બોલે ઝીણા મોર/ન જોયાનો મધુર વસવસો, જોયાનો અતૃપ્ત આનંદ


ન જોયાનો મધુર વસવસો, જોયાનો અતૃપ્ત આનંદ

ભોળાભાઈ પટેલ

જે જોઈ એના આનંદ કરતાં જે ન જોઈ શકાઈ એનો વસવસો વધારે રહી ગયો. આવો નયનોત્સવ તો ફરી આવે ત્યારે; પરંતુ માત્ર નયનોત્સવ કહેવાથી નહિ ચાલે. આપણી સમગ્ર ચેતના તરબતર થઈ જાય એવી કલાત્મક અને પ્રભાવક ફિલ્મો એક સપ્તાહના સમયાન્તરાલમાં ઘર-આંગણે ક્યાંથી?

‘ભોળાભાઈ, તમે ‘સૅક્રિફાઇસ’ ફિલ્મ જોઈ?’ વિજયે પૂછ્યું.

‘ના ભાઈ, ન જોઈ શકાઈ.’

‘અને ‘રિપેન્ટન્સ’?

‘એ પણ ન જોઈ શકાયાનું રિપેન્ટન્સ – પસ્તાવો છે.’

‘અને સત્યજિત રાયની ‘ગણશત્રુ?’ એ તો તમે જોઈ જ હશે. એક તો સત્યજિતની અને બીજું બંગાળી.’

‘એ વખતે મારે યુનિવર્સિટીમાં વર્ગ લેવાનો હતો.’

‘મેં તો રજા જ લઈ લીધેલી!’ એ મિત્રે જરા ગર્વથી કહ્યું. પછી કહેઃ ‘લાઇફ ઇન ધ વૉટર’ તો જોજો જ.’

‘એ દિવસે મારે એક મિટિંગમાં પાટણ જવાનું છે…’

આવા સંવાદો તો એ દિવસોમાં અનેક મિત્રોમાં પરસ્પર સાંભળવા મળે. પોતાની પસંદગીની ફિલ્મો જોવા શિવ, અપ્સરા અને રૂપાલી થિયેટરો વચ્ચે દોડાદોડ કરનારા ઘણા રસિકો મળે. શિવમાંથી ‘હોપ ઍન્ડ ગ્લોરી’ જોઈ નીકળતા એમને જોયા હોય, ત્યાં તરત પછીના શોમાં ‘માદામ સોઝાસ્કા’ જોવા રૂપાલીનાં પગથિયે જોવા મળે.

‘તમે ‘કાર્મેન’ જોઈ?’ એક મિત્રે મને પૂછ્યું.

‘હા, અને તમે? તમે તો જુઓ જ ને, સંગીતના માણસ.’

‘ના, મારે રહી ગઈ. પણ મારે ‘સિદ્ધેશ્વરી’ તો જોવી જ છે. ‘કાર્મેન’ કેવી લાગી?’

‘અદ્ભુત. એનો પ્રભાવ એટલો પડ્યો કે એ પછી તરતના શોમાં ‘ગૉન વિથ દ્ વિંડ’ જેવી વિખ્યાત ફિલ્મ જોવામાં મન એકાગ્ર જ ન થાય – બસ ‘કાર્મેન’ની સ્પેનિશ સંગીતની સુરાવલિ કાનમાં ગુંજ્યા કરી…’ પેલા મિત્રના ચહેરા પર જાણે હાથમાં આવેલો ખજાનો ખોઈ નાખ્યો હોય એવો વસવસો.

ફિલ્મોત્સવના ઉદ્ઘાટનનું દૃશ્ય ભપકાદાર હશે, પણ શત્રુઘ્ન સિંહાનું સંચાલન આપણા ઢંગનું બિલકુલ ફિલ્મી. એનું જીવંત પ્રસારણ જોવાના લોભમાં રશિયન ફિલ્મ ‘રિપેન્ટન્સ’ અને લૉરેન્સ ઓલિવિયરની ફિલ્મ ‘હેનરી ફિફ્થ’ ચૂકી ગયા એનું શલ્ય હૃદયમાં સાલ્યા કરશે. આ તો બધી મોટી મોટી, સિનેમાનો ઇતિહાસ સર્જનારી ફિલ્મો. પણ આપણા દેશની કેટલીક નજાકતભરી ફિલ્મો જોવાની રહી ગઈ ને! અસમિયા ‘બનાનિ’, તો અસમની કરબી બોલીમાં ઊતરેલી ‘વોસોબિયો’ જેવી આદિમ જનજીવનની ફિલ્મ. તેલુગુ ફિલ્મ ‘સૂત્રધારુલુ’ અને ઓડિયા ‘અંધ દિગંત’ (જોકે એ ટીવી પર આવી ગયેલી) તથા મલયાલમ ‘માથીલુકાલ’.

આ ‘માથીલુકાલ’ મેં જોઈ નથી, પણ એને હું કલ્પનામાં જોઉં છું. પ્રસિદ્ધ મલયાલી નવલકથાકાર વૈકુમ મુહમ્મદ બશીરની આત્મકથનાત્મક નવલકથા ઉપરથી એ ઉતારવામાં આવી છે. કથા એમ છે કે રાજકીય કેદી તરીકે બશીર ત્રિવેન્દ્રમની સેન્ટ્રલ જેલમાં છે. બશીરનો ભૂતકાળ સાહસપૂર્ણ છે. અત્યારે જેલમાં તે સામાન્ય ગુનેગાર કેદીઓ વચ્ચે રહે છે. બશીરની સાદગી, વિનોદવૃત્તિ, માનવતાને લીધે કેદીઓમાં અને વૉર્ડરોમાં તે પ્રિય બની જાય છે. આઝાદીનો દિવસ નજીક આવતાં બધા રાજકીય કેદીઓને મુક્તિ મળી જાય છે, રહી જાય છે કોઈ કારણસર બશીર. જેલની ખાલી ઓસરીઓમાં અને બાગમાં ફરતો બશીર મનમાં પોતે મુક્ત ન થયો એથી દુઃખી દુઃખી છે, ત્યાં જેલની ઊંચી દીવાલની બીજી બાજુએથી એક નારીકંઠ સંભળાય છે. પેલી બાજુ સ્ત્રીઓની જેલ છે. પછી તો રોજ રોજ આ નારીકંઠ સંભળાય છે અને દીવાલની આ બાજુથી બશીર એની સાથે એક ઊંડો સંબંધ બાંધી બેસે છે. પછી એક દિવસ જેલની ઇસ્પિતાલમાં મળવાનું તેઓ ગોઠવે છે; પણ એ જ દિવસે બશીરને જેલમાંથી મુક્ત કરી દેવામાં આવે છે. પણ હવે મુક્તિ?

મને થાય છે કે અડૂર ગોપાલકૃષ્ણને આ ફિલ્મ કેવી રીતે ઉતારી હશે? જેલ તો બરાબર, જેલમાંનું જીવન પણ બરાબર; પરંતુ પેલો પ્રથમ નારીકંઠ અને બશીરના મનનો પ્રતિભાવ અને પછી બંધાતો જતો રાગાત્મક સંબંધ. આ ફિલ્મમાં નારીનો અવાજ વ્યાપ્ત હશે, પણ નારી? એ તો નથી, અને એટલે એ બહુ વધારે છે.

વેદનાના જળ વચ્ચે સૌન્દર્યનું કમળ ખીલે છે, એ પામવાની ક્ષણ આવે ત્યારે…

ના જોયેલી એ ફિલ્મનો જેવો પ્રભાવ મનમાં એની કથા પરથી ઊભરતો રહ્યો છે, એવો જ પ્રભાવ પોલિશ ફિલ્મ ‘નાઇફ ઇન ધ વૉટર’નો છે. કલ્પનામાં હું સરોવરમાં વહેતી હોડી જોઉં છું, જેમાં એક ધનિક સ્પૉર્ટ રિપોર્ટર અને એની યુવાન પત્નીનેય જોઉં છું, લગભગ ખુલ્લા બદનમાં. તેમાં જોડાય છે એક સાહસિક છોકરો. પછી તો હોડી ચાલે છે અને વાત ચાલે છે. છોકરો રિપોર્ટરની જુવાન પત્નીનું આકર્ષણ અનુભવે છે. પછી તો જાણે બંને વચ્ચે ઈર્ષ્યા અને સંઘર્ષ પેદા થાય છે. પત્ની બંનેને એક શાંત ઘૃણાની નજરે જુએ છે. ત્યાં, પેલા છોકરાની ચાંપવાળી છરીની બાબતમાં બંને જણ મુક્કાબાજી પર આવી જાય છે. ધડાધડીમાં છોકરો પાણીમાં પડી જાય છે અને અદૃશ્ય બની જાય છે. છોકરાએ અગાઉ વાતની વાતમાં કહેલું કે એને તરતાં નથી આવડતું. રિપોર્ટર છોકરાને શોધવા કૂદી પડે છે, પણ હાથમાં આવતો નથી. એ ગુસ્સામાં તરતો તરતો કાંઠા તરફ જાય છે, પોલીસને ખબર કરવા કે પેલો છોકરો હોડીની આજુબાજુ ક્યાંય સંતાતો હતો તે દેખાય છે, પાણીથી લથબથ ઠરી ગયેલો. સ્ત્રી એના પર ગુસ્સે છે, પણ એ જીવે છે, એથી નિરાંત અનુભવી ઉપર-અંદર લે છે અને બંને જણ સ્વૈરિણી ક્ષણમાં પ્રેમ કરી બેસે છે.

છોકરો તો પછી જતો રહે છે. છોકરાને ડુબાડી દીધાના અપરાધથી પીડાતો પતિ પાછો આવે છે, ત્યારે સ્ત્રી એને હોડીમાં એના ગયા પછી શું બન્યું એ બધી વાત કરે છે – બધી. હવે? ‘પાણીમાં છરી’ એ શીર્ષકનો અર્થ કર્યા કરો.

રોમન પોલાન્સ્કી જાણીતા દિગ્દર્શક છે. હોડીમાં જ મોટા ભાગનું શૂટિંગ એમણે કર્યું હશે એ જોવાની કેવી મઝા આવત, જો ફિલ્મ જોવા મળી હોત તો! ‘જંપિંગ ઓવર ધ પુડલ્સ અગેઇન’ નામની એક ફિલ્મ પણ જોવા મળી હોત તો એના કિશોર નાયકની દુનિયામાં ડોકિયું કરી શકાયું હોત.

પરંતુ એ ન જોયેલીનો વસવસો જવા દઈ જે જોઈ શકાઈ એના આનંદની વાત કરું. અલબત્ત, એ આનંદ વધારે અતૃપ્ત કરી ગયો છે. ફરી ક્યારે હવે? એક વાત તો એ લાગી કે વિદેશની જે કેટલીક જાણીતી ફિલ્મો છે, તેમાં ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધની ભૂમિકા અતિ બળવાન છે. ‘બ્રિજ ઑન ધ રિવર ક્વાય’ કે ‘હોપ ઍન્ડ ગ્લોરી’ તો સીધી લડાઈ દરમ્યાનની જ ફિલ્મો છે, તો ફ્રેન્ચ ફિલ્મ ‘હિરોશિમા મોં આમોર’ (હિરોશિમા – માય લવ) એ પણ યુદ્ધના વિનાશજન્ય ઓળાઓ વચ્ચે કેટલોક સમય પાંગરેલી નાજુક પ્રેમકથા છે. ‘ઍશિસ ઍન્ડ ડાયમન્ડ્ઝ’ – રાખ અને હીરા – એ પોલિશ ફિલ્મ પણ બીજા વિશ્વયુદ્ધની પશ્ચાત્‌ભૂમાં છે. આપણને એમ થાય કે યુરોપે વિશ્વયુદ્ધોમાં જે જોયું છે, જે વેઠ્યું છે અને એમાંથી જે એ પામ્યું છે, એની વાત યુદ્ધોત્તર કથાસાહિત્યમાં કે કવિતામાં કે અન્ય કલારૂપોમાં કેટકેટલી રીતે કહેવાઈ છે! ભયંકર નિરાશામાં પણ ક્યાંક કશી અમર આશાની વાત જરાય સ્થૂલ બન્યા વગર સાંકેતિક રીતે કહેતા હોય છે એ કલાકારો. પ્રેમ, સૌન્દર્ય, માનવ્ય એવી કશીક વાત જો આ બધી રચનાઓમાં ન હોય તો એના નર્યા વાસ્તવને જોવાનું તો જીરવવું ભારે પડી જાય. માણસમાં એવું કશુંક છે, જીવનમાં એવું કશુંક છે, જે બધી યાતનાઓ વેઠ્યા પછીય પામવામાં ધન્યતા છે. આ તો હું અતિસરલીકરણને ભોગે કહું છું. પણ જીવનની અનેકવિધ સંકુલતાઓ આ ફિલ્મોમાં જે રીતે સાકાર થઈ છે, એથી જીવન વિષેની આપણી અભિજ્ઞતા સમૃદ્ધ થાય, એટલું જ નહિ જીવનને ભરપૂર રીતે જીવી જવાનો ઉમંગ થાય. કથાકારો, દિગ્દર્શકો, સંગીતકારો, અભિનેતાગણ, ફોટોગ્રાફરો, નર્તકો, ગાયકો – કેટકેટલા દૃષ્ટિસમ્પન્ન કલાકારો એકસાથે મળી આપણી સામે ઉઘાડે છે, એક અન-અનુભૂત વિશ્વ! એમને પ્રણામ કરવાનું સ્વયં બની જાય.

ફ્રેંચ ફિલ્મ ‘હિરોશિમા – મારો પ્રેમ’. અણુબૉમ્બથી વિનષ્ટ હિરોશિમા નગરમાં મળતાં એક ફ્રેંચ સ્ત્રી અને એક જાપાની સ્થપતિની ભલે અલ્પકાલીન પણ અંતરંગ પ્રેમકથા છે. ઍલન રેનેએ જે આ બન્ને જણને મેળવ્યાં છે તે બન્નેને યુદ્ધની અતીત સ્મૃતિઓ પજવે છે. વર્તમાનમાં પ્રેમ કરતાં અને પોતાની જૂની વેદનાપ્રવણ યાદદાસ્તોમાં ડૂબકીઓ મારતાં રહે છે. જાપાની સ્થપતિને હિરોશિમા પર થયેલા બૉમ્બમારાની અને એ પછી યાતના ભોગવતાં સ્ત્રીપુરુષોની સ્મૃતિઓ છે, તો ફ્રેંચ યુવતીને યાદ આવે છે પોતાનો તરુણ જર્મન પ્રેમી. એ જર્મન સૈનિક હતો, એને હણી નાખવામાં આવેલો અને પોતે ફ્રેંચ થઈને જર્મનને પ્રેમ કરેલો એ માટે એના જ લોકોએ એને પજવેલી. એક ઉદ્ધ્વસ્ત નગરની પશ્ચાત્‌ભૂ આ બન્નેનો પ્રેમ પણ ઉદ્ધ્વસ્ત થવાનો છે એનો સંકેત કરે છે.

‘કાર્મેન’ની તો શી વાત કરું? સ્પેનની એક જિપ્સી નારી કાર્મેનને કેન્દ્રમાં રાખીને રચાયેલી આ ફિલ્મના સંગીતના ઘણા સૂર આપણને પરિચિત લાગવા માંડે. યુરોપના જિપ્સીઓ મૂળે ભારતમાંથી ત્યાં સ્થળાંતર કરી ગયેલા છે. એમની ભાષામાં ઘણા ભારતીય શબ્દો છે. દિગ્દર્શકે પહેલાં તો સ્પેનના ‘આખલાયુદ્ધ’ની ભૂમિકા લીધી છે. આપણે એકદમ સ્પેનિશ આબોહવામાં શ્વાસ લેવા લાગીએ પછી દેખાય એક તરુણી. સુંદર ઘોડા પર બેસી નગરમાં આવી તે એક સૈનિક માટે પૃચ્છા કરે છે, બીજા સૈનિકો જવાબ આપે છે, પોતા તરફથી પ્રેમની માગણી પણ કરે છે. બધું સંગીતાત્મક – પછી તરુણી એ સૈનિકને મળે છે. કહે છે, ‘ગામડેથી તારી માએ સંદેશો કહાવ્યો છે. એ તને જોવા ઝંખે છે. તને માફ કર્યા પહેલાં એ મરવા નથી માગતી. તું એક વાર ચાલ અને જો, માએ તને એક ચુંબન મોકલ્યું છે…’ મા વતી એ તરુણી સૈનિકને દીર્ઘ ચુંબન કરે છે. સૈનિક માને પાછો સંદેશો મોકલે છે અને એ પણ મા માટે એક ચુંબન મોકલે છે અને આ તરુણીને ગાલે દીર્ઘતર ચુંબન કરે છે. પણ પછી તો સૈનિક કાર્મેન નામની જિપ્સી કન્યાની આંઝોટમાં આવી જાય છે. જિપ્સી ગાન, નૃત્ય અને બેફિકરાઈભરી મુક્ત જીવનરીતિ આપણા ચિત્તને આપ્લાવિત કરી દે, તેમાંય સૈનિક અને કાર્મેનનો પ્રેમ. જિપ્સીઓ તો આજે અહીં અને કાલે ત્યાં. એમના રખડુ જીવનમાં સૈનિક માને મળવા જઈ શકતો નથી. પેલી તરુણી ફરી દુર્ગમ પહાડોમાં એને શોધી માનો સંદેશો કહે છે; સૈનિક જાય છે. પછી કાર્મેનને ભૂલી શકતો નથી. એક આખલાયુદ્ધના ઉત્સવમાં જિપ્સી ટોળી સાથે કાર્મેન આવી છે. બન્ને મળે છે; પણ સૈનિક આવેશમાં કાર્મેનની હત્યા કરે છે.

બિબ્લિકલ ફિલ્મ ‘બેન-હર’ એમ.એ.માં ભણતા ત્યારે જોયેલી – કશુંય યાદ નહોતું માત્ર રથયુદ્ધ સિવાય. આ વેળા જોઈ ત્યારે થયું, કેવું ભવ્ય ચિત્ર છે આ! આ અને ‘બ્રિજ ઑન ધ રિવર ફ્લાય’ – આખો પડદો ભરીને રજૂ થતી દૃશ્યાવલિ જોઈ ટીવી સ્ક્રીનની આવી ફિલ્મો માટેની અધૂરપ જણાઈ આવે. ‘હોપ અને ગ્લોરી’ની તો માંડીને વાત કરવી જોઈએ, પણ અવકાશ નથી. યુદ્ધ વચ્ચે, વિનાશ વચ્ચે પણ જીવન જીવવાનો જંગ. કિશોરચેતના અને વૃદ્ધનું વિશ્વ – કહી જાય છે, જીવનમાં યુદ્ધો છે, મૃત્યુ છે અને હાસ્ય છે; પ્રેમ છે, જન્મ છે અને એટલે આશા છે. આ બધી ફિલ્મો માનવજીવનમાં રહેલા હોપ ઍન્ડ ગ્લોરી – આશા અને સૌન્દર્યની ગહન અનુભૂતિ કરાવી ગઈ.