ભારતીયકથાવિશ્વ−૪/પંચતંત્રની કથાઓ/હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ


હવાઈ કિલ્લા બાંધનાર બ્રાહ્મણ

‘કોઈ એક નગરમાં સ્વભાવકૃપણ નામે કોઈ બ્રાહ્મણ રહેતો હતો. ભીખ માગીને મેળવેલા અને ખાતાં વધેલા સાથવાનો એક ઘડો તેણે ભર્યો હતો. એ ઘડાને ખીંટી ઉપર લટકાવીને તથા તેની નીચે ખાટલો પાથરીને તે એક નજરે સદા એ તરફ જોયા કરતો હતો. એક વાર રાત્રે સૂતાં સૂતાં તેણે વિચાર્યું કે, ‘આ ઘડો તો સાથવાથી ભરાઈ ગયો છે. માટે જો દુષ્કાળ પડે તો આ સાથવાના સો રૂપિયા ઊપજે. એમાંથી હું બે બકરીઓ ખરીદ કરીશ. બકરીઓને છ માસે પ્રસવ થતો હોવાથી એ બેમાંથી બકરાંનું એક યૂથ થશે. પછી બકરીઓ વડે ઘણી ગાયો ખરીદીશ, ગાયો વડે ભેંસો, અને ભેંસો વડે ઘોડીઓ ખરીદીશ. ઘોડીઓને પ્રસવ થતાં ઘણા અશ્વો થશે. એ વેચવાથી ઘણું સુવર્ણ મળશે. સુવર્ણથી ચાર ઓરડાવાળું ઘર બનશે. પછી કોઈ બ્રાહ્મણ મારે ઘેર આવીને જેને મેં પસંદ કરી હોય એવી રૂપાળી કન્યા મને આપશે. તેનાથી મને પુત્ર થશે. તેનું હું સોમશર્મા એવું નામ પાડીશ. પછી તે ભાંખોડિયે ચાલે એવડો થશે ત્યારે હું પુસ્તક લઈને અશ્વશાળાના પાછળના ભાગમાં બેસી એ પુસ્તકનો વિચાર કરીશ. એ સમયે મને જોઈને સોમશર્મા માતાના ખોળામાંથી ઊતરી ભાંખોડિયે ચાલતો ઘોડાની ખરી આગળ થઈને મારી પાસે આવશે. તે સમયે હું કોપાયમાન થઇને બ્રાહ્મણીને કહીશ કે, ‘બાળકને લઈ લે.’ તે પણ ઘરકામમાં રોકાયેલી હોવાથી મારું વચન નહિ સાંભળે. એટલે હું ઊઠીને તેને લાત મારીશ.’ આ પ્રમાણે વિચારો કરતા તેણે એ જ રીતે એવી લાત મારી કે એ ઘડો ભાંગી ગયો, અને સાથવો ઢોળાવાથી તે પોતે ધોળો થઈ ગયો.

તેથી હું કહું છું કે ભવિષ્યકાળને માટે જે અસંભાવ્ય વિચારો કરે છે તે, સોમશર્માના પિતાની જેમ, ધોળો થઈને સૂવે છે.’

સુવર્ણસિદ્ધિ બોલ્યો, ‘એ વાત એમ જ છે. એમાં તારો શો દોષ? કેમ કે સર્વે લોકો લોભથી વિડંબિત થઈને દુઃખી થાય છે. કહ્યું છે કે

જે લોલુપતાથી કામ કરે છે અને પરિણામનો વિચાર કરતો નથી તે, ચંદ્રરાજાની જેમ, વિડંબના પામે છે.’