ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/દમ્ભોદ્ભવની કથા


દમ્ભોદ્ભવની કથા

પ્રાચીન કાળમાં દમ્ભોદ્ભવ નામના રાજા સમગ્ર પૃથ્વી ઉપર રાજ કરતા હતા. તે મહારથી અને પરાક્રમી રાજા દરરોજ સવારે ઊઠીને બ્રાહ્મણોને, ક્ષત્રિયોને પૂછે. ‘મારી સાથે યુદ્ધવિદ્યામાં ચઢિયાતો હોય કે મારો બરોબરિયો હોય એવો આ જગતમાં કોઈ શસ્ત્રધારી શૂદ્ર, વૈશ્ય, ક્ષત્રિય કે બ્રાહ્મણ એવો છે ખરો — આમ પૂછ્યા કરતા દમ્ભોદ્ભવ રાજા બહુ અભિમાનથી છકી જઈને બીજા કોઈને લેખમાં લીધા વિના આ પૃથ્વી પર ભમ્યા કરતા હતા. તે વેળા નિર્ભય, ઉદાર અને વિદ્વાન બ્રાહ્મણોએ વારંવાર આત્મપ્રશંસા કરનારા રાજાને ટોક્યા હતા. અને છતાં મહાઘમંડી, ઐશ્વર્યથી છકી ગયેલો તે રાજા બ્રાહ્મણોને વારંવાર પૂછ્યા કરતો હતો. એક દિવસે બ્રાહ્મણોને વારંવાર પૂછ્યા કરતો હતો. ક્રોધે ભરાઈને વારંવાર પૂછી રહેલા રાજાને કહ્યું,

‘જે પુરુષોમાં સિંહસમાન પરાક્રમી બે પુરુષોની મૈત્રી અનેક પ્રકારના ઐશ્વર્યોને જન્મ આપે છે. તમે એમના જેવા કદી થઈ નહીં શકો.’

આવું સાંભળીને રાજાએ કહ્યું, ‘ એ બે વીર પુરુષો છે ક્યાં? એમનો જન્મ ક્યાં થયો હતો? એમની સિદ્ધિઓ કઈ? એમનાં નામ?

‘નરનારાયણ નામના તપસ્વીઓ છે, માનવલોકમાં જ છે. તમે જઈને તેમની સાથે યુદ્ધ કરો. સાંભળ્યું છે કે વર્ણન ન કરી શકાય એવું ભારે તપ તેઓ ગંધમાદન પર્વત પર કરી રહ્યા છે.’

રાજા આ વાત જિરવી ન શક્યા. તેમણે તો રથ, હાથી, ઘોડા, ઊંટ, પાયદળ, ગાડા વગેરે વડે સેના સજ્જ કરીને અજેય એવા તપસ્વીઓ જ્યાં રહેતા હતા ત્યાં કૂચ આદરી. રાજા તે દુર્ગમ અને ભયાનક ગંધમાદન પર્વત પર અજેય તપસ્વીઓ પાસે જઈ પહોંચ્યા. તે બંને ભૂખેતરસે દુર્બળ થઈ ગયા હતા. તેમના આખા શરીરની નાડીઓ દેખાતી હતી, તાપતડકો અને પવન વેઠી વેઠીને સાવ કંતાઈ ગયા હતા. પાસે જઈને રાજાએ પગે લાગીને એમના ખબરઅંતર પૂછ્યા. નર-નારાયણે રાજાનો આદરસત્કાર કર્યો, પાણી, ફળ-મૂળ આપીને ભોજનનું કહ્યું. પછી પૂછ્યું, ‘અમે તમારી શી સેવા કરીએ?’

‘મેં મારા બાહુબળથી આખી પૃથ્વી જીતી લીધી છે, બધા શત્રુઓને મારી નાખ્યા છે. હવે હું તમારી સાથે યુદ્ધ કરવાની ઇચ્છાથી અહીં આવ્યો છું. આ મારો મનોરથ બહુ જૂનો છે. માની લો કે અતિથિસત્કાર આ જ રીતે કરો.’

‘રાજન્, આ અમારો આશ્રમ ક્રોધ અને લોભ વિનાનો છે. અહીં ક્યારેય યુદ્ધ થતું નથી. અસ્ત્ર, શસ્ત્ર અને કુુુટિલ મનોવૃત્તિવાળો મનુષ્ય રહી જ શકે કેવી રીતે? આ પૃથ્વી પર ક્ષત્રિયો ઘણા છે, તમે એમની સાથે યુદ્ધ કરીને તમારી ઇચ્છા પૂરી કરો.’

આ બંને તપસ્વીઓએ વારંવાર આમ કહીને રાજાની ક્ષમા માગી, તેમને સમજાવ્યા, તો પણ દમ્ભોદ્ભવ તો યુદ્ધની માગણી કરીને બંનેને પડકારતા જ રહ્યા. એટલે નર તપસ્વીએ હાથમાં એક મૂઠી રેતી લઈને કહ્યું, ‘લો, યુદ્ધની ઇચ્છા છે ને! આવો અને કરો યુદ્ધ. તમારાં બધાં અસ્ત્રશસ્ત્ર લો, આખી સેનાને તૈયાર કરો. આજે તમારો યુદ્ધોત્સાહ ખતમ કરી દઈશ.’

‘તપસ્વીઓ, જો તમે આ જ શસ્ત્રને યોગ્ય માનો છો તો પણ હું તમારી સાથે યુદ્ધ કરીશ, એટલા માટે તો અહીં આવ્યો છું.’

એમ કહીને દમ્ભોદ્ભવે અને એના સૈનિકોએ તપસ્વી નરને મારી નાખવા બધી બાજુથી બાણો છોડવા માંડ્યાં. શત્રુના શરીરને છિન્નભિન્ન કરી નાખનારાં બાણ ચલાવતા દમ્ભોદ્ભવની પરવા કર્યા વિના તપસ્વીએ એ ભયંકર બાણોને નિવાર્યાં. પછી કોઈનાથી ન હારનાર તપસ્વીએ રાજા ઉપર ઐષીકાસ્ત્ર ફેંક્યું, તેનું નિવારણ અશક્ય હતું. આમ દમ્ભોદ્ભવના સૈનિકોનાં આંખ, કાન, મસ્તક વીંધી નાખ્યાં. આખું આકાશ શ્વેત શ્વેત થઈ ગયું. એટલે રાજાનો પરાભવ કરનારા તપસ્વીએ કહ્યું, ‘આજથી તમે બ્રાહ્મણોના હિતચિંતક બનો, ધર્માત્મા બનો. ફરી કદી આવું સાહસ ન કરતા. અભિમાનથી છકી જઈને નાનામોટા રાજાઓ પર કોઈ પ્રકારે આક્ષેપ ન કરતા. એમાં જ તમારું હિત છે. તમે નમ્ર, નિર્લોભી, અહંકારરહિત, મનસ્વી, જિતેન્દ્રિય, ક્ષમાશીલ, કોમળ, કલ્યાણકારી બનીને પ્રજા પાલન કરો. હવે હું તમને વિદાય આપું છું. આવું ન કરતા. બ્રાહ્મણોના ખબરઅંતર પૂછતા રહેજો.’

પછી રાજા બંને તપસ્વીઓને પગે લાગીને રાજધાનીમાં પાછા ગયા, અને ધર્મમાં મન પરોવવા લાગ્યા. આમ મહા તપસ્વી નરે આ અદ્ભુત કાર્ય કર્યું હતું. તેમનાથી પણ વધુ ગુણ નારાયણમાં હતા.

(ઉદ્યોગપર્વ, ૯૪)