ભારતીયકથાવિશ્વ−૪/બ્રહ્માંડપુરાણ


બ્રહ્માંડપુરાણ

પરશુરામકથા

પરશુરામે એક વખત માતાપિતાને પ્રણામ કરીને પોતાના પિતામહને જોવાની ઇચ્છા પ્રગટ કરી. બંનેએ તે માટે સંમતિ આપી અને બહુ જલદી પાછા આવવા કહ્યું. પરશૂરામ હા પાડીને મહર્ષિ ઋચીકના આશ્રમે જઈ પહોંચ્યા. પરશુરામે પોતાના દાદાદાદીને પ્રણામ કર્યાં, આશીર્વાદ મેળવીને થોડાં વરસ ત્યાં રહ્યા અને પછી પિતામહના આશ્રમે જવા નીકળ્યા. ત્યાં સુંદર વાતાવરણમાં બેઠેલા પિતામહને જોઈ તેમને પ્રણામ કર્યાં અને પછી આવવાનું કારણ પૂછ્યું તો માત્ર દર્શનની ઇચ્છા જ વ્યક્ત કરી. તેમણે હિમાલય પર જઈને શંકરની તપસ્યા કરીને શસ્ત્રો મેળવવા કહ્યું. ભૃગુ ઋષિની સંમતિ લઈને પરશુરામ હિમાલય જવા નીકળ્યા, ત્યાંના સૌંદર્યે તેમને મુગ્ધ કર્યા. ત્યાં સરોવર કિનારે એક સુંદર આશ્રમ બનાવ્યો. અને ઘોર તપ કરવા માંડ્યું. ઉનાળામાં પંચાગ્નિમાં, શિયાળામાં પાણીમાં ઊભા રહીને, અને ચોમાસામાં ખુલ્લા આકાશ નીચે તપ કરવા માંડ્યું. બીજા ઋષિઓ તેમને મળવા આવ્યા અને તેમણે પરશુરામની ભારે પ્રશંસા કરી. હવે ભગવાન શંકરે પરશુરામની ભક્તિની પરીક્ષા કરવા એક વ્યાધનો વેશ ધર્યો, તે યુવાન, તેજસ્વી અને ધર્નુધારી તો હતા જ, સાથે સાથે પોતાની સાથે માંસ અને લોહીની દુર્ગંધ પણ લાવ્યા હતા. તેમણે ખભા પરથી માંસની થેલી ઉતારીને એક વૃક્ષની ડાળે લટકાવી દીધી. પછી પરશુરામને કહેવા લાગ્યા, ‘હું તોષપ્રવર્ષ નામનો વ્યાધ છું. આ વિસ્તારના જડચેતનનો સ્વામી છું. મન થાય ત્યારે વિવિધ પ્રાણીઓનું માંસ ખાઉં છું, મન ફાવે તે રીતે સંભોગ કરું છું. મારા માટે કશું અભક્ષ્ય, અપેય કે અગમ્ય નથી. બધા મારાથી બીએ છે, મારી અનુમતિ વિના કોઈ કશું કરી શકતું નથી. મેં તો મારો પરિચય આપ્યો, હવે તું તારી વાત કર. તું કોણ છે, ક્યાંથી આવ્યો છે, અહીં કેમ રોકાયો છે, અહીંથી ક્યાં જવા માગે છે?’ તેમની વાત સાંભળી શરૂમાં તો પરશુરામ કશું બોલ્યા નહીં, પછી જરા હસીને બોલ્યા, ‘હું જમદગ્નિનો પુત્ર પરશુરામ છું, અહીં ગુરુની આજ્ઞાથી તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કરવા આવ્યો છું. તેઓ તો ભક્તો ઉપર કૃપા કરનારા છે. મને વિશ્વાસ છે કે તેઓ મારા પર કૃપા કરશે. જ્યાં સુધી તેમનાં દર્શન ન થાય ત્યાં સુધી હું આ સરોવરતટે રહી તપ કરીશ. વળી, હું તમારો તો અતિથિ છું, વળી તપસ્વી અને મુનિ છું. તમારા માટે પૂજ્ય છું. અહીં રહેવાથી તમને કોઈ આપત્તિ નહીં આવે.’ તેમની વાત સાંભળી વ્યાધે કહ્યું, ‘તમારે આજે જ જતા રહેવું પડશે. તમારા કારણે મારા સુખમાં ખલેલ પડે છે. મને આ તપ તો ઢોંગ, દેખાડો, કપટ લાગે છે.’ વ્યાધની વાત સાંભળીને પરશુરામને ક્રોધ આવ્યો. વ્યાધની હંસિકતાની નિંદા કરી, તેને પુરાષાધમ કહ્યો અને ત્યાંથી જતા રહેવા કહ્યું. પરશુરામના વર્તનથી પ્રસન્ન થયેલા શંકરે બહારથી તો ક્રોધ જ વ્યક્ત કર્યો. ‘તારું તપ નિરર્થક છે. જેને માટે તપ કરે છે તેનું આચરણ લોકવિરુદ્ધ છે. શંકરે તો બ્રહ્માનું શિર કાપ્યું હતું અને માતાનું મસ્તક કાપનાર તું મારી નિંદા કરે છે! હું તો કુલધર્મ પ્રમાણે, અનિવાર્યતાને કારણે હિંસા કરું છું, તેં કયા આધારે માતાની હત્યા કરી હતી? આ તપ છોડી દે અને વૃદ્ધ માબાપની સેવા કર.’ આ સાંભળીને પરશુરામને નવાઈ લાગી. તે બોલ્યા, ‘તમે સાચેસાચું કહો તમે છો કોણ? તમે સામાન્ય લાગતા નથી, તમે ઇન્દ્ર, અગ્નિ, કુબેર, વરુણ, બ્રહ્મા વિષ્ણુ, મહેશ, સૂર્યચન્દ્રમાંથી કોણ છો? તમે આ વ્યાધનું રૂપ કેમ લીધું છે? મને તો એમ લાગે છે કે તમે જગદાધાર શંકર જ છો. તમે કૃપા કરીને મને તમારું સાચું રૂપ બતાવો. હું તમારો શરણાગત છું.’ આમ કહી પરશુરામે માથું ઊંચું કરીને જોયું તો સામે શંકર ભગવાન હતા. તેમણે ભગવાનની સ્તુતિ કરવા માંડી. એ સાંભળીને ભગવાન બોલ્યા, ‘તારા તપથી પ્રસન્ન છું. વરદાન માગ.’ તે કશું બોલ્યા નહીં એટલે ભગવાને કહ્યું, ‘હું તારા મનની વાત જાણું છું. ધરતી પરનાં બધાં તીર્થોમાં જઈ સ્નાન કર, એટલે બધાં અસ્ત્ર મળી જશે.’ એમ કહી ભગવાન અંતર્ધાન થયા. પછી પરશુરામે ભગવાને કહ્યું હતું તે પ્રમાણે તીર્થસ્નાન કર્યું. પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછા ત્યાં જ આવ્યા. આ દરમિયાન દેવદાનવ વચ્ચે યુદ્ધ થયું અને દેવો હારી ગયા. દાનવોએ દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા અને સ્વર્ગને ભોગવવા લાગ્યા. દેવોને લઈને ઇન્દ્ર શંકર ભગવાન પાસે આવ્યા. ભગવાને કહ્યું, ‘હિમાલયની દક્ષિણે પરશુરામ નામના તેજસ્વી બ્રાહ્મણ મારું તપ કરી રહ્યા છે. મારું નામ દઈને તેમને અહીં લઈ આવો.’ પછી ઇન્દ્ર પરશુરામને લઈને કૈલાસ પર્વત પર આવ્યા. જોયું તો બધા ભગવાનની સ્તુતિ કરી રહ્યા છે, અપ્સરાઓ નૃત્ય કરી રહી છે. પરશુરામે ભગવાનને દંડવત્ પ્રણામ કર્યાં અને શંકર ભગવાન બોલ્યા, ‘વત્સ, દેવોને દાનવોએ સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે, તું તેમની સહાય કર અને દૈત્યો પર વિજય મેળવ.’ પરશુરામે નમ્રતાથી કહ્યું, ‘જ્યારે આ દેવતાઓ તેમનો સામનો કરી નથી શક્યા તો હું કેવી રીતે કરીશ? કયા શસ્ત્રથી કરીશ?’ એટલે ભગવાને પરશુરામને બધાં શસ્ત્રોને પરાજિત કરનાર પોતાનું પરશુ આપી આશીર્વાદ આપ્યા. પરશુરામે શ્રદ્ધાપૂર્વક પરશુ લીધું અને પછી દાનવો સાથે ભયાનક યુદ્ધ કર્યું. દાનવોને પરાજિત કર્યા અને ફરી પાછા તપ કરવા બેસી ગયા. તેમણે શંકર ભગવાનની વ્યાધરૂપે મૂર્તિ ઊભી કરી અને તેનું વિધિપૂર્વક પૂજન કરવા માંડ્યું, તેમની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા દર્શન આપ્યાં. તેમણે ભગવાનની સ્તુતિ કરી. એટલે ભગવાને વરદાન માગવા કહ્યું, ત્યારે પરશુરામે કહ્યું, ‘હું શ્રેષ્ઠ ધનુર્ધારી બનું. મારાથી કઈ ચઢિયાતો ન થાય.’ ભગવાને તેમની વાત સ્વીકારી, બધાં અસ્ત્રશસ્ત્રનું જ્ઞાન આપ્યું. ભગવાનના ગયા પછી પરશુરામ પોતાના ગુરુને જોવાની ઇચ્છાથી એક કંદરામાં પેઠા. ત્યાં એક વિપ્રબાળકની પાછળ પડેલો વાઘ જોયો. તેનો સામનો કરવા તે વાઘ પર કૂદ્યા. એટલે વાઘે તેમની પર હુમલો કર્યો. બાળક ધરતી પર પડી ગયો. અને પરશુરામ કુશ લઈને તે વાઘ પાછળ દોડ્યા. તે જ વખતે વાઘ ધરતી પર પડેલા બાળકને ફાડી ખાવા લાગ્યો. બાળક રડીને આકાશપાતાળ એક કરવા મથ્યો. પરશુરામે પછી વાઘને મારી નાખ્યો. મરેલો વાઘ તરત જ ગંધર્વ રૂપે પ્રગટ થયો. પરશુરામને પ્રણામ કરી તે બોલ્યો, ‘બ્રાહ્મણના શાપને કારણે હું વાઘ થયો. તમે મારો મોક્ષ કર્યો.’ પછી પરશુરામે બાળકની સારવાર કરી. તેણે વાઘને ભસ્મ થયેલો જોઈ પૂછ્યું, ‘આ વાઘ મને શા માટે મારી નાખવા માગતો હતો? તેને ભસ્મ કોણે કર્યો? એનાથી ભયભીત થઈને હું તો બહુ ગભરાઈ ગયો હતો. તમે મને બચાવ્યો એટલે હું કૃતજ્ઞ છું. હું એક મહાત્માનો પુત્ર છું. તે બીજાની સાથે બદરિકાશ્રમ ગયા છે, હું તેમની પાસે જ જતો હતો ત્યાં વાઘે મારા પર હુમલો કર્યો, હું નીચે પડી ગયો અને તમે મને બચાવ્યો.’ પછી પરશુરામે તેને બધી વાત કરી અને તેઓ પોતપોતાને રસ્તે પડ્યા. પરશુરામ ભૃગુ ઋષિ પાસે આવ્યા, તેમને અને તેમની પત્ની ખ્યાતિને પ્રણામ કર્યાં. થોડો સમય ત્યાં રહીને ઔર્વના આશ્રમે ગયા, ત્યાંથી પછી પોતાના માતાપિતા પાસે ગયા.