ભારતીય કથાવિશ્વ૧/ઉષસ્તિની કથા


ઉષસ્તિની કથા

દુકાળ પડવાની ક્યાં નવાઈ છે આ ભારત દેશમાં. કેટલીક કથાઓમાં તો બાર બાર વરસના દુકાળની વાત આવે છે — કાં તો લીલો દુકાળ કાં તો સૂકો દુકાળ, આવા જ એક દુકાળની કથા. કુરુપ્રદેશનાં ખેતરોમાં કરા પડ્યા, અને બધું અનાજ સડી ગયું. તે વેળા ઉષસ્તિ નાની વયની પત્નીને લઈને ભીખ માગતો એક ગામમાં રહેવા લાગ્યો, તે ગામ હતું તો ધનિકોનું.

ત્યાં એક મહાવત ખરાબ અને બગડી ગયેલા અડદ ખાતો હતો. ઉષસ્તિથી ભૂખે રહેવાયું નહીં એટલે મહાવત પાસે અડદ માગ્યા. તેણે કહ્યું, ‘મારી પાસે આટલા જ અડદ છે, બીજા નથી.’ મહાવતની વાત સાંભળી ઉષસ્તિએ તેને કહ્યું કે, ‘આ અડદ મને આપ.’ એટલે મહાવતે તેને અડદ આપ્યા. ઉષસ્તિએ અડદ ખાઈ લીધા એટલે મહાવતે કહ્યું, ‘મારું એંઠું પાણી ત્યાં છે, પી લે.’ ‘તારું પાણી પીઉં તો બધા એમ જ માનશે કે મેં એંઠું પાણી પીધું છે. એટલે આ પાણી નહીં પીઉં.’ ‘તો શું અડદ એંઠા ન હતા?’ ‘જો આ અડદ ન ખાત તો હું જીવતો ન રહેત. પાણી પીવું એ મારા હાથની વાત છે. પાણી તો ગમે ત્યાંથી મળી રહેશે.’ પછી ખાતાં વધેલા અડદ ઉષસ્તિ પોતાની પત્ની માટે લઈ ગયો. પણ પત્નીને ભિક્ષા મળી હોવાથી તે અડદ તેણે રાખી મૂક્યા. ઉષસ્તિએ સવારે પત્નીને કહ્યું, ‘જો મને અન્ન મળ્યું હોત તો ચાલી શકાત. ક્યાંકથી ધન મેળવત. કોઈ રાજા યજ્ઞ કરી રહ્યા છે, મને વિધિવિધાન આવડે છે એટલે હું ઋત્વિજ બની શકું.’ તેની પત્નીએ આગલે દિવસે આપેલા અડદ પતિને ખાવા આપ્યા અને તે યજ્ઞસ્થળે પહોંચ્યો. ઉષસ્તિ એ યજ્ઞમંડપમાં જઈને બેઠો, તે વેળા ઉદ્ગીથના મંત્રો ગવાતા હતા, પછી તેણે ઋત્વિજને કહ્યું, ‘જે આ યજ્ઞના અધિષ્ઠાતા છે તે દેવને તું જો નહીં જાણતો હોય તો તારું મસ્તક છેદાઈ જશે.’ પછી એવી જ રીતે બીજા ઋત્વિજોને પણ કહ્યું. બધાએ ગાન અટકાવી દીધું. તેઓ મૌન ધરીને બેસી રહ્યા એટલે રાજાએ ઉષસ્તિને પૂછ્યું, ‘તમે કોણ છો?’ ‘હું ચક્રનો પુત્ર ઉષસ્તિ છું.’ ‘મેં તમારાં વખાણ બહુ સાંભળ્યાં હતાં, તમને શોધ્યા પણ પત્તો ન પડ્યો એટલે બીજા બ્રાહ્મણોને બોલાવવા પડ્યા. તમે મારા યજ્ઞના ઋત્વિજ થાઓ.’ તેણે એ વાત સ્વીકારી. ‘આ બધા ઋત્વિજો હું કહું તે પ્રમાણે કરે. તમે જેટલી દક્ષિણા તેમને આપો તેટલી જ મને આપજો. મારે વધારે નથી જોઈતી.’ પછી ઋત્વિજોએ ઉષસ્તિને પેલા દેવતા વિશે પૂછ્યું. ‘તે દેવતા સૂર્ય છે. બધાં તેની સ્તુતિ કરે છે. તેને જાણ્યા વિના જો મંત્રો ભણત તો તારું મસ્તક કપાઈ જાત.’ અને એ રીતે બીજા ઋત્વિજને કહ્યું, ‘એ દેવતા અન્ન છે. બધાં પ્રાણીઓ અન્ન વડે જ જીવે છે.’

(છાંદોગ્ય ઉપનિષદ, પહેલો અધ્યાય, ૧૦-૧૧)