ભારતીયકથાવિશ્વ−૪/યોગવાસિષ્ઠ મહારામાયણની કથાઓ/ઇન્દ્ર અને અહલ્યાની કથા


ઇન્દ્ર અને અહલ્યાની કથા

ઇન્દ્રદ્રુમ નામના રાજાની કમલાક્ષી પત્ની અહલ્યા. તે નગરમાં ઇન્દ્ર નામે બહુ સોહામણો પુરુષ હતો. રાજાની પત્નીએ પુરાણકાળની ઇન્દ્ર-અહલ્યા કથા સાંભળી. તેની એક સખીએ પ્રાચીન અહલ્યા સાથે રાણીની સરખામણી કરી અને પેલા ઇન્દ્રને સ્વર્ગના દેવ સાથે સરખાવ્યો. રાણી તો તે ઇન્દ્રના પ્રેમમાં પડી ગઈ અને વિરહ વેઠી ન શકવાને કારણે દિવસે દિવસે કંતાતી ચાલી. લોકલાજ પણ ત્યજી દીધી, છેવટે તેની સખીએ ઇન્દ્ર બ્રાહ્મણને લઈ આવવાની વાત કરી ત્યારે તે પ્રસન્ન થઈ ગઈ. સખી રાતે ઇન્દ્રને લઈ આવી અને બંને કોઈ ગુપ્ત સ્થળે મળ્યાં. પછી તો એકબીજા વિના તેઓ રહી શકતાં ન હતાં. રાજાને આની જાણ થઈ એટલે બંનેને શિક્ષા કરવા માંડી. પણ એ શિક્ષાની કશી અસર થતી ન હતી. રાજા કીચડમાં, બરફમાં બંનેને ફેંકાવે તો પણ તેમના પર કશી અસર થતી ન હતી. ઇન્દ્ર બધે જ અહલ્યા જ જોતો હતો અને અહલ્યા બધે જ ઇન્દ્ર જોતી હતી.

ઇન્દ્ર બ્રાહ્મણે પછી રાજાને મનની અમરતાની અને શરીરના નાશની વાત કરી ત્યારે રાજાએ ત્યાં પાસે બેઠેલા ભરત મુનિને કહ્યું: આ બંનેને શાપ આપો. મુનિએ તેમને ‘મરી જાઓ’ એવો શાપ આપ્યો. પણ ‘શરીર નાશ પામશે, મન નાશ નહીં પામે’ એમ કહીને તેઓ મૃત્યુ પામ્યા, બીજા જન્મે બંને મૃગ થયા, પછી પક્ષી થયા. છેવટે પુણ્યશાળી બ્રાહ્મણ-બ્રાહ્મણી થયા.