ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/શૂદ્ર અને તપસ્વી બ્રાહ્મણની કથા


શૂદ્ર અને તપસ્વી બ્રાહ્મણની કથા

હિમાલયના પવિત્ર પાર્શ્વ ભાગમાં બ્રહ્માશ્રમ હતો. તે અનેક પ્રકારનાં વૃક્ષો, ગુલ્મો, લતાઓથી ભરચક હતો. ત્યાં મૃગ, પક્ષીઓ, સિદ્ધ, ચારણો વસતાં હતાં. પુષ્પિત કાનનને કારણે તે આશ્રમ રમ્ય હતો. અનેક બ્રહ્મચારીઓ તથા વ્રતપરાયણ તપસ્વી પુરુષોથી આશ્રમ શોભતો હતો. સૂર્ય અને અગ્નિ જેવા તેજસ્વી મહાભાગ બ્રાહ્મણો ત્યાં નિવાસ કરતા હતા. આ આશ્રમ નિયમ વ્રતથી સંપન્ન, દીક્ષિત, મિતાહારી, શુદ્ધ ચિત્તવાળા તપસ્વીઓથી ઊભરાતો હતો. વેદની ઋચાઓના ગાનથી તે આશ્રમ નાદવાળો હતો, ત્યાં ઘણા વાલખિલ્ય, સંન્યાસીઓ હતા.

એક સમયે કોઈ દયાવાન શૂદ્ર ઉત્સાહપૂર્વક તે આશ્રમમાં આવ્યો. શૂદ્રને આશ્રમમાં આવેલો જોઈ ત્યાં રહેતા તપસ્વીઓએ તેનો આદરસત્કાર કર્યો. દેવતાઓ સમાન મહાન તેજસ્વી તથા વિવિધ દીક્ષાઓવાળા મુનિઓને જોઈને તે શૂદ્રને ભારે હર્ષ થયો. પછી તેના મનમાં પણ ‘હું તપ કરું’ એનો વિચાર ઉદ્ભવ્યો. તે કુલપતિના પગે પડીને બોલ્યો,

‘હે દ્વિજવર, તમારી કૃપાથી હું ધર્માચરણ કરવા માગું છું. હે ભગવન્, તમે મને ધર્મતત્ત્વ કહો અને સંન્યાસની દીક્ષા આપો, હે ભગવન્, હું શૂદ્ર વર્ણનો છું, એટલે તમારી સેવા કરવા માગું છું. મારા પર કૃપા કરો.’

કુલપતિએ કહ્યું, ‘સંન્યાસી ચિહ્ન ધારણ કરી શૂદ્ર આ સ્થાને નિવાસ ન કરી શકે. જો તારી ઇચ્છા હોય તો અહીં રહે અને શૂશ્રૂષા કરતો રહેજે.’

મુનિએ જ્યારે આમ કહ્યું ત્યારે તે વિચારવા લાગ્યો, ‘હું અહીં શું કરીશ? મને ધર્મમાં અત્યંત શ્રદ્ધા છે, હવે સમજાયું, શૂદ્રની નિયતિ આ જ છે. હું મારું પ્રિય કાર્ય કરીશ.’

એટલે આશ્રમથી દૂર જઈને એક કુટીર બનાવી અને ત્યાં પૂજા માટે વેદી, નિવાસસ્થાન, દેવતાઓનું સ્થાન વગેરે ઊભાં કર્યાં. તે કુટીરમાં રહીને નિયમસ્થ રહી સુખ અનુભવવા લાગ્યો. સ્નાન કરીને તે દેવસ્થાનોમાં નિયમપૂર્વક બલિ ચઢાવીને, હોમ કરીને દેવતાઓની પૂજા કરતો હતો. સંકલ્પ, નિયમ પાળીને, જિતેન્દ્રિય બનીને ફળાહાર કરતો હતો. તેની પાસે જે અન્ન, ઔષધિ અને ફળ હતાં તે વડે અતિથિઓની પૂજા કરતો હતો. આમ ઘણો સમય વીતી ગયો. ત્યાર પછી કોઈ મુનિ સત્સંગ કરવા તેના આશ્રમમાં આવ્યા. સ્વાગત, વિધિવત્ પૂજા કરીને શૂદ્રે તેમને સંતુષ્ટ કર્યા. અનુકૂળ કથાઓ કહી તે પરમ તેજસ્વી સંયમેન્દ્રિય ધર્માત્મા ઋષિને યથાવત્ પૂછ્યું. આમ ઋષિ શૂદ્ર સંન્યાસીને જોવા વારેવારે તેમના આશ્રમે આવતા હતા.

ત્યાર પછી તે શૂદ્રે તપસ્વીને કહ્યું, ‘હું પિતૃકાર્ય કરવા માગું છું, તમે મારા પર અનુગ્રહ કરો.’

તે ઋષિએ હા પાડી. તે શૂદ્ર સ્નાન કરીને શુદ્ધ થયો અને ઋષિ માટે પાદ્ય લઈ આવ્યો. ત્યાર પછી દર્ભ, વનૌષધિ, અન્ન, પવિત્ર આસન લઈ આવ્યો. દક્ષિણ દિશાને આવરીને વ્રતીનું આસન પશ્ચિમમાં રાખ્યું, આ શાસ્ત્રવિરુદ્ધ હતું એટલે ઋષિએ શૂદ્રને કહ્યું, ‘આ આસનનો આગલો ભાગ પૂર્વાભિમુખ કરો અને તમે શુદ્ધ થઈને ઉત્તરાભિમુખ બેસો.’ ઋષિએ કહ્યા પ્રમાણે શૂદ્રે એમ કર્યું. મેધાવી શૂદ્રે દર્ભ, અર્ઘ્ય હવ્યકવ્ય વગેરે વડે જેમ પિતૃકાર્ય કરવું જોઈએ તેમ કર્યું. અને એ કાર્ય સંપન્ન થયું ત્યારે તે બ્રાહ્મણે ત્યાંથી વિદાય લીધી. તે શૂદ્ર ધર્મમાર્ગમાં સ્થિર રહ્યો.

તે શૂદ્ર તપસ્વી બહુ સમય તપ કરીને વનમાં જ મૃત્યુ પામ્યો. તે મહાતેજસ્વી શૂદ્ર પૂર્વજન્મનાં સત્કૃત્યોને કારણે રાજવંશમાં જન્મ્યા. તે વિપ્રર્ષિ પણ મૃત્યુ પામ્યા અને પુરોહિત કુટુંબમાં જન્મ્યા. આમ તે શૂદ્ર અને તપસ્વી તે સ્થાનમાં જન્મીને ક્રમેક્રમે વૃદ્ધિ પામતાં પામતાં વિદ્યાકુશળ થઈ ગયા. ઋષિ અથર્વવેદ સહિત ત્રણે વેદોમાં નિષ્ણાત થયા. સૂત્રોક્ત યજ્ઞ તથા જ્યોતિષશાસ્ત્રમાં પારદર્શી થયા. સાંખ્ય શાસ્ત્રમાં તેમની પ્રીતિ વૃદ્ધિ પામી.

તે રાજપુત્રના પિતા સ્વર્ગ સિધાવ્યા એટલે શુદ્ધિ પછી મંત્રીએ અને પ્રજાએ તેમનો રાજ્યાભિષેક કર્યો. અભિષેક થયા પછી તે ઋષિને પણ પોતાના પુરોહિત બનાવ્યા. રાજા તેને પુરોહિત બનાવીને પરમ સુખે રહેવા લાગ્યા, ધર્માનુસાર પ્રજાપાલન કરીને રાજ્ય ચલાવતા હતા. તે રાજા સદા ધર્મકાર્યમાં રત હોય ત્યારે પુત્યાહવાચનના સમયે પુરોહિતને જોઈને ક્યારેક હસતા, ક્યારેક મોટેથી હસતા. આમ અનેક વેળા રાજાએ પુરોહિતનો ઉપહાસ કર્યો. વારે વારે અને સતત રાજા દ્વારા થતા ઉપહાસથી પુરોહિતને ક્રોધ વ્યાપ્યો. પછી પુરોહિતે એક વેળા રાજાની સમીપે તેને અનુકૂળ કથાઓ કહી પ્રસન્ન કર્યા. પછી પુરોહિતે રાજાને કહ્યું, ‘હે મહાદ્યુતિ રાજા, મારી ઇચ્છા છે કે મને એક વરદાન આપો.’

રાજીએ કહ્યું, ‘હે દ્વિજશ્રેષ્ઠ, હું તમને સો વરદાન આપી શકું છું, એક શા માટે? આપણા સ્નેહ, બહુમાનને કારણે તમને ન આપવા જેવું કશું નથી.’

પુરોહિતે કહ્યું, ‘હે મહારાજ, જો તમે પ્રસન્ન થયા હો તો એક વરદાન આપો. તમે જો આપવાના હો તો સાચું બોલજો, ખોટું ન કહેતા.’

રાજાએ તેને કહ્યું, ‘ભલે, પરંતુ જો હું જાણતો હોઈશ તો કહીશ, નહીં જાણતો હોઉં તો નહીં કહું.’

પુરોહિતે કહ્યું, ‘દરરોજ ધર્મકાર્ય સંદર્ભે પુણ્યાહવચન વખતે અને શાન્તિહોમ વેળાએ તમે મારી સામે જોઈને શા માટે હસો છો? તમે હસો છો એટલે હું લજ્જિત થઉં છું, તમે ઇચ્છાનુસાર સાચું કહો, તમે બીજી વાત ન કરો. તમારું હસવું અકારણ નથી. એની પાછળ ચોક્કસ કારણ છે. મને આ વિશે બહુ જિજ્ઞાસા થાય છે. તમે યથાર્થપણે મારી આગળ વાત કરો.’

રાજાએ કહ્યું, ‘જ્યારે તમે આમ કહ્યું છે તો આ વાત કહેવા જેવી નથી છતાં હું અવશ્ય કહીશ, તમે એકમના થઈને સાંભળો. હે દ્વિજશ્રેષ્ઠ, ગયા જન્મે હું શૂદ્ર હતો, પછી શ્રેષ્ઠ તપસ્વી થયો. તે સમયે તમે પણ ઉગ્ર તપ કરનાર ઋષિ હતા. હે અનઘ બ્રાહ્મણ, ત્યારે તમે પ્રસન્ન થઈને તથા મારા પર અનુગ્રહ કરવા મને પિતૃકાર્યનો ઉપદેશ આપ્યો હતો. હે મુનિશ્રેષ્ઠ, તમે મારા પિતૃકાર્યમાં વ્રતીના આસન, દર્ભ, હવ્યકવ્ય વગેરે સંદર્ભે મને જેમ કહ્યું હતું તે પ્રમાણે બધું કાર્ય કર્યું હતું. આટલા જ કર્મદોષથી તમે મારા પુરોહિત કુળમાં જન્મ્યા અને હું રાજા થયો છું. હે વિપ્રવર્ય, આ કાળની અવળી ગતિ જુઓ, હું શૂદ્ર થઈને પણ જાતિસ્મર થયો અને તમે મુનિ હોવા છતાં પુરોહિત થયા. તમે મને જે ઉપદેશ આપ્યો હતો તેનું જ આ ફળ છે. હે દ્વિજશ્રેષ્ઠ, આ જ કારણે હું તમને જોઈને હસું છું. તમારો ઉપહાસ કે અનાદર કરવા હસતો નથી. કારણ કે તમે મારા ગુરુ છો. આ વિપરીત ગતિને જોઈને મારું મન દુઃખી થાય છે. હું મારા અને તમારા પૂર્વજન્મની વાતોને સ્મરીને જ તમને જોઈ હસંુ છું. આમ જ મને ઉપદેશ કરવાથી તમારી તપસ્યા નષ્ટ થઈ, એટલે તમે પુરોહિતકર્મ ત્યજીને આવતા જન્મનો વિચાર કરો. હે દ્વિજ, તમે આનાથી પણ વધીને કોઈ અધમ યોનિ પ્રાપ્ત ન કરો. આ વિપુલ ધનરાશિ વડે પુણ્યાત્મા બનવાનો પ્રયત્ન કરો.’

રાજાની વિદાય માગીને તે પુરોહિતે બ્રાહ્મણોને બહુ દાન આપ્યું. ધન, ભૂમિ અને ગ્રામ આપ્યાં. તેમણે કેટલાંક વ્રતો ધારણ કરી તીર્થયાત્રા કરી, ત્યાં વિવિધ દાન કર્યાં. બ્રાહ્મણોને ગોદાન અને વિવિધ વસ્તુઓનું દાન કરીને પવિત્ર ચિત્ત થઈ આત્મવાન થયા, એ જ આશ્રમમાં જઈ વિપુલ તપ કરવા લાગ્યા. ત્યાર પછી પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બ્રાહ્મણ ત્યાંના આશ્રમવાસી ઋષિઓના આદરપાત્ર બન્યા.

(અનુશાસન ૧૦)