ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/પરશુરામ-ઋચીકની કથા

From Ekatra Wiki
Revision as of 17:07, 24 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરશુરામ-ઋચીકની કથા

એક સમયે મહાબલી રાજા કાન્યકુબ્જ રાજ્યમાં શાસન કરતા હતા. તેઓ ગાધિ નામે વિખ્યાત હતા. તે રાજા વનમાં રહેતા હતા ત્યારે અપ્સરા સમી સુંદર કન્યા જન્મી. ભૃગુવંશી ઋચિકે એ કન્યાનું માગું રાજાને કર્યું, ગાધિએ તે વ્રતશીલ બ્રાહ્મણને કહ્યું, ‘અમારા પૂર્વજોએ અમારા કુળ પ્રમાણે એક આચાર તૈયાર કર્યો છે. એક બાજુ કાળા કાનવાળા અને સફેદ વેગવાન હજાર અશ્વ આ કન્યાના શુલ્ક રૂપે છે. હું તમને આ શુલ્ક આપવા કહી નથી શકતો. વળી આ કન્યા તમારા જેવા મહાત્માને આપવી તો જોઈએ.’

ઋચીકે કહ્યું, ‘હું તમને એક બાજુ કાળા કાનવાળા, શ્વેતવર્ણી અને વેગવાન હજાર અશ્વ આપીશ, તમારી કન્યા મારી પત્ની થાય.’

આવી પ્રતિજ્ઞા કરીને ઋચીકે વરુણને કહ્યું, ‘મને એક હજાર પાંડુવર્ણા, એક બાજુએ કાળા કાનવાળા વેગવાન અશ્વ શુલ્ક માટે આપો,’ વરુણે ઋચીકને એક હજાર અશ્વ આપ્યા. કાન્યકુબ્જ દેશમાં ગંગા તટે જ્યાં તે અશ્વ ઊભા રહ્યા તે સ્થળનું નામ અશ્વતીર્થ પડ્યું. ઋચીકની જાનમાં દેવગણ પણ આવ્યા. દેવોને આવેલા જોઈ તથા એક હજાર અશ્વ મેળવીને ગાધિએ ગંગા કિનારે સત્યવતી નામની કન્યા ઋચીકને આપી. મુનિશ્રેષ્ઠ ઋચીક ધર્મપૂર્વક તે કન્યા સાથે વિવાહ કરીને તે સુંદરી સાથે યથેચ્છ વિહાર કરવા લાગ્યા. જ્યારે ભૃગુવંશશ્રેષ્ઠ ભૃગુ મુનિએ સાંભળ્યું કે ઋષીકનું લગ્ન થઈ ગયું છે ત્યારે તેઓ તેમને જોવાની ઇચ્છાથી ત્યાં આવ્યા અને પુત્રને તેની પત્ની સાથે જોઈને બહુ પ્રસન્ન થયા. જ્યારે ઋચીક મુનિને જોયું કે અમારા પિતા આવ્યા છે ત્યારે બંને પતિપત્ની ઊભા થઈ ગયા અને પ્રેમપૂર્વક દેવો દ્વારા પૂજિત એવા પોતાના પિતાની પૂજા કરી, તેમને બેસાડીને બંને હાથ જોડી ઊભા રહ્યા. ત્યારે ભૃગુ મુનિએ પ્રસન્ન થઈને પુત્રવધૂને કહ્યું, ‘હે સુભગા, તારી ઇચ્છામાં આવે તે વરદાન તું માગ, હું તારી અભિલાષા પાર પાડીશ.’ ત્યારે સત્યવતીએ પોતાને તથા પોતાની માતાને પુત્રપ્રાપ્તિ થાય એટલા માટે તેમને પ્રસન્ન કર્યા અને ભૃગુએ પણ તેમના પર કૃપાદૃષ્ટિ કરી.

ભૃગુ ઋષિએ કહ્યું, ‘જે દિવસે તું અને તારી માતા ઋતુસ્નાન કરે, અને પુંસવન દિવસ આવે ત્યારે તે દિવસે તારી માએ પીપળાને અને તારે ઉદુંબરને આલિંગન આપવું.’ પરંતુ ઋતુકાળ પ્રસંગે બંને સ્ત્રીઓ ઊલટાં જ વૃક્ષોને ભેટી, ત્યાર પછી ભગવાન ભૃગુ એક દિવસ ત્યાં આવ્યા અને દિવ્ય દૃષ્ટિથી આ અવળી ઘટના જાણી લાધી. મહા તેજસ્વી ભૃગુએ પુત્રવધૂ સત્યવતીને કહ્યું, ‘તારો પુત્ર થશે તો બ્રાહ્મણ પણ તેની પ્રકૃતિ ક્ષત્રિયો જેવી હશે. તારી માતાનો પુત્ર ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણનો ધર્મ પાળશે. મહા બળવાન હોવા છતાં તે સાધુઓ જેવું કર્મ કરશે.’ ત્યારે સત્યવતીએ પોતાના સસરાને વારેવારે પ્રસન્ન કરી કહ્યું, ‘હે ભગવન્, મારો પૌત્ર ભલે એવો નીવડે પણ પુત્ર એવો ન થાય.’

ભૃગુએ કહ્યું, ‘ભલે એમ જ થશે,’ ત્યારે સત્યવતી બહુ પ્રસન્ન થઈ. સમય આવ્યો એટલે સત્યવતીએ પુત્રને જન્મ આપ્યો, તેનું નામ જમદગ્નિ, ભૃગુવંશના આનંદમાં વૃદ્ધિ કરનાર તે પુત્ર પરમ તેજસ્વી અને પરાક્રમી થયો. અત્યન્ત તેજસ્વી થઈને મોટા થઈ રહેલા જમદગ્નિ વેદોના અધ્યયનમાં ઘણા બધા ઋષિઓથી આગળ નીકળી ગયા. સૂર્ય જેવા તેજસ્વી જમદગ્નિને બધા જ ધનુર્વેદ પ્રાપ્ત થયા અને ચારે પ્રકારનાં અસ્ત્રોની વિદ્યા હસ્તગત થઈ ગઈ. વેદાધ્યયનમાં રત રહેનારા મહાતપસ્વી જમદગ્નિએ ભારે તપ કર્યું અને વ્રતના બળથી દેવોને વશ કરી લીધા. ત્યાર પછી તેઓ પ્રસેનજિત રાજાને ત્યાં ગયા, ત્યાં રાજાની પુત્રી રેણુકા સાથે લગ્ન કર્યું, રાજાએ પણ પોતાની પુત્રી જમદગ્નિને આપી. ભાર્ગવનંદન રેણુકાને ભાર્યા તરીકે મેળવીને પોતાના આશ્રમે આવ્યા અને આજ્ઞાકારિણી સ્ત્રી સાથે તપ કરવા લાગ્યા. રેણુકાને ચાર પુત્રો ઉપરાંત પાંચમા પુત્ર પરશુરામ થયા. પરશુરામ બધાથી નાના હોવા છતાં ગુણોમાં સૌથી મોટા હતા.

એક સમયે જ્યારે બધા પુત્રો વનમાં ફળ લાવવા ગયા ત્યારે વ્રતધારિણી રેણુકા સ્નાન કરવા ગઈ. ત્યાં મૃતિકાવતના પુત્ર રાજા ચિત્રરથને પોતાની ઇચ્છાથી આવતી રેણુકાને જોયા. ચિત્રરથ પદ્મમાલા ધારણ કરીને ઇચ્છાનુસાર જળક્રીડા કરતો જોઈ તથા તેને અત્યંત ધનવાન જોઈ રેણુકાને તેની સ્પૃહા થઈ. તેને જોતાંવેંત વ્યભિચારની ઇચ્છાને કારણે જળમાં સ્ખલિત થઈ, ચેતનારહિત જેવી થઈ ગઈ, ત્યાર પછી ડરથી કાંપતી પોતાના આશ્રમમાં આવી, આ બધી ઘટના તેના પતિએ જાણી લીધી. મહાતેજસ્વી વીર્યવાન જમદગ્નિએ ધૈર્યચ્યુત થવાને કારણે, બ્રાહ્મતેજ રહિત થવાને કારણે ધિક્કારભર્યા શબ્દોમાં બહુ નિંદા કરી. તે વખતે રેણુકાના પુત્રો રુમણ્વાન, સુષેણ, વસુ અને વિશ્વાસુ આવી ચઢ્યા. ભગવાન જમદગ્નિએ તે બધાને રેણુકાનો વધ કરવાની આજ્ઞા આપી પણ તે બધા માતા પ્રત્યેના મોહને કારણે કશો ઉત્તર આપી ન શક્યા. ત્યારે જમદગ્નિએ તેમને શાપ આપ્યો. શાપ સાંભળતાંવેંત તેઓ મૂઢ થઈ ગયા અને મૃગ તથા પક્ષીઓની જેમ મૂર્ખ થઈ ગયા. તે જ સમયે શત્રુનાશી પરશુરામ આશ્રમમાં જઈ પહોંચ્યા, મહાતપસ્વી મહાક્રોધી જમદગ્નિએ તેમને ક્હ્યું, ’હે પુત્ર, આ પાપિષ્ઠ માતાને મારી નાખ, એનું કશું દુઃખ ન કરતો.’ પરશુરામે તે જ વખતે પરશુ વડે માતાનું મસ્તક કાપી નાખ્યું, આ જોઈને મહાત્મા જમદગ્નિનો ક્રોધ શાંત થઈ ગયો અને પ્રસન્ન થઈ બોલ્યા, ‘હે તાત, હે ધર્મરત, તેં મારું વચન પાળીને આ દુષ્કર કાર્ય કર્યું છે, એટલે તારા હૃદયમાં જે ઇચ્છા હોય તે વરદાન માગી લે.’

પરશુરામે વરદાન માગ્યા, ‘અમારી મા જીવતી થાય, મેં તેને મારી હતી તેની સ્મૃતિ ન રહે, તે પાપથી મુક્ત થાય અને ભાઈઓ પણ પૂર્વવત્ અવસ્થાને પામે, યુદ્ધમાં મારા જેવો કોઈ વીર ન થાય, મારું આયુષ્ય લાંબું થાય.’ મહાતપસ્વી જમદગ્નિએ પ્રસન્ન થઈને પરશુરામને એ બધાં વરદાન આપ્યાં.

એક વેળા જમદગ્નિના પુત્રો વનમાં ગયા હતા અને ત્યાં અનૂપ દેશના રાજા કૃતવીર્યનો પુત્ર કાર્ત્તવીર્ય આવ્યો. તે આશ્રમમાં આવ્યો એટલે રેણુકાએ તેનો સત્કાર કર્યો, પણ તે યુદ્ધના મદથી ઉન્મત્ત હતો એટલે એ સત્કારની ઉપેક્ષા કરી. આશ્રમનાં મોટાં મોટાં વૃક્ષનો નાશ કર્યો, આશ્રમભૂમિને વેરવિખેર કરી, હોમધેનુએ આક્રોશ કર્યો તો પણ તેના વાછરડાને બળજબરીથી છિનવી લીધો. પરશુરામ જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે જમદગ્નિએ બધી વાત કરી, વારે વાર બરાડતી ગાયને જોઈને પરશુરામને ક્રોધ આવ્યો, ક્રોધવશ થઈને શત્રુનાશક ભાર્ગવે યુદ્ધમાં વિક્રમ કરીને કાર્ત્તવીર્ય પાછળ દોટ મૂકી. સુંદર ધનુ વડે પરશુરામે તીક્ષ્ણ બાણ મારી કાર્ત્તવીર્યના પરિઘ જેવા હજાર હાથ કાપી નાખ્યા. ત્યાર પછી અર્જુનવંશી (કાર્ત્તવીર્યના અનુજો) પરશુરામ પર વેર બાંધી બેઠા. એક દિવસ પરશુરામ ન હતા ત્યારે આશ્રમમાં આવીને પરશુરામના પિતા જમદગ્નિ પર હુમલો કર્યો, તપસ્વી વીર્યવાન, યુદ્ધ ન કરનારા, અનાથની જેમ વારે વારે પરશુરામનું નામ લઈને ચીસો પાડનારા જમદગ્નિને તેમણે મારી નાખ્યા. પોતાનાં બાણો વડે જમદગ્નિનો વધ કરીને શત્રુનાશી કાર્ત્તવીર્યના પુત્રો જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. તેઓ જતા રહ્યા અને જમદગ્નિ પણ ન રહ્યા ત્યારે ભૃગુનંદન (પરશુરામ) સમિધ લઈને આશ્રમમાં આવ્યા. મૃત્યુ પામેલા પોતાના પિતાને આમ જોઈને અત્યંત દુઃખી થઈને તે વિલાપ કરવા લાગ્યા. ‘હે પિતા, મારી જ ભૂલને કારણે તે ક્ષુદ્ર, મૂર્ખ કાર્ત્તવીયપુત્રોએ વનમાં હરણને બાણોથી જેમ વીંધી નાખે તેમ તમને વીંધી નાખ્યા. તમે તો ધર્મજ્ઞ હતા, ઉત્તમ માર્ગે ચાલનારા, બધાં પ્રાણીઓના હિતકારી, નિરપરાધી હતા તો તમારું મૃત્યુ આવી રીતે કેમ થયું? જેમણે તપ કરી રહેલા, યુદ્ધ ન કરનારા, વૃદ્ધને સેંકડો તીક્ષ્ણ બાણોથી મારી નાખ્યા. તેમણે આ હત્યા કરીને કયું પાપ નથી કર્યું? ધર્મજ્ઞ અને યુદ્ધ ન કરનારા એવા તમને મારી નાખીને એ નિર્લજ્જો પોતાના સચિવો (મંત્રીઓ)ને તથા બાંધવોને શું કહેશે?’ આમ અનેક પ્રકારે કરુણ વિલાપ કરી મહાતપસ્વી પરશુરામે પોતાના પિતાની ઉત્તરક્રિયા કરી. શત્રુઓના નગરને જીતનારા પરશુરામે પિતાને અગ્નિદાહ આપ્યો અને બધા ક્ષત્રિયોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. ત્યાર પછી મહાબળવાન અને વીર્યવાન પરશુરામ ક્રોધે ભરાઈને અનેક શસ્ત્રો ધારણ કરીને એકલે હાથે કાર્ત્તવીર્યના પુત્રોને મારી નાખ્યા. એ પુત્રોનું અનુસરણ કરનારા બીજા જે ક્ષત્રિયો હતા તેમને પણ શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ પરશુરામે મારી નાખ્યા. આમ તેમણે એકવીસ વાર પૃથ્વીને નક્ષત્રી કરી મૂકી અને સમંતપંચક તીર્થમાં થઈને તે લોહીથી પાંચ સરોવરો ભરી દીધાં. ભૃગુવંશને કીર્તિમાન કરનારા પરશુરામે તે સરોવરોમાં પોતાના પિતૃઓનું તર્પણ કર્યું, ત્યાં તેમણે ઋચીકનું દર્શન કર્યું, એ ઋષિએ પરશુરામને રોક્યા. ત્યારે પ્રતાપી જમદગ્નિપુત્રે યજ્ઞ કરીને ઇન્દ્રને પ્રસન્ન કર્યા, અને યજ્ઞ કરાવનારાઓને આખી પૃથ્વી આપી દીધી. તે યજ્ઞમાં પરશુરામે મહાત્મા કશ્યપને એક સુવર્ણની વેદી આપી, તે દસ યામ પહોળી અને નવ યામ (એક યામ એટલે ચાર હાથ) ઊંચી હતી. ત્યાર પછી કશ્યપ મુનિની અનુમતિથી જે બ્રાહ્મણોએ એ વેદીના ટુકડા કરીને વહેંચી લીધી તે બ્રાહ્મણો ખાંડવાયન કહેવાયા.

ત્યાર પછી મહાત્મા કશ્યપને બધી ભૂમિ દાનમાં આપીને અમિત પરાક્રમી પરશુરામ મહેન્દ્ર પર્વત ઉપર રહેવા લાગ્યા. આ રીતે પરશુરામ અને ક્ષત્રિયો વચ્ચે વેર બંધાયું હતું. અને આમ મહાતેજસ્વી પરશુરામે પૃથ્વી પર વિજય મેળવ્યો હતો.

(આરણ્યક પર્વ, ૧૧૫થી ૧૧૭)