ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/બગલો અને કરચલો

From Ekatra Wiki
Revision as of 00:53, 16 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બગલો અને કરચલો

કોઈ એક પ્રદેશમાં અનેક જલચરોથી યુક્ત એક સરોવર હતું. તેમાં આશ્રય કરીને રહેલો એક બગલો વૃદ્ધ થવાને કારણે માછલાંઓને મારવાને અસમર્થ હતો. આથી ભૂખને લીધે જેનો કંઠ ગળી ગયો હતો એવો તે સરોવરના કિનારા ઉપર બેસીને મુક્તાફળ જેવાં અશ્રુઓના પ્રવાહ વડે ધરતીને ભીંજવતો રોવા લાગ્યો. એટલે એક કરચલો અનેક પ્રકારનાં જળચરો સાથે તેની પાસે આવીને, તેના દુઃખથી દુઃખી થઈને કહેવા લાગ્યો, ‘મામા! આજે તમે આહાર કેમ કરતા નથી? અને આંસુભરી આંખો સાથે માત્ર નિ:શ્વાસ નાખતા કેમ બેઠા છો?’ તે બોલ્યો, ‘વત્સ! તું બરાબર સમજ્યો. મને માછલાંઓ ખાવા તરફ પરમ વૈરાગ્ય થયો હોવાને કારણે મેં હવે પ્રાયોપવેશન (મરણ પર્યંત ઉપવાસ) આદરેલ છે, તેથી મારી સમીપ આવેલાં માછલાંને પણ હું ખાતો નથી.’ એ સાંભળીને કરચલો બોલ્યો, ‘એ વૈરાગ્યનું કારણ શું છે?’ તે બોલ્યો, ‘વત્સ! હું આ સરોવરમાં જ જન્મ્યો છું અને ઉછર્યો છું. મેં એમ સાંભળ્યું છે કે લાગલાગટ બાર વર્ષની અનાવૃષ્ટિ થશે.’ કરચલાએ કહ્યું, ‘તમે તે ક્યાંથી સાંભળ્યું?’ બગલો બોલ્યો, ‘જ્યોતિષીના મુખેથી, કારણ કે શનિ, મંગળ અને શુક્ર રોહિણીનું ગાડું ભેદીને ગતિ કરવાના છે. વરાહમિહિરે કહ્યું છે કે શનૈશ્ચર આકાશમાં જો રોહિણીના ગાડાને ભેદી નાખે છે તો બાર વર્ષ સુધી પૃથ્વી ઉપર ઇન્દ્ર વરસતો નથી.

તેમ જ

રોહિણીનું ગાડું ભેદાઈ ગયા પછી પૃથ્વી જાણે પાપકર્મ કર્યા પછી ભસ્મ અને હાડકાંથી વ્યાપ્ત થઈને કાપાલિક વ્રત ધારણ કરતી હોય તેવી લાગે છે.

તેમ જ

શનિ, મંગળ અથવા ચંદ્ર જો રોહિણીના ગાડાને ભેદી નાખે તો, વધારે શું કહું પણ, આખું જગત અનિષ્ટના સાગરમાં ક્ષય પામે છે.

આ સરોવરમાં થોડું જ પાણી છે, તેથી તે જલદી સુકાઈ જશે. સરોવર સુકાઈ જતાં જેમની સાથે હું ઊછર્યો અને જેમની સાથે સદાકાળ રમ્યો તે સર્વે પ્રાણીઓ પાણીને અભાવે નાશ પામશે. તેમનો વિયોગ જોવાને હું અસમર્થ છું. તે કારણથી મેં આ પ્રાયોપવેશન કર્યું છે. અત્યારે નાનાં જળાશયોમાંનાં સર્વે જળચરોને તેમનાં સ્વજનો મોટાં જળાશયોમાં લઈ જાય છે. અને મગર ગોધા (મગરની એક જાત) શિશુમાર જળહસ્તી વગેરે પ્રાણીઓ તો પોતાની મેળે જ જાય છે. પણ આ સરોવરમાં જે જળચરો છે તેઓ સાવ નિશ્ચિન્ત છે તે કારણથી હું વિશેષ રોઉં છું, કારણ કે તેઓમાંથી એક પણ બચશે નહિ.’

પછી આ સાંભળીને તે કરચલાએ બીજાં જળચરોને પણ બગલાનું એ વચન નિવેદન કર્યું. એટલે ભયથી ત્રાસ પામેલાં માનસવાળાં તે મત્સ્ય, કાચબા વગેરે જળચરો બગલા પાસે આવીને પૂછવા લાગ્યાં. ‘મામા! એવો કોઈ ઉપાય છે, જેથી અમારી રક્ષા થાય?’ બગલો બોલ્યો, ‘આ જળાશયથી થોડેક દૂર પદ્મિનીઓના સમૂહથી શોભાયમાન અને પુષ્કળ પાણીથી ભરેલું એક સરોવર છે. તે ચોવીસ વર્ષની અનાવૃષ્ટિથી પણ સુકાય તેમ નથી. જો કોઈ પ્રાણી મારી પીઠ ઉપર ચડી જાય તો હું તેને ત્યાં લઈ જાઉં.’ એટલે વિશ્વાસ પામેલાં તે જળચરો ‘તાત! મામા! ભાઈ!’ એમ બોલતાં, ‘હું પહેલો! હું પહેલો!’ એમ કરતાં તેને ચારે તરફથી વીંટાઈ વળ્યાં. દુષ્ટ આશયવાળો તે બગલો પણ અનુક્રમે તેમને પોતાની પીઠ ઉપર બેસાડીને જળાશયથી થોડેક દૂર આવેલી એક શિલા પાસે લઈ જઈ તેના ઉપર તેમને પછાડી, સ્વેચ્છાએ ખાઈને ફરી વાર જળાશય ઉપર આવતો અને જૂઠા જૂઠા સમાચારો વડે તેમના મનનું રંજન કરીને નિત્ય આહાર કરતો.

હવે, એક વાર કરચલાએ તેને કહ્યું, ‘મામા! સૌથી પ્રથમ મારી સાથે તમારું સ્નેહસંભાષણ થયું હતું, તો મારો ત્યાગ કરીને બીજાં પ્રાણીઓને કેમ લઈ જાઓ છો? માટે હવે મારા પ્રાણનું રક્ષણ કરો.’ આ સાંભળીને દુષ્ટ આશયવાળો તે બગલો વિચાર કરવા લાગ્યો, ‘માછલાંનું માંસ ખાઈને હું કંટાળી ગયો છું. માટે આ કરચલાનો એક નવી વાની તરીકે ઉપયોગ કરું.’ એ પ્રમાણે વિચાર કરીને, કરચલાને પીઠ ઉપર બેસાડીને તે વધ્યશિલા તરફ ચાલ્યો. કરચલાએ પણ શિલા ઉપર રહેલા હાડકાંના ઢગલાને દૂરથી જ જોઈ, માછલાંઓનાં હાડકાં તરીકે તેને ઓળખીને બગલાને પૂછ્યું, ‘મામા! એ જળાશય કેટલે દૂર છે? મારા ભારથી તમે થાકી ગયા છો, માટે કહો.’ મંદ બુદ્ધિવાળો તે બગલો ‘આ જળચર છે, માટે જમીન ઉપર તેનું જોર ચાલી શકશે નહિ.’ એમ માનીને સ્મિતપૂર્વક બોલ્યો, ‘કરચલા! બીજું જળાશય વળી ક્યાં છે? આ તો મારી આજીવિકા છે. માટે તારી ઇષ્ટ દેવતાનું સ્મરણ કર. તને પણ આ શિલા ઉપર નાખીને તારું ભક્ષણ કરીશ.’ બગલો આમ કહેતો હતો એટલામાં કરચલાએ પોતાના મોંના બે દાંત વડે કમળના નાળ જેવી સફેદ અને કોમળ તેની ડોક દબાવી (અને કાપી નાખી), એટલે તે મરણ પામ્યો. પછી બગલાની ડોક લઈને ધીરે ધીરે તે જળાશય પાસે આવી પહોંચ્યો. એટલે સર્વે જળચરોએ તેને પૂછ્યું, ‘હે કરચલા! તું પાછો કેમ આવ્યો? કુશળ તો છે ને? તે મામા પણ આવ્યા નથી. તું શા માટે કહેવામાં વિલંબ કરે છે? અમે બધાં ઉત્સુકતાપૂર્વક રાહ જોઈને બેઠાં છીએ.’ તેઓએ આ પ્રમાણે કહ્યું, એટલે કરચલો પણ હસીને બોલ્યો, ‘મૂર્ખાઓ! સર્વે જળચરોને તે મિથ્યાવાદી છેતરીને અહીંથી થોડેક દૂર આવેલી શિલા ઉપર નાખીને ખાઈ ગયો છે. મારું આયુષ્ય બાકી રહ્યું હશે તે કારણે તે વિશ્વાસઘાતકનો અભિપ્રાય જાણીને તેની આ ડોક હું લાવ્યો છું. માટે હવે તમે ગભરાશો નહિ. હવે જળચરોનું કુશળ થશે.’

તેથી હું કહું છું કે મોટાં, મધ્યમ કદનાં અને નાનાં ઘણાં માછલાં ખાધા પછી અતિ લોલુપતાથી કરચલાને પકડવાને કારણે કોઈ એક બગલો મરણ પામ્યો.’

કાગડો બોલ્યો, ‘ભદ્ર! તો તું કહે — એ દુષ્ટ સર્પનો વધ કેવી રીતે થાય?’ શિયાળે કહ્યું, ‘જ્યાં રાજા રહેતો હોય એવા કોઈ નગરમાં તું જા, ત્યાંથી ધનિક છતાં પ્રમાદી કોઈ રાજા અથવા અમાત્યનો સોનાનો દોરો અથવા હાર લઈને સાપની બખોલમાં નાખ, એટલે તે દોરો અથવા હાર લેતી વખતે સાપનો પણ વધ કરવામાં આવશે.’

હવે, કાગડો અને કાગડી તે સાંભળીને પોતાની ઇચ્છાનુસાર ઊડ્યાં. પછી કાગડી કોઈ એક સરોવર પાસે પહોંચીને જુએ છે તો કોઈ રાજાની રાણીઓ પાળ ઉપર સોનાના દોરા, મોતીના હાર અને વસ્ત્રાભરણો મૂકીને અંદર જળક્રીડા કરતી હતી, તે કાગડી સોનાનો એક દોરો લઈને પોતાના માળા તરફ ઊડી. એટલે દોરો લઈ જવાતો જોઈને કંચુકીઓ અને અંત:પુરના ષંઢ રક્ષકો હાથમાં દંડ લઈને સત્વર તેની પાછળ દોડ્યા, કાગડી પણ સાપની બખોલમાં તે સોનાનો દોરો મૂકીને ઘણે દૂર ઊડી ગઈ. હવે, રાજાના માણસોએ તે વૃક્ષ ઉપર ચડીને બખોલમાં જોયું તો કાળો નાગ પોતાની ફેણ પહોળી કરીને બેઠો હતો. આથી દંડના પ્રહારથી તેને મારી નાખીને, સોનાનો દોરો લઈને તેઓ ઇચ્છિત સ્થાને ગયા. કાગડાનું જોડું પણ ત્યાર પછી સુખમાં રહેવા લાગ્યું.