ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/રાજકન્યા કપિલાનો સ્વયંવર


રાજકન્યા કપિલાનો સ્વયંવર

એ જ નગરમાં કપિલ રાજાની પુત્રી કપિલા નામે હતી. તે નાગદત્તાની સખી હતી. તેણે સાંભળ્યું કે, ‘નાગદત્તાને વર મળ્યો છે અને તેનું લગ્ન થઈ ગયું છે. એ વર પણ પુરુષગુણોનો ભંડાર અને નવયુવાન છે.’ એટલે મદનના બાણથી શોષાતા હૃદયવાળી તેણે માતાને કહ્યું, ‘માતા! કૃપા કરીને મને જલદી સ્વયંવર આપો.’ પુત્રીવત્સલ માતાએ કપિલ રાજાને વિનંતી કરી કે ‘કપિલાને સ્વયંવર આપો.’ રાજાએ કહ્યું, ‘ભલે, એમ કરો.’ પછી રાજાએ શુભ દિવસે કપિલાનો સ્વયંવર કર્યો. પોતાના વૈભવ અનુસાર વેશ અને અલંકાર પહેરેલા ધનાઢ્યો અને કૌટુમ્બિકોના પુત્રો અને બીજા પણ વૈભવ પ્રમાણે વેશ ધારણ કરેલા ઈભ્યપુત્રોને બેસાડવામાં આવ્યા. વિનીત વેશ અને આભરણવાળો ધમ્મિલ્લ પણ ત્યાં ગયો. પછી પદ્મખંડમાં વસતી લક્ષ્મી સમાન તે રાજકન્યા પોતાની કાન્તિ વડે લોકોની દૃષ્ટિને આકર્ષતી સ્વયંવરમંડપમાં આવી. રૂપાતિશયથી યુક્ત તેને ધમ્મિલ્લે જોઈ. દેવકુમાર જેવી કાન્તિવાળા ધમ્મિલ્લને તેણે પણ સ્નિગ્ધ અને મધુર દૃષ્ટિથી અવલોક્યો. મદનના બાણથી ઘાયલ હૃદયવાળી તે ધમ્મિલ્લની પાસે ગઈ, સુવાસિત પુષ્પની માળા ધમ્મિલ્લના ગળામાં પહેરાવી, અને માથા ઉપર અક્ષત નાખ્યા. એ જોઈને લોકો ખૂબ વિસ્મય પામ્યા. સ્વયંવર થઈ ગયો અને રાજાની આજ્ઞાથી ધમ્મિલ્લને ભવનમાં લઈ જવામાં આવ્યો. રાજકુળને છાજે તેવી રીતે તેમનું લગ્ન થયું.

આ વાત આમ બની. બીજી બાજુ, ધમ્મિલ્લના વિયોગથી દુર્બળ અને ફિક્કા કપોલવાળી અને શોકસાગરમાં ડૂબેલી વિમલસેના દુઃખપૂર્વક રહેતી હતી.

પછી બીજા દિવસે રાજાની સંમતિથી ધમ્મિલ્લને કપિલા તથા પરિજનો સહિત નગરમાં ફેરવવામાં આવ્યો. સર્વ રિદ્ધિ અને વૈભવ સહિત ફરતો તે વિમલસેનાના ઘરના અગ્ર દ્વાર આગળ આવ્યો. એટલે નોકરો અને દાસદાસીઓ ‘રાજાએ પોતાની કન્યા કોની સાથે પરણાવી છે?’ એ જોવાને માટે બહાર નીકળ્યાં. તેમણે ધમ્મિલ્લને જોયો, એટલે ઉતાવળે વિમલસેનાની પાસે જઈને કહ્યું, ‘સ્વામિનિ! ધમ્મિલ્લ રાજાનો જમાઈ થયો છે.’ આ વચન સાંભળીને ઈર્ષ્યાથી જેનું શરીર કંપ્યું છે એવી વિમલસેના પોતાના હૃદય સાથે વિચાર કરી ‘મારે શા માટે બેસી રહેવું?’ એમ નક્કી કરી હાથપગ ધોઈ, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, સોનાની ગજમુખી ઝારીમાં અર્ઘ્ય લઈને નીકળી. વાહનની પ્રદક્ષિણા કરીને તેણે ધમ્મિલ્લનો જમણો હાથ ઊંચો કરીને કહ્યું, ‘સ્વામી! તમારી રીત જોઈ લીધી.’ આ સાંભળી ધમ્મિલ્લે તેને તે જ હાથથી પકડીને વાહનમાં બેસાડી. પછી ધમ્મિલ્લ રાજમહેલમાં પહોંચ્યો અને વાહનમાંથી ઊતર્યો. ત્યાં તેનું કૌતુકમંગલ કરવામાં આવ્યું. પછી કપિલા અને વિમલાની સાથે સુખ અનુભવતો તે રહેવા લાગ્યો.