ભારતીયકથાવિશ્વ−૪/શ્રીમદ્ ભાગવત્/પ્રલમ્બાસુરનો વધ


પ્રલમ્બાસુરનો વધ

એક દિવસ બલરામ અને શ્રીકૃષ્ણ ગોપબાલોની સાથે વનમાં ગાયો ચરાવતા હતા. ત્યારે ગોપનો વેશ લઈને પ્રલમ્બ નામનો એક અસુર ત્યાં આવ્યો. તેનો આશય શ્રીકૃષ્ણ તથા બલરામનું અપહરણ કરવાનો હતો. ભગવાન તો સર્વજ્ઞ હતા. તેઓ જોતાં વેંત જાણી ગયા. આમ છતાં મૈત્રીનો પ્રસ્તાવ સ્વીકારીને મનમાં તેનો વધ કેવી રીતે કરવો તેનો વિચાર તે કરવા લાગ્યા. ગોપબાલોમાં સૌથી મોટા રમતવીર, રમતોના ગુરુ તો શ્રીકૃષ્ણ હતા. તેમણે બધાને બોલાવીને કહ્યું, ‘મિત્રો, આજે આપણે બે ટુકડીઓમાં વહેંચાઈ જઈએ અને પછી રમીએ.’ ત્યારે ગોપબાલોએ બલરામ અને શ્રીકૃષ્ણને નેતા બનાવ્યા. કેટલાક કૃષ્ણની ટુકડીમાં, તો કેટલાક બલરામની ટુકડીમાં રમ્યા. એક ટુકડીના ગોપ બીજી ટુકડીના ગોપને પોતાની પીઠે બેસાડી એક ચોક્કસ જગ્યાએ લઈ જતા હતા. જે જીતે તે હારનારાની પીઠ પર ચઢી જાય. આમ એકબીજાની પીઠ પર ચઢીને-બીજાને ચઢાવીને શ્રીકૃષ્ણ અને ગોપબાલો ભાંડીર નામના વડ પાસે પહોેંચ્યા.

બલરામની ટુકડીના શ્રીદામા, વૃષભ તથા બીજા ગોપ જીતી ગયા અને શ્રીકૃષ્ણ તેમને પીઠ પર બેસાડીને જવા લાગ્યા. હારેલા શ્રીકૃષ્ણે શ્રીદામાને, ભદ્રસેને વૃષભને તથા પ્રલમ્બે બલરામને પીઠ પર બેસાડ્યા. દાનવ પ્રલંબાસુરે જોયું કે શ્રીકૃષ્ણ તો બળવાન છે, તેમને હું હરાવી નહીં શકું. એટલે તે શ્રીકૃષ્ણની ટોળીમાં પેસી ગયો. અને બલરામને લઈને ઝડપથી નાઠો; અને જ્યાં ઊતરવાની જગ્યા હતી ત્યાંથી તે બહુ આગળ નીકળી ગયો. બલરામ મોટા પર્વતના જેવા ભારેખમ હતા. તેમને લઈને પ્રલમ્બાસુર બહુ દૂર જઈ ન શક્યો, તે અટકી ગયો અને તેણે પોતાનું મૂળ રૂપ ધારણ કર્યું. તેના કાળા શરીરે સોનાનાં ઘરેણાં ચમકતાં હતાં; અને ઊજળા બલરામને કારણે જાણે વીજળીના ચમકારવાળા કાળા વાદળે ચન્દ્ર દેખાતો ન હોય! રાક્ષસની આંખો અગ્નિની જેમ ભભૂકતી હતી. દાઢો ભવાં સુધી લંબાયેલી હતી. તેના લાલ લાલ કેશ અગ્નિજ્વાળાઓ જેવા હતા, હાથેપગે કડાં હતાં, માથે મુગટ હતો અને કાનમાં કુંડળ હતાં. આ મસમોટો દૈત્ય આકાશમાં બહુ ઝડપથી જઈ રહ્યો હતો તે જોઈને બલરામ પહેલાં તો ગભરાયા. પણ પછી તરત જ પોતાના સ્વરૂપનો ખ્યાલ આવ્યો એટલે એમની બીક જતી રહી. જેવી રીતે કોઈ ચોર બીજાનું ધન ચોરીને જાય તેવી રીતે આ શત્રુ મને ચોરીને આકાશમાર્ગે જઈ રહ્યો છે. જેવી રીતે ઇન્દ્રે પર્વત પર વજ્ર ફંગોળ્યું હતું તેવી રીતે બલરામે તેના માથામાં મુક્કો માર્યો, તેનું માથું ફાટી ગયું, મોંમાંથી લોહી નીકળવા લાગ્યું અને મોટેથી બૂમ મારતો તે બેસુધ થઈ ગયો, ઇન્દ્રના વજ્રપાતથી પર્વત ગબડી પડે તેમ તેના પ્રાણ જતા રહ્યા અને ધરતી પર પટકાયો.

બલરામ તો ખૂબ જ બળિયા હતા. જ્યારે ગોપબાલોએ જોયું કે તેમણે પ્રલંબાસુરને મારી નાખ્યો છે ત્યારે તેમને બહુ નવાઈ લાગી. તેઓ વારેવારે તેમની પ્રશંસા કરવા લાગ્યા. ગોપબાલોના હૈયામાં ભારે પ્રેમ ઊભરાઈ આવ્યો. તેમના માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવા લાગ્યા, તેમને લાગ્યું કે બલરામ મૃત્યુલોકમાં પાછા આવ્યા છે. પ્રલંબાસુર નર્યો પાપમૂતિર્ હતા. તેના મૃત્યુથી દેવતાઓ રાજી થયા, અને તેમણે બલરામ પર પુષ્પવર્ષા કરી, અને તેમની વાહવાહ કરી.

એક વેળા ગોપબાલો રમતગમતમાં પરોવાયેલા હતા, તેમની ગાયો આગળ ને આગળ ચરવા નીકળી ગઈ, લીલાછમ્મ ઘાસના લોભે એક ગાઢ જંગલમાં પ્રવેશી. તેમનાં બકરાં, ગાયભેંસ એક વનમાંથી બીજા વનમાં પ્રવેશ્યાં જ્યારે શ્રીકૃષ્ણ, બલરામ અને બીજા ગોપબાલોએ જોયું કે આપણા પશુઓનો તો ક્યાંય પત્તો નથી ત્યારે તેમને પોતાની રમતગમત પર પસ્તાવો થયો, બહુ શોધ ચલાવી તો પણ ક્યાંય પત્તો ન પડ્યો. ગાયો તો તેમની આજીવિકા હતી. તે ન મળી એટલે તેઓ બેબાકળા થઈ ગયા. ગાયોની ખરીઓ, દાંત વડે ચવાયેલા ઘાસ અને ધરતી પરનાં એમનાં પગલાંને આધારે તેઓ આગળ વધ્યા. પછી જોયું તો ગાયો ભૂલી પડીને હંભારવ કરી રહી છે. પછી તેમને પાછી વાળવા મથ્યા. તે બધા ખૂબ જ થાકી ગયા હતા. તરસ પણ બહુ લાગી હતી. તેમની આ દશા જોઈને ભગવાન મેઘ જેવા અવાજે ગાયોને બોલાવવા લાગ્યા, ગાયો પોતાના નામનો અવાજ સાંભળી આનંદમાં આવી ગઈ, તેમણે પણ સામેથી હંભારવ કર્યો.

ભગવાન ગાયોને બોલાવી રહ્યા હતા ત્યારે જ વનમાં વનવાસી જીવોના કાળ જેવી આગ લાગી ગઈ. વળી જોરથી આંધી ચઢી અને અગ્નિને ફેલાવવામાં મદદ કરવા લાગી, ચારે બાજુ ફેલાતી અગ્નિજ્વાળાઓ બધું ભસ્મ કરવા લાગી. ગોપબાલોએ અને ગાયોએ જોયું કે દાવાનળ તો આપણી બાજુ આવી રહ્યો છે ત્યારે તેઓ બહુ ભય પામ્યાં. જેવી રીતે મૃત્યુના ભયમાંથી બચવા બધા ભગવાનને યાદ કરે એવી રીતે શ્રીકૃષ્ણ અને બલરામને પોકારવા લાગ્યા. ‘હે કૃષ્ણ, હે બલરામ, અમે તમારા શરણે છીએ. અત્યારે આ દાવાનળ અમને દઝાડી રહ્યો છે, તમે બંને અમને બચાવો, તમે તો અમારા બાંધવો છો, તો અમને કેવી રીતે દુઃખ પડે? તમે અમારા એક માત્ર રક્ષક છો, સ્વામી છો, હવે તમારો જ આધાર અમને છે.’

ગોપબાલોનાં આવાં કરુણ વચન સાંભળીને શ્રીકૃષ્ણે કહ્યું, ‘બીતા નહીં. તમારી આંખો મીંચી દો.’ ભગવાનની આજ્ઞા સાંભળીને બધા ગોપબાલોએ ‘ભલે’ કહીને પોતાની આંખો મીંચી દીધી. ત્યારે ભગવાન કૃષ્ણ તે ભયાનક આગ પી ગયા અને એ રીતે બધાને મોટા સંકટમાંથી ઉગારી લીધા. પછી જ્યારે ગોપબાલોએ આંખો ખોલી ત્યારે પોતાને વડ પાસે જોયા. આમ પોતાને તથા ગાયોને દાવાનળમાંથી બચી ગયેલ જોઈ તેમને ભારે નવાઈ લાગી. શ્રીકૃષ્ણના યોગસિદ્ધિ, યોગમાયાનો પ્રભાવ તથા દાવાનળમાંથી થયેલી રક્ષા જોઈને તેમને લાગ્યું કે શ્રીકૃષ્ણ કોઈ દેવ છે.

સાંજે બલરામ સાથે શ્રીકૃષ્ણે ગાયોને પાછી વાળી અને વાંસળી વગાડતાં વગાડતાં તેમની પાછળ વ્રજની યાત્રા કરી. ગોપબાલો ભગવાનની સ્તુતિ કરતા આવતા ગયા, અહીં વ્રજમાં ગોપીઓને તો કૃષ્ણ વિના એક એક ક્ષણ યુગ જેવડી લાગતી હતી, જ્યારે શ્રીકૃષ્ણ પાછા આવ્યા ત્યારે તેમનાં દર્શન કરીને તેઓ પરમ આનંદ અનુભવવા લાગી.