ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/તરુણચંદ્ર વૈદ્ય અને રાજા અજરની કથા


તરુણચંદ્ર વૈદ્ય અને રાજા અજરની કથા

ભૂતકાળમાં શ્રીકંઠનિલય(હિમાલય)માં વિલાસપુર નામના નગરમાં પોતાના નામને સાર્થક કરતો એક રાજા વિનયશીલ થઈ ગયો. તેની રાણી કમલપ્રભા રાજાને પોતાના પ્રાણસમી વહાલી હતી. રાજાએ તેની સાથે ભોગવિલાસમાં અનેક વર્ષો વીતાવ્યાં. થોડા સમય પછી સૌંદર્યહારિણી વૃદ્ધાવસ્થા આવી ચઢી. તેને જોઈને રાજા ખૂબ જ દુઃખી થયો. હિમથી બળી ગયેલા કમલની જેમ પોતાનું ફિક્કું મોં જોઈ, ‘હા ધિક્ છે! આ મારું મલિન મુખ કેવી રીતે દેવીને દેખાડીશ? આનાથી તો મૃત્યુ સારું.’ એવું વિચારીને રાજાએ તરુણચંદ્ર નામના વૈદ્યને સભામાં બોલાવ્યો અને આદરથી કહ્યું, ‘હે કલ્યાણકારી, તું અમારો ભક્ત છે અને કુશળ વૈદ્ય છે એટલે તને પૂછું છું કે કોઈ એવી યુક્તિ છે જેથી ઘરડાપાને રોકી શકાય?’

આ સાંભળીને કેવળ કળામાત્રના સારને જાણનાર તથા યથાર્થનામા એવો તે કુટિલ તરુણચંદ્ર વિચારવા લાગ્યો, ‘આ નૃપતિ મૂર્ખ છે. ધીરે ધીરે સમજ પડશે.’ એમ વિચારીને તે વૈદ્ય રાજાને કહેવા લાગ્યો, ‘આઠ મહિના સુધી ભોંયરામાં રહીને જો મારી ઔષધિ ખાઓ તો તમારી વૃદ્ધાવસ્થા દૂર થાય.’

આ સાંભળીને રાજાએ તાબડતોબ એક ભોંયરું બનાવ્યું. વિષયલોલુપ માણસોમાં વિચાર કરવાની શક્તિ નથી હોતી.

મંત્રીઓએ રાજાને સમજાવ્યો, ‘પૂર્વજોના તપ, સંયમ અને યુગના પ્રભાવથી અદ્ભુત રસાયનો સિદ્ધ થઈ ચૂક્યાં છે પણ આજે તો એમનાં નામ જ રહી ગયાં છે. તે વિપરીત પરિણામ આણે છે. એટલે આ ઉચિત નથી. ધૂર્ત લોકો બાલિશ રમતો રમતા હોય છે. મહારાજ, શું વૃદ્ધાવસ્થાને બદલે યુવાવસ્થા પાછી આવે ખરી?’

રાજાના ગળે મંત્રીઓની વાત ઊતરી ન શકી. રાજાનું હૃદય ભોગતૃષ્ણાથી ભરેલું હતું. એટલે બધો જ રાજવૈભવ ત્યજીને તે રાજા એકલો ભોંયરામાં પેઠો. તે વૈદ્ય પોતાના એક નોકરને લઈને રાજાની ઔષધિ કરવા લાગ્યો. રાજા અંધકારથી ભરેલા એ ભોંયરામાં એવી રીતે રહેવા લાગ્યો કે જાણે તેનું અજ્ઞાન હૃદયમાંથી બહાર નીકળી ગયું.

આમ કરતાં કરતાં છ મહિના વીતી ગયા અને રાજાની વૃદ્ધાવસ્થા હજુ વધારે વરતાવા માંડી એટલે તે દુષ્ટ વૈદ્યે રાજાને મળતો આવે એવો યુવાન શોધી કાઢ્યો અને તેને કહ્યું, ‘હું તમને રાજા બનાવું છું.’ તેની સાથે સમજાવટ કરીને તે વૈદ્યે દૂરથી જ ભોંયરા સાથે જોડાયેલી એક સુરંગ બનાવડાવી અને તેમાં જઈને સૂતેલા રાજાને મારી નાખ્યો અને અંધારા કૂવામાં એનું શબ ફેંકી દીધું. અને એ જ સુરંગના રસ્તે તે તરુણને ભોંયરામાં મોકલીને સુરંગ બંધ કરી દીધી. દુષ્ટાત્માઓ અવસર જોઈને મૂર્ખ વ્યક્તિઓ સાથે કેવું કેવું સાહસ કરતા હોય છે! આવી વ્યવસ્થા કરીને વૈદ્યે બધા જ લોકોને ભેગા કરીને કહ્યું, ‘મેં રાજાનો ઘરડાપો છ જ મહિનામાં દૂર કરી દીધો. બીજા બે મહિનામાં એનું બીજું જ રૂપ જોવા મળશે. એટલે તમે દૂરથી જ એમને તમારું દર્શન કરાવો.’ એમ કરીને તે ભોંયરાના દ્વારે બધાને લઈ ગયો અને બધાનાં નામ અને પદ જણાવવા લાગ્યો. આમ કરીને અંત:પુરની સ્ત્રીઓને પણ લઈ જઈને તે યુવાન પુરુષ દેખાડ્યો.

સમયાવધિ પૂરો થયો એટલે ખવડાવીપીવડાવી તાજામાજા કરેલા યુવાનને ભોંયરામાંથી બહાર કાઢ્યો અને જણાવ્યું કે આ રાજા યુવાન અને અજર થયો છે. બધાએ માની પણ લીધું. ત્યાર પછી તેને નવડાવીધોવડાવી મહા અમાત્યોની સમક્ષ તેનો રાજ્યાભિષેક કરાવ્યો. ત્યાર પછી તે યુવાન રાજા અજર તરીકે વિખ્યાત થયો અને અંત:પુરના ભોગવિલાસ પણ ભોગવવા લાગ્યો. રાજ્યના બધા જ લોકો આ અસંભવિત કાર્ય કરનારા વૈદ્યની વિદ્યાના ચમત્કાર પર વિશ્વાસ કરીને તેને જ જૂનો રાજા માનીને તેની સેવા કરવા લાગ્યા. તે યુવક પણ પ્રજાને, રાજસેવકોને અને દેવી કમલપ્રભાને પ્રસન્ન કરીને રાજાને છાજે તેવો વ્યવહાર કરવા લાગ્યો. અને વૈદ્યના મિત્ર ભેષજચંદ્રને અને પદ્મદર્શનને હાથીઘોડા વગેરે આપીને તેમને પ્રસન્ન રાખવા લાગ્યો.

પરંતુ તે તરુણચંદ્ર વૈદ્યને ઔપચારિક રીતે જ માનતો હતો. સત્યધર્મથી ભ્રષ્ટ થયેલા પર તે વિશ્વાસ મૂકતો ન હતો. એક વાર તે વૈદ્યે રાજાને કહ્યું, ‘તું મને અવગણીને સ્વતંત્ર રીતે જ કાર્ય કરે છે. શું તું ભૂલી ગયો કે મેં જ તને રાજા બનાવ્યો છે?’

આ સાંભળીને તે રાજાએ વૈદ્યને કહ્યું, ‘અરે તું મૂર્ખ છે. કોણ કોને બનાવે છે, કોણ આપે છે? પૂર્વજન્મનાં કર્મ જ બનાવે છે અને આપે છે. એટલે તું અભિમાન ન કર. આ રાજ્ય મને મારા તપથી પ્રાપ્ત થયું છે. હું તને થોડા જ સમયમાં આ વાત પ્રત્યક્ષ કરી બતાવીશ.’

આમ રાજાએ કહ્યું એટલે ત્રસ્ત થયેલો વૈદ્ય વિચારવા લાગ્યો કે આ મારી સાથે ધૃષ્ટતાથી વર્તી નથી રહ્યો અને ધીર થઈને જ્ઞાનીની જેમ બોલી રહ્યો છે. રહસ્યની બાબતોમાં અંતરંગ બનવું શક્ય નથી તો પણ મારે એનું અનુસરણ કરવું જોઈએ. જોઉં છું કે તે મને પ્રત્યક્ષ શું દેખાડે છે? એમ વિચારીને તે વૈદ્ય ચૂપ રહ્યો.

કોઈ એક દિવસે રાજા અજર ફરવા માટે નીકળ્યો, સાથે તરુણચંદ્ર અને અન્ય મિત્રો હતા. ફરતાં ફરતાં તે નદીકિનારે આવ્યો અને નદીની વચ્ચે પ્રવાહમાં તરતાં પાંચ સુવર્ણકમળ જોયાં. રાજાએ સેવકો પાસે તે કમળ મંગાવ્યાં, હાથમાં રાખી જોયાં અને પાસે ઊભેલા તરુણચંદ્રને કહ્યું, ‘તમે નદીકિનારે ઉપરવાસમાં જાઓ અને આ પંકજોનું ઉત્પત્તિસ્થાન શોધી કાઢો. તે જોઈને તમે મારી પાસે આવો. આ પંકજ જોઈને મને ભારે કુતૂહલ થાય છે, અને તમે તો મારા ચતુર મિત્ર છો.’

આમ સાંભળીને તે વિવશ વૈદ્ય બતાવેલા માર્ગે ચાલી નીકળ્યો અને રાજા પોતાના ભવનમાં પાછો આવ્યો. ધીમે ધીમે ચાલીને તે વૈદ્ય નદીકિનારે આવેલા એક શિવમંદિરમાં જઈ પહોંચ્યો. ત્યાં નદીના મૂળ ભાગમાં કિનારે વડનું એક મોટું ઝાડ જોયું, તેમાં લટકતો એક નરકંકાલ જોયો. વૈદ્ય તે સરોવરમાં સ્નાન કરીને દેવપૂજામાં જેવો બેઠો કે એક વાદળ ત્યાં વરસી ગયું. વાદળ વરસવાને કારણે તે વટવૃક્ષ પર લટકતા નરકંકાલ પર જે બંદુિઓ ટપક્યાં તે નદીના પાણીમાં જઈને સુવર્ણકમળમાં ફેરવાઈ જતાં હતાં. વૈદ્ય વિચારવા લાગ્યો, અહો, કેવું આશ્ચર્ય. આ નિર્જન વનમાં કોને પૂછું? વિધાતાનું આશ્ચર્ય કોણ પામી શકે?

મેં સુવર્ણકમળનું ઉત્પત્તિસ્થાન તો જોઈ લીધું, હવે આ નરકંકાલને તીર્થમાં ફેંકી દઈશ, મને ધર્મલાભ થશે એમ વિચારીને તેણે નરકંકાલને તે વટવૃક્ષ પરથી ફેંકી દીધું. આમ તે દિવસ ત્યાં જ વીતાવ્યો, કાર્ય સિદ્ધ કરીને તે બીજા દિવસે ઘેર પાછો આવ્યો. થોડા દિવસે તે વિલાસપુર જઈ અજર રાજા પાસે ગયો. તે સમયે માર્ગ ધૂળથી ભરેલો હતો. દ્વારપાળે તેના આગમનના સમાચાર આપ્યા એટલે તે રાજાને ચરણે પડ્યો અને રાજાએ તેના કુશળ સમાચાર પૂછ્યા, તે વૈદ્યે બધી વાત કરી. ત્યાર પછી રાજાએ બધા લોકોને વિદાય કરી એકાંતમાં પૂછ્યું, ‘હે સખા, તેં સુવર્ણકમળનું ઉદ્ભવસ્થાન જોયું? તે ક્ષેત્ર ઉત્તમ છે, ત્યાં તેં વટવૃક્ષ પર લટકતો નરકંકાલ જોયો તે મારા પૂર્વજન્મનું શરીર હતો. ત્યાં પગ આકાશ સામે કરીને મેં મારું શરીર તપસ્યા કરીને સૂકવી નાખ્યું હતું અને પછી પ્રાણત્યાગ કર્યો હતો. તે તપને કારણે મારા મૃત કંકાલમાંથી ટપકતાં મેઘબંદુિઓ સુવર્ણકમળ બની જતાં હતાં. તે નરકંકાલને તેં તીર્થમાં ફેંકીને ઉચિત કાર્ય કર્યું. તું મારો પૂર્વજન્મનો મિત્ર છે. આ ભેષજચંદ્ર અને પદ્મદર્શન પણ મારા પૂર્વજન્મના મિત્ર છે. એટલે હે મિત્ર, તે પૂર્વજન્મના તપના પ્રભાવે કરીને હું જાતિસ્મર જ્ઞાની થયો અને મેં રાજ્ય પ્રાપ્ત કર્યું. આ બધું મેં તને યુક્તિપૂર્વક પ્રત્યક્ષ કરી દેખાડ્યું. તેં જે કંકાલને ફેંકી દીધું તે પણ અભિજ્ઞાનપૂર્વક વર્ણવી બતાવ્યું. એટલે આ રાજ્ય મેં તને આપ્યું હતું તે તેં મને આપ્યું. એટલે તું અહંકાર કરીશ નહીં. મનમાં દુઃખી પણ ન થતો. પૂર્વજન્મનાં કર્મ સિવાય કોઈ કોઈને કશું આપતું નથી. પ્રત્યેક જીવ ગર્ભાવસ્થાથી જ પૂર્વજન્મનાં ફળ પામે છે.’

આમ સાંભળીને તે વૈદ્ય અસંતોષનો ત્યાગ કરીને આનંદપૂર્વક રાજાની સેવા કરવા લાગ્યો. તે જાતિસ્મર અજર રાજાએ પણ તે વૈદ્યને યોગ્ય સમ્માન, ધન આપીને ઉપકૃત કર્યો. પોતે પણ અંત:પુરની રાણીઓ અને મિત્રો સાથે નિષ્કંટક રાજ્ય કરવા લાગ્યો.

(કથાસરિત્સાગર અંતર્ગત રત્નપ્રભાલંબકના સાતમા તરંગની કથા)