ભારતીય કથાવિશ્વ૧/પ્રાચીન કાળમાં હવિ


પ્રાચીન કાળમાં હવિ

(પ્રાચીન કાળમાં) દેવોએ મનુષ્યને પશુ બનાવીને યજ્ઞનો આલમ્બન કર્યો, પરંતુ એમાંથી મેધ (યજ્ઞયોગ્ય હવિ) નીકળી ગયો, તે અશ્વમાં પ્રવેશ્યો; એટલે અશ્વ મેધ્ય બન્યો; હવિ વિનાના મનુષ્યને દેવોએ તિરસ્કાર્યો એટલે તે કિંપુરુષ-કિન્નર બની ગયો. તેમણે (હવે) અશ્વનું આલમ્ભન કર્યું, પરંતુ અશ્વમાંથી હવિભાગ નીકળી ગયો અને તે ગાયમાં પ્રવેશ્યો, એટલે ગાય મેધ્ય બની, હવિ વિનાના અશ્વને દેવોએ તિરસ્કાર્યો એટલે તે ગૌરમૃગ (નીલ ગાય) બની ગયો. તેમણે ગાયનું આલમ્ભન કર્યું, પરંતુ ગાયમાંથી હવિભાગ નીકળી ગયો અને તે ઘેટામાં પ્રવેશ્યો, એટલે ઘેટું મેધ્ય બન્યું. હવિ વિનાની ગાયને દેવોએ તિરસ્કારી એટલે તે બળદ બની. તેમણે ઘેટાનું આલમ્ભન કર્યું, પરંતુ ઘેટામાંથી હવિભાગ નીકળી ગયો અને તે બકરામાં પ્રવેશ્યો, એટલે બકરો મેધ્ય બન્યો, હવિ વિનાના ઘેટાને દેવોએ તિરસ્કાર્યો એટલે તે ઊંટ બની ગયો. એ બકરામાં યજ્ઞયોગ્ય હવિ ઘણો સમય રહ્યો એટલે આ પશુઓમાં તે બહુ પ્રયુક્ત રહ્યો. તેમણે બકરાનું આલમ્ભન કર્યું, પરંતુ તેમાંથી યજ્ઞયોગ્ય હવિ નીકળી ગયો. અને તે પૃથ્વીમાં પ્રવેશ્યો, એટલે પૃથ્વી મેધ્ય બની, હવિ વિનાના બકરાને દેવોએ તિરસ્કાર્યો એટલે તે શરભ (આઠ પગવાળું સિંહઘાતક પ્રાણી) બની ગયો. ઉત્ક્રાન્ત મેધવાળા — હવિ વિનાના મનુષ્ય, અશ્વ, ગાય, ઘેટા, બકરાનું માંસ ખાવાલાયક નથી. હવિભાગ પૃથ્વીમાં પ્રવેશ્યો, એને પામવા દેવો પૃથ્વીમાં પ્રવેશ્યા, ભાગવામાં અસમર્થ તે વ્રીહિ (ધાન્ય) બની ગયો. (ઐતરેય બ્રાહ્મણ ૧:૮)