ભારતીયકથાવિશ્વ-૩/‘તરંગલોલા’ની કથાઓ/ વત્સદેશ


વત્સદેશ

ભારતવર્ષના મધ્યમ ખંડમાં વત્સ નામનો રમ્ય અને સર્વગુણસંપન્ન જનપદ છે. રત્નોનું ઉદ્ભવસ્થાન, મોટા મોટા જાણકારોનું સમાગમસ્થાન, મર્યાદાઓનું આદિસ્થાન, ધર્મ, અર્થ અને કામનું ઉત્પત્તિક્ષેત્ર. સુખના જેવો પ્રાર્થનીય, વિદગ્ધોના નિર્ણય જેવો રમણીય, નિર્વાણના જેવો વાસયોગ્ય, અને ધર્મપાલનના જેવો ફલપ્રદ. તેમાં છે નગરી નામે કૌશાંબી, તે હતી ઉત્તમ નગરજનોનું વાસભવન, દેવલોકનું વિડંબન, જનગણમનનું આલંબન. મધ્યદેશની લક્ષ્મી શી, અન્ય રાજધાનીઓના આદર્શરૂપ, લલિત અને સમૃદ્ધ જનસમૂહવાળી, તે યમુનાનદીને તીરે વિસ્તરી હતી.

ત્યાં ઉદયન નામનો સજ્જનવત્સલ રાજા હતો, તેનું બળ અપરિમિત હતું. યુદ્ધમાં તેના પરાક્રમ અને પ્રતાપની ખ્યાતિ હતી. તે હતો મિત્રોનું કલ્પવૃક્ષ, શત્રુવનનો દાવાનળ, કીર્તિનો આવાસ. તે સુભટસમૂહથી વીંટળાયેલો અને શ્લાઘ્ય હતો.

તે કાંતિમાં જાણે પૂર્ણચંદ્ર, સ્વરમાં જાણે હંસ, ગતિમાં જાણે નરસિંહ હતો. અશ્વ, ગજ, રથ અને સુભટ એમ ચતુરંગ સેનાની પ્રચુરતાવાળા હૈહયકુળમાં તે જન્મ્યો હતો.

ઉત્તમ કુળ, શીલ અને રૂપવાળી વાસવદત્તા હતી તેની પત્ની: જાણે કે સર્વ મહિલાગુણોની સંપત્તિ, જાણે કે રતિસુખની સંપ્રાપ્તિ. શ્રેષ્ઠીઓની શ્રેણીમાં જેનું આસન પ્રથમ રહેતું એવો નગરશ્રેષ્ઠી ઋષભસેન તે રાજાનો મિત્ર અને સર્વકાર્યમાં સાક્ષી હતો. તે અર્થશાસ્ત્રમાં નિપુણ અને તેના તાત્પર્યનો જાણકાર હતો. અન્ય સર્વ શાસ્ત્રોમાં પણ તે નિષ્ણાત હતો. બધા પુરુષગુણો અને વ્યવહારોનો તે નિકષરૂપ હતો. તે સૌમ્ય, ગુણોનો આવાસ, મિત, મધુર, પ્રશસ્ત અને સમયોચિત બોલનારો, મર્યાદાયુક્ત ચારિત્ર્યવાળો અને વિસ્તીર્ણ વેપારવણજ વાળો હતો. સમ્યગ્દર્શન વડે તેની બુદ્ધિ વિશુદ્ધ થયેલી હતી. પ્રવચનમાં તે સંશયરહિત શ્રદ્ધાવાળો હતો. જિનવચનનો શ્રાવક અને શુચિ મોક્ષમાર્ગને અનુસરનારો હતો.

તે મોક્ષના વિધાનનો જાણકાર હતો; જીવ અને અજીવનું તેને જ્ઞાન હતું.

તે વિનયમાં દત્તચિત્ત, નિર્જર, સંવર અને વિવેકનો અતિ પ્રશંસક, પુણ્ય અને પાપની વિધિનો જાણકાર અને શીલવ્રતના ઉત્તુંગ પ્રાકાર સમો હતો. તે પોતાના કુળ અને વંશનો દીપક, પ્રજાજનો અને દીનદુઃખીનું શીતગૃહ, લક્ષ્મીનો મધ્યાવાસ, ગુણરત્નોનો ભંડાર તથા ધીર હતો.