ભારતીયકથાવિશ્વ-૩/વિમલસૂરિકૃત પઉમચરિયની કથાઓ/બહુરૂપા વિદ્યાની પ્રાપ્તિ માટે રાવણે કરેલી સાધના

From Ekatra Wiki
Revision as of 01:57, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


બહુરૂપા વિદ્યાની પ્રાપ્તિ માટે રાવણે કરેલી સાધના

રાવણ મંત્રીઓ સાથે મંત્રણા કરતાં બોલ્યો, ‘ઘણા બધા રાજાઓની સહાય માટે યુદ્ધ લડીને શત્રુઓ પર વિજય મેળવું તો પણ મારા પુત્રોનો વિનાશ તો થવાનો જ છે. કાં તો રાત્રે અજ્ઞાત વેશે પુત્રોના શત્રુઓને ઘેરી લઉં, એમને કપટ વડે મારી નાખી કુમારોને લઈ આવું.’ આમ કરતાં તેને એકદમ બહુરૂપા વિદ્યાની સાધના કરવાનો વિચાર આવ્યો. તે મહાવિદ્યા અત્યંત બળવાન, તેને દેવો પણ જીતી ન શકે. આમ વિચારી તેણે સેવકોને ભગવાન શાન્તિનાથના મંદિરને તોરણો વડે તરત જ સુશોભિત કરવા અને બધાં જિનમંદિરોમાં મહાપૂજા કરવા કહ્યું. આની બધી જવાબદારી મંદોદરીને સોંપી. તે વેળા કોયલકૂજનના સંગીતવાળો ફાગણ માસ હતો.

ભગવાન મુનિસુવ્રતના તીર્થમાં આ ભરતક્ષેત્ર જિનભવનોથી અલંકૃત હતું; ગ્રામસમૂહ શેઠ, ગૃહસ્થ અને ભવ્ય લોકોને આનંદમયી અને સુખદાયી હતો. અહીં જિનમંદિર ન હોય એવું કોઈ ગામ, નગર, નદીનો સંગમ, પર્વત, ત્રિભેટો, ચાર રસ્તા કે ચોક ન હતા. ચન્દ્રમા અને કુન્દ પુષ્પ જેવા શ્વેત, અનેક સંગીત તથા વાદ્યોના ધ્વનિવાળું, અનેક પ્રકારનાં ધ્વજાચિહ્નોવાળાં, સુવર્ણમય, રત્નમય, મણિમય પ્રતિમાઓથી ભરચક; ધ્વજા, પતાકા, છત્ર, ચામર, લંબૂષ (દડા આકારનું આભરણ) તથા દર્પણોથી સજાવેલાં ગૃહવાળાં મંદિરો લોકોએ વિભૂષિત કર્યાં, આમ લંકાનગરી પણ મનોહર તથા અલંકૃત જિનભવનોને કારણે ઇન્દ્રનગરી અલકાપુરીની જેમ શોભી રહી હતી. ફાગણ મહિનાની શુક્લ પક્ષની આઠમથી પૂનમ સુધી અઠ્ઠાઈ-મહોત્સવ ઉજવાયો. બંને સેનાઓમાં લોકોએ નિયમ લીધા. આઠ દિવસ તો બીજા લોકો પણ સંયમ પાળે. આ દિવસોમાં દેવો પણ દેવલોકમાં સમગ્ર પરિવાર સાથે ચૈત્યપૂજામાં વ્યસ્ત રહે છે. નંદીશ્વર દ્વીપમાં જઈને દેવ આઠ દિવસ દિવ્ય પુષ્પોથી જિન ચૈત્યોની પૂજા કરે છે. દેવો સુવર્ણકળશોમાં ક્ષીરસાગરના જળથી જિનેશ્વર ભગવાનને સ્નાન કરાવે છે, એટલે અહીં પણ પત્રપુટ વડે જિનાભિષેક કરવો જોઈએ. દેવો સુવર્ણ-પુષ્પોથી જિનેશ્વર ભગવાનને સ્નાન કરાવે છે, એટલે અહીં પણ લોકોએ પુષ્પોથી પૂજા કરવી જોઈએ.

લંકાનગરીમાં ઉત્સાહી, દૃઢ ભાવવાળા લોકોએ ધ્વજા, છત્ર, પતાકા વડે ચૈત્યગૃહો સુશોભિત કર્યાં. ગોશીર્ષચંદનથી લીંપેલાં આંગણાં તરત જ સુવર્ણ વગેરે રજથી આલેખિત રંગાવલિથી ચિતરાયાં. હીરા, ઇન્દ્રનીલ, મરકતશાળાઓથી દરવાજા સુશોભિત હતા, સુવાસિત પુષ્પો વડે તેમાં પૂજા થઈ હતી. જિનવરના પૂજાભિષેક માટે દહીં, ખીર, ઘીથી ભરેલા અને મોટાં ઉત્તમ પુષ્પોથી ઢાંકેલા પૂર્ણકળશ બારણે મુકાયા. ઝલ્લરિ, હુડુક, તિલિમ જેવા ઘોષ કરનારાં વાદ્ય જિનમંદિરોમાં વાગ્યાં. હજારો ભવનોના સમૂહની વચ્ચે આવેલ, નગરીના ભૂષણરૂપ રાવણનો મહેલ કૈલાસ પર્વતના ઊંચા શિખર જેવો શોભતો હતો. તેની બાજુમાં સુવર્ણની બનેલી ઉજ્જ્વળ અને વિચિત્ર દીવાલવાળું હજારો સ્તંભવાળું શાંતિનાથ ભગવાનનું સુંદર મંદિર હતું. અનેકવિધ રત્નો અને પુષ્પોથી પૂજાતા એ મંદિરને બધી બાજુએથી સુશોભિત કર્યું હતું. તે મંદિરમાં વિદ્યાસાધના માટે રાવણે પ્રવેશ કર્યો. તે સમયે મોટાં મોટાં નગારાં તથા વાદ્યોના વિવિધ ધ્વનિથી ત્રણે લોક જાણે ક્ષુબ્ધ થઈ ઊઠ્યા અને સ્નાનાભિષેકના ચંદનની રજથી આકાશ પીળું પીળું થઈ ગયું. શુદ્ધ ઇન્દીવર કમળ જેવા નીલવર્ણના મહાત્મા રાવણે નૈવેદ્ય, સુગન્ધિત ધૂપ અને પુષ્પોથી પૂજા કરી. શ્વેતવસ્ત્રધારી, નિયમપાલનવાળા, કુંડળોને કારણે તેજસ્વી લલાટવાળો રાવણ મનસા, વાચા, કર્મણા ત્રણે પ્રકારે વંદન કરી અર્ધપર્યંકાસનમાં બેસી, હાથમાં અક્ષમાલા લઈને વિદ્યાનું સ્મરણ કરવા લાગ્યો.

શરૂઆતમાં મંદોદરીને બધી જવાબદારી સોંપી હતી, તેણે મંત્રીને કહ્યું, ‘તમે નગરમાં યમદંડ નામની ઘોષણા કરાવો. બધા લોકો તપ, નિયમ, શીલ પાળે, જિનવરની પૂજા કરે અને જીવદયા રાખે. જે કોઈ ક્રોધે ભરાઈને આ દિવસોમાં પાપ કરશે તેનો વધ કરવામાં આવશે. પછી તે પિતા હોય કે બીજો કોઈ.’ મંદોદરીના કહેવાથી યમદંડે ઘોષણા જાહેર કરીને નગરજનોને કહેવામાં આવ્યું કે આ દિવસોમાં કોઈ દુવિર્નીત નર પણ પાપ ન આચરે. મંત્રીની ઘોેષણા સાંભળીને બધા જિનેન્દ્રના ઉત્તમ શાસનમાં ભક્તિભાવવાળા થયા, મુક્તિસ્થાનમાં ગયેલા, વિમલ તથા ચંદ્રમા જેવી કાન્તિવાળા તે જિનેન્દ્રોની આવશ્યક કર્તવ્યરૂપ પૂજા કરવામાં નિત્ય પ્રવૃત્ત રહ્યા.

ગુપ્તચરો પાસેથી આ સમગ્ર વૃત્તાંત જાણીને, શત્રુઓના વિજયને ન સહી શકનારા સૈનિકો અંંદરોઅંદર કહેવા લાગ્યા કે ભગવાન શાન્તિનાથના મંદિરમાં પ્રવેશી દેવોને પણ ભય પમાડનારી બહુરૂપા નામની મહાવિદ્યા રાવણ સિદ્ધ કરે તે પહેલાં ત્યાં જઈને નિયમસ્થ રાક્ષસપતિને ક્ષુબ્ધ કરવો જોઈએ, વિલંબ ન ચાલે. હે રાઘવ, જો તે બહુરૂપિણી મહાવિદ્યા મેળવી લેશે તો બધા દેવ પણ તેને જીતી નહીં શકે, પછી આપણા જેવા ક્ષુદ્રોની તો વાત જ શી? વિભીષણે રામને કહ્યું, ‘શાન્તિનાથ મંદિરમાં પેઠેલા અને વ્રતનિષ્ઠ રાવણને તમે શરૂઆતમાં જ પકડી લો.’ આ સાંભળી રામે કહ્યું, ‘યુદ્ધમાં ભયભીત પુરુષને પણ હું મારતો નથી, તો પછી જિન ચૈત્યગૃહમાં નિયમારૂઢ પુરુષની તો વાત ક્યાં કરવી?’ આ પછી આ વાનરસૈનિકોએ આઠ દિવસ મંત્રણા કરીને સેના સાથે કુમારોને લંકાનગરી મોકલ્યા.

કવચધારી, ચિહ્નવાળા તે કુમાર હાથી ઘોડા રથ પર સવાર થઈને રાવણને ક્ષુબ્ધ કરવા નીકળી પડ્યા. કુમાર મકરધ્વજ, આટોપ, ગરુડ, ચંદ્રાભ, રતિવર્ધન, શૂર, મહારથ, દૃઢરથ, વાતાયન, જ્યોતિ, મહાબલ, નન્દન, નીલ, પ્રીતિકર, નલ, સર્વપ્રિય, સર્વદુષ્ટ, સાગરઘોષ, સ્કન્દ, ચન્દ્રમરીચિ, સુપૂર્ણચન્દ્ર, સમાધિબહુલ, સિંહકટિ, દાસત્રી, જાંબુનદ, સંકટ, વિકટ, જયસેન — જેવા બીજા ઘણા સૈનિકો લંકાનગરી ગયા. તેમણે લંકાનગરીમાં લોકોને નિર્ભય જોયા. તેઓ આશ્ચર્ય પામીને બોલ્યા, ‘લંકાનરેશ કેટલો ધીરજવાન છે! યુદ્ધમાં ભાનુકર્ણ, ઇન્દ્રજિત, ધનવાહન પકડાઈ ગયા છે અને અક્ષ વગેરે ઘણા સૈનિકો મૃત્યુ પામ્યા છે. તો પણ રાક્ષસપતિ ક્ષણવાર માટે પણ ભય પામતો નથી.’ આમ વાતો કરતાં તેઓ ચકિત થયા. પછી વિભીષણના પુત્ર સુભૂષણે કહ્યું, ‘શંકા રહેવા દઈ તમે લંકામાં પ્રવેશ કરો અને યુવતીઓને છોડીને તેમને લલચાવો.’ આમ કહ્યું એટલે, કમાડવાળા ઉત્તમ દરવાજા તોડીને ચંચલ અને પ્રચંડ વાનર સૈનિકોએ લંકામાં પ્રવેશ કર્યો.

લંકામાં પ્રવેશેલાઓની દુંદુભિ સાંભળીને લોકો ખળભળ્યા. ‘શું થયું? શું થયું?’ બોલતાં તેઓ ભયવિહ્વળ અને વ્યાકુળ થઈ ગયા. ‘અરે, વાનરસેના આવી પહોંચી છે. બહુ બીક લાગે છે. જલદી ઘરમાં પેસી જાઓ, નહીંતર મરી જશો. અરે ભદ્ર, બચાવો, ભાઈ — તમે ન જતા. જલદી પાછા આવો. અરે દોડો... શત્રુસેનાથી ત્રસ્ત નગરી નથી દેખાતી?’ આમ કોલાહલ કરીને, એકબીજાને અથડાતા નગરજનોને કારણે રાવણનો મહેલ ક્ષુબ્ધ થઈ ઊઠ્યો. ભયને કારણે નાસી જતી કોઈ સ્ત્રીની મેખલા તૂટી જવાથી રત્નો વિખરાઈ ગયાં હતાં. તો કોઈ હાથનો આધાર લઈ જલદી જલદી જઈ રહી હતી. ભયને કારણે ચીસો પાડતી કોઈ પુષ્ટ નિતંબોવાળી સ્ત્રી ઉતાવળમાં પદ્મખંડમાં હંસીની જેમ પગ મૂકતી હતી. ઉન્નત અને ભારે સ્તનવાળી, બહુ પરિશ્રમથી વ્યાકુળ સ્ત્રી દારુણ ભય સામે આવી ચડ્યો હોવા છતાં શેરીમાં ધીરે ધીરે લચકતી ચાલે જઈ રહી હતી. કોઈ બીજી સ્ત્રીનો હાર પડી ગયો; કોઈના કડાં, કુંડળ તથા આભરણ પડી ગયાં, કોઈનું ઉત્તરીય સરી ગયું અને તો પણ કોઈને ખબર ન પડી.

આ પ્રકારે ભયવિહ્વળ તથા ક્ષુબ્ધ નગરજનોને જોઈને મયરાજા તૈયાર થઈને સેનાની સાથે રાવણના મહેલ પાસે આવ્યો. જિનવરના સિદ્ધાન્તનું સ્મરણ રાખનારી મંદોદરીએ તેમની સાથે યુદ્ધ કરતા તેને અટકાવ્યો. નગરજનોને ભયથી વ્યાકુળ જોઈને ભગવાન શાન્તિનાથ મંદિરમાંથી અતિભયંકર, વિકરાળ દાંત ધરાવતા મોઢાવાળા, ગ્રીષ્મકાળના સૂર્ય જેવા તેજસ્વી તથા ક્રૂર તેઓ આકાશમાં ઊડ્યા. તેમણે હાથી, ઘોડા, વાઘ, ભયાનક સાપ, મેઘ, અગ્નિવર્ષા કરતા પવન તથા પર્વત જેવાં રૂપ ધારણ કર્યાં. આ ભયાનક આકૃતિવાળા દેવોને જોઈ ભયને કારણે અકળાઈ ગયેલી વાનરસેના એકબીજા સાથે અથડાતી ભાગવા માંડી. શાન્તિનાથ મંદિરોમાં રહેતા દેવો ખિજાયા. પછી દેવતાઓની વચ્ચે જ શસ્ત્રો ફેંકાવાં લાગ્યાં, એકબીજાને લલકારવા લાગ્યા, અને ભયાનક મહાયુદ્ધ થયું. બીજા દેવોએ શાન્તિનાથ મંદિરના દેવોની સેનાને ભગાડી મૂકી છે એ જોઈ વાનર સૈનિકો ફરી લંકાનગરી જવા તૈયાર થયા. આ જાણીને ખિજાયેલા પૂર્ણભદ્રે માણિભદ્રને કહ્યું, ‘વાનર ચિહ્નવાળા આ મહાપાપીઓ શું કરે છે તે તો જુઓ. શાન્તિનાથ મંદિરમાં આવેલા, નિયમસ્થ, એકલા, રાવણને મારવા અતિભયાનક અને મિથ્યાદૃિષ્ટ વાનર તૈયાર થયા છે.’ ત્યારે માણિભદ્રે કહ્યું, ‘સાક્ષાત્ ઇન્દ્ર આવે તો તે પણ જિનભવનમાં ધ્યાનસ્થ રાવણને ક્ષુબ્ધ કરવા સમર્થ નથી.’ એમ કહી તે ખિજાયેલા યક્ષાધિપો ત્યાં જઈને એવી રીતે લડવા લાગ્યા કે દેવતાઓ લજ્જિત થઈને ભાગી ગયા. પછી પથ્થરો વડે વાનરસેનાને મારવા માટે આ યક્ષ ગયા ત્યારે તેમણે આકાશમાં ઊભેલા રામને જોયા.

પૂર્ણચંદ્રે કહ્યું, ‘ઉત્તમ કુળમાં જન્મેલા, વિખ્યાત દશરથપુત્ર રામ, મારી વાત સાંભળો. તમે ધર્મ-અધર્મ જાણો છો. અને જ્ઞાનસાગર પાર કરી ગયા છો. આવા ગુણવાન હોવા છતાં તમે આવું ખરાબ કાર્ય કેમ કરો છો? નિયમસ્થ અને ધીર રાવણ ભગવાન શાન્તિનાથના મંદિરમાં ધ્યાન ધરી રહ્યા છે ત્યારે તમે તમારા સેવકો દ્વારા લંકાનગરીના લોકોને શા માટે દુઃખી કરો છો? જે કોઈનું દ્રવ્ય છિનવે છે તે નિશ્ચિત તેના પ્રાણ હરે છે. આમ જાણી હે રાઘવ, તમારા સૈનિકોને અટકાવો.’

આ સાંભળી લક્ષ્મણે કહ્યું, ‘આ રાજાની ગુણનિધિ પત્ની સીતાનું હરણ રાક્ષસપતિ રાવણે કર્યું છે. આવાની તમે દયા ખાઓ છો?’

ત્યાર પછી વાનરનિધિ સુગ્રીવે સ્વર્ણપત્રો વડે અર્ઘ્ય આપીને યક્ષનરેન્દ્રને કહ્યું, ‘તમે આ મહાકોપ ટાળો.’ વશમાં આવેલી બહુરૂપિણી વિદ્યા તો શું — અત્યંત અભિમાની રાવણ બીજી વિદ્યાની સાધના પણ કેમ કરતો નથી? હે મહાયશ, તમે મારી સામે જુઓ. ક્રોધ મૂકીને, પ્રસન્નચિત્તે તમે તમારા સ્થાને જાઓ.’

એટલે પૂર્ણચંદ્રે કહ્યું, ‘આ નગરીમાં માત્ર આટલું કરો. જૂના તણખલાને પણ કોઈ દુઃખ પહોંચાડે એવું કાર્ય ન કરો.’ આમ કરી સમાનધર્મ ઉપર વાત્સલ્ય રાખનારા અને પરમેશ્વરમાં શ્રદ્ધાવાન યક્ષો પોતપોતાના સ્થાને જતા રહ્યા. આમ જે માનવી આ લોકમાં જિનેન્દ્રના શાસનમાં ભક્તિ, ઉત્સાહ અને સ્થિર મનોબળ રાખે છે તે એ ધીર સુખસુવિધા પ્રાપ્ત કરનારી વિદ્યા તો શું પણ વિમલ મોક્ષ પણ પામે છે.

યક્ષપતિ શાન્ત થયા છે એ જાણીને દર્પ અને અમર્ષવાળો અંગદ કિષ્કિન્ધિ દંડ નામના હાથી પર સવાર થયો. હાથમાં વિવિધ પ્રકારનાં શસ્ત્રો લઈને તથા વિવિધ વાહનો પર સવાર થઈને, કુમુદ, ઇન્દ્રનીલ વગેરે સૈનિકો લંકાપુરી જવા નીકળી પડ્યા. કુંકુમની અર્ચાવાળા, વિવિધ અલંકારમંડિત શરીરવાળા, બળવાન તથા પ્રચંડ કુમારો એક સાથે વગાડાતાં વાદ્યોના ધ્વનિથી વીંટળાયેલા હતા. ધ્વજ અને છત્રને કારણે તથા સેનાસમેત તેઓ અંગદ વગેરેને લઈને વાનર સૈનિકો લંકામાં પ્રવેશ્યા. નગરજનોને બીવડાવતા તેઓ રાવણના મહેલના આંગણે જઈ પહોંચ્યા. ત્યાં પાણી અને ગ્રાહોથી ભરેલી રત્નજડિત ભૂમિ જોઈને તેઓ બીધા. તે રત્નજડિત ભૂમિ પર બનાવેલી સ્થિર નેત્રોવાળી આકૃતિઓને ઓળખીને તેઓ રાવણના ભવનની પર્વતના ગુફા જેવા આકારવાળા દ્વારે જઈ પહોંચ્યા. ત્યાં ઇન્દ્રનીલમણિની ફરસમાં ભયંકર યંત્રોવાળા મોં ધરાવતા સિંહોને જોઈને વાનરો નાસી જવા તૈયાર થયા. કારણ જાણીને અંગદે બહુ મુશ્કેલીથી વાનર સૈનિકોને પાછા વાળ્યા અને પછી તેઓએ ચારે બાજુ નજર કરીને ભવનમાં પ્રવેશ કર્યો. સ્ફટિકમય સ્વચ્છ દીવાલને આકાશ માનનારા વાનરસૈનિકોનાં મસ્તક કઠણ શિલા સાથે અથડાયા અને ઘણા તો નીચે પડી ગયા. ઘુંટણ અને કોણીઓ ભાંગી જવાથી બહુ પીડાતા અને બીધેલા વાનરોને રસ્તાની ખબર પડી એટલે બીજા દરવાજામાં પેઠા. ત્યાં પણ ઇન્દ્રનીલમણિ વડે તૈયાર થયેલું કાજળકાળું આંગણું હતું. એમાંથી પસાર થવું શંકાસ્પદ છે એમ માનીને તેઓ ભાર દઈને પગ મૂકતા ન હતા. ત્યાં સ્ફટિકમય સોપાન પર તેમણે એક યુવતી જોઈ. દિગ્ભ્રાન્ત થઈને તેમણે પૂછ્યું, ‘ભદ્રે, જિનમંદિર ક્યાં છે?’ મંદિર શોધી રહેલાઓને તેણે ઉત્તર ન આપ્યો, જ્યારે તેને અડક્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો લેપ્યમહિલા (વિવિધ પ્રકારના પદાર્થોમાંથી બનાવેલી) છે. પડી ગયેલાં મોં લઈને તેઓ એક બીજા ખંડમાં ગયા. ત્યાં મહાનીલમણિની બનાવેલી દીવાલો સાથે અથડાયા. આંધળાની જેમ એકબીજાને ન જોઈ શકતા તે સૈનિકો ખૂબ લાંબી દીવાલોને હાથ વડે અડકવા લાગ્યા. એમ કરતાં કરતાં આગળ વધનારા તેમણે વાણી વડે સજીવ માનવીને જાણીને તેના કેશ નિષ્ઠુરતાથી પકડ્યા અને શાન્તિગૃહ બતાવવા કહ્યું અને આમ માર્ગદર્શક માણસને આગળ કરીને તે સૈનિકો શાન્તિજિનેન્દ્રના ઉત્તમ ભવનમાં જઈ પહોંચ્યા. તેમણે શરદઋતુના મેઘની જેમ શ્વેત, અનેક ચિત્રો દ્વારા સુશોભિત તથા ધ્વજપતાકાવાળું તે ભવન તેમને નીચે ઊતરેલા સ્વર્ગીય વિમાન જેવું લાગ્યું. વજ્ર, ઇન્દ્રનીલ તથા મરકત માલાઓ અને રેશમી વસ્ત્રોથી સુશોભિત દ્વારવાળા, વિવિધ પ્રકારનાં રત્નોથી તેજસ્વી, ઉત્તમ સુવાસિત પુષ્પો દ્વારા થતી પૂજા અને નૈવેદ્યથી ભરેલા, કાલાગરુની ખૂબ જ ધૂપથી ગંધવાળા, તે જ વખતે ચૂંટેલાં કમળથી પૂજાતા જિનમંદિરને જોઈ તે વિસ્મિત સૈનિકોએ ત્રણ વાર પ્રદક્ષિણા કરીને શાન્તિનાથ ભગવાનને વંદન કર્યાં.

આમ પોતાની સેનાને બહારનાં ખંડમાં ઊભી રાખીને દૃઢ હૃદયવાળા અંગદે શાન્તિનાથ મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં ભાવપૂર્વક વંદન કરીને તેણે સામે રત્નજડિત ભૂમિ પર યોગસ્થ રાક્ષસપતિ રાવણને જોયો. અંગદે તેને કહ્યું, ‘હે રાજા, જનકરાજાની પુત્રી સીતાનું અપહરણ કરીને ત્રણે લોકમાં ઉત્તમ એવા ભગવાનની આગળ શું દંભનું અનુષ્ઠાન કર્યું છે? હે અધમ રાક્ષસ, દુશ્ચરિત્રનું ધામ, તને ધિક્કાર છે. ખૂબ જ ક્રોધે ભરાયેલો યમ પણ તારા જે હાલ ન કરે તે હવે હું તારા કરીશ.’

પછી બળવાન હાથવાળા અને ક્રોધે ભરાયેલા સુગ્રીવપુત્ર અંગદે મોટે મોટેથી બરાડીને તેણે રાવણને ફટકાર્યો. તેની આગળ મૂકેલાં સહદળ કમળ ઊઠાવ્યાં અને ત્યાં જમીન પર બેઠેલી યુવતીઓને તેનાથી ફટકારી. તેના હાથમાં વિશુદ્ધ સ્ફટિકની બનેલી અક્ષમાલા વાદળમાં બકપંક્તિ જેવી શોભતી હતી. ઉત્તમ રત્નોની તેજસ્વી માળા અંગદે તરત જ તોડી નાખી. પછી પોતાનું વસ્ત્ર રાવણના ગળે વીંટાળ્યું. ખૂબ જ ગુસ્સે થયેલા અંગદે વસ્ત્ર લટકાવ્યું. પછી કુમારે મંદિરના સ્તંભ સાથે રાવણને બાંધ્યો. હસતા હસતા રાક્ષસરાજને પાંચ દીનારમાં પોતાના માણસને વેચી દીધો પછી કઠોર શબ્દોથી ગાળો સંભળાવી. અંગદકુમારે યુવતીઓના કાનમાંથી કુંડળ લઈ લીધાં, મસ્તક પરના અલંકાર, પગમાંનાં ઝાંઝર લઈ લીધાં. કોઈ બીજી સ્ત્રીનું વસ્ત્ર લઈ લીધું, એકબીજાના કેશથી બંનેને બાંધીને ચારે બાજુ ઘૂમતો તે હાથ વડે મારવા લાગ્યો. જેવી રીતે એક સાંઢ આખા ગોકુલને ક્ષુબ્ધ કરી મૂકે તેવી રીતે અંગદકુમારે તે અંત:પુરને ખળભળાવી મૂક્યું.

તેણે ફરી રાવણને કહ્યું, ‘અરે પાપી, તેં છલથી અને માયાથી આ એકાકી સીતાનું અપહરણ કર્યું છે. અરે રાવણ, હવે તારી સામે જ આ બધી સ્ત્રીઓનું અપહરણ કરું છું. તાકાત હોય તો રોક.’ એમ કહી જેવી રીતે ચક્રવર્તી ભરતે લક્ષ્મીને ખેંચી હતી તેવી રીતે પટરાણી મંદોદરીના કેશ પકડીને તેને ખેંચી. ‘અરે રાવણ, જો તારી હૃદયવલ્લભાને લઈ જઉં છું. તે વાનરપતિની ચામરધારિણી થશે.’ મંદોદરીનાં બધાં આભૂષણ પડી ગયાં હતાં, હાથ વડે વસ્ત્ર સંભાળતી, આંખોમાં આંસુ લાવીને પતિના બાહુઓમાં સમાવા મથી. ‘હે નાથ, રક્ષા કરો, હે યશસ્વી, આ પાપી વાનર તમારી સામે દીન અને કરુણ વિલાપ કરતી મને લઈ જાય છે. જો તમે ચન્દ્રહાસ તલવારથી આનું માથું વાઢી ન નાખો તો તમારા આ ધ્યાન-ઉપાસનાથી શું?’ આંસુ સારતી મંદોદરીએ આવા ઘણા વિલાપ કર્યા તો પણ રાવણ ગાઢ ધ્યાનમાં મગ્ન રહ્યો. વિદ્યાસાધનામાં તત્પર તથા ધ્યાનમગ્ન તેની બધી ઇન્દ્રિયો સંયત હોવાથી તે ન તો સાંભળતો હતો, ન જોતો હતો. મેરુની જેમ અકમ્પ, સાગરની જેમ અક્ષોભ્ય એ મહાત્મા, એકાગ્ર મનથી સીતાનું ચિંતન કરનારા રામની જેમ વિદ્યા માટે ધ્યાન કરી રહ્યો હતો. તે સમયે બધી દિશાઓને પ્રજ્વલિત કરતી, જયઘોષ કરતી બહુરૂપા વિદ્યા આવી. તે મહાવિદ્યાએ કહ્યું, ‘સ્વામી, હું સિદ્ધ થઈ છું. તમારા માટે કાર્ય કરવાને હું તત્પર છું. તમે આજ્ઞા કરો. મારા માટે સમગ્ર ત્રિલોક સાધ્ય છે. હે પ્રભુ, એક ચક્રવર્તી સિવાય આખા ત્રિભુવનને હું વશમાં લાવી શકું છું. લક્ષ્મણ અને રામની તે શી વિસાત?’

રાવણે કહ્યું, ‘ભગવતી વિદ્યા, એમાં તો કશી શંકા નથી. હું મનમાં વિચારું કે તરત મારી પાસે આવી જજો.’ નિયમ સમાપ્ત થયેલો લંકેશ રાવણ વિદ્યાને નમસ્કાર કરીને તે ભગવાન શાન્તિનાથના મંદિરમાં પ્રદક્ષિણા કરવા લાગ્યો, તે વેળા નિર્મલ યશ ધરાવતી મંદોદરીને મૂકીને સેનાને લઈ અંગદ રામ પાસે ચાલ્યો ગયો.

ત્યાર પછી રુદન કરતી અઢાર હજાર સ્ત્રીઓએ રાવણની ચરણવંદના કરીને કહ્યું, ‘હે પ્રભુ સાંભળો. હે સ્વામી, તમારા બધા વિદ્યાધર રાજાઓ હાજર હોવા છતાં વાલીપુત્ર અંગદે અમારું અપમાન કર્યું છે.’

તેમની વાત સાંભળીને ખિજાયેલા લંકાપતિએ કહ્યું, ‘જે આવો વ્યવહાર કરે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. હવે ક્રોધ ન કરો. મનમાંથી ચિંતા દૂર કરો. હું યુદ્ધમાં સુગ્રીવને મારી નાખીશ એમાં શંકા નથી. ભામંડલ વગેરે બધા જ દુષ્ટ વિદ્યાધરોને મારી જ નાખીશ, પછી બેપગા મનુષ્યોનું તો પૂછવું જ શું?’

આમ સ્ત્રીઓને આશ્વાસન આપીને તે બહાર નીકળ્યો. બધાં સાધન સુવિધાઓવાળા સ્નાનગૃહમાં તે પ્રવેશ્યો, જેમ અભિષેક વેળાએ પાંડુશિલા પર મુનિસુવ્રત જિનવર શોભતા હતા તેમ વૈદૂર્ય મણિથી નિર્માયેલી સ્નાનપીઠિકા પર શ્યામ વર્ણનો રાવણ શોભી રહ્યો હતો. મણિઓથી જડેલા શુદ્ધ સુવર્ણમાંથી બનેલા ઘડા અને ચંદ્રનાં કિરણો જેવા બહુ જ કિંમતી મણિમય ઘડા પાણીથી ભરેલા હતા. ગંભીર અવાજ કરતાં, ભેરિ, કાહલ, મૃદંગ, તલિમા અને સુંદર શંખવાળા, વાદળની જેમ ગરજતાં વાદ્યો વાગી રહ્યાં હતાં. ચન્દ્રમુખી સુંદર સ્ત્રીઓ રાવણને વિવિધ ચૂર્ણ, વર્ણ, ગંધયુક્ત દ્રવ્યોનો લેપ કરી રહી હતી. કેશપ્રસાધન કરીને રાવણે સુગંધિત શરીરને સુખ આપનાર શીતળ જળ વડે વિધિપૂર્વક સ્નાન કર્યું. હાર, કટક, કુંડલ, મુકુટ તથા અલંકારભૂષિત શરીર ધરાવતા રાવણે મંદિરમાં પ્રવેશ કરીને અનેક પુષ્પોથી પૂજા કરી, ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વન્દન કર્યાં, અને સહજ રીતે તે ભોજનમંડપમાં પ્રવેશ્યો. આપવામાં આવેલા આસન પર તે બિરાજ્યો. બીજા સૈનિકો પોતપોતાનાં નિર્મલ આસનો પર વેત્રાસન તથા સુવર્ણરચિત આસનો પર બેઠા. હાથપગ ધોવા માટેનાં વાસણ અપાયાં. ઘણી જાતનાં ભોજન આણ્યાં. બધા સૈનિકોની સાથે રાવણે ભોજન લીધું. અગણિત ખાદ્ય પદાર્થો, ચોસઠ પ્રકારનાં ભોજન, સોળ પ્રકારનાં ભોજનથી પૂર્ણ આહાર તે જમ્યો. ભોજનમાંથી પરવારીને સૈનિકોથી વીંટળાયેલો તે લીલા કરતો કરતો ક્રીડાભૂમિમાં ગયો, ત્યાં વિદ્યાની પરીક્ષા કરી. વિદ્યાબળ વડે રાક્ષસપતિએ અનેક રૂપ લીધાં, શત્રુઓને કંપિત કરીને હાથ વડે જમીન પછાડી ત્યારે સૈનિકોએ કહ્યું, ‘તમારા સિવાય બીજું કોણ રામને મારી શકે એમ છે?’

આવું સાંભળીને બધા અલંકારોથી સુશોભિત કાયાવાળા રાવણે આનંદિત થઈને ઇન્દ્ર જેવી રીતે નંદનવનમાં પ્રવેશે તેવી રીતે પદ્મોદ્યાનમાં પ્રવેશ કર્યો. રાવણની વિશાળ સેના જોઈને વિદીર્ણ હૈયાવાળી સીતાએ વિચાર્યું, આને તો ઇન્દ્ર પણ જીતી નહીં શકે, આવી ચિંતાતુર સીતાને રાવણે કહ્યું, ‘હે સુંદરી, મેં પાપીએ દગાફટકાથી તારું અપહરણ કર્યું છે. હે કૃશોદરી, અનન્તવીર્યને પગે પડીને મેં વ્રત લીધું હતું કે અપ્રસન્ન પરનારીનો સહવાસ હું નહીં કરું. હે વિશાલાક્ષી, તે વ્રતને યાદ કરીને મેં તારી સાથે વિલાસ કર્યો નથી. હે સુંદરી, હવે રામનો વધ કરીને હું તારી સાથે સહવાસ કરીશ. હે શશિવદના, પુષ્પક વિમાનમાં બેસીને તું આખી પૃથ્વી જોજે, મારી કૃપાથી ઉત્તમ સુખ ભોગવજે.’

આ સાંભળી ગદ્ગદ કંઠે સીતાએ રાવણને કહ્યું, ‘મારી વાત સાંભળ. હે લંકાપતિ, જો મારા પર તું સ્નેહ રાખતો હોય તો પુષ્કળ ક્રોધ આવે તો પણ યુદ્ધમાં સામે આવેલા રામ, લક્ષ્મણ, ભામંડલનો વધ ન કરીશ. આ પુરુષસિંહો વિશે કશો અશુભ ઉદ્વેગકર સમાચાર નહીં સાંભળું ત્યાં સુધી જ હું જીવતી રહીશ.’

આમ કહી સીતા ભૂમિ પર પડી ગઈ અને બેસુધ થઈ ગઈ. અશ્રુ સારતી સીતાને રાવણે મૃત્યુની નજીક જોઈ. તે એકાએક કોમળ હૃદયનો થઈ વિચારવા લાગ્યો, ‘કર્મોદયને કારણે કોઈ ગાઢ સ્નેહથી બંધાયો છું. ધિક્કાર છે મને, મેં પાપીએ આ નિંદાજનક કાર્ય કર્યું છે. એક બીજા માટે પ્રેમ રાખનારા આ યુગલને મેં જુદું કર્યું છે. પરનારી માટે કામાસક્ત બનીને મેં ચંદ્ર અને પુંડરીક જેવા શ્વેત અને ઉત્તમ કુળને કલંકિત કર્યું છે. નરશાર્દૂલ રામની પત્નીનું વનમાંથી અપહરણ કરીને કામવશ બનીને હું અહીં લઈ આવ્યો. આ દુષ્ટ કાર્ય માટે મને ધિક્કાર છે. નરકના વિશાળ માર્ગ જેવી, સ્વર્ગની કઠિન અર્ગલા જેવી, અનીતિની ભૂમિ જેવી, નદીની જેમ કુટિલ હૃદયવાળી સ્ત્રીનો ત્યાગ કરવો જોઈએ. જેને પહેલી વાર જોઈ ત્યારે જ અમૃતની જેમ મારાં અંગોને સ્પર્શનારી આ સ્ત્રીનું ચિત્ત તો બીજામાં છે, એટલે મારે માટે તે ઉદ્વેગકારક છે. રામ માટે જે સદ્ભાવ છે તે ત્યજીને મને ચાહે તો પણ અપમાનથી દુઃખી થયેલા મનવાળા મને ધૃતિ નહીં થાય. સતત અનુકૂળ મારો ભાઈ વિભીષણ જ્યારે મને હિતવચન સંભળાવતો હતો ત્યારે પણ મનમાં અનુરાગ ન હતો. મહા સૈનિકો પકડાઈ ગયા છે. હવે મોટા મોટા સૈનિકો મૃત્યુ પામ્યા છે, રામ અપમાનિત થયા છે. હવે મારો પ્રેમ ક્યાં? જો હું દયા કરીને સીતા રામને સોંપી દઉં તો જેમનાં હૃદય મહામુશ્કેલીએ સમજી શકાય છે એવા લોકો મને અશક્તિશાળી માનશે. આ યુદ્ધમાં સિંહ અને ગરુડની ધ્વજાવાળા રામ-લક્ષ્મણને જીતીને પછી પરમ વૈભવ સાથે હું સીતા તેમને સોંપીશ. આમ કરવાથી મારું પૌરુષ ઝાંખું નહીં પડે, સમસ્ત વિશ્વમાં નિર્મલ કીર્તિ પ્રાપ્ત થશે, એટલે યુદ્ધ કરું.’

આમ કહીને મહાન ઋદ્ધિવાળા રાવણે પોતાના ભવનની દિશામાં પ્રયાણ કર્યું. તે વેળા શત્રુજનિત પરાજિતની સ્મૃતિ આવી. ક્રોધે ભરાઈને તે બોલ્યો, ‘સુગ્રીવ અને અંગદને પકડીને આ ચંદ્રહાસ તલવારથી બંનેના ટુકડા કરી નાખીશ. પાપી ભામંડલને પકડીને વધુ મજબૂત સાંકળથી બાંધી. આજે મુદ્ગર વડે મારી મારીને તેને મડદું બનાવી દઈશ. કાષ્ઠયંત્રમાં જકડીને હનુમાનને આ તલવારથી વધેરી નાખીશ. રામલક્ષ્મણ સિવાયના બીજા સૈનિકોને મોતને ઘાટ ઉતારી દઈશ.’

આવો નિશ્ચય કરી બેઠેલા રાવણને પરાજયસૂચક ચિહ્નો વરતાવાં માંડ્યાં.

સૂર્ય શસ્ત્ર જેવો અને આકાશ કઠોર રંગવાળું થઈ ગયા. રાતે પૂર્ણ ચંદ્ર જાણે ભયભીત થઈને જતો રહ્યો. ધરતીકંપ થયો. ભયાનક વીજળીઓ પડવા લાગી. પૂર્વ દિશાને ચમકાવતી રાતી ઉલ્કાઓ ખરવા માંડી. મોંમાં જ્વાળાવાળી શિયાળવી ઉત્તર દિશામાં ભયાનક રુદન કરવા લાગી. ધૂ્રજતી ગરદનવાળા મોટા મોટા ઘોષ કઠોર અને શુષ્ક હણહણાટી કરવા લાગ્યા. પોતાની સૂંઢો જમીન પર પછાડતા હાથી મોટે મોટેથી ચીસો પાડવા લાગ્યા. દેવોની મૂતિર્ઓ આંસુ સારવા લાગી. સૂર્ય જોઈને કાગડાઓ કા કા કરવા લાગ્યા. મોટાં મોટાં બધાં સરોવર સુકાઈ ગયાં, આકાશમાંથી તડ તડ અવાજ કરતી લોહીની વર્ષા થઈ. આ અને આવા ઘણા કરુણ ઉત્પાત થયા. આ બધા વડે રાજાનું મૃત્યુ સૂચવાય છે એમાં શંકા નથી. અત્યંત કુટિલ ગ્રહોને કારણે નક્ષત્રોના બળ વિનાનો તે અભિમાની ના પાડવા છતાં યુદ્ધની આકાંક્ષા રાખતો હતો. પોતાના વિનાશથી બીધેલો અને એક માત્ર શૃંગાર રસમાં અત્યંત લીન રાવણ શાસ્ત્ર જાણતો હતો છતાં કાર્ય-અકાર્યનો વિવેક કરી શકતો ન હતો. તે વેળા રાવણના મનમાં કેવા વિચારો ચાલતા હતા? શત્રુસૈન્ય પર વિજય મેળવીને, બધા પુત્ર અને ભાઈઓને છોડાવીને હું લંકામાં પ્રવેશ કરીશ. પછી આમ કરીશ. સમગ્ર ભારત વર્ષના મનુષ્યોને મારી નાખીને બળ, શક્તિ, કાન્તિવાળા વિદ્યાધરોને સ્થાપીશ, એટલે પછી આ વંશમાં સુરેન્દ્રો વડે પૂજાતા ઉન્નત, વિમળ કીર્તિવાળા, અત્યંત બળવાન મહાત્મા જિનેશ્વર, ચક્રવર્તી, બલરામ, નારાયણ જન્મે.

એક તેજસ્વી દિવસે ઇન્દ્ર સમાન ઋદ્ધિપૂર્ણ રાવણ સૈનિકોની સાથે સભાસ્થાનમાં બેઠો હતો. ઉત્તમ હાર, સુવર્ણકુંડળ, મુકુટ, અલંકારોથી સુશોભિત શરીરવાળો તે પોતાની સભાને જોઈ વિશેષ ચિંતાતુર થયો. ભાઈ ભાનુકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન પુત્રો, સુભદ્ર હસ્ત-પ્રહસ્ત દેખાતા નથી. તે બધા ત્યાં ન હતા એટલે સુભટની ભ્રૃકુટિથી દેદીપ્યમાન મોં કરીને ચક્ર રત્ન ઉપર દૃષ્ટિ નાખી. હૃદયમાં વ્યાપેલા રોગવાળો તે શસ્ત્રાગારમાં જવા તૈયાર થયો. ત્યારે એકાએક વધુ ખરાબ શુકન થવા માંડ્યા. પગેથી ચાલવા જતાં બીજા પગથી ઘા થયો, સામેથી કાળો સાપ રસ્તે આડો ઊતર્યો. અરે અરે આગળ ન જાઓ — એવા અમંગળ શબ્દ સંભળાવા લાગ્યા, પરાજયસૂચક શુકન થવા લાગ્યા. તેનું ઉત્તરીય સરી પડ્યું, વૈદુર્યના દંડવાળું છત્ર ટૂટી પડ્યું.

ત્યારે મંદોદરીએ હાથ જોડીને પતિને કહ્યું, ‘હે સ્વામી, હે મહાયશસ્વી, દુઃખરૂપી જળથી, ભયંકર વિરહરૂપી નદીમાં હું ડૂબી રહી છું, તમે સ્નેહરૂપી હાથનો ટેકો આપી પાર ઉતારો. હે નાથ, સંશય રૂપી ત્રાજવે ચઢીને તમે તમારી જાતને સંદેહમાં શું કામ નાખો છો? ઉન્માર્ગે ભટકતા ચિત્તને તમે મર્યાદામાં રાખો. તમે તમારા ઊંચા કુળને શોભાવો, આત્માને પ્રશંસાપાત્ર બનાવો. ભૂમિ પર ફરતા મનુષ્યની કલહરૂપી જડ જેવી સ્ત્રીને સોંપી દો. શત્રુના મરણનો કે પોતાના મરણનો નિશ્ચય કરીને યુદ્ધમાં લડાય છે. તો પણ તેનું શું પ્રયોજન? એટલે પ્રેમપૂર્વક આ સીતા રામને સોંપી દો, મુનિ પાસે જે વ્રત લીધું હતું તેનું પાલન કરો. દેવોનો અનુગ્રહ મેળવો અથવા ભરત રાજા જેવા થાઓ, પરનારીના સંસર્ગથી માનવીને અપયશ જ મળે છે. જે પોતાની મૂર્ખાઈને કારણે પરનારી સાથે રતિ કરે છે તે ઉગ્ર તેજવાળા આશીવિષ સર્પની સાથે રમત કરે છે. હળાહળ વિષ જેવી, અત્યંત પ્રજ્વલિત અગ્નિજ્વાળા જેવી અને ભયંકર સ્વભાવવાળી વ્યાઘ્રી સમાન પરનારીને ત્યજી દો.’

ઇન્દીવર કમળ તથા વાદળ સમાન વર્ણવાળા રાવણે અભિમાનપૂર્વક હસીને પત્નીને કહ્યું, ‘હે શશિવદના, તને કેમ બીક લાગે છે? હું કંઈ રવિકીર્તિ નથી, નથી વિદ્યાધર અશનિઘોષ, કે એવો કોઈ માનવ-જેની સાથે તું આમ બોલે છે? શત્રુરૂપી વૃક્ષો માટે હું અગ્નિ જેવો છું, હું લંકાપતિ શશિમુખી સીતા નહીં સોંપું.’ રાવણે આમ કહ્યું એટલે ઈર્ષ્યાવશ થઈને પટરાણી બોલી, ‘નાથ, શું તમારે સીતા સાથે રતિસુખ માણવું છે?’ પછી ઈર્ષ્યાથી અને ક્રોધિત થઈ પતિ પર કર્ણોત્પલનો પ્રહાર કર્યો અને તેણે પૂછ્યું, ‘હે પ્રભુ, પ્રશંસા કરવી પડે એવી કઈ સુભગતા તમે તેનામાં જોઈ છે? હે પ્રભુ, કલાહીન અને ભૂમિ પર વિહાર કરનારી સ્ત્રી સાથે અધિક સ્નેહસંબંધ શા માટે બાંધવા માગો છો? વિદ્યાધરી સાથે સંબંધ બાંધો. તમારા હૃદયને ગમે એવી હું શું કરું? શું હું બધા પદ્મોની શોભા ધારણ કરું કે દેવકન્યા જેવી બનું?’

આવું સાંભળીને રાવણ નીચું મોં કરીને લાજી મર્યો. પરનારીમાં આસકત થઈને મેં અપયશ નોતર્યો અને લઘુતા પ્રાપ્ત કરી. પછી જરા હસીને પત્નીને કહ્યું, ‘બીજી કોઈ પણ સ્ત્રી કરતાં તું મને વધારે વહાલી લાગે છે.’

પછી પ્રસન્ન થઈને મંદોદરીએ રાવણને કહ્યું, ‘શું સૂર્યને શોધવા દીવો પ્રગટાવવાનો? નીતિનો માર્ગ જાણ્યા પછી પણ ભાગ્યવશ કોઈ રીતે પ્રમાદ આવી જાય તો તેને બીજા કોઈએ જગાડવો જોઈએ. પ્રાચીન કાળમાં વૈક્રિયક લબ્ધિસંપન્ન વિષ્ણુ નામના એક મુનિ હતા. શું તેઓને સિદ્ધાંતગીતિકા દ્વારા જાગૃત કરવામાં આવ્યા નહોતા? જો મારા પર તમારો થોડો ઘણો અનુગ્રહ હોય તો હે નાથ, તમે રામની હૃદયપ્રિયા સીતાને સોંપી દો. તમારી અનુમતિથી હું સીતાને લઈ જઈ રામને સોંપી દઉં અને ભાનુકર્ણ તથા પુત્રોને લઈ આવું. આમ તમે યુદ્ધમાંથી વિરત થાઓ.’

આવું કહ્યું એટલે રાવણ બોલ્યો, ‘અરે પાપિણી, તું અહીંથી જતી રહે, જેથી હું તારું મોં જોઉં નહીં.’

ત્યારે તેણે કહ્યું, ‘હે પ્રભુ, જ્ઞાનીજનોએ હળધર, ચક્રધર તથા પ્રતિવાસુદેવોના જન્મ વિશે જે કહ્યું હતું તે સાંભળો. ત્રિપૃષ્ઠ, દ્વિપુષ્ઠ, સ્વયંભૂ, પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવર, પુંડરીક, અને દત્ત — આ કેશવ હતા. અચલ, વિજય, સુભદ્ર, સુપ્રભ, સુદર્શન, આનન્દ અને નન્દન — આ હળધર થઈ ચૂક્યા છે. ભારતવર્ષમાં આ બળદેવ અને કેશવ થઈ ગયા છે. અત્યારે લોકમાં આ રાઘવ અને નારાયણ છે. તેમણે ત્રણે ખંડોના સ્વામી તારક વગેરે વિરોધી શત્રુઓને મારી નાખ્યા છે. હે સ્વામી, હવે તમે પણ વિનાશ પ્રાપ્ત કરવા માગો છે. કામભોગોનો ઉપભોગ કરીને જેઓ સંયમ પ્રાપ્ત કરે છે તેઓ પાછળથી દેવ તથા અસુરો માટે વંદનીય બને છે. હે સ્વામી, તમે ઉત્તમ વિષયસુખ ભોગવ્યું છે, તમારો યશ જગતભરમાં પ્રસર્યો છે. હવે તમે દીક્ષા લો. અથવા હે દશમુખ, અણુવ્રત ધારણ કરી શીલ-સંયમમાં લીન થાઓ, દેવ તથા ગુરુમાં ભક્તિ રાખી દુઃખને દૂર કરો. હે દશાનન, અઢાર હજાર યુવતીઓ સાથે ક્રીડા કરીને પણ જો તમને તૃપ્તિ ન થઈ હોય તો આ એકથી કેવી રીતે થશે? આ પૃથ્વી પર લાંબા સમય સુધી વિષયસુખથી સંતોષ થયો હોય એવો એક પુુરુષ તો બતાવો. એટલે આ અલ્પ સુખદાયી તથા બહુ દુઃખદાયી એવા આ વિષયસુખનો ત્યાગ કરો. હે દેવ, અનેક સુભદ્રોનો વિનાશ નોતરનારા આ યુદ્ધનું કશું જ પ્રયોજન નથી. હું માથે હાથ મૂકીને તમારા પગે પડું છું.’

આ સાંભળી વીર રાવણ હસતાં હસતાં બોલ્યો, ‘હે કૃશોદરી, હે પ્રસન્નાક્ષી, વાસુદેવના નામથી તું ભય કે ઉદ્વેગ ન પામીશ. આ ભરતખંડમાં બહુ બલદેવ અને વાસુદેવ છે. શું નામ માત્રથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે? જેવી રીતે રથનૂપુર નગરના સ્વામી ઇન્દ્રને મેં બંદી બનાવ્યો હતો તેવી રીતે આ નારાયણને પણ બનાવીશ તે તું જલદી જોઈશ.’

આમ બોલીને રાવણ મંદોદરીની સાથે ક્રીડાગૃહમાં પ્રવેશ્યો તે વેળા સૂરજ આથમી ગયો હતો. સૂર્યાસ્ત થવાથી અને સંધ્યાકાળને લીધે કમળ મુરઝાઈ ગયાં, ચક્રવાકનું જોડું છૂટું પડી ગયું. પ્રદોષવેળાને કારણે તથા રત્નદીપિકાઓ પ્રગટી એટલે લંકાપુરી મેરુની ચૂલિકા જેવી શોભી ઊઠી. તે સમયે યુવતીઓને મોકલવા માંડી, પ્રિયતમાઓનુું મંડન થવા લાગ્યું, રતિસુખ ઉજવાયું, પ્રસન્ન કરનારી મદિરાનું પાન થવા લાગ્યું. કોઈ ચન્દ્રમુખી સુંદર યુવતી પતિને આલિંગન આપીને કહેતી હતી, હે સ્વામી, તમારી સાથે હું એક રાત તો આનંદ મનાવું. મધુપાનથી મત્ત, ઉત્તમ સુવાસિત પુષ્પોની સુવાસથી સમૃદ્ધ તથા નવી કૂંપળના જેવા કોમળ શરીરવાળી કોઈ બીજી સ્ત્રી પ્રિયતમના ખોળામાં ઢળી પડતી હતી. અપ્રૌઢ બુદ્ધિવાળી કોઈ સ્ત્રીને પ્રિયતમે મદ્યપાન કરાવ્યું અને તરત જ રતિકર્મમાં પ્રૌઢતા પ્રાપ્ત કરી લીધી. જેમ જેમ વિરહના ભયથી પીડાતા હૃદયવાળી સ્ત્રીઓને મદ ચઢતો ગયો તેમ તેમ રાગ વધતો ગયો, લજ્જા ઘટતી ગઈ, પ્રાત:કાળે તો યુદ્ધ થવાનું છે એમ જાણીને આમ તો દરરોજ માન માગતી સ્ત્રીએ મગજમાં વિરહનાં ભયને કારણે ખૂબ જ ભયભીત થઈને પ્રિયતમને ગાઢ આલિંગન આપ્યું. જાણે ઉત્તરકુરુમાં ક્રીડા કરી રહ્યા છે એમ જાણીને પ્રગાઢ થતા સ્નેહરાગથી વિદ્યાધર યુગલ ઘરોમાં ઇચ્છાનુસાર ક્રીડા કરી રહ્યાં હતાં. વીણા, વાંસળી વગેરેથી સમૃદ્ધ વિવિધ ગીત તથા વાદ્યધ્વનિ વડે, વાર્તાલાપ કરતા લોકો સાથે જાણે મહાનગરી સંભાષણ કરી રહી હતી. તાંબૂલ, ફૂલ તથા ગંધ વગેરેથી, સેંકડો પ્રકારના શરીર પરના અનુલેપન વડે લોકો મદનોત્સવમાં ખૂબ જ પરોવાયેલા હતા. આ તરફ મહાત્મા રાવણે પોતાના સમગ્ર અંત:પુરમાં મંદોદરી દેવીને વિશેષ સન્માનિત કરી હતી. આમ રાત સુખેથી વીતી અને પ્રભાતનું તેજ પ્રગટ્યું. સંગીત અને વાદ્યોનો ધ્વનિ ઘેર ઘેર પ્રસરી ગયો. તે વેળા કમલબંધુ ચક્રાકાર સૂર્ય ઊગ્યો. પ્રણયીઓને કોઈ રીતે આશ્વાસન આપીને રાવણે કહ્યું, યુદ્ધની તૈયારી કરો. સમરભેરી તથા મેઘગર્જના જેવો અવાજ કરનારા વાદ્ય વગાડો. સુભટ્ટો યુદ્ધ માટે પૂરા ઉત્સાહથી તૈયાર થાઓ. વિલંબ ન કરો. તેની આજ્ઞાથી લોકોએ મહાભેરી વગાડી. તે અવાજથી સમગ્ર સેના સમેત સુભટ્ટો તૈયાર થઈ ગયા. મરીચિ, વિમલાભ, વિમલઘન, નન્દન, સુનન્દ, વિમલચન્દ્ર તથા બીજા સુભટ્ટો ઘોડા, રથ, પર્વત જેવા મત્ત હાથી, શરભ, ગર્દભ, સિંહ, વરાહ અને પાડા પર સવાર થયા. તલવાર, કનક, ધનુષ, વિનાશક શસ્ત્ર, વસુનંદક (એક પ્રકારની ઉત્તમ તલવાર), ચક્ર તથા તોમર વાપરવામાં નિપુણ, ધ્વજા તથા છત્રોનાં ચિહ્નોવાળા, અસુરો જેવા અભિમાની, ઉપર ધરેલા શ્વેત તથા એકબીજાને ભીંસતા રણશૂરા સુભટ્ટો લંકાનગરીની દિશામાં નીકળી પડ્યા. વિવિધ રણવાદ્યોના અવાજથી, ઘોડાઓની હણહણાટીથી, હાથીઓની ચીસોથી, પદાતિ સૈનિકોના નારાઓથી આકાશ જાણે ફાટી રહ્યું હતું. કવચ પહેરેલા તથા રત્નમુકુટોથી શોભતા રાક્ષસસૈનિકો આકાશમાર્ગેથી જતી વીજળીથી ચમકતા વાદળ જેવા શોભી રહ્યા હતા. કવચ પહેરવાથી — અલંકૃત શરીરવાળા તથા ચારે બાજુ ઘોડા-હાથીઓ પર આયુધોથી સજ્જ, સૂર્યતેજ જેવા તેજસ્વી તથા વિમળ યશની અભિલાષાથી મહાભટ્ટ નીકળી પડ્યા.

રાક્ષસપતિ રાવણ રાણીઓની વિદાય લઈને કોપિત થઈ પોતાની નગરીમાંથી બહાર નીકળ્યો. બહુરૂપિણી વિદ્યાએ નિર્મેલ, વિવિધ આયુધોથી સંપન્ન, હજાર હાથીઓવાળા ઇન્દ્ર નામના રથને તેણે જોયો. ઐરાવત જેવા મત્ત હાથીઓ ચાર દાંતવાળા હતા. તેમના પર ગેરુના રંગનું લેપન હતું. ગળામાં બાંધેલા ઘંટને કારણે કલકલ ધ્વનિ થતો હતો. ધ્વજા તથા મંડપથી શોભતા તે રથ પર આભૂષણોથી સુશોભિત શરીરવાળો તથા ઇન્દ્ર જેવી સમૃદ્ધિવાળો રાવણ સવાર થયો. રથમાં બેઠેલા રાવણ પર ચંદ્રમંડળ જેવું છત્ર હતું તથા ગાયના દૂધ તથા હાર સમાન શ્વેત બે ચામર તેને ઢોળાતા હતા. તે સમયે પ્રલયકાળના મહામેઘ જેવા અવાજ કરનારા મોટા મોટા ઢોલ, શંખ, કાહલ, મૃદંગ, તિલિમા તથા મોટા અવાજવાળા નગારા જેવા ઉત્તમ વાદ્યો વગાડવામાં આવ્યાં. દેવો જેવા વિક્રમી, લડાઈના ઉત્સાહવાળા પોતાના જેવા દસ હજાર સૈનિકોની સાથે રાવણ નીકળ્યો.

આ દરમિયાન રામે સુષેણ વગેરે સુભટ્ટોને પૂછ્યું કે આ કયો પર્વત છે? ભમરા તથા તમાલપત્ર જેવા નીલવર્ણ, અને અનેક સુવર્ણશિખરોવાળો આ પર્વત ચંચળ વીજળીથી સુશોભિત મેઘસમૂહ જેવો લાગે છે.’

આ સાંભળી જાંબવન્તે કહ્યું, ‘હે સ્વામી, બહુરૂપિણી વિદ્યાએ આ મહાન પર્વત બનાવ્યો છે. આ રાવણ દેખાય.’ તેનું સાંભળીને લક્ષ્મણે કહ્યું, ‘મહારથ ગરુડકેતુ લાવો. વિલંબ ન કરો.’ ત્યારે અનેક વાદ્યોવાળી મહાભેરી વગાડી. તેના અવાજથી તરત જ બધા કપિવરો તૈયાર થઈ ગયા. તલવાર, કનક, ચક્ર, તોમર વગેરે અનેક શસ્ત્ર હાથમાં ધારણ કરેલા યુદ્ધનિપુણ વાનરસૈનિકોને તેમની પત્નીઓએ અટકાવ્યા. ત્યારે સુમધુર વચનોથી પ્રિયાઓને આશ્વાસન આપીને કવચધારી અને શસ્ત્રધારી કપિવર રામ પાસે ગયા. સિંહ જોડેલા, તરકશ બાંધેલા રથ પર રામ સવાર થયા. એવી જ રીતે લક્ષ્મણ ગરુડરથ પર સવાર થયા. કવચધારી ભામંડલ વગેરે બીજા મહાસુભટ્ટો પણ રથ, હાથીઘોડા પર સવાર થઈ યુદ્ધ માટે તૈયાર થયા. આમ તૈયાર થઈ વાહનો પર સવાર થઈને રામ, લક્ષ્મણ વાનરસેનાની સાથે યુદ્ધ માટે નીકળી પડ્યા. તેઓ ચાલી નીકળ્યા એટલે પક્ષીઓ મધુર અને પ્રસન્ન સ્વરમાં બોલવા લાગ્યાં. તેઓ સુનિશ્ચિત રૂપે શત્રુનો પરાજય તથા પોતાને માટે આનન્દનો સંકેત કરી રહ્યા હતા. શત્રુસૈન્યને આવતું જોઈ ક્રોધી રાવણે સૈન્યને આગળ કર્યું. ગંધર્વ, કિન્નરોએ, આકાશી અપ્સરાઓએ બંને સેનાના સુભટ્ટો પર પુષ્પવર્ષા કરી.

ફર, ઢાલા, ફ્લક (ખાસ અસ્ત્ર), સ્ફોટક (વિનાશક શસ્ત્ર) તથા વસુનન્દન (ઉત્તમ તલવાર) વડે શરીરને સુરક્ષિત કરીને સર્વપ્રથમ ચપળ દૃષ્ટિવાળા પદાતિ સૈનિકોએ યુદ્ધભૂમિમાં પ્રવેશ કર્યો. કેટલાય સુભટ ઘોડા પર, કેટલાય હાથી પર તો કેટલાય રથ પર સવાર થયા હતા. હર્ષ અને ઉત્સાહવાળા સૈનિકો હાથમાં વિવિધ શસ્ત્રો લઈને યુદ્ધમાં જોતરાઈ ગયા. ઉત્તમ સુભટ્ટોએ હાથમાં રાખેલા શસ્ત્ર તથા યોદ્ધાઓને મારનારા સેંકડો બાણ, ઝસર, શક્તિ, સવ્વલ, સ્ફટિક, શિલાવાળા પર્વત, મુદ્ગર ફેંકાવા લાગ્યા. યુદ્ધમાં ચપળ હાથવાળા સુભટ્ટ તલવારો વાપરતા હતા.

તો બીજા સમર્થ સૈનિકો શત્રુઓ પર ગદા ચલાવતા હતા. તલવારના પ્રહારથી જર્જરિત થયેલા બીજા સૈનિકો એકબીજાનાં માથાં પકડીને પ્રાણ લેતા, શરીરને પણ જમીન પર ફંગોળતા. જમીન પર પડેલા તથા લોહી, ચરબીના કીચડથી લથપથ તથા આમથી તેમ ખેંચાતાં ધડ કાગડા, શિયાળ તથા ગીધો ખાઈ રહ્યા હતા. હાથી સામે હાથી, રથીની સામે રથી લડી રહ્યા હતા. ઘોડા પર બેઠેલો સૈનિક બીજા ઘોડેસ્વારને મારતો હતો. તલવાર, કનક, ચક્ર, તોમર એકબીજા પર ફેંકાવાને કારણે તથા શસ્ત્રોના અથડાવાથી ઊઠતી આગવાળો તથા સુભટ્ટો માટે અત્યંત દુ:સહ સંગ્રામ થવા લાગ્યો. મહાવતો વિનાના હાથી અને સવાર વિનાના ઘોડા આમતેમ ઘૂમતા હતા. સારા સારા રથ ભાંગી ગયા, સુવર્ણદંડવાળી ધ્વજાઓ પડી ભાંગી.

જમીન પર પડતી તલવારોનો ખણણણ અવાજ થતો હતો, નીચે પડતાં બાણોનો આકાશમાં તડ તડ અવાજ થતો હતો. મણિવાળાં કુંડળોથી ઉજ્જ્વળ તથા મુકુટધારી મસ્તકો નીચે પડવાં લાગ્યાં. લોહી તથા ચરબીથી ખરડાયેલાં ધડ નાચતાં હતાં. કોઈ સૈનિક બીજાને મારતો હતો, બાહુબળથી ઉન્મત્ત સૈનિક સામાવાળાને મારતો હતો. સૈનિક સૈનિકને તથા હાથી હાથીને ખેંચીને મારતા હતા. બંને સેનાના ઉપર કૂદતા, નીચે પછડાતા સૈનિકોથી આકાશ વર્ષાકાળનાં વાદળોની જેમ છવાઈ ગયું.

આ યુદ્ધમાં શુક, સારણ વગેરે સુભટ્ટો તથા મારીચિએ વાનર સૈનિકોને વિખેરી નાખ્યા. હનુમાન, બલ, ભૂતનિનાદ તથા નીલ, કુમુદ વગેરે વાનરોએ રાક્ષસસેનાને વિખેરી નાખી. સુંદ, કુંભ, નિસુંભ, વિક્રમ, કમણ, જંબુમાલી, મકરધ્વજ, સૂર્ય, અશનિ, નિહ્યતિ વગેરે રાક્ષસોમાં વૃષભ જેવા શ્રેષ્ઠ તથા પોતાના બળ અને ઉત્સાહને કારણે ઉદ્યત સુભટ્ટ વાનર સૈનિકો સાથે યુદ્ધમાં પ્રવૃત્ત થયા. ભુજવર, બલ, સમ્મેત, વિકટ, કુટિલ, અંગદ, સુષેણ, ચંડોમિર્ તથા અંગ વગેરે કપિવર લડવા તત્પર થઈ ગયા. ચંડોમિર્ તથા અંગ વગેરે કપિવર લડવા તત્પર થઈ ગયા. રાક્ષસો અને વાનર વચ્ચે બાથંબાથા ચાલી, જ્યાં ઘણાં બધાં શસ્ત્રો ભૂમિ પર પડી જતાં હતાં એવું ભયાનક યુદ્ધ થવા માંડ્યું.

જેવી રીતે મત્ત હાથી પદ્મસરોવરને ડહોળી નાખે તેવી રીતે હાથીવાળા રથમાં સવાર થઈને હનુમાન રાક્ષસસેનાને વિખેરવા લાગ્યા. તેણે એકલે હાથે રાક્ષસોના સમગ્ર મહાસૈન્યને ભારે પ્રહારો કરીને ભયરૂપી જ્વરગ્રસ્ત બનાવી દીધું. તે સેનાને ભયગ્રસ્ત તથા વિહ્વળ જોઈને ક્રોધે ભરાયેલો મય સેંકડો શસ્ત્ર ફેંકતો ફેંકતો હનુમાનની સામે ઊભો રહી ગયો. હનુમાને પણ તરત જ કાન સુધી — ખેંચાયેલાં બાણો વડે મયનો વિશાળ તથા વિચિત્ર સુવર્ણરથ તોડી નાખ્યો. મયને રથહીન જોઈને રાવણે અનેક રૂપિણી વિદ્યા વડે તરત જ રથ બનાવીને સસરાને આપ્યો. તે ઉત્તમ રથમાં બેસીને ક્રોધિત મયે સેંકડો બાણો વડે હનુમાનને જ રથ વગરનો કરી મૂક્યો. એવા હનુમાનને જોઈને જનકપુત્ર ભામંડલ દોડ્યો. તેનો રથ પણ મયે ઉત્તમ બાણો વડે તોડી નાખ્યો. રોષે પ્રજ્વલિત વાનરપતિ, સુગ્રીવ પોતે તેની સામે ઊભો રહી ગયો. મયે તેને પણ શસ્ત્ર વગરનો કરી મૂક્યો, અને તે પણ જમીન પર પડી ગયો. પછી મય સામે વિભીષણ લડવા આવ્યો. તેનાં કવચ અને છત્ર પણ મયે તોડી નાખ્યાં, બાણો વડે તે ઘવાયો. તેના શરીરમાંથી વહેતું લોહી જોઈ સિંહરથ પર બેઠેલા રામે સેંકડો બાણો વડે મયને વીંધ્યો. રામનાં બાણો વડે આક્રાન્ત તથા ભયને કારણે આકુળવ્યાકુળ મયને જોઈને, ક્રોધે રાતોપીળો રાવણ સામે આવ્યો.

લક્ષ્મણે તેને જોઈને કહ્યું, ‘અરે, દુષ્ટ, પાપી, ચોર ઊભો રહે. તારા જીવનનો અંત આણું.’

તેણે લક્ષ્મણને કહ્યું, ‘સમગ્ર પૃથ્વીના સ્વામી તથા ઉત્તમ અને દિવ્ય પદાર્થોથી જગતમાં પૂજાતા રાવણ વિશે શું તેં ક્શું સાંભળ્યું નથી?’

લક્ષ્મણે કહ્યું, ‘આજે જ સીતાને મુક્ત કર અથવા તો વિચાર કે ગધેડાના શરીર પર બાંધેલો વિજયઘંટ શું શોભે છે?’

રાવણે કહ્યું, ‘દેવો અને અસુરોમાં યશ મેળવનારા, ત્રણે લોકમાં જેનો પ્રતાપ છે તેવા મને જમીન પર ચાલનારાઓ સાથે લડતાં બહુ સંકોચ થાય છે. તારા પ્રાણ પ્રત્યે હવે જો તું ઉદાસ થઈને યુદ્ધ કરવા માગતો હોય તો મારી સામે ઊભો રહે અને મારા પ્રહારો સહન કર.’

આવું સાંભળીને લક્ષ્મણે કહ્યું,‘ હું તારું બધું પ્રભુત્વ જાણું છું. આજે તારી આ ભારે ગર્જનાને હમણાં જ ખતમ કરી નાખીશ.’

આમ કહી રોષયુક્ત લક્ષ્મણે ધનુષ ઉઠાવ્યું અને વર્ષાકાળે પર્વત પર છવાઈ જતા વાદળની જેમ બાણોની વર્ષા કરી. બળ તથા પરિપૂર્ણ ઉત્સાહવાળો લક્ષ્મણ યમદંડ જેવાં બાણોથી રાવણનાં બાણોનું નિવારણ આકાશમાર્ગમાં કરવા લાગ્યો. દશરથપુત્ર લક્ષ્મણે રત્નશ્રવાપુત્ર રાવણને અસ્ત્રહીન કરી મૂક્યો. પછી ક્રોધિત રાક્ષસરાજે વારુણાસ્ત્ર ફેંક્યું. સમીરણાસ્ત્રનો પ્રયોગ કરીને લક્ષ્મણે તેનો નાશ કર્યો. લંકાધિપતિએ ભયંકર આગ્નેયાસ્ત્ર ફેંક્યું. હજારો જ્વાળાઓવાળા પ્રજ્વલિત અસ્ત્રને પણ જળધારારૂપી બાણોવાળા વારુણાસ્ત્રથી ઓલવી નાંખ્યું. રાવણે લક્ષ્મણ ઉપર રાક્ષસાસ્ત્ર ફેંક્યું. લક્ષ્મણે તરત જ ધર્માસ્ત્ર વડે તેનો નાશ કર્યો. પછી લક્ષ્મણે ઇંધન નામનું મહાશસ્ત્ર ફંગોળ્યું. રાક્ષસેન્દ્ર રાવણે પ્રતિઇંધન શસ્ત્ર વડે તેને દસે દિશામાં વિખેરી નાખ્યું. રાવણે તરત જ તમોનિવહ નામના અસ્ત્ર વડે તેણે બધી દિશાઓને અંધારી કરી મૂકી. લક્ષ્મણે દિવાકશસ્ત્ર વડે તેને પણ નિર્મલ કરી મૂક્યું. રાવણે પછી સર્પોના મણિઓનાં કિરણોથી ઉજ્જ્વળ એવું ઉરગાસ્ત્ર ફેંક્યું. ગરુડાસ્ત્રના પ્રયોગથી લક્ષ્મણે તેનો પણ વિનાશ કર્યો. યુદ્ધમાં લક્ષ્મણે રાવણ ઉપર વિનાયકાસ્ત્ર ફેંક્યું. ત્રિકૂટસ્વામી મહાત્મા રાવણે તેનું નિવારણ મહાસ્ત્રથી કર્યું. વિનાયકાસ્ત્ર નાશ પામ્યું. એટલે લક્ષ્મણે સૈન્યસમેત રાવણ પર બાણોની વર્ષા કરી. રાવણે પણ લક્ષ્મણને બાણવર્ષાથી ઢાંકી દીધો. અભિમાની તથા મનમાં એકબીજા જીતવાની ઇચ્છાવાળા યુદ્ધવીર લડે છે. ભયંકર મનુષ્ય ન શસ્ત્રને, ન વાયુને, ન અગ્નિને, ન વિમલ સૂર્યને ગણકારે છે.

તરસે પીડાતા ખિન્ન સુભટ્ટોને પાણી અપાતું હતું, ભોજનથી પિડાતા સુભટ્ટોને અનેક પ્રકારનું ભોજન અપાતું હતું. વ્રણવાળા સુભટ્ટો પર ચંદનનો લેપ થતો હતો. અનેક પ્રકારનાં આયુધ તેમાં ફંગોળાતાં હતાં, દેવતાઓ માટે પણ આશ્ચર્યજનક એવું રાવણ-લક્ષ્મણનું યુદ્ધ થઈ રહ્યું હતું. આકાશમાં ઊભેલી અપ્સરાઓની સાથે ગંધર્વ અને કિન્નરો પણ યુદ્ધવેળા આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા હતા.

તે સમયે ચન્દ્રવર્ધન વિદ્યાધરની સુંદર આઠ પુત્રીઓ આકાશમાં દિવ્ય વિમાનમાં બેઠી હતી. કંચુકીઓથી ઘેરાયેલી એ કન્યાઓને અપ્સરાઓએ પૂછ્યું કે તમે કોની પુત્રીઓ છો, કોની સાથે વરાવી છે? ત્યારે તેમણે કહ્યું, ‘અમારા પિતાનું નામ ચન્દ્રવર્ધન છે. સીતા સ્વયંવરમાં તેઓ પુત્રીઓને લઈને મિથિલા ગયા હતા. અમને લક્ષ્મણને સમર્પી તેઓ પોતાને ઘેર પાછા આવ્યા. ત્યારથી અમારા હૃદયમાં દૃઢરૂપે લક્ષ્મણ અંકિત થયા છે. તેઓ આ મહાસંગ્રામમાં જોડાયા છે, શું થશે તેની કશી ખબર નથી એટલે અમે દુઃખી છીએ. હૃદયવલ્લભ લક્ષ્મણની જે ગતિ થશે તે અમે આઠેય બહેનોની થશે.’

તેમનો શબ્દ સાંભળીને મોં ઊંચું કરીને જોઈ રહેલા લક્ષ્મણે આ સ્ત્રીઓને કહ્યું, ‘આ કાર્યમાં હું સિદ્ધાર્થ થઈશ.’ આ શબ્દો સાંભળીને રાવણને સિદ્ધાર્થ નામના શસ્ત્રનું સ્મરણ થયું. તે અસ્ત્ર લક્ષ્મણ ઉપર ફેંક્યું. સંગ્રામમાં નીડર લક્ષ્મણે વિઘ્નવિનાયક નામના અસ્ત્ર વડે તેને પ્રતાપહીન બનાવી દીધું. રાવણ જે જે અસ્ત્ર ફેંકતો હતો તેનો નાશ કરીને લક્ષ્મણે સૂર્યની જેમ દિશાચક્રને બાણોથી ભરી દીધું.

ત્યારે બહુરૂપા વિદ્યા આવી. તે યુદ્ધમાં લંકાપતિ રાવણની આગળ ઉપસ્થિત થઈ. ત્યાર પછી લક્ષ્મણ રાવણનું મસ્તક જેટલી વાર કાપતો તેટલી વાર તે ફરી શરીર સાથે જોડાઈ જતું. મસ્તકને વારંવાર કાપવા છતાં કુંડળવાળું તે મસ્તક ફરી ફરી ઉત્પન્ન થતું હતું. એક મસ્તક કાપે તો બે મસ્તક ફૂટતાં હતાં. બંને કાપે તો બીજા બમણાં ઊગી નીકળતાં હતાં. તે કાપ્યા પછી ભુજાઓની જોડી પણ ઊગી નીકળતી હતી. તે કાપ્યા પછી તેમની બમણી વૃદ્ધિ થતી હતી. ઉત્તમ મસ્તકોથી મંડિત, છેદાયેલાં મસ્તકોથી આકાશ છવાઈ ગયું. કેયૂરથી વિભૂષિત ભુજાઓ વડે આવું વિશેષ થયું. રાવણ તલવાર, કનક, ચક્ર, તોમર અને ભાલા જેવાં અનેક શસ્ત્રો પોતાની ભુજાઓ વડે ફેંકતો હતો. આવતાં શસ્ત્રોને કાપીને લક્ષ્મણ શત્રુના ઉપર બાણવર્ષા કરતો હતો. નારાયણ લક્ષ્મણે તરત જ શત્રુના એક હજાર, બે હજાર, ત્રણ હજાર, ચાર હજાર, પાંચ હજાર, દસ હજાર, લાખ મસ્તક કાપી નાખ્યાં. ભુજાઓની સાથે મસ્તકો એકદમ પડતાં હતાં તે કારણે આકાશ અને ખાસ તો રણભૂમિ છવાઈ ગઈ. બાહુની સાથે જેટજેટલાં મસ્તક ફૂટી નીકળતાં હતાં તે બધાં લક્ષ્મણ બાણો વડે તરત જ કાપી નાખતો હતો. રાવણના શરીર પરના ઘાને કારણે ઢગલો લોહી વહેતું હતું. એટલે આકાશ એકાએક સંધ્યાકાલીન અરુણકાન્તિ જેવું થઈ ગયું.

રાવણના શરીરે પરસેવો પરસેવો થઈ ગયો, અત્યંત શ્રમને કારણે તે દીર્ઘ નિઃશ્વાસ નાખવા લાગ્યો, તે વેળા રાવણ ચક્ર વિશે વિચારવા લાગ્યો. વૈદૂર્યના બનેલા હજાર આરાવાળા, મોતીઓની માળાવાળા, રત્નોને કારણે ચિત્રવિચિત્ર, ચંદનના લેપવાળું, સુગંધિત પુષ્પોવાળું, શરત્કાલીન સૂર્ય જેવા તેજસ્વી, પ્રલયકાલીન મેઘના જેવા અવાજવાળું ચક્ર વિચારતાં વેંત રાવણના હાથમાં આવી ગયું. અપ્સરાઓની સાથે કિન્નર, કિંપુરુષો, વિશ્વાવસુ, નારદ યુદ્ધ જોવાનું પડતું મૂકીને દૂર જતા રહ્યા. ચક્રરત્ન હાથમાં રાખેલા રાવણને વીર લક્ષ્મણે કહ્યું, તારી પાસે જો કોઈ શક્તિ હોય તો તેનો પ્રહાર કર. મોડું ન કરીશ.’

આમ સાંભળીને ક્રોધે ભરાયેલા રાવણે મનોવેગી, પ્રલયકાલીન સૂર્ય જેવું, વિજયના સંશય પેદા કરનાર એ ચક્ર ઘુમાવીને છોડ્યું. ભયંકર અવાજની સાથે આવતા એ ચક્રને જોઈને લક્ષ્મણ બાણવર્ષા વડે તેને રોકવાનો પ્રયત્ન કર્યો. વજ્રાવર્ત ધનુષ તથા હલ વડે રામ પણ તેને નિવારવાના પ્રયત્ન કરવા લાગ્યા. ગદા વડે સુગ્રીવ અને તલવાર વડે ભામંડલ તેના પર પ્રહાર કરતા રહ્યા. વિભીષણ પણ ભારે શૂલ વડે અને સુગ્રીવપુત્ર અંગદ કુહાડા વડે તેને રોકવા મથ્યા. બીજા વાનરો પણ સેંકડો શસ્ત્રો વડે તેને નિવારવામાં અશક્ત રહ્યા. આયુધોના સમૂહનો વિનાશ કરીને તે મહાચક્ર ધીરેથી પ્રદક્ષિણા કરીને લક્ષ્મણના હાથમાં સ્થિર થયું...

લક્ષ્મણના હાથમાં ચન્દ્રરત્ન જોઈને બધા વાનર સૈનિકો આનંદમાં આવી ગયા. એકબીજાને કહેવા લાગ્યા, અનન્તવીર્ય મુનિએ પહેલેથી સ્પષ્ટ અને જરાય સંકોચ વિના કહ્યું હતું તે બધું કાર્ય હવે બલ અને કેશવનું થઈ ગયું. જે આ ચક્રપાણિ છે તે પણ નારાયણરૂપે પેદા થયો છે. સિંહરથમાં બેઠેલા આ બળદેવ આ મહાનુભાવ રામ અને લક્ષ્મણ નિશ્ચિત આઠમા બલદેવ અને વાસુદેવ રૂપે જન્મ્યા છે.

ચક્રપાણિ લક્ષ્મણને જોઈને રાવણ વિચારવા લાગ્યો, ‘અનન્તવીર્યે જે કહ્યું હતું તે હવે સાચું પડ્યું. યુદ્ધમાં મારું છત્ર જોઈને હાથીઓના સમગ્ર જૂથવાળા શત્રુ ખેચર સુભટ પણ ભયવિહ્વળ થઈને, દુઃખી થઈને ભાગી જતા હતા, સમુદ્રજળ સમેત હિમગિરિ તથા વિન્ધ્યસ્થલી સુધીની પૃથ્વીરૂપી સ્ત્રી દાસીની જેમ આજ્ઞા ઉઠાવતી હતી, અને પ્રણામ કરતી હતી તે હું દશગ્રીવ રાવણ મનુષ્યો દ્વારા પરાજિત થયેલો કેવો દેખાઉં છું? આ પણ એક અવસ્થા. આ આશ્ચર્ય નથી? અદીર્ઘદર્શી, થોડી વાર મારે રમણીય લાગતી રાજ્યલક્ષ્મીને ધિક્કાર છે... દુર્જનો જેવા સ્વભાવવાળી આ બહુ દુઃખદ, દુર્ગતિ આપનાર તથા સાધુઓ દ્વારા સદૈવ સ્વીકાર્ય હોય છે, ભરત વગેરે મહાપુરુષો ધન્ય છે, તેમણે રાજ્યલક્ષ્મીનો ત્યાગ કરીને દીક્ષા લીધી હતી, તપ કરીને વિમલ તથા અનુત્તર શિવપદ પ્રાપ્ત કર્યું હતું. દીર્ઘ સંસારને જન્મ આપનાર મોહ દ્વારા હું કેવો જીતાઈ ગયો? ઘોર ભય ઊભો ઊભો હોઈ હવે હું શું કરું?’

રાવણ સામે હાથમાં ચક્ર લઈ ઊભેલા લક્ષ્મણને જોઈ વિભીષણે રાવણને મીઠા શબ્દોમાં કહ્યું, ‘હે પ્રભુ, તમારા હિતનો વિચાર કરીને મારી વાત સાંભળો. સીતાને સોંપી દઈ રામની કૃપાથી તમે જીવતા રહો. અરે રાવણ, આમ કરવાથી તમારું ઐશ્વર્ય ટકશે. અભિમાનનો નાશ થાય એટલે મનુષ્ય દીર્ઘજીવી થાય છે.’

સહોદર ભાઈની આ વાત નકારીને રાવણે કહ્યું, ‘હે ભૂમિગોચર, તારો ગર્વ ભયંકર થયો છે. ભયંકર અને પાસે ઊભેલા યાળવાળા દીપ્તિમાન સિંહને હાથી જોતા નથી ત્યાં સુધી જ હાથી ચીસો પાડે છે. રત્નશ્રવાનો પુત્ર અને શત્રુદમન હું રાવણ તને જીવનનો નાશ કરનારી અવસ્થા હમણાં જ દેખાડું છું.’

ત્યારે લક્ષ્મણે કહ્યું, ‘બહુ બોલવાથી શું? તારો શત્રુ અને તને મારનાર હું નારાયણ છું.’

રાવણે કહ્યું, ‘અરે પિતા દ્વારા નિર્વાસિત અને જંગલી ફળો ખાનારા તારું નારાયણત્વ મેં લાંબા સમયથી જાણ્યું છે. તું નારાયણ હોય કે બીજો કોઈ હોય, આજે તારો માનભંગ ચોક્કસ કરીશ. હે લક્ષ્મણ, હાથમાં ચક્ર, ખેચર, ઘોડા અને રથની સાથે પાતાળલોકમાં મોકલું છું.’

આમ સાંભળી ક્રોધી નારાયણે ચક્ર ઘુમાવીને લંકાપતિ પર ફેંક્યું. ખૂબ અવાજ કરતાં ભીષણ અને દીપ્ત ચક્રને જોઈ બાણ, ઝસર અને મુદ્ગરથી તેને અટકાવવાનો પ્રયત્ન રાવણ કરવા લાગ્યો.

રોકવા છતાં તે આવી ચઢ્યું. અત્યંત અભિમાની, યુદ્ધમાં સામે ઊભેલા લંકાધિપતિ રાવણનું વિશાળ વક્ષસ્થળ એ ચક્રે તરત જ ચીરી નાખ્યું. તમાલ વૃક્ષ અને ભમરા જેવા શ્યામવર્ણવાળો રાવણ, પ્રચંડ ઝંઝાવાતથી તૂટી પડેલા અંજનગિરિની જેમ યુદ્ધભૂમિ પર પડી ગયો. જમીન પર પડેલો રાવણ સૂતેલા કામદેવની જેમ, એક દેવની જેમ, અસ્તાચળ પર સ્થિત સૂર્યની જેમ દેખાતો હતો.

પોતાના સ્વામીનો વધ જોઈને રાક્ષસસેનામાં ભાગદોડ મચી ગઈ, એકબીજાને દબાવતી -કચડતી ભોંયરા તરફ જવા લાગી. તે વેળા ઘોડાઓ સૈનિકોને અને હાથીઓ રથને કચડતા હતા. બહુ દુઃખી સુભટ્ટ તો ભયવિહ્વળ થઈને જમીન પર પડી જતા હતા. આમ પલાયન થઈ રહેલી અશરણ સેનાને સુગ્રીવ અને વિભીષણ આશ્વાસન આપવા લાગ્યા, ‘તમે બીશો નહીં. નાસો નહીં. આ નારાયણ તમારા માટે શરણદાતા છે.’ આવું સાંભળી બધી સેનાને ધીરજ સાંપડી. જેઠ માસના કૃષ્ણપક્ષની અગિયારસે દિવસનો ચોથો ભાગ બાકી હતો ત્યારે રાવણનું મૃત્યુ થયું. આમ પુણ્યનો નાશ થવાથી મૃત્યુકાળ આવે છે ત્યારે ઘોડા અને હાથીઓના સમૂહની વચ્ચે હોવા છતાં હાથમાં તલવાર અને કનક ધારણ કરનારા શૂરવીર મનુષ્યો પણ નાશ પામે છે. જે પોતાના તેજ વડે આખા જગતને આલોકિત કરે છે તે સૂર્ય પણ આથમી જાય છે. સુખરૂપી પ્રદોષ કાળ આવ્યા પછી વિમલ કિરણોવાળા ચન્દ્ર શું નથી દેખાતો?

ધરતી પર પડી ગયેલા પોતાના સહોદર ભાઈને જોઈ શોકમગ્ન વિભીષણે આત્મહત્યા કરવા છરી પકડી. ત્યારે રામે તેને અટકાવ્યો, બેસુધ થઈ ગયા પછી ફરી ધીરજવાન થયો. પછી સહોદર ભાઈ પાસે જઈને વિલાપ કરવા લાગ્યા, ‘અરે ભાઈ રાવણ, અરે મહા યશસ્વી, સંપત્તિમાં ઇન્દ્રના જેવો હોવા છતાં આવી મહાપાપી અવસ્થા તું કેવી રીતે પામ્યો? હિતકારક એવી મારી વાત તેં ન માની. ચક્ર દ્વારા ઘવાયેલો તું કઠોર ધરતી પર પડ્યો છે. હે સુન્દર, ઊભો થા અને આમ વિલાપ કરનારા મારી સાથે વાત કર. હે મહાયશસ્વી, શોકરૂપી મહાસાગરમાં પડેલા મને પાર પહોંચાડ.’

રાવણના મૃત્યુના સમાચાર સાંભળી શોકાતુર, રડતી કકળતી, દીન એવી અંત:પુરની સ્ત્રીઓ યુદ્ધભૂમિ પર આવી. લોહીના કાદવમાં, જમીન પર પડેલા પતિને જોઈને સુંદરીઓ ધરતી પર પડી ગઈ. રંભા, ચંદ્રવદના, પટરાણી, મંદોદરી, પ્રવરા, ઉર્વશી, નીલા, રુક્મણી, રત્નમાલા, શશિમંડલા, કમલા, સુંદરી, કમલશ્રી, શ્રીદત્તા, શ્રીમતિ, ભદ્રા, કનકપ્રભા, શ્રીકાન્તા, મૃગાવતી, લક્ષ્મી, અનંગસુંદરી, નંદા, પદ્મા, વસુન્ધરા, તડિન્માતા, ભાનુમતી, પદ્માવતી, કીર્તિ, પ્રીતિ, સન્ધ્યાવલી, શુભા, કાન્તા, મનોવેગા, રતિવેગા, પ્રભાવતી, તથા માનવતી વગેરે અઢાર હજાર યુવતીઓ અલંકારો ઉતારીને, વાળ વિખેરીને દુઃખી થઈ અત્યન્ત કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. બેસુધ થઈને પડેલી કોઈ સ્ત્રી ચંદનમિશ્રિત જલનો છંટકાવ શરીર પર થવાથી રોમછિદ્રો વિકસવાને કારણે કમલિનીની જેમ જાગૃત થઈ. પતિને આલિંગન કરીને મૂછિર્ત કનકગૌરી અંજનગિરિ પરની વીજળીની જેમ દેખાઈ. કોઈ કોમલાંગી ભાનમાં આવ્યા પછી છાતી કૂટતી હતી, વાળ વિખેરીને મધુર સ્વરે રડતી હતી.

બીજી કોઈ સ્ત્રી મસ્તકને ખોળામાં લઈ તેના વિશાળ વક્ષસ્થળને સ્પર્શતી હતી. કોઈ ચરણારવિંદને તો કોઈ કરપલ્લવને ચૂમતી હતી. બંને આંખોમાં આંસુ સાથે કોઈ મધુર વાણીથી કહેતી હતી, ‘અરે નાથ, શોકસાગરમાં પડેલી અમને તમે નથી જોતા? હે પ્રભુ, શક્તિ, કીર્તિ અને બળવાન હોવા છતાં, વિદ્યાધરોના સ્વામી થઈને રામ સાથેના યુદ્ધમાં તમે પૃથ્વીરૂપી પલંગમાં કેમ સૂઈ રહ્યા છો? પોતાના લોકો ઉપર વાત્સલ્યભાવ રાખનારા ઊઠો....અમારી સાથે એક વાર તો બોલો...નિરપરાધી ઉપર તમે કેમ ગુસ્સો કરો છો? હે સ્વામી, પરિહાસકથામાં આસક્ત અને વિશુદ્ધ દંતપંક્તિને કારણે અત્યંત શોભાવાળા આ મુખને અમારા પર ગુસ્સો આણીને શા માટે સફેદ કરી મૂક્યું છે? હે મનોહર, અત્યંત સુંદર, વિસ્તીર્ણ, યુવતીઓના ક્રીડાસ્થાન એવા તમારા વક્ષસ્થળ પર ચક્રે પગ કેવી રીતે મૂક્યો? હે ગુણનિધિ! શત્રુઓએ જેમને સાંકળે બાંધ્યા છે તેવા પરાધીન ઇન્દ્રજિત, ઘનવાહનને રાજા સાથે સંધિ કરીને છોડાવો. હે સ્વજનવત્સલ પ્રભુ, ઊભા થાઓ. સભાસ્થાનમાં આવેલા ઘણા અશરણ સુભટ્ટોને, દાન-સમ્માન આપો. હે નાથ — વિરહાગ્નિથી પ્રજ્વળતી આ કાયાઓને ચંદનયુક્ત લેપવાળા આલિંગનરૂપી જળથી શીતળ કરો. હે પ્રભુ, હાસ્ય, વિલાસ તથા અનેક પ્રિય સંભાષણોના કારણોને યાદ કરવાથી તે હૃદયને બાળે છે.’

દીન વદનવાળી રાવણની સ્ત્રીઓને આમ રડતી કકળતી જોઈ કોનું હૃદય દ્રવી ન ઊઠે? ત્યારે લક્ષ્મણની સાથે રામે વિભીષણને કહ્યું, ‘લોકવૃત્તાંતની જાણ તો તમને છે, તમે ન રડો. સંસારમાં જે કર્મની ચેષ્ટા હોય છે તેને તમે જાણો છો. પૂર્વે સંચિત કર્મનું ફળ જ જીવ મેળવે છે. એટલે શોક કરવાથી શું? બધાં શાસ્ત્રોમાં વિદ્વાન અને સમસ્ત પૃથ્વીનો સ્વામી રાવણ અતિ દારુણ બળવાળા મોહને કારણે આ અવસ્થાને પામ્યો.’

રામના કહ્યા પછી જનકપુત્ર ભામંડલે વિભીષણને કહ્યું, ‘યુદ્ધમાં પીઠ ન દેખાડનાર ધીર રાવણ માટે શું કામ શોક કરો છો?’