મણિલાલ હ. પટેલનાં કાવ્યો/કૃતિ-પરિચય


કૃતિ-પરિચય

‘મણિલાલ તો માણસપાડી ચીસ’

આમ તો આ શિર્ષક પંક્તિ ‘મણિલાલ આખ્યાન’ નામના કવિ મણિલાલ હ. પટેલના એક કાવ્યની છે, પરંતુ એમાં આગળ જતાં કવિએ સ્વાનુભવને સર્વાનુભવમાં ફેરવતાં લખ્યું છે કે “આમ જૂઓ તો મણિલાલ તો વ્હેળા જેવો/ઝરણાં જેવો હરણાં જેવો તરણાં જેવો તરબતરિયો / મણિલાલમાં કોયલ બોલે કાળી / મણિલાલમાં ઊભા શ્રીવનમાળી / આ મણિલાલમાં વસાનોર મણિલાલ માણસ-ભૂખ્યો છે.” કવિ મણિલાલ હ. પટેલના કાવ્યો એક તરફ ‘માણસપાડી ચીસ’ છે અને બીજી તરફ ‘માણસ-ભૂખ્યો છે’ની રીત છે. ગીત, ગઝલ, સોનેટ, અછાંદસ, દીર્ઘકાવ્ય કે ખણ્ડકાવ્ય જેવાં ૪૦૦થી વધુ કાવ્યો આપનાર કવિ મણિલાલના કુલ મળીને ૬ જેટલાં કવિતાના પુસ્તકોમાંથી થયેલું આ ચયન આપણી સમક્ષ આપણી ભાષાના એક પ્રમુખ કવિનું ઉદ્ઘાટન કરે છે. આ એવો કવિ છે જેને સામાન્યજણ પણ ચાહી અને માણી શકે. કવિતાપ્રેમીઓ પણ ગણગણાવી શકે અને કવિતાના જાણકારો (વિવેચકો) પણ તેનું ઊંચું મૂલ્યાંકન કરી શકે. ગુજરાતી કવિતાક્ષેત્રે એમણે ૧૯૭૦ના દાયકાથી રીતસરનો પ્રવેશ કર્યો છે. તેમણે શ્રેષ્ઠ કવિતા કે પછી શ્રેષ્ઠ કાવ્યસંગ્રહોનાં અનેક પારિતોષિકો મેળવ્યાં છે. ગુજરાતના નામાંકિત સામયિકો તથા કવિ સંમેલનો કે મુશાયરાઓમાં એમની કવિતાએ હંમેશા ભાવક કે શ્રોતાને ‘વાહથી આહ’ સુધીનો અનુભવ સાતત્યપૂર્વક કરાવ્યો છે. પ્રણય, પ્રકૃતિ અને જુદા-જુદા માનવસહજ ભાવોને એમણે પોતાની કવિતામાં ‘પ્રોસેસ ઑફ ફિલિંગ’ થી આગળ વધીને ‘થિંકિંગ’, ‘નોઈંગ’ અને ‘બીઈંગ’થી આલેખ્યાં છે. તેથી જ આપણે હસતાં-હસતાં કહી શકીએ કે આ કવિ ‘પ્રકૃતિરાગી’ અને ‘આદિમરાગી’થી માંડીને ‘પ્રયોગરાગી’ બન્યાં છે. પરંતુ આ પ્રયોગો એના વાંચનારને મૂંઝવે તેવા નથી, વાંચતાવેંત સમજાઈ જાય તેવાં, યુઝર-ફ્રેંડલી છે. પ્રકૃતિને માટે તેઓ જેટલી સહજતાથી વર્ણનાત્મક ચિત્રકાવ્યો લખી શકે છે તેટલી જ સહજતાથી પ્રણયરંગના ભાવકાવ્યો પણ રચી શકે છે. આ ચયન આપણને કવિ મણિલાલ હ.પટેલના નિજી અવાજનો કાવ્યમેળો પૂરો પાડે છે. સવાલ એટલો જ છે કે કવિનો આ નિજી અવાજ ક્યારે ભાવકનો અવાજ બની જાય છે, સ્વાનુભાવ ક્યારે સર્વાનુભાવ બની જાય છે, એની વાંચનારને ગમ પડતી નથી. કવિતાપ્રવાહમાં વહેવાનો એ જ તો લ્હાવો છે, જે આ કાવ્ય સંચયમાં ખોબલેને ખોબલે પડ્યો છે.

— હસિત મહેતા