ભારતીયકથાવિશ્વ−૪/પદ્મપુરાણ/અગસ્ત્ય કથા


અગસ્ત્ય કથા

દેવતાઓએ ભયાનક અસુરો સાથે યુદ્ધ કર્યું એટલે એ બધા ભયભીત થઈને ઊંડા સાગરમાં છુપાઈ ગયા. ત્યાં એકત્રિત થઈને ત્રણે લોકનો વિનાશ કેવી રીતે કરવો તેનો અંદર અંદર વિચાર કરવા લાગ્યા. જેઓ ઊંડું વિચારી શકતા હતા તેમણે ઘણા ઉપાયો બતાવ્યા, જાત જાતની યુક્તિઓ બતાવી. છેવટે તે બધાએ આવું નક્કી કર્યું: તપસ્યાને કારણે ત્રણે લોક ટક્યા છે, એટલે બહુ જલદી તેનો વિનાશ કરવો જોઈએ. પૃથ્વી ઉપર જે કોઈ તપસ્વી હોય, ધર્મજ્ઞ હોય કે વિદ્વાન હોય તે બધાને મારી નાખવા જોઈએ. તેઓ નાશ પામશે તો સંપૂર્ણ જગત આપોઆપ નાશ પામશે.

તે સૌની બુદ્ધિ બહેર મારી ગઈ હતી, એટલે સંસારનો વિનાશ કરવાનો નિર્ધાર કરીને તેઓ રાજી રાજી થઈ ગયા. સમુદ્ર રૂપી દુર્ગનો આશ્રય લઈ તેમણે ત્રણે લોકનો નાશ કરવા માંડ્યો. તેઓ રાતે ક્રોધે ભરાઈને બહાર નીકળતા અને પવિત્ર આશ્રમોમાં, મંદિરોમાં જે કોઈ મુનિ મળે તેમને મારી ખાઈ જતા. તે દુષ્ટો વસિષ્ઠના આશ્રમમાં જઈ ૮૦૦૮ બ્રાહ્મણોને મારીને ખાઈ ગયા. તે વનમાં જેટલા તપસ્વી હતા તે બધાને મૃત્યુલોકમાં મોકલી દીધા. મહર્ષિ ચ્યવનના આશ્રમમાં ઘણા બ્રાહ્મણો હતા, કંદમૂળનો આહાર કરતા એ બધાને દાનવોએ ત્યાં જઈને મારી નાખ્યા. આમ રાતે તેઓ ઋષિમુનિઓને મારી નાખતા અને દિવસે સમુદ્રમાં સંતાઈ જતા. ભરદ્વાજ ઋષિના આશ્રમમાં જઈને વાયુભક્ષણ અને જલપાન કરીને સંયમથી રહેનારા વીસ બ્રહ્મચારીઓની હત્યા તે દાનવોએ કરી. આમ ઘણા દિવસો સુધી તેઓ ઋષિમુનિઓને મારતા રહ્યા પણ મનુષ્યોને આ હત્યારાઓની ભાળ ન મળી. રાક્ષસોથી ભયભીત થઈને જગત આખું ઉત્સાહ ગુમાવી બેઠું. સ્વાધ્યાય બંધ થઈ ગયા, યજ્ઞ ઉત્સવ બંધ પડ્યા. માનવીઓની વસતી દિવસે દિવસે ઓછી થવા લાગી. એટલે તેઓ ડરી જઈને આત્મરક્ષણ માટે દસે દિશાઓમાં ભાગવા લાગ્યા, કેટલાક ગુફાઓમાં સંતાઈ ગયા, કેટલાક ઝરણાકાંઠે જતા રહ્યા, કેટલાકે ભય પામીને આત્મહત્યા કરી લીધી. આમ યજ્ઞ-ઉત્સવો બંધ પડ્યા અને એને કારણે જગત આખું વિનાશ પામવા લાગ્યું. ત્યારે ઇન્દ્ર સમેત બધા દેવો દુઃખી થઈને શ્રીનારાયણ પાસે ગયા અને તેમણે સ્તુતિ કરવા માંડી.

તેમની સ્તુતિ સાંભળીને વિષ્ણુ ભગવાને કહ્યું, ‘દેવતાઓ, પ્રજાના વિનાશનું કારણ જાણું છું. તમને એ પણ કહું. કાલકેય નામનો દાનવસમુદાય બહુ નિષ્ઠુર છે. તેમણે ભેગા મળીને સમગ્ર જગતને દુઃખી કરવાની શરૂઆત કરી છે. ઇન્દ્રે વૃત્રાસુરને મારી નાખ્યો એટલે પોતાનો જીવ બચાવવા તેઓ સમુદ્રમાં પેસી ગયા છે. અનેક ભયાનક પ્રાણીઓથી ભરેલા સમુદ્રમાં સંતાઈને રાતે મુનિઓને મારી ખાય છે. જ્યાં સુધી તેઓ સમુદ્રમાં સંતાયેલા રહેશે ત્યાં સુધી તેમનો વિનાશ નહીં થાય. એટલે સમુદ્રને સૂકવી નાખવાનો ઉપાય વિચારો.’

વિષ્ણુ ભગવાનની વાત સાંભળી દેવતાઓ બ્રહ્મા પાસે ગયા, ત્યાંથી મહર્ષિ અગસ્ત્યના આશ્રમે ગયા. મિત્રાવરુણના મહાન તેજસ્વી પુત્ર અગસ્ત્ય ત્યાં હતા. કેટલાય મહર્ષિઓ તેમની સેવામાં હતા. તેઓ જરાય પ્રમાદી ન હતા. તેઓ તપસ્યાના પુંજ જેવા હતા. ઋષિઓ મહર્ષિ અગસ્ત્યનાં અલૌકિક કર્મોની ચર્ચા કરતાં કરતાં તેમની સ્તુતિ કરતા હતા:

‘ભૂતકાળમાં રાજા નહુષ જ્યારે લોકોને દુઃખી કરી રહ્યા હતા ત્યારે સંસારનું હિત કરવા ઇન્દ્રના સંહાિસન પરથી તમે તેમને દૂર કર્યા હતા. આમ લોકોનું કષ્ટ નિવારીને જગતને માટે આશ્રયદાતા બન્યા.’

સૂર્ય દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા હતા. એક દિવસ સૂર્યને જોઈને વિન્ધ્યાચલે કહ્યું, ‘જેવી રીતે તમે મેરુ પર્વતની પરિક્રમા કરો છો તેવી રીતે મારી પરિક્રમા પણ કરો.’

આ સાંભળીને સૂર્યે વિન્ધ્યાચળને કહ્યું, ‘હું મારી ઇચ્છાથી મેરુની પ્રદક્ષિણા કરતો નથી. જેમણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે તે નિયતિએ મારો માર્ગ નિશ્ચિત કર્યો છે.’ આ સાંભળીને વિન્ધ્યાચળ ક્રોધે ભરાયો. સૂર્ય અને ચંદ્રનો માર્ગ રોકવા તે ખૂબ જ ઊંચો થયો. ઇન્દ્ર અને બીજા દેવોએ વિન્ધ્યાચળને ઊંચો વધતો અટકાવવા પ્રયત્નો કર્યા, પણ કોઈની વાત તેણે ન માની. ત્યારે તેઓ અગસ્ત્ય ઋષિ પાસે ગયા, ‘મુનિશ્રેષ્ઠ, શૈલરાજ વિન્ધ્યાચળ ક્રોધે ભરાઈને સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રોનો માર્ગ રોકી રહ્યો છે, એનું નિવારણ કોઈ કરી શકતું નથી.’

દેવતાઓની વાત સાંભળીને અગસ્ત્ય મુનિ વિન્ધ્યાચળ પાસે ગયા અને આદરપૂર્વક બોલ્યા, ‘પર્વતોત્તમ, હું દક્ષિણ દિશામાં જવા તારી પાસે માર્ગ માગું છું. હું પાછો ન આવું ત્યાં સુધી તું નીચા રહીને મારી રાહ જોજે.’

વિન્ધ્યાચળે તેમની વાત માની. મહર્ષિ દક્ષિણ દિશાએથી હજુ પાછા આવ્યા નથી. એટલે વિન્ધ્યાચળ ઊંચો વધી શકતો નથી.

હવે કાલકેય દાનવોનો નાશ કરવાની ઇચ્છાથી દેવતાઓ અગસ્ત્ય ઋષિ પાસે ગયા. તેમના આગમનનું કારણ પૂછ્યું. દેવતાઓએ તેમને કહ્યું, ‘ઋષિવર્ય, અમે તમારી પાસેથી એક વરદાન લેવા આવ્યા છીએ. તમે કૃપા કરીને સમુદ્રપાન કરો. તમે આવું કરશો એટલે કાલકેય દાનવોને તથા તેમનાં સ્વજનોને અમે મારી નાખીશું.’

મહર્ષિએ તેમની વાતનો સ્વીકાર કર્યો. તેઓ દેવતાઓ અને ઋષિમુનિઓને લઈ સમુદ્રકાંઠે ગયા. તેમનું આવું અસામાન્ય કર્મ જોવાને માટે ઘણા બધા માનવીઓ, નાગ, ગંધર્વો, યક્ષ, કિન્નર ત્યાં ગયા. મહર્ષિ સમુદ્રકાંઠે ગયા. પોતાનાં ઊંચાં ઊંચાં મોજાં વડે સમુદ્ર ભીષણ નૃત્ય કરતો હોય એવું લાગ્યું. મહર્ષિની સાથે બધા દેવ, ગંધર્વ, નાગ, ઋષિમુનિઓ પણ પહોંચ્યા, ત્યારે ઋષિએ કહ્યું, ‘દેવતાઓ, બધા લોકોનું હિત કરવા હું આ મહાસાગર પી જઈશ. હવે તમારે જે કરવું હોય તે જલદી કરજો.’

એમ કહી તેઓ બધાના દેખતાં સમુદ્ર પી ગયા. ઇન્દ્ર અને બીજા દેવોને આશ્ચર્ય થયું. તેમણે ઋષિની સ્તુતિ કરતા કહ્યું, ‘ભગવન્, તમે અમારા રક્ષક છો, લોકને નવો જન્મ આપશો. તમારી કૃપાથી દેવતાઓ સહિત આ જગતનો નાશ થઈ નહીં શકે.’

આમ બધા દેવતાઓ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. મુખ્ય ગંધર્વો હર્ષનાદ કરી રહ્યા હતા. ઋષિ ઉપર પુષ્પવર્ષા થઈ રહી હતી. તેમણે આખા સમુદ્રને પૂરેપૂરો સૂકવી નાખ્યો. જ્યારે સમુદ્રમાં એક પણ ટીપું પાણી ન રહ્યું ત્યારે દેવતાઓ હરખાઈને હાથમાં દિવ્ય આયુધ લઈને દાનવોને મારવા લાગ્યા. મહાબળવાન દેવતાઓ સામે દાનવો હારવા લાગ્યા. તેમ છતાં તે ભીમકાય રાક્ષસો થોડી વાર તો લડતા રહ્યા. પરંતુ તેઓ પવિત્ર ઋષિમુનિઓના તપથી નિર્બળ થઈ રહ્યા હતા. એટલે બહુ શક્તિ હોવા છતાં દેવતાઓના હાથે તેઓ મૃત્યુ પામ્યા. એટલે દેવલોકોએ ઋષિની સ્તુતિ કરી,

‘તમારી કૃપા વડે સંસારના લોકો સુખી થયા. કાલકેય દાનવો ક્રૂર અને મહાશક્તિશાળી હતા. તમારી શક્તિ વડે તેઓ બધા મૃત્યુ પામ્યા. હવે જે પાણી તમે પી ગયા છો તે બધું પાછું ઠાલવી દો.’

તેમની વાત સાંભળી અગસ્ત્ય ઋષિએ કહ્યું, ‘એ જળ તો હું પચાવી ગયો, સમુદ્રને ફરી છલોછલ કરવા તમે બીજો કોઈ ઉપાય કરો.’

તેમની વાત સાંભળી દેવતાઓ નવાઈ પામ્યા. તેઓ દુઃખી પણ થયા. સમુદ્રને ભરવા હવે શું કરી શકાય તેનો વિચાર કરતાં કરતાં તેઓ બ્રહ્મા પાસે ગયા અને તેમને પ્રણામ કરીને સમુદ્રને ફરી છલકાવાનો ઉપાય પૂછ્યો. બ્રહ્માએ તેમને કહ્યું, ‘દેવલોકો, તમે અત્યારે તમારા લોકમાં પાછા જાઓ. ઘણા સમય પછી ભગીરથ પોતાના સ્વજનોનો ઉદ્ધાર કરવા ગંગાને ધરતી પર લાવશે, ત્યારે તેના પાણીથી સમુદ્ર ભરાઈ જશે.’

આમ કહી બ્રહ્માએ બધાને વિદાય કયા.