ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/વિશ્વામિત્ર, દુકાળ અને ચાંડાળ


વિશ્વામિત્ર, દુકાળ અને ચાંડાળ

ત્રેતા અને દ્વાપર યુગના સંધિ સમયે જગતમાં દૈવને કારણે બાર વર્ષ સુધી ઘોર અનાવૃષ્ટિ થઈ. ત્રેતાના અન્તે તથા દ્વાપરના આરંભે પ્રજાની ખાસ્સી વૃદ્ધિ થઈ હતી. વરસાદ ન આવ્યો એટલે પ્રલયકાળ આવી ગયો. સહાક્ષે (ઇન્દ્રે) વર્ષા ન મોકલી, બૃહસ્પતિ પ્રતિકૂળ થઈ ગયા, ચંદ્રમંડળે પોતાનાં લક્ષણ ત્યજીને દક્ષિણ માર્ગથી ગમન કર્યું હતું. તે સમયે રાત્રિના અંતે ઝાકળ પડતું ન હતું, વાદળો દેખાવાની તો વાત જ શી, નદીઓનાં પાણી આછાં થઈ ગયાં અને બીજી નદીઓ અદૃશ્ય થઈ ગઈ. મોટાં સરોવર, સરિતાઓ કૂવા, ઝરણાં દૈવવશ કે સ્વાભાવિક અનાવૃષ્ટિને કારણે પાણી વિનાનાં, પ્રભાહીન થવાથી તે અલક્ષિત બન્યાં (ત્યાં કોઈ જતું ન હતું.) જલસ્થાન જલશૂન્ય બન્યાં, પાણીના અભાવે પરબો બંધ થઈ ગઈ, બ્રાહ્મણોના યજ્ઞ, વેદાધ્યયન, વષટકાર જેવાં મંગલ કાર્યો બંધ થયાં. કૃષિકાર્ય, ગોરક્ષાનો નાશ થયો. યજ્ઞના સ્તંભ, યજ્ઞ, સમસ્ત મહોત્સવો નાશ પામ્યા. ચારે બાજુ અસ્થિ, કંકાલ પડ્યાં હતાં, પ્રજા વ્યાકુળ થઈને હાહાકાર કરતી હતી, ઘણાં બધાં નગર શૂન્ય થઈ ગયાં, ગામ, ઘર આગથી સળગી ગયાં. બધા લોકોના સ્થાન ચોરને કારણે, કોઈ સ્થળ શસ્ત્રોને કારણે, કોઈ સ્થળ રાજાને કારણે અથવા ક્ષુધાતુર મનુષ્યોથી પીડાવાને કારણે, પરસ્પરના ભયને કારણે બધાં ગામ સૂનાં અને નિર્જન થઈ ગયાં. બધાં દેવસ્થળો નાશ પામ્યાં, બાળકો અને વૃદ્ધો મૃત્યુ પામ્યા; ગાય, બકરાં, ઘેટાં, ભેંસો મરણ પામ્યાં; બધા ભૂખાળવા હતા એટલે એકબીજાની વસ્તુઓ ચોરી જતા હતા. બ્રાહ્મણો મૃત્યુના ગ્રાસ બન્યા, રક્ષકો નાશ પામ્યા, ઔષધિઓ નષ્ટ થઈ, બીજું તો શું? પૃથ્વીલોકનાં બધાં પ્રાણી શ્યામ રંગના થઈ ગયાં. આ ભયાનક કાળ વેળાએ ધર્મ નાશ પામ્યો હતો એટલે મનુષ્યો ભૂખને કારણે એકબીજાનું માંસ ખાઈને ભ્રમણ કરતા હતા. અગ્નિના ઉપાસકો જપ, હોમ, નિયમ ત્યજીને, આશ્રમમાંથી ભાગી જઈને આમતેમ દોડતા હતા. બુદ્ધિમાન વિશ્વામિત્ર મહર્ષિ ભૂખે પીડાઈને ઘરબાર ત્યજી દઈ ચારે બાજુ દોડતા હતા. તેઓ એક વેળા વનની વચ્ચે પ્રાણઘાતક હિંસક ચાંડાળોની વસતીમાં જઈ ચઢ્યા. ત્યાં જઈને જોયું તો એ સ્થળ ભાંગેલા ઘડા, કૂતરાના ચામડાને ચીરનારાં હથિયાર, વરાહ, ગર્દભનાં તૂટેલાં હાડકાં, ઘટ વગેરેથી ભરચક હતું. મૃત્યુ પામેલા મનુષ્યોનાં વસ્ત્રો ચારે બાજુ હતાં, તેમનાં ઘર ઉતારી લીધેલી પુષ્પમાળાઓથી સજાયેલાં હતાં; તેમની ઝૂંપડીઓ સાપની કાંચળીઓથી સુશોભિત થયેલી હતી. તેમના દેવાલયે ઘુવડની પાંખોની ધજાઓ હતી, તે સ્થળો લોખંડની ઘંટડીઓથી શોભતાં હતાં, કૂતરાંના ટોળેટોળાં ત્યાં હતાં. મહર્ષિ ગાધિપુત્ર ક્ષુધાતુર થઈને ખાદ્ય પદાર્થો શોધવા પ્રયત્ન કરતા હતા. પરંતુ ભિક્ષા માગવા છતાં ક્યાંયથી તેમને માંસ, અન્ન, મૂળ, ફળ તથા બીજી કશી ભોજનની સામગ્રી મળી નહીં. ‘અરેરે, શી વિપદ આવી ચઢી છે.’ એમ વિચારીને વિશ્વામિત્ર નબળાઈને કારણે એ જ વસતીમાં એક ઘર આગળ ભૂમિ પર પડી ગયા. શું કરવાથી મારું ભલું થશે અને કઈ રીતે વગર અન્ને મારું નિરર્થક મૃત્યુ ન થાય એવી ચિંતા તે કરવા લાગ્યા. મુનિએ ચિંતા કરતાં કરતાં જોયું કે ચાંડાળને ત્યાં તાજેતરમાં જ શસ્ત્રથી મારેલા કૂતરાના માંસનો ટુકડો પડ્યો હતો. તે જોઈને મુનિ વિચાર કરવા લાગ્યા, અત્યારે જીવ બચાવવા માટે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી, એટલે મારે માંસની ચોરી કરવી પડશે. આપત્તિ કાળમાં પ્રાણરક્ષા માટે બ્રાહ્મણે શ્રેષ્ઠ, સમાન કે હલકા મનુષ્યોના ઘરમાં ચોરી કરવી યોગ્ય છે, આ ચોરી નથી કહેવાતી એવું શાસ્ત્ર કહે છે. સૌથી પહેલાં હલકા માણસના ઘરમાંથી, પછી સમાન વ્યક્તિના ઘરમાંથી, અને એ પણ અસંભવ લાગે ત્યારે વિશિષ્ટ ધાર્મિકોના ઘરમાંથી ચોરી કરવી જોઈએ. એટલે જીવ જઈ રહ્યો છે ત્યારે આ ચાંડાલોના ઘરમાંથી કૂતરાનું માંસ ચોરીશ, કોઈની પાસેથી દાન લેવામાં જે દોષ છે તેનાથી વધારે દોષ મને આ ચોરીમાં દેખાતો નથી. મહામુનિ વિશ્વામિત્ર આવી બુદ્ધિથી ચાંડાલ રહેતા હતા ત્યાં સૂઈ ગયા. જ્યારે રાત ગાઢ અંધકાર વ્યાપ્યો અને ચાંડાલના ઘરના સૂઈ ગયા ત્યારે ભગવાન ધીમે રહીને ઊઠ્યા અને તેની ઝૂંપડીમાં પ્રવેશ્યા. તે કુરૂપ ચાંડાળ શ્લેષ્મયુક્ત આંખે નિદ્રાધીન લાગતો હતો પણ તે જાગતો હતો, મુનિને આવતા જોઈને રુક્ષ અને ફાટેલા અવાજે કહેવા લાગ્યો, ‘બધા સ્વજનો સૂઈ ગયા છે, એકલો હું જ જાગું છું, ત્યારે અત્યારે મારા ઘરમાં પેસીને માંસ ચોરવા કોણ દંડ ઉખાડે છે? હવે તું મરી જ ગયો જાણજે.’ એટલે વિશ્વામિત્ર ચોરીને કારણે વ્યાકુળ અને શરમિંદા થઈને તે સામે જ આવેલા ભયને જોઈને બોલ્યા, ‘એ તો હું.’

પવિત્ર અંત:કરણવાળા મહર્ષિનું આવું વચન સાંભળીને ચાંડાલ શંકિત ચિત્તે પથારીમાંથી બેઠો થઈ તેમની પાસે આવ્યો. બંને આંખોમાંથી આંસુ વહેવડાવતો, સમ્માનપૂર્વક હાથ જોડી તે વિશ્વામિત્રને કહેવા લાગ્યો, ‘હે બ્રહ્મન્, આટલી રાતે તમારે શું જોઈએ છે?’

ચાંડાળને ધીરજ બંધાવીને વિશ્વામિત્રે કહ્યું, ‘હું બહુ ભૂખ્યો છું, એટલે મરવા જેવો થઈને તારા ઘરમાંથી આ કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈ જઈશ. મારો જીવ નીકળી રહ્યો છે, ક્ષુધાને કારણે મારી સ્મૃતિ નાશ પામી રહી છે, સ્વધર્મ સારી રીતે જાણતો હોવા છતાં હું કૂતરાનું માંસ ચોરી જવા તૈયાર થયો છું. મેં તમારી વસતીમાં ઘેર ઘેર ભિક્ષા માગી, ક્યાંય ન મળી એટલે અત્યારે પાપ કરવા તૈયાર થયો છું, હું આ કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈ જઈશ. હું ભૂખે પીડાતો, પાપથી ઘેરાયેલો હું અહીં આવ્યો છું. ભોજનની ઇચ્છાવાળા એવા પુરુષને લાજશરમ હોતાં નથી. અત્યારે ભૂખને કારણે હું દૂષિત થયો છું. હું આ કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈ જઈશ. અગ્નિદેવ બધા જ દેવતાઓના મુખ છે, પુરોહિત હોવાને કારણે પવિત્ર વસ્તુઓનું જ ભક્ષણ કરે છે, તેમને પણ સમય આજે સર્વભુક્ત (બધું જ ખાનારો) થવું પડે છે. એટલે હું સર્વભક્ષી થવા છતાં ધર્માનુસાર તો બ્રાહ્મણ જ છું.’

ચાંડાળે કહ્યું, ‘હે મહર્ષિ, મારી વાત સાંભળો. તે સાંભળીને જેનાથી તમારો ધર્મનાશ આ સંજોગોમાં નષ્ટ ન થાય એવું અનુષ્ઠાન કરો. પંડિતો કૂતરાં કરતાં શિયાળને નિકૃષ્ટ માને છે; તેની સાથળનું માંસ શરીરના ઉપલાભાગ કરતાં વધારે નિકૃષ્ટ હોય છે. હે મહર્ષિ, તમે જે નિશ્ચય કર્યો છે તે ઉત્તમ કાર્ય નથી. ચાંડાળનું અભક્ષ્ય માંસ લઈ જવું અત્યંત નીચ કર્મ છે. જીવવા માટે કોઈ બીજો ઉપાય વિચારો. હે મહામુનિ, માંસલોભથી તમારી તપસ્યા નષ્ટ થવી ન જોઈએ. તમે શાસ્ત્રોક્ત માર્ગ જાણો છો, તો પછી ધર્મસંકટ કરવું યોગ્ય નથી, તમે ધર્મજ્ઞોમાં અગ્રણી છો તો ધર્મનો ત્યાગ ન કરો.’

ચાંડાળની આ વાત સાંભળીને ભૂખે પીડાતા મહામુનિ વિશ્વામિત્રે ઉત્તર આપ્યો. ‘ભૂખ્યા પેટે રખડી રખડીને મેં બહુ સમય વીતાવ્યો છે, હવે પ્રાણ ટકાવવા માટે બીજો કોઈ ઉપાય નથી. જ્યારે જીવ જઈ રહ્યો હોય ત્યારે જે કોઈ કાર્ય વડે જીવિત રહેવાતું હોય તે કરવું, ત્યાર પછી સામર્થ્ય આવે ત્યારે ધર્માચરણ કરવું. ક્ષત્રિય માટે ઇન્દ્રની જેમ પાલન કરવું તે ધર્મ છે. અગ્નિની જેમ બ્રાહ્મણ માટે સર્વભક્ષી થવું એ ધર્મ છે. વેદ રૂપી અગ્નિ મારું બળ છે. હું એ જ બળનો આધાર લઈ અભક્ષ્ય માંસ ખાઈને અત્યારે ભૂખ શમાવીશ. જે કોઈ ઉપાયે જીવન ધારણ થઈ શકે, એવો પીડારહિત પ્રયત્ન કરવો જોઈએ. જીવન મૃત્યુ કરતાં શ્રેષ્ઠ છે, જીવતા રહીશું તો ફરી ધર્માચરણ કરી શકાશે. એટલે હું પ્રાણ ટકાવવા જ્ઞાનપૂર્વક અભક્ષ્ય ખાવા ઉદ્યત થયો છું. તું મને સાથ આપ. હું જીવતો રહીને ધર્માચરણ કરીશ, જેવી રીતે સૂર્ય વગેરે ઘોર અંધકારનો નાશ કરે છે એવી રીતે વિદ્યા અને તપોબળથી બધાં અશુભ કર્મોનો નાશ કરીશ.’

ચાંડાળે કહ્યું, ‘આ અભક્ષ્ય માંસ ખાઈને કોઈ પરમ આયુ મેળવી શકતો નથી, પ્રાણશક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી, અમૃતપાનની જેમ તૃપ્તિ થતી નથી. એટલે તમે કોઈ બીજી ભીખ માગો, કૂતરાના માંસમાં જીવ ન પરોવો, બ્રાહ્મણો માટે કૂતરો અભક્ષ્ય છે.’

વિશ્વામિત્રે કહ્યું, ‘આ દુર્ભિક્ષના સમયે બીજું માંસ સુલભ નથી, બીજું અન્ન મળવાનોય સંભવ નથી. મારી કશી સંપત્તિ નથી. હું ક્ષુધા નિમિત્તે નિરુપાય છું. નિરાશ છું, એટલે આ કૂતરાના માંસમાંથી ખટરસનો સ્વાદ લેવો ઉત્તમ માનું છું.’

ચાંડાળે કહ્યું, ‘હે દ્વિજ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યો માટે પાંચ પ્રકારના પાંચ નખવાળા પશુ જ આપત્તિના સમયે ભક્ષ્ય માન્યા છે. આ બાબતમાં તમે જો શાસ્ત્રને પ્રમાણ માનો છો તો અભક્ષ્ય વસ્તુ ખાવા તત્પર ન થાઓ.’

વિશ્વામિત્રે કહ્યું, ‘અગસ્ત્ય મુનિએ ભૂખને કારણે વાતાપિ નામના અસુરનું ભક્ષણ કર્યું હતું, હું પણ આપત્તિગ્રસ્ત છું, ક્ષુધાર્ત છું, એટલે કૂતરાનું મહાનિકૃષ્ટ માંસ આરોગીશ.’

ચાંડાળે કહ્યું, ‘તમે બીજી કોઈ ભિક્ષા લઈ આવો. આમ અભક્ષ્યનું ભક્ષણ કરવું તમારા માટે યોગ્ય નથી. આ તમારું કર્તવ્ય નથી, અને છતાં જો તમારી ઇચ્છા હોય તો કૂતરાનું માંસ લઈ જાઓ.’

વિશ્વામિત્રે કહ્યું, ‘ધર્માચરણની બાબતમાં શિષ્ટ પુરુષો જ દૃષ્ટાંત રૂપ છે, એટલે હું તેમનાં ચરિત્રોનું અનુસરણ કરીશ. આ કૂતરાનું માંસ પવિત્ર સામગ્રી જેટલું જ ભક્ષણયોગ્ય છે.’

ચાંડાળે કહ્યું, ‘આ સાધુ પુરુષે જેવું આચરણ કર્યું હોય તે સનાતન ધર્મ નથી. ન કરવા જેવું કાર્ય કરવું તમારા માટે યોગ્ય નથી. છળ કરીને પાપમય કાર્ય ન કરો.’

વિશ્વામિત્રે કહ્યું, ‘કોઈ ઋષિ જેને પાતક કહેવાય અથવા જેની નિંદા કરી હોય એવું કોઈ કાર્ય કરતા નથી. પરંતુ અત્યારે હું કૂતરો અને હરણ બંનેને સરખા ગણું છું, હું કૂતરાનું નિકૃષ્ટ માંસ ખાઈશ.’

ચાંડાળે કહ્યું, ‘વાતાપિ બ્રાહ્મણોને ખાઈ જતો હતો એટલે મહર્ષિ અગસ્ત્યે બ્રાહ્મણોની પ્રાર્થના પ્રમાણે તેનું ભક્ષણ કર્યું હતું. એવી સ્થિતિમાં નરમાંસ ભક્ષણ દોષયુક્ત નથી. જેમાં પાપનો સ્પર્શ ન હોય તે ધર્મ છે અને બધા જ પ્રકારના ઉપાય વડે બ્રાહ્મણોની રક્ષા કરવી યોગ્ય હતી.’

વિશ્વામિત્રે કહ્યું, ‘હું બ્રાહ્મણ છું. મારા માટે આ મારું શરીર જ પરમ પ્રિય અને પૂજનીય મિત્ર છે, આ શરીરની રક્ષા માટે આ નિકૃષ્ટ માંસ લઈ જવા માગું છું. એટલે આવાં નૃશંસ કાર્યોનો મને ભય નથી લાગતો.’

ચાંડાળે કહ્યું, ‘હે વિદ્વદ્જન, સાધુપુરુષો પોતાના જીવનનો ત્યાગ કરે છે, તેઓ કોઈ અભક્ષ્યનું ભક્ષણ કરવામાં પ્રવૃત્ત નથી થતા, તેઓ ક્ષુધા પર વિજય મેળવીને આ લોકમાં સમસ્ત કામના પ્રાપ્ત કરે છે, એટલે તમે પણ ક્ષુધાના વેગને સહી લો અને ઇચ્છાનુસાર પ્રીતિલાભ મેળવો.’

વિશ્વામિત્રે કહ્યું, ‘પાપકર્મ કરીને પ્રાણત્યાગ કરવાથી પરલોકમાં શું થશે તેમાં સંશય થાય છે તે બરાબર, પણ એમ કરવાથી બધાં પુણ્યમય કર્મોનો નાશ થશે એમાં સંશય નથી. એટલે હું જીવનરક્ષા પછી વ્રતાદિમાં તત્પર રહી પ્રાયશ્ચિત્ત કરીશ. અત્યારે ધર્માચરણનું મુખ્ય સાધન શરીર છે તેની રક્ષા કરવી ઉચિત છે, એટલે જ હું અભક્ષ્ય માંસનું ભક્ષણ કરવા પ્રવૃત્ત થયો છું.’

ચાંડાલે કહ્યું, ‘હું ચોક્કસપણે માનું છું કે આ પતિત દુઃખદ કાર્યથી તમારે તમારી રક્ષા કરવી જોઈએ. જો બ્રાહ્મણ દુષ્કર્મ કરે તો તેમનું બ્રાહ્મણત્વ જતું રહે છે, એટલે જ હું તમને અટકાવું છું.’

વિશ્વામિત્રે કહ્યું, ‘દેડકા મોટે અવાજે બોલ્યા કરે છે, ગાયો કદી પાણી પીવાનું બંધ કરતી નથી. તને ધર્મોપદેશ કરવાનો જરાય અધિકાર નથી. એટલે તું આત્મપ્રશંસા ન કર.’

ચાંડાલે કહ્યું, ‘હે દ્વિજ, તમારા ઉપર મને દયા આવે છે એટલે સુહૃદભાવે હું આ ધર્માચરણનો ઉપદેશ આપું છું. જો તે તમને કલ્યાણદાયક લાગે તો એમ કરો, પણ લોભને કારણે કૂતરાનું માંસ ખાવાનું પાપ ન કરો.’

વિશ્વામિત્રે કહ્યું, ‘જો તું મારો સુહૃદ અને શુભેચ્છક હોય તો આ આપત્તિમાંથી મને ઉગાર. હું મારો ધર્મ જાણું છું, તું મને આ કૂતરાનું માંસ આપ.’

ચાંડાલે કહ્યું, ‘હે વિપ્ર, આ કૂતરાનું માંસ મારું ભક્ષ્ય છે, હું તમને તેનું દાન કરી શકતો નથી. મારા દેખતાં તમે એ લઈ જશો તો તેની ઉપેક્ષા કરી નહીં શકું. હું એનું દાન કરું અને તમે બ્રાહ્મણ થઈ એનું દાન સ્વીકારો તો આપણે બંને નરકમાં જઈશું.’

વિશ્વામિત્રે કહ્યું, ‘જો આજે હું પાપાચરણ કરીને શરીર રક્ષા કરતાં જીવતો રહીશ તો ભવિષ્યમાં પરમ પવિત્ર ધર્માચરણ કરીશ. હું પવિત્ર થઈને ધર્મ પામીશ, ઉપવાસ કરીને શરીરનો ત્યાગ કરવો અને અભક્ષ્યનું ભક્ષણ કરીને જીવતા રહેવું — આ બેમાં શું ચઢિયાતું છે તે મને કહે.’

ચાંડાળે કહ્યું, ‘વંશપરંપરાથી પ્રચલિત ધર્મ સંપાદનના વિષયમાં તો આત્મા જ સાક્ષી છે, એટલે આમાં પાપ છે કે નહીં એને તમે જ જાણો. જે વ્યક્તિ કૂતરાના માંસને ભક્ષ્ય કહીને તેનો આદર કરે છે, એને માટે બીજી કોઈ વસ્તુ ત્યાગ કરવા યોગ્ય નથી.’

વિશ્વામિત્રે કહ્યું, ‘અભક્ષ્ય વસ્તુ ગ્રહણ કરવાથી કે તેનું ભોજન કરવાથી પાપ લાગે છે, એ હું માનું છું. પણ પ્રાણ જઈ રહ્યા હોય ત્યારે તે દોષયુક્ત નથી. આવાં શાસ્ત્રોમાં અપવાદ છે, જેમાં હિંસા કે મિથ્યા વ્યવહાર નથી, જે કાર્ય કરવાથી જનસમાજની વચ્ચે ખૂબ ટીકાપાત્ર નથી બનતા, એમ અભક્ષ્યભક્ષણ બહુ ભારે પાપનું કારણ નથી, જે આપત્તિના સમયમાં નિષેધ કરતાં વાક્યો છે તે આદરણીય નથી.’

ચાંડાળે કહ્યું, ‘જો અભક્ષ્યનું ભક્ષણ કરીને જ પ્રાણરક્ષા કરવી એ તમારું મુખ્ય કારણ હોય તો વેદ તથા અન્ય ધર્મ તમારી આગળ કશું જ નથી. દ્વિજવર, તમે અભક્ષ્ય ભક્ષણ કરવા માટેના આગ્રહો જણાવો છો ત્યારે ખાદ્યાખાદ્ય વસ્તુઓમાં કોઈ દોષ જ નથી એવું જણાય છે.’

વિશ્વામિત્રે કહ્યું, ‘અભક્ષ્ય ભોજન કરવાથી પાપ લાગે છે એવું શાસ્ત્રમાં કહ્યું નથી. સુરાપાન કરવાથી બ્રાહ્મણ પતિત થાય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે, બીજાં કર્મ નિષિદ્ધ છે, એમ અભક્ષ્ય ભક્ષણ પણ નિષિદ્ધ છે. આપત્તિકાળમાં કરેલાં સામાન્ય પાપથી પુણ્યકર્મ ઓછું નથી થતું!’

ચાંડાળે કહ્યું, ‘જે અયોગ્ય સ્થાનેથી, અનુચિત કર્મથી નિષિદ્ધ વસ્તુ લેવા માગે છે એ વિદ્વાનને તેનો સદાચાર જ અધર્મ આચરવામાંથી રોકે છે, પણ જે નીચ જાતિ ચાંડાલના ઘરમાંથી આગ્રહપૂર્વક કૂતરાનું માંસ લેવા માગે છે તેને તો ખરે જ દંડિત થવું પડે છે.’

ચાંડાળ તે સમયે મહર્ષિ વિશ્વામિત્રને આટલું કહીને નિવૃત્ત થયો. બુદ્ધિમાન વિશ્વામિત્ર માંસ લઈને જ ગયા. નિશ્ચય કરીને બેઠા હતા, એટલે કૂતરાનું નિકૃષ્ટ માંસ લઈને જ ગયા. તેઓ જીવન ટકાવી રાખવાની ઇચ્છાથી માંસ લઈને વનમાં પત્નીની સાથે ગયા.

તે જ વેળાએ વાસવે (ઇન્દ્રે) પ્રજાને સજીવન કરવા બહુ પાણી વરસાવ્યું, તેનાથી અન્ન વગેરે ઔષધિઓ ઉગાડી.

ભગવાન વિશ્વામિત્ર પણ ખાસ્સો સમય તપસ્યા કરીને પાપ બાળીને પરમ અદ્દભુત સિદ્ધિને વર્યા.

(શાંતિપર્વ, ૧૩૯)