ભારતીયકથાવિશ્વ−૪/નારદમહાપુરાણ/સુમતિ રાજાની કથા


સુમતિ રાજાની કથા

સત્યયુગમાં જન્મેલો સુમતિ નામના સોમવંશી રાજા ધર્માત્મા અને સત્યપરાયણ હતો. નિત્ય હરિકથા સાંભળતો. તેની પત્ની સત્યમતી શુભ લક્ષણોવાળી પતિવ્રતા હતી. બંનેને તેમના પૂર્વજન્મનું સ્મરણ હતું. તેમણે અનેક તળાવ, વાવ, ઉદ્યાનો, ધર્મશાળાઓ ઊભાં કર્યાં હતાં. તે રાણી વિષ્ણુમંદિરમાં નિયમિત રીતે નૃત્ય કરતી, વાદન કરતી. રાજા પણ દર બારસે ધજા ચડાવતો. આ બંનેની કીર્તિ જાણી વિભાંડક મુનિ તેમને ત્યાં આવ્યા. મુનિનો આદરસત્કાર રાજાએ કર્યો અને પછી પોતે શી સેવા કરી શકે તે પૂછ્યું.

ઋષિએ થોડી આડીઅવળી વાતો કરીને પૂછ્યું, ‘રાજન્, વિષ્ણુ ભગવાનની પૂજા અનેક રીતે થઈ શકે પણ તમે સદા ધ્વજા વડે જ પૂજા કેમ કરો છો અને તમારી આ પત્ની નૃત્ય કેમ કરે છે તે મને કહો, મારે સાચેસાચું જાણવું છે.’

રાજાએ ઉત્તર આપ્યો, ‘અમારા બંનેના આવા વર્તાવથી બધાને અચરજ થાય છે. હવે સાંભળો મારા ભૂતકાળની વાત. હું એક કુમાર્ગે ચડેલો શૂદ્ર હતો. બધાનું અહિત કરતો, ધર્મદ્વેષી, દેવદ્રવ્ય ચોરનાર, ગાય, બ્રાહ્મણને મારનાર, વેશ્યાગમન કરનાર હતો. બધા સ્વજનોએ મારો ત્યાગ કર્યો એટલે હું વનમાં આવ્યો. બધા પ્રવાસીઓને લૂંટવા માંડ્યો, પ્રાણીઓનું માંસ ખાવા લાગ્યો અને એમ કરતાં કરતાં મેં વિષ્ણુનું એક જરીપુરાણું મંદિર જોયુું. તેની પાસે પક્ષીઓવાળું એક સરોવર જોયું. પાણી પીધું, ફળ ખાધાં અને પછી તો એ મંદિરમાં જ રહેવા લાગ્યો. બધી સાફસૂફી કરીને હું ત્યાં રહેવા લાગ્યો. હું ત્યાં વીસ વરસ રહ્યો. પછી ત્યાં નિષાદકુળમાં જન્મેલી એક અવકોકિલા નામની સાધ્વી આવી ચઢી. ભૂખતરસથી પીડાતી, બાંધવજનોએ ત્યજેલી, પાપનો પસ્તાવો કરતી તે ત્યાં આવી અને મેં એને જળ, ફળ આપ્યાં. પછી તેણે મને પોતાની વાત કહી.

‘હું નિષાદવંશમાં જન્મેલી અવકોકિલા છું. પરધન ચોરતી, ચાડીચૂગલી કર્યા કરતી હતી. બાંધવોએ મને ચારિત્ર્યભ્રષ્ટ કહી મારો ત્યાગ કર્યો. મારા પતિએ થોડો સમય તો મારી સંભાળ લીધી, પણ તેનું મૃત્યુ થયું અને હું અહીં આવી છું.’

પછી અમે બંને એ મંદિરમાં દસ વરસ રહ્યાં. એક વેળા રાતે અમે મદિરા પીને આનંદપ્રમોદ કરી રહ્યાં હતાં, ભાન ગુમાવીને નૃત્ય કરી રહ્યાં હતાં. તે જ વખતે અમને લેવા યમદૂતો આવ્યા. એ દિવસોમાં હું મંદિરને સ્વચ્છ રાખતો હતો. એટલે વિષ્ણુભગવાને પોતાના દૂતો અમને લેવા મોકલ્યા. બંને વચ્ચે બહુ બોલાચાલી થઈ. અમારા ત્રીસ વરસના મંદિરનિવાસ બદલ અમને મુક્તિ મળી. અમે તો ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા અને ઘણો સમય દિવ્ય ભોગ ભોગવ્યા, છેવટે આ જનમમાં ઐશ્વર્યવાન બન્યા. (૨૦)