ભારતીયકથાવિશ્વ−૪/યોગવાસિષ્ઠ મહારામાયણની કથાઓ/એક બાળકની કથા


એક બાળકની કથા

એક મૂર્ખ બાળકે પોતાની ધાવમાતાને પૂછ્યું, ‘જે પહેલાં થઈ ન હોય અને તમને આવડતી હોય એવી કથા કહો.’

તે સ્ત્રી હતી બુદ્ધિશાળી, તેણે કથા કહેવા માંડી,

‘એક મોટા શૂન્યાવકાશમાં રાજાને ત્રણ પુત્ર હતા. તે સદ્ગુણી, સુંદર હતા. તે ત્રણમાંથી બે તો જન્મ્યા ન હતા અને ત્રીજો પુત્ર તેની માતાના ઉદરમાં આવ્યો ન હતો. સ્વજનોનાં મૃત્યુથી દુઃખી થઈને બીજે રહેવા નીકળ્યા. તેઓ ગરમીથી કરમાઈ ગયા. મોં સમેત શરીર ધૂળધૂળ થઈ ગયું. તેમણે ત્રણ વૃક્ષ જોયાં, બે તો ઊગ્યાં ન હતાં અને ત્રીજાનું બી રોપાયું ન હતું. વૃક્ષ નીચે આરામથી બેસીને તેનાં ફળ ખાધાં. ફૂલોની માળા પહેરીને તેઓ આગળ ચાલી નીકળ્યા. બપોરે ત્રણ નદીઓ જોઈ, બે નદીઓમાં ત્રીજી સૂકી નદી પડી હતી. ત્રણેએ તેમાં ખાસ્સી વાર સુધી સ્નાન કર્યું. પછી સૂર્યાસ્ત વેળાએ ભવિષ્યમાં નિર્માણ થનારું એક નગર ધજાથી શોભતું. આગળ ચાલીને હીરામોતીથી મઢેલાં ત્રણ ભવન જોયાં, બેનું નિર્માણ થયું ન હતું અને ત્રીજું ભીંતો વિનાનું હતું. અંદર જઈને ત્રણ પાત્ર જોયાં, બે બ્રાહ્મણો શરીર વિનાના હતા, મુખ વિનાના ત્રીજાએ ભોજન કર્કહ્યું, ત્રણે પછી ભોજન કરીને તૃપ્ત થયાં.’