ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/અનંગપ્રભાની કથા


અનંગપ્રભાની કથા

હિમાલયમાં વીરપુર નગર છે. ત્યાં સમર નામે વિદ્યાધરરાજા છે. તેની રાણી અનંગવતીએ અનંગપ્રભા નામની કન્યાને જન્મ આપ્યો હતો. પોતાના રૂપ અને યૌવનના ઘમંડને કારણે તેણે પતિ તરીકે કોઈને પસંદ ન કર્યો, એના દુરાગ્રહથી ક્રોધે ભરાઈને તેના માતાપિતાએ શાપ આપ્યો, ‘તું સ્ત્રીધર્મ ચૂકી છે, માટે જા મનુષ્યલોકમાં જન્મીશ અને ત્યાં પણ તને ભરતારસુખ નહીં મળે. તને સોળ વર્ષ થશે ત્યારે મનુષ્યદેહ ત્યજીને તું અહીં આવીશ. મુનિકન્યાની અભિલાષાથી શાપને કારણે મનુષ્ય વેશે કુરૂપ ખડ્ગધર તારો પતિ બનશે. તું એને નથી ચાહતી તો પણ તે તને મૃત્યુલોકમાં લઈ જશે. ત્યાં જતાં રસ્તામાં તું બીજા પર આસક્ત થઈશ. અને તેથી તને તારા પતિનો વિયોગ થશે. કારણ કે તેણે પૂર્વજન્મમાં બીજાની આઠ સ્ત્રીઓનું અપહરણ કર્યું હતું. (આઠ પરસ્ત્રીઓનાં હરણ કર્યાં હતાં, ત્યારે બીજા દ્વારા લઈ જવાયેલી એવી તારો એનાથી વિયોગ થશે. એ ખડ્ગધરે પૂર્વજન્મમાં બીજાઓની આઠ સ્ત્રીઓના અપહરણની વિશે કવિ સોમદેવ જે લખે છે તે આઠ પરસ્ત્રી સંબંધી કોઈ કથા મૂળમાં નથી) એટલે તે એક જ જન્મમાં આઠ જન્મમાં ભોગવવા યોગ્ય વિયોગનું દુઃખ ભોગવશે. તું પણ માનવ થવાને કારણે વિદ્યાઓ ગુમાવી બેઠી છે, એક જ જન્મમાં આઠ જન્મોનું દુઃખ ભોગવીશ. પાપી વ્યક્તિના સંપર્ક જેમને થાય તે બધા એના પાપના ભાગીદાર બને. યોગ્ય પતિ મળવા છતાં તેં એનો તિરસ્કાર કર્યો છે. એટલે તું પૂર્વજન્મને વિસ્મૃત કરીને અનેક પતિ મૃત્યુલોકમાં પામીશ. આકાશગામી અને સમાન કુળના મદનપ્રભે તારું માગું કર્યું હતું, તે માનવદેહે રાજા બનશે અને તારો પતિ બનશે. ત્યાર પછી શાપમુક્ત થઈને ફરી મૂળ લોકમાં આવીશ અને વિદ્યાધર બનેલા મદનપ્રભને પતિ રૂપે પામીશ.’

આમ માતાપિતાનો શાપ ભોગવતી અનંગપ્રભા અનંગરતિ રૂપે પૃથ્વીલોકમાં જન્મીને હવે પાછી માતાપિતા પાસે પહોંચી છે અને તે અનંગપ્રભા છે. એટલે તું વીરપુર જા અને યુદ્ધમાં કુળવાન પુરુષો જેની રક્ષા કરે છે એવા તેના પિતાને જીતીને તેને મેળવ. આ તલવાર સાથે રાખ, હાથમાં રાખીશ એટલે તું આકાશમાં ઊડી શકીશ, તારો પરાભવ કોઈ કરી નહીં શકે.’

આટલું કહીને દેવી તલવાર આપી અંતર્ધાન થઈ ગઈ.

ત્યાર પછી જીવદત્ત જાગી ગયો અને પોતાના હાથમાં તલવાર જોઈ. એટલે આનંદિત થયેલા જીવદત્તે ઊઠીને અંબિકાને વંદન કર્યાં, અને દેવીની કૃપાથી બધા સંતાપ શમી ગયા.

તે હાથમાં ખડ્ગ લઈને આકાશમાં વિહાર કરવા લાગ્યો. હિમાલયની પ્રદક્ષિણા કરી વીરપુર ખાતે વસતા વિદ્યાધરોના રાજા સમરને મળ્યો. યુદ્ધમાં સમર ઉપર વિજય મેળવ્યો, અનંગપ્રભાને પ્રાપ્ત કરી અને જીવદત્ત દિવ્ય ઐશ્વર્ય ભોગવવા લાગ્યો. થોડો સમય ત્યાં ગાળીને તેણે સમર રાજાને અને પત્ની અનંગપ્રભાને કહ્યું, ‘આપણે પૃથ્વી પર જઈએ, ત્યાં જવા હું આતુર છું. પ્રાણીઓને પણ પોતાની જન્મભૂમિ નિકૃષ્ટ હોવા છતાં બહુ વહાલી લાગે છે.’ તેની આ વાત સસરાએ તો માની લીધી પરંતુ ભવિષ્ય જાણતી અનંગપ્રભાને સમજાવતાં બહુ મહેનત પડી. પછી અનંગપ્રભાને ખોળામાં બેસાડી જીવદત્ત પૃથ્વી પર ઊતર્યો. રસ્તામાં એક સુંદર પર્વત જોઈને અનંગપ્રભાએ તેને કહ્યું, ‘હું થાકી ગઈ છું, એટલે આ પર્વત પર આરામ કરીએ.’

‘ભલે,’ એમ કહી જીવદત્ત તેની સાથે તે પર્વત પર ઊતર્યો અને અનંગપ્રભાની વિદ્યાઓના પ્રભાવથી ભોજન કર્યું.

પછી વિધિપ્રેરિત જીવદત્તે અનંગપ્રભાને કહ્યુ, ‘પ્રિય, કશુંક મધુર સંગીત સંભળાવ.’ આ સાંભળી અનંગપ્રભા ભક્તિપૂર્વક શિવસ્તુતિ ગાવા બેઠી. તેના સંગીતના મધુર શબ્દોથી તે જીવદત્ત નિદ્રાધીન થઈ ગયો.

એટલામાં હરિવર નામનો રાજા મૃગયા રમતો અને પાણી શોધતો ત્યાંથી નીકળ્યો. હરણ જેમ ગાયનથી આકર્ષાય તેમ રાજા અનંગપ્રભાના ગાયનથી આકર્ષાઈને રથમાંથી ઊતરીને ત્યાં આવ્યો. સારા શુકનોથી પહેલેથી જ શુભ લક્ષણોવાળા રાજાએ કામદેવ સદૃશ પ્રભા ધરાવતી અનંગપ્રભાને જોઈ. તેને જોતાંવેંત તેના ગાયન અને રૂપથી લુબ્ધ રાજાના હૃદયને કામદેવે પોતાના શરથી ઘાયલ કર્યો. તે અનંગપ્રભા પણ સુંદર રાજાને જોઈ કામદેવના શરનું લક્ષ્ય બનીને મનમાં, વિચારવા લાગી. ‘આ કોણ છે? ધનુષ વગરનો કામદેવ છે કે મારા ગીત અને સ્તુતિથી પ્રસન્ન શંકર ભગવાનની મૂર્તિમંત કૃપા છે?’ આમ વિચારી કામાતુર અનંગપ્રભાએ પૂછ્યું, ‘તમે કોણ છો? આ વનમાં આવવાનું પ્રયોજન શું છે તે કહો.’

ત્યારે રાજાએ પોતે ક્યાંથી કેવી રીતે આવ્યો તેની વાત કહી, રાજાએ પણ પૂછ્યું, ‘સુંદરી, તું કોણ છે કહે જોઈએ. હે કમલાનના, આ સૂઈ ગયો છે તે કોણ છે?’ એટલે અનંગપ્રભાએ ટૂંકમાં બધી વાત કરી. ‘હું વિદ્યાધરી છું અને આ ખડ્ગસિદ્ધ જીવદત્ત મારો પતિ છે. પણ હું તમને જોતાંવેંત તમારા પ્રત્યે આકર્ષાઈ છું. તો ચાલો, તમારા નગર તરફ જઈએ, આ નિદ્રાધીન રહે ત્યાં સુધી તમને વિસ્તારથી બધી વાત કહું.’

રાજાએ તેનું સૂચન સાંભળી સ્વીકારી લીધું અને જાણે ત્રિલોકનું રાજ્ય મેળવી લીધું. રાજાને ખોળામાં લઈને કેવા વેગે આકાશમાં ઊડી જઉં એવો વિચાર તરત જ તે કરવા લાગી. એટલામાં તે પતિવિદ્રોહને કારણે ભ્રષ્ટ વિદ્યાવાળી થયેલી તે પિતાના શાપને યાદ કરતી તે દુઃખી થઈ ગઈ. તેને એવી જોઈને રાજાએ તેનું કારણ પૂછ્યું અને કહ્યું, ‘અત્યારે શોક કરવાનો સમય નથી. તારો પતિ જાગી જશે. આવી વાત દૈવાધીન છે. તું દુઃખી ન થા. પોતાના મસ્તકની છાયા અને દૈવગતિનું ઉલ્લંઘન કોણ કરી શકે? તો હવે આપણે જઈએ.’ અનંગપ્રભાએ રાજાની વાત પર શ્રદ્ધા રાખી અને તેને રાજાએ પોતાના ખોળામાં લઈ લીધી. જાણે દાટેલો ખજાનો મળી ગયો હોય તેમ રાજા તરત જ રથમાં બેઠો અને સેવકોએ તેનું અભિવાદન કર્યું. મનોવેગી રથ દ્વારા તે સુંદરીની સાથે પ્રજાને આશ્ચર્યચકિત કરતો રાજા રાજધાની પહોંચી ગયો.

રાજા પોતાના નામ જેવા જ હરિવર નગરમાં તે પરમ સુંદરી અનંગપ્રભા સાથે દિવ્ય સુખ અનુભવતો રહેવા લાગ્યો. રાજા પ્રત્યે અનુરાગિણી બનીને અનંગપ્રભા ત્યાં રહેવા લાગી, તે પોતાનો પ્રભાવ ભૂલીને શાપથી મોહિત થઈ ગઈ.

આ દરમિયાન જાગીને ઊઠેલા જીવદત્તે ન અનંગપ્રભાને જોઈ, ન પોતાની તલવાર જોઈ. અનંગપ્રભા ક્યાં? તલવાર ક્યાં? શું અનંગપ્રભા તલવાર લઈને જતી રહી? કે તે બંનેને કોઈ બીજું લઈ ગયું?’ આમ ભ્રાંત ચિત્તે તે વિવિધ પ્રકારની શંકા કરતો જીવદત્ત કામાગ્નિથી પ્રજ્વળતો ત્રણ દિવસ તેને શોધતો રહ્યો. પછી આહારનો ત્યાગ કરી તેણે ત્રણ દિવસ પર્વત પર શોધ ચલાવી. ચોથે દિવસે પર્વત પરથી ઊતરીને વનમાં દસ દિવસ અનંગપ્રભાને શોધી પણ તેના પગનાં ક્યાં ચિહ્ન પણ ન દેખાયાં.

‘અરે દુષ્ટ વિધાતા, અત્યંત મુશ્કેલીથી મેળવેલી ખડ્ગસિદ્ધિ મળી, એ ગઈ તેની સાથે મારી પ્રિયા અનંગપ્રભા પણ ગઈ.’ આમ રડતોકકળતો રહ્યો, ખાધાપીધા વિના તે બ્રાહ્મણ ભટકતો રહ્યો.

ફરતાં ફરતાં એક ગામમાં સંપન્ન બ્રાહ્મણને ઘેર ગયો. ત્યાં કોઈ સુંદર વસ્ત્ર પહેલી રૂપવાન ગૃહિણી પ્રિયદત્તાએ આસન આપી તેને બેસાડ્યો. પોતાની દાસીઓને આજ્ઞા આપી. ‘આ જીવદત્તના પગ ત્વરાથી ધુઓ. સ્ત્રીના વિરહમાં તે તેર દિવસથી ભૂખ્યો છે.’

પોતાનું વૃત્તાંત પ્રિયદત્તાના મોઢે સાંભળી જીવદત્ત વિચારમાં પડી ગયો, ‘શું અનંગપ્રભા અહીં આવી હશે કે આ સ્ત્રી કોઈ યોગિની છે?’ એમ વિચાર કરતાં કરતાં તેણે પગ ધોયા, તે સ્ત્રીએ આપેલા ભોજનથી તૃપ્ત થયો, પછી ખૂબ જ વિનયથી પ્રિયદત્તાને પૂછયું, ‘હે અનિંદિતા, તમે મારી ગુપ્ત કથા કેવી રીતે જાણો છો? પછી કહો કે મારી પ્રિયતમા અને મારી તલવાર ક્યાં ગયાં?’

આ સાંભળી તે પતિવ્રતા પ્રિયદત્તાએ કહ્યું, ‘પતિ સિવાય બીજો કોઈ પુરુષ સ્વપ્નમાંય મારા મનમાં આવતો નથી. બીજા પુરુુષોને હું ભાઈ અને પુત્ર જેવા ગણું છું. મારા ઘેરથી કોઈ પણ અતિથિ આદર સત્કાર વિના જતો નથી. આના પ્રભાવે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળ જાણું છું. તું પર્વત પર શયન કરી રહ્યો હતો ઊંઘતો હતો એ વેળા રાજા હરિવર તેના ગાયનથી આકર્ષાઈને ત્યાં આવી ચઢ્યો, પરંતુ લાવણ્યવતી મધુર કંઠવાળી અનંગપ્રભાને જોઈ તેના પર મોહિત થયો, અને તે પણ તેના પર મોહ પામી. તે રાજા તેને હરી ગયો છે, ને તે બંને હરિવરપુરીમાં રહે છે. હવે તે સ્ત્રી તને મળી શકશે નહીં. કારણ કે રાજા મહા બળવાન છે. તેમ તે વેશ્યા વળી તે રાજાને ત્યજીને કોઈ બીજા પુરુષ પાસે જતી રહેશે. દેવીએ તે તલવાર તને અનંગપ્રભાને પ્રાપ્ત કરવા જ આપી હતી. તે તલવાર પોતાનું કામ કરી પોતે દેવતાઈ હોવાથી દેવી પાસે જતી રહી. દેવીએ જ અનંગપ્રભાના શાપનું વર્ણન કરતી વખતે તેનું ભવિષ્ય તમને કહ્યું જ હતું. આ અફર ભાવી હતું, તમે મિથ્યા મોહ શા માટે કરો છો? વારેવારે અતિ દુઃખદાયી પાપનું બંધન તોડી નાખો. ભાઈ, તે બીજા પુરુષને ચાહે છે, વિદ્યાધરીમાંથી મનુષ્ય બની છે, તમારો દ્રોહ કર્યો છે, તેની વિદ્યા ભ્રષ્ટ થઈ ગઈ છે, એવી પાપિણી મેળવીનેય તમે શું કરશો?’

તે પતિવ્રતાએ આમ સમજાવ્યો એટલે જીવદત્તે અનંગપ્રભાની આશા મૂકી દીધી. ચંચળતા ત્યજીને તેણે પ્રિયદત્તાને કહ્યું, ‘હે અંબા, તમારા આ સત્ય વચનથી મારો મોહ જતો રહ્યો. પુણ્યાત્માઓનો સંપર્ક દરેક માટે કલ્યાણકારી નીવડે છે. મારા પૂર્વજન્મનાં પાપને કારણે આવું દુઃખ ભોગવું છું. હવે એ પાપ ધોવા રાગદ્વેષ વગરનો થઈ હું તીર્થયાત્રા કરીશ. અનંગપ્રભાને કારણે બીજાઓ સાથે ઝઘડીને મને શંુ મળશે? જેણે ક્રોધ જીત્યો તેણે આખું જગત જીતી લીધું.’

જીવદત્ત આમ બોલતો હતો એટલમાં પ્રિયદત્તાનો પતિ ત્યાં આવી ચઢ્યો. તે પરમ ધાર્મિક હતો અને અતિથિપ્રિય હતો. તેણે પણ જીવદત્તનું આતિથ્ય કરીને તેનું દુઃખ દૂર કર્યુ. પછી જીવદત્ત તેમના ઘરમાં આરામ કરી, તેમની સંમતિ લઈ તીર્થાટન કરવા નીકળી પડ્યો. નિર્જન વનમાં અનેક આપત્તિઓ વેઠતો, કંદમૂળ ખાતો પૃથ્વી પર તીર્થયાત્રા કરવા નીકળ્યો. બધા તીર્થની યાત્રા કરવા ઉપરાંત તે વિંધ્યવાસિની દેવી પાસે ગયો, નિરાહાર રહી, કુશની શય્યાપર કઠોર તપ તેણે આદર્યું. તેના તપથી પ્રસન્ન થઈ અંબિકાએ કહ્યું, ‘ઊભો થા. તમે ચાર મારા ગણ છો. એકનું નામ પંચમૂલ, બીજાનું નામ ચતુર્વક્ત્ર, ત્રીજાનું નામ મહોદરમુખ છે, તું ચોથો વિકટાનન. એ ચારે ગણમાં તું સર્વથી ઉત્તમ છે.

એક વેળા તમે ચારે વિહાર માટે ગંગાકાંઠે ગયા હતા. ત્યાં કપિલજટ નામના ઋષિની કન્યા ચાપલેખા સ્નાન કરતી હતી, તે તમે જોઈ, તેને જોઈને તમે કામવિવશ થઈ તેની ઇચ્છા કરવા લાગ્યા. ‘હું હજુ કન્યા છું, તમે અહીંથી જાઓ.’ એમ તેણે કહ્યું એટલે ત્રણ ગણ ચૂપ રહ્યા પણ તેં બળજબરીથી તેના હાથ પકડી રાખ્યા. ત્યારે ‘હે પિતા, હે પિતા, મને બચાવો.’ એમ કહી ચીસો પાડવા લાગી. તેની ચીસો સાંભળી પાસે જ ઊભેલા તેના પિતા આવી ચઢ્યો. તેમને જોઈને તેં એનો હાથ મૂકી દીધો. ત્યારે તે ઋષિએ ચારેયને શાપ આપ્યો, ‘હે પાપીઓ, તમે મૃત્યુલોકમાં જાઓ.’

તમે પ્રાર્થના કરી એટલે ઋષિએ કહ્યું, ‘જ્યારે રાજકુમારી અનંગપ્રભાની યાચના કરશો ત્યારે તે મનુષ્યલોકમાંથી વિદ્યાધરલોકમાં પાછી જતી રહેશે ત્યારે અનંગપ્રભાનો પણ શાપમાંથી છુટકારો થશે. પણ હે વિકટાનન, તું વિદ્યાધરી બનેલી તેને મેળવીને પણ ખોઈ નાખીશ. હવે તું મહા દુઃખ પામીશ અને લાંબા સમય સુધી દેવીની આરાધના કર્યા પછી શાપમુક્ત થઈશ. તેં આ ચાપલેખા કન્યાના હાથનો સ્પર્શ કર્યો છે, એટલે તને પરસ્ત્રીના સ્પર્શ કરવા સંબંધી પાપ લાગ્યું છે.’ આ પ્રકારે તે મહર્ષિએ તમને શાપ આપ્યો, એટલે તમે ચારે દક્ષિણ પ્રદેશમાં વીર પુરુષો રૂપે અવતર્યા પંચવટ્ટિક, ભાષાવિજ્ઞાની અને ખડ્ગધર — આ ત્રણ અને ચોથો તું જીવદત્ત આ પ્રમાણે તમારા ચારેનાં નામ હતાં. પેલા ત્રણ અનંગરતિ વિદ્યાધરી થઈ ગઈ એટલે અહીં આવીને મારી કૃપાથી શાપમુક્ત થયા. હવે અગ્નિમંત્ર લઈ તું શરીરત્યાગ કર. આઠ જન્મ ભોગવવાનાં પાપ એક જ વારમાં ભસ્મ કરી દે.’ આમ કહી અગ્નિમંત્ર આપીને દેવી અંતર્ધાન થઈ ગયાં. જીવદત્તે અગ્નિમંત્ર ભણીને પોતાનાં પાપ અને માનવશરીરને બાળી નાખ્યાં, શાપમુક્ત થઈને તે પાછો ગણશ્રેષ્ઠ થઈ ગયો. પરસ્ત્રી સહવાસથી થતાં પાપ જો દેવતાઓ પણ કરતાં હોય તો બીજાઓને તો શું કહેવું?