ભૂંસાતાં ગ્રામચિત્રો/૨૩. મામેરું અને સીમંત

From Ekatra Wiki
Revision as of 11:27, 13 January 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. મામેરું અને સીમંત}} {{Poem2Open}} અભણ અને તળ સમાજોને પણ ‘પોતાનુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૨૩. મામેરું અને સીમંત


અભણ અને તળ સમાજોને પણ ‘પોતાનું લોકસાહિત્ય’ હોય છે. પ્રસંગે-ટાણે ‘ગાણાં’ ના ગવાતાં હોય એવું તો કોઈ ગામ ત્યારે તો નહોતું જ; કદાચ આજેય એ ‘ગાણાં’ની આછીપાતળી સરવાણી રહી છે, પણ ભણતરે માણસને જાણે સંકુચિત અને સંકોચશીલ કરી નાખ્યો છે. ભણેલો મોટિયાર, આજે પણ હોળીધુળેટીના ઢોલ ઢબૂકે છે ત્યારે; દાંડિયા રમવા તલપાપડ થાય છે એમ નહીં કહી શકાય! જ્યારે સિત્તેર-એંશીના દાયકામાં તો કૉલેજમાં થોડું ભણી આવેલો પાટીદાર છોકરો દાંડિયાય રમતો અને લગનફુલેકાનાં વાજાં વખતે ‘ધારો રમવા’ય અધીરો થઈ જતો. યુવતીઓ માટે ‘ધારો રમવા’નું ટાણું તે વિવાવાજન. ફુલેકામાં ને લગનમાંડવે વાજાં વાગતાં ને ‘ધારો રમવા’ જુવાની અધીરી થઈ જતી. અરે, ભણેલી છોકરી ને તદ્દન નવાં તથા મોંઘામૂલનાં કપડાં પહેરીને ફૂલેકે કે માંડવે નીકળેલી નવી ભાભી કે વહુદીકરી — ‘ધારો રમવા’નો ઢોલ વાગતાં તો ઉપરતળે થઈ જતી! કહેવત હતી કે — ‘ધારો ને ઢોલ… બધાંય ડોલમડોલ!’ ઘણાં કહેતાં કે ‘ધારો રમતાં ઊડે ધૂળ/મોંઘાં કપડાં ને ભણતર ડૂલ!’ હાસ્તો! ‘ધારો રમવા’ થનગનતું યૌવન ભણતર અને મોંઘાં કપડાં — બેઉને ભૂલી જતું! બબ્બે હારોમાં સ્ત્રીપુરુષો આખી રાત ધારો રમતાં ને ઢોલી ઢોલ વગાડી વગાડીને ધન્ય થઈ જતો… યૌવનને એ રીતે નાચતું ને રમણે ચઢેલું ગામડે જોયું હતું! આજે જો હવે ફુલેકાંય ઝાંખાં ને દેશી વાજાંય પાંખાં પડ્યાં છે… નવી પેઢીને ‘ધારો રમવાનો’ શોખ નથી! હા, નવરાત્રિના ગરબાને નામે ગામડેય નાચવાગાવાની સંકરતા પહોંચી ગઈ છે.

અમારાં ને તમારાં — બલકે ગુજરાતભરનાં ગામડાંને ત્યારે તો મોટા પ્રસંગો તો મામેરાં અને લગનના! હાસ્તો, સીમંત ને જિયાણાં પણ મોટા પ્રસંગો હતા… ખાવાપીવાના અને પહેરવાઓઢવા સાથે ગાવાના અને ગમતાં જણ સાથે મજાકમસ્તી કરી લેવાના એ અવસરો! આજે એ અવસરો તો રહ્યા છે, પણ એની રૂખ બદલાઈ છે. હવે એ અવસરોની રીતભાત બદલાઈ છે. ઉચ્ચ શિક્ષણ પામેલી પેઢીએ, ગામડેય, એમાં પરિવર્તનો સ્વીકાર્યાં છે… પણ હજીય મારા મલકમાં સાવ અંદરનાં નાનાં નાનાં ગામડાંમાં ને વસવાઈ ન્યાતોમાં આવા પ્રસંગો જોવા મળે છે ત્યારે જીવને વ્યતીતની છાલક વાગે છે. આજે ‘મારી મહીસાગરને આરે ઢોલ વાગઅ સૅ…’ ગરબા રૂપે સાંભળું છું ને મારી ભીતરી ચેતનારૂપ મહીસાગર જાગી ઊઠે છે. એ ટેકરિયાળો, હરિયાળો ને સૂકો… રિવાજે પછાત પણ મેળે મ્હાલવા મોખરે થતો મારો મલક એનાં ગીતો સાથે મારામાં ધડધડાટી બોલાવતો બેઠો થઈ જાય છે… મને જંપ વળતો નથી.

લોકગીતોની હલક ભૂલી ભુલાતી નથી. નિજી વ્યથામાં રડતા જીવને એ હસતા-ડોલતા કરી દે છે; ક્ષણમાં તો એ પોતાના સુખમાં ગળાડૂબ રહેતા આદમીને હીબકાં ભરાવે છે. લોકસાહિત્ય તો સુખદુઃખનું સાથીદાર છે. એમાં પ્રજાજીવનનો વિસામો છે. જે જમાનામાં જનમનરંજન માટે આજ જેવાં માધ્યમો નહોતાં ત્યારે આવું સાહિત્ય પ્રજા માટે ઠર્યાનું ઠામ બન્યું હશે. જીવતરની આંતર્‌છવિ, રૂઢિઓ, આશાએષણાઓ સમેત પ્રજાજીવનના નબળાંસબળાં પાસાંને લોકસાહિત્ય પડઘાવે છે.

વ્રતકથા-ગીતોમાં શ્રદ્ધા સાથે સત્ત્વશીલ સુખસંપન્ન જીવતરની અપેક્ષાઓ ઝાઝી હોય. માનવસ્વભાવે કરીને પરસ્પર વેઠવાં પડતાં વિઘ્નોની વાત પણ ત્યાં ‘હ્યૂમન સાઈકૉલૉજી’ની નિર્દેશક બને છે. પણ સીમંત, મામેરું તથા લગ્નાદિ પ્રસંગોનાં ગીતોનો મિજાજ થોડો નોખો, સ્વાદ જરા જુદો, અનેરો. આ પ્રસંગો વેવાઈઓનાં કુટુંબોને એકસાથે ખડા કરી દેનારા હોવાથી અહીં પરસ્પરને ભાંડવાની કે મજાકભરી રીતે બિરદાવવાની વાત ગીતોના માધ્યમથી પ્રગટે છે. વેવાઈ-વેવાણ, જમાઈ, તેડત, જાનૈયા-જાનડીઓ સૌ કોઈને હસતાં-રમતાં થોડી ‘ગાળો ભાંડી લેવાનો’ અવસર ગાનારીઓ ચૂકતી નથી. આવાં લોકગીતો તે ફટાણાં. ફટાણાં ઉક્ત પ્રસંગમાં મોટે ભાગે સમાન હોય છે. એમાં મનોરંજન છે; હસીમજાક છે; હસવાની ભૂમિકાએ કેટલીક સાચી વાતો સામા પક્ષને કહી લેવાનો અહીં મોકો છે. તો મનની આશાઓ પણ સંકેતમાં રમતી મૂકી શકાય છે. બંને પક્ષોને એથી ગમ્મત આવે છે. બહુધા આવાં ફટાણાં ગવાય ને અંતે બંને પક્ષો નિકટ આવે છે. પરસ્પરનો પ્રેમ દૃઢ બને છે. આ અર્થમાં ‘ગાળ ઘીની નાળ’ કહેવત વપરાતી હશે? ન જાને! તીખા સ્વભાવના જમાઈ કે વેવાઈની બાબતે ક્વચિત્ તડાફડી પણ થતી હશે — ત્યારે વડીલો સૌને વારીને કહેતા હશે — ‘આ તો બે ઘડી ગમ્મત મારા ભૈ!’ રિસામણાં-મનામણાંની પણ એક મજા હોય છે.

અમારા સમાજમાં મામેરું-લગ્ન-સીમંતપ્રસંગે (નાતરા વખતે પણ) ખાસ ગવાતાં ફટાણાં વૈવિધ્ય, રાગ તથા શબ્દયોજનાની સાહજિકતા અને અર્થસંકેત વગેરે માટે ધ્યાનપાત્ર બને એવાં છે. દીકરીને સીમંત પ્રસંગે પિયરિયાં મોટિયાર દીકરીની સાસરીમાંથી એને સાતમે મહિને તેડવા જાય છે, તેડવા જનારા આ તેડતમાં બેન-દીકરીના ભાઈઓ ને પ્રત્યેક ઘરથી એકબે છોકરા-છોકરીઓ જોડાય છે. આમાં મોટા ભાગનાંની વય સીમંતિની દીકરીથી ઓછી હોય છે. એનાથી મોટી વયનાં હોય તે સીમંતપ્રસંગનું જમણ ખાતાં નથી. બેત્રણ મોટા યુવાનો પેટી ઊંચકવા આવે, એમને માટે અલગ રસોઈ થાય. આવા શુભપ્રસંગે વડીલો ‘સીમંત’ ખાય નહીં એનું અચરજ થાય. કેટલાક કારજ ખાતા નથી એ સમજાય, પણ ‘સીમંત’ નહીં ખાવાની વાત વિચિત્ર છે. ખેર, યુવતીને ગર્ભ રહે ત્યારે બધી સ્ત્રીઓ ‘એને આશા છે’ એવો શુભ શબ્દપ્રયોગ કરે છે એ વાત ગમે છે. સગર્ભા માટે ‘બે-જીવી’ ‘ભારેપગી’ જેવા શબ્દપ્રયોગો પણ થાય છે. કેટલાક મજાકિયા યુવાનો ‘સીમંત ઉજવણા’ને માટે ‘ટેકરા પૂજન’ જેવો સાદૃશ્યવાચક શબ્દપ્રયોગ કરતા હતા એ યાદ છે. બેનને સીમંત પ્રસંગે તેડવા ગયેલા ભાઈઓને ફટાણાં સંભળાવાય છે. આ ફટાણાંમાં બહેનો તથા જે તે ગામને પણ વણી લેવામાં આવે છે. આવાં થોડાંક ભટાણાંનો આસ્વાદ લઈએ  :

વેવઈ આ’યા રે આપણા દેશ ગાગર ઘૂમે
વેવઈ કાખમાં કોથળી લા’યા ગાગર ઘૂમે
મારા મંગાભૈનાં વત્તાં કરૅ ગાગર ઘૂમે
મારાં શાંતાવવ મૅન્તાંણું આલૅ ગાગર ઘૂમે
વેવઈ થોડું ભાળી વેરી નાંશ્યું ગાગર ઘૂમે…

અહીં વેવાઈને હજામ બનાવીને વતાં કરતા દર્શાવ્યા. વળી મહેનતાણું ઓછું પડતાં વેવાઈ એને ગુસ્સામાં ઢોળી દેતા બતાવાયા છે. નિર્દોષ મજાકનું આવું બીજું ઉદાહરણ જુઓ  :

મારા ઘરના પછવાડૅ રે ઊંટડી ઝોલાં ખાય
જગજી દૂધના હવાદિયા રે ઊંટડી દો’વા જાંય
એની માએ મેલ્યું પાટું રે બાપ બોલાવતા જાંય…

દૂધના સ્વાદિયા વેવાઈ જગજી ઊંટડી દોહવા જતાં લાત ખાય છે. આ જ વાત બીજા ફટાણામાં પણ છે :

ગાંમ વચ્ચે ગધેડો વિયાઈ અૅન્જિનવાળો ધીરો ધીરો
રંછો છોરો ધાબ્બા હેંડ્યો અૅન્જિનવાળો ધીરો ધીરો

ગધેડોનો પ્રયોગ કરીને ગવાતું બીજું એક ફટાણું ઉતાવળી ચાલમાં અને ઝડપથી ગવાય છે. સમૂહસ્વરોમાં એ રંગત જમાવે છે :

વાગડ દેશથી ગધેડું મંગાવો
એણે ગધેડે પેલા નરસીં બેહાડો
ગધ્ધા પરથી ખેંચી પાડ્યો… ખુડ ખુડ ખમ્મા ખમ્મા—
આપડો વેવઈ બાપડો વેવાઈ—
હાથના ભાંગ્યો પગના ભાંગ્યો—
ભાંગ્યો હાંડિયા ઉઠ્ઠ… વાગડ દેશથી ગધેડું મંગાવો…

ગાનારીઓ વેવાઈને પાન ખવરાવે છે —

એક ટકાનું પાંન મંગાવો રે/પેલા કાંનજીના દાંત રંગાવો રે…
એના દાંત રાતા ને ઓઠ કાળા/શેનાળના મેલે પાતરના સાળા રે.

આવા વાતાવરણમાંથી અચાનક ગાનારીઓ પોતાના માણસોનાં, ઘરેણાંનાં તથા રસોઈનાં વખાણ કરતું અને વેવાઈ કે જમાઈને જમતાં નથી આવડતું-નું સરસ ફટાણું ગાય છે :

કાળા તે પરનું કારેલું વીજાપરથી વાલોળો રે
શિવુભૈએ શાક સુધારિયાં હાથે ઘડિયાળ ને વીંટી રે
રમાવહુએ શાક છમકારિયાં હાથે સોનાનો ચૂડો રે
જેન્તી વેવઈ જમવાને નૂતર્યા જમણ જમતાં ના આવડે રે
વાળ્યા સે મોટા મોટા કોળિયા કૂણીએ રેલા ઉતરિયા રે
ફટ રે ગધાડીના ખોલકા મારાં ભોજન બગાડ્યાં રે
મારા ભગુભૈ તો જબરા વેવારિયા જમણ જમતાં શિખવાડે રે..
વાળ્યા સૅ નાંના નાંના કોળિયા સુન્દર મુખમાં ઉતરિયા રે…
કાળા તે પરનું કારેલું વીજાપરની વાલોળો રે…

વેવાઈઓની સાથે એમની ઘરવાળીઓને પણ યાદ કરીને ભાંડવામાં આવે છે  :

એક જ તારો ઊગ્યો વેવઈ સબરંગી રે
ઊગ્યા બેના ચાર વેવઈ સબરંગી રે
કાંતિ વેચે નાર વેવઈ સબરંગી રે
ભૂલોભૈ લેવા તિયાર વેવઈ સબરંગી રે

*


જીતુ તો કે’ સૅ મારૅ પાંચસાત બૈયરો
ઘેર જઈને જોયું તાણેં કૂતરીઓનું ટોળું રે…
છટ્ મારા ભૈના સાળા ઠઠ્ઠા શેનો મારું રે…

*


કોરો ઉકલિયો બડબડ બોલે માં’ય ગંગાજળ પાંણી રે…
નાથાની શેનાળ નાથાનૅ પૂછૅ પાલ્લાના મોટિયાર ચેવા રે…
હાથમાં દર્પણ પાંથિએ અત્તર વઉ તમનૅ લૈ જાંય એવા રે…

*


વાડામાં ખંડુળી વાઈ વાડે વેલો ચડિયો જાય
વેવઈના ઘરમાં ભીડ પડી એની બૈયર વેચવા ચાલ્યો જાય
મુંબઈ શે’રમાં ઊભી મેલી મૂલ કરવા ચાલ્યો જાય…
અણબી મો’યા કણબી મો’યા, મો’યા ઓટલવાળા જો…

*

લુણાવાડિયા સવર્ણ સમાજમાં સીમંત ખુશીનો પ્રસંગ છે. પણ બહુ મોટો પ્રસંગ નથી. સાસરેથી બેન-દીકરી સાતમે માસે પિયર આવે ત્યારે સાસરી તરફથી ઘરદીઠ કોપરાની કાચલી તથા પતાસાં પહોંચે એટલું ‘ખાવું’ આપે છે. બહેન-દીકરીનાં પિયરિયાંમાં ઘરદીઠ એ અપાય છે. પછી અનુકૂળતા પ્રમાણે સગર્ભા/તેડે આવેલી બહેનદીકરીને ગામમાં ઘરદીઠ જમવા બોલાવે છે. ઘી-કંસારનું એ જમણ બે માસ ચાલે — જેટલાં ઘર એટલા દિવસ ચાલે. બહેન-દીકરી આવાં ચોખ્ખાં ઘી-કંસાર ખાઈને નર્સિંગહોમમાં ગયા વગર સહજ રીતે જ પ્રસૂતિમાંથી પસાર થતી. સમાજગામનો આ સમૂહસહકાર યાદ કરવા જેવી વસ છે. બહેન-દીકરીની ખબર આખું ગામ રાખતું. પ્રસૂતિ બાદ બેત્રણ મહિને સાસરિયા તેડત જિયાળું આણું કરવા આવે ત્યારે દીકરીનો બાપ આખા ગામને લાડું જમાડે. આમ સમભાવનો બદલો અપાય; ગામમાં સંપ અને પ્રેમ વધે. આવી ભાવના હવે ઓછી થતી જાય છે. બાકી રહેલું કરિયાવર બહેન-દીકરીને આવા આણા વખતે અપાય છે. દીકરી પોયરા સાથે ભર્યો ખોળો લઈને પુનઃ સાસરે જાય છે ત્યારે ગામની વહુવારુઓ તથા સૈયરો એક વિદાયગીત ગાય છે — જે આંખો ભીની કરી દે એવું ભાવ-ભરપૂર હોય છે (જેમાં ‘ગૂર્જરી’ સંબોધન બહેન-દીકરી માટે ‘ગૂર્જરી’રૂપે થાય છે.)  :

ગૂજેરી દૂધદહીં ખાઈને ઉછેર્યાં રે ગૂજેરી રમણે ચડી
ગૂજેરી માતાના ખોળા કેમ છોડ્યા રે ગૂજેરી રમણે ચડી
ગૂજેરી સાસુને ખોળે જઈ બેઠાં રે ગૂજેરી રમણે ચડી
ગૂજેરી બાપુનાં આંગણ કેમ છોડ્યાં રે ગૂજેરી રમણે ચડી…
ગૂજેરી સાસરિયાંને મેડે જઈ જઈ બેઠાં રે ગૂજેરી રમણે ચડી
ગૂજેરી દાદાનો દેશ કેમ ભૂલ્યાં રે ગૂજેરી રમણે ચડી…

બહેન-દીકરીની યાદમાં આવાં ગીતો કાયમ માટે કાનમાં રવરવતાં રહે છે.