ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/ટિટોડો અને સમુદ્ર


ટિટોડો અને સમુદ્ર

સમુદ્રના કોઈ એક કિનારા ઉપર ટિટોડાનું એક જોડું રહેતું હતું. પછી સમય જતાં ઋતુકાળમાં આવીને ટિટોડીએ ગર્ભ ધારણ કર્યો, અને પ્રસવનો સમય નજીક આવ્યો એટલે તેણે ટિટોડાને કહ્યું, ‘હે કાન્ત! મારો પ્રસવકાળ નજીક આવ્યો છે, માટે ઉપદ્રવ વિનાની કોઈ જગ્યા ખોળી કાઢો, જ્યાં હું ઈંડાં મૂકું.’ ટિટોડો બોલ્યો, ‘ભદ્રે! આ રમ્ય સમુદ્રપ્રદેશ છે, માટે તું અહીં જ પ્રસવ કરજે.’ ટિટોડીએ કહ્યું, ‘અહીં પૂર્ણિમાના દિવસે સમુદ્રની ભરતી ચઢે છે. તે મત્ત હાથીઓને પણ ખેંચી જાય છે. માટે બીજું કોઈ દૂરનું સ્થાન શોધી કાઢો.’ એ સાંભળી હસીને ટિટોડો બોલ્યો, ‘ભદ્રે! તારું કહેવું ઠીક નથી. મારી સંતતિને દૂષિત કરવાની સમુદ્રની શી શક્તિ છે? માટે તું વિશ્વાસ રાખીને અહીં જ ગર્ભ મૂક.

કહ્યું છે કે જે પુરુષ પરાભવ પામીને પોતાના સ્થાનનો ત્યાગ કરી દે છે તેનાથી જો માતા પુત્રવતી ગણાતી હોય તો પછી વંધ્યા કોનાથી કહેવાય?’

તે સાંભળીને સમુદ્ર વિચાર કરવા લાગ્યો, ‘અહો! આ ક્ષુદ્ર પક્ષીનો ગર્વ તો જુઓ! ખરું કહ્યું છે કે આકાશ તૂટી પડવાના ભયથી ટિટોડો પોતાના પગ ઊંચા રાખીને બેસે છે; પોતાના મનથી કલ્પેલો ગર્વ તો અહીં કોને હોતો નથી?

તો મારે કુતૂહલથી પણ એનું સામર્થ્ય જોવું જોઈએ. હું એનાં ઈંડાં હરી જાઉં તો તે મને શું કરશે?’ સમુદ્ર એ પ્રમાણે વિચાર કરી રહ્યો. પ્રસવ થઈ ગયા પછી ચારો ચરવા ગયેલી ટિટોડીનાં ઈંડાં સમુદ્ર ભરતીના નિમિત્તથી હરી ગયો. એટલે પાછી આવેલી ટિટોડી પ્રસવસ્થાનને શૂન્ય જોઈને વિલાપ કરતી કરતી ટિટોડાને કહેવા લાગી, ‘હે મૂર્ખ! મેં તને કહ્યું હતું કે ‘સમુદ્રની ભરતીથી ઈંડાંનો વિનાશ થશે, માટે આપણે દૂર ચાલ્યાં જઈએ. પરન્તુ મૂઢપણાથી અહંકાર કરીને તેં મારું વચન કર્યું નહોતું. અથવા ખરું કહ્યું છે કે

આ લોકમાં હિતેચ્છુ મિત્રોનુંવચન જે કરતો નથી તે દુર્બુદ્ધિ મનુષ્ય લાકડી ઉપરથી પડી ગયેલા કાચબાની જેમ, નાશ પામે છે.’

ટિટોડો બોલ્યો, ‘એ કેવી રીતે?’ ટિટોડી કહેવા લાગી —