ભારતીયકથાવિશ્વ-૩/કથાસરિત્સાગરની કથાઓ/હંસાવલીની કથા

From Ekatra Wiki
Revision as of 02:31, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હંસાવલીની કથા

પૂર્વે કોશલા નામની નગરીમાં વિમલાકર નામનો રાજા હતો, તેના પુત્રનું નામ હતું, કમલાકર. બ્રહ્માએ જાણે તેને કાતિર્કેય, કામદેવ અને કલ્પવૃક્ષને જીતવાની ઇચ્છાથી તેજ, રૂપ, દાનશીલતા વગેરે ગુણો દ્વારા પ્રશંસનીય બનાવ્યો હતો. એક દિવસ બંદીજનો દ્વારા ચારે દિશાઓમાં સ્તુત્ય તે રાજકુમાર સમક્ષ એક ઓળખીતા બંદીજને એક ગાથા આમ સંભળાવી:

‘કમળોને પ્રાપ્ત કરીને જેનો ઉત્સવ થાય છે અને જેની આસપાસ ગુંજતાં પક્ષીઓનું સમૂહગાન થયા કરે છે તે કમલાકરને મેળવ્યા વિના હંસાવલી કેવી રીતે સુખી થઈ શકે?’

આ ગાથાને જ્યારે મનોરથસિદ્ધિ નામનો બંદીજન વારંવાર ગાવા લાગ્યો ત્યારે રાજકુમારે પૂછ્યું, ‘તું આ શું ગાય છે?’ એટલે મનોરથસિદ્ધિ નામના તે બંદીએ રાજકુમારને કહ્યું,

‘દેવ, રખડતો રખડતો એક વાર હું વિદિશા નગરીમાં મેઘમાલી નામના રાજાની ત્યાં જઈ પહોંચ્યો હતો. તે નગરી જાણે લક્ષ્મીની ક્રીડાવાટિકા હતી. ત્યાં હું દર્દુર નામના સંગીતાચાર્યને ત્યાં ઊતર્યો હતો. એક દિવસ વાતચીત કરતાં કરતાં તેમણે કહ્યું, ‘રાજકન્યા હંસાવલીએ મારી પાસેથી એક નવું નૃત્ય શીખ્યું છે. આવતી કાલે સવારે તે તેના પિતા સમક્ષ પ્રદશિર્ત કરશે.’

આ સાંભળીને મને ખૂબ જ જિજ્ઞાસા થઈ, બીજે દિવસે યુક્તિપ્રયુકિતથી તેમની સાથેના રાજપરિવારમાં ભળી જઈ નૃત્યશાળામાં પ્રવેશ્યો. ત્યારે ઉમદાં વાજંત્રોિ વગાડનારા પોતાનાં વાજંત્રોિ વગાડવા લાગ્યા. તબલા પર પડતી થાપની સાથે પિતા સમક્ષ નૃત્ય કરતી, કેસરી કટિવાળી હંસાવલી નામની રાજકુમારી મેં જોઈ. નૃત્ય કરતી રાજકુંવરીના પુષ્પાલંકાર ડોલતા હતા, પાણિપલ્લવ ઉપર નીચે થતા હતા, તે જાણે કામદેવના વૃક્ષની લતા હતી અને યૌવનરૂપી વાયુ વડે ઝોલાં ખાતી હતી. ત્યારે મેં વિચાર્યુ કે, હરણી જેવી આંખોવાળી આ કન્યાને માટે યોગ્ય કુમાર કમલાકર સિવાય બીજો કોઈ પતિ હોઈ જ ન શકે. જો આવી કન્યા અનુપમ રાજકુમારને ન મળે તો પછી કામદેવે પુષ્પધનુષ્ય ધારણ શા માટે કરવું જોઈએ!

‘હું આ વિશે કોઈ ઉપાય કરીશ.’ એમ વિચારતો નૃત્ય પૂરું થયું એટલે હું રાજભવનના આંગણે આવ્યો. ત્યાં એક પડદો ટીંગાડ્યો અને બધાંને જણાવ્યું, ‘આ નગરમાં જો કોઈ પણ મારી સાથે ચિત્ર દોરવામાં સ્પર્ધા કરવા માગતો હોય તેણે આ પટ ચીરી કોઈ ચિત્ર ચિતરવું.’ આ વાત આખા ગામમાં પ્રસિદ્ધ થઈ ગઈ. પણ કોઈએ મારા પડદાને ચીરી કાઢ્યો નહીં, પોતાનું પરાક્રમ બતાવ્યું નહીં. પછી રાજાએ મને બોલાવ્યો અને પોતાની કુંવરીના મહેલમાં ચિત્ર બનાવવા માટે મને અધિકારી નીમ્યો. હે રાજા કમલાકર, પછી મેં હંસાવલીના મહેલની ભીંતે તમારું અને તમારા સેવકનું ચિત્ર દોર્યુ. મેં વિચાર્યું કે જો સ્પષ્ટ રીતે બધી વાત હું કરું તો બધા મને ધૂર્ત સમજશે. તે રાજકન્યાને યુક્તિપૂર્વક વાત કરીશ. આમ વિચારી મેં ત્યાં એકને જણને મિત્ર બનાવ્યો, તે ભરોસાપાત્ર, સુંદર અને પાગલ જેવો હતો. મેં તેને શીખવ્યું કે તું રાજમહેલમાં જા પાગલપણાનો ઢોંગ કર અને પછી કમલાકરના ગુણ રાજકન્યા અને તેના ભાઈઓ આગળ ગા. તે ઉન્મત્ત ઘૂમતો, ગાતો, નાચતો ચોમેર ફરવા લાગ્યો. રાજાના કુમારોએ તેની પાસેથી ગમ્મત મેળવવા પોતાની પાસે બોલાવ્યો અને તેની પાસે બહુ ગમ્મત કરાવી. પછી તેને હંસાવલીના મહેલમાં મોકલ્યો. દૂરથી જ આ જોઈ રાજકુમારીએ મનોરંજન માટે તેને પાસે બોલાવ્યો, ત્યાં જઈને અને તમારું ચિત્ર જોઈ તે ગાંડોઘેલો અને કાંગલોકુંગલો થતો તમારી પ્રશંસા કરવા લાગ્યો. તે બોલ્યો, ‘ઓય ઓય બાપલિયા, ધન્ય ઘડી ધન્ય દહાડો. અહા! આજે તો જેના હાથમાં શંખ અને કમળનાં ચિહ્ન છે અને લક્ષ્મીના વિલાસસ્થાન રૂપ કૃષ્ણની પેઠે શંખ ચક્રનાં ચિહ્ન છે અને જે અત્યંત લક્ષ્મીવંત તથા અનન્ત ગુણવંત છે એવા કમલાકરનાં દર્શન થયાં.’

નૃત્ય કરતા એ પાગલના મોઢે આવી વાત સાંભળીને રાજકુમારીએ મને પૂછ્યું, ‘આ ગાંડો કોના ગુણ ગાય છે અને તમે આ ચિત્ર કોનું બનાવ્યું છે?’

જ્યારે તેણે બહુ વિનંતી કરી ત્યારે મેં કહ્યું, ‘જે રાજકુમારના રૂપગૌરવથી આકર્ષાઈને મેં આ ચિત્ર દોર્યું છે, તેમને આ પાગલે ચોક્કસ પહેલાં ક્યાંક જોયા છે.’ આટલું કહીને મેં તેને તમારું નામ જણાવ્યું અને તમારા ગુણોની પ્રશંસા કરી.

ત્યાર પછી હંસાવલીના હૃદયમાં કામનાનો નવો અંકુર ફૂટી નીકળ્યો. તે અંકુરને તમારા છલકાતા પ્રેમરસે સારી રીતે સિંચ્યો હતો. તે જ વેળા તેના પિતા ત્યાં આવી ગયા. તે પાગલને આવી રીતે નાચતો-ગાતો જોઈ તે ક્રોધે ભરાયા અને તેની સાથે સાથે મને પણ તેમણે કાઢી મૂક્યો.

ત્યાર પછી તો તમારા માટે અતિ ઉત્કંઠિત રહેતી દિવસે દિવસે ગળવા લાગી અને કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ ક્ષીણ થતી ગઈ. હવે તો તેનું લાવણ્ય શેષભર રહી ગયું છે. તેણે યુક્તિપૂર્વક અસ્વસ્થતાનું બહાનું કાઢી પિતાની આજ્ઞા લઈ પાપનાશક ભગવાન વિષ્ણુના મંદિરમાં આશ્રય લઈ એકાંતવાસ સેવવા લાગી. તમારું ધ્યાન નિરંતર ધરવાને કારણે તેની ઊંઘ ઊડી ગઈ, ચંદ્ર અને ચાંદની તેના માટે અસહ્ય થઈ પડ્યાં, દિવસરાતનો ભેદ જાણ્યા વિના તે ત્યાં રહેતી થઈ.

એક દિવસ તે મંદિરમાં હું પ્રવેશ્યો એટલે તેણે મને પાસે બોલાવ્યો, વસ્ત્રાભૂષણ આપીને મારો આદરસત્કર કર્યો. તેનો સત્કાર પામીને હું મંદિરની બહાર ચાલ્યો આવ્યો, તેણે મને આપેલાં વસ્ત્રોના છેડે એક ગાથા લખી હતી, તે તમે ફરી સાંભળો.

‘કમળોને પ્રાપ્ત કરીને જેનો ઉત્સવ થાય છે અને જેની આસપાસ ગુંજતાં પક્ષીઓનું સમૂહગાન થયા કરે છે, તે કમલાકરને મેળવ્યા વિના હંસાવલી કેવી રીતે સુખી થઈ શકે?’

આ ગાથા વાંચીને મને તેના ચિત્તનો ખ્યાલ આવી ગયો, તે તમને જણાવવા માટે જ મેં તમને આ ગાથા સંભળાવી છે. આ એ જ વસ્ત્ર છે જેના પર તેણે આ ગાથા લખી છે.’ તે બંદીજને આમ કહ્યું એટલે રાજકુમારે એ ગાથા જોઈ અને જોતાંવેંત હંસાવલી કાન એને નેત્ર દ્વારા તેના હૃદયમાં પ્રવેશી ગઈ. પછી તેનું ધ્યાન ધરીને તે પ્રસન્ન થયો. ઉત્સુક થઈને તેને મેળવવાનો ઉપાય વિચારવા લાગ્યો ત્યાં જ તેના પિતાએ તેને બોલાવી કહ્યું, ‘હે પુત્ર, આળસુ રાજા મંત્રથી અભિભૂત થયેલા જેમ નાશ પામે છે અને નાશ પામ્યા પછી તેનો અભ્યુદય કેવી રીતે થાય? સુખ ભોગવતાં અત્યાર સુધી તેં વિજયની ઇચ્છા કરી નથી. એટલે હું છું ત્યાં સુધી આળસ મૂકી દે અને પુરુષાર્થ કર. તું આગળ જઈ આપણા શત્રુ અંગરાજા પર વિજય મેળવ, તે આપણા પર આક્રમણ કરવા પોતાના રાજ્યની બહાર નીકળી ચૂક્યો છે.’

દેશમાં ગોંધાઈ રહેલો રાજકુમાર પિતાની આ વાત સાંભળીને મનમાં ઘણો પ્રસન્ન થયો. તે શૂરવીર તો હતો જ અને પ્રિયાની દિશામાં જવાની ઇચ્છા ધરાવતા કમલાકરે ‘ભલે’ કહી પિતાની વાતને ટેકો આપ્યો. ત્યાર પછી પિતાની આજ્ઞા લઈને સેના સાથે ધરતીને તથા શત્રુઓના હૃદયને કંપાવતો રાજકુમાર નીકળી પડ્યો. કેટલાય મુકામો પછી તે અંગરાજ સેના પાસે પહોંચ્યો ત્યારે કમલાકરે તેની સાથે યુદ્ધ કર્યું. જેવી રીતે અગસ્ત્ય ઋષિએ સમુદ્રપાન કર્યુ હતું તેવી રીતે રાજકુમારે શત્રુઓના બળને પી લીધું અને આમ શત્રુ પર વિજય મેળવીને અંગરાજને બંદી બનાવ્યો. બંદી અંગરાજને બાંધીને અને તેની સેનાને પોતાના મુખ્ય પ્રતિહારને સોંપી રાજકુમાર કમળાકરે પોતાના પિતાની પાસે બંદી રાજાને મોકલી દીધો, તે પ્રતિહાર દ્વારા જ હવે હું બીજા રાજાઓને જીતવા જઉં છું એવો સંદેશ પિતાને મોકલી દીધો. અને આમ એક પછી એક રાજાઓને જીતીને, તેમની સેના વડે પોતાનું બળ વધારીને કમલાકર વિદિશા નગરી પાસે પહોંચ્યો.

ત્યાં રોકાઈને તેણે હંસાવલીના પિતા રાજા મેઘમાલી પાસે તેમની કન્યાનું માગું કરવા દૂત મોકલ્યો. દૂતના મોઢે જાણ્યું કે કમલાકર સજ્જન છે અને મારી કન્યાનું માગું કરવા આવ્યા છે એટલે રાજા પ્રસન્ન થયા અને તેની પાસે ગયા. રાજાએ કમલાકરનો આદરસત્કાર કર્યો અને રાજકુમારે વળતો સત્કાર કર્યો, રાજાએ કહ્યું, ‘જે કાર્ય કોઈ દૂત દ્વારા થઈ શકતું હતું તેને માટે તમે આટલું બધું કષ્ટ કેમ ઉપાડ્યું? હું જાતે પણ આપણા બેના મિલનને ઇચ્છતો હતો. આનું કારણ પણ સાંભળી લો. નાનપણથી જ હંસાવલી ભગવાનની પૂજાઅર્ચનામાં લીન રહેતી હતી. શિરીષપુષ્પોના જેવી કોમલાંગી કન્યાને જોઈ મને ચિંતા થવા લાગી કે આવા ગુણવાળી આ કન્યાને લાયક કોણ યુવાન મળશે? જ્યારે મને યોગ્ય યુવાન દેખાયો નહીં ત્યારે ચિંતાથી મારી ઊંઘ ઊડી જતી હતી અને મને મહાજ્વર લાગુ પડ્યો. એના નિવારણ માટે મેં ભગવાનની પૂજા આદરી, આર્ત બનીને આ દુઃખ દૂર કરવા જણાવ્યું. એક રાત્રે મને આછી ઊંઘ આવી ત્યારે ભગવાને સ્વપ્નમાં મને કહ્યું, ‘હે પુત્ર, જેને માટે તને તાવ આવ્યો છે તે હંસાવલી જ્યારે પોતાના હાથ વડે તને સ્પર્શશે ત્યારે અસાધ્ય તાવ દૂર થઈ જશે. મારી પૂજા કરવાથી તેનો હાથ એવો પવિત્ર થયો છે કે તે કન્યા જેના અંગ પર હાથ ફેરવશે તેનો તાવ અસાધ્ય હશે તો પણ અવશ્ય નાશ પામશે. તું તેના વિવાહની ચિંતા ન કરતો. તેનો પતિ રાજકુમાર કમલાકર થશે, પરંતુ થોડો સમય તેણે કષ્ટ ઉઠાવવું પડશે.’ ભગવાન વિષ્ણુ આમ બોલ્યા એટલે મારી ઊંઘ ઊડી ગઈ. ત્યાર પછી હંસાવલીના હાથનો સ્પર્શ થવાથી મારો તાવ ઊતરી ગયો. આમ તમારા બેનો સમાગમ તો વિધાતાનું જ વિધાન છે. એટલે હું હંસાવલીનું લગ્ન તમારી સાથે ઘણા પ્રેમથી કરીશ.’

એમ કહી અને વિવાહ નક્કી કરીને રાજા મેઘમાલી પોતાના નગરમાં પાછો આવ્યો. અને ઘરના સર્વેને બધી વાત તેણે કહી. હંસાવલીએ પણ તેની વાત છાનામાના સાંભળી. પછી તેણે પોતાની વિશ્વસનીય સખી કનકમંજરીને કહ્યું, ‘તું જઈને જોઈ આવ કે જેનું ચિત્ર આપણે ત્યાં ચિતરાયું છે તે આ જ છે કે કોઈ બીજો છે; સંભવ છે કે એ જ નામનો કોઈ બીજો માણસ સેના લઈને આવ્યો હોય અને પિતાજી ભયને કારણે અર્પણ કરી તો દેતા નથી ને!’

આમ કહી પોતાની સખી કનકમંજરીને કમલાકરને જોવા મોકલી આપી. કનકમંજરીએ માથે જટા બાંધી મૃગચર્મ ઓઢ્યું, જનોઈ પહેરી, હાથમાં રુદ્રાક્ષની માળા લીધી અને એક તાપસીનો વેશ લીધો. અને પછી તે તે રાજકુમારની છાવણીમાં ગઈ. ત્યાં કમલાકરના માણસોએ અંદર ખબર આપી, એટલે જોગણના વેશમાં રહેલી તે સખીએ અંદર જઈને જોયું તો સંસારને જીતનારા મોહનમંત્રાયુધનો અધિષ્ઠાતા દેવ હોય તેવો રાજકુમાર શોભતો હતો. ત્યારે તેની સુંદરતાએ કનકમંજરીનું મન મોહી લીધું. જોતાંવેંત તે સમાધિસ્થ થઈ ગઈ. થોડી વાર જડભરત પેઠે તેની સામે ટગરટગર જોઈ રહી. તે વિચારના વમળમાં પડી ગઈ અને મનમાં જ બોલી, ‘જો આવા પુરુષ સાથે મારું મિલન ન થાય તો ધિક્કાર છે મારા જન્મને. એટલે આ માટે હું યોગ્ય ઉપાય કરું, હવે ગમે તે થાઓ.’

આગળ જઈને કનકમંજરીએ રાજકુમારને આશીર્વાદ આપ્યા અને એક મણિ ભેટ આપ્યો. રાજકુમારે મણિ લઈને તાપસીનો આદરસત્કાર કર્યો. પછી બેસીને તાપસી બોલી, ‘આ ઉત્તમ મણિના ચમત્કાર મેં અનેક વેળા જોયા છે. જેની પાસે આ મણિ હોય છે તેના પર શત્રુના સમર્થ શસ્ત્ર નિષ્ફળ થઈ જાય છે. આવો ઉત્તમ મણિ મેં તમારા ગુણ ઉપર વારી જઈને જ તમને અર્પણ કર્યો છે. તમારા ગુણોને હું ચાહું છું એટલે હું આ તમને સોંપું છું. તે મારા કરતાં વધારે તમને ઉપયોગી છે. માટે લો.’

તાપસી આમ બોલી એટલે રાજકુમારે તેને ભિક્ષાન્ન લેવા કહ્યું પરંતુ મારે એક ઘરની જ ભિક્ષા લેવી એવું મારું વ્રત છે એમ કહી ના લીધી અને તે ત્યાંથી ચાલી નીકળી.

પછી તાપસીનો વેશ ઉતારી દીધો અને ગભરાયેલી મુદ્રામાં હંસાવલી પાસે પહોંચી. હંસાવલીએ પૂછ્યું એટલે તે જૂઠું બોલી, ‘બહેન, મારે તો રાજાનું રહસ્ય કહેવા યોગ્ય નથી છતાં તારા પ્રત્યે પ્રેમ હોવાને કારણે કહું છું. તાપસીના વેશે હું રાજકુમારની પાસે ગઈ. ત્યાં પહોંચતાં વેંત એક માણસે સામે ચાલીને મને પૂછ્યું, ‘શું તમે ભૂતવિદ્યા અને તંત્રવિદ્યા જાણો છો?’

તેની વાત સાંભળીને અને બોલનાર પ્રતિહાર જેવો લાગ્યો એટલે મેં કહ્યું, ‘હા, હું સારી રીતે જાણું છું. આવી વાતોની મારી આગળ શી વિસાત?’

પછી હું તે જ વેળા તેની સાથે કમલાકર પાસે ગઈ. જોયું તો તેને ભૂત વળગેલું હતું અને આસપાસના લોકો તેની સેવામાં હતા. તેના માથા પર શંગિડાં હતાં. અને તેની પાસેના માણસો તે છુપાવવાનો પ્રયત્ન કરતા હતા. આ ઉપરાંત તેની પાસે કંઈ મંત્રતંત્રના દોરા અને એક જાદુઈ મણિ બાંધી રાખ્યો હતો. તે જોઈને હું તો ઉદાસ થઈ ગઈ. મેં ધંતરમંતર કરી ખોટી રીતે ભૂતના મારણનો વિધિ કર્યો અને પછી કહ્યું, ‘આવતી કાલે સવારે આવીને એના રોગની શાંતિ કરીશ.’ એમ કહી ત્યાંથી આવતી રહી. તને બધી વાત કરવા આવી છું. હવે તને જે યોગ્ય લાગે તે કર.’

જરાય શંકા વગર હંસાવલીએ આ પ્રમાણેની કૃત્રિમ વાર્તા પોતાની સખીના મોઢે સાંભળી ત્યારે તેને વજ્રાઘાત લાગ્યો. નિરાશ થઈને તે બોલી, ‘હાય રે, મત્સર ભરેલા દૈવ, તું જ્યારે પૂર્ણ સુખના સાગરમાં લહરીઓ ખાતા હોઈએ ત્યારે ઝટપટ તું ડૂબાડી દે છે. ચંદ્રમાનું કલંક પણ તેના સર્જકનો જ દોષ છે. આ રાજકુમારને તો મેં કદી જોયો પણ ન હતો, મેં તેમની પસંદગી પતિરૂપે કરી પણ હવે તેની સામે જોવાનુંય સંભવિત નથી. હવે કાં તો હું મૃત્યુ પામું કે કોઈ વનમાં જતી રહું. હવે તું જ કહે હું શું કરું?’ ધૂ્રજતાં ધૂ્રજતાં હંસાવલીએ આમ કહ્યું ત્યારે માયાવિની કનકમંજરીએ ફરી કહ્યું, ‘તારાં વસ્ત્ર પહેરાવીને તું કોઈ દાસી સાથે એનો વિવાહ કરાવી દે. લોકો જ્યારે લગ્નની ધમાલમાં હશે ત્યારે આપણે બે ક્યાંક ભાગી જઈશું. કોઈને ખબર પણ નહીં પડે.’

આ સાંભળી રાજકુમારી પોતાની દુષ્ટ સખીને કહ્યું, ‘તો પછી તું મારા વેશે રાજકુમાર સાથે વિવાહ કરી લે. તારા સિવાય બીજી ભરોસાપાત્ર કોણ છે?’

આ સાંભળી પાપિણી કનકમંજરીએ કહ્યું, ‘તું ચિંતા ન કર. તમે ખુશ થાઓ તો હું યુક્તિપૂર્વક એમ જ કરીશ. પછી મારું જે થવાનું હશે તે થશે. પરંતુ સમય આવે ત્યારે હું જેમ કહું તેમ જ તું કરજે.’

આમ તેને ધીરજ બંધાવીને અશોકકરી નામની પોતાની વિશ્વાસુ દાસી પાસે ગઈ અને તેને પોતાનું રહસ્ય તેણે જણાવ્યું. કનકમંજરી જેમ કહે તેમ કરવા તે રાજી થઈ ગઈ. તે બંને સખી એ દિવસોમાં ઉદાસ હંસાવલી પાસે રહી.

જ્યારે લગ્નનો દિવસ આવ્યો ત્યારે સાંજે કમલાકર હાથીઘોડા, પદાતિ સૈનિકોને લઈને ભારે દબદબા સાથે પરણવા આવ્યો. બધા વિવાહની ધમાલમાં હતા, શૃંગારસજ્જા કરવાને બહાને કનકમંજરીએ બધી દાસીઓને દૂર કરી અને હંસાવલીને એક ગુપ્ત ખંડમાં લઈ ગઈ અને અશોકકરીનાં કપડાં તેને પહેરાવી દીધાં. પોતાની સખી અશોકકરીને પોતાનો વેશ ધારણ કરાવ્યો. રાત પડી એટલે તેણે હંસાવલીને કહ્યું, ‘આ નગરના પશ્ચિમી દ્વારમાંથી બહાર એક કોશ દૂર જઈશ એટલે શીમળાનું બહુ જૂનું અને પોલું ઝાડ મળશે. ત્યાં જઈને અંદર સંતાઈ જજે, મારા આવવાની રાહ જોજે, કાર્ય પૂરું થઈ જશે એટલે હું તને ચોક્કસ મળીશ.’

હંસાવલીએ આમ કપટી સખીની બધી વાતો માની લીધી, રાત પડી એટલે કનકમંજરીનો વેશ પહેરીને નીકળી પડી. ભરચક વસ્તીથી ભરેલી નગરીના દ્વારમાંથી કોઈ ઓળખે નહીં એમ તે શીમળાના ઝાડ પાસે જઈ પહોંચી.

ગાઢ અંધકાર હતો એટલે વૃક્ષના પોલાણમાં ન પ્રવેશી. બીકની મારી તે પાસેના વડના ઝાડ પર ચઢી ગઈ. પાંદડાંની આડ લઈને તે પોતાની કપટી સખીની વાટ જોવા લાગી. તે ભોળી હોવાને કારણે તેનો દુષ્ટ અભિપ્રાય સમજી ન શકી.

આ બાજુ જ્યારે લગ્નની ઘડી આવી ત્યારે હંસાવલીનો વેશ ધારણ કરનારી કનકમંજરીને લગ્નમંડપમાં લઈ આવ્યા અને રાજાએ કમલાકર સાથે એનું લગ્ન કરી દીધું. તેણે મોં પર ઘૂમટો તાણી રાખેલો એટલે તેને કોઈ ઓળખી ન શક્યું. વિવાહ પછી શુભ નક્ષત્ર હોવાથી તરત જ રાજકુમાર બનાવટી હંસાવલી અને કનકમંજરીના વેશમાં અશોકમંજરીને લઈને નગરના પશ્ચિમી દ્વારના રસ્તે પોતાના પડાવની જગ્યાએ ચાલી નીકળ્યો. શીમળાના વૃક્ષ પાસે તે આવી પહોંચ્યો, પાસેના વડના ઝાડ પર દગાફટકાનો ભોગ બનેલી હંસાવલી બેઠી હતી.

કમલાકરની સાથે એક જ હાથી પર બેઠેલી બનાવટી હંસાવલી જ્યારે શીમળા પાસે પહોંચી ત્યારે ગભરાઈને કમલાકરને કંઠે વળગી પડી. કમલાકરે ગભરામણનું કારણ પૂછ્યું ત્યારે ખોટાં ખોટાં આંસુ સારવા બેઠી. ‘આર્યપુત્ર, મેં સપનામાં જોયું કે શીમળાના ઝાડમાંથી એક બ્રાહ્મણ સ્ત્રી મને ખાઈ જવા માટે મને પકડી રાખે છે. પછી એક બ્રાહ્મણે દોડીને મને બચાવી લીધી. તેણે મને ધીરજ બંધાવતાં કહ્યું, ‘પુત્રી, આ વૃક્ષને સળગાવી દે. જો એમાંથી કોઈ સ્ત્રી નીકળે તો એને પણ એ જ આગમાં હોમી દેજે. આમ કરવાથી તારું સારું થશે.’

ત્યાર પછી તે બ્રાહ્મણ અદૃશ્ય થઈ ગયો અને હું જાગી ગઈ. આ વૃક્ષને જોઈને મને એ સ્વપ્નની યાદ આવી ગઈ. એટલે હું ડરી ગઈ છું.’ તેણે આમ કહ્યું એટલે કમલાકરે પોતાના નોકરોને આજ્ઞા આપી કે આ શીમળાના વૃક્ષની સાથે એ સ્ત્રીને પણ બાળી દેજો.’ સેવકોએ એ વૃક્ષ સળગાવી દીધું, એમાંથી હંસાવલી ન નીકળી એટલે બનાવટી હંસાવલીએ માની લીધું કે હંસાવલી સળગી ગઈ. તે સળગી ગઈ એટલે તેને સંતોષ થયો. કમલાકર તેને સાચી હંસાવલી માનીને પોતાની છાવણીમાં જતો રહ્યો.

બીજે દિવસે ત્યાંથી પણ નીકળીને પોતાની નગરી કોશલપુરીમાં જઈ પહોંચ્યો. તેની સફળતાથી સંતોષ પામીને તેના પિતાએ રાજ્ય સોંપી દીધંુ, પિતા ઈશ્વરસ્મરણ કરવા વનમાં ચાલ્યો ગયો. રાજકુમાર બનાવટી હંસાવલીના વેશે કનકમંજરીને પટરાણી બનાવી સમગ્ર પૃથ્વીનું રાજ કરવા લાગ્યો.

પણ અહીં કનકમંજરીને મનોરથસિદ્ધિ બંદી ઓળખતો હોવાને કારણે તેને બીક લાગતી હતી. તેણે વિચાર્યું કે જો આ મનોરથસિદ્ધિ મને ઓળખી કાઢશે તો મારો પૂરેપૂરો ભવાડો થશે. એટલે તેને પણ ખોટો ઉપાય કરી રાજમહેલથી દૂરનો દૂર જ રાખ્યો.

આ બાજુ હંસાવલીની સ્થિતિ જોઈએ. વડના ઝાડ પર બેસીને તેણે બધી વાતો સાંભળી અને જોઈ, તેને ખ્યાલ આવી ગયો કે મારી સાથે દગો કરવામાં આવ્યો છે, આથી તે બહુ દુઃખી થઈ. જ્યારે ત્યાંથી કમલાકર ચાલ્યો ગયો એટલે હંસાવલીએ વિચાર્યું, મારી આ લુચ્ચી સખીએ દગો કરીને મારા પ્રિયતમને છિનવી લીધો છે. એટલું જ નહીં, તે મને સળગાવીને નિશ્ચંતિ થવા માગતી હતી. સાચું છે: દુર્જન મનુષ્યો પર વિશ્વાસ કરવો કોના માટે હાનિકારક નથી? મારા માટે જ શીમળાનું વૃક્ષ સળગાવી દીધું, તો હવે આ અંગારાઓમાં જ હું અભાગણી આ વૃક્ષના ઋણમાંથી મુક્ત થઈ જઉં.

એમ વિચારી તે વડના ઝાડ પરથી ઊતરી આવી. અને શરીરત્યાગ માટે તત્પર થઈ ગઈ. વિધિના વિધાન વડે તેનું મન શાંત પડ્યું. તેણે વિચાર્યું કે હંુ વ્યર્થ શા માટે પ્રાણત્યાગ કરું? જો જીવતી રહીશ તો સખીનો દ્રોહ કરનારી કનકમંજરી સામે વેર લઈ શકીશ. જ્યારે પિતાને તાવ આવ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેમને કહ્યું હતું, મારા હાથના સ્પર્શે તેમનો તાવ ઊતરી જશે અને તે વેળા એમ કહેલું કે હંસાવલી માટે યોગ્ય વર કમલાકર છે, અને તે એને પ્રાપ્ત કરશે. પણ થોડો સમય કષ્ટ વેઠવું પડશે. એટલે જોઉં કે હવે શું થાય છે? એવો નિશ્ચય કરી હંસાવલી નિર્જન વનની દિશામાં ચાલી નીકળી.

બહુ દૂર ચાલવાથી તે થાકી ગઈ અને તેના પગ લડખડવા લાગ્યા. ત્યારે જાણે તેના પર દયા કરવા માટે તેને માર્ગ દેખાડવા સવાર પડી. ગુણવાનોના બાંધવ સૂર્યે — તેમનાં આંસુ લૂંછવા માટે પોતાનાં કિરણો ફેલાવ્યાં અને ઊંચે આવી તેને આશ્વાસન આપવા માટે બધી દિશાઓ ખુલ્લી કરી. હંસાવલીને થોડું આશ્વાસન મળ્યું, અને કોઈ મનુષ્યની અવરજવર નહીં એવા રસ્તે ચાલવા લાગી. કુશ-કંટકોથી ઘવાયેલી રાજકુમારી વગર પગદંડીઓ પર ચાલતી ચાલતી એક વનમાં પહોંચી, તે વન ‘અહીં આવો, અહીં આવો’ એમ કહેતાં પક્ષીઓથી શોભતું હતું. થાકેલી હંસાવલીએ ત્યાં પ્રવેશ કર્યો, ત્યારે જાણે વાયુથી હાલતાં વૃક્ષ પોતાની ડાળીઓ અને લતાઓ વડે તેને વીંઝણો નાખતાં હતાં, પછી પવન ખાતી અને થાક ઉતારતી રાજકુમારી શાંત થઈને તે વનમાં પ્રવેશી. પોતાના પ્રિયતમ માટે ઉત્સુક હંસાવલીએ મધુમાસના દિવસોમાં મ્હોરેલા આંબા પર કોયલ કલકૂંજન કરતું વન જોયું. ઉદાસ થઈને તે વિચારવા લાગી: ‘અહીં પુષ્પપરાગથી પીળી પડેલી મલયાનિલની આગ મને બાળશે અને ભમરાઓના ગુંજન વચ્ચે વૃક્ષ પરથી ખરતાં ફૂલના ગુચ્છા કામદેવના બાણની જેમ મને ઘાયલ કરશે તેમ છતાં આ ફૂલો વડે ભગવાન વિષ્ણુની પૂજા કરતાં કરતાં અને પાપોનો નાશ કરતી અહીં જ રહીશ.’

આમ વિચારીને કમલાકરને પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતી હંસાવલી વાવમાં સ્નાન કરતી, ફળાહાર કરતી અને ભગવાન વિષ્ણુનું પૂજન કરતી ત્યાં જ રહેવા લાગી.

આ દરમિયાન કમલાકરને ચોથીઆ જીર્ણ જ્વરે ગ્રહી લીધો. આ જોઈ હંસાવલીના વેશે રહેતી કનકમંજરી બહુ ગભરાઈ ગઈ. તે વિચારવા લાગી, ‘આ અશોકકરીને હું સાથે લઈ આવી છું, તે ભય તો છે જ. એ જો મારો ભેદ ખોલી દેશે તો મારે ઝેર પીવાનો વારો આવશે. હંસાવલીના પિતાએ ઘણા બધા લોકોની સમક્ષ મારા પતિને કહ્યું હતું કે હંસાવલીના હાથમાં તાવ ઉતારવાની શક્તિ છે. તાવગ્રસ્ત કમલાકરને જો એ વાત યાદ આવશે તો? મારા હાથમાં એવો પ્રભાવ ન હોવાને કારણે મારો બધો ભેદ ખૂલી જશે અને હું ક્યાંયની નહિ રહું. એટલે હવે હું વિધિપૂર્વક જ્વરચેટકની સાધના કરીશ, તેનાથી જ્વર દૂર થશે, આ સાધનાની રીત મને બહુ પહેલાં કોઈ યોગિનીએ બતાવી હતી. પછી હું યુક્તિપૂર્વક અશોકમંજરીને મારી નાખીશ, કારણ કે મનુષ્યશરીરનો અર્ઘ્ય થઈને એ સિદ્ધ કરવાથી મારી ઇચ્છાનુસાર આચરણ કરશે, આ ઉપાય કરવાથી રાજાનો તાવ ઊતરી જશે, અને અશોકકરીને મારી નાખવાથી મારા બંને ભય દૂર થઈ જશે. આમ કર્યા સિવાય મારું કલ્યાણ થાય એમ હું જોતી નથી.’

આમ વિચારી તેણે અશોકકરીને જેટલી વાતો જણાવવા જેવી હતી તે બધી કહી, પણ તે મંત્રસાધનામાં મનુષ્યનો વધ કરવો પડે છે તે વાત છુપાવી રાખી. અશોકકરીએ એની હામાં હા મેળવી અને બધી ચીજવસ્તુઓ સ્વયં ભેગી કરી. નકલી હંસાવલીએ તેના સિવાય બધી દાસીઓને યુક્તિપૂર્વક હટાવી દીધી. જ્યારે રાત પડી ત્યારે તે છાનીમાની બીજા દરવાજામાંથી બહાર નીકળી ગઈ અને હાથમાં તલવાર લઈ એક સૂના શિવાલયમાં ગઈ, ત્યાં ફક્ત એક શિવલિંગ જ હતું. ત્યાં તલવાર વડે એક બકરાને મારી નાખ્યો, તેના લોહી વડે શિવલિંગને સ્નાન કરાવ્યું, રક્તનો અર્ઘ્ય આપ્યો, આંતરડાંની માળા ચઢાવી, તેના હૃદયકમળને શિવલિંગ પર ચઢાવ્યું, તેની આંખોનો ધૂપ કર્યો, તેના મસ્તકનો બલિ આપી શિવલિંગની પૂજા કરી, ત્યાર પછી રક્તચંદનથી આઠ પાંદડાંવાળું કમળ બનાવ્યું. તેની કળીમાં કેરીના રસમાં બાંધેલા લોટનો જ્વરદેહ આલેખ્યો, તેના હાથમાં ભસ્મમુષ્ઠિ નામનું શસ્ત્ર આપ્યું ને ત્રણ પગ અને ત્રણ મોઢા બનાવ્યાં. તેના પર મંત્ર દ્વારા તે જ્વરનું આહ્વાન કર્યુ, ત્યાર પછી પહેલાં કહ્યું તે પ્રમાણે મનુષ્યના રકત વડે સ્નાનાર્ઘ્ય આપવાની ઇચ્છા રાખવાવાળી કનકમંજરીએ અશોકકરીને કહ્યું, ‘સખી, તું દેવતા આગળ જમીન પર સૂઈને પ્રણામ કર, તેનાથી તારું કલ્યાણ થશે.’

‘જેવી આજ્ઞા’ કહીને અશોકમંજરી જમીન પર આડી પડી, તે જેવી જ્વરદેવને પ્રણામ કરવા જાય છે તેવી દુષ્ટ ચાંડાળણી જેવી કનકમંજરીએ તેના પર તલવારના ઘા કર્યો. સંયોગવશ તલવારના એ ઘાથી અશોકકરીના ખભે નાનકડો કાચો ઘા થયો, એટલે અશોકકરી ગભરાઈ ગઈ અને ઊઠીને દોડવા લાગી. જ્યારે તેણે જોયું કે કનકમંજરી પીછો કરી રહી છે ત્યારે તેણે ‘બચાવો, બચાવો’ની બૂમો પાડવા માંડી. તે સાંભળીને પાસે ઊભેલા નગરરક્ષકો દોડી આવ્યા. જ્યારે તેમણે ઉગામેલી તલવાર લઈને આવતી ભયાનક કનકમંજરીને જોઈ, તેણે આ કોઈ રાક્ષસી છે એમ માની તલવારના ઘા વડે મરણતોલ બનાવી દીધી. અશોકકરીના મોઢે બધી વાત જાણીને તેઓ બંનેને લઈને રાજમહેલ જવા નીકળ્યા, તેમની આગળ આગળ નગરરક્ષક કોટવાળ ચાલતો હતો. તેણે જ્યારે રાજાને બધી ઘટના સંભળાવી ત્યારે તેને બહુ નવાઈ લાગી. રાજાએ પોતાની દુષ્ટ પત્નીને અને તેની સખીને બોલાવી. તેઓ બંને જ્યારે રાજા સમક્ષ આવી ત્યારે ઘાની કઠોર પીડાને કારણે તથા ભયને કારણે તરત જ કનકમંજરીનો જીવ જતો રહ્યો. તેના મૃત્યુથી દુઃખી થઈને રાજાએ તેની ઘવાયેલી સખી અશોકકરીને પૂછ્યું, ‘આ શું છે? જરાય ડર્યા વિના મને બધી વાત કર.’

ત્યારે આરંભથી માંડીને એટલે કે કનકમંજરીએ કેવી રીતે હંસાવલી બનવાનું સાહસ કર્યું હતું — એ બધી વાત કરી. આમ સાચી વાત જાણીને રાજા કમલાકર બહુ દુઃખી થયો. તે મનોમન વિચારવા લાગ્યો, ‘અરે બનાવટી હંસાવલીએ મને મૂરખને છેતરી લીધો, મેં મારા હાથે જ હંસાવલીને સળગાવી દીધી. કનકમંજરીએ તો રાજાની પટરાણી બનીને આવી રીતે મૃત્યુ પામી અને પોતાનાં પાપનું ફળ મેળવી લીધું. દુષ્ટ વિધાતાએ બાળકની જેમ રૂપથી મોહ પમાડીને મારું રત્ન છિનવી લીધું અને મને કાચ આપીને છેતરી લીધો. ભગવાન વિષ્ણુએ મારા પિતાને કહ્યું હતું કે હંસાવલીના હાથના સ્પર્શથી તાવ ઊતરી જાય છે, આ વાત જાણવા છતાં મને તેનું ધ્યાન ન રહ્યું.’

આ પ્રકારે વિલાપ વ્યક્ત કરી રહેલા કમલાકરે વિચાર્યું કે હંસાવલીના પિતાને ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે હંસાવલી કમલાકરને પતિ રૂપે પામશે પણ થોડા દિવસ કષ્ટ ઉઠાવવું પડશે. તેમની આ વાત મિથ્યા ન થઈ શકે. બને કે તે ક્યાંક જતી રહી હોય, અત્યારે જીવિત હોય — સ્ત્રીના હૃદય અને દૈવની ગહન ગતિ કોણ જાણી શકે છે? આ બાબતમાં તો મનોરથસિદ્ધિ નામનો બંદીજન જ મદદ કરી શકે એમ છે. એમ વિચારી રાજાએ તે શ્રેષ્ઠ બંદીને બોલાવ્યો. રાજાએ પૂછયું, ‘તમે આજકાલ દેખાતા કેમ નથી? ધૂર્ત લોકોએ મને છેતરી પાડ્યો છે. મારી મનોરથસિદ્ધિ કેવી રીતે થશે?’

આ સાંભળી બંદીએ કહ્યું, ‘મહારાજ, પોતાનો ભેદ ખૂલી જશે એવા ભયને કારણે જેના પર કનકમંજરીએ ઘા કર્યો તે અશોકમંજરી જ મારો ઉત્તર છે. હંસાવલી માટે દુઃખી થવાને કોઈ કારણ નથી. ભગવાન વિષ્ણુએ કહ્યું જ હતું કે થોડા સમય માટે દુઃખ વેઠવું પડશે. હંસાવલી નિત્ય નિયમાનુસાર તેમની આરાધના કરે છે, એટલે તેઓ તેની રક્ષા કરશે એમાં કોઈ શંકા નથી. ધર્મનો જ વિજય થાય છે, શું તમે આના સંદર્ભે વાત સાચી પડતાં ન જોઈ? એટલે હું હંસાવલીને શોધવા નીકળું છું.’

બંદીનું આવું સાંભળીને રાજાએ કહ્યું, ‘હું પોતે પણ તેને શોધવા તમારી સાથે આવું છું, આવું ન કરું તો મારા મનને જરાય શાંતિ નહીં વળે.’

એમ કહી, હંસાવલીને શોધવા જવાનો નિશ્ચય કરીને બીજે દિવસે પ્રજ્ઞાઢ્ય નામના મંત્રીને કમલાકરે રાજ્ય સોંપી દીધું. મંત્રીએ રાજાને બહુ રોક્યા છતાં રાજા છાનામાના નગર છોડીને મનોરથસિદ્ધિની સાથે નીકળી પડ્યા. શરીરને થતી પીડાની પરવા કર્યા વિના હંસાવલીની શોધમાં, ખેતર, આશ્રમ અને વનમાં ઘૂમવા લાગ્યા. કામદેવની આજ્ઞા સૌથી બળવાન આજ્ઞા છે એ વાત સાચી છે. આમ રખડતાં રખડતાં એ વનમાં હંસાવલી તપ કરતી હતી તે વનમાં જ જઈ પહોંચ્યા. ત્યાં તેમણે એક રાતા અશોકવૃક્ષ નીચે ચંદ્રની અંતિમ કળા જેવી ક્ષીણ, ફ્ક્કીિ અને સુંદર હંસાવલીને જોઈ. કમલાકરે બંદીને પૂછયું, ‘મૌનવ્રત ધરીને નિશ્ચલ થઈ, ધ્યાનમગ્ન આ કોણ છે? શું એ કોઈ વનદેવી છે? આનું રૂપ મનુષ્ય કરતાં વિશેષ જણાય છે.’

આ સાંભળી બંદીએ તેની સામે જોયું અને રાજાને વધામણી આપતાં કહ્યું, ‘દેવ, તમારા ભાગ્યનો પાર નથી. જે હંસાવલીને મેળવવા તમે આવ્યા છો તે જ આ સાક્ષાત્ હંસાવલી છે.’

આસોપાલવના ઝાડ નીચે બેઠેલી હંસાવલીએ રાજા અને બંદીની વાત સાંભળીને તે બન્નેની સામે જોયું. એટલે તેણે તેમને ઓળખી કાઢ્યા. તે જ વખતે તેને પાછલું દુઃખ સાંભરી આવ્યું, એટલે તે શોકાર્ત હૃદયે બોલી, ‘અરે પિતાજી, હું બહુ દુઃખી થઈ છું. હાય, મનોરથસિદ્ધિ, હાય, નસીબ, તું અવળું થઈ ગયું કેમ?’ આમ વિલાપ કરતી અને કરુણાર્દ્ર સ્વરે તે પૃથ્વી પર મૂચ્છિર્ત થઈને ધરતી પર પડી ગઈ. કમલાકર પણ તેની વાત સાંભળીને અને તેને જોઈને મૂચ્છિર્ત થઈ પૃથ્વી પર ઢળી પડ્યો.

ત્યાર પછી મનોરથસિદ્ધિએ તે બંનેનો મનોરથ સિદ્ધ કરવા આશ્વાસન આપી શાંત કર્યા. બંનેએ પણ એકબીજાના મનની વાત જાણી આનંદ અનુભવ્યો. વિરહસાગર પાર કર્યા એટલે અનુપમ આનંદ પામ્યાં. ધીમે ધીમે બંનેએ બનેલી ઘટનાઓ એકબીજાને કહી. ત્યાર પછી રાજા કમલાકર હંસાવલીને લઈને મનોરથસિદ્વિની સાથે કોશલપુરી પાછા ફર્યા. ત્યાં જઈ હંસાવલીના વિખ્યાત પિતા મેઘમાલીને બોલાવી કમલાકરે વિધિપૂર્વક હંસાવલીના રોગનાશક હાથને સ્વીકાર્યો. આ વખતે ઉભય પક્ષથી શુદ્ધ, હંસાવલી સાથે ઊભેલા રાજા કમલાકરની શોભામાં અત્યંત વધારો થયો અને તે પોતાનું જીવિત કાર્ય પાર પાડી, ધૈર્ય રાખી હંસાવલી સાથે વિહાર કરવા લાગ્યો અને મનોરથસિદ્ધિને પોતાની પાસે રાખી એકચક્રે રાજ ચલાવવા લાગ્યો.

(કથાસરિત્સાગર, ૩, બારમો લંબક)