ભારતીય કથાવિશ્વ૧/પરિશિષ્ટ/વિષ્ણુસૂક્ત


વિષ્ણુસૂક્ત

હવે વિષ્ણુનાં વીર કર્મો સાંભળો. વિષ્ણુએ પૃથ્વીને, અંતરીક્ષને અને આકાશને માપી લીધાં. અત્યંત વિસ્તીર્ણ સ્વર્ગલોકનું નિર્માણ કર્યું — બધા લોક પર આક્રમણ કરીને ત્રણ પ્રકારે ગતિ કરી. પર્વત પર રહેનાર, ધરતી પર ઘૂમનાર સિંહની જેમ વિષ્ણુગતિ કરે છે. સમગ્ર વિશ્વ વિષ્ણુ ભગવાનનાં ત્રણેય આક્રમણોમાં ટક્યું છે, ત્રણેય ભુવનો તેમાં સમાયેલાં છે. વિષ્ણુને માટે આ બલ પ્રાપ્ત થાય. જેવી રીતે પર્વત પર રહેનાર વૃષભ તેવી રીતે વિષ્ણુ પણ એકલા ત્રણે પગલાંથી સર્વ લોકને માપી લે છે. એ ત્રણ લોકમાં વિસ્તૃત-વિશાળ સ્વર્ગ પણ સમાયેલું છે, વિષ્ણુનાં આ ત્રણે પગલાં અમૃતમય મધુર છે. તે અવિનાશી છે, સમગ્ર વિશ્વ અમૃતમય અન્નથી પ્રસન્ન થાય છે, તેઓ એકલે હાથેે આ વિશ્વને ધારણ કરે છે. આ વિષ્ણુનું પ્રિય ધામ છે, તે મને મળે. દેવ સાથે જોડાવાની ઇચ્છાવાળા મનુષ્ય ત્યાં જઈને આનંદ મનાવે છે, ત્યાં વિષ્ણુ સાથે સાયુજ્ય પામવા માગનારા જાય છે, ત્યાં મધુર રસ પ્રાપ્ત થાય છે, સર્વને તે પ્રિય છે. તમે બંને તે સ્થાનોએ જાઓ એવી અમારી ઇચ્છા છે. અહીં મોટાં શિંગડાંવાળી, ગતિશીલ ગાયો છે. વીર કાર્ય કરનાર વિષ્ણુ છે, તેમનું પરમ સ્થાન વિશેષ રૂપે પ્રકાશે છે.