બોલે ઝીણા મોર/વૈષ્ણવજન


વૈષ્ણવજન

ભોળાભાઈ પટેલ

‘વૈષ્ણવજન તો તેને કહીએ’ એ પ્રસિદ્ધ કવિતા ભક્તકવિ નરસિંહ મહેતાની રચેલી ગણાય છે. કવિતાની છેલ્લી લીટીમાં ‘ભણે નરસૈયો’ એવી ભણિતા છે. પંડિતોમાં એ પદના કર્તૃત્વ વિશે અવશ્ય મતભેદ છે. ભલે એ લોકો મતભેદ રાખે, એ એમના અસ્તિત્વ માટે જરૂરી છે, પણ એ વાત તો આપણે ચોક્કસ રીતે કહી શકીએ કે નરસિંહ મહેતા જેવા ભક્તજન જ આવી કવિતા રચી શકે. દેખીતી રીતે તો આ પદમાં ગુણોની એક યાદી છે જે નરસિંહ મહેતાએ વૈષ્ણવજનમાં હોવાની અપેક્ષા રાખી છે.

ગુજરાતી ભાષાનું આ પદ ગાંધીજીને અતિપ્રિય હતું. ‘આશ્રમ ભજનાવલિ’નાં અન્ય ભજનોમાં તો એ સ્થાન પામે જ. એ પદની પહેલી ચાર લીટી તો ભજનાવલિના મુખપૃષ્ઠ પર આપી, એ માટેનો પક્ષપાત પણ બતાવ્યો છે. ગાંધીજીનું આ પ્રિય ભજન, નરસિંહ ભગતની જેમ સાચા વૈષ્ણવજન બનવાની દિશાનો આદર્શ છે. આ ભજન ગુજરાતનાં તો અનેક લોકોને મુખસ્થ હશે. પાઠ્યપુસ્તકોમાં એ વર્ષોથી સ્થાન પામતું રહ્યું છે, પણ એ માત્ર ગુજરાત સુધી સીમિત નહોતું, ભારતવ્યાપી બની ગયેલું.

પણ સર રિચાર્ડ ઍટનબરોએ એમની ‘ગાંધી’ ફિલ્મમાં મૂળ ગુજરાતી ભાષામાં એ ભજનને ગૂંથી દઈ એ ભજનને વિશ્વવ્યાપી બનાવી દીધું છે.

ઘણા માટે આ ‘વૈષ્ણવ’ શબ્દ એક એ નામના ધર્મમતનું અવલંબન લેનાર માટે જ છે. જેમ કોઈ શિવમાં માનનાર શૈવ કે શક્તિમાં માનનાર શાક્ત કે ખ્રિસ્તમાં માનનાર ખ્રિસ્તી હોય. વાત પણ બરાબર છે. વૈષ્ણવ ધર્મના આચારોનું પાલન કરનાર તે વૈષ્ણવ. એ ધર્મમત પ્રમાણે તો આ પદમાં વર્ણવેલા ગુણોની સૂચિ સાથે વૈષ્ણવ ઉપાસકને યહૂદીઓને મોઝિઝના ‘ટેન કમાન્ડમેન્ટ્સ’ની જેમ સીધો સંબંધ નથી.

એટલે નરસિંહ મહેતા જ્યારે ‘વૈષ્ણવજન તો તેને કહીએ’ એમ કરીને પોતાની રીતે વૈષ્ણવની વ્યાખ્યા કરે છે, ત્યારે ધર્મનાં ટીલાંટપકાંવાળો વૈષ્ણવ એ નથી – જાણે એમ કહે છે કે વૈષ્ણવ ધર્મના આચારનું પાલન કરનાર તે વૈષ્ણવજન નથી, પણ ‘વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે…’ અને પછી ગુણોની યાદી.

વ્યુત્પત્તિની રીતે વૈષ્ણવ શબ્દ જોઈએ તો મૂળ શબ્દ તો છે વિષ્ણુ. બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરે છે, વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે. એ ‘વિષ્ણુ’ શબ્દ સંસ્કૃતના ‘વિશ્’ ધાતુમાંથી બનેલો છે, જેનો અર્થ થાય છે, પ્રવેશવું. વિષ્ણુ એટલે સર્વમાં વ્યાપીને પ્રવેશીને રહેલા. એ સર્વવ્યાપી ઈશ્વરનો ઉપાસક એ વૈષ્ણવ; ટીલાંટપકાંવાળો તે નહિ.

વળી પાછા આપણે પંડિતોને માર્ગે ચાલ્યા ન જઈએ. હવે આપણે ભક્ત નરસિંહે ગણાવેલાં વૈષ્ણવનાં લક્ષણો જોઈએ તો વૈષ્ણવજન તો છે જે પરાઈ પીડ જાણે છે, પરદુઃખે ઉપકાર કરે છે, તોયે મનમાં અભિમાન રાખતો નથી, લોકમાં સૌને વંદે છે, કોઈની નિંદા કરતો નથી; મન, વાણી ને કાયાથી પવિત્ર રહે છે, એ સમદૃષ્ટિ છે. પરસ્ત્રી એને માતા સમાન છે. એ જૂઠું બોલતો નથી, એનામાં દૃઢ વૈરાગ્યભાવના હોય છે, એને રામ નામની તાળી લાગી હોય છે. એ વણલોભી ને કપટરહિત છે, એણે કામ, ક્રોધ પણ દૂર કર્યા છે… આવા વૈષ્ણવનાં દર્શનમાત્રથી ઇકોતેર કુળ તરી જાય તો એ સ્વયં વૈષ્ણવની તો વાત જ શી?

જેમ ગીતામાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો કે દૈવી સંપત્તિની ગુણસૂચિ છે, તેવી આ સૂચિ બોલી જવામાં તો સારી લાગે છે. હમણાં થોડા દિવસ પર કવિ સુરેશ દલાલે કહ્યું કે મારી દીકરી મિતાલી એક વખત મને કહે કે આ વૈષ્ણવજનના બધા ગુણો કોઈનામાં આવી જાય, પછી એને જીવન જીવવાની મજા ક્યાં રહી?

મિતાલીની વય કંઈ વધારે નથી, પણ એ અત્યંત મેધાવિની છે. એ આવો પ્રશ્ન પોતાના કવિપિતાને કહી બેસે એમાં નવાઈ નહિ. એક વૈભવી હોટલમાં બારી પાસે બેસી દરિયાને જોતાં જોતાં અમે મિતાલીના આ પ્રશ્ન વિશે જરા ભવાં ચઢાવી વિચારી રહ્યા. વાત તો ખરી. ધારો કે એક સમાજ છે, જેમાં નરસિંહ મહેતાએ વર્ણવેલા સર્વગુણોપેત વૈષ્ણવજનો હોય તો?

આમ તો અવળી રીતે જોવાની વાત કહેવાય; પણ એક ચિત્ર હું કલ્પી રહ્યો – જેમાં બધાં લળી લળીને એકબીજાને પ્રણામ કરતાં ચાલતાં હોય, કોઈને જરા અડફેટ વાગતાં બધાં કામ મૂકી એને સાહી લેવા દોડી જતાં હોય; બધાં બધાંને માટે સારું જ કરતાં હોય, સમગ્ર સ્ત્રી- સમાજના, લક્ષ્મણની જેમ માત્ર પગ જ જોયા હોય, જરા હસવું આવી જાય. આપણા સમાજમાં એવા સંપ્રદાયો છે કે જેના સાધુ સ્ત્રીઓનાં મોઢાં જોતા જ નથી! મોહ, માયા, કામ, ક્રોધનો જેના પર પ્રભાવ ન પડે એવા સૌ વૈરાગી છે.

પછી થયું કે – તો આ સંસાર ચાલે શી રીતે? સંસાર ધારો કે ચાલે તો એમાં આનંદ ક્યાં? ઉલ્લાસ ક્યાં? બધી ઇન્દ્રિયોનાં દ્વાર બંધ કરી દઈએ પછી? આ લોકના આનંદનું શું? પેલી બધી તો પરલોકનાં સુખોની અભીપ્સામાં આ લોકનાં આનંદ-સુખોનાં દ્વાર બંધ. આ હું કંઈ ચાર્વાકવાદી દર્શન રજૂ નથી કરવા ઇચ્છતો; પણ રૂપ, રસ, ગંધ, સ્પર્શની ઇન્દ્રિયોની અભિજ્ઞતા અને એના આનંદની વાત કરું છું. આપણે માણસ થઈને થોડુંય પાપ નહિ કરવાનું? ત્યાગની મહત્તા છે કેમ કે રાગ છે, પુણ્યની મહત્તા છે કેમ કે પાપ છે, વૈરાગ્યની મહત્તા છે કેમ કે મોહમાયા છે. જીવન એટલે આ બધું જીવી જોવું, જીવી જાણવું. રામ અને કૃષ્ણમાં કદાચ આ ફેર છે.

સર્વગુણોપેત વૈષ્ણવજન એક મનુષ્ય તરીકે ‘સ્ટૅટિક’ – અચલ જેવો નહિ બની જાય! રવીન્દ્રનાથમાં ક્યાંક એક સ્થળે વાંચ્યાનું સ્મરણ છે – આવો એક સ્થિરચિત્ત વ્યક્તિઓનો સમાજ હતો. પછી એક દિવસ ઈશ્વરે તે સમાજની દરેક વ્યક્તિમાં એક ‘મન’ મૂકી દીધું – અને પછી તો વાત પલટાઈ ગઈ. તો અદ્ભુત છે માનવીનું મન!

પુષ્પો માત્ર પ્રભુને ચરણે ધરવા માટે જ નથી, પ્રિયજનને અંબોડે ખોસવા માટે પણ છે. કાન માત્ર ભજન-શ્રવણ માટે નહિ, પંખીઓના મધુ નાદ કે સંગીતના મધુર સૂર સાંભળવા માટે પણ છે; આંખો માત્ર રામનું રૂપ નીરખવા માટે નહિ, જગતનાં તમામ રૂપ જોવા માટે છે. વિષ્ણુ જો જગતનાં એ તમામ રૂપોમાં પ્રવેશીને રહેલા હોય તો, એ જગતનો ભરપૂર સ્વીકાર કરે એને વૈષ્ણવજન કહીએ. રવિ ઠાકુરે એટલે કહી દીધું કે વૈરાગ્ય સાધને મુક્ત સે આમાર નય – વૈરાગ્યથી મળતી મુક્તિ મને ખપતી નથી અને ગાંધીજી પણ ‘ગાંધીવાદી’ નહોતા એ વાત આપણે ન ભૂલવી જોઈએ. આ ‘વૈષ્ણવજન’ના કવિ નરસિંહ મહેતા જેવો શૃંગાર કેટલાએ ગાયો છે? ભલે કૃષ્ણ-ગોપીઓને નિમિત્તે.