મણિલાલ હ. પટેલ/૧. ચીડો

૧. ચીડો

ભૂરી જોઈ રહી. ચારે બાજું ઘાસ – ઘાસ ને ઘાસ માટીમાં કયાં સંતાઈ રહ્યું હશે આ આટલું બધું ઘાસ? ઉનાળે શિયાળે ઠેઠ તળિયે છૂપાઈ જતું હશે? ધરતીના કયા પડમાં, કયા પતાળમાં પેસી રહેતું હશે આ ઘાસ? જરાક ભેજ ભાળ્યો કે ઊંગી નીકળ્યું સમજો! બા સંતીકાકી સાથે વાત કરે છે. ‘બળ્યો આ ચીડો, ટેકટરથી શેડાયું તોય જતો નથી,’ ‘ ટેકટર મેલાવો કો ઓળ મેલાવો. એની ગાંઠ હૂકાય નઈ તાં લગણ એ જાય નઈ. ચીડો કુને કયો કાશીબુન ! માટીમાં અમી ઑય તાં હુદી એની ગાંઠ હૂકાય નઈ.’ સંતીકાકી છીંકણી તાણતાં બોલે છે. ‘ઘરનો ધણી ઑય તોય ઑળ મેલાઈએ, પારકું થોડી આપડી પીડ જાંણે? કરવડી મેલાઈને બેવારકો તો કરપાયો, પણ માથેથી વરહાદ મટે તો હૂકાયને? ભેંનામાં તો એને ફાવતું જડે. છાંટો અડયો નથી કે ફૂટયો નથી. ઉંતો નેંદીને થાચી.’ ‘થાચ્યે કે ના થાચ્યે. હું કર્યા વના સાલે? હેતર ને શેતી અવેર્યા વના પાકે હું? પથરા! શેતીને ફજેતી અમથી કેઈ સે? જાગે એટલે માગે–વાળી વાત સે, બુન. દેવતાને એનો ભોગ સડાયા વના સાલે કાંય?’ પશાભૈ પાંહે ભાગે શેતી કરાવું તે ઘરોબો ય થાય ને બધુંય થાય, મારી બૈ. વ્હેલા મોડી જવાનું, હાથ હંગાથ, ઊઠવા બેહવાનું. બધુંય થાય. લોકો તો પીટ્યાં તાચીને બેઠા ઑય. એમને તો વાયરો વાત કહે. વાટથી વાત ઊભી થાય. ભૂડાંને મોઠે ગળણું થોડું બંધાય સે? ‘મરવાદો મારી બૈ! અસ્ત્રીનો ગોબરો અવતાર ને પાસો કણબીને ઘેર આલ્યો. મેલો અવતાર ને માટી હંગાથે પનારું, મેલ તો ધોયે છૂટકો. હંતીકાચી! બધાંની કાયા માટીની સે. આ તો થાચ્યાંના વિહાંમા. બાચી, કરમમાં જીયાં ખાવાનાં લશ્યાં ઑત તો આવાં ડોળિયાં–ડાફોળિયાં ખાવાના ને વાંકગના વના હાંભળવાના દન તો ના આવાંત ને?’ કહેતાં કહેતા કાશી ગળગળી થઈ. અણધાર્યો જવાબ સાંભળી સંતીકાકી શોવાણાં પડી ગયાં : દેહની વાત ના કાડી ઓત તો હારું. પોતે ય ભરજોબનમાં રાંડેલાં. દેઈની ભૂખ એમનાથી ચ્યાં અજાંણી સે ? તન્ધાડે ઓચમતા ગોર મહારાજ ના આઈ જ્યા ઓત તો લાલકાકામાં પોતે લપડાઈ જ જ્યેલાંને! આ તો બાપડી અડધે મારેગ રઝળી પડી. ન ઘરની, ન ઘાટની. બુધલાનો બાપો કમુ બાંમણીને લઈને મલક ઊતરી પડ્યો. તન્ધાડાનો દંન ને આજની ઘડી. કુંજાણે, પીટ્યાને ધરતી ગળી જઈ કે. ‘એલી કાશી હૌનાં હેતરોમાં ચીડો ઓય સે. ખહલાની જાત્ય આદમી જેવી. ભેજ ભાળ્યો કે તરત મૂળ નાશ્યું જાંણો. આપડી બતી નેંદાય તાં હૂદી નેંદવાનું. અવે તો ભૂરી તારી બરોબર થઈ આઈ. કાલે બુધલો ઑળ હાંકતો થશે. લીલીહુકી તો સાલ્યા કરવાની.’ ભૂરીથી નીંદતાં નીંદતાં ચીડો ટૂપાઈ જતો હતો. બા લડતી : મૂળ હોતો ઉપડી જાય એમ પકડીને ખેંચી કાઢવાનો. ટૂપાઈ જાય તો ફેરવારકો ફુટ્યા વના નઈ રહેવાનો. ભૂરી મથતી ઘણું. તોય આ તો ચીડાની જાત, ટૂપાઈ જાય પણ મૂળ ના મેલે. ‘બા, મૂળ હોતો પોરગાર નેંદી કાડ્યો’ તો, તોય ઉણગાર પાસો ફરી ફૂટયો ચ્યાંથી?’ ‘ચ્યાંથી તે ગાંઠમાંથી. ગાંઠો તો એકેબે બળી ઑય સે? માટીની રગરગમાં હંતાઈ રેલી ઑય સે ખહલાતી જાત્ય. પાણી પડયું કે પરગટતાં વાર નંઈ.’ બાનાં વેણ પ્હેલાં આવાં ન્હોતાં. બા શાલેખ નથી બોલતી. કશીક દાઝ, બળતરા, કશાકની ન મેલાતી માંહયની પીડ. એકલી નોંધારી આથડતી–ઝૂડાતી, ખૂટતી–ખોવાતી–તૂટતી કાશીને જોઈ જોઈને ભૂરીમાં ખાસ્સી વ્હેલી સમજણ આવી ગયેલી. બાજરીના ખેતરમાં બા રડતી રડતી પશાભૈને બાઝી પડી ધ્રુસકે ચડેલી. ભૂરીથી એ નથી ભૂલાતું, પોતે બપોરી રિસેસમાં બાને ચાપાણી આપવા પાહતામાં આવેલી. બાને પંપાળતા પસવારતા પશાભૈ કહેતા હતા : ‘સૂડો કાચી કેરી કરકોલી નાખે પસે એ પાકતી નથી. કોહી જાય સે, તું તો વધારે ડાહી સે કાશી!’ ભૂરીને આજ લગી એ વાતનો ગમ પડ્યો નથી. બપોરનો તડકો. અકળામણ. ખહલું કરડે છે. વરસાદનું ઝાપટું આવી જાય છે તો હાશ થાય છે. પણ તરત નીકળતો તડકો કાશીને ડિલે ભડકા જેવો લાગતો. ઉપરની ગરમી, ભોંયનો બાફ ને માંહ્યના બળાપા. આવી ગરમ હવાની પોટલી કાયામાં બાંધીને કોણે મેલી હશે. રગરગમાં ફરતી એ પોટલી. પરપોટા જેવી. થોડી થોડી હવા નીકળતી જાય છે ને અંદર ગરમગરમ બળતરા જાગે છે. ચીડો ઉપાડતી જાય છે એમ મનમાં કાંક ફૂટતું જાય છે. ભૂરી મનોમન દા’ડા ગણે છે. હા, છેટે બેસવાનો દિવસ હવે તૈયારીમાં હતો. દોરી ખેંચીને કોઈ બાણ ચઢાવે છે. કાયામાં ખેંચ ઉપડે છે. જીવને જંપ વળતો નથી. પહેલીવાર છેટે બેઠેલી ત્યારે અંદર કોઈક જાણે લોહી ટૂંપતું હતું. એક પા ટૂપાતું એમ બીજી પા ઠેઠ માંહ્યની પા—ન પરહેવાય એવું ફરકતું ફૂટતું હતું. મકાઈનો ડોડો, એને તાજી ફૂટેલી મૂછ. ભૂરી એ સુંવાળાં મૂછિયાંવાળા ડોડાને ગાલે અડકાવતી, ગાલે ફેરવતી એમ ઝીણી-ઝીણી ઝાળ લાગવા જેવું થતું’તું. એ વસ વ્હાલી લાગેલી. કાયાને આળસ મરડી સંકોડી તો ભીંસાવાનો ભાવ જાગેલો. ભમરો ઊડ્યો હોય એમ એ દોડતી કૈલી પાસે જઈને બધું કહેવા લાગેલી. કૈલીએ એને બાથમાં ભીડી ગાલે બચી કરતાં ને કેડ્યમાં ચૂંટી ખણતાં કહેલું : ‘કાલી ના થા, મારી બુન! અવૅ તને, હમજી જાને – દેઈ જાગે તે આંનું નાંમ!’ એ લજવાઈ ગયેલી. ગાલકાન લાલ લાલ. છાતી ધકધક. ઘેર જઈ દર્પણમાં જોવા વળેલી. પોતાને પહેલીવાર જોતી હતી? લોહીમાં ગરમ હવાની પોટલી છૂટીને રગરગમાં ફેલાઈ ગયાની આવી અસર? દર્પણમાં એના ચહેરાની જોડાજોડ ઓચમતો મંગાનો મૂછફૂટેલો ચહેરો જોઈ એ ચોંકી ગયેલી. મંગો ત્યાં નહોતો. તો કોણ હતું? એ પોતે? — અંદર પરપોટા થાય છે ને ફૂટે છે ને થાય છે... એના હાથ નીંદામણને ચપોચપ ખેંચી રહ્યા છે. બોકન્દાનો છોડ ઉપાડ્યો તો લાંબો વેલો ખેંચાઈ આવ્યો.‘ટૂપાઈ ના જાય તો સારું’ ગણગણતી ભૂરી વિચારે ચઢી. પોતે કૈલી જેવું ભાગ્ય નથી લખાવી લાવી. અધવચ્ચે ભણતર મેલી દઈને એણીએ તો નોંધારી બાની મદદે જોડાઈ જવાનું થયું. કૈલી પી.ટી.સી. કૉલેજમાં ગઈ. ભણતાં ત્યારે તો કેવા કોડ હતા. શનિવારનો પી.ટી.નો સમય. મેદાનમાં હારબંધ ઊભેલા છેકરા. ખાખી ચડ્ડી ને સફેદ શર્ટ. એમના ઢીંચણ નીચેના ભાગ પર ભૂરા ભૂરા વાળ કાળા થતા જતા હતા. એમની ઊજળી ઊજળી ઠેઠ મૂળ સુધી જતી સાથળોને છાનીમાની જોઈ લેતી આંખો. છોકરીઓનાં ફૂગ્ગો થતાં ફ્રોક ને ઊડતાં સ્કર્ટ વેળા છૂપું છૂપું જોઈ લેતા છોકરાઓ. ભૂરીની આંખે પકડાઈ જતી એ આંખો. ડ્રમનાં તાલબદ્ધ અવાજે કસરત કરતાં શરીરમાં આવો જ ગરમાવો આવી જતો. બગલ પરસેવે ભીની થતી. શરમ લાગતી. કોકની નફ્ફટ આંખો એ ય જોઈ લેતી. વર્ગમાં પાટલી નીચે હાથ ઘાલીને નટ્યો કૈલાની કેડમાં અણિયાળી પોન્સિલ ઘોંચતો... ગામમાં ચોતરા–ઓટલાની ભીંતે નબળા છોકરા ગંદુગોબરું લખતા. નકામા ખહલા જેવું ગૂંચવાયલું. ગરબડ ગોટાળિયું. મૂવા, મૂતરડીમાં જઈને લખી આવતા. છોકરીઓનાં નામ એમની હાર્યે જોડાતા. એકવાર કૈલીનું નામ નટુ સાથે મૂતરડીમાં જોડાયેલું પછી તો ચોરાના ઓટલા લગી આવી ગયેલું. કૈલી તો મૂઈ, બિન્ધાસ્ત ! ભૂરીને થયેલું કે પોતાનું નામ પણ મંગા હાર્યે લખાય તો કેવું સારું! આવું કેમ થયું હશે? શું એ માત્ર ભોળપણ હશે? વિચારે ચઢેલી ભૂરીને ખ્યાલ ન રહ્યો કે એના હાથે ચીડો ટૂપાઈ રહ્યો છે ને ચીડા સાથે વાવેલા છોડ પણ ઉખડી રહ્યા છે... મંગાની વાત આવે છે ને બળ્યું સતપત થાય છે. ગયા મેળામાં પડાપડીમાં ચગડોળમાં બેસવાનું થયું ત્યારે પણ મંગા સાથે બેસવા ના મળેલું. વળતાં ઊભી વાટે એનો ચચરાટ રહેલો. હજી ઊંડો ઊંડો એ વલોપાત છે. ને મંગો? સાવ સાદોસીધો, એના દોસ્તારોમાં ગુલતાન. ના, ના, એનો જીવ રેવા કે’ છે એમ કૈલીમાં. ચીડો ઉપાડતા એના હાથ થંભી ગયા. ઉપરતળે ચોંટી ગયેલી કનડીની જોડ્યોને એ જોઈ રહી. લોહીમાં થઈને લખલખુ પસાર થઈ જતું હતું? રાતી પૂંછડીવાળા કાળિયા ઘાંચી અને નાના ભીંગારા પણ એકબીજાને ચપોચપ ચોંટીને ગબડે છે. મૂઈ, રેવા તો કેવું કેવું કહેતી’તી! એવું ગંદુ તે કોઈ...ના, ના... ભૂરીને તાજા લીલાછમ ટટ્ટાર પાનઠોવાળા ચીડાના છોડની હારોમાં કસરત માટે ઊભેલા છોકરાઓની ભ્રમણા થઈ. એ ઊભી થઈ ગઈ. ટટ્ટાર ચીડાની તીણી અણી પર એણે ઓચમતો પગ દાખ્યો... અણી ખૂંપવાને બદલે વળી ગઈ. શરીર પરસેવે તર. તડકો કરડતો લાગે છે. પાણી પીવા શેઢે જવા વળી. પોચી માટીમાં પગ ખૂંચતા હતા. એ માટીમાં અંગૂઠો આંગળાં દબાવવાની રમતે ચડી. પગને તળિયે ગલીપચી થાય છે એનો વીજળી સળાવો ઠેઠ સાથળના મૂળ લગી અનુભવતી ભૂરી બધે પથરાઈ ગયેલા ઘાસને જોતી, શેઢાના ઘાસને પંપાળતી પસવારતી ઘાસમાં ખોવાઈ જાય છે. વાડે, પડતરે, વગડે, પથરાળી ટેકરીને માથે પણ ઘાસ ઘાસ....ભૂમહું, બાવચી, ગંધીલું, લાંબડું, કરકડિયું, ગોબરકલાર, લૉપ–ભાત–ભાતનું ઘાસ. દરેકનો તોર જુદો. રૂપ, રંગ, ગંધ નોખાં. એ ય મનેખ જેવું! ભૂરીને થાક લાગ્યો. કાશી બૂમ પાડી ભૂરીને કહે છે.‘ઉપાડેલો ચીડો ટોપલામાં ભર્ય, અવે ઘેર જઈએ. બુધલો ય ભેહ દવરાઈને પાસો આયો અશે–ભૂશ્યોનં તરહયો.... ચીડાનો ટોપલો ભરતી ભૂરીને સિસોટી સંભળાતી હતી. ભેંસ દવરાવતાં આદમી વગાડે એવી સિસોટી. એકવાર નિશાળ છૂટેલી. ગોંદરે ચાર છ ભેંસો. બાજુના ગામવાળા દવરાવવા લઈ આવેલા. પેલા ગામના ઉતાર જેવા નિશાળયા, ભૂંડા. એકબીજાને આંખમીંચકારીને, છોકરીઓને સંભળાવવા કહેતા’તાઃ ‘ભેંહો મેળે આઈ સૅ લ્યા, હારો વર હોધવા...!’ ઘાસનો ભારો બાંધતી કાશીને વેતર આવેલી, રેકમરેકા કરતી ભેંસ ભળાય છે. ખૂટો ઉખાડતી, દામણું તોડતી, દોટમદોટા કરીને જૂત ઉડાડતી, રેંકી રેંકીને ગામ ગજવતી ભેંસ. વાહરે મારી બાઈ, દીકરી પરણાવવા જેવડી થઈ તોય તને આવા આળવીતરા વિચારો— આ ડૉરો તો દાબ્યે જ છૂટકો. કઠ્ઠણ છાતી ને માંસલ ડિલ. કાશી ડાબરાના પાણીમાં ચીડો ધોઈધોઈને નીતારે છે. ધોયલો ચીડો ટોપલામાં ભરતી ભૂરી ઓચિંતું કાશીને પૂછે છે : ‘બા આ કલાર ને બોકન્દુ ચુમાહે થાંય; ચીલ એખરા શિયાળે. તાણે આ ચીડો ચ્યમ બારે મઈના?’ ‘દઈવ જાંણે ગાંઠાળી જાત્ય. અમથી અવા લાગે નં ફૂટે. બધાનું બી ખોવાય પણ ચીડાનું નઈ ખોવાય. ધરતી બી ખોતી નથી એ કે’ત ચીડો હાચી પાડે સે.’ પશાભૈને બોલાઈ ને કે’વું કે એકવાર પાહતાવાળા ખેતરમાં કરવડી મેલીને ચીડો ઉખેડી આલૅ : ટેમ ઑય તો બાંમણિયાનું પડતર ટેકટરથી હારપી દે. પડતર ઑય તોય અવેરવું તો પડે. એમાં તો બેફટ ચીડો વકર્યો સે. કાશી જુવે છેઃ સાંજે ઘરમાં બધું રેન્ડેફંડે પડેલું. કામના ઢગલા. થાક અને કંટાળો. આ પડતર, ચીડો ને ખહલા પર પૂળો પડે તે... બળ્યું આ મન ને બળ્યો આ મનેખનો અવતાર. ચ્યારેય નઈ ને આજે બળ્યું આવું ચ્યમ થાય સૅ. વરાપેલા ખેતરમાં પાછું પાણી પૅસૅ એવું.... બાની મોકલેલી ભૂરી–પશાભૈને બોલાવવા જતી ચોતરે ઊભી ઝાંખા અંધારે ભીંતને ભાળી રઈ. અહીં કનુ કોહ્યલા સાથે એનું નામ અળવીતરાંએ લખેલું સાંભળતાં જ ભૂરી અંધારે દોડીને કનુનું નામ ભૂંસી આવેલી. પોતાનું નામ કેમ ન્હોતું ભૂસ્યું ? અટાણે એ નામ ઉકેલવા મથતી હતી. જોડમાં મંગાનું નામ લખવા હાથ લવકતો હતો. પશાભૈને ત્યાંથી વળતી ભૂરી ભૂધર બાંમણના ઘર પાસે નીકળે છે. આ ભૂધરિયાએ એને ચિઠ્ઠી લખેલી. રોયો કહે કે ‘લવ લેટર છે’ રિસેસમાં મૂતરડી પાસે બોલાવીને આપેલી. એ તો બી ગયેલી. ડીલે કંપ. છાતીમાં ડૂમો, કપાળે પરસેવો. ધ્રુજતા હાથે ચિઠ્ઠી ઊઘાડી વાંચેલું : વાસમ્હાલી ભૂસમૂરી હું સમું તસમને પ્રસમેમ કસમરું છુંસમું.

લિસમિખીતસમંગ અસમણિયાળી પેસમેન્સિલ

એ પસાર થતી ત્યારે છોકરા બોલતા ભૂસમૂસ ધસમર લસમસવસમર રોયાપેન્સિલ બતાવતા, ભૂરી–દોડતી ઘર ભેગી થઈ જતી... મંગાની ફળીમાં મંગાના ઘરને જોતી જોતી ભૂરી ઘેર આવી ખાઈપીને સૂવા પડી. આંખો ઘેરાવા માંડી ત્યારે પશાભૈ આવ્યા. આંખો ઘેરાઈ, મીંચાઈ. બુધલો તો ક્યારનો ઘોર બોલાવતો તો. ભૂરીની ઊંઘમાં મંગાનું ખેતર. માથોડું મકાઈમાં એ ચીડો ઉપાડે છે. વચ્ચે–વચ્ચે મંગો અને એ બથોબથ. ઘડીમાં ભીંસ તો ઘડીમાં બચીઓ. ઘડીમાં ખોળે તો ઘડીમાં માળે. મેળાનું ચગડોળ વચ્ચે હડસેલાતું–ચક્કર ભમ્મર ફરતું અણીદાર ચીડો અંગે પેન્સિલ જેવું ભોકાંતો’ તો. એ એને ચાવી ચાવીને—. ખાટાતૂરા સ્વાદથી એનું મોઢું ભરાઈ ગયું. એણે હાક થૂ–થૂકી નાખ્યું. અચાનક જાગી જવાયું. આખા ઘરમાં હમણાં જ પીવાઈ ગયેલી બીડીની વાસ ફરી વળી છે. ઝાંખા અજવાળામાં ટોપલાનો ચીડો ચીમળાયેલો ભેંસની ગમાણમાં અડધો ખવાયેલો વેર વિખરે... બા હજી હમણાં જંપી હશે એમ લાગ્યું. જાણે ધરાયેલી એની છાતી સાડલો વટાવીને બ્હાર આવી ગઈ હતી. તરસ લાગી. પાણિયારે ગઈ. કોઈ જીવડું ઊડયું કે શું દીવો ભપ દઈને રાત થઈ ગયો. ભૂરી છળી તોય સંભાળીને ખાટલે વળી...પછી તંદ્રામાં કયાંક સુધી ચીડો ટૂંપતી રહી. બે દિવસ કેડયે ખેતરે ગઈ ત્યારે કૂતરાંની ટોળી સૂંઘારે સૂઘારે સીમ આવી ગયેલી. પશાભૈએ ઉખેડેલો ચીડો તથા એની ગાંઠો ખોળી ખોળીને બા ભેગાં કરતી’તી. નવી નવી ગાંઠો નીકળતી જતી’તી. એ જોઈ રહી— નીંદેલા ખેતરમાં ફરી ચીડો ફૂટી આવ્યો છે. કેવો તો છટાદર લીલીકચ અણિયાળી પાનઠો! ના ના પોતે કે ગમે એય ચીડાને નહીં પહોંચી શકે, કદી નહીં... તોય નીંદયા વિના છૂટકો છે કાંઈ! ભૂરી ખેતરમાં પેઠી.