ભારતીયકથાવિશ્વ-૩/જાતકની કથાઓ/દેવધમ્મ જાતક


દેવધમ્મ જાતક

પ્રાચીન કાળમાં વારાણસી નગરમાં બ્રહ્મદત્ત રાજા રાજ કરતો હતો. બોધિસત્ત્વે રાજાની પટરાણીના પેટે જન્મ લીધો. નામકરણના દિવસે તેનું નામ પાડ્યું મહિસાંસકુમાર. તે રમતાં રમતાં મોટો થયો, રાજાને બીજો પુત્ર થયો અને તેનું નામ પાડ્યું ચન્દ્રકુમાર. પરન્તુ હજુ તો એ બાળકો રમવાની વયમાં હતાં ત્યાં તેમની માતાનું મૃત્યુ થયું. રાજાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યું. રાજાને તેનાથી એક પુત્ર થયો, તેનું નામ સૂર્યકુમાર. રાજાને એને જોઈને ખૂબ સન્તોષ થયો અને તેણે રાણીને કહ્યું, ‘તારા પુત્ર માટે વરદાન માગ.’ દેવીએ કહ્યું, ‘ઇચ્છા થશે ત્યારે માગી લઈશ.’ એમ વરદાન અનામત રાખ્યું. એનો પુત્ર મોટો થયો ત્યારે તેણે રાજાને કહ્યું, ‘તમે મને આ પુત્ર જન્મ્યો ત્યારે વરદાન આપ્યું હતું, હવે મારા પુત્રને રાજ્ય આપો.’

રાજાએ એમ કરવાની ના પાડી, ‘પ્રજ્વલિત અગ્નિપુંજ જેવા તેજસ્વી મારા બે પુત્ર છે, એમને નકારીને તારા પુત્રને રાજ્ય આપી નથી શકતો.’ પણ રાણી વારંવાર યાચના કરવા લાગી એટલે રાજાએ વિચાર્યું, ‘આ મારા પુત્રોનું અહિત પણ કરી શકે છે.’ એટલે પુત્રોને બોલાવી કહ્યું, ‘તાત, સૂર્યકુમારના જન્મ વખતે મેં વરદાન આપ્યું હતું. હવે તેની માતા રાજ્ય માગે છે. મારી ઇચ્છા નથી. પણ સ્ત્રીજાતિ પાપી હોય છે. તે તમારું અહિત પણ કરી શકે છે. એટલે તમે અત્યારે વનમાં જતા રહો. મારા મૃત્યુ પછી કુળને અધીન થઈ નગરમાં રાજ્ય કરજો.’ રુદન કરતા કુમારોનાં મસ્તક ચૂમીને તેમને વનમાં મોકલી દીધા.

પિતાને પ્રણામ કરીને મહેલમાંથી નીચે ઊતરતા એ કુમારોને જોઈને સૂર્યકુમારને એ વાર્તાની જાણ થઈ. ‘હું પણ ભાઈઓની સાથે જઈશ.’ અને તે પણ તેમની સાથે નીકળી પડ્યો.

તેઓ હિમાલયમાં પ્રવેશ્યા. બોધિસત્ત્વે રસ્તો છોડી વૃક્ષ નીચે સૂર્યકુમારને કહ્યું, ‘તાત સૂર્ય, આ તળાવ પર જા, નાહીધોઈ પાણી પી, અને અમને પીવા માટે પણ કમળપત્રમાં પાણી લઈ આવ.’ આ તળાવ કુબેરે એક જળરાક્ષસને આપ્યું હતું. અને કુબેરે કહ્યું હતું કે જે દેવધર્મ ન જાણતા હોય તે સૌ પાણીમાં ઊતરે તો એ તારા આહાર. જે તળાવમાં ન ઊતરે તે તારા આહાર નહીં બને.’

ત્યારથી એ રાક્ષસ જે કોઈ તળાવમાં ઊતરે તેને દેવધર્મ પૂછતો અને જે ન કહી શકે તેમને ખાઈ જતો. સૂર્યકુમાર ત્યાં પહોંચ્યો, વગર વિચાર્યે તે તેમાં ઊતર્યો. રાક્ષસે એને પકડીને પૂછ્યું, ‘તને દેવધર્મની જાણ છે?’

તેણે ઉત્તર આપ્યો, ‘હા, જાણું છું. ચન્દ્ર અને સૂર્ય દેવધર્મ છે.’

‘તું દેવધર્મ નથી જાણતો.’ કહી પાણીમાં તે પ્રવેશ્યો અને પોતાનાં નિવાસસ્થાને લઈ ગયો. વિલમ્બ થયો એટલે બોધિસત્ત્વે ચન્દ્રકુમારને મોકલ્યો. રાક્ષસે તેને પણ પકડી લીધો અને પૂછ્યું, ‘તને દેવધર્મ એટલે શું તેની જાણ છે?’

‘હા, ચારે દિશાઓ દેવધર્મ છે.’ રાક્ષસે ‘તું દેવધર્મ નથી જાણતો.’ એમ કહી એને પણ પકડીને ત્યાં બાંધી રાખ્યો.

એને પણ વિલમ્બ થયો એટલે ‘કોઈ આપત્તિ આવી ચઢી છે.’ એમ વિચારીને બોધિસત્ત્વ જાતે ત્યાં પહોંચ્યા. પાણીમાં ઊતરતાં બંનેનાં પગલાં જોઈને તેમણે વિચાર્યું, ‘આ તળાવ કોઈ રાક્ષસના હાથમાં હોવું જોઈએ.’ તે તલવાર, ધનુષબાણ સજ્જ કરીને ઊભા રહી ગયા. બોધિસત્ત્વ પાણીમાં ન ઊતર્યા. એ જોઈને વનમાં કામ કરનારા માણસનું રૂપ લઈને રાક્ષસ બોલ્યો, ‘મહાશય, રસ્તામાં થાક્યા હશો, તો આ તળાવમાં ઊતરો, નાહો, ખાઈપી, ફૂલમાળા પહેરી તમે કેમ આગળ વધતા નથી?

બોધિસત્ત્વે તેને જોયો, પછી વિચાર્યું, ‘આ જ એ રાક્ષસ લાગે છે.’ પૂછ્યું, ‘તેં મારા ભાઈઓને પકડી રાખ્યા છે?’

‘હા.’

‘શા માટે?’

‘આ તળાવમાં જે ઊતરે તેમના પર મારો અધિકાર છે.’

‘શું બધા પર તારો અધિકાર છે?’

‘જે દેવધર્મ જાણતા હોય તેમના સિવાય બધા ઉપર.’

‘હું દેવધર્મ જાણું છું.’

‘તો કહે. હું દેવધર્મ જાણું.’

‘હું દેવધર્મ જણાવવા તત્પર છું પણ મારું શરીર ચોખ્ખું નથી.’

એટલે યક્ષે બોધિસત્ત્વને નવડાવ્યા, ભોજન કરાવ્યું, પાણી આપ્યું, ફૂલની માળા પહેરાવી, સુવાસિત દ્રવ્યોની અર્ચા કરી. અલંકૃત મંડપની વચ્ચે તેમને બેસાડ્યા, બોધિસત્ત્વ આસન પર બેઠા અને યક્ષ તેમના પગ આગળ. ‘તો ધ્યાનપૂર્વક સાંભળ, દેવધર્મ.’

આ પ્રમાણે દેવધર્મ સાંભળીને યક્ષ પ્રસન્ન થયો અને બોધિસત્ત્વને કહેવા લાગ્યો, ‘પંડિત, હું તારા પર પ્રસન્ન છું. તારા એક ભાઈને પાછો સોંપું છું. બોલ, કોને જવા દઉં?’

‘નાના ભાઈને લાવ.’

‘પંડિત, તું દેવધર્મ માત્ર જાણે છે, એને અનુસરી આચરણ કરતો નથી.’

‘કેમ?’

‘કારણ કે તું મોટાને છોડીને નાના ભાઈને છોડાવે છે, મોટાનું ગૌરવ નથી કરતો.’

‘યક્ષ, હું દેવધર્મ જાણું છું. એ પ્રમાણે આચરણ કરું છું. આ ભાઈને કારણે જ અમે વનમાં આવ્યા. આને કારણે અમારા પિતા પાસે આની માએ રાજ્ય માગ્યું. અમારા પિતાએ એ વરદાન ન આપ્યું, પણ અમારા રક્ષણ માટે વનવાસની આજ્ઞા કરી. આ કુમાર વિના જ જો અમે પાછા જઈએ અને ‘તેને યક્ષ ખાઈ ગયો’ એવું કહીશું તો કોણ સાચું માનશે? એટલે નિન્દાથી બચવા આ ભાઈ માગું છું.’

‘ધન્ય, ધન્ય, પંડિત, તું દેવધર્મ જાણે છે અને એ પ્રમાણે આચરણ પણ કરે છે.’ અને પછી યક્ષે તેને બંને ભાઈ સોંપી દીધા.

ત્યારે બોધિસત્ત્વે તેને કહ્યું, ‘સૌમ્ય, તું પૂર્વજન્મનાં પાપકર્મને કારણે બીજાઓનાં રુધિરમાંસ ખાનાર યક્ષની જાતિમાં જન્મ્યો. હજુ પણ પાપ કરે છે. આ પાપ તને નરકમાં ધકેલશે. તું આ પાપ ત્યજી દે અને પુણ્યકર્મ કર.’ બોધિસત્ત્વ તેને સમજાવી શક્યા અને તે યક્ષની રક્ષા કરતા ત્યાં રહેવા લાગ્યા.

એક દિવસે નક્ષત્ર જોયું, પિતાનું મૃત્યુ નિકટ છે એમ જાણ્યું અને યક્ષને લઈ વારાણસી પહોંચ્યા. તે રાજગાદી પર બેઠા અને ચન્દ્રકુમારને ઉપરાજા અને સૂર્યકુમારને સેનાપતિ બનાવ્યો. યક્ષને માટે એક રમણીય સ્થળે નિવાસસ્થાન ઊભું કરાવી આપ્યું, જેથી તેને ઉત્તમ માળા, ઉત્તમ પુષ્પ અને ઉત્તમ ભોજન મળતાં રહે. ધર્માનુસાર રાજ્ય કરીને તે કર્માનુસાર સ્વર્ગે ગયા.