ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ


વસુદેવહિંડીની કથાઓ

અનુવાદ: ભોગીલાલ સાંડેસરા

એક ભવના વિચિત્ર સંબંધો વિશે કુબેરદત્ત — કુબેરદત્તાનું કથાનક

મથુરા નગરીમાં કુબેરસેના નામની ગણિકા હતી. પહેલા ગર્ભના દોહદથી ખેદ પામેલી એવી તેને તેની માતાએ વૈદ્યને બતાવી. વૈદ્યે કહ્યું, ‘એના ગર્ભમાં જોડલું છે, માટે જ દર્દ થાય છે. બાકી કોઈ વ્યાધિ નથી.’ આ પ્રમાણે ખરી હકીકત જાણીને તેની માતાએ કુબેરસેનાને કહ્યું, ‘પુત્રિ, પ્રસવકાળે પીડા ન થાય એટલા માટે આ ગર્ભને ગાળી નાખવાનો ઉપાય હું જાણું છું. એથી તું વ્યાધિરહિત થઈશ, અને વિષયભોગમાં પણ વિઘ્ન નહીં આવે. ગણિકાઓને વળી પુત્રપુત્રીનું શું કામ છે?’ પરંતુ તેણે માન્યું નહીં અને કહ્યું, ‘જન્મશે ત્યારે હું બાળકનો ત્યાગ કરીશ.’ તેમ સંમત થવાથી પ્રસવસમયે તેણે પુત્ર અને પુત્રીને જન્મ આપ્યો. માતાએ કહ્યું ‘હવે આમનો ત્યાગ કર.’ એટલે તેણે કહ્યું, ‘દશ રાત્રિ પછી કરીશ.’ પછી તેણે ‘કુબેરદત્ત’ અને ‘કુબેરદત્તા’ એ નામથી અંકિત બે વીંટીઓ કરાવી. દશ રાત્રિઓ પૂરી થતાં સુવર્ણ અને રત્નોથી ભરેલી બે નાની નાવડીઓમાં બાળકોને મૂકીને એ નાવડીઓને તેણે યમુના નદીમાં તરતી મૂકી દીધી. આ પ્રમાણે તરતાં એ બે બાળકોને દૈવયોગે સવારમાં શૌરિપુર નગરમાં બે ઇભ્યપુત્રોએ જોયાં. નાવડીઓ થોભાવી એકે છોકરો લીધો, બીજાએ છોકરી લીધી. ‘આ તો ધનયુક્ત છે’ એ રીતે તુષ્ટ થયેલા તે બન્ને બાળકોને પોતપોતાને ઘેર લઈ ગયા. બાળક અનુક્રમે ઊછરતો યુવાવસ્થાને પામ્યો. ‘આ યોગ્ય સંબંધ છે’ એમ માનીને કુબેરદત્તા કુબેરદત્તને આપવામાં આવી. લગ્નના દિવસો વીતી ગયા બાદ વધૂની સખીઓએ વરની સાથે દ્યૂત રમવાનું ઠરાવ્યું. કુબેરદત્તના હાથમાંથી નામની મુદ્રા લઈને કુબેરદત્તાની આંગળીએ પહેરાવી. મુદ્રાને જોઈને કુબેરદત્તાને વિચાર થયો. ‘આ મુદ્રાઓમાં નામનું તેજ તેમ જ મુદ્રાના આકારનું સામ્ય શાથી હશે? કુબેરદત્તમાં મને ભર્તારબુદ્ધિ થતી નથી તેમ જ અમારો કોઈ પૂર્વજ આ નામધારી હોય એમ પણ સાંભળવામાં આવતું નથી. નક્કી આ બાબતમાં કંઈક રહસ્ય હશે.’ એમ વિચારીને બન્ને મુદ્રાઓ તેણે વરની આંગળીએ પહેરાવી. એ જોઈને તેને પણ આવો જ વિચાર થયો. તે વધૂને મુદ્રા પાછી આપીને માતાની પાસે ગયો, અને સોગન આપીને સાચી વાત પૂછી. તેણે જેમ સાંભળ્યું હતું તેમ કહ્યું. કુબેરદત્તે કહ્યું, ‘માતા, તમે જાણવા છતાં આ અયોગ્ય કર્યું.’ ત્યારે માતાએ જવાબ આપ્યો, ‘પુત્ર! અમે મોહવશ આ કામ કર્યું છે. જે થયું તે થયું. પણ પુત્ર! વધૂ માત્ર પાણિગ્રહણ પૂરતી જ દૂષિત થઈ છે. એમાં કંઈ પાપ થયું નથી. પુત્રીને હવે પાછી હું તેને ઘેર મોકલું છું. તું પ્રવાસે જા. ત્યાંથી પાછો આવીશ ત્યારે તારો વિશિષ્ટ સંબંધ કરીશું.’ આમ કહીને કુબેરદત્તાને સ્વગૃહે મોકલી. તેણે પણ માતાને એ પ્રમાણે પૂછતાં જ તેની માતાએ પણ બધી હકીકત કહી. આથી નિર્વેદ પામેલી કુબેરદત્તાએ શ્રમણી તરીકે દીક્ષા લીધી અને પ્રવતિર્નીની સાથે વિહાર કરવા લાગી. પ્રવતિર્નીના વચનથી પેલી મુદ્રા તેણે સાચવી રાખી. વિશુદ્ધ ચારિત્ર્યવાળી તે કુબેરદત્તાને અવધિજ્ઞાન થયું. કુબેરસેનાના ઘેર વસતા કુબેરદત્તને તેણે જોયો. ‘અહો! અજ્ઞાનનો કેવો દોષ છે!’ એમ વિચારીને તે બન્નેના પ્રતિબોધને માટે આર્યાઓની સાથે વિહાર કરતી મથુરા ગઈ, અને ત્યાં કુબેરસેનાના ઘરમાં વસતિ માગીને રહી. કુબેરસેનાએ વંદન કરીને કહ્યું, ‘આર્યા, હું ગણિકા હોવા છતાં કુલવધૂના જેવી ચેષ્ટાવાળી છું, માટે નિ:શંકપણે રહો.’ ગણિકાને કુબેરદત્તથી થયેલો એક નાનો બાળક હતો. તેને તે વારંવાર સાધ્વી સમક્ષ લાવતી હતી. એ વખતે પ્રસંગ જાણીને તેઓના પ્રતિબોધ અર્થે બાળકને કુબેરદત્તા આ પ્રમાણે ઝુલાવવા લાગી: ‘હે બાળક, તું મારો ભાઈ છે, દિયર છે, પુત્ર છે, મારી શોક્યનો પુત્ર છે, ભત્રીજો છે; તું જેનો પુત્ર છે તે પણ મારો ભાઈ, પતિ, પિતા અને પુત્ર છે; તું જેના ગર્ભથી ઉત્પન્ન થયો છે તે પણ મારી માતા, સાસુ, બહેન અને ભોજાઈ છે.’ તેનું આવું હાલરડું સાંભળીને કુબેરદત્ત વંદન કરીને પૂછવા લાગ્યો કે ‘હે આર્યા, આવી પરસ્પરવિરોધી અને અસંબદ્ધ વાણી કેમ અને કોને માટે? કે પછી બાળકને રમાડવા માટે આવું અયોગ્ય બોલો છો?’ એમ પુછાતાં આર્યાએ કહ્યું, ‘શ્રાવક, આ સાચું જ છે.’ પછી પોતે જે અવધિજ્ઞાનથી જોયું હતું તે એ બન્ને જણાંને પ્રમાણપૂર્વક કહ્યું, અને મુદ્રા પણ બતાવી. આ સાંભળીને જેને અત્યંત તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એવો કુબેરદત્ત ‘અહો, અજ્ઞાને નહીં કરવાનું કરાવ્યું.’ એ પ્રમાણે (શોક કરતો) બાળકને વૈભવ આપીને, આર્યાને નમસ્કાર કરીને ‘તમે મને પ્રતિબોધ પમાડ્યો, હવે મારું હિત આચરીશ.’ એ પ્રમાણે કહી ત્યાંથી ત્વરાથી ચાલી નીકળ્યો, અને સાધુની પાસે જઈ સાધુવેશ અને આચારને ધારણ કર્યા. કુબેરસેના પણ ગૃહવાસને યોગ્ય એવા નિયમો ધારણ કરીને અહંસાિપૂર્વક રહેવા લાગી, આર્યા પ્રવતિર્ની પાસે ગઈ.

લોકધર્મની અસંગતિ વિશે મહેશ્વરદત્તની કથા

તામ્રલિપ્તિ નગરીમાં મહેશ્વરદત્ત નામે સાર્થવાહ હતો. તેનો સમુદ્ર નામે પિતા ધનના સંચય, સંરક્ષણ અને પરિવર્ધનના લોભમાં ગ્રસ્ત એવો મરણ પામ્યો, અને અતિશય માયાને કારણે એ જ પ્રદેશમાં પાડો થયો. માયા અને કપટમાં કુશળ એવી તેની બહુલા નામની શૌચવાદી માતા પણ પતિશોકથી મરણ પામીને એ જ નગરમાં કૂતરી થઈ. મહેશ્વરદત્તની પત્ની ગાંગિલા વડીલોથી સૂના તે ઘરમાં રહેતી, સ્વચ્છંદી બની ગઈ. એક વાર ઇચ્છિત પુરુષ સાથે સંકેત કરીને સાંજે તેની રાહ જોતી તે ઊભી હતી. આયુધ સાથે તે સ્થળે આવેલો એ પુરુષ મહેશ્વરદત્તની નજરે પડ્યો. તે પુરુષે પોતાની જાતના રક્ષણ માટે મહેશ્વરદત્તને મારી નાખવાનો વિચાર કર્યો, પણ મહેશ્વરદત્તે લઘુહસ્તપણે તેને ગાઢ પ્રહાર કરતાં થોડેક દૂર જઈને તે પડ્યો. ‘અહો! મને મંદભાગ્યને અનાચારનું આ ફળ મળ્યું,’ એ પ્રમાણે વૈરાગ્યપૂર્વક પોતાની નિંદા કરતો તે મરણ પામ્યો, અને ગાંગિલાના ઉદરે પુત્ર તરીકે જન્મ્યો અને એક વર્ષનો થતાં મહેશ્વરદત્તનો પ્રિય પુત્ર થયો. એક વાર પિતાનું શ્રાદ્ધ આવતાં મહેશ્વરદત્તે પેલા પાડાને ખરીદીને મારી નાખ્યો. આ પ્રમાણે પિતાના માંસની વાનગીઓ બની, અને તે લોકોને પીરસવામાં આવી. બીજા દિવસે તે માંસ તથા મદ્યનો સ્વાદ લેતો મહેશ્વરદત્ત પુત્રને ખોળામાં લઈને પોતાની માતા જે કૂતરી થયેલી હતી તેને માંસના ટુકડાઓ નાખવા માંડ્યો. કૂતરી પણ તે સંતોષપૂર્વક ખાવા માંડી. એ વખતે કોઈ સાધુ માસક્ષપણના પારણા નિમિત્તે તે ઘરમાં પ્રવેશ્યા, અને અત્યંત પ્રસન્ન મહેશ્વરદત્તને તેમણે જોયો. એવી અવસ્થાવાળા તેને અવધિજ્ઞાનથી જાણીને તે વિચારવા લાગ્યા, ‘અહો! અજ્ઞાનને કારણે આ માણસ શત્રુને ખોળામાં લઈને બેઠો છે, પિતાનું માંસ ખાય છે અને કૂતરી (પોતાની માતા)ને તે ખવરાવે છે.’ ‘અકાર્ય’ એમ બોલીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. મહેશ્વરદત્તે વિચાર્યું, ‘ભિક્ષા લીધા વગર જ, ‘અકાર્ય’ એમ બોલી સાધુ કેમ ચાલ્યા ગયા?’ પછી શોધતો શોધતો તે સાધુ પાસે આવ્યો અને એકાંત પ્રદેશે તેમને જોઈને પૂછવા લાગ્યો, ‘ભગવન્! મારા ઘેર આપે ભિક્ષા કેમ ન લીધી? જે કારણ હોય તે કહો.’ સાધુએ કહ્યું, ‘શ્રાવક! તારે ક્રોધ ન કરવો.’ પછી તેમણે તેના પિતાનું રહસ્ય, પત્નીનું રહસ્ય અને શત્રુનું રહસ્ય યથાસ્થિત અભિજ્ઞાનપૂર્વક કહ્યું. તે સાંભળીને જેને સંસાર ઉપર નિર્વેદ થયો છે એવો તે મહેશ્વરદત્ત ગૃહવાસનો ત્યાગ કરીને એ જ સાધુની પાસે પ્રવજિત થયો.

પ્રસન્નચંદ્ર અને વલ્કલચીરીનો સંબંધ

તે સમયે અર્હંત ભગવાન ગુણશીલ ચૈત્યમાં સમોસર્યા હતા. તીર્થંકરના દર્શન માટે ઉત્સુક શ્રેણિક રાજા વંદન કરવાને માટે નીકળ્યો. તેના અગ્રાનીક (આગળના રસાલા)માંના પોતાના કુટુંબ સંબંધી વાતો કરતા બે પુરુષોએ બે હાથ ઊંચા રાખીને એક ચરણ ઉપર ઊભા રહીને આતાપના લેતા એક સાધુને જોયો. તેમાંના એકે કહ્યું, ‘અહો! મહાત્મા ઋષિ સૂર્યની સામે ઊભા રહીને આતાપના લે છે; નક્કી સ્વર્ગ અથવા મોક્ષ એને હસ્તગત છે.’ બીજાએ પેલા ઋષિને ઓળખ્યા અને કહેવા લાગ્યો, ‘અરે, તું શું નથી જાણતો?’ આ તો રાજા પ્રસન્નચંદ્ર છે. એને ધર્મ ક્યાંથી હોય? બાળકપુત્રને એણે રાજ્ય ઉપર સ્થાપન કર્યો, તેને હવે મંત્રીઓ પદભ્રષ્ટ કરે છે. આ રીતે આણે પોતાના વંશનો વિનાશ કર્યો છે. કોણ જાણે એના અંત:પુરનું શું થશે?’ ધ્યાનમાં વિઘ્ન કરનારું આ વચન પ્રસન્નચંદ્રના કાન સુધી પહોંચ્યું. તે વિચાર કરવા લાગ્યા, ‘અહો! આ અમાત્યો કેવા અનાર્ય છે? મેં દરરોજ જેમનું સન્માન કર્યું હતું એવા તે મારા પુત્રની જ સામે પડ્યા છે. જો હું ત્યાં હાજર હોત અને તેમણે આવું કર્યું હોત તો જરૂર તેમને બરાબર શિક્ષા કરત.’ આવા સંકલ્પ કરતા તે પ્રસન્નચંદ્રની આગળ જાણે તે પ્રસંગ સાક્ષાત્ વિદ્યમાન થયો. પેલા અમાત્યો સાથે તે મનથી જ યુદ્ધ કરવા લાગ્યા. એટલામાં શ્રેણિક રાજા તે સ્થળે આવ્યો. વિનયપૂર્વક ઋષિને વંદના કરી, અને ધ્યાનનિશ્ચલ એવા તેમને જોયા. ‘પ્રસન્નચંદ્ર રાજર્ષિનું તપમાં આટલું સામર્થ્ય ખરેખર આશ્ચર્યજનક છે’ એમ વિચાર કરતો તે તીર્થંકર પાસે પહોંચ્યો. વંદન કરીને તેણે ભગવાનને વિનયપૂર્વક પૂછ્યું, ‘ભગવન્! પ્રસન્નચંદ્ર અણગારને જે સમયે મેં વંદન કર્યું તે સમયે તેઓ કાળ કરત તો કઈ ગતિમાં જાત?’ ભગવાને કહ્યું, ‘સાતમા નરકમાં.’ ‘સાધુને નરકગમન ક્યાંથી હોય’ એમ વિચારીને રાજા ફરી પૂછવા માંડ્યો. ‘ભગવન્, પ્રસન્નચંદ્ર અત્યારે કાળ કરે તો કઈ ગતિમાં જાય?’ ‘અત્યારે તે સર્વાર્થસિદ્ધિમાં જવાને યોગ્ય છે.’ રાજાએ પ્રશ્ન પૂછ્યો: ‘તપસ્વીને માટે એક વાર નરકગતિ અને બીજી વાર દેવગતિ એમ દ્વિવિધ ઉત્તર આપે શાથી આપ્યો?’ ભગવાને કહ્યું, ‘ધ્યાનવિશેષે કરીને તે સમયે અને અત્યારે તેણે અનુક્રમે અશાત અને શાતકર્મનો સ્વીકાર કર્યો હતો.’ શ્રેણિકે પૂછ્યું, ‘કેવી રીતે?’ ‘ભગવાને કહ્યું, ‘તારા અગ્રાનીકના પુરુષોના મુખથી પોતાના પુત્રનો પરાભવ સાંભળીને જેણે પ્રશસ્ત ધ્યાનનો ત્યાગ કર્યો એવો તે જ્યારે તેં એને વંદન કર્યું ત્યારે પોતાના અમાત્યરૂપી શત્રુઓ સાથે મનથી યુદ્ધ કરતો હતો; અને તેથી કરીને તે કાળે નરકગતિને યોગ્ય હતો. તું ત્યાંથી ચાલ્યો ગયો ત્યાર પછી જેની ક્રિયાની શક્તિ જાગ્રત થઈ છે એવો તે ‘મારા શિરસ્ત્રાણથી શત્રુઓને મારું’ એમ વિચારીને પોતાના લોચ કરેલા માથા ઉપર હાથ મૂકતાં પ્રતિબોધ પામ્યો કે, ‘અહો! હું મારા કાર્યનો ત્યાગ કરીને બીજાને ખાતર યતિજનોથી વિરુદ્ધ એવા માર્ગમાં ઊતરી પડ્યો.’ આમ પોતાની જાતની નિંદા અને ગર્હણા કરતા તેણે ત્યાં જ મને પ્રણામ કરીને આલોચના લીધી અને પ્રતિક્રમણ કર્યું. અત્યારે તે પ્રશસ્ત ધ્યાની છે. તે અશુભ કર્મ તેણે ખપાવ્યું છે અને શુભ કર્મનું ઉપાર્જન કર્યું છે. આથી તેને માટે જુદા જુદા સમયે મેં બે જુદી જુદી ગતિનો નિર્દેશ કરેલો છે.’ ત્યારે કુણિક રાજાએ પૂછ્યું, ‘ભગવન્! બાળકુમારને રાજ્ય સોંપીને પ્રસન્નચંદ્ર રાજાએ શાથી દીક્ષા લીધી? તે હું સાંભળવા ઇચ્છું છું.’ ત્યારે ભગવાને (સુધર્માસ્વામીએ) કહ્યું, ‘પોતનપુરમાં સોમચંદ્ર રાજા હતો. તેની ધારિણી દેવી હતી. તે એક વાર ઝરૂખામાં બેસીને પોતાના પતિનું માથું ઓળતી હતી, તે વખતે સફેદ વાળ જોઈને તેણે કહ્યું, ‘સ્વામી! દૂત આવી ગયો છે.’ રાજાએ આમતેમ નજર નાખી, પણ કોઈ નવો માણસ તેના જોવામાં ન આવ્યો. એટલે તેણે રાણીને કહ્યું, ‘દેવિ! દિવ્ય છે તારું ચક્ષુ.’ ત્યારે રાણીએ સફેદ વાળ બતાવીને કહ્યું, ‘આ ધર્મદૂત આવ્યો છે.’ એ જોઈને રાજાએ રુદન કર્યું. ઉત્તરીયથી તેનાં આંસુ લૂછતી દેવીએ કહ્યું, ‘જો વૃદ્ધપણાથી લજ્જા પામતા હો તો પરિજનોને દૂર કરવામાં આવે.’ ત્યારે રાજાએ કહ્યું, ‘દેવિ! એમ નથી. ‘કુમાર બાળક હોઈ પ્રજાપાલનમાં અસમર્થ છે,’ એમ વિચાર કરતાં મને ગ્લાનિ થઈ. ‘પૂર્વપુરુષોના માર્ગે હું ગયો નહીં’ એટલો જ વિચાર મને આવ્યો છે. તું પ્રસન્નચંદ્રની રક્ષા કરતી અહીં જ રહે.’ પણ રાણીએ તો તેની સાથે જ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો હતો. ત્યાર પછી રાજ્ય પુત્રને આપીને ધાત્રી અને દેવી સાથે રાજાએ દિશાપ્રોક્ષક તાપસ (તાપસની એક જાતિ) તરીકે દીક્ષા લીધી, અને એકાન્ત આશ્રમમાં રહેવા લાગ્યો. દીક્ષા લીધા પહેલાં રાણીને ગર્ભ રહેલો તે વધવા માંડ્યો. ચાર પુરુષોએ પ્રસન્નચંદ્રને આ હકીકત જણાવી. પૂરા દિવસે રાણીએ કુમારને જન્મ આપ્યો, અને તેને વલ્કલમાં મૂક્યો હતો તેથી વલ્કલચીરી એવું તેનું નામ પાડ્યું. સૂતિકારોગથી રાણી મરણ પામી. ધાત્રીએ કુમારને વગડાઉ ભેંસના દૂધથી ઉછેરવા માંડ્યો. થોડા સમય પછી ધાત્રી પણ મરણ પામી. પછી ઋષિ વલ્કલચીરીને વસ્ત્રનાં સાધન લઈને ફરવા માંડ્યા. વલ્કલચીરી મોટો થતાં તેનું આલેખન કરીને ચિત્રકારોએ પ્રસન્નચંદ્રને બતાવ્યું. તેણે ભાઈ પ્રત્યેના સ્નેહથી ગણિકા પુત્રીઓને તાપસનું રૂપ ધારણ કરાવીને ખાંડના લાડુરૂપી વિવિધ ફળો વડે વલ્કલચીરીને લોભાવીને અહીં લાવો’ એવી સૂચના આપીને આશ્રમમાં મોકલી. તે ગણિકાપુત્રીઓએ મધુર ફળ, મધુર વચન અને સુકુમાર, ઉન્નત અને પુષ્ટ સ્તનોના સ્પર્શ વડે વલ્કલચીરીને લોભાવ્યો. સંકેત પ્રમાણે ત્યાંથી જવાના વખતે જ્યારે તે પોતાનાં તાપસનાં ઉપકરણો મૂકવા ગયો ત્યારે વૃક્ષ ઉપર બેઠેલા ચાર પુરુષોએ નિશાની કરી કે ‘ઋષિ આવ્યા છે.’ આથી પેલી ગણિકાપુત્રીઓ ત્યાંથી એકદમ નાસી ગઈ. વલ્કલચીરી તેમનાં પગલાં જોતો જોતો પાછળ ચાલ્યો. અટવીમાં ભમતા એવા તેણે રથમાં બેઠેલા એક પુરુષને જોઈને કહ્યું, ‘તાત! વંદન કરું છું.’ ત્યારે પેલા રથવાળાએ પૂછ્યું, ‘કુમાર! ક્યાં જવું છે?’ વલ્કલચીરીએ જવાબ આપ્યો કે, ‘મારે પોતનપુર નામના આશ્રમમાં જવું છે.’ પેલા પુરુષને પણ પોતનપુર જવું હતું, એટલે તેણે કહ્યું કે, ‘ચાલો આપણે સાથે જઈએ.’ પછી વલ્કલચીરી રથવાળાની પત્નીને પણ ‘તાત!’ એ પ્રમાણે સંબોધન કરવા લાગ્યો. પેલીએ કહ્યું, ‘આ તે કયા પ્રકારનો વિનય છે?’ રથવાળાએ કહ્યું, ‘સુન્દરિ! સ્ત્રીઓથી રહિત એવા આશ્રમમાં આ ઊછરેલો હોવાથી સ્ત્રી-પુરુષનો ભેદ જાણતો નથી, માટે એના ઉપર ક્રોધ ન કરવો જોઈએ.’ પછી વલ્કલચીરી રથના ઘોડાઓને જોઈને પૂછવા લાગ્યો, ‘આ મૃગલાઓને કેમ જોડ્યા છે?’ સારથિએ કહ્યું, ‘કુમાર! આ મૃગોનો આ કાર્યમાં જ ઉપયોગ થાય છે. એમાં કંઈ દોષ નથી.’ પછી રથવાળાએ વલ્કલચીરીને લાડુ આપ્યા, તે જોઈને તેણે કહ્યું, ‘પોતનપુરવાસી ઋષિકુમારોએ પણ મને અગાઉ આવાં જ ફળ આપ્યાં હતાં.’ રસ્તે ચાલતાં તેમને એક ચોર સાથે યુદ્ધ થયું. રથવાળાએ ચોર ઉપર જબ્બર પ્રહાર કર્યો; તેની શસ્ત્રચાતુરીથી પ્રસન્ન થયેલા ચોરે કહ્યું, ‘મારી પાસે વિપુલ ધન છે. તે હે શૂર! તું લઈ લે.’ ત્યાર પછી ચોરે બતાવેલા ધનથી એ ત્રણે જણે રથ ભર્યો. અનુક્રમે તેઓ પોતનપુર પહોંચ્યા. ત્યાં રથિકે વલ્કલચીરીને ઉતાર્યો અને કેટલુંક ધન આપીને કહ્યું કે, ‘તારું રહેઠાણ શોધી લે.’ તે ફરતો ફરતો ગણિકાગૃહ આગળ પહોંચ્યો અને ત્યાં ગણિકાને કહ્યું, ‘તાત! વંદન કરું છું. આ મૂલ્ય લઈને મને અહીં રહેવા દો.’ ગણિકાએ કહ્યું, ‘તમને આવાસ આપીશું. અહીં બેસો.’ પછી ગણિકાએ હજામને બોલાવ્યો. વલ્કલચીરીએ આનાકાની કરવા છતાં તેના નખ કાપ્યા અને હજામત કરી. તેનાં વલ્કલ ઉતારી લેવામાં આવ્યાં અને વસ્ત્રાભરણ પહેરાવીને ગણિકાપુત્રીની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. ‘મારો આ ઋષિવેશ દૂર કરશો નહીં’ એમ બોલતા વલ્કલચીરીને ગણિકાઓ કહેવા લાગી કે, ‘જે કોઈ આવાસની ઇચ્છાવાળો અહીં આવે છે તેનો આ રીતે જ સત્કાર કરવામાં આવે છે.’ પછી તે ગણિકાઓ વધૂ-વરનાં ધવલમંગલ ગાવા લાગી. હવે, વલ્કલચીરીને લોભાવવા માટે ઋષિવેશધારી જે ગણિકાપુત્રીઓને વનમાં મોકલવામાં આવી હતી તે આવીને પ્રસન્નચંદ્રને કહેવા લાગી કે, ‘કુમાર તો વનમાં ચાલ્યા ગયા. ઋષિના ભયને લીધે અમો તેમને બોલાવી શક્યાં નહીં.’ ત્યારે વિષાદ પામેલો રાજા વિચાર કરવા લાગ્યો કે, ‘અહો! અકાર્ય થયું. કુમાર પિતા પાસે ગયો નથી, અહીં પણ આવ્યો નથી; તો કોણ જાણે ક્યાં ગયો હશે?’ આ પ્રમાણે ચિન્તા કરતો બેઠો, એટલામાં તેણે મૃદંગનો શબ્દ સાંભળ્યો. શ્રવણને દુઃખ આપનાર એ શબ્દ સાંભળીને તેણે કહ્યું, ‘હું જ્યારે દુઃખી છું ત્યારે કયો સુખી સંગીત-વિનોદ કરે છે?’ ગણિકાને તેના હિતસ્વી કોઈ માણસે આ જણાવ્યું. એટલે ગણિકા ત્યાં આવી અને પ્રસન્નચંદ્ર રાજાને પગે પડીને કહેવા લાગી કે, ‘દેવ! મને નૈમિત્તિકે કહ્યું હતું કે જે તાપસરૂપી તરુણ તારે ઘેર આવે તેને જ તારી પુત્રી આપજે. તે ઉત્તમ પુરુષ છે અને તેની સાથે તારી પુત્રી ઘણું સુખ પામશે.’ નૈમિત્તિકે કહ્યું હતું તે પ્રમાણે તે પુરુષ આજે મારે ઘેર આવ્યો. તેનો ફલાદેશ પ્રમાણભૂત માનતી એવી મેં તાપસને કન્યા આપી; અને ‘કુમાર નાસી ગયા છે’ એ હકીકત જાણતી નહોતી તેથી આ લગ્ન નિમિત્તે ઉત્સવ કર્યો હતો. મારો આ અપરાધ ક્ષમા કરો. જેમણે આશ્રમમાં કુમારને જોયો હતો એવા માણસોને રાજાએ મોકલ્યા. તેમણે કુમારને ઓળખ્યો અને આ પ્રિય વસ્તુ રાજાને નિવેદન કરી. અત્યંત પ્રસન્ન થયેલો રાજા તેને વધૂ સહિત પોતાના મહેલમાં લઈ ગયો, સરખા કુલ, રૂપ અને યૌવનગુણોવાળી રાજકન્યાઓ સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું અને અર્ધું રાજ્ય આપ્યું. વલ્કલચીરી યથેચ્છ સુુખથી રહેવા લાગ્યો. પેલો રથિક ચોરે આપેલું ધન વેચતો હતો તેને રાજપુરુષોએ ચોર ધારીને પકડ્યો. વલ્કલચીરીએ પ્રસન્નચંદ્રને બધી હકીકત કહીને તેને છોડાવ્યો. આ તરફ, આશ્રમમાં કુમારને નહીં જોતા એવા સોમચંદ્ર ઋષિ શોકસાગરમાં ડૂબી ગયા. પછી પ્રસન્નચંદ્રે મોકલેલા દૂતો દ્વારા વલ્કલચીરી નગરમાં ગયો છે એમ જાણીને તેમને કંઈ ધીરજ આવી; અને પુત્રનું સ્મરણ કરતા તે અંધ બની ગયા. અનુકંપાવાળા બીજા ઋષિઓ તેમને ફળાહાર આપવા માંડ્યા. એ રીતે સોમચંદ્ર એ જ આશ્રમમાં રહેવા લાગ્યા. આ પ્રમાણે બાર વરસ વીતી ગયા બાદ એક વાર વલ્કલચીરીકુમાર અર્ધ રાત્રે જાગી ગયો અને પિતાને યાદ કરવા લાગ્યો. ‘દયા વગરના મારા જેવા પુત્રથી વિખૂટા પડેલા પિતા કેવી રીતે રહેતા હશે?’ એમ વિચારતાં પિતાના દર્શન માટે ઉત્સુક બનેલો તે પ્રસન્નચંદ્ર પાસે જઈને પગે પડી કહેવા લાગ્યો, ‘દેવ! મને રજા આપો. પિતાને મળવા માટે હું ઉત્સુક થયો છું.’ પ્રસન્નચંદ્રે કહ્યું, ‘આપણે બે સાથે જ જઈએ.’ પછી તેઓ આશ્રમમાં ગયા. ત્યાં સોમચંદ્ર ઋષિને નિવેદન કરવામાં આવ્યું કે, ‘પ્રસન્નચંદ્ર પ્રણામ કરે છે.’ પોતાને પગે પડેલા પ્રસન્નચંદ્રને ઋષિએ પોતાના હાથ વડે પંપાળીને પૂછ્યું, ‘પુત્ર! તું નીરોગી છે?’ પછી વલ્કલચીરીને આલિંગન કરીને લાંબા કાળથી ધારણ કરી રાખેલાં અશ્રુ પાડતાં એ ઋષિનાં નયન ખૂલી ગયાં અને પોતાના બંને પુત્રોને પરમ પ્રસન્ન થયેલા તેમણે જોયા, તથા સર્વ કાળ વિષેનું કુશળ પૂછ્યું. ‘(લાંબા કાળથી જેની) સંભાળ લેવાઈ નથી એવા પિતાનાં ઉપકરણો કેવાં થઈ ગયાં છે, એ તો જોઉં’ એમ વિચાર કરતો વલ્કલચીરી ઝૂંપડીમાં ગયો; અને યતિ જેમ પાત્રકેસરિકાથી પાત્ર સાફ કરે તેમ પોતાના ઉત્તરીયના છેડાથી એ ઉપકરણો સાફ કરવા માંડ્યો. ‘આ જ પ્રકારનું કાર્ય આ પહેલાં મેં ક્યાં કર્યું છે?’ એ પ્રમાણે સ્મરણ કરતાં એ કાળે આવરણના ક્ષયથી તેને જાતિસ્મરણ — પૂર્વજન્મનું સ્મરણ થયું. પછી તે પોતાના પૂર્વકાળના દેવ-મનુષ્યના ભવ અને પૂર્વે પામેલું સાધુપણું સ્મરવા માંડ્યો, અને સ્મરીને વૈરાગ્ય પામ્યો. ધર્મધ્યાન વડે વિષયથી અતીત — પર બનેલો તથા જેનો વિશુદ્ધ પરિણામ થયો છે એવો તે બીજા શુક્લ ધ્યાનની ભૂમિકા ઓળંગી ગયો અને મોહનીય કર્મ, જ્ઞાનાવરણી-દર્શનાવરણી કર્મ અને ઘાતિ કર્મ જેનાં ક્ષય પામ્યાં છે એવા તેને કેવલજ્ઞાન થયું અને તે સાધુ બન્યો. પોતાના પિતાને તથા પ્રસન્નચંદ્ર રાજાને તેણે જિનોપદિષ્ટ ધર્મ કહ્યો. જેમણે સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે એવા તે બંનેએ ‘આપે યોગ્ય માર્ગ બતાવ્યો’ એમ કહીને પોતાના મસ્તકથી કેવલીને પ્રણામ કર્યા. પ્રત્યેકબુદ્ધ (જેને કોઈ એક નિમિત્તથી જ્ઞાન પ્રાપ્ત થયું છે) એવો વલ્કલચીરી પિતાને લઈને મહાવીર વર્ધમાનસ્વામીની પાસે ગયો. પ્રસન્નચંદ્ર પણ પોતાના નગરમાં ગયો. પોતાના ગણ સહિત વિહાર કરતા જિન ભગવાન પોતનપુરમાં મનોરમ નામના ઉદ્યાનમાં સમોસર્યા. વલ્કલચીરીનાં વચનથી જેને વૈરાગ્ય પેદા થયો છે તથા તીર્થંકરની પરમ મનોહર વાણીરૂપી અમૃતથી જેનો ઉત્સાહ વૃદ્ધિ પામ્યો છે એવા પ્રસન્નચંદ્ર બાળક પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને સાધુ બન્યા. જેણે સૂત્ર અને અર્થ જાણ્યાં છે તથા તપ અને સંયમથી જેની મતિ શુદ્ધ બની છે એવા પ્રસન્નચંદ્ર મગધાપુર (રાજગૃહ)માં આવ્યા, અને ત્યાં આતાપના લેતા હતા ત્યારે તારા પિતા શ્રેણિકે તેમને આદરપૂર્વક વંદન કર્યું હતું. હે કુણિક રાજા! રાજા પ્રસન્નચંદ્રે આ પ્રકારે દીક્ષા લીધી હતી.’

ધમ્મિલચરિત

ઘણા દિવસે જેનું વર્ણન થઈ શકે એવું કુશાગ્રપુર નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા અને તેની ધારિણી નામે રાણી. એ નગરમાં અન્ય કુટુંબીજનો પોતાના મનોરથ વડે જેની સ્પૃહા કરતા હતા એવા વિપુલ વૈભવવાળો, ધન, શીલ, ગુણ અને જ્ઞાન વડે કરીને જેણે પોતાનાં કાર્યોની કીર્તિ વિસ્તારી છે એવો તથા ઇન્દ્રના જેવા શ્રેષ્ઠ રૂપ અને વૈભવવાળો સુરેન્દ્રદત્ત નામે સાર્થવાહ રહેતો હતો. કુળને યોગ્ય તથા ધર્મ અને શીલથી સંપન્ન એવી તેની સુભદ્રા નામે પત્ની હતી. તે ઋતુકાળે સગર્ભા થઈ. અનુક્રમે તે ગર્ભ વધતાં તેને સર્વ પ્રાણીઓને અભયદાન આપવાનો, ધામિર્ક જનોનું વાત્સલ્ય કરવાનો અને દીનજનો પ્રત્યેની અનુકંપાથી પુષ્કળ દાન કરવાનો દોહદ પેદા થયો. પછી નવ માસ અને અને સાડા સાત રાત્રિદિવસ પૂર્ણ થતાં તે સુભદ્રાને પુત્ર જન્મ્યો. માતાને ધર્મ કરવાનો દોહદ થયો હતો, આથી તે પુત્રનું નામ ‘ધમ્મિલ્લ’ રાખવામાં આવ્યું. પછી પાંચ ધાત્રીઓ વડે પાલન કરાતો તે સુખપૂર્વક સંવર્ધન પામ્યો. જેના આરંભે લેખનકળા છે, ગણિતકળા જેમાં પ્રધાન છે અને શકુનરુત(પક્ષીઓની વાણી જાણવાની કળા જેના અંતમાં છે જેવી બોંતેર કળાઓમાં કાળે કરીને તેણે પ્રવેશ કર્યો. જ્યારે ધમ્મિલ્લ અભિનવ યૌવનમાં આવ્યો ત્યારે એ જ નગરમાં રહેતા કુલ અને શીલમાં પોતાનાં માતાપિતાને અનુરૂપ એવા ધનવસુ સાર્થવાહની ધનદત્તા નામે પત્નીની પુત્રી અને પોતાના (ધમ્મિલના) મામાની દીકરી યશોમતી પદ્મરહિત લક્ષ્મી જેવી અને લક્ષ્મી સમાન રૂપવાળી હતી. તેની સાથે તેનું લગ્ન કરવામાં આવ્યું. પણ વિષયભોગોથી પરાઙ્મુખ અને શાસ્ત્રાભ્યાસમાં જ આસક્ત હૃદયવાળો ધમ્મિલ્લ પત્નીની દરકાર કરતો નહોતો. એક વાર ધમ્મિલ્લની સાસુ પોતાની પુત્રીને મળવા માટે તેને ઘેર આવી. ધમ્મિલ્લના પિતાએ પોતાના વૈભવને અનુરૂપ અને સંબંધને યોગ્ય એવી રીતે તેનું સન્માન કર્યું. પછી તે પોતાની પુત્રી પાસે ગઈ અને પુત્રીના શરીરાદિનું કુશળ તેણે પૂછ્યું. ત્યારે સ્વભાવથી વિનીત અને લજ્જાથી નમેલા મુખવાળી પુત્રીએ લોકધર્મના ઉપભોગ સિવાય બાકીનું બધું નીચે પ્રમાણે કહ્યું, ‘હે માતા! તમારો જમાઈ પોતાની પાસે રેવાના પાણીથી પવિત્ર એવી પાટી મૂકીને તથા ચંદ્રનાં કિરણો જેવી ઉજ્જ્વળ ખડી લઈને, મને એકલીને શયનમાં સૂતેલી જોવા છતાં, આખી રાત ‘સમાન’ અને ‘સવર્ણ’ એવો વ્યાકરણભાગ (અથવા પોતાના મનની માનીતીને) ગોખ્યા કરે છે.’ આ સાંભળીને એકદમ કોપાયમાન થયેલી તથા રોષથી કાંપતી ધમ્મિલ્લની સાસુ સ્ત્રીસ્વભાવની વત્સલતાથી તથા પુત્રી પ્રત્યેના સ્નેહથી ધમ્મિલ્લની માતા પાસે જઈને બધું કહેવા લાગી. તેની બધી વાત સાંભળીને જેનું શરીર તથા હૃદય કંપી ઊઠ્યું છે તથા આંસુથી જેની આંખો ઊભરાઈ ગઈ છે એવી ધમ્મિલ્લની માતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ. પછી તેણે સોગનપૂર્વક પોતાની વેવાણને સમજાવી, એટલે ધમ્મિલ્લની સાસુ પુત્રીને આશ્વાસન આપીને પોતાને ઘેર ગઈ. ધમ્મિલ્લની માતાએ પોતાના પતિ પાસે જઈને બધી હકીકત કહી ત્યારે સુરેન્દ્રદત્તે કહ્યું, ‘હે અજ્ઞાની સ્ત્રી! આપણો બાળક વિદ્યામાં આસક્ત છે એ જાણીને તો તારે હર્ષ પામવો જોઈએ; એમાં વિષાદ શા માટે કરે છે? નવી શીખેલી વિદ્યા, જો તેનો અભ્યાસ ચાલુ રાખવામાં ન આવે તો, તેલ વગરના દીવાની જેમ નાશ પામે છે. માટે અજ્ઞાની ન બન. જ્યાં સુધી પુત્ર બાળક છે ત્યાં સુધી ભલે વિદ્યાઓ ભણે.’ આ સાંભળીને સુરેન્દ્રદત્તની પત્નીએ પુત્ર પ્રત્યેના વાત્સલ્યથી કહ્યું, ‘બહુ ભણીને શું કામ છે? એને મનુષ્યભોગ ભોગવવા દો.’ પછી પુત્રને કામકળામાં નિપુણ બનાવવા ઇચ્છતી તે સ્ત્રીએ, પતિએ ના કહેવા છતાં, ધમ્મિલ્લને લલિત ગોષ્ઠીશોખીન વિદગ્ધ નાગરિકોની મંડળીમાં પ્રવેશ કરાવ્યો. માતાપિતાનો આ સર્વ સંવાદ ધાત્રીએ ધમ્મિલ્લને કહ્યો. પછી ધમ્મિલ્લ ગોષ્ઠિકો-ગોઠિયાઓની સાથે ઉદ્યાન, કાનન, સભા, અને ઉપવનોમાં ફરતો તથા જ્ઞાન અને વિજ્ઞાનમાં બીજાઓની સરસાઈ કરતો ઘણો કાળ ગાળવા લાગ્યો.

વસન્તતિલકા ગણિકાનો પ્રસંગ

બીજી તરફ, વસન્તસેના ગણિકાની પુત્રી વસન્તતિલકાનું પ્રથમ નૃત્યપ્રદર્શન જોવાની ઇચ્છાવાળા શત્રુદમન (જિતશત્રુ) રાજાએ ગોષ્ઠિકોના આગેવાનોને કહેવરાવ્યું કે ‘વસન્તતિલકાની નૃત્યવિધિના દર્શનની પરીક્ષા કરવાની મારી ઇચ્છા છે; માટે ચતુર પ્રેક્ષકને મોકલો.’ ગોષ્ઠિકોએ ધમ્મિલ્લને નૃત્યના પ્રેક્ષક તરીકે મોકલ્યો. બીજા કેટલાક રાજાના સમ્માન પામેલા માણસો પણ હતા. તેમની સાથે રાજા પણ બેઠો. પછી મનોહર અને દર્શનીય તથા નૃત્યને યોગ્ય એવા ભૂમિભાગમાં રંગમંચ ઉપર વસન્તતિલકાએ રૂપ અને લાવણ્ય, શૃંગાર, અલંકાર, વિલાસ, આવેશ, મધુર વાણી અને નાટ્ય વડે પ્રશસ્ત, શાસ્ત્રમાં સૂચવ્યા પ્રમાણેના પગસંચારવાળું, જેમાં વર્ણોનો યોગ્ય પરિવર્ત — આલાપ હતો તથા હાથ, ભ્રમર અને મુખનો અભિનય હતો એવું, હાવભાવ અને આંખોના સંચારથી યુક્ત, નૃત્યકળાના પ્રશસ્ત જ્ઞાન વડે આશ્ચર્યજનક હાથ અને બીજી ક્રિયાઓના સંચરણ વડે યોગ્ય રીતે વિભક્ત, તથા વીણા, સ્વર, તાલ અને ગીતના શબ્દોથી મિશ્ર એવું નૃત્ય કર્યું. આવું એ દિવ્ય નૃત્ય પૂરું થતાં સર્વે પ્રેક્ષકોએ ‘અહો, વિસ્મયની વાત છે’ એ પ્રમાણે સહસા ઘોષણા કરી. રાજાએ ધમ્મિલ્લને પૂછ્યું, ‘ધમ્મિલ્લ! વસન્તતિલકાએ કેવું નૃત્ય કર્યું?’ ધમ્મિલ્લે નૃત્યના ગુણોની પ્રશંસા કરીને કહ્યું, ‘દેવ, તેણે સૂરવધૂ — દેવાંગના સમાન નૃત્ય કર્યું છે.’ પછી સંતુષ્ટ થયેલા રાજાએ રાજાને યોગ્ય એવાં પૂજા અને સત્કારથી વસન્તતિલકાનું સમ્માન કર્યું, અને ‘હવે તું ઘેર જા’ એમ કહીને રજા આપી. તે વસન્તતિલકાએ ધમ્મિલ્લને વિનય અને ઉપચારપૂર્વક વિનંતી કરીને પોતાની ગાડીમાં બેસાડ્યો અને પછી પોતે પણ બેઠી. આ રીતે ધમ્મિલ્લ તેને ઘેર ગયો. પછી તે વસન્તતિલકાનાં હાસ્ય, વચન, ગીત અને રમણની કલાગુણની વિશેષતાઓમાં પણ કલાને જોતાં તથા ઉપચારયુક્ત નવયૌવનના ગુણો અનુભવતાં એ ધમ્મિલ્લે સમય કેમ ચાલ્યો જાય છે એ પણ જાણ્યું નહીં. તેનાં માતાપિતા પોતાની દાસી મારફત દરરોજ પાંચસો રૂપિયા વસન્તતિલકાની માતાને મોકલતાં હતાં. આ પ્રમાણે અનેક પૂર્વપુરુષોએ સંચિત કરેલું તેના કુટુંબનું વિપુલ ધન દૈવયોગે, જેમ સૂકી અને ઝીણી રેતી મૂઠીમાં ભરતાં સરી પડે તે પ્રમાણે, નાશ પામી ગયું.

સુરેન્દ્રદત્ત અને સુભદ્રાનો પરિતાપયુક્ત સંવાદ

પછી ધમ્મિલ્લની પુત્રવત્સલ માતા દીર્ઘ નિઃશ્વાસ નાંખીને ‘હા પુત્ર! હા પુત્ર!’ એ પ્રમાણે વિલાપ કરીને રોવા લાગી ત્યારે સાર્થવાહે તેને કહ્યું, ‘હે પુત્રવત્સલ સ્ત્રી! હવે શું કામ રડે છે? તે દિવસે હું કહેતો હતો એ તો તેં સાંભળ્યું નહીં.’ ત્યારે રડતાં રડતાં એ સ્ત્રીએ કહ્યું, ‘પુત્રવાત્સલ્યથી ઊભરાતા હૃદયવાળી મેં કંઈ ન જાણ્યું. અહો! મેં મારા આત્માને છેતર્યો!’ સાર્થવાહે કહ્યું, ‘અહો પુત્રવત્સલ સ્ત્રી! તું ભોળી છે; તેથી માથે ઘાસનો ભારો લઈને બળતા તરફ ગઈ. માટે શોક ન કર...’

વસન્તતિલકાને વસન્તસેનાની સમજાવટ

પછી કોઈ એક વાર ગણિકામાતાએ વસન્તતિલકાને કહ્યું, ‘ફળ વગરના વૃક્ષનો પક્ષીઓ પણ ત્યાગ કરે છે; સુકાઈ ગયેલ નદી, દ્રહ, તળાવ વગેરેને હંસ, ચક્રવાક આદિ પક્ષીઓ પણ છોડી દે છે; તો આપણે ગણિકાઓને નિર્ધન પુરુષનું શું કામ? આ ધમ્મિલ્લનો વૈભવ ક્ષીણ થઈ ગયો છે, માટે એનો ત્યાગ કર.’ વસન્તતિલકાએ કહ્યું, ‘માતા! મારે ધનનું કંઈ કામ નથી. ધમ્મિલ્લના ગુણોને લીધે એનામાં મારો અત્યંત સ્નેહ થયો છે. શૈલ, કાનન અને વનખંડોથી સુશોભિત આ પૃથ્વીમાં એના સમાન અન્ય કોઈ પુરુષને હું જોતી નથી. મેલ જેવા ધનની શી જરૂર છે? મારું જીવિત ઇચ્છતી હોય તો આર્યપુત્ર સિવાય બીજા કોઈની વાત પણ મારી આગળ કરીશ નહીં. એનાથી મારો વિયોગ થશે તો એનાં હાસ્ય, રમણ અને ગમનનું સ્મરણ કરતી એવી હું જીવીશ નહીં. એનાથી મારો વિયોગ પડાવતાં પહેલાં મને જિવાડવાનો ઉપાય તું શોધી રાખજે.’ વસન્તસેનાએ કહ્યું, ‘ભલે પુત્રિ! બસ કર. મારો પણ એ જ મનોરથ છે. જે તને પ્રિય તે મને પણ વહાલો છે.’ આ પ્રમાણે વાણી બોલવા છતાં હૃદયથી છળ-કપટ અને માયામાં કુશળ એવી લુચ્ચી ગણિકામાતા ધમ્મિલ્લનાં છિદ્રો જોતી રહેવા લાગી. કેટલોક કાળ ગયા પછી એક વાર વસન્તતિલકા સ્નાન કરી, સ્વચ્છ થઈ, દર્પણ હાથમાં લઈને પ્રસાધન-શૃંગાર કરતી હતી. માતાને તેણે કહ્યું, ‘માતા! અળતો લાવ.’ માતાએ કૂચારૂપ અળતો લાવીને મૂક્યો. ગણિકાએ પૂછ્યું, ‘માતા! આ અળતો રસ વગરનો કેમ છે?’ ત્યારે માતાએ કહ્યું, ‘શું એનાથી કામ નહીં ચાલે?’ વસન્તતિલકાએ કહ્યું, ‘માતા! ચાલશે!’ પછી માતાએ વળતો જવાબ આપ્યો, ‘પુત્રી! જેવી રીતે આ અળતો નીરસ છે, તેમ ધમ્મિલ્લ પણ નીરસ છે, માટે તેનું આપણે કંઈ કામ નથી.’ ત્યારે વસન્તતિલકાએ કહ્યું, ‘માતા! આ નીરસ અળતાથી પણ કામ થાય છે, તે શું તું નથી જાણતી?’ માતાએ જવાબ આપ્યો, ‘ના, હું તો નથી જાણતી.’ વસન્તતિલકાએ કહ્યું, ‘અરે મૂર્ખ! એનાથી તો વાટ વળે, તેથી દીવો સળગાવાય; માટે અજાણી ન થા. કામ કેમ નથી?’ આ પ્રમાણે જવાબ મળતાં તે ગણિકામાતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ. પછી કેટલાક દિવસ બાદ સુખાસન ઉપર બેઠેલી વસન્તતિલકાને તેની માતાએ ધોળી શેરડીના ટુકડાઓ પીલીને આપ્યા. તે લઈને ખાવા લાગી, પણ એમાં કંઈ રસ નહોતો. આથી તેણે કહ્યું, ‘માતા! આ તો નીરસ છે.’ ત્યારે માતા બોલી, ‘જેમ આ નીરસ છે તેમ ધમ્મિલ્લ પણ નીરસ છે.’ વસન્તતિલકાએ કહ્યું, ‘આ નીરસ પણ કંઈક કામમાં આવે છે.’ માતાએ પૂછ્યું, ‘શા કામમાં આવે છે?’ વસન્તતિલકાએ જવાબ આપ્યો, ‘દેવકુલ, ઘર વગેરેમાં લીંપણ માટે ગાર કરવામાં આવે છે, ત્યાં તેનો ઉપયોગ થાય છે.’ આ જવાબ મળતાં તે ગણિકામાતા નિરુત્તર અને ચૂપ થઈ ગઈ. કેટલાક વખત પછી ગણિકામાતા તલની એક પૂળીને બરાબર ઝાડીખંખેરીને વસન્તતિલકા પાસે લાવી. વસન્તતિલકાએ તે લઈને પોતાના ખોળામાં ખંખેરી, પણ એમાં તો તલનો એક પણ કણ નહોતો. આથી તેણે માતાને પૂછ્યું, ‘માતા! આમાં તો તલ નથી; તું આ અહીં શા માટે લાવી?’ તેણે જવાબ આપ્યો, ‘જેવો આ પૂળો ઝાડી-ખંખેરી નાખેલો છે, તેવો જ ધમ્મિલ્લ પણ છે; માટે બસ કર, આપણે એનું કંઈ કામ નથી.’ ત્યારે વસન્તતિલકાએ કહ્યું, ‘એમ ન બોલ, એનું પણ કામ પડે છે.’ માતાએ કહ્યું, ‘કેવી રીતે?’ તેણે જવાબ આપ્યો, ‘અગ્નિમાં બાળીને એનો ખાર બનાવાય છે. વસ્ત્રો વગેરે સાફ કરવામાં તેનો ઉપયોગ થાય છે.’ આવો જવાબ મળતાં તે ગણિકામાતા વસન્તતિલકાને સામું પૂછવા લાગી કે, ‘શું તને બીજા પુરુષો નહીં મળે?’ ત્યારે વસન્તતિલકાએ કહ્યું, ‘અહો! તું કાગડાઓ જેવી કૃતઘ્ન છે.’ પછી તે ધૂર્ત વસન્તસેનાએ વસન્તતિલકાને અત્યન્ત રાગાસક્ત જાણીને તથા ‘ધમ્મિલને એ છોડી શકવાની નથી’ એમ સમજીને કર્બટદેવતા(એક પ્રકારના ગ્રામદેવતા)ના નિમિત્તે ઘરમાં આનંદઉત્સવ કરાવ્યો. વસન્તતિલકાની સર્વે સખીઓ તથા ગણિકાપુત્રીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. ગણિકાઓને પણ આમંત્રવામાં આવી. પછી ગંધ, ધૂપ, પુષ્પ અને નૈવેદ્યથી ગૃહદેવતાઓની પૂજા કરવામાં આવ્યા બાદ ધમ્મિલ જતનથી નાહ્યો, સ્વચ્છ થયો તથા સર્વે અલંકારો પહેરીને જેમાં સર્વ પ્રકારનાં ખાદ્ય, પેય અને ભોજન સજ્જ કરવામાં આવ્યાં હતાં એવા સુંદર ભોજનખંડમાં સખીસમુદાય અને વસન્તતિલકાની સાથે પાનવિલાસ અનુભવવા લાગ્યો.

ધમ્મિલ્લને ગણિકામાતાએ હાંકી કાઢ્યો

આ પ્રમાણે વધારે પ્રમાણમાં પીવાથી તે ધમ્મિલ્લ અચેતન થઈ ગયો. એટલે તેના શરીર ઉપર એક જ જીર્ણ વસ્ત્ર રાખીને (વસન્તસેનાની સૂચનાથી) નગરની બહાર બહુ દૂર નહીં અને નજીક નહીં એવા પ્રદેશમાં તેને ફેંકી દેવામાં આવ્યો. પ્રભાતના શીતળ પવનથી સ્વસ્થ થતાં તે જાગ્યો તો પોતાની જાતને જમીન ઉપર પડેલી જોઈ. ત્યાંથી ઊઠીને તે વિચાર કરવા લાગ્યો. ‘અહો! ગણિકાનું હૃદય ક્ષણમાત્ર માટે જ રમણીય હોઈ છેવટે તો વિષના જેવું પરિણામ આપનારું છે. એ પ્રીતિ, એ મધુરતા, એ શુશ્રૂષા, એ પ્રણયસેવા — બધું જ માત્ર કપટ હતું. ખરેખર વેશ્યા સ્ત્રીઓનો કુલક્રમાગત ધર્મ છે કે ઘડીકમાં પુરુષને ઊજળો બનાવીને બીજી ઘડીએ જ તેના ઉપર મેશનો કૂચડો તેઓ ફેરવે છે. ઝેરી સાપ, જંગલી વાઘ, મૃત્યુ, અગ્નિ અને વેશ્યા એટલાંઓને કોઈ પણ શું પ્રિય હોઈ શકે ખરું? અર્થલુબ્ધ આ વેશ્યાઓ મેશના લેપવાળા ચીકણા ઘડાની સાથે પણ રમણ કરે છે, પરન્તુ શ્રીવત્સના લાંછનથી અંકિત એવા વિષ્ણુને પણ મફત ઇચ્છતી નથી. પૈસાને માટે જેઓ શત્રુઓને પણ પોતાનું મુખ ચુંબન માટે સમર્પે છે અને આ રીતે જેમને પોતાનો આત્મા જ દ્વેષ્ય છે એવી વેશ્યાઓને બીજો કોણ વહાલો હોય?’ આ રીતે વિચારીને તે ત્યાંથી જવા માટે ચાલ્યો. પહેલાં જોયેલા માર્ગથી જેમ તેમ કરીને પોતાને ઘેર ઘણી વારે પહોંચ્યો. ત્યાં પણ અજાણપણાને લીધે દ્વાર ઉપરના પુરુષને પૂછવા લાગ્યો કે, ‘ભાઈ! આ કોનું ઘર છે?’ પેલાએ પૂછ્યું, ‘તું કોનું માને છે?’ ધમ્મિલ્લે જવાબ આપ્યો કે, ‘ધમ્મિલ્લનું.’ ત્યારે પેલાએ કહ્યું, ગણિકાના ઘેર વસતા અને કામી એવા સાર્થવાહપુત્ર ધમ્મિલ્લનાં માતાપિતા શોકથી મરણ પામ્યાં અને તેમનું ધન પણ નાશ પામી ગયું.’ તેનું આ વચન સાંભળીને, વજ્રના પ્રહારથી પર્વતના શિખર ઉપરનું વૃક્ષ પડી જાય તેમ, ધમ્મિલ્લ ધબ દઈને જમીન ઉપર પડી ગયો. મૂર્ચ્છા વળતાં ઊઠીને વિચાર કરવા લાગ્યો, ‘પિતા અને માતાના વિયોગથી દુઃખી તથા વૈભવથી રહિત એવા મને જીવવાની શી આશા છે?’ આમ હૃદયથી નક્કી કરીને તે નગરમાંથી નીકળ્યો. જેણે આત્મઘાત કરવાનો નિશ્ચય કર્યો છે એવો તે ધમ્મિલ્લ મરવાની ઇચ્છાથી અનેક પ્રકારનાં વૃક્ષ, લતા, ગુચ્છ અને ગુલ્મથી ગહન, અનેક પક્ષીઓ વડે શબ્દાયમાન તથા જેની આસપાસની ભીંતો જીર્ણશીર્ણ થઈને પડી ગઈ હતી એવા એક જીર્ણ ઉદ્યાનમાં પેઠો. ત્યાં અળસીના ફૂલ જેવી કાળી તીક્ષ્ણ તલવાર વડે પોતાનો ઘાત કરવા માંડ્યો. એ વખતે તેનું એ આયુધ દેવતાવિશેષે હાથમાંથી જમીન ઉપર પાડી નાખ્યું. ‘શસ્ત્રથી મારું મરણ નથી’ એમ વિચારીને ઘણાં લાકડાં ભેગાં કરીને તેણે અગ્નિપ્રવેશ કર્યો, પરન્તુ અગ્નિ પણ મોટી નદીના ધરાની જેમ શીતલ થઈ ગયો. ત્યાં પણ તે ન મર્યો. પછી તેણે વિષ ખાધું. તે પણ, અગ્નિ જેમ સૂકા ઘાસની ગંજી બાળી નાખે તેમ, તેના જઠરાગ્નિએ બાળી નાખ્યું. વળી તે ધમ્મિલ્લ વિચાર કરવા લાગ્યો, ‘શસ્ત્ર, અગ્નિ કે વિષભક્ષણથી મારું મરણ નથી, માટે ઝાડ ઉપર ચડી જઉં.’ પછી તેણે ઝાડ ઉપરથી ભૂસ્કો માર્યો, પણ રૂના ઢગલા ઉપર પડ્યો હોય તેમ બેસી ગયો. પછી જેનું રૂપ દેખાતું નહોતું એવા કોઈએ એને આકાશવાણીથી કહ્યું, ‘અરે! સાહસ ન કર, સાહસ ન કર!’ આ સાંભળી દીર્ઘ નિઃશ્વાસ મૂકીને ‘અહીં પણ મારું મરણ નથી’ એમ ચિન્તા અને અફસોસ કરતો ત્યાં બેસી રહ્યો. ધમ્મિલ્લની આ દશા થઈ.

વસન્તતિલકાની પ્રતિજ્ઞા

બીજી બાજુ, પ્રભાતકાળે પ્રકાશમાન સૂર્ય ઉદય પામતાં જેનો મદ દૂર થયો છે એવી વસન્તતિલકા માતાને પૂછવા લાગી કે, ‘હે માતા! ધમ્મિલ્લ ક્યાં ગયો?’ ત્યારે તેણે જવાબ આપ્યો કે, ‘એવા પુરાણા ધૂર્તોનાં હૃદયને કોણ પહોંચી શકે? હે પુત્રી! તે ક્યાં ગયો છે એ હું જાણતી નથી.’ તેના જવાબ ઉપરથી વસન્તતિલકાએ જાણ્યું કે, ‘નક્કી, આ માટે જ આવો અપૂર્વ ઉત્સવ કર્યો હોવો જોઈએ. જરૂર, આમાં મારી માતાનો જ દોષ છે.’ આમ વિચારીને શોકાતુર થયેલી તે વસન્તતિલકાએ પ્રતિજ્ઞા કરી કે - ‘અત્યંત સાચી પ્રતિજ્ઞાપૂર્વક મેં આ વેણી બાંધી છે. કાં તો તે મારો પ્રિયતમ છોડશે અથવા મારા ઉપર આવતું મૃત્યુ છોડશે.’ આ પ્રમાણે કહીને જેણે ગંધ, પુષ્પ અને અલંકારોનો ત્યાગ કર્યો છે એવી તે વસન્તતિલકા માત્ર શરીરને ટકાવી રાખવા માટે કેવળ શુદ્ધોદકથી સ્નાન કરતી દિવસો ગાળવા લાગી.

ધમ્મિલ્લનો અગડદત્ત મુનિ સાથે સમાગમ

બીજી બાજુ, ધમ્મિલ્લ પણ (બેઠો હતો) ત્યાંથી ઊઠીને તે જીર્ણોદ્યાનમાં ફરવા માંડ્યો. ત્યાં તેણે વિપુલ પાંદડાંવાળા, વિશાળ, ગંભીર, નવી કૂંપળો તથા પલ્લવોવાળા, અત્યંત ઘટાદાર, ફૂલના ભારથી નમેલા, જેનો શિખરપ્રદેશ ભ્રમરોના ગુંજારવથી શબ્દાયમાન હતો એવા, તથા જેના પલ્લવરૂપી હાથ પવનથી કંપતા હતા એવા સુંદર અશોક વૃક્ષની નીચે બેઠેલા, જિનશાસનના સારરૂપ પરમ સત્ય જેણે જાણ્યું છે એવા, અનેક ગુણોવાળા, આનંદયુક્ત અને સાધુઓમાં ગંધહસ્તી સમાન શ્રેષ્ઠ એવા એક સાધુને જોયા. પૂર્વાભાષી એ સાધુએ મૃદુ અને મધુર વાણીથી ધમ્મિલ્લને કહ્યું, ‘ધમ્મિલ્લ! અજ્ઞાની માણસની જેમ સાહસ શા માટે કરે છે?’ દેવેન્દ્રો વડે વંદાયેલા, તપ અને ગુણોના ભંડારરૂપ સાધુને પ્રણામ કરી ધમ્મિલ્લ કહેવા લાગ્યો કે, ‘હે ભગવન્! પૂર્વે ધર્મ નહીં કર્યો હોવાને કારણે હું દુઃખી છું.’ સાધુએ પૂછ્યું, ‘તારે શું દુઃખ છે?’ ધમ્મિલ્લે જવાબ આપ્યો, ‘જે પોતે દુઃખ પામ્યો નથી, જે દુઃખનો નિગ્રહ કરવામાં સમર્થ નથી અને જે બીજાના દુઃખે દુઃખી નથી તેને દુઃખ ન કહેવું જોઈએ.’ ત્યારે સાધુએ કહ્યું, ‘હું પોતે દુઃખ પામેલો છું, દુઃખનો નિગ્રહ કરવાને સમર્થ છું અને (અત્યારે તારી સ્થિતિ જોઈને) દુઃખી થાઉં છું, માટે તારું દુઃખ મને કહે.’ ધમ્મિલ્લે પૂછ્યું, ‘ભગવન્! શું તમને મારા કરતાં પણ વધારે દુઃખ પડ્યું છે?’ સાધુએ કહ્યું, ‘હા.’ પછી ધમ્મિલ્લે પોતાની યથાવીતી કહી સંભળાવી. એટલે સાધુએ કહ્યું, ‘ધમ્મિલ્લ! ધ્યાનપૂર્વક સાંભળ. મેં જે સુખદુઃખ અનુભવ્યાં તે તને કહું છું.’

અગડદત્ત મુનિની આત્મકથા

‘આનંદ પામેલા લોકો જ્યાં સર્વ પ્રકારનાં સારભૂત ધાન્યો પકવે છે તેવો તથા વિદ્યા વડે જેની વિજ્ઞાન — જ્ઞાનવિષયક બુદ્ધિ કેળવાયેલી છે એવો અવન્તિ નામે જનપદ છે. ત્યાં અમરાવતીના જેવી લીલાયુક્ત ઉજ્જયિની નામે નગરી છે. એ જનપદમાં પ્રજાના પાલનમાં સમર્થ, જેનો કોશ અને કોઠારનો વૈભવ સંપૂર્ણ છે એવો, પુષ્કળ સેના અને વાહનવાળો તથા મંત્રીઓ અને સેવકવર્ગ જેમાં અનુરક્ત છે એવો જિતશત્રુ નામે રાજા છે. બાણ, અસ્ત્ર, શસ્ત્ર, રથયુદ્ધ અને કુસ્તીમાં તથા ઘોડાઓને કેળવવામાં કુશળ એવો તેનો અમોઘરથ નામે સારથિ હતો. અમોઘરથની કુલ અને રૂપમાં યોગ્ય એવી યશોમતી નામે પત્ની છે. તેમનો પુત્ર હું અગડદત્ત નામે છું. મારા દૈવયોગે અને દુઃખની ગુરુતાથી મારા પિતા હું બાળક હતો ત્યારે જ મરણ પામ્યા. પતિના મરણથી દુઃખ પામેલી અને શોક કરતી એવી મારી માતા શુષ્ક કોટરવાળું વૃક્ષ જેમ દાવાનળથી સળગે તેમ મનમાં જ દાઝવા માંડી. એને એ પ્રમાણે દુઃખી થતી, શરીરમાં સુકાતી તથા વારંવાર રોતી જોઈને હું પૂછવા લાગ્યો, ‘માતા! તું કેમ રડે છે?’ પછી મેં ઘણો આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું, ‘પેલો અમોઘપ્રહારી સારથિ છે. તારા પિતા મરણ પામ્યા એટલે તેમનાં પદ અને વૈભવ એ અમોઘપ્રહારીને મળ્યાં. જો તારા પિતા આજે જીવતા હોત અથવા તું બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ હોત તો આવો વૈભવ તેને મળત નહીં; અથવા શૃંગાટક (ત્રિકોણ માર્ગ), ત્રિક (જ્યાં રસ્તા ભેગા થતા હોય એવી જગા), ચોક, ચાચર અને શેરીઓમાં આવી રીતે ગેલ કરતો તું ફરતો ન હોત. આ પ્રત્યક્ષ દુઃખ જોઈને તારા પિતાનું મૃત્યુ યાદ કરતી એવી હું મનમાં ને મનમાં બળ્યાં કરું છું.’ મેં માતાને પૂછ્યું, ‘માતા! બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યામાં કુશળ એવો આપણો કોઈ મિત્ર છે?’ એટલે તેણે જવાબ આપ્યો, ‘કૌશાંબીમાં તારા પિતાનો પરમ મિત્ર અને સહાધ્યાયી દૃઢપ્રહારી નામે છે. તેને એકને જ હું તો જાણું છું.’ મેં કહ્યું, ‘માતા! હું દૃઢપ્રહારી રથિક પાસે કૌશાંબી જાઉં છું; બાણ, અસ્ત્ર અને શસ્ત્રવિદ્યાનો અભ્યાસ કરીને ત્યાંથી આવીશ.’ પછી માતાએ ઘણા ઉમંગથી મને જવાની રજા આપી. પછી હું ત્યાંથી નીકળ્યો અને કૌશાંબી ગયો. ત્યાં બાણ, અસ્ત્ર, શસ્ત્ર, તથા રથચર્યાના શિક્ષણમાં એવા આચાર્ય તરીકે દૃઢપ્રહારી પાસે જઈને વિનયપૂર્વક તેને પ્રણામ કર્યા. તેણે મને પૂછ્યું, ‘પુત્ર! ક્યાંથી આવ્યો છે?’ એટલે મેં મારા પિતાના ઘરની સર્વ હકીકત, પિતાનું નામ અને મારું આગમન એ બધું કહ્યું. પછી તેણે પિતા જેમ પુત્રને આશ્વાસન આપે તેમ મને આશ્વાસન આપ્યું, અને કહ્યું, ‘વત્સ! હું મારી બધી વિદ્યા તને બરાબર શીખવીશ.’ મેં પણ કહ્યું, ‘હું ધન્ય છું, કે આપે મારા ઉપર અનુગ્રહ કર્યો.’ તેણે મને થોડીક ધીરજ રાખવાનું કીધું. પછી સારાં તિથિ, કરણ, નક્ષત્ર અને દિવસના મુહૂર્તે શુકન-કૌતુકપૂર્વક મેં બાણ અને શસ્ત્રવિદ્યા શીખવાનો આરંભ કર્યો. શલાકા કાઢી, પાંચ પ્રકારની મુષ્ટિ શીખ્યો,૧ પુનાંગને જીત્યો, મુષ્ટિબંધ શીખ્યો, લક્ષ્યવેધી અને દૃઢપ્રહાર કરવાની શક્તિવાળો બન્યો; છૂટાં ફેંકવાનાં અને યંત્રમાંથી ફેંકવાનાં એમ બે પ્રકારનાં બાણ અને અસ્ત્રમાં નિષ્ણાત થયો તથા અન્ય પ્રકારનાં તરુપતન,૨ છેદ્ય, ભેદ્ય તથા યંત્રવિધાનોનો અને મને ઉપદેશવામાં આવેલી શસ્ત્રવિધિઓનો પારગામી થયો.

અગડદત્તનો શ્યામદત્તા સાથે પરિચય

પછી એક વાર હું મારા ગુરુના ઘરની વૃક્ષવાટિકામાં જઈને અભ્યાસ કરવા લાગ્યો. મારા ગુરુના ઘરના પડોશના ઘરમાં રહેતી એક સુન્દર તરુણી મને દરરોજ ફળ તથા પાંદડાં, પુષ્પ અને પુષ્પની માળાઓ વડે તથા ઢેફાંઓ વડે પ્રહાર કરતી હતી. પરન્તુ હું ગુરુના ભયને લીધે તથા વિદ્યાભ્યાસના લોભને લીધે, ઇચ્છા હોવા છતાં, તેના પ્રત્યે અનુરાગ દર્શાવતો નહોતો. આમ કેટલાક દિવસો વીતી ગયા બાદ એક વાર હું અભ્યાસ કરતો હતો ત્યારે એ જ વૃક્ષવાટિકામાં લાંબાં અને લટકતાં લીલાં અને રાતાં પલ્લવોવાળા, કુસુમના ભારથી જેની આગલી ડાળીઓ નમેલી હતી એવા, ભ્રમર અને મધમાખોના સમૂહના મધુર ગુંજારવથી જેનાં કોટરો શબ્દાયમાન હતાં એવા રક્ત અશોક વૃક્ષની નીચે ડાબા હાથ વડે એક શાખાનું અવલંબન કરીને અને એક સહેજ ઊંચો કરેલો પગ વૃક્ષના થડ ઉપર મૂકીને ઊભેલી તથા સારભૂત નવયૌવનમાં રહેલી તે તરુણીને મેં જોઈ. નવા શિરીષના સુંદર પુષ્પ સમાન રંગવાળા અને સોનાના કૂર્મ જેવા ઘાટીલા પગવાળી, અત્યંત વિભ્રમ (વિલાસ)થી ચકિત કરે એવાં અને કેળના સ્તંભ જેવાં ઊરુયુગલવાળી, મોટી નદીના પુલિનના સ્પર્શ જેવી સુંવાળી જંઘાવાળી, ફાડેલા રક્તાંશુકના મધ્યભાગની લાલિમા જેવું અત્યંત લાલ વસ્ત્ર જેણે પહેર્યું છે એવી, હંસોના સમૂહ જેવો શબ્દ કરતી કટિમેખલાવાળી, ઇષત્ રોમરાજિવાળી, કામ અને રતિના જેવાં (અથવા કામવાસનાની વૃદ્ધિ કરનારાં), ઉરતટની શોભા વધારનારાં, પરસ્પર સંઘર્ષ થવા છતાં સજ્જનની મૈત્રીની જેમ વૃદ્ધિ પામતાં તથા જેમની વચ્ચે અંતર નથી એવાં સ્તનોવાળી તથા રોમયુક્ત બાહુલતાવાળી, રાતી હથેળીવાળા, કોમળ, જેમાં ઘણી રેખાઓ નથી એવા, ક્રમપૂર્વક ગોળ તથા ઘાટીલી આંગળીઓ તથા લાલ નખ વડે યુક્ત એવા અગ્રહસ્તવાળી, ઘણા લાંબા નહીં એવા લાલ હોઠવાળી, ક્રમયુક્ત, શુદ્ધ અને સુંદર દંતપંક્તિવાળી, રક્ત કમળના પત્ર જેવી જીભવાળી, ઉત્તમ અને ઉન્નત નાસિકાવાળી, પોશમાં સમાય એવી, લાંબી, નીલ કમળના પત્ર જેવી આંખોવાળી, સંગત ભ્રૂકુટિવાળી, પાંચમના ચંદ્ર સમાન લલાટપટ્ટવાળી તથા કાજળ અને ભ્રમરોના સમૂહ જેવા કાળા, મૃદુ, વિશદ અને જેમાંથી સુગંધ નીકળે છે એવાં સર્વ કુસુમો વડે સુવાસિત અને શોભતા કેશપાશવાળી, સર્વે અંગ-ઉપાંગોમાં પ્રશસ્ત અને અવિતૃષ્ણ રીતે દર્શન કરવા લાયક તે સુંદરીને મેં જોઈ. મેં વિચાર કર્યો કે, ‘શું આ કોઈ આ ભવનની દેવતા હશે? કે માનવ સ્ત્રી હશે?’ પછી મેં ધ્યાનપૂર્વક જોયું કે એનાં નયન નિમેષોન્મેષ કરે છે, અને એથી જાણ્યું કે આ દેવતા નથી, પણ માનવી છે. પછી મેં એને પૂછ્યું કે, ‘ભદ્રે! તું કોણ છે? કોની છે? અને ક્યાંથી આવે છે?’ ત્યારે તેણે સ્મિતહાસ્ય વડે રૂપસુંદર અને શુદ્ધ દંતપંક્તિ બતાવતાં અને ડાબા પગના અંગૂઠાથી ભૂમિ ખોતરતાં જવાબ આપ્યો કે, ‘આર્યપુત્ર! આ પાડોશના ભવનના ગૃહપતિ યક્ષદત્તની પુત્રી હું શ્યામદત્તા નામે છું. ઘણા સમયથી મેં તમને અભ્યાસ કરતા જોયા છે, અને જોતાં વેંત તમે મારા હૃદયમાં પ્રવેશ કર્યો છે. કામદેવના શરપ્રહારથી દુઃખ પામતા હૃદયવાળી અશરણ એવી હું તે સમયથી માંડીને શાન્તિ નહીં પામતી તમારે શરણે આવી છું. મારા સમાગમની તમે અવજ્ઞા ન કરશો. તમારા વડે અવજ્ઞા પામતાં તમારા વિરહથી દુઃખી થઈને હું ક્ષણમાત્ર પણ જીવી શકીશ નહીં.’ આમ કહીને તે મારે પગે પડી. મેં તેને ઉઠાડીને કહ્યું, ‘સુતનુ! એમ કરવામાં અવિનય અને અપયશ બન્ને થાય તેમ છે. ગુરુના ઘેર રહીને વિનયનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.’ એટલે એણે મને ફરીથી કહ્યું, ‘ભર્તૃદારક! જે સ્ત્રી અથવા પુરુષ કુળમાં અથવા શીલમાં કલંક ન આવે તેવી રીતે વર્તે છે તે કામી ગણાતાં નથી.’ મેં કહ્યું, ‘ભલે, પણ મારા શરીરના અને જીવનના સોગન આપીને કહું છું કે થોડા દિવસ રાહ જો. ત્યાં સુધીમાં ઉજ્જયિની પાછા જવાનો ઉપાય હું વિચારી રાખીશ.’ આ પ્રમાણે ઘણા સોગન આપીને તેને સમજાવી, એટલે તે પોતાને ઘેર ગઈ. કામદેવ વડે શોસાતા શરીરવાળો હું પણ તેના એ રૂપના અતિશયને હૃદયમાં ધારણ કરતો, મનમાં તેનું જ ચિંતન કરતો અને તેના સમાગમના ઉપાય વિચારતો જેમ તેમ કરીને દિવસો ગાળવા લાગ્યો, તથા ગુરુની લજ્જાથી મારા અનાચારને છુપાવતો રહેવા લાગ્યો. પછી જેની વિદ્યા સિદ્ધ થઈ છે એવો હું એક વાર ગુરુની અનુજ્ઞા લઈને મારી કુશળતા બતાવવા માટે રાજદરબારમાં ગયો. ત્યાં મેં તલવાર અને ઢાલનું ગ્રહણ, હાથીને ખેલાવવા, ભ્રમંત ચક્ર, ગત્યંતર ગત૧ ઇત્યાદિ બધી વિદ્યા યોગ્ય રીતે બતાવી. બધા પ્રેક્ષકોનું વિસ્મયથી હૃદય હરાઈ ગયું, અને મારા શિક્ષાગુણોની તથા મારા ગુરુની તેઓ પ્રશંસા કરવા લાગ્યા. પરન્તુ રાજા તો ‘આમાં કંઈ આશ્ચર્ય નથી’ એમ કહીને જરાય વિસ્મય પામ્યો નહીં, પણ તેણે મને કહ્યું, ‘બોલ, તને શું આપું?’ મેં તેને વિનંતી કરી, ‘સ્વામી! આપ મને શાબાશી આપતા નથી, પછી બીજા દાનનું મારે શું કામ છે?’ ત્યારે એ રાજા કહેવા લાગ્યો કે, ‘તારી શિક્ષા-વિદ્યામાં શું છે? મારી શિક્ષા તું ધ્યાનપૂર્વક સાંભળ. આ જ નગરમાં સિંહલીનો પુત્ર નંદન (અથવા આનંદ) નામે હતો.’ આમ કહીને તે પોતાનો પૂર્વભવ કહેવા લાગ્યો, ‘સાંભળ, દેવાનુપ્રિય!’

જિતશત્રુ રાજાનો પૂર્વભવ

આ જ કૌશાંબી નગરીમાં હરિસેન નામે રાજા હતો. તેને ધારિણી નામે પટરાણી હતી. સુબુદ્ધિ નામનો તેનો અમાત્ય હતો. એ અમાત્યની પત્નીનું નામ સિંહલી હતું. એનો હું આનંદ નામે પુત્ર હતો. અશુભ કર્મના ઉદયથી મને કોઢ થયો. એ રોગથી પીડા પામતો તથા મારી જાતની નિંદા કરતો હું જીવન ગાળવા લાગ્યો. પછી એક વાર યવન દેશના અધિપતિએ મોકલેલો દૂત આ નગરમાં આવ્યો. રાજકુલમાં આવતાં દૂતને યોગ્ય એવા ભારે સત્કારથી તેનું સ્વાગત કરવામાં આવ્યું. એક વાર મારા પિતાએ પણ પોતાને ઘેર લઈ જઈને તેનો નામ અને વૈભવને યોગ્ય સત્કાર કર્યો. રાજા, દેશ અને કુળના સમાચાર વિષે વાતચીત કરતા તેઓ બેઠા. એવામાં હું મારા ઘરમાં પ્રવેશ્યો તે તેણે જોયો, અને મારા પિતાને પૂછ્યું, ‘આ કોનો પુત્ર છે?’ પિતાએ જવાબ આપ્યો કે, ‘મારો છે.’ દૂતે પૂછ્યું કે, ‘તો શું આ દેશમાં એના રોગ માટે ઔષધિ નથી કે વૈદ્યો નથી?’ પિતાએ કહ્યું, ‘આ દેશમાં ઔષધિઓ પણ છે અને વૈદ્યો પણ છે, પરંતુ એના મંદભાગ્યને લીધે કોઈ ઔષધ લાગુ પડતું નથી અને રોગનું શમન થતું નથી.’ ‘તો જેને નવું યૌવન આવ્યું હોય એવા વછેરાના રુધિરમાં એને એક મુહૂર્ત બેસાડો’ એમ કહીને તે દૂત ગયો. મારા પિતાએ પુત્રસ્નેહથી રાજકુલનો એક અશ્વ મારીને દૂતે જેમ કહ્યું તેમ કર્યું. પછી રાજાએ સાંભળ્યું કે ‘સુબુદ્ધિ અમાત્યે અશ્વ માર્યો છે.’ એટલે રોષે ભરાયેલા રાજાએ અમારા આખા ઘરને મૃત્યુદંડ ફરમાવ્યો. આ સાંભળીને ખાઈમાં ઊતરીને નાસતો નાસતો હું કલાલોના વાસમાં પહોંચ્યો. તે કલાલવાસના મુખીએ મને જોયો, અને પૂછ્યું, ‘તું કોણ છે? ક્યાં જાય છે? અને કોનો પુત્ર છે?’ એટલે મેં બની હતી તે બધી હકીકત કહી. તે અનુકંપાથી મને પોતાને ઘેર લઈ ગયો અને ત્યાં મને રાખ્યો. પિતા, માતા, સ્વજન અને પરિજનના વિયોગથી પરિતાપ પામતો હું ત્યાં રહેવા લાગ્યો. એક વાર ઇર્યાસમિતિ અને ભાષાસમિતિવાળા, આ લોક તથા પરલોકના વિષયમાં નિરપેક્ષ તથા પ્રાસુક ભિક્ષાને ઇચ્છતા શ્રમણો તે ઘરમાં પ્રવેશ્યા. ઘરસ્વામીએ તેમને પ્રણામ કર્યાં. મેં પણ તેમને વંદન કર્યાં, અને ધર્મ પૂછ્યો. અહિંસાપ્રધાન ધર્મ તેમણે કહ્યો. જિનેશ્વરોનું વચન મેં જાણ્યું. મેં તેમની પાસેથી શિક્ષાવ્રતો અને અણુવ્રતો ગ્રહણ કર્યાં. અણુવ્રતો તથા શિક્ષાવ્રતો ગ્રહણ કરીને કાળધર્મ પામેલો હું આ જ નગરમાં જિતશત્રુ રાજા થયો. આ જન્મમાં સાધુઓને જોઈને મને જાતિસ્મરણ થયું. પૂર્વજન્મમાં આટલી શિક્ષા વિદ્યાથી મને આ જન્મમાં રાજ્યશ્રી મળી. (પછી તારી અલ્પ ફળવાળી શિક્ષાથી મને આશ્ચર્ય શી રીતે થાય?) એ સમયે નગર અને જનપદના માણસોએ રાજાને વિનંતી કરી કે, ‘દેવાનુપ્રિયના નગરમાં અપૂર્વ ખાતર પડે છે, કોઈ દ્રવ્યની ચોરી કરે છે, માટે હે દેવાનુપ્રિય! આપ નગરનું સંરક્ષણ કરો.’ એટલે રાજાએ નગરરક્ષકને આજ્ઞા આપી, ‘સાત રાત્રિની અંદર ચોર પકડાય તેમ કરો.’ ‘આ મારા ગમનનો અવસર છે’ એમ વિચારીને ફરી વાર રાજાને પગે પડીને મેં વિનંતી કરી કે, ‘જો દેવાનુપ્રિય આજ્ઞા આપે અને કૃપા કરે તો હું આપની કૃપાથી સાત રાત્રિની અંદર ચોરને આપના ચરણમાં હાજર કરું.’ મારું આ વચન રાજાએ સ્વીકાર્યું, અને કહ્યું, ‘ભલે એમ કર.’

અગડદત્તે ચોરને માર્યો

આ પછી હર્ષ પામેલો હું રાજાના ચરણમાં પ્રણામ કરીને રાજકુલમાંથી નીકળ્યો. શાસ્ત્રોમાં મળતા નિર્દેશો ઉપરથી મેં જાણ્યું હતું કે દુષ્ટ પુરુષો અને ચોરો ઘણું કરીને પાનાગાર (મદ્યની દુકાન), દ્યૂતશાલા, કંદોઈની દુકાન, પાંડુ વસ્ત્ર પહેરનાર પરિવ્રાજકોના મઠ (અથવા નપુંસકોનાં નિવાસસ્થાનો તથા પરિવ્રાજકોના મઠો), રક્તાંબર ભિક્ષુઓના કોઠાઓ, દાસીગૃહો, આરામ, ઉદ્યાન, સભા અને પ્રપાઓમાં તથા શૂન્ય દેવકુલો અને વિહારોમાં આશ્રય કરીને રહે છે. વિવિધ કલાઓમાં કુશળ એવા તે ચોરો ત્યાં ઉન્મત્ત પરિવ્રાજકોનાં વિવિધ પ્રકારનાં લિંગ(ચિહ્ન) અને વેશ ધારણ કરીને અથવા બ્રાહ્મણનું રૂપ લઈને વિકૃત અને બેડોળ આકૃતિ ધરી ભમે છે. એટલે એવાં સ્થાનોની હું મારા ચાર પુરુષો — જાસૂસો દ્વારા તપાસ રખાવવા માંડ્યો. એક વાર ઉપાય કરવામાં કુશળ એવો હું તપાસ કરાવીને નીકળ્યો. જેણે જીર્ણ અને મેલાં વસ્ત્રો પહેર્યાં છે એવો હું એકલો જ દોડીને નવાં હરિયાળાં પલ્લવવાળા તથા ઘણી શાખાઓ વડે શીતલ એક આંબાના ઝાડ નીચે બેઠો અને ચોરને પકડવાનો ઉપાય વિચારવા માંડ્યો. તે જ વખતે ગેરુ વડે રાતાં રંગેલાં વસ્ત્ર ધારણ કરેલો, એક કપડાનું જેણે ઉત્તરાસંગ કરેલ છે એવો, સાંખ્યવાદીઓની જેમ કપડાના ટુકડાથી જેણે કેડ બાંધી છે એવો, જેણે ડાબા ખભા આગળ ત્રિદંડ તથા કમંડળ રાખેલ છે એવો, માળાના મણકા ગણવામાં વ્યાપૃત હાથવાળો, તાજાં ઓળેલાં વાળ અને દાઢીવાળો અને મોઢેથી કંઈક ગણગણાટ કરતો એક પરિવ્રાજક તે જ આંબાની છાયામાં આવ્યો. એકાન્ત જગાએ ત્રિદંડને રાખીને એક પલ્લવશાખા પકડીને તે બેઠો. દીર્ઘ અને ઊંચા નાકવાળા, જાડી નસો વડે વીંટાયેલા પગવાળા અને સ્નાયુબદ્ધ પિંડીઓ અને લાંબી જંઘાઓવાળા તેને મેં જોયો અને જોઈને મારા હૃદયમાં શંકા થઈ કે, ‘નક્કી ચોરનું પાપકર્મ સૂચવનારાં આ ચિહ્નો જણાય છે, તો નક્કી આ પાપકારી ચોર હશે.’ તેણે મને કહ્યું, ‘વત્સ! અધૈર્ય વડે સંતપ્ત એવો તું કોણ છે? શા માટે ફરે છે? ક્યાંનો રહેવાસી છે અને ક્યાં જાય છે?’ પછી તેના હૃદયનું હરણ કરવામાં ચતુર એવા મેં કહ્યું, ‘ભગવાન્! હું ઉજ્જયિનીનો વતની છું, અને વૈભવ ક્ષીણ થતાં આમતેમ રખડું છું.’ બીજાઓને ભોળવનારા તેણે કહ્યું, ‘પુત્ર! તું ડરીશ નહીં. હું તને વિપુલ ધન અપાવીશ.’ મેં કહ્યું, ‘ભગવન્! મારા પિતા સમાન આપે મારા ઉપર અનુગ્રહ કર્યો.’ આમ અમારો પરસ્પર વાર્તાલાપ થતો હતો ત્યાં લોકસાક્ષી સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા પણ વીતી ગઈ. પછી તે પરિવ્રાજકે ત્રિદંડમાંથી શસ્ત્ર કાઢીને કેડ બાંધી. ઊઠીને મને તે કહેવા લાગ્યો, ‘અરે! ચાલ, નગરમાં જઈએ.’ એટલે શંકાયુક્ત એવો હું પણ યુક્તિપૂર્વક તેની પાછળ પાછળ જવા લાગ્યો. મેં ધાર્યું કે, ‘નગરમાં ખાતર પાડનાર ચોર તે નક્કી આ જ હશે.’ પછી અમે નગરમાં પેઠા. ત્યાં ઊંચી નજર કરીએ ત્યારે જોઈ શકાય એવું તથા પુણ્યવિશેષની શ્રીને સૂચવનારું કોઈનું ભવન હતું. જેના મુખમાં આરા છે એવા હથિયાર વડે એ મકાનમાં સહેલાઈથી ખોદી શકાય એવા ભાગમાં તેણે ખોદવા માંડ્યું. શ્રીવત્સના આકારનું ખાતર પાડીને જેણે મારી શંકાને પ્રબળ કરી છે એવો તે અંદર પેઠો. અનેક પ્રકારનો માલ ભરેલી પેટીઓ તેણે અંદરથી આણી; અને મને તે સોંપીને ત્યાંથી ગયો. એટલે મેં વિચાર્યું કે ‘રખે ને આ મારો જ વિનાશ કરે, માટે આનો ઠેઠ સુધી પીછો પકડવો જોઈએ.’ એટલામાં તે યક્ષના દેવળમાંથી પોતાના સાથીદાર દરિદ્ર પુરુષોને લઈને આવ્યો. પેલી પેટીઓ એ પુરુષો પાસે તેણે ઉપડાવી, અને અમે નગરની બહાર નીકળ્યા. પછી એ ચોરે મને કહ્યું, ‘પુત્ર! આ જીર્ણોદ્યાનમાં થોડીવાર ઊંઘી લઈએ; જ્યારે રાત ગળશે ત્યારે અહીંથી જઈશું.’ મેં કહ્યું, ‘ભલે એમ કરીએ.’ પછી અમે જીર્ણોદ્યાનમાં એક બાજુએ ગયા. ત્યાં પેલા પુરુષોએ પેટીઓ મૂકી અને તેઓ ઊંઘી ગયા. પણ પેલો ચોર અને હું તો પથારી પાથરીને ખોટું ખોટું ઊંઘવાનો ડોળ કરતા જાગતા જ રહ્યા. પછી હું ત્યાંથી સ્વૈરપણે ઊઠીને વૃક્ષોની પાછળ છુપાઈ ગયો. દયાહીન હૃદયવાળા અને છૂપો ઘા કરનારા પેલા ચોરે પેલા પુરુષોને ઊંઘી ગયેલા જાણીને તેમને મારી નાખ્યા. પછી તે મારી જગાએ આવ્યો પણ રક્તચ્છદ લતાઓની બનાવેલી મારી પથારીમાં મને નહીં જોતાં તે મારી શોધ કરવા માંડ્યો. એટલામાં વૃક્ષોની ઘટાથી જેનું શરીર ઢંકાયેલું છે એવા મેં દોડીને, તેની નજર ચુકાવીને, મારા ઉપર હુમલો કરવા આવતો હતો ત્યાં જ, તેના ખભા ઉપર તલવારનો પ્રહાર કર્યો. જબ્બર ઘાથી જેનું અર્ધું શરીર કપાઈ ગયું છે એવો તે જમીન ઉપર પડ્યો. મૂર્ચ્છા વળતાં તેણે મને કહ્યું, ‘વત્સ! આ મારી તલવાર છે, તે લઈને તું સ્મશાનના છેવાડાના ભાગમાં જા. ત્યાં જઈને શાન્તિગૃહ (શાન્તિકર્મ કરવાનું સ્થાન)ની ભીંત આગળ અવાજ કરજે. ત્યાં ભોંયરામાં મારી બહેન રહે છે, તેને આ તલવાર આપજે. તે તારી પત્ની થશે અને તું મારા સર્વ દ્રવ્યનો તથા તે ભોંયરાનો સ્વામી થઈશ. ગાઢ પ્રહારને લીધે મારા જીવનની તો હવે આશા નથી.’ પછી હું તલવાર લઈને સ્મશાનની નજદીક આવેલા શાન્તિગૃહ પાસે ગયો. ત્યાં મેં શબ્દ કર્યો, એટલે તે ભવનમાંથી વનદેવતા જેવા દર્શનીય રૂપવાલી ભવનવાસી સુંદરી નીકળી. તેણે મને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવો છો?’ મેં તેને તલવાર આપી. વિષાદયુક્ત વચન અને હૃદયવાળી તથા પોતાનો શોક છુપાવતી તે મને સંભ્રમપૂર્વક શાન્તિગૃહમાં લઈ ગઈ અને આસન આપ્યું. ખૂબ વિશ્વાસ પડ્યો હોય એવું વર્તન બતાવવામાં કુશળ એવો હું શંકાપૂર્વક તેનું ચરિત્ર અવલોકવા માંડ્યો. ક્રૂર હૃદયવાળી તેણે મારા માટે શય્યા તૈયાર કરવા માંડી અને કહ્યું, ‘અહીં આરામ લ્યો.’ પછી નિદ્રા લેવાનો ઢોંગ કરીને હું ત્યાં ગયો. એનું ધ્યાન અન્યત્ર હતું એવે વખતે ત્યાંથી ઊઠી અન્ય સ્થળે જઈ છુપાઈને ઊભો રહ્યો. પછી તે શય્યા ઉપર પહેલાંથી જ તૈયાર કરી રાખેલા યંત્રમાંથી તેણે શિલા પાડી અને પલંગના ચૂરા થઈ ગયા. સંતુષ્ટ થયેલી તે પણ બોલી, ‘હાશ! મારા ભાઈના ઘાતકને મેં માર્યો!’ એટલે દોડીને તેનો ચોટલો પકડીને હું બોલ્યો, ‘દાસી! કહે, કોણ મને મારનાર છે?’ આમ કહેતાં ‘હું તમારી શરણાગત છું’ એમ કહીને તે મારા પગે પડી. સ્ત્રીઓને સ્વાભાવિક એવા ભયથી વિહ્વળ તેને મેં આશ્વાસન આપ્યું કે ‘ડરીશ નહીં.’ પછી તેને લઈને હું દરબારમાં ગયો અને ત્યાં રાજાને બનેલી બધી હકીકત કહી. તે ચોરના મૃત શરીરને પણ રાજાએ મોકલેલા નગરજનોએ જોયું. એની બહેનને રાજકુલમાં દાખલ કરવામાં આવી. લોકોનું ચોરાયેલું દ્રવ્ય તેમને પાછું અપાવવામાં આવ્યું. પછી રાજાએ અને પ્રજાએ મારો સત્કાર કર્યો. આ પ્રમાણે પૂજા-સત્કારથી જેને વૈભવ મળ્યો છે તથા જેને માટે જય શબ્દ થાય છે એવો હું એ નગરમાં રહેવા લાગ્યો.

અગડદત્તનું શ્યામદત્તાની સાથે સ્વદેશગમન

શ્યામદત્તાની અંગસેવિકા તથા દૂતી સંગમિકા નામની યુવાન છોકરી હતી. તે એક વાર મારી પાસે આવીને કહેવા લાગી, ‘આર્યપુત્ર! કામદેવનાં બાણથી જેનું શરીર દુઃખી થયું છે એવી શ્યામદત્તાના શરીરનું નવા સંભોગના શ્રમસલિલથી આપ આશ્વાસન કરો. વધારે શું કહેવું? જેમાં ઇચ્છારૂપી મહાન કલ્લોલ છે અને આશારૂપી અનેક તરંગો છે એવા કામસમુદ્રમાં ડૂબતી તે શ્યામદત્તાને સમાગમ દ્વારા પાર ઉતારનાર વહાણ આપ થાઓ, એ અશરણનું શરણ થાઓ.’ પછી તેના હાથ પકડીને મેં કહ્યું, ‘સુતનુ! હું સ્વદેશ જવાને માટે તૈયાર છું એમ શ્યામદત્તાને કહે.’ પછી તે ગઈ અને શ્યામદત્તા આવી. તેને જોઈને, વર્ષાકાળમાં પ્રફુલ્લિત થયેલા કદંબવૃક્ષની જેમ મારું શરીર અત્યંત રોમાંચિત થયું. એના વિસ્મયકારક રૂપના દર્શનથી મદનશર વડે મારું હૃદય સંતપ્ત થતાં મેં એને ગાઢ આલિંગન આપ્યું. અનંગના શર વડે શોષાયેલા શરીરવાળી તે પણ પાણીના દ્રહની જેમ મારાં અંગ-અંગમાં પ્રવેશી. સૂર્યના તાપથી તપેલી વસુંધરા જેવી તે શ્યામદત્તાને આશ્વાસન આપતાં અને તેનું વિસ્મયજનક રૂપ જોતાં મને તૃપ્તિ ન થઈ. આ પ્રમાણે શ્યામદત્તાને આશ્વાસન આપીને દૃઢ બંધ અને ધરીવાળો, ઉત્તમ લક્ષણયુક્ત ઘોડા જોડેલો, ગમન માટે યોગ્ય, સર્વ સાધનો અને હથિયારોથી સજ્જ એવો તેણે આપેલો રથ લઈને હું આવ્યો. હું અને શ્યામદત્તા રથ ઉપર બેઠાં. પછી મારા બળનો દર્પ નહીં સહન કરી શકતા અને લોકોની કીર્તિમાં છિદ્ર પાડવા ઇચ્છતા મેં મારું નામ પ્રકટ કરીને ઘોેષ કર્યો, ‘હે દેવાનુપ્રિયો! જે નવી માતાનું દૂધ પીવા ઇચ્છતો હોય તે મારી આગળ આવો. આ હું અગડદત્ત શ્યામદત્તાને લઈને જાઉં છું.’ આમ કહીને અનેક પ્રકારનું દ્રવ્યરૂપી ભાથું જેણે લીધું છે એવો હું ઉજ્જયિની તરફ ચાલ્યો. પછી અમે નગરની બહાર નીકળ્યાં. મેં દિશાદેવતાઓને પ્રણામ કર્યાં, ઘોડા હાંક્યા અને ઘોડાઓના વેગ અને રથના હળવાપણાને લીધે અમે દૂર પહોંચી ગયાં. ત્યાં ઘોડાઓને વિશ્રામ આપવા માટે એકાન્તે શીતળ જળાશળની પાસે ઘોડાને છોડ્યા, અને શરીરના પોષણ માટે તથા શ્યામદત્તાનું મન રાખવા માટે મેં થોડું ખાધું. શ્યામદત્તાએ પણ, પોતે બંધુજનોના વિયોગથી દુઃખી હૃદયવાળી હોવા છતાં, મારા પ્રત્યેના અનુરાગથી શોકને છુપાવીને કંઈક આહાર કર્યો. આ પ્રમાણે અમે પ્રવાસ કરવા લાગ્યાં. આમ કરતાં અમે વત્સ જનપદના સરહદના ગામે પહોંચ્યાં. એ ગામની નજદીક જ જળાશયની પાસે ઘોડાઓને બાંધીને ચરાવતાં અમે બેઠાં. એટલામાં ગામની પાસે અમે મોટા જનસમૂહને જોયો. તેમાંથી બે માણસો મારી પાસે આવીને પૂછવા લાગ્યા, ‘ભાઈ, સ્વાગત! તમે ક્યાંથી આવ્યા છો? અને ક્યાં જાઓ છો?’ મેં કહ્યું, ‘કૌશાંબીથી આવું છું અને ઉજ્જયિની જાઉં છું.’ એટલે તેઓ બોલ્યા, ‘તો આપ કૃપા કરો તો આપણે સાથે જ ઉજ્જયિની જઈએ.’ મેં કહ્યું, ‘ચાલો.’ એટલે ફરી પાછા તેઓ બોલ્યા, ‘ભાઈ, સાંભળો; અહીં માર્ગમાં હાથી મારે છે, દૃષ્ટિવિષ સર્પ છે, ભયંકર વાઘ છે અને પોતાના સહાયકો સહિત અર્જુન નામે ચોરસેનાપતિ સાર્થોને લૂંટી લે છે; માટે શી રીતે જવું?’ મેં કહ્યું, ‘હું કહું તેમ ચાલો, મને કોઈ જાતનો ભય નથી.’ મેં આમ જવાબ આપતાં ‘આપની આજ્ઞા યોગ્ય છે’ એમ કહીને તેઓ ગયા. તેમણે પેલા સાર્થના માણસોને બધું કહ્યું. ‘બરાબર છે’ એમ કહીને તેઓ બધા જવાને માટે તૈયાર થયા. એવામાં હાથમાં ત્રિદંડ અને કમંડળ લઈને એક પરિવ્રાજક એ પુરુષો પાસે આવીને કહેવા લાગ્યો, ‘પુત્રો! તમારે ક્યાં જવું છે?’ તેઓએ જવાબ આપ્યો, ‘ઉજ્જયિની.’ એટલે પરિવ્રાજકે કહ્યું, ‘હું પણ તમારી સાથે આવીશ.’ તેઓએ કહ્યું, ‘ભલે, તમારી કૃપા થઈ, ચાલો.’ પછી સાર્થના એક આગેવાન પુરુષને બાજુએ લઈ જઈને તે કહેવા લાગ્યો, ‘પુત્ર! મને એક સાધુએ દેવના ધૂપ માટે પચીસ દીનાર આપ્યા છે,’ એમ કહીને ધૂર્તતાપૂર્વક ખોટા દીનાર તેને બતાવ્યા. એટલે તે સાર્થનો આગેવાન બોલ્યો, ‘ભગવન્! બીશો નહીં. અમારી પાસે ઘણા દીનાર છે. જે અમારું થશે તે તમારું થશે.’ પછી સંતોષ પામેલો તે પરિવ્રાજક તેને આશિષ આપીને મારી પાસે આવ્યો, અને મને બધું કહ્યું. એટલે મેં વિચાર કર્યો કે, ‘આની સાથે જવું ઠીક નથી. નક્કી આ પરિવ્રાજક ચોર છે, માટે યત્નપૂર્વક અને પ્રમાદ કર્યા સિવાય રહેવું જોઈએ.’ આમ વિચાર કરતાં બાકીનો દિવસ મેં ગાળ્યો.

અગડદત્તનો અટવીમાં પ્રવેશ

પછી સૂર્ય અસ્ત પામવાના સમયે ઘોડાઓને પાણી પાઈને મેં રથ જોડ્યો. શ્યામદત્તા પણ શરીરશૌચ આદિ કૃત્ય કરીને રથમાં બેઠી. મેં વેગથી ઘોડા પ્રેર્યા. એ સમયે મેં પણ વનદેવતાને પ્રણામ કર્યા, રથ ઉપર બેઠો, લગામો પકડી, ઘોડાઓ હાંક્યા અને રથ ચાલ્યો. સાર્થના માણસો પણ ઘણું ભાથું લઈને પેલા પરિવ્રાજકની સાથે મારા રથની સાથોસાથ ચાલવા લાગ્યા. એમ કરતાં એ જનપદ વટાવીને અમે અટવીમાં પ્રવેશ્યા અને અલ્પ સુખવાળા પડાવોમાં વસતા આગળ ચાલવા લાગ્યા. અનેક પ્રકારનાં વૃક્ષ અને લત્તાઓથી જેના કિનારાની વનરાજિ ઢંકાયેલી છે એવી એક પહાડી નદી પાસે અમે પહોંચ્યા. રથ સારી રીતે ચાલી શકે એવી ભૂમિ ઉપર મેં રથ છોડ્યો. પેલા સાર્થના માણસોએ પણ પોતપોતાની ઇચ્છાનુસાર વૃક્ષની છાયામાં પડાવ નાખ્યો. પછી પેલો પરિવ્રાજક તેમને કહેવા લાગ્યો, ‘પુત્રો! આજ હું તમારા બધાની પરોણાગત કરું. આ અટવીમાં એક ગોકુલ છે. ત્યાં મેં ઉજ્જયિની આવતાં અને પ્રયાગ જતાં ચાતુર્માસ કર્યો હતો. ત્યાંના ગોવાળિયાઓ મારા પરિચિત છે. ત્યાં હું જાઉં છું, માટે આજે તમારે કોઈએ રસોઈ કરવાની નથી.’ આમ કહીને તે ગયો. પછી મધ્યાહ્નકાળે વિષમિશ્રિત ખીર, દહીં અને દૂધનાં માટલાં ભરીને તે આવ્યો અને સાર્થના માણસોને કહ્યું, ‘પુત્રો! આવો, દેવના પ્રસાદરૂપ આહાર-પાણી વાપરો.’ પછી તે લોકોએ મારી પાસે એક માણસ મોકલ્યો કે, ‘ભાઈ! આવો, તમે પણ ખાઓ.’ મેં કહ્યું કે, ‘મારું માથું દુખે છે. પણ મારું માનો તો તમે પણ આ આહાર ન ખાશો.’ આમ કહીને મેં એને વાર્યો. તેણે જઈને પેલા માણસોને તથા પરિવ્રાજકને કહ્યું. એટલે તે પરિવ્રાજક મારી પાસે આવીને બોલ્યો, ‘દેવાનુપ્રિય! આવો, તમે પણ દેવનું શેષ ખાઓ.’ મેં તેમને કહ્યું, ‘વધારે ખોરાક મારાથી જીરવાય એમ નથી.’ પછી તે પરિવ્રાજક ‘આ તો મહાદુષ્ટ છે’ એમ વિચારીને ગયો; અને સુખપૂર્વક બેઠેલા સાર્થના માણસોને પોતે જાતે જ કેડ બાંધીને પીરસવા લાગ્યો; પેલા લોકો અજ્ઞાનને લીધે વિષમિશ્રિત આહાર શોખથી ખાવા લાગ્યા. એટલામાં સૂર્ય અસ્ત પામ્યો અને પેલા માણસો પણ ઝેર શરીરમાં વ્યાપી જતાં અચેતન થઈને પડ્યા. પરિવ્રાજક પોતાના ત્રિદંડના લાકડામાંથી તલવાર કાઢીને બધાનાં માથાં કાપી નાખી તલવાર સાથે દોડતો મારી પાસે આવ્યો. મારા ખભા ઉપર તેણે તલવારનો ઘા કર્યો તે ઢાલ વડે ચુકાવીને મજબૂત મૂઠવાળા ખડ્ગ વડે મેં તેના ઉપર ઘા કર્યો, જેથી તેના બન્ને સાથળ કપાઈ જતાં તે ધરતી ઉપર પડ્યો. પછી તે બોલ્યો, ‘પુત્ર! હું ધનપૂજક નામનો ચોર છું. આ પહેલાં મને તારા સિવાય બીજું કોઈ છેતરી શક્યું નથી. સાચે જ માતાએ તને એકલાને જ જણ્યો છે.’ ફરી પાછો તે કહેવા લાગ્યો, ‘વત્સ! આ પર્વતના પશ્ચિમ પ્રદેશમાં બે નદીના મધ્યભાગમાં એક મોટી શિલા છે. ત્યાં ભોંયરું છે. ત્યાં મેં ઘણું ધન રાખેલું છે. જા, એ ધન તું લે. મારો અગ્નિસંસ્કાર તું કરજે.’ એમ કહીને તે મરણ પામ્યો. પછી મેં લાકડાં ભેગાં કરીને તેનો અગ્નિસંસ્કાર કર્યો. પછી હાથપગ ધોઈને રથ જોડીને નીકળ્યો. મેં વિચાર્યું, ‘ધનનું મારે શું કામ છે?’ આમ વિચારીને તેનો ભંડાર લેવા ગયો નહીં. આ પછી મેં ઘોડાઓને માર્ગ ઉપર લીધા અને શ્યામદત્તાની સાથે પ્રવાસ કરવા લાગ્યો. એમ કરતાં અમે અનેક પ્રકારનાં વૃક્ષોથી ગહન, વેલ અને લતાઓનાં ગુલ્મોથી યુક્ત, પર્વતની ગુફાઓમાંથી વહેતાં ઝરણાંઓવાળી, અત્યંત ભયંકર, ચીબરીના ભયાનક શબ્દોથી વ્યાપ્ત, કોઈક સ્થળે વાઘ અને રીંછના ઘુરકાટથી શબ્દાયમાન, વાંદરાઓની ચીસોથી યુક્ત, અનેક પ્રકારના જંગલી અવાજોથી કાનને ત્રાસદાયક, ભિલ્લોએ ત્રાસ પમાડેલા વનહસ્તીઓના ચિત્કારથી ભરેલી, તથા કોઈક સ્થળે હાથીઓ વડે ‘મડમડ’ અવાજ સાથે ભંગાતા સલ્લકીવનવાળી ભયાનક અટવીમાં અમે આવ્યાં. ત્યાં કેટલેક સ્થળે ઢોળાયેલ લોટ, ચોખા, અડદ તથા ઘીના ઘડા, આમતેમ પડેલી ખાંડણીઓ, કાણાં તેલનાં કુલ્લાં તથા અસ્તવ્યસ્ત પડેલાં અનેક પ્રકારનાં છત્રો અને પગરખાંઓ જોઈને મેં વિચાર કર્યો કે, ‘નક્કી, હાથીના ઘોર ભયથી ત્રાસેલા સાર્થના લોકોના પલાયનનાં આ ચિહ્નો છે.’ આ બધું જોતાં જોતાં અમે તેની બાજુમાં થઈને અટવીમાં આગળ ચાલ્યાં. એટલામાં યૂથથી છૂટા પડેલા, એકલા, લાંબા વાળવાળા, માર્ગની બાજુમાં ઊભેલા વનહસ્તીને મેં જોયો. શ્યામદત્તા એને જોઈને ભય પામી. શ્યામદત્તાને મેં આશ્વાસન આપીને કહ્યું, ‘આપણા રથના અવાજ પ્રત્યે કાન માંડીને રોષ પામેલો તથા અતિ ઉગ્રતાથી દોડવાની ઇચ્છાથી ભૂમિ ઉપર મૂકેલા જઘનભાગને કારણે જાણે ચોંટી ગયેલો હોય એવો આ હાથી દેખાય છે’ પછી તે પોતાની સૂંઢનો અગ્રભાગ વીંઝીને, આંખો ફાડીને, ભયંકર ચીસ પાડીને, સૂંઢ જમીન ઉપર પછાડીને મને મારી નાખવા માટે જોરથી દોડ્યો. તે દોડતા હાથીના કુંભસ્થળ ઉપર મેં શીઘ્રતાથી અને ચપળતાથી ત્રણ બાણ માર્યાં. એ બાણના ગાઢ પ્રહારથી દુઃખ પામતા શરીરવાળો તે ચીસ પાડીને ઝાડની ડાળીઓ ભાંગી નાખતો ત્યાંથી નાઠો. ભય દૂર થતાં શ્યામદત્તાએ પૂછ્યું, ‘શું તે હાથી નાસી ગયો?’ મેં કહ્યું, ‘સુતનુ! હા, નાસી ગયો.’ પછી અમે આગળ ચાલ્યાં, અને થોડેક દૂર ગયાં ત્યાં લુહારની ધમધમતી ભઠ્ઠીના જેવો અવાજ સાંભળ્યો. મારા હૃદયમાં શંકા થઈ કે ‘નક્કી અહીં સર્પ હશે.’ ત્યાં તો માર્ગમાં જ સામે રહેલા, કાજળના ઢગલા જેવી કાન્તિવાળા, લપલપાટ કરતી બે જીભવાળા, ઉત્કટ, સ્ફુટ, વિકટ, કુટિલ, કર્કશ અને વિકૃત ફટાટોપ કરવામાં કુશળ તથા જેણે ત્રીજા ભાગનું શરીર ઊંચું કર્યું છે એવા મોટી ફણાવાળા નાગને અમે જોયો. શ્યામદત્તા ભય પામી, પણ મેં તેને ધીરજ આપી. ઘોડા અને રથના શબ્દથી રોષ પામેલો નાગ દોડ્યો. એ દોડ્યો ત્યાં તો પહોળા યંત્રમાંથી છોડેલા અર્ધચંદ્ર બાણથી તેનું માથું ફણાસહિત કાપીને મેં ધરતી ઉપર પાડ્યું. એને આ પ્રમાણે પરલોકનો પરોણો બનાવીને અમે આગળ ચાલ્યાં. એટલામાં સામે જ અપરિશ્રાન્ત યમદેવના જેવા દુઃખકારક, લાંબી કેસરાવાળા,૧ લાંબા અને ઊછળતા પૂંછડાવાળા, રક્તકમળના પત્રના સમૂહ જેવી જીભ હલાવતા, કુટિલ અને તીક્ષ્ણ દાઢવાળા, ઊંચા કરેલા લાંબા પૂંછડાવાળા, અતિભીષણ વાઘને અમે જોયો. પૂર્વે જેણે ભય જોયો નથી એવી, બીનેલી, જેનાં સર્વે અંગો થરથર કંપે છે એવી તથા ઉદ્વિગ્ન ચિત્તવાળી શ્યામદત્તા તે ભયંકર વાઘને ટગર ટગર જોઈ રહી. મેં તેને કહ્યું, ‘સુન્દરિ! ડરીશ નહીં.’ તે વાઘ કૂદતો મારી તરફ દોડ્યો. તે દોડતો હતો ત્યાં જ કણેરના પત્રના સમૂહ જેવાં લાલ ફળાંવાળાં પાંચ બાણ મેં તેના મોંમાં છોડ્યાં. એ બાણનો ગાઢ પ્રહાર લાગતાં તે નાસી ગયો. ફરી પાછું, અમે જોતાં હતાં ત્યાં જ અનેક પ્રકારનાં શસ્ત્રો અને બખ્તરોથી સંકુલ, હર્ષની ચિચિયારીઓ કરતું, અને વિવિધ પ્રકારનાં હથિયાર તેમ જ બખ્તરો ધારણ કરેલું એક કટક આવી પહોંચ્યું. મેં વિચાર્યું કે, ‘અમને લૂંટવા માટે ચોરો અહીં આવતા લાગે છે.’ અનેક પ્રકારના વેશ ધારણ કરેલા તે ચોરોને જોઈને જેનું આખું શરીર કંપી ઊઠ્યું છે એવી શ્યામદત્તા મને બાઝી પડી. મેં કહ્યું, ‘વિષાદ ન કર, જો; મુહૂર્ત માત્રમાં તો આ બધા જ ચોરોને યમગૃહમાં લઈ જાઉં છું.’ સ્વભાવથી જ જે ભીરુ છે એવી તે શ્યામદત્તાને મારા વચનથી કંઈક ધીરજ આવી. મને ચોરો ચારે તરફથી ઘેરી વળ્યા. મેં પણ અસ્ત્ર અને શસ્ત્રની નિપુણતા અને ચાતુર્યથી અને બાણના પ્રહારથી તેમને ત્રાસ પમાડતાં તેઓ ચોમેર નાસવા લાગ્યા. પછી વ્યાયામથી કઠિન ગાત્રવાળો, ધનુષ્ય ખેંચવાથી દીર્ઘ બનેલા બાહુવાળો અર્જુન નામનો તેમનો સેનાપતિ એ નાસતા ચોરોને ધીરજ આપતો, રથયુદ્ધ થઈ શકે એવી ભૂમિ ઉપર કવચ પહેરીને ઊભો રહ્યો. મેં પણ ઘોડાઓને થાબડીને તથા સર્વે આયુધોથી મારી જાતને સજ્જ કરીને તેની તરફ રથ ચલાવ્યો. તેણે પણ મારી તરફ રથ વાળ્યો. પછી બાણોના સમૂહની પરંપરાથી એકબીજાનું છિદ્ર શોધતા અમે યુદ્ધ કરવા લાગ્યા. કોઈ પ્રકારનો લાગ નહીં ફાવતાં મેં વિચાર્યું કે, ‘આ ચોર સમર્થ છે; એનો પરાજય થઈ શકે એમ નથી. રથયુદ્ધમાં કુશળ એવા તેને બીજી કોઈ રીતે છેતરી શકાય એમ પણ નથી. અર્થશાસ્ત્રમાં૧ કહ્યું છે કે ‘પોતાના વધતા જતા શત્રુને માયાથી અને શસ્ત્રથી હણવો.’ તો અહીં એ વસ્તુ યોગ્ય છે કે સર્વ અલંકારોથી વિભૂષિત આ શ્યામદત્તા પોતાનું અધોવસ્ત્ર શિથિલ રાખીને — અર્ધનગ્નાવસ્થામાં રથની આગળની બેઠક ઉપર બેસે. એનું રૂપ જોઈને આ ચોરની નજર આકર્ષાય એ વખતે ચોરને મારે મારવો’ — આમ નક્કી કરીને મેં શ્યામદત્તાને રથની આગળ બેઠક ઉપર બેસાડી. તેના રૂપ, યૌવન અને વિલાસથી વિસ્મિત હૃદયવાળા અર્જુનની દૃષ્ટિ ત્યાં ચોંટી. એ વખતે તેને બેધ્યાન નજરવાળો જાણીને નીલ કમળ જેવા આરામુખ બાણ વડે મેં તેની છાતીમાં પ્રહાર કર્યો. ત્યારે રથમાંથી ઊતરીને તે બોલ્યો, ‘હું તારા બાણથી નહીં, પણ કામદેવના બાણથી મરણ પામું છું, કારણ કે યુદ્ધ ચાલતું હતું ત્યારે હું સ્ત્રીનું મુખ જોતો રહ્યો.’ આ પ્રમાણે બોલીને તે મરણ પામ્યો. પછી પોતાના સેનાપતિને મરણ પામેલો જોઈને જેમનાં હથિયારો અને બખ્તરો અસ્તવ્યસ્ત થયાં છે એવા તેના સહાયક ચોરો પણ નાસી ગયા.

અગડદત્તનું ગૃહાગમન

આ પ્રમાણે જિતાયેલા શત્રુ અર્જુનને હણીને તથા શ્યામદત્તાને આશ્વાસન આપીને હું ઉજ્જયિની તરફ ચાલ્યો. અનુક્રમે ચાલતાં ઉજ્જયિની પહોંચ્યો, અને માતાના ઘરમાં પ્રવેશ્યો. પુત્રવત્સલ માતા મારું આગમન સાંભળીને મારી સામે દોડી આવી. હું રથમાંથી ઊતર્યો, એટલે આનંદનાં અશ્રુ સારતી તેણે મને આલિંગન આપ્યું અને મારું મસ્તક સૂંઘ્યું. શ્યામદત્તા પણ રથમાંથી ઊતરીને માતાને પગે પડી. આનંદિત હૃદયવાલી માતાએ તેને પણ આલિંગન કર્યું, અવિધવા-મંગલથી તેનું અભિનંદન કર્યું, અને ઘરમાં પ્રવેશ કરાવ્યો. સ્વજનો, મિત્રો અને બંધુઓ પણ કુશળ પૂછવા માટે આવ્યા, તેમનો અમે વૈભવ અનુસાર સત્કાર કર્યો. નોકરો ઘોડા તથા રથને યોગ્ય સ્થાને લઈ ગયા તથા ઘોડાને માલિસ કર્યું. બધું દ્રવ્ય, આયુધો, શસ્ત્રો તથા સાધનો પણ ઘરમાં લાવવામાં આવ્યાં. પછી બીજે દિવસે સ્નાન કર્યા બાદ જમીને તથા અલંકારો પહેરીને રાજાને મળવા માટે હું રાજકુલમાં ગયો. પ્રતિહારે રાજાને મારા આગમનના ખબર આપ્યા બાદ હું અંદર પ્રવેશ્યો. રાજાને મેં જોયો અને પ્રણામ કર્યા, ‘હું અમુકનો (રાજાના ભૂતપૂર્વ સારથિનો) પુત્ર છું’ એમ મેં કહ્યું. એટલે સંતોષ પામેલા રાજાએ મારા પિતાનું બધું કામ મને સોંપ્યું અને બમણો શિરપાવ આપ્યો. આવી રીતે રાજાનો સત્કાર પામેલો હું ઘેર ગયો, અને માતાની સેવામાં પરાયણ રહેતો શ્યામદત્તાની સાથે સમય ગાળવા લાગ્યો. એક વાર રાજાએ નગરઉજાણીની આજ્ઞા કરી. રાજા પોતે પણ ઉદ્યાનયાત્રા માટે નીકળ્યો. પ્રજાજનો પણ પોતાના વૈભવ, રિદ્ધિ અને સત્કારથી એકબીજાની સરસાઈ કરતા અને પોતાનાં વૈભવ અને રૂપ બતાવતા નીકળ્યા. હું પણ મારા મિત્રો અને સ્વજનોની સાથે મારા વૈભવની સૂચક એવી રિદ્ધિપૂર્વક શ્યામદત્તાને લઈને ઉદ્યાનમાં ગયો. ત્યાં અનેક પ્રકારનાં ખાદ્ય, પેય, ગીત, વાદિત્ર તેમ જ હાસ્યરવથી શબ્દાયમાન ઉદ્યાનમાં લોકો તેમ જ અમે પ્રીતિસુખ અનુભવવા લાગ્યા. આ પ્રમાણે યથેચ્છ સુખ અનુભવીને પાછલા પહોરે નગરજનો પરિજન સહિત પાછા નગરમાં જવાને નીકળ્યા. અમે પણ નગર તરફ જવાને તૈયાર થયા; એ વખતે અતિમુક્તક લતાના હીંચોળા ઉપર હીંચતી શ્યામદત્તાને કાકોદર સર્પે (એક પ્રકારના ઝેરી સાપે) દંશ કર્યો. એટલે પોતાના હાથ વીંઝતી તથા ‘આર્યપુત્ર! મારું રક્ષણ કરો; હું દુઃખ પામું છું’ એમ બોલતી તે દોડીને મારા ખોળામાં પડી. એટલે સંભ્રાન્ત હૃદયવાળા મેં તેને ‘ડરીશ નહીં’ એમ કહ્યું, અને આલિંગન આપ્યું. શરીરમાં વિષ વ્યાપી જતાં શ્યામદત્તા ઘડી વારમાં અચેતન થઈ ગઈ. એ જોઈને હું પણ જાણે પ્રાણ નીકળી ગયો હોય તેમ મૂર્ચ્છા પામ્યો. પછી મૂર્ચ્છા વળતાં ખૂબ વિલાપ કરવા લાગ્યો. એવામાં સૂર્ય અસ્ત પામ્યો. પરિજનોને મેં ઘેર માતાની પાસે મોકલ્યાં. શોકપૂર્ણ હૃદયવાળો હું શ્યામદત્તાને ઉદ્યાનના દેવકુલના બારણા આગળ લઈ જઈને ‘હા શ્યામદત્તા! અનેક સંકટોમાં મારી સહાયક! મને ત્યજીને કેમ જાય છે?’ એમ વિલાપ કરતો બેઠો. અર્ધરાત્રિના સમયે દૈવયોગે ત્યાં થઈને જતા વિદ્યાધર-યુગલને અમારા પ્રત્યે અનુકંપા થઈ. યુગલ આકાશમાંથી નીચે ઊતર્યું. તેઓએ મને પૂછ્યું, ‘આ શાથી મરણ પામી છે?’ મેં કહ્યું કે, ‘સર્પે દંશ કર્યો છે.’ પછી સાનુકંપ વિદ્યાધરે ‘શા માટે સૂઈ રહી છે?’ એમ બોલતાં શ્યામદત્તાને સ્પર્શ કર્યો, એટલે તે ઊભી થઈ. મેં પણ તે વિદ્યાધરને પ્રણામ કર્યા અને આકાશમાર્ગે ઊડતાં ક્ષણવારમાં તે અદૃશ્ય થયો. અમે પણ દેવકુલ પાસે ગયાં. મેં શ્યામદત્તાને કહ્યું, ‘તું ડરીશ નહીં; થોડીક વાર બેસ, ત્યાં સુધીમાં હું સ્મશાનમાંથી અગ્નિ લાવું.’ પછી હું અગ્નિ લઈને આવ્યો. તે વખતે દેવકુલમાં મેં પ્રકાશ જોયો. આથી શ્યામદત્તાને મેં પૂછ્યું કે, ‘આ શેનો પ્રકાશ છે?’ તેણે જવાબ આપ્યો કે, ‘તમારા હાથમાં રહેલા અગ્નિનો પ્રકાશ દેવકુલમાં પડેલો જણાય છે.’ પછી મેં કહ્યું, ‘તું તલવાર પકડ એટલે હું દેવતા સળગાવું.’ તેણે તલવાર પકડી, એટલે હું અગ્નિ સળગાવવા માંડ્યો. એવામાં તલવાર મારી આગળ પડી. એટલે મેં પૂછ્યું, ‘આ શું?’ તેણે જવાબ આપ્યો કે, ‘મને ગભરાટ થયો, એથી હાથમાંથી તલવાર પડી ગઈ.’ પછી દેવતા સળગાવીને અમે દેવકુલમાં પ્રવેશ્યાં અને ત્યાં રહ્યાં. આ પ્રમાણે રાત્રિ પસાર થઈ અને નિર્મળ પ્રભાત થયું. પછી પ્રભાતે મિત્ર, બાંધવ, સ્વજન અને પરિજન ‘શ્યામદત્તા સાજી થઈ’ એ સાંભળીને આનંદ પામ્યાં. હર્ષ પામેલાં અમે પણ દેવકુલમાંથી ઘેર આવ્યાં. શ્યામદત્તા સહિત મને જોઈને માતા ખૂબ રાજી થઈ. શ્યામદત્તાની સાથે વિષયસુખ અનુભવતો હું રહેવા લાગ્યો. પછી એક વાર રાજાએ મને આજ્ઞા આપી કે, ‘દશપુરમાં અમિત્રદમન રાજા પાસે દૂત તરીકે જા.’ આ આજ્ઞા માથે ચડાવીને હું મારા પરિવારની સાથે દશપુર ગયો, નગરમાં પ્રવેશ્યો અને પ્રતિહારે મારા આગમનની ખબર આપતાં રાજાની પાસે ગયો. રાજાને હું મળ્યો, પ્રણામ કરીને મને મળેલી સૂચના અનુસાર વિનંતી કરી તથા નજરાણાં ધર્યાં. મને મુકામ આપવામાં આવ્યો તથા મારો સત્કાર કરવામાં આવ્યો. એ રીતે હું રહેવા લાગ્યો. ત્યાં એક વાર મધ્યાહ્નકાળે શાસ્ત્રમાં ઉપદેશેલી વિધિ પ્રમાણે, ત્રસપ્રાણ અને બીજ-રહિત માર્ગ ઉપર યુગાન્તરદૃષ્ટિ (ગાડાના ધૂંસરા જેટલી-સાડા ત્રણ ડગલાં) રાખીને ચાલતા તથા તપથી કૃશ બનેલા બે સાધુઓ મારે ત્યાં ભિક્ષા લેવા માટે આવ્યા, અને સાધુને યોગ્ય પ્રદેશમાં ઊભા રહ્યા. મેં તેમને પ્રણામ કરી તત્કાલ હાજર હતો તેવો સાધુને યોગ્ય પ્રાસુક આહાર વહોરાવ્યો, એટલે તેઓ ત્યાંથી ગયા. પછી ફરી પાછા બીજા બે સાધુઓ આવ્યા. તેમને ભિક્ષા આપી, એટલે તેઓ પણ ગયા. મુહૂર્ત રહીને ત્રીજા બે સાધુઓ આવ્યા. એટલે મેં વિચાર કર્યો કે, ‘શું આ લોકો માર્ગ ભૂલી ગયા હશે? કે ઓછી ભિક્ષા મળવાથી કે ઘર મોટું હોવાથી ભ્રમ થઈ જવાને લીધે ફરી ફરી આ સાધુઓ અહીં આવે છે?’ મેં ભિક્ષા આપીને તેમને પૂછ્યું, ‘ભગવન્! ક્યાં વસો છો?’ ‘ઉદ્યાનમાં વસીએ છીએ’ એમ કહીને તેઓ ગયા. હું પણ થોડી વારમાં આહારપાણી અને આવશ્યક ક્રિયાઓ પતાવીને હકીકત જાણવા માટે એકલો જ ઉદ્યાનમાં ગયો, ત્યાં મેં તપથી સૂર્યની જેમ દીપતા તે સાધુઓને જોયા. તેમની પાસે જઈને મેં પ્રણામ કર્યાં, અને તેમના ચરણમાં બેઠો. મેં તેમને પૂછ્યું, ‘ભગવન્! આપનો કયો ધર્મ?’ એટલે અહિંસા જેનું લક્ષણ છે તથા ગુપ્તિ જેનું મૂળ છે એવો સાધુધર્મ અને શ્રાવકધર્મ તેમણે સંક્ષેપમાં કહ્યો. કાનરૂપી અંજલિથી જાણે અમૃત પીતો હોઉં તે પ્રમાણે તેમની વાણીનું શ્રવણ કરીને વિસ્મય પામેલા મેં પૂછ્યું, ‘ભગવન્! આપ ક્યાંના છો? શાથી દીક્ષા લીધી? એક સરખા જ રૂપવાળા તમે બધા નવયૌવનમાં રહેલા જણાઓ છો. તમારા દર્શનથી મને ઘણું આશ્ચર્ય થયું છે.’ ત્યારે એ સાધુઓ પૈકી મોટાએ કહ્યું, ‘શ્રાવક! ધ્યાનપૂર્વક સાંભળ —

દૃઢધર્મ આદિ છ મુનિઓનો વૃત્તાન્ત

વિન્ધ્યાચળની પાસે અમૃતસુંદર નામે ચોરપલ્લી (ચોરોનું ગામ) છે. અનેક પલ્લીઓમાં જેનો પ્રતાપ સુવિખ્યાત છે એવો ત્યાં અર્જુન નામે ચોર-સેનાપતિ હતો. અનેક યુદ્ધોમાં જેણે વિજય મેળવ્યો છે એવો તે પલ્લીવાસીઓનું પાલન કરતો રહેતો હતો. એક વાર કોઈ એક તરુણ એક તરુણીની સાથે રથમાં બેસીને અટવીમાંથી પસાર થતો હતો. એ તરુણ ઉપર ચોર-સેનાપતિએ હુમલો કર્યો, પણ રથયુદ્ધમાં કુશળ એ તરુણે તેને મારી નાખ્યો. એ ચોર-સેનાપતિ અમારો મોટો ભાઈ થતો હતો. ભાઈના શોકથી સંતાપ પામેલા હૃદયવાળાં અને વિશેષ તો અમારી સ્ત્રીઓનો તિરસ્કાર પામતા અમે તે રથના માર્ગને અનુસરતા અમારા ભાઈના ઘાતકને મારવા માટે ઉજ્જયિની ગયા. ‘આ એ જ છે’ એ પ્રમાણે નક્કી કરીને તેનાં છિદ્રો તપાસતા — તેના ઉપર આક્રમણનો લાગ શોધતા અમે તેની પાછળ પાછળ ફરવા લાગ્યા. એક વાર અમારા ભાઈને મારનાર તે તરુણ ઉદ્યાનયાત્રામાં ગયો. એટલે અમે વિચાર કર્યો કે, ‘આને અહીં છૂપી રીતે મારવો.’ અમે પણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અમે અમારા નાના ભાઈને તેના ઘાતક તરીકે નિયુક્ત કર્યો અને અમે એકાન્તમાં છુપાઈ રહ્યા. પછી બધાં લોકો ચાલ્યાં ગયાં તે વખતે તેની પત્નીને સર્પે દંશ કર્યો અને તે મરણ પામી. તેણે પોતાનાં બધાં માણસોને ત્યાંથી ઘેર મોકલ્યાં, અને પોતાની પત્નીને દેવકુલના દ્વાર પાસે લઈ જઈને એકલો વિલાપ કરતો બેઠો. તેને મારવાનો નિશ્ચય કરી, અમારો નાનો ભાઈ દીવાનો સમુદ્રગક (સંપુટ) હાથમાં લઈને તે દેવકુલમાં પહેલાંથી પેસી રહેલો હતો. પછી ત્યાંથી પસાર થતા વિદ્યાધરે દયાથી પેલા તરુણની પત્નીને જિવાડી, એટલે તે ઊભી થઈ. પછી તે તરુણ તે તરુણીને દેવકુલમાં રાખીને અગ્નિ લેવાને માટે ગયો. એ વખતે અમારા ભાઈએ દીવાનો સમુદ્રગક ઉઘાડ્યો; અને તે સ્ત્રીને કહ્યું, ‘હું તારા પતિને મારી નાખી તને ઉપાડી જઈશ. જો આ રહસ્ય તું ખોલી દઈશ તો તને પણ મારી નાખીશ.’ તે સ્ત્રીએ કહ્યું કે, ‘હું જાતે જ એને મારી નાખીશ.’ એટલે અમારા ભાઈએ તેને પૂછ્યું, ‘તું કેવી રીતે મારીશ?’ તેણે જવાબ આપ્યો, ‘એ અગ્નિ લઈને આવશે, અને મારા હાથમાં તલવાર આપીને દેવતા સળગાવશે તે વખતે એનું માથું કાપી નાખીશ.’ મારા ભાઈએ પણ આ વસ્તુ માન્ય રાખી. પેલો યુવક પણ અગ્નિ લઈને આવ્યો અને તેણે પૂછ્યું, ‘દેવકુલમાં આ પ્રકાશ શેનો હતો?’ એટલે સ્ત્રીએ જવાબ આપ્યો, ‘તમારા હાથમાં રહેલા અગ્નિનો એ પ્રકાશ હશે.’ પછી યુવકે કહ્યું, ‘તું આ તલવાર પકડ, એટલે હું દેવતા સળગાવું.’ એટલે તેણે તલવાર પકડી અને યુવક દેવતા સળગાવવા માંડ્યો. પેલી પણ તલવાર ખેંચીને ઘા કરવા તૈયાર થઈ. ત્યારે મારા ભાઈએ વિચાર કર્યો, ‘અહો! સ્ત્રીઓનું કેવું સાહસ છે!’ આમ વિચારીને તે સ્ત્રીના તલવારવાળા હાથ ઉપર તેણે ચોટ લગાવી, એટલે તલવાર જમીન ઉપર પડી ગઈ. સંભ્રાન્ત થયેલા પેલા તરુણે પૂછ્યું, ‘આ શું?’ એટલે સ્ત્રીએ કહ્યું, ‘મને ભય લાગ્યો, એટલે તલવાર હાથમાંથી પડી ગઈ.’ આ પછી તેઓ ત્યાં રાત ગાળીને પરોઢ થતાં ઘેર ગયાં. દેવકુલમાંની પ્રતિમાની પાછળ પોતાનું શરીર છુપાવીને ત્યાં રહેલા અમારા ભાઈએ અમને બધી હકીકત કહી સંભળાવી. એટલે સ્ત્રીજનનું આ સાહસ જોઈને જેમને ગૃહવાસ ઉપર વૈરાગ્ય થયો છે તથા કામભોગ ઉપર જેમને નિર્વેદ થયો છે એવા, સ્ત્રીઓને નિંદતા અમે છ જણાએ દૃઢચિત્ત નામે સાધુની પાસે જિનધર્મ સાંભળીને દીક્ષા લીધી. તે ગુરુએ પણ અમારો વૈરાગ્ય જાણીને અનુક્રમે અમારાં નામ દૃઢધર્મ, ધર્મરુચિ, ધર્મદાસ, સુવ્રત, દૃઢવ્રત અને ધર્મપ્રિય એ પ્રમાણે રાખ્યાં.’ સાધુઓની વાત સાંભળીને મેં મારો સાચો પરિચય આપ્યો, પછી તેમણે સ્ત્રીઓથી દૂર રહેવા કહ્યું. ધમ્મિલે અગડદત્તને ઉત્તમ સ્ત્રીઓનાં દૃષ્ટાંત આપ્યાં. સાધુઓની સૂચનાથી તેણે આયંબિલ વ્રત આદર્યું અને પછી થોડા સમય પછી એક વૃદ્ધાનો પરિચય થયો. તેણે વિમલસેનાની વાત કરી.

વિમલસેનાનો પરિચય

આ જ નગરમાં (કુશાગ્રપુરમાં) અમિત્રદમન રાજા છે. તેની પુત્રી વિમલસેના નામે છે. તે પુરુષનો સંસર્ગ ટાળતી હતી, પુરુષ વિશેની વાતથી પણ ક્રોધે ભરાતી હતી. આથી રાજાએ વિચાર કરીને રાજ્યમાર્ગની પાસે તેને માટે એક આવાસ કરાવ્યો. ત્યાં અનેક દાસીઓ તેમ જ મારી સાથે રહીને અનેક રૂપવાળા પુરુષોને જોતી તે વસતી હતી. એક વાર દાસીઓની વાત તેણે સાંભળી કે, ‘આ મગધાપુર(કુશાગ્રપુર — રાજગૃહ)માં બહુ ગુણ અને રૂપથી સંપન્ન ધમ્મિલ્લ નામે સાર્થવાહપુત્ર રહે છે.’ એ ધમ્મિલ્લને એક વાર તેણે રાજમાર્ગ ઉપર પસાર થતો જોયો અને પૂછ્યું, ‘આ કોણ છે?’ દાસીઓએ કહ્યું, ‘સ્વામિનિ! આ ધમ્મિલ્લ છે.’ આથી તેણે પોતાની દાસીને ધમ્મિલ્લ પાસે મોકલી. જેણે સંકેતનો સંદેશ જાણ્યો છે એવી તે દાસી પાછી આવીને કહેવા લાગી. ‘સ્વામિનિ! મેં એને યથાયોગ્ય બધું કહ્યું છે. આ નગરમાં રહેતા ક્ષીણવૈભવ સાર્થવાહ સમુદ્રદત્તનો પુત્ર તે ધમ્મિલ્લ છે. તેણે ભૂતગૃહમાં તમને મળવાનો સંકેત કર્યો છે.’ એટલે વિમલસેનાએ મને પૂછ્યું, ‘કમલસેના! શું આ યોગ્ય છે?’ મેં વિચાર કર્યો કે, ‘આને કોઈ પુરુષ ગમ્યો એ જ એક મોટું આશ્ચર્ય છે, માટે તે પોતાના ઇચ્છિત પુરુષનો સમાગમ ભલે પામે.’ આમ વિચારીને મેં તેને કહ્યું કે, ‘સુન્દરિ! એમ ભલે થાય. તેણે સંકેત કર્યો છે તે સ્થળે આપણે જઈએ.’ પછી અમે બન્ને જણીઓ રથમાં બેસીને ભૂતગૃહ પાસે આવી. અમારી સાથે આવેલા કંચુકીને અમે બહાનું કાઢીને પાછો મોકલ્યો, એટલે તે ગયો. પછી ત્યાં અમે તમને જોયા. પહેલાંના સ્નેહના અનુરાગથી સવારે વિમલસેનાએ તમને જોયા ત્યારે ‘આ તો આવો કુરૂપ છે’ એમ જાણીને તે વિરાગ પામી, માટે આર્યપુત્ર! જિતપુત્ર રાજાની પુત્રી આ વિમલાનો તમારે એવી રીતે અનુનય કરવો, જેથી મારી સાથે તે પણ તમારી આજ્ઞાકારી થાય.’ એટલે ધમ્મિલ્લે હાથ જોડીને કહ્યું, ‘કમલસેના! મારો મનોરથ સફળ થવો એ તારા હાથમાં છે. મારી સાથે તેનું મન ગોઠે એવું કંઈક તું કર.. હું પણ તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશ.’ આ પ્રમાણે વાર્તાલાપ કરતાં રાત વીતી ગઈ. અનુક્રમે નિર્મળ પ્રભાત થયું. પ્રભાતે તેમણે ગામધણીની રજા માગી. શૌચાદિ કૃત્ય કરીને રથ જોડ્યો, અને રથમાં બેસીને આગળ ચાલ્યાં. ગામની સીમ વટાવીને અનેક ભીમ અને અર્જુન (એ નામનાં વૃક્ષો) વડે ગહન, અને હિંસક પશુઓ અને પક્ષીઓ વડે સેવિત અને અનેક સરોવરનાં જળથી યુક્ત એવી અટવીમાં તેઓ પ્રવેશ્યાં. તેમાં થોડેક દૂર જતાં માર્ગની નજદીક તેમણે મોટી ફણાવાળા, ચણોઠીના અર્ધભાગ જેવી લાલ આંખવાળા, પવનના ઝપાટા જેવો સુસવાટ કરતા અને બન્ને જીભોનો લપલપાટ કરતા નાગને જોયો. આ જોઈને કમલસેના અને વિમલસેના ભય પામ્યાં, પણ ધમ્મિલ્લે તેમને આશ્વાસન આપીને સાધુજનોની પરંપરા દ્વારા શીખેલી ઉત્સારિણી વિદ્યા વડે તે નાગને માર્ગમાંથી દૂર કરી દીધો. આગળ ચાલતાં તેમણે મનુષ્ય અને પશુઓના માંસના સ્વાદમાં લોલુપ, જિહ્વાથી ઓઠ ચાટતા અને મોઢું ફાડીને ઊભેલા તીક્ષ્ણ દાઢવાળા વાઘને જોયો. મૃદુ હૃદયવાળી તે સ્ત્રીઓ ફરી પણ ભય પામી. તેમને ફરી વાર આશ્વાસન આપીને ધમ્મિલ્લે તેને મંત્રપ્રભાવથી દૂર કરી દીધો. આ રીતે વાઘ ચાલ્યો ગયો. વળી આગળ નજર નાખી તો કાલમેઘની જેમ ગર્જના કરતા, નવા વર્ષાકાળના દિવસની જેમ પુષ્કળ મદજળથી ભૂમિનું સિંચન કરતા, દંતશૂળ ઉપર સૂંઢ વળગાડીને ઊભેલા હાથીને પંથ રોકીને ઊભેલો જોયો. એ હાથીને જોઈને ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! જો, થોડીક વાર હું હાથીને ખેલાવું.’ એમ કહીને તે રથમાંથી ઊતર્યો. પછી વિમલાનું ચિત્ત હરવાનો પ્રયત્ન કરતાં તેણે એક કપડાંનો વીંટલો કરીને હાથીને લલકાર્યો. એટલે તે ચપળ સૂંઢવાળો હાથી વાળ ઊંચા કરીને, દોડીને; પગ અને સૂંઢ જમીન ઉપર પછાડીને ધમ્મિલ્લને મારવા માટે જોરથી ધસ્યો. ધમ્મિલ્લે પોતાનું ઉત્તરીય તેની તરફ ફેંક્યું. હાથી તે ઉત્તરીયને મનુષ્ય ધારી તેને ચૂંથવા લાગ્યો. એટલે અત્યંત ચપળતાથી અને શીઘ્રતાથી દંતૂશળ ઉપર પગ મૂકીને ધમ્મિલ્લ હાથીની પીઠ ઉપર ચઢી ગયો. રોષે ભરાયેલો તે હાથી ચીસો પાડવા લાગ્યો, દોડવા લાગ્યો, ધૂણવા લાગ્યો, પટકાવા લાગ્યો, અને પોતાની સૂંઢથી તેને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ધમ્મિલ્લ હસ્તીવિદ્યાની પોતાની કુશળતાથી તેને ખેલાવવા લાગ્યો. પોતાના પગ, દંતૂશળ અને સૂંઢ વડે ધમ્મિલ્લને પ્રહાર કરવા ઇચ્છતો છતાં તે હાથી તેમ કરી શક્યો નહીં. પછી સ્વચ્છંદે વનમાં વિચરવાને લીધે સુકુમાર- નહીં કેળવાયેલા શરીરવાળા તે હાથીને ધમ્મિલ્લે છોડી દીધો, એટલે તીવ્ર ચિત્કાર કરીને વૃક્ષોને ભાંગતો તે નાસી ગયો. ધમ્મિલ્લ પણ હસીને રથમાં બેઠો. કમલસેના અને વિમલસેના ખૂબ વિસ્મય પામી. પછી રથ આગળ ચાલ્યો, તો સામે જ અડદના મોટા ઢગલા જેવા શ્યામ, જળાશયોના અવડ કિનારા ઉપરના રાફડાઓ તોડવાની ક્રિયા વડે તીક્ષ્ણ શિંગડાંવાળા, પોતાના આગળની જમીન ખોદતા, મોટી કાયાવાળા તથા જેની નજર પડખે છે (વક્ર છે) એવા પાડાને જોયો. એટલે ધમ્મિલ્લે વિચાર્યું કે, ‘ઘોડા ઉપર આક્રમણ કરવા માટે આ અહીં આવી પહોંચે ત્યાર પહેલાં જ એને નસાડવાના ઉપાય વિચારું.’ આમ કરીને તે રથ ઉપરથી ઊતર્યો; અને વૃક્ષોની ઓથે પાડો ઊભો હતો તેની પાછળના ભાગમાં જઈને ઝાડીવાળા એક વિષમ ભૂમિભાગ ઉપર ઊભા રહીને તેણે સિંહનાદ કર્યો. એટલે સિંહના શબ્દથી બીનેલો તે પાડો ગુલ્મ, વેલીઓ અને લતાઓનાં ઝુંડને પોતાનાં શિંગડાંના અગ્રભાગ વડે ક્ષુબ્ધ કરતો નાસી ગયો. ધમ્મિલ્લ પણ પાછો આવીને રથમાં બેઠો. પછી થોડી વારે અનેક પ્રકારનાં શસ્ત્ર, ખડ્ગ, શક્તિ અને ઢાલ હાથમાં ધારણ કરતા, અનેક દેશની ભાષાઓમાં વિશારદ અને વેગથી આવતા ચોર લોકોને જોઈને કમલા તથા વિમલા કંપવા લાગી. ‘બીશો નહીં’ એ પ્રમાણે તેમને આશ્વાસન આપીને માર્ગની બાજુમાં ધમ્મિલ્લ ઊભો રહ્યો. હાથમાં દંડો લઈને દોડીને તે દંડાના એક જ પ્રહારથી ઢાલ અને શક્તિવાળા એક ચોરને તેણે મારી નાખ્યો; અને તેની ઢાલ અને શક્તિ પોતે લઈ લીધી. આયુધ ધારણ કરેલા તેને જોઈને પોતાના પરાક્રમનું અભિમાન રાખતા બીજા શૂરવીર ચોરો ત્યાં આવી પહોંચ્યા, પણ ઢાલ ફેરવવાની પોતાની કળાથી ધમ્મિલ્લે તેમની વચમાં પેસીને તેમની ઉપર પ્રહારો કરતાં તેઓ દિશા-દિશામાં વીખરાઈ ગયા, અને ફલક, શક્તિ, તોમર વગેરે હથિયારો છોડી દઈને નાસવા લાગ્યા. તેમને નાસતા જોઈને ગર્જના કરતો તથા ‘મારો! મારો!’ એમ બોલતો ચોર-સેનાપતિ આવી પહોંચ્યો. જેણે ક્રિયાઓ જીતી છે એવા ધમ્મિલ્લે માયાથી તેને ભમાડીને તથા તેનું છિદ્ર-નબળાઈ જાણીને શક્તિના એક જ પ્રહારથી મારી નાખ્યો. પોતાના સેનાપતિને પડેલો જોઈને બાકીના ચોરો પણ નાસી ગયા. પછી ધમ્મિલ્લ પાછો વળીને રથ પાસે આવ્યો, અને રથ ઉપર બેઠો. રોમાંચિત શરીરવાળી તથા પોતાના (ધમ્મિલ્લના) ગુણ વર્ણવતી કમલસેનાની વાતો તે સાંભળવા લાગ્યો. એટલે વિમલસેનાએ કહ્યું - ‘આ ભિખારીની વાત પણ મને ન કરીશ, એનું નામ પણ ન લઈશ; હે માતા! મને એમ થાય છે કે હું તને પણ મારી આંખોથી ન જોઉં.’ આમ બોલીને તે ચૂપ થઈ ગઈ. ધમ્મિલ્લે રથ ચલાવ્યો. આગળ ચાલતાં તેમણે પટહ, ભેરી અને શંખશબ્દથી મિશ્ર, વિજયમાળાઓ વડે સુશોભિત, અને યોદ્ધાઓની કિલકારથી યુક્ત એવો મોટો હર્ષકોલાહલ સાંભળ્યો. ધમ્મિલ્લે વિચાર્યું કે, ‘ખરેખર મેં નસાડેલા ચોરોની વહાર આવી લાગે છે.’ તે જોઈને રાજકન્યા વિમલસેના તથા કમલસેના બમણો ભય પામી. ‘હું જીવું છું ત્યાં સુધી કોઈ તમારો પરાભવ કરનાર નથી’ એમ ધમ્મિલ્લ તેમને આશ્વાસન આપતો હતો એટલામાં તે સામા સૈન્યમાંથી જેણે કેડ બાંધેલી છે એવો, પ્રશ્નોત્તરમાં કુશળ, વિનીત વેશવાળા તથા જેણે શસ્ત્રો દૂર નાખ્યાં છે એવો એક પુરુષ તેમની પાસે આવ્યો. ધમ્મિલ્લે વિચાર્યું કે, ‘નક્કી આ દૂત હશે.’ દૂર ઊભા રહીને વિનયપૂર્વક પ્રણામ કરીને તેણે કહ્યું, ‘અંજનગિરિની ગુફા પાસે આવેલી અશનિપલ્લીનો અધિપતિ અમારો સેનાપતિ અજિતસેન આપને આ પ્રમાણે વિનંતી કરે છે: આપે હમણાં અર્જુન નામે ચોર-સેનાપતિને મારી ઘણા ભયવાળા આ માર્ગને ભયમુક્ત કર્યો છે. અહો! હું સંતુષ્ટ થયો છું. એ અર્જુન મારો વેરી હતો, તેથી આશ્ચર્ય માનતો હું આપના દર્શનની ઇચ્છા રાખતો અહીં આવ્યો છું. આપ મારા કુતૂહલનું કારણ છો. આપને અભય હો, આપ ડરશો નહીં, વિશ્વસ્ત થાઓ.’ ધમ્મિલ્લ પણ તેનું આ વચન સાંભળીને પ્રસન્ન થઈને અજિતસેનની પાસે ગયો. તે પણ સામે આવ્યો, અને ઘોડા ઉપરથી ઊતર્યો. ધમ્મિલ્લ રથ ઉપરથી ઊતરતો હતો ત્યાં જ તેણે તેને આલિંગન આપ્યું; અને તેનું માથું સૂંઘીને કહ્યું, ‘વત્સ! અહો! તેં સાહસ કર્યું છે. અમે તથા બીજા ઘણા નહોતા કરી શક્યા તે માર્ગ તેં ચાલુ કર્યો છે. અર્જુનને મારવાથી તેં સર્વેનું કલ્યાણ કર્યું છે.’ ધમ્મિલ્લે કહ્યું, ‘એ તમારા ચરણનો પ્રભાવ છે.’ અજિતસેન તેને અભિનંદન આપીને પોતાના ગામમાં લઈ ગયો. ત્યાં ઉતારો તથા આહાર આપવામાં આવતાં તે સુખપૂર્વક રહેવા લાગ્યો. ધમ્મિલ્લના ગુણકીર્તન અને પ્રશંસા વડે કમલસેના વિમલસેનાને સમજાવવા લાગી, ત્યારે વિમલસેના બોલી - ‘એ ભિખારીની વાત તું કરીશ નહીં, એનું નામ પણ લઈશ નહીં. જે આંખો વડે હું ભિખારીને જોઉં છું તે મારી આંખો પણ ફૂટી જાઓ.’ પછી કેટલાક દિવસો વીતી જતાં ધમ્મિલ્લે પલ્લીના અધિપતિને વિનંતી કરી કે, ‘અમારે ચંપાનગરી જવું છે, માટે રજા આપો.’ તેણે પૂજા-સત્કારપૂર્વક રજા આપતાં વિમલસેના અને કમલસેના સહિત ધમ્મિલ્લ ચંપાપુરી જવા નીકળ્યો. સુખપૂર્વક એક ગામથી બીજે ગામ પડાવ નાખતાં તેઓ ચંપાનગરીની નજદીક પહોંચ્યાં. ત્યાં ઘણા માણસોનો અવરજવર નહોતો એવા ઉદ્યાનની પાસે રથ છોડીને ધમ્મિલ્લે કમલસેનાને કહ્યું, ‘તમે અહીં બેસો; હું ચંપામાં જઈ ઉતારાની તપાસ કરીને આવું છું.’ એટલે કમલસેનાએ કહ્યું, ‘આર્યપુત્ર! ઘણું કરીને પુર, નગર અને જનપદોમાં છેતરપિંડી કરનારા માણસો રહે છે, માટે ક્રય-વિક્રયમાં લોભી ગાડાવાળો જેમ ઠગાયો તેમ તમે ન ઠગાઓ એવી રીતે પ્રમાદ કર્યા વગર જજો.’ એટલે તેણે કમલસેનાને પૂછ્યું, ‘ક્રય-વિક્રયમાં લુબ્ધ ગાડાવાળો કેવો હતો?’ કમલસેનાએ કહ્યું, ‘સાંભળો, આર્યપુત્ર!

નગરજનોએ છેતરેલા ગાડાવાળાનું દૃષ્ટાન્ત

એક સ્થળે એક ગામડિયો ગૃહપતિ રહેતો હતો. તે ક્યારેક ધાન્ય ભરેલું ગાડું લઈને તથા એ ગાડામાં એક તેતરીનું પાંજરું લઈને નગર તરફ ચાલ્યો. નગરમાં ગયો, તે વખતે ગાન્ધિક (સુગન્ધી પદાર્થોના વ્યાપારી-ગાંધી)ના પુત્રોએ તેને જોયો; અને તેને પૂછ્યું, ‘આ પાંજરામાં શું છે?’ તેણે જવાબ આપ્યો, ‘તેતરી છે.’ તેઓએ પૂછ્યું, ‘શું આ શકટતિત્તરી૧ વેચવા માટે છે?’ તેણે જવાબ આપ્યો, ‘હા.’ પેલાઓએ પૂછ્યું, ‘શું મૂલ્ય છે?’ ગામડિયાએ કહ્યું, ‘એક કાર્ષાપણ.’ પછી તેઓએ કાર્ષાપણ આપ્યો, અને ગાડું તથા તેતરી બન્ને લઈને ચાલવા માંડ્યા. એટલે ગાડાવાળાએ પૂછ્યું, ‘આ ગાડું કેમ લઈ જાઓ છો?’ તેઓએ કહ્યું, ‘અમે મૂલ્ય આપીને ખરીદ્યું છે.’ પછી તેમનો વ્યવહાર-ન્યાય થયો. તેમાં એ ગાડાવાળો હાર્યો. તેનું ગાડું તેતરીની સાથે લઈ જવામાં આવ્યું. માટે આર્યપુત્ર! આવું જાણીને કાળજી રાખજો.

ગાડાવાળાએ કરેલી નગરવાસીઓની છલના

પછી ધમ્મિલ્લે કમલસેનાને (એ દૃષ્ટાન્ત પૂરું કરતાં કહ્યું), ‘હે કમલસેના! જેનું ગાડારૂપી સાધન હરાઈ ગયું છે એવો તે ગાડાવાળો યોગ-ક્ષેમ નિમિત્તે આણેલા બળદોને લઈને વિલાપ કરતો જતો હતો, ત્યારે બીજા કુલીન ઘરના પુત્રે તેને જોયો, અને પૂછ્યું, ‘શા માટે વિલાપ કરે છે?’ તેણે કહ્યું, ‘ભાઈ! આવી આવી રીતે મને છેતરવામાં આવ્યો છે.’ એટલે જેને દયા આવી છે એવા તે કુલપુત્રે કહ્યું, ‘તો એ લોકોના ઘેર જા, અને હું કહું છું તે પ્રમાણે કહેજે.’ પછી તે ગાડાવાળો ગયો, અને ગાન્ધિકપુત્રના ઘેર જઈને કહેવા લાગ્યો, ‘ભાઈ! તમે મારું ધાન્ય ભરેલું ગાડું લઈ લીધું છે, તો આ બળદ પણ લો. ફક્ત મને ખોરાકની બે પાલી આપો, એટલે તે લઈને હું જાઉં. પણ હું જેને તેને હાથે સાથવાની બે પાલી લેતો નથી. પ્રાણથી પણ પ્રિયતમ તમારી પત્ની સર્વ અલંકારોથી વિભૂષિત થઈને તે મને આપે. એથી મને પરમ સંતોષ થશે, અને જીવલોકમાં હું રહું છું એમ માનીશ.’ પછી તેણે સાક્ષી રાખ્યા, અને જે પ્રમાણે કરવાનું હતું તે કહ્યું. થોડીક વારે ગાન્ધિકપુત્રની પત્ની સાથવાની બે પાલી ભરીને નીકળી. તેને ગાડાવાળાએ પોતાના હાથમાં ઉપાડી લીધી, અને ચાલવા માંડ્યો. ગાન્ધિકપુત્રોએ કહ્યું, ‘આ શું કરે છે?’ ગાડાવાળાએ કહ્યું, ‘સાથવાની બે પાલીઓ લઈ જાઉં છું.’ પેલા લોકોએ સાદ પડાવીને મહાજન ભેગું કર્યું. મહાજને સાક્ષીઓને પૂછ્યું કે, ‘આ શું છે?’ તેઓએ જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું. આવેલ મહાજનોએ મધ્યસ્થ થઈને ન્યાય કર્યો, અને તેમાં ગાન્ધિકપુત્રોનો પરાજય થયો. પેલી સ્ત્રીને ગાડાવાળા પાસેથી ઘણા પ્રયત્ને મુકાવી શકાઈ. ગાડું ધનથી ભરીને તેને પાછું આપવામાં આવ્યું. માટે હે કમલસેના! બીજો માણસ જ્યાં આ પ્રકારનો હોય ત્યાં એને કોણ છેતરી શકવાનું હતું?’ આ સાંભળીને કમલસેના હસી, અને તેણે કહ્યું, ‘જાઓ, વિજય કરીને પાછા આવજો.’ પછી કમલસેનાએ વિમલસેનાને કહ્યું, ‘હે વિમલા! આ પુરુષનું જ્ઞાન તો જો!’ ત્યારે વિમલાએ કહ્યું - ‘એ નોકરડાની વાત પણ મારે માટે દ્વેષ્ય છે, એની વાણી પણ મારે માટે દ્વેષ્ય છે, જે સ્થળે એ ઊભો રહ્યો હોય એ ભૂમિ પણ મારે માટે દ્વેષ્ય છે.’ વિમલસેનાનું આ વચન સાંભળીને ધમ્મિલ્લ ત્યાંથી ચાલ્યો ગયો.

યુવરાજ રવિસેન સાથે ધમ્મિલ્લની મૈત્રી

ચંપાનગરીની પાસે ચંદ્રા નામે નદી છે. તેના કિનારે તે થોડીક વાર બેઠો. કમળનાં પત્રો લઈ તે ઉપર અનેક પ્રકારનું પત્રચ્છેદ્ય કર્યું. વૃક્ષની સૂકી છાલની નાવડી બનાવી તેમાં એ પત્રો મૂકીને નાવ નદીમાં તરતી કરી. એ નાવડી વહેતી વહેતી ગંગામાં પહોંચી. એ પછી અનેક પ્રકારનાં છેદ્ય કરતો તે ત્યાં બેઠો. એવામાં નદીકિનારેથી બે માણસોને દોડતા આવતા તેણે જોયા. તેઓએ તેની પાસે આવીને પૂછ્યું, ‘ભાઈ! આ પત્રચ્છેદ્ય કોણે કર્યું છે?’ તેણે જવાબ આપ્યો, ‘મેં.’ તેઓએ કહ્યું, ‘ભાઈ! આ નગરીમાં કપિલ નામે રાજા છે. તેનો પુત્ર રવિસેન યુવરાજ છે. તે લલિત ગોષ્ઠિ-શોખીન, વિદગ્ધ, નાગરિક મિત્રોની સાથે ગંગામાં ક્રીડા કરે છે. તેણે આ પત્રચ્છેદ્ય જોયું, અને જોઈને અમને મોકલ્યા કે, ‘તપાસ કરો, કયા ચતુર પુરુષે આ પત્રચ્છેદ્ય કર્યું છે?’ હવે આપ અમને મળી ગયા છો, માટે કૃપા કરીને રાજપુત્રની પાસે ચાલો.’ એટલે તે ધમ્મિલ્લ તેમની સાથે ગયો. પૂર્વાભાષી યુવરાજે સંભ્રમપૂર્વક તેનું વાણીથી સ્વાગત કર્યું. ધમ્મિલ્લે પણ હાથ જોડી પ્રણામ કરી રાજપુત્રને માન આપ્યું. પછી રાજપુત્રે પૂછ્યું, ‘આપ ક્યાંથી આવો છો?’ ધમ્મિલ્લે જવાબ આપ્યો, ‘કુશાગ્રપુરથી પરિજન સહિત આવું છું.’ એટલે તેણે ગોષ્ઠિકોને આજ્ઞા આપી કે, ‘જલદી ઉતારો સજ્જ કરો.’ ગોષ્ઠિકોના નાયકોએ જ્યારે ખબર આપી કે ‘ઉતારો સજ્જ છે’ ત્યારે પ્રસન્ન થયેલા રાજપુત્રે કહ્યું, ‘ઊઠો, તમારા પરિવાર પાસે જઈને તેનું સ્વાગત કરીએ.’ સર્વ ગોષ્ઠિકોથી પરિવરાયેલો તે ધમ્મિલ્લની સાથે હાથી ઉપર બેસીને નગર બહાર ઉદ્યાન પાસે આવ્યો. કમલસેના અને વિમલસેનાને સાથે લીધી, તથા તેમનો ઉતારામાં પ્રવેશ કરાવ્યો. પછી તે યુવરાજ ‘આ યુવકનું સર્વ કાર્ય કરજો, જેથી તે દુઃખી ન થાય’ એમ ગોષ્ઠિના નાયકોને આજ્ઞા આપીને પોતાના ભવનમાં ગયો. ગોષ્ઠિના નાયકો પણ કરવાનું હતું તે બધું કાર્ય કરીને પોતપોતાને ઘેર ગયા. ધમ્મિલ્લ પણ ઉતારામાં સુખપૂર્વક બેઠો. એ વખતે કમલસેનાએ કહ્યું, ‘આર્યપુત્ર! ગઈ કાલે તમને આવતા જોઈને વિમલસેના બોલી કે, ‘આ કોણ આવે છે?’ મેં કહ્યું કે, ‘આ ધમ્મિલ્લ આવે છે.’ એટલે તેણે કહ્યું, ‘તું એ ભિખારીની વાત પણ ન કરીશ, તેનું નામ પણ ન લઈશ, જે આંખો વડે તે ભિખારીને જોઉં છું એ આંખોનું પણ મારે કામ નથી.’ આ પછી મેં તેને ઠપકો આપ્યો.’ આ પ્રમાણે વિમલસેનાને પ્રસન્ન કરવાના પ્રયત્નમાં દિવસો ચાલ્યા જતા હતા. પછી એક વાર ગોષ્ઠિ સહિત રાજપુત્રે ધમ્મિલ્લની પરીક્ષા માટે તથા કંઈક ઈર્ષ્યાથી મશ્કરી કરવા માટે ઉદ્યાનયાત્રાની આજ્ઞા આપી કે, ‘બધા ગોષ્ઠિકોએ પોતપોતાની પત્નીઓ સાથે આવવું.’ ધમ્મિલ્લે કમલસેનાને કહ્યું, ‘કમલસેના! હવે શું કરવું? ‘આ વિમલા ધમ્મિલ્લની પત્ની હશે કે નહીં હોય?’ એવી શંકાથી, મારા નિમિત્તે જ, આ લોકો ઉદ્યાનયાત્રા કરે છે. માટે શું કરવું એ તું જ કહે.’ ધમ્મિલ્લે આમ કહ્યું એટલે કમલસેના તેની પાસેથી ઊઠીને વિમલસેનાની પાસે ગઈ અને થોડી વારે પાછી આવીને બોલી, ‘સાંભળો, આર્યપુત્ર! મેં તેને કહ્યું કે આવતી કાલે રાજપુત્ર લલિત ગોષ્ઠિની સાથે ઉદ્યાનયાત્રા કરવા જશે. એટલે આપણે પણ ઉદ્યાનમાં જઈશું. માટે તને પ્રસન્ન કરવાનો પ્રયત્ન થવા છતાં તું મૂર્ખ બનીને જવાની ના પાડીશ નહીં. જો આ તને ન ગમતો હોય તો ઉદ્યાનમાં તારા હૃદયને ગમે તેવો વર પસંદ કરી લેજે. હે પુત્રિ! સ્વચ્છંદ બુદ્ધિવાળી ન થઈશ, નહીં તો જેવી રીતે વસુદત્તા દુઃખ પામી, બીજાની વાત નહીં સાંભળતો રિપુદમન નાશ પામ્યો, તેવી દશા તારી પણ થશે.’ આ સાંભળીને તેણે પૂછ્યું, ‘હે માતા, વસુદત્તા કોણ હતી? તે કેવી રીતે દુઃખ પામી?’ ત્યારે મેં કહ્યું, ‘હે સુતનુ! સાંભળ.

સ્વચ્છંદતા વિષે વસુદત્તાનું ઉદાહરણ

ઉજ્જયિની નામે નગરી છે. ત્યાં વસુમિત્ર નામે ગૃહપતિ રહેતો હતો. તેની પત્ની ધનશ્રી, પુત્ર ધનવસુ અને પુત્રી વસુદત્તા નામે હતી. કૌશાંબીનો વતની ધનદેવ સાર્થવાહ વાણિજ્ય પ્રસંગે ઉજ્જયિની આવ્યો હતો, તેને વસુમિત્ર સાર્થવાહે પોતાની પુત્રી વસુદત્તા આપી. લગ્ન થયા પછી ધનદેવ તેને લઈને કૌશાંબી આવ્યો અને માતાપિતા સહિત સુખપૂર્વક રહેવા લાગ્યો. કેટલેક સમયે ધનદેવને વસુદત્તાથી બે પુત્રો થયા. ત્રીજી વાર તેને ગર્ભ રહ્યો અને પ્રસવનો સમય નજીક આવ્યો. એ વખતે ધનદેવ પ્રવાસે ગયો. એવામાં વસુદત્તાએ સાંભળ્યું કે, ‘ઉજ્જયિની તરફ સાર્થ જાય છે.’ આથી પિતામાતા અને બાંધવોને મળવાની ઇચ્છાવાળી તે સાસુ-સસરાની આજ્ઞા માંગવા લાગી કે, ‘હું ઉજ્જયિની જાઉં છું.’ તેઓએ કહ્યું, ‘પુત્રિ! એકલી ક્યાં જઈશ? તારો પતિ પ્રવાસમાં છે. તે આવે ત્યાં સુધી રાહ જો.’ પણ તેણે કહ્યું, ‘હું તો જાઉં છું. પતિ મને શું કહેવાના હતા?’ સાસુ-સસરાએ ફરી વાર વારવા છતાં તેણે સાંભળ્યું નહીં અને સ્વચ્છંદી તથા વડીલોની આજ્ઞા ઉલ્લંઘનારી તે પોતાના પુત્રોને લઈને નીકળી. જેમના કુટુંબનો વૈભવ ક્ષીણ થયો છે એવાં તે સાસુ-સસરા પણ ‘આ આપણું વચન કરશે નહીં’ એમ માનીને ચૂપ રહ્યાં. પછી એ મંદભાગ્ય વસુદત્તા નીકળી, ત્યાં સુધીમાં તો સાર્થ દૂર ચાલ્યો ગયો હતો. સાર્થથી જુદી પડેલી તે માર્ગ ભૂલી જતાં બીજા માર્ગે ગઈ. એનો પતિ તે જ દિવસે પ્રવાસમાંથી આવ્યો. તેણે માતાને પૂછ્યું, ‘માતા! વસુદત્તા ક્યાં ગઈ?’ માતાએ જવાબ આપ્યો, ‘પુત્ર! અમે વારી છતાં ઉજ્જયિનીના સાર્થની સાથે ગઈ.’ સ્ત્રી પુત્રના અનુરાગથી બંધાયેલો તે ‘અહો! અકાર્ય થયું’ એમ બોલતો ભાથું લઈને માર્ગ શોધતો તેની પાછળ ગયો. એમ જતાં જતાં પોતાની પત્નીને અટવીમાં ભમતી તેણે જોઈ. ફરી વાર પત્નીને મનાવીને તેણે પ્રસન્ન કરી. આગળ ચાલતાં તેઓ એક મોટી અટવીમાં પ્રવેશ્યાં. ત્યાં સૂર્ય અસ્ત પામતાં તેઓ રહ્યાં. એ સમયે વસુદત્તાના પેટમાં વેણ ઊપડી. ધનદેવ સાર્થવાહે વૃક્ષની શાખાઓ અને પાંદડાં તોડીને તેને માટે મંડપ કર્યો. ત્યાં વસુદત્તાએ પુત્રને જન્મ આપ્યો. તે વખતે રાત્રિના અંધકારમાં રુધિરની ગંધથી આકર્ષાયેલો, પશુઓનું માંસ ખાનારો, અટવીનાં હિંસક પ્રાણીઓનો પણ કાળ અને મોટા ભયરૂપ વાઘ ત્યાં આવ્યો. સૂતેલા ધનદેવને તે ગળેથી ઉપાડીને લઈ ગયો. પતિના વિયોગથી દુઃખ પામેલી અને ભય, ચિન્તા તથા શોકથી સંતાપ પામેલા હૃદયવાળી તે વસુદત્તા રોતી અને ‘આ બાળક જન્મથી જ અભાગી છે’ એમ બોલતી મૂર્ચ્છા પામી. દયાપાત્ર, અશરણ અને ભયથી જેનાં અંગો કાંપે છે એવાં બાળકો પણ મૂર્ચ્છા પામ્યાં. તે જ દિવસે જન્મેલો બાળક માતાનું દૂધ નહીં મળવાથી મરણ પામ્યો. ઘણી વારે મૂર્ચ્છા વળતાં વિલાપ કરતી તે વસુદત્તા પ્રભાતમાં બે પુત્રોને લઈને આગળ ચાલી. રસ્તામાં આવતી પહાડી નદીમાં અકાલ વૃષ્ટિથી પૂર આવ્યું હતું. આથી તે એક પુત્રને સામે કાંઠે લઈ જઈને બીજાને ઉતારતી હતી તે વખતે વિષમ પથ્થર ઉપર પગ લપસી પડતાં પડી ગઈ, અને બાળક પણ તેના હાથમાંથી નીચે પડી ગયો. પેલો બીજો પુત્ર સામે કાંઠે પાણીની પાસે ઊભો હતો તેણે પણ માતાને પાણીમાં પડતી જોઈ, નદીમાં ભૂસકો માર્યો. બિચારી વસુદત્તા પ્રચંડ પ્રવાહવાળી પહાડી નદીમાં દૂર સુધી ખેંચાઈ ગઈ. ત્યાં કિનારે પડેલા એક ઝાડની ડાળી તેના હાથમાં આવતાં બહાર નીકળી. થોડી વારે સ્વસ્થ થતાં બેઠી થઈ. નદી કિનારે તે બેઠી હતી તે વખતે વનવાસી ચોરોએ તેને પકડી. તેનું નામઠામ પૂછ્યું, અને સિંહગુહા નામે ચોરપલ્લીમાં તેને લઈ ગયા. ત્યાં ચોર-સેનાપતિ કાલદંડની પાસે તેને રાખી. તેને રૂપવતી જોઈને કાલદંડે પોતાની પત્ની બનાવી અને અંત:પુરમાં દાખલ કરી. ચોર-સેનાપતિની બધી પત્નીઓમાં તે મુખ્ય બની. વસુદત્તાના આગમનથી પોતાના પતિનો શરીરસંસર્ગ નહીં પામતી તે ચોર-સેનાપતિની બીજી પત્નીઓ ઉપાય વિચારવા લાગી કે, ‘અમારો પતિ આનો સંસર્ગ ત્યજે કેવી રીતે?’ સમય જતાં વસુદત્તાને પુત્ર થયો, તે પોતાની માતા જેવો હતો. એટલે સપત્નીઓએ ચોર-સેનાપતિને વિનંતી કરી કે, ‘સ્વામી! તમારી વહાલી સ્ત્રીનું ચરિત્ર તમે જાણતા નથી. એ તો પરપુરુષમાં આસક્ત છે. આ પુત્ર તેનાથી જન્મેલો છે. જો વિશ્વાસ ન પડતો હોય તો આ પુત્ર સાથે તમારી જાતને સરખાવો.’ કલુષિત હૃદયવાળા તેણે ખડ્ગ કાઢીને તેમાં પોતાનું શરીર અને પોતાનું મુખ જોયું. પહોળું, મોટા અને કરચલીઓવાળા ગાલવાળું, વિકૃત, બેડોળ અને વાંકા નાકવાળું, લબડતા, સ્થૂલ અને લાંબા હોઠવાળું પોતાનું મુખ જોઈને તથા પછી પુત્રના મુખ તરફ નજર નાખીને તે બોલ્યો કે, ‘બરાબર એમ જ છે.’ પછી પરીક્ષા કરવાની બુદ્ધિ વગરના તે પાપીએ ખડ્ગથી એ બાળકને મારી નાખ્યો. વસુદત્તાને નેતર અને ચાબુકના પરહારો કરીને તથા તેનું માથું મુંડાવીને તેણે ચોરોને આજ્ઞા આપી, ‘જાઓ, આને ઝાડે બાંધો.’ પછી તે ચોરો એને લઈને દૂર સુધી ગયા. ત્યાં માર્ગની બાજુમાં એક સાલ વૃક્ષના થડ સાથે તેને દોરડાંથી બાંધીને તથા આજુબાજુ કાંટાવાળી શાખાઓ ગોઠવીને તેઓ ચાલ્યા ગયા. અનાથ અને અશરણ બિચારી વસુદત્તા પૂર્વકર્મના આ વિપાકને અનુભવતી તથા હૃદયમાં અનેક પ્રકારના વિચારો કરતી ત્યાં બેસી રહી. તેના ભાગ્યયોગે ઉજ્જયિની જતો એક સાર્થ તે જ દિવસે ત્યાંથી થોડે દૂર જળાશયની પાસે પડાવ નાખીને રહ્યો હતો. રસોઈ કરવા માટે તૃણ, શાખા અને પાંદડાંનું બળતણ ભેગું કરવા નીકળેલા એ સાર્થના માણસોએ જેની આજુબાજુ કાંટાઓ ગોઠવેલા હતા એવી, ઝાડના થડ સાથે બંધાયેલી વસુદત્તાને એકલી જોઈ. અને એની હકીકત પૂછી. કરુણ રુદન કરતી તેણે પોતાના અનર્થ અને દુઃખની પરંપરા કહી સંભળાવી. જેમને અનુકંપા થયેલી છે એવા તે સાર્થના માણસોએ તેને છોડી, સાર્થમાં લઈ ગયા, અને સાર્થવાહને બધી વાત કહી. પછી સાર્થવાહે તેને આશ્વાસન આપ્યું તથા ભોજન અને વસ્ત્ર આપીને કહ્યું, ‘પુત્રિ! સાર્થની સાથે તું સુખપૂર્વક ચાલ. ડરીશ નહીં.’ આ પ્રમાણે આશ્વાસન અને ધીરજ મળતાં તે સાર્થની સાથે વસુદત્તા ઉજ્જયિની તરફ જવા લાગી. એ સાર્થની સાથે અનેક શિષ્યાઓના પરિવારવાળી, જિનવચનના સારરૂપ પરમાર્થ જાણનારી, તથા જીવંતસ્વામીની પ્રતિમાનું પૂજન કરતી સુવ્રતા આર્યા પણ ચાલતી હતી. તેની પાસે ધર્મ સાંભળીને તથા સાર્થવાહની અનુજ્ઞા લઈને વસુદત્તાએ દીક્ષા લીધી, અને કાંટાની વાડમાં ઘેરાયેલી દશામાં તે રહી હતી માટે તેનું નામ કંટકા આર્યા રાખવામાં આવ્યું. પછી તે આર્યાઓની સાથે તે ઉજ્જયિની પહોંચી, અને પિતા-માતા તથા સ્વજનોને મળી. તેમને પોતાનાં દુઃખ કહેવાથી જેનો વૈરાગ્ય બમણો થયો છે એવી તે સ્વાધ્યાય અને તપમાં ઉદ્યુક્ત થઈને ધર્મ આચરવા લાગી. માટે હે સુન્દરિ! હું તને કહું છું કે આવાં તથા સ્વચ્છંદ બુદ્ધિવાળાં બીજાં પણ માણસો ઘણાં દુઃખ પામે છે, માટે તું પણ મૂર્ખ ન બનીશ. મારી વાત માન્ય રાખ, જેથી તું પણ અંતે વસુદત્તાની જેમ દુુ:ખ ન પામે.’ આ સાંભળીને વિમલસેનાએ પૂછ્યું,‘વસુદત્તા તો આ રીતે દુઃખી થઈ, પણ રિપુદમન કેવી રીતે નાશ પામ્યો?’ એટલે મેં તેને કહ્યું, ‘હે સુતનુ! સાંભળ:

સ્વચ્છંદબુદ્ધિ રાજા રિપુદમનનું કથાનક

તામ્રલિપ્તિ નામે નગરી છે. ત્યાં રિપુદમન રાજા હતો. તેની રાણી પ્રિયમતી નામે હતી. એ રાજાનો બાલમિત્ર ધનપતિ નામે મહાધનિક સાર્થવાહ ત્યાં રહેતો હતો. એ નગરમાં ધનદ નામે સુથાર રહેતો હતો. તેને એક પુત્ર થયો. ધનદ દરિદ્ર હતો, તેની પત્નીનો વૈભવ પણ ક્ષીણ થઈ ગયો હતો. ચિન્તા કરતાં એ બન્ને પતિપત્ની મરણ પામ્યાં તેમનો પુત્ર ધનપતિ સાર્થવાહના ઘેર ઊછરતો હતો. ખાંડણિયા પાસે બેસતો તે ડાંગરની કુશકી (કુક્કુસે) ખાતો હતો, આથી તેનું નામ ‘કોક્કાસ’ પાડવામાં આવ્યું. આ પ્રમાણે તે મોટો થયો. ધનપતિ સાર્થવાહનો પુત્ર ધનવસુ નામે હતો. એક વાર યવન દેશમાં જવાને માટે તેનું વહાણ સજ્જ કરવામાં આવ્યું. તેણે પોતાના પિતાને વિનંતી કરી, ‘આ કોક્કાસ તમે મને આપો; મારી સાથે યવન દેશમાં એ ભલે આવે.’ પિતાએ તેને મોકલ્યો. પછી વહાણ ઊપડ્યું અને અનુકૂળ પવન હોવાથી ધારેલા બંદરે પહોંચી ગયું. ત્યાં લંગર નાખ્યાં અને સઢ ઉતારી નાખવામાં આવ્યા, એટલે મુસાફર વાણિયાઓ વહાણમાંથી ઊતર્યા. તેમણે સાથે લાવેલો માલ પણ ખાલી કરવામાં આવ્યો, રાજ્યનું દાણ અપાયું અને ત્યાં મુસાફર વાણિયાઓ વેપાર કરવા લાગ્યા. હવે પેલો કોક્કાસ યવન દેશના સાર્થવાહો અને વહાણવટીઓનો એક સુથાર જે પડોશમાં જ રહેતો હતો તેને ઘેર બેસીને દિવસ ગાળતો હતો. એ સુથારના પુત્રોને અનેક પ્રકારનાં કામ શીખવવા પિતા મહેનત કરતો, છતાં તેઓ ગ્રહણ કરતા નહોતા. તેમને કોક્કાસે ‘આમ કરો, આમ થાય’ વગેરે કહ્યું. આથી વિસ્મય પામેલા આચાર્યે (શીખવનાર સુતારે) તેને કહ્યું, ‘પુત્ર! મારી વિદ્યા તું શીખ. હું તને ઉપદેશ આપીશ.’ એટલે કોક્કાસે કહ્યું, ‘સ્વામી! તમે આજ્ઞા આપશો તેમ હું કરીશ.’ પછી તે શીખવા લાગ્યો, અને આચાર્યના શિક્ષણની વિશેષતાથી દરેક પ્રકારનું સુથારી કામ શીખી ગયો; અને એ કામમાં નિપુણ થતાં ગુરુની રજા માગી વહાણમાં બેસીને તામ્રલિપ્તિ ગયો. એ વખતે ત્યાં દુષ્કાળ પડ્યો હતો. આથી કોક્કાસે પોતાના ગુજરાન માટે તેમ જ રાજાને પોતાની કલાની જાણ કરાવવા માટે લાકડાનાં બે પારેવાં બનાવ્યાં. તે પારેવાં દરરોજ ઊડીને અગાશીમાં સૂકવેલી રાજાની ડાંગર લઈને પાછાં આવતાં હતાં. આ પ્રમાણે ધાન્ય હરાતું જોઈને રખેવાળોએ રાજા શત્રુદમનને ખબર આપી. તેણે અમાત્યોને આજ્ઞા આપી કે, ‘તપાસ કરો.’ રાજનીતિમાં કુશળ અમાત્યોએ બધી હકીકત જાણી અને રાજાને ખબર આપી કે, ‘કોક્કાસનાં બે યાંત્રિક પારેવાં ડાંગર લઈ જાય છે.’ રાજાએ કહ્યું, ‘કોક્કાસને બોલાવો.’ બોલાવીને તેને પૂછ્યું, એટલે તેણે સર્વ હકીકત રાજાને જણાવી. આ સાંભળી પ્રસન્ન થયેલા રાજાએ કોક્કાસનો સત્કાર કર્યો અને કહ્યું કે, ‘આકાશગામી યંત્ર તૈયાર કર. તે વડે આપણે બે જણા ઇચ્છિત દેશમાં જઈશું.’ રાજાની આજ્ઞાથી કોક્કાસે યંત્ર તૈયાર કર્યું. તેના ઉપર બેસીને તે તથા રાજા ઇચ્છિત દેશમાં જઈ આવતા હતા. આ પ્રમાણે તેમનો સમય વીતતો હતો. એ જોઈને રાજાની પટ્ટરાણીએ એક વાર તેને વિનંતી કરી, ‘હું પણ તમારી સાથે દેશાન્તર આવવા ઇચ્છું છું.’ એટલે રાજાએ કોક્કાસને બોલાવીને કહ્યું, ‘મહાદેવી પણ આપણી સાથે આવશે.’ કોક્કાસે કહ્યું, ‘સ્વામી! આમાં ત્રીજા માણસને બેસાડવું યોગ્ય નથી, કારણ કે આ વાહન બેનો જ ભાર વહી શકે એમ છે.’ પણ તે સ્વચ્છંદ બુદ્ધિવાળી રાણીને વારવા છતાં તેણે ખૂબ આગ્રહ કર્યો, એટલે એ અબુધ રાજા તેની સાથે યંત્ર ઉપર બેઠો. એટલે કોક્કાસે કહ્યું, ‘તમને પશ્ચાત્તાપ થશે; તમે જરૂર પડી જશો.’ આમ કહીને તે પણ યંત્ર ઉપર બેઠો. દોરીઓ ખેંચી, જેનાથી આકાશગમન થતું હતું તે યંત્રકીલિકા (યાંત્રિક ખીલી-કળ) દાબી. એટલે તેઓ બધાં આકાશમાં ઊડ્યાં. આ પ્રમાણે ઊડતાં ઘણાં યોજનો તેઓ વટાવી ગયાં, એટલે અત્યંત ભારને કારણે દોરીઓ તૂટી ગઈ, યંત્ર બગડી ગયું, કીલિકા પડી ગઈ અને ધીરે ધીરે તે વાહન ભૂમિ ઉપર આવ્યું. એટલે કોક્કાસે રાજાને કહ્યું, ‘તમે થોડીક વાર અહીં બેસો, એટલામાં હું તોસલિનગરમાં જઈને યંત્ર સાંધવાનાં સાધનો લઈ આવું.’ એમ કહીને કોક્કાસ ગયો, એટલે મહાદેવી સાથે રાજા ત્યાં બેઠો. પછી કોક્કાસે (નગરમાં) સુથારના ઘેર જઈને વાંસી માગી. સુથારે જાણ્યું કે, ‘આ કોઈ શિલ્પીનો પુત્ર છે.’ પણ તેણે કહ્યું, ‘મારે રાજાનો રથ જલદી તૈયાર કરવાનો છે, એટલે વાંસી આપી શકું એમ નથી.’ કોક્કાસે કહ્યું, ‘લાવો, રથ હું તૈયાર કરી આપું.’ એટલે તેણે વાંસી આપી, અને કોક્કાસે તે લીધી. સુતારનું ધ્યાન સહેજ બીજી તરફ હતું, એટલામાં તો ઘડીક વારમાં કોક્કાસે રથનાં બે પૈડાં જોડી દીધાં. આ જોઈને સુથાર વિસ્મય પામ્યો, અને તેણે ધાર્યું કે ‘આ કોક્કાસ જ હોવો જોઈએ.’ એટલે તેણે કહ્યું, ‘ઘડી વાર ઊભા રહો, ઘરમાંથી બીજી વાંસી હું લઈ આવું. તે લઈને તમે જજો.’ આમ કહીને તે સુથાર તોસલિનગરના કાકજંઘ રાજા પાસે ગયો અને બધી હકીકત કહી. રાજાએ કોક્કાસને બોલાવી મંગાવ્યો, અને તેનો સત્કાર કર્યો. રાજાએ તેને પૂછ્યું, ‘તમે ક્યાંથી આવો છો?’ એટલે તેણે બધું કહ્યું. રાજા અમિત્રદમનને પણ દેવી સાથે તેડી લાવવામાં આવ્યો. રાજાને કેદ કરીને દેવીને અંત:પુરમાં દાખલ કરવામાં આવી. કાકજંઘે કોક્કાસને આજ્ઞા આપી, ‘હવે તું કુમારોને શીખવ.’ કોક્કાસે કહ્યું, ‘કુમારોને આ વિદ્યાનું શું કામ છે?’ આમ વારવા છતાં રાજાએ તેના ઉપર બળજબરી કરતાં તે શીખવવા લાગ્યો. પછી તેણે બે ઘોટક-યંત્રો (ઊડતા ઘોડા) બનાવ્યાં, અને આકાશગમનને માટે સજ્જ કર્યાં. પણ કાકજંઘ રાજાના બે પુત્રો પોતાના ગુરુ ઊંઘી ગયા તે વખતે એ યંત્ર-ઘોટક ઉપર બેઠા અને તે યંત્રોને દબાવતાં તેઓ આકાશમાં ઊડ્યા. કોક્કાસ જાગ્યો, એટલે તેણે પૂછ્યું, ‘કુમારો ક્યાં ગયા?’ માણસોએ કહ્યું કે, ‘તેઓ યંત્રો ઉપર બેસીને ગયા.’ એટલે કોક્કાસ બોલ્યો, ‘અહો! અકાર્ય થયું. જરૂર તેઓ નાશ પામશે; કારણ કે પાછા વળવાની કળ તેઓ જાણતા નથી.’ રાજાએ આ સાંભળ્યું અને પૂછ્યું કે, ‘કુમારો ક્યાં ગયા?’ કોક્કાસે જવાબ આપ્યો, ‘તેઓ ઘોડા લઈને ગયા છે.’ આથી રોષ પામેલા રાજાએ કોક્કાસનો વધ કરવાની આજ્ઞા આપી. એક કુમારે કોક્કાસને આ ખબર આપી. આ વચન સાંભળીને કોક્કાસે ચક્રયંત્ર સજ્જ કર્યું. તેણે કુમારોને કહ્યું કે, ‘તમે બધા આની ઉપર બેસો. જ્યારે હું શંખશબ્દ કરું ત્યારે તમે બધા એકી સાથે વચ્ચેની કળ ઉપર પ્રહાર કરજો. એટલે વાહન આકાશમાં ઊડશે.’ કુમારો પણ ‘ભલે’ એમ કહી ચક્રયંત્ર ઉપર બેઠા. કોક્કાસને વધ માટે લઈ જવામાં આવ્યો. મરતી વખતે તેણે શંખ વગાડ્યો. એ શંખ શબ્દ સાંભળીને કુમારોએ યંત્રની વચલી કળ ઉપર પ્રહાર કર્યો; એટલે તેમાંથી શૂળો નીકળતાં તેઓ બધા વીંધાઈ ગયા. આ બાજુ કોક્કાસનો પણ વધ થયો. પછી રાજાએ પૂછ્યું કે, ‘કુમારો ક્યાં ગયા?’ સેવકોએ તેને કહ્યું કે, ‘તેએ બધા ચક્રયંત્રમાં શૂળીઓથી વીંધાઈ ગયા છે.’ આ સાંભળીને રાજા નિસ્તેજ અને શૂન્ય થઈ ગયો અને ‘અરેરે! અકાર્ય થયું !’ એમ બોલતો શોકસંતપ્ત હૃદયવાળો તે વિલાપ કરતો મરણ પામ્યો. તે શત્રુદમન રાજા તેમ જ કુમારો સ્વચ્છંદ બુદ્ધિને કારણે નાશ પામ્યા, માટે હે વિમલા! તું સ્વચ્છંદ બુદ્ધિવાળી ન થઈશ, નહીં તો તું પણ દુઃખ પામીશ. આ ધમ્મિલ્લ સર્વ કલાઓમાં ચતુર, નવયુવાન અને તરુણ છે. એનાથી સુંદર બીજો કોણ છે? હે આર્યપુત્ર! મેં આમ કહેતાં વિમલસેનાએ મારી બધી વાત માની.’

ધમ્મિલ્લની ઉદ્યાનયાત્રા અને વિમલસેનાની ધમ્મિલ્લમાં પ્રેમાસક્તિ

કમલસેનાની આ વાત સાંભળીને ધમ્મિલ્લ અત્યંત પ્રસન્ન થયો. પછી તે દિવસ આથમી ગયો, રાત્રિ વીતી ગઈ, વિમલ પ્રભાત થયું અને સર્વ લોકનો સાક્ષી સૂર્ય ઊગ્યો, એટલે યુવરાજ લલિત ગોષ્ઠિની સાથે નીકળીને ઉદ્યાનમાં ગયો. તે સાંભળીને ધમ્મિલ્લ અનેક પ્રકારનાં મણિ અને રત્નનાં આભરણોથી અલંકૃત થઈને તથા વિવિધરંગી વસ્ત્રો પહેરીને કમલસેના અને વિમલસેનાની સાથે રથમાં બેસી ઉદ્યાન તરફ ગયો અને ઉપવનમાં પ્રવેશ્યો. પછી ત્યાં નોકરોએ રેશમી તંબૂઓ નાખ્યા તથા અતિ સુંદર મંડપો બાંધ્યા. પોતાના પ્રચ્છાદન માટે તેમણે કનાતો ઊભી કરી તથા કુલવધૂઓને યોગ્ય એવી શય્યાઓ તૈયાર કરી. યુવરાજની આજ્ઞાથી ઉત્તમ ભૂમિમાં ભોજનમંડપ રચવામાં આવ્યો. ત્યાં ટોપલે ટોપલે ફૂલ વેરવામાં આવ્યાં, યોગ્ય આસનો મુકાયાં અને ગંધ, વસ્ત્ર અને આભરણ ધારણ કરીને સર્વે ગોષ્ઠિની અંદર પોતાના વૈભવ પ્રમાણે અને યુવરાજની અનુજ્ઞા અનુસાર મણિનાં આસનો ઉપર બેઠા. કનક, રત્ન અને મણિનાં બનાવેલાં પાત્રો સર્વને આપવામાં આવ્યાં, એટલે ધમ્મિલ્લ પણ પ્રિયા વિમલસેનાની સાથે બેઠો અને તેની બાજુમાં કમલસેના બેઠી. પછી હાથ ધોઈને સર્વે વિવિધ પ્રકારનાં ખાદ્ય, ભોજન અને પેય પદાર્થો એકબીજાને આપવા લાગ્યા. આ રીતે તેઓ પરસ્પર સાથેનો પ્રીતિવિશેષ અનુભવતા હતા. ગોષ્ઠિકોની સાથે યુવરાજ વિમલાની સાથે બેઠેલા ધમ્મિલ્લને જોતાં તૃપ્તિ પામતો નહોતો અને ખૂબ વિસ્મિત થયો. પછી ત્યાં મદવિહ્વલ યુવતીઓનાં નૃત્ય, ગીત અને વાદિત્ર પૂરાં થયાં એટલે તે જોઈને ધમ્મિલ્લને અભિનંદન આપતો યુવરાજ ગોષ્ઠિની સાથે ઊઠ્યો અને વાહનમાં બેસીને પોતાના ભવનમાં ગયો. ધમ્મિલ્લ પણ વિમલસેના અને કમલસેનાની સાથે રથમાં બેસીને ઘેર ગયો. પ્રથમ સમાગમ માટે ઉત્સુક હૃદયવાળા તેણે વિમલાની સાથે દિવસ ગાળ્યો. પછી જ્યારે સૂર્ય અસ્ત પામ્યો, સંધ્યા થઈ, દીવા પ્રકટાવ્યા, શય્યાઓ રચાઈ અને રતિને યોગ્ય પુષ્પ, ગંધ અને અલંકારો ધારણ કરાયા તે સમયે કમલસેનાએ વિમલસેનાને નવવધૂને યોગ્ય શણગાર કર્યો. લજ્જાથી નમેલા મુખવાળી વિમલાને લઈને તે ધમ્મિલ્લની પાસે ગઈ અને તેને કહ્યું, ‘આર્યપુત્ર! આ રાજપુત્રી છે, માટે તેનું સારી રીતે પાલન કરજો.’ આમ કહીને કમલા ગઈ. પછી ધમ્મિલ્લે દેવાધિદેવને પ્રણામ કરીને, પોતાના જમણા હાથથી વિમલાનો જમણો હાથ પકડી તેને ખોળામાં બેસાડી અને ગાઢ આલિંગન કર્યું. જેના સર્વાંગે રોમાંચ થયાં છે એવી તથા સ્વભાવથી મૃદુ અંગોવાળી તે વિમલા નવા મેઘની ધારાથી છંટાયેલી ધરતીની જેમ આશ્વાસન પામી અને પોતે અંગો સહિત ધમ્મિલ્લના હૃદયમાં પ્રવેશી. રતિ-રસાયણની તૃષ્ણાવાળા ધમ્મિલ્લે રાજકન્યાને રતિસુખ પાયું. એ પ્રમાણે રતિપ્રસક્ત એવાં તે બન્નેની રાત વીતી ગઈ. પરસ્પરમાં સ્નેહાનુરક્ત તેમનો સમય સુખેથી વીતવા લાગ્યો.

નાગદત્તા સાથે ધમ્મિલ્લનાં લગ્ન

એક વાર પ્રણયવિષયક સંધિવિગ્રહ (રિસામણાં-મનામણાં)માં કોપેલી વિમલાને મનાવતો ધમ્મિલ્લ બોલ્યો કે, ‘પ્રિયે વસન્તતિલકે! ઝાઝી રીસ ન કરીશ. તારા સેવકજન ઉપર અનુગ્રહ કર અને પ્રસન્ન થા.’ એટલે અપૂર્વ વચનવાળી અને ઈર્ષ્યાના રોષને લીધે જેનું સર્વાંગ કંપ્યું છે એવી, તે વિમલા બોલી કે, ‘અરે અનાર્ય! ક્યાં છે તારી વસન્તતિલકા?’ પછી અશ્રુપૂર્ણ નયનોવાળી, ભરાઈ ગયેલા ગદ્ગદ હૃદયવાળી, જેણે દાંત વડે હોઠ દબાવ્યા છે એવી, ત્રણ રેખાઓ વડે યુક્ત કપાળ ઉપર ભ્રૂકુટિ વાંકી કરીને અવ્યક્ત બોલતી, માથું ધુણાવતી, જેનો અંબોડો છૂટી ગયો છે એવી, અંબોડામાંથી છૂટી પડેલાં ઊછળતાં કુસુમોવાળી, તથા જેનું ખસી પડતું રક્તાંશુક કટિમેખલામાં વળગી રહ્યું છે એવી તે વિમલસેનાએ વિવિધ પ્રકારના મણિ સહિત વિચિત્ર મુક્તાજાળ વડે કમળદલ જેવા કોમળ, રક્ત અશોકના સ્તબક જેવા રાતા, સુંદર અળતાના રસથી આર્દ્ર અને કોપને કારણે પ્રસ્વેદયુક્ત એવા પોતાના પગ વડે ધમ્મિલ્લને લાત મારી. રોષથી પરવશ થયેલા હૃદયવાળી તેણે કહ્યું, ‘જાઓ, એ વસન્તતિલકા તમારા ઉપર અનુગ્રહ કરશે.’ વિમલાના ઈર્ષ્યા-રોષનું બહાનું મળવાથી જેને સંતોષ થયેલો છે એવો, અંદરના સુખથી હૃદયમાં હસતો તે ધમ્મિલ્લ ઘરમાંથી બહાર નીકળ્યો; અને રાજમાર્ગ ઉપર ગયો. ત્યાં રાજમાર્ગની નજદીક રાત્રિના છેલ્લા પહોરે અર્ધા બંધ કરેલા કમાડવાળું, જેમાં દીવો લટકતો હતો, અને સુગંધી કાળા અગરનો ઉત્તમ ધૂપ બળતો હતો એવું નાગગૃહ (નાગનું મન્દિર) તેણે જોયું. તેણે એમાં પ્રવેશ કર્યો અને નાગદેવતાને પ્રણામ કરીને અનેક પ્રકારના વિચાર કરતો બેઠો. એટલામાં જેણે હાથમાં કરંડિયો લીધેલો છે એવી તથા સુંદર ખીલતા નવયૌવનવાળી તરુણીને તેણે પરિચારિકાની સાથે આવતી જોઈ. એ યુવતી મન્દિર તરફ પૂજાને માટે આવી, હાથપગ ધોઈને તેણે નાગગૃહમાં પ્રવેશ કર્યો, નાગેન્દ્રની પૂજા કરી અને પ્રણામ કરીને કહ્યું, ‘ભગવન્! પ્રસન્ન થાઓ.’ એટલે ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! તારા હૃદયના ઇચ્છિત મનોરથ પૂરા થાઓ.’ પછી તે સુન્દરી સંભ્રમપૂર્વક ઊઠી, તો તેણે ધમ્મિલ્લને જોયો. ધમ્મિલ્લે પણ નવયૌવનશાલી, સહજ ઊગેલી રોમરાજિવાળી, પુષ્ટ અને વૃદ્ધિ પામતા પયોધરવાળી, ઊંચી અને લાંબી નાસિકાવાળી, તાજાં કમલપત્રો જેવાં કાન્તિયુક્ત નયનોવાળી, બિંબફળ જેવા સુંદર હોઠવાળી, નિર્મળ દંતપંક્તિવાળી તથા પૂર્ણિમાના સંપૂર્ણ ચંદ્ર જેવા વદનવાળી તે સુંદરીને જોઈ. એને જોઈને તે પરમ વિસ્મય પામ્યો. સુન્દરીએ પૂછ્યું, ‘આર્યમિશ્ર ક્યાંથી આવે છે?’ ધમ્મિલ્લે ઉત્તર આપ્યો, ‘સુન્દરિ! હું કુશાગ્રપુરથી આવું છું.’ એટલે હરિણી જેવા નયનવાળી તે સુન્દરી વિસ્મયપૂર્વક ધમ્મિલ્લને જોઈને નિઃશ્વાસ નાખી, નીચું મુખ કરી, ડાબા પગના અંગૂઠાથી ભૂમિ ખોતરતી ઊભી રહી. પછી ધમ્મિલ્લે પૂછ્યું, ‘સુન્દરિ! તું કોણ છે?’ એટલે મધુરભાષિણી એવી તેણે કહ્યું, ‘આર્યપુત્ર! આ નગરમાં નાગવસુ નામે સાર્થવાહ છે, તેની પત્ની નાગદિન્ના છે. તેમની કન્યા હું નાગદત્તા છું. મારા ભાઈનું નામ નાગદત્ત છે. આ નાગેન્દ્ર પાસે હું મારો હૃદયનો ઇચ્છેલો વર માાગું છું અને નાગેન્દ્રનું પૂજન કરવા દરરોજ અહીં આવું છું. મારા સદ્ભાગ્યે તમે અહીં આવ્યા છો, અને જોતાં વેંત જ મારા હૃદયમાં પ્રવેશ્યા છો. મારો મનોરથ પૂર્ણ થયો છે.’ આમ કહીને તે પોતાને ઘેર ગઈ. ઘેર જઈને તેણે પોતાની માતાને બધું કહ્યું. તેનાં માતાપિતા, સ્વજન અને પરિજન આ સાંભળીને પ્રસન્ન થયાં. એ નગરમાં જાહેર રીતે તેમનું લગ્ન થયું.

રાજકન્યા કપિલાનો સ્વયંવર

એ જ નગરમાં કપિલ રાજાની પુત્રી કપિલા નામે હતી. તે નાગદત્તાની સખી હતી. તેણે સાંભળ્યું કે, ‘નાગદત્તાને વર મળ્યો છે અને તેનું લગ્ન થઈ ગયું છે. એ વર પણ પુરુષગુણોનો ભંડાર અને નવયુવાન છે.’ એટલે મદનના બાણથી શોષાતા હૃદયવાળી તેણે માતાને કહ્યું, ‘માતા! કૃપા કરીને મને જલદી સ્વયંવર આપો.’ પુત્રીવત્સલ માતાએ કપિલ રાજાને વિનંતી કરી કે ‘કપિલાને સ્વયંવર આપો.’ રાજાએ કહ્યું, ‘ભલે, એમ કરો.’ પછી રાજાએ શુભ દિવસે કપિલાનો સ્વયંવર કર્યો. પોતાના વૈભવ અનુસાર વેશ અને અલંકાર પહેરેલા ધનાઢ્યો અને કૌટુમ્બિકોના પુત્રો અને બીજા પણ વૈભવ પ્રમાણે વેશ ધારણ કરેલા ઈભ્યપુત્રોને બેસાડવામાં આવ્યા. વિનીત વેશ અને આભરણવાળો ધમ્મિલ્લ પણ ત્યાં ગયો. પછી પદ્મખંડમાં વસતી લક્ષ્મી સમાન તે રાજકન્યા પોતાની કાન્તિ વડે લોકોની દૃષ્ટિને આકર્ષતી સ્વયંવરમંડપમાં આવી. રૂપાતિશયથી યુક્ત તેને ધમ્મિલ્લે જોઈ. દેવકુમાર જેવી કાન્તિવાળા ધમ્મિલ્લને તેણે પણ સ્નિગ્ધ અને મધુર દૃષ્ટિથી અવલોક્યો. મદનના બાણથી ઘાયલ હૃદયવાળી તે ધમ્મિલ્લની પાસે ગઈ, સુવાસિત પુષ્પની માળા ધમ્મિલ્લના ગળામાં પહેરાવી, અને માથા ઉપર અક્ષત નાખ્યા. એ જોઈને લોકો ખૂબ વિસ્મય પામ્યા. સ્વયંવર થઈ ગયો અને રાજાની આજ્ઞાથી ધમ્મિલ્લને ભવનમાં લઈ જવામાં આવ્યો. રાજકુળને છાજે તેવી રીતે તેમનું લગ્ન થયું. આ વાત આમ બની. બીજી બાજુ, ધમ્મિલ્લના વિયોગથી દુર્બળ અને ફિક્કા કપોલવાળી અને શોકસાગરમાં ડૂબેલી વિમલસેના દુઃખપૂર્વક રહેતી હતી. પછી બીજા દિવસે રાજાની સંમતિથી ધમ્મિલ્લને કપિલા તથા પરિજનો સહિત નગરમાં ફેરવવામાં આવ્યો. સર્વ રિદ્ધિ અને વૈભવ સહિત ફરતો તે વિમલસેનાના ઘરના અગ્ર દ્વાર આગળ આવ્યો. એટલે નોકરો અને દાસદાસીઓ ‘રાજાએ પોતાની કન્યા કોની સાથે પરણાવી છે?’ એ જોવાને માટે બહાર નીકળ્યાં. તેમણે ધમ્મિલ્લને જોયો, એટલે ઉતાવળે વિમલસેનાની પાસે જઈને કહ્યું, ‘સ્વામિનિ! ધમ્મિલ્લ રાજાનો જમાઈ થયો છે.’ આ વચન સાંભળીને ઈર્ષ્યાથી જેનું શરીર કંપ્યું છે એવી વિમલસેના પોતાના હૃદય સાથે વિચાર કરી ‘મારે શા માટે બેસી રહેવું?’ એમ નક્કી કરી હાથપગ ધોઈ, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, સોનાની ગજમુખી ઝારીમાં અર્ઘ્ય લઈને નીકળી. વાહનની પ્રદક્ષિણા કરીને તેણે ધમ્મિલ્લનો જમણો હાથ ઊંચો કરીને કહ્યું, ‘સ્વામી! તમારી રીત જોઈ લીધી.’ આ સાંભળી ધમ્મિલ્લે તેને તે જ હાથથી પકડીને વાહનમાં બેસાડી. પછી ધમ્મિલ્લ રાજમહેલમાં પહોંચ્યો અને વાહનમાંથી ઊતર્યો. ત્યાં તેનું કૌતુકમંગલ કરવામાં આવ્યું. પછી કપિલા અને વિમલાની સાથે સુખ અનુભવતો તે રહેવા લાગ્યો.

કામોન્મત્ત વિદ્યાધરનો વૃત્તાન્ત

એક વાર રાજાની પાસે એક ઘોડો લાવવામાં આવ્યો. તેને ધમ્મિલ્લ પલોટવા માંડ્યો. અશ્વપાલોએ ઘોડાને ચોકઠું ચડાવ્યું, લગામો બાંધી, સર્વ રીતે સજ્જ કર્યો, તંગ બાંધ્યા, ઘૂઘરીઓ લટકાવી, મુખને શોભા આપનારા ચામરો બાંધ્યાં, અને પાંચે પ્રકારનાં અશ્વ-આભૂષણોથી તેને અલંકૃત કર્યો, એટલે સુતરાઉ વસ્ત્ર પહેરેલો, અર્ધા પગ ખુલ્લા રહે તેવું (ચડ્ડી જેવું) અધોવસ્ત્ર ધારણ કરેલો, જેણે સુગંધી પુષ્પોનો શેખર બાંધ્યો છે એવો, વિચિત્ર અલંકારોથી શોભતા સર્વાંગવાળો અને વ્યાયામથી ચપળ શરીરવાળો ધમ્મિલ્લ પક્ષીની જેમ લીલાપૂર્વક તે ઘોડા ઉપર આરૂઢ થયો. ડાબા હાથમાં તેણે લગામનો દોર લીધો, અને વિશદતાથી મૃદુ એવા જમણા હાથમાં ચાબુક લીધો. બરાબર બેઠક લગાવી, અને સાથળ દબાવીને ઘોડાને થોડેક સુધી ચલાવ્યો. જાતવંત અને સવારનું ચિત્ત પારખનાર તે ઘોડાએ ધમ્મિલ્લની મનોવૃત્તિ જાણી લીધી. ધમ્મિલ્લ વડે પ્રેરાયેલો અને ચાબુકનો પ્રહાર પામેલો તે અશ્વ પલોટાયો, અને ધીરે ધીરે દોડતાં છેવટે પાંચમી વેગધારાને પણ વટાવીને જેનો પ્રતિકાર ન થઈ શકે તેવો મસ્ત થઈ ગયો. ધમ્મિલ્લ પણ વિચાર કરીને એ દોડતા ઘોડાનો વશવર્તી બન્યો. ઘોડો પણ ઘણે દૂર સુધી દોડીને, ઊંચાનીચા પ્રદેશો વટાવીને કનકવાલુકા નદીની પાસે પોતાની ઇચ્છાથી જ ઊભો રહ્યો. પછી ધમ્મિલ્લ પોતાની મેળે નીચે ઊતર્યો, પલાણ ઉતાર્યું, તંગ છોડ્યા અને ઘોડાને પણ છોડી મૂક્યો. ઘોડાનો બધો સામાન વૃક્ષની શાખાએ લટકાવ્યો. પછી કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર ધમ્મિલ્લ દક્ષિણ દિશા તરફ ચાલ્યો. કનકવાલુકા નદી તેણે ઓળંગી તે વખતે વૃક્ષની શાખાએ લટકાવેલી, સારી રીતે મઢેલા રંગબેરંગી મણિની મૂઠવાળી, ગ્રૈવેયક (કંઠનો એક અલંકાર) જેવી સુશોભિત, પાકાં બોરના જેવી કાન્તિવાળી, કમળમાં વીંટેલી તલવાર જોઈ તેણે વિચાર્યું કે, ‘આ તલવાર કોની હશે?’ આજુબાજુ જોઈને તેણે એ તલવાર લીધી અને મ્યાનમાંથી બહાર કાઢી. તલના તેલની ધાર જેવી, અતસી-પુષ્પની આંખ જેવી નીલ પ્રભાવાળી, આશ્ચર્યપૂર્વક જોવાય તેવી, જાણે કે પ્રસન્નતાથી ભમતી હોય અને હળવાપણાથી ઊછળતી હોય તેવી, વીજળીની જેમ આંખને ઝંખાવતી અને દર્શનીય એ તલવારને તેણે જોઈ. તેણે વિચાર કર્યો કે, ‘આની ધાર કેવી છે તે તો જોઉં.’ કઠિન, ઊંડાં અને અંદરોઅંદર બંધાઈ ગયેલાં મૂળવાળાં અત્યંત કુટિલ જાળાંથી યુક્ત, અન્યોન્ય ગીચ બની ગયેલા વાંસવાળા, અને લાંબી શાખાઓ અને પત્ર વડે જે છેક છેડા સુધી છવાઈ ગયેલો છે એવા પાસે રહેલા વાંસના ગુલ્મને તેણે જોયો. તેની પાસે જઈને વિશાખાસ્થાનમાં૧ ઊભા રહીને, જોરથી મૂઠી વાળીને તેણે તલવારનો ઘા કર્યો. મોટા મોટા સાઠ વાંસ, કેળના સાંઠાની જેમ, એ તલવારથી કપાઈ ગયા. આ જોઈને ધમ્મિલ્લ ખૂબ વિસ્મય પામ્યો. ‘અહો! આ તલવારની તીક્ષ્ણતા કેટલી અભંગ અને અપ્રતિહત છે!’ એમ વિચાર કરતો એ વાંસના જાળાની પ્રદક્ષિણા કરી જવા લાગ્યો. તો ત્યાં કોઈ પુરુષનું કુંડલવાળું અને રુધિરની ખરડાયેલું કપાયેલું માથું તેણે જોયું; તથા એ વાંસના જાળાના મધ્ય ભાગમાં અગ્નિકુંડ જોયો. ‘અહો અનર્થ થયો!’ એમ વિચારી, હાથ ધુણાવી તલવારને પાછી મ્યાનમાં મૂકી, ‘અરે! તલવાર કેટલા દોષ કરાવનાર છે!’ એમ બોલીને ત્યાંથી ચાલ્યો ગયો. ચાલતાં પોતાની સામેના ભાગમાં તેણે લીલાં પત્ર, પલ્લવ અને શાખાઓથી સુશોભિત વનપ્રદેશ જોયો, અને અનેક પ્રકારનાં પક્ષીઓના કલરવથી શબ્દાયમાન, વિવિધ જાતિનાં કમળથી શોભાયમાન તથા પ્રસન્ન, સ્વચ્છ અને શીતલ પાણીવાળું જળાશય જોયું. તેના કિનારે આશ્ચર્યજનક અને દર્શનીય રૂપવાળી એક કન્યા તેની નજરે પડી. એ જોઈને તેણે વિચાર્યું કે, ‘શું આ વનપ્રદેશની આ દેવતા હશે?’ આમ વિચાર કરતો ધમ્મિલ્લ તેની પાસે ગયો, અને પૂછ્યું, ‘સુતનુ! તું કોણ છે? ક્યાં રહે છે? અને ક્યાંથી આવે છે?’ ત્યારે મૃદુ અને મધુરવચનવાળી તેણે કહ્યું, ‘સાંભળો, આર્યપુત્ર! - અહીં દક્ષિણ તરફની વિદ્યાધરશ્રેણિમાં શંખપુર નામે વિદ્યાધરોનું નગર છે. ત્યાં પુરુષાનન્દ નામે રાજા છે, તેની પત્ની શ્યામલતા છે. તેમને કામોન્મત્ત નામે પુત્ર છે અને વિદ્યુન્મતી તથા વિદ્યુલ્લતા નામે બે પુત્રી છે. એક વાર વિદ્યાધરશ્રેણિમાં કનકગિરિના શિખર ઉપર ધર્મઘોષ નામે ચારણ શ્રમણ સમોસર્યા. તેઓ જ્ઞાનાતિશયવાળા હતા. તેમનું આગમન સાંભળીને સર્વે વિદ્યાધરો વંદન કરવાને નીકળ્યા. ધર્મપ્રેમથી અને કંઈક કુતૂહલથી વિદ્યાધરી શ્યામલતા પણ ત્યાં ગઈ. જેમણે રાગ, દ્વેષ અને મોહ દમ્યા છે એવા તે ભગવાનને વંદન કરીને તે ધર્મ સાંભળવા લાગી. ઉપદેશ પૂરો થતાં તે ફરી વાર ચારણશ્રમણને પૂછવા લાગી, ‘હે ભગવન્! મારી પુત્રીઓનો પતિ કોણ થશે?’ એટલે પોતાના જ્ઞાનાતિશયથી જાણીને સાધુએ કહ્યું, ‘જે કામોન્મત્ત વિદ્યાધરને મારશે તેની એ પત્નીઓ થશે.’ પછી સાધુનું વચન સાંભળીને હર્ષ અને વિષાદયુક્ત વંદનવાળી તે સાધુને વંદન કરીને પોતાને ઘેર ગઈ. કામોન્મત્ત વિદ્યાધર પોતાની બહેનો સાથે વિદ્યા સાધવા માટે આ વનપ્રદેશમાં આવ્યો. કનકવાલુકા નદીની પાસે તેણે વિદ્યાના પ્રભાવથી ભવન વિકુર્વ્યું. પછી ખેટ, નગર અને પટ્ટણોમાં ફરતો તે રાજાઓ, શ્રેષ્ઠીઓ, ઈભ્ય અને સાર્થવાહોની સોળ કન્યાઓ પોતાની સાથે લાવ્યો. ‘મારી વિદ્યાઓ સિદ્ધ થતાં આ કન્યાઓ સાથે લગ્ન કરીશ’ એમ નક્કી કરીને તેણે તે કન્યાઓને અહીં રાખી. એક વાર અમે આનંદમાં બેઠાં હતાં ત્યારે તેની બહેન વિદ્યુન્મતીએ અમને આ બધું કહ્યું. અને હે આર્યપુત્ર! મેં પણ તમને તે જ કહ્યું છે. અમારામાં સૌથી પહેલી, રૂપમાં શ્રી સમાન શ્રીચંદા છે. આ ઉપરાંત સર્વાંગસુન્દરી વિચક્ષણા અને શ્રીસેના, ગંધર્વવિદ્યા અને ગાયનમાં કુશળ શ્રી, નૃત્ય, ગીત અને વાજિંત્રની વિશારદ સેના, રાગરાગિણીઓની રચનામાં કુશળ વિજયસેના, માળાઓ બનાવવામાં કુશળ શ્રીસોમા, દેવતાઓની પૂજામાં આસક્ત શ્રીદેવા, શય્યા રચવામાં નિપુણ સુમંગલા, આખ્યાયિકાઓમાં અને પુસ્તકવાચનમાં કુશળ સોમપુત્રા, વિશિષ્ટ કથા-વિજ્ઞાન અને નાટ્ય્શાસ્ત્રની જાણકાર મિત્રવતી, સ્વજનોનું સ્વાગત કરવામાં નિપુણ યશોમતી, વિવિધ પ્રકારના વ્યાખ્યાનમાં વિશારદ ગાંધારી, પત્રચ્છેદ્યની કલામાં વિચક્ષણ શ્રીમતી, પાણીને સુવાસિત કરવામાં કુશળ સુમિત્રા, અને હું મિત્રસેના એમ સર્વે મળીને અમે સોળ જણીઓ, હે આર્યપુત્ર, આ ભવનમાં રહીએ છીએ. ‘જ્યારે કામોન્મત્ત વિદ્યાઓ સાધી લેશે ત્યારે તે તમારું પાણિગ્રહણ કરશે’ એમ તેની બહેનો કહે છે. નવયૌવનમાં રહેલી, સહજ ઊગેલી રોમરાજિવાળી, વિકસતા સ્તનયુગલવાલી અને રતિરસની આકાંક્ષાવાળી અમે સર્વે તેની વિદ્યાઓ સિદ્ધ થવાની રાહ જોતી અહીં રહીએ છીએ. તે વિદ્યાધર સામે વાંસના જાળામાં બેઠેલો છે.’ એટલે ધમ્મિલ્લે વિચાર કર્યો કે, ‘નક્કી, એ જ વિદ્યાધરને મેં મારી નાખ્યો છે.’ પછી તેણે કહ્યું, ‘હે સુતનુ! તલવારની તીક્ષ્ણતાની પરીક્ષા કરવાના કુતૂહલમાં મેં તેને કાપી નાખ્યો. તે મરણ પામ્યો છે.’ એટલે તે સાંભળીને વિષણ્ણ અને દીન મનવાળી તે થોડીક વાર તો વિષાદ પામી. તેણે કહ્યું, ‘પૂર્વે કરેલાં કર્મો દુર્લંઘ્ય છે.’ ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! તું ખેદ ન કરીશ.’ એટલે તે બોલી, ‘અહો! સાધુનું અમોઘ વચન નિષ્ફળ નથી જતું. આર્યપુત્ર! હું જાઉં છું અને વૃત્તાન્ત તેની બહેનોને જણાવું છું. જો તેઓ તમારામાં અનુરક્ત હશે તો ભવનની ઉપર રાતી પતાકા ચડાવીશ. જો વિરક્ત હશે તો શ્વેત પતાકા ચડાવીશ. શ્વેત પતાકા દેખાય તો તમે અહીંથી ચાલ્યા જજો.’ આમ કહીને તે ગઈ. તે પતાકા ચડાવે એની રાહ જોતો ધમ્મિલ્લ ભવનની સામે જોતો ઊભો. થોડી વારમાં શ્વેત પતાકા નજરે પડી.

પદ્માવતીનું પાણિગ્રહણ

એટલે ‘તે કન્યાઓ મારામાં અનુરક્ત નથી’ એમ સમજીને ધમ્મિલ્લ ત્યાંથી નીકળ્યો, અને કનકવાલુકા નદીના કિનારે કિનારે ચાલતો સંવાહ નામે જંગલી કર્બટ (પહાડી ગામ)માં આવી પહોંચ્યો. ત્યાં ચંપાનગરીના રાજાનો ભાઈ અને કપિલા નામે રાણીના પેટે જન્મેલો સુદત્ત નામે રાજા હતો. તેની રાણી વસુમતી અને પુત્રી પદ્માવતી નામે હતી. ધમ્મિલ્લ એ કર્બટમાં પ્રવેશ્યો, અને જોયું તો, એક સ્ત્રી શૂળના રોગથી કંપતી બેઠી હતી. તેને જોઈને અનુકંપા પામેલા ધમ્મિલ્લે તેની વાતપિત્તાદિક પ્રકૃતિ જાણીને અનુકૂળ ઔષધ આપ્યું. એથી તે સ્વસ્થ થઈ ગઈ. પછી ધમ્મિલ્લ નગરમાં પ્રવેશ્યો. તેણે કરેલા આ ઉત્તમ કાર્યની વાત રાજાએ સાંભળી. પછી રાજાએ તેને પોતાના ભવનમાં બોલાવ્યો, અને ત્વચાના રોગથી કુરૂપ બનેલી પોતાની પુત્રી પદ્માવતી તેને સોંપીને કહ્યું, ‘આર્યપુત્ર! આને સાજી કરો.’ શુભ તિથિ, કરણ અને મુહૂર્તમાં ધમ્મિલ્લે તેના ઉપચારનો પ્રારંભ કર્યો. પોતાનાં કર્મોના ઉપશમથી તથા ઔષધોના પ્રભાવથી રાજકન્યાનું શરીર પહેલાંના જેવું થયું, અને તે લક્ષ્મી સમાન રૂપવાળી બની. સન્તુષ્ટ થયેલા રાજાએ તે કન્યા ધમ્મિલ્લને આપી, અને શુભ દિવસે તેમનું લગ્ન થયું. તેની સાથે શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધ સંબંધી પાંચ પ્રકારના માનુષી કામભોગો ભોગવતો ધમ્મિલ્લ રહેવા લાગ્યો.

ધમ્મિલ્લનું ચંપામાં આગમન અને મત્ત હાથીનો નિગ્રહ

એક વાર સુદત્ત રાજાએ કહ્યું, ‘મારા ભાઈ (ચંપાનગરીના રાજા)ની સાથે સંધિ કોણ કરાવી આપશે?’ ધમ્મિલ્લે કહ્યું, ‘સ્વામી! સામ, ભેદ અને દામના પ્રયોગથી હું કરાવી આપીશ, માટે નિશ્ચંતિ થાઓ. પછી રાજાએ તેનું માથું સૂંઘીને રજા આપી, એટલે પ્રિયજનોના દર્શન માટે ઉત્સુક ધમ્મિલ્લ ત્યાંથી નીકળ્યો. જુદાં જુદાં ગામોમાં મુકામ કરતો તે ચંપાનગરી પહોંચ્યો. ત્યાં સારા શુકનથી પ્રસન્ન થયેલા હૃદયવાળો તે નગરીમાં પ્રવેશ્યો, અને રાજમાર્ગ ઉપર ચાલવા લાગ્યો. એવામાં લોકોના કોલાહલરૂપી મોટો સિંહનાદ તેણે સાંભળ્યો. એક નગર-યુવાનને તેણે પૂછ્યું, ‘મિત્ર! આ શેનો શબ્દ છે?’ તેણે જવાબ આપ્યો, ‘રાજાનો મત્ત હાથી જે થાંભલે તેને બાંધેલો તે ભાંગીને નાસી છૂટ્યો છે.’ આ સાંભળીને તે નિશ્ચિન્તપણે આગળ ચાલ્યો, તો જોયું કે નગરના એક યુવાન ઇભ્યપુત્રને, આઠ ઇભ્યપુત્રીઓ સાથેના તેના વિવાહ નિમિત્તે, અનેક કૌતુકપૂર્વક મંગલસ્નાન કરાવવામાં આવતું હતું. ધમ્મિલ્લે પૂછ્યું, ‘આ કોનો વિવાહ છે?’ એટલે એક જાણકારે કહ્યું, ‘ઇન્દ્રદમ સાર્થવાહના પુત્ર સાગરદત્તનું પિતાના મનોરથોથી ઇભ્યકન્યાઓ સાથે લગ્ન થાય છે. દેવકી, ધનશ્રી, કુમુદા, કુમુદાનંદા, કમલશ્રી, પદ્મશ્રી, વિમલ, અને વસુમતી એ પ્રમાણે તે આઠ ઇભ્યકન્યાઓનાં નામ છે.’ પેલો માણસ આમ કહેતો હતો ત્યાં તો પ્રલયકાળના કૃતાન્ત જેવો તે મત્ત હાથી વાજિંત્રોના અવાજ અને કોલાહલને કારણે તે સ્થળે આવ્યો. લગ્નમાં આવેલા લોકો ચારે બાજુ નાસી ગયા. પેલો વર પણ એ કન્યાઓને મૂકીને નાસી ગયો; અને જાળમાં ફસાયેલી હરિણીઓની જેમ અત્યંત ઉદ્વિગ્ન માનસવાળી, જીવનની આશા છોડી દઈને ચારે તરફ જોતી, ભયથી પીડાતા હૃદયવાળી અને ત્યાંથી જવાને અસમર્થ તે રૂપાળી કન્યાઓ ત્યાં જ બેસી રહી. મત્ત હાથી તેમની પાસે આવ્યો; એટલે ધમ્મિલ્લે તેમને કહ્યું, ‘ડરશો નહીં.’ હાથ પકડીને ધમ્મિલ્લ તે સર્વેને ઘરમાં લઈ ગયો. કન્યાઓને ઘરમાં મૂકીને તે બહાર આવ્યો. હાથીને તેણે જોયો અને હસ્તીશિક્ષામાં કુશળ ધમ્મિલ્લ તેને ખેલાવવાને માટે તેના ઉપર ચઢી ગયો, તથા સ્કન્ધપ્રદેશ ઉપર બેઠો. પછી હાથી માથું ધુણાવવા લાગ્યો, પણ સ્થિરતાપૂર્વક ધમ્મિલ્લે તેના ગળામાં દોરડું નાખ્યું, હાથમાં અંકુશ લીધો, અને તેને વશમાં આણ્યો. પછી હાથીને પકડવાને માટે મહાવતો આવ્યા. વાજિંત્રોના નાદથી અને હાથણીના શરીરની વાસથી હાથી સ્થિર થઈ ગયો, એટલે મહાવત તેના ઉપર ચઢ્યો અને ધમ્મિલ્લ ઊતર્યો. રાજાને ખબર આપવામાં આવી કે, ‘સ્વામી! અકાળ મૃત્યુ સમાન મત્ત હાથીને ધમ્મિલ્લે પકડ્યો.’ એટલે વિસ્મય પામેલો રાજા અને નાગરિકો ‘અહો! આશ્ચર્ય!’ એમ બોલતા તેને ફરી ફરી અભિનંદન આપવા લાગ્યા. રાજાએ તેનું પૂજન-સત્કાર કરીને રજા આપી, એટલે વિમલા અને કમલાને મળવા માટે ઉત્સુક ધમ્મિલ્લ પોતાને ઘેર ગયો. તેના સમાગમથી ઘરનાં માણસોને આનંદ થયો. પછી ધમ્મિલ્લે સંવાહપતિ સુદત્તની સાથે ચંપાનગરીના રાજાની સંધિ કરાવી. સુદત્તે પદ્માવતીને મોકલી; તેની સાથે ધમ્મિલ્લનો સમાગમ થયો. વિમલસેનાએ પોતાને લાત મારતાં પોતે કેવી રીતે ઘર છોડીને નીકળ્યો ત્યાંથી માંડીને પોતાના પુનરાગમન સુધીનો સર્વ વૃત્તાન્ત ધમ્મિલ્લે મિત્રોને કહ્યો. ચંપાપુરીના રાજા કપિલનો કૃપાપાત્ર બનેલો તે સુખપૂર્વક ભોગ ભોગવતો રહેવા લાગ્યો.

વિદ્યુન્મતી-વિદ્યુલ્લતા અને બીજી સોળ કન્યાઓનું પાણિગ્રહણ

એક વાર ધમ્મિલ્લ આનંદપૂર્વક અગાશીમાં બેઠો હતો ત્યારે એક વિદ્યાધરકન્યા આકાશમાર્ગે ઊડતી આવી. રૂપ અને તેજને કારણે વીજળીની જેમ તે ધમ્મિલ્લની આગળ ઊભી રહી. તેણે કહ્યું, ‘હે આર્યપુત્ર! મારા જાણવામાં આવ્યું છે કે વિદ્યાસાધન કરતા મારા નિરપરાધ ભાઈ કામોન્મત્ત વિદ્યાધરને તમે મારી નાખ્યો છે. દયાવાન અને સ્વભાવથી કોમળ હૃદયવાળા તમારે માટે નિરપરાધીનો વધ કરવાનું કાર્ય શું યોગ્ય છે?’ ધમ્મિલ્લે કહ્યું, ‘હે સુન્દરિ! વધ કરવાના ઇરાદા સિવાય, અજાણપણે જ મેં તે વાંસનું જાળું કાપી નાખ્યું. તેમાં તારો ભાઈ મરણ પામ્યો, એમાં મારો દોષ નથી. કર્મોની ભવિતવ્યતાથી તેનું અવસાન થયું.’ એટલે તે બોલી, ‘આર્યપુત્ર! એમ જ છે. મને પેલી કન્યા મિત્રસેનાએ બધી હકીકત જણાવી. અમે તે મિત્રસેનાને કહ્યું કે, ‘સુન્દરિ! એ પુરુષને અહીં તેડાવ.’ એટલે હર્ષથી અત્યંત ત્વરા કરતી તેણે તમારી સાથે પ્રથમ કરેલા સંકેત અનુસાર ભૂલથી શ્વેત પતાકા ચડાવી. એ જોઈને તમે ચાલ્યા ગયા. તમને આવતાં કેમ મોડું થયું? એમ વિચારીને અમે સર્વેએ સંભ્રમપૂર્વક તમને શોધ્યા, પરન્તુ ક્યાંય તમે જોવામાં ન આવ્યા. એટલે તે બધીઓએ મને મોકલી કે, ‘જા, તે પુરુષની તપાસ કર.’ એટલે ગ્રામ, આકર, નગર, ખેટ, કર્બટ અને મંડબો (તુચ્છ ગામો)માં ઊડતી અને તમારી શોધ કરતી આ ચંપાપુરીમાં હું આવી. પૂર્વે કરેલાં રહ્યાંસહ્યાં સત્કર્મોને પરિણામે મેં તમને જોયા. મારી બહેન સહિત હું તથા તે સોળે કન્યાઓ તમારી આજ્ઞાકારી છીએ. એમ કહીને નીલકમળના જેવી કાન્તિવાળા આકાશમાં તે ઊડી. જઈને થોડી જ વારમાં તે સર્વે કન્યાઓની સાથે પાછી આવી. તે સર્વેની સાથે ધમ્મિલ્લનો વિવાહ થયો. લગ્ન થઈ રહેતાં તે સર્વ કન્યાઓની સાથે પ્રીતિસુખ અનુભવતો તે રહેવા લાગ્યો.

વસન્તતિલકાનું પુનર્મિલન

એક વાર વિદ્યુન્મતીએ પરિહાસપૂર્વક વિમલાને કહ્યું, ‘હે વિમલા! ઈર્ષ્યાથી રોષ પામીને તેં આર્યપુત્રને લાત મારી એ શું યોગ્ય હતું? એટલે વિમલાએ કહ્યું, ‘સખિ વિદ્યુન્મતી! બીજી સ્ત્રીનું નામ લે એને લાત મારવી શું યોગ્ય નથી?’ વિદ્યુન્મતી બોલી, ‘સુખદ એવાં પોતાનાં વહાલાંનું નામ લેવું એ યોગ્ય જ છે, માટે લાત મારવારૂપ શિક્ષા તને કરવી જોઈએ.’ આ સાંભળી વિમલાએ હસીને કહ્યું, ‘સખિ વિદ્યુન્મતી! જો મેં આર્યપુત્રને લાત ન મારી હોત તો આર્યપુત્ર સાથેના રતિરસનું પાન તમે ક્યાંથી પામત? માટે તમે સર્વે મારો પૂજા-સત્કાર કરો.’ આ સાંભળી તેઓ સર્વે હસીને ચૂપ થઈ. આ પ્રમાણે પરિહાસ પૂરો થતાં વિદ્યુન્મતીએ ધમ્મિલ્લને પૂછ્યું, ‘આર્યપુત્ર! તે વસન્તતિલકા કોણ છે?’ એટલે ધમ્મિલ્લે ઉત્તર આપ્યો, ‘વિદ્યુન્મતી! તેનું નામ લેતાં પણ હું ડરું છું, કારણ કે અહીં રિસાળ માણસો વસે છે!’ આ સાંભળી વિમલા બોલી, ‘બહુ ડરપોક લાગો છો! સુભગ જનથી કોઈ વાર અપરાધ પણ થઈ જાય, માટે ડરશો નહીં. તમને અભય છે. નિશ્ચિન્તપણે કહો.’ આ પછી ધમ્મિલ્લે વિદ્યુન્મતીને કહ્યું, ‘કુશાગ્રપુરમાં અમિત્રદમન રાજાની ગણિકા વસન્તસેના નામે છે. વસન્તતિલકા નામે તેની પુત્રી રૂપ, લાવણ્ય અને કામવિજ્ઞાનના ઉપચારોપૂર્વક સર્વ પ્રકારના કામભોગ અને રતિવિશેષોને જાણે છે.’ વિદ્યુન્મતીએ કહ્યું, ‘જો આર્યપુત્રને રુચતું હોય તો એ આર્યાના સમાચાર લાવવા માટે હું જાઉં.’ ધમ્મિલ્લે કહ્યું, ‘રિસાળ માણસોને પૂછવું જોઈએ.’ એ સાંભળીને વિમલા બોલી, ‘શું પ્રભાત સૂપડાથી ઢંકાવાનું હતું?’ આ પછી વિદ્યુન્મતી ત્યાં આકાશમાર્ગે ઊડીને ગઈ, અને એ જ રીતે પાછી આવીને ધમ્મિલ્લને કહેવા લાગી - ‘યૌવન વડે દર્શનીય, બહોળા વૈભવવાળું, ગણિકાને યોગ્ય એવું યુવાન રાજાનું રૂપ ધારણ કરીને હું, આર્યપુત્રની ઇચ્છાનુસાર, વસન્તતિલકાના ભવનમાં ગઈ. સર્વ આભરણોનો જેણે ત્યાગ કર્યો છે એવી, પ્રિયવિરહ વડે દુર્બલ અંગોવાળી, મેલાં અને જીર્ણ વસ્ત્રોવાળી, જેણે તંબોલનો ત્યાગ કર્યો છે એવી, અશ્રુપૂર્ણ નયનવાળી, સુકાઈ ગયેલા ગાલવાળી, ફિક્કા વદનવાળી, ઘરડા નાગ જેવા એક જ વેણીમાં બાંધેલા ચોટલાવાળી, તથા માત્ર મંગલ નિમિત્તે જમણા હાથમાં ઝીણો ચૂડો પહેરીને બેઠેલી વસન્તતિલકાને મેં ત્યાં જોઈ. મેં તેને કહ્યું, ‘તું સુખી છે?’ પણ તે તો ચિત્રમાં આલેખેલી યક્ષપ્રતિમાની જેમ એકચિત્તે બેસી રહી. ‘આર્યપુત્રમાં આસક્ત હૃદયવાળી આ બિચારી અન્ય પુરુષની વાત પણ સાંભળતી નથી’ એમ વિચારીને મેં પુરુષવેશનો ત્યાગ કરી સ્ત્રીવેશ ધારણ કરી ફરી વાર તેને કહ્યું, ‘વસન્તતિલકે! સુન્દરિ! ધમ્મિલ્લ તારા ક્ષેમકુશળના સમાચાર પુછાવે છે.’ આ સાંભળીને જેનાં રોમાંચ ઊભાં થયાં છે એવી, કંપતાં ગાત્રવાળી, તથા હર્ષનાં આંસુથી ઊભરાતી આંખોવાળી તે તમારું જ ચિન્તન કરતી સહસા ઊભી થઈ, અને ગદ્ગદ કંઠે ‘હે પ્રિયતમ!’ એમ બોલતી દોડીને, મને ગાઢ આલિંગન દઈને એવું રડી, જેથી મારું પણ હૃદય કંપી ઊઠ્યું. આ પ્રમાણે ખૂબ રડીને હર્ષ પામેલી તેણે મને પૂછ્યું, ‘લોકોનાં હૃદયોનું હરણ કરનાર અને અતિ સૌભાગ્યશાળી આર્યપુત્ર ક્યાં છે?’ મેં કહ્યું, ‘ચંપાપુરીમાં રહે છે.’ આ પછી તેણે આર્યપુત્રના વિયોગથી પોતાને થયેલું દુઃખ મને કહ્યું. વિદ્યુન્મતીનાં આ વચન સાંભળીને ધમ્મિલ્લ વસન્તતિલકાને મળવા માટે ઉત્સુક થયો. પછી વિદ્યુન્મતીએ તેનું ઉત્સુક હૃદય જાણીને કહ્યું, ‘આર્યપુત્ર! કુશાગ્રપુર જવાને આતુર થયા હો એમ જણાય છે.’ ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! તું જો પ્રસન્ન હોય તો મારું મન એમ જ છે.’ પોતાની વિદ્યાર્થી વિકુર્વેલા વિમાનમાં સર્વ પ્રિયાઓ અને પરિજન અને સર્વ સેવકો સહિત ધમ્મિલ્લને વિદ્યુન્મતી મુહૂર્ત માત્રમાં કુશાગ્રપુર લઈ ગઈ, અને વસન્તતિલકાના ભવનમાં તેનો પ્રવેશ કરાવ્યો. રાજા અમિત્રદમને બધી વાત સાંભળી. સંતુષ્ટ થયેલા રાજાએ રાજ્યનો ત્રીજો ભાગ ધમ્મિલ્લને આપ્યો. સર્વ વૈભવ સહિત ભવન કરાવ્યું, અને વૈભવ અનુસાર યાન-વાહન અને પરિજન આપ્યાં. સર્વ પ્રિયાઓ સહિત ધમ્મિલ્લ ભવનમાં પ્રવેશ્યો. ધનવસુ સાર્થવાહ ધમ્મિલ્લના આગમનથી હર્ષ પામ્યો, અને તે પણ પોતાની પુત્રી યશોમતીને ધમ્મિલ્લ પાસે લાવ્યો. પછી તે ધમ્મિલ્લ સર્વ પ્રિયાઓ સહિત આયંબિલ તપનું ફળ આ લોકમાં જ અનુભવતો, દેવભવનમાં દેવ-યુવાનની જેમ, રહેવા લાગ્યો.

મેઘમાલા વિદ્યાધરી સાથે ધમ્મિલ્લનું ગાંધર્વ લગ્ન

એક વાર પ્રિયાઓની સાથે તે અંદરની પડસાળમાં બેઠો હતો. તે વખતે વસન્તતિલકાએ કહ્યું, ‘આર્યપુત્ર! ગઈ કાલે અહીં આવતાં તમે અત્યંત કામોપભોગ-રમણીય વેશ અને અલંકાર ધારણ કર્યા હતા.’ આ સાંભળીને શંકિત હૃદયવાળા તેણે વિચાર કરીને કહ્યું, ‘સુન્દરિ! એ તો તમને વિસ્મય પમાડવા માટે.’ આમ કહીને તે ગયો. પછી તેણે વિચાર્યું, ‘ખરેખર, આ ભવનમાં બીજા કોઈનો પ્રવેશ નથી. મારો વેશ ધારણ કરીને કોઈ વિદ્યાધર આવતો હશે.’ પછી તેનો વધ કરવાનો ઉપાય વિચારીને તેણે આખા ભવનમાં સિન્દૂર વેર્યું, અને હાથમાં તલવાર લઈને તેના આગમનની રાહ જોતો ઊભો રહ્યો. થોડી વાર થઈ એટલે પગલાં પડતાં તેણે જોયાં; એટલે એ પગલાંને અણુસારે તેણે તલવારનો ઘા કર્યો. આથી કપાઈને પેલાના બે ટુકડા થઈ ગયા તે તેણે જોયા. પછી એ વિદ્યાધરના શબની અંતિમ વ્યવસ્થા કરી, અને એ ભૂમિ શુદ્ધ કરી, અને એ ભૂમિ શુદ્ધ કરી. પછી પોતાને હાથે પુરુષવધ થઈ ગયો, તેથી શાન્તિ નહીં પામતો ધમ્મિલ્લ બીજે દિવસે પોતાના ઉપવનમાં પ્રવેશ્યો, અને પશ્ચાત્તાપથી સંતપ્ત હૃદયવાળો અશોક વૃક્ષ પાસેના ધરો જેવા લીલાછમ પૃથ્વીશિલાપટ્ટ ઉપર વિચાર કરતા બેઠો. તે વખતે જેણે પોતાના શરીર ઉપર અશોકમંજરીઓ ધારણ કરી છે એવી, નવયૌવનશાળી, સ્તનભારથી નમેલાં ગાત્રવાળી, પુષ્ટ જઘનવાળી, ધીરે ધીરે પગ મૂકતી, એક જ લાલ વસ્ત્ર પહેરેલી, આશ્ચર્યપૂર્વક દર્શનીય એવા રૂપવાળી અને થોડાં પણ મોંઘાં આભૂષણો પહેરેલી એક સુન્દરી તેની પાસે આવી. જેના રૂપનું પાન કરતાં તૃપ્તિ ન થાય એવા દર્શનીય રૂપવાળી, અત્યંત રાતા, બિંબ જેવા હોઠ અને શુદ્ધ દંતપંક્તિવાળી તથા પ્રસન્ન દર્શનવાલી તેને ધમ્મિલ્લે જોઈ. પેલી સુન્દરી પણ કહેવા લાગી - ‘હે આર્યપુત્ર! ધ્યાનપૂર્વક સાંભળો. વૈતાઢ્યપર્વતની દક્ષિણ શ્રેણિમાં અશોકપુર નામે વિદ્યાધરનગર છે. ત્યાં વિદ્યાધરરાજા મેઘસેન નામે છે, અને તેની પત્ની શશિપ્રભા છે. તેમને બે બાળકો થયાં — મેઘજવ પુત્ર, અને હું મેઘબાલા પુત્રી. એક વાર વિદ્યાધરરાજા મારી માતાની સાથે વિચાર કરવા લાગ્યો, ‘મારું અવસાન થતાં રાજા કોણ થશે?’ પછી વિદ્યાથી જોઈને તેણે મારી માતાને કહ્યું, ‘આ અવિનીત મેઘજવ મેઘબાલાના પતિના હાથે નાશ પામશે. આથી બીજો કોઈ અહીં રાજા થશે.’ આ સાંભળીને મારી માતા વિષાદ પામી. મેઘજવ પણ મારા પ્રત્યેના સ્નેહથી ઉદ્યાન, કાનન, નદી અને ગિરિઓમાં રમણીય ક્રીડાઓ દરરોજ માણતો હતો, અને એક મુહૂર્ત પણ મારો વિરહ ઇચ્છતો નહોતો. હું પણ ભાઈમાં સ્નેહાનુરક્ત હૃદયને કારણે તેના વિરહમાં તેના દર્શન માટે ઉત્સુક બનતી હતી. આ પ્રમાણે અમારો સમય જતો હતો. આજથી ત્રીજા દિવસે, ‘હે મેઘબાલા! હું કુશાગ્રપુર જાઉં છું,’ એમ મને કહીને તે નીકળ્યો છે. તે પાછો નહીં આવવાથી હું અહીં આવી છું.’ ‘ધમ્મિલ્લે વિદ્યાધરને માર્યો છે’ એમ મેં સાંભળ્યું. આથી રોષ પામેલી હું આ અશોકવનમાં આવી. ત્યાં મેં તમને જોયા, જોતાં જ મારો રોષ નાશ પામ્યો, અને લજ્જા આવી. માટે કૃપા કરો અને હું અશરણનું શરણ થાઓ.’ આ પ્રમાણે કહી તે ધમ્મિલ્લના ચરણમાં પડી. ધમ્મિલ્લે પણ ઉત્તમ હાથીની સૂંઢ જેવા બાહુઓ વડે તેનો સ્પર્શ કર્યો, ગાંધર્વ વિવાહધર્મથી તેની સાથે વિવાહ કર્યો, અને રતિવિનોદથી તેને ગાઢ આલિંગન કર્યું. મેઘબાલાનો પોતાના ભાઈના મરણ સંબંધી શોક દૂર થયો, અને માનવસુખનો સાર તે પામી. તેને લઈને ધમ્મિલ્લ પોતાના ભવનમાં ગયો.

વિમલસેનાને પુત્રજન્મ

જેનો તૃષ્ણાપૂર્વક ત્યાગ કરી શકાય એવો તે ધમ્મિલ્લ સર્વે પ્રિયાઓની સાથે આમ સમય ગાળતો હતો. આ પ્રમાણે ઘણો કાળ જતાં રાજપુત્રી વિમલસેનાને પુત્ર થયો, અને તેનું પદ્મનાભ એવું નામ પાડવામાં આવ્યું. અનુક્રમે તે મોટો થયો અને વિદ્યાઓ ગ્રહણ કરીને પિતાના પૂર્વકર્મના પુણ્યોદયના પરિણામને તથા પોતાનાં સત્કર્મોના વિશિષ્ટ ઉદયને અનુભવતો રહેવા લાગ્યો. એ પ્રમાણે મિત્ર, બંધુ, પુત્ર અને પ્રિયાઓની સાથે સુખથી ધમ્મિલ્લનો સમય વીતતો હતો. હવે, અનેક જનપદોમાં જિન ભગવાને ઉપદેશેલ વિધિ પ્રમાણે વિહાર કરતા, જગતના સર્વ જીવો વડે સ્મરણીય, શ્રુતમાં બતાવેલી રીતે ધર્મનો ઉપદેશ કરતા, અને શિષ્યોના પરિવારવાળા અને શ્રમણોના સમૂહમાં મુખ્ય એવા ધર્મરુચિ નામે અણગાર એક વાર કુશાગ્રપુર નગરમાં આવ્યા, અને વૈભારગિરિના શિખર ઉપર સમોસર્યા. સાધુને યોગ્ય પ્રાસુક પ્રદેશમાં યોગ્ય સ્થાન ગ્રહણ કરીને સંયમ અને તપથી પોતાને ભાવતા તેઓ વિચરતા હતા. રાજા અમિત્રદમને સાંભળ્યું કે, ‘મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ પ્રમાણે ચાર જ્ઞાન ધારણ કરનાર, મેઘનાદ જેવા ગંભીર સ્વરવાળા અને ધર્મરુચિ મનવાળા ભગવાન ધર્મરુચિ નામે અણગાર અહીં સમોસર્યા છે.’ એટલે હર્ષથી રોમાંચિત શરીરવાળો ધર્મપ્રેમી રાજા અને નગરજનો કુતૂહલથી ત્યાં ગયા. ધમ્મિલ્લને પણ એ ભગવાનનું આગમન કૌટુમ્બિક પુરુષોએ જણાવ્યું. આથી હર્ષ પામેલો ધમ્મિલ્લ પોતાના પરિવાર સહિત સમભ્રમપૂર્વક વૈભારગિરિ પહોંચ્યો. ત્યાં તપ, ચારિત્ર્ય અને ક્રિયા વડે શોષાયેલ શરીરવાળા શ્રમણો વડે શોભાયમાન ગિરિશિખર નીચેની ગુફા તેણે જોઈ. એ સાધુઓને પ્રણામ કરતો તે આગળ ચાલ્યો. આગળ જતાં તેણે શ્રમણોમાં ગંધહસ્તી સમાન, મૃદુ, વિશદ, મધુર અને મનોહર વચનોથી ધર્મ કહેતા ભગવાન ધર્મરુચિને જોયા. જઈને તેણે તેમને પ્રણામ કર્યાં. સર્વ સ્વર્ગોના સોપાન સમાન એ ભગવાને ધમ્મિલ્લને ‘ધર્મલાભ’ કહીને આવકાર આપ્યો, અને સર્વ જગતને સુખકારક ધર્મ તેને કહ્યો. ઉપદેશ પૂરો થતાં ધમ્મિલ્લે ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણનાર તે સાધુને વંદન કરીને પોતાની તપશ્ચર્યા સંબંધમાં પ્રશ્ન કર્યો કે, ‘મેં પૂર્વજન્મમાં એવું શું કર્યું છે, જેથી આ સુખદુઃખની પરંપરાને હું પામ્યો?’ એટલે સાધુએ કહ્યું -

ધમ્મિલ્લના પૂર્વજન્મની કથામાં સુનંદનો ભવ

‘આ જંબુદ્વીપમાં ભારતવર્ષમાં ભરુકચ્છ નામે નગર છે. ત્યાં જિતશત્રુ રાજા હતો, તેની રાણી ધારિણી નામે હતી. એ નગરમાં કુલ અને રૂપને છાજતા વૈભવવાળો અને જિનશાસનના શ્રવણથી રહિત બુદ્ધિવાળો મહાધન નામે ગૃહપતિ હતો અને તેની પત્ની સુનંદા નામે હતી. હે ધમ્મિલ્લ! આ ભવથી ત્રીજા ભવમાં તું સુનંદ નામે તેઓનો પુત્ર હતો. અનુક્રમે વૃદ્ધિ પામતો તે સુનંદ આઠ વર્ષથી કંઈક મોટો થયો એટલે માતાપિતાએ તેને કલા-આચાર્યને ત્યાં મૂક્યો. ત્યાં તેણે કલાઓનો યથાયોગ્ય અભ્યાસ કર્યો. કેટલાક સમય પછી તે બાળકનાં માતાપિતાના અગાઉના પરિચિત પ્રિય પરોણા આવ્યા. તેઓ ત્વરાથી એ પરોણાઓને ભેટ્યાં, સ્નિગ્ધ અને મધુર વચનથી તેમને બોલાવ્યા, કુલગૃહ અને સગાસંબંધીઓનું ક્ષેમકુશળ પૂછીને સત્કાર કર્યો. એ પરોણાઓને આસન આપવામાં આવ્યું તે ઉપર તેઓ બેઠા, અને પગ ધોઈને સુખપૂર્વક તેઓ નિશ્ચિન્તપણે ત્યાં રહ્યા. પછી પેલા પુત્રને પિતાએ કહ્યું, ‘બેટા! કસાઈવાડામાં જઈને માંસ લઈ આવ.’ એટલે પરોણાઓના માણસ સાથે પૈસા લઈને તે કસાઈવાડામાં ગયો, પરન્તુ તે દિવસના કંઈક યોગે માંસ મળ્યું નહીં. એટલે પરોણાઓના માણસે છોકરાને કહ્યું, ‘ભાઈ! ચાલો માછીવાડામાં જઈએ.’ છોકરાએ હા પાડી. તેઓને માછીવાડામાંથી પાંચ જીવતાં માછલાં મળ્યાં. છોકરાએ વારવા છતાં પરોણાના માણસે તે લીધાં. માછલાં લઈને જે માર્ગે આવ્યા હતા તે માર્ગે જ તેઓ પાછા વળ્યા. ચાલતાં ચાલતાં તેઓ જળાશય આગળ આવ્યા. પેલા માણસે છોકરાને કહ્યું, ‘આ માછલાં લઈને તું જા. આગળ મારી રાહ જોજે. હું જંગલ જઈને આવું છું.’ પછી જળની પાસે માછલાંને તરફડતાં જોઈને જેને અનુકંપા થઈ છે એવા તે છોકરાએ કર્મોપશમની ભવિતવ્યતાથી માછલાંને પાણીમાં છોડી દીધાં. ક્ષીણ કર્મવાળા આત્માઓ જેમ નિર્વાણમાં જાય તેમ એ માછલાં પણ શીઘ્રતાથી પાણીમાં પેસી ગયાં. પેલો માણસ આવીને છોકરાને પૂછવા લાગ્યો, ‘માછલાં ક્યાં?’ તેણે ઉત્તર આપ્યો, ‘પાણીમાં મૂકી દીધાં.’ એટલે પેલાએ કહ્યું, ‘ભાઈ! આ ઠીક ન કર્યું. તારા પિતા ક્રોધે ભરાશે.’ પછી તે બન્ને જણા ઘેર ગયા. પિતાએ છોકરાને પૂછ્યું, ‘કેમ માંસ આણ્યું?’ એટલે નોકરે કહ્યું, ‘માંસના અભાવે જીવતાં માછલાં આણ્યાં હતાં, તે પણ રસ્તામાં આ છોકરાએ પાણીમાં મૂકી દીધાં.’ પિતાએ છોકરાને પૂછ્યું, ‘તેં કેમ માછલાં છોડી દીધાં?’ એટલે છોકરો બોલ્યો, ‘માછલાંને તરફડતાં જોઈને મને દયા આવી, અને મેં પાણીમાં મૂકી દીધાં. હવે તમારે જે કરવું હોય તે કરો.’ છોકરાએ આમ કહ્યું એટલે મિથ્યાત્વથી ગ્રસ્ત બુદ્ધિવાળો તેનો પિતા અત્યંત કોપે ચઢ્યો, અને કપાળમાં ત્રણ રેખા પાડી, ભ્રમર ઊંચી ચડાવી કોઈ પ્રકારની દયા વગર તે છોકરાને નેતરથી મારવા માંડ્યો. મિત્ર, બાંધવ અને પરિજનોએ વારવા છતાં તે મારતો રહ્યો નહીં. છેવટે પોતાની ઇચ્છાથી જ તેણે મારવાનું બંધ કર્યું. પછી શારીરિક અને માનસિક સંતાપ પામેલો, પિતા વડે અનેક પ્રકારના ત્રાસ, ધમકાવટ અને અપમાનોથી તિરસ્કાર પામતો, શરીર ક્ષીણ થતાં અંતે તે પુત્ર મરણ પામ્યો.

પરલોકના અને ધર્મફલના પ્રમાણ વિષે સુમિત્રાની કથા

વારાણસીમાં હતશત્રુ રાજા હતો. તેને સુમિત્રા નામે પુત્રી હતી. તે નાની હતી ત્યારે એક વાર ગ્રીષ્મ ઋતુમાં મધ્યાહ્નકાળે જમીને સૂઈ રહી હતી. પાણીથી ભીંજાયેલા તાડના પંખાથી તેને પવન નાખવામાં આવતાં અને એ રીતે શીતલ જલકણનો તેના ઉપર છંટકાવ થતાં તે, ‘નમો અરિહંતાણં’ એમ બોલતી જાગી ગઈ. દાસીઓએ તેને પૂછ્યું, ‘સ્વામિનિ! તમે જેને નમસ્કાર કર્યા તે અરિહંતો કોણ છે?’ સુમિત્રાએ કહ્યું, ‘તેઓ કોણ છે એ તો હું જાણતી નથી, પણ ચોક્કસ તેઓ નમસ્કાર કરવા લાયક છે.’ પછી તેણે પોતાની ધાત્રીને બોલાવી અને કહ્યું, ‘માતા! તપાસ કરો કે અરિહંતો કોણ છે?’ ધાત્રી પૂછતાં પૂછતાં અરિહંતના શાસનમાં રત એવી સાધ્વીઓને મળી અને તેમને તે કુમારી પાસે લાવી. પૂછવામાં આવતાં સાધ્વીઓએ કહ્યું, ‘ભરતઐરવત વર્ષમાં અને વિદેહ વર્ષમાં ધર્મપ્રવર્તક તીર્થંકરોનો જન્મ થાય છે. અત્યારે ભગવાન વિમલનાથનું તીર્થ ચાલે છે.’ કુમારીએ કહ્યું, ‘આજ મેં જાગતી વખતે અરિહંતને નમસ્કાર કર્યા હતા.’ સાધ્વીઓ બોલી, ‘તેં અરિહંતને કરેલા નમસ્કારના પ્રભાવથી જ આ રિદ્ધિ પ્રાપ્ત કરી છે; આથી પૂર્વની ભાવનાથી તેં નમસ્કાર કર્યો હતો.’ કુમારીએ ‘બરાબર છે’ એમ કહીને જિનોએ ઉપદેશેલો માર્ગ સ્વીકાર્યો અને જિનપ્રવચનમાં તે કુશળ થઈ. તે ઉમરલાયક થઈ એટલે પિતાએ તેને સ્વયંવર આપ્યો. પછી તેણે આ લોકમાં તેમ જ પરલોકમાં સુખ પ્રાપ્ત કરાવનારી નીચે પ્રમાણેની ગીતિકા પિતા સમક્ષ નિવેદન કરી. એવું કર્યું કર્મ છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજ્જનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામ્યે છતે જે નાશ પામતું નથી? અને પોતાના પિતાને તેણે કહ્યું કે, ‘તાત! જે પુરુષ આ ગીતિકાનો અર્થ સંભળાવે તેની સાથે તમારે મને પરણાવવી.’ પછી એ ગીતિકા પ્રસિદ્ધ કરવામાં આવતાં વિદ્વાનો વિવિધ પ્રકારની વસ્તુઓ એ સંબંધમાં સંભળાવવા લાગ્યા, પણ એમાંનો કોઈ સુમિત્રાનો અભિપ્રાય જાણી શક્યો નહીં. પણ એક પુરુષે સંભળાવ્યું - કર્મોમાં તપશ્ચર્યારૂપી કર્મ એવું છે, જે ઘણા કાળ સુધી ટકે છે, જે અલજ્જનીય છે, જે પાછળથી હિતકારી થાય છે અને શરીર નાશ પામ્યે છતે જે નાશ પામતું નથી. રાજાએ તેને પૂછતાં તે પુરુષે કહ્યું, ‘તમે જે ભાવાર્થ જાણો છો તે જ મેં તમને સંભળાવ્યો છે.’ પછી તે પુરુષને સ્નાન અને ભોજન કરાવીને પૂછ્યું એટલે તેણે કહ્યું, ‘રત્નપુરમાં પુરુષપંડિત છે તેણે આ કહ્યું છે; આવું બોલવાની મારી તો શક્તિ ક્યાંથી?’ એટલે રાજાએ ‘તમે તો દૂત છો’ એમ કહી તેનો સત્કાર કર્યો અને રાજકન્યાએ પણ તેને રજા આપી. પછી સુમિત્રાએ પિતાને વિનંતી કરી, ‘તાત! પુરુષપંડિતે મારો અભિપ્રાય જાણ્યો છે. હવે જો અર્થથી મારી ખાતરી કરાવી આપે તો હું તેની પત્ની થાઉં, બીજા કોઈની નહીં.’ પછી સુમિત્રા ઘણા પરિવાર સહિત રત્નપુર ગઈ, અને અગાઉથી તૈયાર કરવામાં આવેલા ઉતારામાં રહી પુરુષપંડિત સુપ્રભને બોલાવવામાં આવતાં તે ત્યાં ગયો, એટલે રાજકન્યાએ તેને પૂછ્યું, ‘તપ એ બહુ કાળ સુધી ટકે એવું અને શ્લાઘનીય કેવી રીતે? પાછળથી હિતકારી કેવી રીતે? શરીરનો નાશ થયા છતાં પણ તે ફળ આપે એ કેવી રીતે?’ સુપ્રભે ઉત્તર આપ્યો, ‘સાંભળ.

બે ઇભ્યપુત્રોની કથા

અહીં બે ઇભ્યપુત્રો હતા. તેમાંનો એક પોતાના મિત્રો સાથે ઉદ્યાનમાંથી નગરમાં આવતો હતો. બીજો રથમાં બેસીને નગરમાંથી બહાર જતો હતો. તેઓ નગરના દરવાજે ભેગા થયા. ગર્વને કારણે બન્નેમાંથી એકે જણ પોતાના રથને પાછો લેવા માગતો નહોતો. આથી તેમની વચ્ચે બોલાચાલી થઈ. એકે કહ્યું, ‘તું પિતાએ ઉપાર્જન કરેલા દ્રવ્યથી ગર્વિત થયેલો છે; જે પોતે ધન કમાવાને સમર્થ હોય તેને જ અહંકાર શોભે.’ બીજો પણ એમ જ કહેવા લાગ્યો. આત્મોત્કર્ષ નિમિત્તે તે બન્નેએ પ્રતિજ્ઞા કરી કે, ‘આપણામાંથી જે પરિવાર સિવાય બહાર નીકળી પડે અને બાર વરસની અંદર ઘણું ધન લઈને લાવે તેનો બીજો માણસ પોતાના મિત્રો સહિત દાસ થઈ જશે.’ આ પ્રમાણે વચન પાના ઉપર લખીને તે પાનું શેઠિયાના હાથમાં આપવામાં આવ્યું. પછી તે બેમાંથી એક તો ત્યાંથી જ નીકળી પડ્યો. દેશના સીમાડા ઉપરથી પડિયાઓમાં ફળ લાવીને તે શહેરમાં આવ્યો. ત્યાં લે-વેચ કરતાં મૂડી થઈ, એટલે એક વહાણવટીને આશ્રયે સમુદ્રમાર્ગે વેપાર કરવા લાગ્યો. એમ કરતાં ઘણું ધન મળ્યું, એટલે તેણે પોતાના મિત્રોને સમાચાર મોકલ્યા. બીજો ઇભ્યપુત્ર, મિત્રોએ ઘણી પ્રેરણા કરવા છતાં બહાર નીકળતો જ નહીં અને કહેતો કે, ‘એ બિચારો ઘણા કાળે જેટલું ધન કમાશે તેટલું તો હું અલ્પ સમયમાં મેળવી લઈશ.’ પણ બારમા વર્ષે પેલા બહાર નીકળેલા ઇભ્યપુત્રના આગમનના સમાચાર સાંભળીને તે દુઃખપૂર્વક ઘરની બહાર નીકળ્યો અને વિચાર કરવા લાગ્યો કે, ‘કલેશભીરુ અને વિષયલોલુપ એવા મેં ઘણો કાળ ગુમાવ્યો. હવે એક વરસની અંદર હું કેટલું કમાઈ શકવાનો હતો? માટે શરીરનો ત્યાગ કરવો એ જ મારે માટે શ્રેય છે.’ એ પ્રમાણે નિશ્ચય કરીને તે સાધુ પાસે ગયો અને ત્યાં ધર્મ સાંભળીને તેણે દીક્ષા લીધી. ઉત્કૃષ્ટ તપશ્ચર્યાથી પોતાનું શરીર ખપાવીને તથા અનશન કરીને નવ માસનો સાધુપર્યાય પાળ્યા પછી કાળધર્મ પામી તે સૌધર્મ કલ્પમાં દેવ થયો. અવધિવિષયથી કારણ જાણ્યું છે એવા તેણે પોતાના દેશના સીમાડે સાર્થ વિકુર્વીને પોતાના મિત્રોને ખબર મોકલ્યા. આ વિષે શંકા કરતા મિત્રોએ તેની તપાસ કરવા માટે ચાર-પુરુષને મોકલ્યો. ચાર-પુરુષ દ્વારા તેની સમૃદ્ધિની ખબર પડતાં એ મિત્રો તેની પાસે ગયા. પેલાએ વસ્ત્ર અને આભરણથી પોતાના મિત્રોનો સત્કાર કર્યો. બીજો ઇભ્યપુત્ર પહેલાંથી જ આવીને રાજાને મળ્યો હતો અને ભાંડ (માલ) સહિત પોતાનું ધન તેણે બતાવ્યું હતું, પણ દેવનું દ્રવ્ય તેના કરતાં ઘણું વધારે હતું; રત્ન સહિત તે દ્રવ્યથી રાજા પ્રસન્ન થયો. જે ઇભ્યપુત્રે બાર વર્ષ સુધી ક્લેશ સહન કર્યો હતો તેનો મિત્ર સહિત પરાજય થયો. સમારંભ પૂરો થતાં દેવ-સાર્થવાહે પોતાના મિત્રોને કહ્યું, ‘હું કેવી રીતે દ્રવ્ય કમાયો તે જાણો છો?’ તેઓ બોલ્યા, ‘ના, અમે જાણતા નથી.’ તેણે કહ્યું, ‘તપથી.’ પોતાના દાસ બનેલા બીજા ઇભ્યપુત્રને તથા તેના મિત્રોને પોતાનો દિવ્ય પ્રભાવ દર્શાવીને આ હકીકત તેણે જણાવી અને કહ્યું, ‘જો તમે દીક્ષા લો તો તમને મુક્ત કરું.’ એટલે તપના પ્રભાવથી વિસ્મિત થયેલા તેઓએ મિત્રો સહિત પ્રણામ કરીને કહ્યું, ‘અમને પ્રત્યક્ષ તપનો પ્રભાવ દર્શાવીને તમે અમારા ઉપર ઘણી કૃપા કરી છે. જો અમે પ્રતિબોધ પામીશું તો આત્મહિત આચરીશું.’ પછી તેમને પ્રતિબોધ પમાડીને દેવ ગયો. પેલા બધા અત્યારે સુસ્થિત અણગારની પાસે દીક્ષા લેશે. આ કારણથી તપસ્વીઓનું તપ ઘણા કાળ સુધી ટકે એવું અને પૂજનીય છે; શરીરનો નાશ થાય તો પણ તપનું ફળ દેવાલોકમાં મળે છે; બીજાઓનું કર્મ અલ્પ કાળ સુધી જ ટકે એવું હોય છે અને શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થાય છે.’ હે નંદિષેણ! આ પ્રમાણે સુપ્રભે પેલી રાજકન્યાને કહ્યું, ‘રાજકન્યા પણ એ બધું અહીં પોતાની નજરે જોઈને પતીજ કરશે કે પરલોક છે અને ધર્મનું ફળ પણ છે.’ સુસ્થિત અણગાર આમ કહી રહ્યા ત્યાં તો પેલા ઇભ્યપુત્રો તેમની પાસે આવ્યા અને દીક્ષા લીધી. (સુપ્રભ સહિત ત્યાં આવેલી) કુમારી સુમિત્રા પણ સાધુને વંદન કરીને સુપ્રભને વિનંતી કરવા લાગી, ‘તમે મારા ઉપર અધિકાર ધરાવો છો, પણ મારા ધર્મ કાર્યમાં વિઘ્ન ન કરશો.’ સુપ્રભે પણ ‘ભલે’ એમ કહીને તે વાત સ્વીકારી. રાજપુત્ર૧ રાજકન્યા સુમિત્રા સાથે નગરમાં ગયો. આ રીતે પરલોકના અસ્તિત્વનું અને ધર્મફળનું પ્રમાણ જેણે પ્રત્યક્ષ જોયું છે એવા નંદિષેણે અત્યંત વિરક્ત થઈને દીક્ષા લીધી. જેણે સૂત્ર અને અર્થ જાણ્યા છે એવો, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિવાળો, તપમાં ઉદ્યત, જેની શ્રદ્ધા વધતી જાય છે તથા જેનો વૈરાગ્ય અવિચલિત છે એવો તે વિચરવા લાગ્યો.લાભાન્તરાયના ક્ષયોપશમથી તે જેવી રીતે અને જ્યારે જે વસ્તુ ઇચ્છે તેવી રીતે અને ત્યારે તે વસ્તુ એને મળતી. તેણે અભિગ્રહ લીધો હતો કે — મારી સર્વ શક્તિથી મારે સાધુઓની વૈયાવૃત્ય કરવી. આ પ્રમાણે ભરતમાં તે મહાતપસ્વી તરીકે પ્રખ્યાત થયો. પોતાની વસુદેવના પૂર્વભવની કથામાં નંદિષેણનો ભવ વર્ણવવામાં આવ્યો છે:

દેવોએ કરેલી નંદિષેણની પરીક્ષા

એક વાર પોતાની સભામાં બેઠેલા દેવરાજ ઇન્દ્રે હાથ જોડીને નંદિષેણના ગુણ ગાવા માંડ્યા, ‘વૈયાવૃત્યમાં ઉદ્યત અને દૃઢ નિશ્ચયવાળા આ નંદિષેણને દેવો પણ ક્ષોભ પમાડી શકે તેમ નથી.’ ઇન્દ્રના આ વચનમાં અશ્રદ્ધા રાખતા બે દેવ સાધુનું રૂપ ધારણ કરીને નંદિષેણ પાસે આવ્યા. એમાંનો એક ગામ બહાર માંદગીનો દેખાવ કરીને બેઠો, અને બીજો નંદિષેણની વસતિમાં આવ્યો. તેણે નંદિષેણનો તીખાં, આકરાં અને નિષ્ઠુર વચનોથી તિરસ્કાર કર્યો અને કહ્યું, ‘બહાર માંદા સાધુ પડી રહ્યા છે, અને અહીં તું વૈયાવૃત્યનો અભિગ્રહ લઈને સૂઈ રહ્યો છે.’ એટલે નંદિષેણ એકદમ ઊભો થયો અને બોલ્યો, ‘જે કાર્ય હોય તે કહો.’ સાધુના રૂપમાં રહેલા દેવે કહ્યું, ‘અતિસારથી પીડાતા અને અત્યંત તરસ્યા થયેલા સાધુ ગામની બહાર પડ્યા છે, માટે જે યોગ્ય લાગે તે કર.’ એટલે પારણાં કર્યા સિવાય જ નંદિષેણ પાણી લેવા માટે નીકળ્યો. પણ અનુકંપાથી સ્પર્શાયેલા હૃદયવાળા દેવે અનેષણા કરી — પાણી મળવા દીધું નહીં. પણ તેના ઉપર વિજય મેળવીને, પાણી લઈને નંદિષેણ માંદા સાધુની પાસે ગયો. સાધુએ તેની સાથે લડવા માંડ્યું, ‘હું આવી અવસ્થામાં તારી આશા રાખીને આવ્યો હતો, પણ ખાવાનો લાલચુ તું મારી સામે પણ જોતો નથી. હે મંદભાગ્ય! ‘હું વૈયાવૃત્ય કરનાર છું’ એટલા માત્ર શબ્દોથી જ તું સંતોષ પામે છે.’ પરન્તુ પ્રસન્ન ચિત્તવાળા નંદિષેણે પ્રણામ કરી વિનંતી કરી, ‘મારો અપરાધ ક્ષમા કરો; મને રજા આપો, એટલે આપની સેવા કરું.’ મળથી મલિન એ સાધુને નંદિષેણે ધોઈને સાફ કર્યા અને કહ્યું, ‘આપને મારા ઉપાશ્રયે લઈ જાઉં છું; આપ નીરોગી થઈ જાઓ તેવી રીતે આપની સેવા કરીશ.’ પછી તેણે એ સાધુને ઉપાડ્યા એટલે તે પગલે પગલે બૂમો પાડવા લાગ્યા, ‘અરે, તું મને દુખાવે છે, મને હલાવે છે, તું વિસામો ખાય છે!’ આ પ્રમાણે દબાવાતો નંદિષેણ યાતનાપૂર્વક ચાલતો હતો. પછી દેવે તેના ઉપર અત્યંત દુર્ગંધવાળો ઝાડો કર્યો, અને બોલ્યો, ‘અરે દુષ્ટ! મારો ઝાડાનો વેગ તેં અટકાવ્યો; મને તું મારી નાખવાનો છે!’ પણ પ્રસન્ન મુખવાળો નંદિષેણ ‘માંદાને કઈ રીતે સુખ થાય?’ એનો જ મનથી વિચાર કરતો હતો અને કડવાં વચનો અથવા તેવી દુર્ગંધને નહીં ગણકારતાં તેણે કહ્યું, ‘કહો, તમને કેવી રીતે નીચે મૂકું? અથવા શું કરું? કહો તો ધોઉં.’ આ સાંભળીને કરુણાવાળા થયેલા દેવે પોતાનો અશુભ પુદ્ગલોનો સંચય ક્ષણવારમાં અદૃશ્ય કર્યો અને નાસિકા તથા મનને સુખ આપનારી પુષ્પવૃષ્ટિ કરી. સાધુનાં રૂપ ત્યજીને દેવો દિવ્ય રૂપવાળા બન્યા અને ત્રણ પ્રદક્ષિણા કરી, નંદિષેણને પગે પડી વારંવાર ખમાવવા લાગ્યા અને કહેવા લાગ્યા, ‘ભગવન્! દેવરાજ ઇન્દ્ર તમારું ગુણકીર્તન કરતા હતા, તેમાં અશ્રદ્ધા રાખતા અમે તમારી પરીક્ષા કરવા અહીં આવ્યા હતા. ખરેખર, ઇન્દ્રે સાચું જ કહ્યું હતું. આપ વર માગો, અમે શું આપીએ?’ નંદિષેણે કહ્યું, ‘જિનેશ્વરોએ ઉપદેશેલો મોક્ષનો જે પરમ દુર્લભ માર્ગ તે મને મળ્યો છે. મારે બીજી કોઈ વસ્તુની જરૂર નથી.’ આ પછી વંદન કરીને દેવો ગયા. આ બાજુ, નંદિષેણ સાધુઓની વૈયાવૃત્ય કરતો લાભાન્તરાયના ક્ષયોપશમથી, જે સાધુ જે ઇચ્છે તે મેળવીને તેને આપતો હતો. આ પ્રમાણે સંયમ, તપ અને ભાવનાપૂર્વક સાધુપણું પાળતાં તેનાં પંચાવન હજાર વર્ષ વીતી ગયાં. સુભગ, સુસ્વર, શુભ, આદેય અને યશો નામકર્મ જેણે ઉપાર્જન કર્યું છે એવો તે અનશનકાળે વિચાર કરવા લાગ્યો, ‘મારા દુર્ભાગ્યના દોષથી ત્રણ કન્યાઓમાંથી એકે પણ મને ઇચ્છ્યો નહીં.’ આ પ્રમાણે સ્મરણ કરીને તેણે નિયાણું કર્યું કે, ‘જો આ તપ, નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો આવતા મનુષ્યભવમાં હું સુંદર અને સ્ત્રીઓને વહાલો થાઉં.’ આમ બોલીને તે કાલધર્મ પામ્યો અને મહાશુક્ર કલ્પમાં ઇન્દ્રનો સામાનિક દેવ થયો. ત્યાંથી ચ્યવીને તે તારો દશમો પુત્ર વસુદેવ થયો.’ આ પ્રમાણે સંસારગતિ સાંભળીને રાજા અંધકવૃષ્ણિએ પોતાના મોટા પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી. વિશુદ્ધ ચારિત્ર્યવાળા, જેનો વૈરાગ્ય અવિચલિત રહેલો છે તથા જેણે ઘાતિકર્મો (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મો) ખપાવેલાં છે, જેને કેવલજ્ઞાન થયું છે તથા જેણે બાહ્ય અને આંતર કર્મનો નાશ કર્યો છે એવો તે રાજા નિર્વાણ પામ્યો. શ્રેણિક રાજાના એક પ્રશ્નના ઉત્તરમાં હવે વસુદેવ પોતાની આત્મકથા જાણે કહે છે:

સિંહરથનો પરાજય અને કંસને મથુરા નગરની પ્રાપ્તિ

પછી હું આઠ વર્ષનો થયો ત્યારે મને કલાચાર્ય પાસે લઈ જવામાં આવ્યો. વિશિષ્ટ મેધા અને બુદ્ધિના ગુણ વડે મેં તેમને પ્રસન્ન કર્યા. એક વાર એક રસાણિયાએ (તેલ વગેરે પ્રવાહી વસ્તુઓનો ધંધો કરનાર વણિકે) મારી પાસે એક બાળક લાવીને કહ્યું, ‘કુમાર! આ કંસ તમારી સેવા ભલે કરે.’ મેં હા પાડી, અને તે કંસ પણ મારી સાથે કલાઓનો અભ્યાસ કરવા લાગ્યો. એક વાર જરાસંધે મારા મોટાભાઈ પાસે દૂત મોકલીને કહેવરાવ્યું કે, ‘સિંહપુરના અધિપતિ સિંહરથને જો તમે કેદ પકડો તો મારી જીવયશા પુત્રી તથા મોટું નગર તમને આપું.’ આ ખબર સાંભળીને કંસ સહિત મેં રાજાને વિનંતી કરી કે, ‘દેવ! મને રજા આપો; સિંહરથને બાંધીને હું તમારી પાસે લાવું.’ રાજાએ કહ્યું, ‘કુમાર! તેં હજી યુદ્ધ જોયું નથી, માટે તું ન જઈશ.’ પણ મેં તો નિશ્ચય કરેલો હતો, એટલે ઘણા પરિવાર સહિત રાજાએ મને મોકલ્યો. સિંહરથે પણ અમારું આગમન સાંભળીને પોતાનું લશ્કર એકત્ર કર્યું. યુદ્ધ શરૂ થયું, એટલે રાજાએ જેમને સૂચના આપી હતી એવા મોટેરાઓ મને વારવા લાગ્યા. સિંહ જેમ હાથીઓના યૂથમાં પ્રવેશે તેમ અમારા સૈન્યમાં પ્રવેશતો સિંહરથ તેને ક્ષોભ પમાડવા લાગ્યો. આ પ્રમાણે અમારી સેનાને પીડાતી જોઈને કંસ-સારથિ વડે હંકાતો મારો રથ મેં સિંહરથની સામે ચલાવ્યો. પછી તે મારી સાથે યુદ્ધ કરવા લાગ્યો. એ ચાલાક યોદ્ધા ઉપર મેં મારા હસ્તકૌશલ્યથી સરસાઈ મેળવી. સારથિ સહિત તેના ઘોડાઓને મેં વીંધી નાખ્યા. કંસે પોતાના પરિઘના પ્રહારથી તેના રથની ધૂંસરી ભાંગી નાખી, અને તેને ઉપાડીને મારા રથમાં આણ્યો. આથી તેનું સૈન્ય નાસવા માંડ્યું. વિજય પામેલો હું સિંહરથને લઈને અનુક્રમે પોતાના નગરમાં આવ્યો. સંતુષ્ટ થયેલા રાજાએ મારો સત્કાર કર્યો, અને પછી એકાન્તમાં મને કહ્યું, ‘કુમાર! સાંભળ. કોષ્ઠુકી નિમિત્તકને જીવયશા કુમારીનાં લક્ષણોના નિશ્ચય વિષે મેં પૂછ્યું હતું. તેણે મને કહ્યું છે કે એ કુમારી બન્ને કુળનો નાશ કરાવનારી છે, માટે તેને લેશો નહીં.’ મેં કહ્યું, ‘દેવ! કંસે સિંહરથને પકડીને મારી પાસે આણ્યો છે; તેના પરાક્રમને કેમ દબાવી દેવાય?’ પછી રાજાએ કહ્યું, ‘જો એમ હોય તો પણ રાજપુત્રી વણિકપુત્રને શી રીતે અપાય?’ પણ ‘આનું પરાક્રમ તો ક્ષત્રિય જેવું દેખાય છે માટે આમાં કંઈક રહસ્ય હશે’ એમ વિચારી રસાણિયાને બોલાવી અમે પૂછ્યું, ‘આ બાળકની ઉત્પત્તિ કહે.’ રસાણિયાએ પ્રણામ કરીને કહ્યું, ‘આ બાળક કાંસાની પેટીમાં મુકાયેલો હતો, તે પેટીને યમુનામાં તરતી મેં જોઈ હતી. આ ઉગ્રસેનના નામથી અંકિત થયેલી મુદ્રા છે. આ બાબતમાં આપ યોગ્ય કરો.’ પછી કુલવૃદ્ધો વિચાર કરીને કંસને રાજમહેલમાં લઈ ગયા. જરાસંધને મેં કંસનું પરાક્રમ કહ્યું. ‘આ તો ઉગ્રસેન રાજાનો કુમાર છે’ એમ પ્રમાણપૂર્વક કહેવામાં આવતાં તેણે જીવયશા કુમારી કંસને આપી. ‘મારા પિતાએ જન્મતાં જ મારો ત્યાગ કર્યો હતો’ એમ સાંભળીને રોષથી કંસે (જરાસંધ પાસે) વરદાનમાં મથુરા નગરી માગી. દ્વેષને કારણે પોતાના પિતાને કેદમાં નાખી તે રાજ્ય કરવા લાગ્યો.

વસુદેવનો ગૃહત્યાગ

વિસ્મયથી વિકાસ પામેલાં નયનવાળા નાગરિકો વડે પ્રશંસા કરાતો અને રૂપથી મોહિત થયેલી યુવતીઓના દૃષ્ટિ-સમૂહ વડે અનુસરાતો હું પણ યુવાવસ્થામાં આવતાં નવા નવા ઘોડા, ધ્વજ અને વસ્ત્રો સાથે ઉદ્યાનમાં જતો હતો અને ઉદ્યાનની શોભા અનુભવીને પાછો આવતો હતો. એક વાર મારા મોટાભાઈએ મને બોલાવીને કહ્યું, ‘કુમાર! આખો દિવસ તું બહાર ભમે છે, તેથી તારી મુખકાન્તિ મેલી દેખાય છે, હમણાં જ તેં શીખેલી કલાઓ ભુલાઈ ન જાય, માટે તું ઘેર રહે.’ મેં પણ ‘હવે એમ કરીશ’ એવું કહીને એ વાત સ્વીકારી. કોઈ એક વાર રાજાની ધાત્રીની બહેન કુબ્જા, જેને સુગંધી વસ્તુઓને લગતા કામ ઉપર નિયુક્ત કરેલી હતી તેને એક વાર સુગંધી વસ્તુઓ પીસતી જોઈને મેં પૂછ્યું, ‘આ કોને માટે વિલેપન તૈયાર થાય છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘રાજા માટે.’ મેં પૂછ્યું, ‘મારે માટે વિલેપન કેમ તૈયાર થતું નથી?’ તેણે કહ્યું, ‘તમે અપરાધ કર્યો હોવાથી રાજા તમારે માટે વિશિષ્ટ વસ્ત્ર, આભરણ કે વિલેપન આપતા નથી.’ પછી તેણે વારવા છતાં મેં વિલેપન તેની પાસેથી પરાણે લીધું. એટલે ક્રોધ પામેલી તે બોલી, ‘આવાં આચરણને લીધે જ તમને (ઘરમાં) રોકવામાં આવ્યા છે, છતાં અવિનય કર્યા સિવાય રહેતા નથી.’ મેં તેને પૂછ્યું, ‘કહે, કયા અપરાધથી મને રોકવામાં આવ્યો છે?’ ‘મને રાજાનો ડર લાગે છે’ એમ તે કંઈ બોલી. મેં તેને વીંટી આપીને વિનંતી કરી તથા સમજાવી, એટલે તે કહેવા લાગી, ‘રાજાને વણિકોએ એકાન્તમાં વિનંતી કરી હતી કે ‘દેવ! સાંભળો. કુમાર શરદઋતુના ચંદ્રની જેમ લોકોનાં નયનને સુખ આપનાર તથા નિર્મળ ચારિત્ર્યવાળા હોવા છતાં તેઓ જે જે દિશામાં જાય છે ત્યાં ત્યાં તરુણ સ્ત્રીઓ તેમની જ સાથે તેમનું અનુકરણ કરતી ભમ્યા કરે છે. કેટલીયે યુવતીઓ ‘પાછા વળતા વસુદેવને અહીંથી જોઈશું.’ એમ વિચારીને પોસ્તકર્મની બનાવેલી યક્ષિણીઓની જેમ બારીઓ, ગોખ, જાળીઓ અને દ્વારપ્રદેશમાં ઊભી ઊભી દિવસ વિતાવે છે. સ્વપ્નમાં પણ ‘આ વસુદેવ, આ પણ વસુદેવ’ એમ બોલે છે. જે તરુણીઓ પત્ર, શાક અને ફળ ખરીદવા જાય છે તે પણ ‘વસુદેવનો શો ભાવ છે?’ એમ પૂછે છે. બાળકો રડતાં હોવા છતાં કુમાર ઉપર જ જેમની દૃષ્ટિઓ ચોંટી રહેલી છે એવી તે સ્ત્રીઓ ઊલટી તે બાળકોને પકડીને ‘વાછડું છૂટી ગયું છે’ એમ કહીને દોરડાંથી બાંધે છે. આ પ્રમાણે, હે દેવ! લોકો ઘરનાં કામકાજ મૂકીને ઉન્મત્ત તથા દેવ અને અતિથિની પૂજામાં મંદ આદરવાળા થયા છે; માટે એટલી કૃપા કરો, કે કુમાર વારંવાર ઉદ્યાનમાં ન જાય.’ રાજાએ કહ્યું, ‘તમે ચિન્તામુક્ત થઈને જાઓ, હું તેને અટકાવીશ.’ પછી પરિજનોને પણ રાજાએ કહ્યું છે કે, ‘કોઈએ કુમારને આ વાત કહેવી નહીં.’ માટે ઉદ્ધતાઈ છોડી દો, જેથી રાજાના ઠપકાને પાત્ર ન થાઓ.’ મેં કહ્યું, ‘એમ કરીશ.’ પછી મેં વિચાર કર્યો, ‘જો હું ભૂલથી બહાર નીકળ્યો હોત તો પણ મને પકડી લેવામાં આવત. અથવા આ પણ બંધન જ છે, માટે હવે અહીં રહેવું મારે માટે સારું નથી.’ આમ વિચાર કરીને સ્વર અને વર્ણ બદલી નાખનારી ગોળીઓ ખાઈને સંધ્યાકાળે વલ્લભ નામે સેવકની સાથે નગર બહાર નીકળ્યો. સ્મશાનની પાસે કોઈ અનાથ માણસનું મડદું પડેલું જોઈને મેં વલ્લભને કહ્યું, ‘લાકડાં ભેગાં કર, હું શરીરનો ત્યાગ કરીશ.’ તેણે લાકડાં ભેગાં કર્યાં અને ચિતા રચી. પછી મેં વલ્લભને કહ્યું, ‘જલ્દી જા, મારા શયનમાંથી રત્નકરંડક લાવ, એટલે દાન આપીને પછી અગ્નિપ્રવેશ કરું.’ તેણે કહ્યું, ‘દેવ! જો તમારો આ જ નિશ્ચય છે તો મારી સાથે હું પણ અગ્નિપ્રવેશ કરીશ.’ મેં કહ્યું, ‘તારી ઇચ્છા હોય તેમ કરજે, પણ આ છાની વાત કોઈને કહીશ નહીં; જલદી પાછો આવ.’ ‘જેવી આપની આજ્ઞા.’ એમ કહીને વલ્લભ ગયો. એટલે મેં પેલા અનાથ મૃતકને ચિતા ઉપર મૂકી ચિતા સળગાવી. સ્મશાનમાં મુકાયેલો અળતો લઈને મોટાભાઈ અને દેવીને ક્ષમાપના લેખ (માફીનો પત્ર) લખ્યો કે, ‘શુદ્ધ સ્વભાવનો હોવા છતાં વસુદેવને નાગરિકોએ કલંક આપ્યું હોવાથી આ પત્ર લખીને તે અગ્નિમાં પ્રવેશ્યો છે.’ પછી એ પત્ર મસાણના સ્તંભ ઉપર બાંધીને હું જલદીથી ત્યાંથી ચાલ્યો ગયો, અને આડે રસ્તે દૂર સુધી જઈને પછી ધોરી માર્ગ ઉપર ચઢ્યો. માર્ગમાં એક તરુણી રથમાં બેસીને સાસરેથી પિયર જતી હતી. તે મને જોઈને પોતાની સાથેની વૃદ્ધાને કહેવા લાગી, ‘આ અત્યંત સુકુમાર બ્રાહ્મણપુત્ર થાકી ગયો છે, માટે આપણા રથમાં ભલે બેસે. આપણા ઘેર આજ વિશ્રામ લઈને પછી તે સુખપૂર્વક જશે.’ વૃદ્ધાએ મને કહ્યું, ‘ભાઈ! રથ ઉપર બેસો; તમે થાકી ગયા છો.’ ‘રથમાં બેસીને હું ગુપ્ત રીતે પ્રવાસ કરી શકીશ’ એમ વિચારીને હું પણ રથમાં બેઠો. સૂર્યાસ્તની વેળાએ અમે (તે તરુણીના પિયરમાં) સુગ્રામ નામે ગામમાં પહોંચ્યા. ત્યાં સ્નાન તથા ભોજન કરીને હું બેઠો. તે ઘરથી થોડે દૂર યક્ષનું મંદિર હતું, ત્યાં લોકો એકત્ર થયેલા હતા. નગરમાંથી માણસો આવ્યા હતા, તેઓ એ લોકોને કહેતા હતા, ‘આજે નગરમાં જે બન્યું છે તે સાંભળો- વસુદેવ કુમારે અગ્નિપ્રવેશ કર્યો છે. તેમનો વલ્લભ નામે વહાલો સવેક છે. તે ચિતા બળતી જોઈને આક્રંદ કરવા લાગ્યો. આથી લોકોએ તેને પૂછતાં તે કહેવા લાગ્યો કે ‘લોકોના અપવાદથી ડરેલા વસુદેવ કુમારે અગ્નિપ્રવેશ કર્યો છે.’ તેનું આ વચન સાંભળીને બધા લોકો પણ આક્રંદ કરવા લાગ્યા. તેમના રુદનનો શબ્દ સાંભળીને નવે ભાઈઓ — રાજાઓ બહાર નીકળ્યા. કુમારે પોતાના હાથે લખેલો ક્ષમાપન-પત્ર તેમણે જોયો. તે વાંચીને રડતા તેઓએ ઘી અને મધથી ચિતાનું સિંચન કર્યું અને ચંદન, અગર અને દેવદારનાં લાકડાંથી તેને ઢાંકી દઈ, ફરી પાછી સળગાવીને તથા વસુદેવનું ઉત્તરકાર્ય કરીને તેઓ પોતાને ઘેર પાછા ફર્યા.’ આ સાંભળીને મેં વિચાર્યું, ‘પ્રસંગ ગુપ્ત રહ્યો છે. હું મરણ પામ્યો છું એ વિષયમાં મારા વડીલોને શંકા રહી નથી. આથી તેઓ મને શોધવાનો પ્રયત્ન નહીં કરે. આથી મારી ઇચ્છાનુસાર હુ નિર્વિઘ્ને વિચરી શકીશ.’ પછી એ ગામમાં રાત વિતાવીને હું સવારે પશ્ચિમ દિશા તરફ નીકળ્યો અને અનુક્રમે ચાલતાં વિજયખેટ નગરમાં પહોંચ્યો. નગરથી થોડે દૂર એક વૃક્ષની નીચે બે પુરુષો હતા. તેમણે મને કહ્યું, ‘ભાઈ! અહીં આરામ લો.’ હું ત્યાં બેઠો. તેઓએ મને પૂછ્યું, ‘તમે કોણ છો અને ક્યાંથી આવો છો?’ મેં ઉત્તર આપ્યો, ‘હું ગૌતમ નામે બ્રાહ્મણ છું, અને કુશાગ્રપુરથી વિદ્યા ભણીને નીકળ્યો છું. તમે મને શા સારુ પ્રશ્ન કર્યો?’ તેઓએ કહ્યું, ‘સાંભળો—

શ્યામા-વિજયા સાથે વસુદેવનાં લગ્ન

અહીંના રાજાને શ્યામા અને વિજયા નામે બે પુત્રીઓ છે. તેઓ બન્ને રૂપવતી તથા સંગીત અને નૃત્યમાં કુશળ છે. રાજાએ તેમને સ્વયંવર આપેલો છે. તે કન્યાઓએ પ્રતિજ્ઞા કરેલી છે કે, ‘જે વિદ્યાની બાબતમાં અમારાથી ઉત્તમ હોય તે અમારો પતિ થાય.’ રાજાએ ચારે દિશામાં માણસો મોકલીને આજ્ઞા કરી છે કે, ‘જે યુવાન, રૂપાળો અને વિદ્વાન બ્રાહ્મણ અથવા ક્ષત્રિય હોય તેને તમારે અહીં લાવવો.’ આથી રાજાની આજ્ઞાનુસાર અમે અહીં બેઠા છીએ. તમે જો સંગીત અને નૃત્યમાં નિપુણતા મેળવેલી હશે તો અમારો શ્રમ સફળ થશે.’ મેં કહ્યું, ‘ખરેખર શાસ્ત્ર માત્ર હું જાણું છું.’ પછી સંતુષ્ટ થયેલા તેઓ મને નગરમાં લઈ ગયા અને રાજા સાથે મારી મુલાકાત કરાવી. પ્રસન્ન હૃદયવાળા રાજાએ પણ મારો સત્કાર કર્યો. પછી પરીક્ષાનો દિવસ આવી પહોંચતાં મૃદુ, સૂક્ષ્મ, કાળા અને સ્નિગ્ધ વાળવાળી, પ્રફુલ્લ કમળ જેવા રમણીય મુખવાળી, વિસ્તીર્ણ નયનયુગલવાળી, બહુ ઊંચી નહીં એવી તથા સરખી નાસિકાવાળી, પ્રવાલ-દલ તથા દાડમના ફૂલ જેવા હોઠવાળી, કોમળ, નાના અને નમેલા બાહુવાળી, સુકુમાર અને રતાશ પડતી હથેળીઓવાળી, અંતર વગરના — પરસ્પર મળેલા, પુષ્ટ અને પીળાશ પડતા સ્તનોવાળી, કાળા સૂતર સરખી રોમરાજિવાળી અને હાથમાં પકડી શકાય એવા મધ્યમભાગવાળી, વિસ્તીર્ણ નિતંબવાળી, હાથીના બચ્ચાની સૂંઢના જેવા આકારયુક્ત કોમળ ઊરુવાળી, ગાયના પૂંછડા જેવી (અનુક્રમે પાતળી થતી) તથા ગૂઢ-ઢંકાયેલી શિરાઓ અને આછાં રોમયુક્ત જંઘાવાળી, સૂર્ય વડે આલિંગિત કમળ જેવાં કોમળ ચરણકમલવાળી, કલહંસ જેવી લલિત ગતિવાળી અને ફળોના રસ વડે પુષ્ટ થયેલી કોકિલા જેવી મધુર વાણીવાળી શ્યામા અને વિજયા કન્યાઓને મેં જોઈ. તેઓ સંગીત અને નૃત્યના શાસ્ત્રમાં નિપુણ હોવા છતાં મેં સંગીત અને નૃત્યમાં તેમના ઉપર સરસાઈ મેળવી. પછી રાજાએ શુભ દિવસે મને તેમનું વિધિપૂર્વક પાણિગ્રહણ કરાવ્યું અને અર્ધું રાજ્ય આપ્યું. વનગજ જેમ હાથણીઓ સાથે વિહાર કરે તેમ હું એ કન્યાઓ સાથે સ્વચ્છંદે વિહાર કરવા લાગ્યો. મને યુદ્ધવિદ્યાનો પણ પરિચય રાખતો જોઈને તેઓ મને પૂછવા લાગી, ‘આર્યપુત્ર! જો તમે બ્રાહ્મણ છો તો પછી શા માટે યુદ્ધવિદ્યા શીખ્યા છો?’ મેં કહ્યું, ‘કોઈ પણ શાસ્ત્ર બુદ્ધિમાનને માટે નિષિદ્ધ નથી.’ તેમની સાથે ગાઢ પ્રેમ થયા પછી, ‘હવે આ વસ્તુ છુપાવવા જેવી નથી’ એમ વિચારીને, હું કપટપૂર્વક કેવી રીતે ચાલી નીકળ્યો હતો તેનો વૃત્તાન્ત મેં તેમને કહ્યો. એથી પ્રસન્ન થઈને વસન્ત માસની આમ્રવેલીઓની જેમ તેઓ વિશેષ શોભવા લાગી. સમય જતાં વિજયા ગર્ભવતી થઈ. જેના દોહદો પૂરા કરવામાં આવ્યા છે એવી તેણે પૂરા દિવસે પુત્રને જન્મ આપ્યો. જાતકર્મ કર્યા પછી એ પુત્રનું અક્રૂર નામ પાડવામાં આવ્યું. આ પ્રમાણે ત્યાં વસતાં એક વર્ષ વીતી ગયું. એક વાર હું ઉદ્યાનમાં જતો હતો ત્યારે ત્યાંથી નીકળતા એક પ્રવાસી પુરુષે મને જોઈને પોતાની સાથેના પુરુષને કહ્યું, ‘અહો! આશ્ચર્ય છે! આટલું બધું સામ્ય પણ હોય છે!’ પેલાએ પૂછ્યું, ‘શેનું સામ્ય?’ એટલે તેણે કહ્યું, ‘વસુદેવ કુમારનું.’ આ સાંભળીને મને વિચાર થયો કે, ‘અહીં રહેવું હવે મારે માટે સારું નથી, માટે હું ચાલ્યો જાઉં.’

હું મારી બન્ને પત્નીઓને વિશ્વાસ આપીને એકલો નીકળ્યો; અને સીધો માર્ગ છોડીને ઉત્તર દિશામાં દૂર સુધી ચાલ્યો, ત્યાં હિમવંત પર્વતને જોઈને પછી પૂર્વ દેશમાં જવાની ઇચ્છાવાળો હું કુંજરાવર્ત અટવીમાં પ્રવેશ્યો. લાંબો માર્ગ કાપીને થાકેલો અને તરસ્યો થયેલો હું કાદવ વગરના, કમળો વડે છવાયેલા પાણીવાળા અને જળચર પક્ષીઓના કૂજન વડે મનોહર એવા એક સરોવર પાસે પહોંચ્યો. મેં વિચાર કર્યો કે, ‘થાકેલો એવો હું જો તરસને કારણે પાણી પીશ તો વાયુ એકદમ ઊપડીને મારા શરીરમાં દોષ પેદા કરશે, માટે થોડી વાર હું થાક ખાઉં; સ્નાન કરીને પછી પાણી પીશ.’ એટલામાં કાલમેઘના સમૂહ જેવું હાથીઓનું યૂથ પાણી પીવા માટે એ સરોવરમાં આવ્યું, અને અનુક્રમે પાણી પીને પાછું બહાર નીકળ્યું. હું પણ સ્નાન કરવા લાગ્યો. સહેજ ઝરતા દેખાતા મદજળને લીધે સુરભિ ગંડસ્થલવાળો યૂથપતિ હાથણીની પાછળ ચાલતો સરોવરમાં ઊતર્યો. ઉત્તમ અને ભદ્ર લક્ષણવાળા તે હાથીને મેં ધ્યાનપૂર્વક જોયો. ગંધને અનુસરતો એ ગંધહસ્તી મારી પાછળ દોડવા લાગ્યો. મેં વિચાર્યું કે, ‘પાણીની અંદર હાથી સાથે યુદ્ધ નહીં કરી શકાય; આ ઉત્તમ હાથી નજદીક આવશે પછી વશ થશે.’ પછી હું પાણીમાંથી બહાર નીકળ્યો. તે હાથી પણ મારી પાછળ પડ્યો. મેં તેની સૂંઢના સપાટામાંથી બચીને તેના ગાત્ર ઉપર પ્રહાર કર્યો; ચતુરાઈથી તેના ઘા હું ચુકાવવા લાગ્યો. સુકુમારતાને લીધે તથા ભારે શરીરને લીધે તે મને પકડી શક્યો નહીં. મેં તે હાથીને બકરાની જેમ આમતેમ ભમાવ્યો. તેને થાકેલો જાણીને મારું ઉત્તરીય તેની સામે મેં ફેંક્યું, એટલે તેના ઉપર તે બેસી ગયો. હું પણ, ભયભીત બન્યા વગર, એ મહાગજના દંતૂશળ ઉપર પગ મૂકીને ત્વરાથી તેની પીઠ ઉપર ચઢી ગયો. તેના ઉપર મેં આસન જમાવ્યું એટલે તે હાથી ઉત્તમ શિષ્યની જેમ મારે વશ થયો. તેની પાસે ગ્રહણ કરાવીને મેં ઉત્તરીય લીધું અને તેને હું ઇચ્છા અનુસાર ચલાવવા લાગ્યો. એટલામાં આકાશમાં રહેલા બે પુરુષોએ એકસાથે મારા હાથ પકડીને મને ઉપાડ્યો અને ગગનમાર્ગે મને ક્યાંક લઈ જવા માંડ્યા. મેં વિચાર કર્યો કે, ‘આ લોકો મારાથી ઉત્તમ હશે કે ન્યૂન? હું તેમની સામે જોઉં છું એટલે તેઓ નજર ફેરવી લે છે, માટે તેઓ મારાથી ન્યૂન હશે.’ એમ મેં નક્કી કર્યું. તેઓ મારી સાથે પ્રેમથી વર્તતા હતા, તેથી તેઓ મારા પ્રત્યે માયાવાળા છે એવું મેં અનુમાન કર્યું. મેં વિચાર્યું કે, ‘જો તેઓ કંઈ અશુભ કરશે તો તુરત તેમનો નાશ કરીશ, માટે નકામું ચાપલ્ય કરવાની જરૂર નથી.’ તેઓ મને એક પર્વત ઉપર લઈ ગયા અને ત્યાં ઉદ્યાનમાં બેસાડ્યો. પોતાનાં નામ કહીને તેમણે મને પ્રણામ કર્યા કે, ‘અમે પવનવેગ અને અર્ચિમાલી છીએ.’ પછી તેઓ જલદીથી ત્યાંથી ચાલ્યા ગયા.

શ્યામલી સાથે લગ્ન

થોડીક વાર પછી સફેદ અને સૂક્ષ્મ રેશમી વસ્ત્ર જેણે પહેરેલું છે તથા એવા જ વસ્ત્રનું ઉત્તરીય નાખેલું છે એવી એક આધેડ વયની સ્ત્રી મારી પાસે આવી પ્રણામ કરી પોતાનું નામ બતાવીને કહેવા લાગી, ‘રાજા અશનિવેગની પુત્રી વિદ્યાધરકન્યા શ્યામલીની બહારની પ્રતિહારી હું મત્તકોકિલા નામે છું. હે દેવ! સાંભળો. રાજાની આજ્ઞાથી તેના પવનવેગ અને અર્ચિમાલી નામના સચિવો તમને અહીં લાવ્યા છે. એ રાજાની શ્યામલી નામે કન્યા વૈશાખ માસના સંધ્યાકાળના શ્યામ કમલ જેવી શ્યામ, લક્ષણપાઠકોએ જેની પ્રશંસા કરેલી છે એવાં સમ અને સ્વાભાવિક રીતે રાતાં પગનાં તળિયાંવાળી, તળિયાંની આગળ અનુક્રમે આવેલી ગોળ આંગળીઓ અને રાતા નખથી યુક્ત ચરણયુગલવાળી, માંસલ, ગોળ અને સુકુમાર તથા એકદમ દેખી શકાય નહીં એવાં ગૂઢ રોમયુક્ત જંઘાઓવાળી, પુષ્ટ અને સરખાં તથા કદલીસ્તંભ જેવાં ઊરુવાળી, માંસલ અને ભરાવદાર નિતંબોથી યુક્ત વિશાળ શ્રોણિભાગવાળી, દક્ષિણાવર્ત નાભિવાળી, તલવારના અગ્રભાગ જેવી સૂક્ષ્મ અને કૃષ્ણવર્ણની રોમરાજિ વડે સુશોભિત, અને પંજામાં સમાઈ શકે તેવા મધ્યભાગવાળી, પુષ્ટ, ઉન્નત, હાર વડે સુશોભિત, હૃદયહારી તથા પરસ્પર મળેલાં એવાં સ્તનોવાળી, સ્નાયુઓમાં ગૂઢ રહેલા સાંધાવાળી તથા સૌન્દર્યશાળી અને સંગત બાહુલતાવાળી, ચામર, મત્સ્ય અને છત્ર વડે અંકિત હસ્તરેખાઓવાળી, રત્નમાળા વડે અલંકૃત કંબુ કંઠવાળી, વાદળાંના પટલમાંથી બહાર નીકળેલા પૂર્ણચંદ્ર સમાન સૌમ્ય વદનચંદ્રવાળી, જેમના ખૂણા રાતા છે તથા મધ્યભાગ ધવલ અને કૃષ્ણ વર્ણનો છે એવાં નયનોવાળી, બિંબના ફળ જેવા રમણીય અને રૂપાળા હોઠવાળી, કુંડલ જેવાં આભૂષણને યોગ્ય અને સરખા શ્રવણવાળી, ઊંચી અને પ્રશસ્ત નાસિકાવાળી, શ્રવણ અને મનને સુંદર લાગે એવી મધુર વાણીવાળી તથા પરિજનોનાં નયનોરૂપ ભ્રમરો વડે જેનો લાવણ્યરસ પિવાય છે એવી (અત્યંત સૌન્દર્યશાલી) છે. રાજા તમને એ કન્યા આપવા ઇચ્છે છે, માટે ચિન્તાતુર ન થશો.’ એ સ્થળની નજીકમાં એક વાવ આવેલી હતી. તેમાં આકાશમાર્ગે ખારકા૧ ઊતરતી હતી. મેં વિચાર્યું, ‘આ ખારકા આકાશમાર્ગે આવે છે, તો શું તે નાગકન્યા કે વિદ્યાધરી હશે?’ મત્તકોકિલા મારું મનોગત લાગી, ‘દેવ! આ ખારકા વિદ્યાધરી નથી. કારણ સાંભળો — ઝરણામાંથી આવતા મીઠા અને પથ્ય પાણીવાળી આ વાવમાં ચતુષ્પદ પ્રાણીઓ જાય નહીં, એટલા માટે તેનાં પગથિયાં સ્ફટિકનાં બનાવવામાં આવ્યાં છે. જો પાણી પીવાની તમારી ઇચ્છા હોય તો તમને અંદર ઉતારું.’ મેં હા કહી. પછી તેની સાથે પગથિયાં ઊતરીને વાવમાં ગયો. તરસ્યા થયેલા મેં પ્રિયના વચનામૃત જેવું મધુર અને ગુરુના વચન જેવું પથ્ય તે પાણી પીધું. પછી હું બહાર નીકળ્યો. રાજાની આજ્ઞાથી પરિજનો સ્નાનની સામગ્રી, વસ્ત્ર અને આભરણો લઈને આવ્યાં. કલહંસી નામે આભ્યંતર-પ્રતિહારીએ તથા તેનાં પરિજનોએ મને નગરના દ્વાર આગળ સ્નાન કરાવ્યું અને લોકો વડે પ્રશંસા કરાતો હું અલંકાર પહેરીને નગરમાં પ્રવેશ્યો. રાજા અશનિવેગને મેં જોયો અને તેને પ્રણામ કર્યા. ‘સ્વાગત’ એમ બોલતા તેણે સામે આવીને મને પોતાના અર્ધા આસન ઉપર બેસાડ્યો. મત્તકોકિલાએ વર્ણવી હતી તેવી રાજકન્યા શ્યામલીને મેં શુભ મુહૂર્તમાં જોઈ. સંતુષ્ટ રાજાએ વિધિપૂર્વક મારી સાથે તેનું પાણિગ્રહણ કરાવ્યું. પછી હું ગર્ભગૃહમાં પ્રવેશ્યો. લગ્ન થઈ રહ્યા પછી શ્યામલી મને એકાંતમાં કહેવા લાગી, ‘આર્યપુત્ર! હું વિનંતી કરું છું, મને વરદાન આપો.’ મેં કહ્યું, ‘પ્રિયે! વિનંતી તો મારે તને કરવી જોઈએ. તું વિનંતી કરે છે તે મારા ઉપર કૃપા થઈ.’ તે બોલી, ‘સર્વદા તમારો અવિયોગ ઇચ્છું છું.’ મેં કહ્યું, ‘આ વર તો મારો છે, તારો નથી.’ તેણે કહ્યું, ‘આ વર માગવાનું કારણ સાંભળો —

અંગારક અને અશનિવેગનો પરિચય

અહીં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ શ્રેણિમાં કિન્નરગીત નામે નગર છે. ત્યાં અર્ચિ (શિખા)યુક્ત અગ્નિ જેવો તેજસ્વી રાજા અર્ચિમાલી નામે હતો. તેની દેવી પ્રભાવતી નામે હતી. તેના બે પુત્રો છે — જ્વલનવેગ અને અશનિવેગ. જ્વલનવેગની વિમલાભા નામે મહાદેવી છે અને તેનો અંગારક કુમાર છે. અશનિદેવની દેવી સુપ્રભા છે, તેની હું પુત્રી છું. એક વાર રાજા અર્ચિમાલી પોતાની દેવી સાથે વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વિહાર કરીને પાછો પોતાના નગરના ઉદ્યાનમાં આવ્યો. ત્યાં એક સ્થળે સુખપૂર્વક બેસીને તેઓ પરસ્પર વાર્તા કરતાં હતાં. તેનાથી થોડેક દૂર એક હરણ ઊભેલો હતો. રાજાએ એ મૃગ ઉપર બાણ ફેંક્યું, પણ તે પાછું વળ્યું અને મૃગ હાલ્યો પણ નહીં. તેથી ક્રોધથી રાજા બીજું બાણ સાંધતો હતો, ત્યાં અદૃષ્ટ રહેલી દેવતાએ તેને બોધ કર્યો, ‘ભગવાન નંદ-સુનંદ નામે ચારણશ્રમણો અહીં લતાગૃહમાં પ્રશસ્ત ધ્યાનમાં રહેલા છે. તેમની નજીકમાં જ તેં મૃગ ઉપર બાણ તાક્યું. તપરિદ્ધિમાન અણગારો સેંકડો પ્રાણીઓનું રક્ષણ કરે છે. તેઓ જ્યાં રહેલા હોય ત્યાં કોઈ પ્રાણીવધ કરે અને તેના ઉપર જો તેઓ કોપે તો પછી દેવો પણ તેનું રક્ષણ કરી શકતા નથી. માટે જા, ચારણોની ક્ષમા માગ, જેથી તારો નાશ ન થાય.’ દેવતાએ આમ કહ્યું, એટલે ડરેલો રાજા ચારણશ્રમણોની પાસે ગયો. ત્યાં વંદન કરીને તેણે કહ્યું, ‘ભગવંતો! મને ક્ષમા કરો, આપના ચરણની પાસે જ ઊભેલા મૃગનો વધ કરવાનું મેં ધાર્યું હતું.’ એટલે નંદ નામના સાધુએ કહ્યું, ‘રાજા! ક્રીડા કરતા લોકો કંઈક અર્થને માટે અથવા કેવળ નિરર્થક પ્રાણીવધ કરીને નીચી ગતિમાં જાય છે અને પરવશ થઈને ત્યાં ઘણા કાળ સુધી હજારો દુઃખો પામે છે માટે તું પ્રાણીવધનો ત્યાગ કર, વૈરબુદ્ધિનો ત્યાગ કર. અપરાધી જીવનો જે વધ કરે તે પણ પાપના સંચયરૂપ તેના ફળમાંથી સેંકડો ભવે પણ બહાર નીકળી શકતો નથી, તો પછી જે નિરપરાધી પ્રાણીઓનો વધ કરે તેનું તો કહેવું જ શું?’ આવા પ્રકારના ઉપદેશથી જેને વૈરાગ્ય થયો છે એવા તે રાજાએ પોતાના મોટા પુત્ર જ્વલનવેગને પ્રજ્ઞપ્તિવિદ્યા તથા રાજ્ય આપીને દીક્ષા લીધી તથા વૈરાગ્યવાન એવો તે વિચરવા લાગ્યો. ઘણા કાળ પછી તે નંદ-સુનંદ ચારણશ્રમણો પાછા વિહાર કરતા કિન્નરગીત નગરમાં આવ્યા. જ્વલનવેગ વંદન કરવાને માટે નીકળ્યો. સમૃદ્ધિની અનિત્યતા દર્શાવતા ચારણશ્રમણોએ તેને ઉપદેશ આપ્યો, એટલે કામભોગો પ્રત્યે જેને નિર્વેદ થયો છે એવો તે પોતાના નાના ભાઈને બોલાવીને કહેવા લાગ્યો કે, ‘હું વૈરાગ્યના માર્ગે ગયેલો હોઈને દીક્ષા લેવા ઇચ્છું છું; માટે તું પ્રજ્ઞપ્તિવિદ્યા તેમ જ રાજ્યને સ્વીકાર.’ એટલે અશનિવેગે કહ્યું, ‘તમારો કુમાર (અંગારક) બાળક છે. માટે તમે કહો છો તે ગ્રહણ કરવાનું મારે માટે યોગ્ય નથી. કુમાર પોતે તેની જે ઇચ્છા હોય તે ભલે સ્વીકારે.’ પછી કુમારને બોલાવ્યો અને પૂછ્યું, એટલે તેણે કહ્યું, ‘મને મારી માતા કહે તે લઉં.’ માતાએ કહ્યું, ‘તું પ્રજ્ઞપ્તિવિદ્યા લે; જે વિદ્યામાં અધિક હોય છે તે જ (વ્યવહારમાં) રાજ્યનો સ્વામી ગણાય.’ આમ તેણે પોતાની માતાના ઉપદેશથી પ્રજ્ઞપ્તિ લીધી, એટલે અશનિવેગ રાજા થયો. હવે, વિમલાભા પહેલાંની જેમ, પ્રજા પાસેથી કર લેતી હતી, આથી પ્રજાજનો રાજા પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ‘દેવ! અમે હવે સુપ્રભા દેવીને (રાણી તરીકેનું) ભેટણું કરીએ છીએ; અને વિમલાભા પણ અમારી પાસેથી કર માગે છે. બન્ને અમારે તો સ્વજનો છે, માટે અમારે શું કરવું તે કહો.’ પછી રાજા અશનિવેગે વિમલાભાને બોલાવીને કહ્યું, ‘પ્રજાને હેરાન ન કરશો.’ એટલે તે બોલી, ‘હું પુત્રની માતા છું, માટે મને ભેટણાં કરવામાં આવે એ યોગ્ય છે.’ વારવા છતાં પણ વિમલાભા પ્રજાને પીડતી હતી અને પોતાના પુત્રને ચઢાવતી. તેનો પુત્ર પણ બલાત્કારે પોતાને ઇચ્છા થાય તે વસ્તુનો ભોગવટો કરતો હતો. એ પ્રમાણે વિરોધ વધતાં મારા પિતા અશનિવેગનો પોતાની વિદ્યાથી પરાજય કરીને તે (સંગ્રામમાંથી) પાછો આવ્યો. પોતાનો અભિષેક થયા પછી તે મને બોલાવીને કહેવા લાગ્યો, ‘શ્યામલી! તું ચિન્તા કર્યા વગર રહે. તારા ભાઈની સમૃદ્ધિ ભોગવ, તને કોઇ પ્રકારનો વાંધો નહીં આવે.’ મેં કહ્યું, ‘દેવ! સ્વજનોનાં હૃદયો હંમેશાં અશુભની શંકા કરે છે. સંગ્રામમાંથી પાછા વળેલા તમને તો મેં અક્ષત શરીરવાળા જોયા. પણ તમારી રજાથી મારા પિતાને પણ હું મળી લઉં.’ અંગારકે કહ્યું, ‘જા, જો ઇચ્છા થાય તો અહીં આવજે.’ પછી પરિજન સહિત હું અષ્ટાપદ પર્વતની પાસે પડાવ નાખીને રહેલા મારા પિતાને મળી. કેટલાક દિવસ પછી જિનમંદિરમાં અંગીરસ નામે ચારણશ્રમણને વંદન કરીને મારા પિતાએ પૂછ્યું, ‘ભગવન્! મને ફરી વાર રાજ્યલક્ષ્મી મળશે કે નહીં? હું સંયમ પાળવાને યોગ્ય થઈશ?’ આવો પ્રશ્ન રાજાએ પૂછતાં ચારણે કહ્યું, ‘અર્ચિમાલી રાજર્ષિ મારા ધર્મભાઈ હતા, માટે કહું છું. હજી તારો પ્રવ્રજ્યાકાળ આવ્યો નથી, તને ફરી વાર રાજ્ય મળશે.’ રાજાએ પૂછ્યું, ‘ભગવન્! મને કેવી રીતે રાજ્યપ્રાપ્તિ થશે?’ સાધુએ મને બતાવીને કહ્યું, ‘આ શ્યામલી કન્યાનો જે પતિ થશે તેનાથી તને રાજ્યપ્રાપ્તિ થશે. એ પુરુષ અર્ધભારતના અધિપતિ(વાસુદેવ)નો પિતા થશે.’ ફરી રાજાએ પૂછ્યું, ‘ભગવન્! મારે એને કેવી રીતે ઓળખવો?’ સાધુએ ઉત્તર આપ્યો, ‘કુંજરાવર્ત અટવીમાં સરોવરની પાસે જે વનગજની સાથે યુદ્ધ કરે તેને તારે ઓળખી લેવો.’ પછી સાધુને વંદન કરીને અમે કુંજરાવર્ત અટવીમાં રહ્યાં. દરરોજ રાજાની આજ્ઞાથી બબ્બે પુરુષો એ પ્રદેશમાં ફરતા રહેતા હતા. સાધુએ કહ્યું હતું તેવા તમને ત્યાં જોવામાં આવ્યા અને અહીં લાવવામાં આવ્યા. ચારણશ્રમણનો આદેશ મારા ભાઈ અંગારકના પણ સાંભળવામાં આવ્યો છે. આથી દ્વેષવાળો તે કદાચ તમારો બેધ્યાન અવસ્થામાં વધ કરે. પરન્તુ નાગરાજે અમો વિદ્યાધરો માટે નિયમ ઠરાવેલો છે કે, ‘સાધુની પાસે, જિનગૃહમાં કે પત્નીની પાસે રહેલાનો અથવા સૂતેલાનો જે વધ કરે તે વિદ્યાભ્રષ્ટ થશે.’ આ કારણથી હું વિનંતી કરું છું કે તમે મારી સાથે હશો ત્યાં સુધી તે તમને કંઈ કરી શકશે નહીં.’ આ સાંભળીને શ્યામલીને મેં કહ્યું, ‘અંગારક મને કંઈ કરી શકશે નહીં; વાણીથી ભલે મને બાધા કરે. છતાં પણ તને રુચે છે તે હું કરીશ.’ એ પ્રમાણે શ્યામલીની સાથે ઇન્દ્રની જેમ ઇચ્છિત વિષયસુખરૂપી નંદનવનમાં રહેતા એવા મારો સમય વીતતો હતો. શ્યામલીએ મને વિશેષ સંગીતકળા શીખવી; બંધવિમોચની (જેનાથી બંધનમાંથી છૂટી શકાય) તથા પત્રલઘુકિકા (જેનાથી કોઈ વસ્તુને પાંદડા જેવી હળવી બનાવી શકાય) એ બે વિદ્યાઓ પણ તેણે મને શીખવી. એ બન્ને વિદ્યાઓ મેં શરવનમાં સાધી. ચિન્તારહિત અવસ્થામાં હું મારી હિતકારિણી શ્યામલી સાથે ઊંઘતો હતો તે વખતે કોઈ મને હરી જવા લાગ્યું, એટલે હું જાગ્યો. મને હરી જતા એક પુરુષને મેં જોયો અને શ્યામલીના મુખના આકાર સાથે તેની સમાનતા ઉપરથી તે અંગારક હશે એવો તર્ક મેં કર્યો. પછી મેં વિચાર કર્યો, ‘જે શત્રુનો નાશ કરે તે ઉત્તમ છે, જે તેની સાથે નાશ પામે તે મધ્યમ છે, અને જેનો શત્રુ વડે નાશ થાય તે અધમ છે. માટે હું મધ્યમ બનીશ, આની સાથે જ નાશ પામીશ, પણ તેનાથી ન્યૂન નહીં થાઉં.’ આ પ્રમાણે વિચાર કરીને મેં તેના ઉપર પ્રહાર કરવાની ઇચ્છા કરી ત્યાં તો મારાં ગાત્રો થંભી ગયાં અને હું હાલીચાલી શક્યો નહીં. ઊભો રહીને અંગારક મને કહેવા લાગ્યો, ‘કુમાર! કયો વિદ્યારહિત પુરુષ નાગને પકડવાની હિંમત કરી શકે? મેં જ તમારાં ગાત્રો થંભાવેલાં છે.’ એ વખતે શ્યામલી આવીને અંગારકને કહેવા લાગી, ‘દેવ! મારા પતિનો વધ કરવાનું આપને માટે યોગ્ય નથી, કારણ કે તે તમારા પૂજ્ય છે.’ અંગારકે હુંકારથી તેનો તિરસ્કાર કર્યો, એટલે તે ફરી વાર બોલી, ‘મારા પતિને છોડી દો; જો નહીં છોડી દો તો તમારી સાથેનો સ્વજન સંબંધ હું ત્યજી દઉં છું.’ એટલે ક્રુદ્ધ થયેલા અંગારકે મને ફેંકી દેતાં હું પરાળથી ભરેલા હવડ કૂવામાં પડ્યો. ત્યાં પડ્યાં પડ્યાં મેં યુદ્ધ કરતાં તે ભાઈબહેનને જોયાં. પછી અંગારકે પોતાની તલવારથી શ્યામલીના બે ટુકડા કર્યા. મેં વિચાર્યું કે, ‘પોતાની બહેનનો વધ કરનાર આ અંગારક અતિ નિર્દય છે.’ પણ ત્યાં તો એકની બે શ્યામલીઓ થઈ ગઈ. શ્યામલીએ પણ ખડ્ગથી અંગારક ઉપર પ્રહાર કર્યો, એટલે તેના બે અંગારક થઈ ગયા. મેં વિચાર કર્યો કે, ‘આ તો એમની માયા છે; શ્યામલી નાશ પામી નથી.’ યુદ્ધ કરતાં કરતાં બન્ને જણાં અદૃશ્ય થયાં. હું પણ ઉપસર્ગો દૂર થાય તે માટે દ્રવ્યથી બેઠેલો છતાં ભાવથી ઊભો રહી કાયોત્સર્ગ કરીને રહ્યો. એટલે વિદ્યાદેવતા હસીને અદૃશ્ય થઈ. એવામાં જાળિયામાંથી આવતો દીવાનો પ્રકાશ જોઈને મેં ધાર્યું કે, ‘આ વાઘ હશે.’ પણ ફરી પાછું મેં વિચાર્યું કે, ‘જો વાઘ હોત તો અહીં પડેલા મારા ઉપર જરૂર આક્રમણ કરત; માટે આ વાઘ નથી. ચોક્કસ, અહીંથી થોડેક દૂર કોઈ પ્રાસાદ હોવો જોઈએ, જેમાંથી આ દીવાનો પ્રકાશ આવતો હશે.’ પ્રભાત થતાં હું (કૂવામાંથી) બહાર નીકળ્યો.

ગન્ધર્વદત્તા લંભક

હું કૂવામાંથી બહાર નીકળ્યો. ત્યાં આધેડ વયના એક માણસને મેં જોયો. તેને મેં પૂછ્યું, ‘સૌમ્ય! આ કયો જનપદ છે? અને અહીં કયું નગર આવેલું છે?’ તેણે કહ્યું, ‘ભદ્રમુખ! અનુક્રમે એક જનપદથી બીજા જનપદમાં જવાય છે. તમે શું આકાશમાંથી પડેલા છો કે આ કયો જનપદ અને કયું નગર એમ પૂછો છો?’ મેં કહ્યું, ‘સાંભળો, હું ગૌતમગોત્રનો સ્કન્દિલ નામે મગધવાસી બ્રાહ્મણ છું. યક્ષિણીઓની સાથે મારે પ્રણય હતો. તેમાંની એક મને (આકાશમાર્ગે) ઇચ્છિત પ્રદેશમાં લઈ જતી હતી, ત્યાં બીજીએ ઈર્ષ્યાને કારણે તેની પાછળ પડીને તેને પકડી. તે બેની વચ્ચે કલહ થતાં હું નીચે પડી ગયો. આથી આ કયો જનપદ છે તે હું જાણતો નથી.’ પેલો માણસ પણ મને અવલોકીને કહેવા લાગ્યો, ‘સંભવિત છે; યક્ષિણીઓ તમારી કામના કરે એમાં કંઈ આશ્ચર્ય નથી.’ પછી તેણે મને કહ્યું, ‘આ અંગા જનપદ છે, અને ચંપાનગરી છે.’ પછી ત્યાં મેં જિનમંદિર જોયું, અને ત્યાં જેના પાદપીઠ ઉપર નામ કોતરેલું હતું એવી ભગવાન અરિહંત વાસુપૂજ્યની મૂર્તિ મેં જોઈ. એ મૂર્તિને બહુમાનપૂર્વક પ્રણામ કરી, જાણે પ્રત્યક્ષ તીર્થંકર હોય તેમ તેને વંદન કરી, હું મારી જાતને કૃતાર્થ માનવા લાગ્યો. પછી હું મંદિરમાંથી બહાર નીકળ્યો, તો જેમના હાથમાં વીણા છે એવા, કંઈક પરિવાર સહિત, તરુણોને મેં જોયા, તથા ઘણા લોકોથી પરિવરાયેલું, વેચવા માટેનું, વીણાઓથી ભરેલું ગાડું જોયું. એક માણસને મેં પૂછ્યું, ‘શું આ દેશનો આવો આચાર છે? કે બીજું કંઈ કારણ છે, જેથી બધા જ લોકો વીણાનું જ કામ કરતા દેખાય છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘અહીં ચારુદત્ત શેઠની પુત્રી ગન્ધર્વદત્તા અત્યંત રૂપવતી અને ગાન્ધર્વવેદની પારગામી છે. એ શેઠ પણ કુબેરના જેવો છે. એ કન્યાના રૂપથી મોહિત થયેલા બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો સંગીતકળામાં અનુરક્ત થયેલા છે. એ કળા શીખીને જે માણસ તે કન્યાને જીતે તે પુણ્યભાગીની એ ભાર્યા થશે. દરેક માસે વિદ્વાનોની સમક્ષ આ બાબતનો નિર્ણય કરવામાં આવે છે. ગઈ કાલે જ એવો સમારંભ થઈ ગયો છે, એટલે હવે એક માસે થશે.’ મેં વિચાર્યું, ‘હજી તો ઘણા દિવસ ગુમાવવા પડશે, માટે તેને પૂછું કે — અહીં સંગીતકળાના પારગામી કોઈ ઉપાધ્યાયો છે કે કેમ?’ તેણે ઉત્તર આપ્યો, ‘છે, તેમાં પણ સુગ્રીવ અને જયગ્રીવ મુખ્ય છે.’ એટલે મને વિચાર થયો, ‘એ લોકોના ઘરમાં હું નિર્વિઘ્ને દિવસ ગાળીશ.’ મારાં આભરણો ગુપ્ત ભૂમિભાગમાં છુપાવીને હું નગરમાં પ્રવેશ્યો. મૂર્ખની જેમ પ્રલાપ કરતો હું (સુગ્રીવ) ઉપાધ્યાયને ઘેર પહોંચ્યો. ઉપાધ્યાયને મેં પ્રણામ કર્યા, એટલે તેમણે ‘સ્વાગત’ એમ કહ્યું, અને પૂછ્યું, ‘ક્યાંથી આવે છે? અને શા કારણથી અહીં આવ્યો છે?’ મેં કહ્યું, ‘મારું નામ સ્કન્દિલ છે, હું ગૌતમગોત્રનો છું, અને મારે સંગીત શીખવું છે.’ પણ ઉપાધ્યાયે મને જડ ધારીને મારી અવજ્ઞા કરી. એટલે મેં તેની બ્રાહ્મણીને ઉત્તમ રત્નથી જડેલું કડું આપ્યું. તે જોઈને તે કહેવા લાગી, ‘પુત્ર! ધીરજ રાખ; ભોજન, વસ્ત્ર અને શયનની બાબતમાં તારી જે કંઈ ઇચ્છા હોય તે કહે, ચિન્તા ન કરીશ.’ મેં પણ મારી ઇચ્છા હતી તે કહ્યું. પછી બ્રાહ્મણીએ સુગ્રીવ ઉપાધ્યાયને કહ્યું, ‘સ્વામી! સ્કન્દિલને ભણાવો, એ વિદ્યાવિહીન ન રહે.’ તેણે કહ્યું, ‘એ તો જડ છે, શું શીખવાનો હતો?’ બ્રાહ્મણી બોલી, ‘મારે કંઈ બુદ્ધિનું પ્રયોજન નથી; આ વસ્તુને માટે પ્રયત્ન કરો.’ એમ કહીને તેણે કડું બતાવ્યું. એટલે ઉપાધ્યાયે મને શીખવવાનું સ્વીકાર્યું. પછી તુંબરુ અને નારદની પૂજા કરવામાં આવી. ઉપાધ્યાયે મને વીણા અને ચંદનનો ગજ આપ્યો અને કહ્યું, ‘તન્ત્રીઓને સ્પર્શ કર.’ એટલે મેં તન્ત્રીઓ ઉપર એવી રીતે પ્રહાર કર્યો કે તૂટી ગઈ. ઉપાધ્યાયે બ્રાહ્મણીને કહ્યું, ‘તારા પુત્ર સ્કન્દિલનું આ વિજ્ઞાન જો.’ બ્રાહ્મણી બોલી, ‘એ તન્ત્રીઓ તો જૂની અને દુર્બલ હતી; બીજી અને સ્થિર તન્ત્રીઓ બનાવો, એટલે તે સમય જતાં શીખશે.’ પછી ઉપાધ્યાયના શિષ્યોએ સ્થૂલ તન્ત્રીઓ તૈયાર કરી. મને ઉપાધ્યાયે કહ્યું, ‘ધીરે ધીરે તન્ત્રીઓને સ્પર્શ કર.’ પછી તેણે મને નીચે પ્રમાણે ગીત આપ્યું: આઠ નિર્ગ્રન્થો સુરાષ્ટ્રમાં પ્રવેશ્યા, અને ત્યાં એક કોઠાના ઝાડની નીચે બેઠા; કોઠું પડ્યું અને (નિર્ગ્રન્થનું) માથું ફૂટી ગયું; ‘અવ્વો! અવ્વો!’ એમ બોલતા શિષ્યો હસવા લાગ્યા. અને મેં એ કન્યાને સંગીતમાં પરાજિત કરી, એટલે ચારુદત્ત શ્રેષ્ઠીએ મારું લગ્ન તેમની પુત્રી સાથે કર્યું. એક દિવસ તે શ્રેષ્ઠીએ પોતાની કથા કહી:

ચારુદત્તની આત્મકથા

આ નગરમાં ઘણા કાળની જૂની કુલપરંપરાવાળો, માતા તેમ જ પિતાના વંશમાં વિશુદ્ધ એવા કુળમાં જન્મેલો, શ્રમણોપાસક, જેણે જીવ અને અજીવ પદાર્થોનું સ્વરૂપ જાણ્યું છે એવો અને દયાવાન ભાનુ નામે શ્રેષ્ઠી હતો. તેને અનુરૂપ કુલમાં જન્મેલી ભદ્રા પત્ની હતી. એ ભદ્રા ઉચ્ચપ્રસવા હોવાથી (રજસ્ની નાડી ઊંચી થઈ ગયેલી હોવાથી) તેને પુત્ર થતો નહોતો. આથી પુત્રની ઇચ્છાવાળી તે દેવતાઓને નમસ્કાર કરતી તથા તપસ્વી જનોની પૂજા કરતી વિહરતી હતી. એક વાર પોતાની પત્ની સહિત જેણે પૌષધ કર્યો હતો એવો તે શ્રેષ્ઠી જિનપૂજા કરીને, દીવા સળગાવવામાં આવ્યા હતા તે સમયે, દર્ભના સંથારામાં સ્તુતિમંગલમાં પરાયણ થઈને બેઠો હતો. એ વખતે ભગવાન ચારુ નામે ગગનચારી અણગાર ત્યાં આવ્યા. જિનેશ્વરની સ્તુતિ કરીને તથા કાયોત્સર્ગ કરીને મુનિ ત્યાં બેઠા. શેઠે તેમને ઓળખ્યા. પછી સંભ્રમપૂર્વક ઊઠીને ‘આ તો ચારુ મનિ’ એમ બોલતા શ્રેષ્ઠીએ તેમને આદરથી વંદન કર્યું. મુનિએ મધુર વચનથી તેને કહ્યું, ‘શ્રાવક! તું નિરોગી છે? તારાં તપ અને વ્રતમાં નિર્વિઘ્ન છે?’ શ્રેષ્ઠીએ કહ્યું, ‘ભગવન્! તમારાં ચરણની કૃપાથી.’ આ પછી ચારુ મુનિ તીર્થંકર નેમિનાથના ચરિત સંબંધી કથા કહેવા લાગ્યા. કથાન્તરમાં શ્રેષ્ઠીની પત્નીએ હાથ જોડીને ચારુ મુનિને કહ્યું, ‘ભગવન્! અમારી પાસે વિપુલ ધન છે. લોકદૃષ્ટિએ એ ધનનો ભોક્તા તથા અમારી કુલપરંપરાને ચાલુ રાખનાર પુત્ર અમને થશે? આપ અમોઘદર્શી છો, માટે આનો ખુલાસો આપો.’ ભગવાન ચારુ મુનિએ કહ્યું, ‘ભદ્રે! તને અલ્પકાળમાં પુત્ર થશે.’ પછી તે શ્રેષ્ઠીને ‘શ્રાવક! શીલવ્રતોના પાલનમાં અપ્રમાદી થજે’ એમ કહીને મુનિ અદૃશ્ય થયા. આ પછી કેટલેક કાળે શ્રેષ્ઠીની પત્નીને ગર્ભ રહ્યો. વૈદ્યોએ સૂચવેલી ભોજનવિધિથી ગર્ભને ઉછેરવામાં આવ્યો. જેના દોહદ પૂરો કરવામાં આવ્યા છે એવી તે સ્ત્રીએ પ્રસવકાળે પુત્રને જન્મ આપ્યો. જાતકર્મ કર્યા પછી નામકરણ-સંસ્કારના દિવસે તેનું ચારુદત્ત એવું નામ પાડવામાં આવ્યું, કારણ કે ગુરુ ચારુમુનિએ એ પુત્રજન્મનું ભવિષ્ય ભાખ્યું હતું. ધાત્રી વડે રક્ષાયેલો તથા પરિજનો વડે લાલનપાલન કરાતો તે છોકરો મંદર પર્વતની કંદરામાં ઊગેલા સંતાનક નામના કલ્પવૃક્ષની જેમ નિર્વિઘ્ને મોટો થયો. શરીરના પાંચ ભૂતોની જેમ અથવા નિરંતર શોભાયમાન રૂપાદિ પાંચ ગુણોની જેમ સર્વદા સાથે ને સાથે રહેતા એ ભાનુ શ્રેષ્ઠીના પાંચ મિત્રો હતા. એ પાંચેના મારી સાથે જ ઊછરેલા અને મારામાં સ્નેહવાળા પુત્રો હતા. તેમનાં નામ હરિસિંહ, ગોમુખ, વરાહ, તમન્તક અને મરુભૂતિ એવાં હતાં. એમની સાથે ક્રીડા કરતો ચારુદત્ત આનંદ પામતો હતો. એ ચારુદત્ત તે હું જ છું એમ તમે જાણો. હે સ્વામી! પછી મને કલાચાર્ય પાસે લઈ જવામાં આવ્યો અને મેં કલાઓ ગ્રહણ કરી. વિદ્યા ભણ્યા બાદ પિતાએ મને શ્રાવકધર્મ ગ્રહણ કરાવ્યો, અને મિત્રો સહિત હું રહેવા લાગ્યો. એક વાર કૌમુદી-ચાતુર્માસિકાના ઉત્સવ નિમિત્તે જિનેશ્વરને પુષ્પો ચઢાવવ માટે મિત્રો સહિત હું નીકળ્યો અને અંગમંદિર ઉદ્યાન તરફ ગયો. ત્યાં ચૈત્યનો ઉત્સવ થતો હતો. મારી આજ્ઞા ઉઠાવનાર દાસ અને પુષ્પો વીણનાર છોકરાની સાથે પગે ચાલતો હું રમણીય ઉપવનો અને ઝરણાંઓ તથા મેઘની ઘટા જેવી શ્યામ અને પક્ષીઓના ગણના મધુર કિલકિલાટથી યુક્ત વનરાજિ જોતો હતો. આ બધું જોવાની લાલચથી વૃક્ષો, ગુચ્છો અને લતાઓમાં દૂર સુધી ગયેલા અમે પ્રસન્ન વહેતાં પાણીવાળી અને બારીક અને ધવલ રેતીવાળી રજતવાલુકા નામની નદીના કિનારે પહોંચ્યા. જોઈતાં પુષ્પો અમે ચૂંટ્યાં. પછી દાસોને મોકલ્યા કે, ‘જાઓ, અંગમંદિર ઉદ્યાનમાં જિનાયતનની પાસે અમારી રાહ જુઓ.’ એટલે તેઓ ગયા. પછી મિત્રોની સાથે હું નદીકિનારે ઊભો રહ્યો. મરુભૂતિ નદીમાં ઊતર્યો અને કહેવા લાગ્યો, ‘ઊતરો, શા માટે વિલંબ કરો છો?’ ગોમુખે તેને કહ્યું, ‘તું કારણ જાણતો નથી.’ એટલે તે બોલ્યો, ‘શું કારણ છે?’ ગોમુખ બોલ્યો, ‘વૈદ્યો કહે છે કે — રસ્તો કાપીને આવ્યા પછી એકદમ પાણીમાં ન ઊતરવું જોઈએ. પગના તળિયે રહેલી બે શિરાઓ ઊંચે જાય છે, અને કંઠ પાસે આવીને તે જુદી પડે છે. તે પૈકી બે નેત્ર તરફ જાય છે. એ શિરાઓનું રક્ષણ કરવા માટે ઉષ્ણ અને તપેલા શરીરવાળા મનુષ્યે પાણીમાં ઊતરવું નહીં. જો કદાચ એ રીતે ઊતરવામાં આવે તો, એ વસ્તુ પ્રકૃતિ વિરુદ્ધ હોવાને કારણે, માણસને ખૂંધાપણું, બહેરાપણું અથવા અંધાપો પ્રાપ્ત થાય છે. આ કારણને લીધે વિશ્રામ લીધા પછી પાણીમાં ઊતરવું.’ આ સાંભળીને મરુભૂતિ કહેવા લાગ્યો, ‘ગોમુખ તો મોટા ઘરનો માણસ છે, માટે તમે બધા ઊતરો અને પગ ધુઓ.’ પછી અમે પગ પખાળીને ક્રીડા કરવા લાગ્યા, અને એક સ્થળે ધરામાં કમળ લઈને કમળપત્રો ઉપર અમારી ઇચ્છાનુસાર પત્રચ્છેદ્ય કરીને આનંદ કરવા લાગ્યા. એમ કરતાં નદીના બીજા પ્રવાહ આગળ અમે પહોંચ્યા. ત્યાંથી ગોમુખે ખોબાના જેવી આકૃતિવાળું આભ્યંતર પદ્મપત્ર લીધું અને તે પાણીમાં તરતું મૂક્યું, એની અંદર યોગ્ય પ્રમાણમાં રેત મૂકી, એટલે તે નાવની જેમ ઉતાવળે ચાલવા લાગ્યું. મરુભૂતિએ પણ પદ્મપત્ર લીધું અને તેમાં પુષ્કળ રેતી નાખી. આથી કમળપત્રની તે નાવ ભારને કારણે ડૂબી ગઈ અને બધા મિત્રો મરુભૂતિની મશ્કરી કરવા લાગ્યા. એટલે કારણ સમજીને તેણે બીજું કમળપત્ર લઈને મૂક્યું, પણ પ્રવાહની શીઘ્રતાથી — નાવ ઉતાવળે ચાલવાથી ગોમુખ જીત્યો. જોરથી ચાલતી એ પદ્મપત્રની નાવડીને મરુભૂતિ પહોંચી શક્યો નહીં, પણ દૂર સુધી જઈને પછી તે હર્ષપૂર્વક પોતાના મિત્રોને બોલાવવા લાગ્યો, ‘આવો, આવો, જલદી આવો! આશ્ચર્ય જુઓ.’ એટલે મેં તેને કહ્યું, ‘સુન્દર! કહે કેવું આશ્ચર્ય છે?’ તે બોલ્યો, ‘ચારુસ્વામી! આવું તો મેં કદી પણ જોયું નથી; જો તમારી પણ જોવાની ઇચ્છા હોય તો અહીં આવીને જુઓ.’ આ સાંભળી ગોમુખ મને કહેવા લાગ્યો, ‘ચારુસ્વામી! એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. નક્કી એ મરુભૂતિએ પથ્થરમાંથી નીકળેલું વૃક્ષનું મૂળ જોયું હશે; એ જોઈને એને થયું હશે કે, ‘આવા કોમળ મૂળ વડે આ પથ્થર કેવી રીતે ભેદાયો?’ અથવા બચ્ચાંને ચારો આપતી હંસલી તેણે જોઈ હશે, અને તેનાં બચ્ચાંની સંખ્યા જોઈને તે વિસ્મય પામ્યો હશે. અથવા તમરાંનો અવાજ સાંભળીને ‘આટલાં નાનાં તમરાં આટલો મોટો શબ્દ કેવી રીતે કરે છે?’ એમ તેણે આશ્ચર્ય માન્યું હશે.’ પછી મેં મરુભૂતિને પૂછ્યું, ‘આ સિવાય બીજું કંઈ છે?’ તેણે ઉત્તર આપ્યો, ‘આ તો આશ્ચર્યોનું પણ આશ્ચર્ય છે; એમાં તમારે વિચાર કરવાનું શું છે? જુઓ.’ મરુભૂતિ પ્રત્યેના માનની ખાતર અમે તે પ્રદેશમાં ગયા. ત્યાં અમને મરુભૂતિએ પ્રવાહના પાણીથી ભરેલું, અત્યંત સૂક્ષ્મ રેતીના પુલિનમાં પડેલું હોવાને કારણે જાણે કે પહેરેલાં વસ્ત્રમાંથી પડેલું હોય તેવું, અળતાને કારણે કંઈક પીત વર્ણવાળું કોઈ યુવતીનું પગલું બતાવ્યું. ગોમુખ બોલ્યો, ‘આવા પુલિન-ભાગમાં શું આશ્ચર્ય છે? આવાં પાણીથી ભરેલાં સ્થળો તો ઘણાં હોય છે.’ મરુભૂતિ બોલ્યો, ‘અહીં જે આશ્ચર્ય છે તે જુઓ.’ એમ કહીને તેણે બીજાં બે પગલાં બતાવ્યાં. એટલે ગોમુખે તેને કહ્યું, ‘જો આવી વસ્તુઓ આશ્ચર્યરૂપ હોય તો આપણાં પગલાંઓ તો સેંકડો આશ્ચર્યરૂપ ગણાવાં જોઈએ.’ મરુભૂતિ બોલ્યો, ‘આપણાં પગલાં તો અનુક્રમે પડેલાં હોય છે, ત્યારે આ તો વ્યુચ્છિન્ન માર્ગવાળાં છે — અર્થાત્ આ ક્યાંથી આવ્યાં અને ક્યાં ગયાં તે કંઈ સમજાતું નથી. માટે આપણે તે ધ્યાનપૂર્વક જોવાં જોઈએ.’ આ સાંભળીને હરિસિંહ બોલ્યો, ‘એમાં શો વિચાર કરવાનો છે? કોઈ એક પુરુષ આ કિનારે ઊગેલા વૃક્ષ ઉપર ચઢીને એક ડાળીથી બીજી ડાળી ઉપર જતો હશે, પણ કોઈ લતાડાળ અત્યંત પાતળી હોવાને કારણે પુલિન ઉપર ઊતર્યો હશે, અને ફરી પાછો વૃક્ષ ઉપર ચઢી ગયો હશે.’ એટલે ગોમુખે વિચાર કરીને કહ્યું, ‘એ બંધબેસતું નથી. જો તે વૃક્ષ ઉપરથી ઊતર્યો હોત તો હાથપગના આઘાતને લીધે પડેલાં લીલાં, સૂકાં અને પાકાં પત્ર, પુષ્પ અને ફળ આ પુલિન ઉપર તેમ જ પાણીમાં વેરાયેલાં હોત.’ પછી હરિસિંહે કહ્યું, ‘તો આ પગલાં કોનાં હશે?’ ગોમુખ બોલ્યો, ‘કોઈ આકાશગામીનાં પગલાં છે.’ એટલે હરિસિંહે પૂછ્યું, ‘તો શું દેવનાં છે? રાક્ષસનાં છે? ચારણશ્રમણનાં છે? કે ઋદ્ધિમાન ઋષિનાં છે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘દેવો તો જમીનથી ચાર આંગળ ઊંચે જ ચાલે છે; રાક્ષસો મોટા શરીરવાળા હોય છે, એટલે તેમનાં પગલાં પણ મોટાં હોય છે; ઋષિઓ તપને કારણે શોષાયેલા શરીરવાળા હોય છે, એટલે કૃશતાને લીધે તેમનાં પગલાં મધ્ય ભાગમાં ઉન્નત હોય છે; અને જલચર પ્રાણીઓને ત્રાસ ન થાય એટલા માટે ચારણશ્રમણો જલતીરે ફરતા નથી.’ હરિસિંહ બોલ્યો, ‘જો એ પૈકી કોઈનાંયે આ પગલાં ન હોય, તો કોનાં હશે?’ ગોમુખે કહ્યું, ‘વિદ્યાધરનાં.’ હરિસિંહે કહ્યું, ‘કદાચ વિદ્યાધરીનાં પણ હોય.’ ગોમુખ બોલ્યો, ‘પુરુષો બળવાન હોઈને ઉત્સાહપૂર્વક ચાલે છે. વિશાળ વક્ષ:સ્થળને કારણે તેમનાં પગલાં આગળથી દબાયેલાં હોય છે; પણ સ્ત્રીઓના પુષ્ટ નિતંબને કારણે તેમનાં પગલાં પાછળથી દબાયેલાં હોય છે. આ કારણથી આ પગલાં વિદ્યાધરીનાં નથી.’ ફરી પાછો ગોમુખ બોલ્યો, ‘ચારુસ્વામી! એ વિદ્યાધરની પાસે ભાર છે.’ હરિસિંહે પૂછ્યું, ‘શું તે પર્વતનો ભાર છે? કે સદ્યયૌવનવૃક્ષનો ભાર છે? અથવા પૂર્વે જેણે પોતાનો અપરાધ કર્યો હોય એવા અને લાગ તાકીને પકડેલા શત્રુનો એ ભાર હશે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘જો પર્વતનું શિખર હોત તો તેના ભારને કારણે પગલાં ખૂબ દબાયેલાં હોત; જો વૃક્ષ હોત તો તેની જમીનને અડતી શાખાઓની મુદ્રા ઘણા મોટા ઘેરાવામાં દેખાતી હોત; અને શત્રુને તો આવા રમ્ય પ્રદેશમાં કોઈ લાવે જ નહીં.’ એટલે હરિસિંહે પૂછ્યું, ‘જો આમાંનું એક પણ કારણ ન હોય તો પછી એ ભાર છે શેનો?’ ગોમુખે કહ્યું, ‘સ્ત્રીનો.’ હરિસિંહે કહ્યું, ‘સ્ત્રીનો ભાર હોય એ સંભવિત નથી, કારણ કે વિદ્યાધરીઓ પણ આકાશગામિની હોય છે.’ એટલે ગોમુખ બોલ્યો, ‘એ વિદ્યાધરની પ્રિય માનવ સ્ત્રી છે; તેની સાથે તે રમણીય સ્થાનોમાં ફરે છે.’ હરિસિંહે કહ્યું, ‘જો તે એ વિદ્યાધરની પ્રિયા હોય તો તેને એ વિદ્યાઓ શા માટે આપતો નથી?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘એ વિદ્યાધર મત્સરવાળો અને સર્વ પ્રત્યે શંકા રાખનારો છે, આથી ‘વિદ્યાઓ મેળવીને રખેને સ્વચ્છંદચારી થાય’ એમ વિચારીને તે પોતાની પ્રિયાને વિદ્યાઓ આપતો નથી. પછી હરિસિંહે પૂછ્યું, ‘તેની સાથે વિદ્યાને ધારણ નહીં કરનારી સ્ત્રી છે, એમ તેં શી રીતે જાણ્યું?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘સ્ત્રીઓના શરીરનો નીચેનો ભાગ પુષ્ટ હોય છે, અને તેમને ડાબે હાથે પ્રણયચેષ્ટા કરવાની ટેવ હોય છે; એ કારણથી આ તેનો ડાબો પગ કંઈક ઊંચો થયેલો છે.’ હરિસિંહે કહ્યું, ‘જો તેની સાથે સ્ત્રી હોય તો પછી આ પ્રદેશમાં ઊતર્યા પછી તેની સાથે ભોગ ભોગવ્યા સિવાય તે કેમ ચાલ્યો ગયો?’ ગોમુખ બોલ્યો, ‘વૃક્ષરાજિના અંધકારને લીધે (દૂરથી) હરિતમણિની વેદિકાથી વીંટળાયેલો હોય તેવો આ પ્રદેશ તેમણે ધાર્યો હશે, પણ પાસે આવતાં પ્રકાશ વડે રમણીય અને પાણીથી વીંટળાયેલા પુલિનને જોતાં આ સ્થળને તેમણે રતિને માટે અયોગ્ય ધાર્યું હોવું જોઈએ. પગલાં તાજાં જ હોવાથી અવશ્ય તેઓ આટલામાં જ હશે. આ રમણીય પ્રદેશ ત્યજીને એકદમ જઈ શકાય એવું નથી, માટે આપણે તેમની પદપંક્તિની શોધ કરીએ.’ આ રીતે તપાસ કરતાં બીજા સ્થળે ચાર પગલાં જોવામાં આવ્યાં. તે ગોમુખને બતાવવામાં આવ્યાં, એટલે તેણે નિર્ણય આપ્યો કે, ‘ઘૂઘરીઓના અગ્રભાગ વડે અંકિત તથા પાની ઉપરનાં નૂપુરની જેમાં કંઈક મુદ્રા પડેલી છે એવા આ સ્ત્રીનાં પગલાં છે. આ બીજાં બે જુદાં છે, અને તે પુરુષનાં છે.’ પછી ગોમુખના વચનથી વિસ્મય પામેલા તથા એ યુગલની પદપંક્તિને અનુસરતા અમે આગળ ચાલ્યા. પછી અમે ખીલેલાં પુષ્પોવાળું, ભ્રમરોથી ઢંકાયેલું અને શરદકાળની શોભાવાળું સપ્તપર્ણનું વૃક્ષ જોયું. અંજન (કાળા ભમરા) અને ગેરુ(પુષ્પ)થી રંગાયેલો જાણે રૂપાનો પર્વત હોય એવું તે દેખાતું હતું. આ જોઈને ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! આ સપ્તપર્ણની પાસે આવ્યા પછી તે સ્ત્રીએ આ શાખા ફૂલનો ગોટો જોયો; અને પોતે નહીં પહોંચી શકતી હોવાથી તે માટે પ્રિયને પ્રાર્થના કરી.’ હું બોલ્યો, ‘એમ કેવી રીતે?’ ગોમુખે કહ્યું, ‘ફૂલનો ગોટો લેવા ઇચ્છતી તે સ્ત્રીનાં આ પાની વગરનાં પગલાં દેખાય છે. વિદ્યાધર તો ઊંચો છે, એટલે તેણે વિના પ્રયત્ને એ ગોટો તોડ્યો છે, કેમ કે જરાયે ભેદાયેલી રેખાઓ વગરનાં તેનાં પગલાં આ રેતીમાં દેખાય છે. પણ એ ફૂલનો ગોટો તે સ્ત્રીને હજી તેના પતિએ આપ્યો નથી. વળી તેમને અહીંથી ગયાંને પણ લાંબો સમય વીત્યો નથી, કારણ કે ફૂલ ચૂંટાયાંને લીધે હજી પણ ફૂલનાં દીંટાંમાંથી દૂધ ઝરી રહ્યું છે.’ એટલે હરિસિંહે ગોમુખને કહ્યું, ‘ગોમુખ! ફૂલનો સ્તબક તોડ્યાંને ઝાઝી વાર થઈ નથી, એ તમારું કથન તો યોગ્ય છે, પણ વિદ્યાધરે એ સ્તબક સ્ત્રીને આપ્યો નહીં, એ વાત બંધ બેસતી નથી. પ્રિયાએ પ્રાર્થના કર્યા છતાં તે કેમ ન આપે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘કામવાસના પ્રણયલોલ હોય છે. આ સ્ત્રીએ આ પહેલાં પોતાના પ્રિયતમ પાસે કોઈ વસ્તુની પ્રાર્થના નહીં કરી હોય એમ જણાય છે; આથી પ્રથમ વાર તે ફૂલના ગોટાની યાચના કરવાને લીધે અતિ ચંચળ એવી સ્ત્રીને જોતો તે આનંદ પામ્યો. ‘હે પ્રિયતમ! મને તે આપ’ એમ બોલતી તે સ્ત્રી પણ તેની ચારે બાજુએ ફરવા લાગી. તે સ્ત્રીનાં પગલાંથી વીંટાયેલાં એ વિદ્યાધરનાં પગલાં અહીં દેખાય છે. ચારુસ્વામી! વિદ્યાધરની તે અવિદ્યાધરી — માનવી — પ્રિયતમા આથી કોપ પામીને રિસાઈ ગઈ છે.’ હરિસિંહે પૂછ્યું, ‘એ વસ્તુ તેં કેવી રીતે જાણી?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘એ સ્ત્રીએ ક્રોધપૂર્વક પછાડેલાં અને તેથી અસ્તવ્યસ્ત પડેલાં પગલાં અહીં દેખાય છે; આ પગલાં તેની પાછળ દોડતા વિદ્યાધરનાં છે; પછી એ સ્ત્રીનો માર્ગ રોકતા વિદ્યાધરની, વેગપૂર્વક મુકાયેલા પગવાળી, પદપંક્તિ આ દેખાય. પાછા હઠેલા અને વાટ જોવાથી પીડાયેલા વિદ્યાધરે તેનો પંથ રોક્યો; એટલે તે હાસ્યને રોકીને આ તરફ ગઈ, અને જઈને પાછી આવી. બીજું, હે ચારુસ્વામી! ‘તે સ્ત્રી અવિદ્યાધરી છે’ એમ મેં કહ્યું હતું તે બરાબર છે. તેનાં આ પગલાં ઉપરથી જણાય છે કે તે જઈને પાછી આવેલી છે. જો તે વિદ્યાધરી હોત તો ક્રુદ્ધ થયા પછી તે આકાશમાર્ગે અહીંથી ચાલી જાત. તેણે કોપ કર્યો, એટલે પછી પેલા વિદ્યાધરે તેને સપ્તવર્ણના ફૂલનો ગોટો આપ્યો. તે લઈને તેણે વિદ્યાધરની છાતી ઉપર જ પછાડ્યો, અને પોતાના ક્રોધની સાથે તેને પણ તોડી નાખ્યો. (અર્થાત્ ગોટો વીખરાઈ ગયો તે સાથે તેનો ક્રોધ પણ ઊતરી ગયો.) વિદ્યાધર તેને પગે પડ્યો. આથી કરીને તે સ્ત્રીના પગ આગળ વિદ્યાધરના મુકુટના શેખરથી દબાયેલો આ રેતીનો ભાગ દેખાય છે. હળવા કોપવાળી તે સ્ત્રી પણ જલદીથી તેના ઉપર પ્રસન્ન થઈ હોય એમ જણાય છે; કારણ કે નદીના પુલિનમાં ફરતાં તે બન્ને જણાંનાં જાણે કે ચીતરેલાં હોય તેવાં સ્વચ્છ પગલાં પગદંડી ઉપર દેખાય છે. ચારુસ્વામી! પછી વિદ્યાધરની સામે તાકી રહેલી તે સ્ત્રીનો પગ કાંકરીથી ઘવાયો. વેદના પામતી એવી તેનો પગ વિદ્યાધરે ઉતાવળથી ઊંચો કરી લીધો. સ્ત્રીએ પણ વિશેષ વેદનાને લીધે વિદ્યાધરના ખભા ઉપર ટેકો મૂક્યો. આ કારણથી સ્ત્રીનું એક પગલું અને વિદ્યાધરનાં બે પગલાં દેખાય છે. આ પછી વિદ્યાધરે તેના પગેથી રુધિરવાળી રેતી લૂછીને અહીં નાખી.’ પછી હરિસિંહે પૂછ્યું, ‘કોઈએ અળતાથી મિશ્રિત કરીને કદાચ અહીં રેતી ન નાખી હોય?’ ગોમુખે કહ્યું, ‘અળતો કડવો હોય છે, એટલે તેના ઉપર માખીઓ વળગે નહીં. આ તો તાજા લાગેલા ઘાનું વિસ્ર, મધુર અને માંસમાંથી ટપકેલું લોહી છે; આથી સ્વાદિષ્ટ કોળિયાની જેમ આ રેતી ઉપર માખીઓ બેસી ગઈ છે. ચારુસ્વામી! તે વિદ્યાધરે પછી એ સ્ત્રીને પોતાના હાથમાં ઉપાડી.’ હરિસિંહ બોલ્યો, ‘તેં કેવી રીતે જાણ્યું?’ ગોમુખે કહ્યું, ‘કારણ કે અહીંથી સ્ત્રીનાં પગલાં અટકી ગયાં છે અને પુરુષનાં પગલાં દેખાય છે. વળી ચારુસ્વામી! મને એમ વિચાર થાય છે કે — ગુંજારવ કરતા ભમરાઓથી યુક્ત કુસુમલતાઓ વડે વીંટાયેલો, સમ ભૂમિ ઉપર રહેલો તથા જાણે કે લક્ષ્મીનું નિવાસસ્થાન હોય તેવો જે લતામંડપ આપણી સામે દેખાય છે ત્યાં એ વિદ્યાધર યુવતી સહિત રહેલો હોવો જોઈએ. પરન્તુ એકાન્તમાં રહેલાંને જોવાં એ યોગ્ય નથી, માટે આપણે અહીં ઊભા રહીએ.’ એ પછી કેટલીક વારે અનેક પીંછાંઓથી આચ્છાદિત તથા વનથી પરિચિત હોવાને કારણે ભીતિરહિત એવો મયૂર તે લતાગૃહમાંથી પોતાની સહચરી સાથે બહાર નીકળ્યો. એટલે તે ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! આ લતાગૃહમાં વિદ્યાધર નથી.’ હરિસિંહે કહ્યું, ‘આટલી વાર સુધી ‘યુવતી સહિત તે અહીં છે’ એમ કહીને હવે ‘તે નથી’ એવું કેમ બોલે છે?’ એટલે ગોમુખે કહ્યું, ‘આ મોર કોઈ પ્રકારની આકુલતા વગર લતાગૃહમાંથી નીકળ્યો છે; જો કોઈ મનુષ્ય અંદર હોત તો ભયને લીધે આકુલતાપૂર્વક તે બહાર આવત.’ પછી ગોમુખના વચનને પ્રમાણભૂત માનતો હું મિત્રો સહિત લતાગૃહમાં ગયો, અને ત્યાં સહજ રમણીય તથા થોડીક વાર પહેલાં જ ભોગવાયેલી હોવાને કારણે જાણે શ્વાસ લેતી હોય તેવી કુસુમની શય્યા મેં જોઈ. એટલે ગોમુખે કહ્યું, ‘થોડીક વાર પહેલાં જ વિદ્યાધર અહીંથી નીકળ્યો છે; અહીંથી પ્રસ્થાન કરતાં પડેલાં તેનાં પગલાં પણ આ દેખાય. પરન્તુ તે અવશ્ય અહીં પાછો આવશે, કારણ કે આ ઝાડની ડાળી ઉપર દીપડાના ચામડાનું બનાવેલું તેનું કોશરત્ન (થેલી) તથા ખડ્ગ રહી ગયેલ છે; તે લેવા માટે તે જરૂર પાછો ફરશે.’ તે પગલાંનું અવલોકન કરતો ગોમુખ કહેવા લાગ્યો, ‘ચારુસ્વામી! એ વિદ્યાધર ભારે સંકટમાં છે. શું તેનો જીવ તો નહીં જાય?’ મેં ગોમુખને પૂછ્યું, ‘એ કેવી રીતે?’ એટલે તે કહેવા લાગ્યો, ‘જે ક્યાંથી આવ્યાં તે દેખાતું નથી તથા જમીન ઉપરથી આકાશમાં ઊડવાને કારણે જેણે આમ રેતી ઉરાડેલી છે એવાં આ બીજાં બે પગલાં શું તમે જોતા નથી? વળી, એ વિદ્યાધરને અહીં કોઈએ પાડી નાખ્યો હોય તેમ જણાય છે, કેમ કે બળાત્કારે નીચે ખેંચીને પાડી નાખવામાં આવેલા તેના શરીરની આખીયે આકૃતિ આ પ્રદેશમાં પડેલી છે. એ બન્ને જણાની ચેષ્ટાનું સૂચન કરનારી રેતીનો લિસોટો અહીંથી શરૂ થયો છે. આ સ્ત્રીનાં પગલાં પણ નીચે પડેલાં દેખાય છે. માટે એ વિદ્યાધર પ્રત્યે અનુકંપા રાખીને આપણે આ લિસોટાના માર્ગને અનુસરતા પાછળ પાછળ જઈએ.’ આગળ ચાલતાં અમે વેરાયેલાં આભૂષણો જોયાં તથા પવનથી કંપતું અને સંધ્યાના રાગવિશેષ જેવું પીળું રેશમી વસ્ત્ર પડેલું જોયંુ. એટલે ગોમુખ કહેવા લાગ્યો, ‘અહો ચારુસ્વામી! તેં વિદ્યાધર જ્યારે નિશ્ચંતિ બેઠો હતો ત્યારે તેના કોઈ શત્રુએ તેના ઉપર આક્રમણ કર્યું. તેની સાથેની અવિદ્યાધરી સ્ત્રી તો માનવ હોવાથી શત્રુનો પ્રતિકાર કરવાને અસમર્થ હતી. મેં મરુભૂતિને કહ્યું, ‘આ રેશમી વસ્ત્ર અને આભૂષણો તથા ચર્મરત્ન અને ખડ્ગ તું લઈ લે. જો એ વિદ્યાધરને આપણે મળીશું તો તેને આપીશું.’ પછી અમે લિસોટાને અનુસરતા ચાલ્યા, તો એક સ્થળે સલ્લકી વૃક્ષની બખોલમાં વાળ લટકતા અમે જોયા. ગોમુખે હરિસિંહને કહ્યું, ‘આ સૂંઘી જો.’ એટલે તેણે તે સૂંઘ્યા તો સ્થિર સુવાસવાળા તથા તડકામાં તપેલા હોવાથી સુગંધ વર્ષાવનારા હતા. ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! જે વ્યક્તિ દીર્ઘાયુ ઉત્પન્ન થયેલી હોય છે તેનાં કેશ અને વસ્ત્રમાં આવી સુવાસ હોય છે. આ કેશ સુગંધી, સ્નિગ્ધ અને જેનાં મૂળ ઊખડી ગયાં નથી એવા છે; આ કારણથી તે વિદ્યાધર દીર્ઘાયુ અને ઉત્તમ છે. જરૂર એ રાજ્યાભિષેક પામશે. માટે આપણે એની પાછળ પાછળ જઈએ.’ પછી અમે આગળ ચાલ્યા. ત્યાં કદંબના વૃક્ષ ઉપર, પાંચે ઇન્દ્રિયના વિષયોથી જાણે પાંચ અંતરાય પડ્યા હોય તેવા પાંચ લોઢાના ખીલા વડે વીંધાયેલા, વિદ્યાધરને અમે જોયો — એક ખીલો તેના કપાળમાં હતો, બે ખીલા બે હાથમાં હતા, અને બે બન્ને પગમાં હતા. એનું દુઃખ જોઈને મને અત્યંત દુઃખ થયું. પછી મેં ધ્યાનપૂર્વક જોયું તો વેદનાથી પીડિત હોવા છતાં તેની મુખચ્છાયા જરાયે વિવર્ણ નહોતી થઈ, તેનાં ગાત્રોની કાન્તિ સૌમ્ય હતી, લોઢાના ખીલા વડે વીંધાયેલા તેના હાથપગમાંથી લોહી નીકળતું નહોતું, અને તીવ્ર વેદના ભોગવવા છતાં તેનો શ્વાસોચ્છ્વાસ બરાબર ચાલતો હતો. પછી હું એકાન્તે વૃક્ષની છાયામાં બેઠો, અને મિત્રોને મેં કહ્યું, ‘અગાઉ સાધુ પાસે જ્યારે વિદ્યાધરોની કથાઓ ચાલતી હતી ત્યારે મેં સાંભળેલું છે કે — વિદ્યાધરો ચર્મરત્ન રૂપી થેલીમાં પોતાની જાતના રક્ષણ માટે ચાર ઔષધિઓ રાખે છે, માટે ચર્મરત્નની થેલીમાં જુઓ.’ મિત્રોએ તે ઉઘાડી, તેમાં ઔષધિઓ જોઈ, પરન્તુ એ ઔષધિઓના વિશિષ્ટ ગુણોને અમે જાણતા નહોતા. એટલે મેં મિત્રોને કહ્યું, ‘દૂધ ટપકે એવા ઝાડ ઉપર ઘા કરો. ઔષધિઓ પથ્થર ઉપર ઘસીને ત્યાં ચોપડો. એ રીતે ઔષધિના ગુણની પરીક્ષા કરીને વિદ્યાધરને જિવાડો.’ મારા મિત્રોએ એ પ્રમાણે પરીક્ષા કરી જાણ્યું કે — અમુક ઔષધિ શલ્યને દૂર કરનારી છે, અમુક સંજીવની છે અને અમુક સંરોહણી — ઘા રૂઝવનારી છે. પછી તેઓ એ ઔષધિઓને પડિયામાં લઈને વિદ્યાધર પાસે ગયા. જે પ્રાણહારક ખીલો તેના કપાળમાં ઠોકવામાં આવ્યો હતો તેના ઉપર તેમણે શલ્ય દૂર કરનાર ઔષધિ ચોપડી, એટલે તડકાથી તપેલા કમળની જેમ તે ખીલો ભૂમિ ઉપર પડ્યો. એનું વદનકમળ નમ્યું નહોતું, ત્યાં તેને મરુભૂતિએ ટેકો આપ્યો. આ રીતે ઔષધિનું વિશેષ જ્ઞાન મળતાં અમે તેના બન્ને હાથ છોડાવ્યા; હાથને હરિસિંહ અને તમન્તકે અવલંબન આપ્યું. એ વિદ્યાધરને તેના શત્રુએ, માત્ર કલેશ આપવાના જ આશયથી મર્મસ્થાનોનું રક્ષણ કરીને બાંધ્યો હતો, તેથી તે મરણ પામ્યો નહોતો. પછી અમે તેનાં પગ પણ છોડાવ્યા, અને પીતાંબરના ઉત્તરીયવાળા તેને કદલીપત્રની શય્યા ઉપર સુવાડ્યો. હું ગોમુખની સાથે પૂર્વ દિશામાં થોડેક દૂર જઈને ઝાડના ઓથે બેઠો. વિદ્યાધરના વ્રણોમાં સંરોહણી ઔષધિનું સિંચન કરવામાં આવ્યું. મેં મિત્રોને કહ્યું હતું કે, ‘કદલીપત્રોના પવનથી અને જલકણોથી એને ભાનમાં લાવીને મારી પાસે આવજો.’ તેઓએ તે પ્રમાણે કર્યું. પછી ભાનમાં આવેલો તે વિદ્યાધર એકદમ દોડ્યો અને ગંભીર સ્વરથી બોલ્યો, ‘ઊભો રહે, ઊભો રહે, ધૂમસિંહ! ક્યાં જઈને તું છૂટવાનો હતો?’ પરન્તુ જેની સામે ક્રોધ હતો, તેને તેણે ન જોયો, અને સામા યોદ્ધાની ગેરહાજરીમાં જ આવી રીતે ગર્જના કરવાને કારણે તે શરમાઈ ગયો. અમે પણ નિ:શબ્દ બેસી રહ્યા. પછી દિશાઓમાં નજર નાખવા છતાં કોઈને નહીં જોતો એવો તે પાસે જ આવેલા, કમલવનથી સુશોભિત સરોવરમાં ઊતર્યો, ત્યાં સ્નાન કરીને પહેલાંની જેમ પીતાંબર અને કનકનાં આભરણોથી આભૂષિત થઈને પૂર્ણિમાના ચંદ્રપ્રકાશ જેવો ઊજળો તે બહાર નીકળ્યો. પછી તેણે ઉત્તર દિશા તરફ ફરીને કોઈને નમસ્કાર કર્યા. ગોમુખે કહ્યું, ‘ચારુસ્વામી! હવે આ વિદ્યાધર મિત્ર અને શત્રુનો ભેદ જાણશે.’ પછી અમે એકબીજાની સાથે વાતચીત કરી. વિદ્યાધર અમારી પાસે આવ્યો અને બોલ્યો, ‘અરે! મને મારા શત્રુએ બાંધ્યો હતો, ત્યાંથી કોણે છોડાવ્યો?’ ગોમુખે કહ્યું, ‘અમારા મિત્ર ઇભ્યપુત્ર ચારુસ્વામીએ, સાધુ પાસેથી ઔષધિનો પ્રભાવ જાણેલો હોવાથી, તમને છોડાવ્યા છે.’ એટલે વિદ્યાધરે મને પ્રણામ કર્યાં અને કહ્યું, ‘મારા જીવન વડે વેચાયેલો હું તમારો દાસ છું.’ મેં કહ્યું, ‘એમ ન બોલશો, તમે મારા ભાઈ છો.’ મેં તેને અભિનંદન આપતાં તે જમીન ઉપર બેઠો. પછી હરિસિંહે તેને પૂછ્યું, ‘આવી આપત્તિમાં તમને કોણે પાડ્યા? અને શા કારણથી પાડ્યા?’ એટલે તે કહેવા લાગ્યો,

અમિતગતિ વિદ્યાધરનો વૃત્તાન્ત

‘(વૈતાઢ્યની) દક્ષિણ શ્રેણિમાં શિવમંદિર નામે નગર છે. ત્યાં લોકોને બહુમાન્ય એવો વિદ્યાધરરાજા મહેન્દ્રવિક્રમ છે. તેની દેવી સુયશા નામે છે. જેણે વિદ્યાઓ ગ્રહણ કરી છે તથા જે આકાશગમનમાં કુશળ છે એવો તેનો પુત્ર અમિતગતિ નામે છે. એ અમિતગતિ હું છું એમ તમે જાણો. સ્વચ્છંદે ફરવાની ઇચ્છાવાળો હું એક વાર ધૂમસિંહ અને ગૌરીપુંડ નામે મિત્રોની સાથે વૈતાઢ્યની તળેટીમાં આવેલા સુમુખ નામે આશ્રમપદમાં ગયો. ત્યાં મારી માતાના મોટા ભાઈ ક્ષત્રિય ઋષિ હિરણ્યલોમ નામે તાપસ હતા; તેમને મેં વંદન કર્યું. તેમણે કહ્યું, ‘પુત્ર અમિતગતિ! તારું સ્વાગત હો!’ આમ બોલતા તેઓ સ્વભાવથી જ સ્નિગ્ધ ગાત્રોવાળી અને યુવાવસ્થામાં રહેલી એક કન્યાને મારી પાસે લાવ્યા. પછી તેઓ બોલ્યા, ‘અમિતગતિ! આ છોકરી મારી સુકુમારિક નામે પુત્રી છે. જો તારી ઇચ્છા હોય તો આ કન્યા હું તને આપું.’ રૂપવતી એવી તે કન્યાને જોઈને, માતાપિતાની અનુજ્ઞાથી, અનુરાગપૂર્વક મેં કહ્યું, ‘વડીલનું વચન પ્રમાણ કરતો હું તેનો સ્વીકાર કરું છું.’ પછી વિધિપૂર્વક મેં તેનું પાણિગ્રહણ કર્યું. કુલધર્મથી હું તેની સાથે રમણ કરતો હતો. તેને હું નગરમાં લાવ્યો અને રાજાએ તેનો સત્કાર કર્યો. પણ તે સ્વચ્છંદચારી ન થાય તે માટે મેં તેને વિદ્યાઓ ગ્રહણ કરાવી નહીં. કામાતુર ધૂમસિંહ તેને મારી ગેરહાજરીમાં બહેકાવવાનો પ્રયાસ કરતો હતો. તેના વિકાર, આકાર અને વચનો મારી સ્ત્રી મને કહેતી હતી; પણ તે ઉપર હું વિશ્વાસ કરતો નહોતો. જોકે મારા મનમાં શંકા પેદા થઈ ચૂકી હતી. એક વાર સ્નાનાદિ કર્યા પછી મારી પ્રિયા તથા ધૂમસિંહ મારા વાળ ઓળતાં હતાં અને મેં હાથમાં દર્પણ ઝાલી રાખ્યું હતું. પાછળ ઊભો રહેલો ધૂમસિંહ હાથ જોડીને મારી સ્ત્રીને પ્રાર્થના કરતો હતો, તે મેં દર્પણમાં પડતા પ્રતિબિંબમાં જોયું. એટલે રોષ પામીને તેને મેં કહ્યું, ‘તારો મિત્રભાવ અનાર્ય સરખો છે; ચાલ્યો જા, નહીં તો હું તારો વધ કરીશ.’ આ પ્રમાણે જેને વિષે શંકા કરવામાં આવી છે એવો તથા ક્રોધે ભરાયેલો તે પણ નીકળ્યો અને પછી મારા જોવામાં આવ્યો નહીં. પ્રિયાની સાથે પ્રમાદ સિવાય ઋતુ-ઋતુનાં સુખ અનુભવતા મારો સમય જતો હતો. આજે હું સ્ત્રી સહિત અહીં આવ્યો અને નદીના પયોધર સમાન આ દર્શનીય પુલિનને જોઈને ત્યાં નીચે ઊતર્યો. પણ ઊતર્યા પછી એ સ્થાન રતિને માટે અયોગ્ય લાગવાથી મેં તેનો ત્યાગ કર્યો. પછી તે વિદ્યાધરે પ્રણયકોપ અને પ્રસન્નતાના રમણીય પ્રસંગોથી માંડી લતાગૃહમાંથી બહાર નીકળવાના બનાવ સુધી બધુ ગોમુખે વર્ણવ્યું હતું તે પ્રમાણે કહ્યું. (આ પછી તે આગળ કહેવા લાગ્યો.) ‘વિદ્યાથી વિરહિત સ્થિતિમાં મારા શત્રુ ધૂમસિંહે મને પકડ્યો અને બાંધ્યો. વિલાપ કરતી સુકુમારિકાને તે ઉપાડી ગયો. તમે તમારી પોતાની બુદ્ધિથી ઔષધિના બળથી મને જિવાડ્યો છે, માટે હે ચારુસ્વામી! તમે મારા પરમ સ્વજન છો. આજ્ઞા કરો, તમારું હું શું પ્રિય કરું? મને જલદી વિદાય આપો. તે ધૂમસિંહ માયાથી બનાવેલું મારું કલેવર હાજર કરશે તે જોઈને જીવનથી નિરાશ થયેલી બિચારી સુકુમારિકા કદાચ પ્રાણત્યાગ કરશે, માટે તેની હું રક્ષા કરું અને તે ધૂમસિંહનો પ્રતિકાર કરું.’ મેં તેને કહ્યું, ‘જાઓ, પત્નીને જઈને મળો, સુભગ અને શોભન કાર્યોમાં અમને યાદ કરજો.’ આ પ્રમાણે મેં રજા આપી, એટલે મને પ્રણામ કરીને તે ઊડ્યો. અમે પણ ત્યાંથી ઊડ્યા અને ઉપવનની શોભા જોતા પાછા વળ્યા, અને અંગમંદિર ઉદ્યાનમાં ગયા. ત્યાં જિનમંદિરમાં પ્રવેશ્યા. દાસો પુષ્પ લાવ્યા; અમે પ્રતિમાઓનું અર્ચન કર્યું અને સ્તુતિપૂર્વક વંદન કર્યું. પછી જિનમંદિરમાંથી બહાર નીકળ્યા અને નગર તરફ ચાલ્યા. રસ્તામાં હરિસિંહે કહ્યું, ‘અમિતગતિને છોડાવીને તથા તેને જીવિતદાન આપીને ચારુસ્વામીએ ધર્મ કર્યો છે.’ ગોમુખે કહ્યું, ‘ધર્મ કર્યો છે એ વાત સાચી, પરન્તુ એ કાર્ય દ્વારા અધર્મ પણ થશે, કારણ કે વેર રાખતા ધૂમસિંહનો અમિતગતિ નાશ કરશે.’ તમન્તક બોલ્યો, ‘પણ ચારુસ્વામીએ મિત્રરૂપી અર્થ પ્રાપ્ત કર્યો છે.’ ગોમુખે કહ્યું, ‘એ સત્ય છે, પણ ધૂમસિંહના પક્ષથી તો એ વસ્તુ અનર્થરૂપ દેખાય છે.’ હરિસિંહ બોલ્યો, ‘તો પછી તેમણે શું પ્રાપ્ત કર્યું?’ ગોમુખે કહ્યું, ‘કામના.’ તેણે પૂછ્યું, ‘કેવી રીતે?’ ગોમુખે ઉત્તર આપ્યો, ‘કામના એટલે ઇચ્છા. ચારુસ્વામીએ અમિતગતિનું જીવિત ઇચ્છ્યું હતું. તેને જિવાડીને તે ઇચ્છા તેમણે સફળ કરી છે.’ આવી વાતો કરતા અમે ઘેર પહોંચ્યા, થાક ખાઈને અમે નાહ્યા, બલિકર્મ કર્યું તથા જમ્યા. એ રીતે અમારો દિવસ ગયો. એ જ રીતે સુખપૂર્વક તે ઋતુ પણ વીતી ગઈ.

ચારુદત્તનાં લગ્ન

કોઈ એક વાર મારી માતા પોતાના ભાઈ સર્વાર્થને ઘેર ગઈ હતી. સર્વાર્થને મિત્રવતી નામે રૂપાળી પુત્રી હતી. ભોજનનો વખત થયો ત્યારે, રોકવામાં આવી છતાં, મારી માતા ‘મારે ઘણું કામ છે’ એમ કહીને પોતાના ઘેર જવા નીકળી. મારા મામાએ તેને પૂછ્યું કે, ‘તું આવી નિ:સ્નેહ કેમ છે? તારી ભોજાઈ સાથે તારે મેળ ન હોય તો પણ મારા ઉપર કૃપા કરીને તું રહે.’ એટલે તેણે કહ્યું, ‘જો આ છોકરી મને આપે તો આપણો પ્રેમ ચાલુ રહેશે, નહીં તો આજથી આપણી પ્રીતિ તૂટી જશે.’ પ્રણામ કરીને મારા મામાએ કહ્યું, ‘મારી પુત્રી ઉપર તારા સિવાય બીજા કોનો અધિકાર છે કે જેથી તું આવું બોલે છે? જો તું મારા ઉપર પ્રસન્ન થતી હોય તો આ કન્યા તને આપું છું.’ આમ કહેવામાં આવતાં પ્રસન્ન થયેલી મારી માતા ભોજન કરીને પોતાને ઘેર આવી. પછી તેણે ઘરના મોટેરાઓને ઉત્સવ આદિ કરવાનું કહ્યું. મારા પિતા એ વખતે રાજદરબારમાં ગયા હતા. પ્રિયપૃચ્છક લોકોને ગંધ-પુષ્પ આપવામાં આવ્યાં. મારા પિતા ઘેર આવ્યા ત્યારે તેમને કન્યાપ્રાપ્તિના સમાચારથી અને પ્રશંસાનાં વચનોથી વધાવવામાં આવ્યા. મારી માતાને તેમણે પૂછતાં તે બોલી, ‘સર્વાર્થે મિત્રવતી ચારુદત્તને આપી છે.’ એટલે મારા પિતા બોલ્યા, ‘આ પ્રમાણે કન્યાનો સ્વીકાર કરવામાં તેં ઠીક નથી કર્યું. ચારુસ્વામી હજી હમણાં જ કલાઓ શીખ્યો છે. વિષયાસક્ત થઈને તે એ બધું ભૂલી જશે.’ માતાએ કહ્યું, ‘મળેલી કન્યાની શા માટે અવજ્ઞા કરો છો?’ આ બધી વાત મને દાસીઓએ કહી. પછી શુભ દિવસે અને જ્યોતિષીઓને માન્ય એવા મુહૂર્તમાં પિતાએ મારું પાણિગ્રહણ કરાવ્યું. મિત્રવતીનાં પણ કુલને અનુસરતાં કૌતુક-મંગલો કરવામાં આવ્યાં. સંગીત, નાટ્ય અને ચિત્રકળાના પરિચયથી હું આનંદ કરવા લાગ્યો. એક વાર મિત્રવતી પોતાને પિયર ગઈ. ત્યાંથી મામીએ એને સ્નાન કરાવી, પ્રસાધન કરી અને જમાડીને તથા પોતાનાં આભૂષણો આપીને મોકલી, પણ અમારા ઘરનાં આભરણો તેણે ત્યાં જ રાખ્યાં. સાંજે જ્યારે મામા ઘેર આવ્યા ત્યારે તેમને તેણે બતાવ્યાં કે, ‘આ મિત્રવતીનાં શ્વશુર પક્ષનાં આભૂષણો છે, મેં તેને આપણાં આપ્યાં છે. એટલે મામાએ કહ્યું, ‘આ આભૂષણો તેં વેવાણને કેમ ન મોકલ્યાં? તે કહેશે કે આ અલંકારો તો બદલીને મોકલ્યા છે.’ મામીએ કહ્યું, ‘સવારે હું પોતે જ જઈને પાછાં આપી આવીશ.’ તેના વચનથી મામી પ્રભાતે જ અમારે ઘેર આવી. તે વખતે હું ગુરુને ઘેર ગયો હતો. જાગેલી મિત્રવતી પોતાની માતા પાસે ગઈ, આભૂષણો પાછાં આપતી મામીએ તેને અપરિમર્દિત વિલેપનવાળી જોઈને પૂછ્યું, ‘પુત્રિ! આજે શું ચારુસ્વામી અહીં રહ્યા નહોતા? અથવા શું તે તારા ઉપર કોપેલા છે? તું એકલી કેમ રહી હતી?’ એટલે ઘણી વાર સુધી ચૂપ રહીને તે બોલી, ‘માતા! મને પિશાચને, ગાંડાને આપીને હવે તું હેરાન કેમ કરે છે?’ એ વાત મારી માતાએ સાંભળીને તેને રોષપૂર્વક કહ્યું, ‘અલિ! બોંતેર કલાનો પંડિત ચારુસ્વામી એ શું તારી આગળ પિશાચ છે?’ તે બોલી, ‘ફોઈ! કોપ ન કરશો, જે એકાન્તમાં પણ એકલો નાચે છે, ગાય છે, કોઈને શાબાશી આપે છે અને હસે છે તેને સ્વાભાવિક-ડાહ્યો કેવી રીતે કહેવાય? આ પ્રમાણે જ કાર્યો થતાં જોતી હું પણ પિશાચ વડે કેમ ન ગ્રસાઉં?’ આ સાંભળીને તેની માતા રોતી રોતી મારી માતાને કહેવા લાગી, ‘તેં જાણી જોઈને મારા ઉપર વેર લીધું છે, કારણ કે તારા છોકરાનો આ દોષ તેં પહેલાં કહ્યો નહોતો.’ મારી માતાએ તેને કહ્યું, ‘ભલે, તારી પુત્રી સહિત તું નહીં બોલવા જેવું બોલે છે, એ શોભતું નથી. હું એવું કરીશ કે તને બરાબર ખબર પડશે. જા, તમે લોકો મારી નજર આગળ ઊભાં ન રહો.’ એટલે ખિજાઈને તે પોતાને ઘેર ગઈ. પછી તેના કહેવાથી સર્વાર્થ મામા આવીને મારી માતાને કહેવા લાગ્યા, ‘ખરેખર, પુત્ર ચારુસ્વામીના રક્ષણ માટેની ક્રિયા તમે શા માટે કરાવતાં નથી? શા સારુ બેદરકાર રહો છો?’ એટલે માતાએ તેને ધમકાવ્યો કે, ‘તારી સ્ત્રીની અને છોકરીની એવી રીતે રક્ષા કર કે પિશાચ તેમને વળગે નહીં. સ્ત્રીનું સાંભળીને મને તપાસવા આવ્યો છે! જા, ચાલ્યો જા, નહીં તો તને પણ પિશાચ વળગી પડશે!’ એટલે તે ગયો. આ બધું મારી શય્યાપાલિકાએ પરિહાસપૂર્વક મને કહ્યું.

ચારુદત્તનો ગણિકાગૃહમાં પ્રવેશ

પછી કોપાયમાન થયેલી મારી માતાએ ગોમુખ વગેરે મારા મિત્રોને બોલાવીને કહ્યું, ‘મારું એક પ્રિય કરો, ચારુસ્વામીનો ગણિકાગૃહમાં પ્રવેશ કરાવો.’ ગોમુખે કહ્યું, ‘માતા! એમ કરવાથી પિતાજી ખિજાશે. એક વાર વ્યસન પડ્યા પછી તે છોડવું મુશ્કેલ છે, માટે ગણિકાગૃહમાં પ્રવેશની વાત ન કરશો.’ એટલે તે બોલી, ‘શેઠ ખિજાશે તો મારા ઉપર ખિજાશે. તમે વિરોધ કર્યા સિવાય મારું વચન કરો. વ્યસનના દોષની વાત કરવાનું તમારે શું કામ છે? વ્યસની માણસ ધનનો નાશ કરે છે; આ કારણથી જ ઘણા વખતથી મેં મનોરથ કરેલો હતો કે — ધનનો ઉપભોગ કરનાર પુત્ર મને ક્યારે થશે? મને પુત્ર થયો છે. જો કદી વેશ્યાને વશ થઈને તે ધનનો નાશ કરશે તો પણ મારો મનોરથ પૂર્ણ થશે.’ મારા મિત્રોએ પણ આ વાત સ્વીકારી. આ સર્વ વાર્તાલાપ દાસીએ મને કહ્યો અને બોલી કે, ‘આર્યપુત્ર! હવે તો તમે ગણિકાગૃહમાં રહેશો. એટલે તમારું દર્શન અમને દુર્લભ થઈ જશે.’ કેટલાક દિવસો વીત્યા પછી મને મિત્રો વિનંતી કરવા લાગ્યા, ‘ચારુસ્વામી! ચાલો આપણે ઉદ્યાનમાં જઈએ, ત્યાં ભોજન કરી ક્રીડા કરીને પાછા આવીશું.’ મેં કહ્યું, ‘જો તમે ભોજન રાખ્યું છે તો મને પહેલાં કેમ ન કહ્યું?’ તેઓ બોલ્યા, ‘બીજા રોકાણને કારણે અમે કહ્યું નહોતું. શું એ ભોજન પણ તમારું નથી કે આવો ભેદભાવ રાખો છો?’ પછી હું તેમની સાથે નીકળ્યો. અમે ઉદ્યાનમાં પહોંચ્યા. ‘તડકાને લીધે હું તો તરસ્યો થયો છું’ એમ બોલતો હું વિશ્રામ લેવાની ઇચ્છાથી ઝાડની નીચે ઊભો રહ્યો. પછી હરિસિંહ (પાણી લેવાને માટે) પાસેની પુષ્કરિણીમાં ઊતર્યો, અને એક મુહૂર્ત માત્ર ત્યાં રહીને મને બોલાવવા લાગ્યો, ‘આવો, આશ્ચર્ય જુઓ.’ તેના વચનથી હું ગયો અને પુષ્કરિણીમાં ઊતર્યો તથા બોલ્યો, ‘કહે તેં શું આશ્ચર્ય જોયું?’ તેણે મને તરુણ યુવતીઓના વદનના લાવણ્યનું હરણ કરનારાં પદ્મો બતાવીને કહ્યું, ‘જુઓ, પદ્મોમાં (રક્ત) કમલના રંગની કાન્તિવાળો અદૃષ્ટપૂર્વ રસ મેં જોયો. તે શેનો હશે?’ ગોમુખે ઘણી વાર સુધી તેનું અવલોકન કરીને કહ્યું, ‘દેવોના ઉપભોગને યોગ્ય આ પુષ્કરમધુ કોઈ પણ રીતે અહીં ઉત્પન્ન થયું છે, માટે જરાયે વિલંબ કર્યા વગર પદ્મિનીપત્રના પડિયાઓમાં તે ગ્રહણ કરી લો.’ મિત્રોએ તે લઈ લીધું, પછી તેઓએ અંદરોઅંદર વિચાર કર્યો, ‘આ વસ્તુ મનુષ્યલોકમાં દુર્લભ છે, એનું આપણે શું કરવું?’ હરિસિંહે કહ્યું, ‘આપણે તે રાજા પાસે લઈ જઈએ; તેથી પ્રસન્ન થઈને રાજા આપણને આજીવિકા આપશે.’ વરાહે કહ્યું, ‘રાજાને મળવામાં ઘણી મુશ્કેલી પડે છે; મળ્યા પછી પણ તેઓ જલદી પ્રસન્ન થતા નથી. માટે આપણે તે અમાત્યને આપીએ, જેથી તે આપણું કાર્ય કરનારો થશે.’ તમન્તકે કહ્યું, ‘આપણે અમાત્યનું શું કામ છે? અમાત્યો તો રાજાનો ખજાનો વધારવામાં ઉદ્યત હોય છે, અને તેથી તેમને આવાં દુર્લભ દ્રવ્યોથી નહીં, પણ ધનથી જ સંતુષ્ટ કરી શકાય છે.’ મરુભૂતિએ કહ્યું, ‘આપણે નગરરક્ષકને આપીએ, કારણ કે તે રાત્રિચર્યામાં આપણું કામ કરનાર થશે અને આપણો મિત્ર થશે.’ એટલે ગોમુખ બોલ્યો, ‘તમે બધા અજ્ઞાન છો; આપણા તો રાજા, અમાત્ય, રક્ષક અને સર્વ કાર્યોના સાધક ચારુસ્વામી જ છે. આ દુર્લભ વસ્તુનું પાત્ર એ જ છે. એની જ કૃપાથી આપણે રહીએ છીએ.’ પછી તે સર્વેએ મને કહ્યું, ‘આનંદથી આ પીઓ.’ મેં કહ્યું, ‘મધુ, માંસ અને મદ્યનો સ્વાદ નહીં જાણનાર કુલમાં મારો જન્મ છે તે શું તમે જાણતા નથી, કે જેથી મને મધુ પાવા ઇચ્છો છો?’ ગોમુખ બોલ્યો, ‘ચારુસ્વામી! અમે તે બરાબર જાણીએ છીએ, પછી તમને શા માટે અકૃત્ય કરવાને પ્રેરીએ? આ મદ્ય નથી, પણ એમ સાંભળવામાં આવે છે કે દેવોને યોગ્ય આ તો અમૃત છે; માટે તમે અન્યથાબુદ્ધિ ન કરશો. અમારા માંગલિક વિચારને પ્રતિકૂળ થયા સિવાય તમે આ પીઓ; એમ કરવાથી તમારા આચારોનું ઉલ્લંઘન નહીં થાય.’ પછી હે સ્વામીપાદ! મારા પોતાના સમાન વહાલા એ મિત્રોના વચનથી તે રસ પીવાનું મેં સ્વીકાર્યું. હાથપગ ધોઈને, આચમન કરીને તથા પૂર્વ દિશા તરફ મુખ કરીને તે રસને અમૃત માનીને મેં પદ્મિનીપત્રના પડિયાથી પીધો. સર્વ ગાત્રોને આહ્લાદ પમાડનાર તે રસ પીવાથી મને સંતોષ થયો. મેં આચમન કર્યા પછી મિત્રોએ મને કહ્યું, ‘તમે વિશ્રામ કરતા આગળ જાઓ, અમે પુષ્પો ચૂંટીશું.’ એટલે હું આગળ ચાલ્યો. એ પાનની અપૂર્વતાને કારણે ઘેન ચઢતાં મને ઝાડ જાણે ફરતાં હોય તેવાં દેખાવા લાગ્યાં. હું વિચાર કરવા લાગ્યો, ‘શું અમૃતનું આવું પરિણામ થતું હશે? કે પછી મને યુક્તિપૂર્વક મદ્ય પાવામાં આવ્યું છે?’ હું આમ વિચાર કરતો જતો ત્યાં મહામૂલ્યવાન આભૂષણોથી અલંકૃત શરીરવાળી, જેણે શુદ્ધ રેશમી વસ્ત્રો પહેર્યાં હતાં તેવી તથા તરુણ વયમાં રહેલી એક સ્ત્રીને મેં અશોકવૃક્ષની નીચે જોઈ. તેણે પોતાની અગ્રાંગુલિઓથી મને બોલાવ્યો, એટલે હું તેની પાસે ગયો, અને ‘આ રૂપવતી કોણ હશે?’ તેનો વિચાર કરવા લાગ્યો. તેણે મને ‘સ્વાગત’ કહ્યું. પછી તેને મેં પૂછ્યું, ‘ભદ્રે! તું કોણ છે?’ તે બોલી, ‘ઇભ્યપુત્ર! હું અપ્સરા છું અને ઇન્દ્રે સેવા કરવા માટે મને તમારી પાસે મોકલી છે.’ મેં કહ્યું, ‘મને દેવરાજ ક્યાંથી જાણે, કે જેથી કરીને તને મોકલે?’ તેણે કહ્યું, ‘તમારા પિતા મહાગુણવાન શ્રેષ્ઠી તરીકે પ્રખ્યાત છે. તેમની પ્રીતિને ખાતર મને મોકલવામાં આવી છે એમ તમે જાણો. તમે શંકા ન કરશો. અમે સર્વ કોઈને દર્શન દેતાં નથી. જેના ઉપર અમારી કૃપા ન હોય તે મનુષ્ય અમને જોઈ પણ શકતો નથી. જો આ વાતની તમને ખાતરી ન હોય તો કહું છું કે આ તમારા મિત્રો મને જોઈ શકતા નથી, અને મારા પ્રભાવથી તમને પણ જોતા નથી. માત્ર તમે મૌન બેસો.’ પછી પાસે જ ઊભા રહેલા એવા મને નહીં જોતા અને ફરી ફરી મારા નામનો પોકાર કરતા મિત્રો આગળ ચાલ્યા. થોડેક દૂર જઈને ‘આગળ તો નથી, પાછા ગયા હશે’ એમ વાત કરતા તથા ‘ચારુસ્વામી! તમે ક્યાં છો?’ એમ બોલતા તેઓ પાછા વળ્યા. પછી પેલી સ્ત્રીએ મને કહ્યું, ‘મારો પ્રભાવ જુઓ, હવે તેઓ તમને જોશે.’ એટલે તેઓએ મને જોયા અને બોલ્યા, ‘તમે ક્યાં બેઠા હતા? અમે અહીં ફરતાં તો તમને જોયા નહોતા.’ મેં કહ્યું, ‘હું તો અહીં જ ઊભો હતો.’ તેઓ બોલ્યા, ‘આપણે જઈએ.’ પછી હું ચાલ્યો, પણ ઘેનને કારણે મારી ચાલ લથડતી હતી. પેલી સ્ત્રીએ મને કહ્યું, ‘તમારા મિત્રો મને જોતા નથી, માટે શરમાશો નહીં.’ પછી તેણે પોતાના જમણા હાથથી મારા હાથ અને મસ્તકને ટેકો આપ્યો. લથડતી ગતિથી ચાલતા મેં પણ તેના કંઠનું અવલંબન કર્યું. તેનાં ગાત્રોના સ્પર્શથી ‘નક્કી આ ઇન્દ્રની અપ્સરા છે’ એમ માનીને જેને કામ પેદા થયો છે અને જેનાં સર્વાંગ રોમાંચિત થયાં છે એવો હું, તેના ટેકાથી, મારા મિત્રો સહિત નોકરોએ તૈયાર કરેલા ભોજનગૃહમાં ગયો. ત્યાં અમે બેઠા, એટલે પ્રત્યેકને જુદું જુદું ભોજન આપવામાં આવ્યું. પેલી સ્ત્રી પણ મારી સાથે આસન ઉપર બેઠી. હું જમવા લાગ્યો. પણ મને ઊંઘ આવવા લાગી અને ઘેનને કારણે સ્વપ્નાં જોતા એવા મેં મારા મિત્રોનું વચન સાંભળ્યું કે, ‘આ અમે તને આપ્યો છે.’ પછી ગાડીમાં બેસાડીને મને તેની સાથે લઈ જવામાં આવ્યો અને તેના ભવન આગળ અમે પહોંચ્યાં. તેણે મને ગાડીમાંથી ઉતાર્યો અને તેના સરખી જ વયવાળી તરુણ સ્ત્રીઓ મને વીંટાઈ વળી. તે મને કહેવા લાગી, ‘ઇભ્યપુત્ર! હું તમને દેવવિમાનમાં લાવી છું. તમે નિશ્ચિન્તપણે મારી સાથે વિષયસુખ અનુભવો.’ પછી મધુર વાણી બોલનારી તે સ્ત્રીઓએ, હાથી સાથે હાથણીની જેમ, તેનું પાણિગ્રહણ મને કરાવ્યું. ગીત ગાતી તે સ્ત્રીઓ મને ગર્ભગૃહમાં લઈ ગઈ. ‘આ તો અપ્સરા છે’ એ પ્રમાણે નિશ્ચયવાળો હું રતિપરાયણ થઈને સૂઈ ગયો. ઘેન ઊતરતાં જાગ્યો તો મેં વસન્તતિલકા ગણિકાનું ભવન જોયું. પછી તેને મેં પૂછ્યું, ‘આ કોનું ઘર છે?’ તે બોલી, ‘આ મારું વિમાન છે.’ મેં કહ્યું, ‘પણ આ તો મનુષ્યના ઘર જેવું છે, દેવભવન નથી.’ એટલે તે બોલી, ‘જો એમ છે તો ખરી વાત સાંભળો — ઇભ્યપુત્ર! હું વસન્તતિલકા ગણિકાપુત્રી છું. કન્યાભાવમાં રહેલી હું કલાઓના પરિચયથી સમય ગાળું છું. મને ધનનો લોભ નથી, મને ગુણ વહાલા છે; આથી હું તમને હૃદયથી વરી હતી. આથી તમારી માતાની અનુમતિથી તમારા ગોમુખ વગેરે મિત્રોએ યુક્તિપૂર્વક તમને મને આપ્યા છે.’ આમ બોલતી તે ઊઠી, તેણે વસ્ત્ર બદલ્યાં અને આવીને મને હાથ જોડીને વિનંતી કરવા લાગી, ‘ઇભ્યપુત્ર! હું તમારી સેવિકા છું. ધર્મપત્ની તરીકે તમે મારો સ્વીકાર કરો. હું કન્યા રહી છું એમ બતાવનારાં આ રેશમી વસ્ત્રો છે. હું જીવન પર્યંત તમારી સેવા કરનારી બનીને રહીશ.’ તેના ઉપર અનુરાગ બંધાયાથી મેં કહ્યું, ‘ભદ્રે! સ્વવશ કે અવશ એવા મારી તું ભાર્યા છે.’ પછી તેની સાથે હું સ્વચ્છંદે વિહાર કરવા લાગ્યો. મારી માતાએ મોકલેલ ભોગવવા લાયક વસ્તુઓ વસન્તતિલકા મને બતાવતી હતી. આ પ્રમાણે (દરરોજ) એક હજાર અને આઠ (મુદ્રાઓ) અમને મોકલવામાં આવતી, જ્યારે ઉત્સવના દિવસે એક લાખ અને આઠ હજાર મોકલવામાં આવતી. આ પ્રમાણે વિષયસુખમાં મુગ્ધ થયેલા એવા મારાં, તેની સાથે રમણ કરતાં, બાર વર્ષ વીતી ગયાં. એક વાર પાન કરી હું પ્રિયાની સાથે સૂતો હતો. ઠંડા પવનથી વીંજાયેલો હું જાગી ગયો, તો વસન્તતિલકાને મેં જોઈ નહીં. ‘હું ક્યાં છું?’ એમ વિચાર કરતો હું ઊભો થયો, તો શેરીને નાકે આવેલું ભૂતગૃહ (વ્યન્તરનું સ્થાનક) મેં જોયું. પહેલાં જોયેલું હોવાથી તે સ્થાન મેં ઓળખ્યું. મેં વિચાર્યું કે, ‘ગણિકાએ મારો ત્યાગ કર્યો છે, માટે કોઈ જુએ નહીં તે પ્રમાણે મારે ઘેર જતો રહું.’ એમ કરતાં પ્રભાત થયું, એટલે હું નીકળ્યો. પણ મારા ઘરમાં પ્રવેશ કરતાં મને દ્વારપાળે અટકાવ્યો અને પૂછ્યું, ‘અંદર ન જા, તું કોણ છે?’ મેં કહ્યું, ‘સૌમ્ય! આ કોનું ભવન છે?’ તે બોલ્યો, ‘ઇભ્ય રામદેવનું.’ મેં પૂછ્યું, ‘તો શું આ ભવન શ્રેષ્ઠી ભાનુનું નથી?’ એટલે તેણે ઉત્તર આપ્યો, ‘એ શ્રેષ્ઠીને ચારુદત્ત નામે કુપુત્ર થયો હતો. તે ગણિકાગૃહમાં પ્રવેશ્યો, એટલે તેના શોકથી શ્રેષ્ઠીએ ગૃહવાસનો ત્યાગ કરીને દીક્ષા લીધી. પછી ધન ખૂટી જતાં તેની પત્નીએ આ ઘર અડાણે મૂક્યું, અને તે પોતાના ભાઈ સર્વાર્થને ઘેર ગઈ.’ આ વાતચીત અંદર રહેલા રામદેવે સાંભળી એટલે તેણે દ્વારપાલને પૂછ્યું, ‘આ કોણ છે?’ તેણે કહ્યું, ‘કોઈ માણસ ભાનુ શ્રેષ્ઠીનું ભવન પૂછે છે; કદાચ તેનો પુત્ર જ હશે.’ એટલે રામદેવ બોલ્યો, ‘એ અભાગિયાને મારા ઘરમાં પ્રવેશવા દઈશ નહીં.’ આ સાંભળી લજ્જા પામેલો અને ખૂબ શોકાતુર થયેલો હું ત્યાંથી એકદમ ચાલી નીકળ્યો અને સર્વાર્થના ઘેર ગયો. એ ઘરમાં પ્રવેશ કરતાં દરિદ્ર વેશવાળી અને દીન તથા ઉદાસ વદનવાળી મારી માતાને મેં જોઈ. તેના ચરણમાં હું પડ્યો. તેણે પૂછ્યું, ‘તું કોણ છે?’ મેં ઉત્તર આપ્યો, ‘હું ચારુદત્ત છું.’ એટલે તેણે મને આલિંગન આપ્યું અને અમે બન્ને જણ રડી પડ્યાં. અમારા રુદનના શબ્દથી સર્વાર્થ ત્યાં આવ્યો અને તે પણ રડ્યો. પરિજનોએ અમને છાનાં રાખ્યાં. તે કાળે મલિન વસ્ત્રોવાળી અને જેની ઉપરનાં ચિત્રો ભૂંસાઈ ગયાં છે એવી ભીંતની જેમ શોભા વિનાની મિત્રવતીએ મને જોયો, અને તે મને પગે પડી રડવા લાગી. મેં તેને કહ્યું, ‘રડીશ નહીં, મારા પોતાના જ કૃત્યથી તને કલેશ થયો છે.’ સમજાવીને મેં તેને છાની રાખી. પછી બજારમાંથી વાલ લાવીને ભોજન તૈયાર કરવામાં આવ્યું. ભોજન કર્યા પછી મેં માતાને પૂછ્યું, ‘મા! હવે કેટલું ધન બાકી રહ્યું છે?’ તેણે કહ્યું, ‘પુત્ર! દાટેલું, વ્યાજમાં રોકેલું અથવા પરિજનોને આપેલું ધન કેટલું હતું તે હું જાણતી નથી. શ્રેષ્ઠીએ દીક્ષા લીધી, એટલે દાસદાસીઓને આપેલું ધન તો નાશ જ પામ્યું, તારા ઉપભોગમાં સોળ સુવર્ણકોટિ ધન વપરાઈ ગયું. અમે અત્યારે જેમ તેમ કરીને રહીએ છીએ.’ એટલે હું બોલ્યો, ‘માતા! લોકો દ્વારા ‘અપાત્ર’ તરીકે ઓળખાવતો હું અહીં રહી શકું તેમ નથી. હું દૂર દેશમાં જાઉં છું. વૈભવ મેળવીને પાછો આવીશ. તમારા ચરણની કૃપાથી અવશ્ય ધન ઉપાર્જન કરીશ.’ માતાએ કહ્યું, ‘પુત્ર! વેપારમાં કેટલો શ્રમ પડે છે તેની તને ખબર નથી; તું વિદેશમાં કેવી રીતે રહીશ? તું વિદેશમાં નહીં જાય તો પણ અમે બે જણીઓ તારો નિર્વાહ કરીશું.’ મેં કહ્યું, ‘માતા! એમ ન બોલો; હું ભાનુ શ્રેષ્ઠીનો પુત્ર શું એવી રીતે રહીશ? તમે આવા વિચાર ન કરશો. મને રજા આપો.’ તે બોલી, ‘પુત્ર! ભલે એમ થાઓ; તારા મામાની સાથે હું વાતચીત કરી લઉં.’

ધનપ્રાપ્તિ માટે ચારુદત્તનું વિદેશભ્રમણ

આ પ્રમાણે નિશ્ચય કરીને વેશ્યાની સંગતિના દોષો વિષે વિચાર કરતો હું મારા મામાની સાથે પગે ચાલતો નગરની બહાર નીકળ્યો. (જનપદના) સીમાડા ઉપર આવેલા ઉશીરાવર્ત નામે ગામમાં અમે પહોંચ્યા. ત્યાં ગામ બહાર મને બેસાડીને મામા ગામમાં ગયા અને થોડી વાર પછી મર્દન માટેનાં તેલ, આચ્છાદન, અલંકાર અને વસ્ત્રો જેના હાથમાં હતા એવા એક પુરુષની સાથે તે પાછા આવ્યા. પછી મેં નદીમાં સ્નાન કર્યું અને લોકોત્તમ જિનેશ્વરોને પ્રણામ કર્યાં. પછી અમે ગામમાં પ્રવેશ્યા. ધીરધાર વગેરે ક્ષુદ્ર વેપાર જેમાં ચાલતો હતો એવું એ ગામ તથા તેમાંનાં ઉજ્જડ સ્થળો મેં જોયાં. દુકાન અને ઉપવન વડે કરીને એ ગામ નગર જેવું દેખાતું હતું. ખડકીવાળા એક ઘરમાં અમે દાખલ થયા, ઢાળવાળી જગા ઉપર હાથપગ ધોઈને પછી ભોજન કરવાના સ્થાનમાં ગ્રામનિવાસમાં સુલભ એવું ગોરસપ્રધાન ભોજન અમે જમ્યા. વિચાર કરતા અમે ત્યાં રાત રહ્યા. રાત પણ વીતી ગઈ. મામાએ મને કહ્યું, ‘જનપદની ખૂંધ સમાન આ દિશાસંવાહ નામે ગામ છે. અહીં વિશિષ્ટ વેપાર કરો. તારા પિતા જેમની સાથે ધીરધારના સંબંધ રાખતા હતા એવા ખેડૂતો અહીં વસે છે; તેમની પાસેથી તું સુવર્ણ લઈ શકે એમ છે.’ મેં સ્વીકાર્યું કે, ‘ભલે એમ થાઓ.’ પછી મારી અંગૂઠી વેચીને ખરીદેલા માલથી ત્યાં વેપાર કરતો હું ગ્રામવાસી લોકોને બહુમાન્ય થયો. સર્વ વિદેશમાંથી લાવવામાં આવતો સૂતર, રૂ વગેરે માલ મામા એકત્ર કરતા હતા. એક વાર રાત્રે દીવાની સળગતી વાટ ઉંદર ખેંચી ગયો તે કારણે રૂ સળગી ગયું. દુકાનમાંથી હું મુશ્કેલીએ બહાર નીકળ્યો. ઘણીખરી દુકાન પણ સળગી ગઈ. જે કંઈ બાકી હતું તે લોકોએ બચાવી લીધું. પ્રભાતે ગ્રામવાસીઓએ મને આશ્વાસન આપ્યું. ફરી પાછા વેપાર કરતાં અમે સૂતર અને રૂ એકત્ર કર્યું અને ગાડાં ભર્યાં. સાર્થની સાથે અમે ઉત્કલ દેશમાં ગયા. ત્યાંથી કપાસ લીધો, ગાડાં ભર્યાં અને તામ્રલિપ્તિ નગરી તરફ ચાલ્યા. અનુક્રમે ચાલતા અમે અટવીમાં પ્રવેશ્યા. ગહન જંગલની પાસે મુકામ કર્યો. ચોકિયાતોના બળથી બધા લોકો નિશ્ચિન્ત હતા, પણ સૂર્યાસ્તકાળે ચોરો આવ્યા. તેમણે રણશિંગડાં ફૂંક્યાં અને પટહ વગાડ્યા. થોડીક વાર ચોકિયાતો લડ્યા, પણ પછી તેઓ પણ સાર્થના લોકોની સાથે નાસવા લાગ્યા. સાંજના સમયે ગાડાંઓને આગ લગાડવામાં આવી અને ચોરો માલ લૂંટવા લાગ્યા. એ સમયની ધમાલમાં વનમાં રહેલા મેં સર્વાર્થ મામાને જોયા નહીં. વંશલતાઓના અંધકારથી અને ધુમાડાથી દશે દિશાઓ વ્યાપ્ત થયેલી હતી તે સમયે સંભળાતી વાઘની ગર્જનાઓથી ત્રાસેલો હું તે પ્રદેશમાંથી ચાલી નીકળ્યો. વનમાં દાવાનળ વધતો જતો હતો તે વખતે ભયથી ત્રાસેલો હું એક કાર્પટિક-સાધુની સહાયથી દુઃખપૂર્વક અટવીમાં ગયો. સર્વાર્થ મામા ક્યાં ગયા, તેની મને ખબર નહોતી. મેં વિચાર કર્યો, ‘(આરંભેલા કામનો) ત્યાગ કર્યા સિવાય મારાથી ઘેર જઈ શકાય એમ નથી. ઉત્સાહમાં જ લક્ષ્મી વસે છે. દરિદ્ર માણસ તો મરેલા જેવો છે, સ્વજનો વડે પરાભવ પામતો તે ઓશિયાળું જીવન જીવે છે, માટે (પરદેશમાં) રહેવું એ જ મારે માટે યોગ્ય જ છે.’ પછી એક જનપદમાંથી બીજા જનપદમાં પ્રવાસ કરતો હું અનુક્રમે પ્રિયંગુપટ્ટણ પહોંચ્યો. ત્યાં સ્નાન કરીને હું બજાર જોતો નીકળ્યો, તે વખતે સૌમ્ય આકૃતિવાળા અને મધ્યમ વયના એક વણિકે મને કહ્યું, ‘અરે! તું ઇભ્યપુત્ર ચારુદત્ત છે?’ મેં કહ્યું, ‘હા.’ એટલે પ્રસન્ન થયેલા તેણે કહ્યું, ‘દુકાનમાં આવ.’ હું દુકાનમાં ગયા, એટલે અશ્રુ વર્ષાવતા તેણે મને આલિંગન આપ્યું. હું દુકાનમાં બેઠો, એટલે તે વણિકે મને કહ્યું, ‘ચારુસ્વામી! હું સુરેન્દ્રદત્ત નામે વહાણવટી છું અને તમારો પાડોશી છું. મેં સાંભળ્યું છે કે ‘શેઠે દીક્ષા લીધી છે અને ચારુદત્ત ગણિકાગૃહમાં રહે છે.’ માટે અહીં આવવાનું કારણ કહે.’ એટલે મેં તેને બધી હકીકત કહી સંભળાવી. પછી તેણે મને કહ્યું, ‘તું વિષાદ ન કરીશ. આ વૈભવ તારો છે અને હું તારે આધીન છું.’ પછી તે મને પોતાને ઘેર લઈ ગયો, ત્યાં સ્નાન કરી જમ્યા પછી મેં તેને કહ્યું, ‘મને એક લાખ ઉધાર આપો; બાકીનું ધન તમારું.’ તેણે પ્રસન્નતાપૂર્વક એટલું ધન મને આપ્યું. પછી જાણે હું મારા પોતાના જ ઘરમાં વસતો હોઉં તેવી રીતે મેં વહાણ સજ્જ કર્યું, તેમાં માલ ભર્યો, વહાણવટીઓની સાથે નોકરો પણ લીધા, સર્વાર્થને કુશળતાના સમાચાર મોકલ્યા, રાજ્યશાસનનો પટ્ટક લીધો, પવન અને શુકન અનુકૂળ હતા તે વખતે હું વહાણમાં બેઠો, ધૂપ કર્યો અને ચીનસ્થાન તરફ વહાણ ચલાવ્યું. જલમાર્ગને કારણે આખુંયે જગત જલમય હોય તેવું લાગતું હતું. પછી અમે ચીનસ્થાન પહોંચ્યા. ત્યાં વેપાર કરીને હું સુવર્ણભૂમિ ગયો. પૂર્વ અને દક્ષિણ દિશાનાં પટ્ટણોમાં પ્રવાસ ખેડીને તથા કમલપુર, યવનદ્વીપ અને સિંહલમાં તેમ જ પશ્ચિમે બર્ગર અને યવનમાં વ્યાપાર કરીને મેં આઠ કોટિ ધન પેદા કર્યું. માલમાં રોકતાં તથા એ માલ જલમાર્ગે લાવતાં ધન બમણું થાય છે. આથી વહાણમાં હું સોરઠના કિનારે કિનારે પ્રવાસ કરતો હતો ત્યારે, કિનારો મારી દૃષ્ટિમર્યાદામાં હતો તે જ વખતે, વાવાઝોડું થયું અને એ વહાણ નાશ પામ્યું. ઘણી વારે એક પાટિયું મને મળ્યું. મોજાંઓની પરંપરાથી આમતેમ ફેંકાતો હું તેનું અવલંબન કરીને સાત રાત્રિને અંતે ઉંબરાવતી કિનારા ઉપર ફેંકાયો. આ રીતે હું સમુદ્રમાંથી બહાર નીકળ્યો. પાણીના ખારને લીધે સફેદ શરીરવાળો હું એક જાળાની નીચે બેસીને વિશ્રામ લેવા લાગ્યો. તે સમયે એક ત્રિદંડી આવ્યો. મને ટેકો આપીને તે ગામમાં લઈ ગયો. પોતાના મઠમાં તેણે મને સ્નાન કરાવ્યું, અને પૂછ્યું, ‘ઇભ્યપુત્ર! આ આપત્તિમાં તું કેવી રીતે પડ્યો?’ હું કેવી રીતે ઘેરથી નીકળ્યો અને મારું વહાણ કેવી રીતે ભાંગ્યું તે મેં સંક્ષેપમાં કહી બતાવ્યું. એટલે ક્રોધ પામીને તે બોલ્યો, ‘હં! તું નિર્ભાગી મારા મઠમાંથી ચાલ્યો જા.’ આથી હું તો પાછો તે વનમાં નીકળ્યો. થોડે દૂર ગયો. એટલે તે ત્રિદંડી વળી મને કહેવા લાગ્યો, ‘પુત્ર! મેં તો વિનય જાણવા માટે તારો તિરસ્કાર કર્યો હતો. તું ખરેખર અજ્ઞાન છે કે મૃત્યુસ્થાનમાં તારી જાતને ફેંકે છે. જો તું ધનની ઇચ્છાવાળો હોય તો અમારો વશવર્તી થા. અમારી ઉપાસના કરતાં તને કોઈ પણ પ્રકારના કલેશ વગર ધન પ્રાપ્ત થશે.’ પછી કિંકર-જનોએ મને નવરાવ્યો અને જવની રાબ પિવડાવી. એ પ્રમાણે મારા કેટલાક દિવસ વીતી ગયા. એક વાર ભઠ્ઠી સળગાવીને તે પરિવ્રાજક મને કહેવા લાગ્યો, ‘જો.’ પછી તેણે પોલાદ ઉપર રસ ચોપડ્યો અને પોલાદ અંગારામાં નાખ્યું. ધમણ વડે ધમતાં તે ઉત્તમ સુવર્ણ થઈ ગયું. તેણે મને કહ્યું, ‘પુત્ર! આ તેં જોયું?’ હું બોલ્યો, ‘મેં અત્યંત આશ્ચર્ય જોયું.’ પછી તેણે મને કહ્યું, ‘મારી પાસે સોનું નથી, પણ હું મોટો સૌર્વિણક છું. તને જોઈને મને પુત્રવત્ સ્નેહ થયો છે. તું અર્થપ્રાપ્તિને સારુ કલેશ કરે છે, માટે તારે ખાતર હું જઈશ અને શતસહવેધી રસ લાવીશ. પછી તું કૃતકૃત્ય થઈને તારે ઘેર જજે. આ તો મારી પાસે પહેલાંનો મેળવેલો થોડોક રસ હતો.’ લોભી એવા મેં સંતુષ્ટ થઈને કહ્યું, ‘તાત! એમ કરો.’ પછી તેણે સાધનો સજ્જ કર્યાં અને ભાથું તૈયાર કર્યું. અંધારી રાત્રિએ અમે ગામમાંથી નીકળ્યા અને હિંસક પશુઓથી ભરેલી અટવીમાં પહોંચ્યા. અમે રાત્રે પ્રવાસ કરતા હતા અને ભિલ્લોના ભયથી દિવસે છુપાઈને રહેતા હતા. અનુક્રમે પર્વતની ગુફામાંથી નીકળી અમે ઘાસથી ઢંકાયેલા એક કૂવા આગળ પહોંચ્યા. ત્યાં પરિવ્રાજક ઊભો રહ્યો. મને પણ તેણે કહ્યું, ‘વિશ્રામ લે.’ પછી તે ચામડાનું વસ્ત્ર પહેરીને અંદર ઊતરવા લાગ્યો. એટલે મેં તેને કહ્યું, ‘તાત! આ શું?’ તેણે કહ્યું, ‘પુત્ર! ઘાસથી ઢંકાયેલો આ કૂવો ઊંધા પાડેલા કોડિયાના આકારનો છે. એની અંદર વજ્રકુંડ છે, તેમાંથી રસ ઝરે છે. હું ઊતરું છું. ખાટલીમાં બેઠેલા મને તું અંદર લટકાવજે એટલે પછી હું રસનું તુંબડું ભરી લઈશ.’ મેં કહ્યું, ‘હું ઊતરું છું, તમે ન ઊતરશો.’ તે બોલ્યો, ‘ના, પુત્ર! તને ડર લાગશે.’ મેં કહ્યું, ‘હું ડરતો નથી.’ પછી મેં ચર્મવસ્ત્ર પહેર્યું. યોગવર્તી સળગાવીને મને અંદર લટકાવ્યો. હું ઠેઠ કૂવાના તળિયે પહોંચ્યો. મેં રસકુંડ જોયો. પછી તેણે તુંબડી નીચે નાખી. મેં કડછીથી તુંબડી ભરી અને ખાટલીમાં મૂકી. દોરડું હલાવતાં પરિવ્રાજકે ખાટલી ઉપાડી લીધી. હું રાહ જોતો હતો કે, ‘મારે માટે ફરી પાછો તે ખાટલી નીચે લટકાવશે.’ મેં બૂમ પાડી કે, ‘તાત! દોરડું નીચે લટકાવો.’ પણ કૂવો ખૂબ ઊંડો હતો અને મને પશુની જેમ તેમાં ફેંકી દઈને પરિવ્રાજક ચાલ્યો ગયો હતો. તે વખતે મેં વિચાર કર્યો કે, ‘સાગરમાં પણ મર્યો નહોતો એવો હું લોભને કારણે મરણ પામું છું.’ મારી યોગવર્તી દીપિકાઓ પણ ઓલવાઈ ગઈ. પ્રભાતમાં ત્યાં સૂર્ય દેખાતો નહોતો, માત્ર મધ્યાહ્નકાળે કૂવામાં પ્રકાશ આવ્યો. નીચે જોયું તો અંદરથી ખૂબ પહોળો પણ સાંકડા મુખવાળો કુંડ મારી નજરે પડ્યો. ઘણી વાર સુધી તાકી રહેતાં જેનું જીવન કંઈક અવશિષ્ટ રહ્યું છે એવા એક પુરુષને કુંડથી થોડેક દૂર મેં જોયો. મેં તેને પૂછ્યું, ‘તું અહીં કેવી રીતે આવ્યો?’ ઘણા દુઃખપૂર્વક તેણે કહ્યું, ‘આર્ય! પરિવ્રાજક મને અહીં લાવ્યો હતો.’ મેં કહ્યું, ‘મને પણ તે જ લાવ્યો છે.’ પછી મેં તેને પૂછ્યું, ‘મિત્ર! અહીંથી બહાર નીકળવાનો કોઈ ઉપાય છે ખરો?’ તેણે ઉત્તર આપ્યો, ‘જ્યારે સૂર્યકિરણોથી આ કૂવો પ્રકાશિત થાય છે ત્યારે આ વિવરમાંથી એક મોટી ઘો પાણી પીવાને માટે આવે છે, અને તે જ માર્ગે પાછી જાય છે. ભીરુ અને અસાહસિક એવો હું અશક્ત થઈ ગયો હોવાને કારણે બહાર નીકળ્યો નહીં. જો તમે સાહસ કરી શકો તો ઘોના પૂંછડે વળગી પડજો, એટલે બહાર નીકળી શકશો.’ પછી હું પાણીની પાસે ઘોની રાહ જોવા લાગ્યો. પહોળી પીઠવાળી મોટી ઘો સુરંગના દ્વારમાંથી આવી અને તેણે પાણી પીધું. તે બહાર નીકળતી હતી તે વખતે મેં તેનું પૂછડું પકડી લીધું. પછી સુરંગના વિવરમાંથી જતરડું ખેંચે તેવી ગતિથી મને ખેંચતી તે દૂર સુધી જઈને બહાર નીકળી. મેં ચામડાનું કપડું પહેરેલું હોવાથી મારા શરીરને કંઈ ઈજા ન થઈ. પછી ઘોનું પૂછડું છોડી દઈને હું કૂવો શોધવા લાગ્યો, પણ મને તે જડ્યો નહીં, રાતમાં મને લાવવામાં આવ્યો હતો તે કારણથી એ પ્રદેશથી પણ હું માહિતગાર નહોતો. આ પ્રમાણે લોભગ્રસ્ત એવો હું તપાસ કરતો હતો ત્યાં જંગલી પાડાએ મારા ઉપર હુમલો કર્યો. તે મારી પાછળ પડ્યો. તેનાથી નાસતો એવો હું પાડો ચઢી શકે નહીં એવા ઊંચા ખડક ઉપર ચઢી ગયો. આથી પાડો ખિજાયો અને અત્યંત ક્રોધથી તેણે શિલા ઉપર પ્રહાર કર્યો. તેના પ્રહારના આઘાતથી ખડકમાંથી મોટો અજગર નીકળ્યો અને તેણે પાડાને પાછલા ભાગમાં પકડ્યો. આથી એ નિષ્ઠુર પાડો ત્યાં ઊભો રહ્યો. ડરેલો એવો હું પણ પાડાના માથા ઉપર પગ મૂકીને ત્યાંથી નાસી ગયો અને એકાન્તમાં સંતાઈ ગયો. પછી ત્યાંથી નાસીને ભૂખ અને તરસથી પીડાતો હું વનમાં, કાંટાઓમાં રખડતો હતો. એક સ્થળે ચાર રસ્તા ભેગા થતા જોઈને ‘અવશ્ય આ માર્ગે કોઈ આવશે’ એમ વિચારી હું ઊભો રહ્યો. થોડી વારે મેં રુદ્રદત્તને જોયો. તે મારે પગે પડીને રોવા લાગ્યો અને બોલ્યો, ‘હું તમારો અંતેવાસી છું. ચારુસ્વામી! તમે અહીં શી રીતે આવ્યા?’ એટલે મેં તેને બની ગયેલો બધો વૃત્તાન્ત કહ્યો. પછી તેણે પોતાના ભોટવામાંથી મને પાણી પાયંુ અને ભાથું આપ્યું. સ્વસ્થ થયેલા મને તે કહેવા લાગ્યો, ‘હવે હું તમારો સેવક છું. તમે વેપાર કરો; ચાલો, આપણે રાજપુર જઈએ.’ પછી અમે રાજપુર ગયા અને રુદ્રદત્તના મિત્રને ઘેર ઊતર્યા. રુદ્રદત્તે પડદા, અલંકારો, અળતો, રાતાં પોત, કંકણ વગેરે માલ લીધો. તેણે મને કહ્યું, ‘ચારુસ્વામી! વિષાદ ન કરશો. તમારા ભાગ્યથી અને ઉત્તમ શરીરચેષ્ટાના ગુણથી થોડી મૂડીથી પણ આપણે ઘણું દ્રવ્ય પેદા કરશું. દ્રવ્ય ઉપાર્જન કરવાને માટે આ લોકો સાર્થમાં જાય છે, માટે ઊઠો, આપણે પણ તે સાર્થની સાથે જઈએ.’ એટલે ભેગા થઈને અમે સાર્થમાં પહોંચ્યા અને અનુક્રમે ચાલતા અમે સિન્ધુસાગરસંગમ (અથવા સાગરના જેવી) નદી ઊતર્યા. ઇશાન દિશા તરફ અમે ચાલવા લાગ્યા. હૂણ, ખસ અને ચીન ભૂમિઓ અમે વટાવી અને વૈતાઢ્યની તળેટીમાં શંકુપથ પાસે પહોંચ્યા. ત્યાં સાર્થના માણસોએ પડાવ નાખ્યો, રસોઈ કરી અને વનફળ ખાધાં. ભોજન કર્યા પછી સાર્થના માણસોએ તુંબરનું ચૂર્ણ કૂટ્યું. માર્ગદર્શકે કહ્યું, ‘ચૂર્ણ લઈ લો, અને કેડમાં ચૂર્ણની ઝોળીઓ બાંધી દો. પોટલામાં માલ ભરો અને તે બગલ ઉપર બાંધો. એટલે આ છિન્નટંક શિખર, વિજયા નદીનો અતાગ પાણીવાળો ધરો અને માત્ર એક જ સ્થળે શંકુ ઉપર જેનું આલંબન છે એવો શંકુપથ આપણે ઓળંગી જઈશું. જ્યારે હાથે પરસેવો વળે ત્યારે તમારે તુંબરનું ચૂર્ણ મસળવું, એટલે તેની રુક્ષતાથી હાથને પકડવાનો આધાર રહેશે; નહીં તો પથ્થરના શંકુ ઉપરથી હાથ લપસી જતાં ટેકા વગરના માણસનું અપાર પાણીવાળા છિન્નદ્રહમાં પડવાથી મૃત્યુ થશે.’ પછી અમે તેના વચનથી તુંબરુ ચૂર્ણનું ગ્રહણ વગેરે બધું કર્યું. અમે સર્વે શંકુપથ ઊતરી ગયા અને જનપદમાં પહોંચ્યા. ત્યાંથી અમે ઇષુવેગા નદી પાસે પહોંચ્યા, ત્યાં મુકામ કર્યો અને પાકાં વનફળ ખાધાં. પછી અમને માર્ગદર્શકે કહ્યું, ‘વૈતાઢ્ય પર્વતમાંથી નીકળતી આ ઇષુવેગા નદી અતાગ છે. જે તેમાં ઊતરે તે પાણીમાં ખેંચાઈ જાય છે. એમાં તીરછા માર્ગે પણ ઊતરી શકાય એમ નથી. માત્ર નેતરનો આધાર લઈને જ તેને સામે પાર જઈ શકાય એમ છે. જ્યારે ઉત્તર તરફથી વાયુ વાય છે ત્યારે, પર્વતમાંથી વાતા પવનના એકત્રિત વેગને કારણે, મોટી, ગાયનાં પૂછડાં જેવી (અનુક્રમે પાતળી) અને સ્વભાવથી જ મૃદુ અને સ્થિર એવી વેત્રલતાઓ દક્ષિણ તરફ નમે છે. આ પ્રમાણે નમી જતાં તે ઇષુવેગા નદીના દક્ષિણ કિનારે પહોંચે તે વખતે તેમનો આધાર લેવામાં આવે છે. આધાર લીધા પછી એ લતાઓના ગાંઠાના મધ્યભાગ પકડી લેવામાં આવે છે. પછી જ્યારે દક્ષિણ તરફથી પાછો વાયુ વાય ત્યારે એ વાયુ વેત્રલતાઓને પાછી ઉત્તર કિનારે ફેંકે છે. આ પ્રમાણે લતાઓના ગાંઠાની સાથે માણસ પણ ઉત્તર કિનારે ફેંકાય છે. તે કારણથી આ ગાંઠાઓ પકડવામાં આવે છે. માટે તમે (અનુકૂળ) પવનની રાહ જુઓ.’ પછી માર્ગદર્શકની સૂચનાથી અમે વેત્રલતાઓના ગાંઠાના મધ્યભાગ પકડ્યા, અને કેડ તથા માલ બાંધી લીધાં. સૂચના અનુસાર પવનની રાહ જોતા અમે દક્ષિણના પવનથી આ તરફ ફેંકાયેલી વેત્રલતાઓના આધાર ઉત્તર કિનારે જઈને ઊભા રહ્યા. વેત્રલતાઓ વડે વિકટ એવા પર્વતનાં શિખરોમાં શોધ કરતા અમે રસ્તા ઉપર પહોંચ્યા અને ટંકણ દેશમાં પહોંચ્યા. ત્યાં અમે એક પહાડી નદીના કિનારા ઉપર રહ્યા અને સીમાડા ઉપર સાર્થે મુકામ કર્યો. ભોમિયાની સૂચનાથી નદીના કિનારે જુદો જુદો માલ મૂકવામાં આવ્યો, એક કાષ્ઠરાશિ સળગાવ્યો અને અમે એકાન્તમાં ચાલ્યા ગયા. ધુમાડા સહિત અગ્નિને જોઈને ટંકણ લોકો આવ્યા, માલ લીધો અને તેમણે પણ ધુમાડો કર્યો. પછી ભોમિયાના કહેવાથી તેઓ પોતાના સ્થાને ગયા. તેમણે બાંધેલાં બકરાંઓ અને મૂકેલાં ફળો સાર્થના માણસોએ લીધાં. પછી સાર્થ સીમાડા ઉપરની તે નદીના કિનારે કિનારે આગળ ચાલ્યો અને અમે અજપથ આગળ પહોંચ્યા. ત્યાં વિશ્રામ લઈ આહાર કરીને ભોમિયાની સૂચનાથી આંખે પાટા બાંધીને તથા બકરાઓ ઉપર બેસીને બન્ને બાજુ છિન્ન કટકવાળા (તદ્દન ઊભા અને સીધાં ચઢાણવાળા) વજ્રકોટિસંસ્થિત પર્વતને અમે વટાવી ગયા. ત્યાં ઠંડા પવનના ઝપાટા શરીરે લાગતાં બકરા ઊભા રહ્યા, એટલે અમે આંખો ખોલી નાખી. સપાટ ભૂમિ ઉપર અમે વિશ્રામ લીધો અને ભોજન કર્યું, એટલે ભોમિયાએ કહ્યું, ‘બકરાઓને મારી નાખો, રુધિરવાળા ચામડાની ભાથડીઓ (ખોળ) કરો, બકરાનું માંસ રાંધીને ખાઓ અને કેડે છરી બાંધીને ભાથડીઓમાં પેસી જાઓ. રત્નદ્વીપમાંથી ભારુંડ નામનાં મહાકાય પક્ષીઓ અહીં ચરવાને માટે આવે છે. તેઓ અહીં આવીને વાઘ, રીંછ વગેરેએ મારેલાં પ્રાણીઓનું માંસ ખાય છે, અને માંસનો મોટો પિંડ હોય તે પોતાના માળામાં લઈ જાય છે. તમને રુધિરવાળી ભાથડીઓમાં બેઠેલા જોઈને, ‘આ મોટા માંસપિંડ છે’ એમ ધારી તમને ઉપાડીને તે પક્ષીઓ રત્નદ્વીપમાં લઈ જશે. તેઓ તમને નીચે મૂકે, એટલે તમારે છરી વડે ભાથડીઓ ચીરી નાખવી. પછી તમારે ત્યાંથી રત્નો લેવાં. રત્નદ્વીપમાં જવાનો આ ઉપાય છે. રત્નો લીધા પછી વૈતાઢ્યની તળેટી પાસે આવેલી સુવર્ણ ભૂમિમાં અવાય છે. ત્યાંથી વહાણ માર્ગે પૂર્વદેશમાં આવી શકાય છે.’ તેનું વચન સાંભળીને સાર્થના માણસો બકરાને મારવા લાગ્યા. મેં રુદ્રદત્તને કહ્યું, ‘વેપાર આવો હશે એમ હું જાણતો નહોતો; અને જો જાણતો હોત તો અહીં આવત નહીં, માટે મારા બકરાને તમે મારશો નહીં. તેણે મને જંગલમાંથી બહાર કાઢ્યો છે, માટે તેનો તો ઉપકાર માનવો યોગ્ય છે.’ રુદ્રદત્ત બોલ્યો, ‘તમે એકલા શું કરશો?’ મેં કહ્યું, ‘વિધિપૂર્વક દેહત્યાગ કરીશ.’ એટલે મારું મરણ થવાની સંભાવનાથી ડરતો તે રુદ્રદત્ત સાર્થના માણસો સાથે મળીને બકરાને મારવા લાગ્યો. હું એકલો તેમને અટકાવી શક્યો નહીં. તેમને અટકાવવાનો પ્રયત્ન કરતા મારા તરફ તે બકરો પણ એકાગ્રચિત્ત થઈને લાંબી નજરે તાકી રહ્યો. એટલે મેં તેને કહ્યું, ‘હે બકરા! તારી રક્ષા કરવાને હું અશક્ત છું. પણ સાંભળ-જો તને વેદના થતી હોય તો તેના કારણરૂપે તેં પૂર્વે કરેલો મરણભીરુ પ્રાણીઓનો વધ છે. એટલે તેં પોતે કરેલાં કર્મોનો જ આ અનુભાવ છે. આથી એનું કેવળ નિમિત્ત બનનાર માણસો ઉપર તારે દ્વેષ કરવો જોઈએ નહીં. જેઓ રાગ, દ્વેષ અને મોહથી પર છે એવા ભગવાન અર્હંતો અહિંસા, સત્ય, અદત્તાદાનવિરતિ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ વ્રતો સંસારભ્રમણનો નાશ કરનારાં હોવાનું ઉપદેશે છે, માટે તું સર્વે સાવધ — પાપયુક્ત વ્યાપારોનો, શરીરનો, અને આહારનો ત્યાગ કર; ‘નમો અરિહંતાણં’ એ વચન તારા ચિત્તમાં રાખ; એથી તારી સદ્ગતિ થશે.’ મેં એમ કહ્યું એટલે તે બકરો મારી આગળ પ્રણામ કરીને ઊભો રહ્યો. મેં પણ તેને વ્રતો આપ્યાં, આહારનું પચ્ચક્ખાણ આપ્યું અને સિદ્ધ તથા સાધુના નમસ્કાર સહિત અરિહંતનો નમસ્કાર નવકાર મંત્ર — ઉચ્ચાર્યો. આ પ્રમાણે વિરક્ત થયેલા અને ચિત્રમાં ચીતરેલા હોય તેવા સ્થિર એ બકરાને તેઓએ — રુદ્રદત્ત વગેરેએ મારી નાખ્યો. પછી તેની ભાથડી કરવામાં આવી. રુદ્રદત્તે પગે પડીને મને ભાથડીમાં બેસાડ્યો, અને સાર્થના માણસો પણ પોતપોતાની ભાથડીમાં પ્રવેશ્યા. થોડીક વારે ભારંુડ પક્ષીઓ આવ્યાં, તે અમે તેમના શબ્દ ઉપરથી જાણ્યું. માંસનાં લાલચુ તે પક્ષીઓએ ભાથડીઓ ઉપાડી, પણ તેમાં મારી ભાથડી બે ભારુંડ પક્ષીઓએ લીધી. પણ તે મેં જાણ્યું શી રીતે? (બે પક્ષીઓ વડે) આકાશમાં ઊંચે-નીચે દડાની જેમ હલાવાતો મને લઈ જવામાં આવતો હતો. આવી રીતે મને દૂર સુધી લઈ જવામાં આવ્યો. ત્યાં અત્યંત કોપથી લડતાં તે પક્ષીઓની ચાંચમાંથી ભાથડી સરકી જતાં હું મોટા ધરામાં પડ્યો. પડતાં પડતાં મેં છરીથી ભાથડી ચીરી નાખી, અને તરતો તરતો પાણીમાંથી બહાર નીકળ્યો. પછી મેં આકાશમાં જોયું, તો પક્ષીઓ વડે સાર્થનાં માણસો સહિત લઈ જવાતી ભાથડીઓ નજરે પડી. મારી ભાથડી પણ પક્ષીઓ લઈ ગયાં. પછી મને વિચાર થયો, ‘અહો! કૃતાન્ત જ મને ત્રાસ આપે છે. અથવા પૂર્વેનાં દુશ્ચિરિતને કારણે મારી આવી અવસ્થા થઈ છે.’ વળી મને થયું, ‘મેં પુરુષાર્થ કરવામાં તો કંઈ ખામી રાખી નથી. હવે તો મરવાને માટે આ પર્વત ઉપર ચઢું; ઉપર જ્યાં સમ ભૂમિ આવશે ત્યાંથી નીચે ભુસ્કો મારીશ.’ આ પ્રમાણે નિશ્ચય કરીને હું પર્વત ઉપર ચઢવા લાગ્યો અને વાંદરાની જેમ હાથ તેમ જ પગથી પથ્થરો ઉપર વળગીને જેમ તેમ કરી શિખર ઉપર પહોંચ્યો. ત્યાં અવલોકન કરતાં મેં પવનથી ફરફરતું શ્વેત વસ્ત્ર જોયું. મેં વિચાર્યું, ‘આ કોનું વસ્ત્ર હશે?’ વધારે ઝીણી નજરે જોતાં મને ખ્યાલ આવ્યો કે, ‘આ તો કોઈ સાધુ હાથ ઊંચા કરીને આતાપના લેતા એક પગે ઊભા છે.’ મેં વિચાર્યું કે, ‘મારો પુરુષાર્થ સાધુનાં દર્શનથી સફળ થયો છે.’ સંતુષ્ટ થયેલો હું સાધુ પાસે પહોંચ્યો, અને નૈષેધિકી કરીને તથા ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને તેમની સમક્ષ ઊભો રહ્યો તથા હૃદયથી પ્રશંસા કરવા લાગ્યો કે, ‘અહો! ધ્યાનમાં રહેલા આ સાધુ ખરેખર કૃતાર્થ છે.’ સાધુએ મારી સામે ઘણી વાર સુધી તાકી રહીને પછી કહ્યું, ‘શ્રાવક! ઇભ્ય ભાનુના પુત્ર તમે ચારુસ્વામી તો નહીં?’ મેં કહ્યું, ‘ભગવન્! હું તે જ છું.’ એટલે ભગવાને કહ્યું, ‘તમે અહીં કેવી રીતે આવ્યા?’ એટલે મેં ગણિકાગૃહમાં પ્રવેશથી માંડીને પર્વત ઉપર ચઢવા સુધીનો સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. પછી સાધુએ પણ પોતાનો તપ-નિયમ સમાપ્ત થતાં બેસીને કહ્યું, ‘મને ઓળખો છો? જેને તમે મરણમાંથી ઉગાર્યો હતો તે હું અમિતગતિ છું.’ મેં કહ્યું, ‘ભગવન્! એ પછી તમે શું કર્યું તે મને કહો.’ એટલે તે કહેવા લાગ્યા,

અમિતગતિનો શેષ વૃત્તાન્ત

‘હું તમારી પાસેથી ઊડ્યો. પછી મેં વિદ્યાનું આવાહન કર્યું, એટલે તેણે મને કહ્યું, ‘વૈતાઢ્ય પર્વત ઉપર કાંચનગુહામાં તારી પ્રિયા તારા શત્રુની સાથે છે.’ એટલે હું કાંચનગુહા ગયો. કરમાઈ ગયેલી જાણે પુષ્પમાળા હોય તેવી તથા દુઃખસમુદ્રમાં ડૂબેલી સુકુમારિકાને મેં ત્યાં જોઈ. વેતાલ-વિદ્યાની સહાયથી મારું મૃત શરીર તેને બતાવીને (ધૂમસિંહ) કહેતો હતો, ‘આ તારો પતિ અમિતગતિ (મરણ પામ્યો છે), માટે તું મારું સેવન કર અથવા સળગતા અગ્નિમાં પ્રવેશ કર.’ સુકુમારિકા બોલી, ‘હું તો મારા પતિ અમિતગતિનું જ અનુસરણ કરીશ.’ એટલે તેઓએ (ધૂમસિંહના સેવકોએ) લાકડાંનો મોટો ઢગલો કર્યો, તેમાં આગ મૂકી, શબને પણ મૂક્યું અને પ્રિયા શબને આલિંગન કરીને બેઠી. તે જ વખતે હું ત્યાં પહોંચ્યો. મેં હુંકાર કર્યો, એટલે તેઓ નાસી ગયા. મેં પ્રિયાને ચિતા ઉપરથી ઉતારી. હું હજી જીવતો હતો એ જોઈને તે વિસ્મય પામી. મારા શત્રુઓને મેં નસાડ્યા એટલે તેઓ સમુદ્રમાં પેસી ગયા. પછી હું પાછો વળીને પિતા પાસે ગયો અને તેમને બધું કહ્યું. પછી મારા પિતાએ વિદ્યાધરશ્રેણિના વૃદ્ધો દ્વારા ધૂમસિંહ સાથે વિદ્યાધરોનો બોલવા-ચાલવાનો વ્યવહાર બંધ કરાવ્યો. એક વાર મારા પિતા વિદ્યાધરરાજની પુત્રી મનોરમા નામે કન્યા લાવ્યા. પાણિગ્રહણ કરીને હું તે ભાર્યાની સાથે રમણ કરવા લાગ્યો. પછી મારા પિતાએ, મને રાજ્યધુરા સોંપીને, હિરણ્યકુંભ અને સુવર્ણકુંભ નામના ચારણશ્રમણોની પાસે દીક્ષા લીધી તથા નિ:સંગ અને તપપરાયણ થઈને તેઓ વિચરવા લાગ્યા. મારે ત્યાં સિંહયશ અને વરાહગ્રીવ એ પુત્રો થયા, અને ગન્ધર્વદત્તા પુત્રી થઈ. મારા પિતા નિર્વાણ પામ્યાના સમાચાર સાંભળીને મેં પણ, સિંહયશને રાજ્ય આપીને, તે જ ચારણશ્રમણોની પાસે દીક્ષા લીધી. સૂત્રોનો અભ્યાસ કર્યા પછી હું આ કંઠક દ્વીપમાં કંકોડય ર્પત ઉપર આતાપના લઉં છું, અને રાત્રે ગુફામાં વસું છું. ભદ્રમુખ! સારું થયું કે તમે અહીં મને મળ્યા. હવે તમને કોઈ વાતની ખામી નહીં રહે. મારા પુત્રો અહીં દરરોજ મને વંદન કરવા માટે આવે છે. તેઓ પોતાના નગરમાં લઈ જઈને તમારી શુશ્રૂષા કરશે, અને વિપુલ ધન સહિત તમને ચંપાનગરી લઈ જશે.’ ભગવાન આ પ્રમાણે કહેતા હતા ત્યાં તો થોડી જ વારમાં વિદ્યાધર રાજાઓ સિંહયશ અને વરાહગ્રીવ ત્યાં આવ્યા. તેમણે પિતાને પ્રદક્ષિણાપૂર્વક વંદના કરી. સાધુએ તેમને કહ્યું, ‘પુત્રો! આ તમારા ધર્મપિતાને લાંબે કાળે પ્રણામ કરો. ઘણી મુશ્કેલીએ તેઓ અહીં આવી પહોંચ્યા છે.’ તેઓ બોલ્યા, ‘તાત! ‘આ તમારા ધર્મપિતા છે’ એમ કહો છો, તો શું આ ચારુસ્વામી તો નથી? તેમણે કહ્યું, ‘હા, એમ જ છે. સ્થાન અને ધનથી પરિભ્રષ્ટ થયેલા તે લાંબે કાળે મારા જોવામાં આવ્યા છે.’ પછી તેમણે બધી હકીકત પોતાના પુત્રોને કહી. એટલે તેઓએ પિતાને યોગ્ય એવા માન સાથે મને વંદન કર્યું, અને હું વિશ્રામ લેતો હતો ત્યારે મને કહ્યું, ‘જેનો પ્રતિકાર થઈ શકે નહીં તથા જેમાંથી છોડાવી શકાય નહીં એવી સ્થિતિમાં રહેલા અમારા પિતાને જીવિતદાન આપીને ઉપકાર કરનાર આપનો અમે યથાશક્તિ પ્રત્યુપકાર કરીશું. અમારા સદ્ભાગ્યે જ આપને અહીં આણ્યા છે. આજે અમારો કલેશ દૂર થયો છે.’ આ પ્રમાણે તેઓ બોલવા લાગ્યા. એવામાં અજોડ રૂપવાળો, રુચિર આભૂષણોથી અલંકૃત તથા રજ વગરના આકાશ જેવો તેજસ્વી એક દેવ ત્યાં આવ્યો. હર્ષિત થયેલા તેણે ‘પરમ ગુરુને નમસ્કાર’ એમ વંદના કરતાં મને પ્રણામ કર્યા. ત્યાર પછી તેણે અમિતગતિને વંદન કર્યું. વિદ્યાધરોએ તેને પૂછ્યું, ‘દેવ! અમે ક્રમ પૂછીએ છીએ કે — પહેલાં સાધુને વંદન કરવું જોઈએ કે શ્રાવકને?’ તેણે ઉત્તર આપ્યો, ‘સાધુઓને વંદન કરવું જોઈએ, પછી શ્રાવકને; પણ હું ભક્તિવશ હોવાને કારણે ક્રમ ચૂકી ગયો હતો. આમની (ચારુદત્તની) કૃપાથી મને આ દેવશરીર અને આ રિદ્ધિ મળી છે.’ વિદ્યાધરોએ પૂછ્યું, ‘કેવી રીતે?’ એટલે દેવ કહેવા લાગ્યો, ‘બકરાના ભવમાં હું જાતિસ્મરણ જ્ઞાનવાળો હતો. ગત જન્મનું સ્મરણ કરતા મને એમણે ધર્મમાં જોડ્યો. સાંભળો, પહેલાં તો હું અથર્વવેદ દ્વારા પ્રવર્તેલા મંત્રોના વિનિયોગમાં પાંચ વાર અગ્નિમાં હોમાયો. છઠ્ઠી વાર મને વાણિયાઓએ મારી નાખ્યો.’ એટલે વિદ્યાધરોએ પૂછ્યું, ‘દેવ! અથર્વવેદ કેવી રીતે ઉત્પન્ન થયો? અને કોણે તે કર્યો?’ તેણે ઉત્તર આપ્યો, ‘મહાકાલ નામે પરમ ધાર્મિક દેવ હતો. સગર પ્રત્યેના દ્વેષને કારણે તેને નરકમાં નાખવાના હેતુથી, એ દેવે પશુવધ પ્રકાશિત કર્યો હતો. પરંપરાના આગમથી પિપ્પલાદે તે ગ્રહણ કર્યો હતો. તેણે તેના આશ્રયથી અથર્વવેદની રચના કરી હતી. એ પિપ્પલાદની ઉત્પત્તિ સાંભળો,

અથર્વવેદની ઉત્પત્તિ અને પિપ્પલાદનો વૃત્તાન્ત

વારાણસી નામે નગરી છે. ત્યાં ઘણી શિષ્યાઓના પરિવારવાળી, વ્યાકરણ અને સાંખ્યશાસ્ત્રમાં કુશળ તથા અત્યંત માનનીય એવી સુલસા નામે પરિવ્રાજિકા વસતી હતી. યાજ્ઞવલ્ક્ય નામે ત્રિદંડી વાદ કરવાની ઇચ્છાથી વારાણસી આવ્યો. તે બન્નેની વચ્ચે ચર્ચા થઈ. તે વખતે સુલસાએ જ્ઞાનમદથી કહ્યું, ‘જો મને વાદમાં જીતો તો છ માસ સુધી તમારી પાદુકાઓ વહન કરું.’ પછી મધ્યસ્થો સમક્ષ તેમની વચ્ચે વાદ થયો. શબ્દશાસ્ત્ર-વ્યાકરણના વિષયમાં યાજ્ઞવલ્ક્યે સુલસાને જીતી, એટલે માન મૂકીને તે યાજ્ઞવલ્ક્યની સેવા કરવા લાગી. આ પ્રમાણે તેમની વચ્ચેની મર્યાદા તૂટી જવાથી તથા એકબીજાની સમીપ રહેવાને કારણે તેમનું પતન થયું. શિષ્યાઓએ પણ સુલસાને ખરાબ શીલવાળી ગણીને તેનો પરિત્યાગ કર્યો. તેને પોતાની બહેન માનતી તથા ઘણા કાળની તેની સોબતી એકમાત્ર નંદા નામે (શિષ્યા) તેની સાથે રહી હતી. સુલસાને ગર્ભ રહ્યો. ‘મને ગર્ભ રહ્યાની હકીકત જાહેર થતાં રખેને હું અપમાનિત થાઉં’ એમ વિચારીને, નંદાને પોતાનું ગમન-સ્થાન કહી બતાવી, તીર્થયાત્રાના બહાને તે નીકળી ગંગાના કિનારે યાજ્ઞવલ્ક્યની સાથે ઘેરી વૃક્ષઘટાઓથી વીંટાયેલા પીપળાના વૃક્ષની નીચે તે રહેવા લાગી. નંદા તેને સમાચારો આપતી હતી. પ્રસવનો દિવસ નજીક આવ્યો ત્યારે સુલસા અત્યંત ખિન્ન થઈ ગઈ. યાજ્ઞવલ્ક્યની શુશ્રૂષાથી તેણે યથાકાળે પુત્રને જન્મ આપ્યો. પુત્રને સ્નાન કરાવીને યાજ્ઞવલ્ક્યની પાસે મૂકીને ‘હું ગંગાતીર્થમાં ઊતરું છું (સ્નાન કરી આવું છું’) એમ કહીને તે ચાલી નીકળી. ‘મારે બાળકનું શું કામ છે? યાજ્ઞવલ્ક્ય સાથેના સંબંધથી પણ હવે બસ થાઓ,’ એમ વિચારતી સુલસાને પાછી આવતાં મોડું થયું તેથી બાળક રોવા લાગ્યો. યાજ્ઞવલ્ક્યે યોગ્ય તીર્થમાં તેની તપાસ કરી, પણ તેને માલૂમ પડ્યું કે ‘સુલસા નથી, એ તો ચાલી ગઈ છે.’ આ પ્રમાણે ચિન્તા કરતો તે ‘હવે તેને કેવી રીતે મળું?’ એમ વિચાર કરતો બેઠો. એટલામાં પવનથી તૂટેલી પીપળાની ડાળી બાળકના મુખ ઉપર પડી, એટલે તે (દૂધનો) સ્વાદ લેવા લાગ્યો અને રોતો બંધ થઈ ગયો. બાળકનો ત્યાગ કરવાની ઇચ્છાવાળા યાજ્ઞવલ્ક્યે વિચાર કર્યો, ‘આહાર કરવા માંડેલો આ બાળક પીપળો ખાય છે માટે એનું નામ પિપ્પલાદ (પીપળો ખાનાર) ભલે રહે.’ એમ વિચારીને શિલા ઉપર તે નામ લખી (બાળકને ત્યજીને) તે ગયો. આ બાજુ, સુલસાનો પ્રસવકાળ નજદીક આવેલો જાણીને સ્નેહવશ નંદા ઘી લઈને તે સ્થળે આવી. તે વખતે એ બાળકના મુખમાંથી, તેના હલનચલનને કારણે, પીપળાની ડાળી ખસી ગઈ હતી, આથી તે ફરી રડવા લાગ્યો. તેનો સાદ — રુદન શબ્દ નંદાએ સાંભળ્યો, તેથી તેણે વિચાર્યું કે ‘સુલસાને પ્રસવ થઈ ગયો છે.’ પ્રસન્ન થયેલી તે ઝાડીની અંદર આવી, તો તેણે બાળકને જોયો તથા ‘પિપ્પલાદ’ એવું નામ વાંચ્યું, પરન્તુ પેલાં બે જણાંને જોયાં નહીં. તપાસ કરતાં ‘તેઓ પોતાનાં ઉપકરણો લઈને ચાલ્યાં ગયાં છે’ એમ જણાતાં અનુકંપાથી બાળકને લઈને તે વારાણસી આવી. બાળકને ગળથૂથી પિવરાવીને પછી પોતાના અંતેવાસી લોકોને કહેવા લાગી, ‘હું જ્યારે ગંગામાં સ્નાન કરવા ગઈ ત્યારે આ બાળકને મેં જોયો.’ તેઓ બોલ્યાં, ‘સારું કર્યું, અમે તને સામગ્રી પૂરી પાડીશું.’ તેઓએ યત્નપૂર્વક મદદ કરતાં નંદાએ તે બાળકને ઉછેર્યો તથા વિદ્યા શીખવી. અંગ સહિત વેદ તેણે ગ્રહણ કર્યા. એક વાર ઉદ્યાનમાં તોફાન કરતો હોવાને કારણે નંદાએ એ બાળકને કહ્યું, ‘તને જન્મ બીજીએ આપ્યો અને હેરાન મને કરે છે.’ આથી તેણે પૂછ્યું, ‘માતા! હું કોનો પુત્ર છું?’ નંદાએ ઉત્તર આપ્યો, ‘મારો.’ છતાં બાળકે ઘણો આગ્રહ કરતાં નંદાએ તેની સાચી ઉત્પત્તિ કહી. આ સાંભળી માતાપિતા ઉપર તેને દ્વેષ થયો. તેણે અથર્વવેદ રચ્યો, માતૃમેધ અને પિતૃમેધનું તથા અભિચાર-મંત્રોનું વિધાન કર્યું. તે લોકોમાં બહુમાન્ય અને સમૃદ્ધ થયો. ફરી એક વાર યાજ્ઞવલ્ક્ય (વારાણસીમાં) આવ્યો, અભિનવ બુદ્ધિવાળા પિપ્પલાદે તેનો પરાજય કર્યો. પછી તેનું સન્માન કરીને પિપ્પલાદ પોતાના ઘેર લઈ ગયો, એટલે તે ત્યાં રહ્યો. પછી યાજ્ઞવલ્ક્યે પૂછ્યું, ‘તું કોનો પુત્ર છે?’ પિપ્પલાદે ઉત્તર આપ્યો, ‘પિપ્પલનો.’ આમ યાજ્ઞવલ્ક્યે જાણ્યું કે, ‘આ મારો જ પુત્ર છે; બીજા કોની આવી શક્તિ હોય?’ પછી તેણે કહ્યું, ‘હું પિપ્પલને ઓળખું છું; જો તું તેનો પુત્ર હોય તો હું કૃતાર્થ થયો છું.’ પછી મનમાં દ્વેષ રાખતો તે પિપ્પલાદ તેની સેવા કરવા લાગ્યો. ઘણો કાળ વીત્યા પછી નંદાની ખબર લેવા માટે સુલસા ત્યાં આવી. તેણે નંદાને પિપ્પલાદના ભવનમાં ફરતી જોઈ. પૂછવામાં આવતાં નંદાએ પિપ્પલાદ કેવી રીતે મોટો થયો તે કહ્યું. (સુલસાના આગમનની ખબર) નંદાએ પિપ્પલાદને પણ જણાવી, અને કહ્યું, ‘પુત્ર! આ તારી માતા છે.’ પિપ્પલાદે પણ ખોટો વિનય બતાવી તેની સેવા કરી. પછી તેણે યાજ્ઞવલ્ક્યને કહ્યું, ‘તાત! તમને મોટા પિતૃમેધથી દીક્ષિત કરવામાં આવે છે.’ તે બોલ્યો, ‘પુત્ર! મારું જે કંઈ હિત હોય તે તું કર.’ પછી તેને પિપ્પલાદે દીક્ષા આપીને ગંગા તીરે એકાન્તમાં બાંધ્યો અને કહ્યું, ‘તાત! તમારી જીભ બતાવો.’ પછી તેણે હાથચાલાકીથી કાતર વડે જીભ કાપી નાખી. અવાક્ બનેલા તે યાજ્ઞવલ્ક્યનાં કાન, નાક, હોઠ, હાથ, પગ ઇત્યાદિ અવયવો ઉપર ખાર છાંટીને પિપ્પલાદે અગ્નિમાં હોમ્યા, અને તેને ક્રોધપૂર્વક કહ્યું, ‘દુરાચારી! મેં જન્મતાં વેંત તારો શો અપરાધ કર્યો હતો કે તેં મારો નિર્જન પ્રદેશમાં ત્યાગ કરી દીધો? હું જીવી શકું તે માટે તેં કોઈને ખબર પણ કેમ ન આપી? તું જ મારો શત્રુ છે.’ પછી નિશ્ચેષ્ટ થયેલા તે યાજ્ઞવલ્ક્યને તેણે ગંગામાં ફેંકી દીધો, ભૂમિ ઉપર ગંધોદક છાંટ્યું અને પછી જાહેર કર્યું કે, ‘યાજ્ઞવલ્ક્ય તો વિમાનમાં ગયા છે.’ આ જ પ્રમાણે તેણે સુલસાને પણ મારી નાખી. આ પ્રમાણે પિતા અને માતાનો ઘાત કરનાર પિપ્પલાદનો હું વર્દલી નામે શિષ્ય હતો. અથર્વવેદના જ્ઞાનવાળો હું બ્રાહ્મણોને ભણાવતો હતો. મરીને હું બકરો થયો. આ તરફ મિથિલામાં જનક રાજા હતો. તેનો શુનકમેધ નામે તાપસ ઉપાધ્યાય હતો. તે પુરોહિતે રાજાના શાન્તિકર્મ નિમિત્તે મારો ઘાત કર્યો. ફરી વાર હું બકરો થયો. એ શુનકમેધે, એ પ્રમાણે, પાંચ વાર મને મારીને હોમ્યો. વર્દલી વગેરે મારા પૂર્વજન્મો મને યાદ હતા. ફરી પાછો હું ટંકણ દેશમાં બકરો થયો. ત્યાં વણિકો જ્યારે મને મારતા હતા ત્યારે આ ચારુદત્તે અહિંસાપ્રધાન ધર્મનો મને ઉપદેશ કર્યો. તે વખતે મેં વિચાર કર્યો, ‘ધર્મનો શુદ્ધ ઉપદેશ આ જ હોવો જોઈએ. વેદશાસ્ત્રના ઉપદેશના ફળરૂપે તો આ છઠ્ઠું મરણ હું અનુભવું છું. જિનેશ્વરોએ ઉપદેશેલાં વચનો ઉપર આ ચારુદત્તે ભાવપૂર્વક મને રુચિવાળો કર્યો, અરિહંત-નમસ્કારમાં સ્થિર રહેલો હું કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો, એટલે વણિકોએ મને મારી નાખ્યો. પછી હું નંદીશ્વરદ્વીપમાં દેવ થયો છું અને આ ઇભ્યપુત્રની ગુરુપૂજા કરવાની ઇચ્છાવાળો હું અહીં આવ્યો છું.’ પછી વિદ્યાધરોએ તે દેવને કહ્યું, ‘દેવ! અમે પહેલાં સત્કાર કરીશું, કારણ કે ચારુસ્વામીએ અમારા પિતાને પહેલાં જીવિતદાન આપ્યું હતું અને પછી તે તમારા ધર્મોપદેશક બન્યા હતા.’ દેવ બોલ્યો, ‘હું સત્કાર કરીશ, પછી તમે સન્માન કરજો.’ વિદ્યાધરોએ કહ્યું, ‘દેવ! તમે સત્કાર કરી રહો એ પછી તમારા કરતાં વધુ કરવાની અમારી શી શક્તિ? અમે સત્કાર કરીએ ત્યાર પછી શુશ્રૂષાપૂર્વક તમે તેમનો સત્કાર કરજો. કૃપા કરો.’ આ પ્રમાણે દેવને સમજાવીને વિદ્યાધરો મને શિવમંદિર નગરમાં લઈ ગયા. ‘ચારુસ્વામી! ચંપાનગરીમાં જવાની ઇચ્છા થાય ત્યારે મારું સ્મરણ કરજો’ એમ કહીને દેવ પણ ગયો. પછી જાણે મારા પોતાના જ ઘરમાં રહેતો હોઉં તેવી રીતે સિંહયશ અને વરાહગ્રીવ વડે પિતાના જેવી જ સેવા પામતો હું રહેતો હતો.

ચારુદત્તનું ગૃહાગમન

એક વાર મેં વિદ્યાધરરાજાને કહ્યું, ‘મને મારી માતા યાદ આવે છે, માટે હું જઈશ.’ એટલે તે બન્ને જણા મને કહેવા લાગ્યા, ‘તાત! તમારી જો જવાની ઇચ્છા હોય તો તમને રોકવા એ અમારે માટે યોગ્ય નથી. જે રીતે તમને સુખ થતું હોય તેમ ભલે થાઓ. પણ એક વાત સાંભળો — અમારા પિતા અમિતગતિ જ્યારે અહીં હતા ત્યારે તેમણે વિજયસેના દેવીની કુખે જન્મેલી પોતાની પુત્રી (ગન્ધર્વદત્તા) માટે નૈમિત્તિકને પૂછ્યું હતું. નૈમિત્તિકે આદેશ કાર્યે હતો કે, ‘આ ગન્ધર્વદત્તા ઉત્તમ પુરુષની ભાર્યા થશે, અને તે પુરુષ વિદ્યાધરો સહિત દક્ષિણ ભરતને ભોગવશે. ચંપાનગરીમાં ચારુદત્તને ઘેર રહેલી આ કન્યાને તે પુરુષ સંગીતવિદ્યામાં પરાજિત કરશે. ભાનુશ્રેષ્ઠીનો પુત્ર ચારુદત્ત કોઈ કારણસર અહીં આવશે, તેને સોંપવામાં આવતાં એ કન્યા તે પુરુષને પામશે. એ પુરુષ કેવી રીતે ઓળખાશે? ચિત્રકામમાં આલેખેલા હસ્તી-મિથુનનું તે આયુષ્ય જાણશે, પછી કેશયુક્ત તંત્રીવાળી, બળેલા અને પાણીમાં બૂડેલા લાકડામાંથી બનાવેલી વીણાઓનો તે દોષ કાઢશે અને સપ્ત સ્વરની તંત્રીવાળી વીણા તે માગશે. આ રીતે તેને જાણવો.’ માટે આ કન્યાને તમે લઈ જાઓ.’ મેં પણ એ વસ્તુ સ્વીકારી. પછી મનુષ્યોને દુર્લભ એવો રત્ન અને સુવર્ણનો સમૂહ તે વિદ્યાધરોએ મને આપ્યો. પ્રસ્થાન સમયે વિજયસેના દેવીએ પરિવાર સહિત તથા દાસ અને સેવકો સહિત પુત્રી ગન્ધર્વદત્તા મને સોંપી અને કહ્યું કે, ‘દીક્ષા લેતી વખતે રાજાએ કરેલી સૂચના પ્રમાણે આ કન્યાને સોંપી છે. તમારી પાસે તે ધર્મપૂર્વક ધર્મનિક્ષેપ (પવિત્ર થાપણ) બનો.’ પછી મેં દેવનું ચિન્તન કર્યું. એટલે તે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે આવ્યો. વૈભવ સહિત અને પરિચારિકાઓ સહિત ગન્ધર્વદત્તાની સાથે તે મને અર્ધ રાત્રે ચંપાનગરીમાં લાવ્યો. તેણે મને વિપુલ ધન આપ્યું, તે નગરની બહાર ઉપવનમાં મેં દાટી દીધું. દાસદાસીઓ પટમંડપ — કનાતોમાં સૂઈ ગયાં. ‘તમારે માટે રાજાને સૂચના કરું છું. જ્યારે કામ પડે ત્યારે મારું સ્મરણ કરજો.’ એમ કહીને દેવ ગયો. વિદ્યાધર અને દેવે આપેલા ખચ્ચર, ગધેડા અને ઊંટ ત્યાં ઊભા રહેલા હતા તથા વિવિધ માલસામાન ભરેલાં ગાડાં પણ છોડેલાં હતાં. દેવની આજ્ઞા અનુસાર પરોઢિયે મશાલો સહિત તથા અલ્પ પરિજન સહિત રાજા ત્યાં આવ્યો. મને ખબર આપવામાં આવી. મેં રાજાનો અર્ઘ્યથી સત્કાર કર્યો. સૂર્યોદય થતાં મારો વૃત્તાન્ત સાંભળીને મારા મામા આવ્યા. તેમણે મને આલિંગન આપ્યું અને કહ્યું, ‘અહો! તેં કુળને ઉજ્જ્વળ કર્યું છે, તેં પુરુષાર્થ કર્યો છે.’ મેં પૂછ્યું, ‘માતાના શા સમાચાર છે?’ તેમણે કહ્યું, ‘સાંભળો — તમે પ્રવાસે ગયા ત્યારે તમને ઘરમાં નહીં જોતી વસન્તતિલકા અશોકવનિકામાં ફરી આવીને દાસીઓને પૂછવા લાગી, ‘ચારુસ્વામી ક્યાં ગયા?’ વસન્તતિલકાએ ઘણો આગ્રહ કરતાં દાસીઓએ કહ્યું, ‘આ તો ધનહીન છે એમ વિચારીને જ્યારે તેમણે માદક પીણું પીધું હતું ત્યારે માતાએ તેમને ભૂતગૃહમાં ફેંકાવી દીધા હતા.’ આ સમાચાર જાણીને વસન્તતિલકા ગૃહિણી (મિત્રવતી) પાસે ગઈ. ત્યાં પણ તમને નહીં જોતાં તેણે વેણીબંધ બાંધ્યો, રાજાને નિષ્ક્રય (રાજાની સેવામાંથી મુક્તિ મેળવવા માટેનો લાગો) આપ્યો અને ગૃહિણીની સેવા કરવા લાગી. મિત્રવતી પણ પોતાના પાતિવ્રત્યની રક્ષા કરતી રહે છે.’ પછી હર્ષ પામેલો અને વેપારીઓનો સત્કાર પામતો હું મારા ઘરમાં પ્રવેશ્યો, માતાને વંદન કર્યું, મિત્રવતીને આલિંગન આપ્યું, વસન્તતિલકાનો વેણીબંધ છોડ્યો અને રત્નો ભંડારમાં મૂક્યાં. અનુક્રમે ગન્ધર્વદત્તા પૂર્ણ યુવાવસ્થામાં આવી. પછી મેં સભામંડપ કરાવ્યો, તમારી શોધ માટે પુત્રીની સંગીતને લગતી પ્રતિજ્ઞા જાહેર કરી તથા હાથીનું યુગલ ચિતરાવ્યું, કારીગર પાસે આલેખન કરાવ્યું. હવે હું કુળધર્મને વિઘ્ન ન થાય તેવી રીતે ભોગ ભોગવતો રહું છું અને મારા મિત્રના પુત્ર વિદ્યાધરોને માસેમાસે સમાચાર મોકલું છું. મેં તે દિવસે (લગ્ન સમયે) તમને અગ્નિહોત્રને માટે પૂછ્યું હતું તથા કહ્યું હતું કે ‘આ પુત્રી કુળમાં તમારા સરખી અથવા કદાચ તમારાથી વિશેષ પણ હોય,’ તેનું રહસ્ય આ છે.

આ પ્રમાણે ચારુદત્ત શ્રેષ્ઠીની આત્મકથા સાંભળીને મેં તેમનો સત્કાર કર્યો તથા તેમને રજા આપી. ગન્ધર્વદત્તાને લાડ કરતો હું ભોગ ભોગવતો હતો. શાન્તિવાળી તથા મિત અને મધુર ભાષણ કરનારી શ્યામા અને વિજયા પણ તેને અનુમત થઈ હતી. આ પ્રમાણે ચારુદત્ત શ્રેષ્ઠીના ભવનમાં નિર્વિઘ્ને મારો કાળ જતો હતો. એમ કરતાં ઋતુઓમાં પ્રધાન વસન્ત ઋતુ આવી, શિશિર ઋતુ વીતી ગઈ, કુસુમનો સુગંધી પરાગ ઊડવા લાગ્યો, શ્રવણને સુખ આપનાર કોકિલ-કૂજન સંભળાવા લાગ્યું, જળ સુખપૂર્વક ઉપભોગ કરી શકાય તેવું બન્યું, તરુણોનો સમૂહ મદનવશ થયો અને સુરવનમાં યાત્રા જાહેર કરવામાં આવી. (પૂર્વકાળમાં) ચંપાનગરીના પૂર્વક રાજાની દેવીને સમુદ્રસ્નાન કરવાનો દોહદ થયો હતો, તે પૂરો કરવા માટે ગતિમાન જળવિસ્તારવાળું સરોવર તેને યુક્તિપૂર્વક સમુદ્ર તરીકે બતાવવામાં આવ્યું હતું. જેનો દોહદ સંપૂર્ણ થયો છે તથા પુત્રજન્મના લાભથી જેનું મુખ સંતોષપૂર્ણ બનેલું છે એવી તે રાણીના વિનોદને માટે એક વર્ષના થયેલા તે પુત્રને લઈને નગરજનો સહિતની આ યાત્રા પ્રવર્તાવવામાં આવી હતી. એ વાતને ઘણો સમય વીતી ગયો હતો. પછી ચારુદત્ત શ્રેષ્ઠીની અનુમતિ લઈને મેં ઋતુને અનુકૂળ એવા વસ્ત્રાલંકાર ધારણ કર્યા. મહામૂલ્યવાન આભરણ અને વસ્ત્ર જેણે ધારણ કર્યાં છે એવી ગન્ધર્વદત્તા પરિજનો સહિત આવી અને વંદન કરીને મારી બાજુમાં બેઠી. શ્રેષ્ઠીની સૂચનાથી અમારો રથ આવ્યો, હું ભવનની બહાર નીકળ્યો અને ગન્ધર્વદત્તાની સાથે રથમાં બેઠો. હાંકનાર વૃદ્ધે લગામો હાથમાં લીધી, હું રાજમાર્ગ ઉપર થઈને નીકળ્યો અને વાહનો તથા માણસોની ગિરદીને કારણે મુશ્કેલીએ નગરની બહાર નીકળ્યો. મારા રથની પાછળ પરિજનો આવતા હતા, અને કીર્તનો-વૃન્દગાનનાં દૃશ્ય જોતાં અમે ધીરે ધીરે ચાલતા હતા. પોતાનો વૈભવ દર્શાવતા નાગરિકો ત્યાં ઊભેલા હતા. ઉપવનોની પરંપરાનું દર્શન કરવાની ઇચ્છાવાળા લોકો અનુક્રમે મહાસર આગળ આવી પહોંચ્યા. ત્યાં ભગવાન વાસુપૂજ્યનું મંદિર હતું. ત્યાં પ્રણામ કરીને મોટા મોટા માણસો તે પ્રદેશમાં સરોવરની નજદીક કુસુમિત વૃક્ષોના વનમાં બેઠા હતા. હું પણ શ્રેષ્ઠીથી થોડેક દૂર ગન્ધર્વદત્તાની સાથે રથમાંથી ઊતર્યો અને અગાઉથી તૈયાર કરવામાં આવેલા આસન ઉપર બેઠો. વિશ્રામ લીધા પછી અમને અન્નપાન આપવામાં આવ્યું. પરિજનો સહિત અમે વિધિપૂર્વક જમવા લાગ્યા. ભોજન કર્યા પછી, વસન્ત ઋતુએ સુશોભિત બનાવેલાં આંબા, તિલક, કુરબક અને ચંપાનાં વૃક્ષો હું પ્રિયાની સાથે જોતો હતો તથા ગન્ધર્વદત્તાને તે બતાવતો હતો. એવામાં અશોક વૃક્ષની નીચે બેઠેલું, જાણે નાગનું કુટુંબ હોય તેવું, ચાંડાલ-કુટુંબ મારી નજરે પડ્યું. પુષ્પમાલાઓથી અલંકૃત, ચંદનના વિલેપનવાળા, ચૂર્ણની આડને લીધે ભૂખરા બાહુ અને કપાળવાળા, નીલ કમળ અને મોગરાનાં જેમણે કર્ણાભરણ કર્યાં હતાં એવા ચાંડાલોને મેં ત્યાં જોયા. તેમની વચમાં કાળી, સ્નિગ્ધ કાન્તિવાળી, સન્માનિત, પ્રશસ્તગંભીર, જેણે દસિયા (છેડા)ના સમૂહ વડે કરીને સુકુમાર વસ્ત્રો પહેર્યાં હતાં એવી, પીઠિકા ઉપર બેઠેલી તથા રાજ્યલક્ષ્મી વડે વિભૂષિત એવી વૃદ્ધાને મેં જોઈ. તેની સાથે પણ બહુ નજદીક નહીં એવા સ્થળે કાળી, વર્ષાના આરંભકાળે ઘેરાયેલી મેઘરાશિ જાણે હોય તેવી, આભૂષણોની પ્રભાથી રંગાયેલા શરીરવાળી હોવાને કારણે જાણે નક્ષત્રો સહિત રાત્રિ હોય તેવી દેખાતી, તથા સૌમ્ય રૂપવાળી ચાંડાલોની કન્યાઓ વડે વીંટાયેલી એવી એક ચાંડાલકન્યાને મેં જોઈ. મારા તરફ તાકી રહેલી તે કન્યા ઊભી રહી, એટલે સખીઓએ તેને કહ્યું, ‘સ્વામિનિ! નાટ્યોપહાર વડે મહાસરની સેવા કરો.’ પછી ધવલ દાંતની પ્રભા વડે જાણે જ્યોત્સ્ના પેદા કરતી હોય એવી તેણે કહ્યું, ‘તમને રુચતું હોય તો તેમ કરીએ.’ કુસુમિત અશોક વૃક્ષના આધારે રહેલી અને મંદમંદ વાતા પવનથી કંપતી જાણે લતા હોય તેમ તેણે નૃત્ય કર્યું. તેની સખીઓ પણ ત્યાં બેસીને મધુકરીઓની જેમ કર્ણમધુર ગાવા લાગી. પછી ચાંડાલ-કન્યા ધવલ નયનયુગલના સંચાર વડે દિશાઓના સમૂહને કુમુદમય કરતી, હસ્તકમલના સંચાલનથી કમલપુષ્પના સૌન્દર્યને ધારણ કરતી તથા અનુક્રમે ઊપડતા પગ વડે ઉત્તમ સારસની શોભા ધારતી નાચી. તેને જોઈને મને વિચાર થયો, ‘અહો! આ ચાંડાલ-કન્યા શાસ્ત્રને બરાબર અનુસરીને પોતાના શિક્ષાગુણો દર્શાવે છે. તે રૂપાળી અને વિચક્ષણ હોવા છતાં કેવળ તેની જાતિ દૂષિત છે. કર્મની ગતિ કુટિલ છે, જેથી કરીને તેણે આ રત્ન આ સ્થાને નાખ્યું છે.’ તેનામાં રક્ત હૃદયવાળો હું જોતો હતો. ગન્દર્વદત્તાએ મને કંઈક પૂછ્યું, પણ નાટ્યગુણ અને ગીતના શબ્દમાં મશગૂલ હોવાને કારણે મેં તે સાંભળ્યું નહીં, આથી કરીને રિસાઈને તે ‘મદવશ થઈને ચાંડાલિનીને જોતા મને ઉત્તર પણ આપતા નથી’ એમ બોલતી પડાવ ઉપર ચાલી ગઈ. હું પણ લજ્જા પામીને, ચાંડાલ કન્યાઓ ઉપરથી જેમ તેમ કરી મારી દૃષ્ટિ ખેંચી લઈને પડાવ ઉપર ગયો. મને જોતી તે કન્યા પણ સખીઓ સહિત પોતાને સ્થાને ગઈ. ચાંડાલવૃદ્ધા પ્રણામ કરી ઊભી રહી. પછી સૂર્ય પશ્ચિમ દિશાએ ગયો — અસ્ત પામ્યો, એટલે પરિજનોએ ગન્ધર્વદત્તાને રથમાં બેસાડી અને રથ દક્ષિણ તરફ ચાલ્યો. હું પણ અનુક્રમે શ્રેષ્ઠીની સાથે નગરમાંં ગયો. ત્યાં પણ પરિજનો સામે આવ્યા હતા તેમણે ગન્ધર્વદત્તાને રથમાંથી ઉતારી, પછી ગન્ધર્વદત્તા વાસગૃહમાં ગઈ અને શય્યામાં બેઠી. મને ગન્ધર્વદત્તા કહેવા લાગી, ‘તમે ચાંડાલી જોઈ? અને તે વૃદ્ધાને પણ જોઈ? હંસ શું કમલવનમાં આનંદ ન પામે?’ પણ મેં તેને સોગન ખાઈને પ્રસન્ન કરી કે, ‘સુન્દરિ! મેં વિશેષ તો નાટ્ય જોયું હતું અને ગીત સાંભળ્યું હતું. ચાંડાલીને મેં જોઈ નથી.’ આ પ્રમાણે મારી રાત્રિ વીતી ગઈ.

નારદ, પર્વતક અને વસુનો વૃત્તાન્ત

આ બાજુ, ચેદિ વિષયમાં શુક્તિમતી નગરીમાં ક્ષીરકદંબ નામે ઉપાધ્યાય હતો. તેનો પર્વતક નામે પુત્ર હતો. ત્યાં નારદ નામે બ્રાહ્મણ હતો અને વસુ નામે રાજપુત્ર હતો. તે બધા શિષ્યો એકત્ર થઈને (ઉપાધ્યાયને ત્યાં) આર્યવેદનું પઠન કરતા હતા. કાળે કરીને તે પ્રદેશમાં સુખી અને અનુકૂળગતિથી વિચરતા બે સાધુઓ ક્ષીરકદંબ ઉપાધ્યાયને ઘેર ભિક્ષાને માટે આવ્યા. તેમાંના એક અતિશયજ્ઞાની હતા. તેમણે બીજા સાધુને કહ્યું, ‘આ જે ત્રણ જણા છે, તેમાંથી એક રાજા થશે, એક નરકગામી થશે, એક દેવલોકમાં જશે.’ પ્રચ્છન્ન સ્થળે ઊભેલા ક્ષીરકદંબ ઉપાધ્યાયે આ સાંભળ્યું. તેને વિચાર થયો, ‘વસુ તો રાજા થશે, પરંતુ પર્વત અને નારદ એ બે જણામાંથી નરકમાં કોણ જશે?’ પછી તે બે જણની પરીક્ષા કરવા માટે તેણે એક કૃત્રિમ બકરો કરાવ્યો, તથા તેની અંદર લાખનો રસ ભર્યો. પછી નારદને તેણે કહ્યું, ‘પુત્ર! આ બકરાને મેં મંત્રથી થંભાવી દીધો છે, આજે કૃષ્ણપક્ષની આઠમના દિવસે સંધ્યાકાળે તું જજે, અને જ્યાં કોઈ ન જુએ એવા સ્થળે તેનો વધ કરીને જલદી પાછો આવજે.’ પછી નારદ બકરાને લઈને ‘જ્યાં કોઈનો સંચાર નહીં હોય એવી શેરીમાં અંધારામાં છાની રીતે શસ્ત્રથી તેનો વધ કરીશ’ એમ વિચારીને નીકળ્યો, પરંતુ ‘અહીં તો ઉપરથી તારાગણો પણ જુએ છે’ એમ થતાં તે ગહન વનમાં ગયો. ત્યાં તેણે વિચાર્યું, ‘અહીં સચેતન વનસ્પતિઓ જુએ છે.’ પછી તે દેવકુલમાં આવ્યો, પણ ત્યાં તો દેવ જોતા હતા. ત્યાંથી નીકળીને તે વિચાર કરવા લાગ્યો, ‘જ્યાં કોઈ ન જુએ ત્યાં બકરાનો વધ કરવાનો છે; પણ આને તો હું પોતે જ જોઉં છું, માટે ખરેખર આ અવધ્ય છે.’ એમ નિશ્ચય કરીને તે પાછો વળ્યો અને પોતાનું બધું ચિંતન ઉપાધ્યાયને કહ્યું. તેણે કહ્યું, ‘શાબાશ! પુત્ર નારદ! તેં સાચો વિચાર કર્યો. તું જા, આ રહસ્ય કોઈને કહીશ નહીં.’ પછી બીજી રાત્રે ઉપાધ્યાયે પર્વતકને એ જ પ્રમાણે આજ્ઞા આપી. તેણે શેરીનું નાકું નિર્જન હોવાનું જાણીને બકરાનો ત્યાં જ શસ્ત્રથી વધ કર્યો, તથા અંદરનો લાખનો રસ છંટાવાને લીધે તેને રુધિર માનીને તેણે સચૈલ સ્નાન કર્યું અને ઘેર આવીને પિતાને કહેવા લાગ્યો. પિતાએ કહ્યું, ‘પાપી! જ્યોતિષ્ક દેવો, વનસ્પતિઓ અને પ્રચ્છન્નચારી ગુહ્યકો મનુષ્યનું આચરણ જુએ છે; તું પોતે જ જોતો હતો, છતાં ‘હું જોતો નથી’ એમ માનીને બકરાનો તેં વધ કર્યો, માટે તું નરકમાં જવાનો છું. ચાલ્યો જા.’ વિદ્યાગ્રહણ કરીને તથા ક્ષીરકદંબનો સત્કાર કરીને નારદ સ્વસ્થાને ગયો. દક્ષિણા આપવાની ઇચ્છાવાળા વસુને ઉપાધ્યાયે કહ્યું, ‘વસુ! તું જ્યારે રાજા થાય ત્યારે માતા સહિત પર્વતક પ્રત્યે સ્નેહભાવવાળો થજે. એ જ મારી દક્ષિણા છે. હું તો હવે ઘરડો થયો છું.’ પછી વસુ ચેદિદેશની (શુક્તિમતી) નગરીમાં રાજા થયો. એક વ્યાધે એક વાર અટવીમાં મૃગનો વધ કરવાની ઇચ્છાથી બાણ છોડ્યું, પરન્તુ તેની અને મૃગની વચ્ચે આકાશસ્ફટિક પથ્થર(નજરે દેખાય નહીં, પણ માત્ર સ્પર્શથી જ જાણી શકાય એવો ચમત્કારિક પથ્થર) આવેલો હોવાને કારણે મૃગ વીંધાયો નહીં અને બાણ પાછું વળ્યું. આથી શંકા પડતાં વ્યાધ પોતે બાણ છોડ્યું હતું તે માર્ગે ગયો, તો પથ્થર હોવાનું જાણ્યું. ‘આ વસ્તુ રાજાને યોગ્ય છે’ એમ વિચારીને ત્યાં તેણે ઝાડ કાપીને નિશાની કરી અને વસુરાજાના મંત્રીને ખબર આપી. તેણે વ્યાધનો સત્કાર કર્યો અને સ્ફટિકપથ્થર મંગાવ્યો. તેના ઉપર રાજાનું સિંહાસન સ્થાપિત કર્યું. આ ગુપ્ત વાત ફૂટી ન જાય તે ભયથી, જેઓ પથ્થરો લાવ્યા હતા તેમને સ્ત્રી સહિત મંત્રીએ મરાવી નાખ્યા. સિંહાસન ઉપર બેઠેલો રાજા (નીચેનો આકાશસ્ફટિક નજરે નહીં પડવાને કારણે) જાણે આકાશમાં રહેલો હોય તેવો લોકોને જણાવા લાગ્યો. આથી ‘વસુ રાજા જમીનથી અધ્ધર રહે છે’ એવી તેની ખ્યાતિ થઈ. ક્ષીરકદંબ ઉપાધ્યાય કાલધર્મ પામ્યા. પર્વતક ઉપાધ્યાયપણું કરવા લાગ્યો. કોઈ એક વાર પર્વતકના શિષ્યો નારદની પાસે ગયા. તેમને નારદે વેદના પદોનો અર્થ પૂછતાં તેઓ અર્થ વર્ણવવા લાગ્યા, જેમ કે ‘અજ વડે યજ્ઞ કરવો.’ હવે, ‘અજ’ શબ્દ ‘બકરો’ તથા ‘ત્રણ વર્ષ જૂનાં ડાંગર અને જવનાં બીજ’ એમ બે અર્થમાં પ્રયોજાય છે, પરન્તુ પર્વતકના શિષ્યો તેનો ‘બકરો’ એવો જ અર્થ કરતા હતા. ત્યારે નારદે વિચાર કર્યો, ‘હું પર્વતકની પાસે જાઉં. એ મિથ્યાભાષીને આ માટે પૂછવું જોઈએ તેમ જ ઉપાધ્યાયના મરણથી દુઃખી થયેલા તેને મળવું જોઈએ.’ એ પ્રમાણે વિચાર કરીને તે ઉપાધ્યાયને ઘેર ગયો. ઉપાધ્યાય-પત્નીને વંદન કર્યું અને પર્વતકને કહ્યું, ‘તું શોક ન કરીશ.’ ‘હું રાજાથી સત્કાર પામેલો છું’ એ પ્રમાણે ગર્વિત થયેલો પર્વતક એક વાર મહાજનોની મધ્યમાં એમ નિરૂપણ કરતો હતો કે, ‘અજ એટલે બકરો; તે વડે યજન કરવું જોઈએ.’ નારદે તેને રોક્યો કે, ‘એમ ન બોલ; ‘(અજ’ શબ્દમાં) વ્યંજનનો અભિલાપ એકસરખો છે, પણ દયાધર્મની અનુમતિથી એમાં અર્થ ધાન્યનો લેવાનો છે.’ પણ પર્વતકે એ વાત સ્વીકારી નહીં. તે બે જણાની વચ્ચે મત્સરયુક્ત વિવાદ થતાં પર્વતકે કહ્યું, ‘જો હું વિતથવાદી — મિથ્યાભાષી હોઉં તો વિદ્વાનોની સમક્ષ મારી જીભ કાપવામાં આવે, નહીં તો તારી કાપવામાં આવે.’ નારદે કહ્યું, ‘એમાં પ્રતિજ્ઞા કરવાની શી જરૂર છે? તું અધર્મ ન કર. ઉપાધ્યાયના ઉપદેશને હું વર્ણવું છું.’ પર્વતક બોલ્યો, ‘તો હું શું સ્વચ્છંદથી કહું છું? હું પણ ઉપાધ્યાયનો પુત્ર છું. પિતાએ મને એમ જ કહેલું છે.’ પછી નારદે કહ્યું, ‘આપણા આચાર્યનો ત્રીજો શિષ્ય, જમીનથી અધ્ધર બેસતો, ક્ષત્રિય હરિવંશમાં જન્મેલો વસુરાજા છે. તેને આપણે પૂછીએ. તે જે કહેશે તે પ્રમાણ ગણાશે.’ પર્વતકે કહ્યું, ‘એમ થાઓ.’ પછી પર્વતકે આ વિવાદની વાત પોતાની માતાને કહી. માતાએ કહ્યું, ‘પુત્ર! તેં ખોટું કર્યું. ગ્રહણ અને ધારણામાં સમર્થ નારદ હંમેશાં તારા પિતાનો માનીતો હતો.’ પણ પર્વતક બોલ્યો, ‘તું એમ ન બોલ. જેણે સૂત્ર અને અર્થનું ગ્રહણ કર્યું છે એવો હું વસુના વચનથી નારદને પરાજિત કરીને તથા તેની જીભ કપાવીને દેશપાર કરીશ; તે તું જોજે.’ પણ પુત્રની પતીજ નહીં કરતી તે માતા વસુ પાસે ગઈ. તેણે સંદેહની બાબત વસુને પૂછી કે, ‘ઉપાધ્યાયના મુખેથી તમે શું સાંભળ્યું હતું?’ વસુએ કહ્યું, ‘નારદ કહે છે તે પ્રમાણે જ છે. હું પણ એ જ પ્રમાણે કહું છું.’ એટલે તે બોલી, ‘જો એમ છે તો તમે જ મારા પુત્રનો વિનાશ કરનાર છો, માટે તમારી આગળ જ પ્રાણત્યાગ કરું છું.’ એમ કહીને તેણે પોતાની જીભ ખેંચવા માંડી. એટલે રાજાની પાસે રહેનારાઓએ વસુ રાજાને કહ્યું, ‘દેવ! ઉપાધ્યાય, પત્નીનું વચન પ્રમાણ કરવું જોઈએ. એમ કરવામાં જે પાપ થશે તે આપણે સરખું વહેંચી લઈશું.’ એ પ્રમાણે ઉપાધ્યાય-પત્નીના મરણ-ભયનું નિવારણ કરવા માટે રાજાની પાસે રહેલા પર્વતકના પક્ષના બ્રાહ્મણોએ વસુરાજા પાસે એ વસ્તુ ગ્રહણ કરાવી. વસુરાજાએ આનાકાનીપૂર્વક સ્વીકાર્યું કે, ‘હું પર્વતકના પક્ષનું બોલીશ.’ પછી જેણે પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે એવી બ્રાહ્મણી ઘેર આવી. બીજે દિવસે બે પ્રકારના લોકો એકત્ર થયા — કેટલાક નારદની પ્રશંસા કરવા લાગ્યા, અને કેટલાક પર્વતકની. વસુને પૂછવામાં આવ્યું, ‘કહે, સત્ય શું છે?’ તેણે કહ્યું, ‘અજ એટલે બકરો; તેનાથી યજન કરવું જોઈએ.’ તે વખતે સત્યના પક્ષમાં રહેલી દેવતાએ તેના સિંહાસન ઉપર પ્રહાર કર્યો અને તે ભૂમિ ઉપર સ્થાપિત કરી દીધું. ઉપરિચરભૂમિથી અધ્ધર રહેનાર — વસુ ભૂમિચર થયો. પોતાને આવું બોલવા માટે ઉત્તેજન આપનાર બ્રાહ્મણોની સામે તેણે જોયું. તેઓએ કહ્યું, ‘તે જ વાદને વળગી રહેવું જોઈએ.’ એટલે મૂઢતાથી વસુ રાજા કહેવા લાગ્યો, ‘જે અર્થ પર્વતક કહે છે તે બરાબર છે.’ નારદે કહ્યું, ‘રાજા! પર્વતકનો પક્ષ તેં કર્યો; હજી પણ સત્યનું અવલંબન કર, કારણ કે હજી તું ભૂમિતલ ઉપર છે.’ છતાં ‘તારો ઉદ્ધાર અમે કરીશું’ એમ બોલતા બ્રાહ્મણોની પ્રેરણાથી વસુ બોલતો હતો ત્યાં જ રસાતલમાં પહોંચી ગયો. ‘આ પર્વતે રાજાનો વિનાશ કર્યો’ એ રીતે લોકોએ પર્વતકને ધિક્કાર્યો. પછી નારદ ચાલ્યો ગયો. આ પછી વસુ રાજાના આઠ પુત્રોનો અનુક્રમે રાજ્યાભિષેક કરવામાં આવ્યો, પણ તે સર્વેનો દેવતાએ વિનાશ કર્યો. તે સમયે ‘હવે મને સહાયક પ્રાપ્ત થયો છે’ એમ વિચારતો મહાકાલ દેવ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પર્વતકની પાસે આવ્યો. રડતા એવા તેને પર્વતકે પૂછ્યું, ‘કેમ રડે છે?’ એટલે તે બોલ્યો, ‘સાંભળ, પુત્ર! વિષ્ણુ, ઉદક, પર્વતમ ક્ષીરકદંબ અને શાંડિલ્ય એ પ્રમાણે ગૌતમના પાંચ શિષ્યો હતા. તેમાંનો શાંડિલ્ય હું છું. ક્ષીરકદંબની સાથે મને અત્યંત પ્રીતિ હતી. તેને મરણ પામેલો સાંભળીને હું તારી પાસે આવ્યો છું. તેણે જે વિદ્યા શીખેલી હતી તે બધી હું તને શીખવીશ.’ પર્વતકે ‘ભલે’ કહીને એ વાત સ્વીકારી. પછી દેવે શુક્તિમતી નગરીમાં મહામારી ફેલાવી, અને પશુવધના મંત્રો રચીને પર્વતકને કહેવા લાગ્યો, ‘પર્વતક! પુત્ર! લોકોને શાન્ત કર, આ મંત્રો ભણ.’ (પર્વતકે પશુવધ સહિત યજ્ઞો કર્યા.) મહાકાલના સાઠ હજાર આભિયોગ્ય દેવતાઓ પર્વતકને ખાતરી કરાવવા તે વખતે કહેવા લાગ્યા, ‘અમે યજ્ઞનાં પશુઓ મરીને દેવતા થયેલ છીએ.’ વિમાનમાં બેઠેલા તે દેવોએ પોતાની જાતને બતાવી. લોકો વિસ્મય પામ્યા કે, ‘અહો! આશ્ચર્ય છે!’ ઘેર ઘેર મહામારીનું પણ શમન થઈ ગયું. સદેહે વસુ પણ લોકોને બતાવવામાં આવ્યો. શાંડિલ્ય દેવ અને પર્વતકના મંત્રપ્રભાવની લોકો ઉપર છાપ પડી ગઈ. પછી મહાકાલ દેવે સગરના દેશમાં મહામારી ઉત્પન્ન કરી. સગરે સાંભળ્યું કે, ‘ચેદિ વિષયમાં શાન્તિકર્મ કરનારા બ્રાહ્મણો છે.’ પર્વતક અને શાંડિલ્યને અભ્યર્થના કરવામાં આવતાં તેઓ ત્યાં (સગરના દેશમાં) ગયા. ત્યાં પશુઓનાં બલિદાનથી શાન્તિકર્મ કર્યું. આભિયોગ્ય દેવોએ પોતાની જાત બતાવીને કહ્યું, ‘અમે પશુઓ હતા, પણ પર્વતક સ્વામીએ મંત્રોથી અમારો વધ કરતાં દેવો થયા છીએ.’ આ પ્રત્યક્ષ દેવતા-સાન્નિધ્ય જોઈને સગર કહેવા લાગ્યો, ‘સ્વામી! મારા ઉપર કૃપા કરો. જેથી હું સુગતિગામી થાઉં.’ શાંડિલ્યે કહ્યું, ‘રાજ્ય જીતતાં તને ઘણું પાપ થયું છે, માટે મનુષ્યો વિધિ વડે સ્વર્ગગામી કેવી રીતે થાય છે તે તું સાંભળ.’ પછી તેણે અશ્વમેધ, રાજસૂય વગેરે યજ્ઞવિધાનોની રચના કરી અને તેમનું સ્વર્ગગમનરૂપ ફળ થાય છે તેમ સંભળાવ્યું. સગરને, બીજા રાજાઓને તથા વિશ્વભૂમિ પુરોહિતને પણ તે ઉપર શ્રદ્ધા થઈ. સગરને તથા તેની પત્ની સુલસાને અશ્વમેધ યજ્ઞની દીક્ષા આપવામાં આવી. વિશ્વભૂતિ ઉપાધ્યાય પાસે ઘણાં પ્રાણીઓનો વધ કરાવવામાં આવ્યો. અશ્વમેધને અંતે સુલસાને કહેવામાં આવ્યું, ‘યોનિ વડે અશ્વનો સ્પર્શ કર, એટલે તારાં પાપ દૂર થઈ જશે અને તું સ્વર્ગમાં જઈશ.’ એ સમયે મહાકાલ દેવે તેને પ્રયત્નપૂર્વક પકડી રાખી અને સ્વયંવરમાં તેણે કરેલા મધુપિંગલના ત્યાગનું તેને સ્મરણ કરાવ્યું. તીવ્ર વેદના થતાં મૃદુ પ્રકૃતિને કારણે મરણ પામીને સુલસા ધરણની અગ્રમહિષી થઈ. પછી સગરને રાજસૂય યજ્ઞની દીક્ષા આપવામાં આવી. તે વખતે ગંગા-યમુનાના સંગમ આગળ રાજપુત્ર દિવાકર દેવ, નારદના કહેવાથી, યજ્ઞની સામગ્રી લઈને ગંગામાં ફેંકી દેવા લાગ્યો. શાંડિલ્યને સગરે પૂછ્યું, ‘યજ્ઞની સામગ્રી કોણ હરી જાય છે?’ શાંડિલ્યે કહ્યું, ‘દેવને પ્રસન્ન કરવા માટેની સામગ્રી અસહિષ્ણુ રાક્ષસો હરી જાય છે, માટે અહીં શ્રીઋષભસ્વામીની પ્રતિમા સ્થાપિત કરો.’ યજ્ઞના રક્ષણ નિમિત્તે ત્યાં પ્રતિમા સ્થાપવામાં આવી. એટલે દિવાકરદેવે નારદને કહ્યું, ‘આર્ય! હવે આ પાપાચારીઓને હું વિઘ્ન કરી શકું તેમ નથી. વિદ્યાધરો જિનપ્રતિમાનો અપરાધ કરે તો તેમની વિદ્યાનો પ્રતિઘાત થાય છે. માટે હવે આપણે તટસ્થ રહીએ. આપણે આ દુષ્કૃત્યમાં શા સારુ સંબદ્ધ થઈએ?’ એમ કહીને તે નારદની સાથે ઊભો રહ્યો. પછી શાંડિલ્યે સગરને કહ્યું, ‘હવે તમે ઈંટો બનાવો. વિવિધ જંગમ પ્રાણીઓને કાદવથી ભરેલી વાવોમાં નાખો. તેમનાં હાડકાં કોહી જાય ત્યારે બહાર કાઢો. જ્યારે એ હાડકાંઓ કૃમિપુંજ જેવાં બની જાય ત્યારે તે માટીથી ગાડાંનાં ચક્ર જેટલી મોટી ઈંટો બનાવો. એ ઈંટો જ્યારે પકવવામાં આવશે ત્યારે એક આંગળ ઓછી થશે.’ આ પ્રમાણે સગરને શીખવ્યું. ત્યાર પછી નિભાડો રચતાં થરેથરમાં ઘી, મધ, અને ચરબી નાખવામાં આવ્યાં. તેની ચીકાશ અને વાસથી સર્પો, કૃમિઓ અને કીડી જેવાં જંતુઓ ત્યાં આવ્યાં. પછી આંગળીના ટેરવા ઉપર ઊભેલા માણસ જેટલી ઊંચાઈવાળી વેદિકા તે ઈંટો વડે બનાવવામાં આવી. ઓગણપચાસ દિવસ સુધી પ્રયાગ અને પ્રતિષ્ઠાનના મધ્યમાં બકરાઓ, પાડાઓ અને પુરુષોનો વધ કરવામાં આવ્યો. આમાં દરરોજ પાંચ પાંચ પ્રાણીનો ઉમેરો કરવામાં આવતો. બીજો આદેશ એવો છે કે, ચાર સંધ્યાએ પાંચ પાંચ પ્રાણીઓ વધારવામાં આવતાં. દક્ષિણાના લોભથી ઘણા દ્વિજો એકત્ર થયેલા હતા, તેઓ પર્વતક અને શાંડિલ્યની પ્રશંસા કરવા લાગ્યા. નારદે સગરને કહ્યું, ‘પર્વતકે વસુ રાજાનો સર્વનાશ કર્યો છે, માટે તેનો ઉપદેશ સાંભળીને પાપકર્મ કરીશ નહીં.’ સગર બોલ્યો, ‘શાંડિલ્યસ્વામી અને પર્વતક મારું અત્યંત હિત કરનારા છે. તેઓ જે ઉપદેશ કરે તે મારે માટે પ્રમાણભૂત છે. તારું વચન હું નહીં કરું. તારે જે વસ્તુની જરૂર હોય તે લઈને જા, ચાલ્યો જા.’ આ પ્રમાણે જેની સાથેનો સ્નેહભાવ તોડી નાખવામાં આવ્યો છે એવો તે નારદ મનમાં દયા આણીને રાજપુત્ર દિવાકર દેવની સાથે ચાલ્યો ગયો. સગરને તથા બીજા રાજાઓને (પશુવધમાં) દૃઢ કરવા માટે મહાકાલ દેવે વસુને વિમાનમાં રહેલો બતાવ્યો. ‘આમ કરવાનો વિધિ છે’ એમ કહીને વિશ્વભૂતિ પુરોહિતને તો તેણે મારી નાખ્યો. સગરે નરકનું ભાથું બાંધ્યું છે એમ જાણીને તથા ‘મારા શરીરને હવે સ્વર્ગમાં લઈ જાઉં’ એમ ભાવીને તથા પોતાના વૈરનું કારણ સંભારીને મહાકાલ દેવે અંકસુખી, સેનમુખી, મહાચુલ્લી અને કિરાતરૂપિણી વિદ્યાઓ (સગર ઉપર) નાખી. ત્યાં સોમવલ્લી હતી, તે છેદીને સોમપાન કર્યું આથી ત્યાં ફરતા ઘણા માણસો એ તીર્થને દિતિપ્રયાગ કહેવા લાગ્યા. પણ તેનો ખરો અર્થ નહીં જાણનારાઓએ એ સ્થાનને ‘પ્રયાગ’ તરીકે પ્રકાશિત કયું.

મિત્રશ્રી અને ધનશ્રીનું પાણિગ્રહણ

પછી શુભ દિવસે લગ્નવેળાએ શિરીષપુષ્પ સમાન સુકુમાર શરીરવાળી, સરસ કમળ સમાન નયનો વડે મોહક મુખવાળી, મુખકમલના ભૂષણરૂપ કાળી કીકીઓ વડે અલંકૃત નયનયુગવાળી મિત્રશ્રીને મારી પાસે લાવવામાં આવી. વિધિપૂર્વક પાણિગ્રહણ થયા પછી સાર્થવાહે અમને સોળ કોટિ ધન આપ્યું. પછી તે મધુરતરભાષિણી મિત્રશ્રીની સાથે હું રમણ કરવા લાગ્યો. તે સાર્થવાહના ઘરની પાસે સોમ નામે બ્રાહ્મણની પત્ની સુનંદા નામે બ્રાહ્મણી રહેતી હતી. તેને પાંચ પુત્રોની પછી જન્મેલી ધનશ્રી નામે પુત્રી હતી. સુનંદાનો એક પુત્ર મેધાવી હોવા છતાં તોતડો હતો. આથી મિત્રશ્રી મને કહેવા લાગી, ‘આર્યપુત્ર! સોમનો પુત્ર આ છોકરો વેદ ભણવાને અશક્ત છે. આથી બ્રાહ્મણો દુઃખી થાય છે. તે અધ્યયન કરવાને યોગ્ય થાય એવી તેની ચિકિત્સા તમે કરી શકશો?’ મેં કહ્યું, ‘તારા પ્રિય નિમિત્તે તેને ગ્રહણ કરીશ — તેનો ઉપચાર કરીશ.’ પછી મેં કાતરથી શીઘ્રતાપૂર્વક તે છોકરાનો કૃષ્ણ જિહ્વાતંતુ કાપી નાખ્યો; અને તેના ઉપર રૂઝ કરનાર ઔષધો ચોપડ્યાં. એટલે તે વિશદ વાણીવાળો થયો. સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો મધુમાસની વનશ્રી જેવી સ્વરૂપવાન ધનશ્રીને મારી પાસે લાવ્યા અને કહેવા લાગ્યા, ‘દેવ! પુત્રની ચિકિત્સા કરીને તમે અમને જિવાડ્યા છે.’ પછી તે બાળકને મેં વેદ ભણાવ્યો. થોડા સમયમાં તેણે ઘણું શીખી લીધું. પછી મિત્રશ્રી અને ધનશ્રી એ બંનેની સાથે ક્રીડા કરતો હું કેટલોક સમય ત્યાં રહ્યો. બીજા રોગીઓની ચિકિત્સા કરતા કરતા એક યુવતીની કથા સાંભળી. ચિત્રવેગાની આત્મકથા વૈતાઢ્ય પર્વતમાં વિવિધ ધાતુ વડે મંડિત અને સ્વાદિષ્ટ ફળવાળાં વૃક્ષોથી યુક્ત કાંચનગુહા નામે ગુહા છે. ગયા ભવમાં અમે ત્યાં જ તેંદુક અને હસ્તિનિકા નામે વનચરમિથુન હતાં. ત્યાં કંદ, મૂળ અને ફળનો આહાર કરતાં અમે સુખપૂર્વક રહેતાં હતાં. કાઉસગ્ગ ધ્યાનમાં રહેલા આ મુનિવરોને ત્યાં અમે જોયા. ‘આ ઋષિઓ મહાનુભાવ છે’ એમ વિચારી પરમભક્તિથી અમે તેમને વંદન કર્યું અને અમૃત જેવા રસવાળાં ફળો તેમને ખાવા માટે ધર્યાં, પણ મૌનવ્રત ધારણ કરનારા અને નિશ્ચલ રહેલા તેઓએ ઉત્તર ન આપ્યો તેમ જ ફળો પણ લીધાં નહીં. પછી અમે અમારા આવાસમાં ગયાં. પોતાનો નિયમ સમાપ્ત થતાં તે મુનિઓ પણ આકાશમાર્ગે ક્યાંક ગયા. (તેઓ આકાશમાર્ગે જતા હતા ત્યારે) તેમને ફરી વાર વંદન કરતાં અમે વિસ્મય પામ્યાં, અને તેમને જ મનમાં ધારણ કરતાં અને તેમના ગુણોનું ચિન્તન કરતાં વીજળી પડવાથી અમારું મૃત્યુ થયું. ઉત્તર શ્રેણિમાં ચમરચંચા નામે નગરી છે, ત્યાં પવનવેગ નામે રાજા હતો, તેની પુષ્કલાવતી દેવી હતી, તેની પુત્રી હું ચિત્રવેગા નામે થઈ. ‘આ ઉત્તમ પુરુષની સ્ત્રી થશે’ એમ જાણીને મારી જાંઘ ચીરીને તેમાં ઔષધિ મૂકવામાં આવી અને તેના પ્રભાવથી કુમાર તરીકે ઓળખાતી હું મોટી થવા લાગી. હું યૌવનમાં આવી ત્યારે ધાવમાતાએ આ હકીકત મને કહી. એક વાર મંદરના શિખર ઉપર જિનેશ્વરનો મહિમા ચાલતો હતો ત્યારે દક્ષિણ શ્રેણિના રત્નસંચયપુરના અધિપતિ ગરુડકેતુના પુત્ર અને લોકસુન્દરીના આત્મજ ગરુડવેગે મને જોઈ. તેને પણ મને જોઈને તીવ્ર સ્નેહાનુરાગ થયો. ‘આ તો કુમારી છે’ એમ તેણે મને જાણી. મને વરવા ગરુડવેગ વારંવાર સંદેશાઓ મોકલવા લાગ્યો. જ્યાં સુધી મારું તેને વાગ્દાન થયું નહીં ત્યાં સુધી મારી જાંઘમાંથી ઔષધિ કાઢવામાં ન આવી. ઔષધિ કાઢીને પછી સંરોહણી ઔષધિ વડે રૂઝવવામાં આવતાં હું સ્વાભાવિક સ્ત્રી થઈ. પછી મોટી ઋદ્ધિપૂર્વક લગ્ન થતાં હું તેની સાથે નિરુદ્ધિગ્નપણે ભોગો ભોગવવા લાગી. એક વાર સિદ્ધાયતન કૂટ ઉપર મહોત્સવ થતો હતો ત્યારે અણગારોને ત્યાં આવેલા જોઈને મારા સહિત ગરુડવેગ તેમને વંદન કરીને પૂછવા લાગ્યો, ‘ભગવન્! મને એમ લાગે છે કે આપને પહેલાં અમે ક્યાંક જોયા છે.’ તેઓએ કહ્યું, ‘શ્રાવક! સાચી વાત છે. પૂર્વભવમાં તમે કાંચનગુહામાં તેંદુક અને હસ્તિની નામે વનચર-મિથુન હતાં.’ નિશાની સહિત તેમણે હકીકત કહેતાં જાતિસ્મરણ થવાથી ‘આપને વંદન કરવાના ગુણથી અમને વિદ્યાધરપણું મળ્યું છે’ એમ બોલતાં અમે પરમ વિનયપૂર્વક તેમના પગે પડ્યાં. તેમની સમીપમાં વ્રતો અને શિક્ષાવ્રતો ગ્રહણ કરીને અમે અમારા નગરમાં ગયાં. એક વાર સસરા ગરુડકેતુ રાજાએ નિર્વેદ પામીને ગરુડવેગને રાજ્ય આપીને તથા નાના પુત્ર ગુડવિક્રમને યુવરાજપદે સ્થાપીને દીક્ષા લીધી. પછી અમે રાજ્યલક્ષ્મી ભોગવવા લાગ્યાં. આજે આ મુનિઓને થયેલા કેવળજ્ઞાનના મહિમા નિમિત્તે નજીકમાં રહેલા દેવતાઓ એકત્ર થયા હતા. દેવોદ્યોતથી વિસ્મિત થયેલાં અમે પણ આવ્યાં, અને દેવો વડે પૂજાયેલા ગુરુઓને વંદન કર્યાં. ગુરુઓએ દેવો અને વિદ્યાધરોને ધર્મ કહ્યો. પર્ષદા પાછી ગઈ. જેમને સંવેગ પેદા થયો છે એવા અમે પુત્રને રાજ્યલક્ષ્મી સોંપીને દીક્ષા લેવા માટે આવ્યાં. આ કારણથી, અમારે માટે પૂર્વભવમાં પણ વંદનીય હતા તેથી આ ઋષિઓ અમારા પરમગુરુઓ છે. આવું કહેતી તે વિદ્યાધરીએ તે (જાંઘમાં રાખી હતી તે) ઔષધિ (માર્ગમાં) જોઈ અને તેણે તે આર્યાને બતાવી. ‘આ મહાપ્રભાવવાળી ઔષધિ છે’ એમ માનીને કુતૂહલથી મેં તે લીધી. તેણે બીજે સ્થળે સંરોહણી ઔષધિ બતાવી; તે પણ મેં લીધી. પછી અમે આ નગરમાં આવ્યા. એક વાર એમ બન્યું કે આ નગરમાં ત્રણ ઇભ્યપુત્ર ભાઈઓ રહેતા હતા. તેમાંનો એક વહાણમાં બેસીને વેપાર અર્થે ગયો હતો, અને બીજા બે ભાઈઓ દુકાનનો વેપાર ચલાવતા હતા. સમુદ્રમાં વહાણનો નાશ થયેલો જાણીને તે બે ભાઈઓએ મોટી ભોજાઈને કહ્યું, ‘કુટુંબનું દ્રવ્ય બતાવો.’ તે બતાવવા ઇચ્છતી નહોતી, તેથી મૂંગી રહી. એટલે તેઓએ રાજદરબારમાં જઈને પુંડ્ર રાજાને વિનંતી કરી, ‘દેવ! જ્યારે અમારાં માતાપિતા મરણ પામ્યાં ત્યારે ‘મોટાભાઈ અમારે માટે માનનીય છે’ એમ ગણીને અમે ધનની ચિન્તા કરતા નહોતા. પણ તે તો વહાણમાં બેસીને ગયા છે, અને તેમના શા સમાચાર છે તે કંઈ જાણવામાં આવતું નથી. તેમની પત્ની કુટુંબનું ધન બતાવતી નથી, માટે તે અપાવો; કૃપા કરો.’ રાજાએ આ કામમાં તારક શ્રેષ્ઠીની નિમણૂંક કરી, ‘જેવી આજ્ઞા’ એમ કહીને, નગરના ચાર-ગુપ્તચર તરીકે નીમેલા પુરુષોને ‘આ પ્રમાણે કરો’ એવી સૂચના આપીને તેણે ઇભ્યના ઘેર મોકલ્યા. તેઓએ (ધન બતાવવા માટે મોટા ભાઈની) ગૃહિણીને વચન કહ્યું. તે સગર્ભા હોવાથી કહેવા લાગી, ‘મને પ્રસૂતિ થયા પછી મારા પતિનું ધન બતાવીશ. જો પુત્રી જન્મશે તો ધનને અનુરૂપ પહેરામણી રાખીને બાકીનું મારા દિયરોને આપીશ.’ પછી વણિકોની સમક્ષ તારકને પૂછવામાં આવ્યું, ‘કાર્યનું શું પરિણામ આવ્યું?’ તેણે કહ્યું, ‘સ્વામી! ગર્ભમાં રહેલો પુત્ર પણ પોતાના પિતાના ધનનું સંરક્ષણ કરે છે.’ રાજા બોલ્યો, ‘આ પ્રમાણે પુત્રો મહાપ્રભાવવાળા હોય છે; હું અપુત્ર છું, તેથી નથી જાણતો કે મારી રાજ્યલક્ષ્મી ક્યાં જશે?’ આ પ્રમાણે શ્રેષ્ઠીએ વ્યવહારનો નિર્ણય કરતાં રાજાએ શ્રેષ્ઠીને અભિનંદન આપ્યું. પુત્રપ્રાપ્તિની આકાંક્ષાવાળો તે રાજા એક વાર અંત:પુરમાં ગયો. પોતાનાં બચ્ચાંઓને ચરાવતા પારેવાના યુગલને એકી નજરે જોઈ રહેલી રાણીને તેણે ત્યાં જોઈ. રાજાએ પૂછ્યું, ‘શું જુએ છે?’ તે બોલી, ‘સ્વામી! કાળા અગરના ધૂપ જેવા શ્યામ, રાતા ચરણ અને નયનવાળા, પુત્રસ્નેહને કારણે પોતાની ભૂખને નહીં ગણતા અને ચાંચથી દાણા વીણી લાવીને બચ્ચાંના મુખમાં મૂકતા આ પારેવાના યુગલને જુઓ. બાળક વગર આપણો કાળ શી રીતે જશે?’ એક વાર કૌશિક નામે તાપસ કુંડોદરી નામે પોતાની પત્ની સાથે રાજભવનમાં આવ્યો. બે પુત્રોને તેણે કઢિણ (તાપસના પાત્રવિશેષ)માં મૂક્યા હતા, એકને કુંડોદરીએ ઉપાડ્યો હતો, અને એક તેની પાછળ ચાલતો હતો. તેમને રાજાએ વિવિધ રંગનાં વસ્ત્રો આપ્યાં અને પછી કુંડોદરીને પૂછ્યું, ‘આર્યે! આ ચાર પુત્રોમાં કોના ઉપર તારો અધિક સ્નેહ છે?’ તે બોલી, ‘રાજન્! એ બાબતમાં ચાર પુત્રોની વચ્ચે કશો ભેદ નથી, પણ જે પુત્ર બહાર ગયો હોય અથવા બહારથી આવતાં જેને મોડું થયું હોય તેની બાબતમાં મારો અધિક સ્નેહ છે.’ પછી રાજાએ તેમને રજા આપી. ‘અરણ્યમાં વસનાર તાપસોને પણ પુત્રો છે, પણ રાજ્યના અધિપતિ એવા મને પુત્ર નથી. આથી પરિજનોને માટે હું શોચનીય બન્યો છું.’ — તેમને જોઈને (રાજા આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો.) કેટલોક કાળ ગયા પછી મારી પુત્રવધૂ (પુંડ્રની પત્ની) સગર્ભા થઈ. તેને મેં કહ્યું, ‘મંદભાગ્યને કારણે કદાચ તું પુત્રીને જન્મ આપે તો તુરત જ મને ખબર આપજે.’ પૂરા દિવસે તેને કન્યા જન્મી. પછી સાંભળ્યા પ્રમાણે વિધિપૂર્વક તે ઔષધિ (કન્યાની જાંઘમાં) મૂકી. દેવી, ધાત્રી અને હું આ વાત જાણતાં હતાં, માટે પુત્ર! આ સત્ય વસ્તુ છે. તે કુમારી છે, તેને જેણે ઓળખી તે આર્ય જયેષ્ઠ ઉત્તમ પુરુષ છે. એમ કહી વસુમતી આર્યા રાજકુલમાં ગયાં. અમાત્ય સિંહસેન અને તારકની સાથે હું પણ તમારા લગ્નના કાર્ય માટે રાજકુલમાં ગયો. રાજાની (કન્યાની) જાંઘ ચીરીને ઔષધિ બહાર કાઢી, અને તે કાઢવાથી ઘાયલ થયેલ તેને સંરોહણીથી સાજી કરી. અત્યારે તમારો વિવાહ મારી કૃપાથી જ થયો છે. સૈન્ય અને વાહન સહિત અને કવચવાળા યોદ્ધાઓના સમૂહથી પરિવરાયેલો એવો હું અત્યારે રહું છું. મારી કૃપાથી ઇચ્છિત જનની પ્રાપ્તિ તમને થઈ છે એમ જાણો.’ (આ સાંભળીને) પછી મેં અંશુમાનનો, અને તેના વચનથી પ્રજાના વડેરાઓ તથા સેનાનાયકો આદિનો પણ સત્કાર કર્યો, સિંહસેન અને તારક સહિત અંશુમાન રાજકાર્યોની તપાસ રાખવા લાગ્યો. મને વિચાર થયો, ‘અહો! આશ્ચર્ય છે! વનચરો પણ સાધુને વંદન કરવાના ગુણથી ઉત્તમ ગોત્રકર્મ ઉપાર્જન કરીને વિદ્યાધર તરીકે જન્મ્યાં, તેમને ધર્મમાં રતિ પણ એ જ કારણથી થઈ. અથવા પ્રકૃતિ ભદ્ર એવાં તેઓ તીવ્ર અને શુદ્ધ પરિણામ વડે કરીને તપોધન મહાત્માઓને વંદન કરી જો મનુષ્ય રિદ્ધિ પામ્યાં હોય તો એમાં શું આશ્ચર્ય છે? ભગવતી મરુદેવા શ્રીઋષભદેવના દર્શનથી વિશુદ્ધ લેશ્યા થતાં અપૂર્વકરણમાં પ્રવેશ કરીને નિર્વાણ ફળનાં ભાગી બન્યાં હતાં.’

મહાપુંડ્રકુમારનો જન્મ

આ પ્રમાણે ચિન્તન કરીને ફરી વાર વિષયમાં આસક્ત થયેલો હું નિરુત્સુકપણે વિહાર કરવા લાગ્યો. અવિરુદ્ધ સુખના સેવનથી મુદિત મનવાળી અને શોભાયમાન કુમુદિની જેવી દેવી સગર્ભા થઈ. ચિકિત્સકોએ સૂચવ્યા પ્રમાણેનું ભોજન લેતી અને જેના દોહદ પૂરા કરવામાં આવ્યા છે એવી તેણે રાજાનાં લક્ષણોવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રજા પણ આનંદિત થઈ. ઉત્સવ કરવામાં આવ્યો. તે પુત્રનું મહાપુંડ્ર એવું નામ પાડવામાં આવ્યું. પુત્રના દર્શનથી આનંદિત થયેલા મારો આ પ્રમાણે સુખપૂર્વક સમય વીતતો હતો. બાલચન્દ્રાએ આ કથા કહી.

વિદ્યુદ્દંષ્ટ્ર વિદ્યાધરનો વૃત્તાન્ત

‘દેવ! ભારતવર્ષના જેણે વિભાગ કર્યા છે એવો તથા પૂર્વ અને પશ્ચિમે લવણસમુદ્રમાં પોતાના બંને પાદ (તળેટીના ભાગ) જેણે મૂક્યા છે એવો વૈતાઢ્ય નામે પર્વત છે. ત્યાં વિદ્યાધરો વડે વસાયેલી એવી ઉત્તર અને દક્ષિણ એ બે શ્રેણિઓ છે. ત્યાં ઉત્તરશ્રેણિમાં ગગનમાં વિહાર કરવાને ટેવાયેલા એવા દેવોને વિસ્મય પમાડનારું ગગનવલ્લભ નગર છે. ત્યાં વિદ્યાધરોના બળના માહાત્મ્યનું મથન કરનારો વિદ્યુદ્દંષ્ટ્ર નામે રાજા હતો. તેણે વિદ્યાધરોને વશ કર્યા હતા. એક સો દસ નગરો વડે શોભાયમાન બન્ને શ્રેણિઓને તે પોતાના પરાક્રમ વડે ભોગવતો હતો. એક વાર પશ્ચિમ વિદેહમાંથી પ્રતિમામાં રહેલા સાધુને પોતાના પ્રભાવ વડે આ પર્વત ઉપર લાવીને તે વિદ્યુદ્દંષ્ટ્રે વિદ્યાધર રાજાઓને આજ્ઞા આપી, ‘આ ઉત્પાત જો વધશે તો તેથી આપણો વિનાશ થશે, માટે જરાયે વિલંબ કર્યા વગર આયુધ ગ્રહણ કરી એક સાથે તેને મારો. એમાં તમારે પ્રમાદ કરવો નહીં.’ પછી મોહવશ અને સાધુને મારવાની ઇચ્છાવાળા તેઓ આયુધ ઊંચાં કરીને ઊભા રહ્યા. તે વખતે દેવો વડે મોકલાયેલો નાગરાજ ધરણ અષ્ટાપદ પર્વત તરફ જતો હતો. તેણે આ અવસ્થામાં રહેલા વિદ્યાધરોને જોયા, એટલે ક્રુદ્ધ થયેલા તેણે તેઓને કહ્યું, ‘હે ઋષિઘાતકો! તમે આકાશગામીઓ અહીં કેમ ભેગા થયા છો? ગુણદોષનો વિચાર નહીં કરનારા એવા તમારું આમાં શ્રેય નથી.’ આમ કહેતાં નાગરાજે તેઓની વિદ્યાઓ પડાવી લીધી. એટલે ભયથી ગદ્ગદ કંઠવાળા તેઓ વિનયપૂર્વક મસ્તક નમાવીને નાગરાજ પાસે જઈને વિનંતી કરવા લાગ્યા, ‘દેવ! અમે તમારા શરણાગત છીએ. અમારા સ્વામી વિદ્યુદ્દંષ્ટ્રના આદેશથી અમે તપસ્વીનો વધ કરવાને ઉદ્યુક્ત થયા હતા. અમે અજ્ઞાની છીએ, માટે કોપ દૂર કરો. અમારા ઉપર કૃપા કરો. કહો કોની પાસે આ સાધુની દીક્ષા થઈ હતી?’ પછી આ પ્રકારનાં વચનો વડે જેનો રોષ શાન્ત થયો છે એવો તે નાગરાજ કહેવા લાગ્યો, ‘અરે! સાંભળો,

સંજયંત અને જયંતનો વૃત્તાન્ત

પશ્ચિમ વિદેહમાં અનેક પ્રકારનાં સ્વાદિષ્ટ સલિલવાળો સલિલાવતી વિજય છે, અને વીતશોક (જેમના શોક દૂર થયા છે એવા) જનો વડે સેવાયેલી વીતશોકા નગરી છે. ત્યાં પ્રસિદ્ધ નિર્મળ વંશવાળો સંજય નામે રાજા હતો. તેની સત્યશ્રી દેવી હતી. તેમના બે પુત્રો સંજયંત અને જયંત નામે હતા. સ્વયંભૂ તીર્થંકર પાસે ધર્મ સાંભળવાથી જેને કામભોગો પ્રત્યે વૈરાગ્ય થયો છે એવા તે રાજાએ, વસ્ત્રના છેડા ઉપર વળગેલા તૃણની જેમ, રાજ્યનો ત્યાગ કરીને પોતાના પુત્રોની સાથે દીક્ષા લીધી અને શ્રામણ્ય પાળવા લાગ્યો. જેણે સૂત્ર અને અર્થનું અધ્યયન કર્યું છે, વિવિધ તપ-ઉપધાનો વડે જેના કર્માંશોની નિર્જરા થઈ છે એવો તથા અપૂર્વકરણમાં આરૂઢ થયેલો તે ઘાતિકર્મ અને ચાર અઘાતિકર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલ દર્શન પ્રાપ્ત કરીને નિર્વાણ પામ્યો. શિથિલાચારી તથા જેણે સંયમનો ભંગ કર્યો હતો એવો જે જયંત હતો તે કાળ કરીને હું — ધરણ થયો. સંજયંતે પણ અપૂર્વ સમવેગથી નવ પૂર્વનો અભ્યાસ કર્યો અને જિનકલ્પની પરિકર્મણાઅભ્યાસ નિમિત્તે ભાવના વડે ભાવિત આત્માવાળો તે એકાકી વિહાર કરવા લાગ્યો. પછી ઉત્તમ વીર્યથી જેણે પોતાની કાયા વોસરાવી છે એવા તથા ત્રણ પ્રકારના ઉપસર્ગ સહન કરનાર અને પ્રતિમામાં રહેલા સંજયંતને વિદ્યુદ્દંષ્ટ્ર અહીં લાવ્યો. એ સંજયંત મારા મોટા ભાઈ છે. આ પ્રમાણે ધરણે કહ્યું. પછી વિશુદ્ધ થયેલી લેશ્યાવાળા, અપ્રતિપાતી એવા સૂક્ષ્મક્રિયા નામે શુક્લધ્યાનમાં રહેલા ભગવાન સંજયંતને મોહનીય કર્મનો તથા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. તેમની પૂજા કરવાને દેવો અને વિદ્યાધરો આવ્યા. ફરી પાછા (વિદ્યાધરો) દેવને (નાગરાજને) પૂછવા લાગ્યા, ‘સ્વામી! કહો, વિદ્યુદ્દંષ્ટ્ર આ સાધુને અહીં શા માટે લાવ્યો હતો?’ એટલે નાગરાજે કહ્યું, ‘અમે જઈએ છીએ, સર્વજ્ઞ ભગવાન તમને એ બધું વિશેષપૂર્વક કહેશે.’ પછી તેઓ કેવલીની પાસે ગયા, અને વિનયપૂર્વક પ્રદક્ષિણા કરીને બેઠા. જેમણે સર્વ ભાવો જાણ્યા છે એવા મુનિ દેવો, અસુરો અને વિદ્યાધરોને ધર્મમાર્ગ અને ધર્મમાર્ગનું ફળ કહેવા લાગ્યા. જેમ કે — ‘અનાદિ સંસારરૂપી અટવીમાં ભ્રમણ કરતા, વિવિધ પ્રકારના ઉપદ્રવથી હેરાન થયેલા, સાચી વસ્તુ નહીં જાણતા અને સુખની ઇચ્છા રાખતા જીવને જ્ઞાનાતિશય રૂપી સૂર્યના તેજ વડે સર્વ ભાવોને પ્રકાશિત કરનારા અરિહંત ભગવંતોએ સમ્યક્ત્વ, જ્ઞાન અને ચારિત્ર્ય વડે વિશિષ્ટ એવા ધર્મમાર્ગનો ઉપદેશ કરેલો છે. કર્મની લઘુતા વડે જેને ઉત્સાહ ઉત્પન્ન થયેલો છે એવો, ખરાબ માર્ગનો ત્યાગ કરનારો, સંસારરૂપી અટવીનો પાર પામી ગયેલો અને જેણે કર્મો ખપાવ્યાં છે એવો જીવ ચારિત્ર્યરૂપી ભાતાની પ્રાપ્તિ દ્વારા નિર્વાણરૂપી નગરમાં પહોંચે છે, તે ધર્મમાર્ગનું ફળ છે.’ એટલામાં વિદ્યાધરો પ્રણામ કરીને કેવલીને પૂછવા લાગ્યા, ‘ભગવન્! વિદ્યુદ્દંષ્ટ્ર આપને અહીં શા કારણથી લાવ્યો હતો?’ એટલે કેવલી કહેવા લાગ્યા, ‘રાગ અને દ્વેષને વશ થયેલાં પ્રાણીઓને પ્રયોજનવશાત્ કોપ અને પ્રસન્નતા થાય છે. વીતરાગ ભાવને લીધે મને તે બન્નેય નથી. એથી મારો અને તેનો વૈરાનુબંધ કહું છું.’ વિદ્યાધરોએ કહ્યું, ‘(એ વૈરાનુબંધ) કેવી રીતે (થયો)?’ એટલે જિન કહેવા લાગ્યા:

વિદ્યુદ્દંષ્ટ્ર અને સંજયંતનો પૂર્વભવનો વૈરસંબંધ

‘આ જ ભારતવર્ષમાં સિંહપુર નગરમાં સિંહસેન નામે રાજા હતો. સ્ત્રીજનોમાં મુખ્ય અને અકૃષ્ણ (પવિત્ર) માનસવાળી તેની રામકૃષ્ણા નામે ભાર્યા હતી. તેનો હિતેચ્છુ શ્રીભૂતિ નામે પુરોહિત હતો. તેની પત્ની પિંગલા નામે હતી. તેઓની સાથે રાજા રાજ્યનું શાસન કરતો હતો. એક વાર વહાણમાર્ગે સમુદ્રનો પ્રવાસ કરવાની ઇચ્છાવાળો પદ્મિનીખેટનો વતની ભદ્રમિત્ર સાર્થવાહ સિંહપુર આવ્યો. તેણે વિચાર કર્યો; ‘સમુદ્રનો પ્રવાસ વિઘ્નોથી ભરેલો છે, માટે બધું જ દ્રવ્ય લઈને જવું મારે માટે સારું નથી; વિશ્વાસપાત્ર કુળમાં એ દ્રવ્ય થાપણ તરીકે હું મૂકીશ.’ તેણે શ્રીભૂતિ પુરોહિતને (વિશ્વાસપાત્ર) જાણ્યો. તે બહુમાનપૂર્વક શ્રીભૂતિ પાસે ગયો, વિનંતી કરતાં આનાકાનીપૂર્વક પુરોહિતે (થાપણ રાખવાનું) સ્વીકાર્યું. સીલ કરીને થાપણ મૂકવામાં આવી. પછી વિશ્વસ્ત એવો સાર્થવાહ ગયો અને વેલાપત્તન (બંદર) ઉપર પહોંચ્યો. વહાણ તૈયાર થયું અને પૂજા કરવામાં આવી. સમુદ્રના અનુકૂળ પવન વડે એક બંદરેથી બીજા બંદરે જતું તે વહાણ, અપુણ્ય જનના મનોરથની જેમ નાશ પામ્યું અને પવનથી થયેલા પાણીના પરપોટાની જેમ (સમુદ્રમાં) વિલીન થયું. એક લાકડાના પાટિયાને આધારે ભદ્રમિત્ર સાર્થવાહ જેમ તેમ કરીને કિનારે પહોંચ્યો. અનુક્રમે તે સિંહપુર ગયો અને પુરોહિતના ભવનમાં પ્રવેશ્યો, પણ કલુષિત બુદ્ધિવાળા શ્રીભૂતિએ તેને ઓળખ્યો નહીં — ઓળખાણ સ્વીકારી નહીં. પુરોહિતે તિરસ્કાર કરતાં તે રાજકુલમાં ગયો. ત્યાં પણ પ્રવેશ નહીં મળતાં દરરોજ રાજકુલના દ્વાર આગળ ‘પુરોહિત મારી થાપણ ઓળવે છે.’ એ પ્રમાણે પોકાર કરવા લાગ્યો. રાજાએ શ્રીભૂતિને પૂછ્યું કે, ‘આ શું છે?’ તે બોલ્યો, ‘સ્વામી! ચિત્તભ્રમ થયો હોવાથી આ તો પ્રલાપ કરે છે. આપ જાણો છો કે હું તો વિપુલ ધનનું દાન કરું છું.’ પછી રાજદ્વારમાં પ્રવેશ નહીં પામતો અને વિલાપ કરતો તે ભદ્રમિત્ર ભમતો હતો, અને રાજદ્વારે પોકાર પાડતો હતો કે, ‘મારું રક્ષણ કરો.’ આ સાંભળીને રાજા સિંહસેને મંત્રીને બોલાવ્યો અને કહ્યું, ‘એના આ કાર્યની બાબતમાં તપાસ કરો.’ મંત્રી રાજાની આજ્ઞાથી તેને પોતાને ઘેર લઈ ગયો અને બધું પૂછ્યું, તેનું કથન લખી લીધું અને તેને જમાડ્યો. કેટલાક દિવસ પછી ફરી પૂછ્યું, તો તેણે એ જ વસ્તુ કહી. સુબુદ્ધિએ (મંત્રીએ) રાજાને નિવેદન કર્યું કે ‘એ જ કારણ છે.’ રાજા બોલ્યો, ‘પણ કયા ઉપાય વડે કહી શકાય?’ મંત્રીએ વિનંતી કરી, ‘સ્વામી! તમે શ્રીભૂતિ સાથે દ્યૂત રમવાની ગોઠવણ કરીને પછી મુદ્રાની અદલાબદલી કરો. પછી કોઈ બહાને અંદરના ઉપસ્થાનગૃહ — દીવાનખાનામાં જઈને નિપુણમતિ પ્રતિહારીને મુદ્રા હાથમાં આપીને પુરોહિતને ઘેર મોકલો. મુદ્રા સાથે કહેવડાવેલા સંદેશાથી પુરોહિતની પત્ની અવશ્ય થાપણ આપી દેશે.’ મંત્રીએ કહ્યું હતું તે પ્રમાણે રાજાએ કર્યું. પુરોહિતની સમક્ષ આક્રોશ કરતા ભદ્રમિત્રને રાજાએ થાપણ આપી દેતાં તે કૃતાર્થ થયો. શ્રીભૂતિને નગરમાંથી હાંકી મૂકવામાં આવ્યો; ક્લેશ પામતો અને રોષવિષનો ત્યાગ નહીં કરતો તે કાળ કરીને અગંધન (વમેલા ઝેરને ચૂસે નહીં તેવો) સર્પ થયો.

સિંહચંદ્ર — પૂર્ણચંદ્રનો સંબંધ અને તેમના પૂર્વભવ

સિંહસેન રાજાને બે પુત્રો હતા — સિંહચંદ્ર અને પૂર્ણચંદ્ર. મોટા પુત્ર સહિત રાજા અનાભિગ્રહિક (કોઈ પ્રકારની પકડ — ઝનૂન વગરનો) મિથ્યાત્વી હતો અને દાનમાં રુચિ રાખનારો હતો. દેવી અને પૂર્ણચંદ્ર જિનવચનમાં અનુરક્ત હતાં. આ પ્રમાણે કાળ જતો હતો. ભવિતવ્યતા વડે પ્રેરાયેલો રાજા એક વાર ભંડારમાં પ્રવેશ્યો, અને ત્યાં જ્યારે રત્નો ઉપર રાજાની દૃષ્ટિ ચોંટેલી હતી ત્યારે સર્પ થયેલો પુરોહિત તેને ડસ્યો. પછી સર્પ ચાલ્યો ગયો. રાજાના શરીરમાં વિષનો વેગ પ્રસરવા લાગ્યો. ચિકિત્સકો તેનો પ્રતિકાર કરવા લાગ્યા. ગરુડતુંગ નામે ગારુડીએ સર્પોનું આવાહન કર્યું; નિરપરાધી સર્પોનું વિસર્જન કર્યું, પણ પેલો અગંધન સર્પ ઊભો રહ્યો. વિદ્યાબળ વડે ગારુડીએ તેને ઝેર ચૂસવાને પ્રેર્યો, પણ અતિશય માનને કારણે તેણે ઝેર ચૂસવાની ઇચ્છા કરી નહીં. પછી તેને બળતા અગ્નિમાં નાખવામાં આવતાં તે કાળ કરીને કોલવનમાં ચમર (એક પ્રકારનો મૃગ) થયો. વિષથી અભિભૂત થયેલો રાજા મરીને સલ્લકીવનમાં હાથી થયો. સિંહચંદ્ર રાજાનો સિંહપુરમાં અભિષેક કરવામાં આવ્યો, અને પૂર્ણચંદ્ર યુવરાજ થયો.

પરસ્ત્રીસંગના દોષ વિષે વાસવનું દૃષ્ટાન્ત

વૈતાઢ્યની દક્ષિણ શ્રેણિમાં રત્નસંચયપુરીમાં ઇન્દ્રકેતુ નામે વિદ્યાધરરાજા હતો. તેના પુરુહૂત અને વાસવ નામના બે પુત્રો મોટા વિદ્યાધરો હતા; વિકુર્વેલા ઐરાવત ઉપર બેસીને ગગનમાર્ગે આખાયે ભારતવર્ષમાં ફરતો વાસવ ગૌતમ ઋષિનો રમણીય આશ્રમ જોઈને ઝટ કરતો તેમાં ઊતર્યો. ગૌતમ તાપસનું નામ પૂર્વે કાશ્યપ હતું અને તે તાપસોનો અધિપતિ હતો. પછી એક વાર તે ગાયનો હોમ કરવા લાગ્યો. આથી રૂઠેલા તાપસોએ તેને અંધકૂપમાં નાખ્યો. કાન્દર્પિક નામનો દેવ તેનો પૂર્વકાળનો મિત્ર હતો, તેણે આ જાણ્યું. કૂવા આગળ આવીને, વૃષભનું રૂપ ધારણ કરીને તેણે પોતાનું પૂંછડું અંધકૂપમાં લટકાવ્યું. ગૌતમ પૂંછડે વળગ્યો, એટલે તેને બહાર કાઢ્યો. આથી ‘અંધગૌતમ’ એવું તેનું નામ પડ્યું. દેવે તેને કહ્યું, ‘દેવો અમોઘદર્શી હોય છે, તારી ઇચ્છા હોય તે વરદાન માગ, તે હું તને આપું.’ તેણે કહ્યું, ‘વિષ્ટાશ્રવ તાપસની ભાર્યા મેનકાની પુત્રી અહલ્યા મને અપાવો.’ દેવે તે કન્યા તેને અપાવી. પછી તે તાપસે તે આશ્રમપદમાંથી નીકળીને અયોધન રાજાના દેશના સીમાડા ઉપર રમણીય અટવીમાં આશ્રમ કર્યો. અયોધન રાજા પણ દેવની આજ્ઞાથી કોથળાઓમાં ડાંગર ભરી લાવીને ગૌતમ ઋષિને આપતો હતો. પછી ગૌતમ ઋષિની ગેરહાજરીમાં સ્ત્રીલોલુપ તે વાસવે ગૌતમ ઋષિની ભાર્યા અને વિષ્ટાશ્રવ તથા મેનકાની પુત્રી અહલ્યાને જોઈને તેની સાથે સંસર્ગ કર્યો. પુષ્પ, ફળ અને સમિધને માટે ગયેલ ગૌતમ પાછો આવ્યો. તેને જોઈને ડરેલા વાસવે બળદનું રૂપ ધારણ કર્યું. ગૌતમ ઋષિએ તેને જોયો અને પરસ્ત્રીગમનના દોષથી તેને મારી નાખ્યો.’ આ સાંભળીને મારો ધર્મસંવેગ દ્વિગુણિત થયો. (પણ પછી) મેં વિચાર્યું, આ બાબતમાં એક ક્ષણનું પણ અતિક્રમણ કરવામાં મારે માટે શ્રેય નથી. આવતી કાલે જઈશ.’ હવે, અર્ધરાત્રિની વેળાએ દુઃખથી ભરેલા અવાજવાળો શબ્દ સાંભળીને હું જાગ્યો, અને જાગીને મેં એક દેવીને જોઈ. તેણે મને આંગળીના ઇશારાથી બોલાવ્યો, અને હું પણ તેની પાસે ગયો. પછી તે મને અશોકવનિકામાં લઈ જઈને આ પ્રમાણે કહેવા લાગી, ‘પુત્ર! સાંભળ —

કામપતાકાનો સંબંધ

ચંદનપુર નગરમાં અમોઘરિપુ નામે રાજા હતો, તેની ચારુમતી નામે દેવી હતી અને ચારુચંદ્ર કુમાર હતો. વસુમિત્રનો પુત્ર સુષેણ તેનો અમાત્ય હતો. રાજાનાં સર્વ કાર્યોને તેઓ (વસુમિત્ર અને સુષેણ) સંભાળતા હતા. ત્યાં અનંગસેના નામે ગણિકા હતી, તેની પુત્રી કામપતાકા નામે હતી. દુર્મુખ નામે દાસ હતો, તેને રાજાએ દાસીઓની વ્યવસ્થામાં નિયુક્ત કર્યો હતો. રૂપમાં, જ્ઞાનમાં અને બુદ્ધિમાં ચંદનપુરમાં તે કામપતાકા જેવી કન્યા બીજી કોઈ નહોતી. એક વાર રાજભવનમાંથી બહાર નીકળતી કામપતાકાને જોઈને દુર્મુખે કહ્યું, ‘મારી સાથે રહીશ?’ પછી તેને નહીં ઇચ્છતી એવી કામપતાકાને ક્રોધ પામેલા દુર્મુખે હાથથી પકડી ત્યારે તે બોલી, ‘જો જિનશાસન મને રુચેલું હોય, તો આ સત્ય વચન વડે આ દુર્મુખના મુખમાંથી હું મુકાઉં.’ તેણે એમ કહ્યું, એટલે દેવતાના પ્રભાવથી મેં વિફરીને એ ફાટેલા દાસને એકાન્તમાં પૂર્યો. કામપતાકા પણ પોતાના ભવનમાં ગઈ. દુર્મુખ દાસ તેના ઉપર ગુસ્સે થયો. હવે, એક વાર વાસવ, શાંડિલ્ય, ઉદકબિંદુ આદિ તાપસોએ પુષ્પફળ વગેરે લાવીને રાજાને ભેટ ધરી, અને પછી તેઓએ નિવેદન કર્યું કે, ‘અમારા આશ્રમમાં યજ્ઞ છે, માટે તેનું રક્ષણ કરવાને તમે યોગ્ય છો.’ પછી વસુમિત્ર અને સુષેણ અમાત્યો સાથે મંત્રણા કરીને રાજાએ ચારુચંદ્ર કુમારને કહ્યું, ‘તું તાપસોના આશ્રમમાં જા; ત્યાં યજ્ઞનું રક્ષણ કરજે.’ પછી ઘણાં વાહન અને સૈન્ય સાથે ઘણા મનુષ્ય સહિત તે કુમાર આશ્રમમાં પહોંચ્યો. તે યજ્ઞ થયો તે વખતે ચિત્રસેના, કલિંગસેના, અનંગસેના અને કામપતાકા (ગણિકાઓ) એક બીજાની ચડસાચડસીમાં પ્રેક્ષાઓ આપતી હતી, નૃત્યાદિ કરતી હતી. દુર્મુખ દાસે કામપતાકાનો વારો જાણીને સૂચિનાટ્ય (સોય ઉપર નૃત્ય)ની આજ્ઞા કરી. પછી તે સોયો વિષવાળી કરીને કામપતાકાના નૃત્યસ્થાન ઉપર તેણે રાખી. તે જાણીને કામપતાકાએ માનતા કરી કે, ‘જો આ પ્રેક્ષામાંથી હું પાર ઊતરીશ તો જિનવરોનો અષ્ટાહિક મહામહોત્સવ કરાવીશ.’ પછી ચોથ ભક્ત કરીને તે પ્રેક્ષામાંથી પાર ઊતરી. વિષયુક્ત તે સોયો દેવતાએ હરી લીધી. નૃત્યથી સંતુષ્ટ થયેલા ચારુચન્દ્ર કુમારે ત્યાં કડાં, બાજુબંધ આદિ સર્વ આભરણો તથા છત્ર-ચામરો પણ કામપતાકાને આપી દીધાં. પછી લોકો પાછા વળ્યા, એટલે આભરણ વગરના રૂપવાળો કુમાર પણ આવ્યો. આભરણ અને મુગટ વગરનો તેને જોઈને રાજા વિચારવા લાગ્યો, ‘આ કુમાર નિસ્તેજ શરીરવાળો અને ચિન્તામગ્ન કેમ દેખાય છે?’ કુમારનાં પરિજનોને રાજાએ પૂછ્યું, ‘કુમારે આભરણ કોને આપ્યાં?’ તેઓએ કહ્યું, ‘આભરણો અને છત્ર-ચામર કામપતાકાને આપ્યાં છે.’ (આ તરફ) કામપતાકા સર્વ પ્રયત્નથી જિનેશ્વરોનો મહિમા કરવા લાગી. ચારુચન્દ્રકુમાર પણ માત્ર ભ્રમરનું સ્પંદન કરતો હતો — માત્ર ભ્રમર હલાવી શકતો હતો. સ્નાન, ગંધમાલ્ય કે ભોજન અને આસન શયનને તે ઇચ્છતો ન હતો. તે માતાને માત્ર એટલું કહેતો હતો કે, ‘જિનવરોનો મહિમા કરો.’ પછી દેવીએ ‘ભલે’ એમ કહ્યું. તે સાંભળીને રાજાએ દેવીને કહ્યું, ‘ચારુચન્દ્ર કાશ્યપકુલને વૃદ્ધિ પમાડે છે.’૧ દેવીએ કહ્યું, ‘અનંગસેના વડે.’તે અનંગસેના રાજાની પાસે જ હતી. એટલે રાજાએ અનંગસેનાને પૂછ્યું, ‘અનંગસેને! શું કામપતાકા શ્રાવિકા છે?’ એટલે અનંગસેનાએ કહ્યું, ‘સ્વામી! આ બાબતમાં જે સત્ય હકીકત છે તે સાંભળો,

ઋષિદત્તા અને એણીપુત્રનો કથાસંબંધ

પછી ઉદકબિન્દુ આદિ તાપસો બિલ્વ આદિ ફળો લઈને શુનકચ્છેદ ઉપાધ્યાયને નિમિત્તે ત્યાં આવ્યા. તેઓએ રાજા અમોઘરિપુને ફળોની ભેટ ધરી અને વિનંતી કરી કે, ‘દેવ! રંગમંડપમાં નૃત્ય કરતી કામપતાકાને જોઈને શુનકચ્છેદ ઉપાધ્યાય બિમાર થયો છે. માટે હે દેવ! ધર્મ ગણીને કામપતાકા તેને આપો. જો નહીં આપો તો કામદેવનાં બાણો વડે પીડાયેલો તે પ્રાણત્યાગ કરશે.’ રાજાએ કહ્યું, ‘કામપતાકા તો કુમારને આપી છે; બીજી જે કોઈ ગણિકા તમને ગમતી હશે તે આપી શકાશે’, એટલે તેઓ બોલ્યા, ‘અમારે બીજીનું કામ નથી.’ પછી રાજાએ તેમનો નિષેધ કર્યો, અને ‘અહીં વિશ્રામ લ્યો’ એમ કહીને તેમને ઉતારો આપ્યો. પછી મોટી ધામધૂમથી યજ્ઞ થયો. દેવી આવી અને તે બિલ્વ આદિ ફળો જોઈને રાજાને કહેવા લાગી, ‘અહો સ્વામી! આ બિલ્વ આદિ ફળો મનોહર, પ્રમાણયુક્ત અને સ્વાદિષ્ટ છે. એ ક્યાંથી આવ્યાં છે? અને તે કોણ લાવ્યું છે?’ પછી રાજાએ તાપસ-ઋષિઓને બોલાવીને તે બિલ્વ આદિ ફળોની ઉત્પત્તિ પૂછી. તેઓમાંથી જે ઉદકબિન્દુ નામે તાપસ હતો તેણે રાજાને હરિવંશની ઉત્પત્તિ કહી અને જણાવ્યું કે, ‘તેમનાં (હરિવર્ષમાંથી લાવવામાં આવેલાં) વૃક્ષોની પ્રસૂતિ તે આ ફળો છે.’ પછી કામપતાકા કન્યાની સાથે કુમારનું લગ્ન થયું. પછી દેવીએ રાજાને કહ્યું, ‘સ્વામી! જ્યાં આ બિલ્વ આદિ ફળો હોય ત્યાં જઈએ.’ પછી વસુમિત્ર અને સુષેણ અમાત્યોએ વારવા છતાં દેવીના ખોટા આગ્રહને કારણે રાજા ચંપાનગરી ગયો, અને ત્યાં જ ઉદ્યાનમાં રહ્યો. ત્યાં ચંડકૌશિક નામે કુલપતિ હતો. દેવીએ અને રાજાના સૈન્યે પુષ્પ અને ફળને માટે તે આખું ઉદ્યાન લૂંટ્યું અને તેનો વિનાશ કર્યો. આથી ક્રોધ પામેલા ચંડકૌશિકે રાજાને શાપ આપ્યો કે, ‘દુરાચારી! તેં મારું ઉદ્યાન લૂંટ્યું અને તેનો નાશ કર્યો છે માટે મૈથુનકાળે તારા માથાના સો ટુકડા થઈ જશે અને તું મરણ પામીશ.’ આ સાંભળીને ભય પામેલો રાજા ત્યાંથી નીકળીને નંદનવનમાં ગયો, અને રાજ્યનો ત્યાગ કરીને તેણે તાપસ તરીકેની દીક્ષા લીધી, અને દેવી તથા મંજુલા ધાત્રીની સાથે તપશ્ચર્યા કરવા લાગ્યો. પછી કોઈ એક વાર રાજાના વલ્કલવસ્ત્રમાં શુક્રપુદ્ગલ આવ્યાં. દેવીએ તે વલ્કલ પહેર્યું. પુદ્ગલ તેની યોનિમાં પ્રવેશ્યાં. તે દેવીએ સમય જતાં પુત્રીને જન્મ આપ્યો. તેનું ઋષિદત્તા નામ પાડવામાં આવ્યું. દેવી, મંજુલા ધાત્રી અને રાજા વનનાં બિલ્વફળો વડે તેનું પાલન કરતા. રાજા પ્રત્યેની અત્યંત આસક્તિપૂર્વક તે સ્ત્રી કાળધર્મ પામી. ઉછરેલ ઋષિદત્તા યુવાવસ્થામાં આવી અને અતીવ રૂપથી સુરૂપ થઈ, કોઈ એક વાર શાન્તવેગ અને પ્રશાન્તવેગ નામના બે આકાશચારી અણગારો તે આશ્રમમાં આવ્યા. તેઓ તે આશ્રમમાં રાજાને અને બાલિકાને ધર્મ કહેવા લાગ્યા. તેમની પાસે ધર્મ સાંભળીને ઋષિદત્તા શ્રાવિકા થઈ. જેના હાથમાં ઢાલ-તલવાર છે એવો પુરુષ તે આશ્રમમાં એક વાર આવ્યો. એની પાછળ સૈન્ય આવ્યું. તે રાજાને પગે પડ્યો. રાજાએ પૂછ્યું, ‘તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે?’ એટલે તે બોલ્યો, ‘હું શતાયુધ રાજાનો પુત્ર શિલાયુધ નામે છું, અને ચારુમતી દેવીનો (અમોઘરિપુની પત્ની) ભત્રીજો અને તમારો ભાણેજ છું.’ તે સાંભળીને સંતુષ્ટ થયેલા રાજાએ તેને ઋષિદત્તા આપી. પછી તે ઋષિદત્તાની સાથે તેનું લગ્ન થયું. અન્યદા તે ઋષિદત્તાને ઋતુકાળમાં ગર્ભ રહ્યો. તે શિલાયુધકુમાર પણ કેટલાક દિવસ પછી ગયો. ઋષિદત્તાનો ગર્ભ વધવા લાગ્યો. વિષફળનો આહાર કરવાથી મંજુલિકા મરણ પામી. ઋષિદત્તાએ પણ યોગ્ય સમયે પુત્રને જન્મ આપ્યો. પ્રસૂતિ થતાં વેંત જ સુવારોગથી તે મરણ પામી. આથી તેનો પિતા મૂર્ચ્છા પામ્યો. થોડી વાર પછી ભાનમાં આવતાં બન્ને હથેળીઓ વડે કુમારને લઈ, ખોળામાં મૂકી કરુણ આક્રન્દ કરતો તે વિચાર કરવા લાગ્યો; ‘આને હું કેવી રીતે જિવાડીશ?’ એમ કહી આંસુ સારતો એકાકી એવો તે કરુણ વિલાપ કરવા લાગ્યો. પછી તે ઋષિદત્તા વ્યંતરી થઈ. તેણે મૃગીનું રૂપ કર્યું. તેની સાથે એક નાની મૃગલી હતી. બે કાળા કૂતરાઓની સાથે સમૂહમાં ભમતી તે મઠના આંગણામાં આવી. એક મૃગીએ છોકરાને લીધો, બીજી મઠમાં ગઈ; પછી પોતાની જીભ વડે બાળકને ચાટતી તે વદન આગળ સ્તન રાખીને ઊભી રહી. આ જોઈને રાજા શાન્તિ પામ્યો. આ પ્રમાણે એ મૃગી વારંવાર આવીને દૂધ પાતી હતી. પછી તે બાળક મોટો થયો. એક વાર સમિધને માટે ગયેલા તેને સર્પ કરડ્યો અને જેને વિષ ચડ્યું છે એવો તે મરવા લાગ્યો. મૃગીએ આવીને તેને જીભથી ચાટ્યો, નિર્વિષ કર્યો અને જિવાડ્યો. હે પુત્ર! જે મૃગી તે હું પૂર્વે ઋષિદત્તા હતી. પછી મેં દિવ્ય દેવીરૂપ ધારણ કરીને તે સર્પની તર્જના કરી અને કહ્યું, ‘ચાંડાલ ચંડકૌશિક! હજી પણ ક્રોધ ત્યજતો નથી?’ એ પ્રમાણે ત્યાં જેને પૂર્વવૈર સ્મરણ કરાવવામાં આવ્યું છે એવો તે સર્પ તે રમ્ય આશ્રમપદમાં અનશન કરીને પોતાની જાતને ખપાવીને થોડા સમયમાં કાળધર્મ પામ્યો. પછી મેરુગિરિના નંદનવનમાં બલકૂટ ઉપર બલ નામના દેવ તરીકે તે આવ્યો. આ તરફ શ્રાવસ્તી નગરીમાં શતાયુધ રાજા કાળધર્મ પામ્યો. શિલાયુધ રાજા થયો. તે રાજાને મરણ પામેલો જાણીને સર્વે સામંત રાજાઓ સામે થયા. તે શિલાયુધે સૈન્ય અને વાહન સહિત નીકળી તે સર્વેનો પરાજય કર્યો અને તેમને નમાવ્યા. પછી ફરી શ્રાવસ્તીમાં આવીને તે અગ્રોદ્યાનમાં રહ્યો. પછી હું ઋષિદત્તા તાપસીનું રૂપ ધારણ કરીને અરણ્યનાં પુષ્પ-ફળ લઈને રાજાના અગ્રદ્વાર આગળ ઊભી રહી. પછી દ્વારપાળોએ રાજાને નિવેદન કર્યું કે, ‘તાપસી દ્વાર ઉપર ઊભી છે.’ રાજાએ કહ્યું, ‘તે ભલે અંદર આવે.’ પછી ઘણા જનો વડે સંકુલ એવા રાજાના સભામંડપમાં તે તાપસી પુત્રની સાથે પ્રવેશી. સર્વ વર્ણો અને સાધુઓના હિતમાં રત એવા રાજાને તેણે જોયો. પછી અરણ્યનાં પુષ્પ-ફળો વડે રાજાનું અભિનંદન કરીને તે તાપસીએ કહ્યું, ‘રાજન્! આ તારો પુત્ર છે, તારા જ ગાત્રમાંથી ઉદ્ભવેલો છે; તેનો પુત્ર તરીકે સ્વીકાર કર.’ એટલે રાજાએ કહ્યું, ‘લોકોમાં એમ સંભળાય છે કે જે કોઈ આશ્રમોમાં રહે છે તે સર્વે સત્યવાદીઓ હોય છે, પણ તું તો તાપસી હોવા છતાં મિથ્યા બોલે છે. અપુત્ર એવા મને પુત્ર ક્યાંથી?’ એટલે તાપસીએ કહ્યું, ‘દર્પણના મંડપમાંથી જેમ બિંબમાંથી પ્રતિબિંબ થાય છે તેવી રીતે તારી પાસે આવેલા તારા પોતાના પુત્રને પુત્ર તરીકે તું ઓળખતો નથી?’ એટલે રાજા બોલ્યો, ‘તાપસિ! જે પરાયા પુત્રને માટે ‘આ મારો પુત્ર છે’ એમ કહે છે તે પરસ્ત્રીગમનમાં જે દોષો રહેલા છે તે દોષો વડે લેપાય છે. પછી તાપસીએ કહ્યું, ‘કૂકડે કૂક! તને પારકી સ્ત્રીનો દોષ લાગી જાય છે! તારી પોતાની સ્ત્રીમાં ઉત્પન્ન થયેલો આ તારો જ પુત્ર છે.’ એટલે રાજા બોલ્યો, ‘આ મારો પુત્ર કેવી રીતે? ક્યારે જન્મ્યો? સ્વદારમાં થયો કે પરદારમાં? સત્ય કહે.’ રાજાએ આ પ્રમાણે કહ્યું, એટલે તે તાપસી તે બાળકને રાજાની સમીપમાં મૂકીને ચાલી ગઈ. તે સમયે આકાશવાણી થઈ કે, ‘હે રાજાઓમાં સિંહ સમાન! અમોઘરથનો દૌહિત્ર અને ઋષિદત્તાનો પુત્ર આ તું જ છે (અર્થાત્ આ તારો જ પુત્ર છે.’) પછી પરિજન સહિત રાજાએ આકાશવાણી સાંભળીને ‘આ મારો પુત્ર થાય છે’ એમ કરી તે બાળકને લઈને ખોળામાં બેસાડ્યો, માથું સૂંઘ્યું અને દંડ-ભટ-ભોજિકોને કહ્યું, ‘આ મારો પુત્ર છે, એનું સંરક્ષણ કરો.’ પછી તેણે પૂછ્યું, ‘તાપસી ક્યાં ગઈ?’ પુરુષોએ કહ્યું, ‘આ જાય.’ રાજા ઊઠીને તેની પાછળ દોડ્યો, અને ‘તે આ રહી, આ રહી’ એમ કરતાં આશ્રમ સુધી ગયો. ત્યાં ઋષિદત્તા (વ્યંતરી)ને જોઈને સંતુષ્ટ અને શાન્ત થયો. પછી તે તાપસી દિવ્ય દેવરૂપ ધારણ કરીને, પ્રભા-સમુદય વડે ઉદ્યોત કરતી, રાજાને અને પોતાના પિતાને ધર્મ કહેવા લાગી. એ સમયે બલ નામે દેવ ત્યાં આવ્યો. તેણે દેવીને વંદન કરીને કહ્યું, ‘હું અહીં ચંડકૌશિક સર્પ હતો. હે ભગવતિ! તમારા ગુણ વડે કરીને મેં દેવત્વ પ્રાપ્ત કર્યું.’ એમ કહીને ફરી વાર વંદન કરી તે પાછો ગયો. અમોઘરથ રાજા વગેરે બીજાઓ પણ ધર્મને પામ્યા. ધર્મપરાયણ એવા તેમને અષ્ટાપદ પર્વત ઉપર લઈ જઈને દેવીએ શાન્તવેગ તથા પ્રશાન્તવેગ અણગારોને શિષ્ય તરીકે સોંપ્યા. પછી તેઓ સાધુ થયા. જે પેલો બાળક હતો તે જ આ એણીપુત્ર રાજા. સાગરભિન્નમાં વસતી, જ્વલતપ્રભ (નામના દેવ)ની ભાર્યા હું નાગિની છું.’

વસુદેવનું ગૃહાગમન

ચન્દ્રાભ રાજાએ અને મેનકા દેવીએ વેગવતી અને ધનવતીની અનુમતિથી મને બાલચન્દ્રા આપી. શુભ મુહૂર્તે રાજવૈભવને છાજે એવો અમારો લગ્નમહોત્સવ થયો. ઘણા દિવસ વીત્યા પછી અમને બત્રીસ સુવર્ણકોટિ ધન, કુશળ પરિચારિકાઓ તથા પાત્ર, શયન, આસન અને આભૂષણનો વૈભવ આપવામાં આવ્યો. પછી વેગવતી અને બાલચન્દ્રાને મેં કહ્યું, ‘દેવીઓ! મને વડીલોએ કહ્યું હતું કે ‘તું અમને મળ્યા પછી ચાલ્યો ન જઈશ, આપણે સાથે રહીશું. તું વિદ્યમાન હોય એટલે વહુઓ પણ પોતાનાં પિયરમાં ન રહે. માટે તમને જો રુચતું હોય તો શૌરિપુર જઈએ.’ એટલે સંતોષ વ્યક્ત કરતી એવી તે બન્નેએ એકી સાથે મને વિનંતી કરી, ‘આર્યપુત્ર! તમારા મનમાં જો આવો નિશ્ચય થયો છે, તો જરૂર દેવોએ કૃપા કરી હશે. વધારે શું કહીએ? પણ જો અમો પ્રત્યે તમારું બહુમાન હોય તો અહીં વિદ્યાધરલોકમાં અમારી જે ભગિનીઓ(સપત્નીઓ) તમારું સ્મરણ કરતી વસે છે તેઓ અહીં રહેલા એવા તમને ભલે મળે. તેઓ આવી પહોંચશે, એટલે વડીલોની સમીપે જઈશું.’ મેં કહ્યું, ‘ભલે’. પછી મારા પોતાના હાથે લખેલા, અભિજ્ઞાન સહિત પત્રો મેં ધનવતીના હાથમાં આપ્યા. તે પત્રો લઈને તે ગઈ. પછી શુભ દિવસે મારા હૃદયને વશવર્તી તથા પ્રફુલ્લિત હૃદયવાળી એવી શ્યામલી, નીલયશા, મદનવેગા અને પ્રભાવતી પોતાના પરિવાર સહિત, સરિતાઓ જેમ મહોદધિ પાસે આવે તેમ, આવી. દેવીઓની સાથે રહેલો જાણે દેવ હોઉં તેમ, રાજાએ મારી પૂજા કરી અને તેઓની સાથે હું રમણ કરવા લાગ્યો. પછી પ્રયાણનો દિવસ નક્કી કરવામાં આવ્યો. વિકુર્વેલા વિમાન દ્વારા બાલચન્દ્રા અમને લઈ જવા લાગી. અમે શૌરિપુર નગર પહોંચ્યાં. મારા જ્યેષ્ઠ સહોદર અર્ઘ્ય લઈને સામે આવ્યા. પત્નીઓ સહિત મેં તેમને પ્રણામ કર્યા. અગાઉથી સજ્જ કરેલું ભવન અમને આપવામાં આવ્યું. પરિવાર સહિત હું તેમાં પ્રવેશ્યો. પાછળ રહેલ પત્નીઓને પણ ગુરુજનોની અનુમતિથી તેડી લાવવામાં આવી, તે — શ્યામા, વિજયસેના, ગન્ધર્વદત્તા, સોમશ્રી, ધનશ્રી, કપિલા, પદ્મા, અશ્વસેના, પુંડ્રા, રક્તવતી, પ્રિયંગુસુન્દરી, સોમશ્રી, બંધુમતી, પ્રિયદર્શના, કેતુમતી, ભદ્રમિત્રા, સત્યરક્ષિતા, પદ્માવતી, પદ્મશ્રી લલિતશ્રી અને રોહિણી. પોતપોતાના પરિવાર સહિત આ સ્ત્રીઓ અક્રૂર આદિ કુમારોની સાથે આવી. પછી ભાગીરથી (પ્રભાવતીની મોટી મા), હિરણ્યવતી (નીલયશાની માતા) અને ધનવતીને વિદાય આપવામાં આવી. મેં પણ આચાર જાણીને કુમારો અને પરિવાર સહિત રાણીનો તથા કુટુંબીઓ અને સંબંધીઓનો વસ્ત્રાભરણોથી સત્કાર કર્યો. અત્યંત પ્રીતિ અનુભવતો હું પણ ગોત્રની સાથે સુખપૂર્વક વિહરવા લાગ્યો. અનાથોને માટે મેં શાલા — આશ્રયસ્થાન કરાવ્યું. ત્યાં મનોહર અન્નપાણી આપવાના કામ માટે વૃત્તિપગાર બાંધીને માણસોને રાખ્યા.

કંસનો પૂર્વભવ

કંસે મંત્રીઓનું રંજન કરી, તેમનો પ્રેમ મેળવી ઉગ્રસેનને કેદ કર્યો હતો. પિતા પ્રત્યેના તેના પૂર્વભવના દ્વેષનું કારણ અતિશયજ્ઞાની સાધુઓ મને કહ્યું હતું. તે કંસ પૂર્વભવમાં બાલતપસ્વી હતો. માસક્ષપણ કરતો કરતો તે મથુરાપુરીમાં આવ્યો. માસે માસે બહાર નીકળીને તે પારણું કરતો હતો. આ રીતે તે પ્રસિદ્ધ થયો. ઉગ્રસેને તેને નિમંત્રણ આપ્યું કે, ‘ભગવાને મારે ઘેર પારણું કરવું.’ પરન્તુ પારણાને સમયે ચિત્ત બીજે રોકાયેલું હોવાથી ઉગ્રસેન તેને ભૂલી ગયો, પેલો તપસ્વી પણ અન્યત્ર જમ્યો. એ જ પ્રમાણે બીજા અને ત્રીજા પારણા સમયે પણ થયું. આથી દ્વેષ પામેલો તે તાપસ ‘હું ઉગ્રસેનના વધને માટે જન્મ લઈશ’ એ પ્રમાણે નિયાણું કરીને કાલધર્મ પામી ઉગ્રસેનની ગૃહિણીના ઉદરમાં ઉત્પન્ન થયો. તેણીને ગર્ભના ત્રીજા મહિને રાજાના ઉદરનું બલિમાંસ ખાવાનો દોહદ ઉત્પન્ન થયો. મંત્રીઓએ સરસ બલિમાંસની રચના માટે માંસના જ રંગનું વસ્ત્ર તૈયાર કરીને, દેવીની નજર પડે તેમ (રાજાના ઉદર ઉપર તે મૂકી) તેમાં માંસ કાપ્યું. પછી તે માંસ રાણીની પાસે લાવવામાં આવ્યું. તે ખાધા પછી જેના દોહદ પૂરો થયો છે એવી રાણીને અનુક્રમે ઉગ્રસેન (જીવતો) બતાવવામાં આવ્યો. (આવો અમંગળ દોહદ થયો હોવાથી) ‘મારા ગર્ભમાં વધેલો આ પુત્ર નિ:સંશય કુળનો વિનાશ કરનાર થશે’ એમ વિચારીને રાણીએ તેને કાંસાની પેટીમાં સુવાડીને યમુનામાં વહેતો મૂક્યો. શૌરિપુરના રસ-વણિકે (તેલ વગેરે પ્રવાહી પદાર્થોનો ધંધો કરનાર વાણિયાએ) તેને લીધો. મારી પાસે તે ઊછર્યો.૧ મેં આ પ્રમાણે કારણ જાણીને, ‘ઉગ્રસેનનો આ જન્મશત્રુ છે’ એમ વિચારીને ઉગ્રસેને છોડાવવા માટે પ્રયત્ન કર્યો નહીં. અનાધૃષ્ટિ આદિ મારા પુત્રોને કલાઓ શીખવવા માટે કલાચાર્યને રાખવામાં આવ્યો. પછી કંસ પણ મને બહુમાનપૂર્વક મથુરા લઈ ગયો, મારો આદરસત્કાર કર્યો, અને વિશેષે કરીને મારા પ્રત્યે વિનીત થઈને રહેવા લાગ્યો. પરિજન સહિત એવા મારો સમય શૂરસેન દેશના વનખંડોમાં આ રીતે વીતવા લાગ્યો.

દેવકીનું પાણિગ્રહણ

દેવક રાજાની પુત્રી દેવકીને વરવાને મૃત્તિકાવતી જવા માટે એક વાર કંસની અનુમતિથી અમે નીકળ્યા. માર્ગમાં નેમિનારદ મળ્યા, તેમને મેં પૂછ્યું, ‘આર્ય! દેવકી રાજકન્યાને તમે અવશ્ય પૂર્વે જોઈ હશે; માટે તેનાં વિનય, રૂપ અને જ્ઞાન વિષે કહો.’ એટલે નારદે કહ્યું, ‘(દેવકીને) હું જાણું છું. હે સૌમ્ય! સાંભળ — અંગબિન્દુ (શરીર ઉપરનાં ગોળ બિન્દુઓ) અને ઉત્તમ લક્ષણો વડે આકીર્ણ દેહવાળી, બાન્ધવજનોનાં નયનરૂપી કુમુદો માટે ચંદ્રલેખા સમાન, લેખન આદિ કલાઓમાં યુવતીજનને યોગ્ય કુશળતા જેણે મેળવી છે એવી, લક્ષણવતી, દુઃખપૂર્વક જેનું રૂપ અવલોકી શકાય એવી (જેના રૂપનું અવલોકન કરવામાં પણ આંખો ઝંખવાઈ જાય એવી જાજવલ્યમાન, પૃથ્વીપતિની ભાર્યા થવાને યોગ્ય, લોકો વડે વર્ણન કરવા લાયક તથા વિનીત એવી તે દેવકી રૂપ વડે કરીને દેવતાઓ સમાન છે.’ મેં પણ નારદને કહ્યું, ‘આર્ય! જેવી રીતે તમે તેને વિષે મને કહ્યું તેવી રીતે મારે વિષે યથાર્થ હકીકત તેને કહો.’ ‘ભલે’ એમ કહીને નારદ આકાશમાં ઊડ્યા. અમે સુખપૂર્વક મુકામ તથા શિરામણ કરતા મૃત્તિકાવતી નગરી પહોંચ્યા. કંસે અનેક પ્રકારે દેવક રાજા પાસે કન્યાનું માગું કર્યું. પછી રાજાએ વિચાર કરીને શુભ દિવસે દેવકી કન્યા (મને) આપી. લગ્ન થઈ ગયા પછી રાજાને છાજતી રિદ્ધિથી કેટલાયે ભાર સુવર્ણ અને મણિઓ, મહામૂલ્યવાન શયન, આસન, વસ્ત્ર અને પાત્રોનો અનેક પ્રકારનો વૈભવ, અનેક દેશોમાં ઉત્પન્ન થયેલું વિપુલ સેવકોનું વૃન્દ તથા જેમાં એક કરોડ ગાયો છે એવું તથા નંદગોપ જેનો માલિક છે એવું ગોકુલ-આ સર્વ અમને આપવામાં આવ્યું. પછી સસરાની અનુમતિથી, દેવ સમાન રિદ્ધિ સાથે, હું મૃત્તિકાવતીની બહાર નીકળ્યો. રાજાઓ પાછા વળ્યા. હું અનુક્રમે મથુરા પહોંચ્યો. આનંદ ચાલતો હતો ત્યારે એક વાર કંસ મારી પાસે આવીને પગે પડીને વીનવવા લાગ્યો, ‘દેવ! જે હું યાચું તે મને આપો.’ મેં કહ્યું, ‘આપીશું, જલદી કહે.’ એટલે હર્ષિત મનવાળો તે હાથ જોડીને બોલ્યો, ‘દેવકીના સાત ગર્ભો મને આપજો.’ મેં ‘ભલે’ એમ કહીને તે સ્વીકાર્યું. કંસ ગયો ત્યાર પછી મેં સાંભળ્યું કે ‘(દેવકીના લગ્ન સમયે) મદિરાથી મત્ત થયેલી કંસની પત્ની જીવયશાએ કુમારશ્રમણ અતિમુક્તકને, તેઓ પોતાના દિયર હોવાથી, લાંબા સમય સુધી હેરાન કર્યો હતો. આથી તે ભગવાને જીવયશાને શાપ આપ્યો હતો કે, ‘હે ઉત્સવમાં મત્ત થયેલી! જેના પ્રસંગમાં — લગ્નમાં તું આનંદિત થઈને નાચે છે તેનો સાતમો પુત્ર તારા પિતા અને પતિનો વધ કરનાર થશે.’ આ પ્રમાણે કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. ડરેલા એવા કંસે પણ સાત ગર્ભની માગણી કરી.’ (મેં વિચાર્યું,) ‘શુદ્ધ હૃદયવાળા એવા મેં જે સ્વીકાર્યું છે તે જ ભલે થાઓ.’ આ પ્રમાણે સમય વીતતો હતો. ત્યાં દેવકીના છ પુત્રોનો મારા વચનના દોષથી દુરાત્મા કંસે વધ કર્યો. કોઈ એક વાર દેવકી સાત મહાસ્વપ્નો જોઈને મને કહેવા લાગી, જેમ કે — ‘મેં સાત સ્વપ્નો જોયાં છે.’ મેં કહ્યું, ‘સુતનુ! તો આ તારો સાતમો પુત્ર, અતિમુક્ત કુમારશ્રમણે નિર્દેશ કર્યો હતો તે પ્રમાણે, કંસ અને જરાસંધનો ઘાત કરનાર થશે, માટે વિષાદનો ત્યાગ કર. ચારણશ્રમણો સત્ય વચનવાળા હોય છે.’ આનંદિત થયેલી દેવકીએ ‘બરાબર’ એમ કહીને તે વચન સ્વીકાર્યું. કેટલાક દિવસો વીત્યા પછી ગર્ભ વૃદ્ધિ પામ્યો. એટલે દેવીએ દાસીઓ મોકલીને એકાન્તમાં મને વિનંતી કરી, ‘આર્યપુત્ર! કૃપા કરો; દેવ! મારા સાતમા ગર્ભનું રક્ષણ કરો. છેવટે મારો એક પુત્ર તો ભલે જીવે. એમાં (પ્રતિજ્ઞાભંગનું) જે પાપ થાય તે અમને થશે.’ મેં પણ તેઓની આગળ સ્વીકાર્યું કે ‘એમ કરીશ, નિશ્ચંતિ થા, હમણાં ચૂપ.’ પ્રસવકાળે કંસે મોકલેલા કંચુકીઓ દિવ્ય પ્રભાવથી ગાઢ નિદ્રામાં પડ્યા. પછી કુમાર જન્મ્યો; જાતકર્મ કર્યા પછી હું તેને બહાર લઈ ગયો. તે સમયે ચંદ્ર શ્રવણ નક્ષત્રના યોગમાં રહેલો હતો, વરસાદ વરસતો હતો, દેવતા અદૃષ્ટપણે (અમારી ઉપર) છત્ર ધરતી હતી, (અમારી) બન્ને બાજુએ દીપિકાઓ રહેલી હતી અને શ્વેત વૃષભ અમારી આગળ ઊભો રહેલો હતો. આ પ્રભાવથી વિસ્મિત થયેલા ઉગ્રસેને મને કહ્યું, ‘વસુદેવ! આ મહાઅદ્ભુત ક્યાં લઈ જાય છે?’ મેં પણ તેને વચન આપ્યું, ‘આ મહાઅદ્ભુત થાય છે માટે તમે અમારા રાજા થશો; આ ગુપ્ત વાત કોઈને કહેવી નહીં.’ પછી યમુના નદીએ માર્ગ આપ્યો, એટલે તેમાં હું ઊતર્યો, અને વ્રજમાં ગોકુળમાં પહોંચ્યો. ત્યાં નંદ ગોપની પત્ની યશોદાએ એ પૂર્વે જ પુત્રીને જન્મ આપ્યો હતો તેને એ કુમાર સોંપ્યો, અને પુત્રીને લઈને પાછો જલદીથી પોતાના ભવનમાં હું આવ્યો. દેવકીની સમીપ કન્યાને રાખીને હું ત્વરાપૂર્વક ચાલ્યો ગયો. કંસની પરિચારિકાઓ પણ તે સમયે જાગી, અને કંસને આ વાતની ખબર આપી. ‘ભલે અલક્ષણા -’ કહીને કંસે તે કન્યાનું નાક કપાવ્યું. કેટલાક દિવસો ગયા પછી, ઘણી સ્ત્રીઓ વડે વીંટળાયેલી તથા ધવલ વસ્ત્રને ધારણ કરનારી દેવકી ગાયોના માર્ગની પૂજા કરતી પુત્રને જોવાને માટે વ્રજમાં ગઈ. (તે સમયથી) જનપદોમાં ગોમાર્ગ — ગાયોને પૂજવાનો વિધિ પ્રવર્ત્યો. કંસે પણ નૈમિત્તિકને પૂછ્યું, ‘અતિમુક્ત શ્રમણના આદેશમાં વિસંવાદ કેમ થયો?’ નૈમિત્તિકે કહ્યું, ‘એ ભગવાનના વચનમાં વિસંવાદ ન થાય; (એ પુત્ર) વ્રજમાં ઊછરે છે.’ પછી કૃષ્ણની શંકા કરતા એવા કંસે તેનો વિનાશ કરવાને માટે કૃષ્ણયક્ષોને આદેશ કર્યો. તેઓ નંદગોપના ગોકુળમાં પહોંચ્યા. ત્યાં તેમણે ગધેડા, ઘોડા અને આખલા છૂટા મૂક્યા. તેઓ લોકોને પીડા કરવા લાગ્યા. પણ કૃષ્ણે તેમનો નાશ કર્યો. મેં પણ છાની રીતે કૃષ્ણનું રક્ષણ કરવા માટે સંકર્ષણને ઉપાધ્યાય તરીકે ત્યાં રાખ્યો. તેણે કૃષ્ણને કલાઓ શીખવી. નૈમિત્તિકનું વચન પ્રમાણ કરતા એવા કંસે સત્યભામા કન્યાના ઘરમાં ધનુષ્ય રાખ્યું કે ‘જે આ ધનુષ્યને ચઢાવશે તેને સત્યભામા કન્યા આપવામાં આવશે.’ એક વાર સત્યભામા કન્યાની ઇચ્છા કરતો અનાધૃષ્ટિ વ્રજમાં થઈને આવ્યો; બલદેવ અને કૃષ્ણે તેની પૂજા કરી. પ્રસ્થાનના સમયે કૃષ્ણે તેને રહસ્ય બતાવ્યું (અર્થાત્ ‘હું તારો ભાઈ છું’ એમ અનાધૃષ્ટિને કહ્યું). પછી વટવૃક્ષમાં તેના રથનો ધ્વજ ભરાઈ ગયો. વડની શાખા ભાંગવાને જ્યારે અનાધૃષ્ટિ અશક્ત હતો ત્યારે કૃષ્ણે તે ભાંગી નાખી. પછી ગર્જના કરીને તેણે રથ નગરમાં પ્રવેશાવ્યો. તેઓ સત્યભામાને ઘેર પહોંચ્યા. અનાધૃષ્ટિ ધનુષ્ય ચઢાવી શક્યો નહીં, ત્યારે કૃષ્ણે તે ચઢાવ્યું. પછી મારી પાસે આવીને તે કહેવા લાગ્યો, ‘તાત! મેં સત્યભામાને ઘેર ધનુષ્ય ચઢાવ્યું છે.’ મેં કહ્યું, ‘પુત્ર! ધનુષ્ય ઉપર પણછ ચઢાવીને તેં સારું કર્યું છે. પૂર્વે એ પ્રમાણે નક્કી કરવામાં આવેલું છે કે ‘જે એ ધનુષ્ય ઉપર દોરી ચઢાવે તેને એ સત્યભામા કન્યા આપવી’