ભારતીયકથાવિશ્વ-૩/‘તરંગલોલા’ની કથાઓ/તરંગવતીનો જન્મ

From Ekatra Wiki
Revision as of 02:09, 15 January 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


તરંગવતીનો જન્મ

હે ગૃહસ્વામિની, હું તેની પ્રિય પુત્રી તરીકે જન્મી હતી; આઠ પુત્રોની પછી માનતા રાખ્યાથી પ્રાપ્ત થયેલી હું સૌથી નાની હતી. કહે છે કે મારી માતાની સગર્ભાવસ્થા સુખપૂર્વક અને દોહદની પૂર્તિ સાથે વીતતાં, સિંહના સ્વપ્નદર્શનપૂર્વક મારો જન્મ થયો અને ધાત્રીઓએ મારી પૂરતી સંભાળ લીધી. મિત્રો અને બાંધવોને, કહે છે કે અત્યંત આનંદ થયો અને મારા માતાપિતાએ વધામણી કરી. યથાક્રમે મારું બધુંયે જાતકર્મ પણ કહે છે કે કરવામાં આવ્યું, તથા પિતાજી સાથે વિચાર કરીને મારા ભાઈઓએ મારું નામ પાડતાં કહ્યું — ‘જળસમૂહે સભર અને ભંગુર તરંગે વ્યાપ્ત એવી યમુનાએ, માનતા માન્યાથી પ્રસન્ન થઈને આ દીધી, તેથી આનું નામ ‘તરંગવતી’ હો.’

કહે છે કે હું મૂઠી બીડી રાખતી, અવકાશમાં પગ ઉછાળતી, અને પથારીમાં ચત્તી સૂતી હોઉં તેમાંથી ઊથલીને ઊંધી થઈ જતી. તે પછી કહે છે કે એકધાત્રી અને ક્ષીરધાત્રીએ એક વાર રમાડતાં રમાડતાં મને વિવિધ મણિમય છોબંધ ભોંય પર પેટે ખસતાં શીખવ્યું.

હે ગૃહિણી, મારા માટે કહે છે કે રમકડાંમાં સોનાની ખંજરી અને વગાડવાના ઘૂઘરા અને સોનાના ઘણા લખોટા હતા. હંંમેશાં પ્રસન્ન અને હસમુખી, ‘અહીં , અહીં આવ’ (એમ બોલતા) ભાઈઓના ખોળામાં ખેલતી હું, કહે છે કે વારંવાર ખિલખિલ હસી ઊઠતી.

લોકોના અનુકરણમાં કહે છે કે હું આંખ અને હાથથી ચેષ્ટાઓ કરતી અને મને બોલાવતાં ત્યારે હું અસ્પષ્ટ, મધુરા ઉદ્ગાર કાઢતી. માતાપિતા, ભાઈઓ અને સ્વજનોના એક ખોળામાંથી બીજા ખોળામાં ઊંચકી લેવાતી હું થોડોક સમય જતાં ડગલાં માંડવા લાગી. વણસમજ્યે અને મધુર ‘તાતા’ એમ બોલ્યા કરતી હું બાંધવોની પ્રીતિને કહે છે કે વધુ ગાઢ કરતી હતી. ચૂડાકર્મનો સંસ્કાર ઊજવાઈ જતાં, હું દાસીઓના જૂથથી વીંટળાઈ યથેચ્છ હરતીફરતી એમ લોકોએ મને કહ્યું છે. સોનાની ઢીંગલીઓથી અને રેતીનાં ઘોલકાં કરીને હું રમતી અને એમ સહિયરોના સાથમાં મેં બાળક્રીડા માણી.

પછી ગર્ભાવસ્થાથી આઠમે દિવસે મારે માટે ચાર પ્રકારની બુદ્ધિવાળા, કળાવિશારદ, અને ધીર પ્રકૃતિના આચાર્યો લાવવામાં આવ્યા. તેમની પાસેથી મેં લેખન, ગણિત, રૂપકર્મ, આલેખ્ય, ગીત, વાદ્ય, નાટ્ય, પત્રછેદ્ય, પુષ્કરગત — એ કળાઓ ક્રમશ: ગ્રહણ કરી. મેં પુષ્પપરીક્ષામાં તથા ગંધયુક્તિમાં નિપુણતા પ્રાપ્ત કરી. આમ કાળક્રમે મેં વિવિધ લલિત કળાઓ ગ્રહણ કરી.

અમારા કુળધર્મ શ્રાવકધર્મને અનુસરતા મારા પિતાજીએ અમૃતતુલ્ય જિનમતમાં મને નિપુણ કરી. નગરીમાં જે મુખ્ય પ્રવચનવિદ અને પ્રવચનના વાચક હતા તેમને પિતાજીએ મારે માટે બોલાવ્યા, અને મેં નિર્ગ્રંથ સિદ્ધાંતનો સાર ગ્રહણ કર્યો. તેઓએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષણવ્રતનો મને ક્રમાનુસાર બોધ આપ્યો.

એ પછી હે ગૃહિણી, બાળપણ વિતાવીને હું કામવૃત્તિને કારણે આનંદદાયક અને શરીરના સ્વાભાવિક આભરણ સમું યૌવન પામી. તે વેળા કહે છે કે શ્રીમંત, પૂજનીય અને દેશના આભૂષણ રૂપ ઘણાયે વૃદ્ધ ગૃહસ્થો તેમની પુત્રવધૂ તરીકે મારું માગું નાખતા હતા. પણ કહે છે કે મારી ઇચ્છા જાળવીને વર્તતા પિતાજી, સરખેસરખા કુળ, શીલ અને રૂપવાળો વર નજરમાં ન આવવાથી તે માગાંનો યુક્તિપૂર્વક અસ્વીકાર કરતા. એક વિનયવિવેકમાં કુશળ સારસિકા નામની દાસી મારા પ્રત્યેના સ્નેહને કારણે એ બધી વાતચીત સાંભળીને મને કહેતી.

હું પણ ‘જી, જી,’ કરતી સખીઓથી વીંટળાઈને, સાત માળની હવેલીની ટોચે અગાશીમાં રમતી. પુષ્પ, વસ્ત્રાભૂષણ, સુંદર ક્રીડનક અને જે કાંઈ ખાદ્ય પદાર્થો હોય તે સર્વ મારાં માતપિતા અને ભાઈઓ મને આપતાં. મારા વિનયથી સંતુષ્ટ હતા ગુુરુજન, દાનથી ભિક્ષુજન, સુશીલતાથી બંધુજન, અને મધુરતાથી સર્વ ઇતરજન. ક્વચિત્ ભોજાઈઓથી, તો ક્વચિત્ સહિયરોથી વીંટળાઈને હું મારા ઘરમંદિરમાં મંદરપર્વત પર લક્ષ્મીની જેમ રહેતી હતી.

પૌષધશાળામાં હું વારંવાર સામયિક કરતી અને જિનવચનોની ભાવના માટે ગણિનીઓની સેવાશુશ્રૂષા કરતી, માતાપિતા, ભાઈઓ અને બાંધવોને હૃદયથી વધુ ને વધુ પ્રિય થતી હું એ રીતે સુખસાગરમાં નિમગ્ન બનીને સમય વિતાવતી હતી.

હવે કોઈ એક વાર પિતાજી નાહી, વસ્ત્રાભૂષણ સજી, જમીને બેઠકખંડમાં આરામથી બેઠા હતા. ખંડમાં કૃષ્ણાગુરુના ધૂપના ગોટા પ્રસર્યા હતા, અને રંગરંગનાં કુસુમો વડે સજ્જા કરેલી હતી. લક્ષ્મી સાથે વિષ્ણુ વાર્તાલાપ કરતા હોય, તે પ્રમાણે તેઓ પડખે રહેલી મારી માતા સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. હું પણ નાહી, અરહંતોને વાંદી, પૂજ્યોની પૂજા કરીને બા-બાપુજીને વંદન કરવા ગઈ. મેં પિતાજીને અને માતાને વિનયપૂર્વક પાયલગણ કર્યાં, એટલે તેઓએ ‘જીવતી રહે’ કહીને મને તેમની પાસે બેસાડી.

તે સમયે ત્યાં વાને શ્યામ પણ શ્વેત વસ્ત્રમાં સજ્જ થયેલી અને એમ ચંદ્રકિરણોથી વિભૂષિત શરદ-રજની સમી શોભતી, દરરોજ ફૂલપાતરી લાવતી માલણ ઋતુનાં ફૂલોથી ભરેલ તાજાં પર્ણોનો સંપુટ લઈ આવી અને તેણે અમારા બેઠકખંડમાં પ્રવેશ કર્યો.

હાથ જોડી, દેહયષ્ટિને લાલિત્યથી નમાવી, ભ્રમર જેવા મધુર સ્વરે તે પિતાજીને સવિનય કહેવા લાગી: ‘માનસ સરોવરથી આવેલા અને હવે અહીં વસીને પરિતોષ પામેલા આ હંસો શરદના આગમનની સહર્ષ ઘોષણા કરી રહ્યા છે. આશ્રય લેતા હંસો, શ્વેત પદ્મો અને યમુનાતટના અટ્ટહાસ સમાં કાશફૂલો વડે શરદઋતુનું પ્રાકટ્ય એકાએક થઈ રહ્યું છે. ગળીના વનને નીલ રંગે, અસનવનને પીત રંગે, તો કાશ અને સમપર્ણને શ્વેત રંગે રંગતો શરદ આવી પહોંચ્યો છે. તે ગૃહસ્વામી, શરદ પ્રવર્તે છે. જેમ તારા શત્રુઓ તેમ હવે મેઘો પણ પલાયન કરી રહ્યા છે. જેમ શ્રી અત્યારે પદ્મસરોવરને સેવે છે, તેમ તારું ચિરકાળ સેવન કરો.’

એ પ્રમાણે બોલતી તે શેઠની સમીપ ગઈ, અને પત્રમાં વીંટેલી સપ્તપર્ણનાં પુષ્પોની ટોપલી તેણે ઊલટથી પિતાજીને સમક્ષ મૂકી. તેને ઉઘાડતાંની સાથે જ મદઝરતા હાથીની મદગંધ જેવી સપ્તપર્ણનાં ફૂલોની મહેક ઊઠી અને દશે દિશાઓને ભરી દેતી ઝડપથી પ્રસરવા લાગી. સપ્તપર્ણનાં ફૂલે ભરેલી એ ટોપલી પોતાના મસ્તક પર ધરીને પિતાજીએ એ ફૂલોથી અરિહંતોની પૂજા કરી.

તેમણે મને તેમ જ મારી અમ્માને તે ફૂલ આપ્યાં, પોતે પણ તેની માળા પહેરી, અને પુત્રો તથા પુત્રવધૂઓને પણ તે મોકલાવ્યાં.

શરદના ચંદ્ર જેવા શ્વેત સમર્પણનાં ફૂલોને ઉછાળતાં પિતાજીએ તેમાં હાથીદાંત સમાં શ્વેત ગુચ્છા જોયા, અને તે સાથે તેમાં તરુણીના અવિકસિત સ્તન જેવડો, પરાગરજવાળો, સોનાની ગોટી જેવો એક લઘુ ગુચ્છ પણ તેમના જોવામાં આવ્યો. એટલે એ કનકવર્ણા સુંદર ગુચ્છને હાથમાં પકડીને પિતાજી વિસ્મયવિસ્ફારિત નેત્રે ક્યાંય સુધી નિહાળી રહ્યા. તેને પકડી રાખીને, મનમાં કશોક ચોક્કસ નિર્ણય કરવા માટે પિતાજી સર્વાંગે નિશ્ચલ બનીને ઘડીક વિચારી રહ્યા.

પછી, હસતા મુખે તેમણે મને તે કુસુમગુચ્છ આપ્યો અને બોલ્યા, ‘બેટા, આ ગુચ્છના રંગનો ખુલાસો તું વિચારી જો. તું પુષ્પયોનિશાસ્ત્ર અને ગંધયુક્તિશાસ્ત્ર શીખી છે. એ તારો વિષય છે, તો બેટી, તને હું પૂછું છું. સપ્તપર્ણનાં પુષ્પગુચ્છ પ્રકૃતિથી શ્વેત જ હોય છે. તો પછી આ એક ગુચ્છ પીળો છે, તેનાં કયાં કારણો તને લાગે છે? શું કદાચ કોઈ કલાવિદે આપણને આશ્ચર્ય પમાડવા માટે એ બનાવ્યો હશે, કે પછી પુષ્પયોનિશાસ્ત્રના શિક્ષણનો પ્રયોગ કરી બતાવવા માટે? ક્ષાર અને ઔષધિઓના યોગથી ફળફૂલ અને પરાગ ત્વરિત ઉત્પન્ન કરી શકાય છે. તેનાં કારણો દર્શાવાયાં છે. આપણે ઇંદ્રજાળમાં જેમ જોઈએ છીએ તે પ્રમાણે ઔષધિના ગુણપ્રભાવે વૃક્ષોને તરત ઉગાડવાની, અથવા તો ફળફૂલોનું કે વિવિધ રંગનું નિર્માણ કરવાની ઘણી રીતો છે.’

પિતાજીએ એ પ્રમાણે કહ્યું છે એટલે મેં એ પુષ્પગુચ્છને લાંબા સમય સુધી સૂંઘી જોયો અને બરાબર ધ્યાનથી તેને તપાસ્યો. ઊહાપોહ અને વિચારણાની શક્તિ ધરાવતી મારી બુદ્ધિ વડે તેના રંગ, રસ, રૂપ અને ગંધના ગુણોની માત્રાનું મેં બરાબર પરીક્ષણ કર્યું, અને મને કારણ સમજાયું, એટલે સવિનય મસ્તક પર અંજલિ રચીને મેં, પિતાજીને નિકટના પરિચયે વિશ્વસ્ત મનથી કહ્યું:

‘વૃક્ષોની ભોંય, કાળ, ઉત્પત્તિ, પોષણ, પોષણનો અભાવ તથા વૃદ્ધિ — એ બધું સમજ્યા પછી જ તેમની મૂળ પ્રકૃતિ અને તેમાં થયેલા વિકાર જાણી શકાય. વળી તે વિકારો કોઈ કળાવિદની પ્રયોગવિધિને કારણે પણ ઉત્પન્ન થતા હોય છે. પરંતુ આ પુષ્પગુચ્છનો વિશિષ્ટ રંગ તમે જે પાંચ કારણોનો નિર્દેશ કર્યો છે તેમાંનાં એકેયનું પરિણામ નથી. પિતાજી, આ ગુચ્છનો રંગ છે તે સુગંધી અને રતાશ પડતી પીળી પરાગરજના થરને લીધે છે, અને તેની વિશિષ્ટ ગંધ સૂચવે છે કે તે ઉત્તમ પદ્મનો પરાગ છે.’

પિતાજી બોલ્યા, ‘બેટા, વનની વચમાં રહેલા આ પુષ્પમાં કમળરજ કઈ રીતે?’

મેં કહ્યું, ‘પિતાજી, સપ્તપર્ણનો આ પુષ્પગુચ્છ કમળરજ વડે રતાશ પડતો પીળો કઈ રીતે થયો હશે તેના કારણનું મેં જે પદ્ધતિથી અનુમાન કર્યું છે તે તમે સાંભળો. જે સપ્તપર્ણ વૃક્ષનાં આ ફૂલો છે તે વૃક્ષની સમીપમાં, શરદઋતુમાં શોભાવૃદ્ધિ પામેલી કોઈક કમળતળાવડી હોવી જોઈએ. ત્યાં સૂર્યકિરણોથી વિકસેલાં અને પોતાની પરાગરજે રતાશ પડતાં પીળાં બનેલાં કમળોમાં પીળી ઝાંયવાળા એ ભ્રમરો ત્યાંથી ઊડીને બાજુના સપ્તપર્ણની પુષ્પપેશીઓમાં આશ્રય લેતા હોય. ભ્રમરવૃંદોના પગે ચોંટેલી કમળરજના સંક્રમણથી તે સપ્તપર્ણના પુષ્પ કમળરજની ઝાંય પામ્યાં હોય. આ વસ્તુ આ જ પ્રમાણે હોવામાં મને કશો સંદેહ નથી.’

એ પ્રમાણે મેં કહ્યું એેટલે પેલી માલણ બોલી, ‘તમે બરાબર કળી ગયાં.’ એટલે મને ભેટી. મારું મસ્તક સૂંઘી પિતાજીએ હર્ષભરેલ હૈયે અને પુલકિત શરીરે કહ્યું, ‘બેટા, તેં મર્મ બરાબર જાણ્યો. મારા મનમાં પણ એ જ પ્રમાણે હતું, પરંતુ તું જે કળા શીખી છે તેની પરીક્ષા કરવા પૂરતું જ મેં તને પૂછ્યું હતું. કૃશોદરી, તને વિનય, રૂપ, લાવણ્ય, શીલ અને ધર્મવિજય — એવા ગુણોથી યુક્ત ઉત્તમ વર જલદી મળજો.’

તે વેળા અમ્માએ પિતાજીને વિનંતી કરી, ‘બેટીએ વર્ણવેલું એ સપ્તપર્ણ વૃક્ષ જોવાનું મને ભારે કુતૂહલ છે.’ પિતાજીએ કહ્યું, ‘બહુ સારું, તું સૌ સ્વજનો સાથે તે જોવા જજે, અને ત્યાંના સરોવરમાં કાલે તારી પુત્રવધૂઓ સાથે સ્નાન પણ કરજે.’ પિતાજીએ ત્યાં જ ઘરના મોટેરાઓને અને કારભારીઓને આજ્ઞા દીધી, ‘કાલે ઉદ્યાનમાં સ્નાનભોજન કરવા માટેની તૈયારીઓ કરજો. સુશોભિત વસ્ત્રો અને ગંધમાલ્ય પણ તૈયાર રાખજો — મહિલાઓ ત્યાંના સરોવરમાં સ્નાન કરવા જશે.’

હે ગૃહસ્વામિની, ધાત્રીઓએ, સખીઓએ તથા મારી બધી ભોજાઈઓએ મને એકદમ અભિનંદનોથી ઘેરી લીધી. પછી ધાત્રીએ મને કહ્યું, ‘બેટા, તારું ભોજન આ તૈયાર છે. તો જમવા બેસી જા. નહીં તો ભોજનવેળા વીતી જશે. બેટા, ભોજનવેળા થતાં જે જમી ન લે તેનો જઠરાગ્નિ બળતણ વિનાના અગ્નિની જેમ બુઝાઈ જાય. કહ્યું છે કે જઠરાગ્નિ જો બુઝાઈ જાય તો વર્ણ, રૂપ, સુકુમારતા, કાંતિ અને બળનો નાશ કરે. તો ચાલ, જમી લે, જેથી કરીને વેળા વીતી જવાથી થતો કોઈ દોષ તને ન લાગે.’

એ પ્રમાણે લાગણીથી તેણે મને કહ્યું. એટલે કહ્યા પ્રમાણે ઉચિત વેળા જાળવીને મેં વર્ણ, ગંધ, રસ આદિ સર્વગુણસંપન્ન શાલિનું ભોજન કર્યું. કેવી હતી એ શાલિ? બરાબર ખેડેલી અને દૂધે સીંચેલા ક્યારાઓમાં વાવેલી, ત્રણ વાર ઉખેડીને ચોપેલી, યોગ્ય રીતે વૃદ્ધિ પામીને પુષ્ટ થયેલી, લણેલી, મસળેલી, છડેલી, ચંદ્ર અને દૂધ જેવા શ્વેત વાનવાળી, પોચી, ગાઢ સ્નિગ્ધતાવાળી, ગુણ નષ્ટ ન થાય તે રીતે રાંધેલી, વરાળ નીકળે તેવી ફળફળતી, સુગંધી ઘીથી તર કરેલી અને ચટણી, પાનક વગેરેથી યુક્ત. હે ગૃહસ્વામિની, પછી મને બીજા પાત્રમાં હાથ ધોવરાવ્યા અને સુગંધી ક્ષૌમ વસ્ત્રથી મારા હાથ લૂછ્યા. પછી મેં હાથપગનો શણગાર સજવાના હેતુથી ઘી અને તેલનો સ્પર્શ કર્યો.

કાલે તો ઉજાણીએ જઈશું એમ જાણીને ઘરની યુવતીઓનાં મુખ પર અંતરના ઉમંગની ઘોષણા કરતું હાસ્ય છવાઈ ગયું. ત્યાં તો જેમાં

સમાપ્ત થઈ છે દિનભરની પ્રવૃત્તિ,

પ્રાપ્ત થઈ છે ચક્ષુને વિષય-નિવૃત્તિ, જેને લઈને થતી કર્મથી નિવૃત્તિ

અને નિદ્રાની ઉત્પત્તિ,

એવી આવી પહોંચી રાત્રિ.

અંધારાને ફેડતો દીપક પાસે રાખી શયનમાં હું સૂતી અને મારી એ ચાંદની ચીતરેલી રાત્રિ સુખે વીતી.

મેં હાથ, પગ અને મોં ધોયાં, અરહંતો અને સાધુઓને વંદન કર્યાં, લઘુ પ્રતિક્રમણ કર્યું અને ઉજાણીએ જવા હું ઉત્સુક બની ગઈ. ઉજાણીએ જવા ઉતાવળી હોઈને યુવતીઓ અને પુત્રવધૂઓએ પણ ત્યારે ગયેલી રાતને ‘કેમેય વીતતી ન હતી.’ એમ કહીને ઘણી ભાંડી હતી. કેટલીકોએ તો ‘ઉજાણીએ જઈશું, શું શું જોઈશું, કેવી નાહીશું’ વગેરે મનોરથોની પરસ્પર વાતો કરીને આખી રાત જાગરણમાં જ ગાળી હતી.

રસોઈયા, રક્ષકો, કામવાળા, કારભારીઓ અને પરિચારકો ભોજનની તૈયારી માટે સૌની પહેલાં ઉદ્યાને પહોંચી ગયા. ત્યાં તો એકાએક ગગનમાર્ગનો પથિક, પૂર્વદિશાના વદનકમળને વિકસાવનાર, જપાકુસુમ સમો રક્ત સૂર્ય ઊગ્યો. મહિલાઓએ રંગબેરંગી, ભાતભાતનાં, મહામોંઘાં પટ્ટ, ક્ષૌમ, કૌશિક અને ચીનાંક્ષુક વસ્ત્ર લીધાં, કસબીઓએ કલાકુશળતાથી બનાવેલાં, સોના, મોતી અને રત્નનાં ઉત્તમોત્તમ આભૂષણ લીધાં. સૌંદર્યવર્ધક, સૌભાગ્યસમર્પક, યૌવન-ઉદ્દીપક પ્રસાધન લીધાં.

એ પછી નિમંત્રિત સગાસંબંધીની સર્વ મહિલાઓ આવી જતાં અમ્માએ ઉજાણીએ જવા નીકળવાની તૈયારીઓ કરી, અને શુભ મૂહુર્તે બધી સામગ્રી સહિત અમ્માએ તેમની સાથે પ્રયાણ કર્યું. તરત જ અમ્માની પાછળ વાસભવનના માર્ગને આભૂષણના રણકારથી ભરી દેતો યુવતીસમુદાય ચાલ્યો. તરુણીઓના નૂપુરનું રુમ્મકઝુમ્મક, સુવર્ણમય રત્નમેખલાનો ખણખણાટ, અને સાંકળીની કિંકિણીનો રણકાર — એ સૌનો રમ્ય ઘોષ ઊઠતો હતો. મન્મથના ઉત્સવની શરણાઈ સમી તેમના આભૂષણની શરણાઈ જાણે કે લોકોને માર્ગમાંથી દૂર હઠવા કહી રહી હતી. અમ્માના આદેશથી મને બોલાવવા આવેલી દાસીઓએ તેમના નીસર્યાના સમાચાર મને કહ્યા.

એટલે, હે ગૃહસ્વામિની, શરીરે સર્વ શણગાર અને મનોહર, મૂલ્યવાન વસ્ત્રથી સુસજ્જ થયેલી મારી સખીઓએ મને મજ્જન કરાવીને શણગાર સજાવ્યા. મેં સુવર્ણચૂર્ણથી મંડિત, મૂલ્યવાન, સુકુમાર, સુંદર, શ્વેત, આકર્ષણ માટેના ધ્વજપટ સમું પટ્ટાંશુક પહેર્યું. વસ્ત્રાભૂષણનાં પાણીદાર રત્નોની ઝળહળતી કાંતિથી મારું લાવણ્ય, ઋતુકાળે ખીલી ઊઠેલી ચમેલીની જેમ, દ્વિગુણિત બન્યું.

તરત જ હું દાસીમંડળથી વીંટળાઈને બહારના કોટની લગોલગના ચતુ:શાલના વિશાળ આંગણમાં નીકળી આવી. ત્યાં વસ્ત્રાભૂષણથી દીપતા એ યુવતી-સમુદાયને ઇંદ્રના આવાસમાં એકઠા મળેલા સુંદર અપ્સરાવૃંદ સમો મેં જોયો. ત્યાં બળદોને હાંકવામાં અને કાબૂમાં રાખવામાં અનુભવી, ગાડી પર બેઠેલા ગાડીવાને મને બોલાવી, ‘કુમારી, તમે ચાલો, ચાલો, ઉજાણીએ જવા માટેનાં વિમાન સમી આ સૌથી વધુ રૂપાળી ગાડી શેઠે આજે તમારા માટે નક્કી કરી છે.’ એ પ્રમાણે બોલતા તે સેવકે મને ઝડપ કરાવી, એટલે કામળો પાથરેલી તે ગાડીમાં હું સુખેથી ચઢી બેઠી. તે પછી મારી પાછળ મારી ધાત્રી અને દાસી સારસિકા પણ ચઢી. ઘંટડીઓનો રણકાર કરતી તે ગાડી ઊપડી. સ્ત્રીઓની સારસંભાળ રાખતા કંચુકીઓ, ઘરના કારભારીઓ અને પરિચારકો મારી પાછળ પાછળ આવતા હતા.

આ પ્રમાણે સુયોજિત, સુંદર પ્રયાણ વડે નગરજનોને વિસ્મય પમાડતાં, અમે સરળ ગતિએ રાજમાર્ગ પર થઈને જવા લાગ્યાં. હું વિવિધ હાટોવાળા, વિશાળ, અનેક શાખાઓમાં ફંટાયેલા, લક્ષ્મીના મોંઘામૂલા સારરૂપ, નગરના રાજપથને જોવા લાગી. હે ગૃહસ્વામિની, ભીંડેલી જાળીયુક્ત કમાડવાળાં ઘરો, જોવાની રસિયણ યુવતીઓને લીધે જાણે કે વિસ્ફારિત લોચને મને જોઈ રહ્યાં હતાં. જોવાને ઉત્સુક રસ્તા પરના લોકો મને યાનરૂપી વિમાનમાં બેઠેલી લક્ષ્મીની જેમ પસાર થતી અનિમિષ નેત્રે જોતાં હતાં.

વળી તે વેળા મને જોઈને રાજમાર્ગ પરના નગરના તરુણોનાં હૈયાં મન્મથની શરજાળથી જાણે કે બળી રહ્યાં હતાં. રમણ કરવાનો યોગ કેમ પ્રાપ્ત કરવો એવા મનોરથ કરતા તેઓ એક પળમાં તો પ્રાણસંશય થાય તેવો તીવ્ર તલસાટ અનુભવવા લાગ્યા. અપ્સરા જેવી રૂપાળી યુવતીઓને પણ મારું રૂપ જોઈને એવું રૂપ પ્રાપ્ત કરવાના મનોરથ ઉદ્ભવ્યા. મારું રૂપ, સૌકુમાર્ય અને હાવ વડે રમણીય શીલ જોઈને રાજપથ પરના સૌ લોકો જાણે કે અન્યમનસ્ક બની ગયા.

વિશાળ રાજપથ પર થઈને અમે જતાં હતાં ત્યારે ત્યાં પસરી ગયેલી સુગંધથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોની આ પ્રકારની વાતો સાંભળીને મારી દાસીઓ અમે નગરમાંથી બહાર નીકળી ગયાં ત્યારે પાછળ દોડી આવીને મને કહી ગઈ.

એ રીતે ઉદ્યાનમાં પહોંચીને મહિલાઓ વાહનોમાંથી ઊતરી. રક્ષકગણને ઉદ્યાનની સમીપના ભાગમાં નિકટમાં જ સ્થાપિત કર્યો. બે સખીઓ સહિત હું પણ ગાડીમાંથી ઊતરી, અને બીજી મહિલાઓની સાથે મેં એ સુંદર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ઉદ્યાનનાં કોટ તથા દ્વાર ઉત્તુંગ અને શ્વેત હતા. પુષ્પિત તરુવરોથી તે ભરચક હતું. નંદનવનમાં અપ્સરાઓ વિહરે તેમ તે ઉદ્યાનમાં મહિલાઓ વિહરવા લાગી.

તે ઉપવનને નીરખતાં નીરખતાં તેઓ પર્ણગુચ્છોથી સભર સૌંદર્યધામ સમાં વૃક્ષોનાં પુષ્પગુચ્છો ચૂંટવા લાગી. એટલામાં અમ્માએ કહ્યું, ‘ચાલો, ચાલો, આપણે સપ્તપર્ણને જોઈએ; કુંવરીએ એના ફૂલ પરથી સૂચવ્યું હતું ને, કે સરોવરને કાંઠે એ હોવો જોઈએ.’ એટલે એ યુવતીસમુદાય અમ્માને અનુસરતો મસૃણ ગતિએ આગળ વધ્યો, અને પેલા સપ્તપર્ણ વૃક્ષને તેણે જોયું.

હું પણ ધાત્રી અને સારસિકા ચેટીના સંગાથમાં, સેંકડો દર્શનીય, નયનમોહક અને મનમોહક વસ્તુઓમાં લોભાતી, એ સોહામણા ઉદ્યાનને નિહાળવા લાગી — શરદઋતુએ તેના ગુણસર્વસ્વથી ત્યાં અવતરણ કર્યું હોઈ, તથા અનેકવિધ ઉત્તમ પુષ્પોથી સૌંદર્યસમૃદ્ધ બનેલું હોઈને ઉદ્યાન સર્વ પ્રેક્ષકોને માટે નયનરમણીય બન્યું હતું. હજારો પંખીઓનો શ્રવણસુખદ કલરવ સાંભળતી હું પુષ્પપરાગથી રંજિત મધુકરી સમી ભ્રમણ કરી રહી.

ત્યાં વર્ષાઋતુ વીતતાં, શરદના આગમને પિચ્છકલાપ ખરી પડ્યો હોવાથી મદવિહોણો બની ગયેલો મયૂર, જિતાયેલા જુગારી સમો મારી દૃષ્ટિએ પડ્યો. ત્યાંનાં કદલીગૃહો, તાડગૃહો, ચિત્રગૃહો, લાવણ્યગૃહો, ધારાગૃહો અને કેલિગૃહો મેં જોયાં. તે ઉદ્યાન સપ્તપર્ણોને લીધે જાણે કે ધૂંધવાતું હતું, અશોકવૃક્ષોથી જાણે કે સળગી રહ્યું હતું, પુષ્પિત બાણવૃક્ષો વડે જાણે કે આગંતુકોને નિહાળી રહ્યું હતું.

એ પછી મેં પેલો સર્વાંગસુંદર સપ્તપર્ણ જોયો. મોટા ભાગનાં પાન ખરી પડેલો, સર્વત્ર છવાઈ ગયેલાં પુષ્પોના ભારે લચતો, પુષ્પગુચ્છોથી શ્વેત શ્વેત બની ગયેલો, અને ગુંજતી મધુકરમાળા વડે સજ્જ — જાણે કે નીલોત્પલની માળા ધારણ કરેલ બલદેવ. પવનથી ખરી પડીને નીચેની ભોંયને મંડિત કરતી તેની પેશીઓને દહીંભાત સમજીને કાગડાઓ ચોતરફથી ચાંચ વડે ખોતરતા હતા. મેં પત્રપુટમાં વીંટળાયેલો, મારા પુષ્ટ સ્તન જેવડો, રૂપાના ચત્તા કોશ સમો તેનો એક પુષ્પગુચ્છ ચૂંટ્યો.

એટલામાં તો મધુમત્ત ભ્રમરો, કમળના લોભે, કમળના જેવા જ સુગંધી મારા મુખકમળની પાસે આવી લાગ્યા. મનોહર ઝંકારના મધુર, સુખદ સ્વરને લીધે અનંગશર સમા ભ્રમરો, ગુંજન કરતા, મારા વદન ઉપર, કમળની ભ્રાંતિથી ઊતરી આવ્યા. ભ્રમરીઓનાં ટોળાં સહિત આવીને મારા મુખ પર આશરો લેતા તે ભ્રમરોને હું કોમળ કર વડે વારવા લાગી. એ રીતે હાથ વડે વારવામાં આવતાં તો ઊલટાં તેઓ વધુ ને વધુ નિકટ આવી લાગ્યા — માનું છું કે પવનથી હલતાં પલ્લવોથી જાણીતા હોઈને તેઓ ડરતા ન હતા.

ભ્રમરભ્રમરીનાં ટોળાંને લીધે હું પ્રફુલ્લ ચમેલી સમી દેખાતી હતી. મને ડરથી પ્રસ્વેદ વળી ગયો, હું થરથરવા લાગી અને મેં મોટેથી ચીસ પાડી. પરંતુ મત્ત ભ્રમરભ્રમરીનાં ટોળાંના ટંકારમાં અને જાતજાતનાં પક્ષીઓના ભારે ઘોંઘાટમાં મારી ચીસનો અવાજ ડૂબી ગયો. ઘોડાની લાળથી પણ વધુ ઝીણા ઉત્તરીય વડે ભ્રમરોને વારીને અને મુખ ઢાંકી દઈને હું તેમના ડરથી નાઠી. દોડતાં દોડતાં, કામશરોના નિવાસ સમી, ચિત્રવિચિત્ર રત્નમય મારી મેખલા મધુર રણકાર સાથે તૂટી પડી. અતિશય ભયભીત થયેલી હોઈને, હે ગૃહસ્વામિની, હું તૂટી પડેલી મેખલાને ગણકાર્યા વિના મહામુશ્કેલીએ ભ્રમરોથી મુક્ત એવા કદલીમંડપમાં પહોંચી ગઈ. એટલે ત્યાં એકાએક દોડી આવીને ગૃહદાસીએ મને આશ્વાસન આપીને કહ્યું, ‘હે ભીરુ, ભ્રમરાઓએ તને દૂભવી તો નથી ને? તે પછી ફરતાં ફરતાં મેં પેલા સપ્તપર્ણના વૃક્ષને જોયું.

એ કમળસરોવરમાંથી ઊડીને આવતા ભ્રમરગણોનું આશ્રયસ્થાન હતું. શરદઋતુના પ્રારંભે બેઠેલાં પુષ્પોથી છવાઈ ગયું હતું. સરોવરતીરના મુકુટરૂપ હતું. ભ્રમરીઓનું પિયર હતું. ભ્રમરરૂપી લાંછનવાળા ધરતી પર ઊતરી આવેલા પૂર્ણચંદ્રરૂપ હતું.

સૌ મહિલાઓ ફૂલ ચૂંટવામાં રત થઈને ઘડીક ભેળી થઈ જતી તો ઘડીક છૂટી પડી જતી. એ વૃક્ષને ઘણો સમય નીરખીને પછી મારી દૃષ્ટિ કમળસરોવર તરફ ગઈ.

સુવર્ણવલયથી ઝળહળતા ડાબા હાથે દાસીને અવલંબીને હું તે કમળસરોવર જોઈ રહી:

તેમાં ભયમુકત બની કલરવ કરતાં અને જોડીમાં ફરતાં જાતજાતનાં પંખીઓનો નિનાદ ઊઠી રહ્યો હતો. અંદર નિમગ્ન બનેલા ભ્રમરોવાળાં વિકસિત કમળોનાં ઝુંડનાં ઝુંડ હતાં. પ્રફુલ્લ કોકનદ, કુમુદ, કુવલય, અને તામરસના સમૂહે તે સર્વત્ર ઢંકાઈ ગયું હતું.

ઉદ્યાનની પતાકા સમા તે કમળસરોવરને હું જોઈ રહી. હે ગૃહસ્વામિની, રક્તકમળો વડે તે સંધ્યાનો, કુમુદો વડે જ્યોત્સ્નાનો, તો નીલકમળો વડે તે ગ્રહોનો ભાવ ધારણ કરતું હતું. ભ્રમરીઓના ગુંજારવથી તે જાણે કે ઉચ્ચ સ્વરે ગીત ગાતું હતું. હંસોના વિલાપથી જાણે કે તે રડતું હતું. પવનથી હલી રહેલાં કમળો વડે જાણે કે તે અગ્રહસ્તના સવિલાસ અભિનય સાથે નૃત્ય કરતું હતું. દર્પથી મુખર ટીટોડાઓ, ક્રીડારત બતકો અને હષિર્ત ધૃતરાષ્ટ્રો વડે તેના બંને કાંઠા શ્વેત બની ગયા હતા.

મધ્યભાગને ક્ષુબ્ધ કરતા ભ્રમરવાળાં કમળો, વચ્ચે ઇંદ્રનીલ જડેલાં સુવર્ણપાત્ર સમાં શોભતાં હતાં. તેના પર બેઠેલા, ફીંડલું વાળેલા ક્ષૌમ વસ્ત્ર જેવા ધવલ અને શરદઋતુ પાસેથી ગુણગણ પામેલા એવા હંસો સરોવરના અટ્ટહાસ સમા દીસતા હતા. કેસરલિપ્ત મારા પયોધર જેવા શોભા ધરતા, પ્રકૃતિની રતાશ પડતા, પ્રિયા સાથે જેમનો વિપ્રયોગ નિમિર્ત છે તેવા ચક્રવાક મેં જોયા. પદ્મિનીપત્રો પર બેઠેલા કેટલાક ચક્રવાક લીલા મણિની ફરસ પર પડેલા કરેણનાં ફૂલના પુંજ સમા શોભી રહ્યા હતા. ઈર્ષ્યા અને રોષરહિત, સહચરીના સંગમાં અનુરક્ત, મનશિલ જેવાં રતૂમડાં ચક્રવાક મેં ત્યાં જોયાં. પોતાની સહચરીની સંગાથે પદ્મિનીપત્રોની વચ્ચે રમતા ચક્રવાક, મરકતમણિની છો પર દડતા રત્નકલશના જેવી શોભા ધરી રહ્યા હતા.

સરોવરના અલંકાર સમા, ગોરોચના જેવી રતાશ ધરતા એ ચક્રવાકોમાં મારી દૃષ્ટિ કાંઈક અધિક રમમાણ રહી. હે ગૃહસ્વામિની, બાંધવજન સમા એ ચક્રવાકોને ત્યાં જોઈને મને મારા પૂર્વજન્મનું સ્મરણ થઈ આવ્યું, અને શોકથી મૂછિર્ત થઈ હું ઢળી પડી. ભાન પાછું આવતાં, મારું હૃદય અતિશય શોકથી રૂંધાઈ ગયું, અને હું પુષ્કળ આંસુ સારી મનોવેદના પ્રગટ કરવા લાગી. હું રડતાં રડતાં, કમળપત્રમાં પાણી લાવીને મારા હૃદયપ્રદેશને તથા આંસુને લૂછતી દાસીને જોઈ રહી.

પછી હે ગૃહસ્વામિની, હું ત્યાંથી ઊઠીને તાજાં, લીલાં પત્રવાળી પદ્મિનીના ઝુંડ સમા, સરોવરકાંઠેના કદલીમંડપમાં ગઈ. ત્યાં નિર્મળ ગગનતળ જેવી અત્યંત શ્યામ પથ્થરની પાટ પર હું શોકવિવશતાથી આંસુ વહેવરાવતી બેસી પડી.

એટલે દાસીએ મને પૂછ્યું, ‘હે સ્વામિની, શું તને ખાધેલું બરાબર પચ્યું નથી? અથવા તો વધુ પડતો થાક લાગ્યો છે? કે પછી કશુંક તને કરડી ગયું?’ મારાં આંસુ લૂંછતી તે પોતે પણ મારા પ્રત્યેના સ્નેહથી આંસુ સારવા લાગી; વળી તેણે પૂછ્યું, ‘તને શા કારણે આ મૂર્છા આવી? મને સાચી વાત કહે, જેથી તરત જ ઉપાય કરી શકાય. વિલંબને લીધે તારા શરીરને રખે કશી હાનિ પહોંચે. કહ્યું છે કે વ્યાધિની, દુર્જનની મૈત્રીની અને દુ:શીલ સ્ત્રીની ઉપેક્ષા કરનાર પછીથી ભારે દુઃખી થાય છે. પ્રમાદ સેવવાથી અનર્થ આવી પડે અને વિનાશ પણ થાય, માટે હે સુંદરી, બધી બાબતમાં સમયસર પગલાં લેવાં એ જ સારું છે. માટે, આવી પડેલા નાના શા દોષ પ્રત્યે પણ પ્રમાદ ન સેવવો, નહીં તો યોગ્ય વેળાએ જે નખથી છેદાય એવું હોય, તે પછીથી કુહાડાથી છેદવું પડે તેવું થઈ જાય.’

આ પ્રકારનાં તેમ જ બીજાં પણ સહિયરને સહજ એવાં પથ્ય વચનો દાસીએ વિનવણી કરતાં કરતાં મને કહ્યાં. એટલે ઊઠીને મેં તેને કહ્યું, ‘તું બીશ નહીં, નથી મને અજીર્ણ થયું, નથી મને ભારે શ્રમ પડ્યો કે નથી મને કશું કરડી ગયું.’

તે બોલી, ‘તો પછી એમ કેમ થયું કે ઉત્સવ પૂરો થયે જેમ ઇંદ્રધ્વજની યષ્ટિ પટકાય એ રીતે તું મૂર્છાવિકળ અંગોએ ભોંય પર ઢળી પડી? હે સુંદરી, મને કશી સમજ નથી પડતી એટલે તને પૂછી રહી છું, તો તું તારી આ દાસીને રજેરજ વાત કર.’

એટલે, હે ગૃહસ્વામિની, તે મરકતમણિના ગૃહ સમા કદલીગૃહમાં નિરાંતે બેઠાં બેઠાં મેં સારસિકાને મધુર વચને વાત કરી. ‘હે સખી, હું મૂર્છા ખાઈને શા કારણે ઢળી પડી, તેની કથની ઘણી લાંબી છે. હું તને ટૂંકમાં કહી સંભળાવું છું. સાંભળ, તું અને હું સાથે જ જન્મ્યાં, સાથે જ ધૂળમાં રમ્યાં અને આપણે સાથોસાથ સુખદુઃખ ભોગવ્યાં છે; વળી, તું તો મારું બધું રહસ્ય જાણે છે. એટલે જ હું તને આ વાત કહું છું. હું તને મારા જીવતરના સમ દઉં છું, તું મારું આ રહસ્ય કોઈને પણ ન કહેતી.’

આ પ્રમાણે જ્યારે મેં સારસિકાને શપથથી બાંધી લીધી ત્યારે તે મારે પગે પડીને કહેવા લાગી, ‘તું કહે છે તેમ જ કરીશ. હું ઇચ્છું છું કે તું તારી આ વાત મને કહે. હે વિશાલાક્ષિ, હું તારા ચરણના અને મારા જીવતરના શપથ ખાઉં છું કે તું જે કહીશ તે હું પ્રગટ નહીં જ કરું.’

મેં કહ્યું, ‘હે સારસિકા, તું મારા પ્રત્યે અનુરાગવાળી છે તેથી તને વાત કરું છું. મારું કોઈ પણ એવું રહસ્ય નથી જે મેં તને ન કહ્યું હોય. પૂર્વે મેં જે દુઃખ અનુભવ્યું છે તેથી મારી આંખોમાંથી આંસુ વરસી રહ્યાં છે. તીવ્ર વેદના ફરીથી સહેવાના ભયે હું કહેતાં અચકાઉ છું. પણ તું સાંભળ, સાંભળતાં ખિન્ન કે વિહ્વળ ન બનતી — પ્રિયવિરહનાં કારુણ્યવાળી સર્વ સુખદુઃખની પરંપરા હું વર્ણવું છું. સાંભળવાનું તને ખૂબ કુતૂહલ છે, તો હું અહીં નિરાંતે બેઠાં બેઠાં શોકથી વિષણ્ણ અને ગળતાં નેત્રે મારી કથની કહું છું.