ભારતીય કથાવિશ્વ૧/દેવતાઓ અને અદિતિ


દેવતાઓ અને અદિતિ

યજ્ઞપુરુષ દેવતાઓ પાસેથી ચાલ્યો ગયો. દેવતાઓ કશું કરી ન શક્યા, તેઓ યજ્ઞને જાણી પણ ન શક્યા. તેમણે અદિતિને પ્રાર્થના કરી, ‘તારી કૃપાથી અમે યજ્ઞને જાણવામાં સમર્થ થઈશું.’ તેણે કહ્યું, ‘ભલે, પરંતુ હું તમારી પાસેથી એક વરદાન ઇચ્છું છું.’ તેમણે કહ્યું, ‘માગી લે.’ અદિતિએ કહ્યું, ‘યજ્ઞ મારાથી આરંભ પામે અને મારાથી જ સમાપ્ત થાય.’ તેમણે કહ્યું, ‘એમ જ થશે.’ એટલે આરંભે અદિતિ માટે ચરુ તૈયાર થાય છે અને અંતે પણ ચરુ તૈયાર થાય છે. તેણે બીજું વરદાન પણ માગ્યું. ‘મારા વડે જ તમે બધા પ્રાચી દિશાને ઓળખો, અગ્નિ વડે દક્ષિણ દિશાને, સોમ દ્વારા પશ્ચિમને અને સવિતા દ્વારા ઉત્તર દિશાને જાણો.’ (ઐતરેય બ્રાહ્મણ અધ્યાય-૨/૧)