ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/વિમલસેનાનો પરિચય


વિમલસેનાનો પરિચય

આ જ નગરમાં (કુશાગ્રપુરમાં) અમિત્રદમન રાજા છે. તેની પુત્રી વિમલસેના નામે છે. તે પુરુષનો સંસર્ગ ટાળતી હતી, પુરુષ વિશેની વાતથી પણ ક્રોધે ભરાતી હતી. આથી રાજાએ વિચાર કરીને રાજ્યમાર્ગની પાસે તેને માટે એક આવાસ કરાવ્યો. ત્યાં અનેક દાસીઓ તેમ જ મારી સાથે રહીને અનેક રૂપવાળા પુરુષોને જોતી તે વસતી હતી. એક વાર દાસીઓની વાત તેણે સાંભળી કે, ‘આ મગધાપુર(કુશાગ્રપુર — રાજગૃહ)માં બહુ ગુણ અને રૂપથી સંપન્ન ધમ્મિલ્લ નામે સાર્થવાહપુત્ર રહે છે.’ એ ધમ્મિલ્લને એક વાર તેણે રાજમાર્ગ ઉપર પસાર થતો જોયો અને પૂછ્યું, ‘આ કોણ છે?’ દાસીઓએ કહ્યું, ‘સ્વામિનિ! આ ધમ્મિલ્લ છે.’ આથી તેણે પોતાની દાસીને ધમ્મિલ્લ પાસે મોકલી. જેણે સંકેતનો સંદેશ જાણ્યો છે એવી તે દાસી પાછી આવીને કહેવા લાગી. ‘સ્વામિનિ! મેં એને યથાયોગ્ય બધું કહ્યું છે. આ નગરમાં રહેતા ક્ષીણવૈભવ સાર્થવાહ સમુદ્રદત્તનો પુત્ર તે ધમ્મિલ્લ છે. તેણે ભૂતગૃહમાં તમને મળવાનો સંકેત કર્યો છે.’ એટલે વિમલસેનાએ મને પૂછ્યું, ‘કમલસેના! શું આ યોગ્ય છે?’ મેં વિચાર કર્યો કે, ‘આને કોઈ પુરુષ ગમ્યો એ જ એક મોટું આશ્ચર્ય છે, માટે તે પોતાના ઇચ્છિત પુરુષનો સમાગમ ભલે પામે.’ આમ વિચારીને મેં તેને કહ્યું કે, ‘સુન્દરિ! એમ ભલે થાય. તેણે સંકેત કર્યો છે તે સ્થળે આપણે જઈએ.’ પછી અમે બન્ને જણીઓ રથમાં બેસીને ભૂતગૃહ પાસે આવી. અમારી સાથે આવેલા કંચુકીને અમે બહાનું કાઢીને પાછો મોકલ્યો, એટલે તે ગયો. પછી ત્યાં અમે તમને જોયા. પહેલાંના સ્નેહના અનુરાગથી સવારે વિમલસેનાએ તમને જોયા ત્યારે ‘આ તો આવો કુરૂપ છે’ એમ જાણીને તે વિરાગ પામી, માટે આર્યપુત્ર! જિતપુત્ર રાજાની પુત્રી આ વિમલાનો તમારે એવી રીતે અનુનય કરવો, જેથી મારી સાથે તે પણ તમારી આજ્ઞાકારી થાય.’

એટલે ધમ્મિલ્લે હાથ જોડીને કહ્યું, ‘કમલસેના! મારો મનોરથ સફળ થવો એ તારા હાથમાં છે. મારી સાથે તેનું મન ગોઠે એવું કંઈક તું કર.. હું પણ તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશ.’ આ પ્રમાણે વાર્તાલાપ કરતાં રાત વીતી ગઈ.

અનુક્રમે નિર્મળ પ્રભાત થયું. પ્રભાતે તેમણે ગામધણીની રજા માગી. શૌચાદિ કૃત્ય કરીને રથ જોડ્યો, અને રથમાં બેસીને આગળ ચાલ્યાં. ગામની સીમ વટાવીને અનેક ભીમ અને અર્જુન (એ નામનાં વૃક્ષો) વડે ગહન, અને હિંસક પશુઓ અને પક્ષીઓ વડે સેવિત અને અનેક સરોવરનાં જળથી યુક્ત એવી અટવીમાં તેઓ પ્રવેશ્યાં. તેમાં થોડેક દૂર જતાં માર્ગની નજદીક તેમણે મોટી ફણાવાળા, ચણોઠીના અર્ધભાગ જેવી લાલ આંખવાળા, પવનના ઝપાટા જેવો સુસવાટ કરતા અને બન્ને જીભોનો લપલપાટ કરતા નાગને જોયો. આ જોઈને કમલસેના અને વિમલસેના ભય પામ્યાં, પણ ધમ્મિલ્લે તેમને આશ્વાસન આપીને સાધુજનોની પરંપરા દ્વારા શીખેલી ઉત્સારિણી વિદ્યા વડે તે નાગને માર્ગમાંથી દૂર કરી દીધો.

આગળ ચાલતાં તેમણે મનુષ્ય અને પશુઓના માંસના સ્વાદમાં લોલુપ, જિહ્વાથી ઓઠ ચાટતા અને મોઢું ફાડીને ઊભેલા તીક્ષ્ણ દાઢવાળા વાઘને જોયો. મૃદુ હૃદયવાળી તે સ્ત્રીઓ ફરી પણ ભય પામી. તેમને ફરી વાર આશ્વાસન આપીને ધમ્મિલ્લે તેને મંત્રપ્રભાવથી દૂર કરી દીધો. આ રીતે વાઘ ચાલ્યો ગયો.

વળી આગળ નજર નાખી તો કાલમેઘની જેમ ગર્જના કરતા, નવા વર્ષાકાળના દિવસની જેમ પુષ્કળ મદજળથી ભૂમિનું સિંચન કરતા, દંતશૂળ ઉપર સૂંઢ વળગાડીને ઊભેલા હાથીને પંથ રોકીને ઊભેલો જોયો. એ હાથીને જોઈને ધમ્મિલ્લે કહ્યું, ‘સુન્દરિ! જો, થોડીક વાર હું હાથીને ખેલાવું.’ એમ કહીને તે રથમાંથી ઊતર્યો. પછી વિમલાનું ચિત્ત હરવાનો પ્રયત્ન કરતાં તેણે એક કપડાંનો વીંટલો કરીને હાથીને લલકાર્યો. એટલે તે ચપળ સૂંઢવાળો હાથી વાળ ઊંચા કરીને, દોડીને; પગ અને સૂંઢ જમીન ઉપર પછાડીને ધમ્મિલ્લને મારવા માટે જોરથી ધસ્યો. ધમ્મિલ્લે પોતાનું ઉત્તરીય તેની તરફ ફેંક્યું. હાથી તે ઉત્તરીયને મનુષ્ય ધારી તેને ચૂંથવા લાગ્યો. એટલે અત્યંત ચપળતાથી અને શીઘ્રતાથી દંતૂશળ ઉપર પગ મૂકીને ધમ્મિલ્લ હાથીની પીઠ ઉપર ચઢી ગયો. રોષે ભરાયેલો તે હાથી ચીસો પાડવા લાગ્યો, દોડવા લાગ્યો, ધૂણવા લાગ્યો, પટકાવા લાગ્યો, અને પોતાની સૂંઢથી તેને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ધમ્મિલ્લ હસ્તીવિદ્યાની પોતાની કુશળતાથી તેને ખેલાવવા લાગ્યો. પોતાના પગ, દંતૂશળ અને સૂંઢ વડે ધમ્મિલ્લને પ્રહાર કરવા ઇચ્છતો છતાં તે હાથી તેમ કરી શક્યો નહીં. પછી સ્વચ્છંદે વનમાં વિચરવાને લીધે સુકુમાર- નહીં કેળવાયેલા શરીરવાળા તે હાથીને ધમ્મિલ્લે છોડી દીધો, એટલે તીવ્ર ચિત્કાર કરીને વૃક્ષોને ભાંગતો તે નાસી ગયો. ધમ્મિલ્લ પણ હસીને રથમાં બેઠો. કમલસેના અને વિમલસેના ખૂબ વિસ્મય પામી.

પછી રથ આગળ ચાલ્યો, તો સામે જ અડદના મોટા ઢગલા જેવા શ્યામ, જળાશયોના અવડ કિનારા ઉપરના રાફડાઓ તોડવાની ક્રિયા વડે તીક્ષ્ણ શિંગડાંવાળા, પોતાના આગળની જમીન ખોદતા, મોટી કાયાવાળા તથા જેની નજર પડખે છે (વક્ર છે) એવા પાડાને જોયો. એટલે ધમ્મિલ્લે વિચાર્યું કે, ‘ઘોડા ઉપર આક્રમણ કરવા માટે આ અહીં આવી પહોંચે ત્યાર પહેલાં જ એને નસાડવાના ઉપાય વિચારું.’ આમ કરીને તે રથ ઉપરથી ઊતર્યો; અને વૃક્ષોની ઓથે પાડો ઊભો હતો તેની પાછળના ભાગમાં જઈને ઝાડીવાળા એક વિષમ ભૂમિભાગ ઉપર ઊભા રહીને તેણે સિંહનાદ કર્યો. એટલે સિંહના શબ્દથી બીનેલો તે પાડો ગુલ્મ, વેલીઓ અને લતાઓનાં ઝુંડને પોતાનાં શિંગડાંના અગ્રભાગ વડે ક્ષુબ્ધ કરતો નાસી ગયો. ધમ્મિલ્લ પણ પાછો આવીને રથમાં બેઠો.

પછી થોડી વારે અનેક પ્રકારનાં શસ્ત્ર, ખડ્ગ, શક્તિ અને ઢાલ હાથમાં ધારણ કરતા, અનેક દેશની ભાષાઓમાં વિશારદ અને વેગથી આવતા ચોર લોકોને જોઈને કમલા તથા વિમલા કંપવા લાગી. ‘બીશો નહીં’ એ પ્રમાણે તેમને આશ્વાસન આપીને માર્ગની બાજુમાં ધમ્મિલ્લ ઊભો રહ્યો. હાથમાં દંડો લઈને દોડીને તે દંડાના એક જ પ્રહારથી ઢાલ અને શક્તિવાળા એક ચોરને તેણે મારી નાખ્યો; અને તેની ઢાલ અને શક્તિ પોતે લઈ લીધી. આયુધ ધારણ કરેલા તેને જોઈને પોતાના પરાક્રમનું અભિમાન રાખતા બીજા શૂરવીર ચોરો ત્યાં આવી પહોંચ્યા, પણ ઢાલ ફેરવવાની પોતાની કળાથી ધમ્મિલ્લે તેમની વચમાં પેસીને તેમની ઉપર પ્રહારો કરતાં તેઓ દિશા-દિશામાં વીખરાઈ ગયા, અને ફલક, શક્તિ, તોમર વગેરે હથિયારો છોડી દઈને નાસવા લાગ્યા. તેમને નાસતા જોઈને ગર્જના કરતો તથા ‘મારો! મારો!’ એમ બોલતો ચોર-સેનાપતિ આવી પહોંચ્યો. જેણે ક્રિયાઓ જીતી છે એવા ધમ્મિલ્લે માયાથી તેને ભમાડીને તથા તેનું છિદ્ર-નબળાઈ જાણીને શક્તિના એક જ પ્રહારથી મારી નાખ્યો. પોતાના સેનાપતિને પડેલો જોઈને બાકીના ચોરો પણ નાસી ગયા.

પછી ધમ્મિલ્લ પાછો વળીને રથ પાસે આવ્યો, અને રથ ઉપર બેઠો. રોમાંચિત શરીરવાળી તથા પોતાના (ધમ્મિલ્લના) ગુણ વર્ણવતી કમલસેનાની વાતો તે સાંભળવા લાગ્યો. એટલે વિમલસેનાએ કહ્યું -

‘આ ભિખારીની વાત પણ મને ન કરીશ, એનું નામ પણ ન લઈશ; હે માતા! મને એમ થાય છે કે હું તને પણ મારી આંખોથી ન જોઉં.’ આમ બોલીને તે ચૂપ થઈ ગઈ.

ધમ્મિલ્લે રથ ચલાવ્યો. આગળ ચાલતાં તેમણે પટહ, ભેરી અને શંખશબ્દથી મિશ્ર, વિજયમાળાઓ વડે સુશોભિત, અને યોદ્ધાઓની કિલકારથી યુક્ત એવો મોટો હર્ષકોલાહલ સાંભળ્યો. ધમ્મિલ્લે વિચાર્યું કે, ‘ખરેખર મેં નસાડેલા ચોરોની વહાર આવી લાગે છે.’ તે જોઈને રાજકન્યા વિમલસેના તથા કમલસેના બમણો ભય પામી. ‘હું જીવું છું ત્યાં સુધી કોઈ તમારો પરાભવ કરનાર નથી’ એમ ધમ્મિલ્લ તેમને આશ્વાસન આપતો હતો એટલામાં તે સામા સૈન્યમાંથી જેણે કેડ બાંધેલી છે એવો, પ્રશ્નોત્તરમાં કુશળ, વિનીત વેશવાળા તથા જેણે શસ્ત્રો દૂર નાખ્યાં છે એવો એક પુરુષ તેમની પાસે આવ્યો. ધમ્મિલ્લે વિચાર્યું કે, ‘નક્કી આ દૂત હશે.’ દૂર ઊભા રહીને વિનયપૂર્વક પ્રણામ કરીને તેણે કહ્યું, ‘અંજનગિરિની ગુફા પાસે આવેલી અશનિપલ્લીનો અધિપતિ અમારો સેનાપતિ અજિતસેન આપને આ પ્રમાણે વિનંતી કરે છે: આપે હમણાં અર્જુન નામે ચોર-સેનાપતિને મારી ઘણા ભયવાળા આ માર્ગને ભયમુક્ત કર્યો છે. અહો! હું સંતુષ્ટ થયો છું. એ અર્જુન મારો વેરી હતો, તેથી આશ્ચર્ય માનતો હું આપના દર્શનની ઇચ્છા રાખતો અહીં આવ્યો છું. આપ મારા કુતૂહલનું કારણ છો. આપને અભય હો, આપ ડરશો નહીં, વિશ્વસ્ત થાઓ.’ ધમ્મિલ્લ પણ તેનું આ વચન સાંભળીને પ્રસન્ન થઈને અજિતસેનની પાસે ગયો. તે પણ સામે આવ્યો, અને ઘોડા ઉપરથી ઊતર્યો. ધમ્મિલ્લ રથ ઉપરથી ઊતરતો હતો ત્યાં જ તેણે તેને આલિંગન આપ્યું; અને તેનું માથું સૂંઘીને કહ્યું, ‘વત્સ! અહો! તેં સાહસ કર્યું છે. અમે તથા બીજા ઘણા નહોતા કરી શક્યા તે માર્ગ તેં ચાલુ કર્યો છે. અર્જુનને મારવાથી તેં સર્વેનું કલ્યાણ કર્યું છે.’ ધમ્મિલ્લે કહ્યું, ‘એ તમારા ચરણનો પ્રભાવ છે.’ અજિતસેન તેને અભિનંદન આપીને પોતાના ગામમાં લઈ ગયો. ત્યાં ઉતારો તથા આહાર આપવામાં આવતાં તે સુખપૂર્વક રહેવા લાગ્યો. ધમ્મિલ્લના ગુણકીર્તન અને પ્રશંસા વડે કમલસેના વિમલસેનાને સમજાવવા લાગી, ત્યારે વિમલસેના બોલી -

‘એ ભિખારીની વાત તું કરીશ નહીં, એનું નામ પણ લઈશ નહીં. જે આંખો વડે હું ભિખારીને જોઉં છું તે મારી આંખો પણ ફૂટી જાઓ.’

પછી કેટલાક દિવસો વીતી જતાં ધમ્મિલ્લે પલ્લીના અધિપતિને વિનંતી કરી કે, ‘અમારે ચંપાનગરી જવું છે, માટે રજા આપો.’ તેણે પૂજા-સત્કારપૂર્વક રજા આપતાં વિમલસેના અને કમલસેના સહિત ધમ્મિલ્લ ચંપાપુરી જવા નીકળ્યો. સુખપૂર્વક એક ગામથી બીજે ગામ પડાવ નાખતાં તેઓ ચંપાનગરીની નજદીક પહોંચ્યાં. ત્યાં ઘણા માણસોનો અવરજવર નહોતો એવા ઉદ્યાનની પાસે રથ છોડીને ધમ્મિલ્લે કમલસેનાને કહ્યું, ‘તમે અહીં બેસો; હું ચંપામાં જઈ ઉતારાની તપાસ કરીને આવું છું.’ એટલે કમલસેનાએ કહ્યું, ‘આર્યપુત્ર! ઘણું કરીને પુર, નગર અને જનપદોમાં છેતરપિંડી કરનારા માણસો રહે છે, માટે ક્રય-વિક્રયમાં લોભી ગાડાવાળો જેમ ઠગાયો તેમ તમે ન ઠગાઓ એવી રીતે પ્રમાદ કર્યા વગર જજો.’ એટલે તેણે કમલસેનાને પૂછ્યું, ‘ક્રય-વિક્રયમાં લુબ્ધ ગાડાવાળો કેવો હતો?’ કમલસેનાએ કહ્યું, ‘સાંભળો, આર્યપુત્ર!