ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/કૂતરામાંથી પાછો કૂતરો


કૂતરામાંથી પાછો કૂતરો

એક નિર્જન વનમાં કંદમૂળ, ફળનો આહાર કરીને જીવનારા એક નિષ્ઠાવાન, જિતેન્દ્રિય ઋષિ હતા. તેઓ દીક્ષાવ્રતવાળા, શાન્ત, સ્વાધ્યાયરત, પવિત્ર, ઉપવાસને કારણે વિશુદ્ધ ચિત્ત અને સર્વદા સત્માર્ગને અનુસરનારા હતા. તેઓ બુદ્ધિમાન હતા એટલે વનમાં રહેનારાં બધાં પ્રાણીઓ તેમની સમીપે જતા આવતાં હતાં. સિંહ, વાઘ, શરભ, ઉન્મત્ત હાથી, ગેંડા, રીંછ અને બીજા ભયંકર રૂપવાળાં પ્રાણીઓ, બધાં માંસાહારી પ્રાણીઓ એમની સાથે કુશળ પ્રશ્નો ચર્ચતા, શિષ્યભાવે કોઈ ઋષિના પ્રિય કાર્યોમાં પ્રવૃત્ત રહેતાં હતાં. આ બધાં પ્રાણીઓ ઋષિઓ સાથે સુખદ પ્રશ્નોની ચર્ચા કરતા, અને જેવા આવતાં તેવાં પોતપોતાનાં સ્થાને પાછા જતાં. તેમની વચ્ચે ગામડાગામનો એક કૂતરો મહામુનિને છોડીને ક્યાંય જતો ન હતો. તે મુનિનો ભક્ત હતા, તેમનામાં જ તે અનુરક્ત હતો, ઉપવાસથી કૃશ દુર્બલ હતો, તે (આહાર રૂપે) ફળ-મૂળ-જળ લેતો હતો અને શાન્ત, સાધુજીવન વીતાવતો હતો. મહર્ષિના પગ પાસે બેસી રહેતા એ કૂતરાના મનમાં મનુષ્યની જેમ પ્રેમ જાગ્યો અને અત્યંત સ્નેહબદ્ધ થઈ ગયો. ત્યાર પછી એક મહા બળવાન, માંસભક્ષી, ચિત્તો ક્રૂરકાળ અને યમરાજ જેવો ત્યાં આવી ચઢ્યો. તે તરસ્યો ચિત્તો જીભ કાઢીને, પૂંછડી ટટાર કરીને ક્ષુધાપીડિત થઈ કૂતરાનું માંસ ખાવા તેની પાસે જવા લાગ્યો. તે ક્રૂર ચિત્તાને જોઈ જીવવાની ઇચ્છાવાળા તે કૂતરાએ મુનિને જે કહ્યું તે સાંભળો, ‘હે ભગવન્, આ કૂતરાઓનો શત્રુ મને મારવાની ઇચ્છા કરે છે. હે મહામુનિ, તમારી કૃપાથી તેનાથી મને ભય ન થાય એવું કરો.’

મુનિએ કહ્યું, ‘હે પુત્ર, તું ચિત્તાથી મૃત્યુ પામીશ એવો ડર ન રાખ. તું તારું શ્વાનરૂપ ત્યજીને ચિત્તો થઈ જા.’ એટલે તે કૂતરો વિચિત્ર અંગવાળો કાબરચીતરો ચિત્તો થયો, તેના બધા દાંત મોટા થઈ ગયા, ત્યારે તે નિર્ભય બનીને વનની વચ્ચે રહેવા લાગ્યો. ત્યાર પછી એક ભયંકર શરીરવાળો, ભૂખે પીડાતો વાઘ તેની પાસે રુધિરલાલસાથી આવવા લાગ્યો. તે ચિત્તો વનવાસી, મોટી દાઢોવાળા ભૂખ્યા વાઘને જોઈને પોતાની જીવનરક્ષા માટે તે ઋષિની શરણે ગયો. સહવાસને કારણે ઋષિ એના પર પ્રેમ રાખતા હતા. એટલે જ તેમણે તે ચિત્તાને તેના શત્રુઓથી બળવાન વાઘ બનાવી દીધો. એટલે પેલા વાઘે ચિત્તામાંથી બની ગયેલો વાઘ પોતાની જાતિનો છે એ જોઈને માર્યો નહીં. એ કૂતરો તે સમયે વાઘ બનીને બળવાન થયો અને માંસાહારી બન્યો, હવે તેને ફલમૂળના ભોજનમાં રસ ન રહ્યો. મૃગરાજ સિંહ જેવી રીતે નિત્ય વનવાસી જીવોને મારી ખાવાની ઇચ્છા કરે છે તેવી રીતે તે વાઘ પણ એવો જ બન્યો. તે વાઘ એક દિવસ કુટીરની પાસે રહેનારા મૃગોને મારીને તેમના માંસથી તૃપ્ત થઈને સૂઈ રહ્યો હતો ત્યારે મત્તમેઘ જેવો એક ઉન્મત્ત હાથી ત્યાં આવી ચઢ્યો. તે હાથીના ગંડસ્થળમાંથી મદ ઝરી રહ્યો હતો. તેનું માથું મોટું હતું, તેના શરીરમાં પદ્મચિહ્ન હતું. તેના વિશાળ દંતશૂળ, ખૂબ જ મોટું શરીર, મેઘગર્જના જેવો અવાજ — આવા મદોન્મત્ત હાથીને જોઈને તે વાઘ હાથીની બીકે તે ઋષિ પાસે ગયો. તે ઋષિશ્રેષ્ઠે તે વાઘને હાથી બનાવી દીધો. સાચો હાથી પેલા વાઘને મહામેઘ જેવો હાથી બનેલો જોઈ ભયભીત થયો. ત્યાર પછી તે હાથી શલ્લકી, તથા કમળવનમાં કમળપરાગથી વિભૂષિત થઈને આનંદિત બની ઘૂમવા લાગ્યો. ઋષિની કુટીરની પાસે રહીને તે સુંદર હાથીએ આમતેમ ઘૂમતાં ઘૂમતાં કેટલીય રાત્રિઓ વીતાવી.

ત્યાર પછી પહાડોની કંદરામાં રહેનારો લાલ રંગની યાળવાળો, હાથીઓના કુળનો નાશ કરનારો કાળ સમાન એક સિંહ ત્યાં આવી ચઢ્યો. એ સિંહને આવતો જોઈ તે હાથી તેના ભયથી થરથર કાંપવા લાગ્યો અને ઋષિની શરણાગતિ તેણે શોધી. ત્યાર પછી મુનિએ તે ગજરાજને સિંહ બનાવ્યો, એટલે સમાન જાતિના વનના સિંહની તેણે પરવા ન કરી. વનનો સિંહ તેને સિંહ બનતો જોઈ બીને ચાલ્યો ગયો. પછી તે નકલી સિંહ વનમાં મુનિના આશ્રમમાં સુખપૂર્વક વસવા લાગ્યો. તપોવનમાં રહેતા બીજાં ક્ષુદ્ર પશુઓ તેનાથી ભય પામીને જીવવાની ઇચ્છાથી તપોવનની પાસે ફરકતા બંધ થયા. ત્યાર પછી કોઈ કાળયોગથી બધાં જ પ્રાણીઓનો સંહાર કરનાર, લોહી પીનારો, અનેક પ્રકારનાં પ્રાણીઓના મનમાં ભય પેદા કરનાર આઠ પગ, ઊર્ધ્વ પગવાળો વનવાસી શરભ તે સિંહનો શિકાર કરવા મુનિના આશ્રમ પાસે આવી પહોંચ્યો. મુનિએ તે સમયે પેલા સિંહને અત્યંત બળવાન શરભ બનાવ્યો. જંગલી શરભ મુનિએ બનાવેલા અત્યંત ભયંકર, બળવાન શરભને સામે જોઈને, ભયભીત થઈને ત્વરાથી વનમાંથી ભાગી ગયો.

આમ તે કૂતરો મુનિ દ્વારા શરભ બન્યો, તેમની નિકટ સુખેથી સમય પસાર કરવા લાગ્યો. વનનાં બધાં પ્રાણીઓ શરભના ભયથી પોતાનો જીવ બચાવવા બધી દિશાઓમાં ભાગવા લાગ્યા. તે દુષ્ટ શરભ દરરોજ પ્રાણીઓનો વધ કરવા લાગ્યો. તે માંસના સ્વાદથી લુબ્ધ બનીને ફળ, કંદમૂળના ભોજનની ઇચ્છા કરતો ન હતો. થોડા દિવસ પછી અકૃતજ્ઞ શરભ લોહી પીવાની પ્રબળ ઇચ્છાથી અત્યંત મુગ્ધ બનીને ઋષિને મારવાની ઇચ્છા કરવા લાગ્યો. તે મહા બુદ્ધિશાળી મુનિ તપોબળ અને દિવ્ય દૃષ્ટિથી તેની દુષ્ટ ઇચ્છા જાણી ગયા. અને પછી તે કૂતરાને કહેવા લાગ્યા, ‘તું પહેલાં કૂતરો હતો, મારા તપોબળથી તું ચિત્તો બન્યો, ચિત્તામાંથી વાઘ બન્યો, વાઘમાંથી મદ ઝરતો હાથી બન્યો, હાથીમાંથી સિંહ બન્યો. જો તારા પર પ્રેમભાવ રાખીને અનેક રીતે તારું સર્જન કર્યું, પરંતુ તારો સંબંધ જે તે કુળ સાથે ન બંધાયો, તું તારા કુળનો સંબંધ ત્યજી ન શક્યો. હે પાપી, હું પાપરહિત હોવા છતાં તું મને મારવાની ઇચ્છા કરે છે, તો તું તારી જાતિ પાછી મેળવ અને કૂતરો બની જા.’

ત્યાર પછી મુનિદ્વેષી, દુષ્ટ ચિત્તવાળો, મૂર્ખ શરભ ઋષિના શાપથી ફરી પહેલાંનું મૂળ રૂપ પામીને કૂતરો બની ગયો.

(શાંતિપર્વ, ૧૧૭)