ભારતીયકથાવિશ્વ−૪/સ્કંદપુરાણ/વિષ્ણુ અને પદ્માવતીનું લગ્ન

From Ekatra Wiki
Revision as of 15:19, 20 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિષ્ણુ અને પદ્માવતીનું લગ્ન

એક સમયે મિત્રવર્માની પત્ની મનોરમાએ પુત્ર આકાશને જન્મ આપ્યો, તે કુળનું આભૂષણ હતો. ધરણી નામની કન્યા સાથે આકાશનું લગ્ન થયું. મિત્રવર્મા આકાશને રાજ્યનો બધો ભાર સોંપી તપોવનમાં જતો રહ્યો. ચક્રવર્તી રાજકુમાર આકાશ એક પત્નીવ્રત હતો, તે પોતાની પત્ની ધરણીને બહુ ચાહતો હતો. એક દિવસ યજ્ઞ માટે તેણે આરણી નદીને કિનારે ધરતી ખોદાવી. સોનાના હળ સાથે ધરતી ખેડાવા માંડી અને બીની વાવણી કરતા રાજાએ જોયું તો પૃથ્વીમાંથી એક કન્યા પ્રગટી, તે કમલદલ પર સૂતેલી હતી. તે ખૂબ જ સુંદર હતી અને સુવર્ણપ્રતિમા જેવી દેખાતી હતી. રાજાનાં નેત્ર તેને જોઈને ખીલી ઊઠ્યાં. તેણે કન્યાને ઊંચકીને કહ્યું, ‘આ મારી જ પુત્રી.’ તે સમયે આકાશવાણી થઈ, ‘રાજન્, વાસ્તવમાં આ તમારી જ પુત્રી છે અને તેનું તમે લાલનપાલન કરો.’ રાજા આ સાંભળી પ્રસન્ન થયો અને નગરપ્રવેશ કરી રાણી ધરણીને કહ્યું, ‘ભગવાને આપેલી આ કન્યા પૃથ્વીમાંથી પ્રગટી છે, આપણે તો નિ:સંતાન છીએ. એટલે આ આપણી પુત્રી.’ રાજાએ કન્યા ધરણીને સોંપી. તે કન્યાનો પ્રવેશ ઘરમાં થયો અને પછી ધરણી સગર્ભા થઈ અને પુત્રને જન્મ આપ્યો. તે સમયે પાંચ ગ્રહ ઉચ્ચ સ્થાને હતા અને સૂર્ય મેષ રાશિ પર હતા. તે સમયે દેવતાઓની દુંદુભિઓ વાગી, પુષ્પવર્ષા થઈ. મહારાજને જે લોકોએ આ સમાચાર આપ્યા તેમને રાજાએ પોતાની પાસે જે હતું તે બધું આપી દીધું, માત્ર છત્ર અને ચામર રાખી મૂક્યા. એક કરોડ કપિલા ગાય અને એક કરોડ બળદનું દાન કર્યું. આકાશપુત્ર વસુદાન બહુ સુંદર હતો. તેણે શાસ્ત્ર, શસ્ત્રમાં નિપુણતા મેળવી, ચારેય વેદનું અધ્યયન કર્યું.

ધરતીમાંથી જન્મેલી તે કન્યાનું નામ પદ્માવતી રાખ્યું. ધીરે ધીરે યુવાન થયેલી પદ્માવતી એક વેળા પક્ષીઓના કલકૂજનથી ભરચક ઉપવનમાં સખીઓ સાથે વિહાર કરી રહી હતી ત્યારે નારદમુનિ ત્યાં જઈ પહોંચ્યા. લક્ષ્મી જેવી કન્યાને જોઈ વિસ્મય પામેલા મુનિએ પૂછ્યું, ‘તું કોણ છે, કોની કન્યા છે, તારો હાથ મને બતાવ જોઈએ.’

‘હું આકાશરાજની કન્યા. મારાં લક્ષણ બતાવો ત્યારે.’

‘સાંભળ. તારું મસ્તક ગોળ અને સપ્રમાણ છે. તેના પર લાંબા વાળ શોભે છે. તું મંદસ્મિતવતી છે. તારા હોઠ પક્વ બંબિ જેવા છે. આ તારું મુખ વિષ્ણુ ભગવાન માટે જ છે, તું ક્ષીરસાગરમાંથી પ્રગટેલી લક્ષ્મી જેવી છે.’

પદ્માવતી અને સખીઓ વડે પુજાયેલા નારદ મુનિ તરત જ અંતર્ધાન થઈ ગયા. પછી સખીઓએ પદ્માવતીને કહ્યું, ‘ચાલ, વનમાં ફૂલ લાવવા જઈએ.’

અને બધી સખીઓ તથા પદ્માવતી વનમાં જઈ ફૂલ ચૂંટતી આમતેમ ફરવા લાગી. પછી બધાં એક વૃક્ષ નીચે બેઠાં. તે જ વેળા ચંદ્ર જેવા શ્વેત વર્ણવાળો ઊંચો ઘોડો જોયો. તેના પર શ્યામ વર્ણનો કોઈ પુરુષ બેઠો હતો. તે કામદેવ કરતાં પણ સુંદર દેખાતો હતો. તેનાં વિશાળ નેત્ર પદ્મપત્રાકાર કાન સુધી ફેલાયેલા હતા. તેના એક હાથમાં શાર્ઙ્ગ ધનુષ અને બીજા હાથમાં સુવર્ણમય બાણ હતાં. તેના કટિપ્રદેશ પર પીળું રેશમી વસ્ત્ર હતું, શરીરનો મધ્યભાગ બહુ સુંદર હતો. રત્નમય કંકણ, બાજુબંધ અને કંદોરો શરીરે હતા. તેનું વક્ષ:સ્થળ વિશાળ હતું. તેના ડાબા ખભે સ્વર્ણમય યજ્ઞોપવિત હતું. આમ તે તરુણનું રૂપ મનમોહક હતું. તેને જોઈને બધી સખીઓ ચોંકી ઊઠી. તે એક વરુની પાછળ હતો. તે આ ફૂલ ચૂંટતી કન્યાઓ પાસે જઈને બોલ્યો, ‘અહીં કોઈ વરુ આવ્યું છે?’

તે કન્યાઓએ કહ્યું, ‘તમે હાથમાં ધનુષ લઈને અહીં કેમ આવ્યા છો?’

તેમની આ વાત સાંભળી તેણે ઘોડા પરથી નીચે ઊતરીને પૂછ્યું, ‘તમે કોણ છો? આ કમલવર્ણી કન્યા કોણ છે?’

એક સખી બોલી, ‘આ અમારી સ્વામિની છે. તેનું નામ પદ્માવતી. તે આકાશરાજની પુત્રી. તેનો જન્મ પૃથ્વીમાંથી થયો છે. હવે તમારો પરિચય આપો. તમારું નામ શું અને ક્યાં રહો છો? અહીં શા માટે આવ્યા છો?’

તેણે મંદ સ્મિત સાથે કહ્યું, ‘મારું નામ અનંત. તપસ્વીઓ રંગ, રૂપ અને નામથી બધી રીતે મને કૃષ્ણ કહે છે. મારા જેવો ધનુર્ધારી ત્રિલોકમાં કોઈ નથી. લોકો મને વેંકટાચલવાસી વીરપતિ પણ કહે છે. શિકાર માટે વનમાં આવ્યો છું. આ વનની શોભા જોતાં મારી આંખ આ સુંદરી પર પડી.’

શ્રીકૃષ્ણની આવી વાત સાંભળી બધી સખીઓ ગુસ્સે થઈ ગઈ. પછી કૃષ્ણ ઘોડા પર બેસીને તરત જ વેંકટાચલ પર ગયા અને પોતાના દિવ્ય નિવાસસ્થાન પર જઈને ઘોડા પરથી નીચે ઊતર્યા. કૃષ્ણના વેશે તે સાક્ષાત્ શ્રીહરિ જ હતા. પછી તે રત્નમય મંડપમાં પ્રવેશી રત્નજડિત સંહાિસન પર બેઠા. ત્યાં બેસીને વિશાળ નેત્રવાળી અને મંદસ્મિતવતી પદ્માવતીને યાદ કરવા લાગ્યા.

પછી બપોરે ભગવાનના ભોગ માટે દિવ્ય અને સુવાસિત અન્ન તૈયાર કરીને બકુલમાલિકા નામની સખી ભગવાનને જોવા ઝટ ઝટ પહોંચી અને પ્રણામ કરીને ત્યાં બેસી ગઈ. તેણે જોયું કે ભગવાન આંખો મીંચીને કોઈને યાદ કરી રહ્યા છે. પછી તેણે કહ્યું, ‘ભગવાન, ઊઠો. તમારા માટે ઉત્તમ ભોજન તૈયાર છે. હવે પધારો.’

પછી ભગવાને કહ્યું, ‘પૂર્વકાળે મેં ત્રેતાયુગમાં રાવણનો વધ કર્યો હતો. તે વેળા વેદવતી નામની કન્યાએ લક્ષ્મીની સહાય કરી હતી. લક્ષ્મી જનક રાજાને ત્યાં પૃથ્વીમાંથી જન્મેલી સીતાના રૂપે હતી. પછી મારી સાથે વિવાહ કરીને તે વનમાં આવી, ત્યાં પંચવટીમાં મારીચ નામના રાક્ષસનો વધ કરવા હું આશ્રમની બહાર ગયો. મારો નાનો ભાઈ લક્ષ્મણ સીતાના કહેવાથી મારી પાછળ આવ્યો. રાવણ સીતાનું હરણ કરવા આશ્રમ પાસે આવ્યો. પછી મારા આશ્રમના અગ્નિહોત્રગૃહમાં રહેતા અગ્નિદેવ રાવણની ઇચ્છા જાણીને સીતાને પાતાળમાં લઈ ગયા. અને પોતાની પત્ની સ્વાહાને સીતા સોંપી પાછા આવ્યા. ભૂતકાળમાં વેદવતીનો સ્પર્શ એ જ રાક્ષસે કર્યો હતો એટલે તેણે દુઃખી થઈને અગ્નિસ્નાન કરી લીધું. તે વેળા એ જ વેદવતીને રાવણનો સંહાર કરવા સીતા જેવી જ બનાવી દીધી અને પર્ણશાળામાં સીતાના સ્થાને લાવીને મૂકી દીધી. રાવણ તેનું જ અપહરણ કરીને તેને લંકા લઈ ગયો. રાવણના મૃત્યુ પછી અગ્નિપરીક્ષા વખતે તે વેદવતીએ અગ્નિમાં પ્રવેશ કર્યો અને સ્વાહા પાસે સુરક્ષિત રહેલી જનકનંદિની સીતારૂપી લક્ષ્મી ફરી મને સોંપી. અને તેમણે કહ્યું, ‘દેવ, આ વેદવતી સીતાનું પ્રિય કરનારી, તેને હવે કોઈ વરદાન આપો.’

આ સાંભળી સીતાએ મને કહ્યું, ‘આ વેદવતી સદા મારું કલ્યાણ કરનારી છે. તો તમે પોતે એનો સ્વીકાર કરો.’

ત્યારે મેં કહ્યું, ‘હું કળિયુગમાં તું કહે છે તે પ્રમાણે કરીશ. ત્યાં સુધી તે દેવતાઓ વડે પૂજિત થઈ બ્રહ્મલોકમાં રહે. પછી તે પૃથ્વીમાંથી જન્મીને આકાશરાજની પુત્રી થશે. સખી, આમ મેં અને લક્ષ્મીએ જેને વરદાન આપ્યું હતું તે નારાયણપુરમાં પૃથ્વીમાંથી પ્રગટી છે. તે અતિ સુંદર છે. આજે હું શિકાર માટે ગયો હતો ત્યારે મેં તેને જોઈ. તે સખીઓ સાથે વનમાં ફૂલ ચૂંટી રહી હતી.તું ત્યાં જઈને તે કન્યા જો અને કહે કે તે અનુપમ રૂપ અને લાવણ્ય ધરાવે છે કે નહીં?’

પછી ભગવાનને પ્રણામ કરી બકુલમાલિકા ચણોઠી જેવા રંગવાળા અશ્વ પર બેસીને ભગવાને બતાવેલા માર્ગે નીકળી. રસ્તે અનેક પ્રકારનાં પ્રાણી, પક્ષી, વૃક્ષને જોતી જોતી અને પ્રસન્ન થતી તે આરણી નદીના પશ્ચિમ કાંઠે ગઈ. ત્યાં અનેક વૃક્ષ હતાં. ત્યાં અશ્વ પરથી ઊતરીને સ્નાન કરી, જલપાન કરી નદીકિનારે વિશ્રામ કરવા લાગી. એટલામાં જ રાજભવનની ઘણી સ્ત્રીઓ ત્યાં આવી. તે બધી પદ્માવતીની સખીઓ હતી. તેમને જોઈ બકુલમાલિકા પાસે જઈને પૂછવા લાગી, ‘સુંદરીઓ, તમે કોણ છો? તમારાં આભૂષણ અને હાર તો બહુ વિચિત્ર છે. તમે ક્યાંથી આવી છો અને અહીં તમે શું કરવાની?’

તેની વાત સાંભળીને સખીઓએ સ્મિતપૂર્વક કહ્યું, ‘અમે આકાશરાજના અંત:પુરમાં રહેતી અને રાજકન્યા પદ્માવતીની સખીઓ છીએ. એક દિવસ અમે રાજકુમારીની સાથે વનમાં ફૂલ ચૂંટવા ગઈ હતી અને એક વૃક્ષ નીચે બેઠી હતી. ત્યાં અમે એક સુંદર પુરુષ જોયો. તેનાં અંગોની કાંતિ ઇન્દ્રનીલમણિના જેવી શ્યામ હતી. તેનું વક્ષ:સ્થળ લક્ષ્મીનું નિવાસસ્થાન હતું. શુદ્ધ પીતાંબર પહેર્યું હતું. તેમના એક હાથમાં સુવર્ણજડિત ધનુષ અને બીજા હાથમાં બાણ હતાં. માથે સુવર્ણમુગટ હતો. હાર અને બાજુબંધ પણ હતાં. તેમને જોતાંવેંત અમારી કમલનયની સખી પદ્માવતી બોલી ઊઠી, ‘જુઓ, જુઓ.’ અમે તેમની સામે જોવા લાગી, એટલામાં તો તે ચાલ્યા ગયા. તે ગયા એટલે સખી પદ્માવતી મૂર્ચ્છા પામી. તેને એવી જ અવસ્થામાં અમે રાજભવન લઈ ગયા. પુત્રીની આવી દશા જોઈ મહારાજે જ્યોતિષીને પૂછ્યું, ‘વિપ્રવર, મારી પુત્રીની ગ્રહદશા કહો.’

બૃહસ્પતિ જેવા તે વિદ્વાન બ્રાહ્મણે મનોમન વિચાર કરીને કહ્યું, ‘રાજન્, કોઈ ઉત્તમ પુરુષ તમારી કન્યા પાસે આવ્યો હતો, તેને જોઈને જ આ મૂચ્છિર્ત થઈ ગઈ છે. તેની સાથે પદ્માવતીનું લગ્ન થશે.’

રાજાને આમ કહી જ્યોતિષી પોતાને ઘેર ગયા. પછી આકાશરાજે બ્રાહ્મણોને બોલાવી શંકર ભગવાનનો મહાઅભિષેક કરવા કહ્યું અને અમને અભિષેકની સામગ્રી તૈયાર કરવા કહ્યું એટલે અમે દેવમંદિરમાં આવ્યાં છીએ. હવે તમે તમારો પરિચય આપો. અહીં શા માટે આગમન થયું, અહીંથી ક્યાં જવું છે? એમ લાગે છે કે દિવ્ય અશ્વ પર બેસીને તમે દેવલોકથી આવ્યા છો.’

સખીઓની વાત સાંભળીને બકુલમાલિકાને આનંદ થયો. ‘હા, હું વેંકટાચલથી આવી છું. મહારાણી ધરણીદેવીને મારે મળવું છે. શું રાજભવનમાં ધરણીદેવી મળશે?’

તેની વાત સાંભળીને સખીઓએ કહ્યું, ‘તમે અમારી સાથે આવીને ધરણીદેવીનાં દર્શન કરી શકશો.’

પછી બકુલમાલિકા તે કન્યાઓની સાથે રાજભવનમાં આવી.

ધરણીદેવી પુત્રીને કહેતાં હતાં, ‘બોલ, તારું ગમતું કયું કાર્ય કરું? તને શું પ્રિય છે?’

ત્યારે પદ્માવતીએ ધીમે રહીને કહ્યું, ‘સંસારમાં જે બધાથી વધુ સુંદર છે, સાધુસંતોને પણ જે વધુ ગમે છે, બ્રહ્મા વગેરે દેવ પણ જેમનું દર્શન કરવા માગે છે, જે સૌથી મહાન છે, સૌથી વધુ તેજસ્વી છે, દેવતાઓના પણ જે દેવતા છે, જે શ્રેષ્ઠ ભક્તોને માટે જ સુલભ છે, અભક્તોને જે કદી પ્રાપ્ત થઈ નથી શકતા તેમનામાં મારું મન પરોવાયું છે. તું મારા માટે તેમને શોધ.’

પછી પદ્માવતી તેમનું વણન કરીને ચૂપ થઈ ગઈ.

પુત્રીની વાત સાંભળી ધરણીદેવી વિચારમાં પડી ગયાં, ‘ભગવાન વિષ્ણુ કેવી રીતે પ્રસન્ન થાય?’

તે વેળા બકુલમાલિકા સાથે તે કન્યાઓ આવી ચઢી. ધરણીદેવીએ ઘેર પધારેલા બ્રાહ્મણોને ઉત્તમ ભોજન, પૂરતી દક્ષિણા આપીને આશીર્વાદ માગીને વિદાય કર્યા. પછી તેમણે ત્યાં આવેલી કન્યાઓને પૂછ્યું, ‘આ કન્યા કોણ છે, તમને તે ક્યાં મળી? રાજભવનમાં તે શા માટે આવી છે? મને તો તે કોઈ પૂજ્ય દેવી લાગે છે.’

કન્યાઓએ કહ્યું, ‘મહારાણી, આ દેવી વાસ્તવમાંકોઈ દિવ્યાંગના છે, કોઈ પ્રયોજન લઈને તે તમારી પાસે આવી છે. અમે પૂછ્યું ત્યારે તેણે એમ જ કહ્યું કે હું મહારાણી ધરણીદેવીને મળવા માગું છું. અમે તેમને અહીં તમારી પાસે લઈ આવ્યા. હવે તમે જ તેને આગમનનું કારણ પૂછો.’

એટલે ધરણીદેવીએ તેને તેના આગમનનું કારણ પૂછ્યું.

બકુલમાલિકાએ કહ્યં, ‘હું વેંકટાચલથી આવી છું. મારું નામ બકુલમાલિકા. અમારા સ્વામી ભગવાન નારાયણ શ્રીવેંકટાચલમાં રહે છે. એક દિવસ તે હંસ જેવા શ્વેત અને મનોવેગી અશ્વ પર સવાર થઈને વનમાં શિકાર કરવા આરણી નદીના કિનારે આવી પહોંચ્યા. ત્યાં અશ્વ પરથી ઊતરીને નદીકિનારે ફરવા લાગ્યા. તે વેળા તેમણે ફૂલ ચૂંટતી કેટલીક કન્યાઓને જોઈ. તેમાં લક્ષ્મીના જેવી કાંચનવર્ણી એક કન્યા જોઈ. તેમનું મન તેના પ્રત્યે આકર્ષાઈ ગયું. તેને પ્રાપ્ત કરવા તેમણે તે કન્યાઓને તે વિશે પૂછ્યું ત્યારે બધી માહિતી મેળવી. પછી તે અશ્વ પર બેસીને પોતાના નિવાસસ્થાને આવી ગયા અને મને બોલાવી કહ્યું, ‘તું આકાશરાજના અંત:પુરમાં પ્રવેશી ધરણીદેવીને મળી મારા માટે તે કન્યાનું માગું કર. તેમની ઇચ્છા જાણીને પાછી આવ. આ કારણે હું અહીં આવી છું. હવે મહારાજને મળીને જે યોગ્ય હોય તે કરો.’

બકુલમાલિકાની વાત સાંભળીને ધરણીદેવી પ્રસન્ન થઈ ગયાં. તેમણે આકાશરાજને બોલાવ્યા અને પદ્માવતીની પાસે જઈને મંત્રીઓની વચ્ચે બધી વાત કરી. આ સાંભળીને રાજા પણ પ્રસન્ન થયા, તેમણે મંત્રીઓને અને પુરોહિતોને કહ્યું, ‘મારી પુત્રી પદ્માવતી અયોનિજા છે. તેના માટે દેવાધિદેવ ભગવાન નારાયણનું માગું છે. આજે મારો મનોરથ પૂર્ણ થયો. કહો તમારી શું ઇચ્છા છે?’

મહારાજની એ વાત સાંભળી બધા મંત્રી પ્રસન્ન થયા, ‘આમ હોય તો આપણે કૃતાર્થ થયા. આ અનુપમ કન્યા સાક્ષાત્ ભગવતી લક્ષ્મી સાથે આનંદપૂર્વક રહેશે. તમે આ પદ્માવતીને દેવ નારાયણને આપો. આ વસંત ઋતુ છે. આ દિવસોમાં શુભ કાર્યનું અનુષ્ઠાન કરીએ. બૃહસ્પતિને બોલાવી લગ્ન પાકું કરીએ.’

પછી આકાશરાજે દેવલોકમાંથી બૃહસ્પતિને બોલાવ્યા અને વરકન્યાના વિવાહનો સમય પૂછ્યો, ‘કન્યાનું જન્મનક્ષત્ર મૃગશીર્ષ છે અને વરનું નક્ષત્ર શ્રવણ છે. હવે આ બંનેના લગ્નનો વિચાર કરો.’

બૃહસ્પતિએ કહ્યું, ‘વરકન્યાના સુખની દૃષ્ટિએ જ્યોતિષ ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને શ્રેષ્ઠ માને છે એટલે વૈશાખ માસના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં બંનેનો વિવાહ વિધિપૂર્વક થાય.’

આ સાંભળીને રાજાએ બૃહસ્પતિની પૂજા કરીને તેમને વિદાય કર્યા અને ભગવાનની દૂતીને કહ્યું, ‘હવે તું ભગવાનના નિવાસસ્થાને જઈ વૈશાખ માસમાં લગ્ન થશે એ સમાચાર આપ. એટલે જે કંઈ વિધિ કરવાનો હોય તે કરીને અહીં આવો.’

પછી આકાશરાજે શુક રૂપી દૂતને બકુલમાલિકા સાથે મોકલ્યો અને પોતાના પુત્રને વાયુ, ઇન્દ્ર વગેરે દેવતાઓને આમંત્રણ માટે રવાના કર્યો. વિશ્વકર્માને બોલાવી નગરસુશોભન કરવા કહ્યું. બકુલમાલિકા અશ્વ પર સવાર થઈને શુકની સાથે વેંકટાચલ પહોંચીને તે અશ્વ પરથી નીચે ઊતરી અને લક્ષ્મીની સાથે બેઠેલા નારાયણ ભગવાનને પ્રણામ કરી બોલી, ‘ભગવાન, ત્યાંનું કામ તો મેં પૂરું કરી દીધું. હવે બીજી માંગલિક વાત કરવા ત્યાંથી શુક આવ્યા છે.’

ભગવાનને પ્રણામ કરીને શુકે કહ્યું, ‘માધવ, ભૂમિકન્યા પદ્માવતીએ પોતાના સ્વીકાર માટે કહેવડાવ્યું છે. ‘હું રાતદિવસ તમારું જ નામ લઉં છું, તમારા સ્વરૂપનું સ્મરણ કરુું છું. તમારી પ્રસન્નતા માટે જ બધાં કાર્ય કરું છું. મારા માતાપિતાની પણ આમાં સંમતિ છે. તો તમે કૃપા કરીને મારો સ્વીકાર કરજો.’

આ સાંભળી ભગવાને શુકને કહ્યું, ‘જઈને પદ્માવતીને મારો સંદેશ આપજો. હું દેવતાઓને લઈને શુભ લગ્ન કરવા આવીશ જ.’

ભગવાનની વાત સાંભળીને અને તેમણે આપેલી વનમાળા લઈને તરત જ આકાશરાજની કન્યા પાસે પહોંચ્યો. રાજકુમારીને કસ્તુરીની સુવાસવાળી તુલસીમાળા આપીને ભગવાનનો સંદેશ સંભળાવ્યો. પદ્માવતીએ તુલસીમાળા હાથમાં લઈ માથે મૂકી અને ભગવાનના આગમનની પ્રતીક્ષા કરતી આભૂષણ પહેર્યાં. આકાશરાજે આનંદિત થઈ ચન્દ્રમાને બોલાવ્યા અને ભગવાનના ભોગને લાયક વાનગીઓ તૈયાર કરવા કહ્યું. પછી બધી વ્યવસ્થા ગોઠવીને ભગવાનના આગમનની રાહ જોતા રાજસભામાં બેઠા.

પછી ભગવાને લક્ષ્મીને બોલાવી કહ્યું, ‘કલ્યાણી, તારી સખીઓને બોલાવી વૈવાહિક વિધિ પૂરો કરો.’

લક્ષ્મીએ સખીઓને બોલાવી જે જે કરવું જોઈએ તે કરવા કહ્યું. પ્રીતિદેવીએ સુગંધિત તેલ લીધું, શ્રુતિદેવીએ રેશમી વસ્ત્ર, સ્મૃતિએ અનેક પ્રકારનાં આભૂષણો, ધૃતિદેવીએ દર્પણ લીધાં, શાન્તિ કસ્તુરી, લજ્જાદેવી યક્ષકર્દમ(કપૂર, અગર, કસ્તુરી અને કંકોલમાંથી બનેલી અંગરાગ સામગ્રી) લઈ ભગવાન પાસે ગયાં. કીર્તિએ સુવર્ણપટ અને રત્નજડિત મુગટ લીધા. શચીએ હાથમાં છત્ર લીધું, સરસ્વતીએ અને ગૌરીદેવીએ ચામર લીધાં. વિજયા અને જયા વીંઝણો ઢોળવા લાગી. બધી દેવીઓને ત્યાં જોઈને લક્ષ્મીદેવીએ સુવાસિત તેલ લઈ ભગવાનના આખા શરીરે લગાવ્યું. પછી ભગવાનનાં બધાં અંગોએ આ અંગરાગ લગાવી આકાશગંગા જેવા સ્થળેથી સો સુવર્ણકળશ ભરી મંગાવ્યા અને તેના વડે ભગવાન પર જળનો અભિષેક કર્યો. પછી સોનેરી રંગના સુવાસિત ચંદન વડે ભગવાનના શરીરે લેપ કર્યો. કમરે રેશમી પીતાંબર પહેરાવી કંદોરો પહેરાવી દીધો. માથે મુકુટ, અને બીજાં આભૂષણો વિવિધ અંગે પહેરાવ્યાં. તેમની બધી આંગળીએ લક્ષ્મીદેવીએ વીંટીઓ પહેરાવી. ધૃતિદેવીએ પાસે આવીને ભગવાનને દર્પણ દેખાડ્યું. દર્પણ જોઈને વિષ્ણુ ભગવાને તિલક કર્યું, પછી લક્ષ્મીદેવીની સાથે ગરુડ પર બેઠા. ત્યાં બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર જેવા દેવ તેમની સેવામાં ઊભા રહ્યા. આ બધા દેવ, વસિષ્ઠ વગેરે મુનિ, સનક વગેરે યોગીઓ, તથા અન્ય ભગવદ્ભક્તોની સાથે વિષ્ણુ નારાયણપુર ગયા, તેમની આગળ દેવતાઓનાં નગારાં વાગી રહ્યાં હતાં, મુનિઓ તેમની પાછળ પાછળ ચાલી રહ્યા હતા. ભગવાનની સાથે બધા દેવ અને પાર્ષદો ચાલી રહ્યા હતા. બકુલમાલિકા અને બીજી સખીઓ રથમાં બેસીને ગઈ. આમ ભગવાન જાન લઈને આકાશરાજના નગરમાં પ્રવેશ્યા.

ભગવાનને આવેલા આકાશરાજે જોયા અને પુત્રી પદ્માવતી પણ નગરની પરિક્રમા કરીને દરવાજે આવી ગઈ. ભગવાને પોતાના ગળામાં પહેરેલી માળા પદ્માવતીના ગળામાં પરોવી અને પદ્માવતીએ ફૂલોનો ગજરો ભગવાનના ગળામાં પહેરાવ્યો. પછી બંને નીચે ઊતર્યાં અને ઉમરા પર થોડી વાર ઊભાં રહ્યાં, પછી સુંદર ઘરમાં પ્રવેશ્યાં. તેની સાથે બ્રહ્મા અને બીજા દેવ પણ હતા. બ્રહ્માએ કંકણબંધન અને લાજાહોમ સુધીનો વિધિ સંપન્ન કર્યો, પછી વ્રતપાલનની આજ્ઞા લઈ પદ્માવતીએ અને વિષ્ણુએ અલગ અલગ શયન કર્યું. ચોથા દિવસે બ્રહ્માએ બીજા વિધિ કરીને આકાશરાજની સંમતિ લઈ બંને દેવીઓની સાથે ભગવાનને ગરુડ પર બેસાડ્યા અને જવાની તૈયારી કરી. આકાશરાજે પુત્રી અને જમાઈને સુવર્ણપાત્રોમાં ચોખા, મગ તથા ઘીના ઘડા પહેરામણીમાં આપ્યા. વળી દૂધ-દહીંથી ભરેલા ઘડા, કેરી, આમળાં, નાળિયેર, બીજોરાં, લીંબુ, સાકર આપ્યાં. સોનું, મણિ, મોતી, રેશમી વસ્ત્ર, હજારો દાસદાસી, કરોડો ગાય, દસ હજાર શ્વેત અશ્વ, મદોન્મત્ત હાથી: આ બધું આપીને આકાશરાજ ભગવાન પાસે ઊભા રહ્યા. પદ્માવતી, લક્ષ્મી અને વિષ્ણુ પહેરામણી જોઈને પ્રસન્ન થયા. વિષ્ણુ ભગવાને કહ્યું, ‘રાજન્, અત્યારે તમે મારા ગુરુ છો, મનપસંદ વરદાન માગી લો.’

આ સાંભળી આકાશરાજે કહ્યું, ‘દેવ, તમારી અનન્ય સેવા હું કરતો રહું, મારું મન તમારા ચરણારવંદોિમાં રમતું રહે.’

ભગવાને એમાં સંમતિ આપી અને બધા દેવોએ ભગવાનનું સ્તવન કર્યું. પછી બધા દેવને વિદાય કર્યા અને ભગવાન લક્ષ્મી અને પદ્માવતીની સાથે પોતાના ધામમાં રહેવા લાગ્યા.


(ભૂમિવારાહ ખંડ)