બે દેશ દીપક/પાપનું પરિબળ

પાપનું પરિબળ

પ્રત્યેક પાપ કેમ જાણે મારી યુવાવસ્થામાં જ મારી સાથેની લેણદેણ પતાવી દેવા માગતું હોય ને! એટલે મદ્ય અને માંસની સાથે જુગારનો પણ હું ભોગ થયો. જુગાર ન રમીએ તો ગધેડાનો અવતાર આવે, એવો વહેમ હોવાથી હું પ્રથમ તો મારા પરિવારની અંદરજ કોડીઓ તથા રેવડીઓથી રમ્યો, પરંતુ બીજી જ રાતે લોભ લાગી ગયો. દોઢસો દોઢસો ને બસો આના સુધીનો દાવ ખેલવા લાગ્યો. કોઈ વાર પચાસ રૂપિયા સુધી જીત્યો તો કોઈ સાઠ સુધી હારી ગયો. એક વાર ચારસો રૂપિયા જીતીને ઊભો થઈ ગયો. કેમકે મને મારા દુરાચારી જુગારી ભેરૂઓની ગંદી ભાષા પર તિરસ્કાર વછૂટ્યો. પછી આવ્યું મદ્યપાન. એફ.એ. [કોલેજનું પહેલું વર્ષ]ની પરીક્ષામાં નાપાસ થયાની વેદનાને મેં શરાબના શીશામાં ડુબાવી. પિતાજી રાતે ભોજન લઈ નવ બજે પોઢી જતા, એટલે રાત્રીનું રાજ મારા હાથમાં આવતું. મેજ પર ‘ઍક્ષો નંબર વન'ની બ્રાંડીનો શીશો અને પ્યાલી: અને હાથમાં [૧]*Locke on Human understanding અથવા Bacon's Advancement of Learning and Essays! એક તરફથી ફિલસુફીના સિદ્ધાંત પર સિદ્ધાંતનું વાચન અને બીજી તરફ પ્યાલીનું સુરાપાન! સાત દિવસમાં તો સુતા પહેલાં રોજીંદી આખી બાટલી ખલાસ થવા લાગી. પિતાજી તો મેજ પર પુસ્તકો પડેલાં ભાળીને સમજે કે દીકરો તનતોડ તૈયારી કરે છે પરીક્ષાની! સાત માસ આમ ચાલ્યું. અલીગઢ ટર્મ ભરવા ગયો. ગણિતના પ્રોફેસરને ઘેર અતિથિ બન્યો. એ પણ પીતા હતા. એટલે અમે બન્નેએ પીવાની હદ ન રાખી. એમ કરતાં એક વાર હુતાશની આવી. ધૂળેટીની સાંજે અમને સહુ મિત્રોને ગુંડા બનવાનો તરંગ ઉપડ્યો. અમે ચાર જણ હતા, બે એક ભાડે કર્યા, જાંગ સુધી ઊંચી ધોતી પહેરી. બે ખભા પર બે દુપટ્ટા લગાવ્યા, માથાની ચોટલી ઊભી બાંધી. ઉઘાડાં માથાં : કમરમાં છૂરી : ને હાથમાં લીધા ડંડા. અક્કેક એકા પર બબ્બે જણા બેસી ચાલી નીકળ્યા. ઠણણ! ઠણણ! એકા ચાલ્યા જાય છે. ઊતરીને અમે એક જાનના જાનૈયાની ગિર્દીમાં ઘૂસી ગયા. ધક્કામુક્કી લાગતાં જ એક ગુંડાની ટોળી અપશબ્દો બોલતી અમને ધક્કા દેવા લાગી. અમારામાંથી બે જણા સરસ લાઠી ચલાવી જાણતા હતા. એટલે મારામારી મંડાઈ ગઈ. અમે એ લોકોને વધારે ટીપ્યા, પોલિસ આવે ત્યાં તો અમે એકા પર કૂદી પવનની માફક ઊડી ગયા. ઘેર પહોંચી સભ્ય વિદ્યાર્થીએાનો વેશ પહેરી લીધો. અમારો પત્તો તો કોઈને ન લાગ્યો પણ દસ પંદર બીજા ગુંડા પકડાયા. નિશ્ચય કર્યો કે હવે વેશ નહિ કાઢીએ, ત્યાં તો ત્રીજે જ દિવસે નવો તરંગ ઊઠ્યો. કાશીમાં હોળી પછીના પહેલા મંગળવારની સાંજથી શરુ કરી ગુરૂવારની આખી રાત સુધી ગંગામાં નૌકાઓ તરે છે, અને એમાં નાચ-તમાશા થાય છે, સાત સાત હોડીઓ એક સાથે બાંધી મોટા ઓરડા રચાય છે, ને એમાં વારાંગનાના નાચ ચાલે છે. અમે પણ એ નાચનો તરતો જલસો નિરખવા હોડી ભાડે કરીને શણગારી લીધી, ગાલીચા બિછાવ્યા, સિતાર-તબલાંનો પણ રંગ જમાવ્યો, અને વાવટા પર લખ્યું કે “knowledge is power!” બીજી બાજુ લખ્યું “ગાઢી કંપની.” બસ, પછી તો કોની મગદૂર કે અમારી હોડીને રોકી શકે? જ્યાં જઈએ ત્યાં બીજી હોડીઓ હઠીને અમને રસ્તો આપે. પોલીસોની નૌકાઓને પણ ચીરતી અમારી હોડી તમામ નાચતમાશાને ઠેકાણે પહોંચી જતી. શુક્રવાર સવાર સુધી અમે સેલ કરી. ઘેર આવતાં જ મારા અંતરમાં ગમગીની છવાઈ ગઈ. આ વિલાસોની વિરૂદ્ધ મારા અંતરાત્માની અંદરથી અવાજ ઊઠ્યો, પરંતુ હું તો એ કાદવમાં ઉતરતો જ જતો હતો. ભાંગ પીવાનો અભ્યાસ પણ મિત્રમંડળમાં થઈ ચૂક્યો.