ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ/પરીક્ષિત

From Ekatra Wiki
Revision as of 17:20, 24 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પરીક્ષિત

ઇક્ષ્વાકુ વંશના એક રાજા નામે પરીક્ષિત અયોધ્યામાં રહેતા હતા. આ રાજા એક દિવસ શિકાર કરવા નીકળી પડ્યા. તેમની પાસે એક જ અશ્વ હતો, તેના પર બેસીને એક હરણની પાછળ પાછળ અશ્વને તેમણે દોડાવ્યો. તે પશુ રાજાને દૂર લઈ ગયો. રસ્તામાં રાજાને ખૂબ તરસ લાગી, થાક પણ લાગ્યો. રાજાએ ત્યાં એક ગાઢ વન જોયું, તેઓ તેમાં પ્રવેશ્યા અને એક સુંદર તળાવ જોયું. ઘોડા સાથે જ તેમાં દાખલ થયા. થોડી સ્વસ્થતા મેળવીને ઘોડાને કમળની દાંડીઓ નિરી અને પોતે કિનારે બેસી ગયા. રાજાના કાને મીઠાં ગીત પડ્યાં. રાજા એ સાંભળીને વિચારમાં પડ્યા, અહીં તો કોઈ મનુષ્ય દેખાતો નથી તો પછી આ ગીત કોણ ગાય છે? એટલામાં તેમની આંખો એક કન્યા પર પડી, ભારે રૂપ, તે વનમાં ફૂળ ચૂંટતી ગીત ગાઈ રહી હતી. એમ કરતાં કરતાં તે રાજા પાસે આવી ગઈ, રાજાએ તેને કહ્યું, ‘કલ્યાણી, તું કોણ છે? કોની પુત્રી છે?’

તેણે ઉત્તર આપ્યો, ‘હું કન્યા છું. હજુ મારું લગ્ન નથી થયું.’

રાજાએ આ સાંભળી કહ્યું, ‘હું તને ચાહું છું.’

કન્યાએ કહ્યું, ‘એક જ શરતે હું હા પાડું. મને કદી પાણી દેખાડતા નહીં.’

પરીક્ષિત રાજા આનંદપૂર્વક તેની સાથે હરવાફરવા લાગ્યા, એકલા પડે ત્યારે તેની સાથે ચુપચાપ બેસી રહેતા. રાજા હજુ તો ત્યાં બેઠા હતા ત્યાં તેમની સેના આવી પહોંચી, રાજાની આસપાસ ઊભી રહી ગઈ. થોડો આરામ કરીને એક સ્વચ્છ પાલખીમાં પ્રિયતમા સાથે બેસીને નગર ભણી નીકળ્યા, આ નવવિવાહિતા સાથે એકાંતવાસમાં રહેવા લાગ્યા. ત્યાં પાસે જ હોવા છતાં કોઈ તેમનું દર્શન કરી શકતું ન હતું, એક દિવસ પ્રધાન અમાત્યે રાજા પાસે રહેનારી સ્ત્રીઓને પૂછ્યું, ‘અહીં શું કરવું જોઈએ?’

એટલે તે સ્ત્રીઓએ કહ્યું, ‘અમે એક અદ્ભુત ઘટના જોઈ છે. મહારાજના અંત:પુરમાં કોઈ પાણી લઈ જતું નથી.’

તેમની વાત સાંભળીને પ્રધાને એક બાગ ઊભો કર્યો. તેમાં આમ દેખીતું કોઈ જળાશય ન હતું. સુંદર, ઊંચાં ઊંચાં વૃક્ષો, ફળફૂલ-કંદમૂળ. ઉદ્યાનની વચ્ચે અમૃત જેવા પાણી ભરેલી એક વાવ પણ બંધાવી. વાવ ઉપર ઉપરથી વેલા વડે ઢાંકી દીધી. આમ બાગ તૈયાર થઈ ગયો એટલે મંત્રીએ રાજાને કહ્યું, ‘મહારાજ, આ વન સુંદર છે. અહીં તમે નિરાંતે હરીફરી શકો.’

મંત્રીએ કહ્યું એટલે રાજા નવોઢા સાથે વનમાં પ્રવેશ્યા. એક દિવસ રાજા પત્ની સાથે વિહાર કરતા હતા. આમ વિહાર કરી કરીને થાકી ગયા, ભૂખતરસ લાગ્યા. ત્યાં અતિમુક્તક લતાઓ વડે ઊભો કરેલો મંડપ જોયો. એ મંડપમાં રાજારાણી પ્રવેશ્યા. એક દિવસ રાજા પત્ની સાથે વિહાર કરતા હતા. રાજાએ અમૃત જેવા પાણીથી ભરેલી વાવ જોઈ. તે જોઈને વાવના કિનારે રાણી સાથે ઊભા રહ્યા.

રાજાએ કહ્યું, ‘દેવી, સાવચેતી રાખીને આ વાવના પાણીમાં ઊતરો.’

રાજાની વાત સાંભળીને વાવમાં રાણીએ ડૂબકી મારી, પણ રાણી વાવમાંથી બહાર ન આવી. રાજાએ બહુ શોધ ચલાવી, પણ રાણી ન દેખાઈ. રાજાએ આખી વાવ ખાલી કરાવી. કોઈ એક દરમાં દેડકો જોયો. રાજાને બહુ ગુસ્સો આવ્યો. ‘જ્યાં દેડકા જુઓ ત્યાં આગળ તેમને મારી નાખો. મને મળવું હોય તો મરેલા દેડકાનો ઉપહાર લઈને આવો.’

પછી દેડકાઓનો મહાસંહાર શરૂ થઈ ગયો. બધી દિશાઓમાં વસતા દેડકાઓ ડરી ગયા. મંડૂકરાજ પાસે જઈને તેમણે બધી વાત કરી.

મંડૂકરાજ તપસ્વીનો વેશ લઈને રાજા પાસે ગયા, અને બોલ્યા, ‘રાજા, ક્રોધ ન કરો. અમારા પર દયા કરો. નિરપરાધી દેડકાઓની હત્યા ન કરાવો. દેડકાઓને મારવાની ઇચ્છા મનમાંથી કાઢી નાખો. ક્રોધ પર કાબૂ રાખો. અવિવેકથી ધનની વૃદ્ધિ અટકી જાય છે. પ્રતિજ્ઞા કરો કે હવે દેડકાઓ પર ક્રોધ નહીં કરો. આવા અધર્મથી તમને શું મળશે? દેડકાઓની હત્યાથી તમને કયો લાભ થવાનો?’

રાજા તો પોતાની રાણીના ગુમ થવાથી શોકમગ્ન હતો જ. એટલે મંડૂકરાજને તેણે કહ્યું, ‘હું ક્ષમા નહીં કરું. આ દેડકાઓને તો મારીશ જ. આ હલકટોએ મારી પ્રિયતમાને મારી નાખી છે. એટલે દેડકાઓની હત્યા થશે જ. તમે મને રોકતા નહીં.’

રાજાની વાત સાંભળીને મંડૂકરાજ ધૂ્રજી ઊઠ્યા. તે બોલ્યા, ‘મહારાજ, પ્રસન્ન થાઓ. મારું નામ આપું. હું દેડકાઓનો રાજા છું. તમે જેને પ્રિયતમા માનો છો તે મારી પુત્રી છે, તેનું નામ સુશોભના. તે તમને મૂકીને જતી રહી એ તો તેની નાલાયકી ગણાય. તેણે પહેલાં પણ ઘણા રાજાઓને છેતર્યા છે.’

રાજાએ આ સાંભળી કહ્યું, ‘મારે તમારી એ પુત્રી જોઈએ, મને આપી દો.’

એટલે મંડૂકરાજે પોતાની પુત્રી સુશોભના પરીક્ષિત રાજાને સોંપી દીધી, અને પુત્રીને કહ્યું, ‘હમેશાં રાજાની સેવા કરતી રહેજે’. પછી પુત્રીનો અપરાધ યાદ આવ્યો એટલે પુત્રીને શાપ આપ્યો, ‘તેં ઘણા રાજાઓને છેતર્યા છે, તારાં સંતાનો બ્રાહ્મણવિરોધી થશે, તું બહુ જૂઠી છે.’

સુશોભનાના રતિકલા ગુણોએ રાજાને ખૂબ જ આકષિર્ત કર્યા હતા. ત્રણે લોકનું જાણે રાજ્ય મળી ગયું ન હોય એટલો બધો આનંદ તેમને થયો. આનંદાશ્રુ વહેવા લાગ્યાં અને રાજાએ મંડૂકરાજને પ્રણામ કર્યા. તેઓ સત્કાર કરીને હર્ષથી ગદ્ગદ્ થયેલી વાણીમાં કહ્યું, ‘મંડૂકરાજ, તમે મારા પર બહુ કૃપા કરી છે.’

પછી મંડૂકરાજ દીકરીની વિદાય લઈને જેવા આવ્યા હતા તેવા ચાલ્યા ગયા.

થોડા સમયે સુશોભનાએ ત્રણ પુત્રોને જન્મ આપ્યો. શલદલ અને બલ. શલ સૌથી મોટો. પિતા શલનો રાજ્યાભિષેક કરીને તપ કરવા વનમાં જતા રહ્યા.’

એક દિવસ મહારાજ શલ શિકાર કરવા વનમાં ગયા. ત્યાં તેમણે હિંસક પશુ જોઈને તેનો પીછો કર્યો, અને સારથિએ કહ્યું, ‘મને તરત જ તેની પાસે લઈ જા.’ એટલે સારથિએ કહ્યું, ‘મહારાજ, આ પશુને પકડવાનો આગ્રહ ન રાખો, તે પકડાશે નહીં. તમારા રથમાં જો વામ્ય ઘોડા હોત તો પકડાત.’

આ સાંભળી રાજાએ કહ્યું, ‘સારથિ, વામ્ય ઘોડા એટલે શું? કહે નહીંતર હમણાં જ તને મારી નાખીશ.’ સારથિ તો આ સાંભળી થરથર ધૂ્રજવા લાગ્યો. વામદેવ ઋષિ મને શાપ આપશે એવી બીક પણ હતી. તે કશું બોલ્યો નહીં, એટલે રાજાએ તલવાર ઉગામી, ‘ઝટ બતાવ, નહીંતર તને મારી નાખીશ.’

રાજાથી ગભરાઈ જઈને તેણે કહ્યું, ‘મહારાજ, વામદેવ ઋષિ પાસે બે ઘોડા છે, તેમને વામ્ય કહે છે, મનોવેગી ઘોડા છે.’

સારથિની વાત સાંભળીને રાજાએ તેને એ ઋષિના આશ્રમે રથ લઈ જવા હુકમ કર્યો. આશ્રમે પહોંચીને રાજાએ ઋષિને કહ્યું,

‘ભગવન્, મારા બાણ વડે ઘવાયેલું હિંસક પશુ ભાગી રહ્યું છે. તમે મને તમારા વામ્ય ઘોડા આપવાની કૃપા કરો.’ ત્યારે મહર્ષિએ કહ્યું, ‘હું તમને ઘોડા તો આપું છું, પણ કામ પતી જાય એટલે એ ઘોડા તમારે પરત કરવા પડશે.’

રાજા બંને ઘોડા લઈને હિંસક પશુનો પીછો કરતા કરતા સારથિને કહેવા લાગ્યા, ‘આ બે અશ્વરત્ન બ્રાહ્મણોને ન શોભે. એટલે વામદેવને હવે પાછા આપવાના નથી.’

આમ કહી રાજા હિંસક પશુને સાથે રાખી પાટનગર ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને બંને ઘોડા અંત:પુરમાં બાંધી દીધા.

આ બાજુ વામદેવ મનોમન ચિંતા કરવા લાગ્યા, ‘અરે એ યુવાન રાજકુમાર મારા સરસ ઘોડા લઈને મોજમજા કરે છે. પાછા આપવાનું નામ લેતો નથી. બહુ ખરાબ કહેવાય.’ મનોમન આમ વિચાર કરતા રહ્યા અને એક મહિનો થઈ ગયો. ઋષિની ધીરજ ખૂટી ગઈ એટલે પોતાના એક શિષ્યને કહ્યું, ‘આમેય, રાજા પાસે જઈને કહેવાનું કે જો કામ પૂરું થઈ ગયું હોય તો ગુરુના બંને અશ્વ પાછા આપો.’ શિષ્યે રાજા પાસે જઈને કહ્યું એટલે રાજાએ કહ્યું, ‘આ ઘોડા રાજાઓને ત્યાં શોભે. બ્રાહ્મણોને આવાં રત્ન રાખવાનો અધિકાર નથી. બ્રાહ્મણોને ઘોડાની શી જરૂર છે? તમે હવે સિધાવો.’

શિષ્યે આશ્રમમાં જઈને આ બધી વાત કરી. આવી કડવી વાત સાંભળીને ઋષિ તો ક્રોધે ભરાયા. તેઓ જાતે રાજા પાસે જઈ ચઢ્યા અને ઘોડા માગ્યા. પણ રાજાએ તો ના જ પાડી.

વામદેવ બોલ્યા, ‘રાજા, મારા વામ્ય અશ્વો પાછા સોંપી દો. આ અશ્વો વડે તમારું કાર્ય પૂરું થઈ ગયું છે. તમે બ્રાહ્મણ અને ક્ષત્રિયની વચ્ચે છો. તમારા અસત્યને કારણે વરુણ તમને પાશબદ્ધ ન કરી લે તે જોજો.’

રાજાએ કહ્યું, ‘આ બે કેળવેલા હૃષ્ટપુષ્ટ બળદ છે, તે ગાડું ખેંચી શકશે. બ્રાહ્મણો માટે આ જ વાહન યોગ્ય છે. આને જોતરીને જ્યાં જવું હોય તો ત્યાં જાઓ. તમારા જેવા મહાત્માનો ભાર તો વેદમંત્રો જ ખેંચે છે ને!’

વામદેવે આ સાંભળી કહ્યું, ‘રાજા, એ વાત તો પૂરેપૂરી સાચી કે અમારા જેવાનું કામ તો વેદમંત્રો દ્વારા જ થતું હોય છે પણ એ તો પરલોકમાં, આ લોકમાં તો અમારા જેવા કે બીજાઓ માટે પણ આ અશ્વ જ વાહન થાય.’

રાજાએ કહ્યું, ‘ચાર ગધેડા, ઉત્તમ ઓલાદના ચાર ખચ્ચર, વાયુ જેવા બીજા ઘોડા તમારી સવારી માટે ચાલે. આ વાહનો વડે તમે યાત્રા કરો. તમે જે ઘોડા માગવા આવ્યા છો તે તો ક્ષત્રિયો માટે જ છે. એટલે હવે સમજી જાઓ કે ઘોડા મારા છે, તમારા નહીં.’

એટલે વામદેવે કહ્યું, ‘બ્રાહ્મણોની આવી સંપત્તિ તમે પચાવી પાડવા માગો છો તે તો ભયાનક કહેવાય. જો તમે મારા ઘોડા નહીં આપો તો મારી આજ્ઞા વડે વિકરાળ, લોખંડી શરીરવાળા ચાર ભયંકર રાક્ષસ હાથમાં ત્રિશૂલ લઈને તમારા પર હુમલો કરશે અને તમારા શરીરના ચાર ટુકડા કરીને લઈ જશે.’

રાજાએ કહ્યું, ‘વામદેવજી, તમે બ્રાહ્મણ છો તો પણ મન, વચન, કર્મથી તમે મને મારી નાખવા તત્પર છો. આની જાણ મારા સેવકોને થઈ ગઈ છે. તેઓ મારો ઇશારો થતાં જ હાથમાં ત્રિશૂલ, તલવાર લઈ તમને-તમારા શિષ્યોને પહેલાં જ મારી નાખશે.’

‘રાજન્, જ્યારે તમે મારી પાસેથી ઘોડા લીધા હતા ત્યારે વચન આપ્યું હતું કે હું આ ઘોડા પરત કરીશ. જો જીવવાની ઇચ્છા હોય તો મારા વામ્ય ઘોડા મને આપી દો.’

રાજાએ કહ્યું, ‘બ્રાહ્મણો શિકાર કરતા નથી. જો તમે મિથ્યાવાદી હશો તો પણ તમને દંડ નહીં આપું. તમારા બધા આદેશ પાળીશ. જેથી મને પુણ્યલોકની પ્રાપ્તિ થાય.’

વામદેવ બોલ્યા, ‘મન, વચન અને કર્મ દ્વારા કોઈ પણ દંડ બ્રાહ્મણોને લાગુ પડતો નથી. જે આમ જાણીને બ્રાહ્મણની સેવા કરે છે તે બ્રાહ્મણસેવાના કર્મથી જ શ્રેષ્ઠ ગણાય, તે જ જીવિત રહે.’

વામદેવની આ વાત પૂરી થઈ કે તરત જ વિકરાળ દેખાતા ચાર રાક્ષસ હાથમાં ત્રિશૂલ લઈને પ્રગટ્યા. રાજા પર હુમલો કરવા જતા હતાં ત્યાં રાજાએ મોટેથી કહ્યું, ‘આ ઇક્ષ્વાકુ નામના લોકો અને મારી આજ્ઞાંકિત પ્રજા પણ મારો ત્યાગ કરી દેશે તો પણ આ વામ્ય ઘોડા હું નહીં આપું. આવા લોકો ધર્માત્મા નથી હોતા.’

આટલું કહેતાંમાં તો રાજા શલ પર રાક્ષસોએ આક્રમણ કરીને તેમને જમીનદોસ્ત કરી નાખ્યા. ક્ષત્રિયોએ આ વાત જાણીને તેમના નાના ભાઈ દલને રાજગાદીએ બેસાડ્યા.

ત્યારે ફરી વામદેવે રાજાને કહ્યું, ‘મહારાજ, બ્રાહ્મણોની વસ્તુઓ તેમને આપી દેવાની વાત બધા ધર્મમાં કરી છે. રાજા, તમે એ અધર્મથી ડરતા હો તો તરત જ વામ્ય ઘોડા મને આપી દો.’

વામદેવની વાત સાંભળીને રાજાએ ગુસ્સે થઈને સારથિને કહ્યું, ‘ઝેર પાયેલું એક બાણ લઈ આવ. એનાથી ઘાયલ થઈને આ વામદેવ ધરતી પર પડી જાય. એને કૂતરા બચકાં ભરે અને પૃથ્વી પર પડ્યો પડ્યો તે તરફડતો રહે.’

વામદેવે કહ્યું, ‘હું જાણું છું. તમારી રાણીના પેટે શ્યેનજિત નામનો પુત્ર જન્મ્યો છે, તે તમને બહુ વહાલો છે. તેની ઉંમર દસ વર્ષની છે. મારી આજ્ઞાથી પ્રેરાઈને એ ભયંકર બાણો દ્વારા તું એ પુત્રની હત્યા કરીશ.’

વામદેવે આમ કહ્યું, ‘એટલે તરત જ તેજસ્વી બાણ ધનુષમાંથી છૂટીને અંત:પુરમાં ગયું અને રાજકુમારનો વધ તે બાણથી થયો. આ સમાચાર સાંભળીને દલે ફરી કહ્યું, ‘ક્ષત્રિયો, હમણાં જ તમારું પ્રિય કાર્ય કરું છું, આજે તો આ બ્રાહ્મણને મારી જ નાખીશ. બીજું તેજસ્વી બાણ લાવો અને મારું પરાક્રમ જુઓ.’

વામદેવ બોલ્યા, ‘રાજન્, તમે ઝેરીલું બાણ મને મારવા માટે છોડી રહ્યા છો, પણ મારી વાત સાંભળો. આ બાણ ન તો ધનુષ પર ચડાવી શકશો, ન એને છોડી શકશો.’

રાજાએ કહ્યું, ‘ક્ષત્રિયો, હું ફસાઈ ગયો. આ બાણ હવે છૂટશે નહીં. વામદેવને મારી નાખવાનો ઉત્સાહ હવે નથી રહ્યો. ભલે આ મહર્ષિ દીર્ઘાયુ થાય.’

વામદેવે કહ્યું, ‘રાજન્, આ બાણને રાણીનો સ્પર્શ કરાવશો તો બ્રહ્મહત્યાના પાપમાંથી છૂટી જશો.’

રાજાએ એમ કર્યું, રાજપુત્રીએ મુનિને કહ્યું, ‘વામદેવજી, હું આ કઠોર સ્વભાવના સ્વામીને દરરોજ મધુર વાણી બોલવાનો ઉપદેશ કરતી રહી છું. જાતે બ્રાહ્મણોની સેવા કરવાની તક શોધું છું. આ સત્કર્મોથી મને પુણ્યલોકની પ્રાપ્તિ થાય.’

વામદેવે કહ્યું, ‘શુભલક્ષણા, તેં આ રાજકુલને બ્રાહ્મણના કોપમાંથી બચાવી લીધું. વરદાન માગ. હું આપીશ. આ સ્વજનોના હૃદય પર અને વિશાળ રાજ્ય પર શાસન કરજે.’

રાજકુમારીએ કહ્યું, ‘ભગવન્, મારા પતિ આજે બધાં પાપમાંથી છૂટી જાય. આશીર્વાદ આપો કે રાજા પુત્રપરિવાર સાથે સુખેથી રહે.’

રાજપુત્રીની વાત સાંભળીને વામદેવે કહ્યું, ‘ભલે.’

પછી દલ રાજા પ્રસન્ન થયા. ઋષિને પ્રણામ કરીને બંને વામ્ય અશ્વ તેમને પરત કરી દીધા.

(આરણ્યક પર્વ, ૧૯૦)