ભૂંસાતાં ગ્રામચિત્રો/૨૨. લગ્નગીતો અને ફટાણાં

From Ekatra Wiki
Revision as of 10:57, 13 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. લગ્નગીતો અને ફટાણાં}} {{Poem2Open}} લોકગીતોના વર્તુળમાં લગ્નગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૨. લગ્નગીતો અને ફટાણાં

લોકગીતોના વર્તુળમાં લગ્નગીતો વ્યાસ જેવાં છે. બધી જ કોમોને તથા ગોળ-વાડાઓને પોતપોતાનાં લગ્નગીતો છે. એમાં ઘણાં ગીતોમાં સમાનતા મળે, કેટલાંક ગીતોમાં શબ્દો ને લય જુદા પણ હોય. થોડાંક ગીતો તો દરેક જ્ઞાતિને પોતાનાં આગવાં પણ હોવાનાં જ. વળી જૂની પેઢી દ્વારા ગવાતાં લગ્નગીતોમાં નવી પેઢી થોડા ફેરફાર પણ કરે છે. દા.ત.—

કાળી કાળી વાદળીમાં વિમાન ઊડે,
નીચેની દુનિયા જોયાં કરે…
ભણેલા ભૂદરભૈ છાપાં વાંચે
અભણ રેવીવહુ દીવો ધરે!

એક જમાનામાં ભણેલા ભૂધરભાઈઓ ‘નામું’ લખતા કે ‘કાગળ વાંચતા’ ને અભણ વહુઓ ‘પાણી ભરતા’ ને ‘વાસીદાં વાળતાં’ એવી રીતે પણ આવાં ગાણાં ગવાતાં. આજે ‘ભણેલા અમિતભાઈ ટીવી જુવે’ ને ‘અભણ મિતાવહુ સેવા કરે…’ એમ ગવાય છે. સમાજજીવનમાં જેમ જેમ પરિવર્તન આવે છે તેમ તેમ લોકગીતોમાં — ખાસ તો લગ્નગીતોમાં — પણ એના પડઘા પડે છે. જીવનધોરણ બદલાય એનું પણ પ્રતિબિંબ ગીતોમાં પડે છે. એ દૃષ્ટિએ જોઈએ તો બદલાતો સમાજ, એની આંતરિક ગતિવિધિઓને લગ્નગીતો સવિશેષ ઝીલે છે. લગ્નગીતો હજી પ્રજાજીવનથી વિમુખ નથી થયાં. બલકે આજેય એ કૈંક અંશે ગામડાંમાં તો ગવાય છે. જોકે ગાનારીઓની કૉલેજિયન પેઢી (બહુ ઓછી એવી છોકરીઓ મળે જે કૉલેજ-ભણતી હોય ને લગ્નગીતો ગાતી હોય; એને શરમ આવે છે; જોકે ડિસ્કો કે અદ્યતન ફિલ્મીશાઈ ગરબા ગાતાં એને સંકોચ થતો નથી!) લગ્નગીતોમાં નવતા — તાણીતૂસીને પણ — નવીન સંદર્ભો લાવવા મથે છે. આવાં સંમિશ્ર ગીતો અલગ અભ્યાસનો વિષય બને એમ છે. દા.ત.—

‘વીરો એલ.એ.બી.એલ. ભણેલા,
વીરાને પહેરવા જોઈએ વૉચ,
વીરાના સસરા લે છે લાંચ,
વીરો એલ.એ.બી.એલ. ભણેલા.’

અહીં ‘એલ.એ.બી.એલ.’ નામની પદવી પણ કાલ્પનિક છે. (બી.એ., એલએલ.બી.નું મિશ્રણ કરીને પ્રાસ બેસાડનારી ગાનારી છોકરીઓ અમારી લુણાવાડાની આર્ટ્સ કૃલેજમાં ભણેલી પટેલકન્યાઓ છે.) આવાં ગીતોમાં વીરા(વરરાજા)ને શું શું જોઈએ તેની યાદી મૂકીને કન્યાપક્ષની વ્યક્તિઓની નીતિમત્તાનું, પ્રવૃત્તિનું ખંડન કરવામાં આવે છે. લગ્નગીતોમાં વિધિવિધાનને લગતાં તબક્કાવાર ગવાતાં ગીતોમાં ઘણું વૈવિધ્ય છે, તો એ સાથે ગવાતાં ફટાણાંમાંય ખાસ્સી રંગીનતા છે.

ગણેશસ્થાપન પૂર્વે દશેક દિવસથી સાંજે (ભાવિ લગ્નપ્રસંગ મનાવવા) ગવાતાં સાંજીનાં ગીતો વર અને કન્યા બંનેના ત્યાં ગવાય છે. જેમાં એમનાં અરમાનો તથા કુળ-આબરૂની ધ્વજાઓ ફરકાવવામાં આવે છે. દાત. ‘નદીને કિનારે રાયવર ઘોડો ખેલાવે…’/‘મોર જાજે ઉગમણે દેશ, મોર જાજે આથમણે દેશ, વળતાં જાજે રે વેવાઈ — માંડવે રે…’/ ‘દાદા હો દીકરી’/‘લાડકડી ચડી રે કમાડ સુંદર વરને નીરખવા…’/‘દીવડો ઘડ્યો રે લાંબી લાંઘોનો ફરતી ફૂંદડી મેલાવી દસબાર.’/‘એક ઓડ તેડાવો ને ડુંગરા ગોડાવો… મારા મૈયરેથી બેની કોઈ ના આવ્યું.’/ ‘ઘડીએક વેલો પરણેશ, ઘડીએક મોડો પરણેશ,/ તારી અભણ લાડીને રાયવર નહીં પરણે…’/ ‘મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની ચાંચ…/ સોનાની ચાંચે મોરલો મોતી ચરવા જાય.’ જેવાં અનેક ગીતો ઢળતી વૈશાખી રાત્રિઓના અજવાળિયાને સોહામણું બનાવી રહે છે.

કેટલાક સમાજોમાં ‘મામેરું’ આગોતરું નોતરવામાં આવે છે. ત્યારે ગવાતાં ગીતોમાં મનને ભાવ-ભાવનાથી ભરે દેતું ગીત છે :

‘હું તો ચંપે ચડું ને કેળે ઊતરું
હું તો જોઉં મારા માડીજાયા વાટ્યો—
માંમેરાં મોંઘા મૂલનાં…!’

મામેરિયાઓને વેવાઈપક્ષની થોડી ગાળો પણ આપવામાં આવે છે — જેમાં જાતીયતાના સંકેતો પણ વણી લેવામાં આવે છે. દાત. —

‘માંડવે બેઠી ચકલી પલકારા મારે,
નાથડ, તારી શેનાળ પલકારા મારે,
મારા રેવાભૈને આબ્બા પલકારા મારે…’

આવાં ફટાણાં તો એકાધિક અવસરે ગવાય છે. આમાં એક વિચિત્ર વાત એ છે કે સ્ત્રીઓ વડે ગવાતાં ગીતો — ફટાણાંમાં ગાળો પણ સ્ત્રીઓને લગતી જ આવે છે. પુરુષપ્રધાન સમાજ અને નારીમનની કોઈ મનોગ્રંથિઓ આની પાછળ કામ કરતાં હશે? ન જાને! ક્યાંક પુરુષને લબડધક્કે લેવાતાં ફટાણાં મળે. પણ એમાંય ખાસ તો હજી ‘ફુઆ’ નહીં બનેલા નવાસવા જમાઈ સાસરે આવે ત્યારે (સાળા-સાળીના લગ્નમાં કે એમ આવે ત્યારે) એમને ગામની છોકરીઓ બરાબર નવાજે છે :

‘ઝેણી સિવાઈનો ટોપલો મેં રયજીને માથે દીઠો રે,
કોદરભૈના પાદરમાંથી છાંણાં વીણતાં દીઠો રે,
મીં જાણ્યું ભંગ્યોનો છોરો ઢેફે મારી કાડ્યો રે…’

અથવા જમાઈની ફજેતી કરતું મજાકિયું ગીત (જે લગ્નમંડપમાં કન્યાપક્ષેથીય ગવાય છે)  :

વાલજી આયા સાસરે રે / છોરીએ માર્યા ખાસડે રે…
કાનમાં ઓર્યા કાંકરા રે…
ખરવર ખરવર થાય નેંચોના શીદ આયા’તા સાસરે રે…
ચોટલી બાંધ્યું સૂપડું રે…
ઝાટકઝૂટક થાય શેનાળના શીદ આયા’તા સાસરે રે…

ચારચાર રાતોનાં ફુલેકાં ફરીને પાંચમે દા’ડે પરણવા ઊઘલતા રાયવર માટે ગવાતાં ગીતોમાં મોટાઈ અને મોભો રજૂ થાય છે. ‘આંબારા’ણને છાંયે વરજી કરે રે શણગાર/એમનાં માતાનાં વખાણ, ભલ્લા શોભે રે રાયવર..’/ ‘વરને લીંબુડી ભાત્યોનાં ધોતિયાં…/વરનાં મામીને હરખ ના માય રે/બાળો વરઘોડે ચડ્યો!’

આમ મોઢામાં પાન, માથે સાફો-કલગી-સહેરા ને હાથમાં રૂમાલ. જરાક આંજેલી આંખડી ને કેડે કટારીવાળા વરરાજા જેવા સસરાના ગામપાદરે — જાનીવાસે કે મંડપે પહોંચે છે તેવા એમને લબડધક્કે લેવા કન્યાની સૈયરો ગાણાં-ફટાણાં લઈને ઊભી હોય છે. સામે વરપક્ષની જાનડીઓ પણ ગળાં ફાડીને જવાબ વાળે છે — આ વખતે ભડે ચઢેલા બંને પક્ષો વરકન્યાનો અલગ અલગ પક્ષ લઈને જોરદાર મુકાબલો કરે છે. એ ગીતોની તાસીર કૈંક આવી છે  :

‘વાટે કૂતરી વાઈ’તી રે જગભરના બેટા,
હુવાવડ ઘાલવા ર્યો’તો રે જગભરના બેટા…’

*


‘છોરા રાજુ રે તું ચ્યમ કાળોમેંશ?
તારી માએ ખાધાં જાંબુ રે/જાંબુ ખઈને જન્મ્યો રે—
તેમાં કાળોમેંશ…’

સામે વરપક્ષની જાનડીઓ જવાબ વાળે છે —

‘છોરી આવડી મોટી ચ્યાં રાખેલી?
છોરી મકોડોની કોઠીમાં રાખેલી…’

ગરમાવો ઘટતાં પેલાં શાંત ગીતો વહેતાં થાય છે :

‘ઘરમાં ન્હોતા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા
મારા નવલા વેવાઈ…’

*


‘મારા સંપતિયા વેવાઈ, તમે સાંભળો છો કે નંઈ રે?
ભૂખૉ લાજી રે વેવઈ ભોજન આલાં છો કે નંઈ?’

આ વેળા વળી કોઈ નવજુવાન જમાઈ-સાળો-બનેવી રુઆબભેર ફરતો કે કામ કરતો દેખાય તો જાનડીઓ એને નવાજે છે :

‘વડોદરાનો ઊંચો ટાવર, મનુલાલને ઘણો પાવર,
એ પાવર નંઈ ચાલે નંઈ ચાલે…’

આમાં ‘વેવાણને ઘણો પાવર’ પણ ગવાય… ને વાતાવરણમાં ગમ્મત મચી રહે છે, પણ અતિ ઉત્સાહમાં વાતાવરણ તંગ થઈ જાય એવાં ફટાણાંય આવી જાય છે :

‘વેવાંણ, આઘી રે’ આઘી, તારી ઘાઘરી ગંધાય…’

*


‘અલી ઓ વેવાંણ વેશ્યા રે, તારી ચરક જોવા દેજે રે,
તારી ચરકમાં સે આંબા રે, તને પૈણે અમારા માંમા રે…’

*


‘ઢોલો તો મળવાનો શેડ્યો આયો મારો ઢોલો…
ભરી જવાંની મારો ઢોલો…’

આવાં ઘણાં ગાણાં-ફટાણાં નોંધી શકાય એમ છે. આ ગાણાંના લય, પ્રાસાનુપ્રાસ તથા કાવ્યગુણ ધરાવતા સંકેતો પણ તરત ધ્યાનમાં આવે છે. દરેક પક્ષને પોતાની મોટાઈ બતાવવી હોય છે. ગાણાંમાં એવાં વાનાં વણી લેવાની આ લોકરીતિઓ અભ્યાસપાત્ર છે. જાતીયતાના નિર્દેશવાળાં બે ફટાણાં જુઓ :

‘શેરી વચ્ચે આંબલો ફાલ્યો લચકાલોળ રે રમતુડું વાગે…
ચિયા તારી શેનાળ ફૂલું લેવા જાય રે રમતુડું વાગે…
નાનજી, તારી રૂખી ફૂલું લેવા જાય રે રમતુડું વાગે…
ફૂલું લેવા નથી જતી, ધણી કરવા જાય રે રમતુડું વાગે…’

*


બાર બાર ગજનો વાંસડો કાંઈ રોપ્યો શેરી વચ્ચે જો…
કોદર, તારી ગોરડી કાંય વાંસલડે ચડાઈ જો…
ઊતર્ય છોરી સાંમઠી, તનં કાનભૈ માંટી (ધણી) આલું જો….

લુણાવાડાના પાટીદારોમાં પુનર્લગ્ન-નાતરું પ્રસંગે આવાં ઘણાં ફટાણાં ગવાય છે. કેટલાંકમાં તો ગંદા શબ્દો પણ આવે છે. આજે એવાં ગાણાં ઘટ્યાં છે. ગાનારાંય ઓછાં થયાં છે, પણ કેટલાંક ગીતો-ગાણાં તો પ્રસંગનેય રમ્ય બનાવનારાં હોય છે  :

‘વેવાઈ, અમને ગાલીચા પથરાવો,
ગાલીચા વના નૈં ચાલે…’

*


‘મેં તો જોઈ જોઈ તેડાંની વાટ્યો કે તેડું ના મોકલ્યું…
મારો દીવડો બળ્યો સારી રાત્ય કે તેડું ના મોકલ્યું.
વેવાઈનો પાક્યો સે ઓઠ કે તેડું ના મોકલ્યું…’

લગ્નવિધિ વખતે મંડપમાં બંને પક્ષે કેટલાંક જાણીતાં લગ્નગીતો ગાય છે. ‘નાણાંવટી રે સાજન બેઠું માંડવે…/જેવા ઝગમગતા હીરા એવા કાળુભાઈના વીરા, નાણાંવટી રે સાજન બેઠું માંડવે…/જેવા છાણમાંના કીડા એવા પન્નાવહુના વીરા નાણાંવટી રે સાજન બેઠું માંડવે…’ વરકન્યાનાં વખાણ-ટીકા કરતાં ગાણાંનીય રમઝટ આવે છે. ગોરની પણ ખબર પુછાય છે. ‘ગોરનું ગોળી એવડું પેટ, ગોર સટાપટિયું…’ વગેરે ફિલ્મોનાં ગીતોને આધારે, શબ્દો બદલીને, એવા જ લયમાં ગવાતાં ‘સંકર ગાણાં’ પણ આજકાલ સાંભળવા મળે છે, પણ એમાં લયભંગ તથા અતાર્કિકતા વગેરે હોવાથી બધું દૂરાકૃષ્ટ ને ક્યારેક તો એ અભદ્ર — વરવું લાગે છે. જૂની પરંપરામાં જે સહજતા ને અર્થપૂર્ણતા છે તે નવી પરંપરા રચનારાં નથી લાવી શકતાં. એવા પ્રયત્નો કૃતક લાગ્યા છે.

એટલે, કન્યાવિદાયનાં પેલાં ગીતો ‘તને સાચવે તારો પતિ, અખંડ સૌભાગ્યવતી’ કે ‘એક આંબો ઉછેર્યો સવા લાખનો/સુખની વેળાએ સૂડીલો લૈ ગયો’ (‘બળતાં પાણી’ યાદ આવે છે?) સ્વજનોને રડાવી દે છે! ‘અમે ઇડરિયો ગઢ જીત્યાં રે…’ ગીત સાથે કન્યા વિદાય થાય છે… અને ‘ચડ લાડી, ચડ લાડી, રૂડી બતાવું તારી સાસરી’ સાથે વરકન્યા પોંખાય છે…! લગ્નગાળો પૂરો થઈ જાય પછી કેટલાય દિવસો સુધી કાનમાં એ ઢોલશરણાઈ સાથે આ ગાણાં સંભળાયાં કરે છે — આજેય! પણ હવે લગ્નગીતો બદલાતાં ને ધીમે ધીમે લુપ્ત થતાં જાય છે… એનેય હવે તો સ્મરણની દાબડીમાં સાચવવાં રહ્યાં!

[ઑગસ્ટ ૧૯૯૮]