મણિલાલ હ. પટેલ/મણિલાલ હ. પટેલ

મણિલાલ હ. પટેલ

ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં – ૧૯૬૦થી ૧૯૮૫ સુધી આધુનિક સાહિત્યનો પ્રભાવ રહ્યો. એમાં ઘણાં સાહિત્યસ્વરૂપોમાં નોંધપાત્ર સર્જન થયું. મણિલાલ હ. પટેલનું સર્જન એમાં આરંભાયું પહેલાં કાવ્ય અને પછી નિબંધ. આજે તો લગભગ ચાર દાયકાથી સર્જનરત એવા મણિલાલ હ. પટેલનું નામ ગુજરાતી સાહિત્યમાં સ્થિર થયેલું છે. એમણે કાવ્ય, નિબંધ, ટૂંકીવાર્તા, નવલકથા, ચરિત્રસાહિત્ય, આત્મકથા એમ એકાધિક સાહિત્ય સ્વરૂપોમાં યોગદાન આપેલું છે એ એમના બહુઆયામી સર્જક વ્યક્તિત્વની ઓળખ સમાન છે. વાત વાર્તાની જ કરીએ તો, મણિલાલ પટેલે વાર્તાલેખનની શરૂઆત કરી ત્યારે એમની સામે આધુનિકતાવાદી વાર્તાઓ હતી, એથી એમની સામે મોટો પડકાર એ હતો કે આધુનિકતાવાદી વાર્તાઓ કરતાં જુદી વાર્તા કઈ રીતે લખવી? એમની એક કેફિયતમાંથી એનો જાણે કે જવાબ મળે છે, ‘ટૂંકીવાર્તા દ્વારા હું મારા તળમાં પાછો ગયો છું. વાર્તા દ્વારા હું મારા મૂળમાં જઈને એની સાથેનું સંકુલ અને બહુપરિમાણી જગત છે એનાં પડોને ઉકેલી જોવા ચાહું છું. હું જે ઘર-માટી-સીમ-વગડો-ગામ-વતન-સમાજ પ્રજામાં રહીને ઊછર્યો છું. એના પરિસરમાં રહીને, હું મને, મારી વાર્તાને જીવનસંઘર્ષને પામવા ઓળખવા ચાહું છું.’ આમ, વાર્તાકાર મણિલાલે (અને એમના સમકાલીન વાર્તાકારોએ) તળવતનને – કહો ગ્રામજીવનને – એના વિવિધ પાસાંઓ, પ્રશ્નો, વેદન-સંવેદનને વાર્તારૂપ આપ્યું એના પરિપાકરૂપે – ચાર વાર્તાસંગ્રહ ‘રાતવાસો’, (૧૯૯૪), ‘હેલી’ (૧૯૯૫), ‘બાપાનો છેલ્લો કાગળ’ (૨૦૦૧) તથા ‘સુધા અને બીજી વાતો’ (૨૦૦૭) એ નામે મળ્યાં. જેમાં ૬૮ વાર્તાઓ ગ્રંથસ્થ છે. એ પછી બીજી વાર્તાઓ સામયિકોમાં પ્રગટ થઈ છે, એટલે લભગ ૭૫ જેટલી વાર્તાઓ મળે છે. ઉપરાંત, આ વાર્તાઓના – જુદા જુદા – ચાર સંચયો જુદા જુદા સમયે થયા છે. આ સંપાદન પાંચમું થશે. આ સંપાદનમાં – ૧૩ વાર્તાઓ પસંદ કરી છે. પ્રયત્ન એવો છે કે વાર્તાઓમાં વાર્તાકારના વિશેષો પ્રગટી રહે – અલબત્ત, પસંદગીના ધોરણને મત બીજા પણ હોઈ શકે, તો એ પણ આવકાર્ય જ તો, અહીં જ સ્પષ્ટ કરું કે અહીં બધી વાર્તાનો વિગતે આસ્વાદ કે મૂલ્યાંકન નથી કર્યું, પણ વાર્તામાં ભાવકનો પ્રવેશ થાય એવા રસસ્થાનોને ચીંધીને ખસી જવું. ‘વાર્તારસ’ વાચકને લેવા દેવો. આધુનિકતાવાદી વાર્તાઓથી જુદી વાર્તાઓ લખવાના પ્રયાસરૂપે વિદ્યાનગરમાં ‘પરિષ્કૃતિ’ નામે આંદોલન થયું એમાં અદમ ટંકારવી, અજિત ઠાકોર અને મણિલાલ પટેલે સક્રિયતા દાખવી એથી અનુઆધુનિકતાવાદી વાર્તાસર્જનને વેગ મળ્યો (એવી બીજી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું અને સામયિકોનું યોગદાન પણ હતું જ) સ્વયં મણિલાલે પણ લગભગ બે દાયકા સુધી વાર્તાલેખનમાં પ્રવૃત્ત રહીને ગ્રામચેતનાની ઘણી વાર્તાઓ આપી છે. મણિલાલની ગ્રામચેતનાની આ વાર્તાઓ નોંધપાત્ર છે. ગ્રામચેતનાના – નાનાવિધ રંગો – પંચમહાલના બાર ગોળ પાટીદાર કણબી સમાજને મિષે સમગ્ર પ્રદેશને અજવાળે છે એટલે વાર્તાના કેન્દ્રમાં ભલે ગ્રામચેતના હોય પણ એની ત્રિજ્યા દૂર દૂર લંબાય છે – અહીં સમાવેલ વાર્તાઓના આવાં ત્રણેક વર્તુળ જણાયા છે. વર્તુળ એક : ‘ડમરી’, ‘માટીવટો’, ‘બાપાનો છેલ્લો કાગળ’ જેવી વાર્તામાં વતનઝુરાપો છે – વતનવિચ્છેદ છે. અતીત ઝંખના છે. વતન સાથે એક અંતર રચીને સર્જાતી વાર્તા વેદન-સંવેદનના રૂપ તાદાત્મ્યતાથી રચે છે. આવી વાર્તાઓ ભાવકોને ભાવે છે. કહો કે વાર્તાકારની સ્વાનુભૂતિ-સર્વાનુભૂતિ બની રહે છે. પંચમહાલ પાંચે ઇન્દ્રિયથી પમાય છે. ‘ડમરી’ : રામજીના મોહભંગનું વાર્તાકારે આસ્વાદ્ય વાર્તારૂપ રચ્યું છે. ઘર છોડી શહેર કમાવા ગયેલ રામજીને વતનઘર ખેંચે છે એ ભેટસોગાદ લઈ પહોંચે છે મનમાં છે : ઘર આખું ગાંડું ગાંડું થઈ જશે. પણ એથી જુદો જ ઉષ્માહીન વ્યવહાર સ્વજનો કરે છે – અરે ખુદ માતા કરે છે – મોહભંગ થયેલા રામજીનું મન મરી જાય ને એ રજા કરતાંય વહેલો શહેર પાછો ફરી જાય – ‘ડમરી’થી ધૂળ ધૂળ શરીરને ઘસી ઘસીને ન્હાવાની ક્રિયા સૂચક બને છે. ભૂતકાળ-વર્તમાનકાળમાં આવનજાવન કરતી વાર્તાની ગતિ–ભાષા–જીવંત વર્ણન સાથે જોડાતા પાત્રોના મનોભાવથી વાર્તા સરસ બની છે. ‘માટીવટો’ : આ વાર્તામાં વીરુની અને માતાની ઘર-વતન માટે તીવ્ર લાગણીને એથી અળગાં-વિખૂટા થવાની તીવ્ર પીડાનું સંવેદનસભર રૂપ આલેખે છે. માને જૂના ઘરની માયા છે. એ ઘર કોઈ ભૌતિક વસ્તુ કે સંપત્તિ માત્ર નથી, એને છોડવા-પાડવાના વિચારમાત્રથી એ હચમચી જાય છે – આ ઘર તો મારું ખોળિયું સે બેટા – જેવા પ્રલાપથી એ બળકટ રીતે વ્યક્ત થયું છે. તો આ જૂનાં ઘરને છેલ્લીવાર જોવાને, માને મનાવવા મોટાભાઈ વીરુને કાગળ લખે છે. વીરુના આંખે થતું ઘરનું વર્ણન ઇન્દ્રિયગમ્ય તો છે જ, પાત્રના મનોભાવ સાથે પણ કેવું તો જોડાય છે! : રાતા ગારથી લીંપેલા ભીંતોવાળું ઘર, ભોંયતળિયે મોટી ઓકળીયો, માના હાથનું હેત એમાંથી જાણે પગને અડકે ને અંદર પેસે કાળજે જઈ બેસે. એ ‘ઘર’ નહીં રહે એની ફડકથી વીરું ધ્રુજી જાય છે, તો એને બનાવનાર ‘મા’ને શું ન વીતે એ બરાબર જાણે છે. વીરુ વતન આવે છે તો – રેલે નષ્ટભ્રષ્ટ કરેલું જીવન – વરવું વાસ્તવ સામે આવે છે – ચારે તરફ ઉજ્જડનો ભણકારો, ફળિયાં ઉદાસ, સૂની પરથાળ, ઓટલા પડસાળો ખાલીખમ. વીરુ મહામહેનતે માને મનાવે છે. એ પછી ઉતરતા ઘરનું વર્ણન ઉદાસીનું મૂર્ત રૂપ પ્રગટાવે છે : ‘મોભ ઊતરી ગયા હતા; વર્ષોને ઢાંકેલી દીવાલો ઉઘાડી પડી ગઈ હતી.’ – આથી લાગેલો તીવ્ર આઘાત માને મરણશરણ કરે છે ને એનો સાક્ષી થાય છે સમાનુભૂતિ ધરાવતો વીરુ. પણ વાસ્તવ તો એથીય વરવું છે – ‘કોઈ રડ્યું નહીં’ વીરુ લાચારીથી જોઈ રહે છે – મુખ્ય બારણું ઉપાડી લઈને મૂજરો સાથે છેલ્લું ટ્રેક્ટર જતું રહ્યું હતું. ફરતું કૂતરું કશુંક સૂંઘી-સૂંઘીને થોડી થોડીવારે રડતું હતું. – એ સિનેમાસદૃશ દૃશ્યાંકન છે. તો ‘માટીવટો’ – માને મળે છે એમ વીરુનેય મળ્યો છે! એવા સંકેત સાથે શીર્ષકની વ્યંજના વિસ્તરી રહે છે. ‘બાપાનો છેલ્લો કાગળ’ : પિતાની હયાતીમાં એને ન સમજી શકવાની પીડા – છેલ્લા કાગળને વાંચતા પણ ન પામતા પુત્રની તીવ્ર વેદનાની વાર્તા છે. પુત્ર રતિલાલને પિતા માટે ઘણી ફરિયાદ છે. મનમેળ રહ્યો નથી, અંતર એટલું વધ્યું છે કે મળવાનું જ બંધ થઈ જાય છે. બાપાનો છેલ્લો કાગળ એના અવસાન પછી મળે એવી ઘટના પછી પુત્ર રતિલાલ સામે ભૂતકાળ ઉખળતો રહે. દિવાળીની સફાઈ વખતે ઘરઆંગણમાં રહી કાગળ સળગાવતા – ફરી કાગળ વાંચે છે ત્યારે બાપાની પીડા વાંચે છે કેટલું વેઠ્યું એ અનુભવે છે, લાચારી સમજે છે થાય છે કે આ બાપાને તો ઓળખતો જ નહોતો, પછી બદલાયેલી મનોસ્થિતિમાં પિતાને અન્યાય કર્યાનો અપરાધબોધ અનુભવે છે ને એની તીવ્રતમ અનુભૂતિ રૂપે પોતે જ પિતા છે ને પોતાને જ ચિતામાં બાળે છે એવી ઘટનાથી વેદના તીવ્ર બની રહે છે. અહીં પિતાને તો નવા રૂપે પામે છે કથાનાયક પોતાનેય પામે છે. એવી વાર્તાક્ષણ આસ્વાદ્ય રૂપે આલેખાયું છે. બોલી-પાત્રોના વ્યક્તિત્વને પ્રગટાવે છે. તો એ જેમાં મૂકાયાં છે એ પરિવેશથી પ્રદેશ જીવંત થાય છે. સમય સંકલના– વર્તમાન, ભૂતકાળ સરસ રીતે થયું છે – આ વાધાં વાનાંથી વાર્તા કળાત્મક બની છે. વર્તુળ બે : ‘બદલી’, ‘પી.ટી.સી. થયેલી વહુ’, ‘હેલી’ જેવી વાર્તાઓમાં બાવન પાટીદાર કણબી સમાજની અંદર રહેલી વરવી વાસ્તવિકતાને પ્રગટાવે છે. સમાજમાં લગ્નવ્યવસ્થા, લગ્નસંબંધ – એનાં પ્રશ્નો – લગ્નવિચ્છેદ – સાથે શિક્ષણને લીધે આવતું સામાજિક પરિવર્તન, દેખાડા, વટ – વગેરેમાંથી ઊભા થતાં પ્રશ્નોને તીર્યક રીતે જોઈને વાર્તા રૂપ આપ્યું છે, તો સમાજના આવાં નિયમોથી વેઠતી વ્યક્તિઓનું સંવેદન પણ અહીં પ્રગટે છે. ગ્રામચેતના-નું આ વક્રરૂપ છે! ‘બદલી’ : વાર્તામાં રાયજી માસ્તરની બદલીના સમાચારે અંદરથી પડી ભાંગતી અંબાની મનોવ્યથાનું સ્પર્શક્ષમ આલેખન થયેલું છે. રાયજી માસ્તરની બદલીની પડછે અંબાના ચિત્તમાં નજીકનો દૂરનો ભૂતકાળ સળવળી ઊઠે છે. ખરે બપોરે વગડે વિલાપે ચડેલી અંબાના ચિત્તમાં – સ્મૃતિસાહચર્યથી એ આલેખાય છે. અંબા અને રાયજી માસ્તરના લગ્ન સાટા પદ્ધતિ મુજબ થયેલાં, એટલે અંબાનોે ભાઈ અને રાયજીની બહેન, અંબાનો ભાઈ નોકરિયાત હોવાથી તેને સુખી (રાયજી માસ્તરની બહેન) નથી ગમતી, પંચ વચ્ચે બન્નેની ફારગતી થાય છે ને સમાજના રિવાજ મુજબ અંબા-રાયજીને નાછૂટકે છૂટા થવું પડે છે. રાયજીની સગાઈ છેડાછૂટના બીજે જ દહાડે થઈ ગયેલી, અંબાના ચાર-છ મહિના પછી બીજા લગ્ન બીજવર – રેવજી સાથે થયાં – એ કહ્યાગરો હતો તો પણ અંબા રાયજીને ભૂલી નહોતી ને એમાં રાયજીની બદલી રેવજીના ગામમાં થઈ. રાયજી-રેવજી વચ્ચે ખેંચાતી અંબા રેવજીને બીજે બદલી કરાવી લેવાનું કહે છે – ને જ્યારે ખરેખર બદલી થઈ તો અંબા પારાવાર પીડા અનુભવે છે! અંદરથી વલોવાય છે. રેવજી અંબાને સાંત્વના આપે છે. અંબા જાણે પહેલીવાર રેવજીને જુએ છે. અંબાની મનોવ્યથા પ્રકટ કરતો પરિવેશ – ખેતરની મોચમમાંં હજી પાછોતરી મકાઈના કૂણા કાચા છોડ હતા. આકરા તાપમાં વિલાયેલા, કોક ભાંગી પડેલા અડધેથી – જે – નીંભાડા જેવી વેળા એમાં શેકાતી અંબા’ – ઉપકારક બને છે. પશ્ચાદ્‌ભૂમાં આવતો પંચમહાલનો પટેલ સમાજ એના રીતરિવાજોના ઉલ્લેખથી આછાં લસરકાથી ઊભી થતી વિષમ પરિસ્થિતિ કહેવતો, રૂઢિપ્રયોગ – ‘દેવના ઘેર દવ પડવો’, ‘નાત એટલી નઘરોળ’, ઉપકારક બને છે. રાયજી અને રેવજીમાં દોલાયમાન અંબાનું ચિત્ત માનવીય સંબંધોની સંકુલતા પ્રગટાવે છે તો અંતે બદલીના સમાચારે દુઃખી, વલોવાતી અંબા રેવજીના સ્નેહથી આર્દ્ર બને છે અને ક્યારેય મૂકીને ન જવાનું કહે છે ત્યારે ખરા અર્થમાં પતિ તરીકે સ્વીકારે છે એમ એકબીજા અર્થમાં ‘બદલી’ શીર્ષકની વ્યંજના પ્રગટે છે. રાયજીના બદલે હવે રેવજી – એમ ‘બદલી’ – સરસ રીતે વ્યક્ત થાય છે. સુંદર વાર્તા! ‘પી.ટી.સી. થયેલી વહુ’માં કહેવાતી ખોટી સામાજિક પ્રતિષ્ઠા – લગ્નવ્યવસ્થાનાં કેવાં પ્રશ્નો સર્જે ને એનાં કેવાં પરિણામ આવે એ કાંતિના લગ્ન વિશે અહીં વાર્તારૂપ પામે છે. જગોભાઈ અને એની બીજી વારની પત્ની – ધૂળીનો પુત્ર કાંતિને પૈસા આપી પીટીસી કૉલેજમાં ભણે છે એની સગાઈ તો એ ઓગણીસ દિવસનો હતો ત્યારની થઈ ગઈ હતી! પણ ધૂળીની વેવાણ અભિમાની છે એમ વાંકું પડે છે ને કાંતિ વહુને પહેલીવાર જોવા ગયો ત્યારે – વેવાણે કઢી કરી એ વાતનું વતેસર કરી ગુસ્સે થયેલી ધૂળીએ વિવાહ તોડી નાંખ્યા. ને પછી ધૂળીને કોઈએ ભરાવેલું પીટીસી થયેલી વહુ મળે તો જ કાંતિને પરણાવજે. સમાજમાં વટ પડે. આ વાતે આવી વહુ મેળવવાના તનતોડ પ્રયત્ન કરતો પિતા – મહામહેનતે પીટીસી થયેલી વહુ શોધે છે. કાંતિને એકવાર કન્યા જોવાની ઇચ્છા હતી પણ માની બીકે બોલ્યો નહોતો. જ્યારે પરણવા મંડપમાં બેઠો ત્યારે ખાસ્સી મોટી કન્યા ભાળીને ધૂળી આભ થઈ ગઈ – એ બાપ-દીકરા પર અંગારા વરસાવે છે : તમારી આંશ્યો ફૂટેલી અતી? નક્કી કરવા જ્યા તાંણે બાપ-બેટા બેય હરખા અક્કરમી! એકેયમાં વેતા ના મળે. ઉં તો અવાડીમાંથી નેકળી ને કૂવામાં પડી. તે કઉં કોને? ધૂળી મોટી ઉંમરની કાળી વહુને નકારે છે ને વહુ ગઈ તે ગઈ – ત્રણ ત્રણ વરસ ભાંજગડ ચાલી – એ નિમિત્તે પંચાતિયા – નઘરોળ નાત ને છેવટે પાંત્રીસ હજાર લઈ છૂટાછેડા કરાવ્યા! પછી પાછી પીટીસી થયેલા કાંતિની સગાઈ થતી નથી છેવટે – પીટીસી થયેલી નહીં આટ્‌ર્સ કૉલેજમાં ભણતી છોકરી પસંદ કરી. ઘરમાં ધૂળીએ કલ્પાંત મચાવ્યું પણ બહાર પડોશણ પાસે, ‘બુન આ તો પી.ટી.સી.થીય આગળનું ભણતર કહેવાય. વઉ અંગરેસી નેહાળમાં મ્હેતી થવાની.’ મન મનાવે છે પણ સગાઈને દિવસે ઝાંખી પડેલી ધૂળી અને કાંતિને કથક જોઈ રહે છે. ત્યાં વાર્તા પૂરી થાય છે. ‘પી.ટી.સી. થયેલી વહુ’ શીર્ષક તીર્યક બની રહે છે. ‘હેલી’માં મથુરકાકાની એકલતા વાર્તારૂપે આલેખાય છે. આ માટે બહાર વરસાદની હેલી ને ભીતર સ્મરણની હેલીને પાસે પાસે મૂકીને મથુરકાકાનું વિ-ગત જીવન – એની વિસંગતતાને દર્શાવી છે. નિઃસંતાન ડોહાની પીડા – વિધુર જીવન તો એના સંદર્ભો રચે જ છે પણ પડિયાં-પતરાળાં બનાવવાના કે તમાકુ ખાંડવાના ભોટવાની શોધ – એ મથુરકાકાના લાં... બા આયખાને રૂપકાત્મક રીતે મૂકી આપે છે. ભોટવાને શોધતા જાણે વીતેલાં વર્ષો – બબ્બે-ચ્ચાર એમ મળતાં જાય એ પ્રભાવક રીતે મૂકાયું છે. છેવટે ભોટવો જડ્યો ખરો, ધૂળવાળો, મેલોદાટ, ધનભાગ્ય એમાં કાકમ? પાંચ-પંદર કે પંચોતેર વર્ષ? – તમાકુ જ નહિ જિન્દગીના વર્ષો ખંડાયા છે. સર્જનાત્મક ભાષા અને બોલીથી વાર્તાનું રૂપ બંધાયેલું છે. વર્તુળ ત્રણ : નારી સંવેદનાને લક્ષ કરતી એકાધિક વાર્તાઓ અહીં છે. નારી ગામડાં હોય કે શહેર એની સંવેદનાના વિવિધ રૂપો વાર્તામાં પ્રગટે છે. ચિત્તની સંકુલતા ઘણા પડળ – રહસ્યમયી નારીના ખૂલે છે. નારીની ઇચ્છા, એષણા, સ્વપ્ન ભંગ એથી જન્મતી પીડા-હિજરાટના રૂપો – ‘ચીડો’, ‘રાતવાસો’, ‘ખેંચાયેલો વરસાદ’, ‘પડતર’, ‘મગન સોમાની આશા’, ‘પલકના સર’, ‘સાચી’ વગેરે વાર્તાઓમાં છે. અહીં કેટલીક વાર્તાઓની વાત પ્રસ્તુત છે. ‘ચીડો’ વાર્તામાં કાશી અને ભૂરીના મનોસંચલનો આલેખાયા છે. એક વિધવા મધ્યમ વયની સ્ત્રીને બીજી વયમાં આવી રહેલી કિશોરીની કામેચ્છાને પાસેપાસે મૂકી છે. ‘ચીડો’ ઘાસને નીંદવાની ક્રિયા સાથે – એને મૂળમાંથી ન કાઢીએ તો ફરી ફરી થતું રહે – જાતીય ઇચ્છાને મૂકી છે. વિધવા સ્ત્રી કાશીના પશા સાથે સંબંધ અને કુવારી કન્યા ભૂરીના મનમાં જાગતી કામેચ્છા મંગા પ્રત્યેના આકર્ષણને એમાં વળ ચડાવતી – નિશાળીયાઓની વય સહજ વાતોથી વાર્તાના તાણાંવાણાં ગૂંથાયા છે. ‘ચીડો’ કદી પૂરી ન થતી કામેચ્છાનું પ્રતીક બને છે. ‘રાતવાસો’ પણ વાલીની મનોસ્થિતિને આલેખે છે. વાલીને રમણ ગમે છે પણ, પિતાએ વાલીની સગાઈ બીજે કરી નાંખી છે. અનિચ્છાએ સાસરે તો એ ગઈ પણ એનું મન રમણમાં રોકાયેલું છે. તો એની માતા પણ પતિના મૃત્યુ પછી પોતાની ઇચ્છાઓને દબાવી રાખે છે. માતા-પુત્રીની અધૂરી ઇચ્છાઓની સહોપસ્થિતિ – નારીચિત્તની સંકુલતા પ્રગટાવે છે. એક પતિ વિના જીવતર જીવે છે ને કામેચ્છા છૂટતી નથી બીજી પતિ સાથે જીવતર જીવે છે પણ રમણને મેળવવાની ઇચ્છા એને જંપવા દેતી નથી. વાર્તાકારે સંકેતથી એ વાત મૂકી આપી છે કે વાલીનો પુત્ર રાકેશ એ રમણના પ્રેમનું જ પરિણામ છે, એ પિયર આવે છે વારંવાર રમણના વાડા તરફ જાય છે – રમણ બહારગામ ગયો હોવાથી પિયર એને ગમતું નથી. એ રાતવાસો કરી સાસરે પાછી ફરે છે. વાર્તામાં ‘રાતવાસો’ના સંદર્ભ વિસ્તરે છે! ‘ખેંચાયેલો વરસાદ’માં પશીને મનુને મેળવવાના અને મળવાની ઇચ્છા અધૂરી રહ્યાની પીડા, તો ‘પડતર’માં શહેરમાં ધંધાર્થે ગયેલો બીજવર મફત દિવાળી જેવા તહેવારે આવતો નથી એ વાતે દુઃખી રૂપાને – ગામના ઉતાર જેવો અંબાલાલ માસ્તર પડતર જમીન ખેડવી પડે કહીને પજવે છે. એથી દુઃખી રૂપાની પડતર જમીનને સસરો ખેડે છે એવી અવૈદ્યસંબંધને પ્રગટાવતી વાર્તા આ વર્તુળની છે. તો આની સાથે ‘મગન સોમાની આશા’ની નાયિકા જુદી છે – એ વિદ્રોહ કરે છે – ઘર-કુટુંબ-પિતા-પતિ સામે – સહેજેય વશ થતી નથી – પતિને! મંદબુદ્ધિવાળા પતિ સાથે પૈસા માટે લગ્ન કરાવતા પિતા સામે આશાનો વિદ્રોહ આલેખાયેલો છે, સુખી-પૈસાદાર સાસરે જાય છે પણ પતિ સાથે કોઈ સંબંધ રાખતી નથી ને છેવટે અદૃશ્ય થઈ જાય છે – આ વાર્તાની ભાષા નોંધપાત્ર છે : ‘ન ગારો થયો, ન કાદવ. વરાપની વેળા આવી જ નહિ!’ ‘પલકના સર’ અને ‘સાચી’ – એ શહેરી નારીની જુદી છબીનું વાર્તારૂપ છે – બન્નેમાં અભાવ છે. પલકનો પતિ નીરવ પ્રસાદ આરોગતો નથી – પલક ‘સર’ તરફ ઢળે છે, ‘સર’ પણ એને ન મેળવવાથી દુઃખી છે. તો ‘સાચી’માં આધેડનારી અચાનક પૂર્વપ્રેમીને જુએ છે ને વિહ્‌વળ થાય છે – પુત્રવધૂને – પૂર્વ પ્રેમની અતથી ઇતિ કહે છે – એટલું જ નહિ એ પુત્ર નમન એ સંબંધ થકી જ છે એવી સાચી વાત પ્રકટ કરી દે છે. પુત્રવધૂ – સુરતા નયન આવે છે ત્યારે એની રેખા શોધતી હોય એમ તાકી તાકીને જોઈ રહે છે. ‘સાચી’ની ‘સાચી’ વાત આસ્વાદ્ય રીતે મૂકાય છે. ભાષાકર્મ પણ નોંધપાત્ર છે. સમગ્ર રીતે, ત્રણેય વર્તુળની આ વાર્તાઓ વાર્તાકાર મણિલાલ હ. પટેલની વાર્તાઓના વિશેષોને પ્રગટાવનારી છે. વાર્તા રસિકોને આનંદ અને અભ્યાસીઓને સંતોષ આપશે એવી આશા છે. આ સંપાદન નિમિત્તે વાર્તાકારની વાર્તાસૃષ્ટિમાં ફરી જવાનું થયું, એ માટે એકત્ર ફાઉન્ડેશનના શ્રી અતુલ રાવલનો તથા આ વાર્તાશ્રેણીના સંપાદક શ્રી મણિલાલ હ. પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું.