ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/ત્રિજટ ઋષિની કથા


ત્રિજટ ઋષિની કથા

તે સમયે ગર્ગ્ય વંશમાં જન્મેલો ત્રિજટ નામે બ્રાહ્મણ રહેતો હતો. તેને ધનની જરૂર પડી એટલે તે રામચંદ્ર પાસે ગયો. ‘હે યશસ્વી રાજકુમાર, હું નિર્ધન છું અને મારો પરિવાર મોટો છે. હું મહેનત કરીને જીવું છું, મારા પર કૃપા નહીં કરો?’

તેની વાત સાંભળીને રામે હસતાં હસતાં કહ્યું, ‘મારે ત્યાં તો બહુ ગાયો છે, હજુ તો હજાર ગાયનું દાન પણ કર્યું નથી. તમે અહીં ઊભા રહીને લાકડી ફેંકો, જેટલે દૂર જશે તેટલામાં સમાય એટલી ગાયો હું આપીશ.’

આ સાંભળીને ત્રિજટે કમર કસી, અને ખૂબ ઝડપથી, પોતાની બધી શક્તિ એકઠી કરીને લાકડી ફેંકી. પછી રામે કહ્યું, ‘હું તો મજાક મશ્કરીમાં બોલ્યો હતો.’ પછી મળી એટલી ગાયો લઈને ત્રિજટ આનંદ પામતો ઘેર ગયો.

(બાલકાંડ, ૩૦) — સમીક્ષિત વાચના

ઉપલી કથા સાથે લિયો તોલસ્તોયની એક વાર્તા ‘હાઉ મચ લેન્ડ અ મૅન રિક્વાયર્સ?’ને સરખાવી શકાય. એ વાર્તામાં પાહોમ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી જેટલું ચાલે એ બધી જમીન તેને દાનમાં આપવાની વાત હતી. પણ પાહોમ ભૂખેતરસે એટલો બધો થાકી ગયો હતો કે સૂર્યાસ્ત થયો ત્યારે ત્યાં જ ઢળી પડ્યો. આમ છેવટે તો તેને પોતાની કબર થાય એટલી જ જમીન મળી.