ભારતીય કથાવિશ્વ૧/સૌપર્ણાખ્યાન


સૌપર્ણાખ્યાન

સોમ રાજા દ્યુલોકમાં હતા, દેવો અને ઋષિઓએ થયુંં, આ સોમ આપણી પાસે કેવી રીતે આવે? તેમણે છંદોને કહ્યું, ‘તમે અમારા માટે સોમને લઈ આવો.’ ‘ભલે.’ તેઓ પક્ષી થઈને ઊડ્યા એટલે તેમનું નામ આખ્યાનવિદોએ સૌપર્ણાખ્યાન પાડ્યું. છંદ સોમને લેવા ગયા. તે ચાર અક્ષરના હતા, ત્યારે છંદ ચાર અક્ષરના હતા. ચાર અક્ષરની જગતી સૌપ્રથમ ઊડી, અડધે રસ્તે થાકી ગઈ, ત્રણ અક્ષર છોડી દીધા, એકાક્ષરી બની. દીક્ષા, તપ લઈને પાછી ચઢી. પછી ત્રિષ્ટુભ ઊડ્યો, એ પણ અડધેથી થાક્યો, એક અક્ષર છોડી દીધો. ત્રણ અક્ષરનો થયો અને દક્ષિણા લઈને પાછો આવ્યો. દેવોએ ગાયત્રીને કહ્યું, ‘તું સોમનું હરણ કરી લાવ.’ તેણે કહ્યું, ‘હું જઉં ત્યારે સ્વસ્તિવચન કહેજો.’ ‘હા, હા.’ તે ઊડી. ઊડ્યા પછી ગાયત્રી સોમરક્ષકોને ડરાવીને પંજા, ચાંચ વડે સોમને સમ્યક્ રૂપે તેણે પકડી રાખ્યા, બીજા બે છંદ જે અક્ષરો મૂકીને આવેલા તે પણ પકડી રાખ્યા.