ભારતીયકથાવિશ્વ-૨/રામાયણની કથાઓ/સગરકથા


સગરકથા

પ્રાચીન કાળમાં અયોધ્યા નગરીમાં સગર નામે રાજા. વિદર્ભ રાજાની પુત્રી કેશિની સાથે સગરનું લગ્ન થયું અને તે પટરાણી બની. બીજી રાણી સુમતિ, તે અરિષ્ટનેમિની પુત્રી. સંતાનપ્રાપ્તિ માટે સગર રાજા બંને પત્નીઓની સાથે તપ કરવા ભૃગુ પ્રસવણ નામના પર્વત આગળ ગયા. સો વર્ષ તપ કર્યું એટલે ભૃગુ ઋષિ પ્રસન્ન થયા અને રાજાને વરદાન આપ્યું. ‘તને ઘણા પુત્રો થશે, તારી કીતિર્ ચોમેર ફેલાશે, તારી બે રાણીમાંથી એકને મહાન પુત્ર થશે અને બીજી રાણી સાઠ હજાર પુત્રોને જન્મ આપશે.’ હવે બંને રાણીઓને કુતૂહલ જન્મ્યું. કોને એક પુત્ર જન્મશે અને કોને સાઠ હજાર પુત્રો જન્મશે?

એટલે ઋષિએ કહ્યું, ‘બોલો, તમારી ઇચ્છામાં આવે તેવું વરદાન માગો. એક પુત્ર વંશવૃદ્ધિ કરશે, અને સાઠ હજાર પુત્રો બળવાન હશે.

પટરાણી કેશિનીએ તો એક જ પુત્ર માગ્યો, અને સુમતિએ સાઠ હજાર પુત્રો માગ્યા. ‘ભલે એમ થાઓ’ કહીને ઋષિએ વિદાય લીધી. કેશિનીએ અસમંજ નામના પુત્રને જન્મ આપ્યો. જ્યારે સુમતિએ પ્રસવેલા તુમડામાંથી સાઠ હજાર પુત્રો જન્મ્યા, ધીમે ધીમે બધા પુત્રો યુવાન થયા. અસમંજ નગરનાં નાનાં બાળકોને લઈને સરયૂકાંઠે જતો અને બાળકોને પાણીમાં ડૂબાડી દેતો. રાજાએ છેવટે દુઃખી થઈને તેને નગરબહાર કાઢી મૂક્યો. તેનો પુત્ર અંશુમાન. બધા લોકોને તે વહાલો થયો.

થોડા સમય પછી સગર રાજાને યજ્ઞ કરવાની ઇચ્છા થઈ. હિમાલય અને વિંધ્યાચળ બંને પર્વત ખાસ્સા ઊંચા, તે બંનેની વચ્ચે આવેલા કોઈ પ્રદેશમાં યજ્ઞ કરવાની તૈયારી સગર રાજાએ તો કરી. યજ્ઞના અશ્વની રક્ષા અંશુમાન કરતો હતો. પણ ઇન્દ્રે રાક્ષસી સ્વરૂપ ધારણ કરીને યજ્ઞના પર્વણીદિને અશ્વનું હરણ કર્યું. બધા બ્રાહ્મણોએ યજ્ઞમાં વિઘ્ન ઊભું થયું એમ મનાવી અશ્વને શોધી કાઢવા રાજાને કહ્યું. એટલે રાજાએ પોતાના પુત્રોને બોલાવી પોતાના પુણ્યની રક્ષા માટે યજ્ઞનો ઘોડો લઈ આવવાની આજ્ઞા આપી. ‘એક એક યોજન ધરતી ખોદતા જજો અને ઠેઠ સમુદ્ર સુધી પહોંચી જજો.’

પિતાની આજ્ઞાનું પાલન કરવા સગરપુત્રો નીકળી પડ્યા, બધે ફરી વળ્યા તો પણ અશ્વ ન મળ્યો, તે ન જ મળ્યો. આ સગરપુત્રોએ ઝનૂની બનીને અનેક ઓજારો વડે વસુમતિ (ધરતી)ને ખોદી નાખી. એટલે નાગ, અસુરો અને રાક્ષસો સુધ્ધાં હેરાનપરેશાન થઈ ગયા. ધરતી ખોદી ખોદી તો કેટલી ખોદી? સાઠ હજાર યોજન ખોદી નાખી. આમ કરતાં કરતાં જંબુદ્વીપની ચારે બાજુ આ સાઠ હજાર રાજકુમારો ફરવા લાગ્યા. એટલે પછી આ ત્રાસ ન જિરવાતાં દેવો, ગંધર્વો, અસુરો, નાગલોકો — બધા જ ચિંતાતુર બનીને બ્રહ્મા પાસે જઈ પહોંચ્યા અને દેવની સ્તુતિ કરીને તેમણે કહ્યું, ‘સગરરાજાના પુત્રો ધરતી ખોદી રહ્યા છે અને એને કારણે બધાં પ્રાણીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડે છે. તે રાજકુમારો તો જેને જુએ છે તેને યજ્ઞના અશ્વનો ચોર જ માને છે.’

સગરરાજાના પુત્રોના વર્તાવથી ભયભીત થઈ જનારા લોકોને બ્રહ્માએ કહ્યું, ‘આ સમગ્ર પૃથ્વી વાસુદેવની છે, તેઓ જ કપિલ મુનિરૂપે ધરાને ટકાવી રહ્યા છે. સગરપુત્રોનો વિનાશ થવાનો છે અને પ્રત્યેક કલ્પમાં પૃથ્વી ભેદાતી હોય છે.’ બ્રહ્માની વાત સાંભળીને તેત્રીસ દેવતાઓ હર્ષ પામીને પોતપોતાના નિવાસે ગયા. આટલી મહેનત કરવા છતાં સગર રાજાના પુત્રોને યજ્ઞનો અશ્વ ન મળ્યો એટલે પિતા પાસે પાછા ગયા, ‘અમે આખી ધરતી ખોદી નાખી અને પિશાચો, નાગ, કિન્નરોને ત્રાસ આપ્યો તો પણ અશ્વ લઈ જનારને અમે શોધી શક્યા નથી. તો હવે અમે શું કરીએ?’

તેમની આ વાત સાંભળીને સગર રાજાએ કહ્યું, ‘તમે ફરી પૃથ્વીને ખોદો, કોઈ પણ રીતે યજ્ઞનો અશ્વ શોધી જ કાઢો.’

પિતાની આજ્ઞાનું પાલન કરવા ફરી રાજપુત્રો ધરતીને ખોદતાં ખોદતાં રસાતલમાં જઈ પહોંચ્યા. ત્યાં પૃથ્વીને ધારણ કરનાર પર્વત જેવો વિરુપાક્ષ નામનો દિશાગજ (હાથી) જોયો. તે હાથી પર્વત અને વન સમેત આ પૃથ્વીને ધારણ કરતો હતો. તે જ્યારે પોતાનું માથું હલાવે છે ત્યારે ભૂમિ કાંપી ઊઠે છે. ત્યાં પણ કશું ન હતું એટલે મહાગજની પ્રદક્ષિણા કરીને રાજપુત્રો આગળ ગયા. પછી તેઓ દક્ષિણ દિશામાં ગયા. ત્યાં પણ બીજો ગજરાજ જોયો, તેની પ્રદક્ષિણા કરીને પશ્ચિમ દિશામાં ગયા, ત્યાં સૌમનસ નામના બીજા એક ગજરાજને તેમણે જોયો. પછી તેઓ ઉત્તર દિશામાં ગયા, ત્યાં હિમ પર્વત જેવા ભદ્ર નામના ગજને જોયો. એની પણ પ્રદક્ષિણા કરીને હવે સગરપુત્રો પૂર્વોત્તર દિશામાં ગયા. ત્યાં જઈને ક્રોધે ભરાઈને ધરતી ખોદવા લાગ્યા. ત્યાં તેમણે વાસુદેવના અવતાર જેવા કપિલ મુનિને જોયા. ત્યાં જ પાસે યજ્ઞનો અશ્વ પણ જોયો. આણે જ અશ્વનું હરણ કર્યું છે એમ માનીને તે મુનિ ઉપર આયુધો લઈને ધસી ગયા. ‘તેં જ અમારા અશ્વનું હરણ કર્યું છે, અમે સગર રાજાના પુત્રો છીએ.’

આ સાંભળીને કપિલ મુનિએ ક્રોધે ભરાઈને એક હુંકાર કર્યો અને એ એક જ હુંકારમાં સાઠ હજાર સગરપુત્રો ક્ષણવારમાં બળીને ભસ્મ થઈ ગયા.

આ બાજુ સગર રાજા ચિંતામાં પડી ગયા, હજુ મારા પુત્રો આવ્યા કેમ નહીં એમ વિચારી તેજસ્વી પૌત્રને કહ્યું, ‘તું બળવાન છે, તો કોણ અશ્વને ચોરી ગયો છે તે શોધી કાઢ. તારા કાકાઓનું શું થયું તે પણ જાણી લાવ. તને અંતરાયરૂપ બને તેમનો નાશ કરજે અને પૂજવા યોગ્ય મળે તેની વંદના કરજે.’

આ સાંભળીને અંશુમાન આયુધો લઈને નીકળી પડ્યો. પોતાના સ્વજનોએ ખોદેલા માર્ગે તે આગળ વધ્યો અને પૂર્વ દિશાનો હાથી જોયો, તેની પૂજા કરીને પોતાના સ્વજનોના સમાચાર પૂછ્યા, ‘તું આગળ જા અને અશ્વને લઈને પાછો આવીશ.’ એમ કહ્યું એટલે અંશુમાને બધા જ ગજરાજોને જોયા, તેમની વંદના કરી, બધાએ એવી જ ધરપત આપી. અને છેવટે પોતાના કાકાનાં શરીરની જ્યાં રાખ હતી ત્યાં તે આવી ચઢ્યો. દુઃખી થઈને તે રુદન કરવા લાગ્યો, ત્યાં દૂર યજ્ઞના અશ્વને ચરતો જોયો. પછી અંતિમ સંસ્કાર કરવા પાણીની શોધમાં નીકળ્યો, પણ કયાંય પાણી ન મળ્યું. પણ પોતાના કાકાના મામા ગરુડને જોયા. એટલે તેની પાસે જઈને બધી વાત કહી. ગરુડે તેને કહ્યું, ‘કપિલ મુનિએ આ બધાને ભસ્મ કરી દીધા છે. તેમને માટે તું પાણીની શોધ કરી રહ્યો છે, પણ હિમાલયની મોટી પુત્રી વડે તું તેમની લોકોત્તર ક્રિયા કર. જો પતિતપાવની ગંગા અહીં આવશે તો આ સગરપુત્રોનો ઉદ્ધાર થશે અને તેઓ સ્વર્ગે જશે. એટલે તું સૌથી પહેલાં તો આ અશ્વને લઈ જા અને યજ્ઞ પૂરો કરાવ.’

ગરુડની વાત સાંભળીને બળવાન અંશુમાન અશ્વને લઈને રાજા પાસે ગયો અને ગરુડે જે પ્રમાણે કહ્યું હતું તે બધું સગરને કહી સંભળાવ્યું. આ ભયંકર સમાચાર સાંભળીને સગર તો દુઃખી દુઃખી થઈ ગયા, પણ છેવટે યજ્ઞવિધિ પૂરો કર્યો. ગંગાને ધરતી પર લાવવાનો વિચાર કર્યો પણ કોઈ રસ્તો મળ્યો નહીં, છેવટે તે ત્રીસ હજાર વર્ષ રાજ કરીને સ્વર્ગવાસી થયા.

સગર રાજાના મૃત્યુ પછી અંશુમાન રાજા થયા. તેમને એક પુત્ર દિલીપ હતો. દિલીપ જ્યારે યુવાન થયો ત્યારે તેને રાજગાદી સોંપીને અંશુમાન તપ કરવા હિમાલય ગયા અને ગંગાને પ્રસન્ન કરવા તપ કર્યું. દિલીપ પણ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવી ન શક્યા. તેમનો એક પુત્ર ભગીરથ. દિલીપ રાજાએ ત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું, યજ્ઞો કર્યા અને છતાં પૂર્વજોનો ઉદ્ધાર ન કરી શક્યા તે ન જ કરી શક્યા, છેવટે ભગીરથને રાજગાદી સોંપી પણ તેને એકે પુત્ર ન હતો, એટલે પુત્રની ઇચ્છા ફળી નહીં, છેવટે ગોકર્ણ નામના તીર્થમાં જઈને હાથ ઊંચા કરીને તેણે પંચાગ્નિ તપ કરવા માંડ્યું. આમ તપ કરતાં કરતાં એક હજાર વર્ષ વીતી ગયાં, છેવટે બ્રહ્મા પ્રસન્ન થયા, બધા દેવતાઓની સાથે આવીને ભગીરથને કહ્યું, ‘બોલ શું જોઈએ છે?’ ત્યારે ભગીરથે કહ્યું, ‘જો તમે મારા પર પ્રસન્ન થયા હો અને વરદાન આપવા ઇચ્છતા હો તો મારા પૂર્વજોનો ઉદ્ધાર થાય એટલા માટે તેમનાં શરીરની રાખને ગંગાજળનો સ્પર્શ થાય. વળી મારે કોઈ પુત્ર નથી એટલે પુત્રનું વરદાન પણ આપો. એટલું જ નહીં, સમગ્ર ઇક્ષ્વાકુ વંશમાં કોઈ પુત્ર વિનાનો ન રહે.’

ભગીરથની વાણી સાંભળીને બ્રહ્માએ મધુર શબ્દોમાં કહ્યું, ‘તારું કલ્યાણ થાય. હિમાલયની મોટી પુત્રી ગંગા ધરતી પર અવતરશે પણ તેનો ભાર ઝીલશે કોણ? શંકર ભગવાન સિવાય કોઈ ન ઝીલી શકે એટલે હવે તું શંકર ભગવાન પાસે જા.’ પછી ગંગાને પણ ભગીરથનું કહ્યું કરવાની સૂચન કરી બ્રહ્માએ મરુત્ગણો સાથે વિદાય લીધી.

હવે ભગીરથે તપ કરવા માંડ્યું, કેવું આકરું તપ! પોતાના પગના અંગૂઠા પર ઊભા રહીને, એક વરસ સુધી શંકર ભગવાનને પ્રસન્ન કરવા તપ આદર્યું. મહાદેવ તો બહુ જલદી પ્રસન્ન થઈ ગયા, અને ભગીરથને દર્શન આપી કહેવા લાગ્યા, ‘તારા તપથી પ્રસન્ન. એટલે શૈલરાજની પુત્રીને મારા મસ્તકે ધારણ કરીશ.’ પણ આકાશમાંથી ધરતી પર ગંગાએ ઊતરવા માંડ્યું ત્યારે તેણે વિચાર્યું, ‘વેગીલા પ્રવાહને ઝીલશે કેવી રીતે? હું તો શંકરને પણ તાણી જઈશ.’ હવે ગંગા નદીનો આ વિચાર મહાદેવ ન જાણે તો કોણ જાણે? તેમણે ગંગાનું અભિમાન ઓગાળવાનો નિશ્ચય કર્યો અને જેવી ગંગા તેમના મસ્તક પર પડી કે તરત જ પોતાની જટાઓમાં તેને જકડી લીધી. એવી જકડી એવી જકડી કે તે જટામાંથી બહાર નીકળી જ ન શકી. અનેક વર્ષો સુધી જટામાં ને જટામાં ઘૂમરાતી રહી. છેવટે ભગીરથ પર કૃપા કરવા ભગવાને ગંગાને બિન્દુસાર આગળ મુક્ત કરી. પછી તો ગંગાનો ધસમસતો પ્રવાહ આગળ ને આગળ જવા લાગ્યો. આ દૃશ્ય જોવા માટે દેવો, ઋષિઓ, ગંધર્વો, યક્ષો, સિદ્ધો અનેક વાહનોમાં બેસીને આવવા લાગ્યા. અને આ અદ્ભુત દૃશ્ય તેમણે જોયું. શંકર ભગવાનના મસ્તકમાંથી નીચે પડેલી ગંગાનું પાણી અતિ પવિત્ર માનીને બધા આનંદ પામ્યા અને ભગીરથની પાછળ પાછળ ગંગા નદી વહેવા લાગી, અને છેવટે ભગીરથ કપિલ મુનિના આશ્રમમાં ગંગાને લઈ આવ્યા, અને ભગીરથે ગંગાજળ વડે પોતાના પિતૃઓનો ઉદ્ધાર કર્યો, ગંગાનું નામ બ્રહ્માએ ભાગીરથી તથા ત્રિપથગા પાડ્યું. ભગીરથના પૂર્વજોએ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવવાના અનેક પ્રયત્ન કર્યા, પરંતુ છેવટે ભગીરથનો પુરુષાર્થ જ સફળ થયો.

(બાલકાંડ, ૩૯-૪૩) — સમીક્ષિત વાચના