ભારતીય કથાવિશ્વ૧/જાનશ્રુતિ રાજા અને રૈકવની કથા


જાનશ્રુતિ રાજા અને રૈકવની કથા

જાનશ્રુતિ નામે રાજા ભારે દાનેશ્વરી, તેને ત્યાં મોટા પાયે રસોઈ થતી. રાજાએ ચારે બાજુ લોકો માટે આવાસ બંધાવ્યા હતા. રાતે ત્યાંથી હંસો ઊડતા પસાર થયા, એક હંસે બીજાને કહ્યું, ‘જોજે, રાજાનું તેજ ચારે બાજુ છે. તેને તું અડીશ નહીં; નહીંતર બળી જઈશ.’ આ સાંભળી બીજા હંસે કહ્યું, ‘અરે એ રાજા એવો તે કેવો મહાન છે — તે શું રૈકવ જેવો છે?’ ‘આ રૈકવ કેવો છે?’ ‘લોકો જે કંઈ સારાં કામ કરે છે તે બધાં રૈકવને નામે ચઢે છે.’ હંસોની આ વાત રાજાએ સાંભળી અને ઊઠીને તરત બંદીજનને કહ્યું, ‘તું રૈકવ જેવો મને શા માટે કહે છે? જા તું રૈકવનેે લઈ આવ.’ બંદીજન રૈકવને શોધવા તો ગયો પણ ના મળ્યા એટલે પાછો આવ્યો. ‘અરે જ્યાં બ્રહ્મજ્ઞાની રહેતા હોય ત્યાં જઈને શોધ.’ બંદીજને રૈકવને એક ગાડા નીચે શરીર ખંજવાળતાં જોયા, અને પૂછયું, ‘તમે જ રૈકવ છો?’ ‘હા.’ એટલે બંદીજને રાજાને સમાચાર આપ્યા. રાજા રૈકવ પાસે છસો ગાય, એક હાર અને રથ લઈને ગયો. એ બધું આપીને રૈકવ પાસે દેવતાનું જ્ઞાન માગ્યું. પણ રૈકવે એ બધું લેવાની ના પાડી એટલે રાજા વધુ ધન અને પોતાની પુત્રી લઈને ગયો, રૈકવ જ્યાં રહેતા હતા તે ગામ પણ આપ્યું. એના બદલામાં રૈકવે જ્ઞાનબોધ કર્યો.

(બીજો-ત્રીજો ખંડ અધ્યાય -૩/૪)