ય સામયિકો ૬૦૦ જેટલાં હતાં પણ એનેનિયાની ગણતરી મુજબ, તે સમયે, આરંભાયેલાં સામયિકોની સંખ્યા ૧૫૦૦થી પણ વધારે હશે.
[એતદ્‌, ઓક્ટો-ડિસે. ૧૯૯૦; ‘સાભિપ્રાય’ ૧૯૯૮]
રમણ સોની

૧૩૦.
પોતાનું સામયિક એટલે પોતાનું!

મુનશીને કૌમુદીનો પ્રથમાંક મોકલ્યા પછી તુરત મળવા ગયો હતો. (છ માસ પહેલાં અમારાં મન બહુ ઊંચાં થયેલાં, પણ મનમેળ દરમ્યાનમાં થયેલો) તેમણે ત્રિમાસિકની મહત્ત્વાકાંક્ષી યોજના જાણ્યા-જોયા પછી (તેથી જ નવલરામ પંડ્યાની શૈલી વિશેનો તેમનો લેખ મળ્યો હતો.) વઝીર મેન્શનના બીજે માળે. મનન-નોંધમાંના શબ્દો મૂકી પૂછ્યું : ‘આમ ખોટનો ધંધો ક્યાં લગી કરશો? કે પછી હંમેશની જેમ, (મોં મલકાવી) ‘અલ્લાને આશરે? મેં કહ્યું : ‘એમ જ. એમણે તુરત જ ખીસામાંથી સો રૂપિયાની નોટ કાઢીને આપી.’ પછી તે નીચે તળમજલે લીલાબહેન પાસે જતા હતા ત્યાં મને પણ સાથે લીધો. તે મને જોઈને તુરત બોલ્યાં : ‘અરે, વિજયરાય, તમે આટલી મહેનત ‘ગુજરાત’ પાછળ લીધી હોત તો આપણે સાથે રહીને કેટલું હજુ વધુ સારું કામ કર્યું હોત?’ તે બોલી રહ્યાં કે તુરત... મુનશી : ‘એ તો સાસુનું ઘર સાસરામાં રહીને વહુ ચલાવે એ જુદું ને પોતાનું ઘર માંડે ત્યારે એથી જુદું. એમજ હોય.’

[‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૨૧]
વિજયરાય વૈદ્ય

X.
Y

૧૩૧. વિવેકની સમતુલા સાચવવી જોઈએ કોઈપણ વાચક સંપાદકન વાંચે છે ત્યારે સાથે સંપાદકને પણ વાંચતો હોય છે. એની રુચિ, એની પસંદગી, એનાં ધોરણો, એની વિચિત્રતાઓ અને વિશિષ્ટતાઓને વાચક એક સાથે સહન કરતો હોય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકય કે વાચક ઉપર સંપાદકની જોહુકમીઓ ઓછી નથી હોતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી સર્જનનો અત્યંત મંદકાળ ચાલતો હોય ત્યારે સંશોધન-વિવેચનને નામે છેક ઉપરચોટિયા લેખો તૈયાર થતા હોય ત્યારે અને લોકપ્રિય સાહિત્યની સીમાઓ ચારેબાજુથી એકદમ ધસી આવતી હોય ત્યારે ધોરણોનાં ધોવાણ વચ્ચે ધોરણો સાચવવામાં વિવેકની સમતુલાને ખાસ્સી સાચવવાની રહે છે. [પરબ, ડિસેમ્બર, ૧૯૯૬] ચંદ્રકાન્ત ટોપીવાળા

A
B

X.
Y

૧૩૨. દળદાર અંકોની દરિદ્રતા દિવાળીના વાર્ષિકોની આ ઋતુએ કંઈક સંપાદકોના માથામાં ગરમીના વાયરા ચાલુ કર્યા હશે. કાપણીના દિવસોમાં મૂલી મજૂરીની બૂમ બોલે તેમ વાર્ષિકોના દિવસોમાં લેખકોની તાણાતાણ ચાલી રહે છે. દૈનિક, સાપ્તાહિક, વર્તમાનપત્રો દિવાળીના પર્વને પોતાના સાહિત્યાંકોથી સન્માને એ તો બેશક સોહામણી પ્રથા છે. પરંતુ દળદાર અંકોની રૂઢિ પ્રજાના દીપોત્સવી થાળમાં કેટલું અપથ્ય કુપથ્ય અને કંઈ નહીં તો નીરસ ને કલાહીન વાચન પીરસી રહેલ છે તેનો વિચાર કોઈ કરે છે? વાર્ષિકોને માટે જાહેરખબરો? કે જાહેરખબરોને માટે વાર્ષિકો? વર્ષાંકો કાઢવાની પ્રથા પાછળ પ્રેરણા કઈ છે એ તપાસીએ તો ત્રાસી ઊઠશું. નાના પણ ઉદ્યમ કરીને રસવંતાં બનાવેલાં વાર્ષિકો કહેવાય છે કે આર્થિક રીતે આજે શક્ય નથી! ને મોટાં વાર્ષિકોનું જઠર તો જે કંઈ લેખન હાથમાં આવે તે વડે જ પૂરવા વગર છૂટકો નથી! મોટાં નામોની મીઠાશને માટે હવે સમય જતો લાગે છે. વાચક સમૂહને નામોના કરતાં વાચનસામગ્રીના ગુણને, એની એક-ધ્યેયતાને માગતો ન કરી શકાય? કે પછી ખરું જોતાં વાર્ષિકોનો ખરીદદાર પણ દિવાળીના ટેટા, ફટાકિયા, લવંગિયા ભંભોટિયા વગેરેની જોડે એકાદ અંક પણ ખરીદી લેવાની પ્રથાને જ ભજે છે શું? [‘પરિભ્રમણ’ : ભાગ : ૨ (૧૯૪૭) પૃ. ૯-૧૦] ઝવેરચંદ મેઘાણી

A
B

X.
Y

૧૩૩. લેખકની ચેષ્ટા, તંત્રીને ગાળ! અમો તોફાની જુવાનિયા નરસિંહરાવ જેવાની પ્રતિષ્ઠાની જાણે ઈર્ષા કરતા હોઈએ તેમ વળી, એમને સહજ પણ અમને (વિના કારણ જ, અલબત્ત) કઠતું તેમનું અતિ ગાંભીર્ય જાણે ખમાતું ન હોય એવી રીતે એમને ચીઢવવા જ અવારનવાર મૂળ નામે કે બનાવટી નામે લખતા. એ સાક્ષરોત્તમનાં ‘મનોમુકુર’ કે પછી ‘સ્મરણમુકુર’ એમ થોડા સમયને અંતરે સરખાં નામવાળાં પુસ્તકો બહાર પડ્યાં ત્યારે વળી જયન્તભાઈએ (કાન્ત પુત્ર) એમાંના પહેલાને કતરાતી આંખે જોઈને, કાપતી કલમે ‘મુકુરો-મેનિયા’ લખ્યું હતું. પરિણામે, સામા પક્ષની ગાળો તો મારે (તંત્રીએ જ) ખાવાની હતી તેમ ખાધી. [‘વિનાયકની આત્મકથા’, પૃ. ૧૩૫] વિજયરાય વૈદ્ય

A
B

X.
Y

૧૩૪.

‘મડિયા વિશેષાંક’!

અમારે ઉઠવાનો સમય થતાં રુચિના તંત્રીએ ગજવામાંથી ચેકબુક કાઢી બેઠા હતા એ બધાયના નામે એક-એક ચેક લખી દીધો. કોઈકને તો યાદ પણ ન આવ્યું કે પોતે રુચિમાં શું લખ્યું છે? રાધેશ્યામે (શર્મા) નોંધ્યું છે તેમ ક્યારેક તો આખો અંક મડિયાના લેખોથી છલકાતો હોય. મિત્રો મશ્કરી પણ કરતા. આ અંકનું નામ ‘મડિયા વિશેષાંક’ રાખો. એક અંકમાં વાચનસામગ્રી કરતાં જાહેરાતોનું પ્રમાણ બેવડું જોઈને મેં કહેલું : ‘આ તો જાહેરખબર વિશેષાંક થયો છે.’ પણ રુચિ ચલાવવું-એક સૌંદર્યલક્ષી સામયિક કહીને ચલાવવું મુશ્કેલ હતું. [‘સહરાની ભવ્યતા’ (૧૯૮૦) પૃ. ૩૪-૩૫] રઘુવીર ચૌધરી

A
B

X.
Y

૧૩૫. સાહિત્યકારોનું સિનિયોરિટી લીસ્ટ માહિતી ખાતાનો ગુજરાત દીપોત્સ્વી અંક સાહિત્યકારોનું સિનિયોરીટી લીસ્ટ પૂરું પાડતો ન હોય તે રીતે પ્રકટ થાય છે! એ લીસ્ટમાં રહી જતા કેટલાક તેમાં ઉમેરાવા ધમપછાડા પણ કરતા હોય છે! [શબ્દસૃષ્ટિ : ઑક્ટોબર-૧૯૯૯] ડંકેશ ઓઝા

A
B

X.
Y

૧૩૬. મ્હોટી મોજનો રસ! જે પત્રો સારી માઠી લાંબી લાંબી કલ્પિત વાર્તાઓ લખી પોતાનું ભરતિયું કરે, વિદ્યાના વિષયો કે સાહિત્યની ખિલવણી ઉપર કશું ધ્યાન ન આપે તો વાંચવામાં વખત વ્યર્થ શું કામ ગુમાવો છો? ‘વસંત’, ‘સમાલોચક’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘શારદા’, ‘સાહિત્ય’, ‘સ્રીબોધ’ જેવાં ચોપાનિયાં વાંચો, તેનો અભ્યાસ કરો. ગંભીરાઈથી એ કામ હાથમાં લ્યો નહિ ત્યાં સુધી તેમાંથી મળતી મ્હોટી મોજનો રસ તમને ન આવે. [વસંત ‘રજત મહોત્સવ ગ્રંથ’, પૃ. ૨૫૩] રુસ્તમ નાનાભાઈ રાણીના

A
B

X.
Y

૧૩૭. લેખકો જ વાચકો!

સુરેશભાઈ (જોશી)એ ઘણાં સામયિકો ચલાવ્યાં. માર્ક ટ્‌વેને કહેલું કે સિગારેટ છોડવી સહેલ છે, મેં સાત વાર છોડી છે. સુરેશભાઈ ઊલટાવીને કહી શકે કે સામયિક શરૂ કરવું સહેલું છે. મેં છ સામયિકો શરૂ કરેલાં. એ ચાલ્યાં નહીં એ કંઈ એમનો દોષ નથી. એકેય બંધ કરવનો નિર્ણય એમણે નહોતો કર્યો. પણ આ પ્રકારનાં સામયિકોમાં લેખકો જ વાચકો હોય છે – અમુક રમતોના પ્રેક્ષકો ખેલાડીઓ જ હોય છે તેમ. એકવાર સુરેશભાઈ ફરિયાદ કરતા હતા – એતદ્‌માં રસિકભાઈ ને જયંત પારેખ લખતા નથી. મને પૂછવાનું મન થયેલું : ‘વાંચતા હશે ખરા? કદાચ વાંચતા તો હશે જ. આ નહીં તો બીજું, એમને એ પણ ખાતરી હશે કે એતદ્‌  બંધ થશે તો બીજું સામયિક શરૂ કરવાનું આવશે જ. ભલે આખી દુનિયા એમની લાગણી દુભવે પણ આ બે જણા તો એમની સાથે જ રહેશે.

[‘સહરાની ભવ્યતા’, પૃ. ૨૧૨] રઘુવીર ચૌધરી

A
B

X.
Y

૧૩૮. ડાંડિયાના ડાંડિયા ઊછળતા... ડાંડિયાનો ખ્યાલ આપવા માટે તેને હાલની ‘પોલપત્રિકાઓ’ કે ‘પીળી પત્રીકાઓ’ (Yellow Press) સાથે સરખાવવામાં આવે તો તે તો અઘટિત. ડાંડિયો ટીકાઓ કડક અને ગ્રામ્ય બોલીમાં કરતો પરંતુ અંગત ખાર કે વિરોધ માટે અથવા ગલીચ શોખી લોકના દોઢિયાંથી પોતાનું ખીસું ભરાય એવી દાનતે મુદ્દલ નહીં; જાહેર ન્યાયાન્યાય અને હિતાહિતના વિષયોમાં તેમ સામાજિક બદીઓ સામે જ એના ડાંડિયા ઊછળતા. [‘વિવિધ વ્યાખ્યાનો’–ગુચ્છ : ૨ (૧૯૪૮)પૃ. ૧૮-૧૯]

બળવંતરાય ક. ઠાકોર
A
B

X.
Y

૧૩૯. કવિતાનાં સામયિકો : જમે-ઉધાર! Our intellectual marines, stvnding in little magazines, capture a trend – Auden કવિતા, કવિલોક, મંજરી, પલાશ, મિલન, સંદર્ભ, રે, શબ્દ – માત્ર કવિતાને વરેલાં સામયિકોની સંખ્યા દિનપ્રતિદિન વધતી રહી છે ત્યારે એમના કાર્યની નોંધ લેવાનું જરૂરી બને છે. આ બધામાં કવિલોક વડીલ પણ એમાં પ્રકટ થતાં કાવ્યો માટે to capture a trend આજ સુધી શક્ય બન્યું નથી. મળ્યાં અને ઠીક લાગ્યાં તે કાવ્યો પ્રકટ કરીને એણે નિયમિતતા જાળવી રાખી છે. કવિઓ અને કાવ્યગ્રંથોનો પરિચય આપવાની જે શ્રેણી એણે મને કે કમને ચલાવી એની સાર્થકતા પુરવાર થઈ શકી નથી. સંપાદક બદલાયા પછી કાવ્ય કરતાં કાવ્યવિવેચન તરફ ઝોક વધ્યો છે અને સાથે જ કવિતાની બાબતમાં Two Cities બનવાની શક્યતાઓ પણ વધી છે. સંદર્ભ પોતાનો દાવો વધુ પડતો રજૂ કરે કે Surrealism નું પાટિયું મારીને ફરે એમાં આપણને વાંધો ન હોય. એની સભાનતા ગમે એવી છે પરંતુ પ્રત્યેક કાવ્ય પર વિચારો રજૂ કરવાના ઉપક્રમથી શું સિદ્ધ થયું તે પ્રશ્ન છે. વહેતા પ્રવાહના કાંઠા ખોતરવાનું રે જેટલી મગદૂરીથી ભાગ્યે જ કોઈ સામયિક કરી શક્યું હોત! Lionel Trilling આપણા સમયને Mechanical Literacyનો સમય કહીને ઓળખાવે છે. શિક્ષિત સમુદાય અને સાચા સાહિત્યપદાર્થ વચ્ચે અંતર વધતું ગયું છે. શિક્ષણ વ્યાપક થયું છે. સાહિત્યનાં સામયિકોની સંખ્યામાં વધારો થયો છે પણ તેથી સાહિત્યસૂઝ વધુ વ્યાપક થઈ છે એવું સમીકરણ માંડી નહીં શકાય એટલે જાહેરાત ઓઢીને છાતી કાઢીને ફરતાં સામયિકોની વચ્ચે શબ્દેશબ્દ તોળીને બોલતાં પતાકડાં જેવાં માસિકો, દ્વૈમાસિકો અને ત્રૈમાસિકોની જવાબદારી વધી છે, એવા સામયિકોની ધરી વાચક અને લેખકોના મનમાં ઓછી વત્તી ઝૂકેલી રહે તો તે સમજી શકાય એમ છે. કુમારનો વધુ ઝોક વાચકના મનમાં, ક્ષિતિજનો સર્જકના મનમાં અને સંસ્કૃતિનો વાચક અને સર્જક ચિત્તમાં સમતોલ ઝોક નોંધપાત્ર છે. પણ, આવા કવિતાના સામયિકની ધરીતો સર્જકચિત્તમાં જ રહેવી જોઈએ. એવાં સામયિકોમાં પ્રયોગખોરીને અને સાહસખોરીને અવકાશ નથી. સર્જનક્ષેત્રે નવાં નામનો શોધ આવાં સામયિકોએ કરવી પડે. વિવિધ લીલા પ્રકટાવતી કવિતાની યાત્રા કોઈ સામયિકની પરબ પાસેથી પસાર થાય એવું બુદ્ધદેવના કવિતાના બાબતમાં થયું છે. એવું આપણાં કવિતાના સામયિકો માટે પણ બને એવું કોણ ન ઈચ્છે? Adam ની જેમ, જેનું નામ પણ સાંભળવા ન મળ્યું હોય એવી કોઈ નવી પ્રતિભાને આખો અંક ધરી દેવાની તત્પરતા આપણાં કેટલાં સામયિકોએ બતાવી? પરભાષી અને પરદેશી નીવડેલા કવિતાના અનુભવ દિશારેખા ન આંકી આપે તોય પોષક તો જરૂર નીવડે! એવી કવિતાનું સાન્નિધ્ય આત્માખોજની તક પૂરી પાડે અને પરિણામે સ્થિર જ્યોત પ્રકટાવવાને બદલે ભડકો તો નથી કરી બેસતા, એ વિચારવાનું શક્ય બને. [વિશ્વમાનવ, મે-જૂન-૧૯૬૫] અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટ

A
B

X.
Y

૧૪૦. સારું નામ કે સારું લખાણ? મુનશી, મનહરરામ અને હું ગુજરાતના અંકેઅંકની યોજના ઘડતા અને આગલી બેઠકના કામકાજનો ફેરવિચાર કરતા. કાંઈ રહી ગયું હોય તે વધુ સારું કેમ થાય તેનો વિચાર પણ કરતા. એકવાર કોઈ અમુક અંકમાં સામાન્ય પ્રતિના લેખો આવી ગયા હોય તો પોતાને પાછળથી સૂઝેલું હોય એ તંત્રી મને કહેતા : ‘ભાઈ, આ વખતે આપણા અંકમાં ‘સમાલોચકિયા’ (એ માસિક પ્રત્યે તેમને પહેલેથી જ ટાઢક હતી.) લેખો આવી ગયા છે તો હવેથી એવું ન થાય તે જોજો.’ આમ કહેતા પણ અમે લેખપસંદગી કરતા હોઈએ ત્યારે કહેતા : ‘વી મસ્ટ હૅવ એ ગુડ નેમ ઑર એ ગુડ આર્ટીકલ.’ મતલબ, લેખક પ્રસિદ્ધ હોય તો એનો સાધારણ કે નબળા જેવો લેખ પણ લેખક નામની છાપ વાંચનાર પર પડે માટે સ્વીકારવો. લખાણ સ્વીકારવાની આ રીતને લીધે પ્રો. ખુશાલ ત. શાહના ‘મને નહીં?’ નામે લાંબા નાટકની નીરસતાને લીધે અમે ભેરવાઈ પડ્યા હતા એ દુઃખે, પાપે છાપીને પૂરું તો (મુનશીએ જ સારી આશા બાંધી નોતરેલા એ પરમ સ્વમાની, જાણીતા બેરીસ્ટરને અર્થશાસ્રી લેખકને એટલે વિરોધી ટીકા થવા માંડી છતાં) કર્યું. [‘વિનાયકની આત્મકથા’, પૃ. ૯-૧૦] વિજયરાય વૈદ્ય

A
B

X.
Y

૧૪૧. કેટલી નિષ્ઠા અને નિયમિતતા! કોઈ એક પુરુષ સંપાદકે જેટલી નિષ્ઠા અને નિયમિતતાથી નહીં કરી હોય એટલી ત્રૈમાસિકની માવજત આ શુભ્ર વસ્રાવૃતા વિદુષી નારીએ (મંજુ ઝવેરીએ) કરી છે. આમાં ડૉ. ભાયાણી, સુરેશ જોશી, જયંત કોઠારી જેવા મૂર્ધન્યોનો પરોક્ષ ફાળો નોંધી શકાય. ૧૯૮૨ની સાલમાં ઉમાશંકર વડોદરા સુરેશભાઈ મળ્યા ત્યારે ફાર્બસ્‌ ત્રૈમાસિકનાં વખાણ કર્યા વગર રહી ના શક્યા. નાગર કવિશ્રી સિતાંશુને ‘કેથોલિસિટી’ સવિશેષ આકર્ષે છે. ‘ફાયરબ્રાન્ડ’ લા. ઠા. ને ‘અનુભાવન’ રૂપે બધું રણકતું રહ્યાનો હર્ષ છે. નરોત્તમ પલાણને ‘નવમા દાયકાના સર્વશ્રેષ્ઠ સામયિક’ના સંપાદકની નસોમાં મહાત્મા ગાંધીની નસોમાં હતું તેવું ‘પોરબંદરી દેસાઈનું લોહી’ સંભળાય છે. રઘુવીર ચૌધરીને ‘વૈશ્વિક ધોરણ’નો અહેસાસ થાય છે. ‘ભૂમિપૂત્ર’ના કાન્તિભાઈ, ‘માનવીય ટેકનોલોજી ફોરમ’ના અશોક રાઠી તથા માવજી સાવલાને વ્યક્તિસ્વાતંત્ર્ય અને જાગતિક પ્રતિબદ્ધતાના પ્રશ્નોમાં રસ પડી જાય છે. [સમકાલીન ૨૧, સપ્ટેમ્બર, ૧૯૯૭] રાધેશ્યામ શર્મા

A
B

X.
Y

૧૪૨. વાચનરુચિ પચીસ વર્ષ પાછળ આપણે ત્યાં સામયિકો ચાલતાં નથી એનું કારણ એ છે કે આપણા લોકોની વાચનરુચિ હજી પચીસ વર્ષ પાછળ છે. સંસ્કૃતિ, બુદ્ધિપ્રકાશ જેવાં અગાઉ સારાં ગણાતાં સામયિકો રાજકારણના વમળમાં ઘેરાઈ ગયાં. એના તંત્રીઓ ‘ગેરહાજર તંત્રી’ થઈ ગયા. આનાથી એની સામગ્રીનું કોઈ ધોરણ રહ્યું નથી. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોય. સમસામયિકતા પર વધારે ધ્યાન અપાય. સાહિત્ય તો ખૂણામાં ક્યાંક દેખાય. આથી લોકોને વિશ્વાસ ઊઠી ગયો. અમારા જેવા માને છે કે કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે સારી પરદેશની કૃતિ દ્વારા સાહિત્યસંપર્ક કરવો. તો કહેશે કે અમે અનુવાદિયા છીએ. લાભશંકરે એકવાર લખ્યું કેઃ ‘આ તમારા અનુવાદથી કંટાળ્યો છું.’ ગુજરાતમાં હવે પ્રિય સામયિકો રહ્યાં નથી. કોઈ સામયિકની પાછળ પંદર-વીસ મિનીટથી વધારે સમય ખર્ચવા જેવું હોતું નથી. [‘આત્મનેપદી’, સં. સુમન શાહ(૧૯૮૭) પૃ. ૫૧-૫૨] સુરેશ જોશી

A
B

X.
Y

૧૪૩. મૂડી તીવ્ર નિસબતની હું ફાર્બસ ગુજરાતી સભામાં ૧૯૭૦ના વર્ષમાં સહાયક મંત્રી તરીકે જોડાઈ ત્યારે ત્રૈમાસિકનું સંપાદન પ્રો. ભૂપેન્દ્રભાઈ ત્રિવેદી કરી રહ્યા હતા. સંસ્થાનો સારો માહોલ સ્વતંત્ર નિજી રીતે કામ કરી શકાય એવો ઉત્તેજક હતો. ૧૯૭૩માં સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ ત્રૈમાસિકના સંપાદનનું કામ મને સોપ્યું. મને એ પહેલાં સંપાદનકાર્યનો બિલકુલ અનુભવ નહોતો. મારી મૂડી હતી માત્ર અરાજકતાભરી કદાચ વિપુલ કહી શકાય એવી વાચનસામગ્રી અને કેટલીક તીવ્ર નિસબતો. સંસ્થાની વ્યવસ્થાપક સમિતિએ જ્યારે પહેલીવાર મને સંપાદનકાર્ય સોંપવાનો નિર્ણય કર્યો ત્યારે સમિતિના એક-બે સભ્યોએ કહ્યું કે આ નવી સંપાદન-વ્યવસ્થા સાથે અમારું નામ ન જોડાવું જોઈએ. પ્રમુખશ્રીએ એ લખીને નોંધી લીધું. સાચી જ વાત તો. મારી અણઆવડત અને બિનઅનુભવીપણા સાથે કોઈપણ અનુભવી અભ્યાસી વ્યક્તિને પોતાનું નામ બગાડવાનું પોષાય નહીં. મને પણ ખાસ કંઈ અજુગતું લાગ્યું નહીં પણ પછી ત્રણ ચાર અંકો નીકળ્યા બાદ મંત્રીશ્રી મને કહે કે હવે આપણે સંપાદનસમિતિ બનાવીએ. મેં ના પાડી દીધી. હવે એમનાં નામો મારી સાથે જોડીને ખરાબ શા માટે કરવાનાં? મંત્રીશ્રી હસી પડ્યા અને મને જોઈતી સ્વતંત્રતા મળી ગઈ. [શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭, પૃ. ૩૫] મંજુ ઝવેરી

A
B

X.
Y

{{{1}}}

X.
Y

૧૪૫. લેખકોનું આળાપણું લેખકો પોતાની કંગાલ કૃતિઓનાં અવલોકનો ન લેવાય (નથી લેવાતાં) તેની રાવ કરવામાં સમય ગુમાવે છે. અવલોકનો નથી લેવાયાં, એટલે પોતાની સામે કોઈ વ્યવસ્થિત કાવતરું થઈ રહ્યું હોય તેવી તેઓ બૂમો પાડે છે. પોતાની કૃતિને નબળી કહેનારો અવલોકનકાર કાં તો ‘વાડાનું ઢોર’ છે, કાં લેખકોનો તેજોદ્વેષી છે, કંઈ નહીં તો તૂંડમિજાજી છે! આટલું બસ લેખકોનું આશ્વાસન. [‘કલમ અને કિતાબ’ (૧૯૮૭) સં. મહેન્દ્ર મેઘાણી, પૃ.૫] ઝવેરચંદ મેઘાણી

A
B

X.
Y

૧૪૬.

શું વસંત હવે બંધ કરવું? ના.

આ નવો આરંભ હું ચિંતારહિત હૃદયે કરતો નથી. ઈ.સ. ૧૮૯૭માં બ્રહ્મનિષ્ઠ મણિલાલનો દેહ પડ્યા પછી મેં સુદર્શનનું તંત્રીપદ લીધું તેનો ચાર-પાંચ વર્ષ નિર્વાહ કરી ૧૯૦૨માં વસન્ત પત્ર સ્થાપ્યું તે સમય અત્યારનાથી બહુ જુદો હતો. બુદ્ધિપ્રકાશનો સુધારાનો યુગ પૂરો થઈ ગયો હતો. અને સુદર્શન નો તત્ત્વદર્શનનો યુગ પણ નવા જીવનની જરૂરિયાતને માટે અપર્યાપ્ત થવા લાગ્યો હતો તે વખતે વસન્ત જેવા પત્રને ગુજરાતના જીવનમાં સ્થાન હતું. વસન્ત પત્ર પછી એનીજ સામાન્ય ભાવનાને જુદેજુદે વિશિષ્ટ માર્ગે બહુ સારી રીતે સિદ્ધ કરનાર, સાહિત્ય, નવજીવન, વીસમી સદી (અત્યારે બંધ), રંગભૂમિ, ગુજરાત, પુરાતત્ત્વ, યુગધર્મ વગેરે પત્રો નીકળ્યાં છે અને પ્રાચીન બુદ્ધિપ્રકાશ અને સમાલોચક મળીને સહુ ગુજરાતની સેવા બહુ ઉત્તમ પ્રકારે કરે છે તો વસન્ત હવે બંધ કેમ ન કરવું? કરવું જ–એમ કોઈ મિત્ર નિશ્ચયાત્મક ઉત્તર આપે તો હું આશ્ચર્ય ના પામું કારણ કે મેં પોતે જ એ પ્રશ્નનો એ જ રીતે મ્હારા અન્તરમાં અનેકવાર ઉત્તર આપ્યો છે. પણ આખરે શું સૈનિક પણ ગૃહશકુન્તનો વધ કરી શકે? ન કરી શકે તો એની મમતા અને તેથી ઉત્પન્ન થતો એનો કોમળ ભાવ ઉદાર હૃદયને ક્ષંતવ્ય લાગશે જ. ‘વસન્ત’ની સ્થાપનાના સમયથી જે શરૂ થયો છે તે આ ભારતના નવજીવનનો મંથનકાળ છે અને તેમાં પણ પહેલાં વીસ વર્ષ કરતાં આ છેલ્લાં પાંચ વર્ષમાં તો પ્રજાજીવનમાં કોઈ અવનવી જ જીવનની છેળો ઊછળવા લાગી છે. આ ઊછળતા ચૈતન્યના દિવસોમાં નિર્માલ્ય આત્મઘાતનો વિચાર કરવો એ પાપ નથી? [વસન્ત, માઘ, ૧૯૨૮, પૃ. ૧૭-૧૮] આનંદશંકર ધ્રુવ

A
B

X.
Y

૧૪૭. સામયિકો ગ્રંથ રૂપે સુલભ થાય તો? અત્યારે પણ આપણી પાસે થોડાંક સુંદર સામયિકો છે. પણ જે ભૂતકાળમાં હતાં તેનું સ્મરણ કરતાં માત્ર નામો યાદ કરીને અટકી જઈએ છીએ. આ સામયિકોમાં જે કંઈ સત્વશીલ હતું એ બધું જ ગ્રંથસ્વરૂપે આપણને મળી ચૂક્યું છે? આપણી પાસે ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સંસ્થા છે. વિદ્યાસભા, ફાર્બસ, નર્મદ સાહિત્યસભા જેવી બીજી સાહિત્યિક સંસ્થાઓ છે. પ્રતિવર્ષ સંખ્યામાં વધતી જતી કૉલેજો છે જેનો ધર્મ ગુજરાતી ભાષાનું અધ્યયન કરાવવાનો છે. આપણી પાસે થોડા એવા પ્રકાશકો છે જેમણે નક્કર અર્પણ કર્યું છે. આ સૌ જો એક એવો સંકલ્પ કરે કે આપણાં આ સામયિકોમાં રહેલી સમૃદ્ધિને આપણે ક્રમે ક્રમે ગ્રંથસ્થરૂપે ઉપલબ્ધ કરવી છે તો એમાંનું ઘણું જે ટકાવી રાખવા જેવું છે એ ટકી રહે, એટલું જ નહિ, વિશાળ વાચકવર્ગને પહોંચી શકે. આજના યુગમાં જ્યારે બધાને ઉત્તમ પુસ્તકાલયની સેવા તરત મળી ન શકતી હોય અને મળી શકતી હોય ત્યારે પણ પુસ્તકાલયમાં બેસી આ સામયિકોની જરીપુરાણી ફાઈલો પરથી ધૂળ ઉડાડી અંદરની સામગ્રી ખોળવા જેટલો સમય સૌ કોઈને ન હોય, ત્યારે આ પ્રકારની યોજના વિચારાય એ આવકાર પાત્ર બને. [‘કલમની પાંખે’, ૧૯૬૮] હરીન્દ્ર દવે

A
B

X.
Y

૧૪૮. નવો માસ ઉઘડ્યો કે નવું સામયિક! માસિકોનું સાહિત્ય તો કૂદકા મારતું આગળ ધપે છે, કવિ દલપતરામે એક ઠેકાણે ઊંટવૈદોની ટકોર કરતાં લખ્યું કે : ‘પથરો લેવા જ્યાં નમું, આવે વૈદ જ હાથ’; તેમ હાલ તો નવો માસ ઉઘડ્યો કે તેની સાથે કોઈક નવું માસિક જાણે હાથ આવેલું જ છે. યુગધર્મ, પુરાતત્ત્વ અને સાબરમતી ઉપરાંત ગુજરાત, નવચેતન, રંગભૂમિ, સુવર્ણમાળા, કુમાર વગેરે સુંદર માસિક, ત્રિમાસિક ઉમેરાયાં છે. ગુજરાતના અમર કળાફકીર હાજીના વીસમી સદીની રાખમાંથી જ એ સર્વનો જન્મ થયેલો પ્રત્યક્ષ દેખાય છે. ચિત્રની નવીનતાનો શોખ ઠેરઠેર જાગ્યો છે પણ ચિત્રની ઝાકઝમાળ હેઠે સાહિત્યના શુદ્ધ અંશોની બેપરવાઈ ના થાય એ માસિકોના ચાલકોએ હંમેશા તપાસવાનું છે. [‘પરિષદ અહેવાલ’, ૧૯૨૬, પૃ. ૯૭] ખબરદાર

A
B

X.
Y

૧૪૯. વિચારને ઉથાપો – પણ વિચારનારને ઉગારો સામયિકો વધે તે સાથે વિવેચનકળા વિકસે તે જોઈ આનંદ થાય પરંતુ હમણાં હમણાં ગુજરાતી વિવેચનકળા એવું ભીષણ અને ઉગ્ર સ્વરૂપ ધરતી જાય છે કે આનંદની લાગણીને બદલે ગ્લાનિ ઉદ્‌ભવ્યા વિના ન રહે. સાહિત્યચર્ચાના ઓઠા હેઠળ અંગત આક્ષેપો ને વ્યક્તિવાચક ટીકા એટલી હદે પહોંચી ગયાં છે કે ગુજરાત બહારના વાંચનાર એ જાણે તો કંપી ઉઠે. રોજીંદુ, અઠવાડિક, માસિક, ત્રિમાસિક ગમે તેવું પત્ર ઉઘાડો તો અંદર થોડાં પાનાં કે અમુક કોલમ સાહિત્યચર્ચા માટે રોકેલાં જણાશે. એ ચર્ચા કોઈકોઈવાર કોણ કરે છે તે પણ જણાતું નથી. એકાદ પુસ્તક કે સાહિત્ય દુનિયાનો બનાવ ચર્ચાનો વિષય હોય છતાં એ બાજુએ રહી જાય ને સઘળી ટીકાઓ એ પુસ્તકને લખનારને વિશે અગર એ બનાવની અંદર ભાગ ભજવનાર વ્યક્તિને વિશે અંગત કરવામાં આવે. એ અંગત ટીકા પણ અમુક મર્યાદાવાળી તોળીને લખેલી ભાષામાં નહીં પણ આક્ષેપોવાળી, છેલ્લે પાટલે જઈ સખ્ત વાણીના પ્રકારૂપે કરવામાં આવે, આવી સ્થિતિ અસહ્ય ગણવી પડે. વસંતનો પાછલો અંક (ડિસે. ૧૯૨૬) વાંચતાં એમાંનો પહેલો લેખ ‘ભાંડારકર’ એ મથાળાનો હતો. એ વિદ્વાન વિશે કાંઈ જાણવાનું મળશે એમ ધારી વાંચ્યો તો અંદર પૂ. નરસિંહરાવભાઈએ બળવંતરાય ઠાકોર પર માત્ર સખ્ત ટીકા કરેલી દીઠી. અમે નરસિંહરાવનો વાંક કાઢતા નથી કેમકે ઠાકોરે એવા પ્રકારનું લખાણ અગાઉ સુવર્ણમાળામાં કરેલું. અમારે કહેવાનું એ છે કે વસંત જેવા માસિકમાંના પહેલા લેખમાં ભાંડારકરને બદલે સઘળું લખાણ ઠાકોરને ઉદ્દેશીને હોય એ સ્થિતિ ઉત્પન્ન કરવી અને ચલાવવી શું હિતાવહ હશે? એની અસર બીજાઓ ઉપર કેવી થાય? વિવેચનકળાની બીજી વાંધાભરી વાત એ છે કે લેખક અને ગ્રંથકર્તાઓ ઘણીવાર અન્યોન્યપ્રશંસક મંડળ જેવું કાર્ય કરે છે. એકના એક પુસ્તકનાં અનેક અવલોકનો લખાય છે, વિસ્તાર પામે છે ને ઉતારી લેવામાં આવે છે. આથી તો લખનાર અને વાંચનારની ટોળીઓ બંધાય. પરિણામે મૂળ મુદ્દો સાહિત્ય વિસરાઈ જાય. તા. ૧૨-૧૨-૧૯૨૬ના ડેઈલી મેલમાં નરસિંહરાવે મુંબઈમાં આપેલું બીજું ભાષણ છપાયું હતું તે આધુનિક ગુજરાતી સાહિત્ય પર હતું. તેની અંદર એમણે પોતે પોતાની કવિતા વિશે વખાણ કરેલાં છે. આવા કાર્યથી ઉગતા લેખકો પર માઠી અસર થાય અને તેઓ પોતેે પોતાનાં વખાણ કરતાં ને બીજાના દોષ સરખામણીમાં જોતાં શીખે. અંગત તત્ત્વનો નાશ કરીએ તો જ સાહિત્યનો વિકાસ થાય. કૃતિની ટીકા કરો પણ કર્તાને ભૂલો. વિચારને ઉથાપો-પણ વિચારનારને ઉગારો. [સાહિત્ય, જાન્યુઆરી-૧૯૨૭] મટુભાઈ કાંટાવાળા

A
B

X.
Y

૧૫૦. મહારાજ લાયબલ કેસ અને ચાબૂક મુંબઈના ભૂલેશ્વરના બ્રાહ્મણો અને વૈષ્ણવ મહારાજો વચ્ચેના વિવાદમાંથી મહારાજ કેસ એક શકવર્તી કેસ તરીકે ઊભો થયો. બરોબર એ જ અરસામાં કરસનદાસ ‘સત્યપ્રકાશ’નો પ્રથમ અંક બહાર પાડવાની તૈયારીમાં હતા. અને પ્રથમ અંક માટે જ એમને જોરદાર મસાલો મળી ગયો. એમણે વૈષ્ણવ મહારાજો ઉપર આકરા પ્રહારો કરતો લેખ લખ્યો અને ખળભળાટ મચી ગયો. પછી તો એમાંથી એક પછી એક એમ ફણગા ફૂટતા ગયા. અને નવાંનવાં પરિમાણો ઉમેરાતાં ગયાં. સામા પક્ષે ભાગલા પાડવાની નીતિ અખત્યાર કરી અને કરસનદાસની સામે લડવા માટે ચાબુક નામના એક છાપાના તંત્રીને જ સાધી લીધો! થોડો સમય તો ચાબુકના નવરોજી અને કરસનદાસ વચ્ચે યુદ્ધ ચાલ્યું, અને મૂળ પ્રશ્ન બાજુએ જ રહી ગયો. પણ એમાં ચાબુક એક ધનિક શેઠ સાથે અથડામણમાં આવ્યું અને કોર્ટે ચડ્યું. કોર્ટમાં હાજર થવા મહારાજોને પણ ફરમાન છૂટ્યું. અને એમણે ધાર્મિક વડા હોવાથી કોર્ટમાં હાજરીમાંથી મુક્તિ મળવી જોઈએ એવો બચાવ આગળ ધર્યો. મહારાજોની તરફદારી કરતાં નિવેદનો થયાં. જેને કરસનદાસે ‘ગુલામી ખત’ની ઉપમા આપી અને પોતાની જેહાદને વધુ ઉગ્ર બનાવી. દરમિયાન ‘ચાબુક’ને મેદાનમાંથી હટી જવું પડ્યું અને કરસનદાસના ટેકામાં બીજાં અખબારોએ ધીમે ધીમે ઝંપલાવ્યું. ‘આપ અખત્યાર’, ‘બોમ્બે ટાઈમ્સ’ વિગેરે પત્રોએ કરસનદાસના ટેકામાં સ્પષ્ટ અગ્રલેખો લખતાં, કિંમત વધી. જ્યારે સામા પક્ષને એમ લાગ્યું કે આંદોલનની સામે પ્રતિ આંદોલન કરવું જરૂરી છે ત્યારે એમણે પણ ‘સર્વ ધર્મ વર્ધક અને સંશય છેદક’ નામે ચોપાનિયું કાઢ્યું અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધનો પ્રારંભ થયો, જે અંતે અદાલતને આંગણે પહોંચ્યો. મહિનાઓની સુનાવણી દરમિયાન સમગ્ર સમાજમાં આ કિસ્સાએ અભૂતપૂર્વ રસ અને ઉત્તેજના ઊભી કરી પણ એ બધા પછી જોસેફ આર્નોલ્ડ નામના અંગ્રેજ ન્યાયમૂર્તિએ જે ચૂકાદો આપ્યો, તે ન્યાયતંત્રના ઇતિહાસમાં યાદગાર બની ગયો. અદાલતે કરસનદાસને બદનક્ષીના આરોપમાંથી તો મુક્તિ આપી જ, પણ કરસનદાસ જેવા સુધારકોની પ્રવૃત્તિઓને સ્પષ્ટ શબ્દોમાં બિરદાવી. અને ઉચ્ચ સ્થાનોમાં ચાલતાં અનૈતિક કર્મોને ખુલ્લાં પાડવા એ પ્રેસની ‘સૌથી મોટી અને અનિવાર્ય ફરજ છે.’ એમ કહીને અખબારો અને અદાલતો વચ્ચેના સંબંધોની એક ચોક્કસ વ્યાખ્યા પણ બાંધી આપી. સર અર્નોલ્ડે કહેલું એક વાક્ય સનાતન સત્ય બની શકે એમ છે. એમણે કહ્યું : ‘વોટ ઇઝ મૉરલી રોંગ, કેન નોટ બી થીઓલોજીકલી રાઈટ’ (જે વાત નૈતિક રીતે ખોટી હોય, તે ધાર્મિક રીતે સાચી ન હોઈ શકે.) પત્રકારત્વના ઇતિહાસમાં વિરલ ઘટનારૂપે પછીની મુંબઈના પત્રકારોએ કરસનદાસનું સન્માન કર્યું અને એમને માનપત્ર આપ્યું. [‘પત્રકારત્વના સિદ્ધાંતો’, ૧૯૮૯, પૃ. ૬૯] યાસીન દલાલ

A
B

X.
Y

૧૫૧. મનના ઘોડા મેદાન પર વ્યક્તિગત સાહસરૂપે સમીક્ષાનું આવું સામયિક ‘પ્રત્યક્ષ’ પાંચ-છ વર્ષ સતત ચાલતું રહ્યું છે એ જ મોટી વાત છે. એમાં આર્થિક બળ કરતાં તો સાહિત્યિક મિત્રોનું નૈતિક બળ વધારે કારણભૂત રહ્યું છે. બીજા વિશેષાંકોની યોજના મનમાં છે પણ આર્થિક ગોઠવણોની સમસ્યા મનના ઘોડા મનમાં જ દોડતા રાખે છે – પણ વિશ્વાસ તો છે જ કે એ મેદાન પર દોડતા થશે [શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર ૧૯૯૭] રમણ સોની

A
B

X.
Y

૧૫૨. સંસ્કારની અગ્રતા કુમારના અંધિયારા પણ સુઘડ કાર્યાલયમાં જઉં ત્યારે અનેક વાર રમૂજમાં કાર્યાલયની ઉપર સંસ્કૃત પાઠશાળા છે તેના સંદર્ભે કહેતો : ‘બચુભાઈ, તમે સંસ્કૃતિને આંખ–માથા પર રાખી છે.’ એ હસતા અને પછી રાજકારણ, શિક્ષણ જેવા અનેક વિષયો પર ચર્ચા છેડે. એકવાર એમનું વિધાન સાંભળ્યું : ‘હું ભારતીયકરણમાં માનું છું.’ મને નવાઈ લાગી. તેમણે સ્પષ્ટતા કરીઃ ‘તમે કહો છો ને કે હું સંસ્કૃતિને આંખ-માથા પર રાખીને ચાલું છું. વાત સાચી છે. આપણાં પારંપરિક મૂલ્યોનો વિચ્છેદ કરવામાં જાણ્યે-અજાણ્યે ભણેલો વર્ગ જે ભાગ ભજવે છે અને રાજકારણીઓ અલગતાવાદ સર્જે છે તેથી હું ખિન્ન છું. અહીં કિશોરોને રાષ્ટ્રીયતાનું શિક્ષણ આપવું જોઈએ તે અપાતું નથી એ અર્થમાં ભારતીયકરણના દૃઢ સંકલ્પ વિના ચાલવાનું નથી... સામયિકની દુનિયામાં જીવતા આ જાગ્રત સંપાદકે સાહિત્યની સાથે જ સંસ્કારનું સિંચન પણ ગુજરાતની ત્રણ ત્રણ પેઢીને તો કર્યું જ છે. ગુજરાત એવા બીજા સંસ્કારશિલ્પી સંપાદકની રાહ અચૂક જોશે. [‘પત્રકારત્વના પ્રવાહો’, ૧૯૯૧, પૃ. ૧૦૫-૧૦૬] વિષ્ણુ પંડ્યા

A
B

X.
Y

૧૫૩. ભાષા : ‘કાચો માલ’? પત્રકારત્વ અને સાહિત્યનો કાચો માલ ભાષા છે. બાંધકામ ઉદ્યોગની પરિભાષામાં કહું તો સાહિત્ય અને પત્રકારત્વ બન્નેનાં ઈંટ-ચૂનો અને સિમેન્ટ ભાષા છે. આથી એક એવો આભાસ થાય છે કે આ બન્ને એક પ્રકારની પ્રવૃત્તિ છે પણ હકીકત એમ છે કે પત્રકારત્વ આપણા રહેવાના સીધાસાદા ઘર જેવું છે, જ્યારે સાહિત્ય તાજમહાલ જેવી કળાકૃતિ છે. કાચો માલ એક છે, પણ આખરી બનાવટ જુદી છે. કોઈ પત્રકારે બહુ સારો લેખ લખ્યો હોય તો કોઈ એમ કહે : ‘આ તો એક સાહિત્યકૃતિ જેવું તમે લખ્યું.’ કોઈ સાહિત્યકૃતિ નબળી હોય તો વિવેચક કહી બેસે : ‘આ તો છાપાળવું છે.’ આમ કળાની દૃષ્ટિએ પત્રકારત્વની મથરાવટી મેલી છે. પણ કહેવાનો મુદ્દો એ છે કે પત્રકાર અને સાહિત્યકારનું જોડકું આપણા સંસ્કારજગતની સામાન્ય ઘટના છે. [પરબ, જૂન, ૧૯૮૦] વાડીલાલ ડગલી

A
B

X.
Y

૧૫૪. નવા લેખકની વિઘ્નદોડ આપણા ઘણા પ્રસિદ્ધ લેખકોનો નબળો માલ પણ તરત જ ખપી જાય છે અને ઘણીવાર નવોદિત લેખકની ઉમદા કૃતિ છપાવવામાં પણ લેખકને નાકે દમ આવી જાય છે. આ સ્થિતિ સાહિત્ય કે પત્રકારત્વના વિકાસ માટે તંદુરસ્ત ન ગણાય. દર વર્ષે દિવાળી અંકો જોવાથી આ વાત જણાઈ આવશે. દિવાળી સમયે જાણીતા લેખકો ઢગલાબંધ કૃતિઓનું જથ્થાબંધ સર્જન કરે છે અને પછી એ કૃતિઓમાં ગુણવત્તા કેટલી આવી શકે, એ અનુમાનનો વિષય છે. આપણા ઘણા સંપાદકોનો જાણીતાં નામનો એટલો બધો મોહ હોય છે કે નવોદિતોની સબળ કૃતિઓ પણ છાપતા હોય છે. આપણા ઘણા લેખકોએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં આકરો સંઘર્ષ વેઠવો પડ્યો છે. પાછળથી એમણે પણ એના બદલારૂપે ઘણી નબળી-સબળી કૃતિઓ વાચકોને માથે મારી દીધી છે અને હિસાબ સરભર કરી લીધો છે. આપણે ત્યાં કૃતિનિષ્ઠ ઓછું અને વ્યક્તિનિષ્ઠ વલણ વધારે જ રહેતું આવ્યું છે. અને આવા વાતાવરણમાં કેટલીયે નવોદિત પ્રતિભાઓએ તો થોડા સંઘર્ષ પછી લખવાનું જ છોડી દીધું હશે. કોઈપણ નવા લેખકે આપણે ત્યાં આગળ આવવા માટે ખૂબ ધીરજ રાખવી પડે છે અને સતત પ્રયત્નો કરતા રહેવું પડે છે. [‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ.૪૯] યાસીન દલાલ

A
B

X.
Y

૧૫૫. નવજીવન : લોકોની ભાષામાં મારે હિન્દની સેવા કરવી છે તો હું અંગ્રેજી ભાષામાં જ મારો આત્મા કેમ ન રેડું – એવો કોઈ પ્રશ્ન ઉઠાવે તો હું કહેવા ઈચ્છું છું કે જન્મ અને કર્મથી ગુજરાતી હોઈ હું ગુજરાતી જીવનમાં ઓતપ્રોત થઈ જાઉં તો જ હું હિન્દની શુદ્ધ સેવા કરી શકું. વેપારની દૃષ્ટિએ પણ મારી શક્તિનો સારામાં સારો ઉપયોગ હું ગુજરાતને મારું ક્ષેત્ર ગણીને જ આપી શકું. વળી અંગ્રેજી ભાષાની મારફતે હું મારો સન્દેશો કોને આપું? અંગ્રેજીનો મોહ મિથ્યા છે એ તો નવજીવન બતાવ્યા કરશે. ‘હિન્દુસ્તાન ખેડૂતોની ઝૂંપડીમાં વસે છે. વણકરોની કળા હિન્દુસ્તાનની ભવ્યતાનાં સ્મરણ કરાવે છે. તેથી મને પોતાને ખેડૂત અને વણકર કહેવડાવવામાં હું અભિમાન માનું છું. નવજીવન મારે તો ખેડૂતોના ઝૂંપડામાં ને વણકરોના ઘરોમાં પહોંચાડવું છે. મારે તેઓની ભાષામાં તે લખવું છે તેથી ખેડૂતો ઈ.ના સુખદુઃખની વાતો નવજીવન હંમેશા તેઓની ભાષામાં કરશે. ઘેરઘેર સ્રીઓ નવજીવન વાંચે એમ હું હંમેશા પ્રભુ પ્રત્યે માગીશ. સ્રીઓના વિના ધર્મની રક્ષા કોણ કરે? સ્રીઓ અજ્ઞાન અને મૂઢ દશામાં રહે, સ્રીઓને હિન્દુસ્તાનની દશાની ખબર ન હોય તો ભવિષ્યની પ્રજાની શી વલે થાય? તેથી નવજીવન સ્રીઓને જાગ્રત કરશે અને પુરૂષ વર્ગને સ્રીઓ પ્રત્યેની તેમની ફરજનું ભાન કરાવવા પ્રયત્ન કરશે. આ તો મેં મારી મહત્ત્વાકાંક્ષાઓની વાનગી માત્ર આપી છે. [‘ગાંધીજીનું નવજીવન’, ભાગ : ૧, પૃ. ૨-૪] ગાંધીજી

A
B

X.
Y

૧૫૬. સામયિકોમાંથી સાહિત્યનું બાષ્પીભવન જૂનાં, નવાં ને એમ જૂજવાં આ સાહિત્યિક સામયિકોના કાળપ્રવાહનું વસ્તુગત પરિપ્રેક્ષ્યમાં વિહંગાવલોકન કરતાં એટલું ખસૂસ લાગે છે કે જ્યારે પણ સાહિત્યકાર અને સામયિકકાર (પત્રકાર)ની સંગત સુપેરે સધાઈ છે ત્યારે સર્જક અને ભાવકનું સમાધાન થયું છે, ને જ્યારે પણ એ સંગત તરડાઈ-ઠરડાઈ ત્યારે સર્જક યા ભાવક યા તો કેટલીકવાર તો એ બેઉ અકળાઈ–અકળાઈને એવાં સામયિકોથી વિમુખ બન્યાં છે દુઃખ સાથે કહેવું પડે છે કે સર્જક અને ભાવકના સમસંવેદનનું સમારાધન કરતી સામયિક સૃષ્ટિ અને સંપાદકીય દૃષ્ટિ ઉત્તરોત્તર વિલોપાતી ચાલી છે. સામયિકોને પ્રાણવાયુ પૂરો પાડતી ડાયલોગની બારી પર લોખંડી કમાડ દેવાઈ ગયાં છે. વાચકો સાથે વાદ-પ્રતિવાદમાં પડવાનું પળોજણ બન્યું છે ને એવી પળોજણમાં પડ્યા વિના કે વાચકો શું વાંચે છે ને શું વાચવા માંગે છે એની લગીરે સ્પૃહા કર્યા વિના લખનારા કે છાપનારા એક બાજુ ‘ના, હું તો ગાઈશ’ ના વૈશાખનંદની તાનમાં મસ્તાન છે તેમ બીજી બાજુ, સાક્ષરોની એસીતેસી કરી સામાન્ય જનને લપટાવતી લસલસતી લેબાશી કરનારા ‘ગધા ગુલતાન’ છે. દેખીતી રીતે જ આમાં પહેલા વાળા કરતાં બીજાવાળાનો ઉપાડો વધારે છે. પરિણામ એનું એ આવ્યું છે કે સાહિત્યિક સામયિકો વધુ ને વધુ સંકોચાતાં ગયાં છે. ને અપ-સામયિકો તગડાં બનતાં ચાલ્યાં છે. આજ વાત બીજી રીતે કહીએ તો સામયિકોમાંથી સાહિત્યનું બાષ્પીભવન થતું રહ્યું છે. ને અવશિષ્ટ કરચરાના ઉકરડા થતા રહ્યા છે. આના સીધા પરિણામ સ્વરૂપે સાહિત્યકારો સંગેમરમરિયા આવાસોના વાસી બનતા ચાલ્યા છે ને એમની સરસ્વતી ‘દ્વારે લુપ્તા’ સરસ્વતી બની છે. સાહિત્યકાર લોકથી વિમુખ બન્યો છે ને લોકસાહિત્યથી વિમુખ બન્યું છે. [પરબ, જૂન, ૧૯૮૦] નરેન્દ્ર ત્રિવેદી

A
B

X.
Y

૧૫૭. લખાણોમાં કાપકૂપ સંપાદક લેખકની કૃતિમાં કેટલે અંશે કાપકૂપ કરી શકે? આ એક બહુ પેચિદો પ્રશ્ન છે અને એની આસપાસ વિવાદનાં ઘણાં વમળો સર્જાઈ ગયાં છે. કેટલાક સંપાદકો પોતાના અધિકારો વિશે ખૂબ ઊંચા ખ્યાલો રાખે છે અને લેખકની કૃતિમાં ગમે તેવી વાઢકાપ કરવાનો સંપાદકને અધિકાર છે.’ એવું વલણ અપનાવે છે. કેટલાક તો વળી એથી આગળ જઈને લેખકની કૃતિમાં ઉમેરો પણ કરતા હોય છે અને ફેરફાર પણ કરતા હોય છે. ઘણા લેખકો પોતાની કૃતિ લાંબી પ્રતીક્ષા પછી છપાય છે ત્યારે ખુશ થાય છે પણ કૃતિના જે હાલહવાલ સંપાદકે કર્યા હોય છે એ જોઈને એમના હોશ જ ઊડી જાય છે! ક્યારેક તો એ માથું ખંજવળે છે અને એ પોતાની કૃતિ છે કે બીજા કોઈની કૃતિ એના નામે છપાઈ ગઈ છે એવો પ્રશ્ન સંપાદકને પૂછે છે ત્યારે સંપાદક ગર્વથી જણાવે છે કે તમારી કૃતિમાં યોગ્ય ફેરફારો કરીને મૂકી છે! આપણા એક સાપ્તાહિક ચક્રમમાં વર્ષો પહેલાં પ્રશ્નોત્તરી વિભાગ માટે કૂપન છાપવામાં આવતી, અને એમાં વાચક પાસેથી એવી કબૂલાત મેળવાતી કે ‘મારો પ્રશ્ન બરોબર ન લાગે તો મારે નામે કોઈ નવો પ્રશ્ન તૈયાર કરીને છાપવા વિનંતી છે.’ આ તો માત્ર પ્રશ્નની વાત થઈ, પણ કેટલાક તંત્રીઓ આખો લેખ કે વાર્તા નવી તૈયાર કરીને છાપી નાખવાની હિંમત કરે છે ત્યારે આશ્ચર્ય થાય છે. [‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ. ૫૧-૫૨] યાસીન દલાલ

A
B

X.
Y

૧૫૮. સામયિકો : કળાની ખેવનાનો પર્યાય અભિવ્યક્તિની મથામણના ઇતિહાસમાં જો કોઈએ સહયાત્રા કરી હોય તો તે સાહિત્ય અને પત્રકારત્વનાં ક્ષેત્રોની છે. આધુનિક યુગમાં પત્રકરાત્વનો પ્રારંભ થયો ત્યારથી સાહિત્યમાં, સર્જનમાં, માવજતમાં અને સાહિત્યિક આબોહવા ઊભા કરવામાં અખબારો અને સામયિકો પ્રવૃત્ત હતાં, અને તેમાંથી જ ‘સાહિત્યિક પત્રકારત્વ’ ની વિશેષ સંજ્ઞાનો ઉદ્‌ભવ થયો છે. આપણે ત્યાં, ગુજરાતી સાહિત્યમાં સાહિત્યિક પત્રકારત્વનું પ્રદાન તો નિર્ણાયક રહ્યું છે. પણ તેની પરિભાષા, ક્ષેત્ર અને મૂલ્યાંકનના પ્રયાસો થયા નથી અથવા ત એકદમ ગેરસમજો સાથે સંકળાયેલા રહ્યાં છે. ગુજરાતી વર્તમાનપત્રોએ સાહિત્યના પ્રવાહોને આલેખ્યા : ‘વાર્તા-કવિતા-નવલકથા-અવલોકનને પ્રકાશિત કરતા રહ્યાં, સામયિકોના માધ્યમથી સાહિત્યકાર સંપાદકોએ ગુજરાતી ભાષા અને સાહિત્યના જગતને આલોકિત કર્યું. આ બધું સાહિત્યિક પત્રકારત્વના ઈતિહાસ તરીકે સાહિત્યના અને પત્રકારત્વના અભ્યાસી સમક્ષ મૂકવું જોઈએ તે રીતે તેનું સંશોધન કાર્ય હજુ સુધી થતું નથી. જો એ કામ ન થયું હોય તો, જેમણે સાહિત્યિક પત્રકારત્વની ભૂમિકા સર્જી હતી તેવા હાજી મહંમહ અલારખિયા શિવજી, શેઠ પુરૂષોત્તમ વિશ્રામ માવજી, વિજયરાય ક. વૈદ્ય, હરગોવિંદદાસ કાંટાવાળા, કનૈયાલાલ મુનશી, ચાંપશી ઉદેશી, ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા વગેરેેનું સાહિત્યના પત્રકાર તરીકેનું મૂલ્યાંકન પણ ક્યાંથી શક્ય બને? સમૂહ માધ્યમોન વિશિષ્ટ અને અવિનાભાવી સંબંધ સાહિત્ય સાથે છે, સાહિત્યનાં સ્વરૂપોની સાથે છે અને ે તથ્ય આજકાલનું નથી. પેલાં ચોપાનિયાં જન્મ્યાં, પછી સાપ્તાહિકો અને દૈનિક વર્તમાનપત્રોનો પ્રાદુર્ભાવ થયો. રેડિયો અને ટેલિવિઝનની શોધ થઈ. ફિલ્મ જેવા દૃશ્યશ્રાવ્ય માધ્યમોની મોહિની ફેલાઈ. આ માધ્યમો જગતના દૈનંદિન કાર્ય પ્રપંચોની સાથે તો નિસબત ધરાવે જ છે. પણ એની સમાન્તરે એક એવી ખેવના પ્રવર્તે છે જેેને આપણે ‘કળાની ખેવના’ કહી શકીએ. આ કળાની ખેવનાનો પર્યાય છે સાહિત્યનું પત્રકારત્વ. [‘પત્રકારત્વના પ્રવાહો’, ૧૯૯૧, પૃ. ૮૧-૮૨] વિષ્ણુ પંડ્યા

A
B

X.
Y

૧૫૯. જાહેર સામયિકો – બંધ સામયિકો આપણાં કેટલાંક સામયિકો ‘જાહેર સામયિકો’ છે અને કેટલાંક ‘બંધ સામયિકો’ છે. અનો અર્થ એ છે કે કેટલાંક સામયિકો સામેથી લેખકો પાસેથી કોઈપણ કૃતિ આવે તો એમાંથી પસંદગી કરીને છાપે છે, તો બીજાં કેટલાંક પોતાનું એક જુદું લેખકવર્તુળ રાખે છે, અને એમની પાસેથી મોટે ભાગે સામેથી વિષય આપીને લખાવડાવે છે. અંગ્રેજીમાં વીકલી જેવાં સામયિકો મોટે ભાગે પોતાના વર્તુળમાંથી જ લેખો તૈયાર કરાવે છે, આપણે ત્યાં ગ્રંથ સામયિક અંગે એક વાર આવો વિવાદ સર્જાયેલો અને ત્યારે એણે સ્પષ્ટતા કરેલી કે ગ્રંથ એ જાહેર સામયિક નથી. લેખકે આમ, દરેક સામયિકની પોતાની પ્રણાલિને ધ્યાનમાં રાખવી જોઈએ. જેથી એનો સમય ન બગડે અને વિવાદ પણ ન થાય. જાહેર ન હોય એવાં સામયિકો માટે લખવું હોય તો પ્રથમથી સામયિક સાથે પત્રવ્યવહાર કરીને પૂર્વસંમતિ મેળવી લીધા પછી લેખની બાબતમાં આગળ વધવું હિતાવહ ગણાય. કેટલાંક તંત્રીઓ તો સામેથી આમંત્રણ આપીને લેખ લખાવ્યા પછી પણ એને છાપતા નથી, કે એનો પુરસ્કાર પણ આપતા નથી. આ વલણ નિઃશંકપણે વખોડવાપાત્ર છે. [‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ.૫૩] યાસીન દલાલ

A
B

X.
Y

૧૬૦. સંપાદકની લગની – સ્વતંત્ર સામયિક સને ૧૯૨૪માં નોકરી છોડીને વિજયરાય ભાવનગરમાં હતા ત્યારે સૌરાષ્ટ્રમાં જોડાવા માટેની તક ઊભી થયેલી. વરતેજમાં ભરાયેલી રાજપૂત પરિષદ દરમિયાન એ અમૃતલાલ શેઠ અને ઝવેરચંદ મેઘાણીને પ્રથમવાર મળ્યા. અમૃતલાલ ગુજરાત અને ચેતનમાંના વિજયરાયના લેખોથી વાકેફ હતા. એમણે ત્યાંથી જ વિજયરાયને સાથે ઉપાડ્યા અને રાણપુર લઈ ગયા. રાણપુર પહોંચીને અમૃતલાલે એમને રશિયા વિશેનાં પચીસેક પુસ્તકો આપ્યાં, અને એના ઉપરથી લખાણ તૈયાર કરવાનું કહ્યું. પારિશ્રમિક પેટે સો રૂપિયા એડવાન્સમાં આપ્યા. પછીથી વિજયરાયે વધુ પૈસ મંગાવ્યા તે ય મોકલતા રહ્યા. વિજયરાયને ત્યારે પૈસાની જરૂર પણ હતી પણ એમને તો સ્વતંત્ર પત્ર શરૂ કરવાની લગની લાગેલી. એટલે કૌમુદીનું પ્રકાશન એમણે એ જ સાલમાં શરૂ કર્યું અને સૌરાષ્ટ્ર માટે લખવાનું કામ બાકી રહી ગયું. વિજયરાય પોતે નોંધે છે તેમ : ‘ત્રૈમાસિકના સંપાદનમાં તો મને એટલો બધો રસ કે રશિયન વિપ્લવ રહ્યો એને ઠેકાણે ને ૧૯૨૭-૨૮ સુધીમાં, ઊછીના-પછીના લાવીને અને છેલ્લે છેલ્લે તો સૌરાષ્ટ્રમાં અવલોકનો લખીને, એ પાંચ સો રૂપિયા પાછા ભરી દીધા.’ [‘અખબારનું અવલોકન’ (૧૯૮૧), પૃ. ૧૫૭] યાસીન દલાલ

A
B

X.
Y

૧૬૧.

કેટલો પુરસ્કાર મળવો જોઈએ?

એક લેખ સામયિકમાં છપાય તો એને માટે કેટલો પુરસ્કાર મળે? આનું પ્રમાણ દેશે દેશે, ભાષાએભાષાએ જુદું હોય છે. પશ્ચિમના દેશોમાં પુરસ્કારનું ધોરણ ખૂબ ઊંચું હોય છે અને ત્યાંનો લેખક વર્ષે દહાડે પંદર-વીસ સારા લેખો લખીને આસાનીથી હજારો ડોલરની કમાણી કરી લે છે. અમેરિકાનો હોહેનબર્ગ નામનો ફ્રી-લાન્સ લેખક દર વર્ષે માત્ર છૂટક લેખો લખીને ૫૦,૦૦૦ ડોલર કમાય છે. આપણે ત્યાં આ બધી વાતો મોઢામાં પાણી લાવનારી છતાં સ્વપ્નવત્‌ લાગે છે. આજથી સો વર્ષ પછી પણ આપણો લેખક આટલું કમાઈ શકશે કે કેમ એ એક પ્રશ્ન જ છે. આમ જોઈએ તો, પુરસ્કારની બાબતમાં આપણો લેખક ઘણો કમનસીબ છે. આપણે ત્યાં આજે પણ એક લેખ દીઠ લેખકને પાંચ રૂપિયા જેટલો પુરસ્કાર આપવાનું ‘સાહસ’ ખેડનાર તંત્રીઓ પડ્યા છે! આ પાંચ રૂપિયા ઓફર કરતાં પણ એમને સંકોચ નથી થતો, પણ લેખકને માલામાલ કરી દીધાની લાગણી થાય છે! પોતાના લેખનું કેટલું મૂલ્ય છે, એની જાણકારી લેખકને હોવી જોઈએ. આપણે ત્યાં એવા સંખ્યાબંધ તંત્રીઓ છે, જેઓ લેખક સામેથી વારંવાર માગે નહીં, ત્યાં સુધી પુરસ્કારની રકમ મોકલવાનું નામ જ લેતા નથી. આ એક સુખદ સ્થિતિ નથી જ, પણ લેખકે તો વાસ્તવિકતા સ્વીકારીને એનો સામનો કરવો રહ્યો. ઘણા લેખકો તો બિચારા તમાચો મારીને મોં લાલ રાખતા હોય છે, અને ગુમાવેલા પુરસ્કારની વાતને ભૂલી જાય છે. [‘લેખ લખવાની કળા’, ૧૯૯૧, પૃ. ૫૫] યાસીન દલાલ

A
B

X.
Y

૧૬૨.

સમયનો જીવંત આલેખ

લઘુ સામયિકો ઉત્તમ હોય પણ એ ઓછું ટકતાં હોય છે એનાં તો ઘણાં કારણો છે. સાહિત્યરસિક વર્ગ ઘટતો જાય છે ને એથી આર્થિક રીતે પગભર થવાનું મુશ્કેલ થતું જાય છે એ તો એક કારણ છે જ પણ જ્યારે ઘણાં સામયિકો એક સાથે પ્રવૃત્ત હોય ત્યારે એ બધાંને જ ચલાવવા, ટકાવવાની જવાબદારી કંઈ વાચકો–ગ્રાહકો પર આરોપી ન શકાય. નવું સામયિક શરૂ કરનારે એની અનિવાર્યતાને બે રીતે સિદ્ધ કરવાની રહે. પહેલી તો એ કે પ્રવર્તમાન સામયિકોની વચ્ચે એ નવું સામયિક કોઈ વિશેષ પ્રયોજન, કોઈ નવો જ દૃષ્ટિકોણ, કોઈ નવા વિષયોના કે સ્વરૂપના સામયિકોની ખોટ પૂરવાના આશયથી શરૂ થાય છે કે કેમ? ને બીજું એ કે તમે એક તંત્રી-સંપાદક તરીકે એ સામયિકને સતત સૂઝ-શ્રમપૂર્વક ઉપયોગી બનાવી શકો છો કે કેમ? સામયિકનું લવાજમ ઇચ્છનારે પ્રજાની સાહિત્યવિમુખતા, કદરદાનીનો અભાવ, ગુજરાતીઓની વૈશ્યવૃત્તિ વગેરેને નિંદવા પહેલાં તો વાચક માત્રની ઉચિત અપેક્ષાનું યોગ્ય વળતર આપવાની તૈયારી બતાવવી જોઈએ. એણે સતત વિચારતા ને મથતા રહેવું પડે કે એનું સામયિક સામ્પ્રત સાહિત્ય-સ્થિતિને, સાહિત્યિક વાતાવરણને જીવતું રાખવામાં ને વાચકને કશુંક નક્કર સંપડાવવામાં પાછું પડતું નથી. સામયિક એના સમયનો એક જીવંત તાર બની રહેવું જોઈએ. વર્ષો પછી પણ એના અંકમાંથી પસાર થનારની સામે એ વિશેષ સમય સંચારિત થઈ ઊઠવો જોઈએ. [ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ–૧૯૯૭] રમણ સોની

A
B

X.
Y

૧૬૩. ગોળગોળ વાતો કરતા સમીક્ષકો કેટલાક સમીક્ષકો સમીક્ષામાં ગોળગોળ વાતો કરે છે અને સ્પષ્ટ અભિપ્રાય આપતા નથી. આમ કરીને તેઓ વાચકને ઊલટું વધુ મૂંઝવણમાં નાખે છે. આવી સમીક્ષાઓ અર્થહીન છે. આપણે ત્યાં આવા ઢગલાબંધ સમીક્ષકો છે, જેઓ મૂળ લેખકને ક્યાંય માઠું ન લાગી જાય એની સતત કાળજી રાખે છે અને સાથે પોતાનું વિવેચકપદ ટકાવી રાખવાના ઉત્સાહમાં વિવેચનના મૂળ ધોરણનું જ બલિદાન આપી દે છે. કેટલીક સમીક્ષાઓ સમીક્ષા ન બનતાં પ્રશસ્તિપત્રો બની રહે છે. આપણે ત્યાં Criticism in Friendship ની પણ ઘણી ચર્ચા થઈ છે. આવા વાતાવરણને લીધે ગુજરાતમાં પુસ્તક સમીક્ષાનું કોઈ ઊંચું ધોરણ બંધાયું નથી, અને મોટાભાગના લેખકો વિવેચકો પ્રત્યે એક પ્રકારની સૂગ ધરાવે છે. [‘લેખ લખવાની કળા’, પૃ. ૯૦] યાસીન દલાલ

A
B

X.
Y

૧૬૪. લઘુ સામયિક : દૃષ્ટિ અને ગતિવિધિ ‘લઘુ સામયિકો’ (લીટલ મેગેઝિન)માં ‘લઘુ’ વિશેષણ સામયિકના કદ કરતાં એના વાચકવર્ગને વિશેષ લાગુ પડે છે એમાં કદનું મહત્ત્વ નથી જેટલું એના પ્રકાશન પાછળની દૃષ્ટિ તથા ગતિવિધિનું મહત્ત્વ હોય છે. લાભશંકર ઠાકરની છંદોબદ્ધ રચનાઓ કુમારમાં છપાયેલી અને તેને માટે તેમને ‘કુમાર ચન્દ્રક’ પણ એનાયત થયેલો પણ એમની ‘તડકો’ કે ‘લઘરો કવિ’ જેવી રચનાઓ કુમારમાં છપાય એવી કલ્પના ન કરી શકાય એટલે તેમણે મિત્રો સાથે મળીને કૃતિ જેવું સામયિક શરૂ કર્યું. પ્રસ્થાપિત મૂલ્યો સામેનો વિરોધ આ પ્રકારના સામયિકોમાં પ્રકટ થતો હોય છે એ ભૂમિકા પૂરી થયે એ સામયિક કે ચલાવનાર પોતે પ્રસ્થાપિત હિત બની જાય એ બને. એવું થાય ત્યારે લઘુ સામયિક તરીકેનું તેનું કાર્ય પૂરું થયેલું ગણાય. [ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ, ૧૯૯૮] કાન્તિ પટેલ

A
B

X.
Y

૧૬૫. સ્વપ્નને મર્યાદિત શા માટે કરવું? ઉદ્દેશ તમને સંસ્કૃતિની સતત યાદ આપે તેવું માસિક છે. રૂપરંગે, આયોજન અને ગોઠવણીએ એ આબેહૂબ સંસ્કૃતિ જેવું લાગે. જોકે નવી મુદ્રણવિદ્યા અને વધુ એકાગ્રતા અને પરિશ્રમને લીધે દેખાવમાં થોડુંક ચડિયાતું જણાય. જો કે મારો મત હંમેશા એવો રહ્યો છે કે કોઈપણ નવા સામયિકો કોઈ પૂર્વજના પેંગડામાં કે જોડામાં પગ ઘાલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. એનું નિશાન વધુ ઊંચુ હોવું જોઈએ, કંઈક નવું કરી બતાવવાનું, જે થઈ ગયું છે તેનાથી કંઈક જુદું નિર્માણ કરી આપવાનું હોવું જોઈએ. એક જૂની વાતનું સ્મરણ થાય છે. ભોગીલાલ ગાંધી વિશ્વમાનવ શરૂ કરવાના હતા. એમણે એ માસિક પરત્વે પોતાની આકાંક્ષા–અભિલાષા પ્રગટ કરતાં એક સૂત્ર મૂકેલું : ‘ગુજરાતી’નું મોડર્ન રિવ્યૂ બનવાનાં સ્વપ્ન સેવતું માસિક.’ મને તે વખતે એ અભિગમ રુચેલો નહીં. ‘મોર્ડન રિવ્યુ’ તે વખતના ભારતનું એક ઉત્કૃષ્ટ અંગ્રેજી માસિક હતું તે કબૂલ. પણ નવા માસિકના તંત્રીનું સ્વપ્ન એટલું મર્યાદિત, એવું અનુકરણશીલ શા માટે? એને માટે કેટલીય દિશાઓ ખુલ્લી પડી છે. એના પુરૂષાર્થ માટે, ઉડ્ડયન માટે, અનંત આકાશ વિસ્તરેલું છે અને એટલે જ, બચુભાઈ રાવતનું કુમાર (એમની ભૂલો અને ખામીઓ સહિત) પુર્નજીવિત કરવાનો વિચાર પણ મને ગમ્યો નથી. [ઓળખ, જાન્યુઆરી ૧૯૯૬] યશવંત દોશી

A
B

X.
Y

૧૬૬. નરવી ક્રાંતિવાળા બે શબ્દ સાહિત્યની માવજત સામયિકો અને અખબારો પણ કરી શકે, હું તેનાથી અસ્પૃશ્ય રહેવામાં માનનારો મરજાદી નથી. જો આપણે સંસ્કૃતિના સંવર્ધન અને સાતત્યની ચિંતા કરતા હોઈએ તો પ્રજાનું ધ્યાન સર્જનાત્મક પ્રતીતિના આવિષ્કારો તરફ દોરાતું રહે તે આપણે જોવું જોઈએ. સર્જકની ચેતના સર્વાશ્લેષી હોય છે, એમ છતાં એ જો પોતાના અહંકારમાં પુરાઈને રહેતો હોય તો એને એમાંથી બહાર કાઢીને નરવી ક્રાંતિવાળા બે શબ્દ બોલે એવું વાતાવરણ રચવું જોઈએ. આપણી આબોહવામાં જૂથોની, પ્રતિષ્ઠાનોની વાતો સંભળાયા કરે છે. એ બધાને ઉલ્લંઘી જવા જેટલી મોટી છલાંગ ભરવાનું કૌવત સર્જકમાં પ્રકટાવવું જોઈએ. સંપાદકની રુચિ ગમે તે હોય, એને સંપાદનમાં બાધક નીવડવા દેવી ન જોઈએ. કારણ કે ‘મારા પ્રભુના પ્રાસાદમાં ઘણા ઓરડાઓ છે.’ ગુજરાતી સાહિત્યમાં અનેક અભિવ્યક્તિની રીતિઓ અને શૈલીઓ પ્રકટતી રહો. [વિષ્ણુ પંડ્યા પરનો પત્ર-‘પત્રકારત્વના પ્રવાહો’, ૮૬-૮૭] સુરેશ જોશી

A
B

X.
Y

૧૬૭. શુદ્ધ, વિષયલક્ષી સામયિકો કોઈપણ વિકાસશીલ સમાજમાં એક જ વિષયને શુદ્ધભાવે પૂર્ણતયા વરેલાં સામયિકો શીર્ષસ્થાને હોવાં ઘટે-જેના ઝરણ-વહેણમાંથી જીવનલક્ષી સામયિકો ચયન-દોહન કરતાં રહે અને digesting દ્વારા સ્થાણુખણન ન્યાયે સ્થિર ઊભાં રહેતા શીખે. સંસ્થાઓ અને સંસ્કારકેન્દ્રોનો ધનલાભ આવાં સામયિકોને મળવો ઘટે – સંસ્થાઓએ પણ પોતાનું વાજિંત્ર બની રહેતાં કે ગૌરવગાયક બની રહેતાં એ સૌને જોઈને રાચવાને બદલે આવાં શુદ્ધ, વિષયલક્ષી સામયિકોના Patronizing ગૌરવ જોતાં શીખવું જોઈએ. સામયિકો દ્વારા લોકશાહીમાં પ્રજા બોલતી હોય એ આદર્શ સ્થિતિને વિરોધે આપણે ત્યાં પ્રજા ઘણું બધું સાંભળે છે. જે-તે સમયના eliteથી સતત ચેતતા રહેવાની કે એને પડકારવાના આપણા અધિકારની રૂએ એને ચેતતો રાખવામાં ક્યારેય મોડું થવું જોઈએ નહિ. [ખેવના, ૧૯૮૫] સુમન શાહ

A
B

X.
Y

૧૬૮. સામયિક ઊજળું છે તેના લેખકોથી પહેલી લાગણી આજે લેખકમિત્રો પ્રત્યે આભારની છે. લેખક-સમાજના કુલ નૂર કરતાં કોઈ સામયિક વધુ ઊજળું હોઈ શકે નહીં, ભલે એ નૂર વધારવામાં એ ફાળો આપી રહે, લેખકોએ પોતાનું ઉત્તમ, મન મૂકીને આપ્યું. કોઈવાર કશીપણ ગેરસમજ થાય એવું બન્યું હોય તો પણ પોતાનાં લખાણો ઉદારભાવે તેઓ આપતા રહ્યા. મને એકંદરે લેખકવર્ગનો સુખદ અનુભવ થયો છે. બલવંતરાય ઠાકોર અને કિશોરલાલ મશરૂવાળા પાસેથી લખાણો આવ્યાં, તો શરમાળ રાવજી પટેલ વિદ્યાર્થી હતા ત્યારે આવતા અને પ્રકાશન માટે કાવ્ય લાવતા. પ્રિયકાન્ત મણિયાર પાસેથી નવું નવું મળ્યાં કરતું. જેટલી પોતાની તેટલી દરેકની મુક્તતાને માન આપવાના કારણે કોઈ (શાળા) સંપ્રદાય સ્થાપવાના સાધન તરીકે સંસ્કૃતિને યોજ્યું નહીં, શાળાનો આગ્રહ કદાચ સ્વ-રૂપને ચોકઠામાં પૂરનારો બની બેસે, ‘અંગત ચહેરા’ આગળ ધરી બેસાય એ માટે મજબૂર બનાવે. સર્જન અને આસ્વાદ-આલોચન એ એટલી બધી વ્યક્તિલક્ષી ક્રિયાઓ છે કે એમાં પ્રત્યેક વ્યક્તિ એ જ શાળા. [સંસ્કૃતિ, ઑક્ટોબર-ડિસેમ્બર ૧૯૮૪] ઉમાશંકર જોશી

A
B

X.
Y

૧૬૯. અભ્યાસનિષ્ઠ ટીકાસમીક્ષા માગતી બૌદ્ધિક પ્રવૃત્તિ આપણાં ‘સાહિત્યિક’ કહેવાતાં સામયિકોની બે લાક્ષણિકતાઓ ઊડીને આંખે વળગે એવી છે : એક તો એ કે એમાંના કેટલાંક સંસ્થાકીય મુખપત્ર કે પ્રતિષ્ઠિત હોવાને લીધે અર્થસમૃદ્ધ છે–રૂપે રંગે વયે. એટલા માટે જ એ સારું એવું ટકી જાય છે. જ્યારે કેટલાંક એવાં છે કે જે અર્થકંગાલ હોવાને લીધે જન્મે છે ખરાં પણ ઝાઝું જીવતાં નથી, લથડી જાય છે અથવા તેમનું બાળમરણ થાય છે. બીજી લાક્ષણિકતાનો વિચાર કરતાં હતાશ થઈ જવાય તેવી સ્થિતિ છે. આમાંનાં મોટા ભાગનાંની ‘જીવનલક્ષિતા’, એમના ‘સાહિત્યિક’ એવા વિશેષણને સાવ ખોટું પુરવાર કરે એવા બધા પ્રાચુર્યવાળી અને વેરવિખેર છે. આ બે લાક્ષણિકતાઓને પરસ્પર ભેળવી દીધા પછી કહી શકાય કે અર્થસમૃદ્ધ સામયિકો મોટેભાગે ઉદારરુચિ છે. ધોરણો વિશે શિથિલ બુદ્ધિ ધરાવે છે. આ ઔદાર્ય કેટલાક દાખલાઓમાં તો તંત્રીકાર્યનો-editingનો સાવ છેદ ઉડાવી દેતું જોવા મળે છે. તંત્રી અથવા સંપાદક ત્યાં મુદ્રક, સંચાલક કે સંગ્રાહકથી વિશેષ નથી હોતો. લેખકને કેળવે એવું તંત્રીકાર્ય ગુજરાતી સામયિકોમાં હશે ખરું? કહે છે કે નવા નામને કોઈ વેળાસર ઉત્તરેય દેતું નથી! અર્થકંગાલ સામયિકોનું તંત્રીકાર્ય ઘણું કડક અને નિયત અભિગ્રહોને દૃઢતાથી વળગી રહેનારું જોવા મળે છે. પહેલાને મુકાબલે આનો લેખકવર્ગ પણ મર્યાદિત હોય છે–એકાદ જૂથ કે મિત્રવર્તુળ જેટલો મર્યાદિત હોય છે. વાચકવર્ગની અહીં આવી ગણતરીની જ સંખ્યા હોય છે. આ સામયિકો કોઈપણ–મૂઢમાં મૂઢ–ગ્રાહકને ઉશ્કેરે એવાં ઘણીવાર અનિયમિત હોય છે જેમ પેલાં નિયત તારીખ પહેલાં બહાર પડે છે તેમ આ નિયત તારીખ જેવું રાખતાં જ નથી–રાખે તો સમજતાં નથી. અમ બેય પ્રકારનાં સામયિકોમાં પરસ્પરને પૂરક એવાં ઘણાં તત્ત્વો છે. પણ લાંબા સમયથી બંને પોતપોતાની ઊણપો, મર્યાદાઓ અને અધૂરપોનો જ મિજાજ બનાવી લઈ, મસ્ત સ્વૈરગતિએ લાપરવાહીથી ચાલતા જણાય છે. વધારે કરુણ વાત તો એ છે કે આખી આ પ્રવૃત્તિને લેખક, વાચક, ગ્રાહક લાંબા સમયથી જીરવતા આવ્યાં છે. બૌદ્ધિક તરીકે ઓળખાતી આ પ્રવૃત્તિ આજના સંજોગોમાં અને વૈચારિક શુદ્ધિના સંદર્ભમાં અભ્યાસનિષ્ઠ ટીકાસમીક્ષા માગી રહી છે. [ખેવના, જુલાઈ ૧૯૭૧] સુમન શાહ

A
B

X.
Y

૧૭૦. અપરિચિત વિશ્વ લઈ આવવાની ચેલેન્જ નવ્વાણું ટકા તંત્રીઓ વાચ્યાર્થમાં સંપાદકો છે. એ સજ્જનો વાસ્તવમાં તો આવેલાં લખાણો એકત્ર કરીને છાપવાથી વિશેષ કશું કરતા નથી, મુદ્રકથી તેઓ તત્ત્વતઃ જુદા પડતા નથી. આ તંત્રીઓ જરૂર પડ્યે લખાણો માગે છે ને એમને મળી જાય છે. આવાં સામયિકોની નીતિ ઘણી શિથિલ અને અનાવશ્યક રીતે સમુદાર હોય છે. છતાં એમાં તંત્રીની ‘દૃષ્ટિ’ અને ‘સૂઝ’ વાંચવામાં આવે છે! ખરેખર તો કશા ચોક્કસ સાહિત્યિક આગ્રહો, ખ્યાલો કે વિચારો વિશે આવા તંત્રીઓ કે એના લેખકો ભાગ્યે જ કમિટેડ હોય છે. – ‘ટેવરૂપ વ્યવહાર’ને અહીં ‘નિશ્ચિત નીતિ’ ગણવા-ગણાવવાનો સામૂહિક દંભ આચરાય છે. આવાં સામયિકો સ્વાભાવિક રીતે જ પોતાના શિથિલ-ઉદાર વર્તનને લીધે ‘ઓટલા’ જેવાં કે ‘ચોરાં’ જેવાં બની રહે છે. કોઈપણ વટેમાર્ગુ અહીં આવી ટહેલટૌકો કરી શકે છે–એને કશી રોકટોકનો ભય નથી. તંત્રી જો એને રોકવાનો હશે તો કૃતિની પહોંચ સરખી મોકલે નહિ; અને એથી વિશેષની શી અપેક્ષા? ટોકવાની વાતમાં જોખમો છે. આંગળી મૂકીને ઘણું બતાવવું પડે, ચર્ચામાં પણ ઊતરવું પડે–કોઈવાર ખુલ્લા પડવાનો સમય પણ આવે. અને એ આ બધું કરવાનું પોસાય એટલો સમય જ ક્યાં હોય છે? કોઈપણ સામયિકે દરેક અંકે અપરિચિત વિશ્વ લઈને આવવાની ચેલેન્જ ઉપાડવાની હોય છે અને એ ઘણો શ્રમ માગી લે તેવી અઘરી બાબત છે. એટલે સમયની સાથે કોઈ સામયિક ઘણું જીવે ખરું પણ એ કાલગ્રસ્ત થઈ ગયું હોય. વિકાસશીલ તંત્રીકાર્યના એક પરિણામરૂપે એનો લેખકવર્ગ અને વાચકવર્ગ પણ બદલાતો રહે છે. ઉમેરાતો રહે છે તેમ છતાં સામયિકના ટોટલ ઈમ્પેક્ટમાં એક મૂળભૂત સૂરની ડિઝાઈન વરતાયા વિના રહેતી નથી. પશ્ચિમનાં વિશ્વવિખ્યાત સાહિત્ય–સામયિકો આવા મૌલિક અર્થમાં ગતિશીલ રહ્યાં છે. આપણાં કયાં સામયિકોને વિશે આવું કહી શકાશે? [ખેવના, ૧૯૮૫] સુમન શાહ

A
B

X.
Y

૧૭૧.

સંપાદક થવું સહેલું નથી

કોઈપણ હાલિયો, માલિયો, જમાલિયો પૈસાના જોરે અથવા તો કીર્તિના જોરે કોઈપણ સામયિકનો સંપાદક થઈ શકે? સંપાદક થવા માટે સજ્જતા શું જોઈએ? મને એવું લાગે છે કે સંપાદકમાં તાટસ્થ હોવું જોઈએ. બિનરાગાત્મકતા હોવી જોઈએ. ટેબૂઝ વગરનો હોવો જોઈએ અને સર્જાતા સાહિત્ય સાથે સીધા સંપર્કમાં હોવો જોઈએ. હાજી અલ્લારખાની જેમ એ ધારી કૃતિ ધાર્યા સર્જક પાસેથી મેળવી શકતો હોવો જોઈએ. બચુભાઈ રાવતની જેમ એને સર્જાતા સાહિત્યના બગીચામાં માળીનું કામ કરવું પડે અને ચાંપશી ઉદેશીની જેમ છાપભૂલ વગરનું સામયિક હોય એ માટે આખેઆખું પ્રેસ મેટર ફરી લખવાની તૈયારી હોવી જોઈએ. સંપાદક થવું સહેલું નથી. [લોકસત્તા–જનસત્તા, ૮ જુલાઈ, ૨૦૦૭] ચિનુ મોદી

A
B

X.
Y

૧૭૨. ગતિશીલ ચુસ્તી તંત્રી કાર્ય એટલે કાપકૂપ કરવાની સત્તા કે તંત્રીની સ્વતંત્રતા એવો પણ એનો અર્થ ઘટાવાય છે. એના જ અનુસંધાનમાં, ન ગમતું, ન ફાવતું લખાણ દબાવી રાખવાની દિલચોરીને પણ તંત્રીકાર્ય જ ગણવામાં આવે છે. આ પ્રકારના તંત્રીઓ આપણે ત્યાં એકથી વધુ છે અને સાહિત્યક્ષેત્રે આથી વિશિષ્ટ એવી એમની કશી કારકિર્દી પણ નથી. સાહિત્યિક પ્રવાહોની સચ્ચાઈઓનો એમનો અભ્યાસ ભાગ્યે જ હોય છે. નવાં બહાર પડતાં પુસ્તકોથી એ ભાગ્યે જ માહિતગાર હોય છે. સરજાતાં પુસ્તકોનું અવલોકન લખાવનારા તંત્રીએ મોટે ભાગે મૂળ પુસ્તકો જોયાં જ હોય છે, વાંચ્યા હોતાં નથી. તો બીજે છેડે સાહિત્યના ઈતિહાસની ખાંચખૂંચાની પણ એને ઘણીવાર ગમ હોતી નથી. અમુક લેખકોને આવા તંત્રીઓ અમુક વિષયના છેલ્લામાં છેલ્લાં અધિકારી ગણીને ચાલે છે અને શક્તિશાળી લેખકોને પ્રત્યક્ષ-પરોક્ષ અન્યાય કરવામાં કશું ખોટું જોતા નથી, એટલું જ નહિ, એને પોતાની અને પોતાના સામયિકની ‘નીતિ’ તરીકે જાહેર કરે છે. આવેલા લખાણની પ્રમાણભૂતતા કે અધિકૃતતા ચકાસવા જેટલી સમજનો પણ ઘણે તો અભાવ જ વરતાય છે. આવું જડસુવેડા આદર્શ તંત્રીકાર્યને ક્યાંયે અભરાઈ પર ચડાવી દે છે. એક સાચો તંત્રી ચુસ્તતાથી ગતિશીલ અને ગતિશીલતાથી ચુસ્ત હોય છે. બહુશ્રુતતાથી સદા અજ્ઞાની અને પોતાના અજ્ઞાનથી સદા પરિચિત રહેતો હોય છે. ગુજરાતી ભાષામાં તો, કોણ જાણે એ ક્યારેય જોવા મળશે...? [ખેવના, ૧૯૮૫] સુમન શાહ

A
B

X.
Y

૧૭૩.

સંપાદકની વૈયક્તિક મુદ્રા

મુક્ત પરિવેશ વગર મને નથી લાગતું કે દૃષ્ટિપૂર્વકનું સામયિક કાઢવું સહેલું છે. ભૂલો ન થાય એમ નહીં, પણ સંપાદકનો એક Individual Stamp હોય છે. એક પ્રકારનું Focusing આવે છે. લેખકો સાથેનો મારો વ્યવહાર મૈત્રીપૂર્ણ રહ્યો છે. – લગભગ અવિધિસરનો. લેખો માંગતા મારા પત્રોનો મને સાધારણ રીતે સુંદર પ્રતિસાદ મળ્યો છે. જ્યારે મેં લેખો પાછા પણ મોકલ્યાં છે ત્યારે કડવાશ નથી ઊભી થઈ. જો કે પત્રચર્ચાઓની ટીકાઓને કારણે અલ્પસંખ્ય મૂળ લેખકો સાથે મને થોડા અવરોધો ઊભા થયા છે. મેં કામ સોપ્યું હોય અને કેટલાંક એ ન પૂરું કરી શક્યા હોય તો મને ગુસ્સો નથી આવ્યો. દૃષ્ટાંત આપવું હોય તો જશવંત શેખડીવાલાનું આપી શકાય. મેં એમને કરસનદાસ માણેકની અગ્રન્થસ્થ પદ્યનાટિકાઓ વિશે લખવાનું કહ્યું હતું. એમણે સ્વીકાર્યું હતું. એ મને અવારનવાર જણાવે જરૂર કે આ કે તે કારણે લખવાનું નથી બનતું. છેવટે લગભગ બે વર્ષે લેખવગર એ પદ્યનાટિકાઓ પાછી આવી. ગમે તે કારણ હોય. કદાચ એમને એ પદ્યનાટિકાઓમાં રસ ન પડ્યો હોય કે પછી ક્યાંક બીજે રોકાઈ ગયા હોય. હું સમજી શકી છું. રોષ નથી આવ્યો. જો કે તમારું સામયિક ચાલે તો છે જે એમાં નિયમિત લખી શકે છે એના ઉપર – અને એમના લેખો નિયમિત આવે એવો પ્રબંધ કરવો પડે છે. [પ્રત્યક્ષ, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧] મંજુ ઝવેરી

A
B

X.
Y

૧૭૪. સાહિત્યિક સામયિકો ચાલે, તો ચાલે શી રીતે? સવાલ એ છે કે સામયિકને લવાજમરૂપે આપવાની રકમ તેના જ લેખકો આપે છે ખરા–? લેખકને પુરસ્કાર મળવો ઘટે તેમ લેખકે લવાજમેય આપવું ઘટે એવો વિચાર, આપણા સંદર્ભમાં શું સયુક્તિક નથી? નીવડેલા લેખકો એવો મિજાજ રાખતા હોય છે કે મારું છાપવા આપું છું એ જ ઘણું છે, મારે તે વળી લવાજમ ભરવાનું હોય...! જ્યારે નવોદિતો એમ માનતા હોય છે કે સાહિત્યિકવિકાસ તો પોતાનાથી જ શરૂ થતો હોય છે – મારા પ્રયોગો કે મારાં પ્રયોગશીલ લખાણો છાપવા આપું છું તે શું ઓછું છે કે મારે લવાજમ ભરવાનું હોય...! આ બે અંતિમો વચ્ચેલ લેખકોનો એવો વર્ગ આપણે ત્યાં જરૂર છે, જે ધર્મભાવે લવાજમો આપે છે, દાન આપે છે. એ વર્ગ આ પ્રવૃત્તિમાં વધારે પ્રશંસનીય છે, કેમ કે એ લખે પણ છે અને પ્રકાશનખર્ચમાં સહભાગીય બને છે. મારો મુદ્દો સહભાગી થવા અંગેનો છે. આપણે જો સમજીએ, તો લેખક તરીકેની આપણી પેલી મિજાજભરી ઠાંસ હવેના દિવસોમાં બહુ નભવાની નથી. [ખેવના, જૂન ૧૯૯૯] સુમન શાહ

A
B

X.
Y

૧૭૫. આંદોલનો જગવવાનાં હોય વ્યાપકપણે સાહિત્યસામયિકોની ભૂમિકા સાહિત્યસંવર્ધનની અને નવા ઊગતા આશાસ્પદ લેખકોને તક પૂરી પાડવાની રહેતી હોવી જોઈએ. બાકી તો સંપાદકની નિસ્બત અને દૃષ્ટિ ઉપર નિર્ભર છે. હા, સર્જન-વિવેચનનાં વલણો અને આંદોલનો જગવવામાં સામયિકોનો મોટો ફાળો હોઈ શકે. ઉદહરણરૂપે ‘ક્ષિતિજ’. એવાં સામયિકો પણ નીકળતાં જ હોય છે કે જેમાં ‘discrimination’ વગર, જે લેખો આવ્યા કરે એ લેવાતા હોય અને એમ સામયિક ચલ્યા કરતું હોય. [પ્રત્યક્ષ, જાન્યુઆરી-માર્ચ ૧૯૯૧] મંજુ ઝવેરી

A
B

X.
Y

૧૭૬.

સાહિત્યબ્રુવો પહેલાંયે હતા

બધાં સામયિકોનો મિજાજ નિરનિરાળો છે. ઘણી વિટંબણાએ અને ટાંચા સાધનોથી આ સામયિકો ક્યારેક મંથરગતિએ ચાલ્યાં છે પણ સાહિત્યવિચારને, સંવેદનાની જાગૃતિને એમણે ક્યારેય મંદ, જડ કે ઢીલાંપોચાં પડવા દીધાં નથી. રે દોઢ મહિને પ્રકટ થતું ‘દર દોઢ મહિને પ્રગટ થનાર દોઢ ડાહ્યાઓનું દોઢ માસિક’ એ એનો મંત્ર હતો, છતાં રે તથા કૃતિના સંપાદકોની કવિતા, વાર્તાવિવેચન સંસ્કૃતિમાં પ્રગટ થતાં. રેમાં એમ પણ લખાતું કે, રેમાં પ્રગટ થતી કૃતિઓ અમે સમજીએ છીએ એમ કોઈએ માની લેવું નહીં, યાહોમનું સૂત્ર હતું. ‘મને મુર્દાની બૂ સતાવે’ અને સંપાદકો લખતા–‘ગુજરાતનો સૌથી ઓછો ફેલાવો ધરાવતું એક માત્ર સામયિક’. શરૂઆતમાં ગદ્યપર્વનું સૂત્ર હતું. ‘આધુનિક પરંપરાનો વિસ્તાર.’ આ માત્ર ગતકડાં જ નહોતાં. આ ગંભીરતાભરી હળવાશ પાછળ એક જ ઉદ્દેશ હતો – પોતાની ભાષાનું સાહિત્ય સતત ઉત્કર્ષ પામતું રહે, જીવંત રહે, સાહિત્યને નામે જે ઠાવકા મૂર્ખો ગંદુ-ગોબરું ચર્વિતચર્વણ ચલાવ્યા કરે છે તે નહીં ચલાવી લેવાય. ઊહાપોહમાં છેલ્લાં પાના પર આવતી હળવી મજાકો ને લક્ષણાઓ પાછળ સાહિત્યનું વાતાવરણ નિરામય રહે, સર્જકો, વિવેચકો દ્વારા જ શબ્દ વ્યવહાર થાય છે તે સપાટી પરનો છે કે વ્યવહારની વિધિઓનો છે કે તેની પાછળ કોઈ ઊંડાણભરી નિષ્ઠા પ્રવર્તે છે તેની પ્રશ્નોભરી તપાસનો જ આ પાછળ લગાવ હતો. આમ, સાહિત્યમાં જે કંઈ લખાય–વંચાય છે તે માટેની ખબરદારી કેટકેટલાં સામયિકો જાળવતાં હતાં. આજે ચિત્ર થોડું ઝંખવાયું છે પણ નિરાશ થવાની જરૂર નથી. પણ રખેને એવું માનતા કે પહેલાં તો સુવર્ણકાળ હતો, ના, ત્યારેય સાહિત્યબ્રુવોની માત્રા આટલી જ હતી, સાહિત્યને નામે તરી જનારા, તેનો ઉપયોગ કરનારા, વ્યવહારડાહ્યા ઓછા નહોતા. [ગુજરાતી પત્રકાર, ઑગસ્ટ, ૧૯૯૮] નીતિન મહેતા

A
B

X.
Y

૧૭૭. સંકોચ અને ફફડાટ પણ રહેવાં જોઈએ વાર્તાકાર લેખે મને જે ઓળખ મળી એમાં કંકાવટી અને નવનીતનો મોટો ફાળો. લખવાનો આરંભ કર્યો હોય ત્યારે રુચિ અને દૃષ્ટિસંપન્ન સંપાદકો ધારે તો કેટલુંક પાયાનું કામ કરી શકે. એ પોતાની એવી શાખ બાંધે કે નવોદિતો કાચું-અધકચરું કામ એમને મોકલવાનું સાહસ જ ન કરે. આવો સંકોચ અને ફફડાટ રહે ત્યારે ધોરણો જાળવવાનું આપોઆપ જતું રહે. કેવળ કરુણાભાવથી સ્વીકારી લેવામાં આવેલી કૃતિઓ લખનારના મનમાં અકારણ આત્મવિશ્વાસ પેદા કરે છે. લખ્યું અને છપાયું એટલે સર્જકત્વનાં પૂર ઉમટ્યાં એવી ભ્રાંતિ જીવને ક્યાં ક્યાં લઈ જાય છે એ આપણે જોયું જ છે. એમાં સામયિકને અને લખનારને-બેયને પારાવાર નુકસાન. કંકાવટીની છાપ અલગ. રતિભાઈની સાહિત્યનિષ્ઠા એવી કે ઊંચાં ધોરણોના આગ્રહ માટે પંકાયેલા સર્જક/ વિવેચકોનાં લખાણો એમાં એકધારાં આવતાં રહ્યાં. શ્રદ્ધેય નામોની વચ્ચે કોઈ નવોદિતોને પોતાનું નામ જોવાનું અવશ્ય ગમે તેવી સ્થિતિ કોઈ સંપાદક સર્જી શકે એ યે કેટલી મોટી વાત! વાર્તા લખવાનો ઉત્સાહ એમ જળવાયો, ડગમગતો આત્મવિશ્વાસ સ્થિર થતો ગયો, લખી શકાશે એવી આશા બળવાન બની, લેખનનો આરંભ કરનાર વ્યક્તિ માટે આ તબક્કો કેટલું મૂલ્ય ધરાવે છે તે તો સુસ્થાપિત થયા પછી જ સમજાય. ચીવટપૂર્વક પસંદ કરેલી વાચનસામગ્રી આપતું સામયિક નવોદિતોના લેખન–સાતત્ય માટે આવશ્યક છે. કંકાવટીએ એ ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. [કંકાવટી, માર્ચ, ૨૦૦૬] હિમાંશી શેલત

A
B

X.
Y

૧૭૮. સંપાદકની નિષ્ઠાનો વ્યાપ સ્ટીફન ત્સ્વાઈગની ૮૦ પાનાં જેટલી લાંબી વાર્તાઓ અનિલે કંકાવટીમાં છાપી. મંટોની વિવાદાસ્પદ વાર્તાઓ પણ છાપી... વિભાજનને વિષય બનાવતી વાર્તાઓ ‘વિષય બદલો, એકવિધતા આવી ગઈ છે’ એવો કકળાટ કરતાં કરતાં પણ છાપી....મારા ૮૦ ટકા અનુવાદ માત્ર કંકાવટીમાં છપાયા એવું કહું તો જરાય અતિશયોક્તિ નથી કરતી. કંકાવટી હતું એટલે અનુવાદ કરવાની હામ હતી. અનિલે તાકીદ કરાવીને પણ, દર મહિને લેખ, વાર્તા ઉઘરાવીને પણ મારી પાસે ઘણાં કામ કરાવ્યાં. હવે અનુવાદ ક્યાં છપાવવા એ પ્રશ્ન જ... [કંકાવટી, માર્ચ, ૨૦૦૬] શરીફા વીજળીવાળા

A
B

X.
Y

૧૭૯. વાચનયોગ્ય થોડાંઘણાં પાનાં પણ કેમ મળતાં નથી? દર મહિને અનેક નવાં સામયિકો પ્રગટ થયે જાય છે. તે સાથે જ વાચકોની ઉપેક્ષારૂપી પાનખરનાં ચિહ્‌નો પણ દેખાવા માંડ્યાં છે. નવાં નીકળતાં સામયિકો પ્રત્યે કેટલાંક ચાલુ સામયિકો અકળામણ પ્રગટ કરે છે એ બરાબર નથી. જો અકળામણ કોઈ વસ્તુ સામે પ્રકટ કરવા જેવી હોય તો તે કેમ બહુ સમાયિકો નીકળે છે અથવા બંધ થાય છે એ સામેે નહીં; પણ ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાં ઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી તેની સામે કરવા જેવી છે. સર્જન તો પ્રતિભાનાં સ્વૈર સ્ફુરણની પ્રસાદી છે. સર્જનની ઓટ સામે ફરિયાદ ક્યાં કરવા જઈએ? પણ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાંગાંઠ્યા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે. [‘સમય રંગ’ (૧૯૭૮)માંથી, સંસ્કૃતિ, મે ૧૯૪૮] ઉમાશંકર જોશી

A
B

X.
Y

૧૮૦. સંપાદકનાં ‘આંતરિક’શ્રી અને શઉર સંપાદકીય લેખ, તંત્રીલેખ, તંત્રીનોંધ કે અગ્રલેખ તરીકે પણ ઓળખાય છે અને સામાન્ય રીતે એવું મનાય છે કે પોતાના અભિપ્રાયો કે પોતાના પ્રતિભાવો સંપાદક એમાં વ્યક્ત કરતો હોય છે પણ એક રીતે જોએ તો આ સંપાદકીય પૃષ્ઠ (Editorial Page) સંપાદકનું મુદ્રાલેખન (Signature Writing) હોય છે. સાહિત્યના સામયિકનો સંપાદક સાહિત્યિક ઘટના, સહિત્યિક સમસ્યાઓ, સાહિત્યિક વિવાદો, સાહિત્યિક વિરોધો, સાહિત્યિક સિદ્ધાંતો અને સાહિત્યિક પરિવર્તનો સહિતની સાહિત્યિક આબોહવાનો જાણકાર હોય એ આવશ્યક છે. કોઈપણ સાહિત્યિક સામયિક સાહિત્યિક અબોહવાને પ્રસરાવે છે. એટલે કે સંપાદકીય લેખ સાહિત્યચેતનાનું પરિમાપન છે. સંપાદકીય લેખ એક બાજુ દૂરદર્શકની માફક સાહિત્યજગતમાં આવનારાં એંધાણને પકડે છે,તો બીજી બાજુ સૂક્ષ્મદર્શકની માફક સાહિત્યચિત્તમાં થતી નાનામાં નાની હલચલને નોંધે છે. સંપાદકીય લેખનું કાર્ય સૂત્રિત કરવાનું અને પ્રોત્સાહિત કરવાનું છે. સંપાદક આવતી સામગ્રીનો માત્ર નિષ્ક્રિય સંગ્રાહક કે વાહક નથી, સામગ્રીનો આહ્‌વાનક અને સંચાલક પણ છે. આથી જ ઘણીવાર સંપાદકીય લેખ એ સામયિકની સામગ્રીનો પ્રજવાલક (Igniter) બને છે. પરંતુ આવા સંપાદકીય લેખ માટે સંપાદકના ‘આંતરિકશ્રી અને શઉર’ મહત્ત્વનાં છે. સંપાદકની પ્રામાણિકતા, અધિકારિતા અને નીડરતા એમાં નિહિત છે. એની રસરુચિ, એની વિચારધારા, એનો અભિગમ, એની સંપન્ન દૃષ્ટિનો એમાં વિનિયોગ છે. એમાંથી પ્રગટ થતાં સંપાદકનાં કદ અને સ્થાન સંપાદકીય લેખની મુખ્ય ધરી તરીકે કામ કરે છે. સંસ્કૃતિની ઉમાશંકર જોશીની સત્ત્વશાળી તંત્રીનોંધો, પરબમાં પચીસ વર્ષ સુધી એકધારી જળવાયેલી ભોળાભાઈ પટેલની સંપાદકીય ઉત્સુકતા, ફાર્બસ ત્રૈમાસિકમાં વાચનના પરિધિને વ્યાપક બનાવતાં મંજુબેન ઝવેરીનાં સંપાદકીય વિચારસૂત્રો, કવિલોકમાં કવિતાનું પ્રશિક્ષણ આપતી ધીરુ પરીખની સંપાદકીય મુદ્રાઓ ઉઠાવતો સંપાદકીય ઉહાયોહ–આ બધાનું એક મૂલ્ય છે, પરંતુ ઉદ્દેશના સંપાદકીય પૃષ્ઠના વિફલ રઝળપાટો, શબ્દસૃષ્ટિના સફળ સંપાદન સાથે સંપાદકીયનો વારંવાર વર્તાતો અભાવ તેમજ બુદ્ધિપ્રકાશની કેવડ ટૂંકીનોંધો બની રહેતી સંપાદકીય માહિતીઓ – આ બધાનો રંજ પણ છે. તો ઘણાં સામયિકો તો સંપાદકીય વગર જ નભી રહ્યાં છે. [શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર, ૨૦૦૩] ચન્દ્રકાન્ત ટોપીવાળા

A
B

X.
Y

૧૮૧. નવા સમીક્ષકો ઉમેરાયા કે? જોતજોતામાં પ્રત્યક્ષને તેર વર્ષ પૂરાં થઈ ગયાં એ જોઈ-જાણીને આશ્ચર્ય થાય છે. ગ્રંથની ગેરહાજરી વરતાતી હતી અને રમણ સોનીએ સમીક્ષા–સામયિક શરૂ કરવાનું જે બીડું ઝડપ્યું તે બહુમોટી વાત હતી. નવાં સાહસો કેટલો સમય ટકશે એવા પ્રશ્નો સહજપણે થતા હોય છે. પણ આરંભેલું કામ રમણભાઈએ પૂર્ણ વિચારણા પછી જ હાથ ધર્યું હોય અને તે કાયમનું જ હોય એવી જે આછી પ્રતીતિ હતી તે દૃઢ થઈને રહી. પ્રત્યક્ષમાં જૂના પ્રતિષ્ઠિતો ઉપરાંત નવા સમીક્ષકો ઉમેરાયા કે? દર્શિની દાદાવાલા ઉમેરાયાં. નૂતન જાની, કિરણ શિંગ્લોત, રાજેન્દ્ર મહેતા જેવાં થોડાં નવાં નામ દેખાય છે. આ તબક્કે એવું સૂચન કરવાનું મન થાય છે કે સમીક્ષકોનાં માત્ર સરનામાં અપાય છે એના બદલે એમના રસનાં કે અભ્યાસનાં ક્ષેત્રો પણ લખવામાં આવે અને પરિચયની એક-બે લીટી એ રીતે ઉમેરાય તો એ વિગતો અનેક રીતે ઉપયોગી બનશે. [‘પ્રત્યક્ષ’, જાન્યુ-માર્ચ ૨૦૦૫, પ્રતિભાવ] ડંકેશ ઓઝા

A
B

X.
Y

૧૮૨.

પ્રોત્સાહન આવકાર્ય, અને ટીકા પણ

ચંદ્રા ચારી, ચિત્રા નારાયણન અને ઉષા આયંગર એ ત્રણ સંપાદકોએ ૫૦૦-૫૦૦ રૂપિયા કાઢીને અંગત સાહસરૂપે ૧૯૭૬માં THE BOOK REVIEW નામનું ત્રૈમાસિક શરૂ કરેલું જે ક્રમેક્રમે દ્વૈમાસિક ને માસિક બન્યું. હિંદી અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રગટ થતાં પુસ્તકોનો અંગ્રેજીમાં પરિચય અને વિવેચન આપતું આ સામયિક બાળસાહિત્યનાં પુસ્તકો પર વિશેષ ધ્યાન આપે છે. સાહિત્ય ઉપરાંત અન્ય કળાઓ અને માનવવિદ્યાઓ, સામાજિક વિજ્ઞાનો અને સંસ્કૃતિ, પર્યાવરણ આર્થિક–આયોજન આદિ વિષયોનાં પુસ્તકોની સમીક્ષાઓ દ્વારા પણ ધ બૂક રિવ્યૂ સાહિત્યના અભ્યાસીઓ-વાચકોને અન્ય ક્ષેત્રોના વિકાસથી પરિચિત રાખવાનું. વિશેષ જિજ્ઞાસાને તોષવાનું કામ કરે છે. ને એમ પુસ્તક–સમીક્ષા દ્વારા રુચિ–સંવર્ધનની એક વ્યાપક સાંસ્કૃતિક આબોહવા રચવા મથે છે. એનાં સંપાદક ચંદ્રા ચારીએ એક મુલાકાતમાં કહેલું કે, ‘અમારો આશય પુસ્તકનો કેવળ ઉપરછલ્લો ભલામણ–પરિચય આપવાનો નથી પણ પુસ્તકની સર્વાશ્લેષી ને એના આંતરિક સત્ત્વને ઉઘાડતી સમીક્ષા આપવનો છે. અલબત્ત, એની રજૂઆત અભ્યાસીઓ તેમજ સામાન્ય વાચકો પણ સમજી શકે એવી હોય છે. વાચકોની પુસ્તક સાથે નિસબત કેળવાતી રહે એવા ગુણવત્તાલક્ષી અમારા પ્રયાસો હોય છે. વાચકો પાસેથી અમે પ્રોત્સાહન પણ ઇચ્છીએ છીએ ને ટીકાને પણ આવકારીએ છીએ.’ આ સામયિકે પોતાની પ્રવૃત્તિ વધુ સક્રિય દિશાઓમાં પણ વિસ્તારી છે. ૧૯૮૯માં એણે ‘ધ બૂક રિવ્યૂ લિટરરી ટ્રસ્ટ’ સ્થાપ્યું છે. એ પુસ્તકપ્રદર્શનો યોજે છે, પરિસંવાદો કરે છે ને પુસ્તક-પ્રકાશન કરે છે. [પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષે-પ્રત્યક્ષે’-૨૦૦૪] રમણ સોની

A
B

X.
Y

૧૮૩. મારે તમારો ગ્રાફ ઊંચે લઈ જવો છે કુમારની બુધસભામાં સિત્તેરના દાયકામાં જવાનું શરૂ કર્યું પણ ઘણા સમય સુધી કોઈ કાવ્ય લઈ ગયો નહિ! કદાચ Fear of rejection જેવું હશે. એક વખત બચુભાઈએ ‘તમે કેમ કંઈ લાવતા નથી?’ એમ કહ્યું એટલે એ આખું અઠવાડિયું મિત્રોને, સંઘરી રાખેલાં કાવ્યો વંચાવવામાં ગયું. માધવે મહોર મારી ‘આ બે સરસ જ છે’ એટલે એક બે વાર સરસ અક્ષરે કોપી કરી લઈ ગયો. એમણે વાંચવા પણ તરત લીધાં. ‘વાહ!’ વખણાયાં અને બંને સ્વીકારાયાં. પછી તો ચાનક ચઢી. બીજા કે ત્રીજા અઠવાડિયે એક નવું કાવ્ય...વંચાયું, વખાણાયું, એમણે રાખી પણ લીધું પણ પછી સભા પૂરી થતાં ચૂપચાપ પાછું વાળ્યું! કંઈ સમજાયું નહિ! થોડાક વિરામ પછી એ સિલસિલો ફરી શરૂ થયો. ક્યારેક તરત પાછાં મળે તો ક્યારેક તો એ પછીના બીજા કે ત્રીજા અઠવાડિયે પણ... આવું કેમ થાય છે? બચુભાઈને જ પૂછવું જોઈએ. એક દિવસ બેઠક પૂરી થયા પછી રોકાયો અને એમને પૂછ્યું : કહે, સારું થયું તમે પૂછ્યું. તમારાં કેટલાંક કાવ્યો સારાં હતાં. પ્રકાશન-ક્ષમ પણ. પણ શરૂઆતમાં તમે આપેલાં એવાં નહિ. એથીય ઉત્તમ આપો. મારે કુમારમાં તમારો ગ્રાફ ઊંચે લઈ જવો છે.’ હું તો આભો જ રહી ગયો! બચુભાઈની એ વાત સો એ સો ટકા ગળે ઊતરી ગઈ. [ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૮] પ્રબોધ ર. જોશી

A
B

X.
Y

૧૮૪. યથાર્થનું મહત્ત્વ સમજાયું... ઉમાશંકરે કહેલું : ‘લખવું એટલું બધું જ પ્રગટ કરવાનો આગ્રહ ન રાખવો. લખતાં આપણને આનંદ થાય પણ પ્રગટ થતાં વાચકને પણ આપણા એ આનંદનો અનુભવ થવો જોઈએ.’ મને એમણે કેટકેટલું વાંચવાનું સૂચવેલું! એમણે મારાં કાવ્યો પાછાં વાળ્યાં તો મળ્યાં ત્યારે સામેથી માંગ્યાં પણ ખરાં. વિશેષાંકો માટે સ્વાધ્યાય કરાવ્યો અને સામેથી લખાવ્યું. Fear of rejection એમ જ ઓસરી ગાયો અને યથાર્થનું મહત્ત્વ સમજાયું. [ઉદ્દેશ, એપ્રિલ, ૨૦૦૮] પ્રબોધ ર. જોશી

A
B

X.
Y

૧૮૫. હું ઉત્તમ સમીક્ષકો ઝંખું છું... વીસમી સદીના છેલ્લા દાયકાના શરૂ થયેલું ને હવે બંધ પડેલું BIBLIO વિશેષે સાહિત્યકેન્દ્રી. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા રિવ્યૂ ઑફ બુક્સનું પ્રકાશન બંધ કરાતાં, દિલીપ પાડગાંવકરે નવું સામયિક શરૂ કરવાનું વિચારી લીધું. પ્રકાશિત પુસ્તક અને એની આંતરિક ઓળખ પરત્વેના તીવ્ર લગાવે એમની પાસે બિબ્લીઓ શરૂ કરાવ્યું. શ્યામ લાલ એના માર્ગદર્શક ને માનદ સંપાદક રહેલા. સંપાદક તરીકે પાડગાંવકરનો દૃષ્ટિકોણ એવો છે કે, વાચકોની રુચિને વિકસાવવી જોઈએ ને એ માટે ઉત્તમ પ્રકારનું વાચન એમની સામે મૂકવું જોઈએ. ‘એથી હું ઉત્તમ સમીક્ષકો ઝંખું છું. ઉત્તમ લખાણોએ એક પ્રચલિત માન્યતાને ખોટી ઠરાવી છે કે વાચક ૧૨૦૦ શબ્દો સુધી પહોંચતાં હાંફી જશે. ૧૫૦૦થી ૨૦૦૦ શબ્દો સુધીના સમીક્ષા-લેખો પણ ઉત્તમ રસપ્રદ વાચન બની શકે છે.’ આ સંપાદક માને છે કે સમીક્ષકોને સારો પુરસ્કાર મળવો જોઈએ. પુસ્તકોના તેમજ પુસ્તક-સમીક્ષના વાચનનો મહિમા ઓછો નથી- આ માધ્યમબહુલતાના યુગમાં પણ. આ પ્રકારના કોઈપણ સામયિકના તંત્રીને હોય એવી એક વાજબી ચિંતા પાડગાંવકરની પણ છે કે પુસ્તક-પ્રકાશન એટલું બધું વધ્યું છે કે એ બધાંને પહોંચી વળાતું નથી, એને પૂરો ન્યાય થઈ નથી શકાતો. એક બીજી મૂંઝવણ પણ એમણે વ્યક્ત કરી છે કે, પુસ્તકના પ્રસાર માટે કામગીરી કરતા આ સામયિકને એના પોતાના જ પ્રસાર માટે તકલીફ પડે છે – એ પણ એક વિધિવક્રતા છે! આર્થિક મોકળાશના અભાવને લીધે બલકે મુશ્કેલીને લીધે ધાર્યું કામ થતું નથી એટલે સંપાદક એક સ્વપ્નિલ પ્રસ્તાવ કરે છે : ‘જો કોઈ ઔદ્યોગિક સંકુલ મને વરસે બે લાખ રૂપિયા આપવા તૈયાર થાય તો હું સમૃદ્ધિથી છલકતી ગુણવત્તાવાળું સામયિક આપું. છે કોઈ તૈયાર?’ કયા સંપાદકને આવો કલ્પનામંડિત વિચાર ન આવે? ને વાક્યને છેડે છે એવો મૂંઝવણગર્ભ પડકાર-પ્રશ્ન ન થાય? [પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષેપ્રત્યક્ષે’ ૨૦૦૪] રમણ સોની

A
B

X.
Y

૧૮૬. આદર્શ તો કાન્તનો જ રાખો હું દક્ષિણા અને સંસ્કૃતિ બંનેમાં લખતો હતો. પ્રજારામ (રાવળ) અને હું એકસરખી રીતે આ બંને કવિવરોના સરખા પ્રભાવમાં હતા. ઉમાશંકર દર મહિને સંસ્કૃતિનાં પ્રૂફ જોવા વડોદરા કિસનસિંહ ચાવડાના પ્રેસમાં આવતા હતા ત્યારે હું વડોદરામાં રોઝરી હાઈસ્કુલમાં શિક્ષક હતો. ઉમાશંકર મારે ઘેર પણ આવતા ને કંઈ નવું રચાયું હોય તો તે સંસ્કૃતિ માટે ઉઘરાવી જતા. તો પોંડિચેરીથી સુન્દરમ્‌ના પત્રો આવતા ને દક્ષિણા માટે કાવ્યરચના માગતા. હું તે મોકલતો. ઉમાશંકર મને છંદોના લઘુગુરુમાપની શુદ્ધિ માટે ‘કાન્ત’ તરફ જોવાનું કહેતા. કહેતા કે : ‘ઉશનસ્‌, કાન્ત જેવું લખો.’ તો સુન્દરમ્‌ દક્ષિણા માટે મોકલેલી કૃતિઓ તપાસતા ને લઘુગુરુ સુધારતા. પણ એ કહેતા નહીં કે ‘કાન્ત જેવું લખો’ પણ આ બાબતમાં એમનો આદર્શ પણ છેવટે તો કદાચ ‘કાન્ત’ જ હતા. [ઉદ્દેશ, માર્ચ, ૨૦૦૮] ઉશનસ્‌

A
B

X.
Y

૧૮૭. હઠપૂર્વક નવા સમીક્ષકોની શોધ સિદ્ધહસ્ત સમીક્ષકોની ઉદાસીનતા અને નિષ્ક્રિયતાની સામે હટીને હઠપૂર્વક નવા સમીક્ષકોની શોધ કરવી પડી છે અને એ દ્વારા પણ રમણ સોની પાંચ વર્ષ અંતે ‘પરસેવા પર પવનની લહેર ફરી વળે એવી’ રાહતની લાગણી સાથે જે પરિણામ લાવ્યા છે તે અલબત્ત દાદ માગી લે તેવું છે. એમ કહી શકાય કે ‘સાંપ્રતની ચિકિત્સા એનાં તમામ જોખમો ઉઠાવીને પણ’ એમણે કરી છે. અને આજે પણ તેઓ કરી રહ્યા છે. હા, કેટલાક ગ્રંથોની સમીક્ષાઓ કેમ ચુકાઈ ગઈ છે તે સમજાતું નથી. જેમકે દિગીશ મહેતાનો નિબંધસંગ્રહ ‘શેરી’; મનોજ ખંડેરિયાનો ગઝલસંગ્રહ ‘હસ્તપ્રત’, મકરંદ દવેનો કાવ્યસંગ્રહ ‘હવાબારી’; સરૂપ ધ્રુવનો કાવ્યસંગ્રહ ‘સળગતી હવાઓ’, ધીરુભાઈ ઠાકરનું નાટક ‘ઊંચો પર્વત ઊંડી ખીણ’ અને કૃષ્ણ રાયનનું તુલનાત્મક સિદ્ધાંતનું પુસ્તક ‘સાહિત્ય અને સિદ્ધાંત’ (અનુવાદ). કદાચ આ પુસ્તકો પ્રક્રિયામાં પણ હોઈ શકે એમ માનીને ચાલું છે. એટલે, હવે રમણ સોનીને બે વિનંતી કરી શકાય : એક તો મધુ કોઠારીએ કહ્યું છે તેમ ‘રમણભાઈ, તમે પ્રત્યક્ષ માસિક બનાવવાનું ‘પુણ્ય કાર્ય કરો’ અને પ્રાસન્નેયે કહ્યું છે તેમ પ્રત્યક્ષના પ્રત્યેક અંકમાં, પાછલા અંકમાં પ્રગટ થયેલી લેખસામગ્રી વિશે ટૂંકા પ્રતિભાવ આપતા રહો. પહેલી વિનંતી કદાચ અવાસ્તવિક ઠરે પણ બીજી વિનંતી વાસ્તવિક બનાવી શકાય તેવી છે. [પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૭, ‘પ્રત્યક્ષનાં પાંચ વર્ષ’] ચંદ્રકાન્ત ટોપીવાળા

A
B

X.
Y

૧૮૮. સર્જક સંવેદનાને પરિષ્કૃત કરતી ગોઠડી વડોદરામાં મારો નિવાસ ૧૯૫૫થી ‘૬૨ સુધીનો, લગભગ સાતેક વર્ષનો. એ મારી સર્જકસંવેદનાઓને ઘડનારો મહત્ત્વપૂર્ણ ગાળો. સાહિત્યકારના સંસ્કારો, પ્રેરણા મેં ત્યાંથી મેળવ્યાં. એ અરસામાં સુરેશ જોશી મનીષા અને ત્યારબાદ ક્ષિતિજ સામયિકો ચલાવતા. અઠવાડિયામાં એકવાર સાહિત્યિક વર્તુળની ‘ગોષ્ઠિ’ જામતી. કોઈની વાર્તા કે પછી કાવ્ય વંચાતાં. તેના પર ચર્ચાવિચારણા ચાલતી. ઉત્કૃષ્ટ કૃતિઓનું પરિશીલન થતું. આ વાતાવરણમાં, વિશ્વભરના સમર્થ, સુવિખ્યાત સર્જકોની સર્જનકળાનો પરિચય પામ્યો. મારી કળાદૃષ્ટિને મેં કેળવી, ખીલવી. સુરેશ જોશીની શિખામણને શિરોધાર્ય લેખતાં મેં મારો પોતીકો અવાજ શોધી કાઢ્યો. પણ મારી પ્રેરણામાં કેટકેટલાં પરિબળોએ ભાગ ભજવ્યો હતો? એ વેળાએ યુવકમાં રાધેશ્યામે મારી ‘પિશાચિની’ છાપી. જ્યારે ઉમાશંકરભાઈએ સંસ્કૃતિમાં ‘સ્મૃતિવલય’, પણ પ્રગટ કરતાં પહેલાં સ્પષ્ટતા માંગી. તેમને કદાચ એમ કે એ મારી મૌલિક કૃતિ નહોતી. અથવા તો પોતાની અસલિયત છુપાવવા કિશોર જાદવના નામનો ‘કોઈકે’ ગાભો ઓઢ્યો હતો. સ્પષ્ટતા આપી. પછી તો તેઓએ મારી વાર્તાશૈલી, ભાવ-છટા અને રચના-રીતિનાં ભારે વખાણ કર્યાં. હું બરોબર પોરસાયો. રાજીરેડ. ‘કાગકન્યા’ આકાશવાણી પર પ્રસારણ પામી. કૉલેજની વાર્તા-હરિફાઈમાં મારી કૃતિને ઈનામ મેળવ્યું. ઉત્સાહનો ઉછાળો આવ્યો. મારી સર્જક કારકિર્દીનાં આમ મૂળિયાં નંખાયા. [સુમન શાહે લીધેલી મુલાકાતનો અંશ, ‘કિમર્થમ્‌’(૧૯૯૫),] કિશોર જાદવ

A
B

X.
Y

૧૮૯.

ઉત્સવનું પર્વ

ત્યારે પ્રસિદ્ધિની આજે છે એટલી તક ને સગવડો નહીં, તોય સામયિકો સારી સંખ્યામાં પ્રગટ થતાં ને કાવ્યરચનાઓ પ્રકટ કરતાં. પુસ્તકાલય, વ્યાયામ, બાલજીવન, સ્કાઉટવીરમાં કાવ્યા મોકલું. છપાય, રાજી થાઉં, પછી કુમારને પ્રસ્થાનને કૃતિઓ મોકલવા માંડી. જે ઝડપે ને જે જથ્થામાં બધી અકબંધ પાછી આવે! હતાશ થાઉં, પણ કરતાં જાળ કરોળિયો કવિતાના નાયકની ધીરજ અને ચતુરાઈથી જાળે જઈ બેસવા મથું. એમ કરતાં કરતાં ૧૯૩૭ –૩૮ માં પ્રસ્થાનમાં ‘દીપોત્સવી’ નામનું એક કાવ્ય છપાયું; ઉત્સવનું જાણે પર્વ આવ્યું. પ્રસ્થાનનો એ અંક મેં ઘણાં રસિક-અરસિક મિત્રોને ને વડીલોને બતાવ્યો હશે. [‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૦૨] જયંત પાઠક

A
B

X.
Y

૧૯૦. સંપાદન : વિવેચનનો જ પ્રકાર આપણું કવિતાનું એક સામયિક જે મળે તે સામગ્રીને જે ફાવે તે ક્રમમાં, ગોળ કે ઠોળનો ભેદ રાખ્યા વગર ગોઠવી દેવામાં પાવરધું છે. મેં એક વાર જાહેરમાં એ પ્રશ્ન કરેલો કે : ‘ક્યાં છે સંપાદક? સંપાદનમાં સંપાદક જ ગેરહાજર હોય તો બીજી બાજુ સાહસિક અને નીડર સંપાદકના એવા નમૂના પણ જડી આવે છે જે સંપૂર્ણપણે હાજર હોય છે. એકવાર નિમંત્રણ આપીને મંગાવેલી લખાવેલી સાહિત્યકૃતિઓ સાહિત્યિક ધોરણોમાં ‘અણસરખી’ લાગતાં એને નકરાવાની સંપાદકમાં નૈતિક હિમ્મત છે અને એનાં પરિણામ ભોગવવાની એનામાં તાકાત છે. સંપાદન વિવેચનનો જ પ્રકાર છે. સાહિત્યક્ષેત્રની એ ગંભીર પ્રવૃત્તિ છે. સાહિત્યનાં ધોરણો સ્થાપવામાં, એને ઉપસાવવામાં અને એને સ્થિર કરવામાં એનો મોટો હાથ છે. સંપાદન ડાબા હાથનો ખેલ નથી. તમારી સજજ અને પક્વ રુચિના કસોટી પથ્થર પર અંકાતી એ સુવર્ણરેખા છે. અત્યંત પરિશ્રમ અને ધીરજપૂર્વકના ચયનનું એ ફળ છે. ચયન બે પ્રકારની હાનિની સંભાવના ઊભી કરે છે. અને તેથી સંપાદકને માથે બેવડી જવાબદારી ઊભી થાય છે. સંપાદક ચયન વખતે જે કશુંક સ્વીકારે છે એ જો પ્રતિનિધિત્વ કરતો ઉત્તમ નમૂનો ન હોય અને કૃતિના મૂલ્યથી કોઈ ઈતર મૂલ્યને કારણે જો એનો સ્વીકાર થયો હોય તો સાહિત્યક્ષેત્રે મોટી હાનિ ઊભી કરે છે, તે જ રીતે સંપાદક ચયન વખતે કશુંક છોડે છે અને એમ છોડવામાં જો ઉત્તમ પ્રતિનિધિત્વ કરતો નમૂનો છૂટી ગયો હોય તો પણ એ સાહિત્યક્ષેત્રે મોટી હાનિ કરે છે. એમાંય રાગદ્વૈષથી જો સ્વીકાર કરે કે અસ્વીકાર થયો હોય તો એને સાહિત્યક્ષેત્રનો અપરાધ જ માનવો જોઈએ. સંપાદન એ સાહિત્યના અસ્ખલિત પ્રવાહમાં કશુંક કીમતી વહી જવા ન પામે એને રોકનારો, રક્ષનારો વિવેકબંંધ છે. [‘લઘુ સિદ્ધાંતવહી’, પૃ. ૨૧૪] ચન્દ્રકાન્ત ટોપીવાળા

A
B

X.
Y

૧૯૧. અવલોકનની રુગ્ણ પ્રણાલિ આજે સામયિકોમાં પ્રગટ થતાં કે ટી.વી. યા રેડિયો પર રજૂ થતાં ગ્રંથાવલોકનો પર ધ્યાન આપો તો સમજાશે કે એમાં પસંદગી પામતાં પુસ્તકોથી માંડી અવલોકનકારોની પસંદગી સુધીની એક અરાજકતા ચારે બાજુ પ્રસરેલી છે. પસંદગીનાં ધોરણો એકદમ અંગત બની ગયાં છે. અવલોકનો ઉપરચોટિયાં, છીછરાં અને સાહિત્યકારણની બૂથી ખરડાયેલાં રહ્યાં છે. [‘લઘુ સિદ્ધાંતવહી’, પૃ. ૨૧૨] ચન્દ્રકાન્ત ટોપીવાળા

A
B

X.
Y

૧૯૨. વાચક સાથે મૈત્રીભાવ કેળવવાનું લક્ષ્ય આ દાયકાની શરૂઆતમાં આરંભાયેલા INDIAN REVIEW OF BOOKS સામયિકે સર્વસામાન્ય વાચકવર્ગને આકર્ષિત કર્યો છે. પુસ્તકનો પરિચય આપતી ખૂબ જ સરળ ને સહજ-અનૌપચારિક રજૂઆત દ્વારા ‘વાચક સાથે મૈત્રીભાવ કેળવવાનો’ એનો આશય છે. એના પ્રકાશક કે. એસ. પદ્મનાભન વર્ષોથી પુસ્તકોના વ્યવસાયમાં છે. એમને લાગ્યું કે પ્રકાશિત થતાં પુસ્કોના ત્વરિત અવલોકનની મોટી આવશ્યકતા છે – છાપાં ને સામયિકોમાં અવલોકન ક્યારેક ખૂબ મોડાં થાય છે. વિક્રેતાઓ પાસે પણ પ્રકાશિત પુસ્તકો તરત સુલભ નથી હોતાં, જે મળે છે તે કેવાં હશે તે જલદી કળાતું નથી. આ સ્થિતિને લીધે એમણે ૧૯૯૦માં ‘મદ્રાસ બૂક ક્લબ’ શરૂ કરી ને એને પરિણામે, પછી, આ સામયિક શરૂ થયું. પુસ્તકનાં પરિચય-સમીક્ષા વિશેનો પદ્મનાભનનો દૃષ્ટિકોણ જરાક જુદા પ્રકારનો છે. એ કહે કે , ધ બૂક રિવ્યૂ તેમજ બિબ્લીઓ ખૂબ ઉન્નતભ્રૂ છે. એમાંની સમીક્ષાઓ અઘરી ને સંકુલ હોય છે એથી સામાન્ય વાચક તો એમાં રસ લઈ શકતો નથી. અમે તો એવા સમીક્ષકોને આવકારીએ છીએ જેમની શૈલી રસળતી હોય, વાચકોને પુસ્તક તરફ આકર્ષી જનારી હોય – એ સમીક્ષકો તે તે ક્ષેત્રના તજ્‌જ્ઞ જ હોય એવી અમારી અપેક્ષા હોતી નથી. ઈ.ર.બૂ. એવા સમીક્ષકોની એક ક્લબ જેવી છે જેમનો પહેલો પ્રેમ પુસ્ક છે. પૈસા નહીં. આને લીધે યુવાન સમર્પણશીલ સંપાદકોની પણ એક ટીમ થઈ શકી છે. બીજાં સામયિકોના સમીક્ષકો પણ ક્યારેક અમારે માટે ટૂંકી ને રસપ્રદ સમીક્ષાઓ કરી આપે છે – ભાગ્યે જ એ ૮૦૦ શબ્દોથી આગળ જતી હોય છે. ઈ. રિ. ઑફ બુક્સ એ વાર્ષિક વ્યાખ્યાનોની પરંપરા પણ શરૂ કરી છે – પહેલું વ્યાખ્યાન યુ. આર. અનંતમૂર્તિએ આપેલું. બૂકર પારિતોષિક જેવું એક પ્રતિષ્ઠિત પારિતોષિક પણ એણે શરૂ કર્યૂં છે – અંગ્રેજીમાં લખતા ભારતીય લેખકો માટે. [પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન ૧૯૯૬; ‘પરોક્ષપ્રત્યક્ષે’ ૨૦૦૪] રમણ સોની

A
B

X.
Y

૧૯૩. સતત મથામણ... એક બીજી બાબતનું પણ સામયિકસંદર્ભે હું મહત્ત્વ લેખું છું. તે છે તંત્રી-સંપાદકનાં પોતાનાં વૃત્તિ-વલણો, પોતાનાં રસ-રુચિ. એક માણસ જેમ બીજો માણસ બની શકતો નથી, તેમ એક તંત્રી કે સંપાદક બીજા જેવો બની શકતો નથી. દરેકની તત્સંદર્ભે ચાલના તેથી જુદી હોવાની. તંત્રી-સંપાદકે તેના સામયિકને ચલાવવા, અમુક-તમુક પ્રકારનો ઘાટ આપવા કે પછી તેના અમુક પ્રકારના પરિરૂપના આવિષ્કાર માટે એમ સતત મથામણ કરવાની રહે છે. આવી મથામણમાં કેટલીક બાબતોને વળગી રહેવાનું હોય છે તો કેટલીક બાબતોને જતી કરવી પડે છે. તો કેટલીક સાથે સમાધાન પણ કરવાના હોય છે. કહો કે સર્જનની જેમ જ લગભગ દરેક અંક પ્રકાશિત થઈને વાચકના હાથમાં પહોંચે છે તે પહેલાં આવી અનેક પ્રકારની છેંક-ભૂંસ તંત્રી-સંપાદકના મનોનેપથ્યમાં-પેલા સંપાદનકર્મમાં થઈ ચૂકી હોય છે. સાદી ભાષામાં કહું તો તંત્ર અને તત્ત્વ બંને ઉપર સંપાદકે નજર રાખવાની હોય છે. [શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર, ૨૦૦૮] પ્રવીણ દરજી

A
B

X.
Y

૧૯૪. શબ્દસૃષ્ટિનું પ્રાગટ્ય આપણે ત્યાં એકાએક જ સાહિત્યિક સામયિકોની ખોટ વરતાવા લાગી. સારા સારા લેખકોને શું લખવું તે કરતાં ક્યાં લખવું એની આજકાલ મોટી મૂંઝવણ છે. આપણા સંદર્ભમાં સાહિત્યિક સામયિક સમગ્ર સાહિત્યિક જગતનું મોટું નિર્ણાયક પરિબળ રહ્યું છે. એક સુગઠિત માધ્યમ તરીકે સાહિત્યનાં સર્જન અને પ્રસારમાં સામયિક ઘણી મોટી ભૂમિકા ભજવી શકે છે. આપણાં એવાં નીવડેલાં સામયિકોના સ્મરણમાત્રથી આ સમજાઈ જાય એવું છે. છેલ્લાં પચીસ વર્ષમાં, આપણી સાહિત્યિક-પરમ્પરામાં પરિવર્તન તેમજ નૂતન સાહિત્યકલાના આરાધનને માટે અનેક લિટલ મૅગેઝિન્સ-લઘુ-પત્ર-પત્રિકાઓ-જન્મ્યાં, ઊછર્યાં ને મર્યા; નવા જન્મ્યાં, નવાં યે મર્યા, એક સ્વાભાવિક પ્રક્રિયા તરીકે એમ થયું. પરંતુ એ સાથે જ, સ્થિર અને લબ્ધપ્રતિષ્ઠ સામયિકોની અવસ્થા કથળવા માંડી. નિર્ધારો પ્રમાણેના સ્વ-રૂપનું જતન કરવાનું એમના માટે કઠિન બન્યું. એ સંકોચાતા રહ્યાં અને છેલ્લે તો, એમને વિશેનું આપણું સંવેદન સાવ ઝાંખું પડી ગયું. આ સંજોગોમાં શબ્દસૃષ્ટિનું પ્રાગટ્ય એક તાકીદની અને આવકાર્ય ઘટના લેખાશે. [શબ્દસૃષ્ટિ, અંક : ૧, ઑક્ટોબર, ૧૯૮૩] સુમન શાહ

A
B

X.
Y

૧૯૫. ચાકડો પણ મારે જ રચવાનો હતો જાણીતા સામયિકની નીતિરીતિથી લેખકો તેમજ વાચકો વાકેફ હોય છે. નવા સામયિકની નીતિરીતિ તંત્રીએ આકારવાની હોય છે. એ જ છે તંત્રીકાર્ય. નીતિરીતિ વિશે પ્રમાદવશ, ઉદાસીન કે ઊંઘતાને તંત્રી ન કહેવાય. કેમ કે એટલે તો પછી, મળ્યું ને છાપ્યું. કહેવાનો વારો આવે છે. સામયિક લેખકોને કે વાચકોને ઘડી નથી શકતું. બલકે લેખકો-વાચકો એને ચલાવતા હોય એવું ભાસે છે. પેલો ખાલી તંત્રવાહક કે મુદ્રકની દશાને પામ્યો હોય છે. નિષ્ઠાવાન તંત્રીનું સામયિક પરચૂરણિયું ન હોય, જુદું હોય. આજે તો, બેથી વધુ સામયિકો સરખેસરખાં લાગે છે, જાણે એમાંય નક્કાખોરી! એક સારા કુંભારની જેમ શબ્દસૃષ્ટિને મારે ટીપી-ટીપીને ઘડવાનું હતું. મારી પસંદગી પાછળની દૃષ્ટિ વરતાય એ રીતનો સામગ્રીનો મારે તોલ બાંધવાનો હતો. એને આકાર મળે એવી કાપકૂપો કરવાની હતી. એ પર પહેલ પડે એવાં વિભાજન–આયોજન કરવાનાં હતાં. ત્યારે પરમ્પરા અને પ્રયોગ વચ્ચે કાચી બુદ્ધિ ઠીક ઠીક પ્રવર્તતી હતી. વગર સમજની હૂંસાતૂંસી મારે પ્રયોગખોર વાંઝિયા ઉદ્રેકોથી અને સાથોસાથ અતિ-સામાન્યમાં રાચતી બજારુ કે લપટી અ-કલાથી શબ્દસૃષ્ટિને બચાવવાનું હતું. ટૂંકમાં ચાકડો પણ મારે જ રચવાનો હતો. [શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮] સુમન શાહ

A
B

X.
Y

૧૯૬. સંપાદકની શુભેચ્છાઓ સંસ્કૃતિ માટે પહેલીવહેલી જે રચના આપી તે ગીતસ્વરૂપની જ હતી. ભાષા-સાહિત્ય ભવનમાં પછીથી કંઈક સંકોચ સાથે કવિને એ વિશે પૂછેલું. હાથમાં પાછી પકડાવતાં કહે, તમે હજી તો ઘણું લખશો ને? એટલા પ્રેમથી કહેવાયેલું કે એ જાણે શુભેચ્છા હોય એમ લાગેલું. બન્યું પણ એમ જ. એ પછી આપેલી બે રચનાઓ એક ગઝલ અને એક ગીત એમણે એક સાથે છાપી અને એમાંની એક તો પૂંઠા પર ચમકાવી! [‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૪૭] ધીરેન્દ્ર મહેતા

A
B

X.
Y

૧૯૭. સામયિક : લેખકોના શક્તિ-સામર્થ્યનું દર્પણ શબ્દસૃષ્ટિ માટે મેં મારી ઘણી રાતો પ્રેમથી ખરચી હતી. એને લીધે મારી કેટલીક રાતો બગડી પણ હતી. છોડ્યા પછી વરસો લગી એ પરંતુ ‘શબ્દાખ્યજ્યોતિ પ્રકાશો’ જોઈને રાજી રહેવા મથતો. સરકારનું પણ સરકારી નહીં પ્રકારનું એનું સ્વરૂપ મારા અનુગામી તંત્રીઓ જાળવી રહ્યા છે એ હકીકત જોતાં સારું લાગતું. સર્વસામાસિકતા અને વિશિષ્ટ તંત્રીય દૃષ્ટિથી ઘડાતું રહેતું સામયિક પરખાઈ જાય છે. એ જ રીતે, સામગ્રી-સ્વીકાર નીતિરીતિ અનુસારનો હોય તો પણ તંત્રીની વૈયક્તિક ગુંજાઈશ પણ જણાઈ જતી હોય છે. પરંતુ એ પછી એ એને મળેલા લેખકોનાં શક્તિ-સામર્થ્યનું વધારે તો દર્પણ હોય છે. જે તે સમયગાળાની સાહિત્યિક ગરજો અને આશા-અપેક્ષાઓનો વધારે તો દસ્તાવેજ હોય છે. સારું સામયિક હંમેશા તંત્રી અને લેખકોના યોગ-સંયોગનું પરિણામ હોય છે. શબ્દસૃષ્ટિને ન-સરકારી કહીએ કે સંસ્કૃતિ ઉમાશંકરનું, ક્ષિતિજ સુરેશ જોષીનું કહીએ ત્યારે દરેક વખતે આપણે એ લોકોને સાંપડેલાં લેખકીય સાથ-સહકાર કે સંગાથને વીસરી જઈએ છીએ. આજે દૃશ્ય વિપરીત છે. તંત્રીને પત્રમાં આજનો સરેરાશ લેખક શું કહે છે, જાણો? ‘આ છાપી સહકાર આપવા વિનંતી...’ [શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮] સુમન શાહ

A
B

X.
Y

૧૯૮. બેકારીનું મહેણું ભાંગવાની ઈચ્છા જોડકણાં જેવી કવિતા તો અભ્યાસકાળ દરમિયાન જ આવી હતી અને હવે તો કાચું અધકચરું લેખન જ મારા અસ્તિત્વની પ્રતીતિનો મુખ્ય આધાર બની શકે તેમ હતું. આપવા માંડ્યું-ધોધબંધ, પણ નબળું, કોઈનાયે માર્ગદર્શન અને પ્રોત્સાહન વિના સ્થાનિક ગુજરાતમિત્ર દૈનિકે મારું પહેલવહેલું કાવ્ય છાપેલું. દુષ્કાળ વિષયક હતું; મારે માટે તો તે લાંબા દુષ્કાળ પછીની મેઘવૃષ્ટિ સમાન નીવડ્યું! મુનશી-રમણલાલ-ધૂમકેતુ વગેરેને વાંચતો વાંચતો હું મડિયા-પન્નાલાલ-પેટલીકર સુધી આવીને ઠર્યો હતો, અને તેમાંથી જ વાર્તાઓનું વહેણ ફૂટ્યું. એમાં વધારાનો લાભ ત્રણ કે પાંચ રૂપિયાનો પુરસ્કાર મળવાની સંભાવનાનોય હતો, જે મારી પંચવર્ષીય બેકારીનું મહેણું ભાંગે તેમ હતો! ૧૯૫૩માં પહેલી વાર્તા સવિતા એ છાપી-‘પતનની એક પળ’, પણ પુરસ્કારરૂપે તો એક વર્ષ માટે વિના લવાજમે તે માસિકપત્ર જ મળ્યું. પણ પછી તરત તેણે બીજી વાર્તા છાપી - ‘પાંચ રૂપિયા’ અને એનો પુરસ્કાર પણ વાર્તાના શીર્ષક જેટલો જ મળ્યો ત્યારે મને નોબેલ પારિતોષિક મળ્યા જેટલો આનંદ થયો. નેપથ્યે હતી પેલી બેકારીનું મહેણું ભાંગવાની તીવ્ર ઈચ્છા. [‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ.૩૯] ભગવતીકુમાર શર્મા

A
B

X.
Y

૧૯૯. પત્રચર્ચા ઝનૂની હોઈ શકે, અપરસવાળી નહીં જ વિદ્વત્ચર્ચાને મેં પૂરતી જગ્યા ફાળવેલી. જમિયત પંડ્યા, અમૃત ઘાયલ, જયન્ત કોઠારી, રમેશ મ. શુક્લ વગેરે સવિશેષ યાદ આવે છે. ચર્ચા ખુલ્લી મુકાય એટલે મારો ત્રાસ વધે. ચર્ચકો ઘરે આવે–આ તમારે છાપવું જ પડશે. એને આની ખબર જ નથી... હું ચા-પાણી સાથે એમને હૈયાધારણ આપતો. છતાં વિદ્વત્તાના જોશમાં ગાલિપ્રદાન ન થાય તેની મેં પૂરતી વૉચ રાખેલી. ચર્ચાઓથી જાગતાં વાગ્યુદ્ધોનો હું આજે પણ હિમાયતી છું. એ ભરપૂર ને ઝનૂનથી થવાં જોઈએ. પણ અપરસથી ક્યારેય નહીં, જરાપણ નહીં. વાણી સ્વાતંત્ર્ય આપવા જતાં તંત્રીઓએ એ મોંઘી જગ્યા ગંદી ન બની બેસે તેની ચોંપ રાખવી ઘટે છે. ખરી વાત તો એ છે કે પહેલી ચર્ચા પ્રારમ્ભક ચર્ચક સાથે તન્ત્રીએ કરવી જોઈએ. પણ એને એ કડવાશ ન ખપતી હોય. એને ડુગડુગી જ વગાડવી હોય. એટલે બને છે એવું કે ગંદુ જોઈને ચર્ચાપત્રી કાગડા ઝટપટ ઊતરી આવતા હોય છે ને છેવટે, અમે આ ચર્ચા અહીંથી બંધ કરીએ છીએ નામનું જાણીતું તાળું મારવાનો વારો આવે છે. વાંઝણી જીભાજોડી અને તત્ત્વબોધ પ્રગટાવતી વિદ્વત્ચર્ચા વચ્ચેનો ફર્ક આપણે નથિ સમજતા એમ નથી. છતાં એ પ્રજ્ઞાપરાધ કરતાં ડરતા પણ નથી. તંત્રીકાર્યના એ સમગ્ર ગાળા દરમ્યાન મને સૌથી વધુ આનંદ આવતો તંત્રીલેખ લખવામાં. એ સમય પ્રસ્તુત અને દૃષ્ટિપૂત હોય એ મારો જાત સાથે આગ્રહ હતો. એમાંનો તીખો સમીક્ષાસૂર મારી ઓળખથી જુદો નહોતો. એટલે કે બીજો અમુક ને અહીં અમુક એમ નહીં. ડબલ સ્ટાન્ડર્ડની મને અપાર સૂગ છે. દુઃખ એટલું લાગતું કે મારા તંત્રી લેખોનો જેટલો મલાજો પાળવામાં આવતો એટલી એની ચર્ચાઓ થતી નહીં. એમાંના કેટલાક લેખો બાકી ખાસ્સું ઉશ્કેરે એવા હતા. મારી એક છાપ એવી ઊભી કરાઈ છે કે હું લાંબી લેખણે લખું છું. આ તંત્રીલેખો જોનારને ઊલટું જ લાગશે. હકીકત એ છે કે લાંબું કે ટૂંકું, હું જરૂરત સમજીને લખું છું. [શબ્દસૃષ્ટિ, ઑક્ટોબર-નવેમ્બર-૨૦૦૮] સુમન શાહ

A
B

૨૦૦.
ગુરુઓ તો ક્યાંથી બદલાય?

લાભશંકર (ઠાકર)ને અને મને સંસ્કૃતિ વિના લવાજમે આપવા પ્રસન્ન ઉમાશંકરે ચિનુ (મોદી)ને પણ સંસ્કૃતિનો અંક ક્લાસમાં જ આપ્યો હતો. એ અગાઉ એક સૉનેટ ચિનુને પાછું સુધારવા આપેલું તે ધોળકાગિરમાં ઉ. જો.ને આમ બોલી આપ્યું : ‘પેલું કરી કાઢ્યું.’ ઉમાશંકર ઉવાચ : ‘આ તો તમે લઘુઓ જ બદલ્યા છે ત્યારે ચિનુએ ચૂંચવાટ ચમકાવ્યો : ‘ગુરૂઓ તો ક્યાંથી બદલાય?’ અને ઉ. જો. બની ગયા દુર્વાસા ને મોદી બની ગઈ શકુન્તલા!

[લોકસત્તા, તા. ૧૦-૧૨-૨૦૦૮]
રાધેશ્યામ શર્મા

૨૦૧.
પ્રત્યેક સ્વરૂપ અંગેનું સ્વતંત્ર સામયિક શા માટે?

પ્રત્યેક સ્વરૂપ અંગેનું સ્વતંત્ર સામયિક એ ‘વધારાનું’ નથી, વ્યાપક સ્વરૂપનાં (કાવ્ય-વાર્તા-લેખ-સમીક્ષા બધું છાપતાં) સામયિકોમાં ઉમેરા થતા જાય એ વધારાનાં છે. સ્વરૂપવિશેષના સામયિકમાં સંપાદકીય નીતિ વધુ સ્પષ્ટ રાખી શકાય છે, એકાગ્રતા એમાં વધુ રહી શકે છે ને એ સારી રીતે, દૃષ્ટિપૂર્વક ચાલે તો પેલાની સરખામણીએ એનું પ્રદાન પણ વિશેષ રહે છે, એવો મારો મત છે. જે પ્રકારનું સામયિક અત્યારે ગુજરાતીમાં નથી તે શરૂ કરવામાં લકઝરી નથી. અને કોઈ પણ સામયિક શરૂ કરનાર કુહાડાનો પહેલો ઘા તો પોતાના જ પગ પર કરતો હોય છે...સાહિત્યસમાજમાં એની અનિવાર્યતા પુરવાર નહીં કરી શકે એ સામયિક મરી જશે કે મૃતપ્રાય રહેશે. કયા સામયિકને પોષવું-ન પોષવું તે સુજ્ઞ વાચકો નક્કી કરી જ શકે છે.

[‘પરોક્ષે-પ્રત્યક્ષે’]
રમણ સોની

૨૦૨.
આદિલનું સૂત્ર – ઈસ સબ બબાલ કો હટાએ

ઉર્દૂ-ગુજરાતી મુશાયરમાં જમિયત પંડ્યાની આંગળીએ હું અને મનહર મોદી પણ ગયેલા. મુશાયરા પછી ચા પીતાંપીતાં વાતો ચાલતી હતી. મોહમ્મદ અલ્વી, સરશાહ બુલંદ શહેરી સાથે ચશ્મા પહેરેલો, સોહામણો એક જુવાન હતો તે ગુજરાતીમાં વાત કરતો હતો. ઉર્દૂમાં કવિતા લખનારને ગુજરાતી બોલતો સાંભળી મેં અચરજથી એને પૂછ્યું : ‘ગુજરાતી?’ તો એણે કહ્યું : ‘શુદ્ધ ગુજરાતી’ આ જુવાન તે આદિલ મન્સૂરી. ઈ.સ. ૧૯૬૦ની સાલ હશે. બીજે અઠવાડિયે શુક્રવારે અમે નક્કી કર્યા મુજબ મળ્યા ત્યારે મારા આગ્રહને વશ થઈ એ ગુજરાતીમાં બે પંક્તિ લાવેલો. ‘એ જ હાથોમાં છે મારી જિંદગી સાચવી જે ના શક્યા મેંદીનો રંગ.’ અને એ બૅત હું ‘કુમાર’ કાર્યાલયમાં બુધવારે લઈ ગયો અને બચુભાઈ રાવતે હોંશે હોંશે એ શે’ર છાપ્યો. આદિલ સાહેબ કુમારની બુધસભામાં આવતા થયા અને લાભશંકર, રાવજી, સુભાષ શાહ સહુને મળતા થયા. એ ન આવ્યો હોત તો ઉશનસ્‌ અને જયન્ત પાઠક પછી હું મોટામાં મોટો સૉનેટકાર ગણાતો હોત. પણ આદિલ આવ્યો અને એનું એક જ સૂત્ર હતું : ‘ઈસ સબ બબાલ કો હટાએ.’

[તાદર્થ્ય, નવેમ્બર-૨૦૦૮]
ચિનુ મોદી

૨૦૩.
જાતને ઠાલવવા માંડી હતી...

એક વાત સ્પષ્ટ છે. જે લખ્યું છે તે સાહિત્ય છે એમ તો ઉમાશંકરભાઈએ, સંસ્કૃતિ એ કહ્યું ત્યારે જ ભાન થયું, પહેલા લેખનો સ્વીકાર કરતું તેમનું પોસ્ટકાર્ડ હજુય સાચવી રાખ્યું છે ને રજા આપે તો આ સાથે નકલ છપાવું. સંસ્કૃતિમાં પ્રસિદ્ધ થયેલા, પછીથી ‘દૂરના એ સૂર’માં સંગ્રહસ્થ કરેલા એ નિબંધોમાં મેં જાતને ઠાલવવા માંડી હતી.

[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૧૩૦]
દિગીશ મહેતા

૨૦૪.
સખળડખળ નહીં ચાલે

સુરેશ દલાલે કવિતાનો સૉનેટ વિશેષાંક પ્રકટ થવાનો હતો તે માટે સૉનેટ મોકલવા લખ્યું. બાપુ, આપણને તો પરસેવો વળી ગયો! કાનથી સાંભળેલા છંદમાં એક સૉનેટ ગબડાવ્યું તો ખરું પણ એ જ વખતે થયું કે, ‘મોટા, આ બધા છંદો છે ‘ચેલેંજિંગ’ હો! તારું સખળડખળ નહીં ચાલે. પછી મચી પડ્યો.

[‘સર્જકની આંતરકથા’, સં. ઉમાશંકર જોશી, પૃ. ૨૪૨]
રમેશ પારેખ

૨૦૫.
સાહિત્યનું વાતાવરણ પણ જવાબદાર

સામયિકોની વાત કરવાની હોય ત્યારે પ્રશ્ન એ થાય કે સામયિક એટલે શું? એ એકપણ અંક ચૂક્યા વિના સમયસર પ્રગટ થયા કરે તેથી સામયિક ગણાય? કે પછી પોતાના સમયને યથાતથ પ્રગટ કરે ને સામયિક? એમાં પ્રગટ થતાં સાહિત્યનું મૂલ્યાકન પણ કેવી રીતે કરવું? સાહિત્યની પરંપરા થતાં સાહિત્યનું મૂલ્યાકન પણ કેવી રીતે કરવું? સાહિત્યની પરંપરા એ આપણને આપેલા ‘ઉત્તમ’ના ધોરણો દર વખતે પ્રગટ થયેલાનું મૂલ્ય પણ સામયિક? તો પછી આપણને કેટલીક કૃતિઓ એવી મળી જે લાંબા સમય સુધી રસિકોના ચિત્તમાં ટકી રહી છે અને રહેશે એવી કૃતિઓનાં પ્રથમ પ્રાગટ્ય સિવાય એમાં સામયિકોનું કોઈ યોગદાન ખરું? એ જ રીતે જે કૃતિઓ બીજો અંક પ્રગટ થવાની સાથે જ ભુલાઈ ગઈ એનું શું કરીશું? સર્જકને દોષ દઈશું કે તંત્રી-સંપાદકને? આખરે તો સર્જક કે તંત્રી-સંપાદક પણ આપણા સાહિત્યસમાજનો જ એક અંશ છે એટલે સાહિત્યનું વાતાવરણ પણ એટલું જ જવાબદાર છે એમ કહી શકાય.

[શબ્દાનુભવ, પૃ. ૨૧૬]
હર્ષદ ત્રિવેદી

૨૦૬.
સામયિક-પ્રકાશન એ કર્તવ્ય છે

સામયિક પ્રકાશન એ સાહસ છે, તથાપિ તે કર્તવ્ય છે તેમ સમજાતાં એવું કોઈ સાહસ કરવા કોઈ એક કે મિત્રમંડલી પ્રેરાય તેથી આનંદ થાય છે. ઘેર બેઠા એકાધિક સર્જકો-ચિતંકો- વિવેચકોના અવાજ મારા જેવાના મન સુધી પહોંચે અનેતે પણ સમસામયિક, વર્તમાન - તે સુખદ છે. મનુષ્યસમૂહ, સમાજ, સાહિત્યિક સંસ્થાઓ પાસેથી જે નિર્ભેળ શુદ્ધ નિસબતની અપેક્ષા રહે તે તેમ નથી હોતી ત્યારે આવા સામયિક સ્વચ્છ વિકલ્પરૂપે પ્રકાશિત થાય તે Need છે. સાહિત્યકલા અને અન્યકળાઓ તથા કળાચિંતનની ખેવના-ધરાવનારાઓની.

[તથાપિ, માર્ચ-મે, ૨૦૦૬]
લાભશંકર ઠાકર

૨૦૭.
સાહિત્યને જ નિર્ભેળ રીતે વરેલાં સામયિકો કયાં છે?

એક સમયમાં જે હેતુથી ને જે વાચકવર્ગને ધ્યાનમાં રાખીને સામયિક શરૂ થયું હોય એના સંપાદનની ધુરાનો હાથબદલો થયા પછી પણ એ સામયિક મૂળભૂત હેતુઓને સિદ્ધ કરતું રહે એવું સર્વથા નથી બન્યું. એમાં સતત આરોહ-અવરોહના અનુભવ થતા રહે છે. જેમ પ્રત્યેક સામયિકનો એક વાચકવર્ગ નિશ્ચિત છે એમ જ એના સાહિત્યકારોનું વૃંદ પણ નિશ્ચિત થઈ જતું હોય છે. પૂર્ણપણે મુક્ત ને સદાય અવનવા લેખકો લઈ આવતાં સામયિકો કેટલાં? કોઈ પણ સામયિકના પ્રાગટ્ય પાછળ પ્રગટ કે અપ્રગટ પણ ચોક્કસ હેતુઓ હોય છે. તો ક્યારેક આધુનિકતા કે અનુઆધુનિકતા કે એવા કશાક આંદોલનનું નિમિત્ત પણ સામયિકો બન્યાં છે. અમુક-તમુક સામયિકોનો તો હેતુ જ વ્યક્તિ સ્થાપનનો હોય છે, પણ આપણે જોઈ શક્યા છીએ કે માત્ર સાહિત્ય અને સાહિત્યને જ નિર્ભેળ રીતે વરેલા સામયિકો પ્રમાણમાં ઠીક ટક્યાં છે. અન્યથા એના સંપાદક કે તંત્રીના ઈરાદા પ્રગટ થઈ જતાં સાહિત્યરસિકો આપોઆપ એનાથી દૂર થઈ ગયા છે. ક્યારેક કોઈ જૂથ કે વિચારસરણીની સ્થાપનાને ઈરાદે શરૂ થયેલાં સામયિકોને જે તે જૂથ સિવાય ઝાઝો પ્રતિસાદ સાંપડ્યો નથી.

[‘શબ્દાનુભવ’, પૃ. ૨૧૭]
હર્ષદ ત્રિવેદી

૨૦૮.
તમે તમારા સામયિકની આગવી ઓળખ ઊભી કરો

પ્રિય જયેશભાઈ તથાપિનો પહેલો અંક મળ્યો. અંક તો સરસ થયો છે. ચિત્ર–ડીઝાઈન–મુદ્રણ–સામગ્રી બધું પસંદ પડ્યું. તમારા સાહસ માટે અભિનંદન. સાહસ એટલા માટે કે ગુજરાતીમાં સામયિક શરૂ કરવું અને પછી નિયમિત ચલાવવું અઘરું છે, ઘણું અઘરું છે અને એમાંય તમે પહેલા અંકથી જ જે ધોરણ ઊભું કર્યું છે એ ધોરણ જાળવી ચલાવવું અઘરાથીય અઘરું. પણ હવે તમે સાહસ કરી જ નાખ્યું છે પછી મારા જેવાએ શું કહેવાનું હોય? તમને દરેક અંકમાં આવી ઉત્તમ સામગ્રી મળતી રહે અને એને વાંચનારા પૂરતા વાચકો મળી રહે એવી શુભેચ્છાઓ. હવે થોડીક મારી મનની વાત. અંકની સામગ્રી જોતાં તમારી મનોદિશાને પકડી શકું છું. સુમનભાઈનું ખેવના શિરીષભાઈએ હમણાં શરૂ કરેલું સમીપે અને જયંત પારેખનું એતદ્‌ એ ત્રણની સાથે ગોઠવાઈ શકે એવું તમારા સામયિકનું રૂપ છે. લેખકોનું વર્તુળ પણ થોડી હેરફેર સાથે સમાન. ત્યારે પ્રશ્ન થયો કે તમને આ સામયિકનું સાહસ કરવાની ઇચ્છા કેમ થઈ? જયેશભાઈ, સામયિકનો એક આગવો ચહેરો હોય તો એને જોવાની સ્વાભાવિક ઉત્સુકતા રહે. તમારા પહેલા અંક પરથી મારા પર એવી છાપ પડી કે એનો ચહેરો ઉપરનાં ત્રણ સામયિકોથી જુદો નથી. આ ચારે સામયિકોનો ચહેરો સુરેશભાઈનાં સામયિકોના ઉત્તરાધિકારી સામયિકો જેવો મને ભાસે છે. તમારા સંપાદકીય લેખ પરથી પણ તમારા મનમાં સામયિકનો કોઈ વિશિષ્ટ ચહેરો બંધાયો હોય એવો અહેસાસ પણ નથી થતો. મારી દૃષ્ટિએ પહેલા અંકનો સંપાદકીય લેખ ચાવીરૂપ હોય છે. એ સંપાદકના મનમાં બંધાયેલા સામયિકના ચહેરાની આછી ઝાંખી આપતો હોય છે. એટલે મારું તો તમને સૂચન છે કે તમે તમારા સામયિકની આગવી મુદ્રા ઊભી કરો.

[તથાપિ, માર્ચ-મે, ૨૦૦૬]
જયંત ગાડીત

૨૦૯.
સામયિકોને પણ પોતપોતાનો સમયગાળો હોય છે.

સન્‌ ૧૯૫૦-૬૦ના અરસામાં અમારે ઘરે જે-જે સામયિકો આવતાં તેની યાદી ઘણી લાંબી થાય. એ યાદી પરથી પરિવારની સંસ્કાર-સમૃદ્ધિની ઝલક પ્રાપ્ત થાય એમ બને. ગાંધીજી પછી તંત્રી બનેલા કિ.ઘ. મશરુવાળાનું હરિજનબંધુ દર અઠવાડિયે નિયમિત આવતું. મશરુવાળા પછી થોડાક વખત માટે મગનલાલ પ્ર. દેસાઈએ હરિજન બંધુ ચલાવેલું. એમાં આવતા રાજાજીના લેખો મને ખૂબ ગમતા. અમદાવાદથી ગટુલાલ ગોપીલાલ ધ્રુવ સમાજસુધારકનું પાક્ષિક જ્યોતિર્ધર પ્રગટ કરતા. ગટુભાઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં બા ના ગુરૂ હતા. મ.પ્ર. દેસાઈએ શિક્ષણ અને સાહિત્ય માસિકમાં ઉપનિષદો પર લેખમાળા કરેલી. પ્રૌઢો વાંચી શકે તેવા મોટા ટાઈપમાં અમદાવાદના નવજીવન કાર્યાલયમાંથી પ્રગટ થયું માસિક કોડિયું આવતું. વડોદરાના બાજવાડામાંથી પ્રગટ થતું બાલજીવન આવતું અને ચરોતર એજ્યુકેશન સોસાયટી તરફથી પ્રટ થતું બાલમિત્ર પણ આપતું. સુરતથી પ્રગટ થતું ગાંડીવ આવતું અને મુંબઈથી પ્રગટ થતું રમકડું પણ આવતું. બાપૂ ગાતાપ્રેસ ગોરખપુરનું હિંદી માસિક કલ્યાણ મગાવતા. આ ઉપરાંત અખંડ આનંદ આવતું. બાપૂ વર્ધાની રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ સાથે સક્રિય પણ સંકળાયેલા. અને હિંદીના વર્ગો ચલાવતા તેથી રાષ્ટ્રભાષા નામનું હિંદી સામયિક કાયમ આવતું. ઘરે તે દિવસોમાં બે વખત ટપાલ આવતી અને રવિવારે પણ આવતી. અમારી ટપાલમાં કોઈ સામયિક ન હોય એવું ભાગ્યેજ બનતું. કોઈ જ ટપાલ ન હોય ત્યારે મફતમાં મળતું અમેરિકન સંદેશ આવી પહોંચતું. કરસનદાસ માણેકનું નચિકેતા આવતું. આવા સામયિકો ઉપરાંત છાપાં આવતાં તે વધારામાં. સામયિકોને પણ પોતપોતાના સમયગાળો હોય છે. જમાના આથમે તે સાથે કેટલું બધું અલોપ થઈ જાય છે!

[‘બિલ્લો ટિલ્લો ટચ’ પૃ. ૧૭૩]
ગુણવંત શાહ

૨૧૦.
કવિતાઓ નથી હોતી, કવિતા જ હોય છે.

નવનીત (ગુજરાતી ડાયજેસ્ટ)નું હું સંપાદન કરતી હતી ત્યારે સિતાંશુ યશશ્ચંદ્રને કવિતાઓ વિશે લખવા માટે પત્ર લખેલો. જવાબમાં એમણે લખ્યું : ‘કવિતાઓ નથી હોતી, કવિતા જ હોય છે.’ સહસા એક ઉઘાડ થયો હતો. કવિતા જ હોય છે. ફૂલો નહી, ફૂલ જ હોય છે. મનુષ્યો નહીં, મનુષ્ય જ હોય છે. એક અનન્ય અદ્વિતીય, એકમાં સમગ્રનો અર્ક.

[‘મારા જીવનનો વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૧૩]
ઈશા કુંદનિકા

૨૧૧.
પુરસ્કાર-પ્રાપ્તિનો આનંદ

ઘેરથી આવતા માસિક સો રૂપિયા પૂરતા ન હતા. નોકરી મળવાનો સંભવ ન હતો. મેં ટૂંકી વાર્તાઓ લખવા માંડી. પહેલી વાર્તા કુમારમાં છપાઈ અને લેખક તરીકે આત્મવિશ્વાસ જન્મ્યો. એક ચિત્રકથા નામનું ફિલ્મી સાપ્તાહિક નીકળતું. તેમાં તો દર અઠવાડિયે મારી વાર્તા છપાતી. ભૂખડી બારસ અવસ્થામાં પુરસ્કારપ્રાપ્તિનો આનંદ આજે નિયમિત કટાર લેખનમાંથી મળતા માતબર પુરસ્કારમાં મળતો નથી.

[‘મારા જીવનનાં વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૭૦]
તારક મહેતા

૨૧૨.
સામયિકની ઉમર કરતાં જ્યારે સંપાદકની ઉમર નાની હોય ત્યારે

૧લી જાન્યુઆરી, ૧૯૮૭ના રોજ હું નવનીત-સમર્પણમાં સહાયક તરીકે જોડાયો. નવનીત-સમર્પણ વિવિધલક્ષી સામયિક એટલે અનેક ક્ષેત્રનું પ્રેરણાદાયી અને રુચિકર મળતું રહે. કોઈ પણ વિષય એમાં ઝબકી જાય નવીનતા આકર્ષે. સતત નિર્દોષ રહસ્યમયતા રસ જાળવી રાખે. જોડાયાનાં ૧૩ વર્ષ પછી ૨૦૦૦માં હું સંપાદક નિમાયો. સામયિકની ઉમર કરતાં જ્યારે સંપાદકની ઉમર નાની હોય ત્યારે સામયિક એક વડીલની જેમ ઘણી બધી બાબતો શીખવતું હોય છે. એકંદરે શબ્દોએ સાથ નિભાવ્યો. ઓડિટના આંકડામાં શબ્દો જેટલું સંવેદન ક્યાંથી કાઢત? શબ્દો દ્વારા માણસને પામવાની-માણસાઈને નાણવાની જે તકો ઊભી થઈ તે ક્યારેક સાર્થકતાનો અહેસાસ કરાવે છે.

[‘મારા જીવનનો વળાંક’, સં. સુરેશ દલાલ, પૃ. ૭૯]
દીપક દોશી

૨૧૩.
આનંદલહરીનો અનુભવ

લીલાં ને પીળાં પૂંઠાવાળી વિજ્ઞાનવિલાસની થોડી ફાઈલો હજુ મારી નજર સામે તરે છે. તેમાં કટકેકટકે (આજના ભારે શબ્દોમાં કહું તો ધારાવાહી) છપાયેલ વીર દુર્ગાદાસ અને મારૂ સરદારોની વાર્તાએ મારા પર ભારે જાદુ કરેલું, કેટલીયે વખત ફરીફરીને એ વાંચ્યાં કરતો : તેના એકએક પ્રસંગ સાથે મારા અંતરના તાણાવાણા ગૂંથેલા. આ જ અરસામાં મેં કુમારની ‘કિરીટ’ પ્રાણીકથા વાંચી એને પ્રાણીકથા કહેવી તે જ એ વાર્તાનું ઘોર અપમાન જેવું છે. ‘કિરીટ’ શાળામાંના ગોઠિયા કે ઘરમાંના નાના ભાઈ કરતાંય વધારે નિકટ ને વાસ્તવિક લાગે છે. બહુ દિવસો સુધી એ કુમારની ફાઈલો ઉથલાવીને વાંચી, કિરીટ જોડે જંગલોમાં ભમી આવ્યો, નદીમાં નાહ્યો, લાકડાંના તરાપાની પીઠ પર વહી લાંબી મુસાફરીઓ કરી, લોકોએ નહી ધાર્યું હોય તેવી સફરો માણી. અમારે ત્યાં એ વખતે ઇચ્છારામ સૂર્યરામ દેસાઈવાળું ગુજરાતી પણ આવતું. ઇચ્છારામભાઈએ સ્થાપેલ આ સાપ્તાહિક પોતાના ગ્રાહકોને દર વર્ષે એક ભેટ પુસ્તક આપતું. મોટે ભાગે એ પુસ્તકો ઐતિહાસિક નવલકથાઓ હોય. ઠક્કર નારાયણ વસનજી તેના એકહથ્થુ લેખક. ગુજરાત-રાજસ્થાનના ઇતિહાસને રજૂ કરતી આ નવલકથાઓ તે કાળે સારી પેઠે વંચાઈ હશે. હું પણ પુસ્તક રજિસ્ટર્ડ પાર્સલ તરીકે આવે ત્યારથી ટાંપીને બેસતો, પણ જ્યાં સુધી ગામના બે-ચાર જણ મળી લવાજમ એકઠું ન કરી આપે ત્યાં સુધી રજિસ્ટર્ડ સ્વીકારાય નહી, એટલે પિતાજી વેપારીઓને સમજાવ્યા કરે, ને હું એ પુસ્તક રેપર તોડયા સિવાય બહાર કાઢી શકાય તેમ છે કે નહી તેની મથામણ કર્યા કરું.

[‘પીધો અમીરસ અક્ષરનો’, સં. પ્રીતિ શાહ, પૃ. ૩-૪]
‘દર્શક’

૨૧૪.
તૈયારી કેટલી હોવી જોઈએ?

કુમારમાં તંત્રી-સંપાદકનું બધું કામ બચુભાઈ પોતે કરતા. મદદ કોઈ શિખાઉ લેખક જેવા પાસેથી હાથ-પગ હલાવવા પૂરતી જ લે. એવા માણસની જગ્યા ખાલી પડી ત્યારે મેં ઉમેદવારી કરી. બચુભાઈએ મને ટપાલ લખી કે રૂબરૂ મળવા આવો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે લખવા માટે જે-જે પુસ્તકોની જરૂર પડે તેની યાદી લેતા આવજો! એ જોયા પછી નોકરીની વાત! આટલી સજ્જતા આજે રીસર્ચમાં પણ કદાચ નહીં માગતા હોય.

[‘પીધો અમીરસ અક્ષરનો’, સં. પ્રીતિ શાહ, પૃ. ૩૯]
વાસુદેવ મહેતા

૨૧૫.
‘પરબ’ અંગે પ્રશ્નાવલી

પરિષદનું સામયિક ‘પરબ’ રેપર સાથે તો ૩૦૦૦ જેટલા સભ્ય-ગ્રાહકો સુધી પહોંચે છે. કહે છે કે, ‘પરબ’ને મળે છે એટલી ગંજાવર પ્રકાશન-સામગ્રી કોઈ સામયિકને મળતી નહીં હોય. સંપાદકોનું કાર્ય કપરું બની જાય. (નવા સંપાદકને તો વારસામાં મળતી સામગ્રી જ મૂંઝવી નાખે!) પણ આવા સંજોગોમાં ઝીણી ચાળણી ને મજબૂત મન જોઈએ. એ તો ઠીક. પણ ગમે તેટલી સામગ્રી મળતી હોય તો પણ, માત્ર મળેલી સામગ્રીના ચયન આગળ પણ અટકી રહેવું બરાબર ગણાશે? યોજનાપૂર્વક મેળવેલી સામગ્રીથી જ એને ઘાટ આપી શકાય – એની આગવી મુદ્રા રચી શકાય. પરબમાં સંશોધન-વિવેચનના, તૃપ્ત કરે એવા લેખો કેટલા? પરબ વ્યાપક પ્રકારની લેખનસામગ્રી છાપ્યે જાય છે પણ એનાં જ્ઞાનસત્રોમાં, અધિવેશનોમાં થયેલાં વ્યાખ્યાનો હવે ભાગ્યે જ છાપે છે. (અલબત્ત, એનું પણ સંપાદન તો થવું જોઈએ) એ વ્યાખ્યાનો બધાં સુધી શી રીતે પહોંચે? અધિવેશન-પ્રસંગે જ એનું વિતરણ થાય છે, પણ પછી? પુસ્તકરૂપે કે પરબના વિશેષાંકરૂપે પણ એ વક્તવ્યોનું પ્રકાશન ન કરવું જોઈએ? પરિષદની વ્યાખ્યાનમાળાઓમાં જે વક્તવ્યો થાય છે એનું – એ બધાંનું – શું થાય છે? એ લિખિત રૂપે આવે છે ખરાં પરિષદ પાસે? ને તો એ પ્રકાશિત કરાય છે? પરબમાં આને માટે જગા કેમ નથી? (એક વક્તાએ કહેલું કે એમનું પ્રવચન લાંબું છે એમ કહીને એ પરબમાં પ્રગટ ન કરાયેલું!) પરિષદમાં એક સ્વાધ્યાયપીઠ છે ને સંશોધકે એમાં એક/બે વર્ષ કામ કરવાનું હોય છે. એ પ્રકલ્પ(પ્રોજેક્ટ)નું શું થાય છે? એ આખું કામ પુસ્તકરૂપે, કે છેવટે એનું દોહન લેખ રૂપે પરબમાં, પ્રગટ ન કરી શકાય? પરિષદની વિદ્યાપ્રવૃત્તિઓનો ખરો હિસાબ પરબ દ્વારા આપી શકાય. પરિષદનાં જ્ઞાનસત્રો-અધિવેશનોની ગતિવિધિ પરબના અંકોમાં ચીલાચાલુ અહેવાલ કે સમાચાર-નોંધરૂપે પ્રગટ થાય છે. એ સમીક્ષિત અહેવાલરૂપે શા માટે પ્રગટ ન થાય? જ્ઞાનસત્રો ને અધિવેશનોમાં વિવિધ વિષયના વક્તાઓને નિમંત્રણ અપાય છે એમ જ એ આખા કાર્યક્રમના સમીક્ષિત અહેવાલ માટે પણ કોઈ અભ્યાસીને નિમંત્રણ આપી ન શકાય? તો એવો તટસ્થ, સમીક્ષિત અહેવાલ પરબમાં પ્રગટ કરી શકાય. રેઢિયાળ, અર્થહીન ને જાણે કાર્યક્રમપત્રિકાનું જ વર્ણન-વિસ્તરણ હોય એવા અહેવાલો પરિષદના પ્રતિષ્ઠિત સામયિકમાં શોભે છે? પરબમાં પ્રગટ થતા ‘પરિષદવૃત્ત’માં પરિષદ દ્વારા થતી ઘણી પ્રવૃત્તિઓની નોંધ આવે છે – પરિષદની સતત પ્રવૃત્તિશીલતાને એક અંદાજ એ જરૂર આપે છે પણ પૂરો અંદાજ આપે છે? આ બધું કેવળ ‘સમાચાર’ની કક્ષાએ હ્રસ્વ કરી નાખવાની જરૂર ખરી?

[પ્રત્યક્ષ, ઑક્ટો.-ડિસે. ૨૦૦૫]
રમણ સોની

૨૧૬.
‘ગ્રંથસમીક્ષા’ બાબતે શી સ્થિતિ છે?

‘ગ્રંથસમીક્ષા’ની સ્થિતિ બહુ નાજુક છે! એક કારણ તો એ કે, સમીક્ષકો દુર્લભ થતા જાય છે. તત્ત્વનું ટૂંપણું તેમને તુચ્છ લાગતું નથી – ‘સિદ્ધાંત’-વિવેચન એ લખી નાખશે; પ્રવાહ-દર્શન કરીને બાંધે ભારે ચુકાદા આપવામાં (‘આજે ગુજરાતી કવિતા સાવ ઝાંખી પડી ગઈ છે.’ વગેરે વગેરેમાં) એમની કલમ અવરોધ પામતી નથી. પણ પ્રેમલક્ષણાના પ્રવાહનો સીધો સ્પર્શ કરવાનું, મુકાબલો કરવાનું (કે આ કવિની કવિતા તો સાવ ઝાંખી છે કે તેજસ્વી છે વગેરે) એ નથી સ્વીકારતા. જે લખાય છે તે સમીક્ષાઓની સમસ્યાઓ વળી બીજી છે., પુસ્તકનો સંસ્પર્શ કરાવી આપનારી સૂઝભરી આસ્વાદલક્ષી સમીક્ષા કે પુસ્તકનો મર્મો ખોલી આપનારી – માર્મિક રીતે એનાં ઉત્કૃષ્ટ કે નિકૃષ્ટ તત્ત્વો ચીંધી આપનારી – મૂલ્યલક્ષી સમીક્ષાઓ ઓછી મળે છે. સાર ઘસડનારી, અવતરણભાર-ભારેખમ, ગોળગોળ(ગાર્ડેડ) કે પછી કૃતિનેય બાજુ પર રાખી નિજલીલા-નિમગ્ન રહેતી (સ્વ-તંત્ર) સમીક્ષાઓ વધારે મળે છે. સમીક્ષાની લખાવટના-સમીક્ષાલેખની અભિવ્યક્તિના પણ પ્રશ્નો છે. એ માટે શિબિરો થવા જોઈએ. મારી દૃષ્ટિએ આ તાલીમનો મુદ્દો છે ને ઘણું પરસ્પર પણ શીખવા જેવું છે. છતાં મારે એક બાબત ભારપૂર્વક કહેવાની છે કે સાહિત્યનિષ્ઠાપૂર્વક, લાગ્યું-તે-કહેનારા સમીક્ષકો પણ છે ને એથી તો સમીક્ષાની વિશ્વસનીયતા ટકી છે. પ્રકાશિત થાય છે એ બધાં સાહિત્ય-પુસ્તકો સુલભ નથી બનતાં, મળે છે એમાંથી ‘સમીક્ષા-યોગ્ય’ (ઉત્તમ અને ચર્ચાક્ષમ) ઓછાં મળે, પણ મળે છે ખરાં. ‘યોગ્ય અવલોકનકારો’ નજરે તો ઘણા પડે છે પણ આપણી પ્રેમ-જાળના તંતમાં સંતો ઝલાય-બલકે ફસાય-એટલા જ ખરા ને! પણ એટલાક આવી મળે છે, નિષ્ઠાપ્રતિબદ્ધ અને સજ્જ. કામનાં પુષ્કળ ભારણવાળા, પ્રથિતયશ વિદ્વાનો ને આશાસ્પદ તેજસ્વી નવ-અભ્યાસીઓનો સહયોગ પણ મળે છે.

[શબ્દસૃષ્ટિ, ઓક્ટો.-નવે.-૧૯૯૭; ‘તપસીલ’, ૧૯૯૮]
રમણ સોની

૨૧૭.
સરજાતા સાહિત્યનો સીધો સંપર્ક...

સંપાદકોના અનુભવકથનને અંતર્ગત કરતો ‘પ્રત્યક્ષ’નો સામયિક-સંપાદક-વિશેષાંક (વર્ષ ૪, અંક ૩-૪) તો ગુજરાતી સાહિત્યના સામયિક-પ્રકાશનક્ષેત્રની અભૂતપૂર્વ ઘટના છે, જેમાં રમણ સોનીની પોતીકી રુચિસંપન્નતા તેમજ ગુજરાતી સાહિત્યકોશ-રચનાકાળની ઘડાયેલી એમની ચીવટ અને સૂઝનું સહિયારું પરિણામ દૃષ્ટિપૂર્વકની સામગ્રીની સુરેખ રજૂઆતમાં જોઈ શકાય છે. મધુ કોઠારીએ યોગ્ય રીતે ઉદ્‌ગાર કાઢ્યો છે કે પ્રત્યક્ષ આ અંકથી પેડેસ્ટલ ઉપર મુકાઈ ગયું છે. વળી, કિશોર વ્યાસ પાસે તૈયાર કરાવીને પ્રત્યક્ષે ૧૯૯૪ના વર્ષમાં પ્રગટ થયેલાં ગુજરાતી સાહિત્ય (અને અન્ય કેટલાક વિષયો)નાં પુસ્તકોની સૂચિ ધરી છે તે પણ પુસ્તક-સમીક્ષાના ત્રૈમાસિકે કરવા જેવું કાર્ય કર્યું છે. આમ, ત્રણેક અંક પછી આર્થિક સહાય છૂટી જવા છતાં અને બે વર્ષને અંતે બે સંપાદકો મુક્ત થઈ ગયા છતાં રમણ સોનીએ એકલે હાથે ‘સ્થિર રહેવું છે પણ સ્થગિત નથી થવું’ (વર્ષ ૫.અંક ૪)નો મંત્ર ચરિતાર્થ કરી બતાવ્યો છે. પ્રત્યક્ષ સરજાતા સાહિત્યના તરત સીધા સંપર્કમાં મૂકી આપનારા હાથપોથી જેવું બની રહે (વર્ષ ૧. અંક૧) એવી એમની નેમને તેઓ કંઈક અંશે પહોંચી વળ્યા છે. પણ એમ પહોંચી વળવામાં એમને ઠીકઠીક સાહિત્યજગતની ઉદાસીનતા, નિષ્ક્રિયતા અને અસહકારનો સામનો કરવો પડ્યો છે. સમકાલીન કૃતિઓ વિશે લખવાનું ટાળવાની વૃત્તિ, લખીને કડવા ન થઈ અજાતશત્રુ રહેવાની પેરવી, દહીંદૂધમાં પગ રાખીને લખાતાં ગોળગોળ લખાણો, પૂર્વગ્રહ અને પક્ષપાતથી દૂષિત પેંતરાઓ, સાહિત્યને નહીં, પણ સાહિત્યના રાજકારણને અને અંગત ગ્રંથિઓને પોષતાં લેખકોનાં મનોવલણો–આ બધાં વચ્ચે સમકાલીન સાહિત્ય વિશે સૂઝ-સજ્જતાપૂર્વકની પૂરી જવાબદારીથી નિષ્પક્ષ અને નિર્ભીક સમીક્ષાઓ લખાવવી અને એ માટે દૃષ્ટિમંત શક્તિ ને સૂઝનો તણખો બતાવનાર નવા સમીક્ષકોની ખોજ કરવી – એ અઘરું કામ છે. એમને લખવું પડ્યું છે કે ‘નબળી કૃતિની સ્પષ્ટ ને આકરી ટીકા કરનાર સમીક્ષકો પર નૈતિક ને માનસિક દબાણો વધતાં જાય છે એ ચિંતાજનક છે.’ (૨.૧) આગળ વધતાં કહે છે કે ‘સંવેદનશીલ અભ્યાસી વિવેચકને માથે દબાણ વધતાં જાય છે ને એને કોઈનો ખુલ્લો ટેકો નથી. કોઈ ખોંખારીને એને પડખે રહેતું નથી.’ (૨.૧) છેવટે સ્પષ્ટ કહે છે – ‘સ્થાપિતોની લોકપ્રિયતાની મગરૂરીના છાકમાં વિવેચનમાત્ર વિશે એલફેલ બોલનારાઓની જોહૂકમી ને ધાક વધવા માંડ્યાં છે. (૨.૧) અને ‘આથી જ નિર્ભીક વિવેચનની ક્યારેય ન હતી એવી આજે જરૂર છે.’ એવા દૃઢ નિશ્ચય પર એ આવે છે. રમણ સોનીની આ નિશ્ચયાત્મક કામગીરીને લક્ષમાં લેતાં રાધેશ્યામ શર્માએ પ્રત્યક્ષ વિશે પ્રમાણ ઉચ્ચાર્યું છે કે, લેખક કે પ્રકાશક ગમે એટલા પ્રતિષ્ઠિત કે પ્રખ્યાત હોય એની સ્પૃહા કે શેહમાં પડ્યા સિવાય મહદંશે વસ્તુલક્ષી ધોરણ જળવાયું છે. (૩.૨)

[પ્રત્યક્ષ, એપ્રિલ-જૂન, ૧૯૯૭]
ચંદ્રકાન્ત ટોપીવાળા

૦ ૦ ૦

હવે આગળ–
ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત

ગુજરાતી સાહિત્ય-સામયિકો : એક દૃષ્ટિપાત

રમણ સોની

મુદ્રણયંત્ર આવ્યું ને વર્તમાનપત્રો તથા સામયિકો શરૂ થયાં – એવું વિધાન એક તથ્ય લેખે ખોટું નથી, તોપણ એક ઘટના લેખે આ વાત એટલી સરળ અને સીધી નથી. અલબત્ત, મુદ્રણયંત્ર સાધન ઉપરાંત એક મહત્ત્વનું પરિબળ પણ હતું; પરંતુ સૌથી મોટું પ્રેરક પરિબળ તો નવજાગૃતિને કારણે આવેલી સક્રિયતા હતું જેણે આ વર્તમાનપત્રો અને સામયિકોની સામગ્રીનું તેમજ એમના સ્વરૂપનું ઘડતર કર્યું. એ આખીય પ્રક્રિયા અંગ્રેજી સંસ્કૃતિનાં દેખીતાં અનુસરણોથી માંડીને સ્વતંત્ર મથામણો અને પ્રવૃત્તિઓ સુધી વિસ્તરેલી હતી; એટલે કે ઠીકઠીક સંકુલ હતી. ભારતમાં તેમ ગુજરાતમાં મુદ્રણયંત્રો – પહેલાં તો શીલાછાપ યંત્રો – આવતાં જ મુદ્રિત સામગ્રીનો વિસ્ફોટ થવા માંડેલો. ઈ. ૧૭૮૦માં બંગાળીમાં બંગાળ ગૅઝેટ નામે વર્તમાનપત્ર પ્રગટ થયું અને ગુજરાતમાં રૂસ્તમજી કદેરશાસ્પજી નામના પારસી સજ્જને પહેલી વાર છાપખાનું સ્થાપીને ઈ.૧૭૮૦નું પંચાંગ છાપેલું. જેમ રંગભૂમિ-પ્રવૃત્તિમાં એમ મુદ્રણની પ્રવૃત્તિમાં પણ પારસીઓ અગ્રેસર રહ્યા. તરત કશુંક નવું કરવાની તાલાવેલીથી અને સાહસભર્યા ઉત્સાહથી પ્રેરાઈને એમણે વિવિધ કાર્યો આરંભ્યાં એમાં મોટે ભાગે તો અનુસરણવૃત્તિ હતી; ક્યાંક થોડાકે સ્વતંત્ર દૃષ્ટિ-શક્તિથી પણ કામ કર્યાં હતાં. આ અગ્રેસરપણાનું એક સારું પરિણામ તે ઈ. ૧૮૨૨માં ગુજરાતી ભાષામાં શરૂ થયેલું વર્તમાનપત્ર મુમબઈના શમાચાર (જે પછી મુંબઈ સમાચાર તરીકે આજ સુધી ચાલતું રહ્યું છે.) એ પછી મુંબઈમાં અને અમદાવાદ, સુરત વગેરે ગુજરાતનાં બીજાં શહેરોમાં પણ વર્તમાનપત્રો શરૂ થયાં. (એથીય વધુ છાપખાનાં શરૂ થયાં.) સમાચાર, જાહેરખબર, સાહિત્યસામગ્રી તથા અન્ય જ્ઞાનલક્ષી સામગ્રી દ્વારા પ્રજાની જિજ્ઞાસા અને જરૂરિયાતો સંતોષવાનું તેમજ કંઈક અંશે નવી જાગૃતિ પ્રસારવાનું કામ એમણે ઉપાડ્યું. પરંતુ, તે વખતે કેટલાક અંગ્રેજી પત્રકારોએ અહીંનાં એક-બે અલ્પજીવી અંગ્રેજી વર્તમાનપત્રોમાં દાખવેલી એવી પત્રકારી તીવ્રતા ને સજ્જતા આ ગુજરાતી વર્તમાનપત્રોમાં ભાગ્યે જ જોવા મળતી હતી. એ કર્યું સામયિકોએ. નર્મદના ડાંડિયોમાં કે કરસનદાસ મૂળજીના સત્યપ્રકાશમાં જે તીખાશ અને આક્રમકતા હતાં; એમના આંદોલનકારી અવાજમાં જે પત્રકારી તારસ્વર સંભળાયેલો એ તે વખતનાં વર્તમાનપત્રોના અધિપતિઓમાં બહુ સંભળાયેલો જાણ્યો નથી. આ વિદગ્ધ સુધારકોની વિચારલક્ષી પ્રવૃત્તિઓમાં, એમનાં સામયિકપત્રોના માધ્યમથી, પત્રકારી સક્રિયતા પણ ઉમેરાઈ હતી. આ બધા પરથી એક બીજું તારણ એ નીકળી શકે કે શરૂઆતને તબક્કે તો, ‘પત્રકારત્વ’ અને આપણે જેને ‘સાહિત્યિક પત્રકારત્વ’ તરીકે ઓળખાવીએ છીએ એ બે વચ્ચે પણ ઘણો ઓછો ભેદ હતો. અંગ્રેજીમાં પત્રકારવિદ્યા(જર્નાલિઝમ)ની અને બીજી બાજુએ સાહિત્યલક્ષી સામયિકપ્રવૃત્તિની સ્વતંત્ર રીતે વિકસેલી જે લાંબી પરંપરાઓ હતી એનો સંપર્ક આપણને તો એકસામટો, એકસાથે જ થયો. મુદ્રણયંત્રે એને રસ્તો કરી આપ્યો ત્યારે આપણા સુધારકો-વિચારકો-સાહિત્યકારોએ એ બધી દિશાઓને એકસાથે ગ્રહી. સમાચાર, જાહેરખબર આદિ સામગ્રીને બાદ કરીએ તો આપણાં શરૂઆતનાં, સુધારાલક્ષી વિચારપત્રો જેવાં સામયિકો પત્રકારી મિજાજ દેખાડતાં રહ્યાં હતાં. પ્રજાહિત માટેનાં એ પ્રહરીઓ હતાં. એક પ્રશ્ન એ થાય કે આ સુધારાલક્ષી વિચારપત્રોને સાહિત્યનાં સામયિકો ગણાવવાનું કારણ કયું? આમ તો એ પછી પણ વર્ષો સુધી આપણાં સાહિત્યસામયિકોએ સાહિત્યની સાથેસાથે કે ગૌણ ભાવે વિચાર-ચિંતનનાં પત્રોની ભૂમિકા ભજવી છે. પરંતુ એના તંત્રીઓ મુખ્યત્વે સાહિત્યકારો હતા એટલે એમનું મુખ્ય વલણ સાહિત્ય-વિષયક લખાણો પ્રગટ કરવાનું રહ્યું. એ કારણે આ સામયિકોનું મુખ્ય પ્રદાન સાહિત્યના ક્ષેત્રમાં ગણાયું છે. આરંભકાલીન સામયિકોના તંત્રી-સંપાદકો પણ સાહિત્યકારો હતા – ભલે ‘સુધારક’ સાહિત્યકારો. એથી, પ્રવૃત્તિલેખે એમનાં સામયિકોની સામગ્રી સમાજ-ધર્મ-સુધારણાની રહી પણ એમાંનાં લખાણોનું સ્વરૂપ – એનું ગદ્યરૂપ –સાહિત્યકારની લાક્ષણિકતાઓને પ્રગટાવનારું બન્યું. સાહિત્યસ્વરૂપોનો નવપ્રસ્થાનલક્ષી વિકાસ પણ આ સામયિકોને આધારે થતો રહેલો. એ સર્વ અર્થમાં એ ‘સાહિત્યસામયિકો’ હતાં. ઈ. ૧૮૫૦માં બુદ્ધિપ્રકાશ શરૂ થયું ત્યારથી માંડીને આજસુધીનાં દોઢસો વર્ષોનાં સામયિકોનો ઇતિહાસ ઘણો રોમાંચક છે. એ એક બૃહદ અધ્યયનનો વિષય છે. એટલે અહીં તો એક ઝડપી વિહંગદર્શન થઈ શકે. મુખ્ય સામયિકોનાં લાક્ષણિકતા અને વલણોની પણ એક રેખા જ ઉપસાવી શકાય.

૧૯મી સદી ઉત્તરાર્ધનાં સામયિકો – કેટલીક વિશેષ વિગતો

ગુજરાતી સાંસ્કૃતિક પરંપરાઓની જાળવણીના તેમજ વર્તમાન સમયની સર્વ બૌદ્ધિક પ્રવૃત્તિઓને પ્રસારવાના એલેક્‌ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સના સદાશયથી ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના મુખપત્રરૂપે શરૂ કરાયેલું બુદ્ધિપ્રકાશ(૧૮૫૦) શરૂઆતમાં ૧૬ પાનાંનું પાક્ષિક હતું ને ઘણાબધા સામાજિક વિષયોને સામગ્રી તરીકે આલેખતું હતું. પણ ૧૮૫૫થી દલપતરામ એના તંત્રી થતાં એમાં સાહિત્યની સામગ્રી પણ ઉમેરાઈ. તે સમયનાં લગભગ સર્વ સામાજિક તેમજ સાહિત્યિક સંચલનોનું પ્રતિબિંબ આ માસિક સામયિકમાં ઝિલાયેલું છે. દલપતરામની સાહિત્ય-પ્રેરકતાનું તેમજ તેમના વૈચારિક ગદ્યના વિકાસનું પણ એ વાહક હતું. આજ સુધી અખંડ ચાલતું રહેલું, સંશોધન-અધ્યયનની દિશામાં જઈને વળી સાહિત્યના સર્વસામાન્ય રસનું માસિક બનેલું બુદ્ધિપ્રકાશ ગુજરાતીનું સૌથી લાંબો આયુષ્યકાળ ધરાવતું સામયિક છે. એ સમયે પણ વધુ ઉત્તેજક સામયિકો તો હતાં સત્યપ્રકાશ (૧૮૫૫) અને ડાંડિયો (૧૮૬૪), કેમકે એમણે ધાર્મિક-સામાજિક ક્ષેત્રે ઘણો મોટો ઊહાપોહ – ક્યારેક વિવાદ પણ – જગવ્યો. કરસનદાસ મૂળજી જેવા અત્યંત નિર્ભીક પત્રકાર-સુધારકે સત્યપ્રકાશ દ્વારા ધાર્મિક પાખંડો સામે અવાજ ઊંચક્યો હતો. વિખ્યાત ‘મહારાજ લાયબલ કેસ’ની નિર્ણાયક સફળતામાં અન્ય પરિબળો-વ્યક્તિઓ ઉપરાંત સત્યપ્રકાશનો પણ ઘણો મોટો ફાળો હતો. જોકે આ સામયિકનાં લખાણોની ભાષા, એની લખાવટ, પ્રાથમિક અને ઠીકઠીક અણ-ઘડ હતી. નર્મદના અનેકરંગી વ્યક્તિત્વનું બલકે એના વિવિધ સમયના મિજાજો (મૂડ્‌ઝ)નું પ્રતિબિંબ ડાંડિયો માં બરાબર ઝિલાયું છે. મુખ્યત્વે એ ઓજસ્વી અને તીખાશવાળા સામાજિક પત્રકારત્વના માધ્યમ તરીકે આરંભાયેલું. વિશ્વનાથ ભટ્ટે આ જ સંદર્ભે નર્મદને ‘જાગ્રત પ્રહરી’ કહેલો. એ ઉપરાંત ગુજરાતી ગદ્યના (ખાસ તો નર્મદના ગદ્યના) વિકાસનું પણ એ વાહક બનેલું. એના વૈચારિક ને સાહિત્યિક ગદ્યનાં ઘણાં પરિમાણો એમાં દેખાશે. વિશિષ્ટ લઢણોવાળી છતાં એની ભાષા પ્રમાણમાં સાફ અને અસરકારક હતી. શિક્ષણના પ્રશ્નોની ચર્ચા કરતું, સરકારના કેળવણી ખાતાનું સામયિક ગુજરાત શાળાપત્ર (૧૮૬૨) શરૂઆતમાં મહીપતરામ નીલકંઠના તંત્રીપદે ચાલતું હતું. ૧૮૭૦માં નવલરામ એના તંત્રી થયા એ પછી, ૧૨ વર્ષ સુધી, ગ્રંથાવલોકનોનો વિભાગ પણ એમાં નોંધપાત્રપણે ઊપસ્યો. મુદ્રણયંત્રે જે પ્રકાશન-વિસ્ફોટ સરજ્યો હતો એ સ્થિતિમાં, સારા-નરસા વાચનને જુદું પાડી આપવું તેમજ સાહિત્યલેખનની શિષ્ટતાનું અને સજ્જતાનું ધોરણ ઊભું કરી આપવું ઘણું જરૂરી હતું. એથી જ, ઉત્તમ ગ્રંથોની વિગતવાર સમીક્ષાઓ કરવા ઉપરાંત નવલરામે કેટલાંક ઝડપી, માર્મિક અવલોકનોના સાતત્યથી પહેલા સમીક્ષક-વિવેચકની મહત્ત્વની જવાબદારી નિભાવી. પુસ્તક વિશે ગોળગોળ અભિપ્રાય આપવાને બદલે સારાને સ્પષ્ટપણે સારું કહેવું અને નબળું હોય તો એના પર ‘બે-ચાર ચાબખા અવશ્ય લગાવવા’ એવા એમના જાણીતા અભિપ્રાયમાં વિવેચકની ચિકિત્સાદૃષ્ટિ ઉપરાંત શિક્ષક-સુધારકનો શુદ્ધિ-આગ્રહ પણ જોઈ શકાશે. સુધારયુગ અને સાક્ષરયુગના સંધિકાળે શરૂ થયેલા, ગુજરાતી તેમજ અંગ્રેજી બંને ભાષામાં પ્રગટ થતા, ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી (૧૯૮૦)એ આ શુદ્ધિ-આગ્રહને પત્રો-સામયિકોની ભાષાની અશુદ્ધિઓ સામેની જેહાદ સુધી વિસ્તાર્યો હતો. એ સમયે કેટલાક પારસી તંત્રીઓ-લેખકોના રેઢિયાળ અનુવાદોની ટીકા કરીને એની સામે એમણે શિષ્ટ-શુદ્ધ અનુવાદો મૂકી આપેલા. એટલું જ નહીં, પ્રેસમાં થતી અશુદ્ધિઓથી કંટાળીને એમણે પોતાનો જ ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ’ સ્થાપેલો અને ‘ગુજરાતી ટાઈપ ફાઉંડ્રી’ ઊભી કરેલી! ગુજરાતી સામયિકોમાં પહેલી વાર વિવિધ વિષય-વિભાગોનું વ્યવસ્થાપૂર્વક આયોજન તથા ‘કાવ્યદોહન’ ગ્રંથશ્રેણી આ સામયિકનું મહત્ત્વનું પ્રદાન ગણાય. (ઇચ્છારામ દેસાઈએ સ્વતંત્રતા નામનું સામયિક પણ, ગુજરાતી તેમજ અંગ્રેજીમાં ચલાવેલું. એ સામાજિક-રાજકીય વિષયનું પત્ર હતું.) આમ તો સાક્ષરી સાહિત્યિક પત્રકારત્વની ભૂમિકા ગુજરાતી દ્વારા રચાઈ હતી પણ એનો વધુ ઊંડાણવાળો અને વ્યાપક આવિષ્કાર મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ ને પછી આનંદશંકર ધ્રુવે ચલાવેલાં સામયિકો દ્વારા થયો. ગુજરાતીમાં ‘નારીપ્રતિષ્ઠા’ નામની જાણીતી લેખમાળા ચલાવ્યા પછી મણિલાલે સ્રીઓના સામાજિક (અને એમને માટેની કેળવણીના) પ્રશ્નોને લઈને પ્રિયંવદા (૧૮૮૫) શરૂ કર્યું. એમાંનાં મણિલાલનાં લખાણો પ્રત્યક્ષ સંબોધનની અને વાતચીતની શૈલીવાળાં હતાં, કસાયેલા વક્તા તરીકેની એમની વાક્‌છટાનો લાભ પણ પ્રિયંવદાને મળતો હતો. આવી, માધુર્ય અને પ્રાસાદિકતાની કાળજી છતાં અને સ્રીઓને વાંચવાલાયક ન હોય એવા વિષયો એમાં ન આવે એવા સંકલ્પ છતાં ચર્ચાઓમાં મણિલાલના પાંડિત્યનો પ્રવેશ થયો હતો, એની દુર્બોધતા સામે મહિલાઓએ ફરિયાદ કરી હતી! પાંચ વર્ષ પછી મણિલાલને પણ લાગ્યું કે માત્ર સ્રીવિષયક સામયિક ચલાવવું દુષ્કર છે, સીમિત અને એકાંગી પણ છે એટલે એમણે તત્ત્વચર્ચા, સુધારો, અધ્યાત્મ, વેદાન્ત, જ્ઞાનવિજ્ઞાન આદિ વિષયોમાં વિસ્તરતું સુદર્શન (૧૯૯૦) શરૂ કર્યું. અલબત્ત, એ પાંચ વર્ષમાં પ્રિયંવદાએ સ્રી-જાગૃતિની દિશામાં ઠીકઠીક વિચાર-આંદોલનો ઊભાં કરેલાં. પંડિત અને પત્રકાર-વિચારક તરીકેની મણિલાલની શક્તિઓને સુદર્શનમાં મોકળાશ મળી. પંડિતયુગના ઘણા લેખકોની સાક્ષરી વિચારધારાને તેમજ એ સમયના સર્જનાત્મક સાહિત્યને સુદર્શને પ્રગટ કર્યાં હતાં. ગુજરાતીના એક ઉત્તમ તત્ત્વદર્શી નિબંધકાર તરીકે મણિલાલ ઊપસ્યા એમાં સુદર્શન મહત્ત્વનું વાહક બન્યું. મણિલાલનો લેખસંગ્રહ સુદર્શન ગદ્યાવલિ આ સામયિકનું એક પ્રમુખ પ્રદાન છે. પ્રાર્થનાસમાજના મુખપત્ર તરીકે શરૂ થયેલું જ્ઞાનસુધા (૧૮૯૨) ક્રમશઃ નવી સુધારક-વિચારણા, તત્ત્વચિંતન અને સર્જનાત્મક-વિવેચનાત્મક સાહિત્ય સુધી વિસ્તર્યું હતું. એના તંત્રી રમણભાઈ નીલકંઠની સુધારક તેમ હાસ્યકાર તરીકેની શક્તિઓ જ્ઞાનસુધા દ્વારા આવિષ્કાર પામતી રહી. એમના હળવા નિબંધો તથા એમની વિખ્યાત નવલકથા ભદ્રંભદ્ર આ સામયિકનાં પાને અવતરી હતી. એ ઉપરાંત ન્હાનાલાલની ઉત્તમ કાવ્યકૃતિઓ, બલવંતરાયની ‘પ્રેમનો દિવસ’ સૉનેટમાળા વગેરે કૃતિઓ, રામલાલ મોદીના સંશોધનલેખો તેમજ રમણભાઈનાં તત્ત્વલક્ષી ને વિવેચનાત્મક લખાણોએ જ્ઞાનસુધાનું વિશિષ્ટ પ્રદાન આંક્યું હતું. ૧૮૯૬માં આરંભાયેલા ને ૧૯૧૪થી માસિક બનેલા સમાલોચક સામયિકે સાક્ષરી પરંપરાનો વિસ્તાર કરવામાં સારી કામગીરી બજાવી હતી પણ પંડિતયુગનું પૂરું પ્રતિનિધિત્વ જાળવતું છતાં ઘણું વ્યાપક અને ઉદાર બનેલું સામયિક તો હતું આનંદશંકર ધ્રુવનું વસંત (૧૯૨૦). વીસમી સદીના આરંભે પ્રગટ થયેલા આ સામયિકે લગભગ ચાર દાયકા (૧૯૩૯) સુધી ચાલીને પંડિતયુગની વિદ્વદ્‌-પરંપરાને ગાંધીયુગમાં પણ સંચારિત કરવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. (વચ્ચે, આચાર્ય આનંદશંકરને ગુજરાત બહાર જવાનું થતાં ૧૯૧૩ થી ૧૯૨૪ સુધીનાં ૧૨ વર્ષ રમણભાઈ નીલકંઠ એના તંત્રી રહેલા.) આનંદશંકરની સમન્વયવાદી દૃષ્ટિએ સામાજિક-ધાર્મિક વિચારણાને એકપક્ષી મતાગ્રહમાંથી મુક્ત ને મોકળી કરી. એટલું જ નહીં, મૂળ સત્ય સુધી પહોંચતી એમની ઊંડી તત્ત્વજિજ્ઞાસાએ એને પરિશુદ્ધ રૂપ પણ આપ્યું. વસંતમાં વિષયોની વ્યાપકતા જ કેટલી મોટી હતી – અધ્યાત્મ, તત્ત્વજ્ઞાન, કેળવણી, રાજકારણ, સમાજ, વિજ્ઞાન, માનસશાસ્ર, કૃષિવિજ્ઞાન, ઉદ્યોગ, સંગીત, ખગોળ અને સાહિત્ય! માનવજ્ઞાન અને કળાની અનેક શાખાઓ પરનાં નોંધપાત્ર લખાણો વસંતમાં સ્થાન પામતાં રહ્યાં. આનંદશંકરનાં, પછી ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલાં મૂલ્યાવાન પુસ્તકોનાં મોટા ભાગનાં લખાણો વસંતનાં પાને આવિષ્કાર પામેલાં હતાં. ઉમાશંકરે ૧૯૪૭માં સંસ્કૃતિ શરૂ કર્યું ત્યારે એમના મનમાં વસંત એક આદર્શ નમૂના (મૉડેલ) રૂપે રહ્યું હતું, એ પણ વસંતના વ્યાપક ફલકનો અને એના પ્રદાનનો ખ્યાલ આપે છે.

૨૦મી સદી પૂર્વાર્ધ : સાહિત્યિક પત્રકારત્વની નવી દિશાઓ

વસંતે વિચારલક્ષી વ્યાપકતા અને મોકળાશ ઊભાં કર્યાં ને ૨૦મી સદીના ચારેક દાયકા સુધી એ પ્રવૃત્ત રહ્યું એ બરાબર પરંતુ એ વિદ્વદ્‌-પરંપરાનો વિસ્તાર કરનારું, ગંભીર પ્રકારનું સામયિક હતું. સરળતા અને રસિકતા દ્વારા વ્યાપક સાહિત્યરસિક વર્ગનાં વિસ્મય-જિજ્ઞાસાને જગાડવા-પોષવાનું કામ વીસમી સદી (૧૯૧૬)એ કર્યું. એ આપણું પહેલું સચિત્ર (ઇલસ્ટ્રેટેડ) સાહિત્યિક-સામયિક હતું. એમાં સચિત્રતા કેવળ સુશોભન કે આકર્ષણ માટે ન હતી કેમકે એ ચિત્રો વિખ્યાત ચિત્રકળાકારોનાં હતાં -મુનશીની નવલકથા હોય ને એનાં પ્રતાપી પાત્રોનાં ચિત્રરેખાંકનો રવિશંકર રાવળે કરેલાં હોય. કલકત્તામાં તૈયાર થતું એનું બહુરંગી મુખપૃષ્ઠ પણ નીવડેલા ચિત્રકારનું રહેતું. સાહિત્યની ગુણવત્તાનું કે રુચિનું ધોરણ નીચે ઉતાર્યા વિનાની સાચી લોકપ્રિયતા બલકે લોકલક્ષિતા એના સંપાદક હાજીમહંમદ અલારખિયા શિવજીનું ધ્યેય હુતું. એ ધ્યેય પાર પાડવા એમણે ઉત્તમ લેખકો પાસેથી જહેમતપૂર્વક લખાણો કઢાવ્યાં, મુદ્રણ આદિની ઉત્તમ વ્યવસ્થા નિપજાવી, ખર્ચ કરવામાં ખુવાર થઈ જવા સુધી પાછું વળીને ન જોયું. પરિણામે વીસમી સદી હાજીમહંમદના અકાળ અવસાન સાથે અકાળે જ બંધ પડ્યું. પરંતુ એ ચાર વર્ષમાં એણે સાહિત્યિક પત્રકરાત્વનો એક નવો ચહેરો ઉપસાવ્યો. વીસમી સદી નું અધૂરું કામ બે સામયિકોએ જુદી જુદી રીતે ઉપાડી લીધું – ગુજરાત(૧૯૨૨) દ્વારા મુનશીએ તથા કુમાર(૧૯૨૪) દ્વારા રવિશંકર રાવળ અને બચુભાઈ રાવતે. આ દરમ્યાનમાં આરંભાયેલા એક સામયિકનો નિર્દેશ કરવો અનિવાર્ય છે. મટુભાઈ કાંટાવાળાએ વીસમી સદીનીય પહેલાં, સાહિત્ય (૧૯૧૩) શરૂ કરેલું એ વિદ્વદ્‌-પરંપરાની રીતે વસંતના કુળનું હતું. શરૂઆતની જ, પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના પ્રગટીકરણનો પણ એનો એક આશય હતો જે પછી પ્રેમાનંદનાં નાટકોના વિવાદ સુધી પ્રસર્યો. આ તરકટના પ્રતિવાદરૂપે વસંત, બુદ્ધિપ્રકાશ, સમાલોચક, ગુજરાત, કૌમુદી આદિ સામયિકો સક્રિય થયેલાં અને એમ એ સમયખંડ સાહિત્યિક ઊહાપોહની રીતે નોંધપાત્ર બનેલો. મુનશીના અસ્મિતાલક્ષી દૃષ્ટિકોણે અને પંડિતયુગીન શુષ્કતાને બદલેે રસિકતા અને જીવંતતાના વલણે ગુજરાતને એક લાક્ષણિક સામયિક બનાવ્યું. ચેતન (૧૯૨૦)માં બટુભાઈ ઉમરવાડિયા સાથે જોડાઈને નવયુવક વિજયરાય વૈદ્યે રમણભાઈ નીલકંઠના પરિષદ-વ્યાખ્યાનની જે નિર્ભીક અને સંગીન સમીક્ષા કરેલી એમાં દેખાયેલી એમની સાહિત્યિક પત્રકારની શક્તિથી આકર્ષાઈને મુનશીએ વિજયરાયને પોતાની સાથે જોડ્યા એથી પણ ગુજરાત વધુ સમૃદ્ધ થયું. પરંતુ વિજયરાય કોઈની સાથે કે કોઈની મુખ્યતા હેઠળ કામ કરવાને બદલે અલાયદું સામયિક ઊભું કરવાનો સ્વ-તંત્ર મિજાજ ધરાવતા હતા. એમણે શુદ્ધ સાહિત્યિક પત્રકારત્વની દિશા ખોલી – કૌમુદી (૧૯૨૪) અને માનસી (૧૯૩૪) દ્વારા. દરમ્યાનમાં, ગુજરાતની સાથે જ આરંભાયેલું નવચેતન (૧૯૨૨) ચાંપશી ઉદેશીની લાક્ષણિક પત્રકાર-દૃષ્ટિથી નોંધપાત્ર તો બનેલું પરંતુ મુખ્ય પ્રવાહમાં એ અગ્રણી ન બની શક્યું. અલબત્ત એ સાતત્યપૂર્વક ચાલ્યું, આજ સુધી ચાલતું રહ્યું છે. ખંત, સૂઝ અને યુયુત્સા-વૃત્તિએ વિજયરાય વૈદ્યનું એક સાહિત્યિક પત્રકાર તરીકેનું વિલક્ષણ અને મજબૂત કાઠું નિપજાવ્યું હતું. કૌમુદી એક નમૂનેદાર સાહિત્ય-સામયિક રૂપે વિકસ્યું કેમકે લેખક તેમજ સંપાદક તરીકે નિષ્ઠાપૂર્વકનો ઘણો પરિશ્રમ તથા સાહિત્ય અને સાહિત્ય-સામયિક માટેના ઊંચા તેમજ તીવ્રતમ આગ્રહો એના કેન્દ્રમાં હતાં. ‘નવાની નેકી અને જૂના સામે બંડ’ની એમની નિર્ભીક-સ્પષ્ટ પત્રકારનીતિએ સાહિત્યિક વાતાવરણને વેગીલી સક્રિયતા ને જીવંતતા બક્ષ્યાં હતાં. પારાવાર આર્થિક વિટંબણાઓ સામે ઝઝૂમીને પણ એમણે કૌમુદી-માનસી દ્વારા લગભગ સાડાત્રણ દાયકા સુધી, ગુજરાતી સાહિત્યિક પત્રકારત્વની એક તેજસ્વી લાક્ષણિક રેખા આંકી. મુનશીએ એક વાર ઉમાશંકર જોશીને કહેલું – ‘કોઈ એવું સામયિક કાઢોને, એ...ય ને બસ વાંચ્યા જ કરીએ!’ ત્યારે ઉમાશંકરે એમને કૌમુદી ચીંધેલું! રવિશંકર રાવળ તો વીસમી સદી સાથે સંકળાયેલા હતા જ. બચુભાઈ રાવતને એ સામયિકમાં જોડાવા માટે બોલાવવા એ વિચારતા હતા ત્યાં જ હાજીમહંમદના અવસાનથી વીસમી સદી બંધ થયું પણ રવિશંકર રાવળનો, કલા-સાહિત્ય અને જ્ઞાનનાં વિવિધ ક્ષેત્રોને રસપ્રદ રીતે રજૂ કરવાનો સંકલ્પ કુમાર (૧૯૨૨) દ્વારા ચરિતાર્થ થયો ને દૃષ્ટિવંત સંપાદક બચુભાઈ રાવતની સૂઝ અને ઝીણવટથી એ સમૃદ્ધ થયો. ચિત્રકળા, સાહિત્ય, શિલ્પ, સંગીત, નૃત્ય, નાટક એવી કળાઓથી આરંભીને ઇતિહાસ, ખગોળશાસ્ર, વૈદકશાસ્ર, રમતજગત એવા એવા અનેક વિષયોની અધિકૃત છતાં રસપ્રદ વૈવિધ્યવાળી સામગ્રી દ્વારા કુમારે આવતીકાલના નાગરિકોનાં રુચિ-સંસ્કારના ઘડતરનું કામ કૌશલપૂર્વક કર્યું. મુદ્રણ અને નિર્માણની કરકસરપૂર્વકની સુઘડતા-કલાત્મકતા એનો વિશેષ રહ્યો. એનો કોઈ પણ અંક, આજેય એટલો જ રસપ્રદ ને સ્ફૂર્તિદાયક બની શકે એમ છે. બચુભાઈ રાવતના અવસાન પછી થોડોક સમય બંધ પડેલું કુમાર ધીરુભાઈ પરીખના તંત્રીપદે ફરી ચાલુ કરવામાં આવ્યું છે. (ધીરુભાઈના અવસાન પછી પ્રફુલ્લ રાવલ કુમારનું તંત્ર સંભાળે છે.) પંડિતયુગીન સામયિકો જેવી પ્રશિષ્ટતા ધરાવતું રામનારાયણ પાઠકનું પ્રસ્થાન(૧૯૨૬) એની નીવડેલી પ્રયોગશીલતાથી આગવી વિશેષતા ધરાવતું બનેલું. મૉડર્ન રિવ્યૂને આદર્શ (મૉડેલ) તરીકે સ્વીકારીને વ્યાપક પ્રશ્નોને એણે હાથ ધર્યા હતા. તેમ છતાં સાહિત્ય એના કેન્દ્રમાં રહ્યું હતું. રામનારાયણ પાઠક (‘દ્વિરેફ’)ની પ્રયોગલક્ષી વાર્તાઓ એમાં જ પ્રગટેલી તેમજ વિવેચક રામનારાયણ અને રસિકલાલ પરીખના અભ્યાસલેખોથી એ સમૃદ્ધ થયેલું. નવી પેઢીના લેખકોની તેજસ્વિતાને માટે પણ પ્રસ્થાન પ્રેરક બનતું રહેલું.

સ્વાતંત્ર્યોત્તર સમયનાં સામયિકો : દૃષ્ટિકોણ અને વલણોનું વૈવિધ્ય

પંડિતયુગ સાથે પૂર્વ-અનુસંધાન રાખીને વસંત ગાંધીયુગીન સાક્ષરી પરંપરા અને વ્યાપક વિચારલક્ષિતા સુધી વિસ્તર્યું એ જ રીતે ૧૯૪૭માં આરંભાયેલું સંસ્કૃતિ સાહિત્ય અને સંસ્કૃતિના વ્યાપક ફલક પર, પ્રશિષ્ટતા સાથે અનુસંધિત રહીને એ પછી બદલાતાં રહેલાં યુગપરિબળો સાથે – અદ્યતન સાહિત્ય-સમય સાથે – પણ મોકળાશથી છતાં ઉત્તમતાના આગ્રહપૂર્વક પ્રવર્તતું રહેલું એક પ્રમુખ સામયિક બન્યું. અગ્રણી સાહિત્યકાર અને સંપાદક તરીકેની ઉમાશંકર જોશીની શ્રદ્ધેયતાએ પણ બદલાતી પેઢીઓના તેજસ્વી સાહિત્યકારો-વિચારકોને સંસ્કૃતિ સાતે જોડેલા રાખ્યા. એના ૪૦૦ ઉપરાંત અંકો તથા ‘વિવેચન વિશેષાંક’, ‘શેક્‌સ્પિયર વિશેષાંક’, ‘કાવ્યાયન’, ‘સર્જકની આંતરકથા’, ‘પ્રતિભા અને પ્રતિભાવ’ નામના (પછી ઉત્તમ સંચયગ્રંથોનું રૂપ પામેલા) વિશેષાંકો એની સાહેદી પૂરે છે. છેલ્લા, ‘પૂર્ણાહુતિ વિશેષાંક’-માંની, ‘સંસ્કૃતિ વિદાય માગે છે’ નામની નિવેદન-કેફિયત, વ્યાપકભાવે પણ આપણી સામયિક-પ્રવૃત્તિ વિશે માર્મિક નિરીક્ષણો આપતો એક મૂલ્યવાન લેખ બની રહે છે. ૧૯૫૦માં આરંભાયેલું મિલાપ ઉત્તમ વાચનના દોહનનું અ આપણું એક નમૂનેદાર ડાયજેસ્ટ-સામયિક હતું. બહોળા વર્ગની વાચનરુચિને પ્રેરવા-કેળવવાની એના સંપાદક મહેન્દ્ર મેઘાણીની શક્તિ આ સામયિક દ્વારા પ્રગટી-વિકસી હતી ને એ અનેક ઉપયોગી સંપાદન-પુસ્તિકાઓ સુધી વિસ્તરી હતી. ૨૮ વર્ષ ચલાવીને મિલાપ ને એમણે સમેટ્યું એ પછી પણ એમની આ ઉપયોગી દોહન-સંપાદનપ્રવૃત્તિ ચાલુ જ છે. (‘અડધી સદીની વાચનયાત્રા’માં એ પ્રતિફલિત થતી રહી છે.) સાતમા દાયકાનો આરંભ વિભિન્ન દૃષ્ટિકોણવાળાં નોંધપાત્ર સામયિકોનો હતો. સૌથી મોટું ને મહત્ત્વનું સ્થિત્યંયર ક્ષિતિજ દ્વારા આરંભાયું. ભૂદાનપ્રવૃત્તિ અને વ્યાપક જીવનવિચાર વિશે, ૧૯૫૯માં પ્રબોધ ચોક્સીએ આરંભેલું આ સામયિક ૧૯૬૧માં સુરેશ જોશી હાથમાં લે છે ને એને અદ્યતન સાહિત્યની આબોહવા ઊભી કરવામાં પ્રયોજે છે. પશ્ચિમી સાહિત્યસર્જન અને સાહિત્યવિચાર અનુવાદો-દોહનો-વિવેચનની અદ્યતન કૃતિઓ પણ એમાં પ્રકાશિત થવા લાગે છે. ગુજરાતીમાં અદ્યતનતાના પ્રસરણમાં એ મહત્ત્વનું પરિબળ બને છે. ક્ષિતિજમાં વિદ્રોહની સાથે સંગીનતા હતી. એ જ ગાળામાં રે મઠ દ્વારા આરંભાતા રે અને એ પછી કૃતિ (મુદ્રાલેખ - ‘કૃતિ, સંસ્કૃતિ નહીં’)માં આક્રમક ઉચ્છેદકતા હતી જેમાં સંસ્કૃતિ, કુમાર જેવા પ્રશિષ્ટ સામયિકોની સાથે ક્ષિતિજનો પણ જાણે કે નિષેધ હતો. ૧૯૬૭ સુધી ચાલેલું ક્ષિતિજ સામયિક ઊહાપોહ એતદ્‌ આદિ સુરેશ જોશીપ્રેરિત સામયિકોમાં અનુસંધાન પામતું રહ્યું પણ રે, કૃતિ, સંદર્ભ આદિ સામયિકો અદ્યતનતાના વાવાઝોડાની જેમ આવીને, જીર્ણ-રૂઢને હચમચાવીને, તાજગીને વહેતી કરવાની થોડીક જરૂરી કામગીરી બજાવીને સ્વેચ્છાએ ખરી પડ્યાં. સમયના અનુક્રમે નજર કરીએ તો ૧૯૫૯માં ભારતીય વિદ્યાભવનનું સમર્પણ આરંભાય છે ને ૧૯૬૨માં કુંદનિકા કાપડિયાનું નવનીત. પાછળથી ૧૯૮૦માં, આ બે સામયિકો નવનીત સમર્પણ (સંપા. ઘનશ્યામ દેસાઈ, હવે દીપક દોશી) નામે સંયુક્ત થાય છે એ પહેલાં પણ વ્યાપક પ્રકારનાં, સાહિત્યને પ્રાધાન્ય આપનારાં, સામયિકો તરીકે એમની મુદ્રા હતી. વડોદરાના પ્રાચ્યવદ્યામંદિરનું વિવેચન-સંશોધનનું સામયિક સ્વાધ્યાય ભોગીલાલ સાંડેસરાના સંપાદકપદે આરંભાયેલું ને એણે પ્રાચીન-મધ્યકાલીન સાહિત્યના સંશોધન-વિવેચનની ઘણી મોટી કામગીરી બજાવી હતી. એક પ્રકારના મોભાદાર યુનિવર્સિટી જર્નલનું એનું સ્વરૂપ ઘણો વખત જળવાયું હતું. આજે પણ આ સામયિક ચાલે છે, ઘણી અનિયમિતતાથી. વાડીલાલ ડગલીની પ્રેરકતાથી, યશવંત દોશીના સંપાદનમાં ૧૯૬૪માં ગ્રંથ શરૂ થયેલું – ગ્રંથાવલોકનના એકમાત્ર અને પૂરા કદના માસિક સામયિક તરીકે. સરજાતા સાહિત્યનાં તથા વિવેચન-સંશોધનનાં પુસ્તકો વિશે પ્રત્યક્ષ વિવેચન આપતા આ સામયિકે સામ્પ્રત સાહિત્યને અવલોકવા-મૂલવવાની ને એમ સાહિત્યિક વાતાવરણને અને ધોરણોને રચવાની એક અત્યંત ઉપયોગી કામગીરી સતત ૨૨ વર્ષ સુધી બજાવી. ૧૯૮૬માં એને બંધ કરવામાં આવ્યું ત્યારે સૌને એની ખરેખર ખોટ વરતાયેલી. (એને બંધ કરવાનાં બહુ કારણો ન હતાં એવું પણ ઘણાંને લાગેલું.) ભારતભરની ભાષાઓમાં પણ કેવળ સમીક્ષાનું આખેઆખું સામયિક ભાગ્યે જ થોડી ભાષાઓમાં હતું – આજે પણ સ્થિતિ એ જ છે. ૧૯૬૬માં શરૂ થયેલા સંજ્ઞાની એક લાક્ષણિકતા એના સંપાદક જ્યોતિષ જાનીની કલ્પનાશક્તિ સક્રિયતા હતી. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટે કહેલું એમ એ ‘dynamic’ હતું. સામયિકની લાક્ષણિક સાઇઝ, એનું એવું જ લાક્ષણિક મુદ્રણ અને મુખપૃષ્ઠ એની આગવી ઓળખ હતાં. સામગ્રીમાં, એની રજૂઆતમાં અને સંપાદકીય કૌશલમાં એક પ્રકારની સૂઝવાળી અ-રૂઢતા હતી – સુરેશ જોશીની લાંબી (છતાં અધૂરી રહેલી) વિશિષ્ટ, ઉત્તેજક મુલાકાત એનું એક મહત્ત્વનું દૃષ્ટાંત છે. એક દાયકો ચાલેલા સંજ્ઞાએ કેટલાક સ્મરણીય અંકો આપ્યાં. પણ, જ્યોતિષ જાનીનું આ સંપાદન-કૌશલ સંજ્ઞા પછીનાં એમનાં સામયિક-સંપાદનોમાં જોવા ન મળ્યું.

આજનાં સામયિકો : માત્ર પ્રકારલક્ષી નિર્દેશો

આજે ચાલતાં – જૂનાં ચાલુ તેમજ છેલ્લા એક દોઢ દાયકાથી આરંભાયેલાં સામયિકોની વાત એમને ત્રણેક પ્રકારમાં વહેંચીને કરવી સગવડરૂપ બનશે ; (૧) કોઈ એક વિષય-વિશેષને વરેલાં – કેવળ કવિતાનાં, ગદ્યનાં કે વિવેચનનાં; (૨) સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરનારાં અને (૩) વ્યાપક પ્રકારનાં – વિવિધ વિષયનાં પણ સાહિત્યની મુખ્યતાવાળાં. બે-અઢી દાયકાથી ચાલતું કવિતા આકર્ષક, કંઈક વૈભવી નિર્માણવાળું, કવિઓના ફોટોગ્રાફ પણ છાપનારું ને હસ્તાક્ષર-વિશેષાંકો કરનારું; વિદેશી કવિઓની કવિતાના અનુવાદો પણ પ્રગટ કરનારું; લાક્ષણિક નિર્માણ-કૌશલ ઉપરાંત સર્વપ્રિય કવિતાથી લોકપ્રિય બનેલું, સુરેશ દલાલસંપાદિત સામયિક છે એની સામે કવિલોક સાદું છતાં સુઘડ, મુદ્રણસજ્જાની પણ સૂઝવાળું, સામ્પ્રત કવિતા ઉપરાંત કવિતાવિષયક થોડાંક ટૂંકાં, ક્યારેક સઘન વિવેચનલખાણો પણ પ્રગટ કરનારું ગુજરાતી કવિતાનું ઋતુપત્ર છે. વર્ષો સુધી રાજેન્દ્ર શાહે એ ચલાવ્યું – પછી ધીરુભાઈ પરીખ (વચ્ચે થોડોક વખત હેમંત દેસાઈ) એના સંપાદક છે. રશીદ મીર સંપાદિત ધબક કેવળ ગઝલનું સામયિક છે. ‘સાહિત્યસર્જનના નૂતન આવિષ્કારોને પ્રમાણવાના’ સંકલ્પ સાથે ભરત નાયકે ૧૯૮૬માં આરંભેલું ગદ્યપર્વ સર્જનાત્મક ગદ્યનું – વિશેષ ટૂંકી વાર્તા વિશેનું - એક ધ્યાનકર્ષક સામયિક હતું. નાટક અને રંગભૂમિ વિશેનાં સામયિકો ગુજરાતીમાં બહુ લાબું ચાલ્યાં નથી – વર્ષો પહેલાં એકાંકી નામે એક સામયિક ગુલાબદાસ બ્રોકરે ચલાવેલું. હમણાં નાટક (૧૯૯૮) નામે એક સામયિક હસમુખ બારાડીની મુખ્ય સક્રિયતાથી આરંભાયું છે એ સુચિહ્‌ન છે. વિષયવિશેષનાં સર્જનેતર વિષયનાં સામયિકોમાં, દાયકા ઉપર ચાલીને પછી સમેટાયેલા, કેવળ ભાષાવિજ્ઞાનને વિષય કરતા ભાષાવિમર્શ (૧૯૭૮-૧૯૯૦)નો ઉલ્લેખ કરવો જ જોઈએ કેમકે એ વિષયના તજ્‌જ્ઞ સંપાદક હરિવલ્લભ ભાયાણીએ એ વિષયના અભ્યાસીઓને લેખનસક્રિય કરીને ઝડપથી વિકાસ પામતા આ શાસ્ર વિશે ઘણી મૂલ્યવાન સામગ્રી સંપડાવી આપી હતી. (આ સર્વ સામયિકોની વિશેષ, વિગતવાર ચર્ચા માટે જુઓ ‘શોધ નવી દિશાઓની’(સંપા. શિરીષ પંચાલ)માં મારો લેખ ) કેવળ વિવેચનને પ્રગટ કરતું એસ. એન. ડી. ટી. યુનિ. નું વિવેચન (૧૯૮૨-૮૪), ઓછી ગ્રાહક-વાચક સંખ્યા અસ્વીકાર્ય લાગવાથી એના સંપાદક સુરેશ દલાલે ૧૦-૧૨ અંકો પછી સમેટી લીધેલું. પરંતુ આ જ વિષયનું, ફાર્બસ ગુજરાતી સભાનું ત્રૈમાસિક (૧૯૩૬) આજ સુધી ચાલતું રહ્યું છે – સંગીનતાથી. સાહિત્યવિવેચન-સંશોધન તેમજ અન્ય વિદ્યાશાખાઓના માતબર અને દીર્ઘ અભ્યાસલેખોને પ્રગટ કરતું આ સામયિક સાહિત્યના અભ્યાસીઓમાં તો ઘણું પ્રિય છે. એમાં એનાં પૂરા સમયનાં સંપાદક મંજુ ઝવેરીની વિધાયક સક્રિયતા મહત્ત્વનું કારણ છે. હવે એનું સંપાદન સિતાંશુ યશશ્ચંદ્ર સંભાળે છે. ભારતીય ભાષાઓના સાહિત્યના અનુવાદનું એક લાક્ષણિક સામયિક સેતુ (૧૯૮૪) સુરેશ જોષી અને ગણેશ દેવીએ બે વર્ષ ચલાવ્યું (ને સુરેશ જોશીના અવસાન પછી ગણેશ દેવી અને શિરીષ પંચાલે એકાદ વરસ ચલાવ્યું) એમાં કેટલુંક સૂઝપૂર્વકનું, મહત્ત્વનું કામ થયેલું. અનુવાદનું, સેતુરૂપ સામયિક હોવું અનિવાર્ય ગણાય, પણ આપણે ત્યાં આવાં વિશિષ્ટ સામયિકોનું કોઈ ભાવિ નથી. ૧૮૮૬માં ગ્રંથ બંધ પડ્યું એ પછી સમીક્ષાના સ્વતંત્ર સામયિકની ખોટ વરતાતી હતી. ૧૯૯૧માં શરૂ થયેલું ત્રૈમાસિક સામયિક પ્રત્યક્ષ એ દિશામાં પ્રયત્નશીલ છે. પહેલાં બે વર્ષ જયદેવ શુક્લ અને નીતિન મહેતા સાથે હતા, ને હવે સ્વતંત્ર રીતે રમણ સોની એનું તંત્ર-સંપાદન સંભાળે છે. ૧૯૯૫માં પ્રગટ થયેલો એનો ‘સંપાદક-વિશેષાંક’ બહોળો સ્વીકાર પામેલો, ઉપયોગી પુરવાર થયેલો અંક હતો. વિષય-વિશેષનાં આ સામયિકોની, પ્રત્યેકની મુદ્રા અલગ છે – એમના દરેકના અલગ ક્ષેત્રે એ આંકી આપેલી છે ને એ એનો વિશેષ છે. બીજી તરફ ગુજરાતી સાહિત્ય પરિષદનું પરબ, ગુજરાત સાહિત્ય અકાદમીનું શબ્દસૃષ્ટિ, ક્ષિતિજ સંશોધન કેન્દ્રનું એતદ્‌, ચારુતર વિદ્યામંડળનું વિ તથા સ્વતંત્ર સાહસરૂપે ચાલતાં ઉદ્દેશ, ખેવના, સમીપે, તથાપિ, તાદર્થ્ય, કંકાવટી વગેરે સર્જન-વિવેચનનાં વિવિધ સ્વરૂપોની કૃતિઓ પ્રગટ કરતાં વ્યાપક સાહિત્યિક સામયિકો છે.( ઉદ્દેશ, સંપા. પ્રબોધ જોશી (આદ્ય સંપા. સદ્‌ગત રમણલાલ જોશી; ખેવના, સંપા. સુમન શાહ; સમીપે, સંપા. શિરીષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર; તથાપિ, સંપા. જયેશ ભોગાયતા; તાદર્શ્ય, સંપા. પૂર્વી ઓઝા (આદ્ય સંપા. સદ્‌ મફત ઓઝા); કંકાવટી, સંપા. રતિલાલ અનિલ.) ગુજરાતીમાં આજે લખાતું સહિત્ય વિવિધ સ્વરૂપની સાહિત્યકૃતિઓ – આ દરેક સામયિકમાં લગભગ સમાન સ્તરે પ્રગટ થાય છે. તો શું આ બધાંને એક જ સામયિકના વિવર્તોરૂપ ગણવાં? આપણા એક વરિષ્ઠ સાહિત્યકારે કહેલું એમ સંપાદકોની શક્તિ વિવિધ સામયિકોમાં વહેંચાયેલી રહે એને બદલે થોડાંકને સમેટી લઈને કોઈ એક-બે સામયિકોમાં જ કેન્દ્રિત થવી જોઈએ - એ સાચું વલણ, સાચી પ્રતિક્રિયા છે? આ બાબતોમાં તથ્ય હોવા છતાં, બાહ્ય દૃષ્ટિએ સમાન સ્વરૂપનાં, સરખી ભૂમિકા ભજવતાં દેખાતાં હોવા છતાં આ દરેકની – દરેકની નહીં તો મોટા ભાગનાંની – મુદ્રા નોખીનોખી છે. સંસ્થાગત નીતિ અને સંપાદકીય વલણો ઝાઝાં વ્યાવર્તક ન હોવા છતાં કંઈક દૃષ્ટિભેદ, કંઈક પદ્ધતિભેદ તો એમાં દેખાય જ છે. લેખકવર્તુળ વ્યાપક હોવા છતાં કેટલાંકમાં અમુક સાહિત્યિક વલણો બનાવનાર લેખકોનું જૂથ જુદું પણ દેખાવાનું. એક આખા દાયકાને સમયખંડ લઈને પ્રત્યેક સામયિકમાં પ્રગટ થયેલાં મહત્ત્વનાં કૃતિઓ-લેખોની યાદી કરીને સરખાવીએ તો દરેક સામયિકની વિભિન્ન મુદ્રાઓનો કંઈક અંદાજ આવે. ત્રીજા પ્રકારનાં – વિવિધ વિષયોનાં, પણ સાહિત્યની મુખ્યતાવાળાં સામયિકોનું પ્રમાણ હવે ઘટતું ચાલ્યું છે. આપણાં બધાં જ મહત્ત્વનાં પૂર્વકાલીન સામયિકો મહદંશે આવા વ્યાપક પ્રકારનાં હતાં – બુદ્ધિપ્રકાશ, સુદર્શન, વસંત, પ્રસ્થાન, સંસ્કૃતિ આદિ. કૌમુદીથી કેવળ સાહિત્યના સામયિકની દિશા વધારે સ્પષ્ટ થતી ચાલી જે સ્વાતંત્ર્યોત્તર સામયિકોમાં વધુ કેન્દ્રિત બનતી ગઈ. છતાં આજે પણ કુમાર, નવનીતસમર્પણ આદિ સામયિકો આ પ્રકાનાં છે જેમાં સાહિત્યકૃતિઓ અગ્રિમ સ્થાને છે. સાહિત્યિક પત્રકારત્વની આ સૌથી વ્યાપક, ખુલ્લી દિશા છે ને આ પ્રકારનાં સામયિકોનો ગ્રાહક-વાચકવર્ગ પણ સ્વાભાવિક જ વધુ રહેવાનો.

આપણાં સાહિત્ય-સામયિકોની આ પરિચયરેખા આછી-પાતળી છે. પણ એના પરથી આપણી સામયિક-પ્રવૃત્તિનો એક પાયાનો નકશો તો મળવાનો. સાહિત્ય વિશેના, સાહિત્યની જીવન સાથેની નિસબત વિશેના દૃષ્ટિકોણની ભિન્નતાએ આપણા સાહિત્યિક પત્રકારત્વને અનેક-પરિમાણી તો બનાવ્યું જ છે, ભલે એનાં કેટલાંક પરિમાણો કાચાં કે નબળાં રહી ગયાં હોય. સંપાદકોનાં જહેમત અને (ખુવાર થવા સુધીની) સમર્પણશીલતા, સાહિત્યિક પ્રવૃત્તિઓ અને વલણો બાબતેનું એમનું નેતૃત્વ, એમની યુયુત્સા અને સમન્વયશીલતા, એમની સૂઝ અને એમના અભિનિવેશો, એ બધાંએ – ભલે દરેકેદરેક સંપાદકે ચિરકાલીન પ્રભાવ ન પાથર્યો હોય, પણ સાહિત્યના પટ ઉપર એક વિશિષ્ટ-આકર્ષક ભાત તો ઉપસાવી જ છે. પત્રકારત્વની જુદું પડી રહેતું અને વર્તમાનપત્રોમાં ચાલતી સાહિત્યચર્ચાઓ કરતાં વધુ પ્રભાવક રહેલું આ સાહિત્યિક પત્રકારત્વ સાહિત્યની તત્ક્ષણનો હિસાબ આપવા ઉપરાંત અને વિશિષ્ટ આબોહવા રચવા ઉપરાંત સાહિત્યના ઇતિહાસને રચનારી પણ એક મહત્ત્વની પીઠિકા બની રહે છે.

૦ ૦ ૦