ભારતીય કથાવિશ્વ૧/પણિ-સરમા સંવાદ


પણિ-સરમા સંવાદ

પણિ : હે સરમા, શાની ઇચ્છા કરીને તું અમારે ત્યાં આવી છે? આ માર્ગ દુર્ગમ છે. અમારી પાસે એવી કઈ શક્તિ છે? તારી રાત્રિ કેવી રીતે વીતેલી? જળપ્રવાહો કેવી રીતે પાર કર્યા?

સરમા : હે પણિઓ, હું ઇન્દ્રની દૂતી છું. એટલે એમની ઇચ્છાથી આવી છું. તમે મહાન ગોધન એકઠું કર્યું છે તે મેળવવું છે. અતિક્રમણ કરનારા ઇન્દ્રના ભયથી જ નદીપ્રવાહોએ મારી રક્ષા કરી. હું નદી પાર કરીને આવી છું.

પણિઓ : હે સરમા, તારા સ્વામી ઇન્દ્ર કેવા છે? એમનું પરાક્રમ કેવું છે? એમની દૃષ્ટિ કેવી છે? એમની દૂતી બનીને તું આવી છે તે... તે અમારા મિત્ર થાય, એમને અમે સ્વામી બનાવીએ, અમારી ગાયોના રક્ષક બને.

સરમા : તે અવિનાશી છે, કારણ કે તે અપરાજિત છે. તેમની દૂતી બનીને હું તમારે ત્યાં આટલે દૂરથી આવી છું. વેગે વહેતી ઊંડી ધારાઓ પણ એમને રોકી ન શકે. નિશ્ચિત ઇન્દ્ર, તમને મારીને સુવાડી દેશે.

પણિઓ : ભાગ્યવતી સરમા, દ્યુલોકની સીમાઓ સુધી પહોંચતી છતાં આ ગાયોની ઇચ્છા કરે છે તે ગાયોને યુદ્ધ કર્યા વિના કોણ લઈ જશે? અમારી પાસે પણ તીક્ષ્ણ શસ્ત્રો છે.

સરમા : હે પણિઓ, તમારી વાતો સૈનિકોને ન શોભે, તમારાં શરીર બાણ ચલાવવામાં અસમર્થ છે, કારણ કે તે પાપી છે. તમારો માર્ગ જવા માટે અયોગ્ય ન થઈ જાય? તમારા ઉભય વર્ગોનાં શરીરોને બૃહસ્પતિ સુખી નહીં કરે!

પણિઓ : સરમા! અમારો આ કોશ પર્વતોથી રક્ષિત છે. તે ગાય, અશ્વ અને અન્ય ધનથી ભરેલો છે. સંરક્ષણ કરવામાં કુશળ પણિઓને તે નિધિનું રક્ષણ કરે છે. ગાયોનો અવાજ સાંભળીને તું અહીં ખોટી આવી ચડી છે.

સરમા : સોમપાનથી પ્રમત્ત થઈને નવ માર્ગોથી અંગીરસ અને અયાસ્ય ઋષિ તમારે ત્યાં આવશે, બધી ગાયોને હિસ્સા કરીને લઈ જશે, તે સમયે તમે ગર્વશૂન્ય થઈ જશો. પણિઓ : સરમા, તું દેવતાઓના બળથી ભયભીત થઈને અહીં આવી છે. તને અમે બહેન જેવી ગણીએ છીએ. તું અહીંથી હવે ઇન્દ્ર પાસે ન જતી. સુભગે, અમે તને પણ ગોધનમાંથી ભાગ આપીશું.

પણિઓ : હું આ ભાઈબહેનનો સમ્બન્ધ સમજતી નથી, બહેનની વાત હું માનતી નથી. ઇન્દ્રદેવ અને ભયંકર અંગિરસ જ આ જાણે છે. અહીંથી ફરી જ્યારે ઇન્દ્ર પાસે જઈશ ત્યારે ગાયોની ઇચ્છા કરનારા તમારા પર આક્રમણ કરશે. હે પણિઓ, અહીંથી દૂર જાઓ.

અહીંથી દૂર જાઓ. ગાયો પોતાના તેજથી અન્ધકારને દૂર કરી ઉપર ચાલી જાય, અત્યન્ત ગુપ્ત રીતે રાખેલી ગાયોની જાણકારી બૃહસ્પતિ, સોમ, ઋષિઓ, મેધાવીઓ મેળવી ચૂક્યા છે. (ઋગ્વેદ ૧૦.૧૦૮.૧-૧૧)