ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/ત્રિપુરાસુરની કથા


ત્રિપુરાસુરની કથા

દેવદાનવ યુદ્ધમાં દેવોએ દાનવોને હરાવ્યા હતા, એટલે પછી તારકાસુરના ત્રણ પુત્ર તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલી જીવતા રહ્યા. તેમણે કઠોર તપ કરતાં કરતાં ઉત્તમ નિયમો પાળ્યા, તપ કરીને તેમણે શરીર સૂકવી નાખ્યાં. તેમના તપ અને સંયમથી પ્રસન્ન થઈને બ્રહ્મા વરદાન આપવા આવ્યા. તે ત્રણેએ એક સાથે વરદાન માગ્યું કે અમે પ્રાણીઓથી મૃત્યુ પામીએ નહીં.

‘જગતમાં કોઈ અમર થઈ શકતું નથી, એટલે હવે તપ બંધ કરો. બીજું કાંઈ વરદાન માગો.’

દૈત્યોએ પરસ્પર ચર્ચા કરીને સર્વલોકેશ્વર બ્રહ્માને પ્રણામ કરીને કહ્યું, ‘તમે અમને વરદાન આપો કે આ જગતમાં અમે ત્રણ નગર બનાવીને રહીશું. એક હજાર વર્ષ પછી અમે એકબીજાને મળીશું. જ્યારે આ ત્રણ નગર એક થઈ જાય ત્યારે જે અમારાં ત્રણે નગરોનો એક જ બાણથી વિનાશ કરી શકે તે દેવના હાથે અમારું મૃત્યુ થાય.’

બ્રહ્મા તથાસ્તુ કહીને સ્વર્ગે ગયા. આ વરદાન મેળવીને ત્રણેએ પ્રસન્ન ચિત્તે વિચાર કર્યો, પછી એમણે દાનવપૂજિત વિશ્વકર્મા મય દાનવને ત્રણ નગર બનાવવા કહ્યું. બુદ્ધિમાન મયે પોતાના વિદ્યાબળથી એક સોનાનું, બીજું ચાંદીનું અને ત્રીજું લોખંડનું નગર બનાવ્યાં. સોનાનું નગર સ્વર્ગમાં, ચાંદીનું આકાશમાં અને લોખંડનું નગર પૃથ્વી પર બનાવ્યું. આ દરેક નગર ઇચ્છાનુસાર હરફર કરી શકતું હતું. દરેક નગર સો યોજન લાંબું, સો યોજન પહોળું હતું; તેમાં અનેક મહેલ, અટ્ટાલિકા, પ્રાકાર અને તોરણ હતાં. ત્યાં અનેક સુંદર સ્થાન હતાં, મોટામોટા રસ્તા હતા, અનેક પ્રાસાદ, અને દ્વાર હતાં અને શોભામાં એ બધું વૃદ્ધિ કરતું હતું. બધા નગરોના રાજા અલગ અલગ હતા. સોનાનું નગર તારકાક્ષના હવાલે હતું. ચાંદીના નગરમાં કમલાક્ષ અને લોખંડના નગરમાં વિદ્યુન્માલી રાજા થયા. આ ત્રણે પોતાના પ્રખર તેજ વડે ત્રણે લોકને હંફાવી પ્રજાપતિની ઘોર ઉપેક્ષા કરવા લાગ્યા. એ દાનવોની સાથે લાખો-કરોડો દાનવો ચારે બાજુથી આવ્યા. તે બધા ઐશ્વર્ય પામવા ત્યાં રહેવા માગતા હતા. એ બધાને મયદાનવ ઇચ્છાનુસાર અપ્રાપ્ય વસ્તુઓ આપતો હતો. તેના આશ્રયે બધા નિર્ભય બનીને રહેતા હતા. ત્રિપુરવાસીઓને જે જે ઇચ્છા થતી તે બધી મય રાક્ષસ પોતાની માયાથી પૂરી કરી દેતો હતો. તારકાક્ષના હરિ નામના પુત્રે કરેલા કઠોર તપથી પ્રજાપતિ પ્રસન્ન થયા. અમારા નગરમાં એક વાવ ઊભી થાય. એના પાણીનો એવો પ્રભાવ હોય કે શસ્ત્રથી મૃત થયેલો વીર એમાં જાય, તો તે જીવતો થાય અને વધુ બળવાન થાય.’ વરદાન પામીને તારકાક્ષના વીરપુત્રે પોતાના નગરમાં વાવ બંધાવી, તે મરેલાઓને જીવનદાન આપનારી હતી.

આનું પરિણામ એ આવ્યું કે જે દૈત્ય જે દૈત્ય જે રૂપે જે વેશમાં મરી જાય તેને એમાં ડૂબાવવાથી તેજ રૂપે અને તે જ વેશે જીવી જતો હતો. આમ વાવમાં નવજીવન મેળવીને ત્રણે નગરના દૈત્યોએ બધાને હેરાન કરવા માંડ્યા. તપ કરી બેઠેલા દૈત્યોનો હવે દેવોને બહુ ભય લાગવા માંડ્યો. યુદ્ધમાં કોઈ રીતે તેમને નાશ થતો ન હતો. હવે એ દૈત્યો લોભી બન્યા, મોહવશ બન્યા. તેઓ વિવેકહીન નફ્ફટ બનીને નગરોમાં વસાવેલા લોકોને લૂંટવા લાગ્યા. વરદાનને કારણે અભિમાની બનેલા તે દૈત્યો ઘણાં સ્થળેથી દેવતાઓને, તેમના સેવકોને ભગાડીને ત્યાં રહેવા લાગ્યા, ઇચ્છાનુસાર વિહાર કરવા લાગ્યા. પછી એ દુરાચારી દાનવો મર્યાદા બાજુ પર મૂકીને દેવતાઓના પ્રિય અરણ્ય, ઋષિમુનિઓના પવિત્ર આશ્રમ અને રમણીય જનપદોનો વિનાશ કરવા લાગ્યા. આ બધા દેવ સાથે મળીને દૈત્યોના અત્યાચાર કહેવા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માને પ્રણામ કરીને બધી વાત જણાવી તથા દૈત્યોનો વધ કેવી રીતે કરી શકાય તે પૂછ્યું, તેમની વાત સાંભળીને બ્રહ્માએ કહ્યું, ‘દેવદ્વેષી દાનવો હમેશા તમને હેરાન કરે છે એટલે મારો પણ અપરાધ છે. હું બધાને સમાન ભાવે જોઉં છું પણ અધર્મીઓને તો મારવા જોઈએ. તમે બધા જગતસ્વામી, વિજેતા શંકરને યોદ્ધા તરીકે સ્વીકારો, તે બધા દાનવોનો નાશ કરશે.’ બ્રહ્માની વાત સાંભળીને ઇન્દ્ર અને બીજા દેવતાઓ બ્રહ્માને આગળ કરીને શંકર પાસે ગયા અને શંકરની સ્તુુતિ કરી...

આ સ્તુતિ સાંભળીને શંકર પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, ‘તમારો ભય નિર્મૂળ થવો જોઈએ. બોલો, તમારું કયું કાર્ય કરું?’

શંકરનું આવું અભય વરદાન મળ્યું એટલે બ્રહ્માએ કહ્યું, ‘હું તમારી આજ્ઞાથી આ પ્રજાપતિપદે છું. મેં દાનવોને એક વરદાન આપ્યું હતું, તેને કારણે દાનવો બહુ છકી ગયા છે. તમારા સિવાય તેમનો વધ કોઈ કરી શકે એમ નથી. એટલે, તમે એનો વધ કરો. અમે બધા દેવ તમારા શરણે આવ્યા છીએ, તમે પ્રસન્ન થઈ કૃપા કરો અને આ દૈત્યોને મારો.’

‘તમારા બધા શત્રુઓનો નાશ તો કરી શકાય. પણ હું એકલો દેવતાઓના શત્રુ દૈત્યોને મારી નહીં શકું. તમે બધા એકઠા થાઓ, મારાં અસ્ત્ર તેજથી સંપન્ન થાઓ અને દેવતાઓને યુદ્ધમાં જીતી લો. એક થવાથી જ મહાબલી થઈ શકાય છે. ’

‘અમારાં જેટલાં તેજ અને બળ છે એનાથી બમણાં એ દૈત્યો પાસે છે એવું અમે માનીએ છીએ. અમે તેમનાં બળ અને તેજ જોયાં છે.’

‘જે પાપીઓએ અમારો અપરાધ કર્યો છે તે બધા મરવા જોઈએ. એટલે મારા બળ અને તેજનો અડધો હિસ્સો સ્વીકારીને એ શત્રુઓને મારી નાખો.’

‘અમે અમારા અડધા તેજને સહી નહીં શકીએ, એટલે તમે જ અમારું અર્ધું બળ લઈને તે શત્રુઓનો નાશ કરો.’

દેવતાઓએ શંકર ભગવાનની વાત સ્વીકારી અને દેવતાઓના તેજનો અડધો હિસ્સો લઈને શંકર બહુ તેજસ્વી બન્યા, વધુ બળવાન બન્યા, ત્યારથી શંકરનું નામ મહાદેવ પ્રસિદ્ધ થયું. ‘હું ધનુષબાણ લઈને રથમાં બેસીશ અને શત્રુઓનો નાશ કરીશ. રાક્ષસોને, ધરાશાયી કરી શકાય એટલા માટે તમે મારા માટે રથ, ધનુષ બાણ શોધી રાખો.’

‘અમે ત્રણે લોકોની બધી મૂતિર્ઓનું તેજ એકત્રિત કરીને તમારા માટે તેજસ્વી રથ બનાવીશું. વિશ્વકર્માએ બનાવેલો એ રથ ઉત્તમ હશે. પછી બધાએ શંકર ભગવાનનો રથ બનાવ્યો. વિશાળ નગરો, અનેક પર્વત, વન, દ્વીપોવાળી, બધાં પ્રાણીઓના આધારરૂપ પૃથ્વીને શિવનો રથ બનાવી. તે રથની ધુરા મંદરાચલ પર્વત, મહા નદી ગંગા રથના પૈંડાંની નાભિ બન્યાં. દિશા-પ્રદિશા રથનું આવરણ હતી. ચમકતા ગ્રહ અનુકર્ષ બન્યા, તારા રથની રક્ષા માટે જાળ બન્યા, ધર્મ-અર્થ-કામ: આ ત્રણેને જોડીને રથની બેઠક બનાવી. ફૂલફળ સમેત ઔષધિઓ અને લતાઓ ઘંટ બન્યા. સૂર્ય-ચંદ્ર રથનાં પૈડાં બન્યાં; રાત-દિવસ તેનાં અંગ બન્યા. ધૃતરાષ્ટ્ર વગેરે દશ નાગરાજ ઈષાદંડમાં સમાયા. શમી, ધૃતિ, મેધા, સ્થિતિ, સંનતિ, ગ્રહનક્ષત્ર તારા વગેરેએ છત્ર બનાવ્યું. ઇન્દ્ર, વરુણ, યમ અને કુબેર રથના ઘોડા બન્યા; સિનીવાલી, અનુમતિ, કુહૂ, સુવ્રતી રાકા ઘોડાની લગામો બની, તે દેવતાઓ લગામના કાંટા બન્યા. કર્મ, સત્ય, તપ, અર્થ લગામ બન્યા. મન રથની આધારભૂમિ બન્યું, સરસ્વતી આ રથની આગળ જનારો માર્ગ બની. પવનને કારણે અનેકરંગી ધજાપતાકા ફરફરવા લાગી. વીજળી અને ઇન્દ્રધનુ સમેત તે દિવ્ય રથ ઝગમગવા લાગ્યો.

આમ શત્રુનાશક એ રથ દેવતાઓએ બનાવ્યા. તે રથમાં ભગવાને પોતાના શસ્ત્ર-અસ્ત્ર મૂક્યાં, રથને આકાશવ્યાપી કરી તેના પર નંદીને બેસાડ્યો. બ્રહ્મદંડ, કાલદંડ, રુદ્રદંડ જ્વર બધી દિશાઓને પ્રકાશિત કરતા રથની રક્ષા કરવા તૈયાર થયાં. અથર્વા અને અંગિરા ઋષિ રથના પૈડાંના રક્ષક બન્યા. ઋગ્વેદ, સામવેદ, પુરાણ-આગળ ચાલવા લાગ્યા. ઇતિહાસ અને યજુર્વેદ પાછળથી રથની રક્ષા કરવા લાગ્યા; દિવ્ય વાણી-બધી વિદ્યા પાર્શ્વવર્તી બન્યાં. અંકુશ, કવચ, ઓંકાર શોભી ઊઠ્યા. શિવે છ ઋતુઓ સમેત સંવત્સર વડે વિચિત્ર ધનુષ બનાવ્યું, મનુષ્યોની કાલરાત્રિને એ ધનુષની પ્રત્યંચા બનાવી. વિષ્ણુ, અગ્નિ અને ચન્દ્રમા બાણ બન્યા. અગ્નિ અને ચન્દ્રમા સમગ્ર જગતનાં તેજ ગણાય, અને આખું જગત વિષ્ણુમય હોય છે. અનન્ત તેજસ્વી શિવનો આત્મા વિષ્ણુ છે. બાણોમાં પોતાના અસહ્ય ક્રોધને તથા ભૃગુ-અંગિરાના રોષથી જન્મેલ ક્રોધાગ્નિ મૂક્યો. ધૂમ્રવર્ણવાળા, ચર્મધારી, ભયંકર, હજારો સૂર્ય સમાન તેજસ્વી નીલલોહિત શંકર તેજોમય જ્વાળાઓથી વીંટળાઈને પ્રકાશવા લાગ્યા. જેમને હરાવવા મુશ્કેલ છે એવાઓને પણ હરાવનારા, સમર્થ, વિજયી, બ્રહ્મદ્વેષીઓનો નાશ કરનારા, ધામિર્કોના રક્ષક અને અધર્મીઓના વિનાશક શંકર છે.

એ દિવ્ય રથ જોઈને શિવે કવચ પહેર્યું. અને ધનુષ લઈને ચન્દ્રમા, વિષ્ણુ, અને અગ્નિવાળું દિવ્ય બાણ ચઢાવ્યું. દેવતાઓએ પવિત્ર સુવાસ વહેવડાવતા વાયુને શિવના રથના ઘોડા બનાવ્યા. મહાદેવ દેવતાઓને પણ બીવડાવતા અને પૃથ્વીને ધુ્રજાવતા દાનવોનો વધ કરવા રથમાં બેઠા. પછી પ્રસન્ન, વરદાન આપનારા, તલવાર, ધનુષ અને કવચધારી શિવે હસતાં હસતાં પૂછ્યું — ‘સારથિ કોણ બનશે?’

‘તમે જેને સારથિ બનાવવા ઇચ્છશો તે સારથિ થશે એમાં કોઈ શંકા નથી.’

‘તમે જ અંદર અંદર વિચારીને મારાથી શ્રેષ્ઠ દેવને સારથિ બનાવવામાં વિલંબ ન કરો.’

ભગવાનની વાત સાંભળીને બધા દેવ બ્રહ્મા પાસે ગયા, તેમને પ્રસન્ન કરીને કહ્યું, ‘દેવશત્રુઓના વધ માટે તમે જે કહ્યું હતું તે પ્રમાણે અમે કહ્યું. ભગવાન પ્રસન્ન છે. અમે અનેક વિચિત્ર આયુધોવાળો એક રથ બનાવ્યો છે પણ એવા ઉત્તમ રથનો સારથિ કોણ થશે તેની અમને નથી ખબર. તમે કોઈને સારથિ બનાવો. શત્રુઓને ભગાડનારો ઉત્તમ રથ અમે બનાવ્યો છે. પિનાકપાણિને યોદ્ધા બનાવીને તેમાં બેસાડ્યા છે, તેઓ દાનવોને બીવડાવી યુદ્ધ કરવા તૈયાર છે. ચારેય વેદ ઉત્તમ ઘોડા છે. વન અને પર્વતો સમેત પૃથ્વી રથ છે. નક્ષત્ર સમુદાય કવચ વગેરે છે, હવે સારથિની જ ખોટ છે. અમારામાં જે શ્રેષ્ઠ છે તેને સારથિ બનાવો. રથ, ઘોડા, યોદ્ધા — આ બધા સારથિ પર આધાર રાખે છે. કવચ, શસ્ત્ર, ધનુષની સફળતા સારથિ પર જ ટકે છે. અમારી દૃષ્ટિએ તો તમારા સિવાય બીજો કોઈ સારથિ દેખાતો નથી. તમે બધા દેવોમાં શ્રેષ્ઠ છો, સર્વગુણસંપન્ન છો. જગતના સ્વામી છો. તો તમે શિવના સારથિ બનીને ઉત્તમ અશ્વોને હાંકો.

દેવતાઓએ આ રીતે ત્રણે લોકના સ્વામી પિતામહ બ્રહ્માને નતમસ્તકે સારથિ બનાવવા પ્રસન્ન કર્યા.

‘દેવતાઓ, તમે જે કહ્યું એમાં જરાય ખોટું નથી. યુદ્ધ કરનારા શંકર ભગવાનના ઘોડા અમે હાંકીશું.’

અને એમ જગતના કર્તાહર્તા પિતામહ બ્રહ્માને દેવતાઓએ સારથિ બનાવ્યા.

લોકપૂજ્ય બ્રહ્મા જ્યારે રથ પર ચઢવા ગયા ત્યારે વાયુવેગી ઘોડા તરત જ જમીન પર માથું ટેકવી ઝૂક્યા. ત્રણે લોકના સ્વામી બ્રહ્માએ ઘોડાઓની લગામ પકડી અને તેમણે મનોવેગી, વાયુવેગી ઘોડા હંકાર્યા, રથ પર બેસીને ભગવાન શંકર જ્યારે દાનવોનો વધ કરવા નીકળ્યા ત્યારે હસતાં હસતાં તે બોલ્યા,

‘જ્યાં દૈત્યો છે ત્યાં તમે સાવધ થઈને ઘોડા હંકારી જાઓ. આજે તમે શત્રુઓને હરાવનારું મારું બાહુબળ જોશો.

પછી બ્રહ્માએ તે મનોવેગી ઘોડાને આકાશમાં ઊડતા હોય તેમ ચલાવ્યા અને દૈત્યો-દાનવોથી રક્ષાયેલા ત્રણે નગરોની દિશામાં હંકાર્યા.

શિવે ધનુષ પર પ્રત્યંચા ચઢાવી, પાશુપત્ર અસ્ત્રનું સ્મરણ કરી ત્રણે નગરને એકત્રિત કરવા ઇચ્છ્યું. આમ જ્યારે શિવે ધનુષ સજ્જ કર્યું ત્યારે કાળની પ્રેરણાથી ત્રણે નગર એક થઈ ગયાં. એમને એવી રીતે ભેગાં થયેલાં જોઈ દેવતાઓને બહુ આનંદ થયો, ઋષિઓ પણ આનંદિત થઈને સ્તુતિ કરવા લાગ્યા. પછી અસુરોને મારનારા, અવર્ણનીય -ઘોર રૂપ ધારી શિવ આગળ ત્રિપુરો આવ્યા. ભગવાન શંકરે દિવ્ય ધનુષની પણછ ખેંચી અને ત્રણે લોકનું સારભૂત બાણ ચલાવી ત્રણે નગરના દૈત્યોને પશ્ચિમ સમુદ્રમાં નાખી દીધા. તેમણે ક્રોધે ભરાઈને ત્રણે નગર અને નગરમાં રહેતા દાનવોને બાળી નાખ્યા. પછી પોતાના ક્રોધથી ઉત્પન્ન થયેલા અગ્નિને ભગવાને અટકાવ્યા, ‘તમે ત્રણે લોકને ભસ્મ ન કરતા.’ પછી બધા દેવતા, ઋષિઓ અને લોકો મહાતેજસ્વી શંકરની સ્તુતિ કરવા લાગ્યા. તેમની આજ્ઞા લઈને બ્રહ્મા અને બીજા દેવ જેવા આવ્યા હતા તેવા પોતપોતાના સ્થાને જતા રહ્યા.


(કર્ણ પર્વ, ૨૪)