ભારતીયકથાવિશ્વ−૭/માર્કણ્ડેયપુરાણ/ઋતુધ્વજની કથા

From Ekatra Wiki
Revision as of 16:01, 20 January 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઋતુધ્વજની કથા}} {{Poem2Open}} મહાબળવાન શત્રુજિત રાજાને ઋતુધ્વજ નામનો પુત્ર. પોતાના ગુણોથી ગુરુ, શુક્ર, અશ્વિનીકુમારો જેવો, પોતાની સાથે બુદ્ધિ, તેજ પરાક્રમથી શોભતા રાજપુત્રોથી વી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઋતુધ્વજની કથા

મહાબળવાન શત્રુજિત રાજાને ઋતુધ્વજ નામનો પુત્ર. પોતાના ગુણોથી ગુરુ, શુક્ર, અશ્વિનીકુમારો જેવો, પોતાની સાથે બુદ્ધિ, તેજ પરાક્રમથી શોભતા રાજપુત્રોથી વીંટળાયેલો રહેતો હતો. ગીત, સંગીત, નાટકમાં પણ તેની રુચિ. અસ્ત્રશસ્ત્રમાં પાવરધો. દિવસરાત આનંદ મનાવતો.

એક કાળે નાગલોકમાંથી બે કુમાર બ્રાહ્મણવેશે આવીને ત્યાં બીજા બધાની સાથે વિનોદ કરતા રહ્યા. રાજકુમારને પણ નાગકુમારો વિના ચાલતું ન હતું. નાગપુત્રોને પણ રાજપુત્ર વિના ગમે નહીં. એક દિવસ પિતાએ તેમને પૂછ્યું, ‘હું તમને રાતે જ જોઉં છું. પૃથ્વી પર કોની સાથે મૈત્રી થઈ છે?’

એટલે નાગપુત્રોએ ઋતુધ્વજની બધી વાતો કહી, તે રાજપુત્રની ભારે પ્રશંસા કરી. એટલે નાગપિતા પણ પ્રસન્ન થઈ ગયા. પછી નાગપુત્રોએ રાજપુત્રે કહેલી વાર્તા સંભળાવી.

રાજપુત્રના પિતા શત્રુજિત પાસે ગાલવ મુનિ એક ઉત્તમ અશ્વ લઈ આવ્યા અને રાજાને કહ્યું, ‘કોઈ દૈત્ય મારા આશ્રમમાં આવી જુદાં જુદાં રૂપ ધારી હેરાન કરે છે. મને નિરાંતે ધ્યાન પણ ધરવા દેતો નથી. અમે ધારીએ તો તેને ભસ્મ કરી શકીએ પણ તો અમારું તપ ખલાસ થાય, એક દિવસ હું આકાશ સામે તાકતો હતો ત્યારે આ અશ્વ આકાશમાંથી પડ્યો. આકાશવાણીએ એવું કહ્યું કે આ ઉત્તમ અશ્વ આખા ભૂમંડલમાં ભમી શકશે. ત્રણે લોકમાં તેની ગતિને કોઈ અટકાવી નહીં શકે. એથી તેનું નામ કુવલય. શત્રુજિત રાજાનો પુત્ર ઋતુધ્વજ આ અશ્વ પર બેસીને તે દૈત્યનો વધ કરશે. આ સાંભળીને હું તમારી પાસે આવ્યો છું. તમે પ્રજાનો ષષ્ઠાંશ કર લો છો તો આ દૈત્યનો નાશ કરો.’ પછી ગાલવ મુનિ સાથે તેમના આશ્રમમાં રાજાએ પોતાના પુત્રને મોકલ્યો. ત્યાં તે રાજપુત્ર આશ્રમનાં બધાં વિઘ્નોનો નાશ કરવા લાગ્યો. આશ્રમમાં રહેતા ઋતુધ્વજને તે દાનવ જાણી ન શક્યો. એક દિવસ સંધ્યા કરી રહેલા ગાલવ મુનિને ઉપાડી જવા તે દાનવ શૂકર વેશે આવ્યો, મુનિશિષ્યોએ આ જોઈ ભારે કોલાહલ કર્યો એટલે રાજપુત્ર અશ્વ પર બેસી તે વરાહ પાછળ દોડ્યો અને બાણ મારવા લાગ્યો. બાણથી વીંધાયેલો તે દૈત્ય મૃગનું રૂપ લઈ પર્વત અને વૃક્ષોથી ભરચક વનમાં ભમવા લાગ્યો. પિતાની આજ્ઞાને અનુસરનારા તે રાજપુત્રે મનોવેગી અશ્વને દોડાવ્યો. પછી તે દાનવ ધરતી પર એક ઊંડા ખાડામાં પડ્યો, રાજપુત્ર પણ અશ્વ સાથે તે ખાડામાં પડ્યો, પણ દાનવ જોેવામાં ન આવ્યો. ત્યાં તેજસ્વી પાતાળ તેની આંખે ચઢ્યું. ઇન્દ્રપુરી જેવી સુવર્ણનગરી જોઈ. અંદર પ્રવેશ્યો તો કોઈ પુરુષ દેખાયો નહીં: આમતેમ ભમતાં એક સ્ત્રી નજરે પડી. તેને પૂછ્યું તો પણ કશો ઉત્તર મળ્યો નહીં. અશ્વને એક ખૂણે બાંધી રાજપુત્ર તે સ્ત્રીની પાછળ ગયો. ત્યાં તેણે સુવર્ણપલંગ પર કામદેવની રતિ જેવી સ્ત્રીને બેઠેલી જોઈ. પૂણિર્માના ચન્દ્ર જેવું મુખ, ઉત્તમ ભ્રૂકુટિ, ઉન્નત સ્તન, તેના અધરોષ્ઠ પક્વ બંબિ જેવા, શરીર એકવડું, આંખો નીલકમલ જેવી, નખ રાતા, હાથની આંગળીઓ કોમળ અને તામ્રવર્ણી, ઉરુ હાથીની સૂંઢ જેવા, ઉત્તમ દાંત, કેશ કાળાભમ્મર… રાજપુત્રે તેને રસાતલની દેવી માની લીધી. તે કન્યાએ પણ વાંકડિયાળા કેશ, પુષ્ટ બાહુ-સ્કંધ-ઉર જોઈ તેને કામદેવ માની લીધો. તે વિશેષ વિચાર કરવા લાગી કે શું આ કોઈ દેવ છે કે શું? વિદ્યાધર છે? યક્ષ કે ગંધર્વ છે? એમ વિમાસણમાં પડેલી તે કન્યા મૂર્ચ્છા ખાઈને ભૂમિ પર પડી ગઈ. રાજકુમાર તેને આશ્વાસન આપવા લાગ્યો. સૌથી પહેલાં જે સ્ત્રી રાજકુમારની નજરે પડી હતી તે મૂચ્છિર્ત કન્યાને વીંઝણો નાખવા લાગી. થોડી વારે તે સ્વસ્થ થઈ એટલે તેણે તે કન્યાને મૂર્ચ્છાનું કારણ પૂછ્યું. એટલે તે કન્યાએ બધી વાત માંડીને પોતાની સખીને કહી અને સખીએ રાજપુત્રને તે વાત કહી.

‘સ્વર્ગમાં વિશ્વાવસુ નામે ગંધર્વરાજ. તેની આ પુત્રી મદાલસા. એક દિવસ વજ્રકેતુનો પુત્ર પાતાલવાસી પાતાલકેતુ અંધકારમય માયા સર્જીને ઉદ્યાનમાં રમતી આ મદાલસાનું અપહરણ કરી લાવ્યો. આવતી તેરસે તે લગ્ન કરવા માગે છે. ગઈ કાલે તો આ કન્યા આત્મહત્યા કરવા તૈયાર હતી. તે સમયે સુરભિએ-કામધેનુએ તેને જણાવ્યું: આ અધમ દાનવ તારી સાથે લગ્ન કરી શકશે નહીં. તે દાનવને જે પોતાનાં બાણોથી વીંધશે તે જ તારો પતિ થશે. હું આ કન્યાની સખી, મારું નામ કુંડલા, વંધ્યિવાનની પુત્રી અને પુષ્કરમાલીની પત્ની. મારા પતિને શુંભે મારી નાખ્યા પછી એક તીર્થેથી બીજે તીર્થ ભટકું છું. પરલોકપ્રાપ્તિ માટે મથું છું. આજે આ દુષ્ટે વરાહનું રૂપ લીધું હતું. મુનિની રક્ષા માટે કોઈએ તેને બાણ માર્યું હતું. એ બધી શોધ કરીને હું અહીં આવી છું. કોઈએ તે દૈત્યને માર્યો જ છે. હવે આ કન્યા શા માટે મૂર્ચ્છા પામી તે સાંભળો.

દેવપુત્ર જેવા, મધુર વાણી ધરાવતા, સુંદર એવા તમને જોઈને તેને પ્રીતિ થઈ છે, પણ દાનવને જેણે વીંધ્યો છે તેની પત્ની થવાની છે એટલે તે મૂર્ચ્છા પામી. જીવનભર તેને દુઃખ ભોગવવું પડશે, કારણ કે તે તમને ચાહે છે અને હવે પતિ કોઈ બીજો. એટલે તે જો મનગમતો પતિ મેળવે તો હું શાંત ચિત્તે તપ કરવા બેસી શકું. પણ તમે છો કોણ? તમે અહીં આવ્યા શા માટે? અહીં તો સામાન્ય માનવી આવી જ ન શકે. વળી માનવની આ ગતિ પણ ન હોય.’

આ સાંભળી ઋતુધ્વજે પોતાની કથા પહેલેથી કહેવા માંડી. ‘હું શત્રુજિત રાજાનો પુત્ર. મારા પિતાની આજ્ઞાથી ગાલવ મુનિના આશ્રમની રક્ષા કરવા ગયો હતો. ત્યાં મુનિઓની રક્ષા કરતો હતો એટલામાં એક રાક્ષસ વરાહનું રૂપ લઈ આવ્યો, મેં તેને બાણથી વીંધ્યો. તે ઝડપથી ભાગ્યો. અશ્વ પર બેસીને તેનો પીછો કર્યો. તે ખાડામાં પડ્યો એટલે હું પણ અશ્વ સાથે ખાડામાં પડ્યો. પછી ભટકતો ભટકતો અહીં આવ્યો. મેં તમને પૂછ્યું પણ તમે કશું બોલ્યાં નહીં અને આ મહેલમાં પ્રવેશ્યાં એટલે હું પણ તમારી પાછળ આવ્યો. હું નથી ગંધર્વ, નથી કિન્નર, નથી દેવ. હું માત્ર મનુષ્ય છું.’ આ સાંભળી મદાલસા આનંદિત થઈ ગઈ. સખીની સામે જોયું પણ કશું બોલી ન શકી. એટલે તેની સખી કહેવા લાગી, ‘સુરભિએ જે વાત કહી હતી તેને જ મળતી આ વાત છે. તમે જે કહ્યું તે સત્ય છે. તમે જ તે દાનવને માર્યો છે. સુરભિની વાત સાચી જ હોય.’

પછી રાજપુત્રે કહ્યું, ‘હું મારા પિતાને અધીન છું. તેમની આજ્ઞા વિના મારાથી લગ્ન ન થાય.’ એટલે મદાલસાએ પોતાના કુલગુરુ તુંબરુનું ધ્યાન ધર્યું. એટલે તે ઋષિ સમિધ, કુશ વગેરે લઈને આવ્યા અને મદાલસાનું — ઋતુધ્વજનું લગ્ન કરાવી પોતાના આશ્રમમાં ચાલ્યા ગયા. પછી કુંડલાએ મદાલસાને કહ્યું, ‘હવે હું નિશ્ચંતિ થઈ તપ કરી શકીશ. તીર્થજલથી મારાં બધાં પાપ ધોઈ નાખીશ.’ પછી રાજપુત્રને કુંડલા કહેવા લાગી,

‘તમારા જેવા બુદ્ધિશાળીને તો શો ઉપદેશ અપાય? પણ જો તમને મારામાં થોડો વિશ્વાસ હોય તો થોડી વાત યાદ કરાવું. પતિએ પોતાની સ્ત્રીનું ભરણપોષણ અને રક્ષણ કરવું જોઈએ. ધર્મ, અર્થ, કામમાં સ્ત્રીનો બહુ મોટો સાથ હોય છે. બંને જ્યારે સંપીને રહે ત્યારે જ આ બધું સિદ્ધ થાય. આ ત્રણે સ્ત્રીને આધારે હોય છે એટલે સ્ત્રી વિના આ પુરુષાર્થો પુરુષ પ્રાપ્ત કરી ન શકે. પતિ વિના સ્ત્રી પણ આ મેળવી ન શકે. દેવ, પિતૃઓ, અતિથિઓનું પૂજન સ્ત્રી વિના ન થઈ શકે. ગમે તેટલી સંપત્તિ હોય તો પણ સ્ત્રી ન હોય તો એ અર્થ ક્ષીણ થઈ જાય. સ્ત્રી ન હોય તો કામ સિદ્ધ થાય જ નહીં. પ્રજોત્પત્તિ પણ સ્ત્રી વડે જ શક્ય બને છે. આમ આ બંને પૂરક છે. હવે હું ઇચ્છાનુસાર અહીંથી જઈશ. તમે બંને બધી રીતે સુખસમૃદ્ધિ પામો.’

આમ કુંડલા જતી રહી. રાજપુત્ર મદાલસાને અશ્વ પર બેસાડીને પાતાળમાંથી નીકળ્યો, ત્યાં પાતાલકેતુએ આણેલી કન્યાનું કોઈ હરણ કરી જાય છે એવી બૂમો પાડતા દાનવો નીકળી પડ્યા અને રાજપુત્ર પર બાણો વરસાવવા લાગ્યા. ઋતુધ્વજે પણ સામે બાણો માર્યાં; પાતાળ શસ્ત્રોથી ઊભરાઈ ગયું. પછી રાજપુત્રે ત્વાષ્ટ્ર અસ્ત્ર ફેંક્યું એટલે પાતાલકેતુ સહિત બધા દાનવો મૃત્યુ પામ્યા. સગરપુત્રો જેવી રીતે ભસ્મ થઈ ગયા હતા તેવી રીતે તે બધા પણ ભસ્મ થઈ ગયા અને ઋતુધ્વજ મદાલસાને લઈને પોતાના નગરમાં ગયો. પિતાને પ્રણામ કરી બધી ઘટનાઓ વર્ણવી. આ સાંભળી પિતા પ્રસન્ન થઈ ગયા. ‘તેં આપણો યશ વધાર્યો છે. પૈતૃક સમૃદ્ધિ જે સાચવી રાખે છે તે મધ્યમ પુરુષ પણ જે પૈતૃક સમૃદ્ધિને વિસ્તારે છે તે ઉત્તમ પુરુષ; એ સમૃદ્ધિને જે ઓછી કરે છે તે અધમ પુરુષ. તેં તો મારાથી પણ વિશેષ કર્મો કર્યાં છે. જે પુરુષ પિતાથી ઓળખાય છે તેના જન્મને ધિક્કાર. જે પિતા પુત્રથી પ્રસિદ્ધિ પામે છે તે ઉત્તમ.’

આમ ઘણી બધી રીતે પુત્રને આવકાર્યો અને પછી ઋતુધ્વજ નગરમાં અને નગર બહાર મદાલસા સાથે વિહાર કરવા લાગ્યો. થોડા સમય પછી શત્રુજિતે પુત્રને બ્રાહ્મણોની રક્ષા માટે ફરવાનું કહ્યું. હજુ હજારો દાનવો છે.

રાજપુત્ર પિતાની સલાહ સ્વીકારીને નીકળી પડ્યો. દરરોજ તે વિહાર કરતો હતો અને સાંજ પડે પાછો આવી જતો હતો. એક દિવસ રાજપુત્રે યમુના કાંઠે એક આશ્રમમાં પાતાલકેતુના નાના ભાઈ તાલકેતુને જોયો. તે માયાવી દાનવ મુનિનો વેશ લઈને રહેતો હતો. ભાઈને માર્યાનું વેર યાદ કરીને તેણે રાજપુત્રને કહ્યું, ‘જો તને ઠીક લાગે તો હું કહું તેમ કર. તારે બીજું કશું કરવાનું નથી. હું યજ્ઞ કરવા માગું છું. અને તેમાં આપવા મારી પાસે દક્ષિણા નથી. જો તારા કંઠનો હાર મને આપે તો હું જળમાં જઈ વરુણની સ્તુતિ કરી આવું, ત્યાં સુધી તું અહીં રહી આ આશ્રમનું રક્ષણ કર.’

રાજપુત્રે તો કંઠહાર આપી દીધો અને કહ્યું, ‘તમે નિરાંતે જઈ આવો. તમે આવશો ત્યાં સુધી હું અહીં જ રહીશ. હું અહીં હોઈશ એટલે તમને કોઈ પીડા પહોચાડી નહીં શકે.’ એટલે પેલો દાનવ નદીના પાણીમાં ડૂબ્યો અને રાજપુત્ર માયાથી રચેલા આશ્રમનું રક્ષણ કરવા લાગ્યો. તાલકેતુ પાણીમાંથી નીકળી રાજપુત્રના નગરમાં ગયો અને મદાલસા તથા બીજાઓને કહેવા લાગ્યો, ‘ઋતુધ્વજ મારા આશ્રમ પાસે તપસ્વીઓની રક્ષા કરતો હતો અને ત્યાં કોઈ દૈત્ય સાથે તેને યુદ્ધ કરવું પડ્યું. રાક્ષસોનો વધ તે કરતો હતો પણ તે દુષ્ટ દૈત્યે માયા રચી રાજપુત્રની છાતીમાં શૂળ ઘોંચ્યું. તેણે મરતાં મરતાં મને પોતાનું કંઠાભૂષણ આપ્યું, ત્યાં તાપસોએ તેનો અગ્નિસંસ્કાર પણ કર્યો. મેં આ બધું જોયું. હવે તમારે જે ઉત્તરક્રિયા કરવી હોય તે કરો. તમે આ કંઠાભૂષણ લઈ લો, અમારા જેવા તપસ્વીઓને તે કશા કામનું નથી.’

આમ કહીને તે તાલકેતુ તો ત્યાંથી ચાલ્યો ગયો. બધા લોકો એ સાંભળીને મૂર્ચ્છા પામ્યા. રાજા અને તેના અંત:પુરના નિવાસીઓ ભારે વિલાપ કરવા લાગ્યા. મદાલસાએ તો કંઠાભૂષણ જોઈને અને પતિના મૃત્યુના સમાચાર સાંભળીને પ્રાણત્યાગ કરી દીધો અને બધાના આક્રંદનો પાર ન રહ્યો. પછી રાજાએ બધાંને કહ્યું, ‘તમે રુદન ન કરો. બધા સંબંધો અનિત્ય છે, તેમાં પુત્રનો શોક કરું કે પુત્રવધૂનો? મારા બુદ્ધિમાન, પરાક્રમી પુત્રનો શોક કરવા જેવો નથી.’ અને એ પ્રમાણે ઘણો ઉપદેશ આપ્યો.

રાજાએ પુત્રવધૂનો અગ્નિસંસ્કાર કર્યો, પુત્રને ઉદકદાન આપ્યું.

તાલકેતુ પણ જળમાંથી નીકળીને કહેવા લાગ્યો, ‘હવે તું જા. તેં મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે. જલપતિ વરુણનું કાર્ય મેં પૂરું કર્યું છે.

એટલે રાજપુત્ર ગરુડ અને વાયુ જેવા પરાક્રમી અશ્વ પર બેસીને પોતાના નગરમાં ગયો. રાજપુત્ર પોતાના પિતાને પ્રણામ કરવા અને પત્ની મદાલસાને મળવા આતુર હતો. પણ રસ્તામાં બધાને ઉદાસ, શોકમગ્ન જોયા અને તરત જ આનંદ પામતા જણાયા. કેટલાક એકબીજાને ભેટવા લાગ્યા. રાજપુત્ર પણ મિત્રોને ભેટ્યો. નગરવાસીઓ તેને કહેવા લાગ્યા, ‘તું દીર્ઘાયુષ્યી થા. તારા શત્રુઓ નાશ પામે. તું બધાને આનંદિત કર.’

પછી તે પિતાના ઘરમાં ગયો, તેના પિતા તો જોઈને જ ભેટી પડ્યા. માતા, બાંધવો આશિષ આપવા લાગ્યાં. ‘અહીં બધા શોકમગ્ન કેમ દેખાય છે?’ અને રાજપુત્રે મદાલસાના મૃત્યુની વાત સાંભળી, ‘અરે, મને મરેલો સાંભળતાંવેંત તેણે તો પ્રાણ ત્યજી દીધા અને હું નિર્લજ્જ થઈને હજુ જીવું છું.’ પછી બધી બાજુનો વિચાર કરીને તેણે પિતાની-માતાની સેવાચાકરી કરવાનો વિચાર કર્યો. ‘પુનર્લગ્ન નહીં કરું, કોઈ બીજી સ્ત્રીને નહીં ચાહું એ જ માર્ગ મારી પ્રિયાને માટે યોગ્ય ગણાશે.’

પત્નીને ઉદકદાન આપીને તે બોલ્યો, ‘જો મદાલસા જીવતી ન હોય તો મારે હવે બીજી કોઈ સ્ત્રી નથી જોઈતી. હું કોઈ અન્ય સ્ત્રી સાથે ક્રીડા ન કરી શકું.’

પુત્રોની વાત સાંભળીને નાગરાજે પુત્રોને કહ્યું, ‘કર્મ કરતા જ રહેવું જોઈએ. એટલે હવે હું તપ કરવા જઉં છું. અને હિમાલયમાં જઈને કઠિન તપશ્ચર્યા કરવા લાગ્યા. જગજ્જનની, સરસ્વતીની સ્તુતિ કરવા લાગ્યા… તેની સ્તુતિથી પ્રસન્ન થઈને નાગરાજને તથા તેના ભાઈ કંબલને એ બધું જ્ઞાન આપ્યું. ત્યાર પછી બંને ભાઈ શંકરની આરાધના કરવા બેઠા. ભગવાને પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું ત્યારે નાગરાજે કહ્યું, ‘ઋતુધ્વજની પત્ની મદાલસા મૃત્યુ પામી છે. તે મારે ત્યાં તે જ વયમાં પુત્રી તરીકે જન્મે અને તેને પૂર્વજન્મની સ્મૃતિ રહે.’

આ સાંભળી ઈશ્વરે કહ્યું, ‘તમે જે ઇચ્છ્યું છે તે બધું થશે. શ્રાદ્ધપક્ષમાં તું મધ્યમાં મૂકેલો પિંડ આરોગજે. પછી મદાલસાનું ધ્યાન ધરી પિતૃઓનું પૂજન કરજે. એટલે મદાલસા જેવા રૂપે મરણ પામી હશે તેવા રૂપે તે તારા મધ્ય ફણામાંથી પ્રગટ થશે.’

શંકરનું વરદાન મેળવી નાગરાજ ભગવાનને પ્રણામ કરી રસાતલમાં ગયા. કંબલના નાના ભાઈએ ભગવાનના કહેવા પ્રમાણે શ્રાદ્ધવિધિ કર્યો, મધ્યમપિંડનું ભોજન કર્યું અને નિ:શ્વાસ નાખતાંવેંત મદાલસા પ્રગટી. નાગરાજે આ વાર્તા સાવ ગુપ્ત રાખી મદાલસાને સ્ત્રીઓના રક્ષણ નીચે એક ખંડમાં રાખી. નાગપુત્રો ઋતુધ્વજને ત્યાં આવી ક્રીડા કરતા હતા. એક દિવસ નાગરાજે પુત્રોને કહ્યું,

‘મેં પહેલાં પણ તમને કહ્કહ્યું હતું. તમે રાજપુત્રને અહીં કેમ લાવતા નથી?’

નાગપુત્રો જ્યારે ઋતુધ્વજને મળ્યા ત્યારે પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપ્યું ત્યારે રાજપુત્રે કહ્યું, ‘મારું ગૃહ તમારું જ છે. તમારે જે કંઈ દાન કરવું હોય તે કરો. આ બધું જ તમારું છે એમ માની લો.’

ત્યારે નાગપુત્રોએ કહ્યું, ‘તમે કહો છો, તેવું જ અમારા મનમાં છે પણ અમારા પિતા તમને મળવા માગે છે, કેટલીય વાર તેમણે કહ્યું છે.’ એટલે ઋતુધ્વજે સંમતિ દર્શાવી. ‘તમારા પિતાને મળવા હું પણ બહુ આતુર છું. તેમની આજ્ઞા મારા માથા પર.’

ઋતુધ્વજ તે નાગપુત્રોની સાથે ગોમતી તીરે ચાલવા લાગ્યો. તેણે માની લીધું કે ગોમતી તીરે આ મિત્રોનું નિવાસસ્થાન હશે, પરંતુ નાગપુત્રો તો તેમને પાતાળમાં લઈ ગયા. અને ત્યાં ગયા પછી મિત્રોને નાગરૂપે જોયા. તેમની ફણાના મણિથી સર્વત્ર પ્રકાશ થતો હતો, તે જોઈ રાજપુત્ર બહુ નવાઈ પામ્યો.

નાગપુત્રોએ પિતાને ઋતુધ્વજના આગમનના સમાચાર આપ્યા, રાજપુત્ર સુંદર પાતાળને જોવા લાગ્યો. નાગકન્યાઓથી પાતાળ શોભતું હતું. વાદ્યસંગીત પણ સંભળાતું હતું. આ બધું સાંભળતાં સાંભળતાં, જોતાં જોતાં રાજપુત્ર નાગપુત્રોની સાથે ચાલતો હતો. નાગરાજના ભવનમાં બધા પ્રવેશ્યા. દિવ્ય માળા, દિવ્ય અંબર, મણિ, કુંડળ, કિંમતી મોતી હાર, કેયૂર, વૈડૂર્ય મણિથી શોભતું આસન. નાગપુત્રોએ પોતાના પિતાની ઓળખાણ આપી, રાજપુત્રે તેમને પ્રણામ કર્યાં. નાગરાજે તેને આશીર્વાદ આપ્યા, ‘ચિરંજીવી થા, માતાપિતાની સેવા કર. તારી પ્રશંસા તો અહીં બહુ થઈ છે. તારા ગુણો મારા પુત્રોએ જણાવ્યા છે. ગુણવાન માનવીનું જીવન સાર્થક ગણાય. ગુણહીનનો કશો અર્થ નથી.’

નાગપુત્રોએ થોડા દિવસ રહેવાની વાત કરી. ઋતુધ્વજ કશું બોલ્યો નહીં. નાગરાજે પણ રાજપુત્રને ઇચ્છામાં આવે તે માગવા કહ્યું, ધનસંપત્તિ, સુવર્ણચાંદી. પણ પોતાના પિતાને ત્યાં એ બધું હોવાથી રાજપુત્રે ના પાડી. નાગરાજના દર્શનથી બધું જ મળી ગયું છે એમ માની લીધું. ફરી નાગરાજે બીજું કશું માગવા કહ્યું, મનુષ્યલોકમાં ન હોય એવું કશું માગવા કહ્યું.

એટલે નાગપુત્રે કહ્યું, ‘આ રાજપુત્રની પત્નીને કોઈ દુરાત્મા દાનવ છેતરી ગયો. રાજપુત્રના મૃત્યુના ખોટા સમાચાર આપ્યા. એટલે ગંધર્વરાજની પુત્રી મદાલસા એ સમાચાર સાંભળીને તરત જ મૃત્યુ પામી. આ રાજપુત્રે પછી પ્રતિજ્ઞા કરી કે હું મદાલસા સિવાય બીજી કોઈ સ્ત્રી નહીં કરું. આ ઋતુધ્વજની ઇચ્છા મદાલસાને જોવાની છે. તમારાથી એ બની શકે?’

‘એક વખત પંચભૂતોનો વિયોગ થાય પછી તેવો યોગ સ્વપ્નમાં થાય કે માયા વડે થાય.’

આ સાંભળી ઋતુધ્વજે કહ્યું, ‘જો માયા વડે પણ મને મદાલસાનું દર્શન કરાવો તો મારા પર મોટી કૃપા થશે.’

‘જો માયા જોવાની ઇચ્છા હોય તો હું તને નિરાશ નહીં કરું.’

પછી નાગરાજે ઘરમાં ગુપ્ત રાખેલી મદાલસા રાજપુત્રને બતાવી. ‘આ તારી પત્ની મદાલસા જ ને!’

રાજપુત્ર તો વિના સંકોચે પ્રિયા, પ્રિયા બોલતો તેની પાસે ગયો.

‘પુત્ર, મેં તને પહેલાં જ કહેલું કે આ માયા છે. તું એનો સ્પર્શ ન કર.’ પછી નાગરાજે ઋતુધ્વજને બધી સમજ પાડી અને મદાલસા કેવી રીતે મેળવી તે કહ્યું. પછી ઋતુધ્વજ અશ્વ પર મદાલસાને બેસાડીને નગરમાં ગયો અને માતાપિતાને બધી વાત કરી. બધે આનંદ આનંદ થઈ ગયો. નગરજનોએ મહોત્સવ કર્યો. કેટલાક સમય પછી રાજાનું અવસાન થયું એટલે ઋતુધ્વજ રાજા થયો. મદાલસાએ વિક્રાન્ત, સુબાહુ અને શત્રુદમન નામના પુત્રોને જન્મ આપ્યો, આ ત્રણેનાં નામ ઋતુધ્વજે પાડ્યાં હતાં. ચોથા પુત્રનું નામ મદાલસાએ પાડ્યું — અલર્ક.

મદાલસાએ અલર્કને રાજધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગૃહસ્થાશ્રમ ધર્મ, શ્રાદ્ધ કલ્પ, સદાચાર, દ્રવ્યશુદ્ધિ-ધર્માધર્મ વગેરેનો ઉપદેશ આપ્યો. આ ઉપરાંત ભગવાન દત્તાત્રયે પણ અલર્કને ઉપદેશ આપ્યો.

(૧૮) (૧,૫)