ભારતીય કથાવિશ્વ૧/દધ્યઙ્ અને અશ્વિનીકુમારો


દધ્યઙ્ અને અશ્વિનીકુમારો

એક વેળા દેવતાઓના ચિકિત્સક અશ્વિનીકુમારોએ દધ્યઙ્ ઋષિ પાસે જઈને બ્રહ્મવિદ્યાનો ઉપદેશ માગ્યો. ઋષિએ હા તો પાડી પણ તેમને ઇન્દ્રની બીક લાગી. ઇન્દ્રે તેમને કહ્યું હતું , જો તમે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ કોઈને આપશો તો હું તમારું મસ્તક કાપી નાખીશ. અશ્વિનીકુમારોએ તેમને ધીરજ બંધાવતાં કહ્યું, ‘તમે ચિંતા ન કરો. અમે તમારું માથું કાપીને સંતાડી દઈશું અને ઘોડાનું માથું તમારા શરીર સાથે જોડી દઈશું. ઉપદેશ આપ્યા પછી ઇન્દ્ર તમારું ઘોડાવાળું મસ્તક કાપી નાખશે અને ત્યારે અમે પેલું સંતાડી રાખેલું મસ્તક પાછું ચોંટાડી દઈશું.’ અને આમ ઋષિએ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપ્યો અને ઇન્દ્રને તેની જાણ થતાં ઋષિનું અશ્વમસ્તક કાપી નાખ્યું, અશ્વિનીકુમારોએ મૂળ મસ્તક જોડી દીધું.

(બૃહદ આરણ્યક ઉપનિષદ : અધ્યાય ૨, બ્રાહ્મણ ૫)